Atmadharma magazine - Ank 324
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 52
single page version

background image
: આસો : ૨૪૯૬ આત્મધર્મ : ૧૯ :
. लिंग प्राभृत
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવરચિત અષ્ટપ્રાભૃતની કુલ પ૦૩
મૂળ ગાથાઓના ગુજરાતી અર્થ આ અંકે પૂરા થાય છે. દર્શનપ્રાભૃત,
સૂત્રપ્રાભૃત, ચારિત્રપ્રાભૃત, બોધપ્રાભૃત, ભાવપ્રાભૃત, અને
મોક્ષપ્રાભૃત આત્મધર્મ અંક ૩૨૧–૩૨૨–૩૨૩ માં આવી ગયા છે,
બાકીનાં બે લિંગપ્રાભૃત અને શીલપ્રાભૃત આ અંકમાં આપેલ છે. આ
અષ્ટપ્રાભૃતના રસાસ્વાદનથી જિજ્ઞાસુઓએ પ્રસન્નતા વ્યક્ત કરી છે.
હાલમાં અષ્ટપ્રાભૃત ઉપર ચોથી વખત પ્રવચન ચાલે છે.
*****
૧. અરિહંતોને તેમજ સિદ્ધભગવંતોને નમસ્કાર કરીને, શ્રમણલિંગનું પ્રતિપાદક
પ્રાભૃતશાસ્ત્ર સમાસથી કહું છું.
૨. ધર્મ હોય ત્યાં તેનું લિંગ હોય છે, પણ એકલા બાહ્ય લિંગ વડે ધર્મની સંપ્રાપ્તિ થઈ
જતી નથી; માટે હે જીવ! તું ભાવધર્મને જાણ; બાહ્યલિંગથી તારે શું કર્તવ્ય છે?
૩. જિનવરેન્દ્રોએ ધારણ કરેલા એવા મુનિલિંગને ગ્રહણ કરીને પણ, પાપથી
મોહિતમતિવાળો જે જીવ લિંગીભાવનો (અર્થાત્ ભાવલિંગનો) ઉપહાસ કરે છે
તે તો લિંગધારકોમાં નારદ સમાન ભેષધારી છે.
૪. મુનિલિંગરૂપ ભેખ ધારણ કરીને પણ જે નાચે છે, ગાય છે, વાજિંત્ર વગાડે છે તે
પાપથી મોહિતબુદ્ધિવાળો જીવ તિર્યંચયોનિ–પશુ જેવો છે, તે શ્રમણ નથી.
૫. જે ઘણા પ્રયત્નથી પરિગ્રહનો સંગ્રહ કરીને તેમાં સંમૂર્છિત રહે છે, તેની રક્ષા કરે
છે અને આર્ત્તધ્યાન કરે છે તે પાપથી મોહિતબુદ્ધિવાળો જીવ તિર્યંચયોનિ–પશુ
જેવો છે, તે શ્રમણ નથી.
૬. દ્રવ્યલિંગ ધારણ કરીને પણ જે કલહ કરે છે, વાદ કરે છે, જુગાર રમે છે અને
નિત્ય ઘણા માન–ગર્વ સહિત વર્તે છે,–એ રીતે મુનિલિંગ ધારણ કરીને પણ પાપ
કરે છે–તે જીવ નરકમાં જાય છે.

PDF/HTML Page 22 of 52
single page version

background image
: ર૦ : આત્મધર્મ : આસો : ૨૪૯૬
૭. પાપવડે જેનો ભાવ હણાઈ ગયો છે અને દ્રવ્યલિંગમાં રહીને પણ જે અબ્રહ્મને
સેવે છે તે પાપથી મોહિતમતિવાળો જીવ સંસારરૂપી ઘોરવનમાં ભમે છે.
૮. મુનિલિંગ ધારણ કરીને પણ જે દર્શન–જ્ઞાન–ચારિત્રને તો ધારણ નથી કરતો
અને આર્ત્તધ્યાનને ધ્યાવે છે તે અનંત સંસારી થાય છે.
૯. જે વિવાહ યોજે છે તેમ જ ખેતીકર્મ, વેપાર કે જીવહિંસાના કાર્ય યોજે છે,–એ
રીતે મુનિલિંગ ધારણ કરીને પણ પાપ કરે છે તે જીવ નરકમાં જાય છે.
૧૦. મુનિલિંગ ધારણ કરીને પણ જે ચોર લોકોમાં, જૂઠ બોલનારમાં કે રાજકાર્યમાં–
યુદ્ધ–વાદવિવાદ વગેરે કરાવે છે, તથા યંત્ર–ચોપાટ–શતરંજ વગેરે
તીવ્રકષાયવાળા કર્મોમાં પ્રવર્તે છે તે લિંગી નરકવાસને પામે છે.
૧૧. મુનિલિંગ ધારણ કરવા છતાં, દર્શન–જ્ઞાન–ચારિત્રમાં કે તપ–સંયમ–નિયમરૂપ
નિત્યકાર્યમાં વર્તતાં જે દુઃખી થાય છે, અથવા તેમાં વર્તનારા બીજા જીવોને જે
પીડા ઉપજાવે છે તે લિંગી નરકમાં જાય છે.
૧૨. જે મુનિલિંગ ધારણ કરીને ભોજનમાં રસગૃદ્ધિ કરે છે, કંદર્પાદિ
પાપભાવનાઓમાં વર્તે છે, તથા માયાવી અને દુરાચારી છે તે મુનિલિંગને
લજાવનારો તિર્યંચયોનિ–પશુ જેવો છે, તે શ્રમણ નથી.
૧૩. દ્રવ્યલિંગ ધારણ કરીને પણ જે આહાર માટે આકુળતાથી જાય છે, અને કલહ
કરીને આહાર ખાય છે, તથા બીજા સાથે ઈર્ષા કરે છે,–તે શ્રમણ જિનમાર્ગી
નથી.
૧૪. જે અદત્તદાનને ગ્રહણ કરે છે, પરનિંદામાં અને પરને દૂષણ દેવામાં તત્પર છે, તે
શ્રમણ જિનલિંગનો ધારક હોવા છતાં ચોર જેવો છે.
૧૫. ઈર્યાપથસહિત જિનલિંગનું રૂપ ધારણ કરીને પણ જે ઉત્પાતપૂર્વક દોડે છે, પૃથ્વી
ખોદે છે, તે શ્રમણ નથી પણ તિર્યંચયોનિ અર્થાત્ પશુ જેવો છે.
૧૬. બંધના ભય વગર (અથવા બંધમાં જ રત વર્તતો થકો) જે અનાજને ખાંડે છે,
પૃથ્વીને ખોદે છે તથા અનેક વૃક્ષસમૂહને ઉખેડે છે, તે શ્રમણ નથી પણ
તિર્યંચયોનિ અર્થાત્ પશુ જેવો છે.
૧૭. જે હંમેશા મહિલાવર્ગ પ્રત્યે રાગ કરે છે, અને બીજા પર દોષારોપણ કરે છે, તથા
પોતે દર્શન–જ્ઞાનથી રહિત છે, તે શ્રમણ નથી પણ તિર્યંચયોનિ અર્થાત્ પશુ જેવો છે.

PDF/HTML Page 23 of 52
single page version

background image
: આસો : ૨૪૯૬ આત્મધર્મ : ૨૧ :
૧૮. જેને પ્રવજ્યાહીન ગૃહીજનો પ્રત્યે તથા શિષ્યો પ્રત્યે અતિશય સ્નેહ–રાગ વર્તે છે,
તથા જે સાધુના આચાર તથા વિનયથી રહિત છે, તે શ્રમણ નથી પણ
તિર્યંચયોનિ અર્થાત્ પશુ જેવો છે.
૧૯. એ રીતે, જે મુનિવર વિપરિત પ્રવૃત્તિ સહિત વર્તે છે તે, સંયમીસાધુઓની વચ્ચે
રહેતો હોવા છતાં અને ઘણાં શાસ્ત્રોનો જાણકાર હોવા છતાં, ભાવશુદ્ધિથી રહિત
હોવાથી શ્રમણ નથી.
૨૦. જે મહિલાવર્ગમાં વિશ્વાસ ઉપજાવીને તેને દર્શન–જ્ઞાન–ચારિત્ર આપે છે તે સાધુ
પાર્શ્વસ્થ (ભ્રષ્ટ) થી પણ હલકો છે, તે ભાવશુદ્ધિ રહિત છે, તે શ્રમણ નથી.
૨૧. દુરાચારી સ્ત્રીના ઘરે જે ભોજન લ્યે છે, નિત્ય તેની સ્તુતિ–પ્રશંસા કરીને પિંડનું
પોષણ કરે છે, તે બાલસ્વભાવને (અજ્ઞાનને) પામે છે; તે ભાવશુદ્ધિ વગરનો
છે, તે શ્રમણ નથી.
૨૨. આ રીતે આ લિંગપ્રાભૃત સર્વબુદ્ધ એવા જિનવરોએ ઉપદેશ્યું છે, તેમાં કહેલા
મુનિધર્મનું જે કષ્ટસહિત–યત્ન પૂર્વક પાલન કરે છે તે ઉત્તમ સ્થાનને અવગાહે છે.
(સાતમું લિંગપ્રાભૃત સમાપ્ત)
આ રા ધ ના
અનાદિ મિથ્યાદ્રષ્ટિ એવા ભદ્રણાદિ
રાજપુત્રો તે જ ભવમાં ત્રસપણું પામ્યા અને
જિનેન્દ્રદેવના પાદકમળની નીકટમાં ધર્મશ્રવણ
કરીને સમ્યગ્દર્શન તથા સંયમને પામ્યા અને ઘણા
જ થોડા કાળમાં રત્નત્રયની પૂર્ણતા કરીને સિદ્ધ
થયા.......માટે આરાધના જ સાર છે.
ભગવતી આરાધના ગા. ૧૭

PDF/HTML Page 24 of 52
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : આસો : ૨૪૯૬
. शील प्राभृत
૧. જેઓ વિશાલનયનવાળા છે, અને જેમનાં ચરણ રાતા કમળ જેવા કોમળ છે,
એવા વીરજિનને ત્રિવિધે પ્રણમીને શીલગુણોનું કથન કરું છું.
૨. શીલને અને જ્ઞાનને વિરોધ નથી–એમ બુધજનોએ દર્શાવ્યું છે. વળી શીલ વગર
તો વિષયો જ્ઞાનનો વિનાશ કરે છે.
૩. પ્રથમ તો, દુષ્કરપણે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે; જ્ઞાનને જાણીને તેની ભાવના દુષ્કર
છે; અને ભાવિતમતિ એટલે કે જેણે જ્ઞાનની ભાવના ભાવી છે–એવો જીવ પણ
દુષ્કરપણે વિષયોથી વિરક્ત થાય છે. (આવી જ ગાથા મોક્ષપ્રાભૃતમાં ૬પ મી છે.)
૪. જીવ જ્યાંસુધી વિષયની પ્રબલતાસહિત વર્તે છે ત્યાંસુધી તે જ્ઞાનને જાણતો
નથી; અને જ્ઞાન વગર માત્ર વિષયોથી વિરક્તિ વડે જીવને પુરાણા કર્મોનો ક્ષય
થતો નથી. (–જ્ઞાનસહિત જ સાચી વિરક્તિ થાય છે.)
પ. ચારિત્ર વગરનું જ્ઞાન, દર્શન વગરનું લિંગગ્રહણ, અને સંયમ વગરનું તપશ્ચરણ–
તે બધું નિરર્થક છે.
૬. ચારિત્રશુદ્ધિ સહિત જ્ઞાન, દર્શનશુદ્ધિસહિતનું લિંગગ્રહણ અને સંયમસહિતનું
તપ,–તે થોડું હોય તોપણ મહાન ફળને દેનાર છે.
૭. વિષયોમાં વિમોહિત કોઈ મૂઢ પુરુષો, જ્ઞાનને જાણીને પણ વિષયાદિ ભાવમાં
લીન વર્તતા થકા ચારગતિમાં રખડે છે.
૮. અને જે વિષયોથી વિરક્ત જીવો જ્ઞાનને જાણીને તેની ભાવના સહિત છે તે
તપ–ગુણયુક્ત જીવો ચાર ગતિને છોડીને મોક્ષ પામે છે,–એમાં સન્દેહ નથી.
૯. જેમ આંચ આપવાથી, અને ગેરુ તથા લૂણના લેપથી કંચન વિશુદ્ધ થાય છે તેમ
જીવ પણ વિમળ જ્ઞાનજળ વડે વિશુદ્ધ થાય છે.
૧૦. કોઈ પુરુષ જ્ઞાનગર્વિત થઈને વિષયોમાં રંજિત થાય છે, તો ત્યાં મંદબુદ્ધિ એવા
તે કાયર પુરુષનો જ દોષ છે, જ્ઞાનનો દોષ નથી.
૧૧. સમ્યક્ત્વસહિત જ્ઞાનથી, દર્શનથી, તપથી અને ચારિત્રથી જેમનું ચારિત્ર વિશુદ્ધ
છે–તે જીવો પરિનિર્વાણને પામે છે.

PDF/HTML Page 25 of 52
single page version

background image
: આસો : ૨૪૯૬ આત્મધર્મ : ૨૩ :
૧૨. વિષયોથી જેમનું ચિત્ત વિરક્ત છે, શીલની જેઓ રક્ષા કરનારા છે, દર્શન જેમનું
શુદ્ધ છે અને ચારિત્ર જેમનું દ્રઢ છે–એવા જીવો ચોક્કસ નિર્વાણને પામે છે.
૧૩. વિષયોમાં મોહિત હોવા છતાં જે પુરુષ ઈષ્ટદર્શી છે (પોતાનું ઈષ્ટ શું છે તેને જાણે
છે) તેને તો માર્ગની પ્રાપ્તિ કહેવામાં આવી છે; પરંતુ જે ઉન્માર્ગદર્શી છે તેનું તો
જ્ઞાન પણ નિરર્થક છે.
૧૪. અનેકવિધ શાસ્ત્રોને જાણતા હોવા છતાં જે જીવો કુમત અને કુશ્રુતના પ્રશંસક
છે, તથા શીલ–વ્રત જ્ઞાનથી રહિત છે તેઓ આરાધક નથી.
૧પ. જે મનુષ્ય યૌવન–લાવણ્ય અને કાંતિથી શોભાયમાન છે તથા સુંદર રૂપ વડે
ગર્વિત છે, પણ જો શીલગુણથી રહિત છે તો તેનો મનુષ્યજન્મ નિરર્થક છે.
૧૬. વ્યાકરણ–છંદ–વૈશેષિક–વ્યવહાર–ન્યાયશાસ્ત્રો જાણીને, તેમ જ જિનવાણીરૂપ
શ્રુતને જાણીને પણ, તે શ્રુતમાં શીલ જ ઉત્તમ છે. (અર્થાત્ શીલસહિત શ્રુત હોય
તે જ ઉત્તમ છે.)
૧૭. જે શીલગુણથી મંડિત હોય તે દેવોને તેમ જ ભવ્યજીવોને વહાલો લાગે છે, દુઃશીલ
જીવ પ્રચુર શ્રુતનો પારગામી હોય તોપણ લોકમાં તે અપ્રિય છે, હલકો છે.
૧૮. સર્વેથી જે પરિહીન છે, રૂપ જેનું વિરૂપ છે અર્થાત્ કદરૂપ છે, સુવય જેની વીતી
ગઈ છે અર્થાત્ વૃદ્ધાવસ્થા થઈ ગઈ છે, પરંતુ શીલ જેનું સુશીલ છે–તેનું
મનુષ્યજીવન ઉત્તમ છે, પ્રશંસનીય છે.
૧૯. જીવદયા, ઇંદ્રિયદમન, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, સંતોષ, સમ્યગ્દર્શન, જ્ઞાન તેમ જ
તપ–એ બધા શીલનો પરિવાર છે.
૨૦. શીલ છે તે જ વિશુદ્ધ તપ છે, તે જ દર્શનશુદ્ધિ છે, તે જ જ્ઞાનશુદ્ધિ છે; વળી શીલ
તે વિષયોનો શત્રુ છે અને શીલ તે મોક્ષનું સોપાન છે.
૨૧. જેમ, સ્થાવર કે જંગમ એવા તીવ્રવિષ વડે પ્રાણોઓનો વિનાશ થાય છે તેમ
વિષયલુબ્ધ પ્રાણી તો સર્વસ્વનો વિનાશ કરે છે, માટે વિષ કરતાં પણ વિષયરૂપી
વિષ વધુ દારૂણ છે.
૨૨. સર્પાદિકના વિષની વેદનાથી હણાયલો જીવ તો આ જન્મમાં એક જ વાર મરણ
પામે છે, પરંતુ વિષયરૂપી વિષથી અત્યંત હણાયેલો જીવ ઘોર સંસાર વનમાં
ભમતો થકો અનંતવાર મરે છે.
૨૩. વિષયાસક્ત જીવો નરકમાં વેદના પામે છે, તિર્યંચમાં તથા મનુષ્યમાં પણ દુઃખો
પામે છે, અને દેવલોકમાં પણ તે દુર્ભાગ્યને પામે છે.

PDF/HTML Page 26 of 52
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : આસો : ૨૪૯૬
૨૪. જેમ અનાજમાંથી ફોતરાંને ઊડાડી દેતાં મનુષ્યોનું કાંઈ દ્રવ્ય ચાલ્યું જતું નથી,
તેમ તપ–શીલમાં કુશળ પુરુષો વિષ જેવા વિષયોને ફોતરાંની માફક છોડી દે છે.
૨પ. દેહના અંગમાં કોઈ વૃત્તાકાર–ગોળ, લંબગોળ, ભદ્ર અને વિશાળ છે, તે સર્વે
અંગોની પ્રાપ્તિમાં પણ શીલ સૌથી ઉત્તમ છે.
૨૬. કુસમયના સેવનથી જે મૂઢ છે અને વિષયમાં લોલુપ છે–તે પુરુષો, તેમ જ તેનો
સંગ કરનારા જીવો પણ, પાણીના રેંટની જેમ સંસારમાં ભ્રમણ કરે છે.
૨૭. વિષયોમાં રાગથી રંજિતપણાવડે આત્મામાં બંધાયેલી જે કર્મગ્રંથિ, તેને કૃતાર્થ
પુરુષો તપ–સંયમ અને શીલગુણવડે છેદે છે.
૨૮. જેમ રત્નોથી ભરેલો સમુદ્ર શોભે છે, તેમ શીલ સહિત જીવ તપ–વિનય–શીલ–
દાનાદિ રત્નોથી શોભતો થકો ઉત્કૃષ્ટ નિર્વાણ પામે છે.
૨૯. શ્વાન ગર્દભ ગાય વગેરે પશુ અને મહિલા–તેમનો મોક્ષ થતો દેખાતો નથી; સર્વે
જીવોમાં જે ચોથા પુરુષાર્થને સાધે છે તેમનો જ મોક્ષ જોવામાં આવે છે.
૩૦. જો વિષયોમાં લોલૂપ એવા જ્ઞાનવડે મોક્ષ સધાતો હોત તો તે સાત્યકિપુત્ર રુદ્ર–કે
જે દશપૂર્વનો જાણનાર હતો તે કેમ નરકે ગયો? (પહેલાં તે મુનિ થઈને દશપૂર્વ
ભણ્યો હતો, પણ પછી ભ્રષ્ટ થઈ, વિષયની લોલૂપતાથી નરકમાં ગયો.)
૩૧. જો શીલ વગરના એકલા જ્ઞાનવડે જ બુધજનોએ વિશુદ્ધતા કહી હોય તો,
દશપૂર્વના જાણનારનો ભાવ પણ નિર્મળ કેમ ન થયો?
૩૨. જે જીવ વિષયોથી વિરક્ત છે તે, નરકની પ્રચુર વેદનાને દૂર કરીને, ત્યાંથી
નીકળીને અર્હત્પદ પામે છે–એમ વર્દ્ધમાનજિને કહ્યું છે.
૩૩. આ રીતે, લોકાલોકને જાણનારા પ્રત્યક્ષ જ્ઞાનદર્શી એવા જિનવરોએ, શીલવડે
અતીન્દ્રિય મોક્ષપદની પ્રાપ્તિ થવાનું ઘણા પ્રકારે કહ્યું છે.
૩૪. આત્માના સમ્યક્ જ્ઞાન–દર્શન–ચારિત્ર–તપ–વીર્યરૂપ જે પંચાચાર છે તે પવન
સહિત અગ્નિની માફક પુરાતન કર્મોને દગ્ધ કરે છે.
૩પ. વિષયોથી વિરક્ત, જિતેન્દ્રિય, ધીર અને તપ–વિનય–શીલ સહિત એવા પુરુષો
અષ્ટકર્મોને અત્યંત દગ્ધ કરીને સિદ્ધ થયા, ને સિદ્ધગતિને પામ્યા.

PDF/HTML Page 27 of 52
single page version

background image
: આસો : ૨૪૯૬ આત્મધર્મ : ૨પ :
૩૬. જે શ્રમણનું જન્મવૃક્ષ લાવણ્યશીલવડે કુશળ છે તે શીલસહિત મહાત્માના
ગુણોનો વિસ્તાર ભવ્ય જીવોમાં ફેલાય છે.
૩૭. જ્ઞાન–ધ્યાન–યોગ, દર્શનશુદ્ધિ, આત્માધીન વીર્ય, અને સમ્યક્ત્વદર્શન, તેના વડે
જિનશાસનમાં બોધિ પમાય છે.
૩૮. જિનવચનનો સાર ગ્રહણ કરીને જેઓ વિષયવિરક્ત થયા છે તથા શીલરૂપ નિર્મળ
જળ વડે સ્નાન કરીને શુદ્ધ થયા છે એવા ધીર તપોધન સિદ્ધાલયસુખને પામે છે.
૩૯. જે સર્વ ગુણસંપન્ન છે, કર્મો જેમાં ક્ષીણ છે, સુખદુઃખથી જે રહિત છે, વિશુદ્ધ
મનવાળી છે અને જેણે કર્મ રજને દૂર ઉડાડી દીધી છે–એવી આરાધના પ્રસિદ્ધ છે.
૪૦. ઉત્તમ ભક્તિસહિત અને સુવિશુદ્ધ દર્શનરૂપ એવું સમ્યક્ત્વ છે, અને વિષયોથી
વિરક્તિરૂપ શીલ છે. આવા સમ્યક્ત્વ અને શીલ સહિત જ્ઞાનને જ જ્ઞાન
કહેવામાં આવ્યું છે. તે જ મોક્ષનું કારણ છે.
(આઠમું શીલપ્રાભૃત પૂર્ણ)
[અષ્ટપ્રાભૃત સમાપ્ત]
[અષ્ટપ્રાભૃતના અર્થોની પૂર્ણતા પ્રસંગે કુંદકુંદસ્વામી આદિ વીતરાગી સંતોને
ભાવભક્તિથી યાદ કરીને ફરીફરીને વંદન કરીએ છીએ. આ અષ્ટપ્રાભૃત અષ્ટકર્મોને
નષ્ટ કરીને અષ્ટ મહાગુણોની પ્રાપ્તિ કરાવો.
–અનુ૦ બ્ર. હરિલાલ જૈન.)
ધન્ય છે શ્રી ગુરુ ને
“સ્વભાવ સમ્યગ્જ્ઞાન છે, તેનાથી કોઈ વસ્તુ તન્મયરૂપ નથી.” મરી
જાય, સળગી જાય, ગળી જાય, કે બળી જાય ઈત્યાદિ અનેક્ પ્રકારનાં શુભાશુભ
કષ્ટ કરવા છતાં પણ સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યગ્જ્ઞાનમય પરબ્રહ્મ
પરમાત્મા સિદ્ધ પરમેષ્ઠિના પ્રત્યક્ષ અનુભવની પરમ અવગાઢતા અને
અચલતાનો અખંડ લાભ નહીં થાય. પણ સદ્ગુરુ મહારાજ સહજમાં, વિના
પરિશ્રમે, શુભાશુભ કષ્ટ નહિ કરવા છતાં પણ સદાકાળ જ્ઞાનમય જાગતી
જ્યોતિનો તન્મયી મેળ કરાવી દે છે. ધન્ય છે. શ્રી ગુરુને.
(– સમ્યગ્જ્ઞાનદીપિકા)

PDF/HTML Page 28 of 52
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : આસો : ૨૪૯૬
(સ. ગા. ૩૨૦ નાં પ્રવચનોમાંથી......લેખાંક ત્રીજો)
આત્માનો શુદ્ધસ્વભાવ કેવો છે? અને તેની કેવી
***
શુદ્ધ આત્માનો સ્વભાવ શું છે અને ધર્મીજીવ પોતાના આત્માને કેવો અનુભવે છે
તેનું આ વર્ણન છે. ‘હું શુદ્ધ છું–શુદ્ધ છું’ એવી ધારણાથી કે એવા વિકલ્પથી પર્યાયમાં
આનંદ ઝરતો નથી; પર્યાયમાં આનંદ ન ઝરે ત્યાં સુધી જ્ઞાન સાચું નથી. આત્માનો
પરમાર્થ સ્વભાવ લક્ષમાં લઈને પર્યાય તેમાં અભેદ થતાં જ પર્યાયમાં પરમ આનંદનાં
મોતી ઝરે છે. ‘શુદ્ધ દ્રવ્યસ્વભાવ છે’ એમ જ્યાં દ્રષ્ટિમાં લીધું ત્યાં પર્યાયમાં પણ શુદ્ધતા
થઈ છે. શુદ્ધદ્રવ્યના આશ્રયે થયેલી સમ્યગ્દર્શનાદિ શુદ્ધપર્યાયો ‘આત્મારૂપ’ છે એમ
પુરુષાર્થસિદ્ધિઉપાયમાં (ગાથા. ૨૨, ૩પ, તથા ૩૯ માં) અમૃતચંદ્રાચાર્યદેવે કહ્યું છે.–
जीवाजीवादिनां तत्त्वार्थानां सदैव कर्तव्यम्।
श्रद्धानं विपरीताभिनिवेशविविक्तं आत्मरूपं तत्।२२।
એટલે કે જીવ–અજીવાદિ તત્ત્વાર્થોનું વિપરીત–અભિનિવેશરહિત શ્રદ્ધાન સદાય
કર્તવ્ય છે, –કે જે શ્રદ્ધાન ‘આત્મરૂપ’ છે.

PDF/HTML Page 29 of 52
single page version

background image
: આસો : ૨૪૯૬ આત્મધર્મ : ૨૭ :
ત્યારપછી ગાથા ૩પ માં સમ્યગ્જ્ઞાન કરવા માટે કહે છે કે–
कर्तव्योऽध्यवसायः सदनेकान्तात्मकेषु तत्त्वेषु।
संशयविपर्ययानध्यवसायविविक्तं आत्मरूपं तत्।३५।
અર્થાત્, સત્ અનેકાન્તસ્વરૂપ તત્ત્વોમાં સંશય–વિપર્યય–અધ્યવસાયથી રહિત
યથાર્થ નિર્ણયરૂપ સમ્યગ્જ્ઞાન કર્તવ્ય છે, આ સમ્યગ્જ્ઞાન ‘આત્મારૂપ’ છે.
ત્યારપછી ગા. ૩૯ માં સમ્યક્ચારિત્ર સંબંધી કહે છે કે–
चारित्रं भवति यतः समस्त सावधयोगपरिहरणात्।
सकलकषायविमुक्तं विशदमुदासीनं आत्मरूपं तत्।३९।
સમસ્ત સાવધયોગના પરિહારવડે, સકલ કષાયથી રહિત નિર્મળ તથા ઉદાસીન
એવું ચારિત્ર થાય છે, તે ચારિત્ર ‘આત્મરૂપ’ છે. સમ્યગ્જ્ઞાનપૂર્વક આવા ચારિત્રનું
આરાધન કરવું. આ રીતે નિશ્ચય સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર એ ત્રણેને આત્મારૂપ કહ્યાં
છે, ને તે જ મોક્ષમાર્ગ છે. વ્યવહારરત્નત્રયને ‘આત્મારૂપ’ નથી કહ્યાં, તે તો વિકલ્પરૂપ
છે, તે કાંઈ મોક્ષમાર્ગ નથી.
જુઓ, વિકલ્પરૂપ એવા વ્યવહાર દર્શન–જ્ઞાન–ચારિત્રને કર્તવ્ય નથી કહ્યાં, પણ
વિકલ્પરહિત ‘આત્મારૂપ’ એટલે કે આત્માની શુદ્ધપર્યાયરૂપ એવા સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રને સદા કર્તવ્ય કહેલ છે. આ ત્રણેય છે તો પર્યાય, પણ તે રાગથી ભિન્ન થઈને
આત્માના સ્વભાવ સાથે અભેદ થયેલી છે. ચિદાનંદસ્વભાવમાં એકાગ્ર થતાં રાગનું
કર્તૃત્વ ન રહે ને નિર્મળ પર્યાય પ્રગટે તે ધર્મ છે. તે પર્યાયનો કર્તા આત્મા છે, કાંઈ પર
તેનો કર્તા નથી. શુદ્ધદ્રવ્યને દ્રષ્ટિમાં લેતાં ‘નિર્મળપર્યાયને કરું’ એવો વિકલ્પ તેમાં નથી
પણ નિર્મળપર્યાય ત્યાં થઈ જાય છે ખરી, સ્વભાવ તો પહેલેથી હતો, પણ જ્યારે દ્રષ્ટિમાં
લીધો ત્યારે તે પ્રગટ થયો એટલે કે ‘હું તો આવો શુદ્ધ છું’ એમ પોતાને ખબર પડી.
આવા શુદ્ધસ્વભાવના અનુભવપૂર્વક જ સાતતત્ત્વોનું સાચું જ્ઞાન થાય છે; અને
ત્યારપછી જ ચારિત્ર હોય છે. આવા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર સદૈવ કર્તવ્ય છે એમ
આચાર્યદેવે કહ્યું.
પ્રશ્ન:– આત્માને વળી કર્તવ્ય એટલે કે ક્રિયા હોય?
ઉત્તર:– હા, આત્માને ધ્રુવસ્વભાવની અપેક્ષાએ કર્તવ્ય નથી, ધ્રુવભાવ અક્રિય છે,
પણ આત્માની પર્યાયમાં તો કર્તવ્ય છે, પર્યાય તો કાર્ય કરે જ છે. ધ્રુવસ્વભાવની

PDF/HTML Page 30 of 52
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : આસો : ૨૪૯૬
સન્મુખ થયેલી તે શુદ્ધપર્યાય કાંઈ ‘અનાત્મરૂપ’ નથી, તે ‘આત્મરૂપ’ જ છે, આત્મા
સાથે તેને તન્મયપણું છે, પર સાથે કે રાગ સાથે તે તન્મય નથી. આવી
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પર્યાયવડે શુદ્ધઆત્માનું ધ્યાન નિરંતર કર્તવ્ય છે.
પર્યાયમાં આત્મા અક્રિય નથી પણ સક્રિયપણે પોતાની નિર્મળપર્યાયને કરે છે. ‘કરું’
એવો ભેદ કે વિકલ્પ નથી. આત્માની પર્યાયમાં મોક્ષમાર્ગ અને મોક્ષ બંને છે, પણ તે
વ્યવહારનયનો વિષય છે; શુદ્ધનયના વિષયમાં એવા ભેદ ન આવે. શુદ્ધનયનો
વિષય અભેદ એકરૂપ શુદ્ધ છે.
છઠ્ઠી ગાથામાં આચાર્યદેવે કહ્યું કે જ્ઞાયક આત્મા શુદ્ધ છે.–પણ ક્યારે? કે
જ્યારે સમસ્ત અન્ય દ્રવ્યના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવે ત્યારે તેને
‘શુદ્ધ’ કહેવાય છે. ધ્રુવસ્વભાવસન્મુખ પર્યાય થઈ ત્યારે નિર્વિકલ્પ થઈ, એટલે
‘પ્રમત્ત છું કે અપ્રમત્ત છું’ એવા કોઈ ભેદનું લક્ષ તેને ન રહ્યું; આ રીતે પર્યાય
પોતાના અખંડ સ્વભાવસન્મુખ લીન થઈ ત્યારે તે આત્માને શુદ્ધ કહ્યો. ‘શુદ્ધ’
કહેતાં દ્રવ્યે પણ શુદ્ધ ને પર્યાયે પણ શુદ્ધ,–એવા આત્માને શુદ્ધ કહ્યો; તેણે
જ્ઞાયકસ્વભાવની ઉપાસના કરી, તેણે શુદ્ધઆત્માને ઉપાદેય કર્યો.–આ રીતે ‘પર્યાય
દ્રવ્યમેં ઘૂસ ગઈ’ એટલે કે અભેદ થઈ ત્યારે તેમાં દ્રવ્ય ઉપાદેય થયું. જેને આવી
પર્યાય થઈ તેને જ દ્રવ્યને શુદ્ધ–અક્રિય કહેવાનો હક્ક છે. પર્યાયને આત્મામાં એકાગ્ર
કર્યા વગર એકલું શુદ્ધ–શુદ્ધ કહે તે તો વિકલ્પવાળું જ્ઞાન છે,–તે તો શાસ્ત્રના
શબ્દોની માત્ર ધારણા છે.
ભાઈ, પર્યાય અને દ્રવ્ય બંને છે...બંનેને જાણો. બંનેને જાણીને દ્રવ્યસ્વભાવ
સન્મુખ થવું તે ધ્યાન છે, ધ્યાન તે પર્યાય છે, તે ધ્યાયપર્યાય પણ આત્માની જ છે;
કાંઈ બીજાની નથી. આત્મામાં તે પર્યાય તન્મય થઈ ત્યાં તે પર્યાયનું લક્ષ છૂટી ગયું
ને અભેદવસ્તુનો અનુભવ રહ્યો. ત્યાં ‘હું ધ્યાન કરું ને આ મારું ધ્યેય’ એવા કોઈ
ભેદ નથી, વિકલ્પ નથી. દ્રવ્ય સાથે પર્યાય ભેગી છે પણ જ્ઞાનીને પર્યાયબુદ્ધિ નથી.
પર્યાયને દ્રવ્યસન્મુખ કરીને અખંડ દ્રવ્યને પ્રતીતમાં લીધું છે, એટલે પોતાને પૂર્ણ જ
દેખે છે.
આત્મામાં જે ત્રિકાળ દ્રવ્યસ્વભાવ છે તે ધ્રુવ છે. તેને નિષ્ક્રિય કહ્યો છે,
એટલે કે ધ્રુવ તે ઉત્પાદ–વિનાશરૂપ નથી. મોક્ષમાર્ગ કે બંધમાર્ગની જે પર્યાયો છે તે
સક્રિય છે, ઉત્પાદ–વ્યયરૂપ છે. નિશ્ચય સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે પણ સક્રિય
પરિણામ છે, ધ્રુવમાં બંધ–મોક્ષરૂપ ક્રિયા નથી.

PDF/HTML Page 31 of 52
single page version

background image
: આસો : ૨૪૯૬ આત્મધર્મ : ૨૯ :
જેને ધર્મ કરવો હોય તેણે તે ધર્મપર્યાયમાં ધ્યેય કરવા યોગ્ય, લક્ષમાં લેવા યોગ્ય
આત્મા કેવો છે? તે ઓળખવો જોઈએ. ધ્યાન તે પર્યાય છે, શુદ્ધપારિણામિકભાવ
ધ્યેયરૂપ છે, ધ્યાનરૂપ નથી. ધ્યાનપર્યાય પોતે ધ્યેયરૂપ નથી; અને ત્રિકાળીધ્રુવ પોતે
ધ્યાનપર્યાયરૂપ નથી. છતાં ‘આ ધ્યેય છે’ એમ નક્કી કર્યું છે ધ્યાનપર્યાય વડે; કાંઈ ધ્રુવ
તે નિર્ણય નથી કરતું. ઉત્પાદ–વ્યય–ધ્રુવયુક્ત સત્ છે; તેમાં ઉત્પાદ–વ્યય પરિણામ
નાશવાન છે, તે પર્યાયનું લક્ષ કરનાર જ્ઞાનનો વિષય છે, અને જે ધ્રુવ છે તે દ્રવ્યનયનો
વિષય છે, તે અવિનાશી છે. ભાઈ, આ બધા ભાવો તારા આત્મામાં સમાય છે. આ કોઈ
બીજાની વાત નથી, પણ તારા આત્મામાં જે બની રહ્યું છે તેની વાત છે.
હે યોગી! એટલે કે પોતાના આનંદસ્વરૂપમાં એકાગ્ર થઈને તેમાં ઉપયોગને
જોડનાર હે ધર્મી! ભગવાન આત્મા જિનદેવે એવો કહ્યો છે કે જે પરમાર્થે ઉપજતો કે
મરતો નથી. શુદ્ધાત્માની અનુભૂતિના અભાવમાં જન્મ–મરણ થાય છે, પણ ધ્રુવચીજ
ઉત્પન્ન થતી નથી કે મરતી પણ નથી. શુદ્ધાત્માની અનુભૂતિવડે આવા આત્માને હે
યોગી! તમે જાણો! યોગીઓ તો આવા આત્માને જાણે જ છે, પણ તેમને સંબોધીને
બીજા જીવોને પણ એવા આત્માનો અનુભવ કરવાનું કહ્યું છે.
‘વિકારની ઉત્પત્તિ આત્માના સ્વભાવમાંથી નથી થતી પણ કર્મથી તેને ઉત્પત્તિ
થાય છે’ –પણ એમ કોણ કહી શકે?–કે જેણે વિકાર વગરના પોતાના શુદ્ધઆત્માના
આનંદનો અનુભવ કર્યો છે તે જ જાણે છે કે મારા આ આનંદમાં રાગાદિ વિકારનો
અભાવ છે, અને હવે જુદાપણે જે થોડાક રાગાદિ રહ્યા છે તે સ્વભાવથી ઉત્પન્ન થયેલા
ન હોવાથી તેને કર્મથી ઉત્પન્ન થયેલા કહી દીધા. બાકી પર્યાયઅપેક્ષાએ તો તે પણ
પોતાનું પરિણમન છે એમ ધર્મીને લક્ષમાં લે. પણ શુદ્ધઆત્માની સન્મુખ થઈને ‘હું
ચૈતન્ય છું’ એવી જે અનુભૂતિ થઈ તેમાં રાગાદિ છે જ નહીં. એટલે તે અનુભૂતિની
પર્યાયમાં પણ જન્મ–મરણ કે રાગ–દ્વેષ નથી. જેને ‘શુદ્ધ’ નો અનુભવ નથી તે અજ્ઞાની
શુભાશુભમાં તન્મય થઈને પરિણમે છે, તે તો રાગરૂપે જ પોતાને (–આખા આત્માને)
અનુભવે છે. ધર્મી શુભાશુભ પરિણામને પોતાના જ્ઞાનથી અન્ય જ્ઞેયપણે દેખે છે. જેણે
સ્વાનુભૂતિવડે આનંદના સાગરનો સ્વાદ નથી લીધો તે જીવ અનુભૂતિના અભાવમાં
શુભાશુભકર્મબંધનું તથા જીવન–મરણનું કર્તૃત્વ જ દેખે છે. જો અંતર્મુખ થઈને
શુદ્ધઆત્માની અનુભૂતિ કરે તો તેને શુભાશુભના અકર્તારૂપ એવું જ્ઞાનપરિણમન પ્રગટે.
સ્વાનુભૂતિ–પર્યાય પ્રગટ થતાં આત્મામાં શું થયું?–કે નિર્મળ વીતરાગી ધાર્મિક

PDF/HTML Page 32 of 52
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : આસો : ૨૪૯૬
ક્રિયા થઈ; હવે તે આત્મા શુભાશુભથી ભિન્ન શુદ્ધોપયોગરૂપે પરિણમતો થકો મોક્ષને કરે
છે. ચોથાગુણસ્થાને શુદ્ધપરિણતિવડે સ્વાનુભૂતિ થતાં આત્મા નિજઘરમાં
આવ્યો...ધ્રુવધામમાં આવીને વિસામો લીધો. તેણે શુદ્ધપારિણામિકભાવને દ્રષ્ટિમાં લઈને
તેને જ ઉપાદેય જાણ્યો.
‘ઉપાદેય’ એટલે શું? તો કહે છે કે–અંતરમાં જેણે નિર્વિકલ્પ અનુભવ કર્યો તેણે
પોતાના શુદ્ધાત્માને ઉપાદેય કર્યો ‘सिद्धसमान अपना शुद्धात्मा वीतराग निर्विकल्प
समाधिमें लीन पुरुषोंको उपादेय है’ પોતે અંતર્મુખ ઉપયોગ વડે તેમાં એકાગ્ર થઈને
તેને અનુભવમાં લીધો એટલે કે પર્યાયમાં પ્રગટ કર્યો ત્યારે જ તે ઉપાદેય થયો. બાકી
એકલી વાત કરે કે આવો આત્મા ઉપાદેય છે–એ તો વિકલ્પની ધારણા છે, તે વિકલ્પવડે
કાંઈ આત્મા ઉપાદેય થતો નથી, અનુભવમાં આવતો નથી; તેણે ખરેખર આત્માને
ઉપાદેય જાણ્યો જ નથી.
છઠ્ઠી ગાથામાં શિષ્યે પૂછયું: પ્રભો! હું શુદ્ધાત્માનું સ્વરૂપ જાણવા માંગું છું, તો તે
શુદ્ધઆત્મા કેવો છે? તે મને બતાવો! ત્યારે આચાર્યદેવ કહે છે કે જે પ્રમત્ત–અપ્રમત્તના
ભેદોથી પાર છે, જે શુભાશુભ ભાવોરૂપે પરિણમતો નથી એવો એક જ્ઞાયકભાવ છે તે
શુદ્ધ આત્મા છે પરલક્ષ છોડીને આવા ભગવાન આત્માને ધ્યેય બનાવીને પર્યાય વડે
તેનું જે સેવન કરે છે, એટલે કે તેના અનુભવથી પર્યાયમાં જે શુદ્ધતા પ્રગટ કરે છે, તેને
તે શુદ્ધતા દ્વારા ‘આ દ્રવ્ય શુદ્ધ છે’ એમ શુદ્ધઆત્મા પ્રતીતમાં આવે છે; અને તેને જ શુદ્ધ
કહીએ છીએ. આ રીતે ભિન્નપણે ઉપાસવામાં આવે ત્યારે શુદ્ધ કહેવાય છે. એમ ને એમ
શુદ્ધ–શુદ્ધ કહે તેની વાત નથી. પુસ્તક વાંચીને કે સાંભળીને ધારણાથી લોકો વાત કરવા
લાગ્યા, પણ અંદર તેનો અર્થ બહુ સૂક્ષ્મ છે. આત્મા પ્રમત્ત કે અપ્રમત્ત નથી, તે એક શુદ્ધ
જ્ઞાયક છે,–પણ કોને?
‘सबको?’ નહીં, ઐસા નહીં હૈ; જેણે પરભાવોથી ભિન્ન થઈને
પોતાના શુદ્ધઆત્માને અનુભવમાં લીધો તેને શુદ્ધ કહીએ છીએ.
પ્રશ્ન:– આપની પાસેથી સાંભળીને આત્મા શુદ્ધ છે એમ ખ્યાલમાં તો આવી ગયું
છે?
ઉત્તર:– પોતાના અનુભવમાં વેદન થયા વગર ખ્યાલમાં આવ્યું તે સાચું નથી.
એકલા પરલક્ષે શુદ્ધઆત્મા ખ્યાલમાં આવે નહીં, તે એકલી ધારણાનો વિષય નથી.–
‘પણ શુદ્ધ તો ત્રિકાળ છે ને?’–ભલે હો,–પણ પોતાને દ્રષ્ટિમાં આવ્યા વગર ‘આ
ત્રિકાળ શુદ્ધ છે’ એમ નક્કી કોણે કર્યું? ‘ત્રિકાળ શુદ્ધ છું’ એમ નક્કી

PDF/HTML Page 33 of 52
single page version

background image
: આસો : ૨૪૯૬ આત્મધર્મ : ૩૧ :
કરનારની દ્રષ્ટિ તો તેમાં ઘૂસી જાય એટલે કે પર્યાયમાં પણ શુદ્ધતા પ્રગટે. પોતાને
દ્રષ્ટિમાં તો આવ્યો નથી તો ત્રિકાળ શુદ્ધ કઈ રીતે નક્કી કર્યો?
–આપે કહ્યું માટે માની લીધું!
એ માન્યતા સાચી ન કહેવાય, ખરેખર કહ્યું તે માન્યું નથી. ખરેખર ત્યારે માન્યું
કહેવાય કે જ્યારે પોતાના વેદનમાં આવે. જે શુદ્ધનો અનુભવ કરે તેને ‘શુદ્ધ’ કહ્યો છે
સાંભળીને વાતો કરે પણ પોતે અનુભવ ન કરે તો એને શુદ્ધ નથી કહેતા. અંતરમાં
અનુભવ વડે શુદ્ધ ચૈતન્ય ધ્રુવ આત્માની પવિત્રતા જ્યારે પ્રગટી ત્યારે પર્યાય દ્વારા ‘હું
આખો શુદ્ધ છું’ એમ પ્રતીતમાં લ્યે છે; પણ જેને શુદ્ધઆત્મા દ્રષ્ટિમાં આવ્યો નથી,
અનુભવમાં આવ્યો નથી તે ‘ આત્મા શુદ્ધ છે’ એવી પ્રતીત ક્યાંથી લાવ્યો? કોઈકે કહ્યું
માટે માની લીધું–એને સાચી પ્રતીત કહેવાય નહીં. અંતર્મુખ થઈને પોતાની દ્રષ્ટિમાં આવે
ત્યારે સાચું માન્યું કહેવાય. ભૂતાર્થદ્રષ્ટિ વડે જ્યારે શુદ્ધાત્મા અનુભવમાં લીધો ત્યારે નવે
તત્ત્વનું સાચું જ્ઞાન થયું. તત્ત્વાર્થશ્રદ્ધાનમાં નિશ્ચયથી શુદ્ધ આત્માની શ્રદ્ધા છે, આવી શ્રદ્ધા
તે સમ્યગ્દર્શન છે, ને તે સમ્યગ્દર્શન આત્મારૂપ છે, આત્માનું સ્વરૂપ છે. ધ્રુવસ્વભાવમાં
એકાગ્રતારૂપ જે અનુભવદશા છે તે આત્મારૂપ દશા છે; અને ધ્રુવના લક્ષે આવી પર્યાય
પ્રગટ કરવી તે કર્તવ્ય છે.
ધ્રુવ તો ધ્રુવ છે, તેમાં કાંઈ કરવાપણું નથી; પણ ‘આ ધ્રુવ છે’ એમ લક્ષમાં
લઈને પર્યાય તેમાં એકાગ્ર થઈ ત્યાં પર્યાયમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ કાર્ય થાય
છે, એટલે તે જીવનું કર્તવ્ય છે. ધ્રુવસ્વભાવને ધ્યેય બનાવીને તેમાં એકાગ્રતા વડે
નિર્મળપર્યાય થઈ જાય છે તેને કર્તવ્ય કહ્યું; પણ ‘નિર્મળપર્યાય કરું’ એવા વિકલ્પ વડે
કાંઈ નિર્મળપર્યાય થતી નથી. શુદ્ધદ્રવ્યને નિશ્ચય કહ્યો છે. અને તેના આશ્રયે જે
નિર્મળપર્યાય મોક્ષની કે મોક્ષમાર્ગની પ્રગટી તેને વ્યવહાર કહ્યો છે.
પ્રશ્ન:– ત્રિકાળી ધ્રુવને તો બંધ–મોક્ષ નથી?
ઉત્તર:– પણ જ્યાં એવા ત્રિકાળી સ્વભાવને દ્રષ્ટિમાં લઈને પર્યાય તેમાં અભેદ
થઈ ત્યાં તે પર્યાયમાં બંધનનો અભાવ થઈને મોક્ષમાર્ગ પ્રગટી ગયો છે.–આવી પર્યાય
પ્રગટી ત્યારે ત્રિકાળ સ્વભાવની ખબર પડી, એના વગર ક્યાં ખબર હતી? આ રીતે
દ્રવ્યમાં બંધ–મોક્ષ નથી ને પર્યાયમાં બંધ–મોક્ષ છે, તેથી પર્યાયમાં મોક્ષનો ઉદ્યમ છે.–કઈ
રીતે? કે પર્યાયને પોતાના સિદ્ધસમાન શુદ્ધઆત્મસ્વભાવમાં એકાગ્ર કરીને નિર્વિકલ્પ
વીતરાગી સમાધિ વડે તેને ઉપાદેય કરવો, તે જ મોક્ષનો ઉદ્યમ છે.

PDF/HTML Page 34 of 52
single page version

background image
: ૩૨ : આત્મધર્મ : આસો : ૨૪૯૬
‘આ ધ્રુવ ઉપાદેય છે, શુદ્ધઆત્મા ઉપાદેય છે’–એવા વિકલ્પો કર્યા કરે તેથી કાંઈ
ધ્રુવ ઉપાદેય થઈ જતું નથી, અર્થાત્ વિકલ્પવડે શુદ્ધઆત્મા ઉપાદેય થતો નથી,
ઉપાદેયરૂપ શુદ્ધઆત્માનો અનુભવ વિકલ્પ વડે થતો નથી; પણ વિકલ્પોથી જ્ઞાનને જુદું
પાડીને, તે જ્ઞાનને ધ્રુવસ્વભાવની સન્મુખ એકાગ્ર કરતાં શુદ્ધઆત્મા વેદનમાં આવે છે;
આ રીતે શુદ્ધભાવના વેદન વડે જ ધ્રુવસ્વભાવ ઉપાદેય થાય છે. શુદ્ધતાનો સ્વાદ વેદનમાં
આવ્યા વગર શુદ્ધાત્મા ઉપાદેય થાય નહીં. શુદ્ધસ્વરૂપમાં એકાગ્રતારૂપ પરિણમન કરવું
તેનુંં નામ ઉપાદેય છે. આત્માને શુદ્ધ ક્યારે કહ્યો? દ્રવ્યથી તો બધાય શુદ્ધ છે, પણ
શુદ્ધદ્રવ્યસન્મુખ થઈને, તેમાં ઉપયોગને એકાગ્ર કરીને, પરભાવોથી ભિન્નપણે જે
પરિણમ્યો તેણે શુદ્ધાત્માને ઉપાસ્યો અને તેને જ શુદ્ધ કહીએ છીએ. પર્યાયમાં પોતે
શુદ્ધપણે પરિણમ્યા વગર કહે કે ‘આત્મા શુદ્ધ છે’–તે તો માત્ર ધારણાથી કહે છે, ખરેખર
શુદ્ધની એને ખબર નથી. જો શુદ્ધદ્રવ્યને ઓળખે તો તેના આશ્રયે પર્યાયમાં પણ શુદ્ધતા
થયા વગર રહે નહીં. આવો વીતરાગનો માર્ગ છે.
સિદ્ધસમાન પોતાનો આત્મા ઉપાદેય છે–પણ તે ઉપાદેય કઈ રીતે થાય છે?
રાગવડે તે ઉપાદેય નથી થતો, રાગથી ભિન્ન પડેલા સ્વસન્મુખ જ્ઞાનમાં જ તે ઉપાદેય
થાય છે. રાગની સામે જોઈને તેમાં જ તન્મય રહ્યા કરે અને કહે કે શુદ્ધ આત્મા ઉપાદેય
છે,–તો તે યથાર્થ નથી. શુદ્ધઆત્માને ઉપાદેય કરનારની દ્રષ્ટિ અંતરમાં પોતાના સ્વભાવ
તરફ વળેલી હોય છે. અને એવી દ્રષ્ટિવાળા જીવને જ ‘શુદ્ધ’ કહીએ છીએ, બીજાને શુદ્ધ
કહેતા નથી. છઠ્ઠી ગાથામાં આ અલૌકિક વાત આચાર્યદેવે સમજાવી છે. સમસ્ત
પરદ્રવ્યોનું અને પરભાવોનું લક્ષ છોડીને ત્રિકાળી જ્ઞાયકસ્વભાવને લક્ષમાં લીધો ત્યારે
તે આત્મા શુદ્ધપર્યાયરૂપે પરિણમ્યો; તેની પર્યાયમાં શુદ્ધઆત્મા ઉપાદેય થયો. અને તે
શુદ્ધપર્યાયમાં રાગનો અભાવ છે, તેથી રાગ હેય થઈ ગયો. આ રીતે શુદ્ધસ્વભાવને
આદરણીય કર્યો ત્યારે પર્યાય દ્રવ્યમાં ઘૂસી ગઈ એટલે તે પણ શુદ્ધ થઈ ગઈ.
શુદ્ધપર્યાયવડે શુદ્ધદ્રવ્યનો સાચો નિર્ણય થયો.–આમ બંને સાથે જ છે. તેમાં ધ્રુવદ્રવ્ય છે તે
પર્યાયરૂપ થતું નથી,–પણ એમ કહેવાનો હક્ક કોને છે?–કે જેની દ્રષ્ટિ ધ્રુવસ્વભાવમાં
ગઈ છે, જેની પર્યાયમાં શુદ્ધદ્રવ્યનું ભાન થયું છે તે જ યથાર્થ જાણે છે. બાકી શાસ્ત્રથી
સાંભળીને રાગવડે જે ખ્યાલ આવ્યો તે કાંઈ સાચો ખ્યાલ નથી, તે જ્ઞાનમાં સાચો
આત્મા આવ્યો નથી. તે તો રાગમાં એકાગ્રતાવાળું જ્ઞાન છે એટલે કે અજ્ઞાન છે, તે
પરસત્તાને અવલંબનારું છે, તે સ્વસત્તારૂપ શુદ્ધાત્માની સન્મુખ થયેલું નથી. શુદ્ધાત્માની
સન્મુખ થયા વગર તેનું સાચું જ્ઞાન થાય નહીં; ને એકલી પરસન્મુખી ધારણા કરીને
વાતું કરે તેમાં આત્માને કાંઈ લાભ થાય નહીં. આ તો

PDF/HTML Page 35 of 52
single page version

background image
: આસો : ૨૪૯૬ આત્મધર્મ : ૩૩ :
દિગંબર વીતરાગી સંતોએ અનુભવેલું ને કહેલું નગ્ન સત્ય છે, એટલે કે રાગની લાગણી
વગરનું પરમ વીતરાગી સત્ય છે. પર્યાયે અંદર વળીને શુદ્ધઆત્માને ઉપાદેય કર્યો તેમાં
રાગનો અંશ પણ આવતો નથી; તેમાં રાગ ન આવ્યો એટલે તે હેય થઈ જ ગયો; ત્યાં
‘આ રાગને હેય કરું’ એમ વિકલ્પ રહેતો નથી. રાગની સામે જોઈને રાગને હેય કરાતો
નથી, પણ સ્વભાવની સામે જોતાં રાગ હેય થઈ જાય છે. શુદ્ધાત્માનું ગ્રહણ થતાં રાગનો
ત્યાગ થઈ જાય છે, એટલે ગ્રહણપૂર્વકનો ત્યાગ છે. એકલી નાસ્તિ નથી, અસ્તિપૂર્વકની
નાસ્તિ છે.
ભાઈ, આ તારા દ્રવ્ય અને પર્યાય બંનેની વાત છે. શુદ્ધ દ્રવ્યનો સ્વીકાર કરતાં
શ્રદ્ધા–જ્ઞાનની પર્યાય તેમાં પ્રસરી જાય છે–એકાગ્ર થાય છે. પર્યાય તે પર્યાય છે, ને દ્રવ્ય
તે દ્રવ્ય છે,–પણ એમ જાણનારની પર્યાય ક્યાં જાય છે? પર્યાય વળે છે અંતરમાં દ્રવ્ય
તરફ; તેમાં અભેદ થઈને પર્યાય શુદ્ધ થાય છે. અંતરમાં આવી વસ્તુને દ્રષ્ટિમાં લેવી તે
કરવાનું છે. જે પર્યાય અંતરમાં વળી તે પોતાના શુદ્ધ આત્માને ધ્યેય બનાવીને તેને
ધ્યાવે છે. આ પર્યાય છે ને તેના વડે હું દ્રવ્યનું ધ્યાન કરું–એમ ભેદના વિચાર વડે કાંઈ
ધ્યાન થતું નથી. પર્યાય અંતરમાં વળીને અભેદ થઈ ત્યાં ધ્યાન થઈ જ ગયું. તે
ધ્યાનપર્યાય ઉત્પાદ–વ્યયરૂપ છે, ને ધ્રુવ તો અવિનાશી છે.
ભગવાન આત્માના ધ્રુવસ્વભાવમાં રાગની ઉત્પત્તિ કે વ્યય નથી; મોક્ષનો ઉત્પાદ
થવો ને સંસારનો વ્યય થવો તે પણ પર્યાયમાં છે, ધ્રુવદ્રવ્યમાં નથી.–પણ આવા ધ્રુવને
નક્કી કરનાર તો પર્યાય છે. ‘હું પર્યાય જેટલો નથી’ એવા નિર્ણયનું કાર્ય કાંઈ ધ્રુવમાં
નથી થતું, તે તો પર્યાયમાં થાય છે. ધ્રુવમાં પર્યાય એકાકાર થઈ તે જાણે છે કે ‘હું શુદ્ધ
છું, હું ધ્રુવ છું.’ દ્રવ્ય તે દ્રવ્ય છે ને પર્યાય તે પર્યાય છે; હવે તેમાં દ્રવ્યને નિશ્ચય કહો ને
પર્યાયને વ્યવહાર કહો,–તેમાં દ્રવ્ય તે પર્યાયરૂપ થતું નથી એટલે નિશ્ચય તે વ્યવહારરૂપ
થતો નથી; તો પછી રાગાદિરૂપ અસદ્ભુત વ્યવહાર તો ક્યાં રહ્યો? રાગરૂપ વ્યવહાર
કરતાં કરતાં તેના વડે નિશ્ચયધર્મ થઈ જાય–એમ કદી બનતું નથી. રાગવડે
વીતરાગભાવ ન થાય.
‘આમાં તો વ્યવહારને ઉડાડ્યો?’–ના, ‘ઊડી ગયો.’ કેમકે નિશ્ચયમાં તો
વ્યવહાર છે જ નહીં, એટલે નિશ્ચયદ્રષ્ટિમાં તો વ્યવહારને ઉડાડું–એવું પણ ક્યાં છે?
શુદ્ધાત્માની સન્મુખ થયેલી પર્યાયમાં રાગાદિભાવો છે જ નહીં.
ભાઈ, તારો આત્મા આવો ‘છે.’ ! પણ છે–તેની સન્મુખ થઈને તેં પ્રતીત કરી કે
નહીં? અસ્તિસ્વભાવ છે–તેની સન્મુખ થઈને પ્રતીત કરતાં સમ્યક્ત્વ થયું કે

PDF/HTML Page 36 of 52
single page version

background image
: ૩૪ : આત્મધર્મ : આસો : ૨૪૯૬
નહીં? દ્રવ્યસન્મુખ થઈને તેને પ્રતીતમાં લેતાં જે સમ્યક્ત્વ થયું તે પર્યાય છે.–
મોક્ષમાર્ગમાં તેને કર્તવ્ય કહ્યું છે.
પ્રશ્ન:– પર્યાયને કર્તવ્ય માનતાં પર્યાયબુદ્ધિ થઈ જશે તો? ઉત્તર:–ના; અજ્ઞાનીને
તો પર્યાયબુદ્ધિ છે જ; પણ જે જ્ઞાની થયો, ને દ્રવ્યનું જેને ભાન થયું તેના દ્રવ્ય–પર્યાય
કેવા છે તેની આ વાત છે. જ્ઞાની પર્યાયને જાણે છે પણ તેને પર્યાયબુદ્ધિ છૂટી ગઈ છે.
પર્યાયને જાણવા માત્રથી કાંઈ પર્યાયબુદ્ધિ થઈ જતી નથી, કેમકે અખંડ દ્રવ્યની
દ્રષ્ટિપૂર્વક પર્યાયને પર્યાયરૂપે જાણે છે. जीवो........એમ કહીને બીજી જ ગાથામાં
આચાર્યદેવે જીવનું સ્વરૂપ સમજાવ્યું છે, તેમાં દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ નિર્મળપર્યાયમાં
સ્થિત જીવને સ્વસમય કહ્યો છે. અહા, દિગંબર સંતોની શૈલીમાં વીતરાગી સત્યની
સનાતન ધારા વહે છે.
ભાઈ! આવું સત્ય પામીને તારું કામ તેં કર્યું કે નહીં? એટલે કે પર્યાયને
અંતરમાં વાળીને આત્માને જાણ્યો કે નહીં? જિનવરદેવે કહેલા આત્માના સ્વરૂપને તું
જાણ. બહારનું લક્ષ ફેરવીને અંદર તારા દ્રવ્ય ઉપર લક્ષ કર. ઉપયોગને સ્વદ્રવ્યમાં
એકાગ્ર કર્યો ત્યાં પર્યાય દ્રવ્યમાં પેઠી અથવા અભેદ થઈ એમ કહેવાય છે. અને ત્યાં
ચૈતન્યપ્રભુ મહાસાગરમાં આનંદના તરંગ ઊછળ્‌યા અહા, ચૈતન્યપ્રભુ અનંતગુણનો
મહાસાગર તેનાથી મોટો સત્–સાહેબો દુનિયામાં બીજો કોઈ નથી. અંર્તમુખ થઈને
આવા આત્માને જાણવો–ધ્યાવવો તે મોક્ષમાર્ગ છે...તે આ ગાથાનો સાર છે.
जय चिदानंद.
મારું જીવન
હું–આત્મા શરીર વગર રાગ વગર કુટુંબ વગર
જીવી શકું છું. તો જેના વગર હું જીવી શકું છું તેનો મોહ
શો? તેમાં મમત્વ શેનું?
જ્ઞાનવડે હું જીવું છું, જ્ઞાન મારું જીવન છે,–એના
વગર હું ક્ષણમાત્ર જીવી ન શકું. માટે જ્ઞાનમાં જ મારું

PDF/HTML Page 37 of 52
single page version

background image
: આસો : ૨૪૯૬ આત્મધર્મ : ૩પ :
પાંચ પરમેષ્ઠી
ક્યાં રહે છે?
મારા આત્મામાં રહે છે.
હે જીવ! આરાધના અખંડ કરવી હોય તો શુદ્ધ આત્મામાં ઝંપલાવ
પંચપરમેષ્ઠી ભગવંતોના જેટલા ગુણો છે તે બધાય ગુણો મારા આત્મામાં
સમાયેલા છે. પાંચે પરમેષ્ઠીના બધા ગુણોની તાકાત મારા આત્મામાં ભરી છે,–માટે
ખરેખર મારે પરનું ધ્યાન કરવાનું નથી પણ સ્વનું ધ્યાન કરવાનું છે. સ્વને ધ્યાવતાં
ક્ષાયિક સમ્યક્ત્વાદિ વીતરાગ–નિર્દોષ પર્યાયો પ્રગટે છે, તેમાં જ પાંચે પરમેષ્ઠીપદ સમાઈ
જાય છે.–આમ નિર્ણય કરીને હે જીવ! તારા પરમાર્થ આત્માને જ તારા ધ્યાનનો વિષય
બનાવ. પંચપરમેષ્ઠી ભગવંતોના ગુણ તેમનામાં છે ને તેમના જેવા જ મારા ગુણો
મારામાં છે–માટે મારો આત્મા જ મને શરણરૂપ છે, તે જ મારૂં ધ્યેય છે.
બહારમાં પરનું શરણ લેવા જતાં વિકલ્પ જ ઊઠે છે, તેમાંથી પરમેષ્ઠી જેવા ગુણ
પ્રગટ થતાં નથી, અંતરમાં પોતાના આત્માને જાણીને તેનું શરણ લેતાં, એટલે કે તેમાં
ઉપયોગને એકાગ્ર કરતાં પરમેષ્ઠી જેવા ગુણ પોતામાંથી પ્રગટ થાય છે; આ રીતે મારો
આત્મા જ પરમ ઈષ્ટ છે, પાંચે પરમેષ્ઠીપદરૂપ વીતરાગ પર્યાય મારા આત્મામાં જ રહેલ
છે;–એમ ધર્મી પોતાના આત્માને જ ધ્યેય બનાવીને તેમાં ઉપયોગને જોડે છે.
પાંચ પરમેષ્ઠીની જેમ ચાર આરાધના પણ આત્મામાં જ રહેલી છે; તેથી પોતાનો
આત્મા જ આત્માને શરણ છે. આત્મા પોતે જ પોતાને આરાધનાના આશીર્વાદ
આપનારો છે. આત્મા પોતે અંતર્મુખ થઈને પોતાના ઉપર પ્રસન્ન થયો ત્યાં
પંચપરમેષ્ઠીની પ્રસન્નતા પણ તેમાં આવી જ ગઈ. તેની પર્યાયમાં જ પંચપરમેષ્ઠી આવી
ગયા, ને આરાધના પણ તેમાં જ આવી ગઈ, પોતાના શુદ્ધસ્વરૂપને ધ્યાવતાં પાંચે
પરમેષ્ઠીનું ધ્યાન થઈ જાય છે. આત્માના ધ્યાનમાં રત્નત્રય પ્રગટ થતાં તે પર્યાય પોતે
જ ‘સાધુ’ થઈ, કેવળજ્ઞાન થતાં તે પર્યાય પોતે જ અરિહંત અને સિદ્ધ થઈ. પાંચે નિર્મળ
પર્યાયો આત્મામાં જ સમાય છે, ક્યાંય બહાર નથી.
દુઃખથી છૂટવા માટે શરણ કોણ? કે પોતાનો આત્મા, તેને ધ્યાવતાં દુઃખ રહેતું

PDF/HTML Page 38 of 52
single page version

background image
: ૩૬ : આત્મધર્મ : આસો : ૨૪૯૬
નથી ને વીતરાગી આનંદ પ્રગટે છે; માટે આત્મા પોતે શરણરૂપ છે, ને પોતે જ મંગળરૂપ
છે. બહારમાં પંચપરમેષ્ઠીનું શરણ ઉપચારથી છે; તેના ધ્યાનમાં શુભવિકલ્પ છે. વિકલ્પનું
શરણ ધર્મીને નથી. વિકલ્પથી પાર જે ચિદાનંદસ્વરૂપ નિજાત્મા, તે જ આરાધ્ય અને
શરણરૂપ છે. તેની આરાધના વડે જ પરમેષ્ઠીપદ પમાય છે. પરમેષ્ઠીપદ તો આત્મામાં
સ્થિત છે. બીજા પંચ પરમેષ્ઠી તો દૂર છે; પોતાથી બાહ્ય છે માટે દૂર છે; દૂરનું ધ્યાન હોય
કે પોતાના અંતરમાં જે હોય તેનું ધ્યાન હોય? દૂરનું ધ્યાન કરતાં તો ઉપયોગ બહારમાં
ભમે છે, તેમાં કાંઈ વીતરાગતા થતી નથી; અંતરમાં પોતાના ધ્યાન વડે ઉપયોગ સ્થિર
થતાં વીતરાગતા થાય છે, ને તેમાં પાંચે પરમેષ્ઠીપદ તેમ જ ચારે આરાધના સમાઈ જાય
છે. અહો! મોક્ષપ્રાભૃતના અંતમંગલમાં આચાર્યદેવે શુદ્ધ આત્મામાં જ ચારે આરાધના
સમાડીને, તેના શરણ વડે આરાધના અખંડ કરીને મોક્ષ સાથે સંધિ કરી છે.
ભગવતી–આરાધનામાં અખંડ આરાધનાનો ઉપદેશ આપતાં કહે છે કે–સંસાર–
પરિભ્રમણથી જેઓ ભયભીત હોય તેઓ સમ્યક્ત્વાદિની આરાધના વડે સંસાર
પરિભ્રમણનો અભાવ કરો. સિદ્ધ ભગવંતો જગપ્રસિદ્ધ છે, તેઓ ચતુર્વિધ આરાધના વડે
સિદ્ધપદને પામ્યા છે, તેમને યાદ કરીને આરાધનાનું વર્ણન કર્યું છે. પોતાના હૃદયમાં જે
સિદ્ધ પરમેષ્ઠીનો સાક્ષાત્કાર કરે છે તેને શુદ્ધભાવ વડે આરાધના પ્રગટે છે.
આરાધના એટલે શું? સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન–સમ્યકચારિત્ર–સમ્યક્તપ તેનું
‘ઉદ્યોતન’ કરવું એટલે કે ઉજ્વળ કરવું, તેનું ‘ઉદ્યમન’ કરવું એટલે કે તેની પૂર્ણતાનો
ઉદ્યમ કરવો; ‘નિર્વહન’ એટલે કે નિરાકુળપણે તેનો નિર્વાહ કરવો; ‘સાધન’ એટલે
નિરતિચારપણે તેનું સેવન કરવું; અને ‘નિસ્તરણ’ એટલે કે આયુષ્યના અંત સુધી
નિર્વિઘ્ન સેવન કરીને તેને પરલોક સુધી લઈ જવા;–આ રીતે દર્શન–જ્ઞાન–ચારિત્ર–તપનું
ઉદ્યોતન, ઉદ્યમન, નિર્વહન, સાધન અને નિસ્તરણ કરવું તેને જિનવરદેવે આરાધના કહી
છે.
આચાર્યદેવ કહે છે કે અહો જીવો! તમે આવી આરાધનાને આરાધો. જે ઉપાયથી
પોતાને દર્શન–જ્ઞાન–ચારિત્ર–તપની આરાધના પ્રાપ્ત થાય, તથા તેની અધિક વિશુદ્ધિ
થાય તે ઉપાયમાં પ્રવર્તવું; આરાધના–ધારક જ્ઞાનીજીવોની સંગતિ કરવી. ઉપસર્ગ–
પરીષહ કે વેદના વગેરે આવે તોપણ આરાધનાને આકુળતા વગર ધારણ કરવી; તથા
આરાધનાના કારણોમાં પ્રવર્તવું, પોતાના ચિદાનંદસ્વભાવની સન્મુખ

PDF/HTML Page 39 of 52
single page version

background image
: આસો : ૨૪૯૬ આત્મધર્મ : ૩૭ :
થઈને મોક્ષ સુધી તેની અખંડ આરાધના કરવી.–તેનો ઉપદેશ ભગવતી આરાધનામાં
આપ્યો છે.
હે જીવ! તારે તારી આરાધના અખંડ કરવી હોય તો શુદ્ધ આત્મામાં ઝંપલાવ!
ચારે આરાધનાનું શરણ પોતાનો આત્મા છે; બહારમાં બીજાના શરણે આરાધના થતી
નથી. જેણે પોતાના આત્માનું સ્વરૂપ જાણીને તેનું શરણ લીધું તેને સદાય આરાધના જ
છે. સમસ્ત શ્રુતજ્ઞાન છે તે આરાધનાનો જ વિસ્તાર છે, એટલે આરાધના તે જ
સર્વશ્રુતનો સાર છે. આવી આરાધના ભગવંતોએ આરાધી તેથી તેને ‘ભગવતી’
કહેવામાં આવી છે. [जय भगवती आराधना]
ક્ષણિક તાદાત્મ્ય અને
ત્રિકાળ તાદાત્મ્ય
ઈષ્ટોપદેશ આશાધર–ટીકામાં કહ્યું છે કે સિદ્ધપર્યાયની
સાથે આત્મા ‘કથંચિત્ તાદાત્મ્ય’ છે; ત્રિકાળ તાદાત્મ્ય નથી
પણ વર્તમાન એક સમયનું તાદાત્મ્ય છે, માટે કથંચિત્–
તાદાત્મ્ય કહ્યું છે. જેમ કથંચિત્ તાદાત્મ્ય કહ્યું; તેમ કથંચિત્
ભિન્ન કહ્યું. તે બંનેની સંધિ છે. વીતરાગી શાસ્ત્રોમાં બધા
કથન પરસ્પર મેળવાળાં છે. રાગાદિ વિકાર સાથે તો
આત્માના જ્ઞાનસ્વભાવને એક સમય પણ તાદાત્મ્યસિદ્ધ
સંબંધ નથી; નિર્મળ પર્યાયને આત્મા સાથે એક સમયનું
તાદાત્મ્યપણું છે, ને જ્ઞાનાદિ સ્વભાવરૂપ ગુણોને આત્મા સાથે
ત્રિકાળ તાદાત્મ્યપણું છે.–આવું વસ્તુસ્વરૂપ દિગંબર સન્તો
સિવાય બીજા કોણ સમજાવે? આવું અંતરમાં ભેદજ્ઞાન કરવું
તે જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે, આના વિના મોક્ષમાર્ગ
હોતો નથી.

PDF/HTML Page 40 of 52
single page version

background image
: ૩૮ : આત્મધર્મ : આસો : ૨૪૯૬
વાંચકો સાથે વાતચીત અને વિવિધ સમાચાર
સોનગઢમાં તેમજ સૌરાષ્ટ્રમાં ઠેરઠેર, ગુજરાતમાં ફત્તેપુર વગેરેમાં આનંદ ઉલ્લાસ
પૂર્વક દસલક્ષણ પર્યુષણ પર્વ ઉજવાયા હતા. દશે દિવસ દરમિયાન પૂજન, તત્ત્વજ્ઞાનનું
વિશેષ વાંચન, મંડલવિધાન, સુગંધદશમીના દિને દશ પૂજનાદિ, જિનેન્દ્રદેવની રથયાત્રા–
અભિષેક, વાત્સલ્ય–જમણ અને ક્ષમાપના વગેરેના સમાચારો અનેક ગામથી પ્રાપ્ત થયા
છે.
–વિશેષમાં દશલક્ષણી પર્યુષણપર્વ દરમિયાન જામનગરમાં શ્રી ખેતશીભાઈના
પુત્રવધુ નિર્મળાબેન ભગવાનજી શાહે, ઘાટકોપરમાં બાલવિભાગના ઉત્સાહી સભ્ય શ્રી
નગીનદાસ જગજીવન વીંછીયાવાળાએ, તથા તેમના માતુશ્રીએ વીંછીયામાં, શ્રી
મૂળશંકરભાઈ દેસાઈના સુપુત્રી નિર્મલાબેને સોનગઢમાં, અને ફત્તેપુરમાં કેશવલાલ
બાલચંદના ધર્મપત્ની શ્રી મંગુબેને,–તે દરેકે દશ–દશ ઉપવાસ કર્યા હતા. તદુપરાંત
રત્નત્રયના ત્રણ ઉપવાસ, દસદિવસના એકાસન, સુગંધદશમી વગેરેના ઉપવાસ, અને
બીજા પણ વધતા–ઓછા પ્રમાણમાં અનેક ઉપવાસ ઠેર ઠેર મોટા પ્રમાણમાં થયા હતા.
પર્યુષણ વખતે પ્રવચન માટે વિદ્વાનની માંગણી અનેક ગામોથી આવે છે–તે અનુસાર
સોનગઢ સંસ્થાના પ્રચાર વિભાગ દ્વારા અનેક ગામોમાં પર્યુષણ દરમિયાન પ્રવચનકાર
વિદ્વાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. અને ઠેરઠેરથી ઉત્સાહ ભરેલા સમાચાર આવ્યા
છે. દરેક ઠેકાણે જૈનસમાજે મોટી સંખ્યામાં લાભ લઈને પ્રસન્નતા વ્યક્ત કરી હતી, અને
નવીન જાગૃતી આવી ગઈ હતી.
ઉદેપુર, (રાજસ્થાન), ઈટાવા (ઉત્તરપ્રદેશ), મહીદપુર (મ. પ્ર.) , કલકત્તા,
મલકાપુર, બુલન્દશહેર, મંડીબામોરા, નાગપુર, દિલ્હી–શહાદરા, ભિંડ, (મૌ–ભિંડ) વગેરે
ગામ તરફથી ઉત્સાહ ભરેલા સમાચાર આવેલ છે; ને હજી ઘણા ગામના સમાચાર બાકી
છે. દરેક ઠેકાણે પ્રવચન, પૂજન તત્ત્વચર્ચા વગેરે ભરચક કાર્યક્રમ રહેતો હતો. ઘણે ઠેકાણે
દિગંબર સમાજ ઉપરાંત શ્વેતાંબર સમાજના ભાઈઓ પણ પ્રેમથી લાભ લેતા હતા.
(વિગતવાર સમાચાર જાણવાની ઈચ્છા હોય તેમણે હિંદી આત્મધર્મમાંથી જોઈ લેવા.)