કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૨૦૩
શ્રુતિઓનો અંત નથી ( – શાસ્ત્રોનો પાર નથી), કાળ થોડો છે અને આપણે ૧દુર્મેધ
છીએ; માટે તે જ કેવળ શીખવાયોગ્ય છે કે જે જરા-મરણનો ક્ષય કરે.]
ભાવાર્થઃ — નિર્વિકાર નિષ્ક્રિય ચૈતન્યચમત્કારમાં નિશ્ચળ પરિણતિ તે ૨ધ્યાન છે.
આ ધ્યાન મોક્ષના ઉપાયરૂપ છે.
જેમ થોડો પણ અગ્નિ પુષ્કળ ઘાસ અને કાષ્ઠના રાશિને અલ્પ કાળમાં બાળી નાખે
છે, તેમ મિથ્યાત્વ-કષાયાદિ વિભાવના પરિત્યાગસ્વરૂપ મહા પવનથી પ્રજ્વલિત થયેલો અને
અપૂર્વ-અદ્ભુત-પરમ-આહ્લાદાત્મક સુખસ્વરૂપ ઘીથી સિંચાયેલો નિશ્ચય-આત્મસંવેદનરૂપ
ધ્યાનાગ્નિ મૂલોત્તરપ્રકૃતિભેદવાળાં કર્મરૂપી ઇન્ધનના રાશિને ક્ષણમાત્રમાં બાળી નાખે છે.
આ પંચમકાળમાં પણ યથાશક્તિ ધ્યાન થઈ શકે છે. આ કાળે જે વિચ્છેદ છે તે
શુક્લધ્યાનનો છે, ધર્મધ્યાનનો નહિ. આજે પણ અહીંથી જીવો ધર્મધ્યાન કરીને દેવનો ભવ
અને પછી મનુષ્યનો ભવ પામી મોક્ષને પ્રાપ્ત કરે છે. વળી બહુશ્રુતધરો જ ધ્યાન કરી
શકે એમ પણ નથી; સારભૂત અલ્પ શ્રુતથી પણ ધ્યાન થઈ શકે છે. માટે મોક્ષાર્થીઓએ
શુદ્ધાત્માનો પ્રતિપાદક, સંવરનિર્જરાનો કરનારો અને જરામરણનો હરનારો સારભૂત ઉપદેશ
ગ્રહીને ધ્યાન કરવાયોગ્ય છે.
[અહીં એ લક્ષમાં રાખવાયોગ્ય છે કે ઉપરોક્ત ધ્યાનનું મૂળ સમ્યગ્દર્શન છે.
સમ્યગ્દર્શન વિના ધ્યાન હોતું નથી, કારણ કે નિર્વિકાર નિષ્ક્રિય ચૈતન્યચમત્કારની
(શુદ્ધાત્માની) સમ્યક્ પ્રતીતિ વિના તેમાં નિશ્ચળ પરિણતિ ક્યાંથી થઈ શકે? માટે મોક્ષના
ઉપાયભૂત ધ્યાન કરવા ઇચ્છનાર જીવે પ્રથમ તો જિનોક્ત દ્રવ્યગુણપર્યાયરૂપ વસ્તુસ્વરૂપની
યથાર્થ સમજણપૂર્વક નિર્વિકાર નિષ્ક્રિય ચૈતન્યચમત્કારની સમ્યક્ પ્રતીતિનો સર્વ પ્રકારે ઉદ્યમ
કરવાયોગ્ય છે; ત્યારપછી જ તે ચૈતન્યચમત્કારમાં વિશેષ લીનતાનો યથાર્થ ઉદ્યમ થઈ શકે
છે.] ૧૪૬.
આ રીતે નિર્જરાપદાર્થનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
— इति निर्जरापदार्थव्याख्यानं समाप्तम् ।
૧. દુર્મેધ = ઓછી બુદ્ધિવાળા; મંદબુદ્ધિ; ઠોઠ.
૨. મુનિને જે શુદ્ધાત્મસ્વરૂપનું નિશ્ચળ ઉગ્ર આલંબન વર્તે તેને અહીં મુખ્યપણે ‘ધ્યાન’ કહ્યું છે.
(શુદ્ધાત્માલંબનની ઉગ્રતાને મુખ્ય ન કરીએ તો, અવિરત સમ્યગ્દ્રષ્ટિને પણ ‘જઘન્ય ધ્યાન’ કહેવામાં
વિરોધ નથી, કારણ કે તેને પણ શુદ્ધાત્મસ્વરૂપનું જઘન્ય આલંબન તો હોય છે.)