અર્થઃ — જે મહામુનિ પૂજાઆદિમાં તો નિરપેક્ષ છે અર્થાત્
પોતાનાં પૂજા – માહાત્મ્ય આદિને ઇચ્છતા નથી, સંસાર – દેહભોગથી
વિરક્ત છે, સ્વાધ્યાય ધ્યાનાદિ અંતરંગતપમાં પ્રવીણ છે અર્થાત્ ધ્યાન
– અધ્યયનનો નિરંતર અભ્યાસ રાખે છે, ઉપશમશીલ અર્થાત્
મંદકષાયરૂપ શાંતપરિણામ જ છે સ્વભાવ જેનો તથા જે મહાપરાક્રમી
અને ક્ષમાદિ પરિણામ યુક્ત છે એવા મહામુનિ મસાણભૂમિમાં,
ગહનવનમાં, જ્યાં લોકની આવ – જાવ ન હોય એવા નિર્જનસ્થાનમાં,
મહા ભયાનક ગહન વનમાં તથા અન્ય પણ એવા એકાન્તસ્થાનમાં રહે
છે તેને નિશ્ચયથી આ વિવિક્તશૈયાસનતપ હોય છે.
ભાવાર્થઃ — મહામુનિ વિવિક્તશૈયાસનતપ કરે છે. ત્યાં એવા
એકાન્તસ્થાનમાં તેઓ સૂવે – બેસે છે કે જ્યાં ચિત્તમાં ક્ષોભ કરવાવાળા
કોઈ પણ પદાર્થો ન હોય, એવાં સૂનાં ઘર, ગિરિગુફા, વૃક્ષનાં કોતર,
ગૃહસ્થોએ પોતે બનાવેલા ઉદ્યાન – વસ્તિકાદિક, દેવમંદિર તથા
મસાણભૂમિ ઇત્યાદિ એકાન્તસ્થાન હોય ત્યાં ધ્યાન-અધ્યયન કરે છે,
કારણ કે તેઓ દેહથી તો નિર્મમત્વ છે, વિષયોથી વિરક્ત છે અને
પોતાના આત્મસ્વરૂપમાં અનુરક્ત છે. એવા મુનિ વિવિક્તશૈયાસનતપ
સંયુક્ત છે.
હવે કાયક્લેશતપ કહે છેઃ —
दुस्सहउवसग्गजई आतावणसीयवायखिण्णो वि ।
जो ण वि खेदं गच्छदि कायकिलेसो तवो तस्स ।।४५०।।
दुस्सहोपसर्गजयी आतापनशीतवातखिन्नः अपि ।
यः न अपि खेदं गच्छति कायक्लेशं तपः तस्य ।।४५०।।
અર્થઃ — જે મુનિ દુસ્સહ ઉપસર્ગને જીતવાવાળા હોય, આતાપ
– શીત – વાતથી પીડિત થવા છતાં પણ ખેદને પ્રાપ્ત ન થતા હોય, તથા
ચિત્તમાં ક્ષોભ – ક્લેશ ન ઊપજતો હોય તે મુનિને કાયક્લેશ નામનું તપ
હોય છે.
દ્વાદશ તપ ][ ૨૫૭