શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
સમ્યક્ત્વથી સુજ્ઞાન, જેથી સર્વ ભાવ જણાય છે,
ને સૌ પદાર્થો જાણતાં અશ્રેય-શ્રેય જણાય છે. ૧૫.
અશ્રેય-શ્રેયસુજાણ છોડી કુશીલ ધારે શીલને,
ને શીલફળથી હોય ૧અભ્યુદય, પછી મુક્તિ લહે. ૧૬.
જિનવચનરૂપ દવા ૨વિષયસુખરેચિકા, અમૃતમયી,
છે વ્યાધિ-મરણ-જરાદિહરણી, સર્વ દુઃખવિનાશિની. ૧૭.
છે એક ૩જિનનું રૂપ, બીજું શ્રાવકોત્તમ-લિંગ છે,
ત્રીજું કહ્યું આર્યાદિનું, ચોથું ન કોઈ કહેલ છે. ૧૮.
પંચાસ્તિકાય, છ દ્રવ્ય ને નવ અર્થ, તત્ત્વો સાત છે,
શ્રદ્ધે સ્વરૂપો તેમનાં, જાણો સુદ્રષ્ટિ તેહને. ૧૯.
જીવાદિના શ્રદ્ધાનને સમ્યક્ત્વ ભાખ્યું છે જિને
વ્યવહારથી, પણ નિશ્ચયે આત્મા જ નિજ સમ્યક્ત્વ છે. ૨૦.
એ જિનકથિત દર્શનરતનને ભાવથી ધારો તમે,
ગુણરત્નત્રયમાં સાર ને જે ૪પ્રથમ શિવસોપાન છે. ૨૧.
થઈ જે શકે કરવું અને નવ થઇ શકે તે શ્રદ્ધવું;
સમ્યક્ત્વ શ્રદ્ધાવંતને સર્વજ્ઞ જિનદેવે કહ્યું. ૨૨.
દ્રગ, જ્ઞાન ને ચારિત્ર, તપ, વિનયે સદાય ૫સુનિષ્ઠ જે,
તે જીવ વંદનયોગ્ય છે — ૬ગુણધર તણા ૭ગુણવાદી જે. ૨૩.
૧. અભ્યુદય = તીર્થંકરત્વાદિની પ્રાપ્તિ.
૨. વિષયસુખરેચિકા = વિષયસુખનું વિરેચન કરનારી.
૩. જિનનું રૂપ = જિનના રૂપ સમાન મુનિનું યથાજાત રૂપ.
૪. પ્રથમ શિવસોપાન = મોક્ષનું પહેલું પગથિયું.
૫. સુનિષ્ઠ = સુસ્થિત.
૬. ગુણધર = ગુણના ધરનારા.
૭. ગુણવાદી = ગુણોને પ્રકાશનારા.
અષ્ટપ્રાભૃત-દર્શનપ્રાભૃત ]
[ ૧૦૫