લોકાનુપ્રેક્ષા ]
જન્મથી માંડીને સાત દિવસ સુધીના, મેંઢાના વાળના અગ્રભાગ વડે, ભૂમિ સમાન અત્યંત દાબીને ભરવો; એ પ્રમાણે ભરતાં તે ખાડામાં પિસ્તાળીસ અંકો પ્રમાણ રોમ સમાય છે. તેમાંથી દર સો સો વર્ષ વીત્યે એક એક રોમ કાઢવો; એ પ્રમાણ કરતાં એ ખાડો તદ્દન ખાલી થતાં જેટલાં વર્ષ થાય તેટલાં વર્ષને એક વ્યવહારપલ્ય કહે છે. એ વર્ષોના અસંખ્યાત સમય થાય છે.
વળી એક એક રોમના, અસંખ્યાત કરોડ વર્ષના જેટલા સમય થાય, તેટલા તેટલા ખંડ કરવામાં આવે તે ઉદ્ધારપલ્યના રોમખંડ છે અને તેટલા સમય ઉદ્ધારપલ્યના છે.
એ ઉદ્ધારપલ્યના અસંખ્યાત વર્ષના જેટલા સમય થાય તેટલા, એક એક રોમના ખંડ કરતાં એક અદ્ધાપલ્યના રોમખંડ થાય છે, તેના સમય પણ તેટલા જ છે. દશ કોડાકોડી પલ્યનો એક સાગર થાય છે.
વળી એક પ્રમાણાંગુલપ્રમાણ લાંબા અને એક પ્રદેશપ્રમાણ પહોળા ઊંચા ક્ષેત્રને એક સૂચ્યંગુલ કહીએ છીએ. તેના પ્રદેશ અદ્ધાપલ્યના અર્ધછેદોનું વિરલન કરી એક એક અદ્ધાપલ્ય તે ઉપર સ્થાપી પરસ્પર ગુણતાં જે પ્રમાણ આવે તેટલા તેના પ્રદેશ છે. તેના વર્ગને એક પ્રતરાંગુલ કહીએ છીએ. સૂચ્યંગુલના ઘનને એક ઘનાંગુલ કહીએ છીએ. એક અંગુલ લાંબા, પહોળા અને ઊંચા ભાગને ઘનાંગુલ કહીએ છીએ. સાત રાજુ લાંબા અને એક પ્રદેશપ્રમાણ પહોળા ઊંચા ક્ષેત્રને એક જગત્શ્રેણી કહીએ છીએ. તેની ઉત્પત્તિ આ પ્રમાણે છેઃ
અદ્ધાપલ્યના અર્ધછેદોના અસંખ્યાતમા ભાગના પ્રમાણનું વિરલન કરી એક એક ઉપર ઘનાંગુલ આપી પરસ્પર ગુણતાં જે રશિ આવે તે જગત્શ્રેણિ છે. જગત્શ્રેણિનો વર્ગ છે તે જગત્પ્રતર છે અને જગત્શ્રેણિનું ઘન છે તે જગત્ઘન છે. તે જગત્ઘન સાત રાજુ લાંબો, પહોળો, ઉંચો છે. એ પ્રમાણે લોકના પ્રદેશોનું પ્રમાણ છે અને તે પણ મધ્યમ અસંખ્યાતનો ભેદ છે. એ પ્રમાણે અહીં સંક્ષેપમાં ગણિત કહ્યું; વિશેષતાપૂર્વક તો તેનું કથન ગોમ્મટસાર ને ત્રિલોકસારમાંથી જાણવું.