ધર્માનુપ્રેક્ષા ]
અર્થઃ — આમ વિચાર કરે કે – શું જીવદયા ધર્મ છે કે યજ્ઞમાં પશુઓનો વધ કરવારૂપ હિંસા છે તે ધર્મ છે? ઇત્યાદિ ધર્મમાં સંશય થાય તે શંકા છે અને તેવી શંકા ન કરવી તે નિઃશંકિત (ગુણ) છે.
ભાવાર્થઃ — અહીં ‘આદિ’ શબ્દથી એમ કહ્યું છે કે – દિગંબર યતિનો જ મોક્ષ છે કે તાપસનો — પંચાગ્નિ આદિ તપ કરે છે તેમનો – પણ છે? અથવા દિગમ્બરનો જ મોક્ષ છે કે શ્વેતામ્બરનો પણ છે? અથવા કેવલી કવલાહાર કરે છે કે નથી કરતા? અથવા સ્ત્રીનો મોક્ષ છે કે નહિ? અથવા જિનદેવે વસ્તુને અનેકાન્ત કહી છે તે સત્ય છે કે અસત્ય? આવી આશંકા ન કરવી તે નિઃશંકિત અંગ છે.
અર્થઃ — નિશ્ચયથી દયાભાવ જ ધર્મ છે પણ હિંસાભાવને ધર્મ કહી શકાય નહિ આવો નિશ્ચય થતાં સંદેહનો અભાવ થાય છે, તે જ નિર્મલ નિઃશંકિતગુણ છે.
ભાવાર્થઃ — અન્યમતીએ માનેલ જે વિપરીત દેવ-ધર્મ-ગુરુનો વા તત્ત્વના સ્વરૂપનો સર્વથા નિષેધ કરી જિનમતમાં કહેલું શ્રદ્ધાન કરવું તે નિઃશંકિતગુણ છે. જ્યાં સુધી શંકા રહે ત્યાં સુધી શ્રદ્ધાન નિર્મળ થાય નહિ.
હવે નિઃકાંક્ષિતગુણ કહે છેઃ —