Atmadharma magazine - Ank 218
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 23
single page version

background image
: ૨૦ : આત્મધર્મ: ૨૧૮
बहिस्तुष्यति मूढात्मा पिहितज्योतिरन्तरे।
तुष्यत्यन्तः प्रबुद्धात्मा बहिर्व्यावृत्त कौतुकः।।
६०।।
ધર્મી તો જાણે છે કે અહો! મારા આત્માના અનુભવનો જે અતીન્દ્રિય આનંદ છે, તે આનંદ જગતમાં
બીજે ક્્યાંય નથી. આવા ભાવમાં ‘ધર્મી તો આત્મસ્વરૂપમાં જ સંતુષ્ટ છે. તેને બાહ્યવિષયોમાંથી કૌતુક ઊડી
ગયું છે; પણ જેને આત્માના આનંદની ખબર નથી એવો મૂઢ બહિરાત્મા બાહ્ય વિષયોમાં સુખ માનીને તેનું જ
કૌતુક કરે છે, ને તેમાં જ પ્રીતિ કરે છે, ચૈતન્યની પ્રીતિ કે તેનો મહિમા કરતો નથી, તે તો બાહ્યમાં શરીરાદિ
વિષયોમાં જ સંતુષ્ટ વર્તે છે. પણ અરે મૂઢ! તેમાં ક્્યાંય તારું સુખ નથી, સુખ તો ચૈતન્યતત્ત્વમાં જ છે; માટે
એકવાર તારા ચૈતન્યતત્ત્વને જાણવાનું તો કૌતૂહલ કર.
અમૃતચંદ્રાચાર્ય દેવ સમયસારમાં પણ કહે છે કે–રે જીવ! તું દેહાદિ પરદ્રવ્યોનો પાડોશી થઈને
એટલે કે તેનાથી જુદાપણું જાણીને એકવાર અંતરમાં તારા ચૈતન્યને જાણવાનો પ્રયત્ન કર તો જરૂર
તને આનંદના વિલાસ સહિત તારું ચૈતન્યતત્ત્વ અંતરમાં દેખાશે. ઉગ્ર રુચિ અને ઉગ્ર પુરુષાર્થ માટે
આચાર્યદેવ કહે છે કે તું મરીને પણ તત્ત્વનો કુતૂહલી થા, એટલે કે ચૈતન્યતત્ત્વને જાણવા માટે તારું
જીવન અર્પી દે...જીવનમાં ચૈતન્યને અનુભવવા સિવાય મારે બીજું કાંઈ કામ છે જ નહિ. લાખ
પ્રતિકૂળતા આવે કે મરણ આવે તો પણ મારે મારું ચૈતન્યતત્ત્વ જાણવું છે. એમ એકવાર દ્રઢ નિશ્ચય
કરીને સાચી ધગશથી પ્રયત્ન કર તો જરૂર ચૈતન્યનો અનુભવ થશે.
अयि कथमपि मृत्वा तत्त्व कौतूहली सन्
अनुभव भवभूर्तेः प्रार्श्ववर्ती मुहूर्तम्।
पृथगथ विलसंतं स्वं समालोकय येन
त्यजसि झगिति मूर्त्या साकमेकत्वमोहम्।। १३।।
અહો, આચાર્યદેવ કહે છે કે ઉત્કૃષ્ટ રુચિથી ચૈતન્યના અનુભવનો પ્રયત્ન કર તો માત્ર બે ઘડીમાં જરૂર
તેની પ્રાપ્તિ થાય અને મોહ નાશ પામે.
જ્ઞાની પોતાના અંતરંગ ચૈતન્યમાં જ પોતાનો આનંદ દેખે છે, બાહ્યમાં ક્્યાંય તેને સુખનો આભાસ
થતો નથી, માટે તેની પ્રીતિ બાહ્યથી છૂટીને અંતરમાં વળી ગઈ છે. તે જ્ઞાનીઓ સમજાવે છે કે અહો જીવો
અંતરમાં જ આનંદ છે તેને દેખો, બહારમાં આનંદ નથી;–આમ વારંવાર સમજાવવા છતાં મૂઢ–અજ્ઞાની જીવ
અવિવેકને લીધે સમજતો નથી ને બાહ્યવિષયોમાં–રાગાદિમાં જ આનંદ માનીને તેની પ્રીતિ કરે છે. ચૈતન્યની
પ્રીતિ કરતો નથી. તેથી તેને સમાધિ થતી નથી; જ્ઞાનીને તો ચૈતન્યના આનંદ પાસે આખા જગતનું કુતૂહલ
છૂટી ગયું છે, તેથી તેને તો નિરંતર સમાધિ વર્તે છે. ચૈતન્યના આનંદને ઓળખીને તેની પ્રીતિ કરવી. તેમાં
લીનતા કરવી તે જ નિર્વિકલ્પશાંતિ અને સમાધિનો ઉપાય છે. મૂઢ અજ્ઞાનીને બાહ્યવિષયોમાં ને રાગમાં સુખ
લાગે છે, ને ચૈતન્યમાં સુખ નથી લાગતું. જ્ઞાની ધર્માત્માને તે બાહ્યવિષયોમાં કે રાગમાં સ્વપ્નેય સુખ લાગતું
નથી, તે બાહ્યવિષયોથી ઉદાસીન છે, ને ચૈતન્યના અતીન્દ્રિય સુખની પ્રીતિ કરીને તેમાં જ લીનતાનો ઉદ્યમ
કરે છે.–આજ સમાધિનો ઉપાય છે.
।। ૬૦।।
મૂઢ જીવ બહિરાત્મબુદ્ધિને લીધે દેહાદિક અચેતન દ્રવ્યોમાં નિગ્રહ કે અનિગ્રહ કરવાની બુદ્ધિ કરે છે
પણ ચૈતન્યના ભાવમાં વિપરીતભાવોનો નિગ્રહ અને સમ્યક્ ભાવોનું સેવન કરવાનું તે જાણતો નથી.–એ
વાત હવેની ગાથામાં કહેશે.

PDF/HTML Page 22 of 23
single page version

background image
માગશર: ૨૪૮૮ : ૨૧ :
સ.....મા.....ચા.....ર
પરમકૃપાળુ ગુરુદેવ સુખશાંતિમાં બિરાજે છે. દીપાવલી અને નુતનવર્ષના પર્વો આનંદથી ઊજવાયા
હતા. સુવર્ણપુરીનું હર્ષભર્યું વાતાવરણ ગુરુદેવ જેવા સંતની છાયાના પ્રતાપે સોનેરી પ્રભાતથી શોભતું હતું:
બંને દિવસે ગુરુદેવના પ્રવચનો અદ્ભુત આનંદકારી હતા; જિનમંદિરમાં સમૂહપૂજન ઘણા ભક્તિભાવથી થયું
હતું. તે વખતે આખું મંદિર ભરાઈ જતું હતું. પૂજન બાદ આરતી વખતે સીમંધર ભગવાનની મુદ્રા ઉપર એવું
અદ્ભુત પ્રભાત ખીલ્યું હતું–જાણે કે સૂર્ય હજાર હજાર કિરણો વડે ભગવાનની આરતી ઉતારતો હોય!
સચતુષ્ટયની દિવ્યપ્રભા જેવા સુપ્રભાતથી શોભતી એ ઝળહળતી વીતરાગમુદ્રા ભક્તજનોના હૃદયને પ્રસન્ન
કરતી હતી.
અષ્ટાહ્નિકા દરમિયાન પંચપરમેષ્ઠી–મંડળ તેમજ નંદીશ્વર મંડળનું પૂજન કરવામાં આવ્યું હતું. એક
તરફ મોક્ષમાર્ગ પ્રકાશકના પ્રવચનમાં પંચપરમેષ્ઠીની વંદના ચાલતી હતી ને બીજી તરફ પંચપરમેષ્ઠીનું પૂજન
ચાલતું હતું, તેથી આનંદ થતો હતો.
પ્રવચનમાં સવારે અષ્ટપ્રાભૃત વંચાતું હતું તે કારતક સુદ ૧૧ના રોજ પૂર્ણ થયું છે અને મોક્ષમાર્ગ
પ્રકાશકની શરૂઆત થઈ છે; તેમાં પહેલો અધ્યાય પૂર્ણ થયા બાદ સાતમો અધ્યાય શરૂ કરેલ છે. આ અધ્યાય
ઘણો સરસ છે, ને ગુરુદેવને ઘણો પ્રિય છે. ૩૪ વર્ષ પહેલાં જ્યારે મોક્ષમાર્ગ પ્રકાશકની પ્રાપ્તિ મુશ્કેલ હતી
ત્યારે ગુરુદેવે આ અધ્યાય હસ્તાક્ષરે લખાવી લીધેલ હતો. બપોરના પ્રવચનમાં સમયસારનો આસ્રવ
અધિકાર વંચાય છે.
કારતક સુદ ૧૨ના રોજ, સોનગઢના ૬૭ ફૂટ ઊંચા સુશોભિત ભવ્ય જિનમંદિરની તથા તેમાં (ઉપર)
શ્રી નેમીનાથ પ્રભુની પુનઃપ્રતિષ્ઠાને એક યુગ (પાંચ વર્ષ) પૂર્ણ થઈને છઠ્ઠું વર્ષ બેઠું, તે દિવસ ખૂબજ
ઉમંગભર્યા ભક્તિપૂજનથી ઊજવાયો હતો. સાંજે આરતી સમયે નેમનાથ પ્રભુજી સન્મુખ ભક્તિ થઈ હતી, ને
રાત્રે પણ અદ્ભુત ભક્તિ થઈ હતી.–એ જ દિવસે જબલપુર તરફના ૧૧૦ યાત્રિકોની બે બસ આવી હતી.
દક્ષિણ તરફના પણ ઘણા યાત્રિકો સોનગઢ આવ્યા હતા.
સૂચના: પરમકૃપાળુ ગુરુદેવ સુખશાંતિમાં બિરાજે છે. આગામી માસમા–માગસર વદ ત્રીજ (તા. ૨૪
ડિસેમ્બર) ના રોજ પૂ. ગુરુદેવની જમણી આંખનો મોતિયો ઉતરવાનો છે. મોતિયો ઉતારવાનું કાર્ય મુંબઈના
ડો. ચીટનીસના હાથે સોનગઢમાં થશે. ડો. મનસુખભાઈ પણ સાથે રહેશે. અને મોતિયો ઉતરી ગયા પછી
આંખને આરામ માટે લગભગ છ અઠવાડિયા સુધી પૂ. ગુરુદેવના પ્રવચનો બંધ રહેશે. પૂ. ગુરુદેવની આંખનો
મોતિયો સકુશલ ઉતરી જાય ને તેઓશ્રીને શીઘ્ર આરામ થઈને પ્રવચનોની અમૃત વર્ષા વેલીવેલી શરૂ થાય
એવી ભારતના હજારો ભક્તોની હાર્દિક ભાવના અને પ્રાર્થના છે.–શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર.
* સોનગઢથી પુસ્તક મંગાવનારા ભાઈઓને વિનંતિ કરવામાં આવે છે કે આપના ગામના રેલ્વે
સ્ટેશનનું તથા પોસ્ટ ઓફિસનું નામ સ્પષ્ટ અક્ષરે જણાવશો, જેથી પુસ્તક મોકલવામાં સુગમતા રહે.
* જ્યાં જ્યાં જિનમંદિરો છે ત્યાં ત્યાં તિથિદર્પણ મોકલી આપવામાં આવ્યા છે, ત્યાંથી જિજ્ઞાસુઓએ
મેળવી લેવા વિનંતી છે.
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
વૈરાગ્ય સમાચાર: ભાઈશ્રી ઠાકરશીભાઈ કાળીદાસ મોદી (ચીમનભાઈ વગેરેના પિતાશ્રી, તા. ૧૮–
૧૧–૬૧ના રોજ મુંબઈ મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. પૂ. ગુરુદેવ પ્રત્યે તેમને ઘણો ભક્તિભાવ હતો. તેમના
સુપુત્ર શ્રી ચીમનલાલભાઈ મુંબઈ મુમુક્ષુમંડળના એક સેક્રેટરી છે. તેમના ત્રણે પુત્રો ધર્મપ્રેમમાં સારો રસ
ધરાવે છે. તેઓ તેમના પિતાશ્રીને બિમારી વખતે પણ ટેપરેકોર્ડિંગ દ્વારા પૂ. ગુરુદેવનાં પ્રવચનો વગેરે
સંભળાવતા હતા, તેમજ મોટરદ્વારા ગુરુદેવ સાથેના સંઘમાં તીર્થયાત્રા પણ કરાવી હતી. શ્રી ઠાકરશીભાઈનો
આત્મા ગુરુદેવના પ્રબોધેલા માર્ગે આગળ વધીને આત્મહિત સાધે...ને તેમના સુપુત્રો ધર્મની વધુ ને વધુ
સેવા કરે...એ જ ભાવના.

PDF/HTML Page 23 of 23
single page version

background image
ATMADHARMA Regd. No. B 5669
---------------------------------------------------------------------------------------
આ....રા....ધ....ના....
* રત્નત્રયની આરાધનામાં સ્વદ્રવ્યનું જ જતન છે, પરદ્રવ્યનું સેવન નથી. આવા
રત્નત્રયને જે જીવ આરાધે છે તે આરાધક છે અને એવા આરાધક જીવ રત્નત્રયની આરાધના
વડે કેવળજ્ઞાન પામે છે. એ વાત જિનમાર્ગમાં પ્રસિદ્ધ છે. રત્નત્રયની આરાધના પરના
પરિહારપૂર્વક આત્માના ધ્યાનથી થાય છે.
* સમ્યગ્દર્શનથી જે શુદ્ધ છે તે જ શુદ્ધ છે.
સમ્યગ્દર્શનનો આરાધકજીવ અલ્પકાળે સિદ્ધિ પામે છે.
સમ્યગ્દર્શન વગરનો જીવ ઈષ્ટસિદ્ધિને પામતો નથી.
આ રીતે મોક્ષની સિદ્ધિ માટે સમ્યગ્દર્શનની આરાધના પ્રધાન છે.
* જિનવર ભગવાને ગણધરાદિ શિષ્યજનોને ઉપદેશમાં એમ કહ્યું છે કે હે ભવ્યજીવો!
ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન વગર કોઈ ધર્મ હોતો નથી. જગતમાં પ્રસિદ્ધ છે કે જે
વસ્તુની પ્રાપ્તિ કરવી હોય તેની પ્રીતિ–રુચિ–ઓળખાણ કરે છે, તેમ મોક્ષની પ્રાપ્તિ માટે પહેલાં
તેની પ્રતીતિ–રુચિ–ઓળખાણ કરવી જોઈએ. મોક્ષ કહો કે શુદ્ધઆત્મા કહો, તેની પ્રતીતિ તે
સમ્યગ્દર્શન છે.
* સમ્યગ્દર્શન થયા પહેલાં શું કરવું?
સમ્યગ્દર્શન પહેલાં તેને માટેનો પ્રયત્ન કરવો. શ્રાવકે સમ્યગ્દર્શનનું ધ્યાન કરવું, તેના
ધ્યાનથી દુષ્ટકર્મોનો ક્ષય થાય છે; અને જેને સમ્યગ્દર્શન થયું ન હોય તેને સમ્યક્ત્વનું સ્વરૂપ
ઓળખીને તેના ધ્યાનથી સમ્યગ્દર્શન થાય છે. સર્વે જીવોને માટે સમ્યગ્દર્શન તે સારભૂત છે. સર્વ
ઉપદેશનો તે સાર છે. સત્ની શરૂઆત, ધર્મની શરૂઆત કે મોક્ષમાર્ગની શરૂઆત સમ્યગ્દર્શનથી
થાય છે. માટે પહેલાં સમ્યગ્દર્શનની આરાધના કર્તવ્ય છે.
* સમ્યગ્દર્શનના પ્રયત્ન માટે અંતરમાં રાત–દિન એક જ ઘોલન અને મંથન કરી કરીને
અંદર સ્વરૂપનો નિર્ણય કરે; પોતાનું કાર્ય સાધવા માટે પરમ ઉત્સાહથી ગાઢ રંગથી દિનરાત તે
માટે મંથન કરીને નિર્ણય કરે. નિર્ણયનું જોર દ્રષ્ટિને અંતર્મુખ કરે છે.
* હે જીવ! સમ્યગ્દર્શનપૂર્વક ચારિત્રની આરાધના પણ થઈ શકે તો તો તે ઉત્તમ જ છે, તે
તો સાક્ષાત્ મોક્ષનું કારણ છે, અને જો એવું ચારિત્ર આરાધવાની તારી શક્તિ અત્યારે ન હોય
તો, યથાર્થ માર્ગની શ્રદ્ધારૂપ સમ્યગ્દર્શનની આરાધના તો તું અવશ્ય કરજે. સમ્યગ્દર્શનની
આરાધનાથી પણ મોક્ષમાર્ગનું આરાધન ટકી રહેશે. સમ્યગ્દર્શનનો આરાધક અલ્પકાળમાં ચારિત્ર
પ્રગટ કરી, કેવળજ્ઞાન અને મોક્ષ પામશે. સમ્યગ્દર્શનની આરાધનાથી જે ભ્રષ્ટ છે તે તો મોક્ષના
માર્ગથી જ ભ્રષ્ટ છે માટે હે જીવ! તું સર્વ ઉદ્યમથી સમ્યગ્દર્શનની આરાધના જરૂર કરજે.
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી મુદ્રક–પ્રકાશક: હરિલાલ દેવચંદ શેઠ આનંદ પ્રિન્ટીંગ પ્રેસ–ભાવનગર.