Atmadharma magazine - Ank 220
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 25
single page version

background image
: ૨૦ : આત્મધર્મ: ૨૨૦
ફળ પણ સંસાર જ છે, તો તેને સુશીલ કેમ કહેવાય? રાગમાત્ર કુશીલ છે–પછી તે અશુભ હો કે શુભ
હો; અશુભ અને શુભ એ બંને ભાવો ચૈતન્યસ્વભાવથી બાહ્ય પ્રવૃત્તિરૂપ છે, ને ચૈતન્યસ્વભાવથી જે
બાહ્ય છે તે કુશીલ છે. એવા શુભાશુભને પોતાનું કર્તવ્ય માનવું કે તેનાથી લાભ માનવો તે મોટું
મિથ્યાત્વરૂપી કુશીલ છે.
ખરેખર અજ્ઞાન તે કુશીલ છે, ને સમ્યગ્જ્ઞાન તે સુશીલ છે. અનંત સંસારના કારણરૂપ જે
ક્રોધાદિભાવો તેનો જે જ્ઞાનમાંથી અભાવ ન થાય તે જ્ઞાન કુશીલ છે. એકલો ક્ષયોપશમ થાય તે જ્ઞાનને
ખરેખર જ્ઞાન કહેતા નથી; જે જ્ઞાન અંતરમાં વળીને પોતાના ચૈતન્યસ્વભાવ સાથે કેલિ કરે ને
પરભાવમાં જરાપણ તન્મય ન થાય તેને જ જ્ઞાન કહેવાય છે ને તે જ સુશીલ છે. જ્યાં આવું સમ્યગ્જ્ઞાન
છે ત્યાં જ શીલ હોય છે, અને અકષાય ભાવરૂપ શીલ જ્ઞાન વગર હોતું નથી. ભલે ૧૧ અંગ ભણ્યો હોય
પણ જો રાગાદિ પરભાવમાં તન્મયપણું ન છોડે તો તે કુશીલ જ છે. શીલ એટલે પ્રકૃતિ, અથવા
સ્વભાવ; અજ્ઞાનની પ્રકૃતિ શું?–કે જીવને સંસારમાં રખડાવવો તે; તેથી અજ્ઞાન તે કુશીલ છે. અને
સમ્યગ્જ્ઞાનની પ્રકૃતિ શું?–કે જીવને કષાયોથી છોડાવીને મોક્ષ પમાડવો તે; આવું જ્ઞાન તે સુશીલ છે.
અજ્ઞાન તે સંસારપ્રકૃતિવાળું છે ને સમ્યગ્જ્ઞાન તે મોક્ષપ્રકૃતિવાળું છે.
જ્યાં સમ્યગ્જ્ઞાન થયું ત્યાં ચૈતન્યથી બાહ્ય સમસ્ત વિષયોમાંથી સુખબુદ્ધિ છૂટી ગઈ, તે વિષયોને
પોતાથી ભિન્ન જાણીને જ્ઞાન તેનાથી જુદું પડ્યું, ને પોતાના અકષાયસ્વભાવ તરફ વળ્‌યું. આનું નામ સુશીલ
છે. જો આવું સુશીલપણું ન હોય ને બાહ્ય વિષયોને જ ધ્યેય બનાવીને જ્ઞાન પ્રવર્તે તો તો બાહ્ય વિષયોની
મીઠાસથી જ્ઞાનનો નાશ થાય છે; સમ્યગ્દ્રષ્ટિને અસ્થિરતાના રાગથી જે ઈન્દ્રિયવિષયો છે તેટલી ચારિત્રદશા
રોકાય છે, પણ અંતરમાં ભાન છે કે આ રાગ તે મારા સ્વભાવની પ્રકૃતિ નથી, તે તો વિભાવ છે; એટલે તે
સમ્યગ્દ્રષ્ટિના શ્રદ્ધા–જ્ઞાનમાં તો સમ્યક્શ્રદ્ધા–જ્ઞાનનો નાશ થતો નથી. પરદ્રવ્યનો સંસર્ગ છોડીને બ્રહ્મસ્વરૂપ
આત્મામાં લીન થવું તે પરમ બ્રહ્મચર્ય છે, તેને પણ શીલ કહેવાય છે, અને વ્યવહારમાં સ્ત્રી આદિના સંગને
છોડવો, વિષયો છોડવા તે બ્રહ્મચર્યને પણ શીલ કહેવાય છે. તે પણ આમાં સમાઈ જાય છે; કેમ કે ચૈતન્યને
જાણીને પછી જ્યાં તેની ભાવનામાં રત થાય ત્યાં બાહ્ય વિષયો તરફનું વલણ સહેજે છૂટી જાય છે. ઉપયોગની
પ્રવૃત્તિ જ્યાં નિજસ્વભાવમાં થઈ ત્યાં પરભાવથી ને પરવિષયોથી ઉપયોગ છૂટી ગયો, તેનું નામ જ સુશીલ
છે.
આચાર્યદેવ કહે છે કે ભાઈ, પ્રથમ તો સમ્યગ્જ્ઞાનની પ્રાપ્તિ જગતમાં બહુ દુર્લભ છે. અને જ્ઞાન પામ્યા
પછી પણ તેની વારંવાર ભાવના અને અનુભવ કરવો તથા વિષયો છોડીને ચૈતન્યમાં ઠરવું–તે બહુ દુર્લભ છે.
અતીન્દ્રિય ચૈતન્યસ્વભાવની રુચિ ઈન્દ્રિયવિષયોની રુચિ છૂટયા વગર થતી નથી, અને પછી પણ તે
ઈન્દ્રિયવિષયોનો અનુરાગ છૂટયા વગર ચૈતન્યના અતીન્દ્રિય આનંદમાં લીનતા થતી નથી. બાહ્ય વિષયો
તરફનું વલણ ચૈતન્યની સ્થિરતાને બગાડે છે; અને જો બાહ્ય વિષયોમાં રુચિ કે સુખબુદ્ધિ થઈ જાય તો
ચૈતન્યની શ્રદ્ધા પણ બગડી જાય છે. માટે ચૈતન્યને સ્વધ્યેય બનાવીને તેમાં એકાગ્રતા વડે વિષયો તરફના
વલણનો ત્યાગ તે સુશીલ છે.
જ્યાં સુધી જીવ સ્વવિષયને ભૂલીને બાહ્યવિષયોને જ વશીભૂત વર્તે છે ત્યાંસુધી તે પોતાના વાસ્તવિક
જ્ઞાનને જાણતો નથી. અને જ્ઞાન વગર માત્ર બાહ્ય વિષયોની વિરક્તિથી પણ કર્મનો ક્ષય થતો નથી.
દ્રવ્યલિંગી મુનિ થઈને બાહ્ય વિષયો તો છોડયા પણ અંદરમાં રાગની રુચિ ન છોડી–તો તેણે ખરેખર
વિષયોને છોડયા જ નથી, ને તેને કર્મોની નિર્જરા થતી નથી.
નિર્જરા અધિકારમાં આચાર્યદેવકહે છે કે, જ્ઞાની નિયમથી જ્ઞાન–વૈરાગ્યની શક્તિવાળો હોય છે–

PDF/HTML Page 22 of 25
single page version

background image
માહ: ૨૪૮૮ : ૨૧ :
જ્ઞાન કલા જિસકે ઘટ જાગી....
તે જગમાંહી સહજ વૈરાગી...
જ્ઞાની મગન વિષયસુખમાંહી
–યહ વિપરીત, સંભવે નાંહી.
અહો, સમ્યગ્દ્રષ્ટિના અંતરમાં જ્ઞાનકળા જાગી ત્યાં તે આખા જગતથી વૈરાગ્ય પામ્યો આખા જગતથી
પોતાના ચૈતન્યતત્ત્વને ભિન્ન જાણ્યું એટલે તેમાં ક્્યાંય સ્વપ્નેય સુખબુદ્ધિ ન રહી. જ્ઞાની બાહ્યવિષયોમાં સુખ
માનીને તેમાં મગ્ન થાય–એવી વિપરીતતા કદી સંભવતી નથી. સુખ તો પોતાના ચૈતન્યમાં જ ભાસ્યું છે, તેથી
તેનાથી બહાર બીજે ક્્યાંય ધર્મીને તન્મયતા થતી નથી. જ્ઞાનસહિત વૈરાગ્યમાં જ કર્મનો ક્ષય કરવાની તાકાત
છે.
અજ્ઞાની પરવિષયોને ઈષ્ટરૂપ કે અનીષ્ટરૂપ માનીને તેમાં જ ઉપયોગને ભમાવે છે. તે કુશીલ છે.
પરભાવમાં પ્રવૃત્તિ તે જ કુશીલ છે. અને ચિદાનંદસ્વભાવને ઓળખીને તેમાં ઉપયોગ પ્રવર્તે તે સુશીલ છે.
અજ્ઞાની કદાચિત શુભરાગથી બાહ્યવિષયો છોડે પણ તેનો ઉપયોગ તો રાગમાં જ લીનપણે વર્તે છે તેથી તેને
બર્હિર્મુખવૃત્તિરૂપ કુશીલનું જ સેવન છે, કર્મનો ક્ષય કરવાનું સામર્થ્ય તેનામાં નથી. સમ્યગ્જ્ઞાન થતાં
અંતર્મુખવૃત્તિ થઈ ત્યારે પરભાવ છૂટવા માંડયા ને કર્મો ખરવા માંડયા. આ કર્મનો ક્ષય કરવાનું જ્ઞાનનું જ
સામર્થ્ય છે, શુભરાગનું સામર્થ્ય નથી. સમ્યગ્જ્ઞાન જ સુશીલ છે, અજ્ઞાની શુભરાગ કરે તો પણ તેને સુશીલ
નથી કહેતા.
અહો, સમ્યક્શ્રદ્ધા ને સમ્યગ્જ્ઞાન વગર સંયમ કે તપ બધું નિરર્થક છે. અને સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન પછી
ચારિત્રદશા મહાપ્રયત્નથી થાય છે. સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન સહિતનું ચારિત્ર ભલે થોડુંક હોય તો પણ તેનું ફળ
મહાન છે. અને સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન વગર ગમે તેટલું આચરણ કરે તો પણ તે નિરર્થક છે.
શાસ્ત્ર દ્વારા એમ ખ્યાલમાં આવ્યું કે આત્માનો જ્ઞાનસ્વભાવ જ ઉપાદેય છે, ને રાગાદિ સમસ્ત
પરભાવો હેય છે,–આવું હેય–ઉપાદેયનું જાણપણું થવા છતાં જો અંતરમાં જ્ઞાનને સ્વસન્મુખ કરીને સ્વભાવનું
ગ્રહણ અને પરભાવનો ત્યાગ ન કરે તો તેનું જાણપણું નિરર્થક છે. પરિણતિમાં સ્વભાવનું વેદન ન થાય અને
રાગના વેદનથી જુદું ન પડે તો તે જ્ઞાન ખરેખર જ્ઞાન નથી; સ્વભાવના ગ્રહણરૂપ જ્ઞાન અને રાગના
ત્યાગરૂપ વૈરાગ્ય વગર બાહ્ય ભેખ કે જાણપણું તે વ્યર્થ છે.
પહેલાં સ્વભાવ શું અને વિભાવ શું તેનું સમ્યક્ ભેદજ્ઞાન થવું જોઈએ. ભેદજ્ઞાન સહિત થોડુંક પણ
આચરણ થાય–એટલે કે થોડીક પણ સ્વરૂપસ્થિરતા થાય તોપણ તેનું ફળ મહાન છે. અને ભેદજ્ઞાન વગર ગમે
તેટલા શુભ આચરણ કરે તોપણ ધર્મને માટે તે નિષ્ફળ છે. માટે અજ્ઞાનપૂર્વકના જેટલાં આચરણ છે તે બધાંય
કુશીલ જ છે. શુભ આચરણ કરતાં કરતાં નિર્વિકલ્પ સમ્યગ્દર્શન થઈ જશે એમ માનીને જે રાગને સેવે છે તે
કુશીલને સેવે છે, તેનું ધ્યેય જ ખોટું છે, ને મિથ્યાત્વ સહિતનો અનંતાનુબંધી કષાય તો તેને વર્તી જ રહ્યો છે.
અંતરમાં સમ્યગ્જ્ઞાન વડે નિર્દોષ ચૈતન્યને ધ્યેય બનાવીને તેનું ગ્રહણ કર્યા વગર વિષયકષાયોનો ત્યાગ થાય
જ નહીં. અતીન્દ્રિય ચૈતન્યના આનંદનું વેદન થતાં ઈન્દ્રિયવિષયોનું અવલંબન છૂટી જાય છે, તેનું નામ
સમ્યક્શીલ છે. બહારમાં સ્ત્રી આદિનું અવલંબન છોડયું પણ અંદરમાં રાગનું અવલંબન ન છોડયું,
શુભરાગના અવલંબનથી લાભ થશે એવી બુદ્ધિ ન છોડી તો તે જીવે વિષયો છોડયા જ નથી, બાહ્ય વિષયોના
જ અવલંબનની બુદ્ધિ તેને પડી છે. જ્ઞાની તો પોતાના આત્માને સર્વ બાહ્ય પદાર્થોના અવલંબનથી રહિત,
રાગના પણ અવલંબનથી રહિત, જ્ઞાનમાત્ર ભાવમય જાણે છે સમ્યગ્દર્શન–જ્ઞાનરૂપ નિર્મળભાવ પ્રગટ્યો તે
અતીન્દ્રિયસ્વભાવના અવલંબને જ પ્રગટ્યો છે, તેમાં રાગનું કે બાહ્યવિષયોનું અવલંબન છૂટી ગયું છે, તેનું
નામ સમ્યક્ શીલ છે.
જ્યાં સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન થયું ત્યાં મહાપ્રયોજનરૂપ એવા સ્વજ્ઞેયને જાણ્યું, અનંતાનુબંધી

PDF/HTML Page 23 of 25
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : ૨૨૦
કષાયનો અભાવ થયો ને સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ્યું, તો તેનું ફળ પણ એવું મહાન છે કે અનંત સંસારને
છેદીને અલ્પકાળે જીવને મુક્તિ પમાડે. જ્ઞાનને અંતર્મુખ કરીને જ્યાં સ્વજ્ઞેયને જાણ્યું ત્યાં બીજા જાણપણાનો
ઉઘાડ ભલે થોડો હો, અને તપ પણ ભલે થોડું હો, છતાં અલ્પ આચરણવડે પણ તે મહાન ફળને પામે છે.
શુદ્ધતાની કળા સમકિતીને ખીલતી જ જાય છે કોઈ જીવ અજ્ઞાનપૂર્વકના આચરણથી નવમી ગ્રૈવેયક સુધી
જાય, ને કોઈ ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિ જ્ઞાની પહેલા સ્વર્ગે જાય, છતાં જ્ઞાનીને ક્ષણે ક્ષણે અંદર ચૈતન્યની કળા અને
ચૈતન્યની શુદ્ધતા ખીલતી જ જાય છે. અરે, શ્રેણીક રાજા ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિ તે અત્યારે નરકમાં હોવા છતાં
સમ્યક્ત્વના પ્રતાપે ક્ષણે ક્ષણે ચૈતન્યની શુદ્ધતા પામે છે. મિથ્યાદ્રષ્ટિ મુનિ કરતાં નિર્મોહી ગૃહસ્થ (સમ્યગ્દ્રષ્ટિ)
પણ શ્રેષ્ઠ છે. મિથ્યાદ્રષ્ટિ મુનિ થયો હોય તો પણ તેને “ચલશબ” કહ્યો છે; ને સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માને
“નાનકડા સિદ્ધ” (ઈષત્ સિદ્ધ) કહ્યા છે.
અહો, આત્મજ્ઞાન શું ચીજ છે તેની જગતને ખબર નથી, બહારનાં આચરણ દેખે ત્યાં મહિમા આવી
જાય છે. પણ એવા આચરણરૂપી ઘાસના પૂળા તો અજ્ઞાનરૂપી પાડો અનંતવાર ખાઈ ગયો. અનંતવાર શુભ
આચરણ કરવા છતાં સંસારથી જરાય નીવેડો ન આવ્યો; અને જો આત્માનું ભાન કરીને એકવાર પણ
સમ્યગ્દર્શન પ્રગટ કરે તો એક ક્ષણમાં અનંત સંસાર કટ થઈ જાય છે, ને અલ્પકાળમાં મોક્ષપદની પ્રાપ્તિ થાય.
–આવું સમ્યગ્દર્શનનું મહાન ફળ છે.
જે જીવ વિષયોથી વિરક્ત થતો નથી ને ચૈતન્યની ભાવના ભાવતો નથી તે જીવ મોહથી ચારગતિરૂપ
સંસારમાં રખડે છે. અને જે જીવ અંતર્મુખ થઈને, વિષયોથી વિરક્ત થઈને ચૈતન્યના વારંવાર અનુભવરૂપ
ભાવના ભાવે છે તે જીવ ચાર ગતિને છેદીને મુક્તિ પામે છે. અતીન્દ્રિય ચૈતન્યની ભાવનાથી ઉત્તમ શીલના
સર્વે ગુણો પરિપૂર્ણ થાય છે ને ભવનો ભેદ થઈ જાય છે. જેમ સુવર્ણને ધોઈને ગેરૂથી ઘસતાં ઊજળું ચકચકિત
બને છે, તેમ નિર્મળ સમ્યગ્જ્ઞાનરૂપી જળવડે આત્માને ધોઈને, વિષયોથી વૈરાગ્યરૂપ ગેરૂવડે ઘસતાં શુદ્ધતા
થાય છે ને અનંતચતુષ્ટય વડે આત્મા ઝળહળી ઊઠે છે.
જે જીવ શાસ્ત્રજ્ઞાન વગેરેથી ગર્વિત થઈને વિષયોમાં જ રંજિત વર્તે છે ને વૈરાગ્ય પામતો નથી તે
જીવ કુપુરુષ છે, કાયર છે; ત્યાં કાંઈ જ્ઞાનનો દોષ નથી પણ તે જીવની ઊંધી દ્રષ્ટિનો દોષ છે. અરે, મૂઢ
જીવો શાસ્ત્રજ્ઞાન પામવા છતાં ઉપશમને પામતા નથી, તે મંદબુદ્ધિ જીવો વિષયોમાં જ વર્તે છે. ભલે
જ્ઞાનનો ઉઘાડ ઝાઝો હોય તો પણ તેને મંદબુદ્ધિ જ કહ્યો છે. ચૈતન્યસન્મુખનું સમ્યગ્જ્ઞાન તો તેને છે
નહિ, ને બહારના જાણપણારૂપ જ્ઞાનથી તે ગર્વિત થઈને વર્તે છે, ને સ્વછંદે વિષયકષાયોમાં જ વર્તે છે
પણ ચૈતન્ય તરફ વળતો નથી, તો તે જીવની ઊંધી પરિણતિનો જ અપરાધ છે, જ્ઞાનનો કાંઈ દોષ નથી.
ભાઈ, ચારે કોરથી ચિંતાને હઠાવીને સ્વભાવસન્મુખ તારા ઉપયોગને જોડ; એ રીતે ચૈતન્યના ધ્યેયે
પૂર્ણાનંદ પ્રગટ થશે.
“જ્ઞાની જે કામ કરે છે તે અદ્ભુત છે. સત્પુરુષનાં વચન વગર વિચાર આવતો નથી.
વિચાર વિના વૈરાગ્ય આવે નહીં. આ કારણથી સત્પુરુષનાં વચનો વારંવાર વિચારવા.”
“જ્ઞાન તો એક જેનાથી બાહ્યવૃત્તિઓ રોકાય છે, સંસાર પરથી ખરેખરથી પ્રીતિ ઘટે છે.
સાચાને સાચું જાણે છે, જેનાથી આત્મામાં ગુણ પ્રગટે તે જ્ઞાન.”
– શ્રીમદ્ રાજચંદ્ર

PDF/HTML Page 24 of 25
single page version

background image
માહ: ૨૪૮૮ : ૨૩ :
આત્માનો જ્ઞાનસ્વભાવ
(અનુસંધાન પૃષ્ઠ: ૧૮ થી ચાલુ)
આત્મા એટલે જ્ઞાનનો પિંડ. જેમ સાકર એટલે ગળપણનો પિંડ, અફીણ એટલે કડવાશનો પિંડ,
અગ્નિ એટલે ઉષ્ણતાનો પિંડ, તેમ આત્મા એટલે જ્ઞાનનો પિંડ; જ્ઞાન તે આત્માનો સ્વભાવ છે, અને તે
પરિપૂર્ણ જાણવાની તાકાતવાળો છે, કેમકે સ્વભાવ પોતાથી અપૂર્ણ ન હોય આ રીતે ભગવાન આત્મા
સર્વજ્ઞસ્વભાવી છે.–આવો હોવા છતાં અનાદી કાળથી આત્મા પોતાને કેમ નથી જાણતો?–તો કહે છે કે
અનાદિકાળથી પોતાના પુરુષાર્થના અપરાધથી તે કર્મમળવડે લેપાયેલો છે તેથી તે પોતાના સર્વજ્ઞ સ્વભાવને,
જાણતો નથી. સર્વજ્ઞ સ્વભાવનો આશ્રય ન કરતાં, પુરુષાર્થના અપરાધને લીધે બંધભાવનો આશ્રય કરે છે
તેથી પોતાના અબંધસ્વભાવને (સર્વજ્ઞસ્વભાવને, મુક્તસ્વભાવને) તે જાણતો નથી. નિગોદમાં પણ પોતાના
પ્રચૂર ભાવકલંકને લીધે જ જીવ રખડયો છે. નિગોદથી માંડીને નવમી ગ્રૈવેયક સુધી અજ્ઞાનભાવે જ્યાં જ્યાં
રખડયો તે પોતાના પુરુષાર્થના અપરાધથી જ જીવ રખડયો છે. જેનાથી રખડવાનું થાય તે ભાવ આદરણીય
કેમ હોય? માટે શુભ કે અશુભ કોઈ કર્મ આદરણીય નથી; અહો, આત્માનો સર્વજ્ઞસ્વભાવ તો મુક્તસ્વરૂપ
છે, ને પુણ્ય–પાપના ભાવો તો બંધસ્વરૂપ છે, માટે જ્ઞાનસ્વભાવનો આશ્રય કરીને તે બંધસ્વરૂપભાવો
નિષેધવા યોગ્ય જ છે.
ચૈતન્યસ્વભાવી આત્મા તો અબંધસ્વરૂપ છે, તે પોતે કર્મબંધનું કારણ નથી; તે પોતે તો જ્ઞ–સ્વભાવી
છે, સર્વને જાણે એવો તેનો સ્વભાવ છે. પણ બંધભાવોમાં અટકવાને લીધે તે સર્વજ્ઞસ્વભાવને જાણતો નથી ને
સંસારમાં રખડે છે; તે તેનો પોતાનો જ અપરાધ છે. રાગાદિ ભાવોમાં હિત માનીને જે અટક્યો તે બંધનમાં
જ અટક્યો છે, તે મોક્ષના માર્ગે આવ્યો નથી.
આત્મા સર્વજ્ઞસ્વભાવી હોવા છતાં સંસારમાં કેમ રખડે છે? કે બંધભાવમાં અટક્યો છે માટે;
શુભરાગમાં અટક્યો તે પણ બંધભાવમાં જ અટક્યો છે. શુભભાવ વડે અબંધપણું જરાપણ પ્રગટે એમ બનતું
નથી; શુભભાવ પોતે બંધસ્વરૂપ જ છે, જે પોતે બંધસ્વરૂપ હોય તે મોક્ષનું સાધન કેમ થાય?
જાણવું–એ જ જેનું સ્વરૂપ છે તેમાં વચ્ચે રાગ ક્્યાંથી આવ્યો? રાગથી–શુભરાગથી કિંચિત લાભ થાય
એમ માનનારો ખરેખર પોતાના આત્માને રાગસ્વરૂપ જ માને છે પણ જ્ઞાનસ્વરૂપ નિજાત્માને તે જાણતો
નથી. અહો, જ્ઞાનને અને રાગને અત્યંત ભિન્નતા છે, થાંભલાને જાણનારું જ્ઞાન જેમ થાંભલાથી જુદું છે,
આવા ભિન્ન જ્ઞાનસ્વભાવને ભેદજ્ઞાન વડે અજ્ઞાની જીવ જાણતો નથી.
એક તરફ આખોય સર્વજ્ઞસ્વભાવ;
એક તરફ અશુભ ને શુભ બંધભાવો;
–આમ બે પડખાં છે. તેમાંથી સર્વજ્ઞસ્વભાવની સન્મુખ થઈને તેની રુચિ–પ્રતીતિ કરનાર સમ્યગ્દ્રષ્ટિ
જીવ બંધભાવોની રુચિમાં રોકાતો નથી; અને જે મિથ્યાદ્રષ્ટિ જીવ બંધભાવોની રુચિમાં રોકાય છે તે જીવ
સર્વજ્ઞસ્વભાવની રુચિ–પ્રતીતિ કરી શકતો નથી. સર્વજ્ઞસ્વભાવનો અનાદર કરીને બંધનો આદર કર્યો તેનું ફળ
સંસાર છે. અને રાગનો નિષેધ કરીને સર્વજ્ઞસ્વભાવનો આદર તે મોક્ષનું કારણ છે. સર્વજ્ઞસ્વભાવના
અવલંબન વડે બંધન તૂટી જાય છે.
કર્મના ઉદયને લીધે જીવ બંધાય છે?–તો કહે કે ના; પોતાના સર્વજ્ઞસ્વભાવને નહિ જાણનારો જીવ
પોતાના પુરુષાર્થના અપરાધથી જ બંધાય છે. અજ્ઞાની
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
(આત્મધર્મ અંક ૨૧૯ ચોથા પાને, છેલ્લા પારીગ્રાફની છઠ્ઠી લાઈનમાં “એકાન્ત શાસનને મુકીને”
એમ છપાયેલ છે તેને બદલે “અનેકાન્ત શાસનને મુકીને” એમ સુધારીને વાંચવું.)

PDF/HTML Page 25 of 25
single page version

background image
ATMADHARMA Regd. No. B 5669
---------------------------------------------------------------------------------------
જીવ રાગભાવમાં તન્મય વર્તતો થકો સર્વજ્ઞસ્વભાવ એવા પોતાને જાણતો નથી. જુઓ, પોતાના આત્માને
કેવો જાણે તો યથાર્થ જાણ્યો કહેવાય તે પણ આમાં બતાવ્યું. સર્વ પ્રકારે સંપૂર્ણ એવો સર્વજ્ઞસ્વભાવી આત્મા
છે.–એવા આત્માને જાણે તો જ સમ્યગ્જ્ઞાન થયું કહેવાય. આત્માને રાગના કર્તૃત્વવાળો કે બંધનવાળો જાણે
તો તેમાં વાસ્તવિક આત્માનું જ્ઞાન થતું નથી. બીજી રીતે કહીએ તો આત્માને અબંધસ્વભાવી જાણે ને
બંધભાવને ભિન્ન જાણે.–એ રીતે જાણીને બંધથી જુદું અબંધભાવે જ્ઞાન પરિણમે તો જ સમ્યગ્જ્ઞાન છે અને તે
સમ્યગ્જ્ઞાનના પરિણમનમાં સર્વે બંધભાવોનો અભાવ જ છે. જુઓ, આ મોક્ષમાર્ગમાં ગમન કરતું જ્ઞાન!
જેનાથી મોક્ષમાર્ગમાં ગમન થાય–તે જ જીવને પ્રયોજનરૂપ છે, ને તેનો જ જૈનધર્મમાં ઉપદેશ છે. રાગવડે કદી
મોક્ષમાર્ગમાં ગમન થતું નથી, રાગ તો મોક્ષમાર્ગને રોકનાર છે.
* ભાઈ, તારો આત્મા સર્વજ્ઞસ્વભાવી છે–એ વાત તને બેસે છે!
* જો સર્વજ્ઞસ્વભાવ બેઠો તો રાગની રુચિને જરાપણ અવકાશ રહેતો નથી; કેમકે સર્વજ્ઞસ્વભાવમાં
રાગનો અંશ પણ નથી.
* રાગનો અંશ પણ જેની રુચિમાં સારો લાગે છે તેની તે રુચિ તેને સર્વજ્ઞસ્વભાવની રુચિ થવા દેતી
નથી, એટલે રાગની રુચિરૂપ જે મિથ્યાત્વને છે તે જ સર્વજ્ઞસ્વભાવની રુચિરૂપ સમ્યક્ત્ત્વને પ્રતિબંધ કરનાર
છે.
* રાગની રુચિવાળો જીવ રાગના તણખલાં આડે મોટા ચૈતન્ય પહાડને દેખતો નથી.
* જ્યાં દ્રષ્ટિ ખુલી કે હું કોણ? હું તો સર્વજ્ઞસ્વભાવી; મારા સ્વભાવમાં રાગના એક કણને પણ
અવકાશ નથી; ત્યાં જ્ઞાનનું પરિણમન જ્ઞાનસ્વભાવ તરફ વળ્‌યું. જુઓ, આવી અંતર્મુખ પ્રતીત થઈ ત્યાં
શ્રદ્ધારૂપે કેવળજ્ઞાન થયું. અહા, જ્યાં સમ્યગ્દર્શન થયું ત્યાં પોતાના આત્માનું કેવળજ્ઞાન પ્રતીતમાં આવી ગયું.
તેની રુચિની દિશા રાગથી પાછી ફરીને કેવળજ્ઞાન તરફ વળી. તે કંકુવરણે પગલે કેવળજ્ઞાન લેવા ચાલ્યો.
અને જે જીવ ચિદાનંદસ્વભાવનો અનાદર કરીને રાગનો આદર કરે છે તે બંધપરિણામી જીવ ઘોરદુઃખમય
સંસારમાં રખડે છે. અરે, જ્ઞાનનો પ્રેમ છોડીને રાગનો પ્રેમ કર્યો તેણે મોક્ષનો માર્ગ છોડીને સંસારનો માર્ગ
લીધો. આચાર્યદેવ કહે છે કે હે ભાઈ, જો તને મોક્ષનો ઉત્સાહ હોય, મોક્ષને સાધવાની લગની હોય તો સમસ્ત
બંધભાવોની રુચિ તું છોડ, ને જ્ઞાનની રુચિ કર; મોક્ષના માર્ગમાં સમસ્ત બંધભાવોને નિષેધવામાં આવ્યા છે,
ને જ્ઞાનસ્વભાવનું જ અવલંબન કરાવવામાં આવ્યું છે.
* * * * * *
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી મુદ્રક પ્રકાશક: હરિલાલ દેવચંદ શેઠ, આનંદ પ્રિન્ટીંગ પ્રેસ – ભાવનગર.