Atmadharma magazine - Ank 063-064
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 33
single page version

background image
: ૭૮ : આત્મધર્મ : પોષ–માહ : ૨૪૭૫ :
એટલે ઈશ્વર સંપૂર્ણ સુખી, સંપૂર્ણ જ્ઞાની ને રાગ–દ્વેષ–રહિત છે. આવા સ્વરૂપે ઈશ્વરને ન માનવા તે નાસ્તિકપણું છે.
‘મને ઈશ્વરે બનાવ્યો’ એમ માનનાર નાસ્તિક છે. કેમકે ‘ઈશ્વરે મને બનાવ્યો’ એનો અર્થ એમ થયો કે
‘પહેલાં હું ન હતો’ એટલે કે પહેલાં મારી નાસ્તિ હતી. આમ પોતાની જ હયાતીનો અસ્વીકાર તે નાસ્તિકપણું છે.
આ જગતમાં જેટલા પદાર્થો છે તે બધા ય સ્વભાવથી જ સત્ છે.
પ્રશ્ન:– ઈશ્વર તો સંપૂર્ણ શુદ્ધ વીતરાગ છે, તેથી તેઓ તો પરનું કાંઈ ન કરે, પરંતુ છદ્મસ્થ રાગી જીવો તો
પરનું કાંઈ કરે ને?
ઉત્તર:– રાગી જીવ પણ પરનું કાંઈ કરી શકતો નથી. જેવો એક જીવનો સ્વભાવ તેવો બધાય જીવનો
સ્વભાવ જેવો ઈશ્વરનો સ્વભાવ તેવો બધા ય જીવનો સ્વભાવ; જેમ ઈશ્વર પરનું કાંઈ કરી શકતા નથી પણ જાણે
જ છે તેમ આ વિશ્વના બધાય જીવો પરનું કાંઈ કરી શકતા નથી, પરને તો માત્ર જાણે જ છે. જાણતી વખતે જે
રાગ–દ્વેષાદિ કરે છે તે જીવનો દોષ છે; ખરેખર તો તે રાગને પણ જાણવાનો જીવનો સ્વભાવ છે. આ પ્રમાણે
ઈશ્વરના યથાર્થ સ્વરૂપને ઓળખીને, ઈશ્વરની જેમ પોતાના આત્માને પણ જ્ઞાનસ્વભાવે અને પરના
અકર્તાસ્વભાવે ઓળખે તો જીવને સ્વ–પરનું ભેદજ્ઞાન થાય. અને એ ભેદજ્ઞાનના બળથી રાગ–દ્વેષનો સંપૂર્ણ નાશ
કરીને અને પોતાના જ્ઞાનને સંપૂર્ણ ખીલવીને જીવ પોતે જ ઈશ્વર થાય. આ રીતે, ઈશ્વરની અને આત્માના સ્વરૂપની
યથાર્થ આસ્તિકયતાનું ફળ સાચું ઈશ્વરપણું છે.
જેઓ ઈશ્વરને પરના કર્તા કે રાગી માને છે તેઓ ચોક્કસ પોતાને પણ પરના કર્તા અને રાગી માને છે,
એટલે તેઓ પરના કર્તૃત્વના અહંકારમાં અટકી રહે છે, અને પરના કર્તાપણાના અહંકારથી રહિત પોતાનો માત્ર
જ્ઞાનસ્વભાવ છે તેને માનતા નથી. જ્ઞાનસ્વભાવી આત્માના અસ્તિત્વનો અસ્વીકાર તે પરમાર્થે નાસ્તિકપણું છે.
અને, આ જગતની પર વસ્તુનો બધી સ્વતંત્ર છે, સૌ પોતપોતાથી જ સ્વતંત્રપણે ટકનાર છે, દરેક પદાર્થ
પોતાના સ્વરૂપના સ્વતંત્ર અસ્તિત્વરૂપે ટકીને પોતાનું કામ પોતે જ કરે છે, છતાં તેમના સ્વતંત્ર અસ્તિત્વને ન
માનવું, અને ઈશ્વર તેના કર્તા છે કે હું તેનો કર્તા છું–એમ માનવું તે પણ નાસ્તિકપણું છે.
વસ્તુનો સ્વભાવ જ એવો છે કે એક વસ્તુનું બીજી વસ્તુમાં અકર્તાપણું જ છે. દરેક વસ્તુ પોતાના સ્વરૂપથી
અસ્તિત્વરૂપ છે અને બીજાથી તે નાસ્તિત્વરૂપ છે. એટલે કે દરેક પદાર્થો સંપૂર્ણપણે જુદા જુદા છે. આમ હોવાથી એક
પદાર્થ બીજા પદાર્થનો અકર્તા જ છે. જેમ સર્વજ્ઞ ઈશ્વર પરમાં અકર્તા છે તેમ જગતના બધાય જીવો પરમાં અકર્તા
છે. આવો સ્વતંત્રવાદ જગતના પદાર્થોમાં પ્રવર્તી રહ્યો છે. વિશ્વના બધા પદાર્થોના સ્વતંત્ર અસ્તિત્વને જાણવું તે જ
આસ્તિકપણું છે.
પ્રશ્ન:– બધા થઈને એક જ આત્મા છે અર્થાત્ બધા આત્મા એક ઈશ્વરના જ અંશ છે–એમ માનવું તે
આસ્તિકપણું છે કે નાસ્તિકપણું છે?
ઉત્તર:– તે માન્યતા નાસ્તિકપણારૂપ છે.
પ્રશ્ન:– તેમાં આત્માના અસ્તિત્વને તો માન્યું છે, છતાં તે નાસ્તિક કેમ છે?
ઉત્તર:– ખરી રીતે તેમાં આત્માનું યથાર્થસ્વરૂપે અસ્તિત્વ માન્યું નથી. આ જગતમાં અનંત–અનંત
આત્માઓ છે, ને તે દરેક આત્મા પોતે પરિપૂર્ણ અખંડ છે. આમ હોવા છતાં, બધા થઈને એક જ આત્મા છે એમ
જેણે માન્યું તેણે કોઈ પણ આત્માના સ્વતંત્ર અસ્તિત્વને માન્યું નહિ, અનંત પરિપૂર્ણ આત્માઓ છે તેમને માન્યા
નહિ, એકેક આત્મા પૂર્ણ છે તેને અનંતમા ભાગે માન્યો, –એ રીતે તે નાસ્તિક જ ઠરે છે. આ જગતમાં દરેકે દરેક
જીવ અને દરેકે દરેક જડ વસ્તુઓ સ્વતંત્ર છે, દરેક વસ્તુ પોતાથી જ પરિપૂર્ણ અસ્તિત્વ ધરાવે છે, કોઈ પણ વસ્તુ
બીજી વસ્તુઓના આધારથી નભતી નથી–આમ જાણવું–માનવું તે જ સાચું અસ્તિક્યપણું છે. એવા આસ્તિકને જ
ધર્મ અને મુક્તિ થાય છે.
ખરેખર તો, જે રીતે પોતાના પરિપૂર્ણ શુદ્ધાત્મ–સ્વરૂપનું અસ્તિત્વ છે તે જ રીતે જાણીને જે સ્વીકારે તે જ
સાચા આસ્તિક છે. ભેદજ્ઞાનવડે શુદ્ધાત્માના સ્વરૂપને જે જાણે નહિ તે જરૂર બીજે ક્યાંક આત્માનું અસ્તિત્વ માને.
આત્માના અસ્તિત્વને જાણે નહિ ને બીજી રીતે અસ્તિત્વ માને તો તે પણ નાસ્તિકપણું છે. આત્માના યથાર્થ
સ્વરૂપને સમ્યગ્દ્રષ્ટિ–જ્ઞાનીઓ જ જાણે છે તેથી તેઓ જ સાચા આસ્તિક છે. મિથ્યાદ્રષ્ટિ જીવો આત્માના સ્વરૂપને
સાચી રીતે જાણતા નથી તેથી તેઓ પરમાર્થે નાસ્તિક છે.
જડ પદાર્થોનાં કામ આત્મા કરી શકે એમ જે માને છે તે જડથી જુદું આત્માનું અસ્તિત્વ માનતો નથી તેથી
નાસ્તિક છે.
રાગ થાય તેને જ પોતાનું સ્વરૂપ માને, પણ રાગથી જુદું શુદ્ધચૈતન્યસ્વરૂપ છે તેને ન જાણે તો તે પણ
આત્માના સાચા અસ્તિત્વને નહિ જાણનાર નાસ્તિક છે, જૈન નથી.

PDF/HTML Page 22 of 33
single page version

background image
: પોષ–માહ : ૨૪૭૫ : આત્મધર્મ : ૭૯ :
શરીરાદિથી જુદો ને રાગાદિ વિકારથી પણ જુદો શુદ્ધ ચૈતન્યમય પરિપૂર્ણ આત્મા છે તેને જે જાણે–માને–
અનુભવે તે આસ્તિકયવાદી છે, તે જ સાચો જૈન છે. જેને સ્વરૂપની અસ્તિનું જ્ઞાન હોય તેને, સ્વરૂપમાં શેની
શેની નાસ્તિ છે તેનું પણ જ્ઞાન હોય જ, અર્થાત્ જેને સ્વપદાર્થનું જ્ઞાન તેને પર પદાર્થોનું જ્ઞાન પણ હોય જ.
આ રીતે, જગતના દરેક પદાર્થો સ્વતંત્ર, સ્વયંસિદ્ધ, કોઈના બનાવ્યા વગરના અને પરિપૂર્ણ છે; જગતમાં
અનંત આત્માઓ છે, તેમાં દરેક સ્વતંત્ર છે. કોઈપણ આત્મા પોતાના સ્વરૂપની પૂર્ણતાને ઓળખીને, તેમાં
એકાગ્રતાવડે પોતાની ચૈતન્યશક્તિનો વિકાસ કરીને પોતે જ ઈશ્વર થઈ શકે છે. –આવું જાણનારા જ આસ્તિક
છે, બીજા ખરેખર નાસ્તિક છે.
પ્રશ્ન:– જો ઈશ્વર આ જગતના કર્તા નથી તો આ જગતની બધી વ્યવસ્થા કઈ રીતે ચાલે છે?
ઉત્તર:– આ જગતમાં જેટલા પદાર્થો છે તે પદાર્થો પોતે જ પોતાના સ્વભાવથી જ વ્યવસ્થિતપણે
પરિણમ્યા કરે છે, કદી કોઈ પદાર્થ અવ્યવસ્થિત પરિણમતો જ નથી. કદી કોઈ પદાર્થ પોતાના સ્વરૂપને છોડતો
નથી. જેમ ઘઉંને વાવવાથી તેમાંથી ઘઉં જ ઊગે છે, પણ ઘઉંમાંથી બાજરો ઊગતો નથી. તેમ જીવ સદા જીવરૂપે
રહીને જ પરિણમે છે, પણ જીવ પરિણમીને કદી જડ થઈ જતો નથી. પદાર્થો પોતે પોતાના સ્વભાવથી જ
પોતાના મૂળસ્વરૂપમાં ટકી રહે છે. તેવી જ રીતે જડ પદાર્થો પલટીને કદી જીવરૂપે થઈ જતા નથી. જીવ પોતાનું
જીવપણું કદી છોડતો નથી ને જડ પોતાનું જડપણું કદી છોડતું નથી.
બધા પદાર્થોમાં ઉત્પાદ્વ્યયધ્રુવત્વ નામની શક્તિ છે, તેથી બધા પદાર્થો પોતાના સ્વરૂપથી જ નવી નવી
હાલતરૂપે ઊપજે છે, જુની જુની હાલતોનો નાશ થાય છે અને પદાર્થ પોતાના મૂળ સ્વરૂપે સદાય ટકી રહે છે.
આવી રીતે દરેક પદાર્થોમાં વ્યવસ્થિત ફેરફાર (–ઉત્પાદ્–વ્યય) થયા જ કરે છે; કોઈ ઈશ્વર તે ફેરફારના કર્તા
નથી પણ પદાર્થો પોતાના સ્વભાવથી જ તેવા છે. ઉત્પાદ્ સ્વભાવ વસ્તુમાં કાંઈક નવા કાર્યની ઉત્પતિ કરે છે,
વ્યય સ્વભાવ વસ્તુના જુના કાર્યનો નાશ કરે છે અને ધ્રુવ સ્વભાવ વસ્તુને તેનાં મૂળસ્વરૂપમાં સદા ટકાવી રાખે
છે. બધી વસ્તુઓમાં સ્વભાવથી જ આ પ્રમાણે થયા કરે છે. વસ્તુસ્વભાવ પોતે જ પોતાનો ઈશ્વર છે. આવા
યથાર્થ વસ્તુસ્વભાવને જાણીને, પરના કર્તાપણાનો અભિપ્રાય છોડવો ને જ્ઞાતાપણે રહેવું તે જ ધર્મ છે, તેમાં જ
સુખ–શાંતિ છે, તે જ પરમાત્મા થવાનો ઉપાય છે.
આત્માનું જ્ઞાન અને કર્મનું જ્ઞાન
આત્માનો આશ્રય છોડીને જે જ્ઞાન કર્મને જાણવામાં રોકાય તે અચેતન છે. કર્મના લક્ષે જે કર્મને
જાણવાનો ઉઘાડ થયો તે આત્માનો સ્વભાવ નથી. કર્મ મને નડે છે એમ જેણે માન્યું છે તેનું કર્મને જાણનારું જ્ઞાન
અચેતન છે.
અજ્ઞાનીઓ કહે છે કે પહેલાં આત્માનું નહિ પણ કર્મનું જ્ઞાન કરવું જોઈએ. અહીં આચાર્ય ભગવાન કહે
છે કે કર્મના જ્ઞાન ઉપર ધર્મનું માપ નથી. કર્મને જાણવાથી ધર્મ થતો નથી. મંદ કષાયથી કર્મના લક્ષે જે જ્ઞાન
થાય તે પણ મિથ્યાશ્રુતજ્ઞાન છે, તેથી અચેતન છે. કર્મને તથા તેના કહેનારા કેવળી ભગવાન, ગુરુ તથા શાસ્ત્રને
માને ત્યાં સુધી પણ મિથ્યાશ્રુત છે, કેમ કે તે જ્ઞાન પરના આશ્રયે થાય છે; તે જ્ઞાને સ્વભાવમાં એકતા નથી કરી
પણ રાગમાં ને પરમાં એકતા કરી છે; સ્વભાવમાં એકતા નથી પણ વિકારમાં એકતા છે તેથી ક્રમેક્રમે વિકાર
વધીને તે જ્ઞાન અત્યંત હીણું થઈને નિગોદદશા થશે. પણ તે જ્ઞાન આત્મામાં એકતા કરીને કેવળજ્ઞાન તરફ નહિ
ઢળે. પૂર્ણ ચૈતન્ય સ્વભાવનો આશ્રય કરીને જે શ્રુતજ્ઞાન થાય છે તે આત્મામાં એકતા કરીને, ક્રમે ક્રમે વધીને
કેવળજ્ઞાન પ્રગટ કરે છે.
આઠે પ્રકારના કર્મો અચેતન છે, ને તે અચેતનના લક્ષે થતું જ્ઞાન પણ અચેતન છે. આત્મા પરિપૂર્ણ
ચૈતન્ય સ્વરૂપ છે, તેના દ્રવ્ય–ગુણ તો ત્રિકાળ એકરૂપ છે, તેમાં કર્મની અપેક્ષા નથી; પણ વર્તમાન પર્યાયમાં એક
સમય પૂરતો વિકાર છે, તેમાં કર્મ નિમિત્તરૂપે છે એટલે વિકારને અને કર્મને એક સમય પૂરતો નિમિત્તનૈમિત્તિક
સંબંધ છે; આમ જાણવું જોઈએ. પરંતુ, જો કર્મનું લક્ષ રાખીને જ એમ જાણે તો સમ્યક્શ્રુતજ્ઞાન થાય નહિ એટલે
કે ધર્મ થાય નહિ. ત્રિકાળી ચૈતન્યસ્વભાવ કર્મથી ને રાગથી ભિન્ન છે, ક્ષણિક પર્યાય જેટલો પણ નથી–એમ
જાણીને તે સ્વભાવ સાથે એકતા કરતાં જે જ્ઞાન થાય તે સમ્યગ્જ્ઞાન છે. તે જ્ઞાન કર્મને જાણતી વખતે પોતાના
જ્ઞાનસ્વભાવ સાથે એકતા રાખીને જાણે છે તેથી તે વખતે પણ તેને શુદ્ધતાની વૃદ્ધિ જ થાય છે. –આનું નામ ધર્મ
છે. એવું સ્વભાવ તરફ વળતું જ્ઞાન જ આ આત્માને મુક્તિનું કારણ છે, તે જ્ઞાનથી જ આ આત્મા પોતે
ભગવાન્–પરમાત્મા થાય છે.
–શ્રી સમયસાર ગા. ૩૯૦ થી ૪૦૪ ઉપરના પ્રવચનોમાંથી.

PDF/HTML Page 23 of 33
single page version

background image
: ૮૦ : આત્મધર્મ : પોષ–માહ : ૨૪૭૫ :
પર વસ્તુ સાથેના સંબંધની બુદ્ધિ એ જ બંધનું
કારણ અને – પરની અપેક્ષા રહિત નિજ સ્વભાવનો
આશ્રય તે જ મુક્તિનું કારણ
(વીર સં. ૨૪૭૪ પોષ સુદ ૭: શ્રી સમયસાર ગાથા ૨૬ ઉપર પૂ. ગુરુદેવનું વ્યાખ્યાન)

હું પરની ક્રિયામાં નિમિત્ત થઉં ત્યારે પરની ક્રિયા થાય છે–એમ જેની માન્યતા છે, તે મિથ્યાદ્રષ્ટિ છે. પર
વસ્તુની ક્રિયા તેનાથી સ્વયં થાય છે, તે તેનો નિશ્ચય છે અને તેમાં બીજાનું નિમિત્ત તે વ્યવહાર છે. નિશ્ચયના
જ્ઞાન વગર વ્યવહારનું પણ સાચું જ્ઞાન હોય નહિ. હું પરને નિમિત્ત થઈ શકું એટલે કે હું નિમિત્ત થઈને બીજાને
સાચું સમજાવી દઉં–એવી માન્યતામાં તો વ્યવહારથી નિશ્ચય આવ્યો, એટલે કે પરાશ્રયબુદ્ધિરૂપ મિથ્યાભાવ
આવ્યો. પર વસ્તુનું કાર્ય તેનાથી જ સ્વયં થાય છે, હું નિમિત્ત થઉં–એવી અપેક્ષા તેને નથી–એમ નિશ્ચયનું જ્ઞાન
સાથે રાખીને, જે વખતે જે નિમિત્ત હોય તેનું જ્ઞાન કરે તો તેમાં નિશ્ચયપૂર્વકનો વ્યવહાર આવ્યો, ત્યાં પરાશ્રયની
બુદ્ધિ ન રહી. ‘હું પરનો કર્તા છું’ એવી બુદ્ધિ અથવા તો ‘હું નિમિત્ત થઈને બીજાને સમજાવી દઉં’ એવી બુદ્ધિ,
અને ‘વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રગટે’ એવી બુદ્ધિ–એ ત્રણે સમાન છે.
‘હું બીજાને સમજાવું’ એવી રાગની વૃત્તિ ઊઠી, પણ તે રાગને વ્યવહાર ક્યારે કહેવો? અથવા તેને
નિમિત્ત ક્યારે કહેવું? સામા જીવની સમજવાની દશા તેના પોતાથી થાય છે તે તેનો નિશ્ચય છે; જ્યારે તે જીવ
પોતે પોતાથી સમજ્યો ત્યારે તેને માટે તે નિશ્ચય પ્રગટ્યો, અને ત્યારે તે જીવ એમ કહે કે મને અમુક નિમિત્ત
હતું, એ વ્યવહાર છે. એ રીતે નિશ્ચયપૂર્વક વ્યવહાર છે. આ તો, જે રાગ થયો તેને પરમાં નિમિત્ત ક્યારે કહેવાય
તેની વાત કરી.
હવે, જે રાગ થયો તે રાગને પોતામાં નિશ્ચયનું નિમિત્ત ક્યારે કહેવાય? અર્થાત્ રાગને વ્યવહાર ક્યારે
કહેવાય? તેની વાત છે: શું જે રાગ થયો તે પોતે એમ જાણે છે કે હું પરમાં નિમિત્ત થઉં છું? અથવા શું તે રાગ
પોતે નિશ્ચયને પમાડે છે? રાગને પોતાને તો કાંઈ ખબર નથી. પણ તે રાગનો નિષેધ કરીને–રાગનો આશ્રય
છોડીને, સ્વભાવને. આશ્રયે નિશ્ચય શ્રદ્ધા–જ્ઞાન પ્રગટ્યાં ત્યારે રાગથી જુદું પડેલું સમ્યગ્જ્ઞાન એમ જાણે છે કે પૂર્વે
આ રાગ નિમિત્ત હતો, અથવા આ પ્રકારનો વ્યવહાર હતો. એ રીતે નિશ્ચયપૂર્વક વ્યવહાર હોય છે.
જેમ, રાગથી નિશ્ચય પ્રગટતો નથી તેમ પોતે પરને નિમિત્ત થઈ શકતો નથી, પણ જ્યારે નિશ્ચયથી પ્રગટ
કરે છે ત્યારે રાગને વ્યવહાર કહેવાય છે અને જ્યારે નિશ્ચયથી પરનું કાર્ય તેના પોતાથી જ થાય છે ત્યારે
બીજાને નિમિત્તપણાનો આરોપ આવે છે. આમાં સ્વાશ્રય ને પરાશ્રયનો મોટો સિદ્ધાંત છે. સ્વાશ્રય દ્રષ્ટિ તે
સિદ્ધદશાનું કારણ છે ને પરાશ્રયદ્રષ્ટિ તે નિગોદદશાનું કારણ છે. અજ્ઞાની એમ માને છે કે હું પરને નિમિત્ત થઉં,
એમાં તેનો પરાશ્રયભાવ છે. જ્ઞાની એમ જાણે છે કે પર પદાર્થોમાં જ્યારે તેના પોતાના ઉપાદાનનું કાર્ય થાય છે
ત્યારે આરોપથી મને નિમિત્ત કહે છે, –એમાં તો સ્વાશ્રયપણું ટકાવી રાખીને સ્વ–પરનું જ્ઞાન કર્યું. ઉપાદાન
સહિત નિમિત્તનું જ્ઞાન યથાર્થ છે, પણ નિમિત્તના આશ્રયે ઉપાદાનનું જ્ઞાન યથાર્થ હોય નહિ. જ્યારે રાગનો
નિષેધ કરીને સ્વભાવના લક્ષે નિશ્ચય પ્રગટ કર્યો ત્યારે રાગને ઉપચારથી વ્યવહાર કહ્યો. અથવા તો સ્વભાવના
આશ્રયરૂપ શુદ્ધ ઉપાદાન પ્રગટ્યું ત્યારે રાગાદિને નિમિત્ત તરીકે જાણ્યા. પણ કોઈ એમ માને કે હું આ રાગ કરું
છું તે મને વીતરાગતાનું નિમિત્ત થશે–તો તે મિથ્યાદ્રષ્ટિ છે, કેમ કે તેના અભિપ્રાયમાં રાગનો આશ્રય છે પણ
સ્વભાવનો આશ્રય નથી. તેવી જ રીતે કોઈ એમ માને કે હું જે વ્યવહાર કરું છું તે મને નિશ્ચય શ્રદ્ધાજ્ઞાન
પ્રગટવાનું કારણ થશે–તો તે પણ વ્યવહારના આશ્રયમાં અટકેલો મિથ્યાદ્રષ્ટિ છે. રાગનો આશ્રય છોડે ત્યારે તેને
વ્યવહારનો આરોપ આવે છે, રાગાદિનું લક્ષ છોડીને ઉપાદાન પ્રગટ કરે ત્યારે તેને નિમિત્તપણાનો આરોપ આવે
છે. પણ જે રાગ અને નિમિત્તના આશ્રયમાં જ અટક્યો છે તેને તો ઉપચાર પણ હોતો નથી.
પરનું કાર્ય–જીવન, મરણ, સુખ, દુઃખ ઈત્યાદિ–થતાં પોતાને નિમિત્તનો આરોપ આવે છે. પણ ‘હું
પરજીવોને સુખ–દુઃખમાં નિમિત્ત થાઉં’ એમ જેનું જોર પર તરફ

PDF/HTML Page 24 of 33
single page version

background image
: પોષ–માહ : ૨૪૭૫ : આત્મધર્મ : ૮૧ :
જાય છે તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે, તે પર દ્રવ્યની ક્રિયાનો નિશ્ચય ભૂલી જાય છે. પરમાં ક્રમબદ્ધ અવસ્થા સ્વયં થાય
છે, તેને બીજાની અપેક્ષા નથી, એ તેનો નિશ્ચય છે, અને તે નિશ્ચયના જ્ઞાન સહિત તે પદાર્થના નિમિત્તનું જ્ઞાન
કરવું તે વ્યવહાર છે.
પર વસ્તુ બંધનનું કારણ નથી પરંતુ જીવ પોતે સ્વાશ્રય છોડીને પર વસ્તુના આશ્રયે એકત્વ બુદ્ધિ કરે છે
તે જ બંધનનું કારણ છે. ‘હું આત્મા જ્ઞાયક છું’ એવી સ્વાશ્રયદ્રષ્ટિ જ્યારે ન રહી ત્યારે પર વસ્તુમાં એકત્વબુદ્ધિ
થઈ એટલે ‘પરને હું નિમિત્ત થાઉં’ એમ પર વસ્તુનો આશ્રય કરે છે, પર સાથેનો સંબંધ કરે છે. ‘હું પરનો
નિમિત્ત થનાર’ એટલે કે ‘હું જ્ઞાન ભાવ નથી પણ પર તે જ હું છું’ એવી અજ્ઞાનીની દ્રષ્ટિ છે. ‘હું નથી ને પર
છે’ એવા જ અભિપ્રાયથી પોતાના જ્ઞાન સ્વભાવને ભૂલીને પરનો આશ્રય કરે છે. જે રીતે સ્વભાવનું હોવાપણું
છે તે રીતે પોતાના અભિપ્રાયમાં અજ્ઞાનીને બેઠું નથી એટલે પરમાં જ પોતાપણાની મિથ્યા માન્યતા તે કરે છે,
એટલે તેને કોઈ પણ પરાશ્રય ભાવથી જુદાપણું રહ્યું નથી, તેથી તે જીવ પરાશ્રય ભાવથી બંધાય જ છે.
હું મારા જ્ઞાનસ્વભાવપણે છું ને પરપદાર્થપણે નથી. હું જ્ઞાનભાવ છું ને પરભાવ હું નથી–આમ જેના
અભિપ્રાયમાં પોતાનો સ્વભાવ બેઠો છે એવા જ્ઞાનીને ક્યાંય પણ પરાશ્રયબુદ્ધિ રહી નહિ એટલે સ્વાશ્રયભાવે
તેની મુક્તિ જ છે. સ્વાશ્રયદ્રષ્ટિ અને પરાશ્રયદ્રષ્ટિ ઉપર જ મુક્તિ ને બંધનનો આધાર છે.
સ્વભાવમાં પરાશ્રયે થતી કોઈ પણ વૃત્તિઓ નથી, તેથી જેને સ્વભાવ દ્રષ્ટિ થઈ તેને કોઈ પણ પરાશ્રય
કરવાનો ન રહ્યો એટલે કે સંસાર જ ન રહ્યો. અજ્ઞાનીને સ્વભાવદ્રષ્ટિ નથી એટલે ‘પરમાં જ હું છું, હું નથી પણ
પર તે જ હું છું’ એમ તે સ્વને ઉડાડે છે. પોતાનું જે સ્વતંત્ર અસ્તિત્વ છે તે તેને ભાસતું નથી પણ પરનું જ
અસ્તિત્વ ભાસે છે એટલે પરમાં ‘આ જ હ્ં’ એમ પરાશ્રયમાં એકત્વબુદ્ધિ કરે છે. અજ્ઞાનીને ‘હું નથી, આ
(પર) છે, તેનું હું કરું તેનો હું નિમિત્ત થઉં’ એવા પ્રકારની પરાશ્રયદ્રષ્ટિ છે, પણ સ્વભાવનો આશ્રય નથી, તેથી
તેને બંધન જ છે–સંસાર જ છે.
જ્ઞાનીને પોતાના નિરપેક્ષ સ્વભાવની એકત્વબુદ્ધિ પ્રગટી છે અને પરમાં એકત્વબુદ્ધિ નાશ પામી છે. તેથી
તેઓ એક સ્વાશ્રિત જ્ઞાનભાવે જ રહે છે, તેમની દ્રષ્ટિમાં પરાશ્રિતભાવનો અભાવ છે. અને અજ્ઞાનીની દ્રષ્ટિમાં
સ્વનો જ અભાવ છે, એટલે તેને કોઈ પણ પ્રકારો પરાશ્રયભાવ જ છે. પરનો હું કર્તા નથી એમ માને, પણ
પરનો હું નિમિત્ત થાઉં છું–એમ માનીને તે પરાશ્રય દ્રષ્ટિ છોડતો નથી. બધી વસ્તુઓનું પરિણમન સ્વતંત્ર છે,
કોઈ પણ વસ્તુનું પરિણમન તારા પરિણામોની અપેક્ષા રાખતું નથી, છતાં પણ ‘મારા પરિણામો પર વસ્તુને
નિમિત્ત થાય’ એવી જે એકત્વબુદ્ધિ તે જ અનંત જન્મ–મરણનું કારણ છે. પરમાં નિમિત્ત થવાની દ્રષ્ટિ છે તે જ
પરાશ્રયદ્રષ્ટિ છે.
મિથ્યાદ્રષ્ટિને પરમાં એકપણાનો અધ્યવસાય છે કે– ‘હું પરને સુખી–દુઃખી કરું ને પર મને સુખી–દુઃખી
કરે–ઈત્યાદિ.’ પર સાથેના સંબંધની અજ્ઞાનીની આ માન્યતા જ સંસાર છે, તે જ અધર્મ છે, ને તે જ બંધન છે.
જ્ઞાનીને સ્વાશ્રિતદ્રષ્ટિ થતાં પર સાથેના સંબંધની માન્યતા છૂટી ગઈ છે, ને વિકાર સાથેના સંબંધનો અભિપ્રાય
ટળી ગયો છે, તેને સંસાર નથી, બંધન નથી, અધર્મ નથી. જ્ઞાનીને જે અલ્પ રાગાદિ છે તેનો નિષેધ વર્તતો
હોવાથી ખરેખર તેને બંધન નથી.
પ્રશ્ન:– હું પરને નિમિત્ત થાઉં એવી માન્યતામાં શું દોષ છે?
ઉત્તર:– ‘હું પરને નિમિત્ત થાઉં એટલે કે મારી અપેક્ષાથી બીજાની અવસ્થા થાય, બીજા દ્રવ્યો સ્વતંત્ર
નથી પણ તેઓ પરિણમવા માટે મારી અપેક્ષા રાખે એવા પરાધીન છે’ –એવી જેની બુદ્ધિ છે તેણે પરવસ્તુના
સ્વતંત્ર સ્વભાવને જાણ્યો નથી. સ્વતંત્ર સ્વભાવનો નિષેધ કર્યો છે. અને વસ્તુના સ્વતંત્ર સ્વભાવને જાણવાનો
પોતાના જ્ઞાનનો સ્વભાવ છે, તે જ્ઞાન–સ્વભાવને તેણે માન્યો નથી, એટલે તેણે જ્ઞાનસ્વભાવે પોતાની હયાતિને
સ્વીકાર નથી પણ વિકાર સ્વરૂપે જ આત્માની હયાતિ માની છે, પોતાના આત્માનો જ અભાવ માન્યો છે. આ
જ સૌથી મોટો અધર્મ છે, ને એ જ સંસાર છે.

PDF/HTML Page 25 of 33
single page version

background image
: ૮૨ : આત્મધર્મ : પોષ–માહ : ૨૪૭૫ :
આત્માનો સ્વભાવ બધાને જાણવાનો છે, પણ કોઈને નિમિત્ત થવાનો આત્માનો સ્વભાવ નથી. નિમિત્ત
નૈમિત્તિકભાવ વર્તમાન એક જ સમય પુરતો છે. તેને જે પોતાનું સ્વરૂપ માને છે તે પર્યાયમૂઢ મિથ્યાદ્રષ્ટિ છે.
બધાયને જાણનાર સળંગ જ્ઞાનસ્વભાવી હું છું–એમ ન માનતાં, એક પણ ઠેકાણે મારા નિમિત્તની અપેક્ષા છે એમ
જેણે માન્યું છે તેણે ત્રણે કાળના બધાય પદાર્થોની સ્વતંત્રતાને ઉડાડી છે. અને બધાને જાણનાર પોતાનો સર્વજ્ઞ
સ્વભાવ તેને પણ ઉડાડયો છે, તેને સર્વજ્ઞ ભગવાનની શ્રદ્ધા નથી, સર્વજ્ઞ ભગવાને શું કહ્યું તેની પણ શ્રદ્ધા નથી.
‘પર વસ્તુઓ પરાધીન છે, પરવસ્તુને મારી અપેક્ષા છે’ એમ અજ્ઞાની માને ભલે, પણ તેથી કાંઈ પર વસ્તુ
પરાધીન થઈ જતી નથી, માત્ર તે અજ્ઞાનીને તેના ઊંધા અભિપ્રાયથી અનંત સંસાર ભાવ વધે છે.
‘પરવસ્તુના કામમાં હું નિમિત્ત થઉં છું એટલે કે પર વસ્તુઓને મારી અપેક્ષા છે, મારા દયાના શુભ
પરિણામ હોય તો પર જીવ બચી જાય. મારા હિંસાના અશુભ પરિણામ હોય તો પર જીવ મરી જાય, મારા શુભ
પરિણામ હોય તો સત્યભાષા બોલાય’ આવા પ્રકારની માન્યતા તે અજ્ઞાન છે. અજ્ઞાનને લીધે જ તેને પરનું
કરવાપણું અને પર સાથેનો સંબંધ દેખાય છે. ખરેખર એમ છે નહિ. ૩૧૯મા શ્લોકમાં આચાર્યદેવ કહે છે કે– આ
અજ્ઞાનને પામીને જે જીવો પરથી પરનાં મરણ, જીવન, સુખ, દુઃખ દેખે છે અર્થાત્ માને છે તેઓ અહંકાર–રસથી
કર્મ કરવાનાં ઈચ્છુક છે અને તેઓ નિયમથી મિથ્યાદ્રષ્ટિ છે, પોતાના આત્માનો જ તેઓ ઘાત કરે છે. ઊંધી
માન્યતાને લીધે, જેવું સ્વરૂપ છે તેવું દેખાતું નથી પણ બધું ઊંધું જ ભાસે છે. એકબીજાનું કાંઈ કરે એવું વસ્તુ
સ્વરૂપ છે નહિ છતાં અજ્ઞાનને લીધે જ અજ્ઞાનીને તેવું ભાસે છે. મારે લીધે પરને કાંઈ થાય ને પરને લીધે મને
કાંઈ થાય–એમ અજ્ઞાનથી જ દેખાય છે. આ જગતમાં જે કાંઈ બંધન અને દુઃખ છે તે અજ્ઞાનથી જ છે. જ્ઞાનીને
બંધન નથી–દુઃખ નથી.
જેને પરથી જુદા પોતાના જ્ઞાનસ્વભાવની ખબર નથી તે જીવ જે જે પદાર્થને જુએ છે તે તે સર્વ
પદાર્થોમાં પોતાપણાની માન્યતાથી જુએ છે, એકપણાનો અધ્યવસાય રાખીને જ જોતો હોવાથી તેને બધું ઊંધું
દેખાય છે. જે વસ્તુને જુએ તે વસ્તુરૂપે જ પોતાને માની લે છે. પણ વસ્તુ એમ નથી. ફક્ત અજ્ઞાનથી જ એમ
ભાસે છે. જો અજ્ઞાન છોડીને જ્ઞાનભાવથી જુએ તો સ્વતંત્રતા ભાસે. અજ્ઞાનને લીધે જ સ્વતંત્રતા ભાસતી નથી.
આ લાકડું ઊંચું થયું. ત્યાં ‘આ હાથે લાકડાને ઊંચું કર્યું’ એમ અજ્ઞાનથી જ ભાસે છે, બે દ્રવ્યોની એકતારૂપ
માન્યતાથી જ એમ લાગે છે. જ્ઞાનીઓને સમ્યગ્જ્ઞાનથી એમ ભાસે છે કે લાકડું તે વખતના પોતાના પર્યાયના
સ્વભાવથી જ ઊંચું થયું છે, હાથને લીધે થયું નથી. તેવી જ રીતે મારા હિંસા કે દયાના ભાવને લીધે પર જીવ
મર્યો કે બચ્યો–ઈત્યાદિ પ્રકારની જેટલી માન્યતાઓ છે તે સર્વે અજ્ઞાનને લીધે જ છે. બધાય જીવો પોત પોતાની
તે તે વખતની સ્વતંત્ર અવસ્થાથી જ સુખી કે દુઃખી થાય છે. પોતા સિવાય બીજા સર્વે પદાર્થોની જે જે અવસ્થા
થાય છે તે બધાય પર દ્રવ્યના ભાવો છે, પોતાના ભાવો નથી. પોતાવડે પર દ્રવ્યના ભાવોને કરી શકવા અશક્ય
છે. માટે, અજ્ઞાનીના અધ્યવસાનનો ‘પરમાં કાંઈક કરું’ એવો જે આશય છે તે મિથ્યા છે, અને તે જ બંધનું
કારણ છે. જેમ–આકાશને ફૂલ હોતાં જ નથી તેથી, ‘હું આકાશના ફૂલને ચૂંટુ છું’ એવો અભિપ્રાય મિથ્યા છે–
ખોટો છે; તેમ પરવસ્તુમાં પરવસ્તુનો વ્યાપાર જ નથી, પર વસ્તુના ભાવો પોતામાં અસત્ છે તેથી, ‘હું
પરવસ્તુમાં કાંઈક કરું’ એવો જે અજ્ઞાનીનો અધ્યવસાય છે તે ચોક્કસપણે મિથ્યા છે, ખોટો છે, જુઠ્ઠો છે, નિરર્થક
છે. જીવની જે ખોટી માન્યતા છે તે માન્યતા પ્રમાણે પરમાં બનતું નથી માટે તે ખોટી માન્યતા પરમાં નિરર્થક છે,
અને તે ખોટી માન્યતાથી પોતાનો આત્મા હણાય છે તેથી તે ખોટી માન્યતા પોતામાં અનર્થક છે; પોતાના
આત્માને અનંત સંસારમાં રખડાવવા માટે તે માન્યતા સાર્થક છે, પણ પરમાં તો તદ્ન નિરર્થક છે.
પ્રશ્ન:– નિશ્ચયથી તો પરનું કાંઈ પણ કરી ન શકાય એ વાત સાચી છે, પણ વ્યવહારથી તો પરનું કરી
શકાય છે ને?
ઉત્તર:– નિશ્ચય પોતામાં ને વ્યવહાર પરમાં–એવું કાંઈ નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ નથી. કોઈ પણ રીતે
પર–દ્રવ્ય સાથેની એકતાનો અભિપ્રાય છોડવો નથી તેથી અજ્ઞાની જીવ એમ માને છે કે વ્યવહારથી તો પરનું
કરાય. જ્ઞાની કહે છે કે ભાઈ, વ્યવહારથી પણ પરનું કંઈ તું કરી શકતો નથી. વ્યવહાર શું કહેવાય તેનું પણ તને

PDF/HTML Page 26 of 33
single page version

background image
: પોષ–માહ : ૨૪૭૫ : આત્મધર્મ : ૮૩ :
જ્ઞાન નથી. જ્યાં સુધી પર સાથેના સંબંધનો અભિપ્રાય ઊભો છે ત્યાં સુધી વ્યવહારની પણ ખબર પડશે નહિ.
પર પદાર્થનું કામ તેના પોતાથી થયું તે તો તે પદાર્થનો નિશ્ચય છે અને તેના કાર્ય વખતે નિમિત્તરૂપ બીજા
પદાર્થની હાજરીને તેનું નિમિત્ત કહેવું તે તેનો વ્યવહાર છે. એટલે કે દરેકે દરેક પદાર્થ સ્વતંત્ર છે–નિરપેક્ષ છે, તે
નિશ્ચય છે અને એક પદાર્થમાં બીજા પદાર્થનું નિમિત્ત કહેવું તે વ્યવહાર છે. પરંતુ એક પદાર્થમાં બીજા પદાર્થે કાંઈ
કર્યું એમ માનવું તે વ્યવહાર નથી, તે તો અજ્ઞાન છે.
પ્રશ્ન:– વ્યવહારથી પરનું કરી ન શકે, પણ “મેં પરનું કર્યું” એમ વ્યવહારથી બોલાય તો ખરું ને?
ઉત્તર:– બોલવાની ક્રિયા તો જડની છે, ભાષા જડ છે. બોલવા ઉપર જેની દ્રષ્ટિ છે તે અજ્ઞાની છે. જ્યારે
બોલાય છે ત્યારે અંતરનો અભિપ્રાય સાચો છે કે ખોટો તે ઉપર જ ધર્મ–અધર્મનું માપ છે. જો સાચો અભિપ્રાય
હોય તો ધર્મ છે, ખોટો અભિપ્રાય હોય તો અધર્મ છે. અંતરના અભિપ્રાયને તો દેખતો નથી અને ‘આમ
બોલાય, ને તેમ બોલાય’ એમ ભાષાને વળગે છે તે બહિરદ્રષ્ટિ છે.
એક સમયનો પરાશ્રયભાવ તે જ સંસાર છે, ત્રિકાળી આત્મસ્વભાવમાં તે નથી. સ્વભાવ પોતે પોતાના
જ આશ્રયે ટકનાર છે, વિકારભાવનો આશ્રય પણ સ્વભાવને નથી તો પરવસ્તુનો આશ્રય તો હોય જ ક્યાંથી?
મારે પરવસ્તુનો આશ્રય નથી ને પરવસ્તુને મારો આશ્રય નથી–આવી દ્રષ્ટિમાં સંસાર રહ્યો નહિ વિકાર કદી
પરાશ્રય વગર હોય નહિ, જ્યાં પરાશ્રયનો જ અભિપ્રાય ટળ્‌યો ને સ્વાશ્રય કર્યો ત્યાં કોના આશ્રયે વિકાર થાય?
એટલે જ્ઞાનીને સ્વાશ્રયદ્રષ્ટિમાં મુક્તિ જ છે. અને ‘મે પરનું કર્યું, વ્યવહારથી હું પરનું કરું’ એવી અજ્ઞાનીના
અભિપ્રાયમાં પરમાં એકત્વબુદ્ધિરૂપ મિથ્યાત્વભાવ ભરેલો છે. હું પરને નિમિત્ત થાઉં એટલે શું? એનો અર્થ તો
એ થયો કે મારું લક્ષ સ્વાશ્રયમાં ન ટકે પણ ક્યાંક પરમાં લક્ષ જાય, મારો રાગ પરમાં વળે અને હું તે પરનો
નિમિત્ત થાંઉં, ત્યારે તે પરની અવસ્થા થાય–આવી અજ્ઞાનીની બુદ્ધિમાં રાગ સાથે અને પર સાથે એકતા ઊભી
છે. તેને ક્યાંયથી છૂટા પડવાનો અભિપ્રાય નથી. હું તો જ્ઞાનરૂપ છું, જ્ઞાનનું કાર્ય માત્ર જાણવાનું જ છે, પણ રાગ
કરીને પરને નિમિત્ત થવાનું કામ જ્ઞાનનું નથી. જ્ઞાનસ્વભાવ તો પરથી નિરપેક્ષ છે. –આમ જે પોતાના
સ્વભાવને નથી જાણતો, અને પર સાથેની લપ ઊભી કરે છે તે જીવ સાચા જ્ઞાનપરિણામને ઓળખતો નથી,
અને દેવ–ગુરુ–શાસ્ત્રના કથનનું જે મૂળ પ્રયોજન છે તેને પણ તે સમજતો નથી. એકલો નિરપેક્ષ જ્ઞાનભાવ
બતાવવાનું જ જ્ઞાનીઓનું પ્રયોજન છે. એ જ્ઞાનભાવને સમજ્યા વગર અહિંસા–હિંસાદિનાં જે કોઈ શુભ કે
અશુભ પરિણામ કરે તે બધાય ફક્ત પોતાને જ અનર્થનું કારણ થાય છે, પરમાં તો તેનાથી કિંચિત્માત્ર થતું
નથી. હિંસા કે અહિંસાના જે શુભ–અશુભ પરિણામ છે તે ખરેખર સંસારનું મૂળ કારણ નથી પણ તે પરિણામમાં
એકત્વબુદ્ધિ જ સંસારનું મૂળ કારણ છે. શુભ પરિણામમાં એકત્વબુદ્ધિ વગર તેનાથી ધર્મ માને જ નહિ. અને હું
પરને મારી–બચાવી શકું એમ, પરમાં એકત્વબુદ્ધિ વગર માને જ નહિ. હું પરને સુખી કરી દઉં–એવી માન્યતાથી
પર જીવ તો કાંઈ સુખી થઈ જતા નથી પણ તે માન્યતાથી પોતે જ દુઃખી થાય છે. પરનું ભલું કરવાની
માન્યતાથી માત્ર પોતાનું જ અનર્થ જ થાય છે, પરનું તો કાંઈ જ થતું નથી. પરનું ભલું–બૂરું તેના પોતાના
પરિણામને આધીન છે.
જેનો વિષય ન હોય તે નિરર્થક છે. એટલે કે જીવ જે પ્રમાણે માનતો હોય તે પ્રમાણે જો વસ્તુસ્વરૂપ ન
હોય તો તેની માન્યતા નિરર્થક છે, મિથ્યા છે. અજ્ઞાનીની એવી માન્યતા છે કે હું પરજીવોને કાંઈક કરું, પણ પોતે
પર જીવોને કાંઈ કરી શકતો નથી, માટે તેની માન્યતા નિરર્થક હોવાથી મિથ્યા છે, અને તે જ બંધનું કારણ છે શું
પરવસ્તુના પર્યાયનું પરિણમન તારી અપેક્ષા રાખે છે? કે તે પોતે પોતાના દ્રવ્યત્વની અપેક્ષાથી જ પરિણમે છે?
એ દ્રવ્ય એના પોતાથી સ્વતંત્રપણે પરિણમતું હોવા છતાં તું એમ માન કે તેના પરિણમનમાં મારી અપેક્ષા છે–તો
તારી તે માન્યતા તને જ દુઃખનું કારણ છે. તારી પરમાં એકત્વબુદ્ધિથી જ સંસાર છે. તારો જે અભિપ્રાય છે તે
પ્રમાણે વસ્તુમાં તો બનતું નથી; પરનું કરવાનો તારો અભિપ્રાય અને પરિણામ તો વ્યર્થ જાય છે–નિરર્થક છે–
ખોટાં છે અને તને જ તે બંધનું કારણ છે.
આત્મા અને પરવસ્તુઓ જુદાં છે. આત્મા પોતાના સ્વભાવનો આશ્રય છોડીને જે ઊંધી માન્યતા કરે છે
તેમાં પરનો આશ્રય છે, અર્થાત્ પરમાં એકાકારબુદ્ધિથી મિથ્યાત્વ થયું છે પરંતુ તેની મિથ્યા માન્યતાનો કોઈ
વિષય નથી અર્થાત્ તેની મિથ્યામાન્યતા પ્રમાણે વસ્તુનું સ્વરૂપ નથી. જગતમાં પરવસ્તુઓ છે ખરી પરંતુ
અજ્ઞાનીના

PDF/HTML Page 27 of 33
single page version

background image
: ૮૪ : આત્મધર્મ : પોષ–માહ : ૨૪૭૫ :
અભિપ્રાય મુજબ તેનું સ્વરૂપ નથી. પરની અપેક્ષા રાખે એવું વસ્તુનું સ્વરૂપ નથી. આમ નિરપેક્ષ વસ્તુ સ્વરૂપને
સમજીને પરાશ્રય છોડીને સ્વાશ્રયમાં ટકવું તે જ મુક્તિનો ઉપાય છે.
પ્રશ્ન:– ‘પરને હું સુખી કરી શકું’ એવી અમારી માન્યતા ભલે ખોટી હોય, પણ પરને સુખી કરવાના
અમારા ભાવ છે તે તો સારા છે ને?
ઉત્તર:– તારો સ્વભાવ જેમ હોય તેમ માત્ર જાણવાનો છે, તેને બદલે, હું જાણનાર નહિ પણ પરનો કરનાર
એવા અભિપ્રાયથી તું તારા આત્માને જ હણી નાંખે છે. ‘હું પરને સુખી કરું’ એવા તારા ભાવ તારા આત્માને
અનંત દુઃખનું કારણ છે, તો તે ભાવને સારા કોણ માને? પહેલાં તું વસ્તુસ્વરૂપ સમજીને તારો અભિપ્રાય તો સાચો
કર, સાચો અભિપ્રાય થયા પછી શુભ કે અશુભ ભાવ આવશે તેનું કર્તાપણું તને નહિ રહે, અને તેમાં એકતાબુદ્ધિ
નહિ થાય. માટે સૌથી પહેલાં બધાય પરનો આશ્રય છોડીને, બધાયથી નિરપેક્ષ તારા સ્વભાવને સમજ.
‘સામો જીવ એની મેળે સમજવાનો છે અને તેમાં હું નિમિત્ત થવાનો છું, તેથી તેને નિમિત્ત થવા માટે મને
આ શુભરાગ થાય છે’ આવો જેનો અભિપ્રાય છે તે મિથ્યાદ્રષ્ટિ છે, તેને હજી પરાશ્રયદ્રષ્ટિ છે. શું પર જીવને
નિમિત્ત થવા ખાતર તેં રાગ કર્યો છે? શું સામો જીવ સમજણ માટે તારા શુભરાગની અપેક્ષા રાખે છે? તને જે
રાગ થયો છે તે પરને નિમિત્ત થવા માટે થયો નથી પણ તારા જ દોષથી થયો છે. આ બેમાં મોટું અંતર છે. રાગ
વખતે, જેની સ્વાશ્રિતદ્રષ્ટિ છે તે જીવ પોતાની પર્યાયની લાયકાત જુએ છે, અને જેની પરાશ્રિત દ્રષ્ટિ છે તે જીવ
પરની લાયકાત જુએ છે અને પરના કારણે રાગ માને છે. પર વસ્તુ માત્ર જ્ઞાનનું જ નિમિત્ત છે તેને બદલે
અજ્ઞાની તેના કારણે રાગ માને છે. પોતાનો રાગ પરને નિમિત્ત થવા માટે થતો નથી તેમજ પરવસ્તુને તે
રાગની અપેક્ષા નથી. ‘પરવસ્તુને સુખ દુઃખ થવાનાં જ છે અને તેમાં હું જ નિમિત્ત થવાનો છું માટે મને રાગદ્વેષ
થાય છે’ એ માન્યતા ખોટી છે. રાગ કરીને પરનું નિમિત્ત થવાની જેની દ્રષ્ટિ છે તેને રાગમાં અને પરમાં જ
એકત્વબુદ્ધિ છે. તેને સદાય પર ઉપરના લક્ષે રાગ કર્યા કરવો છે ને પરનું નિમિત્ત થવું છે. પર સાથેનો સંબંધ
રાખ્યા કરવો છે. પણ પર સાથેનો સંબંધ તોડીને આત્માના સ્વભાવનો આશ્રય કરવો નથી. પર સાથેના
સંબંધની દ્રષ્ટિ એ જ બંધનું મૂળ છે, ને એ જ સંસારનું કારણ છે, એ જ મિથ્યાત્વ છે અને પરની અપેક્ષા રહિત
નિજસ્વભાવનો આશ્રય તે જ મુક્તિનું કારણ છે.
ભેદજ્ઞાની ભૂમિકામાંરાગની મંદતા
ચૈતન્યસ્વભાવના આશ્રયે પ્રગટેલો પર્યાય તે ચૈતન્યનો સ્વભાવ છે. અને ચૈતન્યસ્વભાવની બહાર
વલણ થઈને જિનેન્દ્ર ભગવાન–ગુરુ–કે શાસ્ત્રના લક્ષે જે જ્ઞાન થાય તે ચેતનનો સ્વભાવ નથી, અને તેનાથી
સંવર–નિર્જરા થતા નથી. પર્યાયમાં ચેતનપણું–ચેતન સાથે એકપણું–થયા વગર સંવર–નિર્જરા ક્યાં થાય? અને
રાગનો અભાવ કોના જોરે થાય? યથાર્થ ચૈતન્ય સ્વભાવની સમજણ વગર ખરેખર રાગાદિ ટળે નહિ, અને
રાગ ઘટ્યો પણ ન કહેવાય. રાગ રહિત સ્વભાવના સ્વીકાર પૂર્વક, રાગથી આત્માની ભિન્નતા જાણીને જો રાગ
ઘટે તો રાગ ઘટ્યો કહેવાય. રાગને જ જે પોતાનું સ્વરૂપ માને તેને રાગ ઘટ્યો કેમ કહેવાય?
પ્રશ્ન:– પ્રભો! આપે જ કહ્યું કે ‘આત્માના જ્ઞાન વગર યથાર્થપણે રાગાદિ ઘટે નહિ;’ માટે આત્મજ્ઞાન ન
થાય ત્યાં સુધી અમારે રાગાદિ ઘટાડવા નહિ?
ઉત્તર:– જુઓ ભાઈ, એ વાત તો બરાબર છે કે આત્માના જ્ઞાન વગર ખરેખર રાગાદિ ઘટે નહિ. પણ
તેથી તેનો અર્થ તો એમ થયો કે આત્માની સમજણનો પ્રયત્ન કરવો. હવે, જે જીવ આત્મસ્વભાવની સમજણનો
પ્રયત્ન કરે તેને રાગાદિ ઘટ્યા વગર રહે જ નહિ. પરંતુ રાગ ઘટ્યો તેની મુખ્યતા નથી પણ આત્મજ્ઞાનની
મુખ્યતા છે–એ ભૂલવું ન જોઈએ, એટલે કે મંદ રાગને ધર્મ માનવો ન જોઈએ. આનો અર્થ એમ નથી કે આત્મા
ન સમજાય ત્યાં સુધી તો સ્વચ્છંદપણે વર્તવું ને એવાં ને એવા તીવ્ર પાપ કર્યા કરવાં, અને વિષયકષાય જરા ય
છોડવાં જ નહિ. અહો! પુણ્ય–પણ આત્માનું સ્વરૂપ નથી એવી વાત જેને રુચે–એટલે કે પુણ્ય રહિત
આત્મસ્વભાવ જેને રુચે તે જીવો પાપને તો કેમ આદરે? તેવા જીવોને વિષય–કષાયની રુચિ ન હોય, સત્
સ્વભાવ પ્રત્યે અને સત્ નિમિત્તો પ્રત્યે બહુમાન આવતાં સંસાર તરફનો અશુભરાગ ઘણો જ મંદ થઈ જાય છે.
એ સિવાય તો ધર્મી થવાની પાત્રતા પણ હોતી નથી. જેને આત્માનું જ્ઞાન થયું ન હોય તેણે તો ઘણો જ પ્રયત્ન
કરીને અશુભ રાગાદિ ઘટાડીને આત્માની સમજણનો અભ્યાસ કરવો જોઈએ. જો એમ ન કરે અને એમ ને એમ
અશુભમાં જ પ્રવર્ત્યા કરે તો આત્માની સમજણ ક્યાંથી થાય?
[–સમયસાર ગા. ૩૯૦ થી ૪૦૪ ઉપરના વ્યાખ્યાનોમાંથી]

PDF/HTML Page 28 of 33
single page version

background image
: પોષ–માહ : ૨૪૭૫ : આત્મધર્મ : ૮૫ :


પ્રશ્ન:– ‘આત્મા જ્ઞાનસ્વરૂપ છે, આત્મા પરનું કાંઈ કરી શકતો નથી,’ –આવું સાંભળનારા અને
સમજનારા પણ વેપાર–ધંધો કે ઘર–બાર છોડીને ત્યાગી તો થતા નથી? જેવો વેપાર–ધંધો અમે કરીએ છીએ
તેવો આ સાંભળનારા પણ કરે તો છે, તો પછી અમારામાં ને તેમનામાં ફેર શું પડ્યો?
ઉત્તર:– બહારની દ્રષ્ટિથી જોનારા ઘણા જીવોને ઉપરનો પ્રશ્ન ઊઠે છે, તેનો ઉત્તર ખાસ સમજવાની જરૂર
છે; જે જીવોને પોતાને સત્યની સમજણ કરવી નથી અને બીજા કોઈ જીવો સત્યની સમજણ કરતા હોય તેઓ
પોતાના કરતાં કંઈક સારું કરે છે–એમ માનવું નથી–એવા જીવો પોતાનો સ્વછંદ પોષવા એમ બચાવ કરે છે કે
સત્ય સમજનારા પણ અમારા જેવા જ છે? પોતે અંતરના ભાવને તો સમજતો નથી તેથી તે જીવ બહારના
સંયોગ દેખીને તેના ઉપરથી ધર્મનું માપ ટાંકે છે. એવા જીવને શાસ્ત્રોમાં બહિરાત્મા કહેવાય છે. એવા બહિરાત્મા
જીવને ઉપરનો પ્રશ્ન ઊઠે છે. તેનું અહીં સમાધાન કરે છે. ‘જેવો વેપાર–ધંધો અમે કરીએ છીએ તેવો સત્ય
સાંભળનારા પણ કરે છે’ એમ તેં પ્રશ્નમાં કહ્યું, પરંતુ હે ભાઈ! સૌથી પહેલી મૂળ વાત તો એ છે કે બહારમાં
વેપાર–ધંધા વગેરે કે જડની કોઈ પણ ક્રિયાઓ તો તું પણ નથી કરતો ને બીજા આત્માઓ પણ નથી કરતા.
જ્ઞાની કે અજ્ઞાની કોઈ પણ આત્મા જડની ક્રિયા તો કરતો જ નથી, માત્ર આદરના ભાવ કરે છે. અને તે અંદરના
ભાવ ઉપરથી જ ધર્મ–અધર્મનું માપ થઈ શકે છે. બહારના સંયોગ ઉપરથી ધર્મ–અધર્મનું માપ થઈ શકતું નથી.
કોઈક જીવ વેપાર–ધંધો, ઘર–બાર બધું છોડીને નગ્ન થઈને જંગલમાં રહે, છતાંય મોટો અધર્મી હોય ને અનંત
સંસારમાં રખડે. અને કોઈ જીવને બહારમાં વેપાર–ધંધો કે રાજપાટનો સંયોગ હોય છતાં અંતરમાં
આત્મસ્વભાવનું ભાન છે, ઓળખાણ છે, તો તેવા જીવ મહા ધર્માત્મા ને એકાવતારી કે તે જ ભવે મુક્ત જનાર
પણ હોય. માટે અંદરના ભાવ જોતાં શીખવું જોઈએ, બહારથી ધર્મનું માપ ન હોય. બાહ્યસંયોગ સરખા છતાં
એકને ક્ષણે ક્ષણે ધર્મ, બીજાને ક્ષણે ક્ષણે પાપ.
સત્ય સાંભળનાર તથા સમજનારા જીવોને અને સત્ય નહિ સમજનારા જીવોને બહારમાં વેપારાદિ
સરખાં હોય, છતાં સત્ય સમજનારા જીવને તે વખતે આત્મસ્વભાવનું ભાન છે. પોતાના આત્માને રાગથી પણ
ભિન્ન શ્રદ્ધે છે. ને બહારમાં કાર્યને હું કરી શકું–એમ માનતા નથી, તેથી તેમને રાગ–દ્વેષ ઘણા જ અલ્પ હોય છે.
અને તે વખતે ય, રાગથી ભિન્ન આત્માની શ્રદ્ધા હોવાથી તેમને ધર્મ થાય છે. રાગ–દ્વેષનું પાપ ઘણું અલ્પ છે.
અને જેને સત્યની દરકાર નથી એવો જીવ તે વેપારાદિ જડની ક્રિયાને પોતાની માને છે ને તેના કર્તાપણાનું
અભિમાન કરે છે તેથી તેને અજ્ઞાનનું ઘણું મોટું પાપ ક્ષણે ક્ષણે બંધાય છે. આ રીતે બહારના સંયોગ સરખા
હોવા છતાં અંતરમાં આકાશ–પાતાળ જેટલો મહાન તફાવત છે, સંયોગ દ્રષ્ટિથી જોનાર જીવ તે તફાવતને કઈ
રીતે સમજશે?
ધર્મીજીવને શેનો ત્યાગ હોય છે?
લોકો ઝટ બહારનો ત્યાગ માગે છે, પણ પરપદાર્થો તો આત્માથી ત્રણે કાળે જુદા જ છે. પર પદાર્થો કાંઈ
આત્મામાં પ્રવેશી ગયા નથી કે આત્મા તેનો ત્યાગ કરે? પહેલાં અજ્ઞાનભાવે પર દ્રવ્યોને પોતાના માનતો ને
તેનો અહંકાર કરતો, પણ સાચી સમજણ થતાં એમ જાણ્યું કે આત્મા સર્વે પરથી જુદો છે, એટલે ત્રણે લોકના
સર્વે પદાર્થોમાંથી પોતાપણાની ઊંધી માન્યતા છોડી દીધી, તે જ મિથ્યાત્વરૂપ અધર્મનો ત્યાગ છે, એ ત્યાગ
અજ્ઞાને દેખાતો નથી. બહારનું ત્યાગ કે ગ્રહણ આત્મા કરતો નથી, અંતરમાં સત્ય ભાવોનું ગ્રહણ ને ઊંધા
ભાવોનો ત્યાગ કરે તે ધર્મ છે.
સત્યની હા પાડનાર અને ના પાડનાર જીવોમાં મહાન અંતર
વળી, સત્ય સમજવાની જિજ્ઞાસાવાળા જીવો સત્યની હા પાડીને તેનો આદર કરે છે, તેની રુચિથી તે
સમજવા માટે પ્રયત્ન કરે છે, અને તે માટે નિવૃત્તિ લઈને સત્સમાગમ કરે છે. જ્યારે બીજા જીવોને સત્ય
સમજવાની દરકાર નથી, સત્યની રુચિ નથી, ને ઊલટા સત્યનો અનાદર કરે છે; જુઓ! બંનેના અંતરના
પરિણામમાં

PDF/HTML Page 29 of 33
single page version

background image
: ૮૬ : આત્મધર્મ : પોષ–માહ : ૨૪૭૫ :
કેટલો ફેર છે? બહારના સંયોગ એવા ને એવા હોવા છતાં એકને સત્યની જિજ્ઞાસા છે ને બીજાને તેની બેદરકારી
છે, તે શું તેમનામાં ફેર નથી પડ્યો? એક જીવ સત્યનું શ્રવણ–મનન–ભાવના કરવામાં દિવસનો અમુક વખત
નિવૃત્તિ લે છે ને બીજો જીવ જરાય નિવૃત્તિ નથી લેતો, તો શું પહેલા જીવે તેટલો રાગ નથી છોડ્યો? શ્રી
પદ્મનંદી આચાર્યદેવ કહે છે કે ચૈતન્ય સ્વરૂપ આત્માની વાત સાંભળીને હોંશથી તેની હા પાડનાર જીવ
ભવિષ્યમાં મુક્તિ પામવાનો છે. એક જીવ સત્યની હોંશથી હા પાડે છે ને બીજો ના પાડે છે તો તેમાં કેટલો ફેર
છે? સત્યની હા પાડનાર જીવ પોતાની માન્યતામાં ત્રણે કાળના સત્યનું ગ્રહણ અને અસત્યનો ત્યાગ કરે છે,
અને સત્યની ના પાડનાર જીવ પોતાની માન્યતામાં ત્રણકાળના અસત્યનું ગ્રહણ ને સત્યનો ત્યાગ કરે છે; આ
અંતરના ગ્રહણ ત્યાગ અજ્ઞાનીને દેખાતા નથી, ને બહારના પદાર્થોને ગ્રહવા–મૂકવાનું અભિમાન કરે છે.
બાહ્ય સંયોગમાં રહેલા ધર્મી શું કરે છે?
શ્રીમદ્ રાજચંદ્રજી જ્ઞાની પુરુષ હતા. આત્મસ્વભાવનું ભાન હતું, છતાં ગૃહસ્થાશ્રમી હતા, બહારમાં
લાખોના ઝવેરાતનો ધંધો હતો; પરંતુ તે વખતે તેમના આત્મામાં પરનું સ્વામીપણું જરાય ન હતું. અંતરમાંથી
શરિરાદિનું ધણીપણું ઊડી ગયું હતું. અલ્પ રાગ હતો તેના પણ સ્વામી થતા નહિ; રાગ રહિત સ્વભાવના
આશ્રયે તે બધાનું જ્ઞાન જ કરતા હતા. બહારમાં ધંધાની ક્રિયા બહારના કારણે થતી, પોતાને અલ્પ રાગ
પર્યાયની નબળાઈથી થતો, પરંતુ તે વખતે ય એકે ય સમય ચૈતન્યનું સ્વામીપણું ચૂકતા નહિ, ને રાગનું કે પરનું
કર્તાપણું સ્વીકારતા નહિ. અજ્ઞાની જીવને તો તે બહારની ક્રિયા અને રાગ કરતા દેખાય, પણ જ્ઞાનીના અંતર
સ્વભાવની તેને ખબર પડે નહિ. જ્ઞાની તો પોતાના પરિપૂર્ણ ચૈતન્યસ્વભાવના સ્વામી છે, ને તે સ્વભાવના
આશ્રયે ક્ષણે ક્ષણે–પર્યાયે પર્યાયે તેમને જ્ઞાનની વિશુદ્ધતા થતી જાય છે. જ્ઞાની જ્ઞાનસ્વભાવની એકતા સિવાય
બીજું કાંઈ કરતા નથી.
પરનું ગ્રહણ ત્યાગ કોઈને નથી
આ જગતમાં ક્યો જીવ પૈસા વગેરે પર વસ્તુને મેળવી શકે છે? ને ક્યો જીવ તેને છોડી શકે છે? ‘મેં
પૈસા મેળવ્યા ને મેં પૈસા છોડયા’ એમ, મૂઢ જીવ માત્ર અહંકાર કરે છે. અજ્ઞાની જીવ પણ પર દ્રવ્યમાં કાંઈ
કરતો નથી; હા, તે જીવ પોતામાં મમતાને વધારે અથવા મમતાને ઘટાડે. પરમાર્થે તો મમતાભાવનું ગ્રહણ કે
ત્યાગ આત્મસ્વભાવમાં નથી.
અજ્ઞાની બાહ્યત્યાગી છતાં અધર્મી; જ્ઞાની ગૃહસ્થ છતાં ધર્મી
જે જીવ પરદ્રવ્યનો સ્વામી થાય છે તે અચેતનનો સ્વામી થાય છે. અજ્ઞાની જીવ બહારમાં બધું છોડીને
જંગલમાં જઈને રહે, માટે તેને અંતરમાં પર વસ્તુનું સ્વામીપણું છૂટી ગયું છે–એમ ન સમજવું. અને જ્ઞાનીને
બહારમાં લક્ષ્મી આદિનો સંયોગ હોય, તેથી તેને પર દ્રવ્યનું સ્વામીપણું છે–એમ ન સમજવું. જ્ઞાની જીવ
ગૃહસ્થાશ્રમમાં હોવા છતાં તે ચૈતન્યના જ સ્વામી છે; તેથી તે ધર્મી છે. અને બાહ્યત્યાગી અજ્ઞાની જીવ પરને
છોડવાપણાનો અહંકાર કરે છે–પરદ્રવ્યને મેં છોડ્યું એવું અભિમાન કરે છે તે જીવની માન્યતામાં અનંત પર
દ્રવ્યનું સ્વામીપણું રહેલું છે, તેથી તે અધર્મી છે.
જિજ્ઞાસુ જીવની પાત્રતા અને અંતરની અપૂર્વધર્મ ક્રિયા
‘આત્મા પરિપૂર્ણ જ્ઞાનસ્વરૂપ છે, પુણ્ય–પાપના આશ્રયે આત્માને લાભ નથી, પર વસ્તુઓ આત્માથી
તદ્ન જુદી છે, તેનું આત્મા કંઈ કરી શકતો નથી’ –એમ જ્ઞાની પાસેથી સત્ય સમજવા માટેની જે જિજ્ઞાસા કરે છે
તે જીવને રાગની ઘણી મંદતા થઈ ગઈ છે. વારંવાર વીતરાગસ્વભાવનું શ્રવણ કરતાં તેની ના નથી પાડતો, ને
રુચિપૂર્વક સ્વભાવ સમજવા માટે કાળ ગાળે છે તે જીવને ક્ષણે ક્ષણે મોહ મંદ થતો જાય છે. બીજા જીવને સત્
સ્વભાવની વાત સાંભળવી રુચતી નથી ને ઊલટો અણગમો કરે છે તેને મોહ દ્રઢ થતો જાય છે. નિવૃત્તસ્વરૂપ
રાગરહિત આત્મસ્વભાવની વાતનો વારંવાર પરિચય કરવો ગોઠે છે તો તે જીવને અંતરમાં વીતરાગતા અને
નિવૃત્તિ ગોઠી છે કે નહિ? અને તેટલે અંશે રાગથી ને સંસારથી તેની રુચિ છૂટી ગઈ છે કે નહિ? બસ, આમાં
સ્વભાવના લક્ષે તીવ્ર કષાય છૂટીને મંદ કષાય થઈ ગયો તે શુભક્રિયા છે, અને તે શુભથી પણ આત્મસ્વભાવ
જુદો છે–એમ વારંવાર રાગરહિત સ્વભાવની ભાવના કરતાં સ્વભાવ તરફ જ્ઞાનની અંશે અંશે એકાગ્રતા થતી
જાય છે તેટલી જ્ઞાન ક્રિયા છે. તે રાગરહિત છે, અને તે ધર્મનું કારણ થાય છે. અને એ રીતે સ્વભાવની રુચિ
ઘૂંટતા ઘૂંટતા જેવો

PDF/HTML Page 30 of 33
single page version

background image
: પોષ–માહ : ૨૪૭૫ : આત્મધર્મ : ૮૭ :
પરિપૂર્ણ ચૈતન્યસ્વભાવ છે તેવો યથાર્થ સમજી જાય ને. સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન પ્રગટ કરે, તે તો અપૂર્વ ધર્મક્રિયા
છે. તે ક્રિયા અનંત જન્મમરણનો નાશ કરનારી છે. અનાદિ કાળમાં કદી પણ એવી ક્રિયા એક સેકંડ માત્ર પણ
જીવે કરી નથી, જો એક સેકંડ પણ એવી સમજણ રૂપી ક્રિયા કરે તો જીવની મુક્તિ થયા વગર રહે નહિ.
સત્ની રુચિ જ ધર્મનું કારણ છે
પૈસા કેમ પેદા થાય એવી વાત જ્ઞાનીઓ કરતા નથી પણ એકલા સત્સ્વભાવની વીતરાગ વાત કહે છે,
તે સાંભળવામાં કેટલાકને હોંશ આવે છે ને ઘણા જીવો તે સાંભળવા જ માગતા નથી, તો તે બેમાં કેટલો ફેર છે?
જેને સત્સ્વભાવની વાત ગમતી નથી તે જીવ તો સત્ સાંભળવા પણ રોકાતો નથી, ને તેને સત્ સમજવાની
પાત્રતા નથી. જે જીવ સત્ને રુચવીને વારંવાર શ્રવણ–મનન કરે છે તે જીવ, ભલે બહારમાં વેપાર–ધંધા કે ઘર–
બારનો રાગ ન છોડી શકે તોપણ, તેનો ભાવ પહેલા જીવ કરતાં સારો છે ને તેનામાં સત્ સમજવાની પાત્રતા છે.
બંને જીવોને બહારમાં વેપારાદિ હોવા છતાં એક ને રાગરહિત સ્વભાવ રુચે છે, ને બીજા જીવને વેપારાદિની અને
રાગની જ રુચિ છે. આ રુચિનો ફેર છે, રુચિ જ ધર્મ–અધર્મનું કારણ છે, સ્વભાવની રુચિ ધર્મનું કારણ છે,
સંયોગ રુચિની અધર્મ નું કારણ છે.
જે જીવોને સત્ય આત્મસ્વભાવ સમજવાની જિજ્ઞાસા થઈ છે, ને તે માટે વારંવાર સત્સમાગમમાં રોકાય
છે એવા જીવને અપૂર્વ આત્મધર્મ કેમ પ્રગટ થાય, તે વાત અહીં આચાર્યભગવાન સમજાવે છે. પરથી ભિન્ન
ચૈતન્યસ્વભાવનો નિર્ણય કરતાં પોતામાં સ્વભાવની પરિપૂર્ણતા મનાય તે જ અપૂર્ણતા અને વિકારનો નાશ
કરવાનો ઉપાય છે. અપૂર્ણદશા જેટલો કે વિકાર જેટલો પોતાના આત્માને ન માનતાં, પરિપૂર્ણ સ્વરૂપે પોતાના
આત્માને સ્વીકારવો તે જ પહેલો અપૂર્વ ધર્મ છે.
[શ્રી સમયસાર ગા. ૩૯૦થી૪૦૪ઉપરના વ્યાખ્યાનોમાંથી]
સૂચના
પોષ–મહા એ બન્ને માસનાં અંકો સાથે બહાર પડે છે. હવે ફાગણ માસના અંકમાં વીંછીયાના
પ્રતિષ્ઠામુહૂર્ત સંબંધી સમાચાર આપવાના કારણે ફાગણ સુદ પૂનમ સુધીમાં પ્રગટ થશે. તો ગ્રાહકો ધીરજ રાખશે
એવી વિનંતિ છે.
જ્ઞાનસ્વભાવને જાણ્યા વગર જ્ઞેયનો સ્વભાવ જાણી શકાય નહિ
જે જીવ શબ્દોનો અને તેને જાણનારી જ્ઞાન અવસ્થાનો જ સ્વીકાર કરે તે તેના તરફ જ જોયા કરે પણ
પોતાના સ્વભાવને જુએ નહિ. જ્ઞેયોને જાણનારું જ્ઞાન જ્યાંથી આવે છે એવા પોતાના સ્વભાવને જે ન સ્વીકારે
તેણે ખરેખર જ્ઞાનનો કે જ્ઞેયનો પણ યથાર્થ સ્વીકાર કર્યો નથી; કેમ કે જ્ઞાન પોતાથી થાય છે તેને ન જાણતાં
શબ્દોના કારણે માન્યું છે એટલે જ્ઞાનને સ્વતંત્ર સત્રૂપ સ્વીકાર્યું નથી, અને શબ્દો જ્ઞાનથી જુદા છે–અચેતન છે
છતાં તેને જ્ઞાનનું કારણ માન્યું તેણે શબ્દોને પણ સ્વીકાર્યા નથી. શબ્દોનો સ્વભાવ જ્ઞાનમાં જણાવાનો છે પણ
જ્ઞાનનું કારણ થવાનો તેનો સ્વભાવ નથી, અને જ્ઞાનનો સ્વભાવ સ્વ–પરને પોતાથી જાણવાનો છે, પરમાં કાંઈ
કરવાનો તેનો સ્વભાવ નથી. –આમ સમજે તો જ્ઞાન અને જ્ઞેયને યથાર્થ જાણ્યા કહેવાય. મારી જ્ઞાનદશા મારા
સામાન્ય જ્ઞાનસ્વભાવના આશ્રયે થાય છે ને શબ્દો મારા કારણે નહિ પણ પરમાણુના કારણે થાય છે–એમ ભિન્ન
ભિન્ન સ્વભાવ સ્વીકારીને પોતાને જાણતાં પરને પણ યથાર્થ જાણે છે.
જ્ઞાનનિશ્ચયથી સ્વને જાણે છે, વ્યવહારથી પરને જાણે છે
જ્ઞાન નિશ્ચયથી તો પોતાના સ્વભાવ તરફ વળીને પોતાને જ જાણનાર છે, ને પરને જાણનાર તો
વ્યવહારથી છે. પરને જાણનાર વ્યવહારથી છે એમ કહ્યું તેથી અહીં એમ ન સમજવું કે પરદ્રવ્યનું જ્ઞાન આત્માને
થતું જ નથી. આત્માનું જ્ઞાન પરને જાણે તો છે જ. પરંતુ પરની સન્મુખ થઈને પરને નથી જાણતું, પોતાના
સ્વભાવ સન્મુખ રહેતાં પરવસ્તુઓ સહેજ જણાઈ જાય છે, ત્યાં ‘જ્ઞાન પરને જાણે છે’ એમ કહેતાં પરની અપેક્ષા
આવે છે માટે તેને વ્યવહાર કહ્યો છે, પરથી જુદું રહીને પરને જાણે છે માટે વ્યવહાર છે. અને સ્વમાં એકતાપૂર્વક
સ્વને જાણે છે માટે સ્વનો જ્ઞાતા તે નિશ્ચય છે. આથી જેમ સ્વના જ્ઞાન વગર પરનું જ્ઞાન ન હોય, તેમ નિશ્ચય
વગર વ્યવહાર ન હોય–એ વાત પણ આમાં આવી જાય છે.
[સમયસાર ગા. ૩૯૦થી૪૦૪ ઉપરના વ્યાખ્યાનમાંથી]

PDF/HTML Page 31 of 33
single page version

background image
: ૮૮ : આત્મધર્મ : પોષ–માહ : ૨૪૭૫ :

अयि! कथमपि मृत्वा तत्त्वकौतूहली सन् अनुभव भवपूर्तेः प्रार्श्ववर्ती मुहूर्तम्।
पृथगथ विलसंतं स्वं समालोक्य येन त्यजसि भ्कगिति मूर्त्या साकमेकत्वमोहम्।।
(સમયસાર કલશ ૨૩)
શ્રી આચાર્યદેવ કોમળ સંબોધનથી કહે છે કે હે ભાઈ! તું કોઈ પણ રીતે મહા કષ્ટે અથવા મરીને પણ
તત્ત્વોનો કૌતૂહલી થઈ આ શરીરાદિ મૂર્ત દ્રવ્યનો એક મૂહૂર્ત (બે ઘડી) પાડોશી થઈ આત્માનો અનુભવ કર કે
જેથી પોતાના આત્માને વિલાસ વિલાસરૂપ, સર્વ પર દ્રવ્યોથી જુદો દેખી આ શરીરાદિ મૂર્તિક પુદ્ગલ દ્રવ્ય સાથે
એકપણાના મોહને તું તુરત જ છોડશે.
મિથ્યાદ્રષ્ટિના મિથ્યાત્વનો નાશ કેમ થાય? અને ઊંધી માન્યતા ને ઊંધા પાપ અનાદિનાં કેમ ટળે? તેનો
ઉપાય બતાવે છે.
આચાર્યદેવ કડક સંબોધન કરીને કહેતા નથી પણ કોમળ સંબોધન કરીને કહે છે કે હે ભાઈ! આ તને
શોભે છે! કોમળ સંબોધન કરીને જગાડે છે કે તું કોઈ પણ રીતે મહા કષ્ટે અથવા મરીને પણ–મરણ જેટલા કષ્ટ
આવે તો પણ તે બધું સહન કરીને તત્ત્વનો કૌતૂહલી થા.
જેમ કૂવામાં કોશિયો મારી તાગ લાવેછે તેમ જ્ઞાનથી ભરેલા ચૈતન્ય કૂવામાં પુરુષાર્થરૂપ ઊંડો કોશિયો
મારી તાગ લાવ, વિસ્મયતા લાવ, દુનીયાની દરકાર છોડ. દુનિયા એકવાર તને ગાંડો કહેશે, ભંગડભૂત પણ
કહેશે. દુનિયાની અનેક પ્રકારની પ્રતિકૂળતા આવે તોપણ તેને સહન કરીને, તેની ઉપેક્ષા કરીને, ચૈતન્યભગવાન
કેવા છે તેને જોવાને એકવાર કૌતૂહલ તો કર! જો દુનિયાની અનુકૂળતા કે પ્રતિકૂળતામાં રોકાઈશ તો તારા
ચૈતન્ય ભગવાનને તું જોઈ શકીશ નહિ. માટે દુનિયાનું લક્ષ છોડી દઈ અને તેનાથી એકલો પડી એકવાર મહાન
કષ્ટે પણ તત્ત્વ કૌતૂહલી થા!
જેમ સૂતર અને નેતરને મેળ ખાય નહિ તેમ જેને આત્માની ઓળખાણ કરવી હોય તેને અને જગતને
મેળ નહિ ખાય. સમ્યક્ દ્રષ્ટિરૂપ સૂતર અને મિથ્યાદ્રષ્ટિરૂપ નેતરને મેળ નહિ ખાય. આચાર્યદેવ કહે છે કે હે બંધુ!
તું ચોરાશીના કૂવામાં પડયો છે, તેમાંથી પાર પામવા માટે ગમે તેટલા પરિષહો કે ઉપસર્ગો આવે, મરણ જેટલાં
કષ્ટો આવે તોપણ તેની દરકાર છોડીને, પુણ્ય–પાપરૂપ વિકારભાવનો બે ઘડી પાડોશી થા, તો ચૈતન્યદળ તને
જુદું જણાશે. ‘શરીરાદિ તથા શુભાશુભ ભાવ એ બધું મારાથી જુદું છે ને હું એનાથી જુદો છું, પાડોશી છું’ એમ
એક વાર પાડોશી થઈ આત્માનો અનુભવ કર.
સાચી સમજણ કરીને નજીકમાં રહેલા પદાર્થોથી હું જુદો, જાણનાર–દેખનાર છું; શરીર, વાણી, મન તે બધાં
બહારનાં નાટક છે, તેને નાટકસ્વરૂપે જો, તું તેનો સાક્ષી છો. સ્વાભાવિક અંતર જ્યોતિથી જ્ઞાન ભૂમિકાની સત્તામાં
આ બધું જે જણાય છે તે હું નહિ પણ તેને જાણનારો તેટલો હું–એમ તેને જાણ તો ખરો! અને તેને જાણીને તેમાં
લીન તો થા! આત્મામાં શ્રદ્ધા, જ્ઞાન અને લીનતા પ્રગટ થાય છે તેનું આશ્ચર્ય લાવી એકવાર પાડોશી થા.
જેમ મુસલમાનનું ઘર અને વાણિયાનું ઘર નજીક નજીક હોય તો વાણિયો તેનો પાડોશી થઈ રહે છે પણ
તે મુસલમાનનું ઘર પોતાનું માનતો નથી; તેમ તું પણ ચૈતન્ય સ્વભાવમાં ઠરી પર પદાર્થોનો બે ઘડી પાડોશી થા,
આત્માનો અનુભવ કર.
શરીર, મન, વાણીની ક્રિયા તથા પુણ્ય–પાપના પરિણામ તે બધું પર છે. ઊંધા પુરુષાર્થ વડે પરનું
માલિકીપણું માન્યું છે, વિકારી ભાવ તરફ તારું બહારનું લક્ષ છે; તે બધું છોડી, સ્વભાવમાં શ્રદ્ધા, જ્ઞાન અને
લીનતા કરી, એક અંતર્મુહૂર્ત એટલે બે ઘડી છૂટો પડી ચૈતન્ય મૂર્તિને છૂટો જો. ચૈતન્યની વિલાસરૂપ મોજને
જરીક છૂટો પડીને જો. તે મોજને અંદરમાં દેખતાં શરીરાદિના મોહને તું તુરત જ છોડી શકશે. ‘
झगिति’ એટલે
ઝટ દઈને છોડી શકીશ. આ વાત સહેલી છે કેમ કે તારા સ્વભાવની છે. કેવળ જ્ઞાન–લક્ષ્મીને સ્વરૂપસત્તાભૂમિમાં
ઠરીને જો, તો પર સાથેના મોહને ઝટ દઈને છોડી શકીશ.
ત્રણ કાળ ત્રણ લોકની પ્રતિકૂળતાના ગંજ એક સાથે સામે આવીને ઊભા રહે તો પણ માત્ર જ્ઞાતાપણે
રહીને તે બધું સહન કરવાની શક્તિ આત્માના જ્ઞાયક સ્વભાવની એક સમયની પર્યાયમાં રહેલી છે. શરીરાદિથી
ભિન્નપણે આત્માને જાણ્યો તેને એ પરિષહોના ગંજ જરાપણ અસર કરી શકે નહિ એટલે કે ચૈતન્ય પોતાના
વેપારથી જરા પણ ડગે નહિ.
(અનુસંધાન ટાઈટલ પાન ૪)

PDF/HTML Page 32 of 33
single page version

background image
(અનુસંધાન ટાઈટલ પાન ૨ થી ચાલુ)
છે, તેને જાણતાં સર્વે જ્ઞાનીઓનું દ્રવ્ય જણાઈ જાય છે, અંતરમાં તેની રુચિ થતાં આખા જગતની રુચિ
ટળી જાય છે, અને અંતરમાં તેનું પરિણમન થતાં, અહો! જ્ઞાયક ભગવાનની પ્રસન્નતા ને પ્રાપ્તિ થાય છે. આ
સમયસાર આનંદમય વિજ્ઞાનઘન આત્માને પ્રત્યક્ષ દેખાડનારું અદ્વિતીય જગચ્ચક્ષુ છે. સદ્ગુરુગમે જે કોઈ તેના
પરમ ગંભીર અને સૂક્ષ્મ ભાવોને હૃદયગત કરશે તેને તે જગચ્ચક્ષુ આત્માનું પ્રત્યક્ષ દર્શન કરાવશે... માટે રાત
દિવસ એ જ મંથન અને એ જ પુરુષાર્થ કર્તવ્ય છે. ભગવાન સૂત્રકાર પોતે છેલ્લી ગાથામાં સમયસારના
અભ્યાસનું ફળ કહે છે કે–
આ સમયપ્રાભૃત પઠન કરીને, અર્થ–તત્ત્વથી જાણીને, ઠરશે ‘અરથ’ માં આતમા જે, સૌખ્ય ઉત્તમ તે થશે.
માટે હે ભવ્ય જીવો!
તમે પોતાના કલ્યાણને અર્થે આ સમયસારનો અભ્યાસ કરો, આનું શ્રવણ કરો, નિરંતર આનું જ સ્મરણ
અને ધ્યાન રાખો, કે જેથી અવિનાશ સુખની પ્રાપ્તિ થાય. આવો શ્રી ગુરુઓનો ઉપદેશ છે.
એવા મહિમાવંત શ્રી સમયસાર ઉપર પૂ. ગુરુદેવશ્રીએ આઠ વખત વિશાળ પ્રવચનો કર્યાં છે. આજથી
પંદર વર્ષ પહેલાં–વીર સં. ૨૪૬૦ ના ભાદરવા સુદ ૮ થી વ્યાખ્યાનમાં સમયસારના વાંચનની પહેલ વહેલી
મંગળ શરૂઆત થઈ. ત્યારથી આજસુધી લગભગ નિરંતર તેનું વાંચન થાય છે. એકંદર આઠ વખત પ્રવચનો
થયા, તે નીચેની તિથિએ શરૂ થયા હતા–
પહેલીવાર વી. સં. ૨૪૬૦ ના ભાદરવા સુદ ૮ પાંચમીવાર વી. સં. ૨૪૬૭ ના માગસર સુદ ૭
બીજીવાર ,, ૨૪૬૩ ના ભાદરવા સુદ ૩ છઠ્ઠીવાર ,, ૨૪૬૮ ના જેઠ વદ ૧૨
ત્રીજીવાર ,, ૨૪૬૫ ના ચૈત્ર સુદ ૮ સાતમીવાર ,, ૨૪૭૦ ના શ્રાવણ સુદ ૧૩
ચોથીવાર ,, ૨૪૬૬ ના ચૈત્ર સુદ ૧૩ આઠમીવાર ,, ૨૪૭૨ ના જેઠ સુદ ૫
ઉપર મુજબ આઠ વખત સમયસાર ઉપર પ્રવચનો થયા, તેમાંથી છઠ્ઠી વખતના પ્રવચનો લખી લેવામાં
આવ્યાં છે અને તે છપાઈને પ્રસિદ્ધ થાય છે. અત્યાર સુધીમાં સમયસાર–પ્રવચનોના ચાર ભાગ પ્રસિદ્ધ થઈ ગયા
છે અને હજારો જીવો તેનો લાભ લઈ રહ્યા છે. શ્રી જિનાગમના અતિશય ગંભીર આશયોને સમયસાર–પ્રવચનો
દ્વારા યથાર્થપણે અને અત્યંત સ્પષ્ટપણે પ્રગટ કરીને પૂ. ગુરુદેવે વીતરાગી વિજ્ઞાનની ઝંખાતી જ્યોતને સતેજ
કરી છે. જિનાગમોમાં ભરેલાં પરમ નિધાનો જોઈ શકવાની દ્રષ્ટિ પૂ. ગુરુદેવશ્રીના સમાગમ અને પ્રવચન શ્રવણ
વિના અમ અલ્પ બુદ્ધિજીવોને કેમ પ્રાપ્ત થાત! સાચા ઉપદેષ્ટાઓની અતિશય ન્યૂનતાને લીધે મોક્ષમાર્ગ બહુ જ
ઢંકાઈ ગયો હતો ત્યારે પૂ. ગુરુદેવશ્રીએ ભેદજ્ઞાનના બળથી જિનાગમના મર્મોને ખોલી મોક્ષમાર્ગને ખૂલ્લો કર્યો
છે ને જિનશાસનનો ઉદ્ધાર કરીને તેની મહા પ્રભાવના કરી છે. એ રીતે હજારો–હજારો જીવો પર તેઓશ્રીએ
અથાગ ઉપકાર કર્યો છે. સ્વાનુભૂતિના પંથને પ્રકાશતી ગુરુદેવશ્રીની વાણી જયવંત રહો.
સ્વરૂપ સુધાને પ્રાપ્ત કરવા ઈચ્છતા જીવોએ પૂ. ગુરુદેવશ્રીના સમયસાર પ્રવચનોનું વારંવાર શ્રવણ–મનન
કરવા યોગ્ય છે. સંસારના મૂળને છેદવાનું તે અમોઘ શસ્ત્ર છે. આ દુર્લભ મનુષ્યભવનું પ્રથમમાં પ્રથમ કાંઈ
કર્તવ્ય હોય તો તે શુદ્ધાત્માનું બહુમાન, પ્રતીતિ ને અનુભવ છે. તે માટે આ પ્રવચનોનો અભ્યાસ બહુ ઉપકારી
છે. મુમુક્ષુઓ અતિશય ઉલ્લાસપૂર્વક તેનો અભ્યાસ કરી, ઊગ્ર પુરુષાર્થથી તેમાં કહેલા ભાવોને સંપૂર્ણ રીતે
હૃદયમાં ઉતારી, શુદ્ધાત્માની રુચિ, પ્રતીતિ અને અનુભવ કરી શાશ્વત પરમાનંદને પામો.
જયવંત વર્તો શ્રી સમયસાર અને તેના પ્રભાવક શ્રી સદ્ગુરુદેવ!
સમયસાર પ્રવચનોના ચાર ભાગ પ્રસિદ્ધ થયા છે તે નીચે પ્રમાણે
ભાગ ૧ : ગાથા. ૧ થી ૧૩ કિં ૩–૦–૦ ભાગ ૩ : ગાથા. ૨૩ થી ૬૮ કિં ૩–૦–૦
ભાગ ૨ : ગાથા. ૧૪ થી ૨૨ કિં ૧–૮–૦ ભાગ ૪ : ગાથા. ૬૯ થી ૧૪૪ કિં ૩–૦–૦
પ્રિપ્ત સ્ : શ્રી જૈન સ્વાધ્યાય મંદિર, સોનગઢ
સમયસાર–પ્રવચનોનો પહેલો ભાગ હિંદી ભાષામાં પણ છપાયો છે, તેની કિંમત રૂ. ૬–૦–૦

PDF/HTML Page 33 of 33
single page version

background image
ATMADHARMA With the permision of the Baroda Govt. Regd No. B. 4787
order No. 30 - 24 date 31 - 10 - 4
શાંતિનો ઉપાય
ધર્મી જીવો આત્માના સ્વભાવને કેવો છે જાણે તેની આ વાત ચાલે છે. જેણે ધર્મ કરવો હોય તેણે પોતાના
જ્ઞાનમાં આત્માની યથાર્થ કિંમત જાણવી પડશે. જ્ઞાનમાં જેનો મહિમા લાગે તેમાં જ્ઞાન એકાગ્ર થાય. જો પરનો
મહિમા કરીને ત્યાં જ્ઞાન એકાગ્ર થાય તો તે અધર્મ છે અને આત્માનો મહિમા સમજીને ત્યાં જ્ઞાન એકાગ્ર થાય તો
તે ધર્મ છે. જેમ–જે જીવોને વિષયોમાં કે લક્ષ્મી વગેરેમાં સુખબુદ્ધિ થઈ છે તે જીવ તેમાં એકાગ્ર થાય છે–જીવનને
જોખમમાં મૂકીને પણ તે વિષયોમાં ઝંપલાવે છે કેમ કે તેને જ્ઞાનમાં તેનો મહિમા ભાસ્યો છે, તેમ આત્માનો
જ્ઞાનસ્વભાવ અનંત સુખસ્વરૂપ છે. પરથી જુદો છે–એ સ્વભાવનો મહિમા જો જ્ઞાનમાં સમજાય તો બધાયની
દરકાર છોડીને જ્ઞાન પોતાના સ્વભાવમાં ઠરે અને સાચી શાન્તિ પ્રગટે; એનું નામ ધર્મ છે. પરંતુ જો જ્ઞાનમાં
જણાતા શબ્દ વગેરે પદાર્થો કે તેને જાણનારા અલ્પ બોધ જેટલી જ આત્માની કિંમત કરે તો તે જ્ઞાન પર વિષયોમાં
અને પર્યાયબુદ્ધિમાં જ અટકી જાય, પણ ત્યાંથી પાછું ખસીને પૂર્ણ સ્વભાવમાં વળે નહિ અને શાંતિ પ્રગટે નહિ.
હે ભવ્ય! તારે આત્માની શાંતિ પ્રગટ કરવી છે, તો તે શાંતિ પરવસ્તુમાંથી નહિ આવે, પર વસ્તુઓ
સામે જોવાથી નહિ આવે, વિકાર કે ક્ષણિક પર્યાય સામે જોવાથી પણ તે શાંતિ નહિ આવે, પણ તે બધાના લક્ષને
છોડીને તારી વર્તમાન અવસ્થાને ત્રિકાળી જ્ઞાન–સ્વભાવમાં એકાકાર કર, તો ત્રિકાળી સ્વભાવના આધારે
અવસ્થામાં પરિપૂર્ણ શાંતિ પ્રગટ થાય.
શબ્દ વગેરે વિષયોમાં જરા પણ જ્ઞાન નથી તેથી તેનાથી તો આત્મા જુદો છે અને આત્મામાં પરિપૂર્ણ
જ્ઞાન છે, –આત્મા અને જ્ઞાન જરાય જુદા નથી, –આમ ભેદજ્ઞાન કરીને સ્વભાવ તરફ ઢળે તો સ્વભાવના
આશ્રયે જીવને સમ્યક્મતિ–શ્રુતજ્ઞાન પ્રગટ થાય, અને અલ્પકાળમાં ભવનો અંત આવે. આ સિવાય જે મતિ–
શ્રુતજ્ઞાન પર લક્ષે જ કાર્ય કરે તે મિથ્યાજ્ઞાન છે. સ્વલક્ષે સમ્યગ્જ્ઞાન પ્રગટ કર્યા વગર, કોઈ જીવ કષાય ઘટાડે તો
તેને પાપાનુબંધી પુણ્ય બંધાય અને સાથે સાથે તે જ વખતે, આખા આત્મસ્વભાવના અનાદરરૂપ મિથ્યાત્વથી
અનંત પાપ બાંધે અને અનંત ભવ વધારે.
[શ્રી સમયસાર ગા. ૩૯૦ થી ૪૦૪ ઉપરના પ્રવચનોમાંથી]
(અનુસંધાન પાન ૮ નું ચાલુ)
જેમ કોઈ જીવતા રાજકુમારને–કે જેનું શરીર કોમળ છે તેને જમશેદપુરની અગ્નિની ભઠ્ઠીમાં એકદમ નાખી
દે અને તેને જે દુઃખ થાય તેના કરતાં અનંતગણું દુઃખ પહેલી નરકે છે, અને પહેલી નરક કરતાં બીજી, ત્રીજી
આદિ સાતમી નરકે એક એકથી અનંતગણું દુઃખ છે; એવા અનંતા દુઃખની પ્રતિકૂળતાની વેદનામાં પડેલો,
મહાઆકરાં પાપ કરીને ત્યાં ગયેલો, તીવ્ર વેદનાના ગંજમાં પડેલો છતાં, તેમાં કોઈ વાર કોઈ જીવને એવો
વિચાર આવે કે અરેરે! આવી વેદના! આવી પીડા! એવા વિચારો કરતાં સ્વસન્મુખ વેગ વળતાં સમ્યગ્દર્શન
થઈ જાય છે. ત્યાં સત્સમાગમ નથી પણ પૂર્વે એકવાર સત્સમાગમ કર્યો હતો, સત્નું શ્રવણ કર્યું હતું અને
વર્તમાન સમ્યક્ વિચારના બળથી, સાતમી નરકની મહા તીવ્ર પીડામાં પડલો છતાં, પીડાનું લક્ષ ચૂકી જઈને
સમ્યક્દર્શન થાય છે, આત્માનું વેદન થાય છે. સાતમી નરકમાં રહેલા સમ્યગ્દર્શન પામેલા જીવને તે નરકની પીડા
અસર કરી શકતી નથી, કારણ કે તેને ભાન છે કે મારા જ્ઞાનસ્વરૂપ ચૈતન્યને કોઈ પર પદાર્થ અસર કરી શકતો
નથી. એવી અનંતી વેદનામાં પડેલા પણ આત્માનો અનુભવ પામ્યા છે, તો સાતમી નરક જેટલી પીડા તો અહીં
નથી ને? મનુષ્યપણું પામીને રોદણાં શું રોયાં કરે છે? હવે સત્સમાગમે આત્માની પિછાણ કરી આત્માનુભવ કર.
આત્માનુભવનું એવું માહાત્મ્ય છે કે પરિષહ આવ્યે પણ ડગે નહિ ને બે ઘડી સ્વરૂપમાં લીન થાય તો પૂર્ણ
કેવળજ્ઞાન પ્રગટ કરે, જીવન્મુક્ત દશા થાય અને મોક્ષદશા થાય; તો પછી મિથ્યાત્વનો નાશ કરી સમ્યક્દર્શન
પ્રગટ કરવું તે તો સુગમ છે.
શ્રી સમયસાર પ્રવચનો ભાગ ૩

મુદ્રક: ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, મોટા આંકડિયા, સૌરાષ્ટ્ર તા. ૨૫ – ૧ – ૪૯
પ્રકાશક: – શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા, સૌરાષ્ટ્ર