Atmadharma magazine - Ank 056
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 25
single page version

background image
: ૧૪૮ : આત્મધર્મ જેઠ : ૨૪૭૪
છે. એ વર્ણન પરનું ન સમજવું પણ પોતાના જ્ઞાનસ્વભાવ સામર્થ્યનું જ તે વર્ણન છે એમ સમજવું. છ દ્રવ્યો કે
નવતત્ત્વોનું વર્ણન આવે ત્યાં તારે એમ સમજવું કે એ બધાને જાણવાની મારા જ્ઞાનસ્વભાવની જે તાકાત છે તેનું
જ આ વર્ણન છે. એમ પોતાના સ્વભાવનો મહિમા લાવીને, શ્રદ્ધા કરીને તેમાં જ સ્થિર થવું તે જૈનદર્શનનું
પ્રયોજન છે. અનંતા શાસ્ત્રો અને અનંતી દિવ્યધ્વનિઓનો સાર એ જ છે કે તારા ચૈતન્ય સ્વરૂપી આનંદમય
આત્માને ઓળખીને એમાં સ્થિર થા.
ર્ સ્ત્ર
માટે અવશ્ય લક્ષમાં રાખવા યોગ્ય
નિયમો.
(૧) જૈન દર્શન અનેકાંત સ્વરૂપ છે; તે દરેકવસ્તુને અનેકાંત સ્વરૂપમાં બતાવે છે. દરેક તત્ત્વ પોતાના
સ્વરૂપમાં અસ્તિરૂપ અને પરના સ્વરૂપથી નાસ્તિરૂપ છે. આ અનેકાંત એ જ વસ્તુનું સ્વરૂપ સમજવાનો ઉપાય
છે. તેનાથી જ જૈન દર્શનની મહત્તા છે.
(૨) દરેકે દરેક તત્ત્વ સ્વતંત્ર છે, પોતે પોતાથી અસ્તિરૂપ છે અને પરથી નાસ્તિરૂપ છે. જેમાં જેની
નાસ્તિ હોય તેમાં તે કાંઈ કરી શકે નહિ તેથી કોઈપણ તત્ત્વ બીજા કોઈ તત્ત્વનું કાંઈપણ કરવા કદી સમર્થ નથી.
(૩) દરેક દ્રવ્યો એકબીજાથી જુદા હોવાથી, તેમના ગુણો અને પર્યાયો પણ ત્રિકાળ જુદે જુદાં જ છે.
અને દરેક દ્રવ્યના ગુણપર્યાય પોત પોતાના દ્રવ્યના જ આધારે છે, કોઈપણ દ્રવ્યના ગુણ–પર્યાય કદી પણ કોઈ
બીજા દ્રવ્યના આધારે નથી.
(૪) જીવ પોતે બીજા અનંત પર પદાર્થોથી ભિન્ન છે તેથી કોઈ પર પદાર્થો જીવને લાભ–નુકસાન કરી
શકે નહિ, જીવનો પુરુષાર્થ સ્વતંત્ર છે. જગતના સર્વ દ્રવ્યો સ્વથી અસ્તિરૂપ અને પરથી નાસ્તિરૂપ એમ અનેકાંત
સ્વરૂપ છે, એ અનેકાંત દ્વારા વસ્તુસ્વરૂપની સ્વતંત્રતા અને પૂર્ણતા છે. આમ ભેદ કરાવીને જૈન દર્શન
આત્મસ્વભાવ સાથે એકતા કરાવે છે, ને પરસાથેનો સંબંધ તોડાવે છે.
(૫) જૈનદર્શનના શાસ્ત્રોનું કોઈપણ કથન હોય તેનું મૂળ પ્રયોજન વીતરાગભાવ જ છે. એ પ્રયોજનને
અખંડ રાખીને જ જૈનશાસ્ત્રોના અર્થ સમજવા.
ઉપર મુજબ પાંચ નિયમો બરાબર લક્ષમાં રાખી ને સત્શાસ્ત્રોના અર્થ સમજવામાં આવે તોજ તેનું સાચું
રહસ્ય સમજાય છે. કોઈપણ શાસ્ત્ર હોય અને તેમાં નિશ્ચયનયનું કથન હોય કે વ્યવહારનયનું કથન હોય પણ
તેનો સાચો ભાવાર્થ સમજવા માટે ઉપરના નિયમો લક્ષમાં રાખીને તેના અર્થ કરવા જોઈએ.
અસ્તિ–નાસ્તિરૂપ અનેકાંતના મર્મને સમજીને જો અર્થ કરે તો શાસ્ત્રરૂપી સમુદ્રનો પાર પામી જાય, –
શાસ્ત્રના ગમે તે કથનમાં પણ તે મૂંઝાય નહિ. અને જો અનેકાંત ના સાચા મર્મને જાણે નહિ તથા એક દ્રવ્ય
બીજા દ્રવ્યમાં કાંઈ કરે ઈત્યાદિ પ્રકારે પક્ષ રાખીને શાસ્ત્ર વાંચે તો તે શાસ્ત્રના અનેક વિવક્ષાઓના કથનને
ઉકેલી શકશે નહિ, તે શાસ્ત્રના કથનનેજ પકડીને ત્યાંજ મૂંજાઈ જશે–એટલે કે તેનું જ્ઞાન મિથ્યા રહેશે, તે
શાસ્ત્રમાં કહેલા જ્ઞાનીઓના આશયને સમજી શકશે નહિ.
આત્માને શું ખપે ને શું ન ખપે – એની
કોને ખબર પડે?
ઘણા વ્યવહારના આગ્રહી જીવો, હજી પોતે આત્મસ્વભાવની ઓળખાણ કર્યા પહેલાંં તો, મારે જૈનના
હાથનુંજ ખપે અને અજૈનના હાથનું ન ખપે–એમ કહે છે; પરંતુ ભાઈ, હજી તું પોતેજ આત્માની ઓળખાણ
વગર અજૈન છો. પહેલાંં સમ્યગ્દર્શન વડે તું તો સાચો જૈન થા; પછી તને વાસ્તવિકપણે ખબર પડશે કે તારા
આત્માને શું ખપે અને શું ન ખપે? જ્ઞાનીનો અભિપ્રાય તો એવો છે કે મારે મારો વીતરાગી સ્વભાવ અને
વીતરાગતાજ ખપે, રાગનો અંશ પણ ન ખપે. એવા ભાનપૂર્વક તેઓને પોતાની ભૂમિકા મુજબ રાગનો અને
તેનાં નિમિત્તોનો ત્યાગ હોય છે. અજ્ઞાનીને રાગરહિત સ્વભાવનું તો ભાન નથી અને રાગને આદરણિય માને
છે, એની મિથ્યા માન્યતામાં એને અનંતો રાગ ખપે છે અને એના નિમિત્તરૂપ અનંત પદાર્થો ખપે છે,–એનો તો
તે ત્યાગ કરતો નથી અને બહારમાં આ વસ્તુ ન ખપે અને આ વસ્તુ ખપે–એમ કરવામાંજ રોકાઈ પડે છે.
પરિણામમાં તો મંદ કષાયનું પણ ઠેકાણું ભાગ્યે જ હોય છે. એવો માર્ગ જૈન–દર્શનનો નથી. હજી હું કોણ અને પર
કોણ એ જ સમજ્યા વગર મારે શું ખપે અને શું ન ખપે એની અજ્ઞાનીને શું ખબર પડે?

PDF/HTML Page 22 of 25
single page version

background image
જેઠ : ૨૪૭૪ આત્મધર્મ : ૧૪૯ :
માત્ર ઉપયોગ બદલાવાનો છે.
ધર્મમાં શું કરવાનું આવ્યું? પ્રથમ, જડનું તો કાંઈ આત્મા કરતો નથી, અને જડમાં કાંઈ આત્માનો ધર્મ
થતો નથી. અમુક પુણ્ય કર કે દાન કર કે ભક્તિ કર એમ પણ કહ્યું નહિ, કેમકે તે બધાય વિકાર છે–ધર્મ નથી.
પણ, પોતાના ચૈતન્ય ઉપયોગને પર તરફ વાળીને ત્યાં લીન થઈ રહ્યો છે તે ઉપયોગને સ્વભાવ તરફ વાળીને
ત્યાં જ લીન કરવાનો છે. ‘પુણ્ય–પાપ મારાં’ એવી માન્યતા કરીને પોતાના ઉપયોગને ત્યાં રોકી દીધો છે, તે જ
અધર્મ છે; તે ઉપયોગને સ્વભાવમાં વાળીને ‘શુદ્ધ ચૈતન્ય મૂર્તિ સ્વભાવ તે જ હું’ એવી સ્વભાવ તરફની શ્રદ્ધા જ
પ્રથમ કરવાની છે. અને તેજ પહેલો ધર્મ છે. અને ત્યારપછી પણ બહારમાં કાંઈ કરવાનું આવતું નથી. તેમજ
વ્રત–તપાદિ ના શુભરાગ આવે તે પણ ધર્મીનું કર્તવ્ય નથી પરંતુ જે શુદ્ધસ્વભાવની શ્રદ્ધા કરી છે તે જ
શુદ્ધસ્વભાવમાં ઉપયોગને લીન કરવો તે જ સમ્યક્ચારિત્ર અને કેવળજ્ઞાનનો માર્ગ છે. ધર્મની શરૂઆતથી પૂર્ણતા
સુધી એક જ ક્રિયા છે કે ‘શુદ્ધાત્મસ્વભાવમાં ચૈતન્ય ઉપયોગને લીન કરવો. ’ એ સિવાય બીજી કોઈ ક્રિયા
ધર્મમાં આવતી નથી. જેટલી સ્વભાવમાં લીનતા તેટલો ધર્મ છે, લીનતાની કચાશ તેટલો દોષ છે.
જડ ચેતના ભેદજ્ઞાન અને તેનું ફળ – વીતરાગતા
બિલાડી ઉંદરને પકડે છે એમ બોલાય છે, હવે ત્યાં ખરેખર ભેદજ્ઞાનથી જોઈએ તો બિલાડીનો આત્મા
અને તેનું શરીર જુદાં છે; તેમાં બિલાડીના આત્માએ તો ઉંદરનું જ્ઞાન કર્યું છે અને સાથે તેને મારીને ખાવાનો
અત્યંત તીવ્ર ગૃદ્ધિભાવ કર્યો છે, અને મોઢા દ્વારા ઉંદર પકડાવાની ક્રિયા જડ પરમાણુઓના સ્વતંત્ર કારણે થઈ
છે. આમ સર્વત્ર જડચેતનની સ્વતંત્રતા છે. જડ–ચેતનના આવા ભેદજ્ઞાનની સમજણનું ફળ વીતરાગતા છે. સાચું
સમજે તો પરથી અત્યંત ઉદાસ થઈ જાય. પરંતુ કોઈ એમ બોલે કે ‘ખાવું–પીવું વગેરે બધી શરીરની ક્રિયા છે’
અને અંતરથી તો તે પ્રત્યે જરાપણ ઉદાસીનતા થાય નહિ, તીવ્ર ગૃદ્ધિભાવ જ પોષ્યા કરે તો તેને યથાર્થપણે સ્વ–
પરનું ભેદજ્ઞાન જ થયું નથી, તે માત્ર સ્વચ્છંદ પોષવા માટે વાતો કરે છે. જો કે જડની ક્રિયા તો જડથી જ થાય
છે, પરંતુ જો ખરેખર તેં તારા આત્માને પરથી ભિન્ન જાણ્યો હોય તો તને પરદ્રવ્યોને ભોગવવા તરફ રુચિ ભાવ
જ કેમ થાય છે? એક તરફ જડથી ભિન્નપણાની વાતો કરવી અને પાછું જડની રુચિમાં એકાકારપણે તલ્લીન
વર્ત્યા કરવું–એ તો ચોકખો સ્વચ્છંદ છે પણ ભેદજ્ઞાન નથી.
શરીરથી જાુદા ચૈતન્યસ્વરૂપને ઓળખીને તેનું જ શરણ કર.
આ શરીર તો જડ પરમાણુઓનો પિંડલો છે, તે પરમાણુઓ આત્માથી જુદા છે, સ્વતંત્રપણે પરિણમે છે.
એક ક્ષણમાં અન્યરૂપે પરિણમી જશે. આત્મા જાણનાર સ્વરૂપ છે–ચેતનાવાળો છે; ચેતન ભગવાન આત્માને જડ
શરીરનો આધાર નથી, પણ પોતાના ચૈતન્યપણાનો જ આધાર છે. ચૈતન્યને રાગનો આધાર પણ નથી. હે જીવ,
તને તારૂં ચૈતન્ય જ એક શરણ છે શરીર કે રાગ કોઈ તારૂં શરણ નથી, માટે શરીરથી અને રાગથી જુદા એવા
તારા ચૈતન્યસ્વરૂપને ઓળખીને તેનું શરણ કરી લે.
જેની સાથે સ્વપ્નેય સંબંધ નથી એવા આ જડ મડદાં સાથે સંબંધ માનીને અનાદિથી દુઃખી થઈ રહ્યો છે,
હે જીવ! હવે તે માન્યતા છોડ, છોડ, હું તો ચૈતન્ય છું આ શરીર સાથે મારે કાંઈ સંબંધ નથી, પૂર્વે પણ તેની સાથે
કાંઈ સંબંધ ન હતો અને ભવિષ્યમાં પણ તેની સાથે કાંઈ સંબંધ થવાનો નથી. ચૈતન્ય ને જડ ત્રણેકાળે જુદાં જ
છે. પરના આશ્રયથી જ દુઃખી થયો છું માટે હવે સ્વાધીન ચૈતન્યને ઓળખીને હું મારૂં હિત સાધી લઉં. ભલે
જગત આખાનું ગમે તે થાવ, તેની સાથે મારે સંબંધ નથી, હું જગતનો સાક્ષીભૂત, જગતથી ભિન્ન મારામાં
અચળ, એકરૂપ, શાશ્વત, જ્ઞાતા છું, ખરેખર જગતને અને મારે કાંઈ સંબંધ નથી, હું જ્ઞાતા મારો જ છું.
શરીર અને ચેતનાનું જાુદાપણું.
આત્માની ચેતના અખંડ છે, અસંખ્ય પ્રદેશી ચેતનાના કદી કટકા થતા નથી. શરીરના બે કટકા થાય ત્યાં
પણ ચેતનાના બે કટકા થતા નથી, કેમકે જ્ઞાન તો એવું ને એવું રહે છે. શરીરની એક આંગળી કપાય ત્યાં કાંઈ
જ્ઞાનમાંથી થોડો ભાગ કપાઈ જતો નથી. કેમકે ચેતના

PDF/HTML Page 23 of 25
single page version

background image
: ૧૫૦ : આત્મધર્મ જેઠ : ૨૪૭૪
તો અખંડ એક અરૂપી છે અને શરીર તો સંયોગ જડરૂપી પદાર્થ છે; બન્ને તદ્ન ભિન્ન છે. શરીરના લાખ કટકા
થાય છતાં ચેતના તો અખંડ જ છે. ચેતના અને શરીર કદી પણ એક થયાં જ નથી. શરીર કપાતાં જે જીવોને
દુઃખ થાય છે તેઓને શરીર કપાયું તે દુઃખનું કારણ નથી પણ શરીર સાથેની એકત્વબુદ્ધિ જ અજ્ઞાનીને દુઃખનું
કારણ છે; અને સાધક જીવોને જો, અલ્પ દુઃખ થાય તો તેમને પોતાના પુરુષાર્થની નબળાઈથી જે રાગ છે તેને
કારણે દુઃખ છે. જો શરીર કપાય તે દુઃખનું કારણ હોય તો આત્માના સ્વતંત્ર પરિણામ તે વખતે શું રહ્યા? શરીર
કપાતું હોય છતાં તે જ વખતે વીતરાગી સંતોને દુઃખ થતું નથી, પણ સ્વરૂપમાં ઠરીને કેવળજ્ઞાન પામી જાય છે.
માટે શરીર અને આત્મા સદાય જુદાં જ છે.
પરદ્રવ્યમાં કાંઈ પણ કરવાની ઈચ્છાનું
વ્યર્થપણું અને તે છોડવાની પ્રેરણા. –
હે જીવ, તું તારા સ્વભાવને ભૂલીને પણ પરદ્રવ્યમાં તો કાંઈજ કરવા સમર્થ નથી. તું તારા ભાવમાં
અનુકૂળ સામગ્રી મેળવવાની ઈચ્છા કર, પરંતુ તારી ઈચ્છા કરવાથી પરદ્રવ્યનો સંયોગ આવી જાય–એવું કાંઈ
નથી; એટલે તારી પરદ્રવ્યો સંબંધી ઈચ્છા તો ક્ષણે ક્ષણે વ્યર્થ જાય છે. જે વસ્તુનો જે રીતે જે વખતે જેવો સંયોગ
વિયોગ થવાનો છે તે વસ્તુનો તે રીતે તે વખતે તેવોજ સંયોગ વિયોગ થશે. વસ્તુના સ્વતંત્ર પરિણમનને કોઈ
રોકી શકે નહિ. તું ગમે તેમ માથા ફોડ અને વલખાં નાંખ (સંકલ્પો વિકલ્પો કર.) તેથી કાંઈ અનુકૂળ સામગ્રી
આવી જતી નથી માટે હે ભાઈ! તું પરદ્રવ્યોમાં કાંઈ પણ ફેરફાર કરવાની તારી વ્યર્થ માન્યતા છોડ, છોડ! કેમકે
તારી એ માન્યતાથી તનેજ દુઃખ થાય છે. પરદ્રવ્યોનું ગમે તેમ થાય, તેના કર્તાપણાની માન્યતા છોડીને તું તારા
સ્વભાવની દ્રષ્ટિથી બધાનો નિર્વિકલ્પપણે જ્ઞાતા રહીજા, એજ તને શાંતિનું કારણ છે પરવસ્તુના પરિણમનમાં
“આ આમ કેમ?” એવો વિકલ્પ કરવો તે પણ તારું કર્તવ્ય નથી. આ બધા દ્રવ્યો પોતાના સ્વરૂપમાં પરિણમે છે,
કોઈ દ્રવ્ય પોતાના સ્વરૂપથી બહાર પરિણમતું નથી, તું પણ તારા જ્ઞાન સ્વરૂપમાં જ પરિણમ. અનાદિથી જ્ઞાન
સ્વરૂપને ભૂલીને પરના લક્ષે વિકારરૂપે પરિણમી રહ્યો છો તેજ દુઃખનું કારણ છે.
આત્માની ભાવના કે આત્માનું ધ્યાન ક્યારે થઈ શકે?
સ્વભાવનું પરિણમન સ્વભાવની ભાવનાને આધીન છે, પણ સ્વભાવની ભાવના ક્યારે કરી શકે?
પહેલાંં જેવો સ્વભાવ છે તેવો જાણે તો તેનો મહિમા લાવીને ભાવના કરે. પણ જાણ્યા વગર ભાવના કોની કરે?
જેમ કોઈ કહે કે પાડાનું ધ્યાન કરો અથવા તો અમેરિકા દેશનું ચિંતવન કરો. પરંતુ જેણે કદી પાડો જોયો જ ન
હોય અને અમેરિકા દેશનું કાંઈ જ્ઞાન જ ન કર્યું હોય તે જીવ તેનું ધ્યાન કે ચિંતવન કેવી રીતે કરે? તેમ જેણે
સત્સમાગમે આત્મસ્વભાવ જાણ્યોજ નથી તે આત્માની ભાવના કે આત્માનું ધ્યાન ક્યાંથી કરી શકે? પહેલાંં
જિજ્ઞાસુ થઈ, સત્સમાગમ કરીને પોતાના પુરા સ્વભાવને જાણે, તો પછી પુરુષાર્થ વડે તે પુરા સ્વભાવની
ભાવના કરીને પર્યાયમાં જે કાર્ય લાવવા માગે તે લાવી શકે છે. પણ જ્યાંસુધી સ્વભાવને અને વિકારને ભિન્ન
ભિન્ન સ્વરૂપે ઓળખ્યા ન હોય ત્યાંસુધી સ્વભાવને બદલે વિકારમાંજ તન્મય થઈને તેની ભાવના કરે, પણ
જ્યારે સ્વભાવને અને વિકારને પ્રજ્ઞા છીણી વડે (સમ્યગ્જ્ઞાન વડે અર્થાત્ ભેદજ્ઞાન વડે) જુદા જુદા સ્વરૂપે
ઓળખે ત્યારે જીવ સ્વભાવનીજ ભાવના કરે, પણ વિકારની ભાવના કદી ન કરે. અને જેવી ભાવના તેવું
પરિણમન–એ ન્યાયે તે જીવને સ્વભાવની ભાવના હોવાથી ક્ષણે ક્ષણે શુદ્ધતા વધતી જાય છે અને વિકારની
ભાવના નહિ હોવાથી વિકાર ક્ષણે ક્ષણે ટળતો જાય છે.
આત્મા તરફ પ્રેમ ક્યારે જાગે?
જીવે અનાદિથી આત્મસ્વભાવ શું તે ખ્યાલમાં જ લીધું નથી તેથી તેને જડ શરીરનો અને વિકારનો પ્રેમ
છે પણ આત્માનો પ્રેમ નથી. એક વાર પણ જો યથાર્થ ઉલ્લાસથી આત્મસ્વભાવ પ્રત્યે પ્રેમ જાગે તો અલ્પકાળે
મુક્તદશા થાય.
પ્રશ્ન:–આત્મા તરફ પ્રેમ ક્યારે જાગે?
ઉત્તર:–આત્માની ઓળખાણ કરે ત્યારે જ તેના તરફ સાચો પ્રેમ જાગે. વસ્તુના સ્વરૂપને ઓળખ્યા વગર
તેનો મહિમા આવે નહિ અને તેના તરફ પ્રેમ થાય નહિ. જેમ લૌકિકમાં કોઈ સંબંધી માણસ પરદેશમાં હંમેશા
સામો મળતો હોય, પણ તે કોણ છે–એની જ્યાં

PDF/HTML Page 24 of 25
single page version

background image
સુધી પોતાને ઓળખાણ ન હોય ત્યાંસુધી તેના પ્રત્યે પ્રેમ ન આવે. પરંતુ જ્યારે તેની ઓળખાણ થાય અને
ખબર પડે કે તે તો મારાજ ગામનો છે અને મારાજ કુટુંબનો છે, એમ ઓળખાણ થતાં જ તેના તરફ પ્રેમ જાગ્યા
વગર રહે નહિ. પહેલાંં પણ તેજ માણસ હતો અને અત્યારે પણ તે જ છે છતાં પહેલાંં પોતાને ઓળખાણ ન
હોવાથી પ્રેમ ન હતો અને હવે ઓળખાણ થતાં પ્રેમ થયો છે. તેવી રીતે આ જ્ઞાનસ્વભાવી આત્મા સદાય પોતા
પાસે જ છે, ક્ષણે ક્ષણે જાણવાનું કામ કરે છે પણ પોતે પોતાના સ્વભાવને ઓળખતો નથી તેથી તેને પોતાના
આત્મસ્વભાવ પ્રત્યે ઉલ્લાસ અને પ્રેમ જાગતો નથી. આત્મા તો સદાય પોતા પાસે જ છે, પોતે જ આત્મા છે,
પણ પોતાને પોતાના આત્મસ્વરૂપની સાચી ઓળખાણ નથી અને તેને અન્યરૂપે (–વિકારરૂપે કે જડરૂપે) માની
રહ્યો છે તેથી સ્વભાવનો સાચો પ્રેમ જાગતો નથી. પણ જો આત્માની સાચી ઓળખાણ કરે તો તેને ખબર પડે કે
અરે, આ આત્મા તો વિકારી નહિ, જડ નહિ પણ તેનાથી જુદો ચૈતન્ય–સ્વરૂપ છે અને એજ હું છું–એજ મારું
સ્વરૂપ છે, એવું ભાન થતાં આત્મા પ્રત્યે અપૂર્વ પ્રેમ જાગે છે. પહેલાં પણ આત્માનો સ્વભાવ તો એજ હતો અને
અત્યારે પણ એજ આત્મા છે, પણ પહેલાંં પોતાના સ્વભાવની પોતાને ઓળખાણ નહિ હોવાથી આત્મા પ્રત્યે
ભક્તિ–પ્રેમ જાગતો ન હતો. અને હવે સાચી ઓળખાણ થઈ તેથી તેના પ્રત્યે સાચી ભક્તિ અને પ્રેમ જાગે છે.
એટલે સાચી ઓળખાણ વગર સાચી ભક્તિ કે પ્રેમ (મહિમા, રુચિ, આદર) હોઈ શકે નહિ.
જેને વિકારનો પ્રેમ છે તેને સ્વભાવનો અનાદર છે.
ચિદાનંદ જ્ઞાતા સ્વરૂપ હું છું એમ જો ન જાણ્યું અને સ્વભાવને ભૂલીને વિકારનો પ્રેમ કર્યો તો પછી તે
જીવ તીર્થંકર ભગવાનની ભક્તિના નામે ગમે તેવા શુભભાવ કરે કે લાખો રૂપિયા દાનમાં ખરચે છતાં તેનાથી
આત્માને ધર્મનો કાંઈ લાભ ન થાય, પરંતુ ઊલટો તે રાગથી આત્માને લાભ માને તેથી તીવ્ર અંતરાય કર્મ
બાંધીને મૂઢ થઈને ચોરાશીના અવતારમાં રઝળવાનો છે. પુણ્ય–પાપ ગમે તેવા કરે અને તેનાથી આત્માને
કિંચિત્ લાભ માને તે જીવને આત્માના સ્વભાવનો પ્રેમ નથી પણ વિકારનો પ્રેમ છે. પુણ્યભાવથી ધર્મ તો થતો
નથી પણ તેનાથીયે સાત કે આઠ પ્રકારના કર્મો બંધાય છે. અને તે ભાવથી આત્માની શુદ્ધિનો ઘાત થાય છે. ગમે
તેવા શુભાશુભ વિકારભાવ કરે તો પણ તેના ફળમાં ચોરાશીના જ અવતાર છે, અને આત્મસ્વભાવની
ઓળખાણ તે ચોરાશીના અવતારનો નાશ કરીને સિદ્ધદશાની પ્રાપ્તિનું કારણ છે. સ્વભાવમાં ભવ ન હોય અને
વિભાવમાં ભવનો અંત ન હોય. કોઈ પણ જાતના બંધભાવથી આત્માના ગુણની વૃદ્ધિ નથી પણ નુકશાન જ છે.
જ્યાં વિકારનો સત્કાર છે ત્યાં નિર્વિકાર સ્વરૂપનો અનાદર છે.
જ્ઞાન દુ:ખનું કારણ નથી પણ મોહ દુ:ખનું કારણ છે.
ક્ષયોપશમિકજ્ઞાન તે દુઃખનું કારણ નથી, પણ ઈચ્છા જ દુઃખનું કારણ છે. પદાર્થોને જાણવા તે દુઃખનું
કારણ નથી, પણ મોહથી વિષયગ્રહણની જે ઈચ્છા થાય છે તે જ દુઃખનું મૂળ કારણ છે. જો જ્ઞાન પોતે દુઃખનું
કારણ હોય તો જેમ જેમ જ્ઞાન વધે તેમ તેમ દુઃખ પણ વધતું જાય. અને જ્ઞાન રહિતપણું સુખનું કારણ ઠરે. તેમ
થતાં જડને પૂરું સુખ માનવું પડે. પરંતુ જ્ઞાન તો પોતાનો સ્વાભાવિક ભાવ છે તે દુઃખનું કારણ નથી. પરંતુ
ક્ષાયોપશમિક જ્ઞાન સાથે જેટલો મોહ ભળે છે તેટલું દુઃખ છે.
પ્રશ્ન:– કોઈ માણસનો પુત્ર બહારગામ હોય અને તેનું મૃત્યુ થઈ ગયું હોય; પણ જ્યાં સુધી તે માણસને
પુત્રના મૃત્યુ સંબંધી જ્ઞાન નહિ હોય ત્યાં સુધી તેને તે સંબંધી દુઃખ નહિ લાગે અને જ્યારે તેને પુત્રના મૃત્યુનું
જ્ઞાન થશે ત્યારે તરત જ દુઃખ થશે. માટે જ્ઞાન તે જ દુઃખનું કારણ છે.
ઉત્તર:–નહિ, ત્યાં જ્ઞાન દુઃખનું કારણ નથી પણ પુત્ર પ્રત્યેનો મોહ જ દુઃખનું કારણ છે. જો જ્ઞાન દુઃખનું
કારણ હોય તો જેને જેને તે પુત્રના મૃત્યુનું જ્ઞાન થાય તે બધાયને સરખું દુઃખ કેમ થતું નથી? જેને જેટલો મોહ
તેને તેટલું દુઃખ થાય છે, જે વખતે તે માણસને પુત્રના મૃત્યુનું જ્ઞાન થયું તે જ વખતે તે માણસે અંતરના ભાન
વડે વૈરાગ્ય લાવીને મોહ ન કર્યો હોત તો તેને જ્ઞાન હોવા છતાં દુઃખ ન થાય. કેમકે દુઃખનું કારણ જ્ઞાન નથી પણ
મોહ છે. મિથ્યાદ્રષ્ટિ એમ માને છે કે જાણ્યું માટે દુઃખ થયું, અથવા તો પુત્ર મૃત્યુ પામ્યો માટે દુઃખ થયું. એ બંને
વાત ખોટી છે જેટલો મોહ કરે તેટલું જ દુઃખ થાય એ જ એક સિદ્ધાંત છે. સંયોગી પદાર્થો પ્રત્યેના મોહથી જે દુઃખ
થાય છે તે દુઃખ ટાળવાનો ઉપાય પરવસ્તુનો સંયોગ મેળવવો તે નથી, તેમ જ ઈચ્છા કે ઈન્દ્રિયોની પુષ્ટિ તે પણ
ઉપાય નથી. ખરો ઉપાય એ છે કે સંયોગી પદાર્થોની દ્રષ્ટિ છોડીને અસંયોગી

PDF/HTML Page 25 of 25
single page version

background image
ATMADHARMA With the permisdon of the Baroda Govt. Regd No. B. 4787
order No. 30/24 date 31 - 10 - 4
જ્ઞાનસ્વરૂપ આત્માની દ્રષ્ટિ અને એકાગ્રતા કરે તો દુઃખ
ટળે, સંસારની કોઈ વસ્તુમાં આ આત્માનું સુખ નથી,
સુખ તો પોતાના આત્માની દ્રષ્ટિ કરે તો પ્રગટે.
પ્રશ્ન:–કોઈ જીવ ઉંઘી ગયો હોય અને તેની પાસે
સર્પ પડ્યો હોય, જ્યારે તેને કોઈ જગાડે અને કહે કે
તારી પાસે સર્પ પડ્યો છે, ત્યારે તેને તરત જ ભય થાય
છે. જ્યાં સુધી સર્પનું જ્ઞાન ન હોતું ત્યાં સુધી તેને ભય
ન હતો, માટે જ્ઞાનથી જ ભય થયો, તેથી જ્ઞાનને જ
દુઃખનું કારણ માનવું પડશે.
ઉત્તર:–નહિ; જ્ઞાન દુઃખનું કારણ છે જ નહિ, તે
માણસને સર્પનું જ્ઞાન કરવાથી ભય થયો નથી પણ
શરીરની મમતાને કારણે જ ભય થયો છે. ઉંઘ વખતે
તેને ઓછું દુઃખ હતું અને સર્પનું ભાન થતાં દુઃખ વધી
ગયું–એમ નથી. ઉંઘ વખતે પણ જેટલે અંશે શરીર
ઉપરની મમતા છે તેટલે અંશે તેને પ્રતિકૂળતાનો ભય
પણ અવ્યક્તપણે રહેલો જ છે. પહેલાંં અનુકૂળતાના
રાગની મુખ્યતા હતી હવે પ્રતિકુળતાના દ્વેષની મુખ્યતા
છે, પણ બન્ને વખતે જેટલે અંશે મમતા છે તેટલે અંશે જ
દુઃખ છે. જો સર્પનું જ્ઞાન તે દુઃખનું કારણ હોય તો તે જ
સર્પને કોઈ મુનિ દેખે છતાં તેમને જરાપણ ભય કેમ
થતો નથી? કેમકે તેમને શરીર ઉપર મમતા નથી. તેથી
પ્રતિકૂળતાનો ભય નથી. જે માણસને સર્પની હાજરીમાં
ભય થાય છે તેને સર્પની ગેરહાજરી વખતે પણ પોતાની
મમતાના કારણે દુઃખનું વેદન તો હતું જ. જેને જેટલે
અંશે અનુકૂળતાની પ્રીતિ હોય તેને તેટલે જ અંશે
પ્રતિકૂળતાનો ભય અથવા દ્વેષ હોય જ.
– દુ:ખદ્ સમાચાર –
તા. ૩૧–૫–૪૮ ના રોજ વઢવાણ શહેરના રહીશ
મુમુક્ષુ ભાઈ શ્રી અમીચંદ નાગરદાસનો સવારના સાત
વાગે સ્વર્ગવાસ થયો.
તેઓ વઢવાણના અગ્રગણ્ય શેઠ ઝુઝાભાઈ
વેલસી ના કુટુંબના નબીરા હતા. તેમની ઉમર ૪૫
વર્ષની હતી. તેઓ સ્વભાવે આનંદી, મીષ્ટભાષી,
સેવાભાવી અને સત્ય ધર્મના ઉપાસક હતા. તેઓ પરમ
પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજી સ્વામીના અનન્ય ભક્ત
હતા. અને સત્ધર્મનો અત્યંત ઉત્કર્ષ થાય તે જોવા
હરહંમેશ આતુર હતા. વઢવાણ શહેરમાં “શ્રી જૈન
સ્વાધ્યાય મંદિર” બાંધવાનું છે તેનું ખનન મુહુરત કરવા
સવારના છ વાગે આવેલા અને મુહુરત સાચવી ઘેર
પહોંચતા તેમનું હૃદય એકાએક બંધ પડી જવાથી તેમનો
દેહવિલય થયો. તેમના માનમાં અહીંના જીનીંગ તથા
પ્રેસીંગ ફેકટરીઓ તથા રૂ બજાર બંધ રહ્યા હતા.
પોતે ભવ્ય છે કે અભવ્ય? તેનો
નિ:સંદેહ નિર્ણય થઈ શકે છે.
શ્રીમદ્ રાજચંદ્રજી લખે છે કે–
“જે સાધુઓ તમને અનુસરતા હોય તેમને
સમય–પરત્વે જણાવતા રહેવું કે, ‘ધર્મ’ તેનું નામ
આપી શકાય કે જે ધર્મ થઈને પરિણમે. ‘જ્ઞાન’ તેનું
નામ આપી શકાય કે, જે જ્ઞાન થઈને પરિણમે. આપણે
આ બધી ક્રિયા અને વાંચના ઈત્યાદિક કરીએ છીએ તે
મિથ્યા છે–એમ કહેવાનો મારો હેતુ તમે સમજો નહિ,
તો હું તમને કંઈ કહેવા ઈચ્છું છું–આમ જણાવી તેમને
જણાવવું કે” આ જે કાંઈ આપણે કરીએ છીએ તેમાં
કોઈ એવી વાત રહી જાય છે કે જેથી ‘ધર્મ’ અને
‘જ્ઞાન’ આપણને પોતાને રૂપે પરિણમતાં નથી; અને
કષાય તેમજ મિથ્યાત્વ (સંદેહ)નું મંદત્વ થતું નથી,
માટે આપણે જીવના કલ્યાણનો ફરી ફરી વિચાર કરવો
યોગ્ય છે, અને તે વિચાર્યે કંઈક આપણે ફળ પામ્યા
વિના રહેશું નહિ. આપણે બધું જાણવાનું પ્રયત્ન
કરીએ છીએ, પણ આપણો ‘સંદેહ’ કેમ જાય? તે
જાણવાનો પ્રયત્ન કરતાં નથી. એ જ્યાં સુધી નહિ
કરીએ ત્યાં સુધી ‘સંદેહ’ કેમ જાય? અને સંદેહ હોય
ત્યાં સુધી જ્ઞાન પણ ન હોય; માટે સંદેહ જવાનો
પ્રયત્ન કરવો જોઈએ. એ સંદેહ એ છે કે આ જીવ
ભવ્ય છે કે અભવ્ય? મિથ્યાદ્રષ્ટિ છે કે સમ્યગ્દ્રષ્ટિ?
સુલભબોધી છે કે દુર્લભબોધી? તૂચ્છસંસારી છે કે
અધિકસંસારી? આ આપણને જણાય તેવો પ્રયત્ન
કરવો જોઈએ.
[શ્રીમદ્ રાજચંદ્ર બીજી આવૃત્તિ પૃ. ૬૩૮–
૬૩૯]
ઉપરના કથનથી સ્પષ્ટ જણાય છે કે, હું ભવ્ય
છું કે અભવ્ય ઈત્યાદિ પ્રકારનો નિર્ણય દરેક મનુષ્ય
કરી શકે છે. છદ્મસ્થ જીવો પોતાના ભવ્ય–
અભવ્યપણાનો નિર્ણય ન કરી શકે–એ માન્યતા મહાન
મિથ્યાત્વ છે. ‘હું ભવ્ય છું’ એવા નિર્ણય વગર અને
‘હું અભવ્ય છું’ એવો સંદેહ ટળ્‌યા વગર જીવને ધર્મ
થઈ શકે જ નહિ. “હું અભવ્ય છું એટલે કે અનંત
અનંતકાળે પણ મારી મુક્તિ નથી” એવો જેને સંદેહ
વર્તી રહ્યો છે તે જીવ ભવરહિત થવાનો પુરુષાર્થ કોઈ
રીતે ઉપાડી શકશે નહિ અને ભવરહિત પુરુષોની
વાણીનો આશય પણ તે સમજી શકશે નહિ. હું ભવ્ય
જ છું–નિકટભવ્ય છું, અભવ્ય નથી’ એવો નિઃશંક
નિર્ણય દરેક ધર્માત્માને હોય જ છે. જેને એ સંબંધમાં
નિઃશંક નિર્ણય ન હોય તે જીવ ધર્મસન્મુખ થઈ શકતો
નથી.