અશરણાનુપ્રેક્ષા ]
અર્થઃ — જે સંસારમાં દેવોના ઇન્દ્રોનો પણ વિનાશ જોવામાં આવે છે, જ્યાં હરિ અર્થાત્ નારાયણ, હર અર્થાત્ રુદ્ર અને બ્રહ્મા અર્થાત્ વિધાતા તથા અદિ શબ્દથી મોટા મોટા પદવીધારક સર્વ કાળ વડે કોળિયો બની ગયા તે સંસારમાં શું શરણરૂપ છે? કોઈ પણ નહિ.
ભાવાર્થઃ — શરણ તેને કહેવાય કે જ્યાં પોતાની રક્ષા થાય, પણ સંસારમાં તો જેનું શરણ વિચારવામાં આવે તે પોતે જ કાળ પામતાં નાશ પામી જાય છે, ત્યાં પછી કોનું શરણ?
હવે તેનું દ્રષ્ટાંત કહે છેઃ —
અર્થઃ — જેમ જંગલમાં સિંહના પગ તળે પડેલા હરણને કોઈ પણ રક્ષણ કરવાવાળું નથી તેમ આ સંસારમાં કાળ વડે ગ્રહાયેલા પ્રાણીને કોઈ પણ રક્ષણ આપી શકતું નથી.
ભાવાર્થઃ — જંગલમાં સિંહ કોઈ હરણને (પોતાના) પગતળે પકડે ત્યાં તેનું કોણ રક્ષણ કરે? એ જ પ્રમાણે આ, કાળનું દ્રષ્ટાંત જાણવું. હવે એ જ અર્થને દ્રઢ કરે છે.