નિર્જરાનુપ્રેક્ષા ]
અર્થઃ — પ્રથમોપશમસમ્યક્ત્વની ઉત્પત્તિ વખતે ત્રણ કરણવર્તી (અધઃકરણ-અપૂર્વકરણ-અનિવૃત્તિકરણ એ ત્રણ કરણમાં વર્તતા) વિશુદ્ધપરિણામ સહિત મિથ્યાદ્રષ્ટિને જે નિર્જરા થાય છે, તેનાથી અસંયતસમ્યગ્દ્રષ્ટિને અસંખ્યાત ગણી નિર્જરા થાય છે. તેનાથી દેશવ્રતી શ્રાવકને અસંખ્યાત ગણી થાય છે અને તેનાથી મહાવ્રતી મુનિજનોને અસંખ્યાત ગણી થાય છે.
તેનાથી અનંતાનુબંધીકષાયનું વિસંયોજન કરવાવાળાને એટલે તેને અપ્રત્યાખ્યાનાવરણદિરૂપે પરિણમાવનારને અસંખ્યાત ગણી થાય છે, તેનાથી દર્શનમોહનો ક્ષય કરવાવાળાને અસંખ્યાત ગણી થાય છે, તેનાથી ઉપશમશ્રેણીવાળા ત્રણ ગુણસ્થાનવર્તીને અસંખ્યાત ગણી થાય છે અને તેનાથી અગિયારમા ઉપશાંતમોહ ગુણસ્થાનવાળાને અસંખ્યાત ગણી થાય છે.
તેનાથી ક્ષપકશ્રેણીવાળા ત્રણ ગુણસ્થાનમાં અસંખ્યાત ગણી થાય છે, તેનાથી બારમા ક્ષીણમોહગુણસ્થાનમાં અસંખ્યાત ગણી થાય છે, તેનાથી સયોગકેવલીને અસંખ્યાત ગણી થાય છે, તથા તેનાથી અયોગકેવલીને અસંખ્યાત ગણી થાય છે. એ પ્રમાણે ઉપર ઉપર અસંખ્યાત ગુણાકારરૂપ નિર્જરા છે તેથી તેને ગુણશ્રેણી નિર્જરા કહીએ છીએ.
હવે ગુણાકાર રહિત અધિકરૂપ નિર્જરા જેનાથી થાય છે તે અહીં કહીએ છીએઃ —