Atmadharma magazine - Ank 179
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 27
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧પ
સળંગ અંક ૧૭૯
Version History
Version
NumberDateChanges
001Oct 2003First electronic version.

PDF/HTML Page 2 of 27
single page version

background image
વર્ષ ૧પ મું
અંક ૧૧ મોે
ભાદરવો
વી. સં. ૨૪૮૪
સંપાદક
રામજી માણેકચંદ શાહ
૧૭૯
જ્ઞાનીની ચાહના
અમારો અતીન્દ્રિય આનંદ અમને પ્રાપ્ત થાઓ, બીજું કંઈ
જગતમાં અમારે જોઈતું નથી.
બાહ્ય ઇન્દ્રિયવિષયસંબંધી સુખ અનંતકાળથી ભોગવ્યા
છતાં કિંચિત્ તૃપ્તિ કે શાંતિ ન થઈ. પણ આકુળતા ને અતૃપ્તિ
જ રહી, એવા ઇન્દ્રિયવિષયસંબંધી સુખોથી હવે અમને બસ
થાઓ...બસ થાઓ..હવે સ્વપ્નેય તે વિષયોને અમે નથી
ચાહતા..હવે તો અમે ઇન્દ્રિયોથી પાર, વિષયોથી પાર, અપૂર્વ
આત્મિક સુખનો સ્વાદ ચાખીને તે અતીન્દ્રિયઆનંદને જ
ચાહીએ છીએ, તે અતીન્દ્રિય આનંદની પૂર્ણતા સિવાય
જગતમાં બીજું કાંઈ અમે નથી ચાહતા.

PDF/HTML Page 3 of 27
single page version

background image
છપતે..છપતે..
પૂ. ગુરુદેવની સંઘ સહિત દક્ષિણયાત્રાનો કાર્યક્રમ આ અંકમાં પ્રસિદ્ધ થયેલ
છે; તેમાં નીચે મુજબ સુધારો વધારો કરવામાં આવ્યો છે–
(૧) મુક્તાગીરીથી સીધા અમરાવતી થઈને નાગપુર, ખેરાગઢ, રામટેક,
જબલપુર, સાગર, નૈનાગીર, દ્રોણગીર, દેવગઢ, પપૌરાજી, થુબૌનજી થઈને
લલિતપુર, બારાં, કોટા, બુંદી રસ્તે થઈને ઉદયપુર, પછી ઇડર, ફત્તેપુર, તલોદ
દેહગામ, કલોલ અને સોનગઢ, આ પ્રમાણે સ્થળો હાલ નક્કી કરવામાં આવ્યા છે.
(૨) અને આકોલા, મલકાપુર, જલગાંવ, બડવાની–આટલા સ્થળો
ઉપરના માર્ગમાં નહિ આવતા હોવાથી રદ કરવામાં આવ્યાં છે.
(૩) પાવાગઢથી મુંબઈ તરફ જતાં વચ્ચે દાહોદ આવી જશે.
ઉપરના ફેરફારના કારણે બસના ભાડા વગેરેની વ્યવસ્થામાં જે ફેરફાર થશે
તે હવે પછી જાહેર કરવામાં આવશે.
સોનગઢથી મુંબઈનો કાર્યક્રમ
પૂજ્ય ગુરુદેવ પંચકલ્યાણક પ્રતિષ્ઠા અને તીર્થયાત્રા નિમિત્તે સોનગઢથી
પોષ સુદ ૮ તા. ૧૭–૧–પ૯ના રોજ મંગલપ્રસ્થાન કરશે; અને વચ્ચે પોષ સુદ દસમે
પાવાગઢ સિદ્ધક્ષેત્રની જાત્રા કરીને, પોષ વદ એકમ ને રવિવારે મુંબઈ નગરીમાં
પ્રવેશ કરશે. અને મુંબઈમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ બાદ તીર્થયાત્રા માટે
મંગલપ્રસ્થાન કરશે.
દસલક્ષણી પર્યુષણપર્વનો મહોત્સવ
સૌરાષ્ટ્રના જૈનધર્મના પાટનગર સોનગઢમાં દસલક્ષણી પર્યુષણપર્વ આ વર્ષે
ખૂબ ધામધૂમથી ઉજવાયા હતા. અતિ સુશોભિત નૂતન જિનમંદિરના ભવ્ય
દરબારમાં ઘણા ઉલ્લાસથી પૂજનાદિ થતા હતા. કાર્તિકેયસ્વામીની
દ્વાદશઅનુપ્રેક્ષામાંથી દસલક્ષણધર્મ ઉપર પૂ. ગુરુદેવ હમેશ પ્રવચન કરતા; તે ઉપરાંત
સમયસારની ગા. ૧૪–૧પ વંચાતી હતી; તેમાં, શુદ્ધાત્માની અનુભૂતિ કેમ થાય તેનું
ભાવભીનું વિવેચન આવતું હતું. ભવ્ય જિનાલયની વચ્ચે, સુસજ્જિત મંડપમાં
દસલક્ષણમંડલદ્વારા દસ ધર્મોનું સ્થાપન કરીને હંમેશ પૂજન કરવામાં આવતું હતું.
તેમજ છેલ્લા દિવસોમાં રત્નત્રયમંડલવિધાન પણ થયું હતું. આ ઉપરાંત હંમેશ નવી
નવી પૂજા, સોલહકારણપૂજન, ચારિત્રપૂજા, વીસ વિહરમાન તીર્થંકરપૂજા, ચોવીસ
તીર્થંકરપૂજા, સિદ્ધપૂજા, પંચમેરૂપૂજા, મુનિપૂજા વગેરે કરવામાં આવતી હતી; અને
જિનમંદિરમાં હંમેશા અદ્ભુત ભક્તિ થતી હતી. ભાદરવા સુદ દસમે સુગંધદસમીનો
દિવસ પણ બહુ ઉત્સાહથી ઊજવાયો હતો. સામૂહિકરૂપે દસ પૂજા, દસ સ્તોત્ર, અને
પછી ગાજતેવાજતે બધા જિનમંદિરમાં તેમજ જિનવાણી પ્રત્યે ધૂપક્ષેપણ કરવામાં
આવ્યું હતું. દસલક્ષણ પર્વમાં બહારગામથી પણ ઘણા ભક્તો લાભ લેવા આવ્યા
હતા. બે દિવસ “અકલંક–નિકલંક” નો ધાર્મિક સંવાદ બતાવવામાં આવ્યો હતો.
દસ લક્ષણી ધર્મના દિવસો પૂર્ણ થતાં જિનેન્દ્રદેવનો અભિષેક થયો હતો, અને ભવ્ય
રથયાત્રા નીકળી હતી; આસો વદ એકમે ક્ષમાપનાવિધિ થઈ હતી. આ પ્રમાણે દર
વર્ષ કરતાં આ વખતે દસલક્ષણીપર્વનો ઉત્સવ વધારે ઉત્સાહથી ઊજવાયો હતો.
સોનગઢ ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક ગામોમાં જ્યાં જ્યાં દિ. જિનમંદિરો
સ્થપાયા છે ત્યાં ત્યાં હરેક સ્થળે દસલક્ષણીપર્વના દિવસો ધામધૂમથી ઊજવાયા
હતા.

PDF/HTML Page 4 of 27
single page version

background image
મંગલ વધાઈ! મંગલ વધાઈ!
પૂ. ગુરુદેવની સંઘસહિત દક્ષિણ–યાત્રા
શાશ્વત તીર્થાધિરાજ શ્રી સમ્મેદશીખરાદિ તીર્થધામોની જેમ, દક્ષિણના તીર્થધામોની પણ પૂ. ગુરુદેવ સાથે યાત્રા
કરવાની ઘણા ભક્તોની ભાવના હતી; જિજ્ઞાસુઓને જણાવતાં આનંદ થાય છે કે, પૂ. ગુરુદેવ યાત્રાસંઘ સાથે મુંબઈથી
સં. ૨૦૧પના માહ સુદ ૧૦ ને મંગળવાર તા. ૧૭–૨–પ૯ના રોજ પ્રસ્થાન કરી દક્ષિણના તીર્થધામો શ્રી મુડબીદ્રી,
શ્રવણબેલગોલ–બાહુબલીજી, કુંથલગિરિ, મુક્તાગિરિ, વગેરે અનેક તીર્થધામોની યાત્રાએ પધારવાના છે. આ યાત્રામાં
આવતા સ્થળોની યાદી છેલ્લે આપવામાં આવી છે. જે મુમુક્ષુ ભાઈ–બહેનોને યાત્રામાં સંઘ સાથે આવવાની ઇચ્છા હોય
તેમણે નીચેની વિગતે, નીચે લખેલા સરનામે અરજી કરવી. આ અરજીઓ મંજુર કરવા માટે એક કમિટી નીમવામાં
આવી છે. અરજીઓ આવ્યા બાદ કમિટી વિચારણા કરી, અરજી કરનારાઓને સમયસર ખબર આપશે. આવી
અરજીઓ તા. ૩૧–૧૦–પ૮ સુધીમાં સોનગઢ મળી જાય તે રીતે મોકલવી.
આ યાત્રા ભાડુતી બસમાં કરવાની છે અને યાત્રાળુઓને જમવાની સગવડ સંઘ સાથે રાખવામાં આવશે.
યાત્રાના બે વિભાગ પાડવામાં આવ્યા છે–
(૧) મુંબઈ થી મદ્રાસ સુધી.
(૨) મુંબઈથી મદ્રાસ થઈ અમદાવાદ સુધી પૂરી યાત્રા.
(૧) મુંબઈથી મદ્રાસ, અને મદ્રાસથી પાછા મુંબઈ આવવાના મોટરબસના ભાડાના રૂા. ૧૦૦) આશરે રૂા.
એકસો) થવા સંભવ છે. અને–
(૨) મુંબઈ થી મદ્રાસ થઈ પાછા અમદાવાદ પહોંચતા સુધીનું (પૂરી યાત્રાનું) બસ ભાડું રૂા. ૧પ૦) (આશરે
રૂા. દોઢસો) થવા સંભવે છે.
ભોજનખર્ચ નક્કી થયે જણાવવામાં આવશે.
અરજી “પ્રમુખશ્રી, દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર) ”
–એ સરનામે કરવી અને અરજી સાથે નીચે મુજબ રકમ એડવાન્સ મોકલવી–
(૧) બસ ભાડા માટે વ્યક્તિદીઠ રૂા. પ૦) તથા ભોજનખર્ચ માટે રૂા. પ૦) એમ કુલ રૂા. ૧૦૦) વ્યક્તિ દીઠ
મોકલવા.
(૨) જેઓને ભોજનની સ્વતંત્ર વ્યવસ્થા કરવી હોય તેમણે એકલા બસ ભાડાના રૂા. પ૦) વ્યક્તિદીઠ મોકલવા.
(૩) ખાનગી મોટરો લઈને આવનારે પણ, સંઘ સાથે રહેવાનું હોય તો અરજી કરવાની છે; અને જો તેમણે સંઘ
સાથે ભોજનવ્યવસ્થા રાખવાની હોય તો રૂા. પ૦) વ્યક્તિદીઠ મોકલવા.
(૪) જેમને મોટરબસ કે ભોજનની સગવડ જોઈતી ન હોય તેમણે પણ સંઘ સાથે રહેવા માટે અરજી કરવાની
છે; પણ એડવાન્સ મોકલવાનું નથી.
(પ) એડવાન્સ રકમ મોકલ્યા વિનાની અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં; અને અરજી મંજુર કર્યાં વિનાના
યાત્રિકો કોઈપણ પ્રકારે યાત્રાસંઘમાં સામેલ થઈ શકશે નહિ.
(૬) જેમની અરજી નામંજુર થશે તેમને એડવાન્સ પાછું મોકલી આપવામાં આવશે.
(૭) યાત્રાળુઓએ પ્રમુખશ્રી તથા વ્યવસ્થાપકોની આજ્ઞા અનુસાર વર્તવાનું છે.
યાત્રામાં આવતા સ્થળોની યાદી
મુંબઈથી પુના, કોલ્હાપુર, કુંભોજ, સ્તવનિધિ, બેલગામ, હુબલી, ગેરસપ્પા (જોગફોલ્સ) હુમચ, કુંદકુંદ–બેટ્ટ
(કુંદનગીરી) વરાંગ, કારકલ, મુડબીદ્રી, વેણુર, હલેબીડ, શ્રવણબેલગોલા, મૈસુર–વૃંદાવનગાર્ડન, ગોમટ્ટગીરી, બેંગલોર,
ચીતુર, મદ્રાસ, પોન્નુર; પાછા મદ્રાસ. (મદ્રાસથી મુંબઈવાળા યાત્રિકોની બસો અહીંથી છૂટી પડીને મુંબઈ તરફ જશે,
અને મુંબઈથી અમદાવાદવાળા યાત્રિકોની બસો સંઘ સાથે આગળ જશે.) મદ્રાસથી નેલોર, બેઝવાડા, હૈદ્રાબાદ,
કુલપાકક્ષેત્ર, સોલાપુર, લેનીની ગૂફાઓ, કલિકુંડ પાર્શ્વનાથ, આકોલા, મુક્તાગિરિ, અમરાવતી, મલકાપુર, જલગાંવ,
ઈલોરા–એજન્ટાની ગૂફાઓ, બડવાનીજી, દાહોદ, અમદાવાદ.
(સૂચનાઃ– મદ્રાસથી સોલાપુર જવાના રસ્તામાં ફેરફાર થવાનો સંભવ છે; મોટર રસ્તા વગેરેની પૂરી માહિતી
મેળવ્યા બાદ પાકો પ્રોગ્રામ બહાર પાડવામાં આવશે. આ ઉપરાંત નૈનાગીરી– દ્રોણગીરી સિદ્ધક્ષેત્ર તથા દેવગઢ પપૌરાજી
વગેરે તીર્થોની યાત્રા પણ કાર્યક્રમમાં લેવાનું વિચારાઈ રહ્યું છે; જો તે કાર્યક્રમ નક્કી થશે તો તે અનુસાર બસ ભાડામાં
વધારો થશે, અને લગભગ ૧પ દિવસનો પ્રોગ્રામ વધશે. તે નક્કી થયે હવે પછી જાહેર કરવામાં આવશે.)
પ્રમુખ–શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢઃ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 5 of 27
single page version

background image
ઃ ૨ઃ આત્મધર્મઃ ૧૭૯
આત્માર્થી જીવનો ઉત્સાહ
અને આત્મલગની
(લેખાંક પહેલો)
(શ્રી પંચાસ્તિકાય ગાથા ૧૦૩ ઉપરના પ્રવચનોમાંથી;
‘કહાનરશ્મિ’ મકાનના વાસ્તુપ્રસંગે થયેલું પ્રવચન પણ
આમાં ભેળવી દેવામાં આવ્યું છે.)
આત્માર્થી જીવની ધગશ કેવી હોય, તેની આત્મલગની
કેવી હોય, પોતાનું સમ્યક્ત્વકાર્ય સાધવા માટે તેનો ઉત્સાહ
અને ઉદ્યમ કેવો હોય, તેનું ઘણું સુંદર અને પ્રેરણાદાયી
વિવેચન પૂ. ગુરુદેવે આ પ્રવચનોમાં કર્યું છે.
“સંસારથી તરવાના કામી આત્માર્થી જીવને જ્ઞાની
સંતો ભેદજ્ઞાનરૂપી વહાણમાં બેસવાનું કહે છે, ત્યાં તે
આત્માર્થી જીવ ભેદજ્ઞાનમાં પ્રમાદ કરતો નથી; અને
ભેદજ્ઞાનનો ઉપાય દર્શાવનારા સંતો પ્રત્યે તેને મહાન
ઉપકારબુદ્ધિ થાય છે કે હે નાથ! અનંત જન્મ–મરણના
સમુદ્રમાંથી આપે અમને બહાર કાઢયા, ભવસમુદ્રમાં ડુબતા
અમને આપે બચાવ્યા; સંસારનો જેનો કોઈ બદલો નથી
એવો પરમ ઉપકાર આપે અમારા ઉપર કર્યો.”
જીવાદિ છ દ્રવ્યો અને પાંચ અસ્તિકાયોનું વર્ણન કરીને, ઉપસંહારમાં તેના જ્ઞાનનું ફળ દર્શાવતાં આચાર્યદેવ કહે
છે કે–
એ રીત પ્રવચનસારરૂપ
‘પંચાસ્તિસંગ્રહ’ જાણીને
જે જીવ છોડે રાગદ્વેષ,
લહે સકળ દુઃખમોક્ષને. ૧૦૩
–એ પ્રમાણે પ્રવચનના સારભૂત ‘પંચાસ્તિકાયસંગ્રહ’ ને જાણીને જે રાગદ્વેષને છોડે છે, તે દુઃખથી પરિમુક્ત
થાય છે.
પ્રવચન એટલે ભગવાન સર્વજ્ઞદેવનો ઉપદેશ; તેમાં કાળ સહિત પાંચ અસ્તિકાય, એટલે કે જીવ, પુદ્ગલ, ધર્મ,
અધર્મ આકાશ અને કાળ એ છ દ્રવ્યો કહેવામાં આવ્યા છે; ભગવાન સર્વજ્ઞદેવના પ્રવચનમાં છ દ્રવ્યોનો જ બધો
વિસ્તાર છે, તેનાથી અન્ય કાંઈ કહેવામાં નથી

PDF/HTML Page 6 of 27
single page version

background image
ભાદરવોઃ ૨૪૮૪ઃ ૩ઃ
આવતું. જડ–ચેતન, સુખ–દુઃખ, પુણ્ય–પાપ, બંધ–મોક્ષ વગેરે બધું છ દ્રવ્યનો જ વિસ્તાર છે. તેથી છ દ્રવ્યો તે પ્રવચનનો
સાર છે. જે કાળ સહિત પંચાસ્તિકાયને, એટલે કે છ દ્રવ્યોને, ન સ્વીકારે તે ભગવાન સર્વજ્ઞદેવના પ્રવચનને જાણતો
નથી.
છ દ્રવ્યો તે ભગવાન સર્વજ્ઞદેવના પ્રવચનનો સાર છે; આવા પ્રવચનના સારને જે જીવ..જાણે છે તે દુઃખથી
પરિમુક્ત થાય છે.–પણ કઈ રીતે જાણે છે?–કે “અર્થતઃ અર્થીપણે” જાણે છે.
“અર્થતઃ અર્થી” એમ કહીને આચાર્યદેવે પાત્ર શ્રોતાની ખાસ લાયકાત બતાવી છે. પાત્ર શ્રોતા કેવો છે?
આત્માનો અર્થી છે, આત્માના હિતનો જે ગરજુ છે, કોઈપણ રીતે મારા આત્માનું હિત થાય–એમ અંતરમાં ગરજવાન
થયો છે, યાચક થયો છે, એટલે કે હિતને માટે વિનયથી દીનપણે અર્પાઈ ગયો છે, સેવક થયો છે, જેમની પાસેથી
આત્મપ્રાપ્તિ થાય એવા સંતો પ્રત્યે સેવકપણે વર્તે છે. અને શાસ્ત્ર જાણવામાં તેને બીજો કોઈ હેતુ નથી, માત્ર
આત્મહિતની પ્રાપ્તિનો જ હેતુ છે. શાસ્ત્ર ભણીને હું બીજાથી અધિક થાઉં કે માન–મોટાઈ પામું, અથવા બીજાને
સમજાવું–એવા આશયથી જે નથી ભણતો, પણ શાસ્ત્ર ભણીને–છ દ્રવ્યોનું સ્વરૂપ સમજીને હું મારા આત્માનું હિત કેમ
સાધું, ને મારો આત્મા દુઃખથી કેમ છૂટે,–એમ આત્માનો શોધક થઈને ભણે છે.
આવો આત્માનો અર્થી જીવ શાસ્ત્રને કઈ રીતે જાણે છે?–કે ‘અર્થતઃ જાણે છે’ એટલે કે એકલા શબ્દથી નથી
જાણતો, પણ તેના વાચ્યભૂત અર્થને અનુલક્ષીને જાણે છે. ભાવશ્રુતપૂર્વક જાણે છે. એકલા શાબ્દિકજ્ઞાનમાં નથી
સંતોષાતો, પણ અંતરમાં શોધક થઈને વાચ્યભૂત વસ્તુને શોધે છે; સુખનો શોધક થઈને પદાર્થોનું સ્વરૂપ જાણે છે.
અહા! અર્થીપણે જાણવાનું કહીને આચાર્યદેવે શ્રોતાની કેટલી ધગશ બતાવી છે! પોતે અર્થી થઈને–શોધક થઈને
સાંભળવા જાય છે; પરંતુ એમ નથી કે જ્યારે સહેજે સાંભળવાનો યોગ બની જાય ત્યારે સાંભળી લ્યે ને પછી તેની
દરકાર ન કરે. આ તો શિષ્ય પોતે અભિલાષી થઈને–ગરજુ થઈને, કોઈ પણ રીતે મને મારું સ્વરૂપ સમજાય એમ
અંદરમાં ઝૂરણા કરીને, સમજવાની ગરજથી સાંભળે છે.
સમ્યક્ત્વની તૈયારીવાળા જીવને પોતાનું કાર્ય સાધવાનો ઘણો ઉત્સાહ હોય છે; તે જીવ સમ્યક્ત્વ માટે
ઉત્સાહપૂર્વક કેવો પ્રયત્ન કરે છે તેનું વર્ણન કરતાં ‘મોક્ષમાર્ગપ્રકાશક’ માં કહે છે કે–જીવાદિ તત્ત્વોને જાણવા માટે કોઈ
વખત પોતે જ વિચાર કરે છે, કોઈ વખત શાસ્ત્ર વાંચે છે, કોઈ વખત સાંભળે છે, કોઈ વખત અભ્યાસ કરે છે તથા
કોઈ વખત પ્રશ્નોત્તર કરે છે, ઇત્યાદિરૂપ પ્રવર્તે છે અને
તેને પોતાનું કાર્ય કરવાનો ઘણો હર્ષ હોવાથી અંતરંગ
પ્રીતિથી તેનું સમાધાન કરે છે. એ પ્રમાણે સાધન કરતાં જ્યાં સુધી સાચું તત્ત્વશ્રદ્ધાન ન થાય–‘આ આમ જ છે’
એવી પ્રતીતિપૂર્વક જીવાદિ તત્ત્વોનું સ્વરૂપ પોતાને ન ભાસે, જેવી પર્યાયમાં (શરીરમાં) અહંબુદ્ધિ છે તેવી કેવળ
આત્મામાં અહંબુદ્ધિ ન થાય અને હિત–અહિતરૂપ પોતાના ભાવ છે તેને ન ઓળખે ત્યાંસુધી તે જીવ ઉદ્યમ કર્યા જ કરે
છે; એવો જીવ થોડા જ કાળમાં સમ્યક્ત્વને પામે છે.
આત્માર્થી જીવ ઉલ્લસિત વીર્યવાન છે, તેના પરિણામ ઉલ્લાસરૂપ હોય છે, પોતાના સ્વભાવને સાધવા માટે તેનું
વીર્ય ઉત્સાહિત હોય છે. શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે કે ‘ઉલ્લાસિત વીર્યવાન પરમ તત્ત્વ ઉપાસનાનો મુખ્ય
અધિકારી છે.’
આત્માર્થી જીવ પોતાના આત્માના હિત માટે ઉલ્લાસપૂર્વક શ્રવણ–મનન કરે છે. કૂળપ્રવૃત્તિપૂર્વક કે સાંભળવાનો
સહેજે યોગ બની જાય તો સાંભળી લ્યે, પણ સમજવાનો પ્રયત્ન કરે તો તેને આત્માની ગરજ નથી, માટે અહીં
આત્માનો અર્થી થઈને શાસ્ત્ર જાણવાનું કહ્યું છે.
‘કામ એક આત્માર્થનું
બીજો નહિ મન રોગ.’
જેના અંતરમાં એક આત્માર્થ સાધવાનું જ લક્ષ છે, મારા અનાદિના ભવરોગનું દુઃખ કેમ મટે? એ સિવાય
બીજો કોઈ રોગ એટલે કે માનાદિની ભાવના જેના અંતરમાં નથી;–આ રીતે આત્માનો અર્થી

PDF/HTML Page 7 of 27
single page version

background image
ઃ ૪ઃ આત્મધર્મઃ ૧૭૯
થઈને જે શિષ્ય પંચાસ્તિકાયસંગ્રહને જાણે છે...તે સર્વ દુઃખથી પરિમુક્ત થાય છે.
જેમ કોઈ માણસ ઘણા દિવસનો ક્ષુધાતૂર હોય, અને ક્ષુધા મટાડવા માટે યાચકપણે–માન મૂકીને ભોજન માંગે,
તે પોતાને માટે માંગે છે, બીજાને દેવા માટે નહીં; મારું ભૂખનું દુઃખ મટે એવું કાંઈ ભોજન મને આપો–એમ યાચક
થઈને માંગે છે. એવા ક્ષુધાતૂરને ભોજન મળે તો કેવું મીઠું લાગે? સુકો રોટલો મળે તો પણ મીઠો લાગે..ને હર્ષથી
પોતાની ક્ષુધા મટાડે.
તેમ જે જીવને આત્માની લગની લાગી છે–ભૂખ લાગી છે, અરે, અનાદિ કાળથી સંસારમાં ભ્રમણ કરતો
મારો આત્મા ક્યાંય સુખ ન પામ્યો, એકાંત દુઃખ જ પામ્યો, હવે દુઃખથી છૂટીને મારો આત્મા સુખ કેમ પામે–
એમ સુખના ઉપાયને ઝંખે છે, તે જીવ જ્ઞાની સંત પાસે જઈને દીનપણે–ભીખારીની જેમ–યાચક થઈને વિનયથી
માંગે છે કે પ્રભો! મારા આત્માના સુખનો માર્ગ મને સમજાવો, આ ભવદુઃખથી છૂટવાનો માર્ગ મને બતાવો.–
આમ જે આત્માનો ગરજુ થઈને આવ્યો ને તેને આત્માના આનંદની વાત સાંભળવા મળે તો કેવી મીઠી લાગે!–
એ વખતે તે બીજા લક્ષમાં ન રોકાય, પણ એક જ લક્ષે આત્માનું સ્વરૂપ સમજીને પોતાનું દુઃખ મટાડે. આત્માનો
ખરેખરો અર્થી થઈને જે સાંભળે છે તેને શ્રવણ થતાં જ અંતરમાં પરિણમી જાય છે. જેમ ખરી–કડકડતી ભૂખ
લાગી હોય તેને ભોજન પેટમાં પડતાં જ પરિણમી જાય છે, તેમ જેને ચૈતન્યની ખરી અભિલાષા જાગી છે તેને
વાણી કાને પડતાં જ આત્મામાં તે પરિણમી જાય છે.
જેમ તૃષાતૂરને શીતળ પાણી મળતાં પ્રેમપૂર્વક પીએ છે તેમ આત્માના અર્થીને ચૈતન્યના શાંતરસનું પાન
મળતાં અત્યંત રુચિપૂર્વક ઝીલીને અંતરમાં પરિણમાવી દે છે. ધોમ તડકામાં રેતીના રણ વચ્ચે આવી પડયો હોય,
તરસથી તરફડતાં કંઠગતપ્રાણ થઈ ગયો હોય, પાણી–પાણીનો પુકાર કરતો હોય, ને એવા ટાણે શીતળ–મધુર
પાણી મળે તો કેવી તલપથી પીએ!! તેમ વિકારની આકુળતારૂપી ધોમ તડકામાં, ભવરણની વચ્ચે ભમતો જીવ
સેકાઈ રહ્યો છે, ત્યાં આત્માર્થી જીવને આત્માની તૃષા લાગી છે–લગની લાગી છે, આત્માની શાંતિ માટે ઝંખે છે;
એવા જીવને સંતોની મધુર વાણીદ્વારા ચૈતન્યના શાંતરસનું પાન મળતાં જ અંતરમાં પરિણમી જાય છે. કોરા ઘડા
ઉપર પાણીનું ટીપું પડે, ને જેમ ચૂસી લ્યે તેમ આત્માર્થી જીવ આત્માના હિતની વાતને ચૂસી લ્યે છે–અંતરમાં
પરિણમાવી દે છે.
આત્માર્થી જીવને પોતાનું આત્મસ્વરૂપ સમજવા માટે અંતરમાં એટલી ગરજ છે કે બીજા લોકો માન–અપમાન
કરે તેની સામે જોતો નથી; ‘મારે તો મારા આત્માને રીઝવવો છે,–મારે જગતને નથી રીઝવવું; જગત કરતાં આત્મા
વહાલો લાગ્યો છે, આત્મા કરતાં જગત વહાલું નથી, (જગત ઇષ્ટ નહિ આત્માથી)’–આવી આત્માની લગનીને લીધે
જગતના માન–અપમાનને ગણકારતો નથી. મારે સમજીને મારા આત્માનું હિત સાધવું છે, એવું જ લક્ષ છે; પણ હું
સમજીને બીજાથી અધિક થાઉં, કે હું સમજીને બીજાને સમજાવું–એવી વૃત્તિ ઊઠતી નથી. જુઓ, આ આત્માર્થી જીવની
પાત્રતા!
જેમ થાકેલાને વિશ્રામ મળતાં (અગર વાહન મળતાં) હર્ષિત થાય, ને રોગથી પીડાતા મનુષ્યને વૈદ્ય મળતાં
ઉત્સાહિત થાય, તેમ ભવભ્રમણ કરી કરીને થાકેલા અને આત્મભ્રાંતિના રોગથી પીડાતા જીવને, તે થાક ઉતારનારી ને
રોગ મટાડનારી ચૈતન્યસ્વરૂપની વાત કાને પડતાં જ ઉત્સાહપૂર્વક તે તેનું સેવન કરે છે. સાચા સદ્ગુરુ વૈદે જે પ્રકારે કહ્યું
તે પ્રકારે તે ચૈતન્યનું સેવન કરે છે; સંત પાસે દીન થઈને ભીખારીની જેમ ‘આત્મા’ માંગે છે કે પ્રભો! મને આત્મા
સમજાવો.
મધદરિયામાં ડુબકાં ખાતો હોય તેને એક જ લક્ષ છે કે હું દરિયામાં ડુબતાં કેમ બચું? ત્યાં કોઈ સજ્જન
આવીને તેને બચાવે તો કેવી ઉપકારબુદ્ધિ થાય?–અહા! મને દરિયામાં ડુબતો આણે બચાવ્યો, મને જીવન
આપ્યું–એમ મહાઉપકાર માને છે, તેમ ભવસમુદ્રમાં ગોથાં ખાઈ ખાઈને થાકેલા જીવને એક જ લક્ષ છે કે મારો
આત્મા આ સંસારસમુદ્રથી કેમ બચે! ત્યાં કોઈ જ્ઞાની પુરુષ તેને તરવાનો ઉપાય બતાવે તો તે પ્રમાદ વગર,
ઉલ્લસતા ભાવથી તે ઉપાય અંગીકાર કરે છે. જેમ ડૂબતા પુરુષને કોઈ વહાણમાં બેસવાનું કહે તો શું તે જરાય
પ્રમાદ કરે?–ન જ કરે; તેમ
સંસારથી તરવાના કામી આત્માર્થી જીવને
જ્ઞાની સંતો ભેદજ્ઞાનરૂપી વહાણમાં બેસવાનું

PDF/HTML Page 8 of 27
single page version

background image
ભાદરવોઃ ૨૪૮૪ઃ પઃ
કહે છે, ત્યાં તે આત્માર્થી જીવ ભેદજ્ઞાનમાં પ્રમાદ કરતો નથી; અને ભેદજ્ઞાનનો ઉપાય દર્શાવનારા
સંતો પ્રત્યે તેને મહાન ઉપકારબુદ્ધિ થાય છે કે હે નાથ! અનંત જન્મ–મરણના સમુદ્રમાંથી આપે
અમને બહાર કાઢયા, ભવસમુદ્રમાં ડુબતા અમને આપે બચાવ્યા; સંસારમાં જેનો કોઈ બદલો નથી
એવો પરમ ઉપકાર આપે અમારા ઉપર કર્યો.
આ રીતે, અર્થતઃ અર્થીપણે આ પંચાસ્તિકાય જાણવાનું આચાર્યદેવે કહ્યું; અર્થતઃ અર્થીપણે એટલે કે
ભાવ સમજવાની લગનીથી, ખરેખરી દરકારથી શોખથી, રુચિથી, ઉત્સાહથી, જિજ્ઞાસાથી, ગરજવાન થઈને,
યાચક થઈને, શોધક થઈને, આત્માનો અર્થી થઈને પંચાસ્તિકાયને જાણવા. એ રીતે પંચાસ્તિકાયને જાણીને શું
કરવું? તે હવે કહે છે.
આત્માને અત્યંત વિશુદ્ધ ચૈતન્યસ્વભાવવાળો નિશ્ચિત કરવો
...પંચાસ્તિકાયસંગ્રહને અર્થતઃ અર્થીપણે જાણીને, એમાં જ કહેલા જીવાસ્તિકાયને વિષે અંતર્ગત રહેલા પોતાને
(નિજ આત્માને) સ્વરૂપે અત્યંત વિશુદ્ધ ચૈતન્યસ્વભાવવાળો નિશ્ચિત કરવો.
જુઓ, આ શાસ્ત્રને જાણવાની રીત, અથવા શાસ્ત્રને જાણવાનું તાત્પર્ય.
આત્માનો અર્થી જીવ પંચાસ્તિકાયને જાણીને અંતરમાં એમ નિશ્ચય કરે છે કે હું સુવિશુદ્ધ જ્ઞાનદર્શનમય છું. આ
રીતે, અંતર્મુખ થઈને સુવિશુદ્ધજ્ઞાનસ્વભાવપણે પોતાના આત્માનો જે નિશ્ચય કરે છે તેને જ પંચાસ્તિકાયનું જ્ઞાન યથાર્થ
થાય છે.
પંચાસ્તિકાયને જાણીને પ્રાપ્ત કરવાનું શું છે?–કે શુદ્ધ જીવાસ્તિકાય તે પ્રાપ્ત કરવા યોગ્ય છે. પંચાસ્તિકાયના
સમૂહરૂપ અનંત દ્રવ્યો આ જગતમાં છે; તેમાંથી અનંતા અચેતન દ્રવ્યો તો મારાથી ભિન્ન વિજાતીય છે, તેઓ હું નથી;
અને ચૈતન્યસ્વભાવવાળા અનંતા જીવો ભિન્ન ભિન્ન છે, તે બધાય ‘જીવાસ્તિકાય’ માં આવી જાય છે. આ રીતે
જીવાસ્તિકાયમાં અંતર્ગત હોવા છતાં, બીજા અનંતા જીવોથી જુદો હું એક ચૈતન્યસ્વભાવી જીવ છું.–આમ સ્વસન્મુખ
થઈને, અનંતકાળે નહિ કરેલ એવા અપૂર્વભાવે આત્માનો નિર્ણય કરે છે. નિર્ણયની આવી નકોર ભૂમિકા વગર ધર્મનું
ચણતર થાય નહીં.
–આવા નિર્ણયનું સાધન શું?
–મંદ રાગ તે સાધન નથી, પણ જ્ઞાન અને વીર્યનો અંતર્મુખી ઉત્સાહ જ તેનું સાધન છે. જ્ઞાન અને રુચિના
અંતર્મુખ થવાના ઉત્સાહના બળે મિથ્યાત્વાદિ ક્ષણે ક્ષણે તૂટતા જાય છે.
‘નિર્ણય’ તે ધર્મની નક્કર ભૂમિકા છે; પણ આ નિર્ણય કેવો?–એકલા શ્રવણથી થયેલો નહિ
પણ અંતરમાં આત્માને સ્પર્શીને થયેલો અપૂર્વ નિર્ણય; તે નિર્ણય એવો કે કદાચ દેહનું નામ તો
ભૂલી જાય, પણ નિજસ્વરૂપને ન ભૂલે; દેહનો પ્રેમી મટીને ‘આત્મપ્રેમી’ થયો, તે કદાચ દેહનું નામ
તો ભૂલશે પણ આત્માને નહિ ભૂલે.
પોતાના જ્ઞાનની નિર્મળતામાં પોતાનો ફોટો એવો પડી ગયો કે જે કદી ન
ભૂંસાય. જેણે આવો નિર્ણય કર્યો તે રાગદ્વેષનો ક્ષય કરીને અલ્પકાળમાં મુક્તિ પામ્યા વગર રહે નહિ.
અર્થીપણે પંચાસ્તિકાય જાણીને શું કરવું? કે પોતાના આત્માને અત્યંત શુદ્ધ જ્ઞાનસ્વરૂપે નક્કી કરવો. જુઓ,
પાંચમાંથી જીવને જુદો પાડીને એકમાં લાવ્યા, સ્વમાં લાવ્યા. પંચાસ્તિકાયનું શ્રવણ કરતી વખતે પણ જિજ્ઞાસુ જીવનું
લક્ષ તો ‘મારો આત્મા જ્ઞાનસ્વરૂપ છે’ એવો નિર્ણય કરવા તરફ જ હતું, મારો આત્મા શુદ્ધજ્ઞાનસ્વરૂપ છે–એમ
અંતરમાં લક્ષગત કરીને સાંભળ્‌યું અને તેવો નિર્ણય કર્યો.
પંચાસ્તિકાય એટલે કે જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ ને આકાશ, તેને જાણીને તેના વિચારમાં અટકવાનું નથી, પણ
‘મારો આત્મા અત્યંત વિશુદ્ધ ચૈતન્યસ્વભાવી છે’ એમ નક્કી કરવાનું છે. પાંચ દ્રવ્યોને અર્થપણે જાણતાં તેમાં આવા
જીવાસ્તિકાયનું જ્ઞાન આવી જ જાય છે. ભગવાનના પ્રવચન છ દ્રવ્યનું સ્વરૂપ કહેનારાં છે; તે છ દ્રવ્યોનું સ્વરૂપ જાણીને
પોતાના આત્માને શુદ્ધ જ્ઞાનસ્વભાવે નક્કી કરવો તે ભગવાનના પ્રવચનનો

PDF/HTML Page 9 of 27
single page version

background image
ઃ ૬ઃ આત્મધર્મઃ ૧૭૯
સાર છે. ભગવાનના પ્રવચન ખરેખર કોણે જાણ્યા કહેવાય? કે પોતાના આત્માને શુદ્ધ જ્ઞાનસ્વભાવપણે જે નક્કી કરે
તેણે જ ખરેખર ભગવાનના પ્રવચનને જાણ્યા છે. નિજતત્ત્વના નિર્ણય વગર પરતત્ત્વનું યથાર્થ જ્ઞાન કદી થાય જ નહીં,
માટે નિજતત્ત્વનો નિર્ણય કરીને તેમાં એકાગ્ર થવું તે ભગવાનના સર્વ પ્રવચનનું તાત્પર્ય છે,–જેના સેવનથી દુઃખ ટળે છે
ને સુખ મળે છે.
જગતના તત્ત્વોને જાણીને, અંતરમાં વળીને પોતાના આત્માને જગતથી જુદો, શુદ્ધ ચૈતન્યસ્વરૂપે નક્કી કરવો;
માત્ર વિકાર જેટલો નક્કી ન કરવો પણ શુદ્ધ ચૈતન્યસ્વરૂપે નક્કી કરવો; નિર્ણયના કાળે વિકાર પણ વર્તતો હોવા છતાં,
તે વિકાર તરફ ન ઝૂકતાં શુદ્ધ ચૈતન્યસ્વભાવ તરફ ઝૂકવું. જેના સેવનથી દુઃખ ટળે ને આનંદ મળે એવો વિશુદ્ધ
ચૈતન્યસ્વરૂપ હું છું, એમ નક્કી કરવું.
આત્માર્થી જીવનાં લક્ષણ શ્રવણ કરતાં જ જણાઈ આવે; આત્માના આનંદની વાત કાને પડતાં જ આત્માર્થીનો
ઉત્સાહ છાનો ન રહે. જેમ ‘પુત્રનાં લક્ષણ પારણેથી જણાય’ તેમ આત્માર્થીનાં લક્ષણ આત્માનું શ્રવણ કરતાં જ જણાઈ
આવે.
સાંભળીને નિર્ણય કરવા ઉપર જોર છે. શું નિર્ણય કરવા? મારો આત્મા વિશુદ્ધ જ્ઞાન–આનંદસ્વરૂપ છે–એમ
નિર્ણય કરવો. એવો દ્રઢ નિર્ણય કરવો કે વીર્યનો વેગ તે તરફ વળ્‌યા વગર રહે નહીં. આવો નિર્ણય કર્યા પછી વારંવાર
તે તરફના પ્રયત્નથી અનુભવ થાય છે. નિર્ણય વગર પુરુષાર્થની દિશા ખુલે નહિ.
જુઓ, ભાઈ! આ વાત પોતે પોતાના હિત માટે સમજવાની છે; પોતે સમજીને પોતાનું હિત કરી લેવું, બીજા
જીવો શું કરે છે તે જોવા અટકવાનું નથી. આ વસ્તુ જ એવી છે કે જગતના બધા જીવો ન પામી શકે, કોઈક વિરલા જ
તે પામી શકે; તેથી સમયસારમાં આચાર્યદેવ કહે છે કે–
બહુલોક જ્ઞાનગુણે રહિત આ પદ નહિ પામી શકે;
રે! ગ્રહણ કર તું નિયત આ જો કર્મ મોક્ષેચ્છા તને. ૨૦પ.
જ્ઞાનગુણથી રહિત ઘણાય લોકો આ જ્ઞાનસ્વરૂપ પદને પામતા નથી; માટે હે ભવ્ય! જો તું કર્મથી સર્વથા મુક્ત
થવા ઇચ્છતો હો તો નિયત–એકરૂપ એવા આ જ્ઞાનસ્વભાવને ગ્રહણ કર, જ્ઞાનસ્વભાવનું જ અવલંબન કર.
પહેલાં અફર નિર્ણય કરવો જોઈએ કે હું જ્ઞાનસ્વભાવ છું, ને તેનું જ મારે અવલંબન કરવા જેવું છે. બીજું
ઓછું અદકું આવડે તેનું કાંઈ નહિ, કદાચ ઓછું આવડે તો તેનો ખેદ નહિ ને અધિક આવડે તો તેનું અભિમાન
નહિ, જેને આત્માનો સ્વભાવ આવડયો તેને બધું આવડયું, ને તેણે ભગવાનના સકલ પ્રવચનનો સાર જાણી
લીધો.
આત્માના અનુભવ માટે પહેલાં નક્કર ભૂમિકા જોઈએ; તે નક્કર ભૂમિકા કઈ?–કે ‘હું
શુદ્ધજ્ઞાનસ્વરૂપ છું એવો નિર્ણય. જેમ બેઠેલા પંખીને ગગનમાં ઊડવા માટે નીચે કઠણ ભૂમિકા જોઈએ, તેમ
ચૈતન્યના ચારિત્રમાં ગગનવિહાર કરવા માટે પહેલાં નિર્ણયરૂપ નક્કર ભૂમિકા જોઈએ. આત્માર્થી થઈને, અનંત
કાળમાં નહિ કરેલ એવી અપૂર્વ રીતે, અપૂર્વ પુરુષાર્થથી, આત્માનો અપૂર્વ નિર્ણય કરવો તે પ્રથમ ભૂમિકા છે, તે
જ ધર્મનગરીમાં પ્રવેશવાનો દરવાજો છે; તે નિર્ણયમાં રાગની હોંશ નથી પણ ચૈતન્યનો ઉત્સાહ છે; તે જીવ
રાગના ભરોસે રોકાતો નથી પણ ચૈતન્યસ્વભાવના ભરોસે અંતરમાં આગળ વધતો જાય છે, ને રાગદ્વેષને
તોડતો જાય છે; આ મુક્તિનો ઉપાય છે.
(આ લેખનો બાકીનો ભાગ આવતા અંકે પૂરો થશે.)

PDF/HTML Page 10 of 27
single page version

background image
ભાદરવોઃ ૨૪૮૪ઃ ૭ઃ
જ્ઞાનલક્ષણથી પ્રસિદ્ધ થયેલો
અનેકાન્તમૂર્તિ
ભગવાન આત્મા
“અનેકાન્તમૂર્તિ ભગવાન આત્મા” સંબંધી
લેખમાળાનો આ છેલ્લો લેખ છે. લગભગ સાત વર્ષ પહેલાં
આત્મધર્મમાં આ મહત્ત્વની લેખમાળા શરૂ થઈ હતી.
સમયસારમાં આત્માને ‘જ્ઞાનમાત્ર’ કહીને ઓળખાવ્યો
હોવા છતાં તેને અનેકાન્તપણું કઈ રીતે છે, અને
જ્ઞાનલક્ષણવડે અનેકાન્તસ્વરૂપ આત્માનો પ્રસિદ્ધ અનુભવ
કઈ રીતે થાય છે તે પ્રથમ સમજાવ્યું, અને પછી
જ્ઞાનલક્ષણવડે લક્ષિત અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માના
અનંત ધર્મોમાંથી ૪૭ શક્તિરૂપે કેટલાક ધર્મોનું વર્ણન કર્યું.
છેવટે હવે અનેકાન્તસ્વરૂપ આત્માના અનુભવનું ફળ
બતાવીને આચાર્યદેવ આ વિષય પૂરો કરે છે.
‘અનેકાન્ત’ સર્વજ્ઞભગવાનનું કોઈથી ન તોડી શકાય
એવું અલંઘ્ય શાસન છે, તે ભગવાન આત્માને અનંત
શક્તિસ્વરૂપે પ્રસિદ્ધ કરે છે. અરે જીવ! અનંતશક્તિથી તારો
આત્મા પરિપૂર્ણ છે, તેની સન્મુખ જો..તારામાં એવી કઈ
કમીના છે કે તારે બહાર શોધવા જવું પડે? તારી
આત્મશક્તિનો પ્રગટ મહિમા સંતો બતાવે છે, તેને લક્ષમાં
લઈને, એક વાર પણ અંતરથી ઊછળીને તેનું બહુમાન કર
તો સંસારથી તારો બેડો પાર થઈ જાય.
અનંતધર્મસ્વરૂપ ભગવાન આત્માને પ્રસિદ્ધ કરનારી
જિનનીતિ અનેકાન્તસ્વરૂપ છે; તે અનેકાન્તસ્વરૂપ
જિનનીતિને કદી નહિ ઉલ્લંઘતા થકા સંતો પરમ અમૃતમય
મોક્ષપદને પામે છે. એ અનેકાન્તનું ફળ છે.

PDF/HTML Page 11 of 27
single page version

background image
ઃ ૮ઃ આત્મધર્મઃ ૧૭૯
‘જીવત્વ’ થી શરૂ કરીને સંબંધશક્તિ સુધી ૪૭ શક્તિઓ આચાર્યદેવે વર્ણવી;– ઇત્યાદિ અનંતશક્તિઓ
આત્મામાં છે; ને અનંતશક્તિઓ હોવા છતાં આત્મા જ્ઞાનમાત્ર જ છે, કેમકે ‘જ્ઞાનમાત્ર’ કહેતાં પણ, તેનાથી
કાંઈ એકલો જ્ઞાનગુણ જ લક્ષિત નથી થતો પણ અનંતશક્તિસ્વરૂપ આખો આત્મા લક્ષિત થાય છે, કોઈ શક્તિ
જુદી નથી રહેતી. માટે જ્ઞાનલક્ષણ પણ આવા અનંતશક્તિસંપન્ન અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માને જ પ્રસિદ્ધ
કરે છે.
અનંતશક્તિઓમાંથી ૪૭ શક્તિનું વર્ણન કરીને આચાર્યદેવ ૨૬૪મા કળશમાં કહે છે કે આવી
અનંતશક્તિઓથી યુક્ત આત્મા છે, છતાં તે જ્ઞાનમાત્રપણાને છોડતો નથી. અનેક નિજશક્તિઓથી સુનિર્ભર
હોવા છતાં આત્મા જ્ઞાનમય છે; આત્માનો ભાવ જ્ઞાનમયપણું છોડતો નથી. ‘જ્ઞાનમાત્ર’ કહેતાં આત્માના બધા
ધર્મો સહિત સંપૂર્ણ ચૈતન્યવસ્તુ પ્રતીતમાં આવી જાય છે. આ ચૈતન્યવસ્તુ દ્રવ્યપર્યાયમય છે, અને ક્રમરૂપ
પ્રવર્તતી પર્યાયો તથા અક્રમરૂપ વર્તતા ગુણોના પરિણમનથી તે અનેકધર્મસ્વરૂપ છે. આવી ચૈતન્યવસ્તુને
‘અનેકાન્ત’ પ્રસિદ્ધ કરે છે. અનેકાન્ત તે જિનેન્દ્ર ભગવાનનું કોઈથી ન તોડી શકાય એવું અલંઘ્ય શાસન છે
બધી એકાન્ત માન્યતાઓને ક્ષણમાત્રમાં તોડી પાડે ને અનેકાન્ત સ્વરૂપે ભગવાન આત્માને પ્રસિદ્ધ કરે એવું
અર્હંતદેવનું અનેકાન્ત શાસન જયવંત વર્તે છે.
અનંત શક્તિસંપન્ન અને અસંખ્યપ્રદેશી એવા આત્માને સર્વપ્રકારે પ્રત્યક્ષ જાણીને સર્વજ્ઞ ભગવાન કહે છે કે
અરે જીવ! તારો આત્મા અસંખ્યપ્રદેશી ને અનંતશક્તિનો પિંડ છે, તે સ્વભાવ સન્મુખ જો..પોતાથી જ તારી પરિપૂર્ણતા
છે. તારા સ્વરૂપમાં જરા પણ કમીના નથી કે તારે બીજા પાસેથી લેવા જવું પડે! તારામાં શી ખોટ છે કે તું બીજામાં
ગોતવા જાય છે? આત્માની સ્વભાવશક્તિમાં જે પૂર્ણ જ્ઞાન–આનંદ–પ્રભુતાનું સામર્થ્ય હતું તે જ અમે આત્મામાંથી
પ્રગટ કર્યું છે, બહારથી નથી આવ્યું...તારા આત્મામાં પણ તેવું સામર્થ્ય છે તેને તું જાણ..ને તેનો વિશ્વાસ કરીને તેની
સન્મુખ થા; એટલે તારી આત્મશક્તિમાંથી પરિપૂર્ણ જ્ઞાન–આનંદ–પ્રભુતા ખીલી જશે.
તારો આત્મા નિજશક્તિથી સારી રીતે ભરેલો છે, વિકાર કે કર્મોથી તારો આત્મા ભરેલો નથી, તેનાથી તો જુદો
છે; ને નિજ શક્તિઓથી એવો ભરેલો છે કે તેમાંથી કદી એક પણ શક્તિ ઓછી થતી નથી. આત્મા વિકારથી ને પરથી
છૂટો રહે છે પણ પોતાના જ્ઞાનમાત્ર ભાવને તે કદી છોડતો નથી. જેમ સાકર મેલને છોડે છે પણ મીઠાશને નથી છોડતી,
જેમ અગ્નિ ધૂમાડાને છોડે છે પણ ઉષ્ણતાને નથી છોડતો, તેમ ચૈતન્યમૂર્તિ આત્મા રાગાદિ વિકારભાવોને છોડે છે પણ
પોતાના જ્ઞાનભાવને કદી છોડતો નથી, માટે જ્ઞાનભાવવડે તારા આત્માને લક્ષમાં લઈને આત્માની પ્રસિદ્ધિ કર..
આત્માનો અનુભવ કર.
જેણે જ્ઞાનલક્ષણને અંતર્મુખ કરીને લક્ષ્યરૂપ આત્માને અનુભવ્યો તે સાધક ધર્માત્મા જ્ઞાનભાવપણે જ સદાય વર્તે
છે. જ્ઞાનભાવને કદી છોડતા નથી ને વિકારમય કદી થતા નથી...અને જ્ઞાનમયભાવમાં ‘પરનું કરું’ એ બુદ્ધિને તો
અવકાશ જ કયાં છે? ‘સીતાને આમ શોધું તો મળશે..’ એવો વિકલ્પ જ્ઞાની ધર્માત્માને (રામચંદ્રજીને) આવ્યો, છતાં
તે વખતેય જ્ઞાની વિકલ્પમય થઈને નથી પરિણમ્યા, તે વખતેય જ્ઞાનમયભાવરૂપે જ પરિણમ્યા છે; વિકલ્પને તો
જ્ઞાનભાવથી બહાર જ રાખ્યો છે.
જ્ઞાની જાણે છે કે મારો આત્મા જ ક્રમપર્યાયરૂપ ને અક્રમગુણરૂપ સ્વભાવવાળો છે. અનંતગુણો એકસાથે
અક્રમપણે સહવર્તી છે...ને પર્યાયો નિયતક્રમરૂપ છે. મારા અક્રમવર્તી ગુણોમાં ને ક્રમવર્તી પર્યાયોમાં હું
જ્ઞાનમાત્રભાવપણે જ વર્તુ છું.–આવા નિર્ણયમાં જ્ઞાતાસ્વભાવનો અનંતપુરુષાર્થ છે...વિકાર તરફનો પુરુષાર્થનો વેગ તૂટી
ગયો છે...અલ્પ રાગ રહ્યો તેની નિરર્થકતા જાણી છે...જ્ઞાનમાત્રભાવપણે જ પરિણમતો પરિણમતો કંકુવરણે પગલે
કેવળજ્ઞાન લેવા માટે સાધક ચાલ્યો જાય છે.
જુઓ, આ આત્મશક્તિના સાધક સંતોની દશા!
જ્ઞાની તો પોતાની અનંતશક્તિનો બાદશાહ છે...જગતની તેને દરકાર નથી કેમકે જગત પાસેથી કાંઈ લેવું નથી..
ભગવાનના દાસ...ને જગતથી ઉદાસ...આવા સમકિતી જીવ સદાય સુખીયા છે...આત્મિક આનંદને અનુભવે છે..
ચૈતન્યના આનંદસમુદ્રમાં ડૂબકી મારીને અલ્પકાળમાં તે કેવળજ્ઞાનરત્ન પ્રાપ્ત કરે છે.

PDF/HTML Page 12 of 27
single page version

background image
ભાદરવોઃ ૨૪૮૪ઃ ૯ઃ
અહો..ચૈતન્ય દરીયો! શાંત–આનંદ રસથી ભરેલો સાગર...તેને અજ્ઞાનીઓ દેખતા નથી, ને એકલા
વિકારને જ દેખે છે. જેમ કોઈ માણસ દરિયાનો અજાણ, અગાધ જળથી ભરેલા દરિયાને તો નથી દેખતો, ને
એકલા મોજાંને જ દેખે છે, મોજાં ઊછળે છે એમ તેને લાગે છે; પણ ખરેખર મોજાં નથી ઊછળતાં, અંદર આખો
દરિયો અગાધ જળથી ભરેલો છે તે દરિયાની તાકાત ઊછળે છે. તેમ અગાધ–ગંભીર સ્વભાવોથી ભરેલા આ
ચૈતન્યદરિયાને જે નથી જાણતો તેને એકલી વિકારી પર્યાય જ ભાસે છે; અનંત શક્તિથી ભરેલો ચૈતન્ય દરિયો
અજ્ઞાનીને નથી દેખાતો એટલે તેની પર્યાયમાં તે શક્તિઓ ઉલ્લસતી નથી, વિકાર જ ઉલ્લસે છે. જ્ઞાની તો
અનંતશક્તિથી ભરેલા અખંડ ચૈતન્યસમુદ્રમાં ડૂબકી મારીને, તેને વિશ્વાસમાં લઈને, તેના આધારે પોતાની
પર્યાયમાં નિજશક્તિઓને ઊછાળે છે, એટલે કે નિર્મળપણે પરિણમાવે છે. આ રીતે જ્ઞાની અનંતશક્તિથી
ઉલ્લસતા પોતાના અનેકાન્તમય ચૈતન્યતત્ત્વને અનુભવે છે, અને આવા અનેકાન્તમૂર્તિ ભગવાન ચૈતન્યનો
અનુભવ કરવો તે જ આ શક્તિઓના વર્ણનનું તાત્પર્ય છે.
સિદ્ધ અને અરહંત ભગવાનમાં જેવી સર્વજ્ઞતા, જેવી પ્રભુતા, જેવો અતીન્દ્રિય આનંદ અને જેવું આત્મવીર્ય છે
તેવી જ સર્વજ્ઞતા, પ્રભુતા, આનંદ અને વીર્યની તાકાત આ આત્મામાં પણ ભરી જ છે.
ભાઈ! એક વાર હરખ તો લાવ...કે અહો! મારો આત્મા આવો! જ્ઞાન–આનંદની પરિપૂર્ણ તાકાત મારા
આત્મામાં ભરી જ છે, મારા આત્માની તાકાત હણાઈ ગઈ નથી. ‘અરેરે! હું દબાઈ ગયો, વિકારી થઈ ગયો...હવે કેમ
મારું માથું ઊંચું થશે!’–એમ ડર નહિ. મુંઝા નહિ...હતાશ ન થા...એક વાર સ્વભાવનો હરખ લાવ...સ્વભાવનો ઉત્સાહ
કર...તેનો મહિમા લાવીને તારી તાકાતને ઊછાળ!
અહો! આનંદનો દરિયો પોતાના અંતરમાં ઊછળે છે તેને તો જીવો જોતા નથી ને તરણાં જેવા તુચ્છ
વિકારને જ દેખે છે. અરે જીવો! આમ અંતરમાં નજર કરીને આનંદના દરિયાને દેખો...ચૈતન્યસમુદ્રમાં ડુબકી
મારો!!
આનંદનો સાગર અંતરમાં છે તેને ભૂલીને અજ્ઞાની તો બહારમાં ક્ષણિક પુણ્યના ઠાઠ દેખે તેમાં જ સુખ
માનીને મુર્છાઈ જાય છે, ને જરાક પ્રતિકૂળતા દેખે ત્યાં દુઃખમાં મુર્છાઈ જાય છે; પણ પરમ મહિમાવંત પોતાના
આનંદસ્વભાવને દેખતો નથી. જ્ઞાની તો જાણે છે કે હું પોતે જ આનંદસ્વભાવથી ભરેલો છું, ક્યાંય બહારમાં
મારો આનંદ નથી, કે મારા આનંદને માટે કોઈ બાહ્ય પદાર્થની મારે જરૂર નથી. આવું ભાન હોવાથી જ્ઞાની
બહારમાં પુણ્ય–પાપના ઠાઠમાં મૂર્છાતા નથી કે મૂંઝાતા નથી. પુણ્યના ઠાઠ આવીને પડે ત્યાં જ્ઞાન કહે છે કે અરે
પુણ્ય! રહેવા દે...હવે તારા દેખાવ અમારે નથી જોવા, અમારે તો સાદિ અનંત અમારા આનંદને જ જોવો છે;
અમારા આત્માના અતીન્દ્રિય આનંદ સિવાય આ જગતમાં બીજું કાંઈ અમને પ્રિય નથી. અમારો આનંદ અમારા
આત્મામાં જ છે. આ પુણ્યના ઠાઠમાં ક્યાંય અમારો આનંદ નથી. પુણ્યનો ઠાઠ અમને આનંદ આપવા સમર્થ
નથી, તેમજ પ્રતિકૂળતાના ગંજ અમારા આનંદને લૂંટવા સમર્થ નથી.–આવી અંર્તદશા હોય છે. તેને સ્વસંવેદન–
પ્રત્યક્ષથી પોતાના આનંદનું વેદન થયું છે. આત્માનો એવો અચિંત્ય સ્વભાવ છે કે સ્વસંવેદન પ્રત્યક્ષથી જ તે
જણાય; ‘સ્વયં પ્રત્યક્ષ થાય એવો આત્માનો સ્વભાવ છે. સ્વયં પ્રત્યક્ષ સ્વભાવની પૂર્ણતામાં પરોક્ષપણું કે ક્રમ રહે
એવો સ્વભાવ નથી. તેમજ સ્વયં પ્રત્યક્ષ આત્મામાં વચ્ચે વિકલ્પ–રાગ–વિકાર કે નિમિત્તની ઉપાધિ ગરી જાય–
એમ પણ નથી, એટલે કે વ્યવહારના અવલંબને આત્માનું સંવેદન થાય–એમ બનતું નથી. પરની અને રાગની
આડ વચ્ચેથી કાઢી નાંખીને, પોતાના એકાકાર સ્વભાવને જ સીધેસીધો સ્પર્શીને આત્માનું સ્વસંવેદન થાય છે,
આ સિવાય બીજા કોઈ ઉપાયથી આનંદસ્વરૂપ ભગવાન આત્માનું વેદન થતું નથી.
અહો! આવો સ્વસંવેદનસ્વભાવી ચૈતન્ય ભગવાન આત્મા પોતે બિરાજી રહ્યો છે, પણ પોતાની સામે ન જોતાં
વિકારની સામે જ જુએ છે તેથી વિકારનું જ વેદન થાય છે. જો અંતરમાં નજર કરીને પોતાના ચિદાનંદસ્વરૂપને નીહાળે
તો આનંદનું વેદન થાય ને વિકારનું વેદન ટળે.
આત્માનો આવો પ્રગટ મહિમા સંતો બતાવે છે. આ અચિંત્ય મહિમાને લક્ષમાં લઈને એક વાર પણ જો
અંતરથી ઊછળીને તેનું બહુમાન કરે તો સંસારથી બેડો

PDF/HTML Page 13 of 27
single page version

background image
ઃ ૧૦ઃ આત્મધર્મઃ ૧૭૯
પાર થઈ જાય. ચૈતન્યસ્વભાવનું બહુમાન કરતાં અલ્પ કાળમાં જ તેનું સ્વસંવેદન થઈને મુક્તિ થયા વિના રહે
નહિ. વસ્તુમાં પરિપૂર્ણ જ્ઞાન–આનંદની શક્તિ પડી જ છે, તેને ઓળખીને, તેની સન્મુખ થઈને, પર્યાયમાં તે
પ્રગટ કરવાની છે. અરે જીવ! એક વાર બીજું બધું ભૂલી જા, ને તારી નિજશક્તિને સંભાળ! પર્યાયમાં સંસાર છે
એ ભૂલી જા. ને નિજશક્તિની સન્મુખ જો, તો તેમાં સંસાર છે જ નહિ. ચૈતન્ય શક્તિમાં સંસાર હતો જ નહિ, છે
જ નહિ, ને થશે પણ નહિ.–લ્યો આ મોક્ષ! આહા સ્વભાવની દ્રષ્ટિથી આત્મા મુક્ત જ છે. માટે એકવાર બીજું
બધુંય લક્ષમાંથી છોડી દે, ને આવા ચિદાનંદસ્વભાવમાં લક્ષને એકાગ્ર કર તો તને મોક્ષની શંકા રહેશે નહિ,
અલ્પકાળમાં અવશ્ય મુક્તિ થઈ જશે.
આત્મામાં એટલી બધી અનંત શક્તિઓ છે કે રાગથી ગણતાં (ચિંતવતાં) તેનો પાર ન પમાય...પણ જ્ઞાનને
અંતરમાં વાળતાં અનંત શક્તિ સહિત આત્મા અનુભવમાં આવી જાય...તે શક્તિઓ નિર્મળપણે પરિણમી જાય. એ રીતે
નિર્મળપણે પરિણમતાં કેવળજ્ઞાન થાય ત્યારે અનંત શક્તિઓને તેમજ અસંખ્ય પ્રદેશોને સર્વ પ્રકારે પ્રત્યક્ષ જાણે, માટે હે
ભાઈ! તારે તારા આત્માનો પત્તો મેળવવો હોય...તારી અનંત શક્તિની રિદ્ધિને સાક્ષાત્ દેખવી હોય તો તારા જ્ઞાનને
રાગથી છૂટું કરીને અંર્ત સ્વભાવ તરફ વાળ.
‘સર્વાર્થસિદ્ધિ’ તે ઉત્કૃષ્ટ દેવલોક છે, ત્યાં અસંખ્ય દેવો છે, તે બધા સમ્યગ્દ્રષ્ટિ છે, ને તેમનું આયુષ્ય ૩૩
સાગરોપમનું (અસંખ્ય અબજો વર્ષનું) છે. તે બધાય દેવો ભેગા થઈને અસંખ્ય વર્ષો સુધી અતૂટપણે ગણ્યા કરે તોય
આત્માની શક્તિનો પાર ન આવે એવી અનંત શક્તિનો ધણી આ દરેક આત્મા છે. તે સમ્યગ્દ્રષ્ટિ દેવોએ અનંત
શક્તિસંપન્ન આત્માનો સ્વાદ સ્વસંવેદનથી ચાખી લીધો છે. જ્ઞાનને અંતરમાં લીન કરતાં ક્ષણમાત્રમાં આત્માની સર્વ
શક્તિનો પાર પામી જવાય છે. શક્તિઓને ક્રમે ક્રમે જાણવા જાય તો કદી પૂરું પડે તેમ નથી, પણ અક્રમ–અભેદ
સ્વભાવમાં લીન થઈને જાણતાં બધી શક્તિઓ એક સાથે અક્રમે જણાઈ જાય છે. આત્મા એક સાથે અનંતશક્તિઓથી
પ્રતિષ્ઠિત છે, તેમાં રાગ પ્રતિષ્ઠા પામતો નથી.
પ્રશ્નઃ– અમારે અનંત શક્તિને જાણવી કે એક આત્માને જાણવો?
ઉત્તરઃ– અનંતશક્તિથી અભેદરૂપ એવા એક આત્માને જાણવો. અનંતશક્તિથી કંઈ આત્મા જુદો નથી, એટલે
શક્તિને બરાબર જાણવા જતાં પણ શક્તિમાન એવો આત્મા જ લક્ષમાં આવે છે; અને એક આત્માને લક્ષમાં લેતાં પણ
તે પોતાની અનંતશક્તિ સહિત જ અનુભવમાં આવે છે. જો આત્માને જુદો રાખીને તેની શક્તિઓને જાણવા જાય, કે
શક્તિઓને લક્ષમાં લીધા વગર આત્માને જાણવા જાય, તો તે જાણી શકાય નહિ, કેમકે તેણે ગુણગુણીને જુદા જ માન્યા,
એટલે અનેકાન્ત–સ્વરૂપને ન જાણ્યું, ને અનેકાન્ત વગર ભગવાન આત્માની પ્રસિદ્ધિ થાય નહિ. અનેકાન્ત જ ભગવાન
આત્માને યથાર્થ–સ્વરૂપે પ્રસિદ્ધ કરે છે...તે ‘અનેકાન્ત’ સર્વજ્ઞ ભગવાનનું અલંઘ્ય–કોઈથી તોડી ન શકાય એવું શાસન
છે. એકાન્ત માન્યતાઓને તોડી પાડતું ને અનેકાન્ત–સ્વરૂપે ભગવાન આત્માને પ્રસિદ્ધ કરતું તે અનેકાન્ત શાસન
જયવંત વર્તે છે.
આ અનેકાન્તસ્વરૂપ આત્મવસ્તુને જેઓ જાણે છે, શ્રદ્ધે છે અને અનુભવે છે તેઓ જ્ઞાનસ્વરૂપ થાય છે–એમ
કહીને (૨૬પ મા કળશમાં) આચાર્યદેવ અનેકાન્તનું ફળ બતાવે છે. ને એ રીતે ફળ બતાવીને આ અનેકાન્ત અધિકાર
પૂરો કરે છે.
જે રીતે અનેકાન્તમય વસ્તુસ્વરૂપ કહ્યું તે પ્રમાણે વસ્તુતત્ત્વની વ્યવસ્થાને અનેકાંત–સંગતદ્રષ્ટિવડે જ્ઞાની
સત્પુરુષો સ્વયમેવ દેખે છે...અને એ રીતે સ્યાદ્વાદની અત્યંત શુદ્ધિને જાણીને, જિનનીતિને નહિ ઉલ્લંઘતા થકા તે સંતો
જ્ઞાનસ્વરૂપ થાય છે.
જુઓ, આ જ્ઞાનસ્વરૂપ થવું તે અનેકાન્તનું ફળ છે, ને તે જ જિનનીતિ છે–તે જ જિનેશ્વર દેવનો માર્ગ છે.
આથી વિરૂદ્ધ વસ્તુસ્વરૂપ માનવું તે જિનનીતિ નથી પણ અનીતિ છે; જિનનીતિને જે ઉલ્લંઘે છે તે મિથ્યાદ્રષ્ટિ થાય છે ને
ઘોર સંસારમાં રખડે છે. અનેકાન્ત–સ્વરૂપ પાવન જિનનીતિને સંતો કદી ઉલ્લંઘતા નથી, એટલે તેઓ પરમ અમૃતમય
મોક્ષપદને પામે છે.
આ અનેકાન્તનું ફળ છે.
આ રીતે જ્ઞાનલક્ષણથી પ્રસિદ્ધ થતા અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માનું વર્ણન પૂરું થયું.
અનેકાન્તસ્વરૂપ ભગવાન આત્માની પ્રસિદ્ધિ કરનારા
સાધક સંતોને નમસ્કાર હો.

PDF/HTML Page 14 of 27
single page version

background image
ભાદરવોઃ ૨૪૮૪ઃ ૧૧ઃ
* આ લેખમાળા સંબંધી
અંતિમ નિવેદન *
“અનેકાન્ત” દ્વારા અનંતધર્મસ્વરૂપ ભગવાન આત્માને પ્રસિદ્ધ કરતી આ
મહાન લેખમાળા સમાપ્ત થાય છે તે પ્રસંગે આચાર્યભગવંતોને અને ગુરુદેવને
ભક્તિપૂર્વક નમસ્કાર કરીએ છીએ–કે જેઓએ આત્મપ્રસિદ્ધિનું રહસ્ય પ્રસિદ્ધ કર્યું.
સમયસારના આ પરિશિષ્ટ ઉપર પૂ. ગુરુદેવના અનેક વખત પ્રવચનો થયાં છે.
તેમાં આઠમી વખતનાં પ્રવચનો ખૂબ વિસ્તૃત અને ચૈતન્યમસ્તીથી ભરપૂર હતાં. તે
પ્રવચનોનું લખાણ મુખ્ય રાખીને તેની સાથે છઠ્ઠી, સાતમી તથા નવમી–દસમી વારનાં
પ્રવચનોનો મુખ્યસાર પણ ઉમેરી દેવામાં આવ્યો છે,–એ રીતે આ વિષય ઉપરના
ગુરુદેવના પાંચ વખતના પ્રવચનો ઉપરથી આ લેખમાળા તૈયાર થઈ છે.
આત્મસ્વરૂપને પ્રસિદ્ધ કરનારી આ લેખમાળા અદ્ભુત છે, જૈનશાસનના
અનેક રહસ્યોને–ખાસ કરીને આત્મઅનુભવના ઉપાયને–ગુરુદેવે આ પ્રવચનોમાં ફરી–
ફરીને એવી રીતે ઘૂંટયા છે કે શાંતચિત્તે તેની સ્વાધ્યાય કરતાં ચૈતન્યપરિણતિ જાણે કે
આત્મસ્વભાવની આસપાસ ઘૂમતી હોય...એવું લાગે છે. શુદ્ધચૈતન્યનો મહિમા તો
આખી લેખમાળામાં સળંગપણે ભરપૂર છે...ચૈતન્ય મહિમારૂપી દોરીના આધારે જ આ
લેખામાળા ગૂંથાયેલી છે...એટલે તેની સળંગ સ્વાધ્યાય કરતાં કરતાં મુમુક્ષુ–આત્માર્થી
જીવોને એવો ચૈતન્યમહિમા જાગે છે કે જાણે હમણાં જ તેમાં ઊતરીને તેનો સાક્ષાત્
અનુભવ કરી લઈએ...અનેક જિજ્ઞાસુઓ આત્મસન્મુખતાપ્રેરક આ લેખમાળાની ફરી
ફરીને સ્વાધ્યાય કરે છે. ખરેખર, આ લેખમાળા દ્વારા ગુરુદેવે આત્માર્થી જીવો ઉપર
મોટો ઉપકાર કર્યો છે.
–આવી મહત્ત્વની અને વિસ્તૃત લેખમાળા પૂ. ગુરુદેવના નિકટ સાન્નિધ્યના
પ્રતાપે જ પૂરી થઈ છે...આ લેખમાળાના લેખનમાં ઉપયોગ વખતે, તેમાં દર્શાવેલા
ચૈતન્યમહિમાનું ફરી ફરીને ઘૂંટણ થતાં મારી આત્મરુચિને ઘણું પોષણ મળ્‌યું છે; અને
એ રુચિ આગળ વધીને ભગવાન આત્માની પ્રસિદ્ધિના મારા પુરુષાર્થને શીઘ્ર સફળ
બનાવો– એવી ગુરુદેવના ચરણોમાં નમ્રભાવે પ્રાર્થના છે.
–બ્ર. હરિલાલ જૈન
* * *
આ લેખમાળાનું લખાણ એક હજાર પાનાં ઉપરાંત છે. કોઈ જિજ્ઞાસુને તેની
સળંગ સ્વાધ્યાય કરવી હોય તો ઉપયોગી થાય તે માટે તેના લેખો ‘આત્મધર્મ’ માં
ક્યાં ક્યાં છપાયેલા છે તેની યાદી અહીં આપવામાં આવી છે.
લેખઅંક
નંબર
લેખઅંક
નંબર
જ્ઞાન લક્ષણથી પ્રસિદ્ધ થતો અનંતધર્મસ્વરૂપ૯૭(૩) દ્દશિશક્તિ૯૯
અનેકાન્તમૂર્તિ આત્મા(૪) જ્ઞાનશક્તિ૧૦૦
આત્માના જ્ઞાનમાત્રભાવમાં ઉછળતી અનંત શક્તિઓ૯૮(પ) સુખશક્તિ૧૦૨
અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની કેટલીક શક્તિઓ(૬) વીર્યશક્તિ૧૦૨
(૧)જીવત્વ શક્તિ૯૮(૭) પ્રભુત્વશક્તિ૧૦૩
(૨)ચિતિશક્તિ૯૯(૮) વિભુત્વશક્તિ૧૦૪
(૯) સર્વદર્શિત્વશક્તિ૧૦૬

PDF/HTML Page 15 of 27
single page version

background image
ઃ ૧૨ઃ આત્મધર્મઃ ૧૭૯
લેખઅંક
નંબર
લેખઅંક
નંબર
(૧૦) સર્વજ્ઞત્વશક્તિ૧૦૭(૨૬)સાધારણ–અસાધારણ–સાધારણા–
(૧૧) સ્વચ્છત્વશક્તિ૧૦૮સાધારણધર્મત્વશક્તિ૧૬૩
(૧૨) પ્રકાશશક્તિ ૧૦૯(૨૭)અનંતધર્મત્વશક્તિ૧૬પ
પ્રકાશશક્તિ (ચાલુ)૧૧૦(૨૮)વિરૂદ્ધધર્મત્વશક્તિ૧૬પ
(૧૩) અસંકુચિત વિકાસત્ત્વશક્તિ૧૧૧(૨૯–૩૦) તત્ત્વશક્તિ અને અતત્ત્વશક્તિ૧૬૬
અસંકુચિત વિકાસત્ત્વશક્તિ (ચાલુ) ૧૧૨(૩૧–૩૨) એકત્વશક્તિ; અનેકત્વશક્તિ૧૬૭
(૧૪) અકાર્યકારણત્વશક્તિ૧૧૩(૩૩–૩૪) ભાવશક્તિ; અભાવશક્તિ૧૬૮
(૧પ) પરિણમ્ય પરિણામકત્વશક્તિ૧૧૪(૩પ–૩૬) ભાવઅભાવશક્તિ;અભાવભાવશક્તિ ૧૬૯
(૧૬) ત્યાગોપાદાનશૂન્યત્વશક્તિ૧૧૪(૩૭–૩૮) ભાવભાવશક્તિ;અભાવઅભાવશક્તિ ૧૭૦
(૧૭) અગુરુલઘુત્વશક્તિ૧૧૯(૩૯)ભાવશક્તિ૧૭૧
(૧૮) ઉત્પાદ–વ્યય–ધ્રુવત્વશક્તિ૧૩૯(૪૦)ક્રિયાશક્તિ૧૭૨
ઉત્પાદ–વ્યય–ધ્રુવત્વશક્તિ (ચાલુ)૧૪૧(૪૧)કર્મશક્તિ૧૭૩
ઉત્પાદ–વ્યય–ધ્રુવત્વશક્તિ (ચાલુ)૧૪૨(૪૨)કર્તૃત્વશક્તિ૧૭૪
(૧૯) પરિણામશક્તિ૧પ૧(૪૩)કરણશક્તિ૧૭પ
પરિણામશક્તિ (ચાલુ )૧પ૨(૪૪)સંપ્રદાનશક્તિ૧૭૬
(૨૦) અમૂર્તત્વશક્તિ૧પ૪(૪પ)અપાદાનશક્તિ૧૭૭
(૨૧) અકર્તૃત્વશક્તિ૧પપ(૪૬)અધિકરણશક્તિ‘અધિક
અંક’
(૨૨) અભોકતૃત્વશક્તિ૧પ૬(૪૭)સંબંધશક્તિ૧૭૮
(૨૩) નિષ્ક્રિયત્વશક્તિ૧પ૮જ્ઞાનલક્ષણથી પ્રસિદ્ધ થયેલો–
(૨૪) નિયતપ્રદેશત્વશક્તિ૧પ૯–અનેકાન્તમૂર્તિ ભગવાન આત્મા૧૭૯
(૨પ) સ્વધર્મવ્યાપકત્વશક્તિ૧૬૨
સમાપ્ત

PDF/HTML Page 16 of 27
single page version

background image
ભાદરવોઃ ૨૪૮૪ઃ ૧૩ઃ
સમ્યક્ત્વના
ઉપાયસૂચક પ્રશ્નોત્તર
(શ્રી પ્રવચનસાર ગા. ૮૦ના પ્રવચનોમાંથી)
(વીર સં. ૨૪૮૪ શ્રાવણ)
પ્રશ્નઃ– જીવે અનાદિકાળથી શું પ્રાપ્ત નથી કર્યું?
ઉત્તરઃ– જીવે અનાદિકાળથી સમ્યગ્દર્શન પ્રાપ્ત નથી કર્યું.
પ્રશ્નઃ– તે સમ્યગ્દર્શન કેમ થાય?
ઉત્તરઃ– અરિહંત ભગવાન જેવા પોતાના શુદ્ધઆત્માને જાણવાથી સમ્યગ્દર્શન થાય છે.
પ્રશ્નઃ– ‘આત્માને જાણે તો જ અરિહંતને યથાર્થપણે જાણે’–એમ ન કહેતાં, ‘અરિહંતને જે જાણે તે પોતાના
આત્માને જાણે’ એમ કેમ કહ્યું.
ઉત્તરઃ– વાસ્તવિક નિશ્ચયથી તો એમ જ છે કે જે પોતાના આત્માને જાણે છે તે જ અરિહંત–સિદ્ધ વગેરેને
યથાર્થપણે જાણે છે; પરંતુ અહીં આત્માને જાણવાના પ્રયત્નમાં જે જીવ વર્તી રહ્યો છે એવા જીવને પ્રાથમિક ભૂમિકામાં
વિકલ્પ વખતે કેવું ધ્યેય હોય છે તે બતાવ્યું છે; અને એ રીતે પહેલાં ધ્યેયનો નિર્ણય કરીને પછી અંતર્મુખ થઈને પોતાના
આત્માને તેવો જ જાણે છે, એનું નામ સમ્યગ્દર્શન છે. આ રીતે સમ્યગ્દર્શનના પ્રાથમિક અભ્યાસવાળા જીવની વાત
હોવાથી, અને તે જીવ અરિહંતના દ્રવ્ય–ગુણ–પર્યાયને લક્ષમાં લઈને તેના દ્વારા પોતાના આત્માનો નિશ્ચય કરે છે તેથી,
એમ કહ્યું કે ‘જે જીવ અરહંતને જાણે છે તે પોતાના આત્માને જાણે છે.’
પ્રશ્નઃ– અરિહંતને જાણ્યા વગર આત્મા જાણી શકાય કે નહીં?
ઉત્તરઃ– ના; ભગવાન અરિહંતદેવ સર્વજ્ઞ છે, તે સર્વજ્ઞના નિર્ણય વગર જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય થઈ
શકતો નથી.
પ્રશ્નઃ– અરિહંતદેવ તો પર છે, તેનું આપણે શું કામ છે?
ઉત્તરઃ– અરિહંતદેવ પર છે, એ વાત સાચી, પણ આત્માની પૂર્ણદશા તેમને પ્રગટી ગઈ છે એટલે તેમનું જ્ઞાન
થતાં આ આત્માના પૂર્ણસ્વભાવનું પણ જ્ઞાન થાય છે, કેમકે નિશ્ચયથી જેવો અરિહંતનો આત્મા છે તેવો જ આ આત્મા
છે, તેમાં કાંઈ ફેર નથી. અરિહંતનો નિર્ણય કાંઈ અરિહંતને માટે નથી કરવો, પણ પોતાના ધ્યેયનો નિર્ણય કરવા જતાં
તેમાં અરિહંતના સ્વરૂપનો નિર્ણય આવી જાય છે. જેને અરિહંતના સ્વરૂપનો નિર્ણય નથી તેને ખરેખર પોતાના ધ્યેયનો
જ નિર્ણય નથી, પોતાના આત્માનો જ નિર્ણય નથી; એટલે તો તે મિથ્યાદ્રષ્ટિ જ છે.
પ્રશ્નઃ– અરિહંતને જાણતાં આત્માનું જ્ઞાન કઈ રીતે થાય છે?
ઉત્તરઃ– સમ્યક્ત્વસન્મુખી જીવને પહેલાં એવી વિચારણા જાગે છે કે આત્માની પૂર્ણ–જ્ઞાન–આનંદ દશાને પામેલો
જીવ કેવો હોય? એટલે વિચારદશાથી તે અરહંતદેવનું સ્વરૂપ ઓળખે છે; તે સ્વરૂપ ઓળખતાં જ તેને કુદેવાદિનું સેવન
તો છૂટી ગયું છે, જ્ઞાનઆનંદસ્વરૂપથી વિપરીત એવા રાગાદિ ભાવોમાં આદરબુદ્ધિ છૂટીને, સ્વરૂપમાં આદરબુદ્ધિ થઈ છે,
અને એ રીતે જ્ઞાનાનંદસ્વરૂપની આદરબુદ્ધિના જોરે વિકલ્પ–ભૂમિકાથી જુદો પડીને, અતીન્દ્રિય સ્વભાવની સન્મુખતાથી
પોતાના આત્માને જાણે છે. આ રીતે અંતર્મુખ થઈને જેણે આત્માને જાણ્યો તેણે જ સર્વજ્ઞની ખરી સ્તુતિ કરી, એટલે
તેણે જ કેવળી ભગવાનને ખરેખર ઓળખ્યા. (જુઓ, સમયસાર ગા. ૩૧) અરિહંતના સ્વરૂપની વિચારધારાવડે નિજ
સ્વરૂપનો નિર્ણય કરીને જે અંતર્મુખસ્વરૂપમાં ઝૂકી ગયો તેને આત્માનું જ્ઞાન થયું.–આ રીતે અરિહંતને જાણતાં આત્માનું
જ્ઞાન થાય છે.
પ્રશ્નઃ– સમ્યગ્દ્રષ્ટિ દેડકાંને અરિહંતનો નિર્ણય કઈ રીતે હોય છે?

PDF/HTML Page 17 of 27
single page version

background image
ઃ ૧૪ઃ આત્મધર્મઃ ૧૭૯
ઉત્તરઃ– સમ્યગ્દ્રષ્ટિ દેડકાંને પણ અરિહંતના સ્વરૂપનો નિર્ણય જરૂર થઈ ગયો છે; ‘અરિહંત’ એવા ચાર
અક્ષરનું જ્ઞાન કે ભાષા તેને ભલે ન હો, પણ પોતાના અંર્તવેદનમાં અરિહંતના સ્વરૂપનો નિર્ણય પણ તેને
આવી જ ગયો છે. હું જ્ઞાન છું, રાગ કે દેહ હું નથી; અંતરમાં આનંદનું વેદન થાય છે તે ઉપાદેય છે, રાગનું
વેદન તે હેય છે–આમ જ્યાં પોતાના વેદનથી નક્કી કર્યું ત્યાં તે દેડકાને એમ પણ નક્કી થઈ ગયું કે આવા જ્ઞાન
ને આનંદની પૂર્ણદશા ખીલી જાય તે જ મારે ઉપાદેય છે; અરિહંતના સ્વરૂપથી વિપરીત એવા રાગાદિ મારે
ઉપાદેય નથી. આ રીતે અરિહંતનું સ્વરૂપ જેવું છે તેવું તેના અભિપ્રાયમાં આવી ગયું છે, ને તેનાથી વિપરીત
અભિપ્રાયનો તેને અભાવ છે.
પ્રશ્નઃ– અરિહંતના નિર્ણયમાં ‘તત્ત્વાર્થશ્રદ્ધાન’ કઈ રીતે આવી જાય છે?
ઉત્તરઃ– અરિહંત ભગવાનને પૂર્ણ જ્ઞાન–આનંદ પ્રગટી ગયા છે, રાગાદિ સર્વથા છૂટી ગયા છે; પહેલાં
તેમને પણ રાગાદિ હતા, પણ પછી ભેદજ્ઞાનવડે શુદ્ધ આત્માને જ ઉપાદેય જાણીને, અને રાગાદિને હેય સમજીને,
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર વડે તેમણે અરહંતપદને સાધ્યું;– જેણે અરિહંતના આવા સ્વરૂપનો નિર્ણય કર્યો તેની
શ્રદ્ધામાં એમ પણ આવી ગયું કે મારો જીવસ્વભાવ અરહંત ભગવાન જેવો છે, તેમને જે પૂર્ણજ્ઞાનાનંદદશા પ્રગટી
તે જ મારે ઉપાદેય છે એટલે કે મોક્ષતત્ત્વ જ ઉપાદેય છે; તેમને જે રાગાદિ છૂટી ગયા તે મારે પણ છોડવા જેવા છે
એટલે આસ્રવ–બંધતત્ત્વો હેય છે; મોક્ષદશા પ્રગટ કરવાનો ને આસ્રવ–બંધના નાશનો ઉપાય સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્ર છે. તે મારે કરવા જેવા છે એટલે કે સંવર–નિર્જરા કરવા જેવા છે;– આ પ્રમાણે અરિહંતના નિર્ણયમાં
તત્ત્વાર્થશ્રદ્ધાન પણ સમાયેલું જ છે.
પ્રશ્નઃ– પહેલાં આત્માને જાણવો, કે પહેલાં અરિહંતને જાણવા?
ઉત્તરઃ– બેમાંથી એકનું યથાર્થ જ્ઞાન કરવા જતાં બીજાનું જ્ઞાન પણ થઈ જ જાય છે, કેમકે પરમાર્થે આત્મા અને
અરિહંતના સ્વરૂપમાં કાંઈ ફેર નથી. આત્માનું સ્વરૂપ ન જાણનાર અરિહંતના સ્વરૂપને પણ નથી જાણતો, અને
અરિહંતના વાસ્તવિક સ્વરૂપને (દ્રવ્ય–ગુણ–પર્યાયથી) જાણનાર પોતાના આત્માને પણ જરૂર જાણે જ છે. આ રીતે
અરિહંતના સ્વરૂપનું જ્ઞાન અને પોતાના આત્માનું જ્ઞાન–એ બંનેની સંધિ સમજવી.
પ્રશ્નઃ– આત્માની પ્રાપ્તિનો ઉપાય શું છે?
ઉત્તરઃ– આત્મઅનુભૂતિરૂપ સમ્યગ્દર્શનવડે, અનંતકાળમાં પૂર્વે નહિ થયેલી એવી આત્મપ્રાપ્તિ થાય છે.
પ્રશ્નઃ– તે શુદ્ધાત્મ અનુભૂતિ માટે શું કરવું જોઈએ?
ઉત્તરઃ– પહેલાં તો અરિહંતદેવના આત્માને દ્રવ્યથી, ગુણથી ને પર્યાયથી ઓળખીને, તેવા જ સ્વભાવવાળા
પોતાના આત્માને જાણવો, અને એ રીતે આત્માને જાણીને દ્રવ્ય–ગુણ–પર્યાયના ભેદના વિચાર છોડીને, પર્યાયને
અંતર્મુખ કરતાં, વિકલ્પાતીત એવી શુદ્ધ આત્માની અનુભૂતિ થાય છે, આ જ સમ્યગ્દર્શનની રીત છે.
પ્રશ્નઃ– કયો જીવ સમ્યગ્દર્શનના આંગણે આવ્યો કહેવાય?
ઉત્તરઃ– અરિહંત જેવા પોતાના આત્માને જાણીને તેના મનનની ધારામાં અપ્રતિહતપણે જે વર્તે છે તે જીવ
સમ્યગ્દર્શનના આંગણે આવ્યો કહેવાય.
પ્રશ્નઃ– આંગણે આવ્યા પછી અંદર પ્રવેશ કઈ રીતે કરવો?
ઉત્તરઃ– અરહંત ભગવાન જેવા પોતાના જે સ્વરૂપનો નિર્ણય વિચારધારાથી કર્યો છે, તે સ્વરૂપમાં અંતર્મુખ
થવાના વારંવાર અતિદ્રઢ અભ્યાસવડે, પર્યાયને તેમાં લીન (અભેદ–એકાકાર) કરીને અનુભવ કરવો તે જ સ્વભાવમાં
પ્રવેશવાની રીત છે, તે અનુભવની નિર્વિકલ્પ દશામાં દ્રવ્ય–ગુણ–પર્યાયના ભેદનો વિચાર પણ નથી હોતો, ત્યાં દ્રવ્ય–
ગુણ–પર્યાયની અભેદતાના સહજ આનંદનું વેદન હોય છે.
પ્રશ્નઃ– સમ્યગ્દર્શનના આ જ ઉપાયને ‘સમયસાર’ ની ભાષામાં કહેવો હોય તો?
ઉત્તરઃ– સમયસારના પહેલા જ કળશમાં–‘
स्वानुभूत्या चकासते’ એમ કહીને શુદ્ધાત્માની પ્રાપ્તિનો ઉપાય
બતાવ્યો છે. આત્મા પોતાની સ્વાનુભૂતિથી જ પ્રકાશમાન છે, રાગવડે તેનો અનુભવ નથી થતો,

PDF/HTML Page 18 of 27
single page version

background image
ભાદરવોઃ ૨૪૮૪ઃ ૧પઃ
પણ અંતર્મુખ થઈને સ્વાનુભવ વડે જ તે અનુભવમાં આવે છે.
અથવા–‘भूयत्थमस्सिदो खलु सम्मद्दिट्ठी हवई जीवो’–આમાં સમ્યગ્દર્શનની રીત બતાવતાં કુંદકુંદસ્વામી
સ્પષ્ટ કહે છે કે ભૂતાર્થસ્વભાવનો આશ્રય કરનાર જીવ સમ્યગ્દ્રષ્ટિ છે. ‘ભૂતાર્થસ્વભાવનો આશ્રય’ કહો,
‘સ્વાનુભૂતિ’ કહો, કે ‘અરિહંત જેવા પોતાના આત્માનું જ્ઞાન’ કહો,–એ ત્રણેનો એક જ ભાવ છે, ને તે જ
સમ્યગ્દર્શનનો ઉપાય છે.
પ્રશ્નઃ– આગમનું વિધાન શું છે? સંતોનું ફરમાન શું છે?
ઉત્તરઃ– અંતર્મુખ થઈને શુદ્ધ આત્માની અનુભૂતિ કરવી તે જ આગમનું વિધાન છે, તે જ સંતોનું ફરમાન છે.
કેમકે આ જ્ઞાનસ્વરૂપ આત્મા પોતે અંતર્મુખ થઈને જ્ઞાનસ્વરૂપે પરિણમે તે જ મોક્ષનો હેતુ છે, એ સિવાય અન્ય જે કાંઈ
(પાપ કે પુણ્ય) છે તે બંધનો હેતુ છે, માટે જ્ઞાનસ્વરૂપ થવાનું એટલે કે શુદ્ધઆત્માની અનુભૂતિ કરવાનું જ આગમમાં
વિધાન છે, તે જ આગમનું ને સંતોનું ફરમાન છે. જે જીવ રાગને કર્તવ્ય માને છે કે મોક્ષનું સાધન માને છે તેને તો હજી
આગમના વિધાનની કે સંતોના ફરમાનની જ ખબર નથી.
પ્રશ્નઃ– મોક્ષ તત્ત્વની પ્રતીત કરનાર સમ્યગ્દ્રષ્ટિ છે–એ કઈ રીતે?
ઉત્તરઃ– આસ્રવ–બંધરૂપ વિકારથી રહિત એવું પરિપૂર્ણ મોક્ષતત્ત્વ જેણે પ્રતીતમાં લીધું તેને વિકારરહિત એવો
શુદ્ધ આત્મસ્વભાવ પ્રતીતમાં આવી જ જાય છે, એટલે તેને મિથ્યાત્વનો છેદ થઈને સમ્યગ્દર્શન થાય છે; માટે
મોક્ષતત્ત્વની પ્રતીત કરનાર સમ્યગ્દ્રષ્ટિ છે. ખરેખરી મોક્ષતત્ત્વની પ્રતીત આત્મસ્વભાવની સન્મુખતાથી જ થાય છે;
આત્મસ્વભાવની સન્મુખતા વગર મોક્ષ વગેરે તત્ત્વોની યથાર્થપ્રતીત થતી નથી.
અરિહંત દેવની ઓળખાણ કહો કે મોક્ષ તત્ત્વની પ્રતીત કહો, તે ઓળખાણ કે પ્રતીત કરવા જનારને
આત્મસ્વભાવમાં અંતર્મુખતા થઈને સમ્યગ્દર્શન થાય છે. માટે અરિહંતનું સ્વરૂપ બરાબર જાણવું જોઈએ.
પ્રશ્નઃ– અમારું ભેજું (મગજ) નાનું, તેમાં અરિહંત ભગવાનની આવડી મોટી વાત કેમ બેસે?
ઉત્તરઃ– અરે ભાઈ! તારો આત્મા નાનો નથી, અરિહંત ભગવાન જેવા જ સામર્થ્યવાળો મોટો તારો આત્મા છે;
તારા જ્ઞાનનું ભેજું એટલે કે તારા જ્ઞાનની તાકાત એવડી મોટી છે કે અરિહંત ભગવાનને પણ તે પોતામાં જ્ઞેયપણે
સમાવી દે, માટે તારા આવા જ્ઞાન–સામર્થ્યની પ્રતીત કરીને અંતર્મુખ થા; એમ કરવાથી અરિહંત જેવો જ તારો આત્મા
તને સ્વાનુભવથી જણાશે. તારાથી થઈ શકે એવું આ કાર્ય છે.
પ્રશ્નઃ– સમ્યગ્દર્શન સક્રિય છે કે નિષ્ક્રિય?
ઉત્તરઃ– વિકલ્પોને કરવારૂપ ક્રિયાનો તેમાં અભાવ હોવાથી તે નિષ્ક્રિય છે, અને પોતાના સ્વરૂપની પ્રતીત
કરવારૂપ ક્રિયા તેમાં હોવાથી તે સક્રિય છે.
પ્રશ્નઃ– મોહમલ્લને શીઘ્ર જીતવાનો ઉપાય શું છે?
ઉત્તરઃ– જેવા અરિહંત પરમાત્મા છે તેવો જ પરમાર્થે મારો આત્મા છે–આવી પરમાર્થ દ્રષ્ટિથી સમ્યગ્દર્શન પ્રગટ
કરવું તે જ મોહના નાશનો મૂળ ઉપાય છે.
પ્રશ્નઃ– જેને પોતાના આત્મામાં મોહના નાશનો આવો ઉપાય પ્રગટયો હોય તેને શું થાય?
ઉત્તરઃ– તેને એમ નિઃશંકતા થઈ જાય કે મોહના નાશનો ઉપાય મેં મેળવી લીધો છે, હવે હું અલ્પકાળમાં જ
મોહને નિર્મૂળ કરી નાંખીશ. મોહના નાશનો ઉપાય એટલે કે સમ્યગ્દર્શન થતાં જ આત્માના આનંદના વેદન સહિત
જીવને અંદરથી એવો ઝણકાર આવી જાય છે કે બસ, બસ સિદ્ધપદનો માર્ગ હાથ આવી ગયો..સંસારનો હવે છેડો આવી
ગયો..અનાદિના દુઃખના દરિયામાંથી નીકળીને હવે સુખના સમુદ્રમાં મેં પ્રવેશ કર્યો.
પ્રશ્નઃ– પોતાના સમ્યગ્દર્શનની પોતાને ખબર પડે?
ઉત્તરઃ– હા; અંતરમાં અતીન્દ્રિય આનંદના આહ્લાદપૂર્વક–સ્વસંવેદનથી પોતાને નિઃસંદેહપણે પોતાના
સમ્યગ્દર્શનની ખબર પડે છે.

PDF/HTML Page 19 of 27
single page version

background image
ઃ ૧૬ઃ આત્મધર્મઃ ૧૭૯
– પરમ શાંતિ દાતારી –
અધ્યાત્મ ભાવના
ભગવાનશ્રી પૂજ્ય પાદસ્વામી રચિત ‘સમાધિશતક’
ઉપર પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીના અધ્યાત્મભાવના
–ભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
(વીર સં. ૨૪૮૨ જેઠ સુદ ૧૪ (૨) સમાધિશતક ગા. ૨૬)
૨પમી ગાથામાં એમ કહ્યું કે બોધસ્વરૂપ આત્માની ભાવનાથી રાગાદિનો ક્ષય થઈ જતાં મને કોઈ શત્રુ કે મિત્ર
તરીકે ભાસતા નથી; હું તો મારા જ્ઞાનાનંદસ્વરૂપના શાંતરસમાં જ રહું છું.
ત્યારે હવે પૂછે છે કે તમે ભલે બીજાને શત્રુ કે મિત્ર ન માનો, પણ બીજા જીવો તો તમને શત્રુ કે મિત્ર માનતા
હશેને? તો તેના ઉત્તરરૂપ ગાથા કહે છે–
मामपश्यन्नयं लोको न मे शत्रुर्न च प्रियः।
मां प्रपश्यन्नयं लोको न मे शत्रुर्न च प्रियः।।२६।।
હું તો બોધસ્વરૂપ અતીન્દ્રિય આત્મા છું; જેઓ અતીન્દ્રિય આત્માને નથી જાણવા એવા અજ્ઞ જીવો તો મને
દેખતા જ નથી, તેઓ માત્ર આ શરીરને દેખે છે પણ મને નથી દેખતા, તેથી તે મારા શત્રુ કે મિત્ર નથી આ શરીરને
શત્રુ કે મિત્ર માને છે પણ મને તો દેખતો જ નથી તો દેખ્યા વગર શત્રુ કે મિત્ર ક્યાંથી માને? જેને જેનો પરિચય જ
નથી તે તેને શત્રુ કે મિત્ર ક્યાંથી માને? અજ્ઞ જનોને બોધસ્વરૂપ એવા મારા આત્માનો પરિચય જ નથી. તેમના
ચર્મચક્ષુથી તો હું અગોચર છું, તેઓ બિચારા પોતાના આત્માને પણ નથી જાણતા તો મારા આત્માને તો ક્યાંથી જાણે?
અને મને જાણ્યા વગર મારા સંબંધમાં શત્રુ–મિત્રપણાની કલ્પના ક્યાંથી કરી શકે?
અને આત્માના સ્વરૂપને જાણનારા વિજ્ઞ જનો તો કોઈને શત્રુ–મિત્ર માનતા નથી, માટે મારા સંબંધમાં તેમને
પણ શત્રુ–મિત્રપણાની કલ્પના થતી નથી.
પરમાં શત્રુ–મિત્રપણાની કલ્પના અજ્ઞાનીને થાય છે, પણ તે તો મારા આત્માને દેખતો નથી અને જ્ઞાની મારા
આત્માને દેખે છે પણ તેમને કોઈ પ્રત્યે શત્રુ–મિત્રપણાની કલ્પના થતી નથી, માટે મારે કોઈ શત્રુ–મિત્ર નથી ને હું
કોઈનો શત્રુ–મિત્ર નથી–એમ ધર્મી જાણે છે.
પ્રશ્નઃ– ભરત અને બાહુબલિ બંને જ્ઞાની હતા છતાં બંને સામસામા લડયા હતા. છતાં કોઈ કોઈના શત્રુ નથી?
ઉત્તરઃ– બંનેને અસ્થિરતાનો દ્વેષ હતો, પણ સામા આત્માને પોતાનો શત્રુ માનીને તે દ્વેષ થયો ન હતો. તે
વખતે ભાન હતું કે હું જ્ઞાનસ્વરૂપ છું ને સામો આત્મા પણ જ્ઞાનસ્વરૂપ જ છે, તે કાંઈ મારો શત્રુ કે મિત્ર નથી, ને હું
તેનો શત્રુ કે મિત્ર નથી. બંનેને અંતરમાં બોધસ્વરૂપ આત્માનું ભાન હતું એટલે અભિપ્રાય અપેક્ષાએ કોઈને શત્રુ–મિત્ર
માનતા ન હતા. અને આવા આત્માને જાણીને પછી તેની ભાવનામાં સ્થિર થતાં એવી સમાધિ થાય છે કે કોઈ પ્રત્યે
દ્વેષની કે રાગની વૃત્તિ જ નથી ઊઠતી; માટે તેને કોઈ શત્રુ કે મિત્ર નથી.

PDF/HTML Page 20 of 27
single page version

background image
ભાદરવોઃ ૨૪૮૪ઃ ૧૭ઃ
‘સ્વ’ ના જ્ઞાનપૂર્વક પરને પણ પોતાના જેવો જ સ્વભાવે જે જાણે છે તેને પરપ્રત્યે શત્રુ–મિત્રપણાની માન્યતા
થતી નથી. અને ‘સ્વ’ ના જ્ઞાનવગર પરને જાણતો જ નથી, તો જાણ્યા વગર તેને શત્રુ કે મિત્રની કલ્પના ક્યાંથી
થાય? અજ્ઞાની તો જડ શરીરને જ દેખે છે ને તેને જ શત્રુ–મિત્રપણે માને છે, પણ શરીર તો હું નથી માટે હું કોઈનો
શત્રુ–મિત્ર નથી ને મારે કોઈ શત્રુ–મિત્ર નથી. મારા જ્ઞાનસ્વરૂપ આત્માને જ હું અનુભવું છું.
જુઓ, આ જ્ઞાનીની વીતરાગી ભાવના! પોતે પોતાના આત્માને બોધસ્વરૂપ દેખે છે ને જગતના બધાય
આત્માઓ પણ એવા બોધસ્વરૂપ જ છે એમ જાણે છે, તેથી પોતાને કોઈ પ્રત્યે શત્રુ–મિત્રપણાની બુદ્ધિ રહી નથી,
તેમજ બીજા મને શત્રુ–મિત્ર માનતા હશે એવું શલ્ય રહ્યું નથી. ‘અજ્ઞ’ તો મને દેખતા નથી, ને ‘વિજ્ઞ’ કોઈને શત્રુ–
મિત્ર માનતા નથી કેમ કે તેને આત્મસ્વરૂપની ભાવનાથી રાગદ્વેષ ક્ષય થઈ ગયા છે. આ રીતે અજ્ઞ કે વિજ્ઞ કોઈની
સાથે મારે શત્રુ કે મિત્રપણું નથી; હું તો જ્ઞાનસ્વરૂપ છું. આ રીતે બોધસ્વરૂપ આત્માની ભાવનાથી વીતરાગી સમાધિ
થાય છે.
।। ૨૬।।
એ રીતે, “હું શુદ્ધ બોધસ્વરૂપ છું, મારે કોઈની સાથે શત્રુ–મિત્રપણું નથી.”–એવા જ્ઞાનવડે બહિરાત્મપણું
છોડીને, અંતરાત્મા થઈને, સંકલ્પ–વિકલ્પ રહિત પરમાત્માને ભાવવો એમ હવે કહે છે–
त्यक्त्वैवं बहिरात्मानमन्तरात्मव्यवस्थितः।
भावयेत्परमात्मानं सर्वसंकल्पवर्जितम्।।२७।।
પૂર્વોક્ત રીતે, “હું બોધસ્વરૂપ છું”–એવા સ્વ–સંવેદનદ્વારા બહિરાત્મપણું છોડીને અંતરાત્મા થવું અને
અંતરાત્મા થઈને સમસ્ત સંકલ્પ–વિકલ્પોથી રહિત પરમાત્માને ભાવવો. આવી પરમાત્મભાવના તે પરમાત્મા થવાનો
ઉપાય છે.
હજી તો જે પરને શત્રુ–મિત્ર માને છે તેને પરમાત્મતત્ત્વની ભાવના હોતી નથી, તેને તો રાગદ્વેષની જ ભાવના
છે. હું બધાયથી જુદો બોધસ્વરૂપ જ છું–એમ જાણીને બહિરાત્મપણું છોડવું ને અંતરાત્મા થવું; એ રીતે આત્મસ્વરૂપના
જ્ઞાતા અંતરાત્મા થઈને પોતાના પરમાત્મતત્ત્વને સર્વવિકલ્પરહિત થઈને ભાવવું. આવી ભાવનાથી આત્માનું સહજ
સુખ અનુભવમાં આવે છે, ને વીતરાગી સમાધિ થાય છે. માટે જગતના દ્વંદ્વ–ફંદના વિકલ્પો છોડીને જ્ઞાનાનંદસ્વરૂપ
પરમાત્માની જ ભાવના કરવી.
।। ૨૭।।
જ્ઞાનાનંદસ્વરૂપને જાણીને તેની જ ભાવના કરવાથી શું ફળ થાય છે તે હવે કહે છે કે–
सोऽहमित्यात्तसंस्कारस्तस्मिन् भावनया पुनः।
तत्रैव द्दढसंस्काराल्लभते ह्यात्मनि स्थितिम्।।२८।।
આ જે શુદ્ધજ્ઞાનસ્વરૂપ પરમાત્મા છે તે જ હું છું. એવા સંસ્કાર પામીને, વારંવાર તેમાં ભાવના કરીને, તેમાં જ
દ્રઢ સંસ્કાર થતાં આત્મસ્વરૂપમાં સ્થિતિ થાય છે. આ રીતે સ્વરૂપમાં સ્થિરતા થતાં આત્મા પરમ આનંદના અનુભવમાં
મગ્ન થાય છે.
જુઓ, આ પરમાત્મા થવા માટેની ભાવના; અનાદિથી આત્માના વાસ્તવિક સ્વરૂપને ભૂલીને, દેહ તે હું, અથવા
રાગ તે હું–એવી વિપરીત ભાવના દ્રઢપણે ઘૂંટી છે, પણ દેહથી ને રાગથી પાર, જેવા પરમાત્મા છે તેવો જ હું છું–એવી
ભાવના પૂર્વે કદી જીવે ભાવી નથી. ‘જ્ઞાનઆનંદનો પિંડ પરમાત્મા હું છું’–
अप्पा सो परमप्पा–એવી દ્રઢભાવનાવડે તેમાં
એકત્વબુદ્ધિ થતાં અપૂર્વ આનંદનું સ્વસંવેદન થાય છે. ‘હું મનુષ્ય છું’ ઇત્યાદિ ભાવના જેમ દ્રઢપણે ઘૂંટાઈ ગઈ છે તેમ
‘હું મનુષ્ય નહિ પરંતુ હું તો દેહથી ભિન્ન જ્ઞાનશરીરી પરમાત્મા છું’–એવી ભાવના દ્રઢપણે ઘૂંટાવી જોઈએ.–એવી
દ્રઢભાવના થવી જોઈએ કે તેમાં જ અભેદતા ભાસે, તેમાં જ પોતાપણું ભાસે, ને દેહાદિમાં ક્યાંય પોતાપણું ન ભાસે;
સ્વપ્નમાં પણ એમ આવે કે હું ચિદાનંદ પરમાત્મા છું...અનંત સિદ્ધ ભગવંતોની સાથે હું વસું છું. ‘શરીર તે હું છું’ એમ
સ્વપ્ને પણ ન ભાસે. આ રીતે આત્મભાવનાના દ્રઢ સંસ્કારવડે તેમાં જ લીનતા થતાં આત્મા પોતે પરમાત્મા થઈ જાય
છે.–પરમાત્મ સ્વરૂપની ભાવનાનું આ ફળ છે; કેમ કે–‘જેવી ભાવના તેવું ભવન.’
જે પોતાના આત્માને શુદ્ધ સ્વરૂપે ભાવે છે–અનુભવે છે તેને શુદ્ધતારૂપ ભવન–પરિણમન થાય છે; અને જે
પોતાના આત્માને રાગાદિ અશુદ્ધસ્વરૂપે જ અનુભવે છે તેને અશુદ્ધતારૂપ પરિણમન થાય છે.
‘જે શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મ જ મેળવે;
અણશુદ્ધ જાણે આત્મને, અણશુદ્ધ આત્મ જ તે લહે.’