Atmadharma magazine - Ank 170
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 25
single page version

background image
ઃ૨૦ઃ આત્મધર્મઃ ૧૭૦
હોવાથી ઉપાદેય છે; અને બાકીના સમસ્ત પરભાવો છોડવા યોગ્ય છે,–એવો સિદ્ધાંત છે.
(૧૩૬) પ્રશ્નઃ– આત્માના શુદ્ધ ચૈતન્ય સ્વભાવને અને રાગાદિ પરભાવને ખરેખર સ્વ–સ્વામી–સંબંધ નથી એમ કહ્યું,
તો રાગાદિનો સ્વામી કોણ છે?
ઉત્તરઃ– રાગાદિનો સ્વામી અજ્ઞાની છે.
(૧૩૭) પ્રશ્નઃ– અત્યારે શેના દિવસો ચાલે છે? (શ્રાવણ વદ આઠમ.)
ઉત્તરઃ– અત્યારે “સોલહ–ભાવના” ના દિવસો ચાલે છે. આ દિવસોમાં–
“દરશવિશુદ્ધિભાવના ભાય
સોલહ તીર્થંકર પદ પાય..પરમગુરુ હો..
જય જય નાથ..પરમ ગુરુ હો..
–ઇત્યાદિ પૂજા ભણે છે.
(૧૩૮) પ્રશ્નઃ– સોલહ કારણ ભાવના તે તીર્થંકરપ્રકૃતિ બંધાવાનું કારણ છે,–તો તે ભાવ કેવો છે?
ઉત્તરઃ– તે પણ બંધનું કારણ છે, તેથી બંધભાવ છે, તે સ્વભાવ નથી. જે બંધનું કારણ હોય તે સ્વભાવ કેમ હોય? અને
તે ઉપાદેય પણ કેમ હોય? (દર્શનવિશુદ્ધિ વગેરે સંબંધી જે શુભ વિકલ્પ છે તેને જ અહીં બંધનું કારણ સમજવું;
શુદ્ધતાને નહિ.)
જો કે દર્શનવિશુદ્ધિભાવના વગેરે ૧૬ ભાવના વાસ્તવિકપણે સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે, અને સમ્યગ્દ્રષ્ટિને જ
તીર્થંકરપ્રકૃતિ બંધાય છે; છતાં સમ્યગ્દ્રષ્ટિ તો પોતાના એક શુદ્ધ ચૈતન્યભાવને જ ઉપાદેય જાણે છે, તીર્થંકરપ્રકૃતિના
બંધના કારણરૂપ શુભરાગને પણ તે ખરેખર ઉપાદેય જાણતા નથી. સોળ ભાવનાના શુભરાગને જ ધર્મ માનીને જે
ઉપાદેય માને તે તો મિથ્યાદ્રષ્ટિ હોય છે ને મિથ્યાદ્રષ્ટિને વાસ્તવિક સોળ ભાવના હોતી નથી.
(૧૩૯) પ્રશ્નઃ– સમ્યગ્જ્ઞાની શું કરે છે?
ઉત્તરઃ– જે સમ્યગ્જ્ઞાની છે તે એક શુદ્ધ ચૈતન્યભાવને જ પોતાનો જાણીને ગ્રહણ કરે છે, અને બાકીના સમસ્ત પરદ્રવ્ય
તથા પરભાવોને પોતાના સ્વભાવમાં એકપણે માનતો નથી, પણ પોતાથી ભિન્ન જાણીને છોડે છે.
(૧૪૦) પ્રશ્નઃ– મોક્ષને માટે કેવો સિદ્ધાંત છે?
ઉત્તરઃ– મોક્ષાર્થીએ સર્વથા એક ચૈતન્યભાવ જ ગ્રહણ કરવા જેવો છે, ને બાકીના સમસ્ત ભાવો છોડવા જેવા છે,–
આવો સિદ્ધાંત છે.
(૧૪૧) પ્રશ્નઃ– મોક્ષાર્થી જીવોએ કયા સિદ્ધાંતનું સેવન કરવા જેવું છે?
ઉત્તરઃ– મોક્ષાર્થીઓ આ સિદ્ધાંતનું સેવન કરો કે–‘હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય છું; અને આ જે
ભિન્નલક્ષણવાળા વિવિધ પ્રકારના રાગાદિ ભાવો પ્રગટ થાય છે તે હું નથી, કારણ કે તે બધાય મને પરદ્રવ્ય
છે.’–આ બાબતમાં કલશ કહ્યો છે કે–
सिद्धांतोऽयमुदात्तचित्तचरितैर्मोक्षार्थिभिः सेव्यतां
शुद्धचिन्मयमेकमेव परमं ज्योतिः सदैवास्म्यहम्।
एत ये तु समुल्लसंति विविधा भावाः पृथग्लक्षणा–
स्तेऽहं नास्मि यतोऽत्र ते मम परद्रव्यं समग्र अपि।।१८५।।
(૧૪૨) પ્રશ્નઃ– મોક્ષને સાધનાર જીવ કેવો હોય?
ઉત્તરઃ– મોક્ષને સાધનાર જીવ નિઃશંક હોય, અને ઉલ્લાસિત વીર્યવાન હોય; અલ્પકાળમાં પરમ આનંદસ્વરૂપ મોક્ષપદ સાધવાનું
છે તેથી તેના પરિણામ ઉલ્લાસમય હોય છે. અનંતભવમાં મારે હવે રખડવું પડશે, એવી શંકા તેને હોતી નથી.
(૧૪૩) પ્રશ્નઃ– સાધક સમ્યગ્દ્રષ્ટિને ભવની શંકા કેમ હોતી નથી?
ઉત્તરઃ– કેમ કે, શુદ્ધ ચૈતન્ય સ્વભાવ તેની દ્રષ્ટિમાં આવી ગયો છે, તે સ્વભાવમાં ભવ નથી તેથી તેને ભવની શંકા હોતી નથી.
(૧૪૪) પ્રશ્નઃ– બંધન થવાની શંકા કોને પડે?
ઉત્તરઃ– જે જીવ અપરાધી હોય તેને.
(૧૪પ) પ્રશ્નઃ– અપરાધી કોણ છે?
ઉત્તરઃ– જે જીવ પારકા દ્રવ્યને પોતાનું માનીને તેનું ગ્રહણ કરે છે તે અપરાધી છે; અથવા પરથી ભિન્ન શુદ્ધ આત્માના
અનુભવરૂપ આરાધનાથી જે રહિત છે તે અપરાધી છે.
(૧૪૬) પ્રશ્નઃ– નિરપરાધી કોણ છે?

PDF/HTML Page 22 of 25
single page version

background image
માગશરઃ ૨૪૮૪ઃ૨૧ઃ
ઉત્તરઃ– જે જીવ પરથી ભિન્ન શુદ્ધ આત્માના અનુભવ સહિત છે, ને પરદ્રવ્યને જરા પણ પોતાનું માનતો નથી તે
નિરપરાધી છે.
(૧૪૭) પ્રશ્નઃ– તે નિરપરાધી જીવ કેવો હોય છે?
ઉત્તરઃ– ‘ઉપયોગ જ જેનું એક લક્ષણ છે એવો એક શુદ્ધ આત્મા જ હું છું’–એમ નિશ્ચય કરીને, તે નિરપરાધી જીવ શુદ્ધ
આત્માની સિદ્ધિ (એટલે કે અનુભવ) જેનું લક્ષણ છે એવી આરાધના સહિત સદાય વર્તે છે તેથી તે આરાધક
જ છે. અને, શુદ્ધ આત્માના અનુભવને લીધે, ‘મને બંધન થશે’ એવી શંકા તેને પડતી નથી; આ રીતે
નિરપરાધી જીવ નિઃશંક હોય છે, કે ‘હું નહિ બંધાઉં, અલ્પકાળમાં જ હું મોક્ષપદ પામીશ.’
(૧૪૮) પ્રશ્નઃ– સમ્યગ્દ્રષ્ટિ ધર્મી જીવ કોને સ્પર્શે છે?
ઉત્તરઃ– ધર્મી જીવ પોતાના જ્ઞાનસ્વભાવને જ સ્પર્શે છે.
(૧૪૯) પ્રશ્નઃ– તે સમ્યગ્દ્રષ્ટિ ધર્મી જીવ કોને સ્પર્શતો નથી?
ઉત્તરઃ– ધર્મી જીવ બંધને જરા પણ સ્પર્શતો નથી.
(૧પ૦) પ્રશ્નઃ– સ્પર્શવું એટલે શું?
ઉત્તરઃ– સ્પર્શવું એટલે સેવવું–અનુભવવું; ધર્મી જીવ પોતાના જ્ઞાનસ્વભાવને જ સેવે છે, તેને જ પોતાના સ્વભાવ તરીકે
અનુભવે છે, ને બંધભાવને તે સ્પર્શતો નથી એટલે તેને સેવતો નથી, તેને પોતાના સ્વભાવપણે અનુભવતો
નથી, પણ પોતાના સ્વભાવથી ભિન્ન જાણે છે.
(૧પ૧) પ્રશ્નઃ– અજ્ઞાની જીવ કોને નથી સ્પર્શતો?
ઉત્તરઃ– અજ્ઞાની જીવ પોતાના જ્ઞાનસ્વભાવને સ્પર્શતો નથી, તેને સેવતો નથી, તેને અનુભવતો નથી.
(૧પ૨) પ્રશ્નઃ– તો તે અજ્ઞાની કોને સ્પર્શે છે?
ઉત્તરઃ– તે અજ્ઞાની બંધભાવને જ સ્પર્શે છે, બંધભાવને જ સેવે છે, બંધભાવને પોતાની સાથે એકમેકપણે અનુભવે છે.
(૧પ૩) પ્રશ્નઃ– જીવને લક્ષ્મી કે કુટુંબ તે શરણરૂપ છે કે નહિ?
ઉત્તરઃ– લક્ષ્મી, કુટુંબ કે શરીર તે કોઈ ચીજ જીવને શરણરૂપ નથી.
(૧પ૪) પ્રશ્નઃ– શુભરાગરૂપ પુણ્ય તે જીવને શરણરૂપ છે કે નહિ?
ઉત્તરઃ– શુભરાગ પણ જીવને અશરણરૂપ છે. તે રાગના શરણે જીવને શાંતિ, ધર્મ કે મુક્તિ થતી નથી.
(૧પપ) પ્રશ્નઃ– તો જીવને શરણરૂપ કોણ છે?
ઉત્તરઃ– પોતાનો શુદ્ધ આત્મા જ જીવને શરણરૂપ છે, તેના જ આશ્રયે જીવને ધર્મ, શાંતિ કે મુક્તિ થાય છે.
(૧પ૬) પ્રશ્નઃ– અરહંત–સિદ્ધ–સાધુ અને કેવલી પ્રરૂપિત ધર્મ–એ ચારને શરણરૂપ કહ્યા છે ને?
ઉત્તરઃ– તે ચારમાંથી અરહંત–સિદ્ધ અને સાધુ એ ત્રણ તો શુદ્ધતાને પામેલા આત્મા છે, તેમનું વ્યવહારથી શરણ છે ને
તેમના જેવો પોતાનો શુદ્ધ આત્મા છે તેનું નિશ્ચયથી શરણ છે. તથા ચોથું શરણ કેવલીપ્રરૂપિત ધર્મનું કહ્યું, તે તો
આત્માનો શુદ્ધસ્વભાવ જ છે; અથવા કેવળી ભગવાને ધર્મની પ્રરૂપણામાં શુદ્ધ આત્માના આશ્રયે જ ધર્મ થવાનું
કહ્યું છે, માટે શુદ્ધ આત્મા જ જીવને શરણરૂપ છે.
(૧પ૭) પ્રશ્નઃ– જીવે પૂર્વે અનાદિથી શું નથી કર્યું?
ઉત્તરઃ– જીવે અનાદિથી પોતાના શુદ્ધ આત્માનું સ્પર્શન કર્યું નથી, તેમાં રસ લીધો નથી, તેની ગંધ અંતરમાં બેસાડી
નથી, તેનું કદી દર્શન કર્યું નથી, તેનું કદી શ્રવણ કર્યું નથી ને તેનું કદી ચિંતન કે અનુભવન કર્યું નથી.
(૧પ૮) પ્રશ્નઃ– હવે જીવનું શું કર્તવ્ય છે?
ઉત્તરઃ– શુદ્ધ આત્માનું શ્રવણ કરી, તેમાં રસ લઈ (અર્થાત્ તેની પ્રીતિ કરી), આત્મામાં તેની ગંધ બેસાડી, વારંવાર
તેનો સ્પર્શ કરીને (એટલે કે રુચિ વધારીને) અંતરમાં તેનું સમ્યક્ દર્શન કરવું, ને પછી વારંવાર તેનું ચિંતન–
અનુભવન કરવું, તે જીવનું કર્તવ્ય છે, ને તે જ મોક્ષનો હેતુ છે.

PDF/HTML Page 23 of 25
single page version

background image
ઃ૨૨ઃ આત્મધર્મઃ ૧૭૦
– પરમ શાંતિ દાતારી –
અધ્યાત્મ ભાવના
ભગવાનશ્રી પૂજ્યપાદ સ્વામી રચિત ‘સમાધિશતક’ ઉપર પરમપૂજ્ય સદ્ગુરુદેવશ્રી
કાનજીસ્વામીના અધ્યાત્મભાવના–ભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
(વીર સં. ૨૪૮૨ વૈશાખ વદ ૧૨–૧૩ સમાધિશતક ગા. ૮–૯)
અંતરમાં મારો આત્મા જ્ઞાન–આનંદસ્વરૂપ અતીન્દ્રિય ભગવાન છે, એમ જે નથી જાણતો તે મૂઢ–બહિરાત્મા
બહારમાં જડ શરીરને જ આત્મા માને છે; આ મનુષ્યદેહમાં રહેલો આત્મા તો મનુષ્યદેહથી જુદો જ્ઞાનસ્વરૂપ છે–તેને ન
ઓળખતાં ‘આત્મા જ મનુષ્ય છે’ એમ શરીરને જ આત્મા માની રહ્યો છે. જાણનાર સ્વરૂપ આત્માને જાણતો નથી તેને
ધર્મ બિલકુલ થતો નથી.
હાથીનું શરીર જુએ ત્યાં ‘આ જીવ હાથી છે’ એમ આત્માને જ હાથી વગેરે તિર્યંચરૂપે માને છે; દેવ શરીરમાં
આત્મા રહ્યો ત્યાં, આત્મા જ જાણે કે દેવશરીરરૂપે થઈ ગયો–એમ અજ્ઞાની માને છે; અને એ જ પ્રમાણે નારક શરીરમાં
રહેલા આત્માને નારકી માને છે, પણ આત્મા તો અરૂપી, જ્ઞાન–આનંદસ્વરૂપ છે, એમ અજ્ઞાની જાણતો નથી. આત્મા
તો દેહથી તદ્ન ભિન્ન છે, જુદા જુદા શરીરો ધારણ કરવા છતાં આત્મા પોતાના ચૈતન્યસ્વરૂપે જ રહ્યો છે,
ચૈતન્યસ્વરૂપથી છૂટીને જડરૂપ કદી થયો જ નથી.
આત્મા પોતે તો જ્ઞાનસ્વરૂપ જ છે, તે કાંઈ મનુષ્ય વગેરે દેહરૂપે થયો નથી. મનુષ્ય–તિર્યંચ–દેવ–નારક એવાં
નામ તો આ શરીરના સંયોગથી છે; કર્મની ઉપાધિથી રહિત આત્માના સ્વરૂપને જુઓ તો તે જ્ઞાન–આનંદ સ્વરૂપ જ છે;
મનુષ્ય વગેરે શરીર કે તેની બોલવા–ચાલવાની ક્રિયા તે કાંઈ આત્મા નથી, તે તો અચેતન જડની રચના છે. દેહથી
ભિન્ન અનંત ચૈતન્યશક્તિ સંપન્ન અરૂપી આત્મા છે તે આંખ વગેરે ઇન્દ્રિયોથી દેખાતો નથી. તે તો અંતરના
અતીન્દ્રિય સ્વસંવેદનથી જ જણાય છે. આવા પોતાના આત્માને અનાદિ–કાળથી જીવે જાણ્યો નથી ને દેહમાં જ
પોતાપણું માન્યું છે તેથી ચાર ગતિમાં પરિભ્રમણ કરી રહ્યો છે. આત્મા શું છે તે જાણ્યા વગર ધર્મી નામ ધરાવીને પણ
દેહાદિની ક્રિયાને ધર્મ માનીને મૂઢ જીવ સંસારમાં જ રખડે છે. હું તો અનંતજ્ઞાન–આનંદ સ્વરૂપ છું, દેહથી પાર,
ઇન્દ્રિયોથી પાર, રાગથી પાર, જ્ઞાનથી જ સ્વસંવેદ્ય છું; પોતાના સ્વસંવેદન વગર બીજા કોઈ ઉપાયથી જણાય એવો
આત્મા નથી. પોતે પોતાથી જ અનુભવમાં આવે એવો આત્મા છે. આવો આત્મા જ આદર કરવા યોગ્ય છે, તેને જ
પોતાનો કરીને બહુમાન કરવા યોગ્ય છે. દેહાદિક પોતાથી ભિન્ન છે, તે રૂપે આત્મા નથી. અજ્ઞાની જડ શરીરને જ દેખે
છે ને તેને જ આત્મા માને છે, પણ જડથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ આત્માને જાણતો નથી,–તેથી તે બહિરાત્મા છે. દેહાદિથી
ભિન્ન ચિદાનંદસ્વરૂપ શ્રીગુરુ બતાવે છે, તે સ્વરૂપને જે સમજે તેને શ્રીગુરુ પ્રત્યે બહુમાનનો યથાર્થ ભાવ આવે કે
અહો! ચિદાનંદસ્વરૂપ આત્મા શ્રીગુરુએ મને પરમ અનુગ્રહ કરીને બતાવ્યો. પોતાને સ્વસંવેદન થાય ત્યારે જ્ઞાની
ગુરુની ખરી ઓળખાણ થાય અને તેમના પ્રત્યે ખરી ભક્તિ આવે. એકલા શુભરાગવડે પણ ચિદાનંદસ્વરૂપ આત્મા
ઓળખાય તેવો નથી, અને પોતાના આત્માને ઓળખ્યા વગર સામા આત્માની ઓળખાણ પણ થાય નહિ.
સમ્યગ્દ્રષ્ટિ–અંતરાત્મા પોતાના આત્માને દેહાદિથી ભિન્ન એવો જાણે છે કે હું તો અનંત જ્ઞાન અને આનંદ
શક્તિથી ભરેલો છું, મારા જ્ઞાનાનંદસ્વરૂપમાં હું અચલ છું, મારા જ્ઞાનાનંદસ્વરૂપથી હું કદી ચ્યૂત થતો નથી; આવા

PDF/HTML Page 24 of 25
single page version

background image
માગશરઃ ૨૪૮૪ઃ ૨૩ઃ
જ્ઞાનાનંદસ્વરૂપની જે સમ્યક્શ્રદ્ધા અને જ્ઞાન થયું તેનાથી ડગાવવા હવે જગતની કોઈ પ્રતિકૂળતા સમર્થ નથી;
જ્ઞાનસ્વરૂપના આશ્રયે જે સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન થયા તે હવે આત્માના જ આશ્રયે અચલ ટકી રહે છે, કોઈ સંયોગના
કારણે શ્રદ્ધા–જ્ઞાન ચલાયમાન થતા નથી. આવા સ્વસંવેદનથી આત્માના વાસ્તવિકસ્વરૂપની ઓળખાણ કરવી તે
બહિરાત્મપણાથી છૂટવાનો ને અંતરાત્મા–ધર્માત્મા–થવાનો ઉપાય છે અને પછી આત્માના ચૈતન્યસ્વભાવમાં જ લીન
થઈને પોતે પરમાત્મા બની જાય છે.
આત્મા ચૈતન્યસ્વરૂપ છે, ને આ દેહ તો જડ છે. આત્મા અને શરીર એક જગ્યાએ સાથે રહેલા હોવા છતાં
બંનેના પોતપોતાના ભાવો જુદા છે, એટલે ભાવે ભિન્નતા છે, જેમ એક કષાઈ જેવો જીવ અને બીજો સજ્જન–એ બંને
એક ઘરમાં ભેગા રહ્યા હોય પણ બંનેના ભાવો જુદા જ છે. તેમ આ લોકમાં આત્મા અને જડ શરીરાદિ એક ક્ષેત્ર રહ્યા
હોવા છતાં બંનેના ભાવો તદ્ન જુદા છે. આત્મા પોતાના જ્ઞાન–આનંદ વગેરે ભાવમાં રહ્યો છે, ને કર્મ–શરીરાદિ તો
પોતાના અજીવ–જડ ભાવમાં રહ્યા છે; બંનેની એકતા કદી થઈ જ નથી. આવી અત્યંત ભિન્નતા હોવા છતાં મૂઢ આત્મા
જડથી ભિન્ન પોતાના સ્વરૂપને જાણતો નથી ને દેહાદિક જ હું છું–એમ માનીને મિથ્યાભાવમાં પ્રવર્તે છે,–તે જ
સંસારદુઃખનું કારણ છે. શુદ્ધજ્ઞાન ને આનંદ સિવાય બીજું બધુંય મારા સ્વરૂપથી બાહ્ય છે–એમ અંતરાત્મા પોતાના
આત્માને સમસ્ત પરભાવોથી ભિન્ન શુદ્ધજ્ઞાનાનંદસ્વરૂપે અનુભવે છે. પર્યાયમાં રાગાદિ ઉપાધિભાવો છે તેને જાણે છે,
પણ તે રાગાદિરૂપ અશુદ્ધ સ્વરૂપ જ આત્મા થઈ ગયો એમ નથી માનતા; રાગથી પણ પાર જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા છે
તેને અંર્તદ્રષ્ટિથી દેખે છે,–તે અંતરાત્મા છે.
અરે ભાઈ! તારા આત્માનું વાસ્તવિકસ્વરૂપ શું છે તેને એકવાર જાણ તો ખરો! આ મનુષ્યદેહ તો સ્મશાનમાં
બળીને ભસ્મ થશે; શરીર તો જડપરમાણુઓ ભેગા થઈને બન્યું છે, તે આત્મા નથી. આત્મા તો અનાદિ અનંત,
જ્ઞાનઆનંદસ્વરૂપે અચલ રહેનાર છે. પુણ્ય પાપની ક્ષણિક વૃત્તિઓ આવે ને જાય તેટલો આત્મા નથી. દેહથી પાર,
રાગથી પાર, અંતરમાં જ્ઞાનાદિ અનંતગુણસ્વરૂપ પોતાનો આત્મા છે, તેની સાથે એકતા કરીને તેના આનંદનું જ્યાં
સ્વસંવેદન કર્યું ત્યાં બાહ્ય પદાર્થો અંશ માત્ર પોતાના ભાસતા નથી, ને તેમાં ક્યાંય સુખબુદ્ધિ રહેતી નથી. ચૈતન્યનું સુખ
ચૈતન્યમાં જ છે–એનો સ્વાદ જાણ્યો ત્યાં સંયોગની ભાવના રહેતી નથી. અજ્ઞાનીને અંતરના ચૈતન્યના આનંદના
સ્વાદની ખબર નથી તેથી બાહ્ય સંયોગમાં સુખ માનીને તે સંયોગની જ ભાવના ભાવે છે, ને સંયોગો મેળવીને તેના
ભોગવટા વડે સુખ લેવા માંગે છે; પણ જડ સંયોગમાંથી અનંતકાળેય સુખ મળે તેમ નથી, કેમકે ચૈતન્યનું સુખ બહારમાં
નથી. અજ્ઞાની જીવ બાહ્ય સંયોગ તરફના રાગ–દ્વેષ, હર્ષ–શોકનું જ વેદન કરે છે, પણ સંયોગથી ને રાગથી પાર
અસંયોગી ચૈતન્ય સ્વભાવના અતીન્દ્રિય આનંદનું વેદન તેને નથી. અહીં પૂજ્યપાદસ્વામી આત્માનું સ્વરૂપ બતાવે છે કે
હે જીવ! તારો આત્મા મનુષ્યાદિ શરીરરૂપ નથી, અનંત જ્ઞાન–આનંદ શક્તિસ્વરૂપ તારો આત્મા છે, તેને અંતરમાં
સ્વસંવેદનથી તું જાણ.
આત્મધર્મ અંક ૧૬૯ (કારતક)માં સુધારો
પાનું–કોલમ–લાઈનઅશુદ્ધશુદ્ધ
૬–૧–૨૩, ૨૪મુખ્ય કરી ભને સ્વભાવનીમુખ્ય કરીને સ્વભાવની
૬–૨–૭પણ તો રાગ પ્રત્નેપણ તે રાગ પ્રત્યે
૭–૧–૧૧વિકલ્પને પછીવિકલ્પને પણ
૮–૧–૨૧રત્નત્રય મોક્ષમાર્ગરત્નત્રયરૂપ મોક્ષમાર્ગ
૧૦–૨–૨૩નથી પર્યાયનવી પર્યાય
૧૧–૧–૩૦એ પર્યાયનું પરિવર્તનએ રીતે પર્યાયનું પરિવર્તન
૧૧–૨–પઉત્પાદન થાય છેઉત્પાદ થાય છે
૧૩–૧–૯, ૧૦મારા અશુદ્ધતામારા સ્વભાવમાંથી અશુદ્ધતા
૧પ–૧–૧૦અને અભાવને ભાવઅને અભાવનો ભાવ
૧૭–૧–૨૨सिद्धा षे किल केचनसिद्धा ये किल केचन
૧૯–૧–૭મોક્ષ કેમ થાય?મોક્ષ કેમ ન થાય?

PDF/HTML Page 25 of 25
single page version

background image
ATMADHARMA Regd. No. B. 4787
___________________________________________________________________________________
બીજાનું દુઃખ મટાડવાનું દુઃખ
સર્વજ્ઞ ભગવાન કહે છે કે...અરે જીવ! તું શાંત થા...ધીરો
થા! બીજાનું જરાક દુઃખ દેખીને, એકાકારપણે તને એમ થઈ જાય
છે કે હું તેનું દુઃખ મટાડી દઉં, પણ હે ભાઈ! આખા જગતના બધા
જીવોના અનંત દુઃખને અમે શું નથી દેખતા! જગતના જીવોનું
દુઃખ દેખતા હોવા છતાં અમને એવી રાગવૃત્તિ નથી ઊઠતી કે “હું
આનું દુઃખ દૂર કરી દઉં.” પરના દુઃખનું જ્ઞાન તો છે, પણ
રાગબુદ્ધિ થતી નથી, માટે (અમારું ઉદાહરણ લઈને) હે જીવ! તું
સમજ કે આત્માનો સ્વભાવ તો જ્ઞાન જ છે; રાગ થાય તે
આત્માનો સ્વભાવ નથી, પરને દુઃખી દેખીને રાગ થાય કે રાગને
લીધે જીવ પરનું દુઃખ મટાડી શકે–એવું વસ્તુસ્વરૂપ નથી. આવું
વસ્તુસ્વરૂપ જાણવા છતાં, જ્ઞાનીને પણ જે કરુણાની શુભ વૃત્તિ
થઈ આવે છે તે પોતાની અસ્થિરતાને લીધે થાય છે. અરે રે! આ
અજ્ઞાની જીવો પોતાના આનંદનિધાનને ભૂલીને સંસારરૂપી
દુઃખસાગરમાં ડુબેલા છે; તેઓ પોતાના આનંદનિધાનને ઓળખે
તો જ તેનું દુઃખ મટે,–આવી અનુકંપા જ્ઞાનીને પણ રાગ વખતે
આવે છે. પણ આવી અનુકંપાને લીધે હું પરનું દુઃખ મટાડી દઉં–
એમ તે માનતા નથી, કેમ કે તે જાણે છે કે–જગતમાં સામા જીવોને
જે દુઃખ છે તે કોઈ સંયોગને લીધે નથી, પણ તે જીવો પોતે
પોતાના આનંદસ્વભાવને ભૂલી રહ્યા છે તેથી જ દુઃખી છે; અને તે
જીવો પોતે પોતાના આનંદસ્વરૂપને ઓળખીને તેમાં એકાગ્ર થાય
તો જ તેઓનું દુઃખ ટળે. તેને બદલે બીજો જીવ એકાગ્ર થાય તો જ
તેઓનું દુઃખ ટળે તેને બદલે બીજો જીવ માને કે “હું તેઓનું દુઃખ
મટાડી દઉં”–તો તે જીવ કાંઈ બીજાનું દુઃખ તો મટાડી શકતો
નથી, પણ “હું બીજાનું દુઃખ મટાડી દઉં” એવા મિથ્યા
અભિપ્રાયને લીધે તે જીવ પોતે દુઃખી થાય છે.
– પંચાસ્તિકાય...ગા. ૧૩૭ ના પ્રવચનમાંથી
મુદ્રકઃ હરિલાલ દેવચંદ શેઠ–આનંદ પ્રિન્ટીંગ પ્રેસ–ભાવનગર.
પ્રકાશકઃ સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી હરિલાલ દેવચંદ શેઠ–ભાવનગર.