Atmadharma magazine - Ank 179
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 27
single page version

background image
ઃ ૧૮ઃ આત્મધર્મઃ ૧૭૯
પરપદમાં સુતેલા જીવોને નિજપદ દેખાડીને
સંતો જાગૃત કરે છે
ધ્રાંગધ્રા શહેરમાં પૂ. ગુરુદેવનું પ્રવચનઃ વીર સં. ૨૪૮૪ ચૈત્ર વદ
અંતરમાં જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા શું ચીજ છે તેને ભૂલીને, અનાદિથી રાગાદિક પરભાવોને જ નિજપદ સમજીને
તેમાં સૂતેલા અજ્ઞાની પ્રાણીઓને જગાડવા માટે આચાર્યદેવ સંબોધન કરે છે કે–
आसंसारात् प्रतिपदमयी रागिणो नित्यमत्ताः
सुप्ता यस्मिन्नपदमपदं तद्विवुध्यध्वमंधाः।
एतैतेतः पदमिदमिदं यत्र चैतन्यधातुः
शुद्धः शुद्धः स्वरसभरतः स्थायिभावत्वमेति।।१३८।।
હે અંધ પ્રાણીઓ! અનાદિ સંસારથી માંડીને પર્યાયે પર્યાયે જે રાગને તમારું પદ માનીને તેમાં સૂતા છો, તે
ખરેખર તમારું પદ નથી–નથી, તે તો અપદ છે–અપદ છે, એમ તમે સમજો. રાગથી પાછા વળીને આ તરફ આવો...આ
તરફ આવો. રાગથી રહિત શુદ્ધ ચૈતન્યધાતુમય અને નિજ આનંદરસથી ભરેલું એવું આ તમારું નિજપદ છે–તેને
અંતરમાં દેખો.
ચૈતન્યમૂર્તિ આત્મા, દેહથી ભિન્ન અનાદિઅનંત તત્ત્વ છે, તેને કોઈએ નવો બનાવ્યો નથી, ને તેનો કદી નાશ
પણ થતો નથી, તે અનાદિઅનંત સત્ છે. પણ પોતાના ચિદાનંદ તત્ત્વને ચૂકીને અનાદિથી તે સંસારમાં પરિભ્રમણ કરી
રહ્યો છે. બહારનું બીજું બધું જાણ્યું પણ પોતે કોણ છે તે કદી જાણ્યું નથી. તેથી અહીં આચાર્યદેવ કહે છે કે અરે જીવો!
તમે જાગો...જાગો! ચૈતન્યને ચૂકીને જે રાગને જ પોતાનું પદ માનીને તેમાં તમે સૂતા છો તે પદ તમારું નથી, નથી; હે
અંધ પ્રાણીઓ! તમે જે વિકારને જ તમારું પદ માની રહ્યા છો તે પદ તમારું નથી, નથી; શુદ્ધ ચૈતન્ય જ તમારું પદ છે, તે
ચૈતન્યપદને ઓળખો.
___________________________________________________________________________________
–માટે આચાર્ય પૂજ્યપાદસ્વામી કહે છે કે હે જીવ! તારા આત્માને શુદ્ધ પરમાત્મસ્વરૂપે જાણીને, ‘આ જ હું છું’
એવી દ્રઢ ભાવના કર, અને વારંવાર તેની ભાવના કરીને તેમાં લીન થા. નિજ–પરમાત્મસ્વરૂપની દ્રઢ ભાવનાથી જીવ
જ્યારે તેમાં લીન થાય છે (અર્થાત્ અભેદભાવનારૂપે પરિણમે છે) ત્યારે અનંત આનંદનિધાનનો તેને અનુભવ થાય
છે, અને તે પોતાને વીતરાગી પરમાનંદસ્વરૂપ પરમાત્મા માને છે; બાહ્ય પદાર્થોના ક્ષણિક કાલ્પનિક સાંસારિક સુખમાંથી
તેને મમત્વ છૂટી જાય છે, બાહ્ય વિષયોમાં તેને સ્વપ્ને ય સુખની કલ્પના થતી નથી. આ રીતે, અભેદબુદ્ધિથી
પરમાત્મસ્વરૂપનું ચિંતન કરતાં કરતાં તેમાં સ્થિરતા થઈ જાય છે તેને શુદ્ધાત્મલાભ કહેવાય છે; શુદ્ધાત્માની ભાવનાના
ફળમાં શુદ્ધાત્મદશા પામીને અનંતકાળ સુધી જીવ અનુપમ સ્વાધીન આત્મસુખનો ભોક્તા થાય છે. માટે ‘
सोऽहम
એવી અભેદભાવના, એટલે કે ‘જ્ઞાનાનંદસ્વરૂપ પરમાત્મા હું છું’–એવું સ્વસંવેદન, તેનો વારંવાર દ્રઢતાપૂર્વક અભ્યાસ
કરવો જોઈએ.
।। ૨૮।।

PDF/HTML Page 22 of 27
single page version

background image
ભાદરવોઃ ૨૪૮૪ઃ ૧૯ઃ
શ્રીમદ્ રાજચંદ્રજી ૧૬ વર્ષની નાની વયે કહે છે કે–
હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું?
કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરિહરું?
એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યાં,
તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંત તત્ત્વો અનુભવ્યાં.
અરે જીવો! વિચાર તો કરો, કે આ દેહમાં રહેલો આત્મા શું ચીજ છે? એનું વાસ્તવિક ખરેખરું સ્વરૂપ શું છે?
અંતરમાં આત્મા પોતે હું કોણ છું–કે જેના ભાન વગર અત્યાર સુધી મારે પરિભ્રમણ થયું!
આત્માના ભાન વગર સંસારમાં રખડતો જીવ નરક અને સ્વર્ગના પણ અનંત અવતાર કરી ચૂકયો છે. આ
પૃથ્વીની નીચે નરકગતિનું ક્ષેત્ર છે. તે નરકગતિ યુક્તિથી પણ સાબિત થાય છે. જુઓ, અહીં રાજવ્યવસ્થાના ન્યાયમાં,
કોઈ માણસે એક ખૂન કર્યું હોય ને તેનો તે ગુન્હો સાબિત થાય તો તેને એક વાર ફાંસી અપાય છે; હવે તે જ માણસ
કદાચિત એમ કબૂલ કરે કે મેં એક નહિ પણ હજારો–લાખો ખૂન કર્યાં છે, તો અહીં તેને શું શિક્ષા થશે? તેને પણ એક જ
વાર ફાંસી મળશે. તો વિચારો કે એક ખૂન કરનારને એક વાર ફાંસી ને લાખો ખૂન કરનારને પણ એક વાર ફાંસી! એ
શું ન્યાય છે? નહિ. “મને પ્રતિકૂળતા કરનારા હજારો લાખો જીવો હોય તો તે બધાને પણ હું ઉડાડી દઊં, અને તે પણ
થોડો કાળ નહિ પરંતુ હજારો વર્ષનું જીવન હોય તો તેટલો કાળ સુધી પણ પ્રતિકૂળતા કરનારા બધા જીવોને ઊડાડી
દઊં.” એવા ક્રૂર પરિણામ જેણે કર્યા, તે ભલે કદાચિત કોઈ જીવને મારી ન શકે પણ તેના ક્રૂર પરિણામનું ફળ તો તે
અવશ્ય ભોગવે છે, અને તે ફળ ભોગવવાનું સ્થાન નીચે નરકયોનિમાં છે,–કે જ્યાં હજારો લાખો વાર તેના શરીરનાં
કટકેકટકા થઈ જાય છે. આવા નરકના અવતાર દરેક જીવે અજ્ઞાનભાવને લીધે અનંત વાર કર્યાં છે. અરે, ચૈતન્યતત્ત્વ
પોતે કોણ છે તેના ભાન વગર જીવનો અનાદિનો કાળ સંસારપરિભ્રમણમાં જ ગયો છે. એક વાર પણ જો મોક્ષ થયો
હોય તો પછી સંસારપરિભ્રમણ રહે નહિ.
આચાર્યદેવ કહે છે કેઃ અરે મોહાંધ પ્રાણીઓ! તમે રાગને, દેહને અને આત્માને એકમેકપણે માનીને
અનાદિથી મોહમાં સૂતા છો..હવે તો જાગો..ને જાગીને તમારા શુદ્ધ ચૈતન્ય તત્ત્વને રાગથી ભિન્ન દેખો.
ચૈતન્યપદના ભાન વગર પરિભ્રમણ ટળે નહિ. ચૈતન્યના ભાન વગર તીવ્ર હિંસાદિથી નરકમાં રખડે છે ને
હિંસાદિને બદલે દયાદિ કોમળ પરિણામથી જીવ સ્વર્ગમાં–દેવગતિમાં–જન્મે છે. તે દેવગતિ પણ આત્માનું ખરું પદ
નથી. અરે જીવ! તું જાગીને વિવેક કર કે આ દેહ અને વિકાર હું નહિ, હું તો ચૈતન્ય છું; મારું નિજપદ તો શુદ્ધ
ચૈતન્યસ્વરૂપ છે. મારી શુદ્ધ ચૈતન્ય સત્તામાં રાગનો પ્રવેશ નથી. પરપદના ભરોસે અત્યાર સુધી હું નિજપદને
ભૂલ્યો, પણ હવે સંતોએ પરમ કરુણા કરીને મને મારું નિજપદ ઓળખાવ્યું. જેમ કોઈ રાજા, પોતાનું રાજાપણું
ભૂલીને ઊકરડા ઉપર રખડતો હોય, ને કોઈ સજ્જન પુરુષ તેને તેનું રાજાપણું ઓળખાવીને, તથા તેનો
રાજવૈભવ દેખાડીને તેને તેના રાજસિંહાસને બેસાડે તો તે રાજા કેવો ખુશી થાય! તેમ આ ચૈતન્યરાજા, પોતાનું
ચૈતન્યપદ ભૂલીને રાગદ્વેષાદિ વિકારીભાવના ઊકરડામાં નિજપદ માનીને રખડે છે, ત્યાં જ્ઞાની સત્પુરુષો તેને તેનું
ચૈતન્યપદ ઓળખાવીને, તથા તેનો ચૈતન્યવૈભવ દેખાડીને, તેને તેના શુદ્ધ ચૈતન્યપદમાં સ્થાપે છે; ત્યાં આત્માર્થી
જીવ પોતાના શુદ્ધ ચૈતન્યપદને દેખીને પરમ આનંદિત થાય છે.
એક પ્રાણી એમ કહે છે કે મારે નિર્દોષ થવું છે. તો તેમાંથી એમ સિદ્ધ થાય છે કે –
વર્તમાનમાં તે નિર્દોષ નથી.
વર્તમાનમાં દોષ છે પણ તે કાયમી નથી,
એટલે કે ટળી શકે છે.
દોષ ટળીને નિર્દોષતા ક્યાંથી આવશે? કે દોષ વખતે પણ સ્વભાવમાં નિર્દોષતા ભરી છે તેમાંથી નિર્દોષતા
આવે છે. આવા સ્વભાવની પ્રતીત વગર કોઈ જીવને દોષ ટળીને નિર્દોષતા થઈ શકે નહિ. દોષ તે કાયમી સ્વભાવ
નથી, કાયમી સ્વભાવ તો નિર્દોષ છે–

PDF/HTML Page 23 of 27
single page version

background image
ઃ ૨૦ઃ આત્મધર્મઃ ૧૭૯
એમ જો વિશ્વાસ કરે તો તે નિર્દોષ સ્વભાવની સન્મુખ થઈને દોષને છેદી નાંખે ને નિર્દોષતા પ્રગટ કરે.
જેમ ઉષ્ણતા વખતે પણ પાણીનો સ્વભાવ ઠંડો છે; તે ઠંડો સ્વભાવ જો કે આંખથી, નાકથી, કાનથી, જીભથી કે
હાથના સ્પર્શથી દેખી શકાતો નથી, પણ તે પ્રકારના જ્ઞાનના વિશ્વાસથી પાણીનો ઠંડો સ્વભાવ નક્કી કરીને, તેને ઠારે છે,
ને પછી તેનાથી તૃષા છીપાવે છેઃ તેમ વર્તમાન પર્યાયમાં વિકારરૂપ ઉષ્ણતા હોવા છતાં આત્માનો અસલી સ્વભાવ શાંત
છે. તે શાંતસ્વભાવ જો કે આંખથી, નાકથી, કાનથી, જીભથી કે હાથના સ્પર્શથી દેખી શકાતો નથી, પણ જ્ઞાનને તેના
તરફ લઈ જઈને (અંતર્મુખ થઈને) તે સ્વભાવનો નિર્ણય થાય છે, અને તેના સ્વસંવેદનવડે શાંતરસના પાનથી
અનાદિની તૃષા છીપી જાય છે ને ભવભ્રમણના થાક ઉતરી જાય છે.
આચાર્યદેવ આ વાત કોને સમજાવે છે? જડને નથી સમજાવતા; આત્મામાં આ સમજવાની તાકાત છે એમ
જાણીને આત્માને આ વાત સમજાવે છે. દરેક આત્મામાં આ સમજવાની તાકાત છે, પણ સત્સમાગમે તેનો અભ્યાસ
કરવો જોઈએ. મનુષ્યપણામાં આ કરવા જેવું છે. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે–
બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્‌યો,
તોયે અરે! ભવચક્રનો આંટો નહિ એકે ટળ્‌યો;
સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહો,
ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો! રાચી રહો?
સોળ વરસ એટલે તો નાની ઉંમર કહેવાય, પણ આત્મા પૂર્વભવનો સંસ્કારી હતો, એટલે નાની ઉંમરમાં કહે છે
કેઃ અરે જીવો! પૂર્વના ઘણાં પુણ્યના પ્રતાપે આ માનવ અવતાર મળ્‌યો છે, તેમાં પણ જો આત્મભાન કરીને ભવચક્રનો
અંત ન આવ્યો તો આ મોંઘો મનુષ્યભવ પામીને તમે શું કર્યું? કીડીના અવતારમાં ને તમારા અવતારમાં શો ફેર
પડયો? ચૈતન્યને ચૂકીને બાહ્ય વિષયોમાં સુખ માનવાથી અને સુખને માટે બહારમાં ઝાંવા નાંખવાથી સુખ મળતું તો
નથી, પરંતુ ઉલટું આત્માનું વાસ્તવિક સુખ ટળી જાય છે; આ વાત તમે જરાક લક્ષમાં તો લ્યો. બહારની વાત ઉપર લક્ષ
આપ્યું છે પણ અંતરમાં આત્મા પોતે સુખથી ભરેલો છે તેને જરાક લક્ષમાં તો લ્યો. ચૈતન્યને ચૂકીને ક્ષણે ક્ષણે
ભાવમરણમાં કાં રાચી રહો? અજ્ઞાનભાવને લીધે આત્મા ક્ષણે ક્ષણે ભાવમરણથી મરી રહ્યો છે, તેની દયા લાવો!
આત્માને ભવદુઃખથી ઊગારવા માટે આત્માની દયા કરો, એટલે કે મારો આત્મા આ ભવભ્રમણથી કેમ છૂટે તેનો ઉપાય
વિચારો. આચાર્ય ભગવાન કહે છે કે આ શુદ્ધચૈતન્યપદ તે જ તમારું નિજપદ છે, તેને ઓળખો; તે નિજપદમાં
સ્થિરતાથી તમારા ભવભ્રમણનો નાશ થઈ જશે.
સંતોની ઊર્મિ
પ્રશ્નઃ– અનુભવમાં ઝૂલતા સંતોને કેવી ઊર્મિ ઊઠી?
ઉત્તરઃ– જંગલમાં, આત્માના આનંદના અનુભવમાં ઝૂલતા સંતોને એવી ઊર્મિ આવી કેઃ અહો! આત્માનો
આવો જ્ઞાનસ્વભાવ જગતના જીવો સમજે તો તેમનું અજ્ઞાન ટળે..આત્માના આવા આનંદને જગતના જીવો દેખે તો
તેમનું દુઃખ ટળે..અહો, આવો આનંદસ્વરૂપ ભગવાન આત્મા, પરથી અત્યંત જુદો, તેને એક વાર પણ જો
પરમાર્થદ્રષ્ટિથી ગ્રહણ કરે તો તે જીવને અજ્ઞાનનો એવો નાશ થાય કે તે જ્ઞાનઘન આત્માને ફરીને બંધન ન થાય ને તે
મુક્તિ પામે માટે, “હે ભવ્ય જીવો! આત્માને પરના કર્તૃત્વથી રહિત જ્ઞાયકસ્વભાવપણે જ વિલસતો દેખો”–એમ પરમ
કરુણાબુદ્ધિથી સંતોએ ઉપદેશ કર્યો છે.

PDF/HTML Page 24 of 27
single page version

background image
ભાદરવોઃ ૨૪૮૪ઃ ૨૧ઃ
આત્માનો ગરજુ...
આત્માનો અર્થી શું કરે?
“વિશ્રાંતિ વિલા” ના વાસ્તુ પ્રસંગે પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી.
વીર સં. ૨૪૮૩ આસો સુદ બીજઃ પંચાસ્તિકાય ગા. ૧૦૩–૧૦૪
જેને છ દ્રવ્યનું યથાર્થસ્વરૂપ જાણવાની ગરજ છે, આત્માનું ખરું સ્વરૂપ સમજવાની જેને ગરજ છે, આત્માનું
હિત કેમ થાય તે સમજવાની જેને જિજ્ઞાસા છે,–એ રીતે ગરજુ–જિજ્ઞાસુ થઈને જે આત્મા સમજવા માગે છે તેને માટે
આ વાત છે.
ભગવાન સર્વજ્ઞદેવની વાણીમાં તે પ્રવચન છે, તેમાં કાળ સહિત પાંચ અસ્તિકાયનું, એટલે કે છ દ્રવ્યનું સ્વરૂપ
બતાવ્યું છે. એવા છ દ્રવ્યનું સ્વરૂપ...જાણીને,–કઈ રીતે?–કે ‘આત્માના અર્થીપણે’ જાણીને, એમ નિર્ણય કરવો કે આ
છ દ્રવ્યોમાંથી વિશુદ્ધ ચૈતન્યસ્વરૂપ જીવ જ હું છું, આવું મારું સ્વરૂપ તે જ મારું નિવાસધામ ને વિશ્રાંતિસ્થાન છે.
અરે, અનંતકાળથી મેં મારા સ્વરૂપમાં વાસ કર્યો નથી, ને પરમાં મારો વાસ માનીને હું બહાર ભટકયો છું. હવે
સ્વ–ઘરમાં વાસ કરીને સ્વરૂપમાં વિશ્રાંતિ લઉં–એમ આત્માનો ગરજુ થઈને જે સમજવા માંગે છે તેણે આ
પંચાસ્તિકાયના શ્રવણથી એમ નિર્ણય કરવો કે હું વિશુદ્ધ ચૈતન્યસ્વરૂપ છું; મારા જ્ઞાતાદ્રષ્ટા–આનંદી સ્વભાવથી હું
પરિપૂર્ણ ભરેલો છું. અનાદિથી હું આવો જ હતો પણ મેં અત્યાર સુધી તેનો નિર્ણય નહોતો કર્યો. હવે તેવો અપૂર્વ નિર્ણય
કરીને, તે નિર્ણયકાળે પોતાની અવસ્થામાં ક્ષણિક વિકાર વર્તતો હોવા છતાં, તે કાળે જ પોતાને ભેદજ્ઞાનરૂપ
વિવેકજ્યોતિ પ્રગટ વર્તતી હોવાથી, તે વિકારથી ભિન્નરૂપે પોતાના વિશુદ્ધ ચૈતન્યસ્વભાવને અનુભવતો થકો વિકારની
સંતતિને છોડે છે, તેથી તેનો રાગ જીર્ણ થતો જાય છે ને પૂર્વ બંધથી તે છૂટતો જાય છે. આ રીતે અશાંત એવા દુઃખથી તે
પરિમુક્ત થાય છે, ને સ્વરૂપમાં વિશ્રાંત થઈને શાંતિનો અનુભવ કરે છે.
ભાઈ! તને આત્માની ગરજ હોય,–તું આત્માનો અર્થી હો તો પહેલાં આવો નિર્ણય કર કે હું વિશુદ્ધ
ચૈતન્યસ્વભાવ છું. વિશુદ્ધ જ્ઞાન–દર્શન–આનંદ સિવાય બીજું કાંઈ મારું સ્વરૂપ નથી. આવા સ્વરૂપનો નિર્ણય કરીને તે
તરફ ઢળતાં રાગાદિ તરફનું વલણ અત્યંત શિથિલ થઈ જાય છે, ને તેથી આત્મા કર્મબંધથી છૂટતો જાય છે. આ જ
દુઃખથી પરિમુક્ત થવાનો ઉપાય છે.
આત્માનું વાસ્તવિક સ્વરૂપ તો વિશુદ્ધ ચૈતન્યસ્વભાવ છે; તે ઉપરાંત જે વિકાર દેખાય છે તે તો આરોપિત છે,
તે મૂળસ્વરૂપ નથી. માટે તે આરોપિત ભાવથી પોતાના અસલી સ્વરૂપને ભિન્ન જાણતો થકો, તે ભેદજ્ઞાનજ્યોતિવડે
રાગદ્વેષપરિણતિને છોડે છે ને વિશુદ્ધ ચૈતન્યસ્વરૂપને ગ્રહે છે. તે જીવને રાગાદિ જીર્ણ થતાં જાય છે. જેમ જઘન્ય
ચીકાસરૂપે પરિણમવાની તૈયારીવાળો પરમાણુ ભવિષ્યની બંધપર્યાયથી પરાડ્મુખ વર્તે છે એટલે કે તે છૂટો પડી જાય છે,
તેમ વિશુદ્ધ ચૈતન્યસ્વરૂપને ગ્રહીને જે જીવ રાગાદિની ચીકાસથી પરાડ્મુખ વર્તે છે તે પણ પૂર્વબંધથી છૂટતો જાય છે, ને
એ રીતે દુઃખથી પરિમુક્ત થાય છે.
જ્યાં સુધી પોતાના વિશુદ્ધ ચૈતન્યસ્વરૂપનો નિર્ણય જીવે નહોતો કર્યો ત્યાં સુધી તે કર્મબંધની પરંપરાના

PDF/HTML Page 25 of 27
single page version

background image
ઃ ૨૨ઃ આત્મધર્મઃ ૧૭૯
કારણરૂપ એવી રાગ–દ્વેષ પરિણતિમાં જ વર્તતો હતો, તે વખતે પરસમયરૂપ કાળ હતો. હવે જ્યારે પોતાના વિશુદ્ધ
ચૈતન્યસ્વરૂપનો નિર્ણય કર્યો ત્યારે, વિકાર હોવા છતાં વિવેકજ્યોતિવડે તેનાથી ભિન્ન વિશુદ્ધ ચૈતન્યને જાણતો થકો,
તેમાં જ વર્તે છે તે સ્વસમયરૂપ કાળ છે, તે જ દિવાળી છે, તે કાળે રાગાદિથી પરાડ્મુખ વર્તતો થકો ને સ્વરૂપમાં ઠરતો
થકો તે જીવ દુઃખથી પરિમુક્ત થાય છે.
(પંચાસ્તિકાય ગાથા ૧૦૪)
આ શાસ્ત્રમાં તો પાંચ અસ્તિકાય તેમજ છઠ્ઠું કાળ–એમ છએ દ્રવ્યોનું વર્ણન કર્યું છે, છતાં આચાર્યભગવાન કહે
છે કે આ શાસ્ત્રના અર્થભૂત શુદ્ધ આત્મા છે; દુઃખથી મુક્ત થવાનો અર્થી પ્રથમ તો, આ શાસ્ત્રના અર્થભૂત શુદ્ધ ચૈતન્ય
સ્વભાવવાળા પોતાના આત્માને જાણે છે. જુઓ, આ શુદ્ધ ચૈતન્ય સ્વભાવવાળો આત્મા તે જ શાસ્ત્રના અર્થભૂત એટલે
કે પ્રયોજનભૂત છે. પ્રથમ એવા પ્રયોજનભૂત આત્માને જાણીને, પછી મોક્ષાર્થી જીવ તેને જ અનુસરવાનો ઉદ્યમ કરે છે.
–આવા ઉદ્યમ વડે તેને દર્શનમોહનો ક્ષય થાય છે. જુઓ, ઉદ્યમવડે કર્મનો નાશ થવાનું કહ્યું, એટલે કે ઉપાદાનની
સ્વતંત્રતાથી કહ્યું; પણ “કર્મ ખસે તો ઉદ્યમ થાય” એમ નિમિત્ત તરફથી ન લીધું. ઉદ્યમ કરવામાં આત્માની સ્વતંત્રતા
છે, ઉદ્યમ કરે ત્યાં પ્રતિબંધકરૂપ કર્મનો અભાવ થયા વિના રહે જ નહિ,–એવો જ નિમિત્ત–નૈમિત્તિકનો મેળ છે. અહીં તો
આચાર્ય ભગવાન સ્પષ્ટ કહે છે કે છએ દ્રવ્યોના વર્ણનમાં અર્થભૂત–સારભૂત–પ્રયોજનભૂત તો વિશુદ્ધ ચૈતન્યસ્વભાવી
આત્મા જ છે, માટે મોક્ષાર્થીએ પ્રથમ પોતાના વિશુદ્ધ ચૈતન્યસ્વભાવને જાણવો; તેને જાણીને પછી તેનું જ અનુસરણ
કરવાનો ઉદ્યમ કરવો.
સમયસારમાં પણ આચાર્યદેવે એમ જ કહ્યું છે કે–
જીવરાજ એમ જ જાણવો,
વળી શ્રદ્ધવો પણ એ રીતે,
એનું જ કરવું અનુચરણ,
પછી યત્નથી મોક્ષાર્થીએ. (૧૮)
જુઓ, આ મોક્ષનો ઉપાય! હે મોક્ષના અર્થી! આ શાસ્ત્રના અર્થભૂત એવા શુદ્ધ ચૈતન્યસ્વભાવવાળા આત્માને
પ્રથમ તો તું જાણ...ને તેને જ અનુસરવાનો ઉદ્યમ કર.–આવા ઉદ્યમવડે તને શુદ્ધ સમ્યગ્દર્શન થશે, ને દર્શનમોહનો નાશ
થશે. શુદ્ધ ચૈતન્યસ્વરૂપના પરિચયવડે તારી જ્ઞાનજ્યોતિ પ્રગટી જશે, અને રાગદ્વેષ છૂટી જશે. એમ થતાં કર્મબંધની
પરંપરાનો વિનાશ થઈ જશે; ને બંધના અભાવથી મુક્તપણે તારો આત્મા સદા સ્વરૂપસ્થપણે પ્રતાપવંત રહેશે. આ જ
દુઃખથી છૂટીને પરમઆનંદની પ્રાપ્તિનો ઉપાય છે. સ્વદ્રવ્યના પરિચયથી જ મોહનો ક્ષય થાય છે, તેમાં પરદ્રવ્યના
પરિચયની જરૂર નથી. સ્વરૂપથી ખસીને જેટલો જેટલો પરદ્રવ્યનો પરિચય તે બંધનું કારણ છે, ને શુદ્ધ ચૈતન્યસ્વરૂપ
સ્વદ્રવ્યનો પરિચય તે જ મોક્ષનું કારણ છે. આવો દ્રઢ નિર્ણય કર્યા વગર વીર્યનો વેગ સ્વ તરફ વળે નહિ, માટે શાસ્ત્રના
અર્થભૂત એવા શુદ્ધ આત્માને જાણીને મોક્ષાર્થીએ ઉદ્યમપૂર્વક તેને જ અનુસરવું. નિમિત્તને કે રાગાદિને ન અનુસરવું પણ
શુદ્ધ આત્માને જ અનુસરવું. એમ કરવાથી દ્રષ્ટિમોહનો ક્ષય થાય છે. શુદ્ધ ચૈતન્યસ્વરૂપના પરિચયવડે જ્ઞાનજ્યોતિ પ્રગટે
છે ને અજ્ઞાન અંધકાર નાશ પામે છે; તથા તે શુદ્ધ ચૈતન્યસ્વરૂપના પરિચયથી–તેમાં લીનતાથી રાગ–દ્વેષ પ્રશમી જાય
છે; તેથી બંધનો અભાવ થઈને પોતાના સ્વરૂપમાં સ્થિરપણે મુક્તિમાં આત્મા સદા પ્રતાપવંત વર્તે છે, ને પરમઆનંદથી
શોભે છે.
આ રીતે શાસ્ત્રનો સાર તથા તેના અભ્યાસનું ફળ કહ્યું.

PDF/HTML Page 26 of 27
single page version

background image
ભાદરવોઃ ૨૪૮૪ઃ ૨૩ઃ
મોક્ષમાર્ગના
પુરુષાર્થની સાથે
સર્વજ્ઞના
સ્વીકારની સંધિ
મોક્ષમાર્ગના મૂળ ઉપદેશક સર્વજ્ઞદેવ છે; એટલે સર્વજ્ઞના સ્વીકાર
વગર કદી મોક્ષમાર્ગનો પુરુષાર્થ ઉપડતો નથી. જેણે સર્વજ્ઞતાના અનંત–
અચિંત્ય સામર્થ્યનો સ્વીકાર કર્યો છે તેણે તે સ્વીકાર કઈ રીતે કર્યો?
રાગથી પાર થઈને, અંતરની ચિદાનંદ શક્તિ તરફના ઝુકાવ વગર
સર્વજ્ઞતાના અચિંત્ય સામર્થ્યનો યથાર્થ સ્વીકાર થઈ શકતો નથી; અને
આ રીતે, રાગથી પાર થઈને અંતરની ચિદાનંદ શક્તિ તરફ ઝૂકીને જેણે
સર્વજ્ઞતાના અનંત અચિંત્ય સામર્થ્યનો સ્વીકાર કર્યો–તેને પોતાના
આત્મામાં અચિંત્ય મોક્ષમાર્ગનો પુરુષાર્થ ઊછળી ગયો છે. અને જેણે એ
રીતે સર્વજ્ઞતાના સામર્થ્યનો સ્વીકાર નથી કર્યો તેને સર્વજ્ઞના માર્ગ પ્રત્યે
(એટલે કે મોક્ષમાર્ગ પ્રત્યે) પુરુષાર્થ ઊછળતો નથી.
આ રીતે મોક્ષમાર્ગના પુરુષાર્થની સાથે સર્વજ્ઞના સ્વીકારની સંધિ
છે.
(પંચાસ્તિકાયના પ્રકાશન–પ્રસંગે પ્રવચનમાંથી)
હેતુની વિપરીતતા
સાધકને ચૈતન્યસ્વભાવનું સાધન કરતાં કરતાં, વચ્ચે કંઈક રાગ
બાકી રહી જાય છે, પણ તેનો હેતુ રાગમાં વર્તવાનો નથી, તેનો હેતુ
(તેનો અભિપ્રાય) તો વીતરાગપણે ચૈતન્યસ્વભાવમાં જ વર્તવાનો છે.
એટલે રાગ હોવા છતાં તેનો હેતુ વિપરીત નથી, તેનો હેતુ–તેનું ધ્યેય–તો
સમ્યક્ છે.
અજ્ઞાનીને ચૈતન્યસ્વભાવનું ભાન નથી, ને બાહ્ય વિકલ્પો આવે
તેમાં જ તે અટકી રહે છે, એટલે તેના હેતુમાં જ રાગ છે. રાગના હેતુથી તે
રાગમાં વર્તે છે, રાગ જ તેનું ધ્યેય છે, રાગથી જ તે લાભ માને છે,
રાગથી જરાય ખસીને ચિદાનંદ સ્વભાવમાં આવતો નથી, એટલે તેનો તો
હેતુ જ ખોટો છે, તેના હેતુમાં જ વિપરીતતા છે.
રાગ અજ્ઞાનીને હોય ને જ્ઞાનીને પણ હોય, પરંતુ અજ્ઞાનીને તે
રાગ રાખવાનો હેતુ છે, જ્ઞાનીને તે રાગ ટાળીને સ્વભાવમાં ઠરવાનો હેતુ
છે. આમ બંનેના હેતુમાં મોટો ફેર છે.

PDF/HTML Page 27 of 27
single page version

background image
ATMADHARMA Regd. No. B. 4787
___________________________________________________________________________________
આ છે, જ્ઞાની સંતોનો આદેશ!
હે જીવ! હું જ્ઞાયક છું એવો નિર્ણય કરીને
અંતરમાં તેનો પત્તો મેળવ.
અને જ્યાં સુધી જ્ઞાયકસ્વભાવનો પત્તો ન
મળે ત્યાં સુધી અંતરમાં ખરેખરી લગનીવડે
એનો જ પ્રયત્ન કર્યા કર અને તેનો પત્તો
મેળવ.
ચૈતન્યનિધિ અમૃતનો સાગર અહીં તારી
પાસે વિદ્યમાન પડયો છે, ઉપયોગને અંતરમાં
વાળ એટલી જ વાર છે; ઉપયોગને અંતરમાં
વાળતાં જ કદી નહિ અનુભવાયેલો એવો
આનંદ તને તારા આત્મામાં અનુભવાશે.
બધુંય તારામાં પડયું છે, ક્યાંય બહાર
ગોતવા જવું પડે તેમ નથી.
મારે ને લોકને કાંઈ સંબંધ નથી. હું જ્ઞાયક
છું, મારા જ્ઞાયકપણામાં રાગનો પણ અભાવ
છે;–આમ બધા સાથેથી સંબંધ તોડીને અંતરમાં
એક જ્ઞાયક સાથે જ સંબંધ જોડવો; જ્ઞાયક જ હું
છું–એમ અંતરમાં શાંતિથી એકાગ્ર થઈને
જ્ઞાયકનો અનુભવ કરવો. તે અનુભવમાં
આનંદ–સ્વરૂપ પરમાત્મતત્ત્વ પ્રગટે છે.
–પૂ. ગુરુદેવ.
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટવતી મુદ્રક અને પ્રકાશકઃ હરિલાલ દેવચંદ શેઠઃ આનંદ પ્રિ. પ્રેસ– ભાવનગર.