Atmadharma magazine - Ank 095
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 23
single page version

background image
: ૨૪૪ : આત્મધર્મ : ૯૫
[૩૪] ‘પુરુષ પ્રમાણે વચન પ્રમાણ’
પુરુષ પ્રમાણે વચન પ્રમાણ–પુરુષની પ્રમાણતા અનુસાર તેના વચનની પ્રમાણતા હોય છે. પૂર્ણ પુરુષને
ઓળખ્યા પછી તેનાં વચનોને પ્રમાણ જાણીને, તેમાં કહેલા વસ્તુસ્વરૂપને ધર્મી જીવો સમજી જાય છે. જો પુરુષની
પ્રમાણતા ન હોય તો વાણી પણ પ્રમાણરૂપ નથી, અને જેને નિમિત્ત તરીકે પ્રમાણભૂત વાણી નથી તેને પોતાના
નૈમિત્તિકભાવમાં પણ જ્ઞાનની પ્રમાણતા નથી. પ્રમાણજ્ઞાનમાં નિમિત્ત તરીકે પ્રમાણરૂપ વાણી જ હોય એટલે કે
સત્ સમજવામાં જ્ઞાનીની જ વાણી નિમિત્ત હોય, અજ્ઞાનીની વાણી નિમિત્ત ન હોય. સર્વજ્ઞ પુરુષને ઓળખ્યા
વગર તેના વચનની પ્રમાણતા સમજાય નહિ અને તે વગર આત્માની સમજણ થાય નહીં. માટે સૌથી પહેલાંં
સર્વજ્ઞનો નિર્ણય અવશ્ય કરવો જોઈએ.
[૩૫] ધર્મની શરૂઆત કઈ રીતે થાય?
અહો, જગતના જીવોએ આત્માની વાત પોતાની કરીને અનંતકાળમાં કદી સાંભળી નથી; ધર્મના બહાને
પરના અહંકારમાં અટક્યો છે, ને બહું તો શુભભાવને જ ધર્મ માનીને સંતોષાઈ ગયો છે, પણ જેના આધારે ધર્મ
થાય છે એવા આત્મસ્વભાવને કદી સમજ્યો નથી. વ્રતનો શુભવિકલ્પ ઊઠે તેને જે ધર્મ માને તે પણ મિથ્યાદ્રષ્ટિ
છે. લૂગડાં છોડી દીધે કે પાટ ઉપર બેસે કાંઈ આત્મકલ્યાણ થઈ જતું નથી. અંતરમાં ત્રિકાળ શુદ્ધ આત્મા કેવો છે
અને તે કેમ પ્રગટે? એના ભાન વગર ધર્મ થાય નહિ. ક્ષણિક પુણ્ય–પાપ રહિત, આત્માનો જ્ઞાન–સ્વભાવ છે,
તેમાં પૂર્ણ જ્ઞાનસામર્થ્ય ભર્યું છે–તેની ઓળખાણથી ધર્મની શરૂઆત થાય છે. એવી ઓળખાણ કરવા માટે પ્રથમ
તો જેમને પૂર્ણ જ્ઞાનસામર્થ્ય ખીલી ગયું છે એવા સર્વજ્ઞદેવનું સ્વરૂપ જાણવું જોઈએ.
[૩૬] સર્વજ્ઞ ક્યાં છે? અને કેવા હોય?
અત્યારે આ ભરતક્ષેત્રમાં કોઈ સર્વજ્ઞ વિચરતા નથી, તો આ જગતમાં બીજું કયું ક્ષેત્ર છે કે જ્યાં અત્યારે
સર્વજ્ઞદેવ વિચરતા હોય! અત્યારે આ પૃથ્વી ઉપર મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધર ભગવાન વગેરે વીસ તીર્થંકરો
અને અનેક કેવળી ભગવંતો સર્વજ્ઞપણે વિચરી રહ્યા છે. એટલે સર્વજ્ઞને નક્કી કરતાં મહાવિદેહાદિક્ષેત્ર પણ નક્કી
થઈ જાય છે. તે સર્વજ્ઞ પુરુષના જ્ઞાન બહાર કાંઈ ન હોય, તેને રાગદ્વેષ હોય નહિ, તે દુનિયાના જીવોનું કાંઈ કરે
નહિ; વળી તે સર્વજ્ઞ પુરુષ રોટલા ખાય નહિ, સ્ત્રી રાખે નહિ, શસ્ત્ર કે વસ્ત્ર રાખે નહિ, તેને રોગ થાય નહિ, તે
પૃથ્વી ઉપર ચાલે નહિ પણ આકાશમાં વિચરે, તેને ક્રમિક ભાષા ન હોય પણ નિરક્ષરી દિવ્યધ્વનિ હોય, તે કોઈને
વંદન કરે નહિ. –આવા પૂર્ણ જ્ઞાની આત્માને જાણ્યા વગર યથાર્થપણે પૂર્ણતાની ભાવના થાય નહિ. ધર્મ દ્વારા જે
પૂર્ણપદ પોતાને પ્રાપ્ત કરવું છે તેનું સ્વરૂપ તો જાણવું જોઈએ ને? અને તે પૂર્ણપદ પ્રગટવાની શક્તિ પોતાના
સ્વભાવમાં છે, એને જાણે તો ધર્મની શરૂઆત થાય.
[૩૭] સર્વજ્ઞ ભગવાને કહેલો અનેકાન્ત
સર્વજ્ઞ ભગવાને ઉપદેશમાં શું કહ્યું? સર્વજ્ઞ ભગવાને ઉપદેશમાં અનેકાંતમય વસ્તુસ્વરૂપ બતાવ્યું છે. દરેક
વસ્તુ પોતાના સ્વભાવથી અસ્તિરૂપ છે ને પરથી નાસ્તિરૂપ છે, એટલે દરેક તત્ત્વ સ્વતંત્ર પોતપોતાથી પરિપૂર્ણ
છે. હવે આત્માની ક્ષણપૂરતી દશામાં વિકાર છે, ત્રિકાળી સ્વભાવમાં તે વિકાર નથી, એટલે તેમાં પણ અનેકાંત
થઈ ગયું કે વિકારમાં ત્રિકાળ નથી ને ત્રિકાળમાં વિકાર નથી. આવો અનેકાંતસ્વભાવ ન બતાવે ને વિકારને
આત્માનું સ્વરૂપ મનાવે તે કોઈ દેવ–ગુરુ કે શાસ્ત્ર સાચા નથી. ત્રિકાળી સ્વભાવ છે તેમાં એક ક્ષણનો વિકાર
નથી અને અવસ્થામાં એક ક્ષણનો વિકાર છે તેમાં ત્રિકાળી સ્વભાવ નથી–એવા અનેકાન્તને જાણીને ત્રિકાળી
સ્વભાવ તરફ વળવાથી કલ્યાણ થાય છે. આમાં નિશ્ચય ને વ્યવહાર વગેરે ઘણું રહસ્ય આવી જાય છે. સવર્જ્ઞનો
નિર્ણય કર્યો તે વ્યવહાર છે ને આત્માના સ્વભાવ તરફ વળ્‌યો તે નિશ્ચય છે.
[૩૮] શેમાં પ્રવૃત્તિ કરવાથી આત્માને શુદ્ધતા થાય?
આચાર્યદેવ કહે છે કે ‘આ યથોક્ત વિધિ વડે શુદ્ધાત્માને જે ધુ્રવ જાણે છે, તેને તેમાં જ પ્રવૃત્તિદ્વારા
શુદ્ધાત્મત્વ હોય છે. ’ જે શુદ્ધ આત્માને ધુ્રવ જાણે છે તેને જ તેમાં પ્રવૃત્તિથી શુદ્ધતા હોય છે, પણ જે શુદ્ધાત્માને
નથી જાણતો તેને શુદ્ધતા હોતી નથી; એટલે એક જીવ શુદ્ધઆત્માને જાણે ત્યાં બધાયને જણાઈ જાય–એમ નથી,
તેમ જ એક જીવ શુદ્ધ થતાં બધા જીવો શુદ્ધ થઈ જાય–એમ બનતું નથી. દરેક જીવ સ્વતંત્ર છે, તેમાં પોતાની
યોગ્યતાથી જે જીવ શુદ્ધાત્માને સમજે છે

PDF/HTML Page 22 of 23
single page version

background image
: ભાદરવો : ૨૪૭૭ : ૨૪૫ :
તેને જ શુદ્ધતા થાય છે. શુદ્ધતા કેમ થાય? કે શુદ્ધાત્મામાં પ્રવૃત્તિ કરે તો. શુદ્ધાત્મામાં પ્રવૃત્તિ ક્યારે થાય? કે
શુદ્ધાત્માને જાણે તો. કોઈ બહારની પ્રવૃત્તિથી કે રાગમાં પ્રવૃત્તિથી આત્માને શુદ્ધતા થતી નથી પણ શુદ્ધઆત્મામાં
પ્રવૃત્તિથી જ આત્માને શુદ્ધતા થાય છે.
[૩૯] સાચું વર્તન
પહેલાંં તો યથોક્ત વિધિથી શુદ્ધ આત્માનું જ્ઞાન કરવાની જ વાત કરી, તે જ્ઞાન કરે તેને જ સાચું વર્તન
હોય છે. જેનાથી ધર્મ થાય–શુદ્ધતા થાય–તે વર્તન કોઈ બહારનું નથી પણ અંદર શુદ્ધ આત્મામાં એકાગ્રતા તે
વર્તન છે. પહેલાંં જ્યારે શુદ્ધાત્માને જાણ્યો ન હતો ત્યારે રાગદ્વેષને પોતાનાં માનતો, તેથી તે રાગદ્વેષમાં જ
પ્રવૃત્તિ દ્વારા વર્તનમાં વિકારની ઉગ્રતા આવતી હતી; હવે શુદ્ધાત્માને જાણતાં તે માન્યતા છેદાણી અને ભાન થયું
કે રાગ–દ્વેષ મારું સ્વરૂપ નથી, હું ધુ્રવ શુદ્ધ આત્મા છું. –આવું ભાન થતાં ધર્મીને વિકારમાં વર્તનની ઉગ્રતા ન
રહી પણ શુદ્ધાત્મામાં વર્તનની મુખ્યતા થઈ, આને સ્વરૂપાચરણ ચારિત્ર કહે છે; સમ્યક્–શ્રદ્ધા–જ્ઞાન સાથે એવું
ચારિત્ર પ્રગટ્યુ, તે પ્રથમ ધર્મ છે.
[૪૦] વસ્તુનું અનેકાંતસ્વરૂપ: કથંચિત્ ગુણભેદ, કથંચિત્ અભેદ
જો વસ્તુને સર્વથા અભેદ કે સર્વથા નિત્ય જ માને તો તેને આ વાત રહેતી નથી એટલે કે અવસ્થામાં
રાગ વખતે સ્વભાવ તરફ વળીને સમ્યક્શ્રદ્ધા કરવાનું તેને રહેતું નથી. જો વસ્તુમાં શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર વગેરે
ગુણોમાં કથંચિત્ ગુણભેદ ન હોય તો ચારિત્રગુણની વિકારી પર્યાય વખતે જ શ્રદ્ધા–જ્ઞાનની પર્યાય શુદ્ધ સ્વભાવ
તરફ વળી શકે નહિ. પરંતુ વસ્તુમાં કથંચિત્ ગુણભેદ પણ છે એટલે ચારિત્રગુણની અશુદ્ધતા વખતે પણ શ્રદ્ધા–
જ્ઞાનની પર્યાય શુદ્ધસ્વભાવ તરફ વળીને સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન થાય છે; અવસ્થામાં રાગ હોવા છતાં શુદ્ધ આત્માના
શ્રદ્ધા–જ્ઞાન થઈ શકે છે. વસ્તુમાં જો ગુણભેદ ન હોય ને સર્વથા અભેદ જ વસ્તુ હોય તો સાધકપણું સંભવતું
નથી. એ રીતે ગુણભેદ હોવા છતાં વસ્તુપણે ગુણો અભેદ છે, એટલે વસ્તુ પરિણમતાં બધા ગુણો એક સાથે
પરિણમે છે. શ્રદ્ધા–જ્ઞાનની પર્યાય સ્વભાવ તરફ વળતાં ચારિત્રગુણનો અંશ પણ સ્વભાવમાં વળે છે. શ્રદ્ધા અને
જ્ઞાન સમ્યક્ થાય અને તે વખતે ચારિત્રમાં બિલકુલ શુદ્ધતા ન થાય–એમ બને નહિ; સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાનની સાથે
જ સ્વરૂપાચરણચારિત્ર થઈ જાય છે. જો એકાંત ગુણભેદ હોય તો તેમ બને નહિ, અને જો એકાંત અભેદપણું જ
હોય તો સાધકપણું અને ચૌદ ગુણસ્થાનો બની શકે નહિ. વસ્તુમાં કથંચિત્ ગુણભેદ છે ને કથંચિત્ અભેદ છે, એ
રીતે વસ્તુ અનેકાંતસ્વભાવી છે. વસ્તુના બધા ગુણોનું એક સાથે અંશે કાર્ય આવે છે, કેમ કે વસ્તુ એક જ
પરિણમે છે. છતાં શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર વગેરે ગુણોના વિકાસમાં ક્રમ પણ પડે છે, કેમ કે દરેક ગુણનું પરિણમન
ભિન્ન ભિન્ન છે. જો શ્રદ્ધા–જ્ઞાન સ્વમાં વળે ને ચારિત્ર જરાય સ્વમાં ન વળે તો સર્વથા ગુણભેદ થઈ જાય છે; તેમ
જ, જો સમ્યક્શ્રદ્ધા થતાં તેની સાથે જ જ્ઞાન–ચારિત્ર પણ પૂરાં પ્રગટ થઈ જાય તો ગુણભેદનો સર્વથા અભાવ
થાય છે. –એ બંનેમાં વસ્તુનો સ્વભાવ સિદ્ધ થતો નથી. માટે આત્માનું સ્વરૂપ અનેકાંતમય છે. એવું આત્મસ્વરૂપ
બતાવનારા દેવ, ગુરુ ને શાસ્ત્ર કેવા હોય તે ઓળખવું જોઈએ.
[૪૧] શુદ્ધાત્મામાં પ્રવૃત્તિ તે જ કલ્યાણનો ઉપાય
આત્મા શરીરથી તો જુદો છે. જેને કલ્યાણ કરવું છે તેને આત્માનું કલ્યાણ કરવું છે, કાંઈ આ જડ દેહનું
કલ્યાણ નથી કરવું; કેમ કે કલ્યાણ તો આત્મામાં થાય છે, કાંઈ જડ શરીરમાં કલ્યાણ થતું નથી. જડ શરીરથી તો
આત્મા જુદો છે. એવા આત્માનું કલ્યાણ (–હિત, ધર્મ, સુખ) કરવા માટે તે આત્માનું મૂળસ્વરૂપ શું છે તે જાણવું
જોઈએ. આત્મા સ્વયંસિદ્ધ અનંતગુણોનો પિંડ છે, –તેનામાં અનંત ગુણો છે, તેમાં શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર વગેરે
મુખ્ય ગુણો છે. રાગ થાય તે ચારિત્રગુણની એક સમયની વિકારી પર્યાય છે. જે વખતે રાગ થાય તે વખતે જ
‘રાગ હું નહિ, જ્ઞાનસ્વભાવ તે હું’ –એવી પ્રતીત કોણ કરે? રાગમાં પોતામાં રાગરહિત સ્વભાવને કબૂલવાનું
સામર્થ્ય નથી. રાગ તો ચારિત્રનો દોષ છે, તેથી તે રાગ વખતે રાગરહિત સ્વભાવની પ્રતીત કરનાર ચારિત્રથી
જુદો ગુણ હોવો જોઈએ. તે શ્રદ્ધા–ગુણ છે. તે શ્રદ્ધા–ગુણ ચારિત્રના ક્ષણિક વિકારને જ આત્માનું સ્વરૂપ ન
સ્વીકારતાં, ત્રિકાળી ધુ્રવ જ્ઞાનસ્વભાવ તરફ વળીને શુદ્ધ આત્માની પ્રતીત કરે છે, જ્ઞાનગુણ સ્વતરફ વળીને
શુદ્ધઆત્માને જાણે છે, અને તે જ વખતે ચારિત્રગુણનો અંશ પણ પોતા તરફ વળ્‌યા વગર રહેતો નથી. એ
પ્રમાણે શુદ્ધ આત્માને જાણીને તેમાં જ પ્રવૃત્તિથી સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધાત્મપણું હોય છે અને તે જ
કલ્યાણનો ને મોહના નાશનો ઉપાય છે. – (૦) –

PDF/HTML Page 23 of 23
single page version

background image
ATMADHARM Regd No. B, 4787
ધન્ય તે મુનિવરા!
આત્માના ગુણની ચૌદ ભૂમિકા છે. તેમાં ચોથી ભૂમિકામાં અપૂર્વ
આત્મસાક્ષાત્કાર, નિર્વિકલ્પ અનુભવ થાય છે, ત્યાં યથાર્થ સ્વરૂપનું જ્ઞાન
થાય છે. પછી અંશે સ્થિરતા વધે તે પાંચમી ભૂમિકા છે. અંર્તજ્ઞાનમાં
વિશેષ સ્થિર થઈ, કષાયની ત્રણ ચોકડીનો અભાવ કરી, નિર્વિકલ્પ
ધ્યાનદશા પ્રગટે તેને અપ્રમત્ત નામે સાતમી ભૂમિકા કહે છે; પછી
સવિકલ્પદશા આવે તેને છઠ્ઠું પ્રમત્તગુણસ્થાન કહે છે. મુનિ આ બે દશા
વચ્ચે વારંવાર ઝૂલ્યા કરે છે.
નિર્વિકલ્પદશામાં જો વિશેષ કાળ ટકે તો મુનિ અન્તર્મુહૂર્તમાં
કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. એમ ન થાય ત્યાં સુધી હજારો વાર છઠ્ઠી–સાતમી
ભૂમિકા બદલ્યા કરે છે. ત્રણે કાળે મુનિદશા આવી જ હોય છે. તે મુનિદશા
બાહ્ય તેમ જ અભ્યંતર પરિગ્રહથી રહિત હોય છે, આત્મજ્ઞાન સહિત નગ્ન–
દિગંબરપણું હોય છે. સાતમે ગુણસ્થાને બુદ્ધિપૂર્વક વિકલ્પો છૂટી જાય છે
અને આત્મસ્વરૂપની સ્થિરતામાં તદ્ન નિર્વિકલ્પ આનંદમાં લીન થઈ જાય
છે, ત્યાં ક્ષણે ક્ષણે સાક્ષાત્ સિદ્ધ પરમાત્મા જેવો આનંદ અંશે અનુભવાય
છે. ‘હું આત્મા છું, શુદ્ધ આનંદસ્વરૂપ છું’ એવા વિકલ્પ પણ ત્યાં હોતા
નથી, માત્ર સ્વસંવેદન હોય છે. –આવી સ્થિતિ–સાધકદશા ભગવાન
કુંદકુંદાચાર્યદેવની હતી, ક્ષણે પ્રમત્ત અને ક્ષણે અપ્રમત્ત દશામાં તેઓ ઝૂલતા
હતા.
આચાર્યદેવને કેવળજ્ઞાન પ્રગટ થવામાં સંજ્વલન કષાયનો અંશ
જીતવાનો બાકી રહ્યો છે. ક્ષણમાં છઠ્ઠી ભૂમિકામાં આવતાં આત્મસ્વભાવની
વાત કરે છે, ને ક્ષણમાં તે શુભ વિકલ્પ તૂટીને સાતમી ભૂમિકામાં માત્ર
અતીન્દ્રિય આત્માનંદમાં ઠરે છે, આવી તે ઉત્કૃષ્ટ સાધકદશા છે; તે તેમનો
નિજવૈભવ છે. તે નિજવૈભવથી તેઓ આત્માનું વાસ્તવિક સ્વરૂપ જગતને
કહે છે કે જ્ઞાયક નિત્ય એકરૂપ ચૈતન્યજ્યોતિ છે, તે વર્તમાન ક્ષણિક
અવસ્થાના કોઈ ભેદરૂપે નથી પણ કેવળ જ્ઞાયકપણે શુદ્ધ છે, અખંડ
એકાકાર જ્ઞાયકસ્વભાવમાં અપ્રમત્ત–પ્રમત્તના ભેદ પરમાર્થે નથી.
–સમયસાર પ્રવચનો–૧ પૃ. ૧૫૭–૮
પ્રકાશક:– શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી મોટા આંકડિયા, (જિલ્લા અમરેલી)
મુદ્રક:– ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, મોટા આંકડિયા, (જિલ્લા અમરેલી) તા. ૨–૯–૫૧