૨૭૨ ]
દુઃખકારી સામગ્રીનો સંયોગ થતાં તેને દૂર કરવાનું ધ્યાન રહે, તથા બીજું ઇષ્ટ – સુખકારી સામગ્રીનો વિયોગ થતાં તેને ફરીથી મેળવવાનું ચિંતવન – ધ્યાન રહે તે આર્ત્તધ્યાન છે. અન્ય ગ્રંથોમાં તેના ચાર ભેદ કહ્યા છે — ઇષ્ટવિયોગનું ચિંતવન, અનિષ્ટસંયોગનું ચિંતવન, પીડાનું ચિંતવન તથા નિદાનબંધચિંતવન. અહીં બે કહ્યા તેમાં આ ચારેય ગર્ભિત થઈ જાય છે. અનિષ્ટસંયોગ દૂર કરવામાં પીડા – ચિંતવન આવી જાય છે તથા ઇષ્ટને મેળવવાની વાંચ્છામાં નિદાનબંધ આવી જાય છે. એ બંને ધ્યાન અશુભ છે, પાપબંધ કરનારાં છે; માટે ધર્માત્મા પુરુષોએ તે તજવા યોગ્ય છે.
અર્થઃ — જે પુરુષ હિંસામાં આનંદયુક્ત હોય, અસત્યવચનરૂપ પરિણમતો રહે અને ત્યાં જ વિક્ષિપ્તચિત્ત રહે તેને રૌદ્રધ્યાન હોય છે.
ભાવાર્થઃ — જીવઘાત કરવો તે હિંસા છે. એ કરીને જે અતિ હર્ષ માને, શિકારાદિમાં અતિ આનંદથી પ્રવર્તે, પરને વિઘ્ન થતાં અતિ સંતુષ્ટ થાય, જૂઠવચન બોલી તેમાં પોતાનું પ્રવીણપણું માને તથા પરદોષ નિરંતર દેખ્યા કરે – કહ્યા કરે અને તેમાં આનંદ માને તે બધું રૌદ્રધ્યાન છે. એ પ્રમાણે આ બે ભેદ રૌદ્રધ્યાનના કહ્યા.
હવે (રૌદ્રધ્યાનના) બીજા બે ભેદ કહે છેઃ —