Atmadharma magazine - Ank 183
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 25
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : પોષ : ૨૪૮૫ :
–પરમ શાંતિ દાતારી–
અધ્યાત્મભાવના
ભગવાનશ્રી પૂજ્યપાદસ્વામી રચિત ‘સમાધિશતક’ ઉપર પરમપૂજ્ય સદ્ગુરુદેવ
શ્રી કાનજીસ્વામીનાં અધ્યાત્મભાવના ભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર
[વીર સં. ૨૪૮૨ : જેઠ વદ પાંચમ]
જેને આનંદસ્વરૂપ આત્માનું ભાન નથી એવા અજ્ઞાનીને પોતાને તપશ્ચરણ વ્રતાદિમાં ખેદ લાગે
છે, એટલે જ્ઞાની સંતોને પણ તપશ્ચરણમાં ખેદ થતો હશે, એમ તે માને છે; તેને એમ શંકા થાય છે કે
મુક્તિને માટે ઘોર તપ કરનારા જ્ઞાની–સંતોને પણ મહાદુઃખ થતું હશે અને ચિત્તમાં ખેદ થતો હશે, તેથી
તેને મુક્તિની પ્રાપ્તિ કેમ થાય? તે શંકાનું સમાધાન કરતાં આચાર્ય પૂજ્યપાદસ્વામી કહે છે કે–
आत्मदेहान्तरज्ञान जनिताह्लादनिर्वृत्तः।
तपसा दुष्कृतं घोरं भुंजानोऽपि न खिद्यते।।३४।।
અરે ભાઈ! આત્મા અને દેહના ભેદજ્ઞાનવડે, ચૈતન્યમાં એકાગ્ર થયેલા ધર્માત્મા તો આનંદથી
આહ્લાદિત છે, તે તો ચૈતન્યના આનંદમાં ઝૂલે છે, અનાકુળ શાંત રસના વેદનમાં ડુબકી મારીને લીન
થયા છે; ત્યાં અનેક ઉપવાસાદિ તપશ્ચરણ સહેજે થઈ જાય છે, તેમાં તેમને ખેદ થતો નથી પણ ચૈતન્યના
આનંદનો વિષયાતીત આહ્લાદ આવે છે. અરે! ચૈતન્યના અનુભવમાં દુઃખ કેવું? ઋષભદેવ પ્રભુ છ
મહિના સુધી ધ્યાનમાં એવા લીન રહ્યા કે ચૈતન્યના આનંદમાં વચ્ચે આહારની વૃત્તિ જ ન ઊઠી. ત્યાં
કાંઈ તેમને દુઃખ ન હતું. ત્યારપછી બીજા છ મહિના પણ તપ કર્યો. લગભગ એક વર્ષના ઉપવાસ થયા,
છતાં પરિણામમાં જરાય ખેદ ન હતો; આત્માના આનંદમાં ઘણી લીનતા હતી. આનંદમાં લીનતાવડે જ્ઞાની
મુક્તિને સાધે છે. મુક્તિને સાધતાં દુઃખ લાગે તો તેણે મુક્તિના માર્ગને જાણ્યો જ નથી. મુક્તિ તો
પરમાનંદની પ્રાપ્તિ છે, ને તેનો ઉપાય પણ આનંદમય છે, તેના ઉપાયમાં દુઃખ નથી. બહારમાં ગમે તેવી
ઘોર પ્રતિકૂળતા આવી પડે તો પણ આત્માના આનંદથી આનંદિત સંતોને જરાય દુઃખ કે ખેદ થતો નથી.
દેહને અને સંયોગોને પોતાથી ભિન્ન જાણીને જેઓ આત્મામાં જ લીન થયા છે તેમને દુઃખ કેવું? ગમે
તેવા બાહ્ય સંયોગો આવી પડો પણ જ્યાં બાહ્ય વિષયો સંબંધી ચિંતા જ નથી ત્યાં દુઃખ કેવું? ચૈતન્યનો
સ્વભાવ જ આનંદ છે–
‘आनंदं ब्रह्मणो रूपं’ તેના ચિંતનમાં દુઃખ કેમ હોય? અહો! જ્ઞાનીને તો
આત્મસ્વરૂપમાં અંતર્લીનતાથી અપૂર્વ આનંદનો અનુભવ છે, પણ સંયોગદ્રષ્ટિવાળા મૂઢ અજ્ઞાની જીવને
જ્ઞાનીના અંતરની ખબર નથી. પ્રતિકૂળ સંયોગોથી જ્ઞાનીને દુઃખ થતું હશે–એમ તે મૂઢતાથી માને છે. સિંહ
આવીને ધ્યાનસ્થ મુનિના શરીરને ફાડી ખાતો હોય ત્યાં જેને એમ લાગે કે “અરેરે! આ મુનિને મહાદુઃખ
થતું હશે”–તો તે જીવ મોટો મૂઢ છે. અરે મૂઢ! સંતો તો અંતરની ચૈતન્યસ્વરૂપની લીનતાથી મહા–

PDF/HTML Page 22 of 25
single page version

background image
: પોષ : ૨૪૮૫ : આત્મધર્મ : ૨૧ :
સુખી છે. મહાઆનંદી છે, શરીરને સિંહ ફાડી ખાય તેમાં શું થયું? શરીરથી આત્માને ભિન્ન જાણીને સંતો તો
ચૈતન્યમાં લીન થઈને આનંદને જ અનુભવે છે. સાધક સંતો ઉપર ઉપસર્ગ આવે ત્યાં તે દૂર કરવાની વૃત્તિનો
ભાવ ધર્મી ભક્તોને આવ્યા વિના રહે નહિ, પરંતુ ત્યાં સામા સંતોને દુઃખી માનીને તે ભાવ નથી આવતો, પણ
પોતાના રાગને લીધે–ભક્તિભાવને લીધે તેવી વૃત્તિ આવે છે. જેને સંયોગ તરફ ઝૂકાવ થઈને રાગ–દ્વેષ થાય છે
તેને જ દુઃખ થાય છે; પણ જેને સંયોગ તરફ ઝૂકાવ નથી ને સ્વભાવ તરફ જ ઝૂકાવ છે એવા સંતોને રાગદ્વેષ
થતા નથી, અને તેથી ગમે તેવા સંયોગથી પણ તેમને દુઃખ થતું નથી, આનંદનો જ અનુભવ છે; ને એ રીતે
ચૈતન્યના આનંદમાં લીન થઈને તે મુક્તિને સાધે છે.
શરીરને આત્મા માન્યો ત્યાં શરીર ઉપરના મમત્વને લીધે જ અજ્ઞાની દુઃખી ખેદખિન્ન થાય છે. પણ જ્યાં
દેહથી આત્માને જુદો જાણ્યો, દેહનું મમત્વ જ છૂટી ગયું ને ચૈતન્યમાં લીનતા થઈ ત્યાં ધર્મીને આનંદની જ
અત્રૂટધારા વહે છે, તેમાં તેને ખેદ કે દુઃખ થતું નથી. ભેદજ્ઞાનપૂર્વકની આવી તપસ્યા તે મોક્ષનું કારણ છે.
આત્મા અને શરીરનું ભેદજ્ઞાન કરીને જ્યાં આત્મામાં એકાગ્ર થયો ત્યાં સમસ્ત બાહ્યવિષયોની ચિંતા
છુટી જાય છે ને પોતાના પરમ અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે. બહારના ગમે તેવા સંયોગમાં પણ તેનો
આનંદ અબાધિત રહે છે; બાહ્યસંયોગની પ્રતિકૂળતાથી કે વ્રત–તપથી તેને ખેદ થતો નથી.
।। ૩૪।।
[વીર સં. ૨૪૮૨ : જેઠ વદ ૬]
(સમાધિશતક ગા. ૩૫)
જ્યાં સુધી બાહ્ય પદાર્થોમાં આ મને ઈષ્ટ અને આ મને અનીષ્ટ એવી રાગ–દ્વેષની બુદ્ધિરૂપ કલ્લોલોથી
જીવ ચંચળ છે ત્યાં સુધી ચૈતન્યના આનંદનો અનુભવ થતો નથી. જેનું ચિત્ત સમસ્ત બાહ્ય પદાર્થોથી ભિન્ન
પોતાના જ્ઞાનાનંદસ્વરૂપ આત્મામાં વળ્‌યું છે તે જીવ રાગ–દ્વેષાદિ કલ્લોલોથી રહિત સ્થિર છે, ને એવા સ્થિર
ચિત્તવાળો જીવ જ પરમ આનંદમય આત્મ–તત્ત્વને દેખે છે, બીજા દેખી શકતા નથી–એમ હવે કહે છે–
रागद्वेषादि कल्लोलैरलोलं यन्मनाजलम्।
स् पश्यत्यात्मनस्तत्त्वं तत् तत्त्वं नेतरो जनः।।३५।।
જેનું જ્ઞાનરૂપી જળ રાગદ્વેષાદિ કલ્લોલોથી અવિક્ષિપ્ત છે તે આત્મતત્ત્વને દેખે છે, બીજા જનો તેને દેખતા
નથી. જેમ મેલા કે તરંગવાળા પાણીમાં રહેલી વસ્તુ દેખાતી નથી, તેમ જેનું જ્ઞાનજળ મિથ્યાત્વરૂપી મેલથી કે
રાગ–દ્વેષરૂપી કલ્લોલોથી વિક્ષિપ્ત છે–ચંચળ છે તેના જ્ઞાનમાં આનંદમય આત્માનો અનુભવ થતો નથી.
આત્મતત્ત્વ રાગદ્વેષાદિ કલ્લોલોવડે વેદનમાં આવતું નથી. આત્માની આરાધનામાં જેને કષ્ટ લાગે
તેણે આત્માને દેખ્યો જ નથી. પરમાનંદસ્વરૂપ આત્માની આરાધનામાં કષ્ટ કેમ હોય? બાહ્ય પદાર્થોમાં ઈષ્ટ–
અનીષ્ટ સંકલ્પોના તરંગથી જે ડામાડોળ વર્તે છે તેને આત્માના આનંદમાં લીનતા થતી નથી. ચૈતન્ય સરોવરનું
જળ રાગદ્વેષના તરંગોથી ડોલી રહ્યું છે ત્યાં સમાધિ થતી નથી. રાગ–દ્વેષથી ભરેલો મનરૂપી ઘડો ફૂટયા વગર
મન આત્મામાં ઠરતું નથી. જેમ તરંગથી ઊછળતા પાણીમાં અંદર ઊંડે રહેલી વસ્તુ દેખાતી નથી તેમ જેનું
જ્ઞાનજળ રાગ–દ્વેષરૂપી તરંગોથી ઊછળી રહ્યું છે તેને અંદર રહેલા આત્મતત્ત્વનું દર્શન થતું નથી. રાગ–દ્વેષ રહિત
નિર્વિકલ્પ ચિત્તવડે આત્મદર્શન થાય છે. ચિદાનંદ તત્ત્વમાં ઊંડે ઊતરતાં રાગ–દ્વેષાદિના સંકલ્પો છૂટી જાય છે–
મનરૂપી ઘડો ફૂટી જાય છે.
પ્રભો! આત્મદર્શન શું છે તેની પણ તને ખબર નથી તો શાંતિ કે સમાધિ થાય નહિ. અંતરના ચૈતન્યનું
નિર્વિકલ્પ વેદન ન થાય ત્યાં સુધી તો સમ્યગ્દર્શન પણ હોતું નથી. સંકલ્પ–વિકલ્પોથી વિમુખ થઈને ચૈતન્ય
સ્વભાવ તરફ ઝૂકીને નિર્વિકલ્પ વેદન કર્યા વગર તો સમ્યગ્દર્શન પણ નથી, સમ્યગ્દર્શન વગર મુનિદશા કે વ્રત–
તપ હોતાં નથી, ને મુનિદશા વગર સમાધિ થતી નથી. સમ્યગ્દર્શન થતાં અમુક શાંતિ ને સમાધિ તો થઈ છે, પણ
હજી મુનિદશાની વિશેષ સમાધિ નથી. સંકલ્પ–વિકલ્પ રહિત ચૈતન્યતત્ત્વનો આનંદ જેના વેદનમાં નથી આવ્યો
તેને દુઃખ અને ખેદનાં પરિણામ થયા વિના રહેતા નથી. નિર્વિકલ્પ મનવડે આત્મદર્શન થાય છે; અહીં ‘મન’
એટલે જ્ઞાન સમજવું. જ્ઞાન જ્યાં અંતર્મુખ વળ્‌યું ત્યાં નિર્વિકલ્પ થયું, ને આત્માના

PDF/HTML Page 23 of 25
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : પોષ : ૨૪૮૫ :
આનંદનું વેદન થયું. ત્યાં રાગદ્વેષાદિ તરંગોથી તે જ્ઞાન જળ ડોલાયમાન થતું નથી, તેમાં રાગ–દ્વેષના વિક્ષેપો
નથી, ચૈતન્યમાં સ્થિરતા છે.
મિથ્યાત્વ તે સૌથી મોટો વિક્ષેપ છે, રાગાદિથી કિંચિત્ પણ લાભ થશે એવી મિથ્યાબુદ્ધિ તે આત્મદર્શનમાં
મોટો વિક્ષેપ છે, તે વિક્ષેપમાં અટકેલું જ્ઞાન અંતર્મુખ થઈને આત્માને દેખી શકતું નથી. અને, મિથ્યાત્વનો નાશ
કરીને આત્માનું સમ્યગ્જ્ઞાન પ્રગટ કર્યા પછી પણ જ્યાં સુધી રાગ–દ્વેષના કલ્લોલોથી જ્ઞાનજળ ચંચળ વર્તે છે
ત્યાં સુધી નિર્વિકલ્પ આનંદનું વેદન થતું નથી. જ્યારે જ્ઞાનઉપયોગ અંતરમાં વળીને, રાગદ્વેષ રહિત
નિર્વિકલ્પપણે સ્થિર થાય છે ત્યારે આત્મતત્ત્વ સ્વસંવેદનપ્રત્યક્ષથી અનુભવમાં આવે છે; રાગ–દ્વેષના વિકલ્પમાં
જોડાયેલું જ્ઞાન સ્વસંવેદનપ્રત્યક્ષથી આત્માને અનુભવી શકતું નથી.
અતીન્દ્રિય આત્મસ્વરૂપની સન્મુખતાવડે રાગદ્વેષાદિ તરંગો શાંત થઈ જાય છે. ચૈતન્ય સ્વભાવની
સન્મુખતા વગર બીજા કોઈ ઉપાયથી રાગદ્વેષના તરંગો શાંત થતા નથી. બહારની અનુકૂળતાના લક્ષે જે શાંત
પરિણામ લાગે તે ખરી શાંતિ નથી. અંર્તસ્વભાવના લક્ષે રાગ–દ્વેષનો અભાવ થતાં જ ખરી શાંતિ હોય છે.
અંતર્મુખ ઉપયોગ વખતે નિર્વિકલ્પદશામાં પરમાત્મતત્ત્વ આનંદ સહિત સ્ફૂરાયમાન થાય છે,–પ્રગટ અનુભવમાં
આવે છે. જેમ જેમ આવો અનુભવ વધતો જાય છે તેમ તેમ રાગ–દ્વેષ છૂટતા જાય છે ને વીતરાગી સમાધિ થતી
જાય છે, પછી બહારની ગમે તેવી પ્રતિકૂળતા કે અનુકૂળતાથી પણ તેનું ચિત્ત ચલાયમાન થતું નથી,
સ્વરૂપલીનતામાં એવો અચિંત્ય આનંદ છે કે તેમાંથી બહાર આવતા નથી.
।। ૩૫।।
.... આત્મા કદી છોડતો નથી
આત્મા દેહથી ને વિકારથી છૂટો રહે છે પણ
પોતાના સ્વભાવરૂપ જ્ઞાનમાત્ર ભાવને તે કદી
છોડતો નથી. જેમ સાકર મેલને છોડે છે પણ
મીઠાશને નથી છોડતી, જેમ અગ્નિ ધૂમાડાને છોડે
છે પણ ઉષ્ણતાને નથી છોડતો, તેમ ચૈતન્યમૂર્તિ
આત્મા રાગાદિ વિકારભાવોને છોડે છે પણ
પોતાના જ્ઞાનભાવને કદી છોડતો નથી. માટે
જ્ઞાનભાવવડે તારા આત્માને લક્ષમાં લઈ
આત્માની પ્રસિદ્ધિ કર.... આત્માનો અનુભવ કર.
નિજભાવને છોડે નહિ, પરભાવ કંઈ પણ નવ ગ્રહે,
જાણે જુએ જે સર્વ તે હું,–એમ જ્ઞાની ચિંતવે.

PDF/HTML Page 24 of 25
single page version

background image
!’
સમયસારના સંવર અધિકારમાં આચાર્યદેવે નિરાલંબી આકાશનો દાખલો આપીને આત્માનો
જ્ઞાનસ્વભાવ અદ્ભૂત શૈલિથી સમજાવ્યો છે. અહો! આખો લોક નિરાલંબી છે. ચારે બાજુ તેમજ નીચે ઉપર
સર્વત્ર અનંતઅનંત અલોકાકાશની મધ્યમાં ૩૪૩ ઘનરાજુ પ્રમાણ આ લોક શાશ્વત રહેલો છે. અનંતાનંત જીવ
પુદ્ગલો વગેરેથી તે સર્વત્ર ભરેલો છે. આ લોકને નીચે કોઈ ટેકો નથી કે ઉપર કોઈ દોરડાથી તે લટકાવેલો નથી,
તેમજ કોઈએ તેને ધારી રાખ્યો નથી, છતાં તે લોક નીચે પડી જતો નથી. લોકની નીચે તદ્ન ખાલી જગ્યા જ છે
છતાં લોક નીચે ઊતરી જતો નથી, એમને એમ નિરાલંબીપણે ટકી રહ્યો છે. જેમ લોક આખોય નિરાલંબીપણે
એમ ને એમ ટકી રહ્યો છે, તેમ લોકના બધાય પદાર્થો નિરાલંબીપણે પોત પોતાના સ્વરૂપમાં રહ્યાં છે, કોઈ
ભિન્ન આધારની અપેક્ષા તેઓને નથી. અહો! જુઓ તો ખરા આ વસ્તુ સ્વભાવ!
વળી સમવસરણમાં બિરાજમાન સર્વજ્ઞ પરમાત્માને નીચે રત્નમણિનું દૈવી સિંહાસન હોય પણ
ભગવાનનો દેહ તે સિંહાસનને અડતો નથી, ભગવાન તો સિંહાસનથી ચાર આંગળ ઊંચે બિરાજે છે એટલે
નિરાલંબીપણે આકાશમાં જ બિરાજે છે.–
“ઊંચે ચતુરાંગુલ જિન રાજે
ઈન્દ્રો નરેન્દ્રો મુનિરાજ પૂજે
જેવું નિરાલંબન આત્મતત્ત્વ
તેવો નિરાલંબન જિનરેહ.”
ભગવાનનો આત્મા તો પોતાના સ્વભાવના આધારે પરિપૂર્ણ વીતરાગી નિરાલંબી થઈ ગયો, ને ત્યાં
શરીરનો સ્વભાવ પણ નિરાલંબી થઈ ગયો. કોઈ પણ બાહ્ય પદાર્થના અવલંબન વગર ભગવાનનો આત્મા
પરિપૂર્ણ જ્ઞાન આનંદરૂપે પરિણમી રહ્યો છે. બધાય આત્માઓનો આવો નિરાલંબી સ્વભાવ છે. પણ મૂઢ અજ્ઞાની
જીવોને બહારના અવલંબનની મિથ્યાબુદ્ધિ ખસતી નથી, ને આત્માનું અવલંબન તેઓ લેતા નથી. સંતો સમજાવે
છે કે હે જીવ! પોતે જ પોતાના ધર્મનો આધાર થાય એવી તારા આત્માની શક્તિ છે, માટે તું તારા આત્માનું જ
અવલંબન લે....ને બીજાના અવલંબનની બુદ્ધિ છોડ. જેમ આકાશને રહેવા માટે બીજા કોઈનો આધાર નથી તેમ
તારા આત્માને નિજધર્મ માટે બીજા કોઈનું અવલંબન નથી.
!
જેનો જે આધાર હોય તેનાથી તે અભિન્ન હોય, ભિન્ન ન હોય. જો વસ્તુમાં પોતાનો આધાર થવાની
શક્તિ ન હોય ને ભિન્ન આધાર હોય તો ‘અનવસ્થા દોષ’ આવે,–આધારની પરંપરા ક્યાંય અટકે નહિ. જેમકે–
કોઈ એમ કહે કે–આત્માનો આધાર આ શરીર;
તો શરીરનો આધાર કોણ? – મકાન;
મકાનનો આધાર? – આ જંબુદ્વીપ;
જંબુદ્વીપનો આધાર? – મધ્ય લોક;
મધ્ય લોકનો આધાર? – લોક;
ને લોકનો આધાર? – અલોક.
તો અલોકનો આધાર કોણ? –
અલોકથી તો મોટું બીજું કોઈ નથી કે જેને અલોકનો આધાર કહી શકાય, માટે અલોકનો આધાર અલોક
જ છે, બીજો કોઈ ભિન્ન આધાર નથી, તો પછી અલોકની જેમ જગતના બધાય પદાર્થોને પણ પોત પોતાનો જ
આધાર છે, પરનો આધાર નથી. આકાશનો દાખલો આપીને ભેદજ્ઞાનની અદ્ભુત રીત આચાર્યદેવે સમજાવી
છે....જ્યારે એકલા આકાશને જ લક્ષમાં લઈને તેના આધારનો વિચાર કરવામાં આવે ત્યારે આકાશને બીજા
કોઈ દ્રવ્યનો આધાર કહી શકાતો નથી, એટલે કોઈ ભિન્ન આધાર લક્ષમાં આવતો નથી, એક આકાશ જ
આકાશમાં જ છે–એમ બરાબર સમજાય છે, ને એવું સમજનારને પર સાથે આધાર આધેયપણું ભાસતું નથી.
તેમ એકલા જ્ઞાનસ્વરૂપને લક્ષમાં લઈને તેના આધારનો વિચાર કરવામાં આવે ત્યારે જ્ઞાનથી ભિન્ન અન્ય કોઈ
દ્રવ્યનો આધાર દેખાતો નથી, એક જ્ઞાન જ પોતે જ્ઞાનમાં જ છે–એમ બરાબર સમજાય છે, અને એવું
સમજનારને પોતાના જ્ઞાનસ્વભાવથી ભિન્ન અન્ય કોઈ પદાર્થો સાથે પોતાનું આધારઆધેયપણું ભાસતું નથી.
આવું અપૂર્વ ભેદજ્ઞાન થતાં પોતે પોતાના જ્ઞાનસ્વભાવના આધારે જ્ઞાનરૂપે જ પરિણમે છે, ને રાગદ્વેષમોહની
ઉત્પત્તિ થતી નથી. –આનું નામ સંવર છે, ને એ જ સિદ્ધિનો ઉપાય છે.

PDF/HTML Page 25 of 25
single page version

background image
ATMADHARMA Reg. No. B. 4787
જેણે સ્વ સાથે જોડી,
તેણે પર સાથે તોડી.
જે આત્માને સંસારબંધનનો ત્રાસ
લાગ્યો હોય ને જે પોતાના આત્માને તે
બંધનથી છોડાવવા માંગતો હોય તેની આ
વાત છે. તે જીવ આત્મા સાથે સંબંધ જોડીને
જગત સાથેનો સંબંધ તોડે છે. તે આ પ્રમાણે–
હું જ્ઞાયકસ્વભાવી આત્મા, જગતના
પદાર્થોથી હું અત્યંત જુદો; કોને હું રાજી કરું?
કે કોનાથી હું રાજી થાઉં? દુનિયા દુનિયામાં,
ને હું મારામાં; હું જ્ઞાન, ને પદાર્થો જ્ઞેય; જ્ઞેયો
જ્ઞેયપણે તેમના ઉત્પાદ–વ્યય–ધ્રુવમાં પરિણમી
રહ્યાં છે, હું મારા જ્ઞાનસ્વભાવમાં જ સ્વકીય
ઉત્પાદવ્યય–ધ્રુવરૂપે પરિણમું! આમ નિર્ણય
કરીને ધર્મીજીવ જ્ઞાનસ્વભાવને આશ્રિત જ
નિર્મળભાવે પરિણમે છે. આ રીતે
જ્ઞાનસ્વભાવમાં ઉપયોગને જોડતાં પર
સાથેનો સંબંધ તૂટી જાય છે. અને
એકત્વસ્વભાવની ભાવનામાં લીન એવો તે
આત્મા પર સાથેનો સંબંધ અત્યંત તોડીને
સિદ્ધપદને પામે છે.
(પ્રવચનસાર ગા. ૧૦૧ના
પ્રવચનમાંથી)
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટવતી મુદ્રક અને
પ્રકાશક : હરિલાલ દેવચંદ શેઠ : આનંદ પ્રી. પ્રેસ–ભાવનગર