Atmadharma magazine - Ank 315
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page  


Combined PDF/HTML Page 3 of 3

PDF/HTML Page 41 of 45
single page version

background image
: ૩૮ : : પોષ : ૨૪૯૬
અમૂલ્ય તત્ત્વ વિચાર
એકવાર રાત્રિચર્ચાના શાંત–આધ્યાત્મિક વાતાવરણમાં પૂ. ગુરુદેવે કહ્યું:
“નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે,
એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે.”
–જુઓ, શ્રીમદ્ રાજચંદ્રજીએ માત્ર ૧૬ વર્ષની ઉંમરે આ કાવ્ય બનાવ્યું છે,
તેમાં કેવી સરસ વાત કરી છે! આ આત્મા દિવ્ય ચૈતન્યશક્તિવાળો પરમેશ્વર છે,
પણ તે પોતાની શક્તિને ભૂલીને, ભ્રમણાને લીધે સંસારની જેલમાં–જંજીરમાં
ફસાયો છે... તેમાંથી તે કેમ છૂટે?–કે “હું કોણ છું ને મારું વાસ્તવિક સ્વરૂપ શું
છે”–તે જો બરાબર ઓળખે તો ભ્રમણા છૂટે ને નિર્દોષ સુખ તથા નિર્દોષ આનંદ
પ્રગટે.
“પરવસ્તુમાં નહીં મુંઝવો, એની દયા મુજને રહી,
એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં.”
જુઓ તો ખરા! ૧૬ વર્ષની ઉંમરે કહે છે કે, આત્માને પરવસ્તુમાં ન
મુંઝવવો; અરે! દિવ્યશક્તિવાળો આત્મા પરવસ્તુમાં મુંઝાઈ જાય–મુર્છાઈ જાય–
એની મને દયા આવે છે! દિવ્ય શક્તિવાળા ચૈતન્યના નિર્દોષ સુખને ભૂલીને
પરવસ્તુમાં સુખ માનતાં તે મિથ્યા માન્યતામાં આત્મા મુંઝાય છે; પરમાં સુખ કલ્પે
છે પણ તેને સુખ મળતું તો નથી–તેથી તે પરાશ્રિતભાવમાં મુંઝાય છે, ને તે દેખીને
જ્ઞાનીઓને દયા આવે છે, કે અરે! ચૈતન્યભગવાન આત્મા પોતે પોતાને ભૂલીને
પરમાં મુર્છાઈ ગયો!–એ મુંઝારો એટલે કે પરમાં સુખબુદ્ધિરૂપ મુર્છા ત્યાગવા માટે
આ સિદ્ધાંત છે કે જેની પાછળ દુઃખ હોય તે ભાવમાં સુખ નથી...સમ્યગ્દર્શનાદિ
ધર્મના ભાવોમાં વર્તમાન પણ સુખ ને તેના ફળમાં પણ સુખ; રાગાદિ વિકારી
ભાવોમાં વર્તમાન પણ દુઃખ ને પછી તેના ફળમાં પણ સંસારના જન્મ–મરણરૂપ
દુઃખ,–માટે તેમાં સુખ નથી. આમ સમજી તે રાગાદિ વિભાવોથી ભિન્ન પોતાનું
ચિદાનંદ સ્વરૂપ લક્ષમાં લઈ, વિવેકપૂર્વક શાંતભાવે તેનું ચિંતન કરવું. એમ
કરવાથી મુંઝવણ મટીને નિર્દોષ આત્મસુખ પ્રગટે છે.
(–રાત્રિચર્ચામાંથી)

PDF/HTML Page 42 of 45
single page version

background image
: પોષ : ૨૪૯૬ : ૩૯ :
સતી ચંદના
(તેમના જીવનમાંથી ધર્મના અને ધૈર્યના ઉત્તમ આદર્શની પ્રેરણા લેજો.)
ભગવાન મહાવીરની માતા ત્રિશલા દેવી; તે વૈશાલીનગરીના ચેટકરાજાની પુત્રી.
ચેટકરાજાને સાત પુત્રી, તેમાં સૌથી મોટી ત્રિશલા અને સૌથી નાની ચંદનબાળા. એ
ચંદના સૌથી નાની હોવા છતાં તેણે એવું મહાન કાર્ય કર્યું કે ભગવાન મહાવીરના
સમવસરણમાં ૩૬૦૦૦ અર્જિકાઓના તેઓ શિરોમણિ થયા. જેમ ગૌતમસ્વામી
૧૪૦૦૦ મુનિઓમાં મુખ્ય ગણધર હતા, તેમ ચંદનામાતા ૩૬૦૦૦ અર્જિકાઓમાં મુખ્ય
ગણિની હતા.
પ્રભુ મહાવીરની એ નાનકડી માસી નાનપણથી જ ઊંચા સંસ્કાર ધરાવતી હતી.
તેની મામી યશસ્વતી દીક્ષા લઈને આર્યિકા થયેલ, તેમની પાસે ચંદનાએ નાનપણમાં જ
સમ્યગ્દર્શન તેમજ વ્રતોનું ગ્રહણ કર્યું હતું. એકવાર તે ચંદના પોતાની સખીઓ સાથે
વનક્રીડા કરતી હતી; ત્યાં તેના સુંદર રૂપ પર મોહિત થઈને મનોવેગ નામનો વિદ્યાધર
તેને ઉપાડી ગયો. પણ તેની રાણી મનોવેગાએ તેને ઠપકો આપીને ચંદનાને છોડાવી.
વિદ્યાધર તેને ભૂતવનમાં મૂકી આવ્યો. એ ઘોરવનમાં પડેલી ચંદનાએ પંચપરમેષ્ઠી
ભગવાનનું સ્મરણ કરી કરીને રાત વીતાવી.
સવારમાં તે વનનો એક ભીલ ત્યાં આવી પહોંચ્યો. ચંદનબાળાએ તેને ધર્મોપદેશ
દઈને સમજાવ્યો તથા આભૂષણો ઈનામ આપ્યાં; તેથી તે પ્રસન્ન થયો, ને ચંદનાને જંગલના
રાજા સિંહ નામના ભીલ પાસે લઈ ગયો. તે દુષ્ટ ભીલ રાજા પણ ચંદના ઉપર મોહિત થઈ
ગયો. અને તેને ત્રાસ દેવા લાગ્યો. પરંતુ ચંદનાસતી તો શીલમાં દ્રઢ રહીને ધર્મનું સ્મરણ કરે
છે. દ્રઢ શીલવંતી ચંદનાનું તેજ દેખીને તે ભીલની માતાને એમ લાગ્યું કે આ તો કોઈ દેવી છે;
જો તે કોપશે તો શાપ દેશે.–આવા ડરથી તેણે ભીલને રોક્યો ને ચંદનાને છોડાવી.
આ રીતે અનેક સંકટો વચ્ચે પણ પોતાના શીલધર્મમાં દ્રઢ રહેતી એ રાજકુમારી ગમે
તેવા પ્રસંગે પણ ધર્મને ભૂલતી નથી; ક્યાં રાજપુત્રી...ને ક્યાં આ ભીલનું ઘર? પછી એ
ભીલે ચંદનાસતી તેના એક મિત્રને ભેટ તરીકે આપી દીધી; અને તે મિત્રે ઘણા ધનની
લાલચથી કૌશામ્બીનગરીના વૃષભસેન શેઠને આપી. વૃષભસેન શેઠ ધર્માત્મા હતા,
જૈનધર્મના ભક્ત હતા, વાત્સલ્યવંત હતા. તેમણે ચંદનાને કોઈ ખાનદાન કૂળની શીલવતી
ધર્માત્મા સમજીને પોતાના ઘરે રાખી, અને પ્રેમપૂર્વક પુત્રીની જેમ તેનું પાલન કરવા લાગ્યા.
ચંદના ઉપરનો તેમનો આ પ્રેમ શેઠાણી સુભદ્રાથી જોઈ શકાયો નહિ, તે શંકિત
થઈ ગઈ, અને ક્રોધપૂર્વક ચંદનાને સાંકળથી બાંધીને કષ્ટ દેવા લાગી. ગમે તેવા

PDF/HTML Page 43 of 45
single page version

background image
: ૪૦ : : પોષ : ૨૪૯૬
સંકટમાં પણ ચંદના તો ધૈર્યપૂર્વક ધર્મધ્યાનમાં પોતાનું ચિત્ત જોડતી...અને વિચારતી કે
મારા પૂર્વના કોઈ પાપકર્મનું આ ફળ છે. ધન્ય છે ત્રિશલાબહેનના પુત્ર મહાવીરને, કે જેઓ
આ સંસારનો મોહ છોડી મુનિ થઈ આત્મસ્વરૂપને સાધવામાં તત્પર છે. અલ્પકાળમાં તેઓ
તીર્થંકર થશે. અહો, ક્યારે હું એમના દર્શન પામું! ને ક્યારે આ સંસાર છોડીને આર્યિકા
બનું!! આવી ભાવનાપૂર્વક બેડીના બંધનમાં જકડાયેલી ચંદના દિવસો વીતાવે છે. જુઓ,
સંસારની વિચિત્રતા!–આ ચંદનાની જ બહેન મૃગાવતી, તે તો આ કૌશામ્બીનગરીની
મહારાણી છે ને રાજમહેલમાં બિરાજે છે, ત્યારે એની જ નાની બહેન ચંદના એ જ ગામમાં
બેડી વચ્ચે બંધાયેલી છે.–મૃગાવતીને તો એની ખબરેય નથી.
હવે મુનિદશામાં વિચરતા–વિચરતા ભગવાન મહાવીર એક દિવસ આ
કૌશામ્બીનગરીમાં પધાર્યા...નગરજનો એમના દર્શનથી ધન્ય બન્યા. બેડીમાં બંધાયેલી
ચંદનબાળા પણ ભગવાનના દર્શનની અને તેમને પારણું કરાવવાની ઉત્તમ ભાવનાઓ
ભાવવા લાગી...બરાબર એ જ વખતે મુનિરાજ મહાવીર આહાર માટે તે તરફ પધાર્યા.
અહા! પ્રભુને દેખતાં જ ચંદનાનું અંતર કોઈ અચિંત્ય ભક્તિથી ઉલ્લસી ગયું...
ભગવાનને નિમંત્રણ કરવા માટે જ્યાં પગ ઉપાડવા જાય છે ત્યાં તો એની બેડીના
બંધનો તૂટી ગયા...બેડીને બદલે સુવર્ણના આભૂષણો બની ગયા...સુભદ્રાએ આપેલ
હલકું ભોજન ઉત્તમ આહારરૂપ બની ગયું. અત્યંત પ્રસન્નતા અને નવધા ભક્તિથી
ચંદનાએ મહાવીર મુનિરાજને આહારદાન કર્યું. એના આનંદનો પાર ન રહ્યો. દેવોએ
પણ આનંદથી વાજાં વગાડીને રત્નવૃષ્ટી કરી. આખી નગરીમાં આનંદ–આનંદ છવાઈ
ગયો. ચંદના સતીનો પ્રભાવ સર્વત્ર ફેલાઈ ગયો. આ સમાચાર જાણીને ચંદનાની મોટી
બહેન રાણી મૃગાવતી પણ ત્યાં આવી ને પોતાની નાની બહેનને જોતાં તેના આશ્ચર્યનો
પાર ન રહ્યો. અરે આ તો કૌશામ્બીના મહારાણીની બહેન છે–એમ જાણતાં જ
વૃષભસેન શેઠે અને ભદ્રા શેઠાણીએ તેની માફી માંગી. પછી સૌ સાથે મળીને ભગવાન
મહાવીરની વંદના કરવા ચાલ્યા; નગરીના હજારો લોકો પણ સાથે ચાલ્યા.
આ બાજુ ભગવાન મહાવીરને કેવળજ્ઞાન થઈ ગયું હતું, સમવસરણમાં ભગવાન
મહાવીરના ઉપદેશથી ચંદનાસતીને સંસારપ્રત્યે તીવ્ર વૈરાગ્ય જાગ્યો. સમ્યગ્દર્શન અને
સમ્યગ્જ્ઞાનથી શોભતી તે ચંદના સતી ભગવાન પાસે દીક્ષિત થઈને અર્જિકા થઈ, ને
તપશ્ચરણ કરવા લાગી. જ્ઞાનધ્યાનના પ્રભાવથી ૩૬૦૦૦ અર્જિકાઓમાં તેણે ગણિનીપદ
પ્રાપ્ત કર્યું, ને સ્ત્રીપર્યાયનો છેદ કરીને એકાવતારીપણે ઉત્તમ સ્વર્ગમાં ગયા.
જ્ઞાન અને શીલથી શોભતું એ ચંદનાનું જીવન ભારતની સર્વ મહિલાઓને માટે
પવિત્ર આદર્શરૂપ છે. એવી આદર્શ ધર્માત્માસતીઓ તે ભારતનું મહાન ભૂષણ છે.

PDF/HTML Page 44 of 45
single page version

background image
: પોષ : ૨૪૯૬ : ૪૧ :
જાગો રે જૈનો જાગો...તમે વીરમાર્ગે લાગો
૧૯૭૦ ના માર્ચ માસમાં થનાર વસતીપત્રકમાં “જૈન” લખાવો
આપણે જૈન...એટલે જિનવરના સન્તાન...જિનદેવના અનુયાયી
ભારતભરમાં સર્વત્ર જૈનો વસે છે...તેની એકંદર સંખ્યા એક કરોડ જેટલી
અંદાજાય છે.
જૈનધર્મે ભારતદેશને ઊંચામાં ઊંચા અધ્યાત્મ–સંસ્કારો અને વીતરાગી અહિંસા
આપ્યાં છે...જ્યોર્જ બર્નાડ શો જેવા પરદેશી પણ જૈનધર્મથી પ્રભાવિત થયેલ છે.
રાષ્ટ્રનેતા ગાંધીજીએ જેમની પાસેથી આર્યસંસ્કારોની પ્રેરણા મેળવી તે શ્રીમદ્ રાજચંદ્રજી
ફાળો આપનાર વીર ભામાશાહ પણ જૈનધર્મી હતા.
મહાગુજરાતની ત્રણેક કરોડની વસ્તીમાં સાત–આઠ લાખ જૈનો હશે. એકલા
અમદાવાદમાં જ લાખ ઉપરાંત જૈનો વસે છે, ભાવનગર, જામનગર, રાજકોટ વગેરે
શહેરોમાં પણ વિપુલ સંખ્યામાં જૈનો વસે છે. રાજસ્થાનમાં જયપુર, અજમેર, ઉદેપુર
વગેરે શહેરો પણ જૈનોની વસ્તીથી ભરપૂર છે. મધ્યપ્રદેશમાં પણ ઈંદોર, ઉજ્જૈન,
ભોપાલ વગેરે ઘણા શહેરો જૈનવસ્તીથી ભરપૂર છે. એકલા મુંબઈમાં લાખથી વધુ જૈનો
વસે છે ને મહારાષ્ટ્ર પ્રદેશમાં ખૂબ જૈનો વસે છે. કલકત્તામાં દર કાર્તિકી પુનમે
રથયાત્રામાં લાખો જૈનોનો મેળો ભરાય છે. દિલ્હીમાં પણ જૈનોની ઘણી મોટી વસ્તી છે.
અને, આખોય દક્ષિણ પ્રદેશ કેટલાય લાખ જૈનોથી અને પ્રાચીન જૈનવૈભવથી ભરેલો છે.
દક્ષિણપ્રદેશના વિપુલ જૈનવૈભવથી આપણે અત્યાર સુધી એટલા અજાણ હતા કે
કુંદકુંદસ્વામીના પોન્નુર જેવા પ્રદેશમાં–જ્યાં દર વર્ષે લાખો જૈનોનો મેળો ભરાય છે ને
જેની આસપાસ ગાઉના ગાઉ સુધી જૈનોની વસ્તી ભરેલી છે, એવા પોન્નુરનું નામ પણ
આપણે પંદર વીસ વર્ષ પહેલાં જાણતા ન હતા. પૂ. કાનજી સ્વામીએ દક્ષિણદેશના
તીર્થોની યાત્રા કરી ત્યારે ત્યાં ઠેર ઠેર આપણા લાખો જૈનબંધુઓ આપણે નજરે દેખ્યા,
અને દક્ષિણના ધર્મવૈભવનો થોડોક ખ્યાલ આવ્યો.
–આ રીતે એક કરોડ જેટલા જૈનોથી ભારતદેશ શોભી રહ્યો છે. અને છતાં,
ભારતમાં મહાવીર જયંતિ જેવા સુપ્રસિદ્ધ દિવસને પણ જાહેર તહેવારની રજા તરીકે
કેન્દ્રસરકાર સ્વીકારતી નથી, એ આશ્ચર્ય છે. (જો કે રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર
વગેરે કેટલાક રાજ્યોમાં મહાવીરજયંતિની જાહેર રજાઓ પડે છે.)

PDF/HTML Page 45 of 45
single page version

background image
ફોન નં. : ૩૪ “આત્મધર્મ” Regd. No. G. 182
ભારતમાં જ્યારે બુદ્ધ અને ઈસુના જન્મદિવસો જાહેર રજા તરીકે સ્વીકારાય છે,
ત્યારે ભારતના ભગવાન મહાવીરનો જન્મદિવસ જાહેર રજા તરીકે હજી સુધી નથી
સ્વીકારાયો–તેનું એક કારણ એ છે કે, જૈનોની કરોડ જેટલી વસ્તી હોવા છતાં
ભારતસરકારના વસ્તીપત્રકમાં માત્ર સોળ લાખ જેટલા જ જૈનો નોંધાય છે. સરકારી
દફતરમાં જો પૂરતી સંખ્યામાં જૈનોની વસ્તી નોંધાય તો આપણે કેટલાક સામાજિક
લાભો મેળવી શકીએ. હવે આપણો જૈનસમાજ આ માટે જાગે, ને માર્ચ માસમાં વસતી
ગણતરી વખતે (દસમા ખાનામાં) સૌ પોતાને જૈન તરીકે જ લખાવે–એ જરૂરનું છે.
આપ જૈનોના ગમે તે ફીરકામાં હો–ચાહે દિગંબર હો યા શ્વેતાંબર, દેરાવાસી હો યા
સ્થાનકવાસી,–પણ વસ્તીપત્રકમાં માત્ર “જૈન” જ લખાવવું. જેમ ભારતમાં કેટલીય
નાત–જાતના લોકો વસતા હોવા છતાં, પરદેશી આક્રમણ સામે સૌ ‘ભારતીય’ તરીકે
એક થઈને ઊભા રહીએ છીએ, તેમ સામાજિક ક્ષેત્રમાં આપણે સૌ જૈનો એક થઈને
ઊભા રહીએ, અને જૈનશાસનના પવિત્ર ઝંડાને વધુને વધુ ઊંચો ફરકાવીએ.
અને, વીરપ્રભુના નિર્વાણની અઢી હજારમી જયંતિના મહોત્સવ માટે પણ સૌ
હળીમળીને તૈયાર થઈએ. એ પવિત્ર અવસર આવે ત્યાં સુધીમાં પરસ્પર એવા સંપ
અને સ્નેહનું વાતાવરણ સર્જીએ કે જૈનો–જૈનો વચ્ચેનો એકપણ કેસ ભારતની કોઈ પણ
કોર્ટમાં ચાલુ રહ્યો ન હોય; ને તેમાં સમાજનો એક પૈસો પણ ખરચાતો ન હોય; આપણી
સર્વ શક્તિ માત્ર જૈન સમાજની અને જૈનધર્મની ઉન્નતિમાં જ વપરાય.
જાગો રે જૈનો જાગો... જિનવરનાં સન્તાન જાગો...
રત્નત્રય પ્રગટાવી તમે વીરમાર્ગે લાગો...
जैनं जयतु शासनम्
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક: મગનલાલ જૈન અજિત મુદ્રણાલય: સોનગઢ (સૌરાષ્ટ્ર) પ્રત: ૨૭૦૦