Atmadharma magazine - Ank 358
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page  


Combined PDF/HTML Page 3 of 3

PDF/HTML Page 41 of 49
single page version

background image
: ૩૮ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૯
સમયસારના પરિશિષ્ટમાં ચૈતન્યપરિણમનમાં ઉલ્લસતી જે ૪૭ શક્તિઓનું
વર્ણન કર્યું છે તે તો ત્રિકાળી સ્વભાવરૂપ ધર્મો છે અને તેનું નિર્મળ પરિણમન થયું તેની
વાત છે; તેમાં વિકાર ન આવે. ત્યાં ૪૨ મી શક્તિમાં જે કર્તૃત્વશક્તિનું વર્ણન કર્યું છે તે
કર્તૃત્વશક્તિ તો બધા જીવોમાં છે, સિદ્ધમાંય તે કર્તૃત્વ છે. તે કર્તૃત્વમાં રાગાદિ ન આવે.
અને પ્રવચનસારમાં કર્તૃનયથી જે કર્તાપણાનું વર્ણન કર્યું છે તેમાં તો રાગના કર્તાપણાની
વાત છે, તે ત્રિકાળી સ્વભાવરૂપ ધર્મ નથી પણ એક ક્ષણપૂરતી પર્યાયનો ધર્મ છે; તે
પર્યાય આત્માની છે, તેથી તેને આત્માનો ધર્મ કહેવાય છે.
પ્રશ્ન: – રાગ કરવો તે તો દોષ છે, છતાં ધર્મી પોતાને રાગનો કર્તા કેમ જાણે?
ઉત્તર: – તે આત્માના ત્રિકાળી સ્વભાવરૂપ ધર્મ નથી, તેમ જ તે મોક્ષમાર્ગરૂપ
ધર્મ પણ નથી, પરંતુ રાગ આત્માની પર્યાયમાં થાય છે એટલે રાગને જ્યાં સુધી
પોતાની પર્યાયમાં ધારી રાખે છે ત્યા સુધી તે આત્માનો પોતાનો ધર્મ છે ને તેનો કર્તા
આત્મા છે. પોતાની પર્યાયમાં થાય છે માટે તેને પોતાનો ધર્મ કહ્યો છે, તે ત્રિકાળ નથી
પણ ક્ષણિક પર્યાયપૂરતો છે. કર્તૃનયથી આ રાગના કર્તાપણાને જાણનાર જીવ તે જ
વખતે તેના અકર્તાપણે પણ પરિણે છે. કેમકે રાગના કર્તાપણા વખતે જ બીજા અનંત
ધર્મોમાં જે શુદ્ધ ચૈતન્યપરિણમન છે તેમાં રાગનું કર્તૃત્વ નથી. – આમ (કતૃત્વ તેમ જ
અકર્તુત્વ) બંને ધર્મો સાધકને એક સાથે છે.
રાગનું કર્તાપણું જાણનાર જ્ઞાની, તે રાગમાં જ ન અટકતાં શુદ્ધ
ચૈતન્યસ્વભાવ તરફ વળી ગયો છે. પ્રમાણના વિષયરૂપ સામાન્ય વિશેષાત્મક દ્રવ્ય
(અનંત ધર્મવાળું) છે તેના બધા પડખાંને જાણતાં જ્ઞાનનું વલણ શુદ્ધ સ્વભાવ તરફ
જ વળે છે એટલે પર્યાયમાંથી રાગનું કર્તૃત્વ ટળે છે ને શુદ્ધતાનું કર્તૃત્વ પ્રગટે છે.
રાગનો કર્તા તે વ્યવહાર છે ને રાગનો અકર્તા (સાક્ષી) તે નિશ્ચય છે. ધર્મી બંનેને
જેમ છે તેમ જાણે છે.
પ્રશ્ન: – રાગાદિનો કર્તા થવાનો આત્માનો ધર્મ હોય તો તે કદી ટળશે નહિ,
આત્મા સદાય રાગાદિને કર્યાં જ કરશે?
ઉત્તર: – ના; એમ નથી. આ કર્તૃધર્મ અનાદિ અનંત નથી, પણ સાધકદશામાં

PDF/HTML Page 42 of 49
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૯ આત્મધર્મ : ૩૯ :
તે પર્યાય પૂરતો જ આ ધર્મ છે. વળી પર્યાયમાં આવો ધર્મ છે એમ જાણે તો,
રાગના કર્તૃત્વ વગરનું જે ત્રિકાળ આત્મદ્રવ્ય છે તેને પણ જાણે ને રાગાદિનો સાક્ષી
થઈ જાય. રાગાદિપણે આત્મા થાય છે – એમ આત્માના ધર્મવડે જેણે આત્માને
જાણ્યો તેની દ્રષ્ટિ એકલા રાગ ઉપર ન રહેતાં, અનંત ગુણના પિંડ શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય
ઉપરજાય છે ને તે રાગનો પણ સાક્ષી થઈ જાય છે. ક્રમેક્રમે રાગનું કર્તૃત્વ (રાગનું
પરિણમન) છૂટીને, તેનો સર્વથા અકર્તા થઈ, વીતરાગતા ને કેવળજ્ઞાન પ્રગટ કરે છે.
સમ્યક્ નયોનું આ ફળ છે. કોઈપણ સમ્યક્ નયથી આત્માને જાણતાં શુદ્ધચૈતન્યની
પ્રાપ્તિ થાય જ છે.
કર્તૃનયથી આત્મા વિકારનો કર્તા છે–એમ કહ્યું, તોપણ એકલા વિકાર સામે
જોઈને આ ધર્મનું સાચું જ્ઞાન થતું નથી, પણ અનંતધર્મવાળા આત્મદ્રવ્યના સ્વીકારપૂર્વક
જ તેના ધર્મ જણાય છે. સમ્યક્નયોનું ફળ તો મોક્ષ કહ્યું છે. એટલે રાગના કર્તૃત્વને
જાણવારૂપ જે કર્તૃનય છે તેનું ફળ પણ મોક્ષ છે; કેમકે સમ્યક્પણે તે ધર્મને જાણનાર તે
જ વખતે અનંત ધર્મસ્વરૂપ ચૈતન્યતત્ત્વને પણ શ્રુતપ્રમાણવડે જાણે છે. આ રીતે શુદ્ધ
સ્વભાવને દ્રષ્ટિમાં રાખીને પર્યાયમાં રાગના કર્તાપણાનું જ્ઞાન કરે તને જ ‘કર્તૃનય’ હોય
છે, બીજાને કર્તૃનય હોતો નથી. નય તે સમ્યજ્ઞાનરૂપી સૂર્યનું કિરણ છે, અજ્ઞાનીને નય
હોતા નથી. જ્ઞાની જીવ પ્રમાણથી દેખે કે નયથી દેખે, – પણ અંતરમાં શુદ્ધ ચૈતન્યને જ
પ્રાપ્ત કરે છે.
કર્તૃનયથી આત્માને જુએ તેને પણ એમ નથી થતું કે મારો આત્મા સદાય
રાગાદિનો કર્તા જ રહેશે! કર્તૃનયવાળાને પણ ક્ષણેક્ષણે પર્યાયમાંથી રાગનું કર્તૃત્વ ઘટતું
જાય છે ને જ્ઞાનચેતનારૂપ સાક્ષીપણું વધતું જાય છે.–આવી સાધકદશા છે. ‘અત્યારે
રાગને કરે છે એવો મારા આત્માનો એક ધર્મ છે’ –એમ કર્તૃનયથી જોનાર જ્ઞાની પણ,
તે ધર્મદ્વારા ધર્મી એવી શુદ્ધ ચૈતન્યવસ્તુને અંતરમાં દેખે છે, એટલે કર્તૃનયનું ફળ કાંઈ
રાગના કર્તા રહેવું–તે નથી, પણ શુદ્ધચ્ૈતન્યદ્રવ્યના અવલંબને રાગ ટળી જાય તે
કર્તૃનયનું ફળ છે.
સમયસારમાં વારંવાર એમ કહ્યું કે જ્ઞાયકસ્વભાવ આત્મા છે તે રાગનો કર્તા
નથી; ને અહીં એમ કહ્યું કે આત્માને રાગનું કર્તાપણું છે – એવો તેનો એક ધર્મ છે, –
આ બન્ને કથનનો મેળ સમજવો જોઈએ. અનુભૂતિના વિષયરૂપ શુદ્ધાત્મા બતાવતા
તેને રાગનું સર્વથા અકર્તાપણું જ કહ્યું. અને પ્રમાણના વિષયરૂપ આત્માના

PDF/HTML Page 43 of 49
single page version

background image
: ૪૦ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૯
અનન્તધર્મો બતાવવા રાગનું કર્તૃત્વ પણ તેમાં કહ્યું – તેમાં ક્્યાંય વિરોધ નથી.
કર્તૃનયથી આત્માને રાગનો કર્તા માન્યો માટે હવે તે આત્મા અનાદિઅનંત
રાગનો કર્તા જ રહેશે – એમ નથી; કેમકે આ ધર્મને જોનાર પણ એકલા આ ધર્મ જેવડો
જ આખો આત્મા નથી માનતો. પરંતુ તે જ વખતે જ્ઞાન –આનંદ વગેરે અનંત ધર્મવાળા
શુદ્ધઆત્માને તે શ્રુતજ્ઞાનમાં સ્વીકારે છે, ને શુદ્ધઆત્માને જોનારો રાગમાં અટકી જતો
નથી, એટલે કે ‘રાગપણે જ હું રહીશ’ એમ તે પ્રતીત કરતો નથી; તેને તો એમ
નિઃશંકતા છે કે હું મારા ચૈતન્યસ્વભાવપણે પરિણમીને અલ્પકાળમાં જ આ રાગનો
અભાવ કરી નાંખીશ. અત્યારે રાગપણે જેટલું પરિણમન છે તેટલો મારો ધર્મ છે, તે
રાગનું દુઃખ પણ મને વેદાય છે; – કાંઈ ધર્મી થાય એટલે તેને રાગનું દુઃખ ન વેદાય –
એમ નથી. ધર્મી પણ પોતામાં જેટલો રાગ છે તેટલું દુઃખ સમજે છે – પણ એટલું ખરૂં કે
તે દુઃખ વખતે પણ સમ્યગ્દ્રર્શનાદિથી જે અપૂર્વ આત્મશાંતિનુ વેદન પ્રગટ્યું છે તે વેદન
પણ વર્તે જ છે, અને તે વેદનમાં રાગનો કે દુઃખનો અભાવ છે એકકોર અપૂવ શાંતિ ને
એકકોર રાગનું દુઃખ–બંને ભાવ ધર્મીને પર્યાયમાં વર્તે છે, ને તે બન્નેને ધર્મી પોતામાં
જાણે છે.
*
‘આત્માને રાગનું કર્તાપણું સ્વીકારતાં તો તે કર્તાપણું અનાદિઅનંત રહી જશે!
માટે કર્મને જ રાગનું કર્તા કહો ’ – એમ કોઈને થાય તો તે ખોટું છે, કર્તૃનયના
અભિપ્રાયને તે સમજ્યો જ નથી. હે ભાઈ! કર્તૃધર્મ તો તે ક્ષણિક પર્યાયપૂરતો છે,
ત્રિકાળ નથી; તે જ વખતે ત્રિકાળી ચેતન દ્રવ્ય તો રાગના કર્તૃત્વ વગરનું જ છે. કર્તૃધર્મ
કોનો છે? આત્મદ્રવ્યનો છે; તે આત્મદ્રવ્ય કેવું છે? અનંત ધર્મના પિંડરૂપ શુદ્ધ
ચૈતન્યમાત્ર છે. આવા શુદ્ધ આત્માની દ્રષ્ટિપૂર્વક, કર્તૃનયથી રાગનું કર્તાપણું જેણે જાણ્યું
તેને રાગ લંબાતો નથી, કેમ કે તે જ કાળે અકર્તુનયે આત્માનો સ્વભાવ રાગાદિનો
અકર્તા જ છે – એમ પણ તે જાણે છે.
*
વળી કોઈ એમ કહે છે કે–‘કર્મ તો આત્માને વિકાર ન કરાવે પણ કર્તૃનયે આત્મા
વિકાર કરે–એમ અમે માની લીધું!’ –તો તેને પૂછીએ છીએ કે હે ભાઈ! તારી નજર
ક્યાં છે? કોની સામે મીટ માંડીને તું આત્માના કર્તૃધર્મને કબુલે છે? તારી નજરની મીટ
વિકાર ઉપર છે કે ચૈતન્યમય આત્મદ્રવ્ય ઉપર? વિકાર ઉપર મીટ માંડીને આત્માના
ધર્મનું યથાર્થ જ્ઞાન થતું નથી, આત્મદ્રવ્યની સામે મીટ માંડીને જ તેના ધર્મનું યથાર્થ
જ્ઞાન થાય છે. માટે

PDF/HTML Page 44 of 49
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૯ આત્મધર્મ : ૪૧ :
કર્તૃનયથી રાગનું કર્તાપણું જાણનારી દ્રષ્ટિ પણ શુદ્ધઆત્મદ્રવ્ય ઉપર જ હોય છે, ને
શુદ્ધઆત્મા ઉપર દ્રષ્ટિ હોય તેને વિકારનું કર્તૃત્વ ટળીને અલ્પકાળમાં વીતરાગતા થયા
વિના રહે જ નહિ. આ રીતે અનંતધર્મના આધારરૂપ શુદ્ધઆત્મદ્રવ્યને દ્રષ્ટિમાં રાખીને
સમજે તો જ બધા કથનનું યથાર્થ તાત્પર્ય સમજાય છે. અને આવું તાત્પર્ય સમજનાર
જ્ઞાની –સાધકની દશા કોઈ અદ્ભુત અપૂર્વ–અચિંત્ય – આનંદરૂપ હોય છે.
જૈન સંસ્કૃતિ શું છે?
જેનાથી આત્માને વીતરાગભાવના ઉત્તમ સંસ્કાર પડે તે જ સાચી જૈનસંસ્કૃતિ
છે. એટલે અંતર્મુખ થઈને આત્માને સાધવો તે જ જૈનસંસ્કૃતિ છે, તેમાં જીવને
વીતરાગતાના સંસ્કાર પડે છે.
જૈનધર્મની સામાયિક કેવી છે?
જેમાં ચૈતન્યનો શાન્ત વીતરાગરસ ઝરે છે – એવા સમભાવનો અનુભવ તે
સામાયિક છે.
તમે કાર્યકર્તા છો?
હા; ધર્મી કહે છે કે અમારા સ્વભાવને સાધવારૂપ કાર્યના અમે કર્તા છીએ, તેથી
અમે કાર્યકર્તા છીએ. સ્વભાવને સાધવો તે અમારું કાર્ય છે. અમારા જ્ઞાન–
આનંદરૂપ કાર્યના કર્તા અમે છીએ.
આ મનુષ્યપણું પામીને સારૂં કાર્ય શું કરવું?
આત્માના અનુભવ જેવું સારૂં કામ બીજું કોઈ નથી, માટે તે સારૂં કાર્ય કરવું.
(ખરેખર, શુદ્ધાત્માના અનુભવરૂપ જે સમયસાર, તેનાથી ઊંચું બીજું કાંઈ નથી.)
ગુણવંતા જ્ઞાનીની ભક્તિ કઈ રીતે થાય?
જ્ઞાનીના ગુણને ઓળખતાં તેના પ્રત્યેનો જે મહાન પ્રમોદભાવ જાગે છે ને
પોતાનો આત્મા પણ તેવા ગુણ પ્રગટ કરવા પ્રેરાય છે તે ભક્તિ છે. આ ભક્તિ
માત્ર બહારના ઠાઠમાઠમાં કે નૃત્ય – ગાનાદિમાં પૂરી થતી નથી, પણ આ ભક્તિ
સાથેનું જ્ઞાન, જ્ઞાનીના અંતરમાં ઊંડું ઊતરીને તેના ગુણનો પત્તો મેળવે છે ને
પોતામાં તેવા ગુણ પ્રગટ કરીને જ તે જંપે છે. આ રીતે ગુણવડે ગુણવંત –
જ્ઞાનીની સુંદર ભક્તિ થાય છે. કુન્દકુન્દપ્રભુએ સમયસારની ૩૧ મી ગાથામાં
આવી ભક્તિ બતાવી છે. જ્ઞાનબળે, અહીં ભરતક્ષેત્રમાં બેઠાબેઠા પણ
સિદ્ધભગવંતોની કે વિદેહક્ષેત્રના કરોડો – અબજો જ્ઞાનીઓની ભક્તિ આપણે
કરી શકીએ...... આ ગુણભક્તિને ક્ષેત્રનું અંતર નડી શકતું નથી.

PDF/HTML Page 45 of 49
single page version

background image
: ૪૨ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૯
ધર્મીનું વેદન
* ધર્મીને દુઃખ હોય? ... હા; ધર્મીનેય જેટલો રાગ છે તેટલું દુઃખ છે.
* તે દુઃખનું વેદન ધર્મીને હોય? .... . હા; જેટલો રાગ છે તેટલું દુઃખનું પણ
વેદન છે. રાગનું વેદન તો દુઃખરૂપ – આકુળતારૂપ જ હોય ને! રાગનું
વેદન કાંઈ શાંતિરૂપ ન હોય.
* તે રાગના દુઃખ વખતે ધર્મીને શાંતિનું વેદન છે કે નથી? .... છે; તે
વખતેય સ્વભાવના શ્રદ્ધા–જ્ઞાનાદિરૂપ જે શુદ્ધ પરિણમન વર્તે છે તેમાં તો
અપૂર્વ આત્મ શાંતિનું જ વેદન છે, તેમાં કાંઈ દુઃખ નથી; પણ રાગમાં તો
દુઃખ જ છે, તેમાં કાંઈ શાંતિ નથી.
* તો એકકોર સમ્યગ્દ્રર્શનાદિની અપૂર્વ શાંતિનું વેદન, ને બીજીકોર રાગની
આકુળતાના દુઃખનું વેદન, – એ બંને વેદન ધર્મીને એકસાથે વર્તે છે? –
હા; સાધકની પર્યાયમાં શાંતિ અને દુઃખ બંનેનું વેદન એકસાથે વર્તે છે.
જો શાંતિનું જરાય વેદન ન હોય ને એકલા જ દુઃખનું વેદન હોય તો –
તો અજ્ઞાનદશા છે; અને જો પૂર્ણ શાંતિનું જ વેદન હોય ને દુઃખનું વેદન
જરાય ન હોય તો ત્યાં પર્ણદશા હોય; સાધકની દશામાં તો ઘણી શાંતિનું
વેદન હોવા છતાં રાગાદિના જરાક દુઃખનું વેદન પણ છે. – આવી
મિશ્રધારા સાધકને હોય છે.
* જેટલો રાગ છે તે રાગને દોષરૂપ – દુઃખરૂપ જો ન જાણે, ને તે રાગમાં
પણ જો શાંતિ માને તો તેને પોતાના દોષ જોતાં આવડતું નથી. એણે તો
દોષને ગુણમાં ભેળવી દીધો. ગુણ–દોષનું સાચું પૃથક્કરણ જ્ઞાની જ કરી
શકે છે. રાગાદિ દોષના કોઈ અંશને તે ગુણમાં ભેળવતા નથી.
* શાંતિનું જરાય વેદન ન હોય તે અજ્ઞાની, અશાંતિનું જરાય વેદન ન હોય
તે વીતરાગ. ઘણી શાંતિ સાથે જરાક અશાંતિનું વેદન – તે સાધકદશા.
– આમ પોતાની પર્યાયમાં શાંતિ – અશાંતિનું વેદન જે પ્રકારે વર્તે છે તે
પ્રકારે ધર્મી જાણે છે.

PDF/HTML Page 46 of 49
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૯ આત્મધર્મ : ૪૩ :
સુવર્ણપુરી સમાચાર
પરમકૃપાળુ પૂજ્ય ગુરુદવે સુખશાતામાં બિરાજે છે. પ્રવચનમાં સવારે નિયમસારનો
પરમ સમાધિ– અધિકાર અને બપરે સમયસારનો સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ચાલે છે.
તીર્થધામ શ્રી સુવર્ણપુરી (સોનગઢ) માં પ્રશમમૂર્તિ ભગવતી પૂજ્ય બહેનશ્રી
ચંપાબહેનનો ૬૦ મો જન્મ–જયંતી મહોત્સવ શ્રાવણ વદ ૨, બુધવાર, તા. ૧પ–૮–૭૩ ના
રોજ ઊજવવામાં આવશે. મુમુક્ષુ હૈયાંને આનંદકારી આ મંગળ મહોત્સવની નિમંત્રણ–
પત્રિકા મુમુક્ષુ – મંડળોને મોકલવામાં આવી છે.
આ મંગલ જન્મ–જયંતીનો લાભ લવા માટે સૌ ભાઈ – બહેનોને સોનગઢ
પધારવાનું નિમંત્રણ છે.
જામનગર અને રાજકોટ
* જામનગર શહેરમાં ગત અષ્ટાહ્નિકા દરમિયાન ‘સિદ્ધચક્ મંડલવિધાન’ મહાપૂજન
થયું હતું, તેમાં ઘણા મુમુક્ષુઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો.
* રાજકોટ શહેરમાં જૈન પાઠશાળા સુંદર રીતે ચાલી રહી છે. સેંકડો બાળકો ધર્મના
ઉત્તમ સંસ્કાર મેળવી રહ્યા છે ને વડીલો પણ તેમને સારૂં પ્રોત્સાહન આપી રહ્યા
છે. દરેક ગામના કાર્યકરોએ પોતાના ગામમાં જૈનપાઠશાળા અવશ્ય ચાલુ કરવી
જોઈએ; કોઈપણ બહાના હેઠળ આ કાર્યમાં વિલંબ કરવો ઉચિત નથી. આશા
રાખીએ કે વીર પ્રભુના નિર્વાણને અઢીહજારમું વર્ષ બેસે ત્યાં સુધીમાં સૌરાષ્ટ્રમાં
ઠેર ઠેર પાઠશાળા ચાલુ થઈ ગઈ હશે. બાળકો, તમે પોતે ભેગા થઈને પાઠશાળા
માટેનો તમારો હકક વડીલો પાસે માંગો... ને સત્યાગ્રહ પૂર્વક કહો કે “અમે તો
વીરતણાં સંતાન....અમારે ભણવા જૈનસિદ્ધાંત”–કોઈ ભણાવનાર ન મળે તો
તમે પોત જ ભેગા થઈને ભણો. તમને જરૂર આનંદ થશે. આ સંબંધી
તમારા ઉત્સાહના સમાચાર લખી મોકલો. જરૂર પડશે તો સોનગઢથી તમને
દોરવણી આપીશું.
અઢી હજાર વર્ષ પહેલાંંના એક તામ્રપત્રમાં ગીરનારનો ઉલ્લેખ
“શ્રી હરિશંકર પ્રભાશંકર શાસ્ત્રી – કે જેઓ ગુજરાતના ખ્યાતનામ વિદ્વાન છે,
અને સોમનાથ – પ્રભાસપાટણના જ નિવાસી છે, તે શ્રી હરિભાઈ શાસ્ત્રીએ પ્રભાસના
અનેક શિલાલેખો ઉકેલ્યા છે; તેમની પાસે એક અત્યંત પ્રાચીન તામ્રપત્ર

PDF/HTML Page 47 of 49
single page version

background image
: ૪૪ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૯
છે ડો. પ્રાણનાથના ઉકેલ પ્રમાણે તેમાં અસીરીઆ – બેબીલોનિયાના રાજા નેબુકદનઝરે
(ઈસ્વી પૂર્વે ૬૦૪ થી પ૬૧) સમુદ્રમાર્ગે પ્રભાસ આવતા વહાણોમાં લેવાતી જકાત
રેવંત પર્વત ઉપરના જૈન તીર્થંકર નેમિનાથના મંદિરના ખર્ચ માટે આપવા હુકમ
કાઢ્યો હતો.” (– અખંડ આનંદ: ઓગષ્ટ ૧૯૭૨ પાનું: પ૭)
* આ શિલાલેખમાં લખેલ સંવત અનુસાર તે મહાવીર ભગવાનના સમયનો, અને
કદાચ તેનાથી પણ પ્રાચીન હોવાનું નક્કી થાય છે.
* અઢી હજાર વર્ષ પહેલાંં ગીરનાર ઉપર નેમપ્રભુનું જિનમંદિર હોવાનો તેમાં ઉલ્લેખ છે.
* તે કાળના કોઈ વિેદશી રાજાને પણ ગીરનાર ઉપરના નેમિનાથ પ્રભુના મંદિર પ્રત્યે
દાનનો આવો ઉલ્લાસભાવ આવ્યો, તે ઉપરથી તે કાળે દેશ–વિદેશમાં જૈનધર્મની
કેટલી પ્રસિદ્ધિ ને કેટલું ગૌરવ હશે! તેનો ખ્યાલ આવે છે.
(પરંતુ આજ તો ગીરનારની પાંચમી ટૂંક ઉપર નેમપ્રભુની એ નિર્વાણભૂમિના
દર્શન કરવાનું પણ કેવું દુર્લભ થઈ ગયું છે!)
* બોટાદ નિવાસી ભાઈશ્રી છોટાલાલ શિવલાલ ગોપાણી તા. ૧૭–૭–૭૩ના રોજ
ઘાટકોપર મુકામે સ્વર્ગવાસ પામ્યા છે.
* ચોટીલાવાળા ભાઈશ્રી કેવળચંદ ઝવેરચંદ કોઠારી તા. ૭–૭–૭૩ ના રોજ રાજકોટ મુકામે
સ્વર્ગવાસ પામ્યા છે. ઘણા વર્ષથી તેઓ ગુરુદેવના પરિચયમાં હતા ને છેવટ સુધી ગુરુદેવે
બતાવેલા તત્ત્વનું રટણ કરતા હતા.
* વાસણા ચૌધરીના ભાઈશ્રી નાથાલાલ વેણીચંદ શાહ તા. ૧૦–૭–૭૩ ના રોજ મુંબઈ
મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. વાસણ ચૌધરી – મુમુક્ષુ મંડળમાં તેઓ અગ્રગણ્ય હતા.
* શાહ દેવસી કચરાભાઈ (ઉ. વ. ૭૩) તા. ૨૬–૭–૭૩ ના રોજ જામનગર મુકામે
સ્વર્ગવાસ પામ્યા છે તેઓ જિનમંદિરે દર્શન – સ્વાધ્યાયમાં હંમેશાંં આવતા હતા. છેલ્લે
ગુરુદેવ ઘાટકોપર પર્ધાયા ત્યારે તેમણે લાભ લીધો હતો.
* રાજકોટ નિવાસી દોશી ખુશાલચંદ (–પોપટભાઈ) સવજીભાઈ તા. ૨૦–૭–૭૩ ના રોજ
મુંબઈ મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. ગુરુદેવ મુંબઈ પધાર્યા ત્યારે તેમણે ઉત્સાહથી લાભ
લીધો હતો, ને ઠેઠ સુધી ગુરુદેવના ઉપકારનું સ્મરણ કરતા હતા.
– સ્વર્ગસ્થ આત્માઓ વીતરાગીદેવગુરુના શરણે આત્મહિત પામો.

PDF/HTML Page 48 of 49
single page version

background image
તીર્થયાત્રાનો હેતુ શું છે?
અહો, સમ્મેદશિખર વગેરે મહાન તીર્થક્ષેત્રો – જ્યાં અનેક સાધકસંતો અને
તીર્થંકરો વિચર્યા, જ્યાંથી અનેક જીવો મોક્ષ પામ્યા, તેમના વીતરાગી જીવનનું સ્મરણ
તીર્થયાત્રામાં જાગે છે, ને પોતાને તેવા માર્ગે જવાનો ઉલ્લાસ જાગે છે; સંસારનાં કાર્યોથી
નિવૃત્તિપૂર્વક આત્મતત્ત્વની એકત્વભાવના જાગે છે. આ રીતે તીર્થમાં વિચરતાં
વીતરાગી મહાપુરુષોના જીવનનું સ્મરણ થતાં પોતાને ચૈતન્યની આરાધનાનો ઉત્સાહ
જાગે છે–તે જ તીર્થયાત્રાનો હેતુ છે. સંસારની અનેકવિધ શુભાશુભપ્રવૃત્તિ વચ્ચેથી
નિવૃત્ત થઈને તીર્થધામોમાં શુદ્ધ ચૈતન્યતત્ત્વની ભાવના કરવી, તેની અનુભૂતિનો
અભ્યાસ કરવો, અસાર સંસારથી વિરક્ત થઈને મોક્ષમાર્ગે વિચરેલા વીતરાગી સંતોનું
જીવન યાદ કરીને પોતે તે માર્ગમાં ઉત્સાહ જગાડવો,–તે તીર્થયાત્રાની સફળતા છે. તે
માટે જ્ઞાનીઓએ તીર્થનો મહિમા કર્યો છે. તીર્થયાત્રાના શુભરાગથી ધર્મ નથી–એમ
કહીને કાંઈ જ્ઞાનીઓ તીર્થયાત્રાનો નિષેધ નથી કરતા, પણ એમ કહે છે કે તીર્થમાં જઈને
તું પણ પૂર્વ –સંતોનું સ્મરણ કરીને તેમની જેમ શુદ્ધાત્મતત્ત્વની ભાવના કરજે, તેને
ભૂલીને એકલી બાહ્યશુભક્રિયામાં અટવાઈ જઈશ મા–
તીર્થયાત્રા સંબંધમાં ગુરુદેવના ભાવભીના હસ્તાક્ષર આપ વાંચો

PDF/HTML Page 49 of 49
single page version

background image
ફોન નં. : ૩૪ “આત્મધર્મ” Regd. No. G. 182
દશ પ્રશ્ન * દશ ઉત્તર
[પ્રવચનમાંથી સુંદર સંકલન]
જગપ્રસિદ્ધ તત્ત્વ શું છે?
ચૈતન્યતત્ત્વ જગપ્રસિદ્ધ છે.
મુમુક્ષુના હૃદયની વાત શું છે?
નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્યની અનુભૂતિ તે મુમુક્ષુના હૃદયની વાત છે.
સિદ્ધિને માટે મુમુક્ષુ શું કરે છે?
મુમુક્ષુ સૌથી પહેલાંં સર્વજ્ઞસ્વભાવી શુદ્ધ નિર્વિકલ્પતત્ત્વને જાણે છે.
તે નિર્વિકલ્પ તત્ત્વ ક્યાં બિરાજે છે?
સંતોની જ્ઞાનપરિણતિમાં તે આનંદસહિત બિરાજમાન છે.
આ મોટા ભવસમુદ્રને તરવા માટે ક્યાં જવું?
એનાથી મોટો જે જ્ઞાનસમુદ્ર તેમાં ઊત્ત્રતાં ભવસમુદ્રને તરાય છે.
સમ્યક્ત્વ થતાં શું થયું?
આનંદથી ભરેલું આખું આત્મતત્ત્વ હાથમાં આવ્યું.
સર્વજ્ઞદેવના ઉપદેશનું ફળ શું?
આત્માનું હિત થાય તે; કેમકેમ સર્વજ્ઞદેવ ‘હિતોપદેશી’ છે.
સંતની વાણી કેવી છે?
સંતની વાણી તો ભવનાં અંતની વાણી છે.
જૈનશાસન કેવું છે?
મોહ વગરના શુદ્ધભાવરૂપ જૈનશાસન છે.
શુભરાગવાળા જ્ઞાની તે ધર્મી છે?
હા; પણ ત્યાં તેના સમ્યક્ત્વાદિ શુદ્ધભાવ તે ધર્મ છે, જે શુભરાગ છે તે
ધર્મ નથી.
પ્રકાશક : શ્રી દિગંબર જૈન, સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ સોનગઢ (સૌરાષ્ટ્ર) પ્રત: ૩૩પ૦