૭૦ ][ સ્વમિકર્ત્તિકેયાનુપ્રેક્ષા
દ્રવ્યમાં સૂક્ષ્મ તો પુદ્ગલપરમાણુ, ક્ષેત્રમાં આકાશનો પ્રદેશ, કાળમાં સમય તથા ભાવમાં અવિભાગપ્રતિચ્છેદ. એ ચારેને પરસ્પર પ્રમાણ સંજ્ઞા છે. અલ્પમાં અલ્પ તો આ પ્રમાણે છે તથા વધારેમાં વધારે દ્રવ્યમાં તો મહાસ્કંધ, ક્ષેત્રમાં આકાશ, કાળમાં ત્રણે કાળ તથા ભાવમાં કેવળજ્ઞાન જાણવું. કાળમાં એક આવલીના જઘન્યયુક્તાસંખ્યાત સમય છે, અસંખ્યાત આવલીનું એક મુહૂર્ત છે, ત્રીસ મુહૂર્તનો એક રત્રિદિવસ છે, ત્રીસ રત્રિદિવસનો એક માસ છે અને બાર માસનું એક વર્ષ છે. ઇત્યદિ જાણવું.
હવે પ્રથમ જ લોકાકાશનું સ્વરૂપ કહે છેઃ —
અર્થઃ — આકાશદ્રવ્યનો ક્ષેત્ર-પ્રદેશ અનંત છે. તેના અતિ મધ્યદેશમાં અર્થાત્ વચ્ચોવચ્ચના ક્ષેત્રમાં રહે છે તે લોક છે. તે (લોક) કોઈએ કર્યો નથી તથા કોઈ હરિહરદિએ ધારેલો વા રાખેલો નથી.
ભાવાર્થઃ — અન્યમતમાં ઘણા કહે છે કે — ‘‘લોકની રચના બ્રહ્મા કરે છે, નારાયણ રક્ષા કરે છે, શિવ સંહાર કરે છે; કાચબાએ વા શેષનાગે તેને ધારણ કર્યો છે, પ્રલય થાય છે ત્યારે સર્વ શૂન્ય થઈ જાય છે અને બ્રહ્મની સત્તા માત્ર રહી જાય છે તથા એ બ્રહ્મની સત્તામાંથી (ફરીથી) સૃષ્ટિની રચના થાય છે.’’ — ઇત્યદિ અનેક કલ્પિત વાતો કહે છે. તે સર્વનો નિષેધ આ સૂત્રથી જાણવો. આ લોક કોઈએ કરેલો નથી, કોઈએ (પોતાના ઉપર) ધારણ કરેલો નથી તથા કોઈથી નાશ પામતો નથી, જેવો છે તેવો જ શ્રી સર્વજ્ઞે દીઠો છે અને તે જ વસ્તુસ્વરૂપ છે.
હવે આ લોકમાં શું છે? તે કહે છેઃ —