Atmadharma magazine - Ank 315
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 45
single page version

background image
: ૧૮ : : પોષ : ૨૪૯૬
તેથી ઘરમાં ચિંતા થઈ ને અંતે તપાસ કરાવતાં તેમના કપડાં ઉપરથી ઓળખીને નક્કી
થયું કે અકસ્માતમાં મરનારાઓમાં તેઓ પણ હતા. એ ખબર પડતાં જ હાહાકાર મચી
ગયો.
સ્વર્ગસ્થ અમૃતલાલની માતા ઘેલીબેન તદ્ન સાધારણ સ્થિતિના હોવા છતાં
અનેક વર્ષોથી સોનગઢ રહીને લાભ લે છે. તેમના બે પુત્રોમાંથી એક પુત્રનું તો બે વર્ષ
પહેલાં અમદાવાદમાં ખૂન થઈ ગયેલું, કોઈ દુષ્ટ જીવોએ તેને જીવતો સળગાવી નાંખેલ;
એનો આઘાત હજી માંડ માંડ ભૂલાયો હશે ત્યાં તો બીજો પુત્ર પણ આ રીતે
અકસ્માતમાં સળગી ગયો, એ કરુણ બનાવ છે. આજથી ૨૭ વર્ષ પહેલાં (સંવત
૧૯૯૯–૨૦૦૦માં) સોનગઢમાં ભાઈઓના બ્રહ્મચર્યાશ્રમમાં દસેક વિદ્યાર્થી બાળકો
અભ્યાસ કરતા હતા, તેમાં સ્વર્ગસ્થ અમૃતલાલ પણ હતો, અને બે–ત્રણ વર્ષ સોનગઢ
રહીને તેણે ધાર્મીક અભ્યાસ કરેલ હતો. તે વખતે (સ્વર્ગસ્થ) શેઠ શ્રી મોહનલાલ
કાળીદાસને પણ તત્ત્વનો અભ્યાસ કરાવવા અવારનવાર તે તેમની પાસે જતો. સોનગઢ
છોડીને ધંધા માટે અમદાવાદ ગયા પછી પણ અવારનવાર તે સોનગઢ આવતો હતો.
* ભાઈશ્રી છોટાલાલ નારણદાસ ઝોબાલિયા (નાગનેશવાળા) માગશર વદ
બીજ ના રોજ મુંબઈ મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ ઘણા વર્ષોથી સોનગઢમાં રહીને
લાભ લેતા હતા. તેઓ ગુરુદેવના જુના પરિચિત હતા, અને જ્યારે સ્થાનકવાસી
દીક્ષાનો ઉત્સવ ઉમરાળામાં થયો ત્યારે પણ તેઓ તેમાં હાજર હતા. જુની રુઢીના હોવા
છતાં ગુરુદેવના પ્રભાવથી તેમણે સત્યધર્મ સ્વીકાર કર્યો ને તેમને લીધે તેમના વિશાળ
પરિવારમાં પણ સત્યધર્મના સંસ્કાર રેડાયા. છોટાબાપા સોનગઢ–સમિતિની વ્યવસ્થા
પણ અગાઉ સંભાળતા; તેઓ શાસ્ત્રવાંચન પણ કરતા, તેમજ ખૂબ વૃદ્ધાવસ્થા છતાં ૮૯
વર્ષની ઉંમરે પણ ગુરુદેવના પ્રવચનનો લાભ લેતા હતા.
* વીંછીયાના ભાઈશ્રી ફૂલચંદ લહેરચંદ અજમેરાના ધર્મપત્ની અજવાળીબેન
કારતક સુદ ૧૧ ના રોજ મુંબઈ મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. ભક્તિપૂર્વક અવારનવાર
તેઓ ગુરુદેવના સત્સંગનો લાભ લેતા હતા.
* ગોંડલ મુમુક્ષુમંડળના ઉપપ્રમુખ ભાઈશ્રી ઝીકુલાલ બાલાચંદ ગોંડલ મુકામે
માગશર સુદ ૧૧ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. ગોંડલ મુમુક્ષુ મંડળના કામકાજમાં
તેમનો ઉત્સાહભર્યો સહકાર હતો.

PDF/HTML Page 22 of 45
single page version

background image
: પોષ : ૨૪૯૬ : ૧૯ :
–સ્વર્ગસ્થ બધા જીવો વીતરાગી દેવ–ગુરુ–ધર્મના શરણે આત્મહિત પામો એમ
ભાવના ભાવીએ છીએ; અને તેમના કુટુંબીજનો આ પ્રસંગને માત્ર દુઃખનું નિમિત્ત ન
બનાવતાં વૈરાગ્યપૂર્વક સંસારનું સ્વરૂપ વિચારીને, પોતાના આત્માને આત્મહિતના પંથે
વાળે–એમ ઈચ્છીએ છીએ. બંધુઓ, ગુરુદેવે આત્માનું એવું ઉત્તમ સ્વરૂપ આપણને
બતાવ્યું છે કે જેના લક્ષે ગમે તેવી પરિસ્થિતિમાં પણ સમાધાન અને શાંતિ રાખી શકાય
છે. એ લક્ષને આપણે ક્્યારેય ન ચુકીએ અને વીરતાપૂર્વક વૈરાગ્યમાર્ગમાં આગેકૂચ
કરીએ.
ગુરુદેવ જડ–ચેતનની ભિન્નતા અને આત્માનું અવિનાશીપણું સમજાવીને જે

PDF/HTML Page 23 of 45
single page version

background image
: ૨૦ : : પોષ : ૨૪૯૬
લક્ષ કરીને તેના હકારના સંસ્કાર જે પાડશે તેને પણ બીજા ભવમાં તે સંસ્કાર ઊગીને
આત્માનું પરમ હિત કરશે. ખરેખર, પરભવમાં એ સંસ્કાર નહિ ભૂલાય, તેમ એ
સંસ્કારદાતા ગુરુદેવનો ઉપકાર પણ નહિ ભૂલાય.
(જિજ્ઞાસુઓને વૈરાગ્યની પૃષ્ટિ માટે ગતાંકમાં પ્રગટ થયેલ “વૈરાગ્યસંબોધન”
લેખ પણ ફરીફરી વાંચવા ભલામણ છે–સં.)
૧૧ વર્ષનો બાળક
સોનગઢમાં ૧૧ વર્ષનો એક બાળક ગુરુદેવના પ્રવચનો સાંભળીને હોંશથી બોલ્યો
કે આવી વાત તો મહાન ભાગ્યશાળી હોય તેને સાંભળવા મળે. (એનું નામ દિલીપ.)
આજે નાના બાળકો પણ આ રીતે તત્ત્વજ્ઞાનમાં રસ લઈ રહ્યા છે તે આનંદની
વાત છે. અને બાળકોમાં તત્ત્વજ્ઞાનના સંસ્કાર કેટલા ઉપયોગી છે તે સિદ્ધ કરે છે.
બાલવિભાગની શરૂઆતમાં કેટલાક સજ્જનો કહેતા કે નાના છોકરાં આ વાતમાં શું
સમજે! તેનો આ જવાબ છે. આ જે અઢી હજારથી વધુ બાળકો ખૂબ જ ઉત્સાહથી
પુસ્તકો માટે ખૂબ જ માંગણી કરી રહ્યા છે. ગુરુદેવ પણ કહે છે કે નાના છોકરાઓ
ભાગ્યશાળી છે કે નાની વયમાં આવી સત્ય વાત રસથી સાંભળે છે.
“જૈન બન્યા”
દાહોદના એક વયોવૃદ્ધ જિજ્ઞાસુભાઈ કહેતા હતા કે અમે તો ‘આત્મધર્મ’ વાંચીને
જૈન બન્યા છીએ. ગુરુદેવે સમજાવેલું જૈનધર્મનું સાચું સ્વરૂપ આત્મધર્મ દ્વારા વાંચીને
અમે સાચા જૈન બન્યા. ત્યાર પહેલાં જૈનધર્મ શું છે તેની અમને ખબર ન હતી.
–દ્યો બચ્ચાને જ્ઞાન
માગશર સુદ ૧૨ ના રોજ મોરબીની રાષ્ટ્રિયશાળાના મુખ્ય બહેન બ્ર. વિદુબેન
અને તેમની શાળાના બાળકો સોનગઢ ગુરુદેવના દર્શનાર્થ આવ્યા હતા અને એક કલાક
સુધી નાના બાળક–બાળિકાઓએ ભક્તિનો કાર્યક્રમ રજુ કર્યો હતો. આ પ્રસંગે
ઈનામમાં મળેલી પાંચસો રૂા. જેટલી રકમ પણ આગમમંદિરમાં અર્પણ કરી હતી.
બાળકોને નાનપણથી ઉત્તમ સંસ્કાર આપવામાં આવે તે ખૂબ ઉપયોગી છે. તેમાં
પણ ધાર્મીક જ્ઞાનના સંસ્કારો તો અત્યંત જરૂરી છે. જેટલી જરૂર મંદિરોની છે એટલી જ
જરૂર ધાર્મીકજ્ઞાનની છે. પ્રભાવના પાછળ બીજી રીતે ખરચાતા લાખો રૂપિયાની માફક
લાખો બાળકોમાં ધાર્મીકજ્ઞાનના સંસ્કાર રેડવા માટે પણ જૈન સમાજે જાગૃત થવાની
જરૂર છે. પૂ. ગુરુદેવ પણ ઘણી વાર કહે છે કે અત્યારે તો સાચું જ્ઞાન લોકોને મળે તે
માટે ખૂબ વીતરાગી સાહિત્ય બહાર પાડીને લોકોને સસ્તામાં સસ્તી કિંમતે મળે ને તેનો
ખૂબ પ્રચાર થાય–તે કરવા જેવું છે.

PDF/HTML Page 24 of 45
single page version

background image
: પોષ : ૨૪૯૬ : ૨૧ :
સ્વાશ્રયે મોક્ષ...
પરાશ્રયે બંધન
પરવસ્તુ જીવને બંધનું કારણ નથી તેમ મોક્ષનું પણ
કારણ નથી; આમ જાણીને પર સાથેની કર્તૃત્વબુદ્ધિ છોડવી,
અને પરથી ભિન્ન પોતાના જ્ઞાનસ્વરૂપનો આશ્રય કરવો–તે
મોક્ષનું કારણ છે.
*****
* બાહ્ય વસ્તુઓ જીવને બંધ–મોક્ષનું કારણ નથી–એ સિદ્ધાંત સમજાવીને
આચાર્યદેવ ભેદજ્ઞાન કરાવે છે; અને સ્વાશ્રયે મોક્ષ થવાનું સમજાવે છે.
* એક આત્મા બીજા પદાર્થોથી ભિન્ન છે; ભિન્ન હોવા છતાં તેમનાં કાર્યોને હું કરું,
અથવા તેમના કાર્યોથી મને બંધ–મોક્ષ થાય–એમ જીવ અજ્ઞાનથી માને છે; ને એ
મિથ્યામાન્યતા જ અજ્ઞાનમય હોવાથી બંધનું કારણ છે. સ્વ–પરનું ભેદજ્ઞાન
કરીને એ મિથ્યામાન્યતા છોડવી ને જ્ઞાનસ્વરૂપ આત્માનું જ્ઞાનભાવપણે જ રહેવું
તે મોક્ષનું કારણ છે.
* બાહ્યવસ્તુ નિમિત્ત ભલે હો, પણ તે વસ્તુનું કાર્ય તેનામાં જ છે, તેના પોતાથી
બહાર તેનું કાર્યક્ષેત્ર નથી; જીવની અવસ્થામાં તેનું કાંઈ જ કાર્ય નથી.
* જીવને બંધનું કારણ જીવમાં હોય, બીજામાં ન હોય; એ જ રીતે જીવને મોક્ષનું
કારણ જીવમાં હોય, જીવની બહાર ન હોય.
* પ્રશ્ન:– પરદ્રવ્ય જો બંધનું કારણ નથી, તો પરદ્રવ્યરૂપ બાહ્યવસ્તુ છોડવાનો
ઉપદેશ કેમ આપવામાં આવે છે?
* ઉત્તર:– પરદ્રવ્યના આશ્રયે થતો જીવનો ભાવ તે બંધનું કારણ છે, તેથી તે
પરાશ્રિતભાવને છોડાવવા માટે પરદ્રવ્યને છોડવાનું કહ્યું છે. પણ પરદ્રવ્ય છોડવું
એટલે ખરેખર પરદ્રવ્યનો આશ્રય છોડવો, ને સ્વદ્રવ્યનો આશ્રય કરવો–એમ તેનું
તાત્પર્ય છે. પરદ્રવ્યના આશ્રયે બંધન છે ને સ્વદ્રવ્યના આશ્રયે મુક્તિ છે–એ
મહાન સિદ્ધાંત છે.

PDF/HTML Page 25 of 45
single page version

background image
: ૨૨ : : પોષ : ૨૪૯૬
* એ વાત મોક્ષપ્રાભૃતમાં કુંદકુંદસ્વામી એ કહી છે કે–
परदव्वादो दुग्गइ सद्दव्वादो हु सुग्गई होई।
इय णाऊण सदव्वे कुणह रई विरय इयरम्मि।।१६।।
સ્વદ્રવ્ય–રત પામે સુગતિ, પરદ્રવ્ય–રત જીવ દુર્ગતિ,
આ જાણીને બન સ્વ–રત જીવ તું થા વિરત પરદ્રવ્યથી.

સ્વદ્રવ્યમાં રત જીવને સુગતિ થાય છે અને પરદ્રવ્યમાં રત જીવને દુર્ગતિ
થાય છે;–આમ જાણીને હે ભવ્ય જીવો! તમે સ્વદ્રવ્યમાં રતિ કરો અને પરદ્રવ્યોથી
વિરતિ કરો.
સુગતિ એટલે મોક્ષ અને દુર્ગતિ એટલે સંસારની ચારે ગતિ; અથવા
સુગતિ એટલે સમ્યક્ પરિણતિ, શુદ્ધ પરિણમન, તે મોક્ષનું કારણ છે; અને દુર્ગતિ
એટલે ભૂંડી પરિણતિ, અશુદ્ધ પરિણમન, તે સંસારનું કારણ છે. માટે
શુદ્ધજ્ઞાનમય સ્વદ્રવ્યનો આશ્રય કરવો, ને પરદ્રવ્યનો આશ્રય છોડવો,–એ
મોક્ષનો માર્ગ છે, એ જૈનસિદ્ધાંતનો સાર છે.
* જીવ જે કાંઈ અજ્ઞાનાદિ બંધભાવ કરે તેમાં પરદ્રવ્યનો જ આશ્રય હોય;
સ્વદ્રવ્યના આશ્રયે કદી બંધભાવ થાય નહીં. भूयत्थमस्सिदो खलु सम्माइट्ठी
हवइ जीवो’ ભૂતાર્થ સ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન છે, એ જ રીતે સમ્યગ્જ્ઞાન,
સમ્યક્ચારિત્ર આદિ વીતરાગભાવ પોતાના સ્વભાવના આશ્રયે છે. મોક્ષભાવમાં
સ્વદ્રવ્યનો આશ્રય છે, ને બંધભાવમાં પરદ્રવ્યનો આશ્રય છે.
* શુભ કે અશુભ બંધભાવમાં પરનો આશ્રય છે–તે વાત અહીં દ્રષ્ટાંતથી સમજાવે
છે–હું આને મારું–એવો અશુભ અધ્યવસાય, અથવા હું આને બચાવું–એવો શુભ
અધ્યવસાય–તે ક્્યારે થાય?–કે સામે તેવા જીવનું અસ્તિત્વ હોય, ને જીવ તેનો
આશ્રય કરે ત્યારે એવી બુદ્ધિ થાય કે હું આ જીવને મારું અથવા હું આને બચાવું.
સામે કોઈ જીવનું અસ્તિત્વ જ ન હોય, તો તેના આશ્રય વગર એવો મારવાનો
કે જીવાડવાનો અભિપ્રાય ક્્યાંથી થાય? વંધ્યસુતને હું મારું, કે આકાશ ફૂલને હું
ચૂંટું એવો ભાવ કોઈને થતો નથી કેમકે સામે તેવી વસ્તુનું અસ્તિત્વ જ નથી.

PDF/HTML Page 26 of 45
single page version

background image
: પોષ : ૨૪૯૬ : ૨૩ :
* સામી વસ્તુનું અસ્તિત્વ તો તેનામાં છે, તે કાંઈ બંધનું કારણ નથી, પણ જીવ
જ્યારે બંધભાવ કરે ત્યારે તે પરવસ્તુના જ આશ્રયે કરે છે. માટે પરદ્રવ્યનો
આશ્રય છોડવાનો ભગવાને ઉપદેશ આપ્યો છે.
* પરવસ્તુ જ બંધનું કારણ નથી પણ બંધન વખતે જીવને પરનો જ આશ્રય હોય
છે. જો પરવસ્તુ જ બંધનું કારણ થતી હોય તો, જગતમાં સદાય તેનું અસ્તિત્વ છે
એટલે સદાય બંધન થયા જ કરે, મોક્ષ કદી થાય જ નહીં.–પણ એમ નથી, કેમકે
બાહ્યવસ્તુ પોતે બંધનું કારણ નથી; તે બાહ્યવસ્તુ બંધભાવમાં નિમિત્ત હોવા
છતાં તે પોતે બંધનું કારણ થતી નથી. સ્વનો આશ્રય છોડીને તે પરદ્રવ્યના
આશ્રયે અશુદ્ધભાવે પરિણમે તો જ જીવને બંધન થાય છે. બંધભાવ જીવ કરે
અને પરદ્રવ્યનો આશ્રય ન હોય–એમ બને નહીં, કેમકે સ્વદ્રવ્યના આશ્રયે કદી
બંધભાવ થાય નહીં; બંધભાવ પરના જ આશ્રયે થાય.
* ‘સ્વાશ્રયે મુક્તિ, ને પરાશ્રયે બંધન’–આ મહાન સિદ્ધાંત છે.
ભગવાન જિનેશ્વરદેવોએ તો સ્વદ્રવ્યના જ આશ્રયે મોક્ષમાર્ગ ઉપાસ્યો
છે, ને તેવો જ સ્વાશ્રિત–મોક્ષમાર્ગ ઉપદેશ્યો છે; પરદ્રવ્યના આશ્રયે મોક્ષ થવાનું
ભગવાને કહ્યું નથી. ભગવાને દેહાદિ પરદ્રવ્યનું મમત્વ છોડીને, જ્ઞાનમય
સ્વદ્રવ્યના આશ્રયે મોક્ષને સાધ્યો છે. શુદ્ધ આત્માના આશ્રયે થયેલા સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્ર તે જ મોક્ષમાર્ગ છે કેમકે તે સ્વદ્રવ્ય છે. દ્રવ્યલિંગ, શરીરની
ક્રિયાઓ વગેરે પરદ્રવ્યાશ્રિત છે, શુભ વિકલ્પો પરદ્રવ્યાશ્રિત છે, તેઓ જીવને
મોક્ષનું કારણ નથી. (જુઓ ગાથા ૪૧૦)
* આત્માના જ અશુદ્ધ કે શુદ્ધ પરિણામો આત્માને બંધ–મોક્ષનું કારણ થાય;
પરદ્રવ્યનાં પરિણામ જીવને બંધ–મોક્ષનું કારણ થાય નહીં. જેમકે–
કોઈ મુનિરાજ ઈર્યાસમિતિ પૂર્વક ગમન કરતા હોય, હિંસાનો કે પ્રમાદનો
ભાવ ન હોય, ને અચાનક ઊડીને પગ નીચે કોઈ જીવડું આવીને પડે ને આયુષ
પૂરું થવાથી મરી જાય,–ત્યાં બાહ્યમાં જીવડું મરવા છતાં, હિંસાભાવના અભાવને
લીધે તે મુનિરાજને બંધન થતું નથી. માટે એ સિદ્ધાંત નક્કી થયો કે બાહ્યવસ્તુ
બંધનું કારણ નથી, જીવનો હિંસાદિભાવ જ બંધનું કારણ છે.

PDF/HTML Page 27 of 45
single page version

background image
: ૨૪ : : પોષ : ૨૪૯૬
જીવને જે તદ્ભાવરૂપ હોય એટલે કે જીવના અસ્તિત્વમાં જે હોય તે જ
બંધ–મોક્ષનું કારણ થાય. પણ જીવને જે અતદ્ભાવરૂપ હોય એટલે કે જીવના
અસ્તિત્વમાં જે ન હોય, તે જીવને બંધ–મોક્ષનું કારણ થાય નહીં. પરને મારવા–
જીવાડવાની બુદ્ધિરૂપ જે અધ્યવસાય છે તે જ બંધનું કારણ છે.
પર જીવનું મરણ કે જીવન તે આ જીવથી જુદું છે, તે જીવને બંધનું કારણ
નથી.
આમ જાણીને પરવસ્તુ સાથે એકતાબુદ્ધિ છોડવી, એટલે પરના
આશ્રયની બુદ્ધિ છોડવી ને પરથી અત્યંત ભિન્ન પોતાના જ્ઞાનસ્વરૂપને જાણીને
સ્વદ્રવ્યનો આશ્રય કરવો–તે મોક્ષનો ઉપાય છે.
મરણથી બચવું હોય તો મોક્ષના ઉપાયમાં લાગ
(બહારની કોઈ પણ પરિસ્થિતિ મનુષ્યને મરણથી બચાવી શકતી નથી
એમ બતાવનારા આ વૈરાગ્યમય કાવ્યદ્વારા કવિ પ્રેરણા આપે છે કે હે જીવ! તું
અમર થવા માટે મોક્ષમાર્ગમાં લાગ.–એ કવિરાજ છે શ્રીમદ્ રાજચંદ્ર.)
મોતી તણી માળા ગળામાં મૂલ્યવંતી મલકતી, હીરા તણા શુભ હારથી બહુ કંઠ કાંતિ ઝળકતી;
આભૂષણોથી ઓપતા ભાગ્યા મરણને જોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૧
મણિમય મુગટ માથે ધરીને કર્ણ કુંડળ નાખતા, કાંચન–કડાં કરમાં ધરી કશીએ કચાશ ન રાખતા;
પળમાં પડ્યા પૃથ્વીપતિ એ, ભાન ભૂતળ ખોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને.

દશ આંગળીમાં માંગળિક મુદ્રા જડિત માણિક્યથી, જે પરમ પ્રેમે પે’ રતા પોંચી કળા બારીકથી;
એ વેઢ વીંટી સર્વ છોડી ચાલિયા મુખ ધોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૩
મૂંછ વાંકડી કરી ફાંકડા થઈ લીંબુ ધરતા તે પરે, કાપેલ રાખી કાતરા હર કોઈના હૈયાં હરે;
એ સાંકડીમાં આવિયા છટક્યા તજી સૌ સોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૪
છો ખંડના અધિરાજ જે ચંડે કરીને નીપજ્યા, બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે નીપજ્યા;
એ ચતુર ચક્રી ચાલિયા હોતા નહોતા હોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મુકે કોઈને. પ
જે રાજનીતિનિપુણતામાં ન્યાયવંતા નીવડયા, અવળા કર્યે જેના બધા સવળા સદા પાસા પડ્યા;
એ ભાગ્યશાળી ભાગિયા તે ખટપટો સૌ ખોઈને, જન જાણીએ મન માનીએનવ કાળ મૂકે કોઈને. ૬
તરવાર બહાદુર ટેક ધારી પૂર્ણતામાં પેખિયા, હાથી હણે હાથે કરી એ કેસરી સમ દેખીયા;
એવા ભલા ભડવીર તે અંતે રહેલા રોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૭

PDF/HTML Page 28 of 45
single page version

background image
: પોષ : ૨૪૯૬ : ૨પ :
–તું શું કરે ભલા?

જગતમાં જે કોઈ જીવો બંધાય છે તેઓ પોતાના જ મિથ્યાત્વાદિ ભાવોને લીધે
કર્મથી બંધાય છે; અને જે કોઈ જીવો મોક્ષ પામે છે તેઓ પોતાના જ સમ્યક્ત્વાદિ
વીતરાગભાવ વડે મુક્તિ પામે છે.–તો હે જીવ! તું તેમને શું કરે છે? પરને હું બંધાવું કે
મુક્ત કરું એ માન્યતા ખોટી છે. માટે તે મિથ્યામાન્યતા છોડ. આત્મા તો જ્ઞાનસ્વરૂપ છે,
તેના આશ્રયે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટ કરવા તે નિશ્ચયથી મોક્ષમાર્ગ છે. જે જીવો
આવા વીતરાગ મોક્ષમાર્ગમાં સ્થિત છે તેઓ જ મોક્ષ પામે છે; ને રાગમાં સ્થિત જીવો
બંધાય છે. આ રીતે બંધ મોક્ષ જીવને પોતાના ભાવથી જ થાય છે, પરને લીધે થતા
નથી.
આ જીવ એમ ઈચ્છે કે હું સામા જીવનો મોક્ષ કરી દઉં.–પરંતુ સામો જીવ
રાગભાવરૂપ પરિણમે અને વીતરાગભાવરૂપે ન પરિણમે તો તે મુક્ત ન થાય પણ
બંધાય. આ જીવને તો મુક્ત કરવાનો અભિપ્રાય હતો પણ સામો જીવ તેના પોતાના
વીતરાગભાવ વગર મુક્ત થતો નથી, એટલે આ જીવના અભિપ્રાય પ્રમાણે તો કાર્ય થતું
નથી; માટે ‘પરને હું મુકાવું’–એવો જીવનો અભિપ્રાય નિરર્થક છે–મિથ્યા છે, પોતાને જ
અનર્થનું કારણ છે. કદાચ સામો જીવ વીતરાગભાવ કરીને મુક્ત થાય, તોપણ એ તો
એના પોતાના જ વીતરાગભાવને લીધે મુક્ત થયો છે,–નહિ કે આ જીવના અભિપ્રાયને
લીધે.–માટે પરના કર્તૃત્વની બુદ્ધિ અસત્ય છે, મિથ્યા છે અને દુઃખનું કારણ છે.
આ જીવનો અભિપ્રાય હો કે ન હો, તેની અપેક્ષા વગર જ સામો જીવ પોતાના
ભાવઅનુસાર બંધ કે મોક્ષને પામે છે.
આ જીવ તેને મુક્ત કરવાનો અભિપ્રાય ન કરે તોપણ, સામો જીવ જો
વીતરાગભાવરૂપે પરિણમે, તો તે પોતાના વીતરાગભાવ વડે મુક્તિ પામે છે.
હવે એ જ રીતે બંધનમાં:– કોઈ જીવ એમ ઈચ્છે કે હું સામા જીવને કર્મબંધનમાં
નાંખી દઉં! પરંતુ સામો જીવ આત્માનું ભાન કરીને સમ્યક્ત્વાદિ વીતરાગભાવરૂપે
પરિણમે અને સરાગભાવરૂપ ન પરિણમે તો તેને બંધન ન થાય પણ મુક્તિ થાય. આ
જીવને તો તેને બંધન કરવાનો અભિપ્રાય હતો પણ સામો

PDF/HTML Page 29 of 45
single page version

background image
: ૨૬ : : પોષ : ૨૪૯૬
જીવ તેના પોતાના રાગભાવ વગર બંધાતો નથી, એટલે આ જીવના અભિપ્રાય પ્રમાણે
તો કાર્ય થતું નથી; માટે પરને હું બંધન કરી દઉં કે દુઃખી કરી દઉં–એવો જીવનો
અભિપ્રાય નિરર્થક છે, મિથ્યા છે, ને પોતાને જ અનર્થનું કારણ છે. કદાચ તે વખતે
સામો જીવ તેના પોતાના રાગાદિભાવોને લીધે કર્મથી બંધાય કે દુઃખી થાય, તોપણ એ તો
એના પોતાના જ રાગભાવ વડે બંધાયો છે ને દુઃખી થયો છે,–નહિ કે તારા અભિપ્રાયને
લીધે.–માટે પરના કર્તૃત્વની બુદ્ધિ અસત્ય છે, મિથ્યા છે, અને દુઃખનું કારણ છે.
આ જીવનો અભિપ્રાય હો કે ન હો, તેની અપેક્ષા વગર જ સામો જીવ પોતાના
ભાવઅનુસાર બંધ કે મોક્ષને પામે છે.
આ જીવ તેને બાંધવાનો અભિપ્રાય ન કરે તોપણ સામો જીવ જો રાગાદિભાવરૂપ
પરિણમે તો તે પોતાના રાગભાવ વડે બંધાય છે.
આવું સ્પષ્ટ વસ્તુસ્વરૂપ સમજાવીને આચાર્યદેવ કહે છે કે હે ભાઈ!
સૌ જીવ અધ્યવસાન કારણ કર્મથી બંધાય જ્યાં,
ને મોક્ષમાર્ગ સ્થિત જીવો મુકાય, તું શું કરે ભલા!
*****
દોઢસો વર્ષ પહેલાં સમ્મેદશિખર પર દિ. જિનમૂર્તિ હતી
પ્રસિદ્ધ અંગ્રેજ સાહિત્યકાર ક્રુક સાહેબ (W. Crook) લખે છે કે–A
visitor, who examined in 1827 found the image of PARSVANATH
to represent the saint, sitting naked in the attitude of maditation. His
head shillded by the snake, which is his special emblem
(W. Crook in ERE)
यहां [सम्मेदशिखरजी पर] तीन मुख्य मंदिर है–एक पार्श्वनाथजीका भी
इन्हीमें है; सन 1827 . में एक इंग्रेजने इनके दर्शन किये थे। उन्होंने पार्श्वनाथ
भगवानकी नग्नमूर्तिको ध्यानाकार में उनके सर्पचिन्हसे मंडित यहां पाया था।
(બાબુ કામતાપ્રસાદજી જૈન M. R. A. S.)
(*”ઈન્સાઈકલોપેડિયા ઓફ રિલીજન એન્ડ ઈથિકસ–પારસનાથ હિલ”માંથી)

PDF/HTML Page 30 of 45
single page version

background image
: પોષ : ૨૪૯૬ : ૨૭ :
દગ્ધ દ્વારિકા...અને...પાંડવ–વૈરાગ્ય

જ્યારે દ્વારિકાનગરી બળીને ભસ્મીભૂત થઈ ગઈ, શ્રીકૃષ્ણ અને બલભદ્ર જેવા
મહાન પરાક્રમી યોદ્ધા એ નગરીને તો ન બચાવી શક્્યા પણ પોતાના માતા–પિતાનેય
ન બચાવી શક્યા. ત્યાંથી હસ્તિનાપુર જતાં રસ્તામાં પાણી વિના તરસ્યા શ્રીકૃષ્ણનું
પોતાના ભાઈના હાથે મૃત્યુ થયું, સંસારથી વિરક્ત બલભદ્રજી દીક્ષા લઈને સ્વર્ગે
સીધાવ્યા. ત્યાર બાદ પાંડવોએ દ્વારકાનગરી ફરીથી નવી વસાવી અને શ્રીકૃષ્ણના ભાઈ
જરતકુમાર (કે જેના તીરથી શ્રીકૃષ્ણનું મૃત્યુ થયેલ) તેમને દ્વારિકાના રાજસિંહાસને
બેસાડ્યા...
–તે વખતે શ્રીકૃષ્ણના સમયની દ્વારિકાનગરીની જાહોજલાલીનું સ્મરણ થતાં
પાંડવો શોકાતુર બન્યા; અને વૈરાગ્યથી એમ ચિંતવવા લાગ્યા કે–અરે, આ દ્વારિકાનગરી
દેવો દ્વારા રચાણી હતી છતાં તે પણ આજે બળીને ખાખ થઈ ગઈ. શ્રીકૃષ્ણ જ્યાં રાજ
કરતા હતા, પ્રભુ નેમકુમાર જેની રાજસભામાં બિરાજતા હતા અને જ્યાં હંમેશાં નવા
નવા મંગલ ઉત્સવ થતા હતા તે નગરી આજે સુનસામ થઈ ગઈ છે. ક્્યાં ગયા તે
રુકમિણી વગેરે રાણીઓના સુંદર મહેલો! અને ક્્યાં ગયાં તે હર્ષભરેલા પુત્રો વગેરે
કુટુંબીજનો! ખરેખર કુટુંબ વગેરેનો સંયોગ ક્ષણભંગુર છે, તે તો વાદળાંની જેમ
જોતજોતામાં વિલય થઈ જાય છે; સંયોગો તો નદીના વહેતા પ્રવાહ જેવા ચંચળ છે, તેને
સ્થિર રાખી શકાતા નથી. સંસારની આવી વિનાશિક દશા દેખીને વિવેકી જીવ વિષયોના
રાગથી વિરક્ત થઈ જાય છે.
વળી તે ધર્માત્મા પાંડવકુમારો વૈરાગ્યથી સંસારનું સ્વરૂપ વિચારવા લાગ્યા
કે–ખરેખર તો જે સ્ત્રી–પુત્ર–પૌત્ર વગેરેને જીવ પોતાનાં સમજે છે, તે પોતાનાં છે જ
નહિ; જ્યાં આ નજીકનું શરીર પણ પોતાનું નથી ત્યાં દૂરનું પરદ્રવ્ય તો પોતાનું કેમ
હોય?–બાહ્ય વસ્તુ પોતાની નથી છતાં તે બાહ્ય વસ્તુમાં સુખ–દુઃખ માનવા તે માત્ર
કલ્પના છે. પોતાની ચીજ તો ખરેખર આત્મા જ છે. વિષય–ભોગો ભોગવતી વખતે
જીવને સુખકર લાગે છે પણ પછી તે નીરસ જણાય છે અને તેનું ફળ દુઃખરૂપ છે,
પણ મૂઢ જીવ તેના સેવનથી પોતાને સુખી માને છે; એવા જીવો છતી આંખે અંધ
થઈને દુઃખના કુવામાં પડે છે ને દુર્ગતિમાં જાય છે. દાદરની ખૂજલી જેવા વિષયો
પરિણામે દુઃખદાયક જ છે, અને તેનાથી જીવને કદી તૃપ્તિ મળતી નથી, તેના
ત્યાગથી જ તૃપ્તિ થાય છે.

PDF/HTML Page 31 of 45
single page version

background image
: ૨૮ : : પોષ : ૨૪૯૬
પાંચ ઈન્દ્રિયના વિષયમાં લીન જીવ પંચવિધ પરિવર્તનરૂપ સંસારમાં ચક્કર લગાવે છે અને
મિથ્યાત્વની વાસનાને લીધે પોતાના હિત–અહિતનો વિચાર કરી શકતો નથી, તથા ધર્મ
તરફ તેને રુચિ જાગતી નથી. માટે મોક્ષ–સુખને ચાહનારા ભવ્ય જીવોએ મિથ્યાત્વ અને
સમસ્ત વિષય–કષાયો છોડીને, સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ધર્મનો ઉદ્યમ કરવો જોઈએ.
એ પ્રમાણે વૈરાગ્યપૂર્વક વિચાર કરતાં કરતાં તે પાંડવો દ્વારિકાથી પ્રસ્થાન કરીને
પલ્લવદેશમાં આવ્યા ને ત્યાં બિરાજમાન શ્રી નેમિનાથ તીર્થંકરના દર્શન કર્યા, તેમના
કેવળજ્ઞાનની સ્તુતિ કરી, ને ધર્મની પિપાસાપૂર્વક તેમનો ઉપદેશ સાંભળ્‌યો; તેમજ પ્રભુની
વાણીમાં પોતાના પૂર્વભવોનું વર્ણન સાંભળીને તે પાંડવોને વિશેષ આત્મશુદ્ધિપૂર્વક ઘણો
વૈરાગ્ય થયો, તેથી તેઓ સંસારથી વિરક્ત થયા અને પ્રભુની સમીપમાં દીક્ષા લઈને મુનિ
થયા; માતા કુન્તી, સુભદ્રા તેમજ દ્રૌપદીએ પણ રાજીમતીઅર્જિકાની સમીપ જઈને દીક્ષા
ધારણ કરી. ત્યારબાદ વિહાર કરતા કરતા એ પાંડવ મુનિવરો સૌરાષ્ટ્ર દેશમાં આવ્યા ને
સિદ્ધક્ષેત્ર શત્રુંજયતીર્થ ઉપર આત્મધ્યાન કરવા લાગ્યા.

કેવા હશે પાંડવ મુનિરાજ...અહો! એને વંદન લાખ...
રાજપાટ ત્યાગી વસ્યા ઉન્નત પર્વતમાં, જેણે છોડ્યો સ્નેહીઓનો સાથ...અહો૦
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રના ધારક, કરે કર્મોને બાળી ખાખ...અહો૦
શત્રુ કે મિત્ર નહીં કોઈ એના ધ્યાનમાં, વસે એ સ્વરૂપ–આવાસ...અહો૦
પ્રમત્ત–અપ્રમત્ત ભાવમાં એ ઝૂલતા, આત્મઆનંદમાં રમનાર...અહો૦
રાગ કે દ્વેષ નહીં કોઈ એના ધ્યાનમાં, માત્ર કરે આત્મા કેરું ધ્યાન...અહો૦
પરિષહોમાં જેણે ઉપેક્ષા કરીને, જલ્દી કર્યો સિદ્ધિમાં નિવાસ...અહો૦
(સં. ૨૦૦૬માં શત્રુંજયતીર્થની યાત્રા વખતે પર્વત ઉપર થયેલી ભક્તિમાંથી)

PDF/HTML Page 32 of 45
single page version

background image
: પોષ : ૨૪૯૬ : ૨૯ :
શત્રુંજય ઉપર–
પાંડવ મુનિવરોએ ભાવેલી વૈરાગ્યભાવના
શત્રુંજય ઉપર સ્થિત પાંડવ મુનિવરો ઉપર
જ્યારે ઘોર ઉપસર્ગ આવ્યો ત્યારે નિજસ્વરૂપથી ડગ્યા
વગર વૈરાગ્યપૂર્વક તેમણે બાર ભાવનાઓનું ચિંતન
કર્યું. આવી ભાવનાપૂર્વક ત્રણ પાંડવો તો નિર્વિકલ્પ
ચૈતન્યઅનુભવમાં લીન થઈને કેવળજ્ઞાન પ્રગટ કરી
મોક્ષ પામ્યા. દરેક જીવે વસ્તુસ્વરૂપના ચિંતનવડે આવી
વૈરાગ્યભાવના ભાવવા જેવી છે. પાંડવપુરાણના
આધારે તે ભાવના અહીં આપવામાં આવે છે.
પ્રથમ તો, અગ્નિવડે સળગતા શરીરને દેખીને તે ધીરવીર પાંડવોએ ક્ષમારૂપી
જળનું સીંચન કર્યું; પંચપરમેષ્ઠી અને ધર્મના ચિંતન વડે આત્મધ્યાનમાં દ્રઢતા કરી.
તેઓ જાણતા જ હતા કે આ અગ્નિ કાંઈ અમારા આત્માને બાળી શકતો નથી,
કેમકે આત્મા તો દેહથી ભિન્ન શુદ્ધ–ચૈતન્યસ્વરૂપ, અરૂપી છે. આ મૂર્તિક શરીરને
અગ્નિ ભલે બાળે, તેમાં અમારું શું નુકશાન છે? આ પ્રમાણે શરીરથી ભિન્ન
આત્માના ચિંતન વડે મહાન ઉપસર્ગવિજયી પાંડવ મુનિરાજોએ ધ્યાનરૂપી અગ્નિ
પ્રગટ કર્યો. બહારમાં તો અગ્નિવડે શરીર ભસ્મ થાય છે, એ જ વખતે અંતરમાં
ધ્યાનાગ્નિ વડે કર્મો ભસ્મ થાય છે. તે વખતે શત્રુંજયગિરિ ઉપર પાંડવ મુનિવરોએ
ભાવેલી બાર વૈરાગ્યભાવના આ પ્રમાણે છે–
૧. અનિત્ય ભાવના
સંસારમાં જીવન ક્ષણભંગુર છે. વાદળાંની જેમ જોતજોતામાં તે વિલીન થઈ
જાય છે. ધન–દોલત–મકાન–કુટુંબ–શરીર જે કાંઈ દેખાય છે તે બધું નશ્વર છે,
ભોગોપભોગ અનિત્ય છે, તે કોઈની સાથે પણ પ્રીતિ નથી કરતા, પુણ્યશાળી
ચક્રવર્તીને પણ જ્યાં સુધી પુણ્યનો ઉદય રહે છે ત્યાં સુધી જ તે સામગ્રી રહે છે,
પુણ્ય જતાં તો તે પણ રફુચક્કર થઈ જાય છે. જગતમાં એક પોતાનો આત્મા જ
એવી ચીજ છે કે જે સદા શાશ્વત રહે છે, જેનો કદી વિયોગ થતો નથી. માટે હે
આત્મા! તું સમસ્ત બાહ્ય વસ્તુઓથી મમત્વ હઠાવીને સ્વમાં જ સ્થિર થા...એ જ
ચીજ તારી છે.

PDF/HTML Page 33 of 45
single page version

background image
: ૩૦ : : પોષ : ૨૪૯૬
લક્ષ્મી–શરીર સુખદુઃખ અથવા શત્રુ–મિત્ર જનો અરે!
જીવને નથી કંઈ ધ્રુવ, ધ્રુવ ઉપયોગ–આત્મક જીવ છે.
છેદાવ વા ભેદાવ, કો લઈ જાવ, નષ્ટ બનો ભલે,
વા અન્ય કો રીત જાવ, પણ પરિગ્રહ નથી મારો અરે.
ભરત ચક્રવર્તી જેવા છ ખંડના ધણી પણ જ્યાં નિત્ય નથી રહ્યા તો પછી અરે
જીવ! તું કોનાથી સ્નેહ કરે છે!–કોને પોતાનું સમજે છે! ધ્રુવ ચૈતન્ય સિવાય બીજી કોઈ
પણ ચીજને પોતાની સમજવી તે ફક્ત તારી મૂર્ખતા જ છે. માટે એવી વ્યર્થ
વિકલ્પજાળમાં ન પડતાં, તું આત્મચિંતનમાં લાગ, તેમાં જ જીવનની સાર્થકતા છે.
૨. અશરણ ભાવના
જેમ ભૂખ્યા સિંહના પંજામાં પડેલા હરણના બચ્ચાંની કોઈ રક્ષા નથી કરી
શકતું, તેમ મૃત્યુના મુખમાં પડેલા પ્રાણીની પણ કોઈ રક્ષા નથી કરી શકતું. કોઈ
એમ કહે કે અમે તો લોખંડના મકાનમાં રાખીને, શસ્ત્રથી, ધન વગેરેથી જીવની રક્ષા
કરી દેશું! અથવા કોઈ ઔષધ–મંત્ર–તંત્રથી જીવને બચાવી દેશું!–તો તેનું એ કથન
માત્ર બકવાદરૂપ છે. વાસ્તવમાં, જેનું આયુષ્ય પૂરું થયું તેની કોઈ રક્ષા કરી શકતું
નથી. કોઈ દેવ, કોઈ ઈન્દ્ર કે સુરેન્દ્ર વગેરે રક્ષા કરી શકે છે એ પણ કથનમાત્ર છે;
કેમકે તેઓ જ્યાં પોતે પોતાની જ રક્ષા કરી શકતા નથી તો બીજાની રક્ષા ક્યાંથી
કરશે! અનિત્યતા–પણે પરિણમતા પદાર્થને કોઈ રોકી શકવા સમર્થ નથી. માટે હે
આત્મા! તું એ બધાના શરણની બુદ્ધિ છોડ. અને તારા અવિનાશી ચૈતન્યરૂપ
આત્માનું તું શરણ લે; એ જ તારું સાચું શરણ છે, એ સિવાય બીજા બધાનું શરણ
તો જૂઠું છે.
૩. સંસાર ભાવના
દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભવ અને ભાવરૂપ સંસારમાં આ આત્મા નિજસ્વરૂપને
સમજ્યા વિના ચક્કર લગાવી રહ્યો છે; ક્્યારેક આ ગતિમાં તો ક્્યારેક બીજી
ગતિમાં, ક્્યારેક રાજા તો ક્્યારેક રંક, ક્્યારેક દેવ તો ક્્યારેક નારકી, ક્્યારેક
દ્રવ્યલિંગી સાધુ તો ક્્યારેક કષાઈ,–એમ બહુરૂપી થઈને ઘૂમી રહ્યો છે; પંચવિધ
પરાવર્તનમાં એકેક પરાવર્તનનો અનંતકાળ છે. તે પંચપરાવર્તન આ જીવે એક જ
વાર નહિ પણ અનંતવાર

PDF/HTML Page 34 of 45
single page version

background image
: પોષ : ૨૪૯૬ : ૩૧ :
પૂરા કર્યા છે. તોપણ તેની વિષયલાલસા પૂરી નથી થઈ, તો હવે કેમ થશે!
સ્વવિષયને ભૂલીને તું સદાય અતૃપ્તપણે જ મર્યો છે. માટે હે આત્મા!! હવે તું
વિષયલાલસા છોડીને આત્મસ્વરૂપમાં તારા ચિત્તને જોડ. આ દુઃખમય સંસારચક્રથી
છૂટવાનો સાચો ઉપાય ફક્ત આ એક જ છે કે તું બાહ્ય વિષયોના મોહને છોડીને
આત્મધ્યાનમાં લીન થા.
૪. એકત્વ ભાવના
આ જીવ એકલો જ આવે છે, એકલો જ જન્મ–મરણના દુઃખો ભોગવે છે, એકલો
જ ગર્ભમાં આવે છે, એકલો જ શરીર ધારણ કરે છે, એકલો જ બાળક–યુવાન–વૃદ્ધ થાય
છે. અને એકલો જ મરે છે. આ જીવને સુખમાં કે દુઃખમાં કોઈપણ સાથી નથી. અરે
જીવ! જે કુટુંબ વગેરેને તું તારાં સમજે છે તે ખરેખર તારાં નથી, કુટુંબ વગેરે તો દૂર
રહો, પણ જે શરીરને પુષ્ટ કર્યું અને જેની સાથે ચોવીસે કલાક રહ્યો તે શરીર પણ સાથે
નથી આવતું તો બીજું તો કોણ આવશે! માટે હે આત્મા! તું બીજાને માટે પાપનો બોજો
તારા શિર ઉપર બાંધી રહ્યો છે! તું સદા એકલો જ છો, માટે બધાનો મોહ છોડીને એક
તારા આત્માને જ ચિંતવ.
જીવ એકલો જ મરે, સ્વયં જીવ એકલો જન્મે અરે!
જીવ એકનું નીપજે મરણ, જીવ એકલો સિદ્ધિ લહે. ૧૦૧
મારો સુશાશ્વત એક દર્શન–જ્ઞાન–લક્ષણ જીવ છે;
બાકી બધા સંયોગલક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. ૧૦૨
પ. અન્યત્વ ભાવના
જળ અને દૂધની માફક શરીર અને આત્માનો મેળ દેખાય છે, પણ જેમ ખરેખર
દૂધ અને પાણી જુદા જ છે, તેમ વાસ્તવમાં આત્મા અને શરીર જુદા જ છે. હે આત્મા!
તેમને એકમેક સમજવા તે તો ભૂલ છે. તારો તો જ્ઞાયકભાવ છે, ચારિત્રભાવ છે;
રત્નત્રયસ્વરૂપ આત્મા જ તારો છે. માટે કોઈ અન્યના આશ્રયે શાંતિ થશે એવી આશા
છોડીને તું તારા એકત્વસ્વરૂપમાં આવ. તારી એકતાથી તારી શોભા છે, અન્યથી તારી
શોભા નથી. અન્યથી ભિન્ન અનન્યસ્વરૂપ આત્માને ભાવ.

PDF/HTML Page 35 of 45
single page version

background image
: ૩૨ : : પોષ : ૨૪૯૬
૬. અશુચિ ભાવના
આ શરીર તો અશુચિનો પટારો છે, માંસ–હાડકા–લોહી–પરૂ વગેરેથી બનેલું
છે, તેનાં નવદ્વારમાંથી ઘૃણાજનક મેલ વહ્યા કરે છે; ચંદનાદિ ઉત્તમમાં ઉત્તમ
વસ્તુઓ પણ આ શરીરનો સંબંધ થતાં જ દૂષિત થઈ જાય છે. તો પછી અરે
આત્મા! તું આવા અશુચિના સ્થાનરૂપ શરીર ઉપર મોહ અને પ્રેમ કેમ કરે છે!!–
એ તારી મોટી ભૂલ છે કે તું આ મલિન દેહમાં મૂર્છાઈ રહ્યો છે. ક્્યાં તો તારું
નિર્મળ સ્વરૂપ ક્્યાં એનો મલિન સ્વભાવ! માટે શરીરને હેય સમજીને તું શીઘ્ર
તેના ઉપરથી મોહ છોડ, અને તારી જ્ઞાનગંગામાં સ્નાન કરીને પાવન થા. એમાં
તારી બુદ્ધિમત્તા છે.
૭. આસ્રવ ભાવના
દરિયામાં પડેલી છેદવાળી નૌકામાં જેમ સતત પાણી આવ્યા કરે છે તેમ મોહરૂપી
છિદ્ર દ્વારા આત્મામાં કર્મો આવ્યા કરે છે. કર્મોના આવવામાં પ્રધાન કારણ મિથ્યાત્વ છે
હે આત્મા! આ આસ્રવ જ તને સંસારસમુદ્રમાં ડુબાડનાર છે, માટે તું ચૈતન્યની જાગૃતિ
વડે આસ્રવોને છોડ, અને નિરાસ્રવી થા. એમ કરવાથી જ તારી આત્મનૌકા આ
ભવસમુદ્રથી પાર થશે, ને તારું કલ્યાણ થશે.
૮. સંવર ભાવના
આસ્રવને અટકાવવો તે સંવર છે સમ્યગ્દર્શનપૂર્વકના આત્મધ્યાનથી તે
સંવર થાય છે. પ્રથમ જ સમ્યગ્દર્શન માત્રથી જ અનંત સંસારનો સંવર થઈ જાય
છે. સંવર થતાં ફરીને આ આત્મા સંસારમાં ભટકતો નથી; તેને મોક્ષનો માર્ગ મલી
જાય છે. માટે હે આત્મા! હવે તું સંસારના ઝંઝટોને છોડીને તે પુનિત સંવરનો
આશ્રય કર.
મિથ્યાત્વ આદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે,
સમ્યક્ત્વ–આદિક ભાવ રે! ભાવ્યા નથી પૂર્વે જીવે.
ભવચક્રમાં ભમતાં કદી, ભાવી નથી જે ભાવના,
ભવનાશ કરવા કાજ હું ભાવું અપૂરવ ભાવના.

PDF/HTML Page 36 of 45
single page version

background image
: પોષ : ૨૪૯૬ : ૩૩ :
અહો! ભવનાશ કરનારી, અપૂર્વ આત્મભાવના આ ક્ષણે જ ભાવો.
ઉપયોગમાં ઉપયોગ, કો ઉપયોગ નહિ ક્રોધાદિમાં,
છે ક્રોધ ક્રોધમહીં જ નિશ્ચય, ક્રોધ નહીં ઉપયોગમાં.
આવું અવિપરીત જ્ઞાન જ્યારે ઉદ્ભવે છે જીવને,
ત્યારે ન કંઈ પણ ભાવ તે ઉપયોગ શુદ્ધાત્મા કરે.
૯. નિર્જરા ભાવના
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર દ્વારા કર્મોની નિર્જરા થાય છે. જેમ ધગધગતા
અગ્નિ દ્વારા કડાઈનું બધું પાણી શોષાઈ જાય છે, તેમ ઉગ્ર આત્મભાવનાના
પ્રતાપથી વિકાર બળી જાય છે, ને કર્મો ઝરી જાય છે. નિર્જરા બે પ્રકારની છે–તેમાં
સવિપાક નિર્જરા તો બધા જીવોને થાય છે; અવિપાક નિર્જરા સમ્યગ્દ્રષ્ટિ, વ્રતધારી,
મુનિઓને જ થાય છે. અને તે જ આત્માને કાર્યકારી છે. માટે હે આત્મા! તું
આત્મધ્યાનની ઉગ્રતાવડે અવિપાક નિર્જરાને આચર, કે જેથી પંચમજ્ઞાની થતાં તને
વાર ન લાગે. અહો! સમ્યગ્દર્શન થતાં જ અનંતી નિર્જરા શરૂ થઈ જાય છે, અને
આ ક્ષણે જ એટલું તો જરૂર કર. તારા સ્વભાવનું સમ્યગ્દર્શન પણ ધીમેધીમે
આઠેય કર્મોને બાળીને ખાખ કરી નાંખશે.
આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને,
આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો! ઉત્તમ થશે.
૧૦. લોક ભાવના
આ લોક (જગત) કોઈનો બનાવેલો નથી, કોઈ તેનો નાશ કરી શકતું નથી.
અને કોઈએ તેને ધારણ કરી રાખ્યો નથી; એ તો અનાદિ સિદ્ધ અકૃત્રિમ નિરાલંબી છે,
અનંત અલોકને વચમાં જેમ આ લોક નિરાલંબી સ્થિત છે, તેમ લોકમાં તારો આત્મા
પણ કોઈના આલંબન વગરનો છે. માટે પરાલંબીબુદ્ધિ છોડીને તું તારા આત્માને જ
અવલંબ, કે જેથી તારી લોકયાત્રા પૂરી થાય, અને લોકનું સર્વોત્કૃષ્ટ સ્થાન તને મળે. કેડ
ઉપર હાથ ટેકવીને અને પગ પહોળા કરીને ઉભેલા પુરુષની સમાન આ લોકનો આકાર
છે.–એવા આ લોકમાં જીવ સમ્યગ્દર્શન અને સમભાવ વિના જ અનંતકાળથી આમ–તેમ
ઘૂમી રહ્યો છે. માટે

PDF/HTML Page 37 of 45
single page version

background image
: ૩૪ : : પોષ : ૨૪૯૬
હે આત્મા! તું ઊર્ધ્વ–મધ્ય ને અધોલોકનું વિચિત્ર સ્વરૂપ વિચારીને, લોકમાં સર્વોત્કૃષ્ટ
મહિમાવંત એવા તારા આત્મામાં સ્થિર થા, કે જેથી તારું લોકભ્રમણ અટકીને સ્થિર
સિદ્ધદશા પ્રગટે. લોકનો એક પણ પ્રદેશ આધો–પાછો થતો નથી; તેમજ લોકમાં એક પણ
દ્રવ્યની સંખ્યામાં વધારો કે ઘટાડો થતો નથી.
૧૧. બોધિદુર્લભ ભાવના
જીવને મનુષ્યપર્યાય, ઉત્તમકુળ, નિરોગશરીર, દીર્ઘ આયુષ્ય, જૈનશાસન, સત્સંગ
અને જિનવાણીનું શ્રવણ–એ બધુંય મળવું ઉત્તરોત્તર દુર્લભ છે. ભાગ્યવશાત્ એ બધું
મળવા છતાં ધર્મબુદ્ધિ જાગવી તે દુર્લભ છે. એ બુદ્ધિ જાગ્યા પછી અંતરમાં સમ્યક્ત્વનું
પરિણમન થવું તે પરમ દુર્લભ–અપૂર્વ છે. સમ્યક્ત્વ પછી મુનિધર્મને ધારણ કરવો તે
દુર્લભ છે અને મુનિધર્મ પછી સ્વરૂપમાં સ્થિર થઈને કેવળજ્ઞાન પ્રગટ કરવું તે સૌથી
દુર્લભ છે.
માટે હે આત્મા! તું આ મહા દુર્લભ યોગને પામીને હવે અતિ અપૂર્વ એવા
આત્મબોધને માટે પ્રયત્નશીલ થા. તે પરમ દુર્લભ હોવા છતાં શ્રી ગુરુચરણના
પ્રસાદથી આત્મરુચિના બળે તને તે સહજ સુલભ થઈ જશે. તે સમ્યક્ત્વને પ્રગટ
કરવું તે જ સાચો લાભ છે, તે જ સાચું સુખ છે. સમ્યક્ત્વ પ્રગટ કરતાં તારો બેડો
પાર થઈ જશે. એ પરમ દુર્લભ સમ્યક્ત્વરૂપી બાણ વગર આ જીવ યોદ્ધો સંસારમાં
ઘૂમી રહ્યો છે. જેમ યોદ્ધા પાસે કામઠું હોય પણ જો બાણ ન હોય તો તે લક્ષ્યને
વેધી શકતો નથી, જેમ જીવયોદ્ધા પાસે જ્ઞાનના ઉઘાડરૂપી કામઠું હોય પણ જો
લક્ષ્યવેધક બાણ એટલે કે ચૈતન્યને લક્ષમાં લેનારું સમ્યક્ત્વ ન હોય તો તે મોહને
વીંધી શકતો નથી, ને સંસારથી છૂટી શકતો નથી. માટે હે જીવ! તું તે
સમ્યક્ત્વરૂપી તીક્ષ્ણ તીર વડે મોહને ભેદી નાંખ,–જેથી સંસારની જેલમાંથી
છૂટકારો થઈ જાય, ને મોક્ષસુખ પ્રગટે.
૧૨. ધર્મભાવના
સમ્યગ્દર્શનાદિરૂપ જે ધર્મ છે તેનાથી આ જીવને સુખની પ્રાપ્તિ થાય છે. ધર્મ
તો આત્માના તે ભાવનું જ નામ છે કે જે આત્મભાવ જીવને દુઃખઅવસ્થાથી
છોડાવીને સુખરૂપ શિવધામમાં સ્થાપે. માટે હે આત્મા! તું મોહભાવથી ઉત્પન્ન
થયેલા વિકલ્પોને છોડીને શુદ્ધ ચૈતન્યરૂપ તારા આત્માનું દર્શન કરીને તેમાં લીન થા,
એ જ ધર્મ છે

PDF/HTML Page 38 of 45
single page version

background image
: પોષ : ૨૪૯૬ : ૩પ :
અને એ જ તને સુખરૂપ છે. આ સિવાય સંસારમાં જે વિવિધ પાખંડોરૂપ ધર્મ દેખાઈ
રહ્યા છે તે વાસ્તવમાં ધર્મ નથી. તું એ વાત બરાબર સમજી લે અને નિશ્ચય કરી લે કે
આત્માની વિશુદ્ધિ તે જ ધર્મ છે, અને એવા ધર્મને ધારણ કરવાથી જ અચલસુખ મળે
છે.
–આ પ્રમાણે બાર અનુપ્રેક્ષાઓ ભાવીને સમસ્ત સંસારભાવોથી વિરક્ત થઈને તે
પાંડવમુનિવરો ચૈતન્યઅનુભવમાં લીન થયા, યુધિષ્ઠિર–ભીમ–અર્જુન એ ત્રણે મુનિવરો
શુદ્ધોપયોગની ઉગ્રતા વડે ક્ષપકશ્રેણીમાં આરૂઢ થઈ, ઘાતિકર્મોનો ઘાત કરી, અંતઃકૃત
કેવળી થયા ને સિદ્ધાલયમાં જઈ બિરાજ્યા. અત્યારે પણ તેઓ શત્રુંજય ઉપરના
સિદ્ધાલયમાં બિરાજી રહ્યા છે, તેમને નમસ્કાર હો.
જેવી વૈરાગ્યભાવના પાંડવોએ ભાવી તેવી આપણે સૌએ ભાવવા જેવી છે, કેમકે
વૈરાગ્યભાવનારૂપી માતા અને ભેદવિજ્ઞાનરૂપી પિતા–તે સિદ્ધિના જનક છે,
સુખકી સહેલી હૈ અકેલી ઉદાસીનતા...
અધ્યાત્મની જનની તે ઉદાસીનતા.
*****
આત્મામાં મજા છે...મુંઝવણ નથી
* ગુરુદેવ કહે છે કે આત્મા રાગ અને રોગ વગરનો
જ્ઞાન અને આનંદસ્વરૂપ છે. એનામાં મુંઝવણ છે જ નહીં;
રાગનો ય જેનામાં પ્રવેશ નથી ત્યાં રોગની શી વાત?
* હમણાં એક જિજ્ઞાસુએ ગુરુદેવ પાસે ધા નાંખતાં
કહ્યું– સાહેબ, હું અશરણ છું, મને બહુ મુંઝવણ થાય છે!
ત્યારે ઘણા વૈરાગ્યથી ગુરુદેવે કહ્યું કે ભાઈ! આ
આત્મા અંદરમાં આનંદસ્વરૂપ છે–આનંદસ્વરૂપ છે–
આનંદસ્વરૂપ છે (ત્રણવાર બહુ ભાવથી કહ્યું) બહારનું
છોડીને અંદર ઉતરવાનો પ્રયત્ન કરવો. એમાં જ શાંતિ છે,
એમાં ક્યાંય મુંઝાવા જેવું છે જ નહીં. નિવૃત્તિથી આત્માનું
ચિંતન કરવું તેમાં તો મજા છે, મુંઝવણ નથી.

PDF/HTML Page 39 of 45
single page version

background image
: ૩૬ : : પોષ : ૨૪૯૬
* સાચા–ખોટાની પરીક્ષા *
* * * * *
ગતાંકમાં ૧૦ વાક્યો લખીને, તે સાચા છે કે ખોટા તેની પરીક્ષા
કરવાનું તમને સોપ્યું હતું. દશમાંથી ચાર વાક્યો (બીજું, ત્રીજું, સાતમું
ને દસમું) સાચા છે; બાકીનાં ભૂલવાળાં છે. તેનો ખુલાસો નીચે મુજબ છે–
(૧) એક સમ્યગ્દ્રષ્ટિ જીવ મરીને જ્યોતિષીદેવોનો ઈન્દ્ર થયો.–એ વાત સાચી
નથી, કેમકે સમ્યગ્દ્રષ્ટિ જીવ કદી જ્યોતિષીદેવોમાં ઊપજતા નથી, વૈમાનિકદેવમાં જ
ઊપજે છે. જ્યોતિષી દેવોમાં ઊપજે તે વખતે જીવ મિથ્યાદ્રષ્ટિ જ હોય છે; ત્યારપછી કોઈ
જીવો આત્મજ્ઞાન કરીને સમ્યગ્દ્રષ્ટિ થાય તે જુદી વાત છે.
(૨) એક સમ્યગ્દ્રષ્ટિ જીવ મરીને બીજી નરકમાં ગયો–એ વાત સાચી નથી;
સમ્યગ્દર્શન સહિત કોઈ જીવ કદાચિત (પૂર્વબદ્ધઆયુને કારણે) નરકમાં જાય તો તે
પહેલી નરકમાં જ જાય, બીજી નરકમાં જાય નહીં એ નિયમ છે. બીજી નરકોમાં ગયા
પછી ત્યાં સમ્યગ્દર્શન પ્રગટ કરી શકે ખરો.
(૩) એક સમ્યગ્દ્રષ્ટિ જીવ મરીને પહેલી નરકે ગયો. (જેને અજ્ઞાનદશામાં
નરકનું આયુષ્ય બંધાઈ ગયું હોય ને પછી ક્ષાયિક સમ્યગ્દર્શન પામ્યો હોય તેવા જીવને
આ વાત લાગુ પડે છે.)
(૪) એક જીવે તીર્થંકરપ્રકૃતિ બાંધી ને પછી ત્રીજી નરકે ગયો,–એ વાત
સંભવે છે. નરકમાં ત્રણ નરક સુધી તીર્થંકરપ્રકૃતિની સત્તા હોઈ શકે છે. કોઈ જીવે
મિથ્યાત્વદશામાં નરકગતિનું આયુ બાંધી લીધું, પછી સમ્યગ્દર્શન પામ્યો ને
પ્રભુચરણમાં તીર્થંકરપ્રકૃતિ પણ બાંધી; પછી આયુષ્યના અંતિમ મુહૂર્તમાં ફરી
મિથ્યાત્વદશા પામીને તે જીવ (તીર્થંકરપ્રકૃતિ સહિત) ત્રીજી નરકમાં જાય; અને ત્યાં
ગયા પછી અંતર્મુહૂર્તમાં તે જીવ પાછો સમ્યગ્દર્શન પામી જાય છે. (આવા જીવો
ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિ નથી હોતા; ક્ષાયિક સમ્યગ્દર્શનનું અસ્તિત્વ પહેલી નરક સુધી જ
સંભવે છે, તેથી નીચે નહીં.)
(પ) એક જીવે તીર્થંકરપ્રકૃતિ બાંધી ને પછી ચોથી નરકે ગયો...એ વાત સંભવી
શકે નહીં. (ઉપરનો ખુલાસો વાંચવાથી તે સમજી શકાશે.)

PDF/HTML Page 40 of 45
single page version

background image
: પોષ : ૨૪૯૬ : ૩૭ :
(૬) એક જીવ છઠ્ઠી નરકેથી નીકળી મનુષ્ય થયો ને પછી મુનિ થયો.–એ સાચું
નથી. છઠ્ઠી નરકેથી નીકળેલો જીવ મનુષ્ય થઈ શકે પણ તે ભવમાં તેને મુનિદશા આવી
શકે નહીં. આ સંબંધમાં નીચે મુજબ નિયમો છે–
* સાતમી નરકેથી નીકળેલો જીવ મિથ્યાત્વસહિત જ ત્યાંથી નીકળે અને તિર્યંચ
જ થાય, મનુષ્ય ન થાય.
* છઠ્ઠી નરકેથી નીકળેલો જીવ સમ્યક્ત્વસહિત પણ નીકળી શકે, ને મનુષ્ય પણ
થઈ શકે, પરંતુ વ્રતધારી થઈ શકે નહીં.
* પાંચમી નરકેથી નીકળેલો જીવ વ્રતધારી થઈ શકે પરંતુ કેવળજ્ઞાન પામી ન
શકે
* ચોથી નરકેથી નીકળેલો જીવ કેવળજ્ઞાની થઈ શકે પણ તીર્થંકર ન થઈ શકે.
* ત્રીજી–બીજી કે પહેલી નરકેથી નીકળેલો જીવ તીર્થંકર પણ થઈ શકે. (પરંતુ
નરકમાંથી આવેલો જીવ ચક્રવર્તી કે બળદેવ–વાસુદેવ થાય નહીં.)
(આ ઉપરાંત ચાર ગતિમાં ગમનાગમન સંબંધમાં જાણવા જેવા બીજા પણ
અનેક નિયમો છે, જે કોઈ વાર આત્મધર્મમાં આપીશું.)
(૭) એક જીવ ચોથી નરકેથી નીકળી મનુષ્ય થઈ, કેવળજ્ઞાન પામી મોક્ષે ગયો,
–એ વાત સંભવી શકે છે. (ઉપરના નિયમો વાંચો.)
(૮) એક જીવ આત્માને ઓળખી મુનિ થયો ને ક્ષપકશ્રેણી માંડી સ્વર્ગે ગયો,–
એમ બને નહીં, ક્ષપકશ્રેણી માંડનાર જીવ તે ભવે મોક્ષ જ પામે, તે કદી સ્વર્ગમાં જાય
નહીં.
(૯) એક જીવ ત્રીજા ગુણસ્થાને મરીને દેવલોકમાં દેવ થયો.–(એ વાત સાચી
નથી, કેમકે ત્રીજા ગુણસ્થાને કોઈ જીવનું મરણ થતું નથી.)
(૧૦) ભરતક્ષેત્રનો કોઈ જીવ સીમંધરપ્રભુ પાસે ગયો ને ક્ષાયિક સમ્યક્ત્વ
પામ્યો,–એ વાત સંભવી શકે છે; પરંતુ પંચમકાળમાં જન્મેલા જીવને માટે તે સંભવતું
નથી કેમકે તે જીવમાં ક્ષાયિક સમ્યક્ત્વની યોગ્યતા નથી.