તેથી અહીં (બંધને વિષે), બહિરંગ કારણ ( – નિમિત્ત) યોગ છે કારણ કે તે પુદ્ગલોના ગ્રહણનો હેતુ છે, અને અંતરંગ કારણ ( – નિમિત્ત) જીવભાવ જ છે કારણ કે તે (કર્મપુદ્ગલોની) વિશિષ્ટ શક્તિ અને સ્થિતિનો હેતુ છે.
ભાવાર્થઃ — કર્મબંધપર્યાયના ચાર વિશેષો છેઃ પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને અનુભાગબંધ. આમાં સ્થિતિ-અનુભાગ જ અત્યંત મુખ્ય વિશેષો છે, પ્રકૃતિ-પ્રદેશ તો અત્યંત ગૌણ વિશેષો છે; કારણ કે સ્થિતિ-અનુભાગ વિના કર્મબંધપર્યાય નામમાત્ર જ રહે. તેથી અહીં પ્રકૃતિ-પ્રદેશબંધને માત્ર ‘ગ્રહણ’ શબ્દથી કહેલ છે અને સ્થિતિ- અનુભાગબંધને જ ‘બંધ’ શબ્દથી કહેલ છે.
જીવના કોઈ પણ પરિણામમાં વર્તતો યોગ કર્મનાં પ્રકૃતિ-પ્રદેશનું અર્થાત્ ‘ગ્રહણ’નું નિમિત્ત થાય છે અને જીવના તે જ પરિણામમાં વર્તતો મોહરાગદ્વેષભાવ કર્મનાં સ્થિતિ – અનુભાગનું અર્થાત્ ‘બંધ’નું નિમિત્ત થાય છે; માટે મોહરાગદ્વેષભાવને ‘બંધ’નું અંતરંગ કારણ (અંતરંગ નિમિત્ત) કહ્યું છે અને યોગને — કે જે ‘ગ્રહણ’નું નિમિત્ત છે તેને — ‘બંધ’નું બહિરંગ કારણ (બાહ્ય નિમિત્ત) કહ્યું છે. ૧૪૮.
અન્વયાર્થઃ — [ चतुर्विकल्पः हेतुः ] (દ્રવ્યમિથ્યાત્વાદિ) ચાર પ્રકારના હેતુઓ [ अष्टविकल्पस्य कारणम् ] આઠ પ્રકારનાં કર્મોનાં કારણ [ भणितम् ] કહેવામાં આવ્યા છે; [ तेषाम् अपि च ] તેમને પણ [ रागादयः ] (જીવના) રાગાદિભાવો કારણ છે; [ तेषाम् अभावे ] રાગાદિભાવોના અભાવમાં [ न बध्यन्ते ] જીવો બંધાતા નથી.