Atmadharma magazine - Ank 200
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 33
single page version

background image
: ૨૦ : આત્મધર્મ: ૨૦૦
દર્શન...ને આનંદ–એ ત્રણ સ્વરૂપ છે....એનું લક્ષ રાખવું...” (પૂ. ગુરુદેવ)
આતમરામ અવિનાશી આવ્યો એકલો...
જ્ઞાન અને દરશન છે એનું રૂપ જો....
બર્હિભાવો તે સ્પર્શે નહીં આત્મને.....
ખરેખરો એ જ્ઞાયક વીર ગણાય જો....
(–પૂ. બેનશ્રી બેન)
(૧૪૯) આહા! જૈનધર્મ શું ચીજ છે તેની વાતો લોકોએ યથાર્થ સાંભળી પણ નથી. એક ક્ષણ પણ
જૈનધર્મ પ્રગટ કરે તો અનંત ભવનો ‘કટ’ થઈ જાય, ને આત્મામાં મોક્ષની છાપ પડી જાય,–મુક્તિની
નિઃશંકતા થઈ જાય.–આવો જૈનધર્મ છે; માટે હે ભવ્ય! ભવના નાશ માટે તું આવા જૈનધર્મને ભાવ.
આ છે જૈનશાસનનો મુદ્રાલેખ–
“દર્શનશુદ્ધિથી જ આત્મસિદ્ધિ”
(૧પ૦) લૌકિક જનો પુણ્યને ધર્મ માને છે પણ તે ધર્મ છે નહિ.–જ્યાં સુધી શુદ્ધ આત્માને
શ્રદ્ધા–જ્ઞાનમાં ન લ્યે ત્યાંસુધી આ શરમભરેલા જન્મ–મરણ થી છૂટકારો ન થાય.
(૧પ૧) હે વત્સ! તારો આનંદ તારામાં જ શોધ! તારો આનંદ તારામાં છે, તે બહાર શોધવાથી
નહિ મળે. તારું આખું દ્રવ્ય જ સર્વપ્રદેશે આનંદથી ભરેલું છે,–તેને દેખ, તો તને તારા આનંદનો અપૂર્વ
અનુભવ થાય. પોતાનો આનંદ પોતામાં જ છે એમ જાણીને, હે જીવ! તું આનંદિત થા.....આત્મા પ્રત્યે
ઉલ્લસિત થા.
(૧પ૨) શિષ્યને શ્રીગુરુએ જે કહ્યું તેની ધૂન લાગી છે, નિરંતર તેની ઝંખના લાગી છે, ચોવીસે
કલાક વારંવાર તેનું ચિંતવન કરે છે, આત્માને પ્રાપ્ત કરવાની ધૂન થઈ ગઈ છે, તેની જ ચાહ છે, અને
તે જરૂર આત્માને પ્રાપ્ત કરે છે.
(૧પ૩) જો નિશ્ચયનય અનુસાર વસ્તુસ્વરૂપ જાણીને પરથી ભિન્નતા ને સ્વમાં એકતા
(એકત્વવિભક્તપણું) કરે તો જ જીવનું હિત થાય છે, માટે જે જીવ આ પ્રમાણે સમજે તે જ
સર્વજ્ઞવીતરાગ દેવના હિતોપદેશને સમજ્યો છે, ને તેનું જ હિત થાય છે.
(૧પ૪) સૌથી પહેલાં જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરવા ઉપર ખાસ ભાર મૂકીને પૂ. ગુરુદેવ કહે છે કે–
‘હું જ્ઞાનસ્વભાવ જ છું’ એવા નિર્ણય વગર કેવળજ્ઞાનીના આત્માને કે સંતોના આત્માને
ખરેખર ઓળખી શકાય નહીં. એક વાર તો જ્ઞાનસ્વભાવનો એવો દ્રઢ નિર્ણય થઈ જવો જોઈએ કે
બસ! પછી વીર્યનો વેગ સ્વ તરફ જ વળે.
(૧પપ) એક વધામણી!!!
ભક્તજનોને વધામણી આપતાં આનંદ થાય છે કે તીર્થાધિરાજ શ્રી સમ્મેદશિખરજીની યાત્રાએ
જવાના નિર્ણયની જાહેરાત પરમપૂજ્ય ગુરુદેવ આ (વીર સં. ૨૪૮૨ ના) શ્રાવણ સુદ એકમના રોજ
કરી દીધી છે. ××× ઉપર્યુક્ત વધામણી સાંભળતાં સૌ ભક્તજનોને ઘણો જ હર્ષ થયો. હતો ××× પૂ.
ગુરુદેવની સાથે સાથે શાશ્વત સિદ્ધિધામને ભેટવાની ભાવનાથી ભક્તજનોનાં હૈયા થનગની રહ્યાં છે.
(૧પ૬) અમારા સાધર્મી બંધુઓને એક મહાન સમાચાર દેતાં અમને અત્યંત હર્ષ થાય છે કે,
આ દસલક્ષણી પર્યુષણ પર્વના પહેલા દિવસે ભાદરવા સુદ પાંચમ ને રવિવારના શુભ દિને, પરમપૂજ્ય
સદ્ગુરુદેવના ઉપદેશથી પ્રભાવિત થઈને ૧૮થી ૨૬ વર્ષની નાની નાની ઉમરના ૧૪ કુમારિકા બહેનોએ
આજીવન બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા અંગીકાર કરી છે......આ બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા જે ઉદે્શથી ધારણ કરવામાં આવી
છે તેની ખાસ મહત્તા છે....
હે જીવ! તને ક્્યાંય ન ગમતું હોય તો તારો ઉપયોગ પલટાવી નાંખ.....ને આત્મામાં ગમાડ!
આત્મામાં આનંદ ભર્યો છે એટલે ત્યાં જરૂર ગમશે.......

PDF/HTML Page 22 of 33
single page version

background image
જેઠ: ૨૪૮૬ : ૨૧:
બસ! બંને સાધક સખીઓનું મિલન થયું.....પૂ. ગુરુદેવની છાયામાં બંને બહેનો એકબીજાના
જીવનમાં એવા ગુંથાઈ ગયા–જાણે કે શ્રદ્ધા અને શાંતિનું મિલન થયું! ...જાણે કે વૈરાગ્ય અને ભક્તિનું
મિલન થયું! ....જાણે કે આનંદ અને જ્ઞાનનું મિલન થયું!
(૧પ૭) સમયસારની પાંચમી ગાથામાં આચાર્ય કુંદકુંદ સ્વામી કહે છે કે–સર્વજ્ઞ ભગવાનથી
માંડીને અમારા ગુરુપર્યંતના પર–અપર ગુરુઓએ અનુગ્રહપૂર્વક અમને ઉપદેશ આપ્યો....શું ઉપદેશ
આપ્યો?–‘શુદ્ધાત્મ તત્ત્વનો ઉપદેશ આપ્યો.’ ભગવાને અને સંતોએ પ્રસન્ન થઈને–અમને સ્વીકારીને–
અનુગ્રહપૂર્વક પ્રસાદીરૂપે જે શુદ્ધાત્મતત્ત્વનો ઉપદેશ આપ્યો તે જ અમે અમારા નિજવૈભવથી અહીં
દર્શાવીએ છીએ.
(૧પ૮) તીર્થંકરો અને સંતોના પુનિત ચરણોથી પાવન થયેલી ભૂમિમાં જ્ઞાનીઓ જ્યારે તીર્થયાત્રા
કરવા જાય છે ત્યારે તેમને એમ નથી લાગતું કે અમે પરદેશમાં આવ્યા છીએ; પણ તેમને તો એવા ભાવો
ઉલ્લસે છે કે અહો! આ તો અમારા ધર્મપિતાનો દેશ! અમે અમારા ધર્મપિતાના આંગણે આવ્યા છીએ. હે
નાથ! આપ અમારા ધર્મપિતા છો.....અમે આપના પુત્ર છીએ.....આપના પગલે પગલે આપના પુનિત પંથે
સિદ્ધિધામમાં આવીએ છીએ.
(૧પ૯) કોની આરાધના કરવી?
આ ચૈતન્યસ્વરૂપી આત્મા પોતે અનંત શક્તિવાળો દેવ છે, પોતે જ પોતાનો પરમેશ્વર છે, પોતે
દર્શન–જ્ઞાન–આનંદથી પરિપૂર્ણ છે તે જ આરાધ્ય છે; માટે તેની સન્મુખ થઈને તેની જ આરાધના
કરવી. તેની આરાધનાનું ફળ મોક્ષ છે.
(૧૬૦) પ્રશ્ન:– કાન હોવા છતાં બહેરો કોણ?
ઉત્તર:– આત્મસ્વરૂપની વાર્તા ન સાંભળે તે.
પ્રશ્ન:– આંખ હોવા છતાં આંધળો કોણ?
ઉત્તર:– જિનેન્દ્રદેવના દર્શન ન કરે તે.
પ્રશ્ન:– શાસ્ત્ર ભણ્યો હોવા છતાં મૂર્ખ કોણ?
ઉત્તર:– જૈ ચૈતન્યતત્ત્વને ન જાણે તે.
પ્રશ્ન:– આળસુ કોણ?
ઉત્તર:– જે તીર્થયાત્રા ન કરે તે.
પ્રશ્ન:– વિદ્વાન કોણ?
ઉત્તર:– જે આત્મવિદ્યાને જાણે તે.
(૧૬૧) ફાગણ સુદ સાતમ: રાત્રે બે વાગતાં તો પૂ. ગુરુદેવ તૈયાર થઈ ગયા....ને સિદ્ધ
ભગવંતોને યાદ કરીને, એ શાશ્વત સિદ્ધિધામની યાત્રાનો મંગલ પ્રારંભ કર્યો....પહેલી ટૂંકે ગુરુદેવે
સ્તવન ગવડાવ્યું હતું....વચ્ચે કહ્યું કે: જુઓ, અહીંથી અનંતા તીર્થંકરો ને મુનિઓ મોક્ષ પધાર્યા છે, તે
અનંતા સિદ્ધભગવંતો અત્યારે ઉપર બિરાજી રહ્યા છે.......××× આજે આ મહામંગળ પ્રસંગ છે......આ
ભૂમિ મંગળ છે, આ કાળ પણ મંગળ છે....મોક્ષ પામનાર દ્રવ્ય પણ મંગળ છે....ને આજનો ભાવ પણ
મંગળ છે....ગુરુદેવ સિદ્ધભગવંતોનો મહિમા ભક્તજનોને સમજાવતા હતા....ને “આવા સિદ્ધભગવંતોને
તમારા હૃદયમાં સ્થાપીને તેમનું ધ્યાન કરો.”–એવી પ્રેરણા ભક્તોના હૃદયમાં જગાડતા હતા...તીર્થધામ
હજારો ભક્તોથી ઉભરાઈ ગયું હતું.....ગુરુદેવે સુપાર્શ્વપ્રભુના ચરણકમળનો ભાવપૂર્વક અભિષેક કર્યો.
છેલ્લી પ્રાર્શ્વનાથ ભગવાનની ટૂંકે પણ બે સ્તવનો ભક્તિપૂર્વક ગવડાવ્યા.....છેલ્લે પૂ. બેનશ્રીબેને એક
સ્તવન ગવડાવ્યું.....આ રીતે ઘણા આનંદ અને જયકારપૂર્વક પૂ ગુરુદેવની સંઘસહિત શાશ્વત
તીર્થધામની યાત્રા પૂર્ણ થઈ.
(૧૬૨) બે માણસો ભેગા થાય ત્યાં પૂછે છે કે “ક્્યાં રહેવું?” તેમ અહીં આત્માને કોઈ પૂછે કે

PDF/HTML Page 23 of 33
single page version

background image
: ૨૨ : આત્મધર્મ: ૨૦૦
“ક્્યાં રહેવું?” તો જ્ઞાની કહે છે કે “અમારા નિજ ધર્મોમાં રહેવું.”
(૧૬૩) મહાપુરુષોએ એમ જોયું કે આત્મામાં જ સુખ છે. સંયોગમાં સુખ નથી; તેથી સંયોગ
તરફનું વલણ છોડીને તેઓ સ્વભાવમાં એકાગ્ર થયા. સ્વભાવ તરફની એકાગ્રતા તે સુખની જનેતા છે.
(૧૬૪) રાજગૃહી નગરીમાં......પૂ. ગુરુદેવે......વિપુલાચલ ઉપર વીરપ્રભુના સમવસરણના અને
દિવ્ય ધ્વનિના ધામને હૃદયની ઊંડી ઊર્મિઓપૂર્વક નજરે નીહાળ્‌યા.....દિવ્યધ્વનિ છૂટવાના એ ધન્ય
પ્રસંગને યાદ કરીને ભાવભીની અદ્ભુત ભક્તિ કરી.......જે ભૂમિમાં આત્માના જ્ઞાન–આનંદને પામેલા
જીવો વિચર્યા તે ભૂમિને જોતાં આત્માના જ્ઞાન–આનંદનું સ્મરણ જાગે છે.
“અનંત ચોવીસીના તીર્થંકરો અને આચાર્યોએ સત્ય દિગંબર જૈનધર્મને અર્થાત્ મોક્ષમાર્ગને
પ્રગટ કરનારો જે સંદેશ સંભળાવ્યો તે જ આમની (કાનજીસ્વામીની) વાણીમાં આપણા સાંભળવામાં
આવી રહ્યો છે.....આમની વાણીમાં તીર્થંકરોનું અને કુંદકુંદસ્વામીનું જ હૃદય હતું....આપની દ્રષ્ટિથી જે
પ્રતિપ્રાદિત થાય છે તે જગતને માટે કલ્યાણકારી છે.”
(–મધુવનમાં ઈંદોરના પંડિત શ્રી બંસીધરજી સિદ્ધાંતશાસ્ત્રીના ભાષણમાંથી)
(૧૬પ) રે જીવ! તું બાહ્ય વિષયોમાં સુખ માનીને ત્યાં જ આસક્ત થાય છે, પરંતુ “આત્મા”
પણ એક વિષય છે,–એને તું કેમ ભૂલી જાય છે?–જેને લક્ષમાં લેતાં અતીન્દ્રિય આનંદનું વેદન થાય–
એવા પરમ શાંત આનંદસ્વરૂપ સ્વવિષયને છોડીને દુઃખદાતાર એવા પરવિષયોમાં જ તું કાં રાચી રહ્યો
છે?–સ્વવિષયમાં એકાકાર થતાં જ તને એમ થશે કે ‘અહો, આવો મારો આત્મા!–અને પછી આ
સ્વવિષયના અતીન્દ્રિય આનંદના સ્વાદ પાસે જગતના બધા વિષયો તને અત્યંત તૂચ્છ લાગશે.
(૧૬૬) આ જિનાગમનો પ્રસિદ્ધ ઢંઢેરો છે કે મોક્ષ માટે જ્ઞાનસ્વરૂપ આત્માની અનુભૂતિ
કરો..... તે અનુભૂતિ જ ભગવાને મોક્ષનું કારણ ફરમાવ્યું છે.
(૧૬૭) જે ધર્મી છે અથવા ધર્મનો ખરો જિજ્ઞાસુ છે તેને જગત કરતાં આત્મા વહાલો છે,
આત્મા કરતાં જગતમાં કાંઈ તેને વહાલું નથી. જેમ ગાયને પોતાના વાછરડાં પ્રત્યે, અને બાળકને
પોતાની માતા પ્રત્યે કેવો પ્રેમ હોય છે? તેમ ધર્મીને પોતાના રત્નત્રયસ્વભાવરૂપ મોક્ષમાર્ગ પ્રત્યે
અભેદબુદ્ધિથી પરમ વાત્સલ્ય હોય છે.
(૧૬૮) સભામાં હાજર હોવા છતાં જે શ્રોતાનો ઉપયોગ શ્રવણમાં નથી જોડાતો ને બીજે
બહારમાં ઉપયોગ ભમે છે તે શ્રોતાનો આત્મા ગેરહજાર છે. તેનું શરીર અહીં બેઠું છે પણ આત્માનો
ઉપયોગ તો બીજે ભમે છે, તેથી તે હાજર છતાં ગેરહાજર છે.
(૧૬૯) પ્રશ્ન:– પ્રજ્ઞા છીણીવડે આત્મા અને બંધનું ભેદજ્ઞાન કરતાં શું થાય?
ઉત્તર:– પ્રજ્ઞા છીણીવડે ભેદજ્ઞાન કરતાં જ આત્મામાં મોક્ષના સંદેશા આવી જાય, આત્મામાં સિદ્ધ
ભગવાન જેવા પરમ આનંદનો નમૂનો આવી જાય.
(૧૭૦) એ નાનકડો રાજકુંવર જ્યારે દીક્ષા લઈને મુનિ થાય, એક હાથમાં નાનકડું કમંડળ ને
બીજા હાથમાં મોરપીંછી લઈને નીકળે,–ત્યારે તો અહા! જાણે નાનકડા સિદ્ધભગવાન ઉપરથી ઊતર્યાં,
વૈરાગ્યનો અબધૂત દેખાવ! આનંદમાં લીનતા! વાહ રે વાહ!! ધન્ય તારી દશા.
(૧૭૧) ભલે બોમ્બગોળો કે કૃત્રિમ ઉપગ્રહ શું છે તેની ખબર ન હોય, પણ જો આત્મસ્વરૂપને
જાણીને ભવસમુદ્રથી તરતાં આવડયું તો તે જીવ સમ્યક્વિદ્યામાં આગળ વધી રહ્યો છે, તેણે જ સાચું
“વિજ્ઞાન” જાણ્યું છે, ને તે વિજ્ઞાન તેને પરમશાંતિનું કારણ થાય છે.
–આ છે અધ્યાત્મ–વિજ્ઞાન!
–આ છે ભારતની અધ્યાત્મવિદ્યા!
सा विधा या विमुक्तये

PDF/HTML Page 24 of 33
single page version

background image
જેઠ: ૨૪૮૬ : ૨૩:
(૧૭૨) “અહો! આત્મામાંજ આનંદ છે, આત્મા જ સિદ્ધભગવાન જેવો છે”–આવા અધ્યાત્મનું
શ્રવણ કરાવનારા સંત મળવા અનંતકાળે બહુ દુર્લભ છે. આવા અધ્યાત્મના શ્રવણમાં જીવને ઘણો વિનય
અને ઘણી પાત્રતા જોઈએ. (અહીં પરમ ભક્તિપૂર્વક ગદગદ્ભાવે ગુરુદેવ કહે છે કે–)
અહાહા! ભાવલિંગી સંતમુનિ મળે ને આવી અધ્યાત્મની વાત સંભળાવતા હોય તો, એનાં
ચરણ પાસે બેસીને......અરે! એનાં પગનાં તળિયાં ચાટીને આ વાત સાંભળીએ.
(૧૭૩) ફાગણ સુદ બીજના દિવસે વિદેહના દેવાધિદેવ સીમંધરનાથ પ્રભુ સોનગઢ પધાર્યા....
નૂતન જિનમંદિરમાં ભગવાનના ભવ્ય દરબારમાં રોજ રાત્રે ઉલ્લાસભરી ભક્તિ થતી હતી; તેમાંય
જન્મકલ્યાણક વગેરે દિવસોની ભક્તિનો રંગ તો કોઈ જુદી જ જાતનો હતો......જાણે પુંડરગિરિમાં
આજે જ ભગવાન જન્મ્યા છે ને તેમનો જન્મકલ્યાણક આપણે અહીં ઉજવીએ છીએ–એવા આનંદથી
ભક્તિ થઈ હતી. જિનમંદિરમાં ભગવાનના નિજમંદિરનો દરવાજો ખુલ્લો અને વિશાળ થઈ ગયો
હોવાથી, ભગવાનના દરબારનો દેખાવ ઘણો જ સુંદર અને મહિમાવંત લાગે છે.....ભગવાનના
દરબારમાં પ્રવેશતાં જ તેની શોભા દેખીને ભક્તોને આશ્ચર્ય થાય છે.
(૧૭૪) અહા, તીર્થંકરો પણ દીક્ષા વખતે ચિંતન કરે એવી વૈરાગ્યરસમાં ઝૂલતી આ બાર ભાવનાઓ
ભાવતાં કયા ભવ્યને આનંદ ન થાય? અને કયા ભવ્યને મોક્ષમાર્ગનો ઉત્સાહ ન જાગે? આ ભાવનાઓ
‘ભવિકજન આનંદજનની’ છે, અને તે સાંભળતાં જ ભવ્યજીવોને મોક્ષમાર્ગમાં ઉત્સાહ ઊપજે છે.
(૧૭પ) મોક્ષનો માર્ગ “સામાયિક” છે. સામાયિક કોને વશ છે? સામાયિક સ્વ–વશ છે એટલે
કે પોતાના આત્મસ્વભાવને આધીન જ સામાયિક છે, એ સિવાય અન્ય કોઈને વશ સામાયિક નથી
સંપૂર્ણપણે શુદ્ધઆત્માને જ વશ વર્તતા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જે વીતરાગી સામાયિક છે તે જ
કર્મક્ષય કરીને મોક્ષ પ્રાપ્ત કરવામાં કુશળ છે.
(૧૭૬) સમકિતી ધર્માત્માને રત્નત્રયના સાધક સંતમુનિવરો પ્રત્યે એવો ભક્તિભાવ હોય છે કે
તેમને જોતાં જ તેના રોમરોમ ભક્તિથી ઉલ્લસી જાય છે...અહો! આ મોક્ષના સાધક સંત ભગવાનને
માટે હું શું શું કરું?–કઈ કઈ રીતે એમની સેવા કરું? અને જ્યાં એવા સાધક મુનિ પોતાના આંગણે
પધારે ત્યાં તો જાણે સાક્ષાત્ ભગવાન જ આંગણે પધાર્યા.......સાક્ષાત્ મોક્ષમાર્ગ જ આંગણે આવ્યો.
(૧૭૭) વીર સં. ૨૪૮૨ના અષાડ માસમાં ગુરુદેવનું એક અદ્ભુત પ્રવચન આવ્યું, તે સાંભળીને
પ્રસન્ન થયેલા એક જિજ્ઞાસુએ રાત્રે તત્ત્વચર્ચા વખતે ગુરુદેવને પૂછયું: “આપની વાણી પણ જ્ઞાનઆનંદ–
સ્વરૂપ આત્માના ધોધથી ભરેલી અપૂર્વ નીકળે છે; તો સીમંધર ભગવાનની દિવ્યધ્વનિ કેવી હશે?
ગુરુદેવના હૃદયમાંથી અતિશય બહુમાનપૂર્વક ઉદ્ગારો નીકળ્‌યા છે: અહો, એની શી વાત! .....
એ તો તો જાણે અમૃત! શાંતરસનો ધોધ જાણે વરસતો હોય! ગણધરો જેવા તો જેના સાંભળનારા, એ
વાણીની શી વાત!
* નિજ સ્વરૂપનો ઉપયોગ તે સુખ છે.
તે આબાલગોપાલ સૌ કરી શકે છે.
એ વિના શાંતિનો બીજો કોઈ ઉપાય નથી.
(–ગુરુદેવ)
(૧૭૮) ‘અમે તો સ્ત્રી છીએ, અમારાથી શું ધર્મ થઈ શકે”–એમ ન માનવું.....પૂર્વે આત્માનું
ભાન કરીકરીને અનેક સ્ત્રીઓ એકાવતારી થઈ ગઈ છે, ને અત્યારે પણ એવી સ્ત્રીઓ છે....આત્માનું
ભાન કરે તેને ફરીને આવો સ્ત્રી અવતાર મળે નહિ....માટે સત્સમાગમે સાચું જ્ઞાન કરીને, આત્માના
સ્વસંવેદનવડે

PDF/HTML Page 25 of 33
single page version

background image
: ૨૪ : આત્મધર્મ: ૨૦૦
પોતે પોતાના આત્માનું સુધારી લેવું–એ જ અમારો ઉપદેશ છે ને એ જ અમારા આશીર્વાદ છે.
(૧૭૯) મંગલ વધાઈ!
શાશ્વત તીર્થાધિરાજ શ્રી સમ્મેદશિખરાદિ તીર્થધામોની જેમ, દક્ષિણના તીર્થધામોની પણ પૂ.
ગુરુદેવ સાથે યાત્રા કરવાની ઘણા ભક્તોની ભાવના હતી......જિજ્ઞાસુઓને જણાવતાં આનંદ થાય છે
કે, પૂ. ગુરુદેવ યાત્રાસંઘ સાથે મુંબઈથી (સં. ૨૦૧પના મહાસુદ ૧૦ ને મંગળવારના રોજ) પ્રસ્થાન
કરી દક્ષિણના તીર્થધામો શ્રી મુડબીદ્રી, શ્રવણબેલગોલ બાહુબલીજી, કુંથલગીરી, મુક્તાગીરી વગેરે અનેક
તીર્થધામોની યાત્રાએ પધારવાના છે.....
નિર્ણય તે ધર્મની નક્કર ભૂમિકા છે. આ નિર્ણય કેવો? અંતરમાં આત્માને સ્પર્શીને થયેલો
અપૂર્વ નિર્ણય; તે નિર્ણય એવો કે કદાચ દેહનું નામ તો ભૂલી જાય, પણ નિજ સ્વરૂપને ન ભૂલે; દેહનો
પ્રેમી મટીને ‘આત્મપ્રેમી’ થયો. તે નિર્ણયમાં રાગની હોંસ નથી પણ ચૈતન્યનો ઉત્સાહ છે.
(૧૮૦) પ્રશ્ન:– અનાદિના અજ્ઞાની જીવને, સમ્યગ્દર્શન પામ્યા પહેલાં તો એકલો વિકલ્પ જ
હોયને?
ઉત્તર:– ના; એકલો વિકલ્પ નથી. સ્વભાવ તરફ ઢળી રહેલા જીવને વિકલ્પ હોવા છતાં તે જ
વખતે આત્મસ્વભાવના મહિમાનું લક્ષ પણ કામ કરે છે, ને તે લક્ષના જોરે જ તે જીવ આત્મા તરફ
આગળ વધે છે; કાંઈ વિકલ્પના જોરથી આગળ નથી વધાતું.......રાગ તરફનું જોર તૂટવા માંડયું ને
સ્વભાવ તરફનું જોર વધવા માંડયું, ત્યાં (સવિકલ્પ દશા હોવા છતાં) એકલો રાગ જ કામ નથી કરતો,
પણ રાગના અવલંબન વગરનો, સ્વભાવ તરફના જોરવાળો એક ભાવ પણ ત્યાં કામ કરે છે, અને
તેના જોરે આગળ વધતો વધતો, પુરુષાર્થનો કોઈ અપૂર્વ કડાકો કરીને નિર્વિકલ્પ આનંદના વેદન
સહિત સમ્યગ્દર્શન પામી જાય છે.
(૧૮૧) નવા વર્ષની બોણીમાં ગુરુદેવે સાક્ષાત્ મોક્ષમાર્ગનું સ્વરૂપ આપ્યું..... “स्वस्ति साक्षात्
मोक्षमागર્........” એમ કહીને આચાર્ય ભગવાન આશીર્વાદ આપે છે કે હે ભવ્યજીવો! તમે વીતરાગતા–
સ્વરૂપ સાક્ષાત્ મોક્ષમાર્ગની આરાધના કરો.
આ બેસતા વર્ષની શરૂઆતમાં, સુખે કરીને તીર્થની શરૂઆત કરવાની વાત આવે છે. આચાર્ય–
ભગવાન અને જ્ઞાની સંતો બેસતા વર્ષે અલૌકિક આશીર્વાદ આપે છે કે તમે સુખે કરીને તીર્થની
શરૂઆત કરો......
* જેણે મોક્ષની આરાધનાનો ભાવ પ્રગટ કર્યો તેણે પોતાના આત્મામાં રત્નત્રયરૂપી દીવડાથી
દીપાવલી મહોત્સવ ઊજવ્યો. ભગવાન મહાવીરના માર્ગને પામીને, જ્ઞાની ગુરુઓનાં આશીર્વાદથી
આપણે પણ પોતાના આત્મામાં રત્નત્રયની આરાધના કરીએ, અને એ રીતે રત્નત્રયરૂપી દીપકની
જ્યોતિથી દીપાવલી મહોત્સવ ઊજવીએ.
(૧૮૨) કોંગ્રેસ પ્રમુખ શ્રી ઢેબરભાઈ તા. ૬–૪–પ૭ના રોજ સાંજે પૂ. ગુરુદેવની ખાસ
મુલાકાત લેવા માટે વીરસેવામંદિર (દિલ્હી) માં આવ્યા હતા......તેમણે પૂ. ગુરુદેવ સાથે લગભગ એક
કલાક ધાર્મિક વાતચીત કરી હતી:
ઢેબરભાઈ: પૂર્વે ભવનું જ્ઞાન અત્યારે થઈ શકતું હશે?
ગુરુદેવ: હા; અત્યારે પણ એવા જીવો છે; પરંતુ આત્મા શું ચીજ છે તેનું જ્ઞાન કરવું એ મુખ્ય
ચીજ છે.
ઢેબરભાઈ: આપના ઉપદેશનું બધું વજન આત્મા ઉપર છે, અને એ જ ભારતની બ્રહ્મવિદ્યા છે.
ગુરુદેવ: હા; બ્રહ્મવિદ્યા–આત્મવિદ્યા એ જ મૂળ ચીજ છે. હિંદમાં એ બ્રહ્મવિદ્યાના સંસ્કાર છે,
એવા બીજે નથી.....આત્મામાં જ આનંદ છે તે આત્મા–

PDF/HTML Page 26 of 33
single page version

background image
જેઠ: ૨૪૮૬ : ૨પ:
માંથી જ તે પ્રગટ થાય છે.–એ વાતના સંસ્કાર આજે હિંદમાં જ છે, બીજે ક્્યાંય નથી....બ્રહ્મચર્ય પાળવું
ને આત્મજ્ઞાન કરવું એ બે વાત ઉપર અમારું વિશેષ વજન છે.
ઢેબરભાઈ: એ બહુ સારી વાત છે.....આજે તો લોકોને વળગણ બહુ વધી ગઈ છે. લોકોને આ
વાતની ખાસ જરૂર છે.
(૧૮૩) સંતો આત્મપ્રાપ્તિના આશીર્વાદ આપે છે: હે જીવો! ભેદજ્ઞાનવડે સ્વતત્ત્વને પામીને
આજે જ તમે પરમ આનંદરૂપે પરિણમો. ‘પછી કરશું’ એમ વિલંબ ન કરો, પણ આજે જ અનુભવો.
ઉપગ્રણે આજે જ અનુભવો.
(૧૮૪) ××× યાત્રાસંઘ દહીંગાવ આવી પહોંચ્યો....થાકેલા યાત્રિકોને દહીંગાવમાં સીમંધરાદિ
વીસ વિહરમાન ભગવંતોના એક સાથે દર્શન થતાં ઘણો આનંદ થયો....હૃદય પ્રસન્નતાથી નાચી
ઊઠયું.....(બાહુબલી ક્ષેત્રમાં) ૨૮ ફૂટના વિશાળ મનોજ્ઞ બાહુબલી પ્રભુના પ્રતિમાજી છે.....આ
પ્રતિમાજીનું વજન ૧૮૦૦ મણ જેટલું છે, અને ૮૦, ૦૦૦ રૂા. તેની કિંમત છે.
(૧૮પ) મહા વદ ત્રીજના રોજ સવારમાં કુંદકુંદપર્વતની યાત્રા શરૂ કરી......કુંદકુંદપ્રભુ જે
ભૂમિમાં વિચર્યા તે પવિત્ર ભૂમિમાં વિચરતાં ગુરુદેવને ઘણી ભક્તિ અને પ્રમોદભાવ ઉલ્લસતા હતા....
આ મહાન ઐતિહાસિક યાત્રાના કાયમી સ્મરણ માટે લગભગ ૧૨૦૦૦ રૂા. નું ફંડ થયું હતું.
(મૂડબિદ્રિમાં) ૩પ વિવિધ પ્રકારની રત્નમણિના મહાકિંમતી જિનબિંબોના દર્શન કરાવ્યા.....
ગુરુદેવ સાથે રત્નમય જિનબિંબોના દર્શનથી આનંદિત થઈને પૂ. બેનશ્રીબેને “વાહ વા જી વાહ
વા.....” વાળી ભક્તિ કરાવી હતી.....
મહા વદ ૯ની સવારમાં (શ્રવણબેલગોલમાં) ઉપર જઈને પ૭ ફૂટ ઊંચા બાહુબલીનાથને
નીહાળતાં જ ગુરુદેવ આશ્ચર્ય અને ભક્તિથી સ્તબ્ધ થઈ ગયા. ખૂબ જ ભાવપૂર્વક ફરીફરીને એ
વીતરાગીનાથને નીહાળ્‌યા....દર્શન કરીકરીને ઘણો આનંદ વ્યક્ત કર્યો.....ગુરુદેવે ભાવપૂર્વક બાહુબલી
પ્રભુના ચરણોનો અભિષેક કર્યો. (ઉછામણી વગેરેમાં દસેક હજારનું ફંડ થયું)
(પોન્નૂર) આ પર્વત ઉપર કુંદકુંદાચાર્યદેવની તપોભૂમિ છે...ઉપર મહામંગલ ચરણપાદૂકા છે...
ચંપાના વૃક્ષો છે.....કુંદકુંદપ્રભુની પવિત્ર તપોભૂમિની યાત્રા ઘણા જ આનંદથી થઈ–જાણે સાક્ષાત્
કુંદકુંદપ્રભુના જ દર્શન થયા હોય–એવો આનંદ ભક્તોને આ યાત્રામાં થયો. (યાત્રાના સ્મરણનિમિત્તે
દસેક હજારનું ફંડ થયું.)
(૧૮૬) હે પરમવૈરાગી.....અડગ સાધક.....બાહુબલીનાથ!
આપશ્રીની પરમ આત્મસાધના અમારા હૃદયમાં કોતરાઈ ગઈ છે....કહાનગુરુદેવ સાથે થયેલી
આપશ્રીની આ મહા ‘મંગલવર્દ્ધિની’ યાત્રા સર્વે યાત્રિકોના જીવનમાં આત્મહિતની પ્રેરણાનું એક
અમરઝરણું બની જશે. પ્રભો! આપના આત્મપ્રદેશોમાંથી રણકાર ઊઠી રહ્યા છે કે–
મને લાગે સંસાર અસાર....
એ રે સંસારમાં નહીં જાઉં.....
નહીં જાઉં.....નહીં જાઉ રે....
મને જ્ઞાયક ભાવનો પ્યાર.....
એ રે જ્ઞાયકમાં હું લીન થાઉં....
લીન થાઉં....લીન થાઉં રે......
(૧૮૭) ગુરુદેવ કહે છે: “જાત્રામાં ઘણાં તીર્થો જોયા...તેમાંય બાહુબલી ભગવાનની મુદ્રા તો
જાણે વર્તમાન જીવંતમૂર્તિ હોય!–એના સર્વ અંગો–

PDF/HTML Page 27 of 33
single page version

background image
: ૨૬ : આત્મધર્મ: ૨૦૦
પાંગમાં પુણ્ય અને પવિત્રતા બંને દેખાઈ આવે છે....એને જોતાં તૃપ્તિ થતી નથી....અત્યારે આ
દુનિયામાં એનો જોટો નથી.
(૧૮૮) કોઈ પૂછે કે આવું ભેદજ્ઞાન ક્્યારે થાય?–તેને કેટલો વખત લાગે?–તો આચાર્યદેવ
ઉત્તર આપે છે કે હે ભાઈ! જગતનો કોલાહલ છોડીને, ને આત્માનો અર્થી થઈને જો તું અંતરમાં શુદ્ધ
આત્માના અનુભવનો પ્રયત્ન કર તો અંતર્મુહૂર્તમાં જ તેની પ્રાપ્તિ થઈ જશે.....વધારેમાં વધારે છ
મહિના લાગશે......છ મહિનામાં જરૂર શુદ્ધાત્માની પ્રાપ્તિ થશે.
(૧૮૯) જેમ કોરા ઘડા ઉપર પાણીનું ટીપું પડતાં જ તે ચૂસી લ્યે છે.....તેમ દુઃખથી અતિસંતપ્ત
થયેલા આત્માર્થી જીવને શ્રી ગુરુ પાસેથી શાંતિનો ઉપદેશ મળતાં જ તે તેને ચૂસી લ્યે છે, એટલે કે
તરત જ...પોતાના આત્મામાં પરિણમાવી દે છે.
(૧૯૦) અહો, તે પવિત્ર આત્મા જયવંત વર્તો, કે જે આત્મા સમ્યક્ત્વની પ્રભુતા સહિત છે,
જેનું જ્ઞાન પાવન છે, જેની ચૈતન્યમુદ્રા ઉપર અતીન્દ્રિય આનંદ વ્યાપી ગયો છે અને જે વૈરાગ્યરૂપી
ગંભીર સમુદ્રમાં નિમગ્ન છે.
(૧૯૧) હે આત્માર્થી બન્ધુ!
આત્મસાધનામાં જગતના અનેકવિધ પ્રતિકૂળ–અનુકૂળ સંયોગો તો વચ્ચે આવે જ...એવા પ્રસંગે
તારી આત્માર્થિતાના જોરે,–તારી સર્વ શક્તિને ઉપયોગમાં લઈને તારી આત્મસાધનામાં અડગ
રહેજે......‘આ...ત્મા...ર્થિ.....તા...’ એ એક જ એવું મહાન બળ છે કે જેની પાસે જગતના કોઈ બળની
તાકાત ચાલી શકતી નથી. .....ખરેખર આત્માર્થીને જગતમાં કોઈ વિઘ્ન છે જ નહીં. આમ છતાં, હે
જીવ! તને મુંઝવણ થતી હોય તો, પૂર્વના મહાપુરુષોના જીવનને યાદ કર....તેમના ઉદાહરણથી તારા
આત્માને પણ આરાધનામાં ઉત્સાહિત કર.
(૧૯૨) ધર્મી કહે છે : અમારા આત્માના અતીન્દ્રિય આનંદ સિવાય આ જગતમાં બીજું કાંઈ
અમને પ્રિય નથી. અમારો આનંદ અમારા આત્મામાં જ સમાય છે.
(૧૯૩) ××× આત્માર્થીને અંતરમાં એવા ભાવતરંગો સ્ફૂરે છે કે જાણે પરિણતિ ઉલ્લસી
ઉલ્લસીને ‘કારણ’ ને ભેટતી હોય! ખરેખર, પોતાનું હિતકાર્ય કરવાના કામી જીવોને તેનું વાસ્તવિક
‘કારણ’ દર્શાવીને સંતોએ મહાન ઉપકાર કર્યો છે. ‘न हि कृत मुपकारं साधवो विस्मरन्ति’ એ ઉક્તિ
અનુસાર, તે સંતોના મહાન ઉપકારનું ફરીફરી સ્મરણ કરીને તેઓને નમસ્કાર કરીએ છીએ.
(૧૯૪) આત્માર્થ સાધવા માટે સાચી તત્પરતા હશે તો જગતમાં કોઈની તાકાત નથી કે તારા
આત્મકાર્યમાં વિઘ્ન કરી શકે. જ્યાં આત્માર્થીની સાચી તત્પરતા છે ત્યાં આખું જગત તેને આત્માર્થની
પ્રાપ્તિમાં અનુકૂળ પરિણમી જાય છે; ને તે જીવ જરૂર આત્માર્થને સાધી લ્યે છે; માટે હે જીવ! જગતમાં
બીજું બધું ભૂલીને તું તારા આત્માર્થ માટેની સાચી તત્પરતા કર.
(૧૯પ) પ્રથમ જીવને એક ધગશ જાગવી જોઈએ અને આત્માની ધૂન લાગવી જોઈએ કે મારા
આત્માનું સમ્યગ્દર્શન કર્યા વગર આ જન્મમરણથી છૂટકારો થાય તેમ નથી. માટે સર્વ ઉદ્યમથી
સમ્યગ્દર્શન કરવા જેવું છે.
(૧૯૬) ગુણમાં મોટા ગુરુ જે પ્રમાણે કહે છે તે પ્રમાણે શિષ્ય પરિણમી જાય છે,–એ ગુરુના
શરણની ખરી સેવા છે...ને એવી સેવાના પ્રસાદથી તે શિષ્ય અંતરમાં પોતાના આત્માનો અનુભવ પામે છે.
(૧૯૭) સમ્યગ્દ્રષ્ટિનું હૃદય ઊંડુ છે, ઘણી પાત્રતા વગર તે પકડાતું નથી. અહા! જ્ઞાની તો
મહાવૈરાગ્યનું પૂતળું છે....એના રોમે રોમે–ચૈતન્યના પ્રદેશે પ્રદેશે રાગથી ઉદાસીનતા પરિણમી ગઈ છે,
તે સમકિતી–

PDF/HTML Page 28 of 33
single page version

background image
જેઠ: ૨૪૮૬ : ૨૭:
હંસ.....ચૈતન્યબાગમાં નિજાનંદની કેલી કરે છે. એવી દશા કેમ પ્રગટે તેની આ વાત છે.
(૧૯૮).... “હે પિતાજી! આ અસાર સંસારને છોડીને હવે અમે દીક્ષા લેવા માંગીએ છીએ.....
અમે દીક્ષા લઈને ધુ્રવ ચૈતન્યતત્ત્વને ધ્યાવશું ને તેના આનંદમાં લીન થઈને આ જ ભવે સિદ્ધપદને
સાધશું. માટે અમને દીક્ષા લેવાની રજા આપો. હે તાત! જિનશાસનના પ્રતાપે સિદ્ધપદને સાધવાનો જે
અંતરનો માર્ગ તે અમે જોયો છે, તે અંતરના જોયેલા માર્ગે હવે અમે જશું.”–આમ કહીને, જેમના રોમે
રોમે–પ્રદેશેપ્રદેશે વૈરાગ્યની ધારા ઉલ્લસી છે એવા તે બંને રાજકુમારો મુનિદીક્ષા લેવા માટે રામચંદ્રજીને
નમન કરીને વનમાં ચાલ્યા જાય છે. અહા! ધન્ય એમની મુનિદશા! ધન્ય એમનો વૈરાગ્ય! ને ધન્ય
એમનું જીવન!
(૧૯૯) હે સીમંધર ભગવાન! હે ગણધરો! હે સંતો! હે કુંદકુંદપ્રભુ! હે વિશ્વના સર્વે
ધર્માત્માઓ!
મારા આંગણે પધારો....પધારો!
(૨૦૦) ‘આત્મધર્મ’ માસિકના આ બીજ સૈકાની સમાપ્તિ પ્રસંગે હે ગુરુદેવ! આપના
પવિત્ર ચરણમાં નમસ્કાર કરીએ છીએ ને આપના મંગલ આશીર્વાદથી સૌને ‘આત્મધર્મ’ ની
પ્રાપ્તિ હો! એવી ભાવના ભાવીએ છીએ.
૭૧મા જન્મોત્સવના અભિનન્દન સન્દેશા
પરમપૂજ્ય ગુરુદેવનો ૭૧મો જન્મોત્સવ ઉમરાળામાં
ઊજવાયો, માત્ર ઉમરાળામાં નહિ પરંતુ ભારતભરમાં અને ભારતની
બહાર પણ જ્યાં જ્યાં ભક્તો વસી રહ્યા છે ત્યાં સર્વત્ર ભક્તોના
હૃદયમાં જન્મોત્સવની ઉર્મિઓ જાગી......અને ઠેર ઠેરથી જન્મોત્સવના
અભિનંદન બાબત ભક્તિભર્યા સન્દેશા આવ્યા. નીચેના શહેરોમાંથી
લગભગ ૭૧ જેટલા સન્દેશા આવ્યા હતા.
નૈરોબી (આફ્રીકા), મોશી (આફ્રીકા), રંગુન (બરમા), કલકત્તા,
મદ્રાસ, દિલ્હી, મુંબઈ, ઈંદોર, ઉજ્જૈન, ગુના, ધનબાદ, ન્યુદિલ્હી, કોચીન,
અમદાવાદ, જામનગર, ડુમસ, પાલેજ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર,
વઢવાણસીટી, જયપુર, સુરત, જોરાવરનગર, આગ્રા, જમશેદપુર, ગોધરા,
લાઠી, પોરબંદર, વીંછીયા, બોટાદ, વાંકાનેર, ગોંડલ, તલોદ, સોનગઢ, રિઠદ
(વિદર્ભ), સનાવદ, ડુંગરગઢ.
બ્રહ્મચર્ય પ્રતીજ્ઞા
તા. ૧૮–પ–૬૦ ના રોજ સોનગઢમાં પૂ ગુરુદેવ સમક્ષ
વઢવાણના ભાઈશ્રી પોપટલાલ મોહનલાલ વોરા તથા તેમના
ધર્મપત્ની રંભાબેન, એ બંનેએ સજોડે આજીવન બ્રહ્મચર્યપ્રતિજ્ઞા
અંગીકાર કરી છે.
(નોંધ:– છેલ્લા ચારેક વર્ષમાં પૂ. ગુરુદેવ પાસે અનેક
ભાઈઓએ સજોડે બ્રહ્મચર્યપ્રતિજ્ઞા અંગીકાર કરેલ છે, પરંતુ તે
સંબંધી યાદી આત્મધર્મમાં આપવામાં આવી નથી. હવે આ માસથી તે
યાદી આપવાનું ફરી ચાલુ કરેલ છે.)

PDF/HTML Page 29 of 33
single page version

background image
: ૨૮ : આત્મધર્મ: ૨૦૦
પ્રતીતિના પ્રતાપે પરમાત્મા
પ્રતીતિના અભાવે પરિભ્રમણ
(૧) આત્મા જ્ઞાનસ્વભાવી છે, તેના જ્ઞાનમાં સર્વજ્ઞ થવાની તાકાત છે.
(૨) જ્ઞાન પોતે પોતાના આવા પરિપૂર્ણ સામર્થ્યની પ્રતીત જ્યાંંસુધી ન કરે
ત્યાંસુધી આત્માની સમ્યક્ પ્રતીતિ થાય નહીં.
(૩) ‘હું જ્ઞાનસ્વભાવ છું’ એવી પ્રતીતિના પ્રતાપે આત્મા સર્વજ્ઞ થાય છે; ને તે
પ્રતીતિના અભાવે આત્મા સંસારમાં રખડે છે.
(૪) ‘હું જ્ઞાનસ્વભાવ છું’ એવી પ્રતીત કરીને જ્યારે આત્મા તેને ધ્યાવે છે,
એટલે કે ધ્યાનમાં તે જ્ઞાનસ્વભાવને જ કારણપણે ગ્રહીને તેમાં તન્મયપણે
લીન થાય છે ત્યારે તુરત જ પરમ આનંદમય કેવળજ્ઞાન પ્રગટે છે.
(પ) તે કેવળજ્ઞાની ભગવાન સંપૂર્ણ અતીન્દ્રિય થયા છે, તેમને ઈંદ્રિયો સાથે
સંબંધનો અભાવ હોવાથી તેઓ ઈંદ્રિયોથી પાર છે.
(૬) સર્વજ્ઞનું જ્ઞાન સર્વ આત્મપ્રદેશે સોળ કળાએ ખીલી ગયું છે, કોઈ આવરણ
તેને નથી રહ્યું કે જે કોઈ પણ જ્ઞેયને જાણતાં તેને રોકે. તેઓ નિર્વિઘ્ન
ખીલેલી નિજશક્તિથી સર્વ જ્ઞેયોને એક સાથે પ્રત્યક્ષ જાણે છે.
(૭) જ્ઞાનની જેમ ભગવાનના સુખનું પણ એ જ પ્રમાણે સમજી લેવું.
અતીન્દ્રિય થયેલા તે સર્વજ્ઞ ભગવાન ભોજનાદિ ઈંદ્રિયવિષયો વગર જ
પોતાના અતીન્દ્રિય પરમસુખને અનુભવે છે. સુખના અનુભવમાં વિઘ્ન
કરનાર કોઈ કર્મ તેમને નથી રહ્યું; સ્વાધીનપણે જ તેઓ પૂર્ણ સુખરૂપે
પરિણમી ગયા છે, તેથી સુખ માટે બીજા કોઈ વિષયોની અપેક્ષા તે
સ્વયંભૂ–પરમાત્માને નથી.
(૮) સર્વજ્ઞતાની પ્રતીતિનો એવો પ્રતાપ છે કે તે પ્રતીતિ કરવા જતાં
સ્વસન્મુખતા થઈને આત્મપ્રતીતિ થઈ જાય છે....ને સમ્યગ્દર્શન થાય છે.
તે પ્રતીતિનો પ્રતાપ તેને અલ્પકાળમાં સર્વજ્ઞ પરમાત્મા બનાવી દે છે.
(૯) સર્વજ્ઞતાની પ્રતીતિના અભાવે આત્મા પોતાના જ્ઞાનસ્વભાવને ભૂલીને,
રાગાદિ વિભાવનો જ કર્તા થઈને સંસારમાં રખડે છે.
(૧૦) આ રીતે પ્રતીતિના પ્રતાપે પરમાત્મા થવાય છે અને પ્રતીતિના
અભાવે પરિભ્રમણ થાય છે.
માટે હે જીવો!
સર્વજ્ઞસ્વભાવી આત્માની પ્રતીતિ કરો.... ને તેનો અચિંત્ય મહિમા જાણીને તેમાં ઠરો....
એમ શ્રી સન્તોને ઉપદેશ છે.

PDF/HTML Page 30 of 33
single page version

background image
વૈરાગ્ય સમાચાર
(૧) આગ્રાના ભાઈશ્રી સોભાગમલજી પાટનીના સુપુત્ર ભાઈશ્રી રવીન્દ્રકુમાર (–જેઓ
નેમિચંદજી પાટનીના ભત્રીજા થાય છે તેઓ) આગ્રામાં તા. ૪–પ–૬૦ ના રોજ માત્ર ૧૪ વર્ષની
કિશોરવયે મોટર–લોરીના અકસ્માતમાં સ્વર્ગવાસ પામ્યા છે. આ કરુણ વૈરાગ્ય પ્રસંગની વાત
સાંભળતાં જ આંચકો લાગે છે ને મુમુક્ષુ જીવોનું હૃદય આ સંસારની અસારતા જાણીને વૈરાગ્ય તરફ
વળે છે. ઉત્તમકૂળ અને ઉત્તમ જૈનધર્મનો દુર્લભ સુયોગ પ્રાપ્ત થયા પછી પણ, આવી કુમળી વયમાં
આયુષ્ય પૂરું થવાનો પ્રસંગ જોઈને ક્્યા આત્માર્થીનું હૃદય સંસાર કાર્યોમાં ખૂચેં? અરે, સંસારની આ
સ્થિતિ! તેમાં વેગપૂર્વક વૈરાગ્ય પામીને આત્માને શીઘ્ર ધર્મ–આરાધનામાં જોડવો એ જ કર્તવ્ય છે.
આવા વૈરાગ્યપ્રસંગો પ્રમાદી જીવની આંખ ઉઘાડીને કહે છે કે અરે જીવ! હવે તું જાગ! અને જાગીને
તારા આત્મકાર્યમાં શીઘ્ર તત્પર થા.
(૨) સુરેન્દ્રનગરના ભાઈશ્રી મગનલાલ લહેરાભાઈ દોશી તા. ૧૨–પ–૬૦ ના રોજ ૬૩ વર્ષની
વયે સ્વર્ગવાસ પામ્યા છે. સુરેન્દ્રનગરના દિ. જૈન મુમુક્ષુ મંડળના તેઓ એક આગેવાન હતા ને તેની
સર્વ પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લેતા હતા. શાસ્ત્રસ્વાધ્યાયનો પણ તેમને શોખ હતો. તેઓ અવારનવાર
સોનગઢ આવીને ગુરુદેવના સમાગમનો લાભ લેતા હતા. ધાર્મિક શિક્ષણવર્ગમાં પણ તેમણે ભાગ
લીધેલો, અને ગુરુદેવ સાથે શિખરજી યાત્રાસંઘમાં પણ તેઓ સામેલ હતા.
સુરેન્દ્રનગરમાં તેઓ એક અગ્રગણ્ય વેપારી હતા, અનેકવિધ સામાજિક સંસ્થાઓના વિકાસમાં
પણ તેઓ રસ લેતા, સુરેન્દ્રનગર–સંયુક્ત સુધરાઈના પ્રમુખ તરીકે પણ તેમણે કાર્ય કરેલું.
સુરેન્દ્રનગરમાં પ્રાથમિક અધ્યાપન–મંદિર માટે તેમણે રૂા. ૧૧, ૧૧૧ નું દાન આપેલ. તેમના
સ્વર્ગવાસથી સુરેન્દ્રનગરના દિ જૈન મુમુક્ષુ મંડળને એક આગેવાન કાર્યકરની ખોટ પડી છે, તેમજ
ઝાલાવાડને એક બાહોશ વેપારી અને સેવાભાવી કાર્યકરની ખોટ પડી છે.
સ્વ મગનલાલભાઈ સત્દેવ–ગુરુ–ધર્મની આરાધના કરીને, જન્મ–મરણથી છૂટવાના માર્ગને
પામો, એ જ ભાવના.
“આત્મધર્મ” નું ભેટ પુસ્તક (સમ્યગ્દર્શન પુસ્તક બીજું)
આત્મધર્મના ચાલુ ગ્રાહકોને ભેટ આપવા માટે “સમ્યગ્દર્શન” (પુસ્તક બીજું)
સોનગઢ આવી ગયેલ છે, અને ગ્રાહકોને રૂબરૂમાં આપવામાં આવે છે, તો ગ્રાહકો પોતાનું
પુસ્તક વેલાસર મેળવી લ્યે એવી સૂચના છે. અથવા ગ્રાહક નંબર સાથે ૩પ નયા પૈસાની
ટીકીટો મોકલવાથી તે પુસ્તક પોસ્ટ દ્વારા મોકલી આપવામાં આવશે.
કલકત્તા, અમદાવાદ, રાજકોટ અને મુંબઈ તથા તેના પરાંઓના ગ્રાહકોને પોતાનું
પુસ્તક નીચેના સ્થળેથી મેળવી લેવા વિનંતિ છે–
(૧) શ્રી દીપચંદજી બનાજી ૧૪૬, ૨ ઓલ્ડ ચીના બજાર કલકત્તા–૧
(૨) શ્રી ચુનીલાલ જીવણલાલ દોશી, મંત્રી, દિ. જૈન મુમુક્ષુ મંડળ પતાસાની પોળ,
મહાદેવવાળો ખાંચો (ટાઈમ સવારે ૮ાા થી ૯ાા) અમદાવાદ
(૩) શ્રી દિગંબર જૈન મંદિર, રાજકોટ
(૪) શ્રી દિગંબર જૈન મંદિર, ૧૭પ મુમ્બાદેવી રોડ, મુંબઈ–૨

PDF/HTML Page 31 of 33
single page version

background image
____________________________________________________________________________
જન્મધામ ઉમરાળા–નગરીમાં ઉજવાયેલ
પૂ. ગુરુદેવનો ૭૧ મો ભવ્ય–જન્મોત્સવ
*
હર્ષ–ઉલ્લાસ અને વિવિધ–ભક્તિથી
ગુંજેલું ઉમરાળાનું વાતાવરણ

વૈશાખ સુદ બીજ એ પૂ. ગુરુદેવનો મંગલ જન્મ–દિવસ છે, ને ઉમરાળા તે પૂ. ગુરુદેવનું પાવન
જન્મધામ છે. આ વૈશાખ સુદ બીજે પૂ. ગુરુદેવની ૭૧મી જન્મજયંતિનો ઉત્સવ જન્મધામ ઉમરાળા
નગરીમાં જ ઉજવવાનું સૌભાગ્ય ભક્તોને પ્રાપ્ત થયું.....વૈશાખ સુદ ૧–૨–૩ એ ત્રણે દિવસ ભવ્ય
મહોત્સવ ઉજવાયો. આ ત્રણ દિવસ પૂ. ગુરુદેવ ઉમરાળા પધાર્યા હતા.
વૈશાખ સુદ એકમની સવારે પૂ. ગુરુદેવ સોનગઢથી ઉમરાળા પધારતાં ત્યાં ભાવભીનું ભવ્ય
સ્વાગત થયું. સ્વાગત બાદ ગુરુદેવે પોતાના જન્મધામમાં બિરાજમાન શ્રી સીમંધર ભગવાનને સોના–
ચાંદીના પુષ્પ સહિત અર્ઘ ચડાવ્યો. બપોરના પ્રવચન બાદ અજમેરની ભજનમંડળીદ્વારા ભક્તિનો
કાર્યક્રમ હતો. રાત્રે જન્મધામમાં ભક્તિ થઈ હતી. આ ભક્તિ જોવા માટે બેસુમાર ભીડ થઈ હતી,
અનેક માણસો ખોરડા ઉપર અને વંડી ઉપર ચડી ચડીને ભક્તિ જોતા હતા. ૭૧ દિપકોના શણગારથી
જન્મધામ શોભતું હતું. પૂ. બેનશ્રી બેને પણ ઉમંગભરી વધાઈ ગવડાવી હતી.
વૈશાખ સુદ બીજ: સવારમાં ૭૧ ઘંટાનાદ, શરણાઈ અને વાજાંથી વાતાવરણ ગૂંજી ઊઠયું.....
૭૧મા જન્મોત્સવની મંગલ વધાઈ લઈને ભક્તજનો આવી પહોંચ્યા.......ગુરુદેવના જન્મોત્સવની
મંગલવધાઈથી બધાય ભક્તોના હૈયા હર્ષ વિભોર હતા.....જન્મધામમાં જન્મવધાઈ નિમિત્તે ગુરુદેવના
ચરણે સેંકડો ભક્તોએ શ્રીફળ મૂકીને આનંદ વ્યક્ત કર્યો. જન્મવધાઈનાં ગીતો દ્વારા ગુણ–પુષ્પોની
માળા ગુંથાણી. ત્યારબાદ જન્મસ્થાને પૂ. બેનશ્રીબેને પ્રદક્ષિણા કરતાં કરતાં ઉલ્લાસકારી ભક્તિ કરી.
ભક્તિ બાદ જન્મગૃહમાં બિરાજમાન સીમંધર ભગવાનનું પૂજન થયું; ત્યારબાદ જિનેન્દ્રદેવની ભવ્ય
રથયાત્રા નીકળી, રથયાત્રામાં અજમેરની ભજન મંડળીનું વિશેષ આકર્ષણ હતું. ધામધૂમવાળી રથ–
યાત્રામાં ઠેરઠેર ભક્તોની મંડળી નાચી ઊઠતી હતી. રથયાત્રા દરબારી ઉતારે આવેલ, ત્યાં પૂજનભક્તિ
બાદ સૌ મંડપમાં આવ્યા અને ત્યાં ૭૧મા જન્મોત્સવ નિમિત્તે ખુશાલી વ્યક્ત કરતાં વિદ્વાન ભાઈ શ્રી
હિંમતલાલભાઈએ ભક્તિભર્યું ભાષણ કર્યું. ત્યારબાદ ૭૧મા જન્મોત્સવની ખુશાલી નિમિત્તે અનેક
ભક્તોએ ૭૧ રૂા. ના મેળવાળી રકમો જાહેર કરી....આ પ્રસંગે મુંબઈથી શેઠ શ્રી મોહનલાલ કાળીદાસ
જસાણીએ ગુરુદેવ પ્રત્યે પોતાની ભક્તિ વ્યક્ત કરતાં રૂા. ૨પ૦૦ કોઈ પુસ્તક છપાવવા માટે દિ. જૈન
સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢને અર્પણ કર્યા હતા. આ ઉપરાંત દેશવિદેશથી આવેલા ૭૧ જેટલા
અભિનન્દન સન્દેશ તથા તાર વાંચવામાં આવ્યા હતા. જન્મોત્સવમાં ભાગ લેવા બહારગામના પ૦૦
જેટલા મહેમાનો આવ્યા હતા.......તે ઉપરાંત ગ્રામ્યજનતા મોટી સંખ્યામાં ભાગ લેતી હતી. ઉમરાળા
પાંચેક હજારની વસતીવાળું ધૂળીયું ગામ છે, ધોળાસ્ટેશનથી ચારેક માઈલ દૂર છે; કાળુભાર નદી સ્વચ્છ
જળથી ગામની શોભા વધારે છે...જન્મોત્સવ વખતે નદીકિનારે પણ જાણે મેળો ભરાયો હોય, એવો
દેખાવ લાગતો.

PDF/HTML Page 32 of 33
single page version

background image
જન્મોત્સવ દિવસે ગુરુદેવ જન્મધામમાં ભોજન કરતા હતા તે વખતે ૬૦ વર્ષ પહેલાંના એ
દ્રશ્યો યાદ કરતા હતા કે જ્યારે આ સ્થાને માતા ઉજમબા પોતાના પુત્રને લાડપૂર્વક જમાડતા હશે.
ગુરુદેવના ભોજન વખતે બેનશ્રીબેને અતિ વાત્સલ્ય ભરેલા ગીતદ્વારા ભક્તિની ઊર્મિઓ વ્યક્ત કરી
હતી; તે વખતે; માતા ઉજમબા કહાનકુંવરને કેવી રીતે રમાડતા–જમાડતા હશે, શું જમાડતા હશે,
કહાનકુંવર આ સ્થાને કેવી પા–પા પગલી માંડતા હશે ને કેવું બોલતા હશે–એ બધું જાણે કે તાદ્રશ થતું
હતું. ગુરુદેવના મનમાં પણ પોતાના માતાની અને બાલપણની સ્મૃતિઓ તરવતરી હતી.–ભક્તિના આ
પ્રસંગથી સૌને આનંદ થયો હતો.
બપોરે પ્રવચન બાદ અજમેરની ભજનમંડળીએ ભક્તિ કરી હતી...જન્મવધાઈ લઈને ભક્ત
ઉજમબા પાસે આવેે છે ને ભેટ ધરીને ખુશાલી વ્યક્ત કરે છે, અભિષેક માટે કાળુભારનું પાણી લાવે છે,
નૃત્ય કરે છે,–ઈત્યાદિ દ્રશ્યો વડે સુંદર ભક્તિ થઈ હતી.
ત્રણ દિવસમાં ભક્તિનો સૌથી ઉત્કૃષ્ટ પ્રસંગ તો બીજની સાંજે બન્યો...આરતિ પછી
જન્મધામના સ્વસ્તિકની આસપાસ પ્રદક્ષિણા કરતાં કરતાં બેનશ્રી–બેન બંનેએ હાવભાવપૂર્વક
આશ્ચર્યકારી ભક્તિ કરાવીને અદ્ભુત દ્રશ્યો ઉપસ્થિત કર્યા હતા...જેમાં ગુરુદેવનો જન્મ, ઉજમબા
ગોદમાં લઈને તેમને આશીર્વાદ આપે છે, પારણે પોઢાડે છે, ઓવારણા લ્યે છે, કહાનકુંવર નાની ડગલી
ભરે છે, ગોઠણભર ચાલે છે, માતા આશીર્વાદ આપે છે ઈત્યાદિ દ્રશ્યો દેખીને ભક્તોને અપાર હર્ષ થતો
હતો...એમાંય સર્વોત્તમ દ્રશ્ય હતું–માતા આશીર્વાદ આપે છે તેનું! શું આશીર્વાદ આપે છે? બેટા તું
આત્માનો રંગી થાજે...ને ધર્મનો પ્રભાવક થાજે...”–એમ માતા આશીર્વાદ આપે છે. આ પ્રસંગે હાથમાં
હાથ મિલાવીને ભક્તિ કરી રહેલા બંને બહેનોની અજોડ જોડીને જોતાં ભક્તિની ઉત્કૃષ્ટતા કેવી હોઈ
શકે તેનો ભાસ થતો હતો. અહા! માતાના આશીર્વાદનું સર્વોત્તમ દ્રશ્ય તો ભક્તો કદી નહિ ભૂલે.
માતાના આશીર્વાદ બાળક ઉપર વરસતા હોય,–એ વખતનું વાત્સલ્યઝરણું દર્શકોને પણ પાવન કરતું
હતું...અને ખરેખર માતાના વાત્સલ્યભર્યા આશીર્વાદ સુપુત્ર કહાનકુંવરે સફળ કર્યા છે–એ દેખીને
વિશેષ આનંદ થતો હતો. જીવનની કોઈ વિરલ–ક્ષણે જ જોવા મળે એવા એ વખતની ભક્તિનાં દ્રશ્યો
હતાં. અહીં તો એક આશીર્વાદનો જ પ્રસંગ સંક્ષેપમાં લખ્યો છે...બાકી એ વખતની ભક્તિમાં તો એવા
એવા ઘણાય રંગ–ઉમંગભર્યા દ્રશ્યો જોવાનું સદ્ભાગ્ય સાંપડયું હતું.
રાત્રે મંડપમાં ભક્તિ થઈ હતી, તેમાં કહાનજન્મ વધાઈ, ગોદી લે...લે...વગેરે દ્રશ્યો ઉપરાંત
સર્પનૃત્ય થયું હતું...
ગુરુદેવ ઉમરાળાનું અને જન્મધામનું પ્રસન્નતાથી અવલોકન કરતા હતા...ને ત્યાંની વસ્તુઓ
જોઈને બાળપણના સંસ્મરણો યાદ કરતા હતા...બે વર્ષના બાળપણથી માંડીને અનેક પ્રસંગો તેઓ
કહેતા...ગુરુદેવના શ્રીમુખેથી તેમના બાળપણની વાર્તા સાંભળીને આનંદ થતો હતો...
ગામના તેમજ બહારગામના સેંકડો બાળકો હોંસેહોંસે ગુરુદેવના દર્શન કરવા આવતા...ગુરુદેવ
પ્રસન્નતાપૂર્વક દરેક બાળકને જૈનબાળપોથી અને આત્મસિદ્ધિ–એ બે પુસ્તકો ભેટ આપતા...એ રીતે
ગુરુદેવના જન્મધામમાં, ગુરુદેવના જન્મદિવસે અને ગુરુદેવના જ સુહસ્તે ‘બેસતા વર્ષની બોણી’
મળતાં બાળકો ખૂબ રાજી થતા.–અને, જ્ઞાનપ્રભાવના માટે મફત સાહિત્ય વેંચવાની ગુરુદેવને કેટલી
હોંસ છે–તે પણ દેખાઈ આવતું હતું.
ત્રીજને દિવસે સવારમાં પૂજન–પ્રવચન બાદ ગુરુદેવ પ્રત્યે સ્તુતિરૂપ એક માનપત્ર અપાયું હતું.
આજનું ભોજન ગુરુદેવે શેઠ કુંવરજીભાઈને ઘેર કર્યું હતું, તેથી તેમનું કુટુંબ આનંદથી નાચી ઊઠયું હતું.
બપોરના પ્રવચન પછી સુંદર ભક્તિ થઈ હતી...રાત્રે જન્મગૃહમાં ભક્તિ થઈ હતી. ભક્તોની બેસુમાર
ભીડ વચ્ચે સુંદર ભક્તિ થઈ હતી. આ રીતે જન્મધામમાં ત્રણ દિવસનો જન્મોત્સવ ઘણા આનંદથી
ઊજવાયો હતો...ને વૈશાખ સુદ ૪ના રોજ પૂ. ગુરુદેવ પૂન: સોનગઢ પધાર્યા હતા.

PDF/HTML Page 33 of 33
single page version

background image
ATMADHARMA Reg. No. B. 4787
ઈન્દોર નગરીમાં ઉજવાયેલો ગુરુદેવનો જન્મોત્સવ
ગુરુદેવને અભિનંદન ગ્રંથ સમર્પણ કરવા માટે થયેલ પ્રસ્તાવ
પૂ ગુુરુદેવનો મંગલ જન્મોત્સવ વૈશાખ સુદ બીજે અનેક સ્થળે ઊજવાયો; ઈંદોરમાં પણ
ગુરુદેવનો જન્મોત્સવ ઉત્સાહથી ઊજવાયો હતો. અને તે વખતે એક પ્રસ્તાવ પણ કરવામાં આવ્યો
હતો...આ સંબંધમાં ઈંદોરથી આવેલ સમાચાર અહીં પ્રકાશિત કરીએ છીએ–
दिनांक २७–४–६० मिती वैशाख शुक्ला २ को श्रीपूज्य कानजीस्वामी का ७१ वां
जन्मदिवस इन्दोर लशकरी मंदिरमें मनाया गया। रात्रिको जैनरत्न शेठ माणकचन्दजी शेठी
मल्हारगंज इन्दोर की अध्यक्षतामें सभा की गई, उसमें जैनसिद्धान्तमहोदधि पं. नाथुलालजी
शास्त्री, पं. कोमलचन्दजी एडवोकेट. जे. लालचन्दजी, प्रकाशचन्दजी पांड्या, फूलचन्दजी
पांड्या और अमृतलालजी हंसराजजी के स्वामीजीके प्रभावशाली व्यक्तित्व एवं अपूर्व सेवा पर
भाषण हुए। सभापतिजीने जो प्रस्ताव रखा उसकी प्रतिलिपि सेवामें प्रेषित की जा रही हैः–
भारत के महान आध्यात्मिक संतोमें आत्मार्थी सत्पुरुष पूज्य श्री कानजीस्वामीका विशिष्ट
स्थान है। आप जैनधर्मका मर्मज्ञ, पूर्ण ब्रह्मचारी एवं प्रभावशाली वक्ता है, जिनके सदुपदेशसे
सौराष्ट्रके एवं अन्य स्थानोंके सहस्त्रों भाइयों व बहनों के ज्ञाननेत्र खुलकर उन्हें सन्मार्गका प्रतिबोध
प्राप्त हुआ है। स्वामीजी की ७१ वीं जन्मगांठ पर आज इन्दौर के दि. जैन बन्धुओंकी यह सभा
उनकी सेवाओंका अभिनन्दन करती हुई चिरायु कामना करती है और यह योजना प्रस्तुत करती
है कि जिनशासनप्रभावक स्वामीजी को एक अभिनन्दन ग्रंथ तैयार कर समर्पित किया जाय।
सर्व सम्मतिसे स्वीकृत
हः माणकचन्द शेठी
सभापति
ગુરુદેવ પ્રત્યે અભિનન્દનરૂપ આ પ્રસ્તાવ કરવા માટે ઈન્દોરની અધ્યાત્મપ્રેમી જનતાને અમે
અભિનંદન આપીએ છીએ અને તેમના આ પ્રસ્તાવમાં “આત્મધર્મ” પોતાનો સાથ પુરાવે છે.
જન્મોત્સવના ઉપલક્ષમાં ઈન્દોરનો સન્દેશ
પૂ. ગુરુદેવના ૭૧ મા જન્મોત્સવ પ્રસંગે ઈંદોરથી સર હુકમીચંદજી શેઠના સુપુત્ર ભૈયાસાહેબ શ્રી
રાજકુમારસિંહજી તરફથી આવેલ સન્દેશ નીચે મુજબ છે.
हमें यह जानकर बडी प्रसन्नता हुई कि आत्मार्थी सत्पुरुष श्री कानजीस्वामीजी
महाराजका ७१ वां जन्मजयंति महोत्सव आप उनके जन्मस्थान उमरालामें मना रहा हैं। यह
एक अत्यंत महान दुर्लभ लाभ है। मैं इस अवसर पर उपस्थित होकर अवश्य धार्मिक लाभ
लेता परन्तु कार्यवश ऐसा न हो सकेगा अतएव आप सब लोगोंसे क्षमा चाहता हुआ आपके
उत्सवकी सफलता की कामना करता हुं।
अध्यात्ममूर्ति श्री कानजीस्वामीने जो दिगंबर जैनधर्मका प्रचार किया है वो पिछली कई
शताब्दियोंमें अभूतपूर्व है। अनेकों जिनमंदिरोंकी स्थापना तथा सन्मार्ग से भटके हुए लोगोंको
आत्मधर्मका उपदेश दे उन्हें मार्गदर्शन दिया है ऐसे संतप्रवरके लिए समाज जो कुछ भी
आदर–सन्मान करे वह उनका नहीं वरन अपनी समाजको ही गौरवान्वित करना है। आपके
सद््प्रयासमें मेरा पूर्ण सहयोग है।
भवदीय
राजकुमारसिंह
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટવતી મુદ્રક અને
પ્રકાશક: હરિલાલ દેવચંદ શેઠ : આનંદ પ્રિ. પ્રેસ–ભાવનગર