Atmadharma magazine - Ank 174
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 25
single page version

background image
ઃ ૨૦ઃ આત્મધર્મઃ ૧૭૪
– પરમ શાંતિ દાતારી –
અધ્યાત્મ ભાવના
ભગવાનશ્રી પૂજ્ય પાદસ્વામી રચિત ‘સમાધિશતક’
ઉપર પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીના અધ્યાત્મભાવના
–ભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
(વીર સં. ૨૪૮૨ જેઠ સુદ છઠ્ઠ)
આત્માના જ્ઞાનાનંદસ્વભાવનો નિર્ણય થતાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે, અને ઇન્દ્રિય વિષયો નિરસ
લાગે. ઇન્દ્રિયના વિષયો અજીવ છે ને હું તો જ્ઞાનસ્વરૂપ આત્મા છું–એમ જ્યાંસુધી નથી જાણતો ત્યાંસુધી જીવ
અજ્ઞાનપણે બાહ્ય વિષયોને સુંદર માની રહ્યો છે. શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ ઇત્યાદિ બાહ્ય વિષયો જ્ઞાનથી ભિન્ન જ્ઞેયો
છે, હું તો ઉપયોગસ્વરૂપ છું.–એવું ભાન થતાં બાહ્ય વિષયોની વૃત્તિ કાળા વિષધરની માફક દુઃખદાયક લાગે છે;
ચૈતન્યના રસ પાસે વિષયોનો રસ છૂટી ગયો છે. પહેલાં આવા આત્માનો નિર્ણય કરવો જોઈએ. આત્માનો નિર્ણય
કરતાં અતીન્દ્રિય સ્વાદ આવે. પછી જે પુણ્ય–પાપની વૃત્તિ આવે ને બાહ્ય વિષયોમાં વલણ જાય, તેમાં સુખબુદ્ધિ ધર્મીને
થતી નથી; વિષયોનો રસ ઊડી જાય છે, તે તરફનું જોર તૂટી જાય છે. વિષયો તરફના રાગ–દ્વેષનો એકાંત સ્વાદ
અજ્ઞાનદશામાં લેતો, તેને બદલે હવે જ્ઞાનદશામાં રાગ વગરના આનંદનો સ્વાદ આવ્યો, ને વિષયોના સ્વાદ ઝેર જેવા
લાગ્યા એટલે તેનો રસ છૂટી ગયો. આત્માના અતીન્દ્રિય આનંદ પાસે ઇન્દ્રો અને ચક્રવર્તીઓના વૈભવને પણ જ્ઞાની
તૂચ્છ સમજે છે.
ભગવાન! એક વાર નિર્ણય તો કર કે હું આનંદકંદ આત્મા છું ને વિષયો મારાથી પર છે.–આમ
ઉપયોગમાં નિર્ણય કરતાં ચૈતન્યના અતીન્દ્રિય અમૃતનો સ્વાદ આવે છે. તે સ્વાદના આનંદ આગળ ઇન્દ્રના
વૈભવો પણ તૂચ્છ ભાસે છે; ઇન્દ્રિયના વિષયો લૂખા લાગે છે. ઇન્દ્રિયવિષયો તરફ વલણ જાય તે દુઃખ છે.
ચૈતન્યની સુંદરતા જાણી ત્યાં બીજાની સુંદરતા લાગતી નથી; ચૈતન્યના આનંદમાં જે નમ્યો તે હવે બાહ્ય વિષયો
પ્રત્યે અણનમ રહેશે. જેમ લગ્ન વખતે વરરાજાના ગાણામાં ગાય છે કે “નહિ નમશે રે નહિ નમશે, મોટાના છોરૂ
નહિ નમશે”–તેમ આ આત્મા જાગ્યો ને ‘વર’ એટલે ઉત્કૃષ્ટ–પ્રધાન એવા આત્માના સ્વભાવમાં આરૂઢ થયો તે
વર–રાજા–ચૈતન્યરાજા–હવે “નહિ નમશે રે નહિ નમશે. બાહ્ય–વિષયોમાં નહિ નમશે.” અતીન્દ્રિય ચૈતન્યમાં જે
નમ્યો તે ઇન્દ્રિય વિષયોમાં અણનમ રહેશે.
ઉપયોગને અંતરમાં વાળીને જ્યાં ચૈતન્યના શાંતરસને નિર્ણયમાં લીધો ત્યાં વિકાર કે વિષયો પોતાના
શાંતરસથી ભિન્ન અગ્નિ જેવા લાગે છે; આત્માના શાંતરસના સ્વાદ સિવાય સમકિતીને બીજા સ્વાદ રુચતા નથી. જેમ
શીત પાણીમાં રહેનારું માછલું ઊની રેતીમાં આવે ત્યાં દુઃખી થાય છે તો અગ્નિમાં તો તે કેમ રહી શકે? પાણીમાં જ જે
પોષાણું તેને પાણી વિના બહારમાં કેમ ગોઠે? તેમ આત્માના ચૈતન્ય સરોવરના શાંત જળમાં કેલિ કરનાર સમકિતી
હંસને ચૈતન્યના શાંતરસ સિવાય બહારમાં પુણ્ય–પાપની વૃત્તિની કે ઇન્દ્રિય વિષયોની રુચિ ઊડી ગઈ છે. ચૈતન્યના
આનંદનો એવો નિર્ણય (વેદન સહિત) થઈ ગયો છે કે બીજા કોઈ વેદનમાં સ્વપ્નેય સુખ લાગતું નથી–આવી
સમકિતીની દશા છે.

PDF/HTML Page 22 of 25
single page version

background image
ચૈત્રઃ ૨૪૮૪ઃ ૨૧ઃ
આ સંબંધમાં શ્લોક કહ્યો છે કે–
जायन्ते विरसा रसा विघटते गोष्ठी कथा कौतुकं
शीर्येन्ते विषयास्तथा विरमति प्रीतिः शरीरेऽपि च ।
जोषं वागपि धारयंत्यविरतानंदात्मनः स्वात्मन–
श्चिंतायामपि यातुमिच्छति मनो दोषैः समं पंचताम् ।।
અહો! આ ચૈતન્યસ્વરૂપ આત્માનું ચિંતન કરતાં પણ રસો વિરસ થઈ જાય છે, ગોષ્ટી કથાનું કૌતૂક ઊડી જાય
છે, વિષયોનું વિરેચન થઈ જાય છે, અને શરીર ઉપરથી પણ પ્રીતિ વિરમી જાય છે. વાણીનું જોસ વિરમી જાય છે, ને
મન પણ સમસ્ત દોષસહિત પંચત્વને પામે છે. એટલે કે ચૈતન્યના ચિંતનથી મન સંબંધી સમસ્ત દોષો નાશ પામી જાય
છે, ને આત્મા અવિરતપણે આનંદને ધારણ કરે છે.–આવો ચૈતન્યના ચિંતનનો મહિમા છે.
જ્ઞાનીનેય શુભાશુભરાગ તો આવે પણ અંતરમાં ચૈતન્યના રસ આડે તેનો રસ ઊડી ગયો છે. જ્ઞાનીને
રાગ થાય ત્યાં અજ્ઞાનીને એમ લાગે છે કે એને રાગની રુચિ હશે! પણ તે વખતે અંતર રાગથી અત્યંત પાર
એવા જ્ઞાનરસનો નિર્ણય જ્ઞાનીને વર્તે છે તે નિર્ણયની અજ્ઞાનીને ખબર નથી. જ્ઞાની રાગમાં એકતાપણે
પરિણમતા જ નથી. શુભરાગ વખતે સર્વજ્ઞદેવની ભક્તિ વગેરેનો ભાવ આવે ત્યાં વીતરાગતા પ્રત્યેના
બહુમાનનો ભાવ ઊછળ્‌યો છે ને રાગની રુચિ નથી,–પણ તે અંતરના નિર્ણયને અજ્ઞાની ઓળખતો નથી, ને “
આરંભ–પરિગ્રહ વધી ગયો છે” એમ અજ્ઞાની બાહ્ય દ્રષ્ટિથી દેખે છે. પણ ચૈતન્યના અકષાય સ્વભાવને ચૂકીને
રાગાદિમાં ધર્મ માનવો તે જ અનંત આરંભ–પરિગ્રહ છે; જ્ઞાનીની દ્રષ્ટિમાં કષાયના એક અંશની પણ પક્કડ રહી
નથી, ને પરિગ્રહમાં ક્યાંય એકતાબુદ્ધિ નથી, બહુ જ અલ્પ રાગ–દ્વેષ રહ્યા છે તેથી તેને આરંભ–પરિગ્રહ ઘણો
અલ્પ છે. ચક્રવર્તી–સમકિતીને છ ખંડનો રાજવૈભવ હોવા છતાં ઘણો અલ્પ આરંભ–પરિગ્રહ વર્તે છે; અને
મિથ્યાદ્રષ્ટિ દ્રવ્યલિંગી થઈને પંચમહાવ્રત પાળે, બાહ્યમાં હિંસાદિ કરતો ન હોય, છતાં અંતરમાં રાગથી ધર્મ
માનતો હોવાથી, તેને અનંત કષાયનો આરંભ–પરિગ્રહ છે; કષાયની રુચિ વડે તે અકષાયી ચિદાનંદ સ્વભાવને
હણી નાંખે છે, તે જ જીવહિંસા છે. રાગના રસની જેને મીઠાસ છે તે આરંભ–પરિગ્રહમાં જ ઊભો છે. જ્ઞાનીને
ચૈતન્યના આનંદરસ સિવાય બીજા કોઈ વિષયોમાં રસ નથી, તેથી તેને વિષયોનો પરિગ્રહ કે આરંભ છૂટી ગયો
છે; સમ્યક્શ્રદ્ધા–જ્ઞાનમાં પોતાના અકષાયી ચિદાનંદસ્વભાવને તે જીવતો રાખે છે.
સમસ્ત ઇન્દ્રિયવિષયોથી પાર થઈને આત્માના અતીન્દ્રિય આનંદમાં લીન થયેલા એવા અશરીરી સિદ્ધભગવંતો
ઉપરથી પુકાર કરે છે કે અરે વિષયોના ભીખારી! એ વિષયોને છોડ, તારું સુખ આત્માના અતીન્દ્રિય સ્વભાવમાં છે,
તેની લગની લગાડ. અહો! સિદ્ધભગવંતોને પ્રતીતમાં લ્યે તોપણ જીવને ઇન્દ્રિય–વિષયોમાં સુખબુદ્ધિ ઊડી જાય, ને
આત્માના અતીન્દ્રિય સુખસ્વભાવની પ્રતીત થઈ જાય. રાગમાં સુખ, ઇન્દ્રિયવિષયોમાં સુખ, એમ અજ્ઞાની વિષયોનો
ભીખારી થઈ રહ્યો છે; સિદ્ધભગવાન રાગરહિત ને ઇન્દ્રિયવિષયો રહિત થઈ ગયા છે ને એકલા આત્મસ્વભાવથી જ
પરમસુખી છે. તે જગતના જીવોને ઉપરથી જાણે કે પુકાર કરે છે કે અરે જીવો! વિષયોમાં–રાગમાં તમારું સુખ નથી,
આત્મસ્વભાવમાં જ સુખ છે, તેને અંતરમાં દેખો, ને ઇન્દ્રિયવિષયોનું કુતૂહલ છોડો. ચૈતન્યના આનંદનો જ ઉલ્લાસ,
તેનો જ રસ, તેનું જ કુતૂહલ, તેમાં જ હોંસ, તેની જ ગોષ્ઠી કરો.
સમકિતીને જ્યાં આત્માના આનંદનું ભાન થાય છે ત્યાં બાહ્યવિષયો નિરસ લાગે છે ને પૂર્વની અજ્ઞાન
દશા ઉપર ખેદ થાય છે કે અરેરે! હું અત્યારસુધી બાહ્યવિષયોમાં જ સુખ માનીને મારા આ અતીન્દ્રિય આનંદને
ચૂકી ગયો. અત્યાર સુધી પૂર્વે કદી મેં મારો આવો આનંદ પ્રાપ્ત ન કર્યો. હવે આત્માનો અતીન્દ્રિય આનંદ પ્રાપ્ત
થતાં તે અપૂર્વ લાભથી જ્ઞાની પરમ સંતુષ્ટ થઈને કૃતકૃત્યતા અનુભવે છે. તેને હવે ઇન્દ્રિયવિષયો વિરસ લાગે છે,
વિષયોની કથાનું કૌતુક તેને શમી જાય છે, વિષયોની ગોષ્ઠી–પ્રીતિ છૂટી જાય છે, શરીર પ્રત્યેની પ્રીતિ પણ છૂટી
જાય છે, વાણી જાણે મૌન થઈ જાય છે, આનંદસ્વરૂપ પોતાના આત્માના ચિંતનથી સમસ્ત દોષસહિત મન પણ
પંચત્વને પામે છે એટલે કે નાશ પામે છે, ને આત્મા આનંદમાં એકાગ્ર થતો જાય છે–અંતરાત્મની આવી દશા
હોય છે.
।। ૧૬।।
અહીં જિજ્ઞાસુ શિષ્ય પૂછે છે કે હે પ્રભો! આવા અંતરાત્મા થવા માટે આત્માને જાણવાનો ઉપાય શું છે? તેનો
ઉત્તર હવે કહેશે.
* * *

PDF/HTML Page 23 of 25
single page version

background image
ઃ ૨૨ઃ આત્મધર્મઃ ૧૭૪
વિધવિધ સમાચાર
શિખરજી યાત્રાના મીઠાં સંભારણા
સૌરાષ્ટ્રમાં મંગલવિહાર કરતાં પૂ. ગુરુદેવ ફાગણ સુદ સાતમે મોટા આંકડિઆ પધાર્યા હતા, ને
સમ્મેદશીખરજીની મંગલયાત્રાનો વાર્ષિક દિવસ ત્યાં ઊજવાયો હતો. આંકડિઆમાં માણેકચંદભાઈ રવાણી તથા
જમુભાઈ રવાણી વગેરેએ ઉમંગપૂર્વક ગુરુદેવનું સન્માન કર્યું હતું. અહીં ભગવાન શાંતિનાથ પ્રભુની અદ્ભુત ભાવવાહી
પ્રતિમા બિરાજે છે. અને આપણા આ “આત્મધર્મ–માસિક” નું આ જન્મસ્થાન છે, અનેક વર્ષો સુધી ‘આત્મધર્મ’
અહીં છપાયું છે. અહીં ફાગણ સુદ સાતમના રોજ સવારમાં શીખરજી પૂજન વિધાન પૂ. બેનશ્રીબેને ઘણી ભક્તિથી
કરાવ્યું હતું, તથા શાંતિનાથ ભગવાનનું પૂજન કરાવ્યું હતું. બપોરે ગુરુદેવના પ્રવચન બાદ સમ્મેદશીખરજીની
મંગલયાત્રાના વાર્ષિકોત્સવ નિમિત્તે બેનશ્રીબેને ભક્તિ કરાવી હતી. આરતી બાદ રાત્રે તત્ત્વચર્ચામાં હજાર જેટલા
માણસોએ ભાગ લીધો હતો,–જેમાં મોટા ભાગના ખેડુત ભાઈઓ હતા. એક ખેડુતભાઈએ પ્રેમથી પ્રશ્ન પૂછયો હતો કે
“બાપજી! આત્માનું સ્વરૂપ શું છે!! કોઈ કાંઈ કહે છે, ને કોઈ કાંઈ કહે છે, તો આત્માનું ખરૂં સ્વરૂપ શું હશે?” વળી,
પહેલાં જ્ઞાન હોય કે પહેલાં ચારિત્ર હોય?–મોક્ષ જ્ઞાનથી થાય કે ચારિત્રથી?–એવા એવા પ્રશ્નો પણ જિજ્ઞાસાથી પૂછેલ.
આ રીતે, ગુરુદેવ પધારતાં ખેડુતોમાં આત્માની અને જ્ઞાન–ચારિત્ર મોક્ષની ચર્ચા ચાલતી હતી. ચર્ચા બાદ
ખેડુતભાઈઓ ઠેરઠેર અંદરો–અંદર વાતચીત કરતા કહેતા હતા કે “આ મહારાજ એમ કહે છે કે આત્માને ઓળખ્યા
વગર મોક્ષ ન થાય.”
ચર્ચાની શરૂઆતમાં જ ગુરુદેવે સમ્મેદશીખરજી વગેરેની મંગલયાત્રાના મીઠા મધુર સંભારણાં યાદ કરતાં
કહ્યું હતું કેઃ જુઓ, આ ફાગણસુદ સાતમે શીખરજીની યાત્રા કરી હતી. છઠ્ઠની રાત્રે દોઢ વાગે ઉઠીને ઉપર ચડવા
માંડયું હતું ને સાતમની બપોરે દોઢ વાગે યાત્રા કરીને નીચે ઉતરવા માંડયું હતું. અહા, એ સમ્મેદશીખરજીનો
દેખાવ સરસ છે, એ તો નજરે જુએ એને ખબર પડે!
અનાદિકાળનું એ શાશ્વત તીર્થ છે. અનંતા તીર્થંકરો
ત્યાંથી મોક્ષ પામ્યા છે, ને અનંતા તીર્થંકરો મોક્ષ પામશે. સામાન્યપણે તો આ ભરતક્ષેત્રના બધા તીર્થંકરો
અયોધ્યાનગરીમાં જન્મે ને શિખરજીથી મોક્ષ પામે.–એમ એ બંને શાશ્વત તીર્થ છે, ને એ બંનેની નીચે શાશ્વત
સાથીયા છે.–જરાક ઊંડો ઊતરીને વિચાર કરે તેને આ બધી ખબર પડે તેવું છે. અહા, એ વખતે જાત્રામાં
લોકોનો ઉલ્લાસ પણ ઘણો હતો. આ ઉપરાંત ખંડગીરી–ઉદયગીરીની અતિપ્રાચીન જૈનગુફાઓનું પણ ગુરુદેવે
ભાવપૂર્વક સ્મરણ કર્યું હતું.
વિશેષમાં ગુરુદેવે કહ્યું હતું કેઃ જુઓ, શીખરજીની જાત્રાનો દિવસ ફાગણ સુદ સાતમ. શીખરજી ઉપરથી
ચંદ્રપ્રભુ તથા સુપાર્શ્વપ્રભુના મોક્ષનો દિવસ પણ ફાગણ સુદ સાતમ. વીંછીયામાં પંચ કલ્યાણક પ્રતિષ્ઠાનો દિવસ પણ
ફાગણ સુદ સાતમ. રાણપુર, વઢવાણ, સુરેન્દ્રનગર વગેરે ગામોના ભગવંતોની પ્રતિષ્ઠાનો દિવસ પણ ફાગણ સુદ
સાતમ અને અહીં આંકડિયાના આ શાંતિનાથ ભગવાનની પ્રતિષ્ઠાનો દિવસ પણ ફાગણ સુદ સાતમ છે,–એ દિવસ
આપણે બરાબર કુદરતે અહીં આંકડિયામાં જ આવ્યો છે. આમ સ્મરણ કરીને ગુરુદેવ શિખરજી, અયોધ્યા વગેરે
તીર્થધામોની મંગલયાત્રાનું વારંવાર ભાવપૂર્વક સ્મરણ કરતા હતા...ને ગુરુદેવના શ્રીમુખેથી યાત્રાના મીઠાં સંભારણાં
સાંભળતાં ભક્તોને બહુ પ્રમોદ થતો હતો...ને, ગુરુદેવ સાથેની મંગલયાત્રાના આવા સોનેરી પ્રસંગો ફરી ફરીને પ્રાપ્ત
થાવ–એમ સૌ ભક્તો ભાવના કરતા હતા. આ રીતે, શીખરજીની તીર્થધામની મંગલયાત્રાનો વાર્ષિકોત્સવ આંકડિયામાં
ફાગણ સુદ સાતમે ઉજવાયો હતો.
* * *

PDF/HTML Page 24 of 25
single page version

background image
ચૈત્રઃ ૨૪૮૪ઃ ૨૩ઃ
પોરબંદરના
દરિયાકિનારે
ફાગણ સુદ તેરસના રોજ પૂ. ગુરુદેવ પોરબંદર પધાર્યા, ત્યારે ત્યાંના શેઠશ્રી ભુરાલાલભાઈ, તથા
નેમિદાસભાઈ વગેરેએ ભાવભીનું સ્વાગત કર્યું...ને આઠ દિવસ સુધી પોરબંદરમાં અમૃતધારા ઉલ્લસી..
અહીં દરિયાકિનારે જ (ટાઉન હોલમાં) ગુરુદેવનો ઉતારો હતો...એક બાજુ દરિયો ઉલ્લસતો હતો. તો બીજી
બાજુ તેના કાંઠે જ ગુરુદેવ પ્રવચન–સમુદ્રને ઊછળતા હતા...પૂર્ણિમાના ચંદ્રને દેખીદેખીને, જાણે કે તે ચંદ્રસ્થિત
જિનબિંબને ભેટવા ચાહતો હોય તેમ દરિયો ઊછળતો હતો..અને આ બાજુ ગુરુદેવના હૃદયમાં સ્થિત સમ્યગ્જ્ઞાનરૂપી
ચંદ્ર વડે સ્યાદ્વાદ સમુદ્ર ઊછળતો હતો...ને એ ઉલ્લસતા દરિયામાં ભવ્યજીવો નિમગ્ન થતા હતા..અહા! ગંભીર
દરિયાનું કુદરતી દ્રશ્ય, જાણે કે ચૈતન્યના આનંદસાગરને પ્રસિદ્ધ કરી રહ્યું હોય–એવું દીસતું હતું; તો બીજી તરફ
ગુરુદેવની વાણીમાં આનંદસાગરની છોળો ઊછળતી હતી.
ઊલ્લસતા મોજાં દ્વારા દરિયો જાણે કે શ્રુતસમુદ્રના ગુણગાન ગાતો હોય! “અરે, હું તો ખારો છું ને આ
જ્ઞાનસાગર તો મીઠો અમૃત જેવો, આનંદથી ભરેલો છે, મારામાં પડેલા જીવો તો ડુબે છે, ત્યારે આ જ્ઞાનસમુદ્રમાં
પડનારા જીવો તો ભવસમુદ્રને તરી જાય છે” એમ સમજીને એ દરિયો પણ ઊછળીઊછળીને જ્ઞાનસમુદ્રને અભિનંદતો
હતો..અને જાણે કે ચૈતન્યસાગરના ગુણગાન કરી કરીને ખૂબ થાકી ગયો હોય એમ તેના મુખમાંથી ફીણ નીકળતા
હતા...એ ખારા સમુદ્રને છોડી છોડીને, ચૈતન્ય સમુદ્રના મીઠા અમૃતનું પાન કરવા માટે અનેક જીવો ગુરુદેવના
પ્રવચનમાં દોડયા આવતા હતા.
દરિયાકિનારે રહેલી દીવાદાંડી દરિયાના મુસાફરોને માર્ગ પ્રકાશિત કરતી હતી, તો બીજી તરફ દરિયા કિનારે
ગુરુદેવ શુદ્ધ આત્માની દ્રષ્ટિરૂપી દીવાદાંડીવડે ભવ્ય જીવોને મુક્તિનો માર્ગ પ્રકાશીત કરતા હતા. દરિયાનું દ્રશ્ય દેખતાં
નયનો ઠરતા હતા..તેમ ગુરુદેવની વાણીમાં ઊછળતા સુખસમુદ્રને નીહાળતાં (સાંભળતાં) ભવ્યજીવોનાં હૃદય ઠરતા
હતા...ને ફરી ફરીને એનું શ્રવણ કર્યા જ કરીએ...એમ થતું હતું. આમ પોરબંદરના દરિયાકિનારે આઠ દિવસ સુધી
અદ્ભુત અમૃતધારા વરસી.
સમ્યગ્જ્ઞાન–સુધાંશુવડે ગુરુદેવે ઊલ્લસાવેલા આ આનંદના દરિયામાં જગતના ભવ્યજીવો નિમગ્ન થાઓ..
શાંતરસથી ભરેલો આ ચૈતન્યસમુદ્ર લોકપર્યંત ઊછળી રહ્યો છે...ભ્રમણાને ભાંગીને ભવ્યજીવો આ જ્ઞાનસમુદ્રમાં મગ્ન
થાઓ.–
मज्जन्तु निर्भरममी सममेव लोका
आलोकमुच्छलति शांतरसे समस्ता
आप्लाव्य विभ्रमतिरस्करिणीं भरेण
प्रोन्मग्न एष भगवानवबोध सिंधु।।
પોરબંદરમાં મુમુક્ષુમંડળની સ્થાપના
પૂ. ગુરુદેવ પોરબંદર પધાર્યા તે પ્રસંગે ત્યાંના ઘણા ભાઈ–બેનોએ ઉલ્લાસથી લાભ લીધો હતો, અનેક ખારવા
ભાઈઓ પણ પ્રેમથી પ્રવચનમાં આવતા; આ પ્રસંગે ફાગણ વદ પાંચમના રોજ ત્યાં મુમુક્ષુમંડળની પણ સ્થાપના થઈ
છે. ગુરુદેવના પ્રભાવે સ્થાપિત થયેલ આ મુમુક્ષુ મંડળ વૃદ્ધિંગત હો. પોરબંદરમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું દિ.
જિનમંદિર છે, ત્યાં રોજ તત્ત્વચર્ચા તથા શાસ્ત્રવાંચન થાય છે.

PDF/HTML Page 25 of 25
single page version

background image
ATMADHARMA Regd. No. B. 4787
___________________________________________________________________________________
–તે જીવ સંસારમાં જ રખડે છે
શ્રી ગુરુઓએ નિર્વિકલ્પ શુદ્ધ આત્માના અનુભવરૂપ
જે મોક્ષમાર્ગ ઉપદેશ્યો તેને જે નથી જાણતો, ને ભ્રમથી રાગને
મોક્ષમાર્ગ માને છે, તે જીવ ભ્રાંતિવાળો અજ્ઞાની છે, મોહી છે;
સમ્યગ્જ્ઞાનભાવ રહિત વિમુગ્ધ એવો તે મોહી જીવ શુભાશુભ
અનેકવિધ કર્મને કરતો થકો મોક્ષમાર્ગને લેશમાત્ર પણ
વાંછવાનું જાણતો નથી, તેની જિજ્ઞાસા પણ કરતો નથી; તે
જીવને લોકમાં કોઈ શરણ નથી. જગતમાં શરણરૂપ એવો જે
પોતાનો શુદ્ધ આત્મા તેને તો તે જાણતો નથી, ને
અશરણભૂત એવા રાગને તે શરણરૂપ માને છે, તેને જગતમાં
કાંઈ શરણ નથી. તે રાગને જ વાંછે છે, પણ મોક્ષમાર્ગને
જરાય વાંછતો નથી; મોક્ષમાર્ગ શું છે તેને તે જાણતોય નથી,
તેથી તે તો મોહથી અશરણપણે સંસારમાં જ રખડે છે.
(નિયમસાર કળશ ૩૨ના પ્રવચનમાંથી)
–તે જીવ મોક્ષને પામે છે
પહેલાં મોહ–રાગ–દ્વેષવાળો હોવા છતાં, જિજ્ઞાસુ થઈને જે
પુરૂષ પરમગુરુના ચરણકમળની સેવાના પ્રસાદથી નિર્વિકલ્પ
સમયસારને જાણે છે તે મુક્તિ પામે છે. શ્રી ગુરુએ શું કહ્યું?–કે
નિર્વિકલ્પ સમયસારનો અનુભવ કરવાનું કહ્યું. શ્રીગુરુનો આ ઉપદેશ
ઝીલીને શિષ્યે શું કર્યું?–કે નિર્વિકલ્પ આત્માનો અનુભવ કર્યો. આ
રીતે, શ્રી ગુરુનો ઉપદેશ ઝીલીને તે પ્રમાણે જેણે નિર્વિકલ્પ આત્માનો
અનુભવ કર્યો તેણે શ્રીગુરુના ચરણની ખરી ઉપાસના કરી; અને એ
રીતે જે જીવ શ્રીગુરુના ચરણની સેવાના પ્રસાદથી શુદ્ધ આત્માને
અનુભવે છે તેના સકળ મોહ–રાગ–દ્વેષનો ક્ષય થઈને તે જીવ
મોક્ષપદને પામે છે.
(નિયમસાર કળશ ૩૦ ના પ્રવચનમાંથી)
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી મુદ્રક અને
પ્રકાશકઃ હરિલાલ દેવચંદ શેઠઃ આનંદ પ્રિન્ટીંગ પ્રેસ, ભાવનગર.