Atmadharma magazine - Ank 168
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 25
single page version

background image
: ૨૦ : ‘આત્મધર્મ’ ૨૪૮૩ : આસો :
–આ રીતે આત્મા અને બંધના લક્ષણો ભિન્ન ભિન્ન છે.
(૩૪) પ્રશ્ન:– આત્મા અને બંધ કઈ રીતે જુદા પડે છે?
ઉત્તર:– આત્મા અને બંધના ભિન્ન ભિન્ન લક્ષણોની સૂક્ષ્મ અંર્તસંધિમાં પ્રજ્ઞા–છીણીને સાવધાન થઈને મારવાથી તેઓ
જુદા પડી જાય છે.
(૩૫) પ્રશ્ન:– પ્રજ્ઞા–છીણી એટલે શું?
ઉત્તર:– પ્રજ્ઞા એટલે ભેદજ્ઞાનરૂપ બુદ્ધિ;
(૩૬) પ્રશ્ન:– તે પ્રજ્ઞા કેવી છે?
ઉત્તર:– તે પ્રજ્ઞા ‘ભગવતી’ છે, મહિમાવંત છે.
(૩૭) પ્રશ્ન:– આત્મા અને બંધને છેદવા માટે આ ભગવતી પ્રજ્ઞા જ એક સાધન છે ને બીજું સાધન કેમ નથી?
ઉત્તર:– કેમકે નિશ્ચયે પોતાથી ભિન્ન સાધનનો અભાવ હોવાથી ભગવતી પ્રજ્ઞા જ છેદનાત્મક સાધન છે.
(૩૮) પ્રશ્ન:– દેહની ક્રિયા આત્મા અને બંધને જુદા કરવાનું સાધન છે કે નહિ?
ઉત્તર:– ના; દેહની ક્રિયા તે સાધન નથી, કેમકે તે પોતાથી ભિન્ન છે; અને મોક્ષ માટે પોતાથી ભિન્ન સાધનનો અભાવ છે.
(૩૯) પ્રશ્ન:– શુભરાગ તે મોક્ષનું સાધન છે કે નથી?
ઉત્તર:– ના; શુભરાગ તે ખરેખર મોક્ષનું સાધન નથી, કેમકે તે પણ ખરેખર આત્માના સ્વભાવથી ભિન્ન છે; અને મોક્ષ
માટે પોતાથી ભિન્ન સાધનનો અભાવ છે.
(૪૦) પ્રશ્ન:– પ્રજ્ઞા તે કઈ રીતે મોક્ષનું સાધન છે?
ઉત્તર:– અંતર્મુખ થઈને એકાગ્ર થયેલું જ્ઞાન તે ‘ભગવતી પ્રજ્ઞા’ છે; આત્મા સાથે અભિન્ન વર્તતી થકી તે પ્રજ્ઞા જ
મોક્ષનું સાધન થાય છે.
(૪૧) પ્રશ્ન:– અહીં મોક્ષાર્થી જીવનું કાર્ય શું છે?
ઉત્તર:– આત્મા અને બંધને ભિન્ન કરવા તે અહીં કાર્ય છે.
(૪૨) પ્રશ્ન:– તે કાર્યનો કર્તા કોણ છે?
ઉત્તર:– મોક્ષર્થી જીવ તે કાર્યનો કર્તા છે.
(૪૩) પ્રશ્ન:– તે કર્તાનું સાધન શું છે?
ઉત્તર:– મોક્ષરૂપી કાર્ય કરવામાં આત્માના સાધનની ‘મીમાંસા’ કરવામાં આવતાં ભગવતી પ્રજ્ઞા જ તેનું સાધન છે,
તેનાથી ભિન્ન બીજા સાધનનો અભાવ છે.
(૪૪) પ્રશ્ન:– ‘મીમાંસા’ એટલે શું?
ઉત્તર:– મીમાંસા એટલે ઊંડી તપાસ, ઊંડી વિચારણા; આત્મામાં ઊતરીને ઊંડી તપાસ કરતાં ભગવતીપ્રજ્ઞા જ
આત્માના મોક્ષનું સાધન છે.
(૪૫) પ્રશ્ન:– જ્ઞાની, કયા પંથે ચડેલા છે?
ઉત્તર:– જ્ઞાની અંતરમાં જ્ઞાનને એકાગ્ર કરતા થકા, ને રાગને પોતાથી ભિન્ન જાણતા થકા મોક્ષના પંથે ચડેલા છે.
(૪૬) પ્રશ્ન:– અજ્ઞાની કયા પથે પડેલો છે?
ઉત્તર:– રાગથી ધર્મ માનનાર અજ્ઞાની સંસારના પંથે પડેલો છે.
(૪૭) પ્રશ્ન:– નવ તત્ત્વમાં જીવતત્ત્વ કેવું છે?
ઉત્તર:– જ્ઞાન જેનો પરમ સ્વભાવ છે એવું જીવતત્ત્વ છે, તે રાગાદિથી ખરેખર ભિન્ન છે.
(૪૮) પ્રશ્ન:– રાગ તે કયું તત્ત્વ છે?
ઉત્તર:– રાગ તે બંધતત્ત્વમાં સમાય છે.
(૪૯) પ્રશ્ન:– આત્મા અને બંધની સૂક્ષ્મસંધિમાં પ્રજ્ઞા–છીણીને પટકવી એટલે શું?
ઉત્તર:– રાગ અને આત્મા બંનેના ભિન્નભિન્ન લક્ષણો ઓળખીને, રાગ સાથે જ્ઞાનની એકતા ન કરવી, ને જ્ઞાનને
અંતર્મુખ કરીને આત્મસ્વભાવ સાથે એકતા કરવી,–આ રીતે પ્રજ્ઞા–છીણી પટકવી–તે આત્મા અને બંધને ભિન્નભિન્ન કરવાનો
ઉપાય છે.
(૫૦) પ્રશ્ન:– આ પ્રજ્ઞા–છીણીરૂપી સાધન આત્માથી ભિન્ન છે કે અભિન્ન?
ઉત્તર:– પ્રજ્ઞા–છીણી એટલે અંતરમાં એકાગ્ર થયેલું જ્ઞાન, તે ખરેખર આત્મા સાથે અભેદ હોવાથી આત્માથી અભિન્ન છે.

PDF/HTML Page 22 of 25
single page version

background image
: આસો : ૨૪૮૩ ‘આત્મધર્મ’ : ૨૧ :
(૫૧) પ્રશ્ન:– રાગાદિક તે આત્માથી ભિન્ન છે કે અભિન્ન છે?
ઉત્તર:– રાગાદિક તે ખરેખર આત્માથી ભિન્ન છે, કેમ કે તે રાગ વિના પણ આત્માની પ્રાપ્તિ સંભવે છે.
જ્ઞાનને અંતરમાં એકાગ્ર કરતાં ત્યાં રાગની ઉત્પત્તિ સંભવતી નથી પણ રાગરહિત આત્માની પ્રાપ્તિ થાય છે; આ
રીતે રાગ અને આત્માની ભિન્નતા સિદ્ધ થાય છે.
(૫૨) પ્રશ્ન:– રાગ અને આત્મા જુદા થઈ શકે છે?
ઉત્તર:– હા; પ્રજ્ઞા–છીણીવડે છેદવામાં આવતાં તેઓ જરૂર જુદા પડી જાય છે.
(૫૩) પ્રશ્ન:– મોક્ષમાર્ગમાં રાગની અપેક્ષા છે કે ઉપેક્ષા છે?
ઉત્તર:– મોક્ષમાર્ગમાં રાગની ઉપેક્ષા છે.
(૫૪) પ્રશ્ન:– રાગની ઉપેક્ષા કોણ કરી શકે?
ઉત્તર:– રાગને જે પોતાના સ્વભાવથી ભિન્ન જાણે તે જ તેની ઉપેક્ષા કરીને અંતરમાં વળે; પણ જે રાગથી
લાભ માને તે તેની ઉપેક્ષા કેમ કરે?
(૫૫) પ્રશ્ન:– રાગ તે મોક્ષનું સાધન કેમ નથી?
ઉત્તર:– રાગ તે તો બહિર્મુખવૃત્તિ છે, ને મોક્ષમાર્ગ તો અંતર્મુખી છે; બહિર્મુખવૃત્તિ તે અંતર્મુખ થવાનું
સાધન કેમ થાય? ન જ થાય; માટે રાગ તે મોક્ષનું સાધન નથી.
(૫૬) પ્રશ્ન:– મોક્ષમાર્ગ તે કેવો છે?
ઉત્તર:– મોક્ષમાર્ગ તો ‘અમૃત’ છે.
(૫૭) પ્રશ્ન:– રાગ કેવો છે?
ઉત્તર:– રાગ તો ‘ઝેર’ છે.
(૫૮) પ્રશ્ન:– રાગ તે બંધમાર્ગ છે કે મોક્ષમાર્ગ?
ઉત્તર:– રાગ તે બંધમાર્ગ છે. મોક્ષમાર્ગ તો વીતરાગ ભાવરૂપ છે, તેનું સાધન રાગ કેમ હોય?
(૫૯) પ્રશ્ન:– શુભરાગવડે બંધનો છેદ થાય કે ન થાય?
ઉત્તર:– ન થાય કેમકે રાગ પોતે બંધસ્વરૂપ છે, તો તેના વડે બંધનો છેદ કેમ થાય? વીતરાગી પ્રજ્ઞાવડે જ
બંધનો છેદ થાય છે, માટે આ ભગવતી પ્રજ્ઞા જ મોક્ષનું સાધન છે.
(૬૦) પ્રશ્ન:– મોક્ષનું સાધન તો ભલે ભગવતી પ્રજ્ઞા જ હો, પણ ત્યાર પહેલાંં સમ્યગ્દર્શનનું સાધન તો
બીજું (રાગાદિ) છે ને?
ઉત્તર:– ના; જેમ મોક્ષનું સાધન ભગવતી પ્રજ્ઞા જ છે, તેમ પહેલેથી–મોક્ષમાર્ગની શરૂઆતથી પણ
ભગવતી–પ્રજ્ઞા એક જ સાધન છે. સમ્યગ્દર્શનનું પણ તે જ સાધન છે; એ સિવાય રાગાદિ તે સાધન નથી.
(૬૧) પ્રશ્ન:– આત્મા કેવો છે ને બંધ કેવો છે?
ઉત્તર:– આત્મા ચેતક છે; ને બંધ તે ચેત્ય છે, ચેતક નથી.
(૬૨) પ્રશ્ન:– આત્મા અને બંધ એક છે કે ભિન્ન છે?
ઉત્તર:– આત્મા ચેતક છે, ને બંધ ચેત્ય છે, તે બંને નિશ્ચયથી ભિન્ન છે, પરંતુ અજ્ઞાની જીવને તેમના
ભેદજ્ઞાનના અભાવને લીધે, રાગાદિ બંધ ભાવો પણ જાણે આત્મા જ હોય, એમ તેમનું એકપણું લાગે છે.
(૬૩) પ્રશ્ન:– હવે મોક્ષાર્થી શિષ્ય ભેદજ્ઞાન માટેની તીવ્ર ઝંખનાથી પૂછે છે કે પ્રભો! આત્મા અને બંધની
એકતા અજ્ઞાનથી જ ભાસે છે ને ખરેખર તેઓ જુદા જ છે–એમ આપ કહો છો, તો તેઓ પ્રજ્ઞાવડે ખરેખર
કઈ રીતે જુદા પાડી શકાય?–તે સમજાવો.
ઉત્તર:– જિજ્ઞાસુ શિષ્યને આચાર્યદેવ સમજાવે છે કે હે ભવ્ય! આત્મા અને બંધ બંનેના લક્ષણો ભિન્ન
ભિન્ન જાણીને, તેના સૂક્ષ્મ સાંધની વચ્ચે, પુરુષાર્થપૂર્વક સાવધાન થઈને–એકાગ્રતા વડે–પ્રજ્ઞા–છીણીને પટકવાથી
તેમને છેદી શકાય છે, એમ અમે જાણીએ છીએ.
(ચાલુ)

PDF/HTML Page 23 of 25
single page version

background image
: ૨૨ : ‘આત્મધર્મ’ ૨૪૮૩ : આસો:
– પરમ શાંતિ દાતારી –
અધ્યાત્મ ભાવના
ભગવાનશ્રી પૂજ્યપાદસ્વામી રચિત ‘સમાધિશતક’ ઉપર પરમપૂજ્ય સદ્ગુરુદેવશ્રી
કાનજીસ્વામીના અધ્યાત્મભાવના–ભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
(૭)
[વીર સં. ૨૪૮૨ વૈશાખ વદ અગિયારસ. સમાધિશતક ગા. ૭–૮–૯]

આ સમાધિશતક છે; તેમાં આત્માને સમાધિ કેમ થાય? તે બતાવે છે. સમાધિ તે સ્વાધીન છે–આત્માને
આધીન છે, બહારને આધીન નથી. દેહાદિથી ભિન્ન, અનંત જ્ઞાન–આનંદ–સંપન્ન મારું અસ્તિત્વ છે એવા
ભાનપૂર્વક આત્મામાં એકાગ્રત રહે તેનું નામ સમાધિ છે. પણ દેહાદિથી ભિન્ન આત્માને ભૂલીને, શરીર વગેરે
પરદ્રવ્યોને જ જે ‘આત્મા’ માને તેને બાહ્યવિષયોમાંથી એકાગ્રતા છૂટે નહિ ને આત્મામાં એકાગ્રતા થાય નહિ
એટલે તેને સમાધિ ન થાય, તેના આત્મામાં તો અસમાધિનું તંત્ર રહે છે. મિથ્યાત્વાદિભાવ તે અસમાધિ છે.
ચૈતન્યસ્વભાવની સન્મુખતાથી સમ્યક્ત્વાદિભાવ પ્રગટે તે સમાધિ છે.
બહિરાત્મા જીવ ઈન્દ્રિયદ્વારા જ જ્ઞાનની પ્રવૃત્તિ કરે છે એટલે તેનું જ્ઞાન એકલા બાહ્ય પદાર્થોમાં જ પ્રવર્તે
છે પણ આત્મજ્ઞાનસન્મુખ વર્તતું નથી; આત્માથી પરાઙ્મુખ થઈને ઈન્દ્રિયદ્વારા એકલા દેહાદિ પદાર્થોને ગ્રહણ
કરીને ‘તે જ હું’ એમ અજ્ઞાની માને છે. શરીરથી ભિન્ન અતીન્દ્રિય આત્મા તો તેને ઈન્દ્રિયદ્વારા ભાસતો નથી.
જીવસ્વરૂપનું જ્ઞાન તો અતીન્દ્રિય–અંતર્મુખ જ્ઞાનથી જ થાય છે, બહિર્મુખ–ઈન્દ્રિયજ્ઞાનથી થતું નથી.
અજ્ઞાની પોતાના જ્ઞાનસ્વભાવને જાણતો નથી, પણ ઈન્દ્રિયોને જ જ્ઞાનનું સાધન માને છે, એટલે ઈન્દ્રિયદ્વારા
જણાતા આ દેહાદિને જ પોતાનું સ્વરૂપ માને છે. દેહાદિક તો જડ છે, તે કાંઈ આત્મા નથી, આત્માથી અત્યંત
ભિન્ન છે. પણ અજ્ઞાનીને ઈન્દ્રિયજ્ઞાનદ્વારા દેહથી જુદો આત્મા દેખાતો નથી; તેથી દેહના અસ્તિત્વમાં જ પોતાનું
અસ્તિત્વ માને છે. શરીરની ક્રિયાઓ તે જાણે કે આત્માનું જ કાર્ય હોય–એમ અજ્ઞાનીને ભ્રમણા છે; ઈન્દ્રિયોથી જ
હું જાણું છું એટલે ઈન્દ્રિયો તે જ આત્મા છે–એમ તેને ભ્રમણા છે. આ રીતે અજ્ઞાની જીવ પોતાના દેહને જ આત્મા
માને છે. તેમજ પરમાં પણ દેહને જ આત્મા માને છે. દેહથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ પોતાના આત્માને નથી
ઓળખતો તેથી બીજા આત્માને પણ તેવા સ્વરૂપે ઓળખતો નથી. પોતે પોતાના આત્મજ્ઞાનથી પરાઙ્મુખ વર્તતો
હોવાથી, અને ઈન્દ્રિયજ્ઞાનદ્વારા એકલી બહિર્મુખ પ્રવૃત્તિ જ કરતો હોવાથી અજ્ઞાની જીવ દેહાદિને જ આત્મા માને
છે, દેહથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ આત્માને તે જાણતો નથી.
જુઓ, અજ્ઞાનીને બહિરાત્મપણુ છે, તે બહિરાત્મપણું કર્મ વગેરે પરના કારણે નથી, પણ પોતે જ પોતાના
આત્માથી વિમુખ થઈને, ઈન્દ્રિયદ્વારા બાહ્ય પદાર્થોને જ ગ્રહણ કરે છે તેથી તે દેહાદિને જ આત્મા માને છે,–માટે તે
બહિરાત્મા છે. જ્ઞાનને અંતર્મુખ

PDF/HTML Page 24 of 25
single page version

background image
: આસો : ૨૪૮૩ ‘આત્મધર્મ’ : ૨૩ :
કરીને જાણે તો તે અતીન્દ્રિય જ્ઞાનવડે દેહાદિથી ભિન્ન ચિદાનંદસ્વરૂપ આત્માનું સ્વસંવેદન થાય, એટલે
બહિરાત્મપણું ટળીને અંતરાત્મપણું થાય.
જે જીવ ઈન્દ્રિયોને જ્ઞાનનું કારણ માને તેને ઈન્દ્રિયવિષયોના જ પોષણનો અભિપ્રાય છે. ઈન્દ્રિયોના વિષયો
અનુકૂળ હોય તો ઈન્દ્રિયો પુષ્ટ રહે, ને ઈન્દ્રિયો પુષ્ટ હોય તો જ્ઞાન સારું થાય એમ અજ્ઞાની માને છે તેથી તે
ઈન્દ્રિયોને જ આત્મા માને છે ને ઈન્દ્રિયદ્વારા જ તેનું જ્ઞાન પ્રવર્તતું હોવાથી એકલા બાહ્ય વિષયોમાં જ તે વર્તે છે,
તેથી અંતરના ચૈતન્ય વિષયને જાણવા માટે તેનું જ્ઞાન “નાપાસ” છે, ચૈતન્યને જાણવાની પરીક્ષામાં તે નાપાસ થાય
છે. ભલે મેટ્રીક વગેરે મોટી પરીક્ષામાં પહેલે નંબરે પાસ થાય પણ જો ચૈતન્યતત્ત્વને ન જાણ્યું તો તેનું જ્ઞાન નાપાસ
જ છે–મિથ્યા જ છે. અને અભણ હોય–લખતાં વાંચતાં ય આવડતું ન હોય પણ જ્ઞાનને અંતર્મુખ કરીને
ચૈતન્યવિષયને જો જાણે છે તો તેનું જ્ઞાન પાસ છે, તેનું જ્ઞાન મોક્ષનું કારણ છે. જે જ્ઞાન મોક્ષનું કારણ થાય તે જ
સાચી વિદ્યા છે; એ સિવાય લૌકિક વિદ્યા ગમે તેટલી ભણે તો પણ આત્મવિદ્યામાં તો તે નાપાસ જ છે.
અરે! પોતાના ચૈતન્યતત્ત્વને ચૂકીને દેહાદિમાં જ આત્મબુદ્ધિથી અજ્ઞાની જીવ ક્ષણે ક્ષણે ભયંકર
ભાવમરણમાં મરી રહ્યો છે. બાહ્ય વિષયોમાંથી સુખ લેવા માંગે છે પણ તેમાં તો અંતરનું વાસ્તવિક સુખ
ભૂલાઈ જાય છે; ઈન્દ્રિયજ્ઞાનવડે ઈન્દ્રિયવિષયોને જ જાણે છે ને તેમાંથી સુખ લેવા માંગે છે, પણ તેમાં તો
પોતાના ચૈતન્યપ્રાણનો ઘાત થાય છે–આત્માનો આનંદ હણાય છે ને દુઃખ થાય છે, તેનો વિચાર પણ અજ્ઞાનીને
નથી. ચૈતન્યના ભાન વગર વ્રતાદિ પણ યથાર્થ ન હોય. ચૈતન્યસન્મુખ વૃત્તિ વળ્‌યા વગર, બાહ્ય વિષયોના
ત્યાગરૂપ વ્રત પણ હોય નહિ. ચૈતન્યસ્વભાવની સન્મુખતા વગર અજ્ઞાની વ્યવહારે વ્રતાદિ પાળે તો પણ તે
ઈન્દ્રિયદ્વારા બાહ્યવિષયોમાં જ વર્તે છે.
“આત્મા દેહાદિથી જુદો છે” એમ ભલે શાસ્ત્રાદિકથી કહે, પણ ઈન્દ્રિયોથી અને રાગથી જ્ઞાન માને તો તે
જીવ દેહાદિને જ આત્મા માને છે, દેહથી જુદો આત્મા તે માનતો નથી. દેહથી ભિન્ન આનંદસ્વરૂપ આત્મા
ઈન્દ્રિયોદ્વારા કે રાગદ્વારા જણાતો નથી, અંતર્મુખ થઈને અતીન્દ્રિય જ્ઞાનદ્વારા જ આત્મા જણાય છે. અને આવા
આત્માને જે જાણે તેને જ ચૈતન્યના આશ્રયે વીતરાગી સમાધિ રહે છે. દેહાદિની મર્ચ્છા છોડીને ચૈતન્યમાં
સાવધાન થયો તે જ સમાધિ છે. ।। ।।
(૮–૯)
આત્મજ્ઞાનથી વિમુખ હોવાથી, અને ઇંદ્રિયજ્ઞાન દ્વારા જ જાણતો હોવાથી અજ્ઞાની જીવ દેહથી ભિન્ન
પોતાના આત્માને જાણતો નથી, શરીરને જ આત્મા માને છે; તેમજ બીજામાં પણ તે રીતે શરીરને જ આત્મા
માને છે, અને આત્માને જ મનુષ્યાદિરૂપે માને છે, તે વાત હવે આઠમી તથા નવમી ગાથામાં કહે છે–
नरदेहस्थमात्मानमविद्वान्मन्यते नरम्।
तिर्यंचं तिर्यगंगस्थं सुरांगस्थं सुरं तथा।।
८।।
नारकं नारकांगस्थं न स्वयं तत्त्वतस्तथा।
अनंतानंतधीशक्तिः स्वसंवेद्योऽचलस्थितिः।।
९।।
જુઓ, આ અવિદ્વાન જીવની માન્યતા! અંતર્મુખ થઈને જે અતીન્દ્રિય આત્માને નથી જાણતો ને દેહાદિને
આત્મા માને છે તે ભલે ગમે તેટલા શાસ્ત્રો ભણ્યો હોય તોપણ અવિદ્વાન છે–મૂર્ખ છે–મિથ્યાદ્રષ્ટિ છે. પહેલાંં એમ
કહ્યું કે જ્ઞાનને સ્વસન્મુખ કરીને જે પોતાના આત્માને નથી જાણતો તે પોતાના શરીરને જ આત્મા માને છે. અને
એ રીતે જે પોતામાં શરીરને જ આત્મા માને છે તે બીજામાં પણ મનુષ્ય–દેવ વગેરેના શરીરને આત્મા જ માને
છે,–એમ હવે કહે છે.
જે જીવ બાહ્ય દ્રષ્ટિવાળો અવિદ્વાન છે તે નરદેહમાં રહેલા આત્માને નર માને છે; એ જ પ્રમાણે તિર્યંચ
શરીરમાં રહેલા આત્માને તિર્યંચ માને છે, દેવશરીરમાં રહેલા આત્માને દેવ માને છે તથા નારકશરીરમાં રહેલા
આત્માને નારક માને છે; પરંતુ આત્મા તો તે દેહથી જુદો અનંતાનંત જ્ઞાનાદિ શક્તિસંપન્ન, સ્વસંવેદ્ય,
અચલસ્થિતિવાળો છે, તેને તે જાણતો નથી. શરીર તો ટૂંકી મુદતવાળું જડ છે, ને આત્મા તો સળંગ સ્થિતિવાળો
ચૈતન્યશક્તિસંપન્ન છે–એમ અજ્ઞાની બંનેની ભિન્નતાને ઓળખતો નથી. અને એ પ્રમાણે ચિદાનંદશક્તિસંપન્ન
આત્માને જે ઓળખતો નથી તે ભલે શાસ્ત્રો ભણેલો મોટો વિદ્વાન ગણાતો હોય તો પણ ખરેખર તે અવિદ્વાન જ
છે, ચૈતન્યવિદ્યાની તેને ખબર નથી.

PDF/HTML Page 25 of 25
single page version

background image
ATMADHARMA Regd. No. B. 4787
– એ છે મુક્તિપુરીનો પ્રવાસી
જેણે નિજ શુદ્ધાત્મ દ્રવ્યનો સ્વીકાર કરીને પરિણતિને તે તરફ વાળી
છે એવા ધર્માત્માને હવે ક્ષણે ક્ષણે મુક્તિ તરફ જ પરિણમન ચાલી રહ્યું છે,
તે ‘મુક્તિપુરીનો પ્રવાસી’ થયો છે; તેથી “હવે મારે અનંત સંસાર હશે! ”
એવી શંકા તેને ઊઠતી જ નથી; સ્વભાવના જોરે તેને એવી નિઃશંકતા છે કે
હવે અલ્પ જ કાળમાં મારી મુક્તદશા ખીલી જશે.
આત્માનો આનંદમય ચૈતન્ય સ્વભાવ છે,
તે સ્વભાવમાં ભવ નથી, તે સ્વભાવમાં શંકા નથી.
તે સ્વભાવમાં ભય નથી, તે સ્વભાવમાં વિકાર નથી;
– તેથી –
જ્યાં આવા સ્વભાવનો નિર્ણય કરીને તેની સન્મુખ પરિણમન થયું
ત્યાં આનંદનું વેદન થાય છે.
ત્યાં ભવ રહેતા નથી, ત્યાં શંકા રહેતી નથી.
ત્યાં ભય રહેતો નથી, ત્યાં વિકાર રહેતો નથી;
માટે –
ધર્મી ભવનો નાશક છે, ધર્મી નિઃશંક છે,
ધર્મી નિર્ભય છે, ધર્મી વિકારનો નાશક છે.
આવો ધર્માત્મા અલ્પકાળમાં સંપૂર્ણ વિકારનો નાશ કરીને અને
સંપૂર્ણ શુદ્ધતા પ્રગટ કરીને, સિદ્ધ–પરમાત્મા થઈ મુક્તિપુરીમાં પહોંચી જાય છે.
ધન્ય છે.એ મુક્તિપુરીના પ્રવાસીને!
મુદ્રક :– હરિલાલ દેવચંદ શેઠ, આનંદ પ્રિન્ટીંગ પ્રેસ, ભાવનગર
પ્રકાશક :– સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટવતી હરિલાલ દેવચંદ શેઠ–ભાવનગર