Atmadharma magazine - Ank 315
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 45
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૭
સળંગ અંક ૩૧૫
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 45
single page version

background image
૩૧પ
સંતો કહે છે હે જીવ!
આ ઘટ–આકારે શરીરમાં
આનંદથી ભરેલો આત્મા છે તે
આનંદનો ઘટ છે. અહા,
આનંદથી ભરેલો આત્મા તારી
પાસે જ પડ્યો છે,–તું જ તે છો,
છતાં તે તને કેમ આનંદિત નથી
કરતો?–કેમકે તેમાં તું તારી
બુદ્ધિને જોડતો નથી, તારી બુદ્ધિ
ક્યાંક બીજે રોકાયેલી છે; એટલે
તારો નિજ–આનંદ તને
ભોગવાતો નથી. જો આનંદમય
સ્વતત્ત્વમાં તારી બુદ્ધિ જોડ તો
તારો આત્મા આનંદિત થાય.
તંત્રી પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર સંપાદક: બ્ર હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૬ પોષ (લવાજમ: ચાર રૂપિયા) વર્ષ ૨૭: અંક ૩

PDF/HTML Page 3 of 45
single page version

background image
પૂ. શ્રી કાનજીસ્વામી (પ્રવાસ–કાર્યક્રમ)
(પૂ. ગુરુદેવના મંગલપ્રવાસનો કાર્યક્રમ હાલમાં નીચે મુજબ નક્કી કરવામાં આવ્યો છે.)
સોનગઢથી પ્રસ્થાન કરીને રાજકોટ તા. ૬–૨–૭૦ પોષ વદ ૦) )
જામનગર:
તા ૭ થી ૧૨ (માહ સુદ ૧ થી ૬)
જસદણ: તા. ૧૩–૧૪
જેતપુર: તા. ૧પ–૧૬–૧૭
ગોંડલ: તા. ૧૮ થી ૨૦
જોરાવરનગર (તા. ૨૧); અમદાવાદ (તા. ૨૨); પાલેજ (તા. ૨૩); સોનગઢ વ્યારા (તા. ૨૪);
ધુલિયા (તા. ૨પ); એદલાબાદ (તા. ૨૬); આકોલા તા. ૨૭
કારંજા: (તા. ૨૮ ફેબ્રુઆરી તથા ૧ માર્ચ)
શિરપુર: (અંતરિક્ષ પાર્શ્વનાથ) તા. ૨ થી ૯ માર્ચ; (પંચકલ્યાણક પ્રતિષ્ઠા ફા. સુ. બીજ તા. ૯)
જલગાંવ: તા. ૧૦ થી ૧પ માર્ચ (વેદીપ્રતિષ્ઠા ફા. સુ. છઠ્ઠ તા. ૧૩)
મલકાપુર: તા. ૧૬ થી ૧૯ (ફા. સુ. ૯ થી ૧૨)
ખંડવા: તા. ૨૦ થી ૨૩
રતલામ: તા. ૨૪–૨પ
દાહોદ: તા. ૨૬–૨૭
અમદાવાદ: તા. ૨૮–૨૯
વઢવાણ: તા. ૩૦–૩૧
રાજકોટ: એપ્રિલ તા. ૧ થી ૧પ (ફા. વદ ૧૦ થી ચૈત્ર સુદ ૯)
મોરબી: તા. ૧૬–૧૭ (ચૈત્ર સુદ ૧૦–૧૧)
વાંકાનેર: તા. ૧૮–૧૯ (ચૈત્ર સુદ ૧૨–૧૩)
લાઠી: તા. ૨૦–૨૧
સાવરકુંડલા: તા. ૨૨ થી ૨પ
કાનાતળાવ: તા. ૨૬ થી ૨૯ (વેદીપ્રતિષ્ઠા ચૈત્ર વદ આઠમ તા. ૨૯)
લાઠી: તા. ૩૦
ભાવનગર: તા. ૧ થી ૮ મે (પંચકલ્યાણકપ્રતિષ્ઠા વૈ. સુદ ત્રીજ તા. ૮)
પુન: સોનગઢ પ્રવેશ વૈશાખ સુદ ૪ તા. ૯–પ–૭૦

PDF/HTML Page 4 of 45
single page version

background image
: પોષ : ૨૪૯૬ : ૧ :

વાર્ષિક લવાજમ ચાર રૂપિયા * વર્ષ ૨૭: અંક ૩ * વીર સં. ૨૪૯૬ પોષ
________________________________________________________________
લાખ વાતની એક વાત–
મોક્ષમાર્ગને માટે ભૂતાર્થરૂપ
શુદ્ધ આત્માને લક્ષમાં લ્યો
(માગશર વદ ૯ ના પ્રવચનમાંથી)
માગશર સુદ ૧૨ થી તેર દિવસ સુધી પ્રવચનો બંધ
રહ્યા પછી માગશર વદ નોમના રોજ જ્યારે મંગલ પ્રવચન
શરૂ થયા ને સમ્યગ્દર્શનનો સુંદર માર્ગ ગુરુદેવે બતાવ્યો, ત્યારે
એ સમ્યક્–મેઘવર્ષાને ચાતકડાંની જેમ ઝીલીને શ્રોતાઓ
ઉલ્લસિત થયા; અને જાણે આનંદના ઘડા ભરીભરીને અમૃત
વરસતું હોય–એમ નવા જ ઉમંગથી સોનગઢનું વાતાવરણ
ઝબકી ઉઠયું. એ પ્રવચનનો સાર અહીં આપ્યો છે.
જિજ્ઞાસુ શિષ્ય પૂછે છે–પ્રભો! સમ્યગ્દર્શન કેમ થાય?
તેને આચાર્યદેવ સમજાવે છે કે ભૂતાર્થરૂપ શુદ્ધનય વડે શુદ્ધ
આત્માની અનુભૂતિ કરતાં સમ્યગ્દર્શન થાય છે; અશુદ્ધતાને
બતાવનારો બધોય વ્યવહારનય અભૂતાર્થ છે, કેમકે તે
આત્માના અશુદ્ધસ્વરૂપને દેખાડે છે, આત્માના શુદ્ધસ્વરૂપને તે
વ્યવહારનય બતાવતો નથી. પર્યાયમાં કર્મનો સંબંધ અને
રાગ–દ્વેષાદિ અશુદ્ધભાવો છે તે વ્યવહારનયનો વિષય છે; તે
અશુદ્ધભાવો આત્માની અવસ્થામાં હોવા છતાં, શુદ્ધનય વડે
જોતાં તેમનાથી રહિત અભેદ

PDF/HTML Page 5 of 45
single page version

background image
: ૨ : : પોષ : ૨૪૯૬
શુદ્ધસ્વરૂપ આત્મા અનુભવાય છે; ને આવા શુદ્ધ આત્માનો અનુભવ કરતાં જ
સમ્યગ્દર્શન થાય છે.
સમયસારની ૧૧ મી ગાથા જૈનશાસનનો પ્રાણ છે, તેમાં સમ્યગ્દર્શનનો અમોઘ
ઉપાય આચાર્યદેવે બતાવ્યો છે.
વ્યવહારનય અભૂતાર્થ છે–એટલે શું? કે વ્યવહાર જેટલો જ આત્મા
અનુભવતાં શુદ્ધ આત્મા અનુભવમાં આવતો નથી; તેથી સમ્યગ્દર્શનને માટે તે
વ્યવહારનય અનુસરવા જેવો નથી; એ જ રીતે સમ્યગ્જ્ઞાન માટે, સમ્યક્ચારિત્ર માટે
પણ વ્યવહારનય અનુસરવા જેવો નથી; શુદ્ધ આત્માનો જ આશ્રય કરવા જેવો છે
કેમકે તેના જ આશ્રયે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર થાય છે. મોક્ષમાર્ગ શુદ્ધ આત્માના
આશ્રયે થાય છે. માટે શુદ્ધ આત્માનું સ્વરૂપ દેખાડનારો શુદ્ધનય જ ભૂતાર્થ છે. અને
વ્યવહારનય બધોય અભૂતાર્થ છે.
કર્મનો સંબંધ બતાવનારો વ્યવહારનય હો કે અશુદ્ધપર્યાયને બતાવનારો
વ્યવહારનય હો. નિર્મળ પર્યાયના ભેદરૂપ વ્યવહાર હો કે ગુણગુણીભેદરૂપ સૂક્ષ્મ
વ્યવહારનો વિકલ્પ હો,–તે કોઈના આશ્રયે આત્માનું સમ્યગ્દર્શન થતું નથી; એકરૂપ જે
ભૂતાર્થ શુદ્ધસ્વભાવ, તેના જ આશ્રયે સમ્યગ્દર્શન થાય છે.
શુદ્ધનય પોતે પર્યાય છે; પણ તેનો વિષય અખંડ શુદ્ધ આત્મા છે; અહીં તે
નય અને નયનો વિષય બંનેને અભેદ ગણીને ‘શુદ્ધનય તે ભૂતાર્થ છે’ એમ કહ્યું છે,
કેમકે શુદ્ધનયની પર્યાય અંતરમાં અભેદ થાય છે. ‘જ્ઞાન તે આત્મા’ એવા
ગુણભેદના સૂક્ષ્મ વિકલ્પો વડે પણ આત્મા પકડાય નહીં, તો પછી બીજા અશુદ્ધતાના
સ્થૂળ વિકલ્પની તો વાત જ શી? વ્યવહારના જેટલા પ્રકારો છે તે બધોય વ્યવહાર
આશ્રય કરવા જેવો નથી; અને શુદ્ધનિશ્ચય કે જે એક પ્રકારનો જ છે, તે જ એક
આશ્રય કરવા જેવો છે. તે એક સ્વભાવને દેખનારી અભેદદ્રષ્ટિમાં કોઈ ભેદો દેખાતા
નથી, એટલે વિકલ્પોનું ઉત્થાન તેમાં થતું નથી; અભેદના અનુભવમાં અતીન્દ્રિય
આનંદ અને નિર્વિકલ્પ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર એ બધું સમાય છે; તે જ
મોક્ષમાર્ગ છે. વ્યવહારના આશ્રયે મોક્ષમાર્ગ નથી. શુદ્ધનય ભૂતાર્થ છે, અને તેના જ
આશ્રયે ધર્મી જીવો મોક્ષની પ્રાપ્તિ કરે છે.

PDF/HTML Page 6 of 45
single page version

background image
: પોષ : ૨૪૯૬ : ૩ :
એક કોર શુદ્ધ આત્મા એકરૂપ, તે એક જ ભૂતાર્થ;
એની સામે વ્યવહારના અનેક પ્રકારો, તે બધાય અભૂતાર્થ.
પર્યાયમાં વ્યવહાર છે ખરો, તે સર્વથા નાસ્તિરૂપ નથી; પણ તે વ્યવહારના
આશ્રયે આત્માનો અનુભવ કરવા જાય તો અશુદ્ધતાનો અનુભવ થાય છે અને
સમ્યગ્દર્શનાદિ થતાં નથી; એટલે સમ્યગ્દર્શનને માટે તે વ્યવહારનય અભૂતાર્થ છે. શુદ્ધ
આત્માનો નિર્ણય કોણ કરે છે? તે નિર્ણય તો શુદ્ધસ્વભાવ તરફ ઝુકેલી પર્યાય જ કરે છે.
પણ તે પર્યાયનો ભેદ પાડીને જોતાં શુદ્ધ આત્મા અનુભવમાં નથી આવતો; માટે
વ્યવહારને અભૂતાર્થ કહ્યો છે. નિજભગવાન પૂર્ણ આનંદથી ભરેલો એકરૂપ છે–તેના
આશ્રયે સમ્યગ્દર્શનાદિ થાય છે. માટે કહે છે કે–
લાખ બાતકી બાત યહૈ નિશ્ચય ઉર લાવો,
તોડ સકલ જગદંદ ફંદ નિજ આતમ ધ્યાવો.
અહો, આ ક્ષણભંગુર જીવન! ક્ષણમાં આયુષ્ય પૂરું કરીને જીવો બીજે ચાલ્યા
જાય છે, તેમાં આવો સચ્ચિદાનંદ આત્મા લક્ષગત કરવા જેવો છે; એ જ જન્મ–મરણને
ટાળવાની, ને મોક્ષને પામવાની રીત છે. અરૂપી ચૈતન્ય આત્માને આવા શરીર ધારણ
કરવા પડે એ તો શરમ છે. આત્મા તો અશરીર છે, તેને આવા જન્મ–મરણ શા? તેથી
કહે છે–
ધ્યાન વડે અભ્યંતર દેખે જે અશરીર,
શરમજનક જન્મો ટળે પીએ ન જનની ક્ષીર.
સંયોગના લક્ષે, અશુદ્ધતાના લક્ષે કે ભેદના લક્ષે તો જીવને દુઃખ ઉત્પન્ન થાય છે,
ને પરમાનંદરૂપ સુખ તો પોતાના શુદ્ધઆત્માના લક્ષે જ ઉત્પન્ન થાય છે. માટે આચાર્યદેવ
કહે છે કે હે જીવો! તમે તમારા ભૂતાર્થ સ્વભાવને જાણીને તેનો જ આશ્રય કરો. તે જ
કલ્યાણનો માર્ગ છે. એ સિવાય બીજું બધું અસત્ય છે.
પાણીનું દ્રષ્ટાંત આપીને આત્માનું શુદ્ધસ્વરૂપ સમજાવે છે;–જેમ પાણીનો નિર્મળ
સ્વભાવ છે, કાદવ તેનો સ્વભાવ નથી; તેમ આત્મા જ્ઞાયકભાવસ્વરૂપ એક શુદ્ધ વસ્તુ છે
તે ભૂતાર્થ છે, ને સંયોગીભાવો કે ભેદના વિકલ્પો તે એનું સ્વરૂપ નથી. ત્યાં, જેમ સ્વચ્છ
પાણી અને મલિન કાદવ, એ બંનેનો ભેદ નહિ ઓળખનારા ઘણા જીવો પાણીને મેલું
સમજીને તેને

PDF/HTML Page 7 of 45
single page version

background image
: ૪: : પોષ : ૨૪૯૬
મલિન જ અનુભવે છે. અને કેટલાક જીવો પોતાના હાથે નિર્મળી ઔષધિ નાંખીને, જળ
અને કાદવને ભિન્ન કરીને, સ્વચ્છ જળને અનુભવે છે. અહીં શુદ્ધનય છે તે નિર્મળી
ઔષધિ જેવો છે. આત્મા સહજ એક નિર્મળ જ્ઞાયક ભાવરૂપ છે, તે શુદ્ધ છે; તેની
અવસ્થામાં કર્મના સંબંધથી અશુદ્ધતા છે એટલે જ્ઞાયકભાવ ઢંકાય ગયો છે–પર્યાયમાં
પ્રગટ નથી. ત્યાં અશુદ્ધતાને જ જોનારા, વ્યવહારમાં જ વિમોહિત હૃદયવાળા અજ્ઞાની
જીવો આત્માને અશુદ્ધ અનેકરૂપ જ અનુભવે છે, એકરૂપ જ્ઞાયકભાવને તેઓ ઓળખતા
નથી. પણ વિરલા સમ્યગ્દ્રષ્ટિ જ્ઞાનીજીવો તો, નિર્મળી ઔષધિ જેવા શુદ્ધ નયવડે આત્મા
અને કર્મની અત્યંત ભિન્નતા જાણીને, શુદ્ધઆત્માને દેખે છે, શુદ્ધનયના બોધરૂપ
ભેદજ્ઞાન વડે પરભાવોથી ભિન્ન એવા જ્ઞાયકભાવને પ્રગટ અનુભવે છે. શુદ્ધનયવડે
તેઓ જ સાચા આત્માને દેખતા હોવાથી સમ્યગ્દ્રષ્ટિ છે. જેઓ આવા શુદ્ધઆત્માને નથી
દેખતા, ને વ્યવહારનો આશ્રય કરીને આત્માને અશુદ્ધ જ અનુભવે છે તેઓ સમ્યગ્દ્રષ્ટિ નથી.
શુદ્ધ આત્માને ઓળખ્યા વગર, અનુભવ્યા વગર બીજી કોઈ રીતે સમ્યગ્દર્શન થાય નહીં.
અહો, આચાર્યદેવે આ ગાથામાં સમ્યગ્દર્શનનું સ્વરૂપ બતાવીને જૈનદર્શનનું
રહસ્ય ખોલ્યું છે. લાખ વાતની એક વાત છે કે–હે જીવો! મોક્ષમાર્ગને માટે તમે
શુદ્ધનયવડે શુદ્ધઆત્માને જાણીને તેનો જ આશ્રય કરો.
જીવનું જીવન
સિદ્ધ ભગવાન પણ જીવ છે; તેઓ રાગ–દ્વેષ અને
શરીર વગર, સદાય જ્ઞાન–આનંદમય જીવન જીવે છે.
તેમનો મહિમા વચનઅગોચર છે.
સિદ્ધભગવંતો સ્વયં પોતાના જ્ઞાન–આનંદમય
જીવનને ઉપજાવે છે, પણ ભાવકર્મ કે દ્રવ્યકર્મને ઉપજાવતા
નથી.
સંસારી જીવોને ચારગતિરૂપે ઊપજાવામાં રાગ–દ્વેષ
અજ્ઞાનભાવ તે કારણ છે, તથા દ્રવ્યકર્મ તેનું નિમિત્તકારણ
છે. પણ સિદ્ધભગવંતો પોતાના સ્વભાવ–પરિણામથી જ
સહજ જ્ઞાન–આનંદરૂપે ઊપજે છે, તેમાં બીજું કોઈ કારણ
નથી. કેમકે આત્માનો સ્વભાવ જ જ્ઞાન–આનંદમય છે; તે શરીરના સંબંધ વગર જ
ચૈતન્યપ્રાણથી જીવે છે. અને આવું સિદ્ધપદ તે આત્માનું નિજઘર છે.
અજ્ઞાની પોતાના આવા સ્વભાવને ભૂલીને રાગ–દ્વેષ–અજ્ઞાનથી તથા શરીરનાં
સંયોગથી પોતાનું જીવત્વ માને છે. સાચા જીવત્વની તેને ખબર નથી, પોતાના
નિજઘરની તેને ખબર નથી. જ્ઞાન–આનંદમય નિજઘરમાં રહીને સિદ્ધભગવંતો
ચૈતન્યજીવન જીવે છે. તે જ સાચું જીવન છે.

PDF/HTML Page 8 of 45
single page version

background image
: પોષ : ૨૪૯૬ : પ :
સત્રૂપ દ્રવ્યનાં લક્ષણનું ત્રણ પ્રકારે કથન
(પંચાસ્તિકાય ગાથા ૮ થી ૧૧ ના પ્રવચનમાંથી)
સૂક્ષ્મતાથી વસ્તુનું સ્વરૂપ સમજાવતો આ લેખ
ગતાંકમાં સ્થળ–સંકોચને કારણે બાકી રહી ગયેલ, તે
અહીં આપીએ છીએ. સંતોએ કહેલું આવું સત્નું સ્વરૂપ
સમજતાં, પોતાની સ્વ–પર્યાયને માટે પરની સામે
જોવાનું રહેતું નથી; પરથી ભિન્ન પોતાના દ્રવ્યની
સન્મુખતા થાય છે. આ રીતે સત્ના જ્ઞાનવડે પરાશ્રિત
બુદ્ધિ મટે છે, ભેદજ્ઞાન થાય છે ને મોક્ષમાર્ગ પ્રગટે છે.
અહો! સર્વજ્ઞદેવે કહેલું તત્ત્વજ્ઞાન અપૂર્વ ભેદજ્ઞાન
કરાવીને સ્વસન્મુખતા અને વીતરાગતા કરાવે છે.
નિત્ય–અનિત્ય સ્વરૂપ જે સત્ વસ્તુ, તેનું અસ્તિત્વ આઠમી ગાથામાં બતાવ્યું;
હવે એવા અસ્તિરૂપ–સત્રૂપ જે દ્રવ્યો તેમનું સ્વરૂપ કેવું છે તે ઓળખાવે છે.
ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ જે સત્ દ્રવ્ય છે, તે દ્રવ્ય પોતાની સદ્ભાવપર્યાયને પોતે
જ દ્રવે છે, પોતે જ દ્રવીને તે રૂપે પરિણમે છે. પોતાની સુખ કે દુઃખપર્યાયરૂપે
આત્મદ્રવ્ય પોતે પરિણમે છે. એટલે, પ્રતિકૂળ સંયોગને કારણે દુઃખ થયું–અથવા
અનુકૂળ સામગ્રીને કારણે સુખ થયું એમ નથી. દુઃખપર્યાયને પરદ્રવ્ય નથી દ્રવતું,
પણ આત્મદ્રવ્ય પોતાની તે પર્યાયને દ્રવે છે; અને સુખપર્યાયને, જ્ઞાનપર્યાયને,
શ્રદ્ધાપર્યાયને, અનંતગુણોની પર્યાયને આત્મા પોતે દ્રવે છે. આત્માના ગુણપર્યાયનું
વિદ્યમાનપણું કોઈ બીજાના કારણે નથી.
જેમ વિદ્યમાન વસ્તુ પોતાથી જ સત્ છે, તેનું સત્પણું–હોવાપણું બીજાને કારણે
નથી; તેમ તેના ગુણો–પર્યાયો પણ પોતાથી જ છે, કેમકે પોતે ગુણપર્યાયસ્વરૂપ છે;
તેમજ તેના ઉત્પાદ–વ્યય–ધ્રુવ પણ પોતાથી છે, કેમકે સત્ પોતે ઉત્પાદ–વ્યય–ધ્રુવસ્વરૂપ
છે. આમ દરેક વસ્તુ સ્વભાવથી જ ગુણપર્યાયસ્વરૂપ, ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ અને સત્
સ્વરૂપ છે.

PDF/HTML Page 9 of 45
single page version

background image
: ૬ : : પોષ : ૨૪૯૬
દુઃખ પરથી ઊપજ્યું એમ જેણે માન્યું તેણે પોતાનું સત્પણું પોતાથી ન માન્યું,
એટલે પોતાની ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ સ્વાધીન સત્તાને ન જાણી.
અજ્ઞાનદશા ટળીને સ્વભાવના આશ્રયે જ્ઞાનદશા ઉપજી, અથવા શ્રુતજ્ઞાન
પલટીને કેવળજ્ઞાન પર્યાય ઉપજી, તે ઉત્પાદ કોની સત્તામાં થયો?–કે જીવની સત્તામાં
થયો. વજ્રશરીર વગેરેનાં કારણે તે ઉત્પાદ નથી થયો.
આ પ્રમાણે સર્વત્ર પોતાનું સત્પણું પોતાથી જાણે અને પરનું સત્પણું પરથી
જાણે તો સત્ના જ્ઞાનવડે પરાશ્રિતબુદ્ધિ મટે, ભેદજ્ઞાન થાય ને મોક્ષમાર્ગ પ્રગટે.
સર્વજ્ઞદેવે જોયેલા વિશ્વના સત્સ્વરૂપનું આ કથન છે. જગતના સત્ દ્રવ્યો ત્રણ
પ્રકારે ઓળખાય છે, અર્થાત્ ત્રણ પ્રકારનાં લક્ષણથી તે ઓળખાય છે.–
(૧) સત્ લક્ષણ વડે દ્રવ્ય ઓળખાય છે.
(૨) ઉત્પાદ–વ્યય–ધ્રુવ લક્ષણ વડે દ્રવ્ય ઓળખાય છે.
(૩) ગુણ–પર્યાયોરૂપ લક્ષણ વડે દ્રવ્ય ઓળખાય છે.
જગતની જડ કે ચેતન કોઈ પણ વસ્તુમાં આવા ત્રણ લક્ષણો હોય છે. અને
પોતાનાં તે–તે લક્ષણ વડે જ તે–તે દ્રવ્ય લક્ષિત થાય છે. એકના અસ્તિત્વ વડે બીજાનું
અસ્તિત્વ લક્ષિત થતું નથી, અથવા એક દ્રવ્યના ઉત્પાદ વડે કે તેનાં ગુણ–પર્યાયવડે
બીજું દ્રવ્ય લક્ષિત થતું નથી. જેનાં ગુણ હોય તે વડે તે દ્રવ્ય જ લક્ષિત થાય છે.
જેમકે જીવની અવસ્થામાં દયાનો ભાવ ઊપજ્યો તે દયાવાળા જીવનું અસ્તિત્વ
લક્ષિત કરાવે છે, પણ તે ઉત્પાદ બીજાને લક્ષિત કરાવતો નથી. એક પદાર્થનાં ઉત્પાદ–
વ્યય–ધૌવ્યથી તે પદાર્થ લક્ષિત થાય છે, પણ એકના ઉત્પાદ–વ્યય–ધ્રુવ વડે બીજો પદાર્થ
લક્ષિત થતો નથી. દરેક દ્રવ્યનાં ઉત્પાદ–વ્યય–ધૌવ્ય કે ગુણપર્યાયો પોતપોતામાં જ છે,
અને તેમનાથી તે દ્રવ્ય અભિન્ન છે.
સમ્યગ્દર્શનાદિ ધર્મપર્યાય ઉત્પન્ન થઈ, તે જીવદ્રવ્યને લક્ષિત કરાવે છે; પણ તે
પર્યાય વાણી વગેરે નિમિત્તોને લક્ષ કરતી નથી; વાણી પર્યાય વડે તેનાં
પુદ્ગલપરમાણુઓ લક્ષિત છે, તેનાં વડે જીવદ્રવ્ય લક્ષિત નથી.
વસ્તુનું પોતાનું જે લક્ષણ હોય, અથવા વસ્તુના જે ધર્મો હોય તે પોતામાં જ હોય
છે, પોતાથી ભિન્ન હોતાં નથી.

PDF/HTML Page 10 of 45
single page version

background image
: પોષ : ૨૪૯૬ : ૭ :
પોતાના ઉત્પાદ–વ્યય–ધ્રુવથી દ્રવ્ય જુદું નથી. સ્વભાવથી જ ઉત્પાદ–વ્યય–ધ્રુવ
ત્રણે એક સાથે વર્તે છે, એવા ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ દ્રવ્ય છે.
પોતાના ગુણ–પર્યાયોથી દ્રવ્ય જુદું નથી; ગુણ–પર્યાયોનો આધાર તે જ દ્રવ્ય છે.
પોતાની સત્તાથી દ્રવ્ય જુદું નથી.
આ રીતે દરેક દ્રવ્ય પોતાનાં સ્વલક્ષણ વડે જ લક્ષિત થાય છે, પરથી તેને
ભિન્નપણું છે.
સર્વજ્ઞદેવે જગતના દરેક દ્રવ્યનું આવું સ્વરૂપ જોયું છે; તે સર્વજ્ઞ સિવાય બીજા
કોઈ મતમાં યથાર્થ હોય નહીં. છ દ્રવ્યોમાં કાળ સિવાયનાં પાંચ અસ્તિકાય છે આમ જે
છ પ્રકારનાં દ્રવ્યો સર્વજ્ઞે જોયેલાં છે, તે ત્રણ પ્રકારનાં લક્ષણોથી ઓળખાય છે.
(૧) અનેકાંત સ્વરૂપ વસ્તુમાં અનંત ધર્મો છે તેમાંથી ‘સત્તા’ પણ એક ધર્મ છે,
તે દ્રવ્યનું સ્વરૂપ છે; તે લક્ષણવડે દ્રવ્યનું અસ્તિત્વ ઓળખાય છે. સત્તા અને દ્રવ્ય
અભિન્ન હોવા છતાં તેમાં લક્ષણ–લક્ષ્યપણું છે.
(૨) દ્રવ્યનું બીજું લક્ષણ છે–ઉત્પાદ–વ્યય–ધૌવ્ય. જીવ તે જીવ, ને અજીવ તે
અજીવ. એમ પોતાની જાત છોડ્યા વગર જે ક્રમરૂપ ભાવોનો પ્રવાહ ચાલે છે તેમાં નવા
ભાવની ઉત્પત્તિ તે ઉત્પાદ, તે જ ક્ષણે પૂર્વના ભાવનો વિનાશ તે વ્યય; અને
સ્વજાતિપણે વસ્તુનું સળંગ ટકવું તે ધ્રુવતા. આવા ઉત્પાદ–વ્યય–ધ્રુવ તે દ્રવ્યનું સ્વરૂપ છે.
ભાષાનો ઉત્પાદ થયો તેના વડે પુદ્ગલદ્રવ્ય લક્ષિત થાય છે, તે પુદ્ગલની
સ્વજાત છે. ભાષાનું પ્રગટવું તે પુદ્ગલના અસ્તિત્વમાં છે, જીવમાં નહીં. અને જ્ઞાનની
પર્યાયનો ઉત્પાદ તે જીવનો ભાવ છે, તેના વડે જીવદ્રવ્યનું અસ્તિત્વ લક્ષિત થાય છે.
જીવની પર્યાયનો પ્રવાહ જ્ઞાનમય જ હોય, એકપર્યાય જ્ઞાનરૂપ હોય ને બીજી પર્યાય
જડરૂપ હોય એમ ન બને; પુદ્ગલની બધી પર્યાયો જડરૂપ હોય. આમ પદાર્થના ઉત્પાદ–
વ્યય–ધ્રુવ પોતાની સ્વજાતને છોડતા નથી; જડ–ચેતન એકબીજામાં ભળી જતા નથી
આવો સત્ સ્વભાવ છે. જીવ ત્રણે કાળે જીવ રહે; અજીવ ત્રણેકાળે અજીવ રહે. જીવ કે
અજીવ તે સૌ પોતપોતાના ઉત્પાદ–વ્યય–ધ્રુવમાં જ વર્તે છે. તે દ્રવ્ય પોતાના ઉત્પાદ–
વ્યય–ધ્રુવથી અભિન્ન છે. વસ્તુમાં એક સમયમાં ઉત્પાદ–વ્યય–ધ્રુવનું એકસાથે હોવું એ
વાત સર્વજ્ઞ સિવાય કોઈના મતમાં હોય નહીં. ઉત્પાદ–વ્યય–ધ્રુવ તો દ્રવ્યનું લક્ષણ છે, તે
બીજા વડે અપાતું નથી. વિશ્વની વસ્તુઓ જ સ્વયંસિદ્ધ એવા સ્વભાવવાળી છે.

PDF/HTML Page 11 of 45
single page version

background image
: ૮ : : પોષ : ૨૪૯૬
ઉત્પાદ–વ્યય થવા છતાં વસ્તુમાં સ્વજાતિનો ત્યાગ નથી; સ્વજાતિનો અત્યાગ
તેનું નામ ધ્રુવતા છે. જીવમાં મતિજ્ઞાનાદિ પર્યાયનો વ્યય થવા છતાં તે જીવ પોતાની
ચેતન–જાતને છોડતો નથી; નવી પર્યાય ઊપજે તે પણ ચેતન–જાતને છોડયા વગર જ
ઊપજે છે. ચેતનપણું સળંગ નિત્ય ટકી રહે છે. એ જ રીતે છએ દ્રવ્યોમાં પોતપોતાની
જાતનો અત્યાગ છે, તેની જાત કદી બદલતી નથી. મિથ્યાત્વ છૂટીને સમ્યક્ત્વ નવું પ્રગટે
પણ જીવ તો જીવ જ રહે છે. મિથ્યાત્વનો નાશ થતાં જીવનો નાશ થઈ જતો નથી. અને
સમ્યક્ત્વ ઉત્પન્ન થતાં જીવ કાંઈ નવો ઉત્પન્ન થતો નથી. બંને અવસ્થામાં જીવનું
જીવપણું ટકી રહે છે. એ જ રીતે પુદ્ગલની સર્વ અવસ્થાઓમાં પુદ્ગલદ્રવ્ય પુદ્ગલપણે
ટકે છે, કોઈ જીવ દેવમાંથી મનુષ્ય થયો, કે મનુષ્યમાંથી દેવ થયો, છતાં ચેતનરૂપ જીવ તે
તો ચેતનરૂપ જ રહ્યો.
ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ જે લક્ષણ છે તે ત્રણે યુગપત વર્તે છે, ને દ્રવ્યના
સ્વભાવભૂત છે. દ્રવ્ય પોતે જ એવા ઉત્પાદ–વ્યય–ધ્રુવ સ્વભાવવાળું છે. આ ઉત્પાદ–
વ્યય–ધ્રુવ સામાન્ય આદેશે દ્રવ્યથી અભિન્ન છે; ને વિશેષ આદેશે તેઓ દ્રવ્યથી ભિન્ન છે,
કેમકે ઉત્પાદ, વ્યય અને ધ્રુવ એ પ્રત્યેક એકેક અંશની અપેક્ષાએ છે.
આવા ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ લક્ષણવડે દ્રવ્યનું સ્વરૂપ ઓળખાય છે, ઉત્પાદ–વ્યય–
ધ્રુવ ત્રણે વચ્ચે સમયભેદ નથી. દ્રવ્યમાં એક સમયમાં ત્રણે એકસાથે વર્તે છે.
(૩) ત્રીજા પ્રકારે દ્રવ્યનું લક્ષણ ‘ગુણ–પર્યાય’ છે. ગુણપર્યાયવત્ દ્રવ્ય છે.
ગુણ એટલે અન્વયરૂપ વિશેષો; એકરૂપ રહેનારા વિશેષો;
પર્યાય એટલે વ્યતિરેકરૂપ વિશેષો; બદલાતા વિશેષો.
આવા ગુણો દ્રવ્યમાં એકસાથ વર્તે છે; ને પર્યાયો ક્રમે વર્તે છે. આ ગુણપર્યાયો તે
દ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે ને કથંચિત્ અભિન્ન છે, તથા સ્વભાવભૂત છે. આવું દ્રવ્યનું
સ્વરૂપ છે.
આ ત્રણે લક્ષણનાં ૩ સૂત્રો તત્ત્વાર્થસૂત્રમાં આવે છે–
. सत् द्रव्यलक्षणम्।
. उत्पादव्ययधौव्ययुक्तं सत्।
. गुणपर्ययवत् द्रव्यम्।

PDF/HTML Page 12 of 45
single page version

background image
: પોષ : ૨૪૯૬ : ૯ :
કુંદકુંદભગવાનનાં શાસ્ત્રમાં એ બધાનાં મૂળિયાં છે. તેમણે વસ્તુસ્વરૂપનું
અલૌકિક વર્ણન કર્યું છે. મોક્ષશાસ્ત્ર કુંદકુંદાચાર્યદેવના શિષ્ય ઉમાસ્વામીએ બનાવ્યું છે.
વસ્તુના જે ઉત્પાદ–વ્યય–ધ્રુવ છે તે ત્રણે ભાવો વસ્તુના સ્વભાવભૂત છે, કેમકે
વસ્તુના પોતાના તે ભાવો છે. જડના ઉત્પાદ–વ્યય–ધ્રુવ જડના સ્વભાવભૂત, ને
આત્માના ઉત્પાદ–વ્યય–ધ્રુવ આત્માના સ્વભાવભૂત છે. પછી રાગપર્યાય હોય કે
વીતરાગપર્યાય હોય, પણ જીવની તે પર્યાય પરથી જુદી છે, ને જીવથી અભિન્ન છે, એમ
સ્વ–પર દ્રવ્યની વહેંચણી કરવી છે. પછી આવી વહેંચણીનું ફળ વીતરાગતા આવે છે,–તે
સમજાવશે.
વસ્તુનું અસ્તિત્વ ત્રણ લક્ષણથી બતાવ્યું, તે ત્રણે લક્ષણો સાથે જ હોય છે. એક
લક્ષણ કહેતાં બાકીનાં બે લક્ષણો પણ તેમાં આવી જ જાય છે.
(૧) જે સત્ હોય તે–
ઉત્પાદ–વ્યય–ધ્રુવવાળું હોય, અને ગુણપર્યાયવાળું હોય.
(૨) જે ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ હોય તે–
સત્ હોય, અને ગુણપર્યાયોવાળું હોય.
(૩) જે ગુણ–પર્યાયોવાળું હોય તે–
સત્ હોય, અને ઉત્પાદ–વ્યય–ધ્રુવવાળું હોય.
આવા જ લક્ષણવાળું વસ્તુસ્વરૂપ છે. જો આમ ન હોય તો વસ્તુ જ ન હોઈ શકે,
તે સમજાવે છે:–
सत् द्रव्यलक्षणम्
જો વસ્તુમાં સતપણું ન હોય તો–ઉત્પાદ–વ્યય–ધ્રુવતા કે ગુણ–પર્યાય શેમાં રહે?
સત્ વસ્તુ નિત્ય–અનિત્યસ્વરૂપ હોય છે; તેમાં નિત્યતા કહેતાં ધૌવ્ય જાહેર થાય
છે ને અનિત્યતા કહેતાં ઉત્પાદ–વ્યય જાહેર થાય છે, એ રીતે સત્ને ઉત્પાદ–વ્યય–ધ્રુવપણું
પણ છે.
તથા ઉત્પાદ–વ્યય–ધ્રુવ–તેમાં ધ્રુવ કહેતાં ગુણો, અને ઉત્પાદ–વ્યય કહેતાં પર્યાયો,
તે ગુણ–પર્યાયો સાથે વસ્તુનું એકપણું દર્શાવે છે એટલે કે વસ્તુને ગુણપર્યાયવાળી જાહેર
કરે છે. આમ ‘સત્’ કહેતાં ત્રણે લક્ષણો એક સાથે જાહેર થાય છે એટલે કે જ્ઞાનમાં આવે
છે. ‘સત્’ ને પોતાના ગુણ–પર્યાયની સાથે એકતા છે, પણ બીજાના

PDF/HTML Page 13 of 45
single page version

background image
: ૧૦ : : પોષ : ૨૪૯૬
ગુણ–પર્યાય સાથે એકતા નથી. વસ્તુના ઉત્પાદ–વ્યય–ધ્રુવ કોઈ બીજાને જાહેર નથી
કરતા, પરને જાહેર નથી કરતા, પણ પોતાના ગુણ–પર્યાયો સાથે જ એકતાને જાહેર કરે
છે. પરથી તો જુદાપણું જાહેર કરે છે. આવું ભેદજ્ઞાન કરીને સ્વસન્મુખ થવું તે તાત્પર્ય
છે.
उत्पाद–व्यय–धौव्ययुक्तं सत्
હવે જેમ દ્રવ્યને ‘સત્’ કહેતાં બાકીનાં બે લક્ષણ પણ તેમાં આવી જાય છે, તેમ
દ્રવ્યને ઉત્પાદ–વ્યય–ધ્રુવલક્ષણવાળું કહેતાં તેમાં પણ બાકીનાં બે લક્ષણ આવી જાય છે.
ધ્રુવપણું કહેતાં નિત્યતા આવી, ને ઉત્પાદ–વ્યય કહેતાં અનિત્યતા આવી; એ રીતે નિત્ય–
અનિત્યસ્વરૂપ પારમાર્થિક સત્ જણાય છે.
તેમજ, ધ્રુવપણું ગુણાંશ–અપેક્ષાએ છે ને ઉત્પાદ–વ્યયપણું પર્યાય–અપેક્ષાએ છે;
એ રીતે ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ વસ્તુમાં ગુણ–પર્યાયો પણ જાહેર થાય છે. ગુણ–પર્યાય વડે
જ ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ વસ્તુનું સ્વરૂપ ઓળખાય છે, તેથી ગુણ–પર્યાય તે વસ્તુના
સ્વરૂપની પ્રાપ્તિમાં કારણભૂત છે. ગુણ વડે ધ્રુવતાની પ્રાપ્તિ છે ને પર્યાય વડે ઉત્પાદ–
વ્યયની પ્રાપ્તિ છે. વસ્તુને ઉત્પાદ–વ્યય–ધ્રુવવાળી કહેતાં તે ગુણ–પર્યાયવાળી છે એમ પણ
આવી જ જાય છે. ગુણ–પર્યાયો વગર ઉત્પાદ–વ્યય–ધ્રુવ સિદ્ધ થઈ શકે નહીં. આ રીતે,
વસ્તુને ઉત્પાદ–વ્યય–ધ્રુવ લક્ષણવાળી કહેતાં તેમાં બાકીનાં બે લક્ષણો (સત્પણું અને
ગુણ–પર્યાય) પણ આવી જાય છે.
गुण–पर्ययवत् द्रव्यम्
હવે, જેમ સત્ કહેતાં બાકીનાં બે લક્ષણ પણ આવી જાય છે, અને ઉત્પાદ–વ્યય–
ધ્રુવ કહેતાં પણ બાકીનાં બે લક્ષણ પણ આવી જાય છે, તેમ વસ્તુને ગુણ–પર્યાયવાળી
કહેતાં તેમાં પણ બાકીનાં બે લક્ષણો (સત્પણું અને ઉત્પાદ–વ્યય–ધ્રુવ) પણ આવી જાય
છે. વસ્તુમાં અન્વયરૂપ ગુણો તો ધ્રુવતા સૂચવે છે, અને વ્યતિરેકરૂપ પર્યાયો ઉત્પાદ–
વ્યયને સૂચવે છે, આ રીતે ગુણ–પર્યાયો તે ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ વસ્તુ જણાવે છે. ધ્રુવતા
વગર ગુણ ન હોય, ને ઉત્પાદ–વ્યય વગર પર્યાયો ન હોય.
વળી ગુણ–પર્યાયમાં, ગુણ તે તો કાયમ ટકનાર નિત્ય છે, અને પર્યાયો ક્ષણે ક્ષણે
ઉત્પત્તિ–વિનાશરૂપ અનિત્ય છે; એ રીતે નિત્ય–અનિત્ય સત્ વસ્તુને ગુણ–પર્યાયો
પ્રસિદ્ધ કરે છે.

PDF/HTML Page 14 of 45
single page version

background image
: પોષ : ૨૪૯૬ : ૧૧ :
આમ વસ્તુમાં ત્રણે લક્ષણ એક સાથે છે–સત્પણું, ઉત્પાદ–વ્યય–ધ્રુવપણું અને
ગુણ–પર્યાયવંતપણું. ત્રણમાંથી કોઈ પણ પ્રકાર દ્વારા વસ્તુને લક્ષમાં લેતાં ત્રણે પ્રકારનાં
લક્ષણ તેમાં આવી જ જાય છે; એવું જ વસ્તુસ્વરૂપ છે. અહો, અલૌકિક વસ્તુ સ્વરૂપ
સર્વજ્ઞદેવે જૈનશાસનમાં પ્રસિદ્ધ કર્યું છે.
ઉત્પાદ–વ્યય–ધ્રુવને દ્રવ્યનું લક્ષણ કહ્યું; તે લક્ષણને બે નયોથી વિભક્ત કરીને કહે
છે કે ધ્રુવપણું તો દ્રવ્યાર્થિકનયથી છે, ને ઉત્પાદ–વ્યય તે પર્યાયાર્થિકનયથી છે. સત્ને
ઉત્પાદ–વ્યય વગરનું કહેવું, તેને જ વળી ઉત્પાદ–વ્યયવાળું કહેવું,–તેમાં શું વિરોધ છે?
ના; આ બધું નિરવદ્ય છે, નિર્બાધ છે, કેમકે દ્રવ્ય અને પર્યાયોનું અભિન્નપણું છે, તેથી
એક જ વસ્તુમાં બે નયવડે એ બંને પ્રકાર સંભવે છે, તેમાં કાંઈ વિરોધ નથી. વસ્તુના
સહવર્તી પર્યાયો એટલે કે સહવર્તી અંશો, એટલે કે ગુણો, તેની અપેક્ષાએ દ્રવ્યને ધ્રુવતા
છે, અનાદિ અનંત સત્ એવું દ્રવ્ય તેને ઉત્પત્તિ કે વિનાશ નથી. અને ક્રમવર્તી પર્યાયોની
અપેક્ષાએ વસ્તુમાં ઉત્પાદ–વ્યય છે. ઉત્પાદ–વ્યય ને ધ્રુવ તે પર્યાયોનાં (ભેદોનાં) છે,
અને તે બધા પર્યાયોને દ્રવ્યથી અભિન્નપણું છે, તેથી દ્રવ્ય ઉત્પાદ–વ્યય–ધ્રુવ લક્ષણવાળું
છે.
દ્રવ્ય કદી પર્યાય વિનાનું હોતું નથી; પર્યાય કદી દ્રવ્ય વિનાની હોતી નથી. દ્રવ્ય
અને પર્યાય બંને એક અસ્તિત્વમાં જ રહેલાં છે, એટલે વસ્તુપણે તેમને અભેદ છે. આવું
અસ્તિત્વ તે વસ્તુનો સ્વભાવ છે.
દ્રવ્ય કદી પર્યાય વગરનું હોતું જ નથી એવું સત્નું સ્વરૂપ છે, તો પછી
દ્રવ્યની પર્યાય બીજાને લીધે થાય એ વાત ક્્યાં રહી? અથવા નિમિત્ત ન આવે તો
પર્યાય ન થાય એ વાત ક્્યાં રહી? દ્રવ્ય સત્ હોય તે પર્યાય સહિત જ હોય, પર્યાય
વગર દ્રવ્ય હોય નહીં. એ જ રીતે પર્યાય કદી દ્રવ્ય વગર હોતી નથી. પર્યાય ‘દ્રવ્ય
વગર ન હોય’–એમ કહ્યું પણ પર્યાય ‘નિમિત્ત વગર ન હોય’ એમ ન કહ્યું. પોતાની
પર્યાય માટે પર સામે જોવાનું ન રહ્યું, પરથી ભિન્ન પોતાના દ્રવ્યને જોવાનું રહ્યું.
અહો, સર્વજ્ઞદેવે કહેલું તત્ત્વજ્ઞાન અપૂર્વ ભેદજ્ઞાન કરાવીને, સ્વસન્મુખતા અને
વીતરાગતા કરાવે છે.

PDF/HTML Page 15 of 45
single page version

background image
: ૧૨ : : પોષ : ૨૪૯૬
જે બંધનનું કારણ સમજાવીને તેનાથી છોડાવે છે;
અને મોક્ષનું કારણ બતાવીને તે પ્રગટ કરાવે છે.

*
આત્મા ઉપયોગસ્વરૂપ છે. તે ઉપયોગમાં એકતારૂપ અનુભવ તે સુખ છે; અને તે
મોક્ષનું કારણ છે.
* ઉપયોગને ભૂલીને રાગાદિ પરભાવોમાં એકતાનો અનુભવ તે દુઃખ છે; અને તે
સંસારનું કારણ છે.
* બહારના અનુકૂળ–પ્રતિકૂળ સંયોગ તે સુખ–દુઃખનું કારણ નથી. પોતાના
અજ્ઞાનભાવથી જ જીવ દુઃખી થાય છે, ને પોતાના વીતરાગભાવથી જ જીવ
સુખી થાય છે.
* હવે બહારનો જે અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગ છે તે પણ બીજો જીવ આપી શકતો
નથી, જીવના પોતાના શુભ–અશુભ કર્મના ઉદયઅનુસાર જ તે સંયોગ મળે છે.
* એક જીવ એમ માને કે હું બીજા જીવને અમુક સંયોગ આપીને તેને સુખી કે દુઃખી
કરી દઉં,–તો એમ માનનાર જીવ અજ્ઞાની છે. પરને સુખી–દુઃખી કરવાના
શુભાશુભ ભાવ સાથે જે એકત્વબુદ્ધિ છે તે અજ્ઞાન છે, તે બંધનું કારણ છે, ને તે
સંસારનું મૂળ છે.
* પરજીવનું જીવન કે મરણ તેના આયુઅનુસાર થાય છે; છતાં તેનું જીવન કે મરણ
મેં કર્યું–એમ અજ્ઞાની માને છે. એ જ રીતે મારા જીવન–મરણને બીજો કરે એમ
પણ અજ્ઞાની માને છે.
* હવે પરને મારવા–જીવાડવાનું, કે દુઃખી–સુખી કરવાનું તો જીવ કરી શકતો નથી;
પણ હું તેને મારું–જીવાડું અથવા દુઃખી–સુખી કરું એવા જે પાપ કે પુણ્યના
પરિણામ, તે પરિણામ સાથે ઉપયોગને એકમેક માનીને, અજ્ઞાની ઉપયોગને
મલિન કરે છે, તે મલિન ઉપયોગરૂપ અધ્યવસાન જ બંધનનું કારણ છે.
* ઉપયોગ તે જીવનો નિર્દોષ વીતરાગસ્વભાવ છે; તે ઉપયોગમાં પાપનું કર્તાપણું
માને તે તો મિથ્યાત્વ છે, ને ઉપયોગમાં પુણ્યનું કર્તાપણું માને તો તે પણ
મિથ્યાપણું જ છે, ને તે પણ બંધનું જ કારણ છે, સંસારનું જ કારણ છે.

PDF/HTML Page 16 of 45
single page version

background image
: પોષ : ૨૪૯૬ : ૧૩ :
* પુણ્ય અને પાપ બંનેથી જુદો જે શુદ્ધ ઉપયોગ છે તે જ મોક્ષનું કારણ છે.
* પુણ્ય કે પાપ બંને પરદ્રવ્યના આશ્રયે થાય છે, તે પરાશ્રિતભાવો છોડવા જેવા છે;
* સ્વાશ્રિત એવા શુદ્ધ રત્નત્રયભાવ તે મોક્ષમાર્ગ છે, તે જ આદરણીય છે.
* જેટલા વ્યવહારભાવો છે તે તો બધાય પરદ્રવ્યને આશ્રિત છે; નિશ્ચયરૂપ
મોક્ષમાર્ગ તો શુદ્ધ સ્વદ્રવ્યના જ આશ્રયે છે, તેમાં પરદ્રવ્યનો આશ્રય જરાપણ
નથી.
* માટે હે ભાઈ! પરને સુખી–દુઃખી કરવાની કે જીવાડવા–મારવાની મિથ્યાબુદ્ધિ તો
છોડ, અથવા પરથી મને સુખ–દુઃખ કે બંધ–મોક્ષ વગેરે થાય–એવી મિથ્યાબુદ્ધિ
તો છોડ; ને શુભાશુભ સર્વપ્રકારના રાગભાવો સાથે જ્ઞાનની એકત્વ બુદ્ધિરૂપ
મિથ્યાત્વને પણ છોડ. જે શુદ્ધ ઉપયોગરૂપ આનંદમય ચૈતન્યભૂમિ, તેમાં જ
તન્મય થઈને આત્માને અનુભવમાં લે; તે જ મોક્ષનું કારણ છે.
(સમયસાર–બંધઅધિકાર)
* * * * *
જૈનસિદ્ધાંતના પંચશીલ
(૧) આત્મા ઉપયોગસ્વરૂપ છે, તે ઉપયોગરૂપે જ રહે ને પરભાવરૂપ ન પરિણમે,
એનું નામ ધર્મ છે.
(૨) ઉપયોગસ્વરૂપ આત્મા પોતાથી ભિન્ન બીજા કોઈ પણ જડ કે ચેતન પદાર્થના
કોઈપણ કાર્યને કરી શકતો નથી.
(૩) ઉપયોગસ્વરૂપ આત્મા પોતાની શુદ્ધતાને ભૂલીને, પુણ્ય કે પાપરૂપ પોતાને
માનીને તે ભાવનો કર્તા થાય છે, તે અજ્ઞાન છે, અધર્મ છે.
(૪) જ્ઞાની પોતાને પરથી જુદો ને પુણ્ય–પાપથી જુદો ઉપયોગસ્વરૂપ અનુભવે છે
એટલે તે પરદ્રવ્યનો કે પરભાવનો કર્તા થતો નથી, તેમાં મગ્ન થતો નથી. ને
અજ્ઞાની પોતાને પર દ્રવ્યનો તથા પરભાવનો કર્તા માનીને તેમાં જ મગ્ન રહે છે.
(પ) આમ જાણીને હે જીવ! તું અજ્ઞાન અને અધર્મથી છૂટવા માટે પરદ્રવ્ય તથા
પરભાવોને તારા ચૈતન્યસ્વરૂપથી જુદા જાણીને તેમનું કર્તૃત્વ છોડ; અને
ઉપયોગ–સ્વરૂપ આત્માને ઓળખીને તેમાં તન્મય થા.

PDF/HTML Page 17 of 45
single page version

background image
: ૧૪ : : પોષ : ૨૪૯૬
પ્રશ્ન:– હું પરજીવને મારી શકું છું–એમ જીવ માને તો શું થાય છે?
ઉત્તર:– એ માન્યતા વડે જીવના પોતાના વિશુદ્ધ ચૈતન્યપ્રાણ તો હણાય જ છે એટલે
આત્મહિંસા તો થાય જ છે, પરજીવની હિંસા તો તેના આયુષ્ય અનુસાર થાય
કે ન થાય, તેની સાથે આને સંબંધ નથી. આ જીવે રાગ–દ્વેષ વગરના પોતાના
ચૈતન્યજીવનને ન જાણ્યું ને રાગ સાથે એકતાબુદ્ધિ વડે પોતાના ચૈતન્યપ્રાણને
પોતે હણ્યા, તે જ હિંસા છે.
પ્રશ્ન:– તે આત્મહિંસા કેમ અટકે?
ઉત્તર:– હું ચૈતન્યભાવ જ છું, ચૈતન્યપ્રાણથી શાશ્વતજીવન જીવનારો હું છું; મારા
ચૈતન્યભાવમાં બીજાનું તો કાર્ય નથી, ને રાગાદિ ભાવો પણ મારા ચૈતન્યનું
કાર્ય નથી, –એમ શુદ્ધ ચૈતન્યભાવરૂપે જ પોતાને જાણવો–અનુભવવો, તે
અહિંસાધર્મ છે, તેમાં પોતાના ચૈતન્યપ્રાણની રક્ષા છે.
પ્રશ્ન:– પરજીવને મારવાના ભાવ તો દૂર રહો, પણ પરજીવોને હું બચાવી દઉં–એમ
માને તો શું થાય?
ઉત્તર:– તો એમાં પણ તે મિથ્યામાન્યતા વડે જીવના પોતાના વિશુદ્ધ ચૈતન્યપ્રાણ તો
હણાય છે. જીવ ચેતનભાવરૂપ છે, તેનું કામ ચેતવાનું એટલે કે જાણવાનું જ છે;
તેને બદલે પરનો સ્વામી થઈને, પોતાના ચેતનભાવમાં પરજીવના જીવનનું
સ્વામીત્વ માને છે, તથા પરને બચાવવાના રાગનું કાર્ય ચેતનમાં માને છે, તે
રાગવગરના પોતાના ચેતનપ્રાણને હણીને હિંસા કરે છે, તે અધર્મ છે.
પ્રશ્ન:– તે અધર્મ અને હિંસા કેમ છૂટે?
ઉત્તર:– શુભરાગથી પણ જુદો ચૈતન્યભાવ જ હું છું, મારા ચૈતન્યને ટકવા માટે,
જીવવા માટે રાગની જરૂર નથી, એટલે ચૈતન્યને રાગ સાથે એકપણું નથી;
ચૈતન્યપ્રાણથી શાશ્વત જીવનારો હું છું, રાગથી હું જીવનારો નથી. પરને

PDF/HTML Page 18 of 45
single page version

background image
: પોષ : ૨૪૯૬ : ૧પ :
બચાવવાનું કે શુભરાગ કરવાનું કામ મારા ચૈતન્યમાં નથી–એમ શુદ્ધ
ચૈતન્યભાવરૂપે જ આત્માને જાણવો–અનુભવવો તે અહિંસા ધર્મ છે, તેમાં
ચૈતન્યજીવનની રક્ષા છે.
હિંસાનો ભાવ કે દયાનો ભાવ ચૈતન્યમાંથી નથી નીકળતો; હિંસાનો પાપભાવ કે
દયાનો પુણ્યભાવ, તે બંને ભાવો ચૈતન્યભાવથી વિરુદ્ધ જાતના છે, એ વિરુદ્ધભાવોનું
કામ ચૈતન્યમાં માનવું તે ચૈતન્યની હિંસા છે. અને તે વિરુદ્ધભાવોથી જુદો રાખીને
આત્માને ચૈતન્યપણે ટકાવી રાખવો તે અહિંસા છે.
પરમ અહિંસા ધર્મને માટે આ જૈનસિદ્ધાંત છે કે–
શુભ કે અશુભ કોઈપણ રાગનું કર્તૃત્વ તે હિંસા છે;
વીતરાગી–ચેતનભાવે આત્માનું રહેવું તે અહિંસા છે.
આવી અહિંસા તે મોક્ષનું કારણ છે, તેથી તે પરમ ધર્મ છે.
અહિંસા ધર્મનો જય હો.
મોક્ષને સાધવામાં મદદ કરે તે સાચો મિત્ર
પ્રશ્ન:– પુણ્યના કારણરૂપ શુભરાગ તે આત્માનો સાચો
મિત્ર છે કે દુશ્મન?
ઉત્તર:– તે શુભરાગ આત્માને મોક્ષ પામતો અટકાવે છે;
તેથી જે જીવ મોક્ષ સાધવા માંગે છે તેને તો તે રાગ શત્રુસમાન
છે; તેનો નાશ કરીને જ મોક્ષ પમાય છે.
આત્માને પોતાનું મોક્ષકાર્ય સાધતાં જે રોકે તેને મિત્ર
કેમ કહેવાય? આત્માના સાચા મિત્ર તો સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર
જ છે–કે જે મોક્ષકાર્ય સાધવામાં મદદ કરે છે.

PDF/HTML Page 19 of 45
single page version

background image
: ૧૬ : : પોષ : ૨૪૯૬
વૈરાગ્ય સમાચાર...
–નવ કાળ મૂકે કોઈને...
મનુષ્યનું જીવન લાંબુ હો કે ટૂંકુ–પણ એવું ઉત્તમ જીવન જીવવું કે જેથી આત્માનું
હિત થાય. આયુષ્ય કાંઈ આત્માનું નથી, અનાદિ અનંત આત્માને આયુષ્યની મર્યાદા
શી? જીવ સદાય જીવે તો છે,–પણ એ જીવન આનંદમય છે કે દુઃખમય? તે જોવાનું છે.
જગતથી ભિન્ન એવા નિજાત્માના જ્ઞાનબળે આનંદમય જીવન જીવાય છે; એવા જ્ઞાન
વગરનું દુઃખમય જીવન, તેને જ્ઞાનીઓ ખરૂં જીવન નથી કહેતા પણ ભાવમરણ કહે છે.
બાકી મનુષ્યશરીરમાં (કે ચાર ગતિમાંથી કોઈપણ ગતિમાં) રહેવાનો કાળ તો મર્યાદિત
જ હોય, સંસારમાં કોઈ ગતિ સ્થિર નથી; સ્થિર તો સિદ્ધગતિ છે કે જે ધ્રુવસ્વભાવને
અવલંબનારી છે. આવા લક્ષની પુષ્ટિ થાય, ને સંસારની ક્ષણભંગુરતા જીવને લક્ષગત
રહ્યા કરે એટલે વૈરાગ્યપૂર્વક આત્મહિતમાં તે ઉદ્યમી રહે, તે હેતુથી આત્મધર્મમાં
વૈરાગ્યસમાચારો અપાય છે.
માગશર વદ બીજના રોજ લીંબડીવાળા ભાઈશ્રી મનસુખલાલ જાદવજી
કોઠારીનો એકનો એક પુત્ર શિરિષકુમાર ૧૯ વર્ષની યુવાનવયે ભાવનગર મુકામે
સ્વર્ગવાસ પામી ગયો. નાકના હાડકાની સહેજ તકલીફનું ઓપરેશન કરાવવા
ઈસ્પિતાલમાં ગયેલા, ત્યારે કલોરોફોર્મ સુંઘાડયા બાદ તરત જ કંઈક થઈ જતાં તેમનો
સ્વર્ગવાસ થઈ ગયો. છ બહેનો વચ્ચે તે એક જ ભાઈ હતો, ને કોલેજમાં કોમર્સના
બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. આવા યુવાનનું આ પ્રકારે એકાએક અવસાન થતાં
તેમના કુટુંબને ખુબ આઘાત થાય તે સહજ છે, પરંતુ વૈરાગ્ય અને તત્ત્વજ્ઞાનના સંસ્કાર
એ જ સમાધાનનો ઉપાય છે. આ સંસારમાં આવા પ્રસંગો ન બને તો બીજે ક્્યાં બને?
પણ આવા સર્વ પ્રસંગોમાં જીવને શાંતિ આપવા માટે માત્ર “સમાધાન” એ જ પરમ
ઔષધ છે.
હજી આ વૈરાગ્યજનક પ્રસંગની ચર્ચા ઘર ઘર ચાલતી હતી ત્યાં તો એકાએક
એવા જ બીજા સમાચાર આવી પડ્યા–
ભાવનગર મુકામે ભાઈશ્રી શાંતિલાલ ખીમચંદ માગશર વદ છઠ્ઠ તા. ૩૦–૧૨–
૬૯ના રોજ મધરાતે એકાએક હાર્ટફેલથી સ્વર્ગવાસ પામી ગયા. છઠ્ઠની રાતના

PDF/HTML Page 20 of 45
single page version

background image
: પોષ : ૨૪૯૬ : ૧૭ :
કાયાની વિસારી માયા...સ્વરૂપે સમાયા એવા...
નિર્ગ્રંથનો પંથ...ભવ અંતનો ઉપાય છે.

૮ વાગ્યા સુધી તો તેઓ સોનગઢમાં હતા; સાંજે સાડા છ વાગે ગુરુદેવના દર્શન
કર્યા; ભાવનગર જિનમંદિર અને પંચ કલ્યાણક ઉત્સવ સંબંધી કેટલીયે ચર્ચા–વિચારણા
કરી, ને રાતની બસમાં ભાવનગર પહોંચ્યા; ત્યાં ગયા બાદ બારેક વાગતાં છાતીમાં
એકાએક દુઃખાવો ઉપડ્યો ને થોડીવારમાં તેઓ સ્વર્ગવાસ પામી ગયા. છઠની રાત સુધી
સૌએ સોનગઢમાં બોલતા ચાલતા જોયેલા ને સાતમની સવાર પડતાં પહેલાં તો
સ્વર્ગવાસના ખબર સાંભળતાં સૌ સ્તબ્ધ થઈ ગયા. સ્વર્ગસ્થ શાંતિભાઈ ભાવનગર
મુમુક્ષુ મંડળના એક ટ્રસ્ટી તેમજ ઉત્સાહી કાર્યકર હતા; સોનગઢ સંસ્થાની કમિટિમાં પણ
તેઓ એક સભ્ય હતા, ને હિસાબી કામ વગેરેમાં દેખરેખ રાખતા હતા. ઘણાં વર્ષોથી
અવારનવાર સોનગઢ આવીને તેઓ ગુરુદેવના પ્રવચન વગેરેનો ભક્તિથી લાભ લેતા
હતા. તેમના સ્વર્ગવાસના સમાચાર સાંભળીને ગુરુદેવ આખો દિવસ વૈરાગ્યના ઉદ્ગારો
કાઢતા હતા કે આવું ક્ષણભંગુર આ શરીર,–આવા પ્રસંગો દેખીને પણ જીવોને કેમ
વૈરાગ્ય નહીં થતો હોય? અત્યારે તો આત્માનું કરી લેવા જેવું છે.
આવો જ વૈરાગ્યનો એક ત્રીજો બનાવ અમદાવાદ મુકામે થોડા દિવસ પહેલાં
બની ગયો.–
* ધ્રાંગધ્રા નિવાસી શાહ અમૃતલાલ પદમશી (માથકિઆ) કારતક વદ ૧૧ના
રોજ, અમદાવાદથી ગાંધીનગર જતાં મોટર–ટ્રકના અકસ્માતમાં સળગી જતાં એકાએક
સ્વર્ગવાસ પામ્યા. તેમની ઉંમર માત્ર ૩૮ વર્ષની હતી. કોંગ્રેસના અધિવેશનના મેળામાં
ધંધા માટે જતાં ઘેર કહી ગયેલા કે હું બે દિવસે પાછો આવીશ. પણ કોને ખબર હતી કે
તેઓ કદી જ પાછા નહીં આવે! તેઓ રીક્ષાને બદલે મોટરટ્રકની સગવડ મળી જતાં તેમાં
બેસીને ગાંધીનગર જતા હતા, ત્યાં એકાએક ટ્રકની ટાંકી સળગી ઊઠી, ને તેમાં બેઠેલા
ત્રણ ચાર જણની સાથે તેઓ પણ દાઝી જઈને સ્વર્ગવાસ પામી ગયા.
અત્યંત વૈરાગ્યપ્રેરક આ બનાવમાં બીજી કરુણતા એ છે કે ભાઈ અમૃતલાલના
મૃતદેહને જે ઈસ્પિતાલમાં લઈ જવાયેલો તે ઈસ્પિતાલ તેમના ઘરની સામે જ આવેલી
હતી, ને ત્યાં વણઓળખાયેલો તેમનો મૃતદેહ ત્રણ દિવસ પડી રહ્યો હતો; ને પછી તો
તેની અંતિમ વ્યવસ્થા પણ થઈ ગઈ હતી. ત્રણ દિવસ થવા છતાં તે ઘેર ન આવ્યા