Atmadharma magazine - Ank 289
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page  


Combined PDF/HTML Page 3 of 3

PDF/HTML Page 41 of 45
single page version

background image
: ૩૮ : આત્મધર્મ : કારતક : ૨૪૯૪
(૬૦) જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું તેથી રૂડું થયું નથી, કેમ કે પરિભ્રમણ અને
પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યાં છે. એ ભવ જો આત્માનું રૂડું થાય તેમ વ્યતીત
કરવામાં જશે તો અનંત ભવનું સાટું વળી જશે. (૩૭)
(૬૧) ‘સત્’ ને વિષે પ્રીતિ, ‘સત્’ રૂપ સંતને વિષે પરમ ભક્તિ, તેના માર્ગની જિજ્ઞાસા, એ
જ નિરંતર સંભારવા યોગ્ય છે. તે સ્મરણ રહેવામાં ઉપયોગી એવા ‘વૈરાગ્યાદિ
ચરિત્રવાળા પુસ્તકો, અને વૈરાગી સરળ ચિત્તવાળા મનુષ્યનો સંગ, અને પોતાની
ચિત્તશુદ્ધિ, –એ સારાં કારણો છે. (૨૩૮)
(૬૨) કેવળ અંતર્મુખ થવાનો સત્પુરુષોનો માર્ગ સર્વ દુઃખક્ષયનો ઉપાય છે. પણ તે કોઈક
જીવને સમજાય છે. મહત્પુણ્યના યોગથી, વિશુદ્ધમતિથી, તીવ્ર વૈરાગ્યથી અને સત્પુરુષના
સમાગમથી તે ઉપાય સમજાવા યોગ્ય છે. તે સમજવાનો અવસર એકમાત્ર આ મનુષ્યદેહ
છે. તે પણ અનિયમિત કાળના ભયથી ગૃહીત છે. ત્યાં પ્રમાદ થાય છે એ ખેદ અને
આશ્ચર્ય છે. (૮૧૬)
(૬૩) પ્રમાદ પરમ રિપુ છે–એ વચન જેને સમ્યક્ નિશ્ચિત થયું છે, તે પુરુષો કૃતકૃત્ય થતાં સુધી
નિર્ભયપણે વર્તવાનું સ્વપ્ને પણ ઈચ્છતા નથી. (૮પ૩)
(૬૪) ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ મુમુક્ષુ જીવે સહજ સ્વભાવરૂપ કરી મુકયા વિના
આત્મદશા કેમ આવે ?(૬૪૬)
(૬પ) લૌકિકદ્રષ્ટિ અને જ્ઞાનીની દ્રષ્ટિને પશ્ચિમ–પૂર્વ જેટલો તફાવત છે. જે જીવોએ પરિષહ
વેઠીને થોડા કાળ સુધી તે (જ્ઞાનીની) દ્રષ્ટિનું આરાધન કર્યું છે તે સર્વ દુઃખના ક્ષયરૂપ
નિર્વાણને પામ્યા છે, તેના ઉપાયને પામ્યા છે. (૮૧૦)
(૬૬) લૌકિક વિશેષતામાં કાંઈ સારભૂતતા નથી–એમ નિશ્ચય કરવામાં આવે તો માંડ
આજીવિકા જેટલું મળતું હોય તોપણ તૃપ્તિ રહે. માંડ આજીવિકા જેટલું મળતું ન હોય
તોપણ મુમુક્ષુ જીવ આર્ત્તધ્યાન ઘણું કરીને થવા ન દે. અથવા થયે તે પર વિશેષ ખેદ કરે.
(૭૦૬)
(૬૭) માંડમાંડ આજીવિકા ચાલતી હોય તોપણ મુમુક્ષુને તે ઘણું છે, કેમકે વિશેષનો કાંઈ અવશ્ય
ઉપયોગ નથી. (૭૦૬)
(૬૮) હે જીવ! તું ભ્રમા મા. તને હિત કહું છું, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે નહીં.
(૧૦૮)
(૬૯) વીતરાગનો કહેલો પરમ શાંતરસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો. (પ૦પ)
(૭૦) હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યગ્દર્શન! તને અત્યંત ભક્તિથી નમસ્કાર હો.

PDF/HTML Page 42 of 45
single page version

background image
: કારતક : ૨૪૯૪ આત્મધર્મ : ૩૯ :
આ અનાદિ અનંત સંસારમાં અનંતઅનંત જીવો તારા આશ્રય વિના અનંત અનંત
દુઃખને અનુભવે છે.
(૭૧) અનાદિથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યંતર કરી જેણે
ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર (૮૩૯)
(૭૨) ધર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે, તે બાહ્ય સંશોધનથી મળવાની નથી. અપૂર્વ
અંર્તસંશોધનથી તે પ્રાપ્ત થાય છે. તે અંર્તસંશોધન કોઈક મહાભાગ્ય સદ્ગુરુઅનુગ્રહે
પામે છે. (૪૭)
(૭૩) નિર્ગ્રંથ ભગવાને પ્રરૂપેલા પવિત્ર ધર્મને માટે જે જે ઉપમા આપીએ તે ન્યૂન જ છે,
આત્મા અનંતકાળથી રખડયો તે માત્ર એના નિરૂપમ ધર્મના અભાવે. (પ૨)
(૭૪) પ્રાણીમાત્રનો રક્ષક, બંધવ અને હિતકારી એવો કોઈ ઉપાય હોય તો તે વીતરાગનો ધર્મ
જ છે. (૯૦૩)
(૭પ) પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે. (૬૨)
(૭૬) જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે. (૨૦૦)
(૭૭) જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત છે, તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મસ્વરૂપ યથાર્થ કહેવા
યોગ્ય નથી; અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના બીજો કોઈ કલ્યાણનો ઉપાય નથી.
(૪૪૯)
(૭૮) પોતાની મેળે અનાદિથી ભ્રાંત એવા જીવને સદ્ગુરુના યોગ વિના નિજસ્વરૂપનું ભાન
થવું અશક્્ય છે, એમાં સંશય કેમ હોય? (પ૭પ)
(૭૯) ‘અપૂર્વ’ પોતાથી પોતાને પ્રાપ્ત થવું દુર્લભ છે. જેનાથી પ્રાપ્ત થાય છે તેનું સ્વરૂપ
ઓળખાવું દુર્લભ છે, અને જીવને ભૂલવણી પણ એ જ છે. (૮પ)
(૮૦) સ્વરૂપ સહજમાં છે. જ્ઞાનીના ચરણસેવન વિના અનંતકાળ સુધી પણ પ્રાપ્ત ન થાય એવું
વિકટ પણ છે. (૩૧પ)
(૮૧) જે વિદ્યાથી ઉપશમગુણ પ્રગટ્યો નહીં, વિવેક આવ્યો નહીં, કે સમાધિ થઈ નહીં, તે
વિદ્યાને વિષે રૂડા જીવે આગ્રહ કરવા યોગ્ય નથી.
(૮૨) ઉદય આવેલાં કર્મોને ભોગવતાં નવાં કર્મ ન બંધાય, તે માટે આત્માને સચેત રાખવો એ
સત્પુરુષોનો મહાન બોધ છે.
(૮૩) મહાપુરુષનો નિરંતર અથવા વિશેષ સમાગમ, વીતરાગશ્રુત ચિંતવના, અને
ગુણજિજ્ઞાસા, એ દર્શનમોહનો અનુભાગ ઘટવાના મુખ્ય હેતુ છે; તેનાથી સ્વરૂપદ્રષ્ટિ
સહજમાં પરિણમે છે. (૮૬૦)

PDF/HTML Page 43 of 45
single page version

background image
: ૪૦ : આત્મધર્મ : કારતક : ૨૪૯૪
(૮૪) ચાલ્યું આવતું વૈર આજે નિર્મૂળ કરાય તો ઉત્તમ; કારણ, વૈર કરી કેટલા કાળનું સુખ
ભોગવવું છે?
(૮પ) પ્રજ્ઞાએ કરી સરળતા સેવાઈ હોય તો આજનો દિવસ સર્વોત્તમ છે.
(૮૬) પ્રમાદ અને લોકપદ્ધતિમાં કાળ સર્વથા વૃથા કરવો તે મુમુક્ષુ જીવનું લક્ષણ નથી. (૮૪૨)
(૮૭) અનંતકાળથી પોતાને પોતા વિષેની જ ભ્રાંતિ રહી છે, –આ એક અવાચ્ય અદ્ભુત
વિચારણાનું સ્થળ છે.
(૮૮) જ્ઞાનીને એક રૂપિયાથી માંડી સુવર્ણ ઈત્યાદિ પદાર્થમાં સાવ માટીપણું જ ભાસે છે.
(૬૮૮)
(૮૯) મહાપુરુષનાં આચરણ જોવા કરતાં તેમનું અંતઃકરણ જોવું એ વધારે પરીક્ષા છે. (૨૧)
(૯૦) ‘સત્પુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ’ એને જ્ઞાનીઓએ પરમધર્મ કહ્યો છે. (૨પ૪)
(૯૧) મહાત્માના જોગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું, ઓળખવાની પરમ તીવ્રતા રાખવી,
તો ઓળખાશે. મુમુક્ષુનાં નેત્રો મહાત્માને ઓળખી લ્યે છે. (૨પ૪)
(૯૨) મોટા પુરુષના સંગમાં નિવાસ છે તેને અમે પરમ સત્સંગ કહીએ છીએ, કારણ એના જેવું
કોઈ હિતસ્વી સાધન આ જગતમાં અમે જોયું નથી, અને સાંભળ્‌યું નથી. (૨૪૯)
(૯૩) બધા કાળમાં તેનું (સત્સંગનું) દુર્લભપણું છે, અને આવા વિષમકાળમાં તેનું અત્યંત
દુર્લભપણું જ્ઞાનીપુરુષોએ જાણ્યું છે. (૪૪૯)
(૯૪) અસંગ એવું આત્મસ્વરૂપ સત્સંગને યોગે સૌથી સુલભપણે જાણવા યોગ્ય છે. (૬૭૮)
(૯પ) સત્સંગનું માહાત્મ્ય સર્વ જ્ઞાનીપુરુષોએ અતિશય કરી કહ્યું છે–તે યથાર્થ છે. (૬૬૮)
(૯૬) જિજ્ઞાસાબળ, વિચારબળ, વૈરાગ્યબળ, ધ્યાનબળ અને જ્ઞાનબળ વર્દ્ધમાન થવાને અર્થે
જીવને તથારૂપ જ્ઞાનીપુરુષનો સમાગમ વિશેષ કરી ઉપાસવા યોગ્ય છે. (૮પ૬)
(૯૭) પરમાર્થમાર્ગીનું લક્ષણ એ છે કે અપરમાર્થને ભજતાં જીવ બધા પ્રકારે કાયર થયા કરે, –
સુખે અથવા દુઃખે. (૪પ૯)
દુઃખમાં કાયરપણું કદાપિ બીજા જીવને પણ સંભવે છે, પણ સંસારસુખની પ્રાપ્તિમાં પણ
કાયરપણું, –તે સુખનું અણગમવાપણું, નીરસપણું પરમાર્થમાર્ગી પુરુષને હોય છે.
(૯૮) અમને તો વાસ્તવિક એવું જે સ્વરૂપ તેની ભક્તિ; અને અસંગતા, એ પ્રિય છે. (૨૧૩)
(૯૯) અશરણતાવાળા આ જગતને એક સત્પુરુષ જ શરણ છે. (૨૧૩)
(૧૦૦) અમે એમ જ જાણીએ છીએ કે એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામના સુધીની સર્વ
સમાધિ, તેનું સત્પુરુષ જ કારણ છે. (૨૧૩)
જે કોઈ સાચા અંતઃકરણે સત્પુરુષનાં વચનને ગ્રહણ કરશે તે સત્યને પામશે. (૭૮૧)
(બીજા જિજ્ઞાસુઓ તરફથી મળેલા વચનામૃતો હવે પછી અપાશે.)

PDF/HTML Page 44 of 45
single page version

background image
: કારતક : ૨૪૯૪ આત્મધર્મ : ૪૧ :
‘જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું’
૧૦૦ ૧૦૧
જન્મ શતાબ્દિ જન્મ શતાબ્દિ




“આજ મને ઉછરંગ અનુપમ જન્મ કૃતાર્થ જોગ જણાયો,
વાસ્તવ્ય વસ્તુ વિવેક વિવેચક તે ક્રમ સ્પષ્ટ સુમાર્ગ ગણાયો.”
“અહો! સર્વોત્કૃષ્ટ શાંતરસમય સન્માર્ગ,
અહો! તે સર્વોત્કૃષ્ટ શાંતરસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞદેવ,
અહો! તે સર્વોત્કૃષ્ટ શાંતરસ સુપ્રતીત કરાવ્યો એવા પરમકૃપાળુ સદ્ગુરુદેવ,
આ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તો, જયવંત વર્તો! ”
*
હે કુંદકુંદાદિ આચાર્યો! તમારાં વચનો પણ સ્વરૂપાનુસંધાનને વિષે આ પામરને
પરમ ઉપકારભૂત થયા છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું.

PDF/HTML Page 45 of 45
single page version

background image
“આત્મધર્મ” Regd. No. G. 182
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
આફ્રિકામાં શ્રીમદ્ રાજચંદ્રની સ્મૃતિ
પૂ. ગુરુદેવના પ્રતાપે ભારતના આધ્યાત્મિક
સન્તોનો મહિમા પરદેશમાં પણ પહોંચી રહ્યો છે.
આફ્રિકામાં મોમ્બાસામાં ભગવાનજીભાઈએ જે
સ્મૃતિગૃહ બંધાવેલ છે તેની એક સાઈડનું ચિત્ર અહીં
આપ્યું છે. મોમ્બાસાનું આફ્રિકા સમાચાર નામનું એક
ગુજરાતી દૈનિક જેની પચીસ હજાર જેટલી નકલ પ્રસિદ્ધ
થાય છે તેમાં લગભગ પાંચ કોલમ ભરીને (તા. ૩–૨–
૬૭ના અંકમાં) શ્રીમદ્ રાજચંદ્રનો જીવનપરિચય છપાયો
હતો. તેમજ ૨૪–૩–૬૭ના અંકમાં ચારેક કોલમ ભરીને
પૂ. શ્રી કાનજી સ્વામીનો જીવનપરિચય આપવામાં
આવ્યો હતો. સોનગઢથી દર વર્ષે હજારો રૂા. નું આધ્યાત્મિક સાહિત્ય આફ્રિકા જાય છે, ને ત્યાંના
જિજ્ઞાસુઓ ઉત્સાહથી વાંચે છે.
* * * *
આત્મસ્વભાવનો અદ્ભુત મહિમા સમજાવતું પુસ્તક...........
પૂ. ગુરુદેવની ભાવભીની પ્રેરણા ઝીલીને તૈયાર થયેલ...........
આ વર્ષનું એક મહત્વપૂર્ણ પ્રકાશન...........
મોટા ટાઈપમાં સુંદર આકર્ષક પ્રિન્ટીંગ...........
દરેક જિજ્ઞાસુને આત્મિક ઉલ્લાસ જગાડનારું...........
લગભગ ચારસો પાનાં છપાઈ ગયા છે...........
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––