Atmadharma magazine - Ank 006
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 29
single page version

background image
[મંદાક્રાન્તા]
[શાર્દુલવિક્રીડિત]
[અનુષ્ટુપ]
: ૧૦૦ : આત્મધર્મ : વૈશાખ : ૨૦૦૦
તેને અનંત ભવ હોય જ નહિ, પુરુષાર્થીને ભવ સ્થિતિ આદિ કાંઈ નડતું નથી, તેને પાંચે સમવાય આવી મળયાં
છે.’ ‘પુરુષાર્થ, પુરુષાર્થ ને પુરુષાર્થ’ એ મહારાજશ્રીનો જીવનમંત્ર છે.
દીક્ષાના વર્ષો દરમ્યાન મહારાજશ્રીએ શ્વેતાંબર શાસ્ત્રોનો ખૂબ મનનપૂર્વક અભ્યાસ કર્યો. ભગવતી સૂત્ર
તેઓશ્રીએ ૧૭ વાર વાંચ્યું છે. દરેક કાર્ય કરતાં તેમનું લક્ષ્ય સત્યના શોધન પ્રતિ જ રહેતું.
સં. ૧૯૭૮ માં શ્રી વીરશાસનના ઉદ્ધારનો, અનેક મુમુક્ષુઓના મહાન પુણ્યોદયને સૂચવતો એક પવિત્ર
પ્રસંગ બની ગયો. વિધિની કોઈ ધન્ય પળે શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યવિરચિત શ્રી સમયસાર નામનો મહાન ગ્રંથ
મહારાજશ્રીના હસ્તકમળમાં આવ્યો. સમયસાર વાંચતાં જ તેમના હર્ષનો પાર ન રહ્યો. જેની શોધમાં તેઓ હતા
તે તેમને મળી ગયું. શ્રી સમયસારજીમાં અમૃતનાં સરોવર છલકાતાં મહારાજશ્રીના અંતરનયને જોયાં. એક પછી
એક ગાથા વાંચતા મહારાજશ્રીએ ઘુંટડા ભરી ભરીને તે અમૃત પીધું. ગ્રંથાધિરાજ સમયસારજીએ મહારાજશ્રી
પર અપૂર્વ, અલૌકિક, અનુપમ ઉપકાર કર્યો અને તેમના આત્માનંદનો પાર ન રહ્યો. મહારાજશ્રીના
અંતર્જીવનમાં પરમ પવિત્ર પરિવર્તન થયું. ભૂલી પડેલી પરિણતિએ નિજ ઘર દેખ્યું. ઉપયોગ ઝરણાનાં વહેણ
અમૃતમય થયાં. જિનેશ્વરદેવના સુનંદન ગુરુદેવની જ્ઞાનકળા હવે અપૂર્વ રીતે ખીલવા લાગી.
સં. ૧૯૯૧ સુધી મહારાજશ્રીએ સ્થાનકવાસી સંપ્રદાયમાં રહી બોટાદ, વઢવાણ, અમરેલી, પોરબંદર,
જામનગર, રાજકોટ વગેરે ગામોમાં ચાતુર્માસ કર્યાં અને શેષ કાળમાં સેંકડો નાનાંમોટાં ગામોને પાવન કર્યાં.
કાઠિયાવાડના હજારો માણસોને મહારાજશ્રીના ઉપદેશ પ્રત્યે બહુમાન પ્રગટ્યું. અંતરાત્મધર્મનો ઉદ્યોત ઘણો થયો.
જે ગામમાં મહારાજશ્રીનું ચાતુર્માસ હોય ત્યાં બહારગામનાં હજારો ભાઈબેનો દર્શનાર્થે જતાં અને તેમની
અમૃતવાણીનો લાભ લેતાં. મહારાજશ્રી શ્વેતાંબર સંપ્રદાયમાં રહ્યા હોવાથી વ્યાખ્યાનમાં મુખ્યત્વે શ્વેતાંબર શાસ્ત્રો
વાંચતા (જો કે છેલ્લા વર્ષોમાં સમયસારાદિ પણ સભા વચ્ચે વાંચતા હતા) પરંતુ તે શાસ્ત્રોમાંથી, પોતાનું હૃદય
અપૂર્વ હોવાથી, અન્ય વ્યાખ્યાતાઓ કરતાં જુદી જ જાતના અપૂર્વ સિદ્ધાંતો તારવતા, વિવાદના સ્થળોને છેડતા
જ નહિ. ગમે તે અધિકાર તેઓશ્રી વાંચે પણ તેમાં કહેલી હકીકતોને અંતરના ભાવો સાથે મીંઢવીને તેમાંથી એવા
અલૌકિક આધ્યાત્મિક ન્યાયો કાઢતા કે જે ક્યાંય સાંભળવા ન મળ્‌યા હોય. ‘જે ભાવે તીર્થંકરનામકર્મ બંધાય તે
ભાવ પણ હેય છે........શરીરમાં રોમે રોમે તીવ્ર રોગ થવા તે દુઃખ જ નથી, દુઃખનું સ્વરૂપ જુદું છે.........વ્યાખ્યાન
સાંભળી ઘણા જીવો બૂઝે તો મને ઘણો લાભ થાય એમ માનનાર વ્યાખ્યાતા મિથ્યાદ્રષ્ટિ છે..........આ દુઃખમાં
સમતા નહિ રાખું તો કર્મ બંધાશે–એવા ભાવે સમતા રાખવી તે પણ મોક્ષમાર્ગ નથી..........પાંચ મહાવ્રત પણ
માત્ર પુણ્યબંધનાં કારણ છે. ’ આવા હજારો અપૂર્વ ન્યાયો મહારાજશ્રી વ્યાખ્યાનમાં અત્યંત સ્પષ્ટ રીતે લોકોને
સમજાવતા. દરેક વ્યાખ્યાનમાં મહારાજશ્રી સમ્યગ્દર્શન પર અત્યંત ભાર મૂકતા. તેઓશ્રી અનેક વાર કહેતા કે–
‘શરીરનાં ચામડાં ઉતરડીને ખાર છાંટનાર ઉપર પણ ક્રોધ ન કર્યો–
– : ગુરુદેવના ઉપકાર : –
જ્યાં જોઉં ત્યાં નજર પડતાં રાગ ને દ્વેષ હા! હા!
જ્યાં જોઉં ત્યાં શ્રવણ પડતાં પુણ્ય ને પાપ ગાથા;
જિજ્ઞાસુને શરણ સ્થળ ક્યાં? તત્ત્વની વાત ક્યાં છે?
પૂછે કોને પથ પથિક જ્યાં આંધળા સર્વ પાસે.
એવા એ કળિકાળમાં જગતનાં કંઈ પુણ્ય બાકી હતાં.
જિજ્ઞાસુ હૃદયો હતાં તલસતાં સદ્વસ્તુને ભેટવા;
એવા કંઈક પ્રભાવથી, ગગનથી ઓ કહાન તું ઊતરે,
અંધારે ડૂબતા અખંડ સત્ને તું પ્રાણવંતુ કરે
જેનો જન્મ થતાં સહુ જગતનાં પાખંડ પાછાં પડે,
જેનો જન્મ થતાં મુમુક્ષુ હૃદયો ઉલ્લાસથી વિકસે;
જેના જ્ઞાનકટાક્ષથી ઉદય ને ચૈતન્ય જૂદાં પડે,
ઈન્દ્રો એ જિનસુતના જનમને આનંદથી ઉજવે.
ડુબેલું સત્ય અંધારે આવતું તરી આખરે;
ફરી એ વીર–વાક્યોમાં પ્રાણ ને ચેતના વહે.

PDF/HTML Page 22 of 29
single page version

background image
: વૈશાખ : ૨૦૦૦ આત્મધર્મ : ૧૦૧ :
એવાં વ્યવહાર ચારિત્રો આ જીવે અનંતવાર પાળ્‌યાં છે, પણ સમ્યગ્દર્શન એક વાર પણ પ્રાપ્ત કર્યું નથી. લાખો
જીવોની હિંસાનાં પાપ કરતાં મિથ્યાદર્શનનું પાપ અનંતગણું છે સમકિત સહેલું નથી. લાખો કરોડોમાં કોઈક
વિરલ જીવને જ તે હોય છે. સમકિતી જીવ પોતાનો નિર્ણય પોતે જ કરી શકે છે. સમકિતી આખા બ્રહ્માંડના
ભાવોને પી ગયો હોય છે. આજકાલ તો સૌ પોત પોતાના ઘરનું સમકિત માની બેઠા છે. સમકિતીને તો મોક્ષના
અનંત સુખની વાનગી પ્રાપ્ત થઈ હોય છે. સમકિતીનું તે સુખ, મોક્ષના સુખના અનંતમા ભાગે હોવા છતાં,
અનંત છે. ’ અનેક રીતે, અનેક દલીલોથી, અનેક પ્રમાણોથી, અનેક દ્રષ્ટાંતોથી સમકિતનું અદ્ભુત મહાત્મ્ય
તેઓશ્રી લોકોને ઠસાવતા. મહારાજશ્રીની જૈન ધર્મ પરની અનન્ય શ્રધ્ધા, આખું જગત ન માને તોપણ પોતાની
માન્યતામાં પોતે એકલા ટકી રહેવાની તેમની અજબ દ્રઢતા અને અનુભવના જોરપૂર્વક નીકળતી તેમની
ન્યાયભરેલી વાણી ભલભલા નાસ્તિકોને વિચારમાં નાખી દેતી અને કેટલાકને આસ્તિક બનાવી દેતી. એ
કેસરીસિંહનો સિંહનાદ પાત્ર જીવોના હૃદયના ઊંડાણને સ્પર્શી તેમના આત્મિક વીર્યને ઉછાળતો. સત્યના જોરે
આખા જગતના અભિપ્રાયો સામે ઝુઝતા એ અધ્યાત્મયોગીની ગર્જના જેમણે સાંભળી હશે તેમના કાનમાં હજુ
તેનો રણકાર ગુંજતો હશે.
આવી અદ્ભુત પ્રભાવશાળી અને કલ્યાણકારિણી વાણી અનેક જીવોને આકર્ષે એ સ્વાભાવિક છે.
સાધારણ રીતે ઉપાશ્રયમાં કામધંધાથી નિવૃત્તિ થયેલા વૃદ્ધ માણસો મુખ્યત્વે આવે છે, પરંતુ કાનજી મહારાજ
જ્યાં પધારે ત્યાં તો યુવાનો, કેળવાએલા માણસો, વકીલો, દાક્તરો, શાસ્ત્રના અભ્યાસીઓ વગેરેથી ઉપાશ્રય
ઊભરાઈ જતો. મોટા ગામોમાં મહારાજશ્રીનું વ્યાખ્યાન પ્રાય: ઉપાશ્રયમાં નહિ પણ કોઈ વિશાળ જગ્યામાં
રાખવું પડતું. દિવસે દિવસે તેમની ખ્યાતિ વધતી જ ગઈ. વ્યાખ્યાનમાં હજારો માણસો આવતાં. આસપાસનાં
ગામોમાંથી પણ માણસો આવતાં. આગળ જગ્યા મળે એ હેતુથી સેંકડો લોકો કલાક દોઢદોઢ કલાક વહેલા
આવીને બેસી જતા. કોઈક જિજ્ઞાસુઓ વ્યાખ્યાનોની ટુંકી નોંધ કરી લેતા. જે ગામમાં મહારાજશ્રી પધારે તે
ગામમાં શ્રાવકોના ઘરે ઘરે ધર્મની ચર્ચા ચાલતી અને સર્વત્ર ધર્મનું જ વાતાવરણ જામી રહેતું. શેરીઓમાં
શ્રાવકોનાં ટોળાં ધર્મની વાતો કરતાં નજરે પડતાં, સવાર, બપોર ને સાંજ ઉપાશ્રયના રસ્તે જનસમુદાયની ભારે
અવરજવર રહ્યા કરતી. ઉપાશ્રયમાં લગભગ આખો દિવસ તત્ત્વજ્ઞાનચર્ચાની શીતળ લહરીઓ છૂટતી. કેટલાંક
મુમુક્ષુઓનું તો વેપારધંધામાં ચિત્ત ચોંટતું નહિ ને મહારાજશ્રીની શીતળ છાંયામાં ઘણો ખરો વખત ગાળતા. એ
રીતે ગામોગામ અનેક સુપાત્ર જીવોના હૃદયમાં મહારાજશ્રીએ સત્ની રુચિના બીજ રોપ્યાં. મહારાજશ્રીના
વિયોગમાં પણ તે મુમુક્ષુઓ મહારાજશ્રીના બોધ વિચારતા, ભવભ્રમણ કેમ ટળે સમ્યક્ત્વ કેમ પ્રાપ્ત થાય તેની
ઝંખના કરતા, કોઈ વાર ભેગા મળીને તત્ત્વચર્ચા કરતા, મહારાજશ્રીએ કહેલાં પુસ્તકો વાંચતા વિચારતા.
સ્થાનકવાસી સાધુઓમાં મહારાજશ્રીનું સ્થાન અજોડ હતું. ‘કાનજી મહારાજ શું કહે છે’–એ જાણવા
સાધુ–સાધ્વીઓ ઉત્સુક રહેતાં. કેટલાક
અધ્યાત્મ મૂર્તિ સદ્ગુરુદેવને
(હરિગીત)
તુજ પાદપંકજ જ્યાં થયાં તે દેશને પણ ધન્ય છે, એ ગામ–પુરને ધન્ય છે, એ માત કુળ જ વન્દ્ય છે;
તારાં કર્યાં દર્શન અરે! તે લોક પણ કૃતપુણ્ય છે, તુજ પાદની સ્પર્શાઈ એવી ધૂલિને પણ ધન્ય છે,
તારી મતિ તારી ગતિ, ચારિત્ર લોકાતીત છે, આદર્શ સાધુ તું થયો, વૈરાગ્ય વચનાતીત છે.
વૈરાગ્ય મૂર્તિ, શાન્તમુદ્રા, જ્ઞાનનો અવતાર તું, ઓ દેવના દેવેન્દ્ર વ્હાલા! ગુણ તારા શું કથું?
અનુભવ મહીં આનંદ તો સાપેક્ષ દ્રષ્ટિ તું ધરે, દુનિયા બિચારી બાવરી તુજ દિલ દેખે ક્યાં અરે?
તારા હૃદયના તારમાં રણકાર પ્રભુના નામના, એ નામ ‘સોહં’ નામનું, ભાષા પરા જ્યાં કામના.
અધ્યાત્મની વાતો કરે, અધ્યાત્મની દ્રષ્ટિ ધરે, નિજ દેહ–અણુ અણુમાં અહો! અધ્યાત્મરસ ભાવે ભરે;
અધ્યાત્મમાં તન્મય બની અધ્યાત્મને ફેલાવતો, કાયા અને વાણી–હૃદય, અધ્યાત્મમાં રેલાવતો.
જ્યાં જ્યાં તમારી દ્રષ્ટિ ત્યાં આનંદના ઉભરા વહે, છાયા છવાયે શાન્તિની તું શાન્ત મૂર્તે! જ્યાં રહે;
અધ્યાત્મ મૂર્તિ, શાન્ત મુદ્રા, જ્ઞાનનો અવતાર તું, ઓ કહાનદેવ દેવેન્દ્ર વ્હાલા! ગુણ તારા શું કથું?

PDF/HTML Page 23 of 29
single page version

background image
: ૧૦૨ : આત્મધર્મ : વૈશાખ : ૨૦૦૦
પુ. ગુરુદેવની રાત્રિર્ચામાંથી મેળવેલું
પ્રશ્ન:–રાગદ્વેષ આત્માના નથી ત્યારે કોનાં છે?
ઉત્તર:–આત્માના (સ્વરૂપના) નથી; તે થાય છે આત્મામાં, કંઈ જડમાં થતાં નથી; પણ તે જડના
સંયોગથી થતા હોવાથી તેને જડના કહ્યા છે.
જ્ઞાનમાં (જ્ઞાન કરવામાં) પોતે વિકાર ભાવ કરે છે–પણ જડમાં કાંઈ વિકાર (રાગદ્વેષ) નથી થતાં.
પ્રશ્ન:–જ્ઞાનનું સ્વરૂપ શું?
ઉત્તર:–જાણવું તે. (જાણવામાં રાગદ્વેષ તે જ્ઞાનનું સ્વરૂપ નથી) ‘હું આને જાણું છું’ એમ બોલાય પણ
ખરેખર પરને નહીં પણ પોતાના જ્ઞાનની પર્યાયને જાણે છે.
ચેતન (સ્વલક્ષચૂકીને) જડ પક્ષમાં લક્ષ કરે છે ત્યારે રાગદ્વેષ થાય છે એટલે તે રાગદ્વેષ જડ પક્ષમાં જાય
છે ચેતન જડ તરફ લક્ષ કરે છે કે “મને આનાથી ફાયદો કે નુકસાન થશે” ત્યારે રાગદ્વેષ થાય છે.
પ્રશ્ન:–ચેતન તો અસંગ સ્વભાવી છે ને પરસંગ (પરલક્ષ) કેમ કરે?
ઉત્તર:–શક્તિથી અસંગ છે, પણ વર્તમાન (પર્યાયમાં) સંગની યોગ્યતા છે.
આત્મા જગતની એક સ્વતંત્ર વસ્તુ છે; તેનો જ્ઞાન ગુણ અનાદિ અનંત છે; તેની અનાદિથી વિકારી
અવસ્થા છે; જ્યારે સાચું ભાન થાય (કરે) ત્યારે તે વિકારી અવસ્થા ટળે.
સાધુ–સાધ્વીઓ મહારાજશ્રીનાં વ્યાખ્યાનની નોંધ મુમુક્ષુ ભાઈબેનો પાસેથી મેળવી વાંચી લેતાં.
મહારાજશ્રીએ ઘણાં વર્ષો સુધી સ્થાનકવાસી સંપ્રદાયમાં રહી આત્મધર્મનો ખૂબ પ્રચાર કર્યો અને સાધુ
તથા શ્રાવકોને વિચારતા કરી મૂકયા.
મહારાજશ્રી સં. ૧૯૯૧ સુધી સ્થાનકવાસી સંપ્રદાયમાં રહ્યા. પરંતુ અંતરંગ આત્મામાં વાસ્તવિક
વસ્તુસ્વભાવ અને વાસ્તવિક નિર્ગ્રંથમાર્ગ ઘણાં વખતથી સત્ય લાગતો હોવાથી તેઓશ્રીએ યોગ્ય સમયે
કાઠિયાવાડના સોનગઢ નામના નાના ગામમાં ત્યાંના એક ગૃહસ્થના ખાલી મકાનમાં સં. ૧૯૯૧ ના ચૈત્ર સુદ
૧૩ ને મંગળવારને દિને ‘પરિવર્તન, કર્યું–સ્થાનકવાસી સંપ્રદાયનું ચિહ્ન જે મુહપતિ તેનો ત્યાગ કર્યો. સંપ્રદાય
ત્યાગનારાઓને કેવી કેવી અનેક મહાવિપત્તિઓ પડે છે, અને તદ્ ઉપરાંત બાળ જીવો તરફથી અજ્ઞાનને લીધે
તેમના પર કેવી અઘટિત નિંદાની ઝડીઓ વરસે છે, તેનો તેમને સંપૂર્ણ ખ્યાલ હતો પણ તે નીડર ને નિસ્પૃહ
મહાત્માએ તેની કાંઈ પરવા કરી નહિ. સંપ્રદાયના હજારો શ્રાવકોનાં હૃદયમાં મહારાજશ્રી અગ્રસ્થાને બિરાજતા
હતા તેથી ઘણા શ્રાવકોએ મહારાજશ્રીને પરિવર્તન નહિ કરવા અનેક પ્રકારે પ્રેમભાવે વિનવ્યા હતા. પરંતુ જેના
રોમે રોમમાં વીતરાગપ્રણીત યથાર્થ સન્માર્ગ પ્રત્યે ભક્તિ ઊછળતી હતી તે મહાત્માએ પ્રેમભરી વિનવણીની
અસર હૃદયમાં ઝીલી, રાગમાં તણાઈ, સત્ને કેમ ગૌણ થવા દે? સત્ પ્રત્યેની પરમ ભક્તિમાં સર્વ પ્રકારની
પ્રતિકૂળતાનો ભય ને અનુકૂળતાનો રાગ અત્યંત ગૌણ થઈ ગયા. જગતથી તદ્ન નિરપેક્ષપણે, હજારોની માનવ
મેદનીમાં ગર્જતો સિંહ સત્ને ખાતર સોનગઢના એકાંત સ્થળમાં જઈને બેઠો.
મહારાજશ્રીએ જેમાં પરિવર્તન કર્યું તે મકાન વસતિથી અલગ હોવાથી બહુ શાંત હતું. દૂરથી આવતા
માણસનો પગરવ ક્યાંયથી સંભળાતો. થોડા મહિનાઓ સુધી આવા નિર્જન સ્થળમાં માત્ર (મહારાજશ્રીના
પરમ ભક્ત) જીવણલાલજી મહારાજ સાથે અને કોઈ દર્શનાર્થે આવેલા બે ચાર મુમુક્ષુઓ સાથે સ્વાધ્યાય, જ્ઞાન–
ધ્યાન વગેરેમાં લીન થયેલા મહારાજશ્રીને જોતાં હજારોની માનવમેદની સ્મૃતિગોચર થતી અને તે જાહોજલાલીને
સર્પ કંચુ કવત્ છોડનાર મહાત્માની સિંહવૃત્તિ, નિરીહતા અને નિર્માનતા આગળ હૃદય નમી પડતું.
જે સ્થાનકવાસી સંપ્રદાય કાનજીસ્વામીના નામથી ગૌરવ લેતો તે સંપ્રદાયમાં મહારાજશ્રીના ‘પરિવર્તન’
થી ભારે ખળભળાટ થાય એ સ્વાભાવિક છે. પરંતુ મહારાજશ્રી ૧૯૯૧ ની સાલ સુધીમાં કાઠિયાવાડમાં લગભગ
દરેક સ્થાનકવાસીના હૃદયમાં પેસી ગયા હતા. મહારાજશ્રી પાછળ કાઠિયાવાડ ઘેલું બન્યું હતું. તેથી ‘મહારાજશ્રીએ
જે કર્યું હશે તે સમજીને જ કર્યું હશે.’ એમ વિચારીને ધીમે ધીમે ઘણા લોકો તટસ્થ થઈ ગયા. કેટલાક લોકો
સોનગઢમાં શું ચાલે છે તે જોવા આવતા, પણ મહારાજશ્રીનું પરમ પવિત્ર જીવન અને અપૂર્વ ઉપદેશ સાંભળી
તેઓ ઠરી જતા, તૂટેલો ભક્તિનો પ્રવાહ ફરીને વહેવા લાગતો. કોઈ કોઈ પશ્ચાત્તાપ કરતા કે ‘મહારાજ! આપના
વિષે તદ્ન કલ્પિત વાતો સાંભળી અમે આપની ઘણી આશાતના કરી છે, ઘણાં કર્મ બાંધ્યા છે. અમને

PDF/HTML Page 24 of 29
single page version

background image
: વૈશાખ : ૨૦૦૦ આત્મધર્મ : ૧૦૩ :
ક્ષમા આપજો.’ આ રીતે જેમ જેમ મહારાજશ્રીના પવિત્ર ઉજ્જવળ જીવન તેમ જ આધ્યાત્મિક ઉપદેશ વિષે
લોકોમાં વાત ફેલાતી ગઈ, તેમ તેમ વધારેને વધારે લોકોને મહારાજશ્રી પ્રત્યે મધ્યસ્થતા થતી ગઈ અને ઘણાને
સાંપ્રદાયિક મોહને કારણે દબાઈ ગયેલી ભક્તિ પુન: પ્રગટતી ગઈ. મુમુક્ષુ અને બુદ્ધિશાળી વર્ગની તો મહારાજશ્રી
પ્રત્યે પહેલાંંના જેવી જ પરમ ભક્તિ રહી હતી. અનેક મુમુક્ષુઓના જીવનાધાર કાનજીસ્વામી સોનગઢમાં જઈને
રહ્યા, તો મુમુક્ષુઓનાં ચિત્ત સોનગઢ તરફ ખેંચાયાં, ધીમે ધીમે મુમુક્ષુઓનાં પૂર સોનગઢ તરફ વહેવા લાગ્યાં.
સાંપ્રદાયિક મોહ અત્યંત દુર્નિવાર હોવા છતાં, સત્ના અર્થી જીવોની સંખ્યા ત્રણે કાળે અત્યંત અલ્પ હોવા છતાં,
સાંપ્રદાયિક મોહ તેમ જ લૌકિક ભયને છોડીને સોનગઢ તરફ વહેતા સત્સંગાર્થી જનોનાં પૂર દિન પ્રતિદિન
વેગપૂર્વક વધતાં જ જાય છે.
પરિવર્તન કર્યા પછી પૂ. મહારાજશ્રીનો મુખ્ય નિવાસ સોનગઢમાં જ છે. મહારાજશ્રીની હાજરીને લીધે
સોનગઢ એક તીર્થધામ જેવું બની ગયું છે. બહારગામથી અનેક મુમુક્ષુ ભાઈબેનો મહારાજશ્રીના ઉપદેશનો લાભ
લેવા સોનગઢ આવે છે. દૂર દેશોથી ઘણા દિગંબર જૈનો, પંડિતો, બ્રહ્મચારીઓ વગેરે પણ આવે છે. બહારગામના
માણસોને જમવા તથા ઊતરવા માટે ત્યાં જૈનઅતિથિગૃહ છે. કેટલાક ભાઈઓ તથા બેનો ત્યાં ઘર કરીને કાયમ
રહ્યાં છે. કેટલાક સત્સંગાર્થીઓ થોડા મહિનાઓ માટે પણ ત્યાં ઘર કરીને અવારનવાર રહે છે. બહારગામના
મુમુક્ષુઓનાં હાલમાં ત્યાં ચાળીસેક ઘર છે.
પૂ. મહારાજશ્રીએ જે મકાનમાં પરિવર્તન કર્યું તે મકાન નાનું હતું, તેથી જ્યારે ઘણાં માણસો થઈ જતાં
ત્યારે વ્યાખ્યાન વાંચવાની અગવડ પડતી. પર્યુષણમાં તો બીજે સ્થળે વ્યાખ્યાન વાંચવા જવું પડતું. આ રીતે
મકાનમાં માણસોનો સમાસ નહિ થતો હોવાથી ભક્તોએ સં. ૧૯૯૪ માં એક મકાન બંધાવ્યું અને તેનું નામ ‘શ્રી
જૈન સ્વાધ્યાય મંદિર’ રાખ્યું. મહારાજશ્રી હાલમાં ત્યાં રહે છે. તેમની સાથે જીવનલાલજી મહારાજ ઉપરાંત બીજા
બે ભક્તિવંત સાધુઓ સત્સગાર્થે રહ્યા છે. ત્યાં લગભગ આખો દિવસ સ્વાધ્યાય જ ચાલ્યા કરે છે. સવારે તથા
બપોરે ધર્મોપદેશ અપાય છે. રાત્રે ધર્મચર્ચા ચાલે છે. ધર્મોપદેશમાં તથા તે સિવાયના વાંચનમાં ત્યાં ભગવાન
કુંદકુંદાચાર્યના શાસ્ત્રો. તત્ત્વાર્થસાર, ગોમટ્ટસાર ષટખંડાગમ, પંચાધ્યાયી, પદ્મનંદિપંચવિંશતિ, દ્રવ્યસંગ્રહ,
મોક્ષમાર્ગ પ્રકાશક, શ્રીમદ્ રાજચંદ્ર વગેરે વગેરે પુસ્તકો વંચાય છે. ત્યાં આવનાર મુમુક્ષુનો આખો દિવસ ધાર્મિક
આનંદમાં પસાર થઈ જાય છે.
પરમ પૂજ્ય અધ્યાત્મયોગી ગુરુદેવને સમયસારજી પ્રત્યે અતિશય ભક્તિ છે તેથી જે દિવસે સ્વાધ્યાય
મંદિરનું ઉદ્ઘાટન થયું તે જ દિવસે એટલે સં. ૧૯૯૪ ના વૈશાખ વદ ૮ ને રવિવારના રોજ સ્વાધ્યાય મંદિરમાં
શ્રી સમયસારજીની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. શ્રી સમયસારજી પ્રતિષ્ઠાના મહોત્સવ પર બહાર ગામથી
લગભગ ૭૦૦ માણસો આવ્યા હતાં. મહારાજશ્રી સમયસારજીને ઉત્તમોત્તમ શાસ્ત્ર ગણે
પૂ. ગુરુદેવના વ્યાખ્યાનમાંથી તારવેલું
૧–દરેક દ્રવ્ય ઉત્પાદ, વ્યય, ધુ્રવ સહિત છે. જો દ્રવ્યને એકલું ધુ્રવ માનવામાં આવે તો અશુદ્ધ અવસ્થાનો
વ્યય (નાશ) અને શુદ્ધ અવસ્થાની ઉત્પત્તિ કેમ થશે? વળી જો ઉત્પાદ વ્યય માનવામાં આવે અને ધુ્રવ ન માને
તો પર્યાય બદલતાં વસ્તુ ત્રિકાળ ટકી શકશે નહીં–આ રીતે વસ્તુમાં ઉત્પાદ, વ્યય, ધુ્રવ છે જ.
(પ્રવચનસાર ગાથા ૯.)
૨–નિમિત્તથી રાગ નથી, રાગ કરે ત્યાં નિમિત્ત હાજર હોય છે. (સમયસાર ગાથા ૧૩)
૩–કાર્ય જેટલું કરે તેટલું તેનું ફળ આવે જ; એટલે જેટલો પુરુષાર્થ કરે તેટલું ફળ આવે જ; કોઈ કર્મ તેને
રોકી શકવા સમર્થ નથી. (સમયસાર ગાથા–૧૩)
૪–અનાદિથી “જાણનારો હું નહીં–પણ–જણાય તે હું” એવી ઊંધી માન્યતા છે તેથી શરીરની અવસ્થાને
પોતાની થતી હોય તેમ માને છે. તે માન્યતા અજ્ઞાન જ છે. (સમયસાર ગાથા–૧૩)
પ–પરના સંયોગ વગર એકલા આત્મામાં જે થાય તે આત્માનો સ્વભાવ; સ્વભાવ ટળી શકે નહીં. પુણ્ય–
પાપ ટળી શકે છે માટે તે આત્માનો સ્વભાવ નથી.
જો નિમિત્તનો સંયોગ ન હોય તો એકલા આત્મામાં વિકાર થાય નહીં–તેથી એમ ન માનવું કે નિમિત્ત
શુભાશુભ વિકાર કરાવે છે; શુભ અશુભ ભાવનો કર્તા તો (વિકારી) આત્મા પોતે જ છે–જે પર વસ્તુના લક્ષે
વિકાર કરે તે પરવસ્તુને વિકારનું નિમિત્ત કહેવાય છે.
(સમયસાર ગાથા–૧૩)

PDF/HTML Page 25 of 29
single page version

background image
: ૧૦૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૦૦૦
છે. સમયસારજીની વાત કરતાં પણ તેમને અતિ ઉલ્લાસ આવી જાય છે. સમયસારજીની પ્રત્યેક ગાથા મોક્ષ આપે
એવી છે એમ તેઓશ્રી કહે છે. ભગવાન કુંદકુંદાચાર્યનાં ઘણાં શાસ્ત્રો પર તેમને અત્યંત પ્રેમ છે. ‘ભગવાન
કુંદકુંદાચાર્ય દેવનો અમારા પર ઘણો ઉપકાર છે, અમે તેમના દાસાનુદાસ છીએ’ એમ તેઓશ્રી ઘણી વાર
ભક્તિભીના અંતરથી કહે છે. શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્ય મહા વિદેહ ક્ષેત્રમાં સર્વજ્ઞ વીતરાગ શ્રી
સીમંધરભગવાનના સમવસરણમાં ગયા હતા અને ત્યાં તેઓશ્રી આઠ દિવસ રહ્યા હતા એ વિષે મહારાજશ્રીને
અણુમાત્ર શંકા નથી. તેઓશ્રી ઘણી વાર પોકાર કરીને કહે છે: ‘કલ્પના કરશો નહિ, ના કહેશો નહિ, એ વાત
એમ જ છે; માનો તો પણ એમ જ છે, ન માનો તો પણ એમ જ છે. યથાતથ્ય વાત છે, અક્ષરશ: સત્ય છે,
પ્રમાણસિધ્ધ છે.’ શ્રીસીમંધરપ્રભુ પ્રત્યે ગુરુદેવને અપાર ભક્તિ છે. કોઈ કોઈ વખત સીમંધરનાથના વિરહે પરમ
ભક્તિવંત ગુરુદેવનાં નેત્રોમાંથી અશ્રુની ધારા વહે છે.
વીતરાગના પરમ ભક્ત ગુરુદેવ કહે છે–‘જૈન ધર્મ એ કોઈ વાડો નથી. એ તો વિશ્વધર્મ છે. જૈન ધર્મનો
મેળ અન્ય કોઈ ધર્મ સાથે છે જ નહિ. જૈન ધર્મનો ને અન્ય ધર્મોનો સમન્વય કરવાનો પ્રયત્ન રેશમનો ને
કંતાનનો સમન્વય કરવાના પ્રયત્ન જેવો વૃથા છે. દિગંબર જૈન ધર્મ તે જ વાસ્તવિક જૈન ધર્મ છે અને આંતરિક
તેમ જ બાહ્ય દિગંબરતા વિના કોઈ જીવ મોક્ષ પામી શકે નહિ એમ તેમની દ્રઢ માન્યતા છે. તેઓશ્રીની મારફત
સમયસાર, પ્રવચનસાર, પંચાધ્યાયી, મોક્ષમાર્ગ પ્રકાશક વગેરે અનેક દિગંબર પુસ્તકોનો ઘણો ઘણો પ્રચાર
કાઠિયાવાડમાં થઈ રહ્યો છે. સોનગઢના પ્રકાશન ખાતામાંથી ગુજરાતી સમયસારની ૨૦૦૦ નકલો છપાઈ ને
તુરત જ ખપી ગઈ. તે સિવાય સમયસાર ગુટકો, સમયસાર હરિગીત, ગણેશપ્રસાદ વર્ણીજી નાં પત્રો,
અનુભવપ્રકાશ વગેરે ઘણાં પુસ્તકો ત્યાં છપાયાં અને કાઠિયાવાડમાં ફેલાયાં. તે ઉપરાંત આત્મસિદ્ધિશાસ્ત્રની
હજારો પ્રતો ત્યાંથી પ્રકાશિત થઈ પ્રચાર પામી છે. ગુજરાત–કાઠિયાવાડના અધ્યાત્મપ્રેમી મુમુક્ષુઓને ગુજરાતી
ભાષામાં આધ્યાત્મિક સાહિત્ય સુલભ થયું છે. કાઠિયાવાડમાં હજારો મુમુક્ષુઓ તેનો અભ્યાસ કરતા થયા છે.
કેટલાક ગામોમાં પાંચ દશ પંદર મુમુક્ષુઓ ભેગા થઈને ગુરુદેવ પાસેથી ગ્રહણ કરેલા રહસ્ય અનુસાર
સમયસારાદિ ઉત્તમ શાસ્ત્રોનું નિયમિત વાંચન–મનન કરે છે. આ રીતે પરમ પૂજ્ય ગુરુદેવની કૃપાથી પરમ
પવિત્ર શ્રુતામૃતના ધોરિયા કાઠિયાવાડના ગામે ગામમાં વહેવા–લાગ્યા છે. અનેક સુપાત્ર જીવો એ જીવનોદકનું
પાન કરી કૃતાર્થ થાય છે.
પરમ પૂજ્ય મહારાજશ્રીનું મુખ્ય વજન સમજણ પર છે. ‘તમે સમજો; સમજ્યા વિના બધું નકામું છે.’
એમ તેઓશ્રી વારંવાર કહે છે. ‘કોઈ આત્મ–જ્ઞાની કે અજ્ઞાની–એક પરમાણુમાત્રને હલાવવાનું સામર્થ્ય ધરાવતો
નથી, તો પછી દેહાદિની ક્રિયા આત્માના હાથમાં ક્યાંથી હોય?
જ્ઞાની ને અજ્ઞાનીમાં આકાશ–પાતાળના અંતર જેવડો મહાન તફાવત છે, અને તે એ છે કે ‘અજ્ઞાની
પરદ્રવ્યનો તથા રાગદ્વેષનો કર્તા થાય છે અને જ્ઞાની પોતાને શુદ્ધ અનુભવતો થકો તેમનો કર્તા થતો નથી. તે
કર્તૃત્વ છોડવાનો મહા પુરુષાર્થ દરેક જીવે કરવાનો છે. તે કર્તૃત્વબુદ્ધિ જ્ઞાન વિના છૂટશે નહિ. માટે તમે જ્ઞાન
કરો.’ –આ તેઓ શ્રીના ઉપદેશનો પ્રધાન સૂર છે. જ્યારે કોઈ શ્રોતાઓ કહે છે કે ‘પ્રભુ! આપ તો મેટ્રીકની ને
એમ. એ. ની વાત કરો છો; અમે હજુ એકડિયામાં છીએ. અમને એકડિયાની વાત સંભળાવો,’ ત્યારે ગુરુદેવ કહે
છે: ‘આ જૈન ધર્મનો એકડો જ છે. સમજણ કરવી તે જ શરૂઆત છે. મેટ્રીકની ને એમ. એ. ની એટલે કે
નિર્ગ્રંથદશાની ને વીતરાગતાની વાતો તો આઘી છે. આ સમજણ કર્યે જ છુટકો છે. એક ભવે, બે ભવે, પાંચ ભવે
કે અનંત ભવે આ સમજ્યે જ મોક્ષમાર્ગની શરૂઆત થવાની છે. ’
પરમ પૂજ્ય મહારાજશ્રીના જ્ઞાનને સમ્યક્પણાની મહોર તો ઘણા વખતથી પડી હતી. તે સમ્યગ્જ્ઞાન
સોનગઢના વિશેષ નિવૃત્તિવાળા સ્થળમાં અદ્ભુત સૂક્ષ્મતાને પામ્યું; નવી નવી જ્ઞાનશૈલી સોનગઢમાં ખૂબ
ખીલી. અમૃતકળશમાં જેમ અમૃત ઘોળાતાં હોય તેમ ગુરુદેવના પરમ પવિત્ર અમૃતકળશ સ્વરૂપ આત્મામાં
તીર્થંકરદેવનાં વચનામૃતો ખૂબ ઘોળાયાં ઘુંટાયાં. એ ઘુંટાયલાં અમૃત કૃપાળુદેવ અનેક મુમુક્ષુઓને પીરસે છે ને
ન્યાલ કરે છે. સમયસાર, પ્રવચનસાર વગેરે ગ્રંથો પર પ્રવચન કરતાં ગુરુદેવના શબ્દે શબ્દે એટલી ગહનતા,
સૂક્ષ્મતા અને નવીનતા નીકળે છે કે તે શ્રોતાજનોના ઉપયોગને પણ સૂક્ષ્મ બનાવે છે અને વિદ્વાનોને
આશ્ચર્યચકિત

PDF/HTML Page 26 of 29
single page version

background image
: વૈશાખ : ૨૦૦૦ આત્મધર્મ : ૧૦૫ :
કરે છે. જે અનંત આનંદમય ચૈતન્યઘન દશા પ્રાપ્ત કરીને સર્વજ્ઞ તીર્થંકરદેવે શાસ્ત્રો પ્રરૂપ્યા, તે પરમ પવિત્ર
દશાનો સુધાસ્યંદી સ્વાનુભૂતિસ્વરૂપ પવિત્ર અંશ પોતાના આત્મામાં પ્રગટ કરીને સદ્ગુરુદેવ વિકસિત જ્ઞાનપર્યાય
દ્વારા શાસ્ત્રમાં રહેલાં ગહન રહસ્યો ઉકેલી, મુમુક્ષુને સમજાવી અપાર ઉપકાર કરી રહ્યા છે. સેંકડો શાસ્ત્રોના
અભ્યાસી વિદ્વાનો પણ ગુરુદેવની વાણી સાંભળી ઉલ્લાસ આવી જતાં કહે છે; ‘ગુરુદેવ! અપૂર્વ આપના
વચનામૃત છે; તેનું શ્રવણ કરતાં અમને તૃપ્તિ જ થતી નથી. આપ ગમે તે વાત સમજાવો તેમાંથી અમને નવું નવું
જ જાણવાનું મળે છે. નવ તત્ત્વનું સ્વરૂપ કે ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્યનું સ્વરૂપ, સ્યાદ્વાદનું સ્વરૂપ ને સમ્યક્ત્વનું
સ્વરૂપ, નિશ્ચયવ્યવહારનું સ્વરૂપ કે વ્રતનિયમતપનું સ્વરૂપ, ઉપાદાન–નિમિત્તનું સ્વરૂપ કે સાધ્ય–સાધનનું સ્વરૂપ,
દ્રવ્યાનુયોગનું સ્વરૂપ કે ચરણાનુયોગનું સ્વરૂપ ગુણસ્થાનનું સ્વરૂપ કે બાધક–સાધકભાવનું સ્વરૂપ, મુનિદશાનું
સ્વરૂપ કે કેવળજ્ઞાનનું સ્વરૂપ–જે જે વિષયનું સ્વરૂપ આપના મુખે અમે સાંભળીએ છીએ તેમાં અમને અપૂર્વ
ભાવો દ્રષ્ટિગોચર થાય છે. અમે શાસ્ત્રમાંથી કાઢેલા અર્થો તદ્ન ઢીલા, જડ–ચેતનના ભેળસેળવાળા, શુભને
શુદ્ધમાં ખતવનારા, સંસાર ભાવને પોષનારા, વિપરીત અને ન્યાયવિરુદ્ધ હતા; આપના અનુભવમુદ્રિત અપૂર્વ
અર્થો ટંકણખાર જેવા–શુદ્ધ સૂવર્ણ જેવા, જડ–ચેતનના ફડચા કરનારા, શુભ ને શુદ્ધનો સ્પષ્ટ વિભાગ કરનારા,
મોક્ષભાવને જ પોષનારા, સમ્યક્ અને ન્યાયયુક્ત છે. આપના શબ્દે શબ્દે વીતરાગદેવનું હૃદય પ્રગટ થાય છે.
અમે વાક્યે વાક્યે વીતરાગદેવની વિરાધના કરતા હતા. અમારું એક વાક્ય પણ સાચું નહોતું. શાસ્ત્રમાં જ્ઞાન
નથી, જ્ઞાનપર્યાયમાં જ્ઞાન છે–એ વાતનો અમને હવે સાક્ષાત્કાર થાય છે. શાસ્ત્રોએ ગાયેલું જે સદ્ગુરુનું મહાત્મ્ય
તે હવે અમને સમજાય છે. શાસ્ત્રોનાં તાળાં ઉઘાડવાની ચાવી વીતરાગ દેવે સદ્ગુરુને સોંપી છે. સદ્ગુરુનો ઉપદેશ
પામ્યા વિના શાસ્ત્રોનો ઉકેલ થવો અત્યંત કઠિન છે.’
પરમ કૃપાળુ ગુરુદેવનું જ્ઞાન જેવું અગાધ ને ગંભીર છે તેવી જ તેમની વ્યાખ્યાનશૈલી ચમત્કૃતિ ભરેલી
છે. તેઓશ્રી કહેવાની વાતને એવી સ્પષ્ટતાથી, વિવિધતાથી, અનેક સાદા દાખલાઓ આપીને, શાસ્ત્રીય શબ્દોનો
ઓછામાં ઓછો પ્રયોગ કરીને સમજાવે છે કે સામાન્ય મનુષ્યને પણ તે સહેલાઈથી સમજાય છે. અત્યંત ગહન
વિષયને પણ અત્યંત સુગમ રીતે પ્રતિપાદિત કરવાની ગુરુદેવમાં વિશિષ્ટ શક્તિ છે. વળી મહારાજશ્રીની
વ્યાખ્યાનશૈલી એટલી રસમય છે કે જેમ સર્પ મોરલી પાછળ મુગ્ધ બને છે તેમ શ્રોતાઓ મંત્રમુગ્ધ બની જાય છે;
સમય ક્યાં પસાર થઈ જાય છે તેનું ભાન પણ રહેતું નથી. સ્પષ્ટ અને રસમય હોવા ઉપરાંત મહારાજશ્રીનું
પ્રવચન કરતાં અધ્યાત્મમાં એવા તન્મય થઈ જાય છે, પરમાત્મદશા પ્રત્યેની એવી ભક્તિ તેમના મુખ પર દેખાય
છે કે શ્રોતાઓને તેની અસર થયા વિના રહેતી નથી. અધ્યાત્મની જીવંત મૂર્તિ ગુરુદેવના દેહના અણુએ
અણુમાંથી જાણે અધ્યાત્મરસ નીતરે છે. તે અધ્યાત્મમૂર્તિની મુખમુદ્રા, નેત્રો, વાણી, હૃદય બધાં એકતાર થઈ
અધ્યાત્મની રેલંછેલ કરે છે અને મુમુક્ષુઓનાં હૃદયો એ અધ્યાત્મરસથી ભિંજાઈ જાય છે.
ગુરુદેવનું વ્યાખ્યાન સાંભળવું એ એક જીવનનો લ્હાવો છે. તેમનું વ્યાખ્યાન સાંભળ્‌યા પછી અન્ય
વ્યાખ્યાતાઓના વ્યાખ્યાનમાં રસ પડતો નથી. તેમનું વ્યાખ્યાન સાંભળનારને એટલું તો સ્પષ્ટ લાગે છે કે ‘આ
પુરુષ કોઈ જુદી જાતનો છે, જગતથી એ કાંઈક જુદું કહે છે, અપૂર્વ કહે છે. એના કથન પાછળ કોઈ અજબ દ્રઢતા
ને જોર છે. આવું ક્યાંય સાંભળ્‌યું નથી. ’ મહારાજશ્રીના વ્યાખ્યાનમાંથી અનેક જીવો પોતપોતાની પાત્રતા
અનુસાર લાભ મેળવી જાય છે. કેટલાકને સત્ પ્રત્યે રુચિ જાગે છે. કોઈ કોઈને સત્સમજણના અંકુર ફુટે છે અને
કોઈ વિરલ જીવોની તો દશા જ પલટાઈ જાય છે.
અહો! આવું અલૌકિક પવિત્ર અંતર્પરિણમન કેવળજ્ઞાનનો અંશ, અને આવો પ્રબળ પ્રભાવનાઉદય
તીર્થંકરત્વનો અંશ, એ બેનો સુયોગ આ કળિકાળમાં જોઈને રોમાંચ થાય છે. મુમુક્ષુઓનાં મહાપુણ્ય હજુ તપે છે.
અહો! એ પરમ પ્રભાવક અધ્યાત્મમૂર્તિની વાણીની તો શી વાત, તેનાં દર્શન પણ મહાપુણ્યના થોક
ઊછળે ત્યારે પ્રાપ્ત થાય છે. એ અધ્યાત્મયોગીની સમીપમાં સંસારના આધિ–વ્યાધિ–ઉપાધિ ફરકી શકતાં નથી.
સંસારતપ્ત પ્રાણીઓ ત્યાં પરમ વિશ્રાંતિ પામે છે અને સંસારનાં દુઃખો માત્ર કલ્પનાથી જ ઊભાં કરેલાં તેમને
ભાસવા માંડે છે. જે

PDF/HTML Page 27 of 29
single page version

background image
: ૧૦૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૦૦૦
વૃત્તિઓ મહાપ્રયત્ને પણ દબાતી નથી તે ગુરુદેવના સાન્નિધ્યમાં વિના પ્રયત્ને શમી જાય છે એ ઘણા ઘણા
મુમુક્ષુઓનો અનુભવ છે. આત્માનું નિવૃત્તિમય સ્વરૂપ, મોક્ષનું સુખ વગેરે ભાવોની જે શ્રધ્ધા અનેક દલીલોથી
થતી નથી તે ગુરુદેવનાં દર્શન માત્રથી થઈ જાય છે, ગુરુદેવનાં જ્ઞાન ને ચારિત્ર મુમુક્ષુ પર મહા કલ્યાણકારી
અસર કરે છે. ખરેખર કાઠિયાવાડને આંગણે શીતળ છાંયવાળું, વાંછિત ફળ દેનાર કલ્પવૃક્ષ ફળ્‌યું છે.
કાઠિયાવાડનાં મહાભાગ્ય ખીલ્યાં છે.
હવે, સોનગઢમાં પરિવર્તન કર્યા પછીના, મહારાજશ્રીના જીવનવૃત્તાંત સાથે સંબંધ રાખતા કેટલાક પ્રસંગો
કાળાનુક્રમે સંક્ષેપમાં જોઈ જઈએ,
સોનગઢથી બાર માઈલ દૂર આવેલા શ્રીશત્રુંજય તીર્થની યાત્રા કરવાની ઘણા વખતથી મહારાજશ્રીની
ભાવના હતી. તે સં. ૧૯૯૫ ના પોષ વદ તેરશે પૂર્ણ થઈ. લગભગ ૨૦૦ ભક્તો સહિત મહારાજશ્રીએ તે
તીર્થરાજની યાત્રા અતિ ઉત્સાહ ને ભક્તિપૂર્વક કરી.
રાજકોટના શ્રાવકોના બહુ આગ્રહને લીધે સં. ૧૯૯૫ માં મહારાજશ્રીનું રાજકોટ પધારવું થયું. ત્યાં દશેક
માસની સ્થિતિ દરમ્યાન મહારાજશ્રીએ સમયસાર, આત્મસિદ્ધિ અને પદ્મનંદિપંચવિંશતિ પર અપૂર્વ પ્રવચનો
કર્યાં. ગુરુદેવનાં આગળ વધેલા જ્ઞાનપર્યાયોમાંથી નીકળેલા જડ–ચેતનની વહેંચણીના, નિશ્ચય–વ્યવહારની
સંધિના તેમ જ બીજા અનેક અપૂર્વ ન્યાયો સાંભળી રાજકોટના હજારો લોકો પાવન થયા અને અનેક સુપાત્ર
જીવોએ પાત્રતા અનુસાર આત્મલાભ મેળવ્યો. દશ માસ સુધી ‘આનંદકુંજ’માં (મહારાજશ્રી ઊતર્યા હતા તે
સ્થાનમાં) નિશદિન આધ્યાત્મિક આનંદનું વાતાવરણ ગુંજી રહ્યું.
રાજકોટથી સોનગઢ પાછા ફરતાં મહારાજશ્રી ગિરિરાજ ગિરનારતીર્થની યાત્રા કરવા પધાર્યા અને એ
પવિત્ર નેમગિરિ ઉપર લગભગ ૩૦૦ ભક્તો સાથે ત્રણ દિવસ રહ્યા. ત્યાં એ સમવસરણના દેરાસરજીમાં તથા
દિગંબર દેરાસરજીમાં ઉછળેલી ભક્તિ, એ સહસ્ત્રામ્રવનમાં જામી ગયેલી સ્તવનભક્તિની ધૂન અને એ
સમશ્રેણીની પાંચમી ટુંકે પૂ. ગુરુદેવશ્રી ‘હું એક, શુદ્ધ, સદા અરૂપી, જ્ઞાનદર્શનમય ખરે!’ વગેરે પદો પરમ
અધ્યાત્મરસમાં તરબોળ બની ગવરાવતા હતા તે વખતે પ્રસરી ગયેલું શાંત આધ્યાત્મિક વાતાવરણ–એ બધાંનાં
ધન્ય સ્મરણો તો જીવનભર ભક્તોના સ્મરણપટ પર કોતરાઈ રહેશે.
રાજકોટ જતાં તથા ત્યાંથી પાછા ફરતાં પરમ પૂજ્ય ગુરુદેવ રસ્તામાં આવતાં અનેક ગામોમાં
વીતરાગપ્રણીત સદ્ધર્મનો ડંકો વગાડતા ગયા અને અનેક સત્પાત્રોના કર્ણપટ ખોલતા ગયા. ગામે ગામ લોકોની
ભક્તિ ગુરુદેવ પ્રત્યે ઊછળી પડતી હતી અને લાઠી, અમરેલી વગેરે મોટા ગામોમાં અત્યંત ભવ્ય સ્વાગત થતું
હતું. ગુરુદેવનો પ્રભાવનાઉદય જોઈ, જે કાળે તીર્થંકરદેવ વિચરતા હશે તે ધર્મકાળમાં ધર્મનું, ભક્તિનું, અધ્યાત્મનું
કેવું વાતાવરણ ફેલાઈ રહેતું હશે તેનો તાદશ ચિતાર કલ્પનાચક્ષુ સમક્ષ ખડો થતો.
સં. ૧૯૯૬ ના વૈશાખ માસમાં ગુરુદેવના પુનિત પગલાં ફરી સોનગઢમાં થયાં.
ત્યાર પછી તુરત જ શેઠ કાળીદાસ રાઘવજી જસાણીના ભક્તિવંત સુપુત્રોએ શ્રી સ્વાધ્યાય મંદિર પાસે
શ્રી સીમંધરભગવાનનું જિનમંદિર બંધાવવા માંડ્યું, જેમાં શ્રી સીમંધર ભગવાનના અતિ ભાવવાહી પ્રતિમાજી
ઉપરાંત શ્રી શાન્તિનાથ આદિ અન્ય ભગવંતોનાં ભાવવાહી પ્રતિમાજીની પ્રતિષ્ઠા પંચકલ્યાણકવિધિપૂર્વક સં.
૧૯૯૭ ના ફાગણ સુદ બીજના માંગલિક દિને થઈ. પ્રતિષ્ઠામહોત્સવમાં બહારગામના લગભગ ૧૫૦૦
માણસોએ ભાગ લીધો હતો. પ્રતિષ્ઠાના આઠે દિવસ પરમ પૂજ્ય ગુરુદેવના મુખમાંથી ભક્તિરસભીની અલૌકિક
વાણી છૂટતી હતી. લોકોને પણ ઘણો ઉત્સાહ હતો. પ્રતિષ્ઠાદિન પહેલાંં થોડા દિવસે શ્રી સીમંધર ભગવાનના
પ્રથમ દર્શને પરમ પૂજ્ય ગુરુદેવની આંખોમાંથી આંસુ વહ્યાં હતાં. સીમંધર ભગવાન મંદિરમાં પ્રથમ પધાર્યા ત્યારે
ગુરુદેવને ભક્તિરસની ખુમારી ચડી ગઈ અને આખો દેહ ભક્તિરસના મૂર્ત સ્વરૂપ જેવો શાંત શાંત નિશ્ચેષ્ટ
ભાસવા લાગ્યો. ગુરુદેવથી સાષ્ટાંગ પ્રણમન થઈ ગયું અને ભક્તિરસમાં અત્યંત એકાગ્રતાને લીધે દેહ એમ ને
એમ બે ત્રણ મિનિટ સુધી નિશ્ચેષ્ટપણે પડી રહ્યો. આ ભક્તિનું અદ્ભુત દ્રશ્ય, પાસે ઊભેલા મુમુક્ષુઓથી જીરવી
શકાતું નહોતું; તેમનાં નેત્રોમાં અશ્રુ ઉભરાયાં અને ચિત્તમાં ભક્તિ ઊભરાઈ. ગુરુદેવે પોતાના પવિત્ર હાથે

PDF/HTML Page 28 of 29
single page version

background image
: વૈશાખ : ૨૦૦૦ આત્મધર્મ : ૧૦૭ :
પ્રતિષ્ઠા પણ ભક્તિભાવમાં જાણે દેહનું ભાન ભૂલી ગયા હોય એવા અપૂર્વ ભાવે કરી હતી.
આ જિનમંદિરમાં બપોરના વ્યાખ્યાન પછી દરરોજ પોણો કલાક ભક્તિ થાય છે. ભક્તિમાં પરમ પૂજ્ય
ગુરુદેવ પણ હાજર રહે છે. બપોરનું પ્રવચન સાંભળતા આત્માના સૂક્ષ્મ સ્વરૂપના પ્રણેતા વીતરાગ ભગવંતનું
માહાત્મ્ય હૃદયમાં સ્ફુર્યું હોય છે તેથી પ્રવચનમાંથી ઊઠી તુરત જ જિનમંદિરમાં ભક્તિ કરતાં વીતરાગદેવ પ્રત્યે
પાત્ર જીવોને અદ્ભુત ભાવ ઉલ્લસે છે. આ રીતે જિનમંદિર જ્ઞાન ને ભક્તિના સુંદર સુમેળનું નિમિત્ત બન્યું છે.
શ્રી જિનમંદિર બંધાયા પછી એક વર્ષે થોડા મુમુક્ષુ ભાઈઓ દ્વારા જિનમંદિરની પાસે જ શ્રી સમવસરણ
મંદિર બંધાયું. તેમાં શ્રી સીમંધર ભગવાનનાં અતિ ભાવવાહી ચતુર્મુખ પ્રતિમાજી બિરાજે છે. સુંદર આઠ ભૂમિ,
કોટ, (મુનિઓ અર્જિકાઓ, દેવો, મનુષ્યો, તિર્યંચો વગેરેની સભાઓ સહિત) શ્રીમંડપ, ત્રણ પીઠિકા, કમળ,
ચામર, છત્ર, અશોકવૃક્ષ, વિમાનો વગેરેની શાસ્ત્રોકત વિધિથી તેમાં અતિ આકર્ષક રચના છે. મુનિઓની
સભામાં શ્રી સીમંધર ભગવાન સામે અત્યંત ભાવપૂર્વક હાથ જોડીને ઊભેલા શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યનાં અતિ
સૌમ્ય મુદ્રાવંત પ્રતિમાજી છે. પ્રતિષ્ઠામહોત્સવ સં. ૧૯૯૮ ના વૈશાખ વદ ૬ ના માંગલિક દિવસ થયો હતો અને
તે પ્રસંગે બહારગામથી લગભગ ૨૦૦૦ માણસો આવ્યાં હતાં. શ્રી સમવસરણના દર્શન કરતાં શ્રીમદ્
ભગવત્કુંદકુંદાચાર્ય સર્વજ્ઞ વીતરાગ શ્રી સીમંધર ભગવાનના સમવસરણમાં ગયા હતા તે પ્રસંગ મુમુક્ષુનાં નેત્રો
સમક્ષ ખડો થાય છે અને તેની સાથે સંકળાયેલા અનેક પવિત્ર ભાવો હૃદયમાં સ્ફુરતાં મુમુક્ષુનું હૃદય ભક્તિ ને
ઉલ્લાસથી ઊછળી પડે છે. શ્રી સમવસરણ મંદિર થતાં, મુમુક્ષુઓને તેમના અંતરનો એક પ્રિયતમ પ્રસંગ
દ્રષ્ટિગોચર કરવાનું નિમિત્ત પ્રાપ્ત થયું છે. સોનગઢમાં એક ભવ્ય માનસ્તંભ બંધાવવાનો વિચાર કેટલાક મુમુક્ષુ
ભાઈઓએ વ્યક્ત કર્યો છે. અને તે પ્રસંગ પણ ઘણો જ અદ્ભુત નીવડશે એમ ખાત્રી છે.
સં. ૧૯૯૮ ના અસાડ વદ એકમના રોજ શ્રી સોનગઢમાં શ્રી ગુરુરાજે સભા સમક્ષ શ્રી પ્રવચનસારનું
વાંચન શરૂ કર્યું હતું તેમાંથી જ્ઞેય અધિકાર ઉપડતા અનેક વર્ષોમાં જોએલ તેનાથી પણ કોઈ અચિંત્ય ને
આશ્ચર્યકારક ગુરુદેવના અંતર આત્મમાંથી નિર્મળ ભાવશ્રુતજ્ઞાનની પર્યાયમાંથી સુક્ષ્મ ને ગહન એવો શ્રુતનો
ધોધ વહેવા લાગ્યો તે ધોધ જેણે જાણ્યો હશે ને બરાબર શ્રવણ કર્યો હશે તેને ખ્યાલ હશે બાકી તો શું કહી
શકાય?
શ્રવણ કરતાં એમ થતું હતું કે આ તે કોઈ આશ્ચર્યકારી આત્મવિભૂતિ જોવાનું સુભાગ્ય પ્રાપ્ત થયું! કે
કોઈ અચિંત્ય શ્રુતની નિર્મળ શ્રેણી જોવાનું સુભાગ્ય પ્રાપ્ત થયું? ખરેખર સ્વાત્મસ્વરૂપ વૃદ્ધિરૂપ તે ધન્ય પ્રસંગ
સદાયને માટે હૃદયના જ્ઞાનપટ પર કોતરાઈ રહેશે. ને ફરી ફરી આવા અનેક તરહના સુપ્રસંગો સંપ્રાપ્ત થશે.
અને તેવો સુપ્રસંગ રાજકોટના ચાતુર્માસમાં પ્રાપ્ત થયો હતો. રાજકોટમાં તેમની વાણી અપૂર્વ નીકળી હતી અને
તેનો લાભ ઘણા મુમુક્ષોએ લીધો.
સં. ૧૯૯૮ ના ભાદરવા સુદ પાંચમના રોજ સોનગઢમાં શ્રી સનાતન જૈન બ્રહ્મચર્યાશ્રમ સ્થાપવામાં
આવ્યું છે. તેમાં ત્રણ વર્ષનો અભ્યાસક્રમ રાખવામાં આવ્યો છે. દશેક બ્રહ્મચારીઓ તેમાં જોડાયા છે. તેમાં
જોડાનાર બ્રહ્મચારી ત્યાં ત્રણ વર્ષ સુધી રહી દરરોજ ત્રણેક કલાક નિયત કરેલા ધાર્મિક પુસ્તકોનું શિક્ષણ પ્રાપ્ત
કરે છે. તે પ્રાપ્ત થયેલા શિક્ષણને એકાંતમાં સ્વાધ્યાય દ્વારા દ્રઢ કરે છે અને મહારાજશ્રીના પ્રવચનો, ભક્તિ
વગેરેમાં ભાગ લે છે. એમ આખો દિવસ ધાર્મિક પ્રવૃત્તિમાં ગાળે છે.
પરમ પૂજ્ય ગુરુદેવે ફરીને પાછા રાજકોટના શ્રાવકોના આગ્રહને લીધે અને પ્રભાવનાઉદયને લીધે સં.
૧૯૯૯ ના ફાગણ સુદ પાંચમના રોજ સોનગઢથી વઢવાણ રસ્તે રાજકોટ જવા માટે વિહાર કર્યો હતો, તે ચૈત્ર
વદ ૧૧ બુધવારના રોજ પુરો થતાં તેઓશ્રીએ તે રોજ સોનગઢમાં પ્રવેશ કર્યો છે. અમૃત વરસતા મહામેઘની
જેમ રસ્તામાં આવતા દરેક ગામમાં અને રાજકોટમાં ગુરુદેવે પરમાર્થ–અમૃતનો ધોધમાર વરસાદ વરસાવ્યો છે,
અને અનેક તૃષાવંત જીવોની તૃષા છિપાવી છે. હજારો ભાગ્યવંત જીવો જૈનો ને જૈનેતરો–એ અમૃતવર્ષાને
ઝીલી સંતુષ્ટ થયા છે. જૈનેતરો પણ ગુરુદેવનો આધ્યાત્મિક ઉપદેશ સાંભળી દિંગ થઈ ગયા છે. જૈન દર્શનમાં
માત્ર બાહ્ય ક્રિયાનું જ પ્રતિપાદન નથી પણ તેમાં સૂક્ષ્મ તત્ત્વજ્ઞાન ભરપુર ભરેલું છે એમ સમજાતાં તેમને જૈન
દર્શન પ્રત્યે

PDF/HTML Page 29 of 29
single page version

background image
ATMADHARMA Regd. No. B. 4787
બહુમાન પ્રગટ્યું છે. ગામોગામ બાળકો, યુવાનો ને વૃદ્ધોમાં, જૈનો ને જૈનેતરોમાં મહારાજશ્રીએ આત્મવિચારનાં
પ્રબળ આંદોલનો ફેલાવ્યા છે અને આ મોંઘા મનુષ્યભવમાં જો જીવે દેહ, વાણી અને મનથી પર એવા પરમ
તત્ત્વનું ભાન ન કર્યું તેની રુચિ પણ ન કરી, તો આ મનુષ્યભવ નિષ્ફળ છે’ એમ દાંડી પીટીને જાહેર કર્યું છે
અને જાહેર કરે છે.
એ અમૃતસિંચક યોગિરાજ કાઠિયાવાડની બહાર વિચર્યા નથી. જો તેઓશ્રી હિંદુસ્તાનમાં વિચરે તો
આખા ભારતવર્ષમાં ધર્મની પ્રભાવના કરી હજારો તૃષાવંત જીવોની તૃષા છિપાવી શકે એવી અદ્ભુત શક્તિ
તેમનામાં દેખાય છે.
આવી અદ્ભુત શક્તિના ધરનાર પવિત્રાત્મા કાનજીસ્વામી કાઠિયાવાડની મહા પ્રતિભાશાળી વિભૂતિ છે.
તેમના પરિચયમાં આવનાર પર તેમના પ્રતિભાયુક્ત વ્યક્તિત્વનો પ્રભાવ પડ્યા વિના રહેતો નથી. તેઓશ્રી
અનેક સદ્ગુણોથી અલંકૃત છે. તેમની કુશાગ્ર બુદ્ધિ દરેક વસ્તુના હાર્દમાં ઊતરી જાય છે. તેમની સ્મરણશક્તિ
વર્ષોની વાતને તિથિવાર સહિત યાદ રાખી શકે છે. તેમનું હૃદય વજ્રથીયે કઠણ ને કુસુમથીયે કોમળ છે. તેઓશ્રી
અવગુણ પાસે અણનમ હોવા છતાં સહેજ ગુણ દેખાતાં નમી પડે છે. બાળબ્રહ્મચારી કાનજીસ્વામી એક
અધ્યાત્મમસ્ત આત્માનુભવી પુરુષ છે, અધ્યાત્મમસ્તી તેમની રગેરગમાં વ્યાપી ગઈ છે. આત્માનુભવ તેમના
શબ્દે શબ્દમાં ઝળકે છે. તેમના શ્વાસે શ્વાસે ‘વીતરાગ! વીતરાગ!’ નો રણકાર ઊઠે છે. કાનજીસ્વામી
કાઠિયાવાડનું અદ્વિતીય રત્ન છે. કાઠિયાવાડ કાનજીસ્વામીથી ગૌરવવંત છે.
હિંમતલાલ જેઠાલાલ શાહ.
બી. એસ. સી.
(અનુસંધાન પા. ૮૨ થી ચાલુ)
દર્શનને નક્કી કરનાર જ્ઞાન જ છે. કોઈ પણ ગુણને જાણનાર જ્ઞાન જ છે. દર્શન પોતે અસ્તિરૂપ ગુણ છે.
મહિમા બધે જ્ઞાનનો જ છે; બધે ચૈતન્ય જ્યોતનું જ ચમકવું છે. (સમયસારમાં) જ્યાં જ્યાં ‘પ્રજ્ઞા’ થી
વર્ણન હોય ત્યાં બધે ઠેકાણે જ્ઞાનને આમ જ (ઉપર પ્રમાણે જ) કહ્યું છે.
અપૂર્ણ જ્ઞાન ભલે નિમિત્ત લ્યે છે પણ દર્શનના વિષયને લક્ષમાં લેનાર જ્ઞાન છે. એક સમયમાં વિકલ્પ
રહિત જાણવાનો જ્ઞાનનો સ્વભાવ છે; દર્શનનો અભેદ વિષય લક્ષમાં લ્યે ત્યારે જ જ્ઞાનની પર્યાય ખીલે છે. એમ
નક્કી કરનાર પણ જ્ઞાનની પર્યાય જ છે.
‘જ્ઞાન નિમિત્તને જાણે છે’ એમાં પર તરફ વજન જાય છે એના કરતાં જ્ઞાને દર્શનનો વિષય નક્કી કર્યો
ત્યારે જ્ઞાન સમ્યક્ થયું છે એમ સામાન્યપણે જે જ્ઞાન કર્યું છે તેનું જોર (વજન) જોઈએ.
જ્ઞાન ગુણને વિશેષ, સવિકલ્પ કે સાકાર કહેવાય છે. જ્ઞાન પોતાને જાણે છે અને પરને પણ જાણે છે તેથી
વિશેષ કહ્યો છે; સવિકલ્પ કહેવાથી ‘જ્ઞાનમાં રાગવિકલ્પ છે’ એમ નથી કહ્યું–પણ જ્ઞાનનું સ્વ–પર પ્રકાશકપણું કહ્યું
છે; તથા સાકાર કહ્યું તેથી કાંઈ જડના આકારવાળું નથી, પણ તેનો સ્વપરને જાણવાનો સ્વભાવ બતાવ્યો છે.
દરેક વસ્તુ સામાન્ય–વિશેષપણે એટલે કે દ્વૈતપણે હોય છે. ચેતના પણ દ્વૈતપણે અર્થાત્ દર્શન અને
જ્ઞાનરૂપ સામાન્ય–વિશેષપણે છે. ‘વિશેષમાં બધું આવે છે વિશેષ દર્શનને નક્કી કરનાર છે. ’
અહીં સામાન્ય વિશેષ શા માટે લીધા છે?
(૧) વિશેષમાં બધું સમાઈ જાય છે.
(૨) પુણ્ય–પાપ કે રાગ–દ્વેષને કોઈ ‘આત્માનું વિશેષ’ કહેતાં હોય તો તેમ નથી. પણ પર્યાય તે વિશેષ
છે અને અખંડ દ્રવ્ય તે સામાન્ય છે.
(૩) ચેતના સામાન્ય વિશેષ સ્વરૂપ છે, સામાન્ય વિશેષ (દર્શન–જ્ઞાન) વગર ચેતના હોઈ શકે નહીં અને
ચેતના વગર આત્મા ન હોય. કારણકે વ્યાપક ચેતના છે અને વ્યાપ્ય આત્મા છે. વ્યાપક વિના વ્યાપ્ય હોય નહીં.
જ્ઞાન તો પોતાનું સ્વરૂપ છે. તેનો સ્વપર પ્રકાશક સ્વભાવ છે, તેની એક સમયની એક પર્યાયમાં આખો
સ્વભાવ અને અવસ્થા બધું આવે છે.
મુદ્રક:– ચુનીલાલ માણેકચંદ રવાણી. શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય વિજ્યાવાડી, મોટા આંકડિયા. તા. ૨૪–૪–૪૪
પ્રકાશક–જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, વિજ્યાવાડી, મોટા આંકડિયા, કાઠિયાવાડ