Pravach Ratno Part 1 (Gujarati).

< Previous Page   Next Page >


Page 2 of 225
PDF/HTML Page 15 of 238

 

૨ શ્રી પ્રવચન રત્નો -૧

વળી તે કેવો છે? પોતાના અને પરદ્રવ્યોના આકારોને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી જેણે સમસ્ત રૂપને પ્રકાશનારું એકરૂપપણું પ્રાપ્ત કર્યુ છે. (અર્થાત્ જેમાં અનેક વસ્તુઓના આકાર પ્રતિભાસે છ એવા એક જ્ઞાનના આકારરૂપ તે છે.) આ વિશેષણથી, જ્ઞાન પોતાને જ જાણે છે, પરને નથી જાણતું એમ એકાકાર જ માનનારનો, તથા પોતાનેનથી જાણતું પણ પરને જાણે છે એમ અનેકાકાર માનનારનો, વ્યવચ્છેદ થયો.

વળી તે કેવો છે? અન્ય દ્રવ્યોના જે વિશિષ્ટ ગુણો-અવગાહન-ગતિ-સ્થિતિ-વર્તનાહેતુપણું અને રૂપીપણું-તેમના અભાવને લીધે અને અસાધારણ ચૈતન્યરૂપતા-સ્વભાવના સદ્ભાવને લીધે આકાશ, ધર્મ, અધર્મ, કાળ અને પુદ્ગલ-એ પાંચ દ્રવ્યોથી જે ભિન્ન છે. આ વિશેષણથી, એક બ્રહ્મવસ્તુને જ માનનારનો વ્યવચ્છેદ થયો.

વળી તે કેવો છે? અનંત અન્યદ્રવ્યો સાથે અત્યંત એકક્ષેત્રાવગાહરૂપ હોવા છતાં પણ પોતાના સ્વરૂપથી નહિ છૂટવાની જે ટંકોત્કીર્ણ ચૈતન્યસ્વભાવરૂપ છે. આ વિશેષણથી, વસ્તુસ્વભાવનો નિયમ બતાવ્યો-આવો જીવ નામનો પદાર્થ સમાન છે.

જ્યારે આ (જીવ), સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવા કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાનજ્યોતિનો ઉદય થવાથી, સર્વ પરદ્રવ્યોથી છૂટી દર્શનજ્ઞાનસ્વભાવમાં નિયત વૃત્તિરૂપ (અસ્તિત્વરૂપ) આત્મતત્ત્વ સાથે એકત્વગતપણે વર્તે છે ત્યારે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત હોવાથી યુગપદ્ અને એકત્વપૂર્વક જાણતો તથા સ્વ-રૂપે એકત્વપૂર્વક પરિણમતો એવો તે ‘સ્વસમય’ એમ પ્રતીતરૂપ કરવામાં આવે છે; પણ જ્યારે તે અનાદિ અવિદ્યારૂપી જે કેળ તેના મૂળની ગાઠ જેવો જે (પુષ્ટથયેલો) મોહ તેના ઉદય અનુસાર પ્રવૃત્તિના આધીનપણાથી, દર્શનજ્ઞાનસ્વભાવમાં નિયત વૃત્તિરૂપ આત્મતત્ત્વથી છૂટી પરદ્રવ્યના નિમિત્તથી ઉત્પન્ન મોહરાગદ્વેષાદિભાવો સાથે એકત્વ ગતપણે (એકપણું માનીને) વર્તે છે ત્યારે પુદ્ગલકર્મના પ્રદેશોમાં સ્થિત હોવાથી યુગપદ્ પરને એકત્વપૂર્વક જાણતો તથા પરરૂપે એકત્વપૂર્વક પરિણમતો એવો તે ‘પરસમય’ એમ પ્રતીતરૂપ કરવામાં આવે છે.

આ રીતે જીવ નામના પદાર્થને સ્વસમય અને પરસમય-એવું દ્વિવિધપણું પ્રગટ થાય છે. ભાવાર્થઃ- જીવ નામની વસ્તુને પદાર્થ કહેલ છે.’ જીવ’ એવો અક્ષરોનો સમૂહ તે ‘પદ’ છે અને તે પદથી જે દ્રવ્યપર્યાયરૂપ અનેકાંતસ્વરૂપપણું નિશ્ચિત કરવામાં આવે તે પદાર્થ છે, એ જીવપદાર્થ ઉત્પાદવ્યયધ્રૌવ્યમયી સત્તાસ્વરૂપ છે, દર્શનજ્ઞાનમયી ચેતનાસ્વરૂપ છે, અનંતધર્મસ્વરૂપ દ્રવ્ય છે, દ્રવ્ય હોવાથી વસ્તુ છે, ગુણપર્યાયવાળો છે, તેનું સ્વપરપ્રકાશકજ્ઞાન અનેકાકારરૂપ એક છે, વળી તે (જીવપદાર્થ) આકાશાદિથી ભિન્ન અસાધારણ ચૈતન્યગુણસ્વરૂપ છે અનેઅન્ય દ્રવ્યો સાથે એક ક્ષેત્રમાં રહેવા છતાં પોતાના સ્વરૂપને છોડતો નથી. આવો જીવ નામનો પદાર્થ સમય છે. જ્યારે તે પોતાના સ્વભાવમાં સ્થિત હોય ત્યારે તો સ્વસમય છે અને પરસ્વભાવ -રાગદ્વેષમોહરૂપ થઈને રહે ત્યારે પરસમય છે. એ પ્રમાણે જીવને દ્વિવિધપણું આવે છે.

* * *