Atmadharma magazine - Ank 324
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 52
single page version

background image
૩૨૪
અવસર છે આરાધનાનો.....
સિદ્ધપદના અતીન્દ્રિય આનંદની સુવાસ પ્રસરાવતાં આ
વર્ષના પ્રારંભમાં ગુરુદેવે આત્માની આરાધનાનો મંત્ર આપતાં
એમ કહ્યું હતું કે–આત્માની પ્રભુતામાં બધું સમાઈ જાય છે.
આત્માની પ્રભુતાને આરાધવી તે મંગલ–સુપ્રભાત છે. આ
જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે જ સત્ય છે, તે જ કલ્યાણરૂપ છે ને તે જ
અનુભવ કરવા યોગ્ય છે.
કંઠગતપ્રાણ સુધી એટલે કે જીંદગીના છેલ્લા શ્વાસ સુધી
વીતરાગી–શ્રુતના અધ્યયન વડે જ્ઞાનસ્વરૂપ આત્માની ભાવના
કર્તવ્ય છે.
આયુ કઈ ક્ષણે પૂરું થશે–એની તને ખબર નથી, માટે હે
જીવ! અવિનાશી આતમરામને લક્ષગત કરીને તેના પ્રત્યે ક્ષણે
ક્ષણે જાગૃત રહેજે.
બહારની આંખ બંધ કરીને અંદરની આંખ ખોલ ને જ્ઞાન
દીવડા પ્રગટ કરીને તારા ચૈતન્યપ્રભુને દેખ. ચૈતન્યની
આરાધનાનો આ અવસર છે. હે વાલીડા! આરાધનાના અવસરને
ચુકીશ મા!
તંત્રી: પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં ૨૪૯૬ આસો (લવાજમ ચાર રૂપિયા) વર્ષ ૨૭: અંક ૧૨

PDF/HTML Page 2 of 52
single page version

background image
દીવાળીને દિવસે
આટલું કરજો–
(સંપાદકીય)
(૧) સવારમાં મંગલ દીવડાના ઝગમગાટમાં ઊઠતાવેંત મહાવીર ભગવાનના
વીતરાગી ગુણોને યાદ કરજો...ને આપણે તેમના માર્ગે જઈને તેમના જેવા
થવાનું છે તેવી ભાવના ભાવજો.
(૨) ‘દીવાળી’ નો દિવસ આનંદથી શા માટે ઉજવાય છે તેનો સાચો ઈતિહાસ
જાણજો. એ દિવસે આપણા મહાવીર તીર્થંકર આ સંસારથી છૂટીને મોક્ષપદ
પામ્યા હતા–સિદ્ધપદ પામ્યા હતા, ને પાવાપુરીમાં ભગવાનના મોક્ષનો મહાન
ઉત્સવ દેવોએ તેમજ રાજાઓએ અને લાખો લોકોએ લાખો દીપકોના ઝગમગાટ
વચ્ચે ઉજવ્યો હતો.–આજે પણ આપણે એ ઉત્સવ દ્વારા મહાવીર ભગવાનના
મોક્ષગમનને યાદ કરીને તેની ભાવના ભાવીએ છીએ.
(૩) સવારમાં પહેલવહેલા તો આનંદ ઉલ્લાસ પૂર્વક ઘરમાં સૌ ભેગા મળીને
ભગવાનની સ્તુતિ કરજો...ભગવાનનું ઉત્તમ જીવન યાદ કરજો. પછી જિનમંદિરે
જઈ પ્રભુનાં દર્શન–પૂજન કરજો ને ત્યાંના ઉત્સવમાં હોંશથી ભાગ લેજો. દીવડા
વગેરે ઉત્તમ શોભાવડે પ્રસિદ્ધ કરજો કે આજે અમારા ભગવાનના મોક્ષનો દિવસ છે.
આજનો દિવસ એ સંસારના આનંદ–પ્રમોદનો દિવસ નથી, પણ મોક્ષની
ભાવનાનો દિવસ છે, એટલે નાટક–સિનેમા વગેરે પાપકાર્યોને આજે તો યાદ પણ ન
કરતા, દારૂખાનું ફોડવું–એ પણ કાંઈ દીવાળી ઉજવવાની સાચી રીત નથી. આજે તો
સિદ્ધપદને યાદ કરીને ઠેઠ મોક્ષ સુધીની ઊંચી ઊંચી ભાવનાઓ ભાવજો, ધર્મની વૃદ્ધિના
ઊંચા ઊંચા સંકલ્પ કરજો...અને જૈનધર્મની પ્રભાવના માટે, મહાન દેવ–ગુરુ–ધર્મની
સેવા માટે જે કાંઈ થઈ શકે તે તન–મન–ધનથી કરજો, કોઈ ઉત્તમ નવીન શાસ્ત્રની
સ્વાધ્યાયનો મંગલ પ્રારંભ કરજો, સૌ સાધર્મીજનોને પ્રેમથી આદર–સન્માનપૂર્વક
આનંદથી હળજોમળજો,–ને એવી ઉત્તમ ધર્મચર્ચા કરજો કે જેના સંસ્કારના બળે આખાય
વર્ષમાં ઉત્તમ ભાવોની કમાણી થયા કરે...જ્ઞાનના મંગલ દીવડા પ્રગટે.
“અમે તો જિનવરના સંતાન........

PDF/HTML Page 3 of 52
single page version

background image

વાર્ષિક
વીર સં. ૨૪૯૬
લવાજમ આસો
ચાર રૂપિયા 1970 Oct.
* વર્ષ ૨૭ : અંક ૧૨ *
________________________________________________________________
મહાવીર
પ્રભુના માર્ગે

દીવાળી એટલે મહાવીર ભગવાનની મુક્તિનો મંગલ મહોત્સવ!
* તે મહાવીર ભગવાને શું કર્યું?
તેઓ પહેલાં રાગ–દ્વેષ–અજ્ઞાન સહિત હતા, પછી આત્માના સર્વજ્ઞસ્વભાવનું
ભાન કરી, વીતરાગ ભાવ પ્રગટ કરીને સર્વજ્ઞ થયા.....અને મુક્તિ પામ્યા.
* મહાવીર ભગવાને શું કહ્યું?
પોતે જે કર્યું તે કહ્યું, આત્માનો સર્વજ્ઞસ્વભાવ રાગાદિથી રહિત છે તેને
ઓળખવાનું, અને તેમાં એકાગ્રતા વડે વીતરાગ ભાવ પ્રગટ કરીને સર્વજ્ઞ થવાનું
ભગવાને કહ્યું છે.
* તે મહાવીર દેવને ક્યારે ઓળખ્યા કહેવાય?
મહાવીર ભગવાને આત્માનો જેવો સર્વજ્ઞસ્વભાવ બતાવ્યો છે તેવો જાણીને પોતે
જાતે અનુભવ કરે, અને રાગથી જુદો પડે ત્યારે તે અનુભવરૂપ ચેતના વડે
મહાવીરદેવની સાચી ઓળખાણ થાય છે. ને આ રીતે મહાવીર દેવને ઓળખીને તેમના
માર્ગે ચાલનાર પોતે અલ્પકાળમાં મહાવીર ભગવાન જેવો થઈને મોક્ષ પામે છે. માટે હે
જીવ! તારે મહાવીર થવું હોય તો તું મહાવીરના આવા વીતરાગમાર્ગને ઓળખ!
जय महावीर

PDF/HTML Page 4 of 52
single page version

background image
: ૨ : આત્મધર્મ : આસો : ૨૪૯૬
આજે પણ આત્મધ્યાન થઈ શકે છે
ધ્યાન નથી તો ધર્મ નથી
(અષ્ટપ્રાભૃત–મોક્ષપ્રાભૃતનાં પ્રવચનોમાંથી)
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર આત્માના ધ્યાન વડે જ પ્રગટે છે, ધ્યાન વગર ધર્મ
હોતો નથી કે મોક્ષમાર્ગ થતો નથી.
પ્રશ્ન:– આ કાળે આત્માનું ધ્યાન હોય?
–હા, આ કાળે પણ આત્માનું ધ્યાન થાય છે. આત્માના ધ્યાનમાં જ
સમ્યક્દર્શન પ્રગટે છે. આત્માના ધ્યાનની ના પાડવી તે સમ્યગ્દર્શનની જ
ના પાડવા જેવું છે. આત્માના ધ્યાનને જેઓ નથી સ્વીકારતા તેઓ
સમ્યગ્દર્શનરહિત છે, મિથ્યાદ્રષ્ટિ છે; આત્માની શુદ્ધિ પ્રગટ કરવાની
લાયકાત તેનામાં નથી.
તે મિથ્યાદ્રષ્ટિજીવ સંસારસુખમાં જ લીન વર્તે છે, એટલે કે રાગમાં જ લીન વર્તે
છે, તેથી રાગ વગરના આત્માના અતીન્દ્રિય સુખની કે ધ્યાનની તેને ખબર નથી.
રાગમાં જ લીન થઈને શુભરાગને જ ધર્મ માની બેઠા છે. તેમને રાગ વગરના
શુદ્ધોપયોગરૂપ ધ્યાન ક્યાંથી દેખાય? અરે ભાઈ! તારો આત્મા અત્યારે છે કે નહીં?
આત્મા છે તો તેનું ધ્યાન પણ થઈ શકે છે.
અરે જીવ! આત્માનું ધ્યાન નથી તો તું સમ્યગ્દર્શન કઈ રીતે પ્રગટ કરીશ? ને
સમ્યગ્દર્શન વગર વ્રત–તપ–સાધુપણું તું ક્યાંથી લાવીશ? આ કાળે મુનિપણું તો છે ને
આત્માનું ધ્યાન નથી–એ કેવી વાત? આત્માનું ધ્યાન નથી તો મુનિપણું ક્યાંથી આવ્યું?
એકલા શુભરાગથી સમ્યગ્દર્શન કે સાધુપણું કદી થતું નથી.
ધ્યાન નથી–એમ કહેનારને સમ્યગ્દર્શન જ નથી; એટલે જેમ અભવ્યને કદી
શુદ્ધતા પ્રગટતી નથી તેમ તેને પણ આત્માના ધ્યાન વગર કદી શુદ્ધતા પ્રગટતી નથી.
ત્રણેકાળે શુદ્ધઆત્માના નિર્વિકલ્પ ધ્યાન વડે જ મોક્ષમાર્ગની શરૂઆત થાય છે; તેના
વગર મોક્ષમાર્ગનો અંશ પણ હોતો નથી. પંચમકાળનું બહાનું કાઢીને મૂઢજીવ

PDF/HTML Page 5 of 52
single page version

background image
: આસો : ૨૪૯૬ આત્મધર્મ : ૩ :
આત્માની રુચિ છોડે છે ને વિષયોમાં લીન વર્તે છે. આચાર્યદેવ કહે છે કે અરે ભાઈ!
આ ભરતક્ષેત્રમાં અત્યારે પણ આત્માનો પ્રેમ કરીને તેનું ધર્મધ્યાન થાય છે ને તેનું
અતીન્દ્રિયસુખ પ્રગટે છે. ઈન્દ્રિયસુખોની રુચિ છોડીને આત્માની રુચિ કર ને તેની
સન્મુખ થઈને તેને ધ્યાવ. શ્રાવકને પણ આત્માના ધ્યાનનો ઉપદેશ કર્યો છે કે હે શ્રાવક!
શુદ્ધાત્માનું સત્યકત્વ પ્રગટ કરીને તેને ધ્યાનમાં ધ્યાવો.
શુભરાગની ક્રિયાને ધર્મ મનાવે છે ને આત્માના ધ્યાનનો નિષેધ કરે છે,–તે
જીવને તો રાગમાં જ અટકવાનું રહ્યું, રાગરહિત શુદ્ધઆત્માની રુચિ જ તેણે તો છોડી
દીધી. આચાર્યદેવ કહે છે કે અરે ભાઈ! રાગથી પાર એવા શુદ્ધઆત્માનું નિર્વિકલ્પ ધ્યાન
અને આનંદનો અનુભવ અત્યારે થઈ શકે છે,–તેની તું ના ન પાડ! પણ હોંશથી સ્વીકાર
કરીને અંતર્મુખ વળવાનો પ્રયત્ન કર. આવા આત્માની વાત તને આ કાળે સાંભળવા
મળી, અને તું તેમાં અંતર્મુખ ન થઈ શકાય એમ કહીને તેનો નિષેધ કરીશ તો તને
આત્માની શુદ્ધતા કે આનંદ નહીં પ્રગટે. ને મોક્ષમાર્ગનો આવો અવસર તું ચુકી જઈશ.–
માટે આત્માની રુચિ કરીને, અને રાગાદિ વિષયોની રુચિ છોડીને તું આત્માના
ધર્મધ્યાનનો પ્રયત્ન કર. ધર્મધ્યાન વગર જીવની સાચી શ્રદ્ધા થતી નથી, કેમકે ધ્યાન વડે
અંતરમાં જીવના અનુભવ વગર તેની સાચી શ્રદ્ધા થાય નહીં. રાગમાં ઊભો રહીને
આત્માની શ્રદ્ધા થઈ શકતી નથી એટલે કે ધર્મ થઈ શકતો નથી. ભાઈ, આ કાળે તારે
ધર્મ કરવો છે કે નહીં?–તો ધર્મ આત્માના ધ્યાન વડે જ થાય છે, ને આત્માનું ધર્મધ્યાન
આ કાળે પણ થઈ શકે છે. પ્રવચનસારમાં છેલ્લે કહે છે કે હે જીવો! અતીન્દ્રિયજ્ઞાનરૂપ
ને અતીન્દ્રિયસુખરૂપ આત્મા અમે જોરશોરથી બતાવ્યો, હવે આવા આત્માનો તમે આજે
જ અનુભવ કરો, અત્યારે ધ્યાન વડે એવો અનુભવ થઈ શકે છે, માટે તમે આજે જ
તેનો અનુભવ કરો......ધ્યાનમાં તેને ધ્યાવો.
અરે, પંચમકાળમાં આત્માનું ધ્યાન ન થતું હોય તો આ બધો શુદ્ધાત્માનો ઉપદેશ
કોને આપ્યો? જ્ઞાન–આનંદમય, ઈન્દ્રિયાતીત મહાન પદાર્થ આત્મા છે–એમ જાણીને
જ્ઞાની પોતાના અંતરમાં તેનું ધ્યાન કરે છે. નિશ્ચય શુદ્ધાત્માના આશ્રયે સાચું ધર્મધ્યાન
અત્યારે પણ થાય છે. સાક્ષાત્ કેવળજ્ઞાન અને મોક્ષ થાય એવું ઊંચું ધ્યાન
(શુક્લધ્યાન) અત્યારે અહીં નથી, પણ જેનાથી શુદ્ધ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટે
એવું નિશ્ચય ધર્મધ્યાન તો અત્યારે પણ થાય છે. આવા ધ્યાન વડે મોક્ષમાર્ગના આરાધક
થઈને જીવો એકાવતારી થઈ શકે છે. અહીંથી સ્વર્ગમાં જાય ને પછી

PDF/HTML Page 6 of 52
single page version

background image
: ૪ : આત્મધર્મ : આસો : ૨૪૯૬
મનુષ્ય થઈ, ચારિત્રદશામાં શુક્લધ્યાન પ્રગટ કરીને મોક્ષ પામે છે. અત્યારે ધર્મધ્યાનનો
પણ જે નિષેધ કરે છે તે મોક્ષમાર્ગનો જ નિષેધ કરે છે અને આત્માની શુદ્ધીનો જ નિષેધ
કરે છે. ભાઈ! તારા આત્મામાં ઉપયોગને જોડ! જેમ પરવિષયોને ધ્યેય બનાવીને તેમાં
ઉપયોગને એકાગ્ર કરે છે તેમ તારા આત્માને અંતરમાં ધ્યેય બનાવી સ્વવિષયમાં
ઉપયોગને એકાગ્ર કર, એટલે તને ધર્મધ્યાન થશે. આવા ધર્મધ્યાનથી જ સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધતા પ્રગટે છે, તે ધર્મ છે, તે મોક્ષમાર્ગ છે. હે ભાઈ! આવા
મોક્ષમાર્ગને અત્યારે શરૂ કરીશ તો એકાદ ભવમાં પૂરું થઈ જશે. પણ અત્યારે તેનો
નિષેધ કરીશ ને વિષયોમાં જ પ્રવર્તીશ તો તને મોક્ષમાર્ગ ક્યાંથી થશે? ચોથાકાળમાં
પણ કાંઈ આત્મામાં ઉપયોગની એકાગ્રતા વગર મોક્ષમાર્ગ થતો ન હતો, ત્યારે પણ
આત્મામાં ઉપયોગની એકાગ્રતારૂપ ધર્મધ્યાન વડે જ મોક્ષમાર્ગ થતો હતો, ને અત્યારે
પણ એવા ધર્મધ્યાન વડે મોક્ષમાર્ગ થાય છે. કુંદકુંદાચાર્યદેવ–અમૃતચંદ્રાચાર્યદેવ વગેરે કહે
છે કે આવો મોક્ષમાર્ગ અમે અમારા આત્મામાં અંગીકાર કર્યો છે, ને તમે પણ તેને
અંગીકાર કરો.....આજે જ અંગીકાર કરો.
અનાજ સાથેનું ઘાસ!
મુમુક્ષુની ભૂમિકામાં શુભભાવ
મુમુક્ષુ–જીવનમાં કેટલી સજ્જનતા હોય, કેટલી નૈતિકતા હોય,
પરસ્પર કેટલો પ્રેમ હોય? તે સંબંધી શ્રાવણ માસના પ્રવચનમાં
ગુરુદેવે કહ્યું કે:–મુમુક્ષુ એટલે જેને મોક્ષની જિજ્ઞાસા હોય, એવા
મોક્ષના અભિલાષીને લૌકિક નીતિ–સજ્જનતા વગેરે હોય, એ તો
સાધારણ છે. જેને સર્વે પરભાવ વગરના આત્માને સાધવો છે તેને,
તીવ્ર અભક્ષ–ચોરી–અન્યાય વગેરે સ્થૂળ પાપભાવો તો હોય જ કેમ?
જેમાં વિકલ્પનો એક અંશ પણ પાલવતો નથી એવા આત્માના
સાધકને તીવ્ર પાપભાવો સ્વપ્નેય હોય નહીં. મોક્ષની સાધનામાં વચ્ચે
આવા શુભભાવ તો સહજ છે,–એ તો અનાજ સાથે ઊગેલા ઘાસ
જેવા છે. ધર્મીની દ્રષ્ટિ ને ધર્મીનો પ્રેમ આત્માનો આનંદ સાધવામાં
તત્પર છે, વચ્ચેના ઘાસ જેવા શુભરાગનોય પ્રેમ તેને નથી, તો પછી
અશુભની તો શી વાત!! આ તો વીતરાગભાવનો અલૌકિક માર્ગ છે.

PDF/HTML Page 7 of 52
single page version

background image
: આસો : ૨૪૯૬ આત્મ ધર્મ : પ :
भगवान पारसनाथ
[૩]
* * * * *
તેવીસમાં તીર્થંકર શ્રી પારસનાથ ભગવાનનું
જીવનચારિત્ર આપણે વાંચી રહ્યા છીએ. તીર્થંકરો
વગેરે મહાપુરુષોના જીવનમાંથી, આત્માની
આરાધના કેમ કરવી તે જ આપણે શીખવાનું છે.
પાપના ફળમાં નરકાદિનાં ભયંકર દુઃખ મળે છે માટે
તે છોડવા, પુણ્યના ફળમાં સ્વર્ગાદિ મળે છે એમ
જાણવું; ને આત્માના જ્ઞાનસહિત વીતરાગભાવથી
મોક્ષસુખ મળે છે–માટે તેની ઉપાસના કરવી.
પારસનાથનો જીવ–કે જે મરૂભૂતિના ભવમાંથી મરીને હાથી થયો હતો, ને
પોતાના પૂર્વભવના સંબંધી એવા અરવિંદ મુનિરાજને દેખીને જેને જાતિસ્મરણ જ્ઞાન
થયું હતું, તે મુનિરાજના ઉપદેશથી સમ્યગ્દર્શન પામીને મહા આનંદિત થાય છે, અને
મુનિરાજ પ્રત્યે પરમ ભક્તિથી નમસ્કાર કરે છે. તેની વિગતવાર કથા ગતાંકમાં વાંચી,
હવે આગળ વાંચો.

PDF/HTML Page 8 of 52
single page version

background image
: ૬ : આત્મધર્મ : આસો : ૨૪૯૬
[] હાથી બારમા સ્વર્ગમાં.........સર્પ પાંચમી નરકમાં
આપણા ચરિત્રનાયકનો જીવ પહેલાં મરૂભૂતિ હતો, પછી હાથી થયો ને
મુનિરાજના ઉપદેશ વડે આત્મજ્ઞાન પામ્યો, પછી તેને સર્પ કરડતાં તે સમાધિમરણ
કરીને બારમા સ્વર્ગમાં દેવ થયો છે–તેનું નામ શશિપ્રભદેવ. તે સ્વર્ગની દિવ્ય વિભૂતિ
દેખીને આશ્ચર્ય પામ્યો અને અવધિજ્ઞાનથી જાણ્યું કે મેં પૂર્વે હાથીના ભવમાં ધર્મની
આરાધના સહિત જે વ્રત પાળ્‌યાં તેનું આ ફળ છે, આમ જાણીને તેને ધર્મ પ્રત્યે વિશેષ
બહુમાન થયું, પૂર્વ ભવમાં આત્મજ્ઞાન દેનાર મુનિરાજનો ઉપકાર ફરી ફરીને યાદ કર્યો;
અને પછી સ્વર્ગમાં બિરાજમાન શાશ્વત જિનબિંબની પૂજા કરી. દેવલોકની એ રત્નમય
શાશ્વત વીતરાગ મૂર્તિને દેખતાં જ તે અતિશય આનંદ પામ્યો, ને આવો જ મારો આત્મા
છે–એમ ભાવના કરી. તે અસંખ્યાત વર્ષો સુધી દેવલોકમાં રહ્યો; તે દરમિયાન અનેકવાર
પંચમેરુ તથા નંદીશ્વર દ્વીપના શાશ્વતા જિનમંદિરોની પૂજા કરી, સ્વર્ગમાં બીજા કેટલાય
સમ્યગ્દ્રષ્ટિ દેવો હતા, તેમની સાથે ધર્મની ચર્ચા વડે તે પોતાના શ્રદ્ધા–જ્ઞાનને પુષ્ટ કરતો
હતો. માણસની જેમ તેને દરરોજ ભૂખ ન લાગે, સોળહજાર વર્ષ વીત્યા ત્યારે તેને
ખાવાની ઈચ્છા થઈ, અને મનમાં અમૃતનું ચિંતન કર્યું ત્યાં તો ભૂખ મટી ગઈ. આઠ
મહિને એકવાર તે શ્વાસ લેતો હતો. તેને ચોથી નરક સુધીનું અવધિજ્ઞાન હતું અને
ત્યાંસુધી તે વિક્રિયા કરી શકતો હતો. એનું રૂપ દિવ્ય હતું ને દેવ–દેવીનો ઠાઠમાઠ વૈભવ
અપાર હતો. અસંખ્ય વર્ષ સુધી આવા દેવલોકના વૈભવ વચ્ચે રહેવા છતાં તે જીવ
આત્મજ્ઞાનને ભૂલ્યો ન હતો. બાહ્ય વૈભવથી ભિન્ન પોતાના ચૈતન્યવૈભવને તે જાણતો
હતો. તેને બહારમાં અનેક પ્રકારનાં કલ્પવૃક્ષ પાસેથી સુખસામગ્રી મળતી હતી, ને
અંદરમાં પોતાના ચૈતન્ય–કલ્પવૃક્ષના સેવનથી તે સાચું સુખ અનુભવતો હતો. જુઓ તો
ખરા, જૈનધર્મના પ્રતાપે એક પશુ પણ દેવ થયો, ને થોડા વખતમાં તો તે ભગવાન
થશે! અહા, જેના પ્રતાપે પશુ પણ પરમાત્મા બની જાય છે–એવા જૈનધર્મનો જય હો.
આપણે પણ સંસારથી છૂટીને પરમાત્મા બનવા માટે જૈનધર્મમાં કહેલા આત્માનું સ્વરૂપ
ઓળખવું જોઈએ.
શશિપ્રભદેવ અસંખ્યવર્ષ સુધી દેવલોકમાં રહ્યો, પછી તેને ખબર પડી કે
દેવલોકના આયુષ્યમાં મારે હવે છ માસ જ બાકી છે;–ત્યારે તે ગભરાયો નહીં પણ તેણે
ધર્મના ચિંતનમાં પોતાનું ચિત્ત લગાવ્યું; દેહથી આત્મા ભિન્ન છે–એમ તો તે જાણતો જ
હતો, ને સ્વર્ગના ઠાઠ–માઠમાં તેણે કદી સુખ માન્યું ન હતું, એટલે સ્વર્ગ છોડીને

PDF/HTML Page 9 of 52
single page version

background image
: આસો : ૨૪૯૬ આત્મધર્મ : ૭ :
મનુષ્યલોકમાં આવતાં તેને દુઃખ ન થયું, પણ એની ભાવના જાગી કે મનુષ્યપર્યાય ધન્ય
છે, મનુષ્યપર્યાયમાં મુનિ થઈને ચારિત્ર અંગીકાર કરીશું, મુનિદશા મહા આનંદદાયક
છે.–આમ મુનિદશાની ભાવના ભાવતાં ભાવતાં, જિનેન્દ્ર ભગવાનના શરણપૂર્વક તે જીવ
સ્વર્ગમાંથી ચવીને મનુષ્યલોકમાં અવતર્યો–ક્યાં અવતર્યો? તે હવે ના પ્રકરણમાં આપ
વાંચશો. ત્યારપહેલા કમઠનો જીવ ક્યાં છે તે જોઈ લઈએ.
કમઠનો જીવ જે સર્પ થયો હતો તે મરીને પાંચમી નરકમાં ગયો ને અસંખ્ય વર્ષ
સુધી બહુ જ દુઃખી થયો. એની ભૂખ–તરસનો કોઈ પાર ન હતો, એના શરીરનાં રોજ
હજારો કટકા થઈ જતા; લોઢાનો ગોળો પણ ઓગળી જાય એવી તો ઠંડી હતી, કરવત
અને ભાલાથી તેનું શરીર કપાતું હતું; આત્માનું જ્ઞાન તો તેને હતું નહીં, ને સારા ભાવ
પણ ન હતા, અજ્ઞાનથી અને ભૂંડા ભાવોથી તે બહુ જ દુઃખી થયો હતો. પૂર્વભવના તેના
ભાઈ પ્રત્યેના ક્રોધના સંસ્કાર હજી પણ તેણે છોડ્યા ન હતા, તે ક્રોધમાં ને ક્રોધમાં
નરકમાંથી નીકળીને એક મોટો ભયંકર અજગર થયો.
[] અગ્નિવેગ–મુનિ અને અજગર
આપણા કથાનાયક ભગવાન પારસનાથનો જીવ સ્વર્ગમાંથી ચવીને જંબુદ્વીપના
વિદેહક્ષેત્રમાં અવતર્યો. આ જંબુદ્વીપની વચ્ચે મોટો મેરુપર્વત છે, તેની પૂર્વ અને પશ્ચિમ
બંને બાજુ વિદેહક્ષેત્ર છે. પૂર્વ તરફના વિદેહમાં સીમંધર અને યુગમંધર નામના તીર્થંકર
સદાય બિરાજે છે ને દિવ્યધ્વનિમાં આત્માનું સ્વરૂપ સમજાવે છે. હજારો કેવળી–અરિહંત
ભગવંતો અને લાખો જિનમુનિઓ એ દેશમાં વિચરે છે. ત્યાં કરોડો મનુષ્યો આત્માને
ઓળખે છે ને ધર્મને સાધે છે. એ દેશની શોભા અદ્ભુત છે. દેવો પણ ત્યાં ભગવાનના
દર્શન કરવા આવે છે. ત્યાં સાચા જૈનધર્મ સિવાય બીજા કોઈ ખોટા ધર્મો ચાલતા નથી.
ત્યાં ઠેરઠેર અરિહંત ભગવાનના મંદિરો છે, તેમાં મણિ–રત્નોની અદ્ભૂત મૂર્તિઓ છે.
બીજા મતના મંદિર ત્યાં હોતાં નથી. ત્યાં દિગંબર જૈન સાધુઓ જ વિચરે છે. બીજા
કુલિંગી સાધુઓ ત્યાં હોતા નથી.
આવા સુંદર વિદેહક્ષેત્રના પુષ્કલાવતી દેશમાં વચ્ચે વિજયાર્ધ પર્વત છે. ચક્રવર્તી
જ્યારે છ ખંડ જીતવા નીકળે છે અને વિજયનો અર્ધો ભાગ પૂરો થાય છે ત્યારે આ
‘વિજય–અર્ધ’ પર્વત આવે છે. આ વિજયાર્ધ પર્વત ઉપર અત્યંત મનોહર શાશ્વત
જિનમંદિર છે; તેના ઉપર બંને દિશામાં મોટા મોટા નગરની હારમાળા છે, ત્યાં વિદ્યાધર–

PDF/HTML Page 10 of 52
single page version

background image
: ૮ : આત્મધર્મ : આસો : ૨૪૯૬
મનુષ્યો રહે છે, તે વિદ્યાધરો જૈનધર્મના ભક્ત છે.
તે વિદ્યાધરોના એક નગરમાં વિદ્યુતગતિ નામનો રાજા અને વિદ્યુતમાળા
નામની રાણી હતી, તે રાજારાણીને ત્યાં પારસનાથનો જીવ અવતર્યો,–તેનું નામ
અગ્નિવેગ.
વિદેહક્ષેત્રમાં અવતરેલો અગ્નિવેગ નાનપણથી આત્માને જાણતો હતો. પૂર્વ
ભવમાંથી જ તે આત્મજ્ઞાનને સાથે લાવ્યો હતો. એ નાનકડા જ્ઞાનીની બાલચેષ્ટા
દેખીને સૌને ઘણો આનંદ થતો હતો. રાજકુમાર અગ્નિવેગ શાંત, અને ઉત્તમ
લક્ષણવાળો હતો; પોતાના મિત્રો સાથે ધર્મની ઉત્તમ ચર્ચા કરતો હતો, પંચપરમેષ્ઠી
ભગવંતોના ગુણગાન કરતો હતો, જિનમંદિરમાં મોટા મોટા ઉત્સવ કરાવતો હતો,
તેમજ વારંવાર તીર્થંકર ભગવાનની સભામાં જઈને ધર્મોપદેશ સાંભળતો હતો ને
મુનિવરોની સેવા કરતો હતો.
એકવાર તે વનમાં ગયો હતો; ત્યાં વનની શોભા નીહાળતાં–નીહાળતાં
અચાનક તેણે એક સાધુ દેખ્યા. તે સાધુ આત્માના ચિંતનમાં એકાગ્ર હતા, જાણે કે
ભગવાન બેઠા હોય–એવો તેમનો દેખાવ હતો. તેમને દેખતાં જ અગ્નિવેગને ઘણો
આનંદ થયો; નજીક જઈ તેમને વંદન કરીને તેમની પાસે બેઠો, અને આત્માના
વિચાર કરવા લાગ્યો કે અહો! આવી સાધુદશા ધન્ય છે...... આત્મામાં એકાગ્ર
થઈને ઘણા આનંદનો અનુભવ થાય–એવી આ દશા છે. થોડીવારમાં મુનિરાજનું
ધ્યાન પૂરું થતાં ફરી નમસ્કાર કર્યા, ને મુનિરાજે તેને ધર્મના આશીષ આપ્યા, અને
કહ્યું: હે ભવ્ય! આત્માના સમ્યક્ સ્વભાવને તો તેં જાણ્યો છે, હવે તે સ્વભાવને
વિશેષપણે સાધવા માટે તું સાધુદશાનું ચારિત્ર અંગીકાર કર. હવે તારો સંસાર ઘણો
જ થોડો બાકી છે, મનુષ્યના ત્રણ ભવ કરીને તું મોક્ષ પામીશ. પહેલાં તું ચક્રવર્તી
થઈશ ને ત્યારપછી તીર્થંકર થઈને મોક્ષ પામીશ.
અહા! પોતાના મોક્ષની વાત સાંભળતાં કોને આનંદ ન થાય? મુનિરાજ
પાસેથી પોતાના મોક્ષની વાત સાંભળીને અગ્નિવેગને પણ ઘણો આનંદ થયો. સંસાર
પ્રત્યે તેને ઘણો વૈરાગ્ય જાગ્યો કે અરે, મારે તો અલ્પકાળમાં મોક્ષ સાધવો છે, મારે
આ રાજપાટમાં બેસી રહેવું ન પાલવે. હું તો આજે જ મુનિ થઈને આત્માની
સાધનામાં એકાગ્ર થઈશ.
આ પ્રમાણે યુવાન વયમાં તે રાજકુમાર વૈરાગ્ય પામ્યા, ને મુનિરાજ પાસે દીક્ષા
લઈને સાધુદશા ધારણ કરી. રાજપાટ છોડ્યા, સ્ત્રી–પુત્ર છોડ્યા, અને વસ્ત્ર પણ
છોડ્યા;

PDF/HTML Page 11 of 52
single page version

background image
: આસો : ૨૪૯૬ આત્મધર્મ : ૯ :
–સર્વ પરિગ્રહ છોડી દીધો, અને કષાયોને પણ છોડીને અંતરના એકત્વસ્વરૂપને ધ્યાવવા
લાગ્યા: મારો આત્મા સર્વ પરભાવોથી જુદો છે, હું એકલો છું, જ્ઞાન ને સુખથી પરિપૂર્ણ
છું આમ નિજાત્માને ધ્યાવવા લાગ્યા. અગ્નિવેગ–મુનિરાજ તો આ પ્રમાણે આત્માના
જ્ઞાન–ધ્યાનપૂર્વક વન–જંગલમાં વિચરી રહ્યા છે ને મોક્ષને સાધી રહ્યા છે.–એવામાં એક
બનાવ બન્યો.
પૂર્વભવનો કમઠ કે જે નરકમાં ગયો હતો ને ત્યાંથી નીકળીને મોટો અજગર
થયો હતો, તે અજગર પણ આ વિદેહક્ષેત્રમાં, ને આ વનમાં જ રહેતો હતો, શિકારની
શોધમાં તે જ્યાં–ત્યાં ભટકી રહ્યો હતો. મોટો અજગર મોઢું ફાડે ત્યાં તો જાણે ભોંયરું
હોય–એવું દેખાય. જંગલના કેટલાય પશુઓને તે આખેઆખા મોઢામાં ગળી જતો હતો.
ફૂંફાડા મારતો તે અજગર અહીં આવી પહોંચ્યો, અગ્નિવેગ–મુનિરાજને દેખીને તેમના
તરફ દોડ્યો......અરેરે, ક્ષમાધારી મુનિરાજને દેખીને પણ અજગરનો ક્રોધ દૂર ન થયો;
શાંતરસમાં ઝૂલતા મુનિરાજને દેખીને પણ એ અજગરનું ઝેર ન ઊતર્યું...તે તો ક્રોધપૂર્વક
મોઢું ફાડીને આખેઆખા મુનિરાજને પેટમાં ઊતારી ગયો. અજગરના પેટમાં પણ
મુનિરાજે આત્માના ધ્યાનપૂર્વક સમાધિમરણ કર્યું, ને તે સોળમા સ્વર્ગમાં ગયા. જુઓ
તો ખરા, એની ક્ષમા! અજગર ખાઈ ગયો તોપણ તેના ઉપર ક્રોધ ન કર્યો, પોતે
પોતાના આત્માની સાધનામાં જ રહ્યા. ક્રોધમાં તો દુઃખ છે, આત્માની સાધનામાં જ
પરમ શાંતિ છે. આવા શાંત ભાવથી તેમણે સમાધિમરણ કર્યું.
[] સોળમા સ્વર્ગનો દેવ અને છઠ્ઠી નરકનો નારકી
મુનિરાજ તો શાંતભાવથી સમાધિમરણ કરીને સોળમાં સ્વર્ગમાં ગયા, અને
અજગર ક્રોધભાવને લીધે પાછો છઠ્ઠી નરકમાં જઈને પડ્યો ને મહાદુઃખી થયો. બંનેનું
આયુષ્ય ૨૨ સાગરનું હતું. એક વખતના બે સગા ભાઈ, તેમાંથી એક તો ૨૨ સાગર
સુધી સ્વર્ગનાં સુખ ભોગવીને, અને બીજો ૨૨ સાગર સુધી નરકનાં દુઃખ વેઠીને, ત્યાંથી
બંને જીવો મનુષ્યલોકમાં આવ્યા,–તેમાંથી એક તો ચક્રવર્તી થયો, ને બીજો શિકારી ભીલ
થયો. તેની કથા હવેના પ્રકરણમાં આપ વાંચશો.
[] વજ્રનાભિ–ચક્રવર્તી અને શિકારી ભીલ
તેવીસમાં તીર્થંકર પારસનાથ ભગવાનના પૂર્વભવોનું વર્ણન આપણે વાંચી રહ્યા
છીએ. મરુભૂતિ–મંત્રીના ભવમાં તેના ભાઈ કમઠે તેને મારી નાંખ્યો, ત્યાંથી તે હાથી
થયો

PDF/HTML Page 12 of 52
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : આસો : ૨૪૯૬
ને આનંદસહિત સમ્યગ્દર્શન પામ્યો, પછી સર્પદંશથી મરીને સ્વર્ગમાં ગયો, પછી
પૂર્વવિદેહમાં અગ્નિવેગ–રાજકુમાર થયો, મુનિ થયો અને અજગર તેને ખાઈ ગયો; અને
ત્યાંથી સોળમા સ્વર્ગમાં ગયો, ને હવે પશ્ચિમ–વિદેહક્ષેત્રમાં જન્મીને ચક્રવર્તી થાય છે તેનું
આ વર્ણન છે.
જેમાં આપણે રહીએ છીએ તેનું નામ જંબુદ્વિપ છે; આ જંબુદ્વિપમાં વચ્ચે મેરૂપર્વત
છે, તેની પશ્ચિમદિશાના વિદેહક્ષેત્રમાં બાહુ અને સુબાહુ નામના તીર્થંકર ભગવંતો કાયમ
બિરાજે છે; હજારો કેવળી ભગવંતો અને લાખો મુનિવરો ત્યાં સદાય વિચરે છે. ધન્ય છે
તે દેશને–કે જ્યાં ધર્મી જીવોનાં ટોળેટોળાં વસે છે, ને જૈનધર્મનો જયજયકાર વર્તે છે.
તે સુંદર દેશમાં અશ્વપુરનગરના રાજાનું નામ વજ્રવીર્ય અને રાણીનું નામ
વિજયાદેવી. એકવાર રાણીએ આનંદકારી પાંચ મંગલ સ્વપ્ન દેખ્યા,–મેરૂપર્વત, સૂર્ય,
ચંદ્ર, દેવવિમાન, અને ભરેલું સરોવર–એ પાંચ સ્વપ્નની વાત તેણે રાજાને કરી, અને
પૂછ્યું કે હે મહારાજ! આ પાંચ સ્વપ્નનું ફળ શું છે?
રાજાએ કહ્યું કે તેના ફળમાં તને એક ઉત્તમ પુત્ર અવતરશે. અને તે ચક્રવર્તી
થશે.
રાણી તે સાંભળીને પ્રસન્ન થઈ અને પંચપરમેષ્ઠીનાં ગુણગાન કરવા લાગી.
થોડા વખતમાં તેને એક પુત્રનો જન્મ થયો, એનું નામ વજ્રનાભિ. આ જ આપણા
પારસનાથ ભગવાનનો જીવ! તે સ્વર્ગમાંથી અહીં અવતર્યો છે. રાજાએ પુત્ર જન્મનો
મોટો ઉત્સવ કર્યો. નાનકડો રાજકુમાર બાલચેષ્ટાથી સૌને આનંદ કરાવતો હતો...ભલે
નાનકડો–પણ મહાન આત્માને જાણનારો હતો; તે ક્યારેક આત્માની મધુરી વાતો કરતો,
તે સાંભળીને ઘણા જીવોને ધર્મની પ્રેરણા જાગતી; ક્યારેક તો એકાંતમાં ધ્યાન ધરીને
ચૈતન્યના ચિંતનમાં બેસતો–જાણે કોઈ નાનકડા મુનિ બેઠા હોય!
વજ્રનાભિ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ અનેક જાતની વિદ્યાઓ પણ તેને
ખીલવા લાગી. તે બુદ્ધિસંપન્ન કુમાર ન્યાય–નીતિના માર્ગે ચાલનારો હતો; અનેક
ગુણરત્નોનો ભંડાર હતો. યુવાન થતાં તેનો રાજ્યાભિષેક થયો. એકવાર ઉત્તમ
પુણ્યોદયથી ધર્મચક્રવર્તી તીર્થંકર તેના દેશમાં પધાર્યા, અને તે જ વખતે તેના
રાજ્યભંડારમાં ચક્રરત્ન ઉત્પન્ન થયું.–પુણ્ય કરતાં ધર્મ શ્રેષ્ઠ છે એમ સમજનાર તે
રાજકુમારે પહેલાં તો ધર્મચક્રીના દરબારમાં જઈને તીર્થંકરદેવનું પૂજન કર્યું, અને પછી
સુદર્શનચક્રનો ઉત્સવ કર્યો. તે સુદર્શનચક્રનું એવું સામર્થ્ય કે જે દુશ્મન

PDF/HTML Page 13 of 52
single page version

background image
: આસો : ૨૪૯૬ આત્મધર્મ : ૧૧ :
પર છોડે તેના પ્રાણ હરી લ્યે.–પણ આશ્ચર્યની વાત એ છે કે તે ચક્ર વડે એક પણ જીવની
હિંસા વગર જ તેણે છખંડને જીતી લીધા,–જાણે કે અહિંસા–ચક્ર વડે જ છએ ખંડ જીતીને
તે ચક્રવર્તી થયા. ચક્રવર્તીનો અપાર વૈભવ તેને મળ્‌યો, છન્નું કરોડ (૯૬, ૦૦,
૦૦૦૦૦) ગામ તેના તાબામાં હતા, તેના સૈન્યમાં ૮૪, ૦૦, ૦૦૦ ચોરાશીલાખ હાથી
હતા, તેને છન્નું હજાર રાણીઓ હતી; સાતસો તો ઉત્તમ રત્નમણિની ખાણ હતી.
બત્રીસહજાર રાજા–મહારાજાઓ તેના તાબામાં હતા; તેને ત્યાં નવ–નિધાન હતાં–તે
નિધાન ઈચ્છા પ્રમાણે વસ્ત્ર, શસ્ત્ર, અલંકાર, પુસ્તક, વાજીંત્ર, વાસણ, અને રત્નો
આપનારાં હતાં. તેની પાસે ૧૪ મહા રત્નો હતાં; અદ્ભુત સિંહાસન, છત્ર, ચામર વગેરે
વૈભવ હતો; પ૦ ગાઉ સુધી જેનો અવાજ સંભળાય એવી આનંદભેરી હતી; એના
રાજ્યના જિનમંદિરની શોભા કોઈ અદ્ભુત હતી. ઊંચામાં ઊંચા રત્નોથી તે જેવું શોભતું
હતું, તેનાં કરતાં પણ વધારે તો તેમાં બિરાજમાન અરિહંતદેવની વીતરાગ પ્રતિમાથી તે
શોભતું હતું.
–આવો અદ્ભુત વૈભવ હોવા છતાં તે ચક્રવર્તી જાણતા હતા કે આ બધાય
બહારના વૈભવ કરતાંય જુદી જાતનો મારો અનંત ચૈતન્યવૈભવ છે, તે જ સુખનો દાતાર
છે. બહારનો કોઈ વૈભવ સુખનો દાતાર નથી, તેમાં તો આકુળતા છે. પુણ્યના ફળથી
મળેલો બહારનો વૈભવ તો થોડો કાળ રહેનારો છે, મારો આત્મવૈભવ અનંતકાળ મારી
સાથે રહેનાર છે; સમ્યગ્દર્શનરૂપી સુદર્શન ચક્ર વડે મોહને જીતીને હું મોક્ષસામ્રાજ્ય
મેળવીશ, તે જ મારું ખરું સામ્રાજ્ય છે. આવા ભાનપૂર્વક તે જગતથી ઉદાસ હતો––
दास भगवंतको उदास रहे जगतसों,
सुखीया सदैव ऐसे जीव समकिती है
ચક્રવર્તીરાજમાં રહ્યાં છતાં અંતરમાં અદ્ભુત જ્ઞાનપરિણતિ સહિત તે દરરોજ
અરિહંતદેવની પૂજા કરતા, મુનિવરોની સેવા કરતા, શાસ્ત્રની સ્વાધ્યાય કરતા,
સામાયિક વગેરે ક્રિયાઓ કરતા. આમ ધર્મ–સંસ્કારથી ભરેલું તેમનું જીવન બીજા જીવોને
પણ આદર્શરૂપ હતું રાજ્ય કરતાં કરતાં પણ તે કદી આત્માના ધર્મને ભૂલતા ન હતા.
આ પ્રમાણે રાજ્ય કરતાં કરતાં કેટલાય વર્ષો વીતી ગયા.
એક દિવસે ક્ષેમંકર નામના મુનિરાજ તેની નગરીમાં પધાર્યા, અદ્ભુત વીતરાગ
એમનો દેદાર હતો, અવધિજ્ઞાનના તે ધારક હતા. વજ્રનાભી ચક્રવર્તી તેમનાં દર્શન

PDF/HTML Page 14 of 52
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : આસો : ૨૪૯૬
કરવા ગયા અને તેમને દેખતાં જ તેની આંખો આનંદથી ઊભરાઈ ગઈ.–ધન્ય
રત્નત્રયધારી મુનિરાજ! આપનાં વીતરાગી ત્રણ રત્નો પાસે આ ચક્રવર્તીનાં ચૌદ રત્નો
સાવ તુચ્છ છે. આમ અત્યંત ભક્તિપૂર્વક મુનિરાજને ત્રણ પ્રદક્ષિણા કરી, તેમને વંદન
કર્યું તથા સ્તુતિ અને પૂજા કરી; પછી આત્માના હિતનો ઉપદેશ સાંભળવાની જિજ્ઞાસા
પ્રગટ કરી.
ત્યારે મુનિરાજે તેમને મોક્ષમાર્ગનો અલૌકિક ઉપદેશ આપ્યો; સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રનો વીતરાગભાવ સમજાવ્યો, અને મોક્ષને માટે આવો વીતરાગભાવ જ કર્તવ્ય
છે–એમ બતાવ્યું. હે જીવ! આ સંસારદુઃખથી જો તું છૂટવા ચાહતો હો તો આવી
ચારિત્રદશાને અંગીકાર કર. રાગ આત્માનો સ્વભાવ નથી, રાગ તો દુઃખ છે; તેથી
ક્યાંય પણ જરાય રાગ ન કરતાં, વીતરાગ થઈને ભવ્ય જીવ ભવસાગરને તરે છે. હે
રાજા! તું પણ આવા વીતરાગ ધર્મને સાધવા માટે તત્પર થા. તને આત્માનું ભાન તો છે
ને હવે થોડા જ ભવ બાકી છે, પછી તું તીર્થંકર થઈને મોક્ષ પામીશ.
મુનિરાજનો આવો વીતરાગ ઉપદેશ સાંભળીને ચક્રવર્તી રાજા ઘણા પ્રસન્ન થયા,
ને તેમને પણ ઉત્તમ વૈરાગ્ય ભાવનાઓ જાગી. શરીર અને ભોગોથી તેનું મન ઉદાસ
થયું ને ધર્મમાં તેનો ઉત્સાહ ઘણો વધી ગયો. તેણે અત્યંત વિનયપૂર્વક મુનિરાજની પાસે
મુનિદીક્ષાની પ્રાર્થના કરી.
હે પ્રભો! આપના ઉપદેશથી મારું મન આ સંસારથી અત્યંત ઉદાસ થયું છે,
પરભાવોથી વિરક્ત થઈને હવે નિજસ્વરૂપમાં લીન થવા મારો આત્મા તત્પર થયો છે; હે
દેવ! આ જગતમાં મારો શુદ્ધઆત્મા જ મારે માટે ધ્રુવ છે, શરીરાદિ સમસ્ત સંયોગો
અધ્રુવ છે, તે કોઈ મને શરણરૂપ નથી, સમસ્ત પરદ્રવ્યો અને પરભાવોથી અત્યંત જુદો,
ને જ્ઞાન–દર્શનથી પરિપૂર્ણ મારો આત્મા એક છે–એમ મેં જાણ્યું છે. આનંદમય મારો
આત્મા જ પવિત્ર છે, શરીર અને રાગાદિ આસ્રવો તો અશુચીના ભંડાર છે. તે
અજ્ઞાનમય આસ્રવોને લીધે મેં સંસારની ચાર ગતિમાં ભવ કરી કરીને ખૂબ દુઃખ
ભોગવ્યાં. દેવલોકમાંય રાગદ્વેષથી દુઃખ થયો, મનુષ્યમાં પણ ઈષ્ટનો વિયોગ, અનિષ્ટનો
સંયોગ–એવા પ્રસંગથી આર્તધ્યાન–રૌદ્રધ્યાન કરીને દુઃખ થયો; ક્યારેક પુત્ર કે ભાઈ પણ
વેરી થયા, ક્યારેક શરીરમાં રોગ–પીડા થઈ, તો ક્યારેક માસિક પીડાથી દુઃખી થયો,
તિર્યંચ અને નરકના અવતારમાં જે ભયંકર દુઃખો જીવે મોહથી અનંતવાર ભોગવ્યા–
તેની તો શી વાત? પ્રભો! આ

PDF/HTML Page 15 of 52
single page version

background image
: આસો : ૨૪૯૬ આત્મધર્મ : ૧૩ :
દુઃખમય સંસારથી આપ મારો ઉદ્ધાર કરો.......રત્નત્રયરૂપી જહાજ વડે આપ આ
ભવસમુદ્રથી મને તારો. સંસારમાં સુખ નથી તેથી તીર્થંકરો પણ સંસારને છોડીને મોક્ષને
સાધે છે. પ્રભો! હું પણ મુનિદીક્ષા લઈને તીર્થંકરોના પંથે આવવા ચાહું છું.
મુનિરાજે કહ્યું–હે ભવ્ય! તારી ભાવના ઉત્તમ છે. સંસારના સુખોથી જીવને કદી
સંતોષ થવાનો નથી, મોક્ષસુખ એ જ સાચું સુખ છે. જીવે ભવચક્રમાં ભમતાં ભમતાં
બીજા બધા ભાવો અનંતવાર ભાવ્યા છે, પણ આત્મભાવને કદી ભાવ્યો નથી,
સમ્યક્ત્વાદિ ભાવો કદી સેવ્યાં નથી. માટે આ મનુષ્યઅવતારમાં તેની જ ભાવના કરવા
જેવી છે. તું ચક્રવર્તીરાજને પણ અસાર જાણીને છોડવા તૈયાર થયો છે અને સારભૂત
રત્નત્રયને ધારણ કરવા તૈયાર થયો છે, તેથી તને ધન્ય છે. આમ કહીને તે મુનિરાજે
વજ્રનાભી ચક્રવર્તીને મુનિપદની દીક્ષા આપી. તે ચક્રવર્તી હવે રાજપાટ છોડીને
જિનમુદ્રાધારી મુનિ થયા. ચક્રવર્તીની છખંડની વિભૂતિના ઉપભોગથી તેઓ સંતુષ્ટ ન
થયા તેથી મોક્ષના અખંડસુખને સાધવા માટે તત્પર થયા. ધન્ય તે મુનિરાજ! તેમના
ચરણોમાં નમસ્કાર હો.–
ધન્ય મુનિશ્વર આતમહિતમેં છોડ દિયા પરિવાર....કિ તુમને છોડા સબ સંસાર...
ધન છોડા વૈભવ સબ છોડા, જાના જગત અસાર.....કિ તુમને છોડા સબ સંસાર...
આત્મસ્વરૂપમેં ઝુલતે......કરતે નિજ આતમ ઉદ્ધાર.....કિ તુમને છોડા સબ સંસાર..
ઊંચા હાથીના હોદે બેસનારા ચક્રવર્તી હવે ઊઘાડે પગે વનમાં ચાલવા
લાગ્યા...રત્નમણિ જડેલા વસ્ત્ર વગરના તે મુનિરાજ રત્નત્રયથી શોભવા લાગ્યા.
સોનાની થાળીમાં જમનારા ચક્રવર્તી હવે હાથમાં જ ભોજન લેવા લાગ્યા. એણે ૧૪
રત્નો છોડીને ત્રણ રત્નો લીધાં... નવનિધાન છોડીને અખંડ આનંદના નિધાનને સાધવા
લાગ્યા...છન્નું હજાર રાણીઓ અને છન્નું કરોડની સેના–તે બધાયનો સંગ છોડીને,
અસંગપણે વન–જંગલમાં વસવા લાગ્યા, ને ચૈતન્યસ્વરૂપ આત્માનું ધ્યાન કરવા લાગ્યા.
એકવાર તે મુનિરાજ જંગલમાં બેઠા બેઠા આત્માનું ધ્યાન કરી રહ્યા
હતા...સિદ્ધભગવાન જેવું પોતાના આત્માનું સુખ, તેનો વારંવાર અનુભવ કરતા
હતા..જંગલમાં આસપાસ શું બની રહ્યું છે તેનું તેમને લક્ષ નથી...શરીરનું પણ લક્ષ નથી,
દેહથી ભિન્ન આત્મા–હું જ પરમાત્મા છું–એવા ધ્યાનમાં એકાગ્ર હતા.
એવામાં........એવામાં દૂરથી સનસનાટી કરતું એક તીર આવ્યું ને એ મુનિરાજનું શરીર
વીંધાઈ ગયું........

PDF/HTML Page 16 of 52
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : આસો : ૨૪૯૬
–ક્યાંથી આવ્યું એ તીર? તેમનો પૂર્વભવનો ભાઈ, કમઠનો જીવ–કે જે નરકમાં
હતો અને ત્યાંથી નીકળીને કુરંગ નામનો શિકારી ભીલ થયો હતો તેણે એ તીર માર્યું
હતું. તે ભીલ આ વનમાં રહેતો હતો, ને હાથમાં ધનુષ–બાણ લઈને ક્રૂર ભાવથી હરણ
વગેરે પશુઓની હિંસા કરતો હતો; તે માંસનો લાલચુ હતો, આ રીતે તે મહાન પાપ
બાંધી રહ્યો હતો. વનમાં ફરતાં ફરતાં તે ભીલ, જ્યાં મુનિરાજ ધ્યાનમાં બેઠા હતા ત્યાં
આવી પહોંચ્યો, ને મુનિરાજને જોતાં જ, પરમ ભક્તિભાવ આવવાને બદલે પૂર્વ ભવના
સંસ્કારથી તેને ક્રોધ આવ્યો, હાથમાં બાણ લઈને તેણે મુનિ તરફ તાક્યું ને તે બાણવડે
મુનિરાજનું શરીર વીંધાઈ ગયું.
અરેરે! ક્રોધ કેવો બુરો છે! ક્યાં જીવનો ઉપશાંત સ્વભાવ! ને ક્યાં આ ક્રોધ!
ક્રોધથી અંધ થયેલો ક્રૂર જીવ, આ નાનકડા ભગવાન જેવા મુનિરાજને પણ ઓળખી ન
શક્યો...ને ધ્યાનમાં સ્થિર એ અહિંસક મુનિરાજની વગરકારણે હિંસા કરીને તે જીવે
તીવ્ર અનંતાનુબંધી ક્રોધથી સાતમી નરકનું આયુષ્ય બાંધી દીધું. ક્રોધથી ભાન ભૂલેલા
જીવને એટલું પણ ભાન ન રહ્યું કે આ ક્રોધના ફળમાં કેટલા ભયંકર દુઃખો ભોગવવા
પડશે!
શરીર વીંધાઈ ગયું છે તોપણ મુનિરાજ તો પોતાના આત્મસ્વભાવમાં નિશ્ચલ છે,
એમના ધ્યાનમાં કોઈ શત્રુ કે મિત્ર નથી, રાગ કે દ્વેષ નથી, કોઈ પૂજે કે કોઈ બાણ
મારે–તે બંને પ્રત્યે સમભાવ છે, જીવન અને મરણમાં પણ તેમને સમભાવ છે, દેહનુંય
તેમને મમત્વ નથી, આત્માના આનંદમાં એવા મશગુલ છે કે દેહ વીંધાવા છતાં તેનું દુઃખ
નથી; મોહ હોય તો દુઃખ થાય ને? નિર્મોહીને દુઃખ શું? એ તો નિર્મોહપણે ધર્મધ્યાનમાં
જ એકાગ્ર છે. બાણ મારનાર ભીલ ઉપર પણ તેમને ક્રોધ થતો નથી. વાહ રે વાહ! ધન્ય
ક્ષમાના ભંડાર મુનિરાજ!
વહાલા વાંચક! તું પણ એ ભીલ ઉપર ક્રોધ ન કરીશ....પણ ક્ષમાના ભંડાર
એવા મુનિરાજ પાસેથી ઉત્તમ ક્ષમાના પાઠ શીખજે.
વજ્રનાભી મુનિરાજ પોતાના દર્શન–જ્ઞાન–ચારિત્રની આરાધનામાં અડગ રહ્યા,
તેમાં ભંગ પડવા ન દીધો, ધર્મધ્યાનમાં એકાગ્રતાપૂર્વક શરીર છોડીને તેમણે
સમાધિમરણ કર્યું અને મધ્યમ ગ્રૈવેયકમાં અહમીન્દ્ર થયા.
ભીલનો જીવ પોતાના મહાપાપનું ફળ ભોગવવા માટે સાતમી નરકમાં ગયો.
રૌદ્રધ્યાનથી મુનિની હત્યા કરી તેથી તે મહા દુઃખી થયો. સંસારમાં ભમતાં જીવે

PDF/HTML Page 17 of 52
single page version

background image
: આસો : ૨૪૯૬ આત્મધર્મ : ૧પ :
અજ્ઞાનદશામાં આવા ભાવો ઘણીવાર કર્યા છે. એ જીવ પણ ક્ષણમાં પોતાના ભાવો
પલટીને, પોતાનું હિત સાધી શકે છે. અત્યારનો આ પાપી જીવ પણ ક્ષણમાં કેવો પલટો
કરીને આત્માનો ઉદ્ધાર કરે છે તે તમે થોડા વખતમાં વાંચશો, અને ત્યારે એ જ જીવ
ઉપર તમને પ્રેમ આવશે.
(વિશેષ આવતા અંકમાં)
[આ પારસનાથ ભગવાનના દશભવની પવિત્રકથાનું સુંદર સચિત્ર પુસ્તક
દીવાળી પહેલાં તૈયાર થઈ જશે. દિવાળી પ્રસંગે બોણીમાં ભેટ આપવા માટે તે સુંદર
અને સર્વોપયોગી છે. મૂલ્ય ૮૦ પૈસા.
– બ્ર હરિલાલ જૈન.)
શ્રી ગુરુકી
પંચ–પ્રસાદી
(૧) ચૈતન્યમાં ઊંડે ઊતરતાં ગંભીર જ્ઞાનચેતના વડે વીતરાગી
આનંદનો અનુભવ પ્રગટે છે. ધર્મીની જ્ઞાનચેતનાના અંતરના
અનુભવના પરિણામ સૂક્ષ્મ–ગંભીર–ઊંડા છે.
(૨) જે વિકલ્પ કરવામાં જ ઊભો છે ને નિર્વિકલ્પ–જ્ઞાનચેતનામાં
આવતો નથી તે જ વિકલ્પનો કર્તા છે; નિર્વિકલ્પ–જ્ઞાનચેતનામાં
આવ્યા વગર વિકલ્પનું કર્તાપણું (અજ્ઞાન) છૂટતું નથી. અને
જ્યાં અંતર્મુખ નિર્વિકલ્પ અનુભવમાં આવ્યો ત્યાં વિકલ્પ વગરની
જ્ઞાનચેતના પ્રગટી, તેમાં વિકલ્પના કોઈ અંશનું કર્તૃત્વ રહેતું
નથી.
(૩) વિકલ્પને જે પોતારૂપ જાણે તેને તેનું કર્તાપણું કેમ છૂટે? અને જે
અંતર્મુખ જ્ઞાનભાવમાં તન્મય થયો તેને વિકલ્પનું કર્તાપણું કેમ રહે?
(૪) ચૈતન્યના આનંદની અનુભૂતિ વિકલ્પમાં આવી શકતી નથી.
(પ) જ્ઞાનબગીચામાં કેલિ કરતા કરતા જ્ઞાનીઓ મોક્ષને સાધે છે.

PDF/HTML Page 18 of 52
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : આસો : ૨૪૯૬
જ્ઞાન ચેતના
– જે કર્મને કરતી નથી;
– જે કર્મફળને ભોગવતી નથી.
– જે સદા આનંદરસને પીએ છે.
ધર્મીને જ્ઞાનચેતના પ્રગટી છે; તે જ્ઞાનચેતના નવાં કર્મોને બાંધતી નથી, તેમજ
પૂર્વકર્મનાં ફળને ભોગવતી નથી, તે તો ચૈતન્યસ્વભાવને જ અવલંબતી થકી પોતાના
આત્માને જ સંચેતે છે, આનંદસહિત તેને જ અનુભવે છે, અને નૈષ્કર્મરૂપે પરિણમે છે
એટલે કે કર્મને કરતી નથી– ભોગવતી પણ નથી. પરિણતિ તો વળી ગઈ અંતરમાં, ત્યાં
કર્મ તરફ વલણ ન રહ્યું. એટલે તે પરિણતિમાં કર્મને કરવાપણું કે કર્મફળને
ભોગવવાપણું નથી. આ રીતે કર્મચેતના અને કર્મફળ–ચેતના બંનેથી રહિત
જ્ઞાનચેતનાનો અનુભવ તે ધર્મ છે, ધર્મીને આવી જ્ઞાનચેતના હોય છે. બહારના
જાણપણાથી આવી જ્ઞાનચેતના ન પ્રગટે; જેનું જ્ઞાન રાગાદિથી ભિન્ન થઈને અંતરના
ચેતનસ્વભાવમાં એકાગ્ર થયું તેને જ જ્ઞાનચેતના પ્રગટી છે.
રાગથી ભિન્ન આત્માના અનુભવરૂપ જ્ઞાનચેતનાનો અભ્યાસ ન હોવાથી
જીવોને તે કઠિન છે, પણ તે એવું નથી કે થઈ ન શકે. રાગ અને જ્ઞાન એકમેક થયા
નથી તેથી તેમનું ભેદજ્ઞાન કરીને શુદ્ધ જ્ઞાનચેતનાનો અનુભવ થઈ શકે છે, તે અશક્ય
નથી પણ શક્ય છે. પોતે પરિણામ બહારમાં જોડે છે તેને બદલે આત્માની રુચિ કરીને
તેમાં પરિણામ જોડે તો તેનો અનુભવ જરૂર થાય છે.
અજ્ઞાનીને પરપરિણતિ સુગમ લાગે છે ને સ્વપરિણતિ કઠણ લાગે છે. આત્માનો
અનુભવ કઠણ છે–એમ કહીને તે આત્મામાં ઉપયોગને જોડવાનો ઉદ્યમ જ નથી કરતો,
ને પરભાવોમાં ઉત્સાહથી ઉપયોગને જોડે છે,–તે જીવ સ્વરૂપની ચાહ વગરનો બહિરાત્મા
છે. ભાઈ, તું આત્માની રુચિ કરીને તેમાં ઉપયોગ લગાવ તો આ કાળે પણ આત્માનો
અનુભવ થઈ શકે છે. રાગવડે

PDF/HTML Page 19 of 52
single page version

background image
: આસો : ૨૪૯૬ આત્મધર્મ : ૧૭ :
એવો અનુભવ ન થાય પણ જ્ઞાનચેતના વડે તો આત્માનો સાક્ષાત્ અનુભવ થાય છે;
અત્યારે પણ તે થઈ શકે છે. એવી જ્ઞાનચેતનાનું આ વર્ણન છે.
‘જ્ઞાનચેતના’ તો જ્ઞાનચેતનારૂપ રહે છે, તે હર્ષ–શોકરૂપ થતી નથી, માટે
જ્ઞાનચેતનારૂપ થયેલા જ્ઞાની કર્મફળને ભોગવતા નથી. આત્માનું જે સંચેતન તેમાં
કર્મફળનું સંચેતન નથી. અધૂરાપણું, વિકાર કે સંયોગ–એવું જે કર્મફળ, તેનો અનુભવ
શુદ્ધઆત્માના સંચેતનમાં નથી.
સમ્યગ્દર્શન–પર્યાયનો મહિમા તે શુદ્ધઆત્માનો જ મહિમા છે. સમ્યક્દર્શનપર્યાય
શુદ્ધાત્માના આશ્રયથી પ્રગટી છે, એટલે તે સમ્યગ્દર્શનના મહિમામાં શુદ્ધઆત્મદ્રવ્યનો
મહિમા આવી જ ગયો.
અહો, સમ્યગ્દર્શન કરતાંય ચારિત્રનો મહિમા અનંતગુણો છે, એવી
ચારિત્રદશાવાળા મુનિનાં દર્શન પણ ક્યાંથી!–પણ એવી ચારિત્રદશાય શુદ્ધાત્મામાં
એકાગ્રતાથી જ પ્રગટે છે; એટલે જેણે આત્માને જાણી લીધો તેણે ભગવાનને અને
મુનિને પણ દેખી લીધા. પોતાનો આત્મા પૂર્ણ આનંદપણે વિદ્યમાન છે...આવા
સ્વઅસ્તિત્વનો સ્વીકાર કરીને પર્યાય તેમાં ઘૂસી ગઈ ત્યાં તે પર્યાય પણ આનંદરૂપ
થઈ. ક્યાંય બીજે આનંદ શોધવાપણું રહેતું નથી.
અંતર્મુખ થઈને જે ચેતના શુદ્ધઆત્માના સંચેતનમાં આવી તે ચેતનામાં
પરભાવનો ભોગવટો કેમ હોય?–ન જ હોય; કેમ કે શુદ્ધઆત્મામાં તે પરભાવનું
અસ્તિત્વ નથી, એટલે શુદ્ધઆત્માના ભોગવટામાં તે પરભાવનો (કે ૧૪૮ કર્મનાં
ફળનો) ભોગવટો નથી. આનું નામ જ્ઞાનચેતના છે. આ જ્ઞાનચેતના આનંદરૂપ છે. તેથી
કહે છે કે આવી જ્ઞાનચેતનારૂપ થઈને સદાકાળ તમે આનંદરૂપ રહો.
જ્ઞાનચેતના આત્માના પ્રશમરસને પીનારી છે, અજ્ઞાનચેતનાથી તો કષાયરસનો
કડવો અનુભવ હતો, પણ હવે અંતરની જ્ઞાનચેતનાવડે હે જ્ઞાનીજનો! તમે સદાકાળ
ચૈતન્યના પરમ આનંદરૂપ પ્રશમરસને પીઓ...ભગવાન આત્માના અમૃતરસના
અનુભવમાં જ તરબોળ બનો. જુઓ, આચાર્યદેવે કેવું સરસ આશીર્વાદ–વચન કહ્યું છે!
સમ્યગ્દર્શન થયું ને

PDF/HTML Page 20 of 52
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : આસો : ૨૪૯૬
જ્ઞાનચેતના પ્રગટી ત્યારથી માંડીને સદાકાળ અનંતકાળ સુધી જ્ઞાનચેતનારૂપે જ
પરિણમતા થકા જ્ઞાનીજનો નિજાનંદરસનું પાન કરો...અહો, આનંદના દરિયા અંતરમાં
દેખ્યા...તેને જ હવે સદાકાળ અનુભવ્યા કરો. આમ ધર્મીજીવોને પ્રેરણા કરી છે...ને
આવા પ્રશમરસને પીનારી જ્ઞાનચેતનાની પ્રશંસા કરી છે. આવી જ્ઞાનચેતના સદાકાળ
આનંદરૂપ છે.
[સમયસાર–સર્વવિશુદ્ધજ્ઞાનઅધિકારના પ્રવચનમાંથી]
વીતરાગી
સન્તો કહે છે–
શ્રી નેમિચન્દ્રસિદ્ધાંત ચક્રવર્તી કહે છે કે–હે
ભવ્ય! નિર્વિકલ્પ–ધ્યાનની પ્રસિદ્ધિ માટે
તારા ચિત્તને સ્થિર કરવા ચાહતો હો તો
ઈષ્ટ–અનિષ્ટ પદાર્થોમાં મોહી ન થા, રાગી
ન થા, દ્વેષી ન થા.
શ્રી કુંદકુંદાચાર્યદેવ કહે છે કે
નિધિ પામીને જન કોઈ
નિજ વતને રહી ફળ ભોગવે,
ત્યમ જ્ઞાની પરજનસંગ છોડી
જ્ઞાનનિધિને ભોગવે.
મુનિરાજ શ્રી પદ્મપ્રભસ્વામી કહે છે કે–
ગુરુચરણોના સમર્ચનથી ઉત્પન્ન થયેલા
નિજમહિમાને જાણતો કોણ વિદ્વાન ‘આ
પરદ્રવ્ય મારું છે’ એમ કહે?
શ્રી પદ્મનંદી–મુનિરાજ કહે છે કે–જે જીવ
વારંવાર આ આત્મતત્ત્વનો અભ્યાસ કરે
છે, કથન કરે છે, વિચાર કરે છે અને
સમ્યક્ ભાવના કરે છે, તે નવ
કેવલલબ્ધિસહિત અક્ષય ઉત્તમ અને
અનંત એવા મોક્ષસુખને શીઘ્ર પામે છે.