Atmadharma magazine - Ank 225
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 29
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : ૨૨પ
વાળાં જીવોને જે સુખ પ્રાપ્ત થાય છે તેને ખરૂં સુખ કહેવાતું નથી. કારણ કે તે વિષય સેવન કરતા
પહેલાં, સેવન સમયે અને અંતમાં કેવળ સંતાપ જ આપે છે. વિદ્વાન પુરૂષ તો એવા સુખને ઈચ્છે છે કે
જેમાં વિષયોથી મનની નિવૃત્તિ થઈ જાય છે, ચિત્ત સંતૃષ્ટ થાય છે પરંતુ એવું સુખ એ વિષયાંધ પુરૂષોને
કેવી રીતે પ્રાપ્ત થઈ શકે કે જેનું ચિત્ત સદા વિષય પ્રાપ્ત કરવામાં જ ખેદ ખિન્ન બન્યું રહે છે.
વિષયોનો અનુભવ કરવાથી જીવોને જે સુખ થાય છે તે પરાધીન છે, બાધાઓ સહિત છે,
વ્યવધાન સહિત છે, અને કર્મબંધનું કારણ છે. એટલા માટે તે સુખ નથી પણ દુઃખ જ છે. એ વિષય
વિષ સમાન અત્યંત ભયંકર છે કે જે સેવન કરતી સમયે જ સારું લાગે છે. ખરેખર એ વિષયોથી ઉત્પન્ન
થયેલું મનુષ્યોનું સુખ ખુજલીને ખંજોળવાથી ઉત્પન્ન થયેલા સુખ સમાન છે અથવા જેમ ખુજલી
ખંજોળતી વખતે સુખ ભાસે છે પરંતુ પાછળથી બળતરા ઉત્પન્ન થવાથી ઉલટું દુઃખ થાય છે. એવી રીતે
એ વિષયોનું સેવન કરવાથી એ સમયે તો સુખની કલ્પના થાય છે પરંતુ પછી તૃષ્ણાની વૃદ્ધિ થવાથી
દુઃખ થાય છે. જેવી રીતે બળેલા ઘા ઉપર ઘસેલા ચંદનનો લેપ જરાક થોડોઆરામ ઉત્પન્ન કરે છે એવી
રીતે વિષય સેવન કરવાથી ઉત્પન્ન થયેલ મુર્છાં એ સમયે જરાક થોડો સંતોષ ઉત્પન્ન કરે છે. તેને સુખ
કેમ કહેવાય?
જ્યાંસુધી ગુમડાની અંદર બગાડ રહે ત્યાંસુધી ચંદન આદિનો લેપ લગાડવાથી સ્થાયી આરામ તો
થઈ શકતો નથી એવી રીતે જ્યાંસુધી મનમાં વિષયોની ઈચ્છા રહે છે ત્યાં સુધી વિષય સેવન કરવાથી
સંતાપ અને તૃષ્ણા તો રહે છે તેથી તેમાં સ્થાઈ સુખ કેમ કહેવાય?
સ્થાયી આરામ અને સુખ તો ત્યારે પ્રાપ્ત થાય છે કે જ્યારે ગુમડાની અંદરથી બગાડ અને મનની
અંદરથી વિષયોથી ઈચ્છા કાઢી નાખવામાં આવે. જેવી રીતે વિકારવાળો ઘા થવાથી તેને ક્ષાર યુક્ત
શસ્ત્રોથી કાપવાનો ઉપાય કરવામાં આવે છે તેવી રીતે વિષયોની ઈચ્છારૂપી રોગ ઉત્પન્ન થવાથી એને
દૂર કરવાને માટે વિષય સેવન કરવામાં આવે છે; અને આ રીતે જીવોનું આ વિષય સેવન કેવળ
રોગોનો ઉપાય જ ઠરે છે.
જેવી રીતે લીમડાનો કીડો લીંબડાના કડવા રસને આનંદદાયી માનીને એમાં તલ્લીન રહેતો થકો
આનંદ માને છે, અથવા જેવી રીતે વિષ્ટાનો કીડો એના દુર્ગંધયુક્ત અપવિત્ર રસને ઉત્તમ સમજી એમાં
રહેતો થકો આનંદ માને છે, એવી રીતે આ સંસારી જીવ સંભોગ જનિત દુઃખને સુખ માનીને એમાં
તલ્લીન રહે છે. વિષયોનું સેવન કરવાથી પ્રાણીઓને ફકત મુર્છાં અને પ્રેમ જ ઉત્પન્ન થાય છે જો તે
પ્રેમને જ સુખ માનવામાં આવે તો વિષ્ટા આદિ અપવિત્ર વસ્તુઓને ખાવામાં પણ સુખ માનવું જોઈએ,
કારણ કે વિષયી મનુષ્ય જેવી રીતે પ્રેમને મેળવીને પ્રસન્નતાના વિષયોને ઉપભોગ કરે છે એવી રીતે
કુતરા અને ભુંડ–સૂવરોનો સમૂહ પણ પ્રસન્નતાની સાથે વિષ્ટા આદિ અપવિત્ર વસ્તુઓ ખાય છે. અથવા
જેવી રીતે વિષ્ટાના કીડાને વિષ્ટાના રસનું પાન કરવું તેજ ઉત્કૃષ્ટ સુખ લાગે છે. એવી રીતે વિષય
સેવન કરવાની ઈચ્છાવાળા પ્રાણીઓને પણ નિંદનીક વિષયોનું સેવન કરવું ઉત્કૃષ્ટ સુખ લાગે છે–ભાસે
છે. જે પુરુષ સ્ત્રીઆદિ વિષયોનો ઉપયોગ કરે છે તેનું આખું શરીર ધ્રુજવા લાગે છે. શ્વાસ તીવ્ર રીતે
ચાલે છે અને આખું શરીર પરસેવાથી તરબોળ થઈ જાય છે. જો સંસારમાં આવો જીવ પણ સુખી
માનવામાં આવે તો તો પછી દુઃખી કોણ હશે? જેવી રીતે પોતાના દાંતોથી હાડકું ચાવતો કૂતરો પોતાને
સુખી માને છે તેવી રીતે જેનો આત્મા વિષયોથી મોહીત થઈ રહ્યો છે એવો મુર્ખ જીવ પણ વિષય સેવન
કરવાથી ઉત્પન્ન ફકત પરિશ્રમને જ સુખ માને છે. આથી નક્કી થાય છે કે કર્મોના ક્ષયથી અથવા
ઉપશમથી જે સ્વાભાવિક આનંદ ઉત્પન્ન થાય છે તે જ સુખ છે. તે સુખ અન્ય વસ્તુઓના આશ્રયથી
કદીપણ ઉત્પન્ન થતું નથી.
હવે કદાચિત્ આ પ્રમાણે કહો કે સ્વર્ગમાં રહેવાવાળા દેવોને પરિવાર તેમજ ઋધ્ધિ આદિ
સામગ્રીથી સુખ થાય છે પરંતુ અહમિન્દ્રોને તે સામગ્રી નથી એટલે એના અભાવમાં એમને સુખ ક્્યાંથી
પ્રાપ્ત થઈ શકે? તો આ પ્રશ્નના સમાધાનમાં આ બે દલીલો રજુ કરીએ છીએ.

PDF/HTML Page 22 of 29
single page version

background image
તે આ છે કે જેની પાસે પરિવાર આદિ સામગ્રી વિદ્યમાન છે એને એ સામગ્રીની સત્તા માત્રથી (હોવા
પણાંથી) સુખ થાય છે? અથવા એનો ઉપભોગ કરવાથી થાય છે? જો સામગ્રીની સત્તા માત્રથી આપને સુખ
માનવું યોગ્ય લાગે છે તો એ રાજાને પણ સુખ થવું જોઈએ કે જેને જ્વર–તાવ ચઢેલો છે અને રાણીવાસની
સ્ત્રીઓ, ધન, ઋષિ તથા પ્રતાપી પરિવાર આદિ સામગ્રી તેની પાસે જ હાજર છે. કદાચિત્ આ પ્રમાણે કહો કે
સામગ્રીના ઉપભોગથી સુખ થાય છે તો તેનો ઉત્તર–પહેલાં આપી દેવામાં આવ્યો છે કે પરિવાર આદિ
સામગ્રીનો ઉપભોગ કરવાવાળો એની સેવા કરવાવાળો પુરુષ અત્યંત શ્રમ અને કલેશને પ્રાપ્ત થાય છે.
આથી આવો પુરુષ સુખી કેવી રીતે થઈ શકે? (ચાલુ)
મહાવીરના
બોધને પાત્ર
સત્પુરુષોનાં ચરણનો ઈચ્છુક, સદૈવ બોધનો
અભિલાષી, ગુણપર પ્રશસ્ત ભાવ રાખનાર, બ્રહ્મચર્યમાં
પ્રીતિ રાખનાર, જ્યારે સ્વદોષ દેખે ત્યારે તેને છેદવાનો
ઉપયોગ રાખનાર, ઉપયોગથી એકપણ પગ ભરનાર,
(સમ્યક્) એકાન્તવાસને વખાણનાર, તીર્થાદિ પ્રવાસનો
ઉછરંગી, આહાર–વિહાર–નિહારનો નિયમી, પોતાની
ગુરુતા (મહત્તા) દબાવનાર એવો કોઈપણ પુરુષ
(આત્મા) તે મહાવીરના બોધને પાત્ર છે.
–શ્રીમદ્ રાજચંદ્ર
સ્વાશ્રયી ભાવથી મુક્તિ
હું એક અખંડ જ્ઞાયક મૂર્ત્તિ છું પરાશ્રય વિના એકલો
સ્વાલંબી પૂર્ણજ્ઞાનસ્વભાવી અનાદિ અનંત છું, કોઈ
પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ, પરભાવ અને વિકલ્પનો એક
અંશ પણ મારો નથી. મારો આત્મા જ મારે માટે ધુ્રવ છે,
શરણરૂપ છે એવો સ્વાશ્રયીભાવ રહે તે મોક્ષનું કારણ છે
અને વિકલ્પ–રાગનો એક અંશ પણ મને આશ્રયરૂપ છે
એવો પરાશ્રયભાવ રહે તે બંધનું કારણ છે.

PDF/HTML Page 23 of 29
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : ૨૨પ
જૈનમતાનુયાયિ
મિથ્યાદ્રષ્ટિનું
સ્વરૂપ
(મોક્ષમાર્ગ પ્રકાશક આ૦ ૭
ઉપર પૂ. ગુરુદેવના પ્રવચન)
જ્ઞાનીને જ સાચી ભક્તિ હોય છે
સર્વજ્ઞદેવ, નિર્ગ્રંથ ગુરુ અને શાસ્ત્રની ભક્તિને ધર્મી બાહ્ય નિમિત્ત માને છે, મારું સ્વરૂપ રાગરહિત–
એવા સ્વરૂપમાં કેલિ કરવી તે મોક્ષમાર્ગ છે. અજ્ઞાની બાહ્ય ક્રિયાકાંડ ને તથા પુણ્યથી ધર્મ માને છે. સંપ્રદાયમાં
જન્મવાથી જૈન થવાતું નથી, પણ ગુણથી જૈન થવાય છે. જૈન મોહ–રાગ–દ્વેષને જીતવાવાળો છે. ધર્મી જીવ
ભક્તિના રાગને ઉપાદેય માનતો નથી, પણ હેય માને છે. રાગ તે હિતકર્તા નથી. ત્રિલોકનાથની ભક્તિ પણ
હેય છે. અશુભથી બચવા શુભ આવે છે તે ઉપદેશનું કથન છે જ્ઞાની શુભરાગને હેય સમજે છે તેવા
ધર્મીજીવના નિશ્ચય ને વ્યવહાર બંને સાચા છે. આત્માનું ભાન થયું હોય ને સિદ્ધસમાન અંશે આનંદનો
અનુભવ કરતા હોય તે અવિરતિ સમ્યગ્દ્રષ્ટિ છે. છઠ્ઠા ગુણસ્થાનવાળા મુનિની વાત તો અલૌકિક છે. તેઓ
અંતર આનંદમાં ઝૂલે છે. ઘડીમાં દેહથી આત્માનો ગોળો છૂટો પડી જાય છે, એવી તેમની દશા હોય છે. અહીં
સમ્યગ્દર્શનની વાત છે. સમ્યગ્દ્રષ્ટિ જીવ રાગને ઉપાદેય માનતો નથી. સાચો જૈન ભક્તિના પરિણામ છોડી
શુદ્ધમાં રહેવાનો પ્રયત્ન કરે છે. શુદ્ધમાં ન રહી શકે તો શુભ કરે છે. શુભને હેય માને છે. છતાં આવ્યા વિના
રહે નહીં.
ભગવાનની ભક્તિથી મોક્ષ થશે એમ માને છે તે મિથ્યાદ્રષ્ટિ છે. ભગવાનની ભક્તિમાં જ તલ્લીન
થાય છે પણ પોતાના જ્ઞાનસ્વભાવને ધ્યેય કરતો નથી, તેને મોક્ષ થતો નથી. અજ્ઞાની જીવને ભક્તિમાં અતિ
અનુરાગ છે. ભગવાનને કહે છે કે ‘હે પ્રભુ! હવે તો તારો!’ એનો અર્થ એમ થયો કે અત્યાર સુધી ભગવાને
ડુબાડયા ને ભગવાનને હજી સુધી તારતાં આવડયું નહિ; પણ તે વાત મિથ્યા છે. પોતાના કારણે જીવ રખડે છે
ને તરે છે. ભક્તિને લીધે મોક્ષ માને તો અન્યમતિની જેવી દ્રષ્ટિ થઈ. આત્માનું ભાન થયું છે એવા જીવને
શુભરાગનો વ્યય થઈ શુદ્ધદશા થશે ત્યારે મોક્ષ થશે. તેથી ધર્મી જીવના શુભ રાગને મોક્ષનું પરંપરાકારણ કહ્યું
છે. અજ્ઞાની જીવ ભક્તિથી સમ્યગ્દર્શન માને છે તે ભૂલ છે. તે ભક્તિ તો બંધમાર્ગ છે ને સમ્યગ્દર્શનાદિ
મુક્તિનો માર્ગ છે. બંધમાર્ગને મુક્તિમાર્ગ માનવો તે મિથ્યાત્વ છે. જીવોએ સાચો નિર્ણય કરવો જોઈએ. ધર્મી
જીવને ભક્તિનો શુભરાગ આવે છે પણ તેને તે મુક્તિનું કારણ માનતો નથી. ભગવાનની ભક્તિ રાગ છે,
વિકાર છે, પુણ્ય છે, ઉપાધિ છે; તેથી બંધ થાય છે. એમ શ્રદ્ધા હોવા છતાં એવો રાગ આવે છે.
પોતે શુભભાવ કરે તો પુણ્ય બંધાય, પણ તે મોક્ષનું કારણ નથી. મુનિના આહારદાન વખતે શુભરાગ
કરે તો

PDF/HTML Page 24 of 29
single page version

background image
અશાડ : ૨૪૮૮ : ૨૩ :
પુણ્ય બંધાય છે. ભાવલિંગી સંતને નિર્દોષ આહાર આપે તેના માટે વેચાતું ન લાવે, ઉદેશિક આહાર ન આપે,
નવધા ભક્તિની વિધિ સહિત આપે તો પુણ્ય બંધાય છે. ધર્મીની દ્રષ્ટિ પુણ્ય ઉપર નથી છતાં સાચા ગુરુ પ્રત્યે
આહારદાન દેવાનો ભક્તિભાવ આવે છે.
પુણ્ય ને ધર્મ બંને ભિન્ન ચીજ છે. સાત તત્ત્વો છે. ભગવાનની ભક્તિ આસ્રવતત્ત્વ છે. સંવર–નિર્જરા
ધર્મ છે. સાત તત્ત્વો પ્રથક છે. ચિદાનંદ સ્વભાવના આશ્રયે જે દશા પ્રગટ થાય તે સંવર–નિર્જરા છે. આસ્રવથી
સંવર થતો નથી. ભક્તિથી અથવા પુણ્યથી ધર્મ માને તેને નવતત્ત્વની શ્રદ્ધા નથી, તે અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે.
અજ્ઞાની જીવ આસ્રવમાં મજા માને છે. આત્મા તો સુંદર આનંદકંદ છે, તેની પર્યાયમાં રાગ દ્વેષના પરિણામ
થાય તે મેલ છે. અશુભભાવ તો મેલ છે, શુભરાગ પણ મેલ છે, રાગરહિત અંર્તપરિણામ થવા તે ધર્મ છે.
ધર્મી જીવ ભક્તિના પરિણામને ઉપાદેય માનતો નથી પણ શુદ્ધોપયોગનો ઉદ્યમી રહે છે.
પં. ટોડરમલ્લજી પંચાસ્તિકાય ગાથા ૧૩૬ ની અમૃતચંદ્રાચાર્ય ની ટીકાનો આધાર આપે છે–
अयं हि स्थूललक्ष्यतया केवलभक्तिप्राधान्यस्याज्ञानिनो भवति। उपरितनभूमिकायामलब्धास्पदस्या–
स्थानरागनिषेधार्थ तीव्ररागज्वरविनोदार्थ वा कदाचिज्ज्ञानिनोऽपि भवतीति।
અર્થ:– આ ભક્તિ, કેવળ ભક્તિ જ છે પ્રધાન જેને એવા અજ્ઞાની જીવોને જ હોય છે, તથા તીવ્ર
રાગજ્વર મટાડવા અર્થે વા અસ્થાનનો રાગ નિષેધવા અર્થે કદાચિત્ જ્ઞાનીને પણ હોય છે.
ભક્તિથી કલ્યાણ થશે એવી માન્યતાસહિત ભક્તિ અજ્ઞાની જીવોને જ હોય છે. જ્ઞાનીને તીવ્ર
અશુભરાગ મટાડવા ભક્તિનો શુભરાગ આવે છે; છતાં શુભરાગને તે હેય સમજે છે.
જ્ઞાની અને અજ્ઞાનીની ભક્તિમાં વિશેષતા
પ્રશ્ન:–
જો એમ છે તો જ્ઞાની કરતાં અજ્ઞાનીને ભક્તિની વિશેષતા થતી હશે?
ઉતર:– જેને સમ્યગ્દર્શન થયું છે, જે પુણ્ય–પાપને હેય સમજે છે, દેહાદિની ક્રિયાને જ્ઞેય સમજે છે,
ચિદાનંદ સ્વભાવને ઉપાદેય સમજે છે એવા ધર્મી જીવને સાચી ભક્તિ હોય છે. મિથ્યાદ્રષ્ટિ જીવ ભક્તિને
મુક્તિનું કારણ માને છે; તેથી તેના શ્રદ્ધાનમાં અતિ અનુરાગ છે. ભગવાનની ભક્તિથી સમ્યગ્દર્શન થશે ને
મુક્તિ થશે–એમ તે માને છે. સમ્યગ્દર્શન અરાગી પર્યાય છે. રાગની પર્યાયમાંથી અરાગી પર્યાય આવશે?–ના.
તેનો નિશ્ચય ખોટો છે માટે વ્યવહાર પણ ખોટો છે. અજ્ઞાની જીવ ભક્તિમાં અતિ અનુરાગ કરે છે, ભક્તિ
કરતાં કરતાં કોઈવાર કલ્યાણ થઈ જશે એમ તે માને છે. રાગ કરતાં કરતાં સમ્યગ્દર્શન થતું નથી. સર્વ
પ્રકારના રાગને હેય સમજી, આત્માને ઉપાદેય માને તો સમ્યગ્દર્શન થાય છે. શ્રુતજ્ઞાન પ્રમાણ થયા પછી
નિશ્ચય ને વ્યવહાર એવા બે નયો હોય છે. નિશ્ચયનું ભાન નથી તેને વ્યવહારભાસી મિથ્યાદ્રષ્ટિ કહે છે.
ધર્મી જીવ શ્રદ્ધાનમાં ભગવાનની ભક્તિને બંધનું કારણ માને છે તેથી તેને અંતરમાં અજ્ઞાનીના જેવો
ભક્તિમાં અનુરાગ આવતો નથી. હવે બ્રાહ્યમાં કદાચિત્ જ્ઞાનીને ઘણો અનુરાગ હોય છે. નંદીશ્વર દ્વીપમાં
શાશ્વત પ્રતિમા છે, ત્યાં ઈન્દ્રો નાચી ઊઠે છે. તેઓ એકાવતારી છે. નિશ્ચયભક્તિ સહિત ભગવાનની ભક્તિ કરે
છે, જ્ઞાનાનંદ સ્વભાવની દ્રષ્ટિ છૂટતી નથી; છતાં રાગ આવે છે ત્યારે ભક્તિ કરે છે–બાહ્યમાં ઘણી ભક્તિ કરતા
દેખાય. રામચંદ્રજીએ મહાન ઉત્સવપૂર્વક શાંતિનાથભગવાનની ભક્તિ કરેલ હતી. જડની ક્રિયા આત્માની
ઈચ્છાથી થતી નથી. અજ્ઞાનીને પણ એવો અનુરાગ હોય છે પણ તે ભક્તિને મુક્તિનું કારણ માને છે.
અજ્ઞાનીની ગુરુભક્તિ
જે જીવ આજ્ઞાનુસારી છે, તેઓ આ જૈનના સાધુ છે તે અમારા ગુરુ છે, માટે તેમની ભક્તિ કરવી–
એમ વિચારી તેમની ભક્તિ કરે છે, પણ ગુરુની પરીક્ષા કરતો નથી. જૈનમાં જન્મ્યા માટે દેખાદેખીથી ગુરુની
ભક્તિ કરે છે. અન્યમતવાળા પણ પોતાના સંપ્રદાયના ગુરુને માને છે. કુળના હિસાબે ગુરુને માને તેને સત્ય
અસત્યનો વિવેક નથી.

PDF/HTML Page 25 of 29
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : ૨૨પ
હવે કોઈ પરીક્ષા કરે છે કે આ મુનિ દયા પાળે છે. તેમના માટે બનાવેલ આહાર તેઓ લેતા નથી; તો તે
સાચી પરીક્ષા નથી. ઉદેશિક આહારમાં છ કાયની હિંસા થાય છે એમ માની તે ન લે તો તે કાંઈ મુનિનું સાચું
લક્ષણ નથી. અન્યમતમાં પણ દયા પાળે છે; તો દયા લક્ષણમાં અતિવ્યાપ્તિ દોષ આવે છે. અવ્યાપ્તિ,
અતિવ્યાપ્તિ ને અસંભવ–એ ત્રણ દોષરહિત લક્ષણ દ્વારા ગુરુને ઓળખવા જોઈએ. જે દયા પાળતા નથી, જે
ઉદેશિક આહાર લે છે તેની તો વાત નથી, પણ બાહ્યથી દયા પાળવી તે પણ સાચું લક્ષણ નથી રાગરહિત
આત્માના ભાન વિના બધું વ્યર્થ છે.
મુનિને પરિણામ આવે છે પણ દયાથી પર જીવ બચતો નથી. સંપ્રદાયની રૂઢી મુજબ દયાના લક્ષણથી
ગુરુ માને તો તે બરાબર નથી. જેઓ ઉદેશિક આહાર લે છે તેનો તો વ્યવહાર પણ સાચો નથી, પણ જે
બાહ્યથી દયા ને બ્રહ્મચર્યાદિ પાળે છે તેની વાત છે બાહ્ય બ્રહ્મચર્યથી મુનિનું લક્ષણ માને તો અતિવ્યાપ્તિ દોષ
આવે છે. અન્યમતવાળા પણ બાહ્યબ્રહ્મચર્ય પાળે છે, માટે તે સાચું લક્ષણ નથી. જેને જ્ઞાતાદ્રષ્ટાનું ભાન છે
ઉપરાન્ત વિતરાગતા પ્રગટી છે. ને જે ૨૮ મૂળગુણનું પાલન કરે છે તે મુનિ છે. એષણાસમિતિમાં દોષ લગાવે
તો ૨૮ મૂળગુણમાં દોષ છે.
मुनिव्रतधार अनंत बार ग्रीवक उपजायो।
पै निज आतमज्ञान विना खुल लेश न पायो।।
મુનિવ્રત અનંતવાર ધારણ કર્યાં પણ આત્મભાન વિના સુખ પામ્યો નહિ. માટે બાહ્ય શુભભાવથી
ગુરુની પરીક્ષા કરે તો તે સાચી પરીક્ષા નથી.
વ્યવહાર સમિતિ તે આસ્રવ છે, તેમાં આત્માને ધર્મ નથી. નિશ્ચય સમિતિ ને વ્યવહાર સમિતિ, નિશ્ચય
ગુપ્તિ અને વ્યવહાર ગુપ્તિ એમ બે પ્રકાર છે. શુદ્ધ સ્વભાવમાં લીનતા એ જ નિશ્ચય ગુપ્તિ છે ને એ જ
નિશ્ચય સમિતિ છે. આત્મામાં લીન ન હોય ત્યારે જે શુભરાગ આવે ને અશુભથી બચે, તે વ્યવહાર ગુપ્તિ છે;
ને શુભમાં પ્રવૃત્તિ હોય તે વ્યવહાર સમિતિ છે.
ગુરુનું સ્વરૂપ સમજ્યા વિના ગુરુ માનવા તે અજ્ઞાન છે
જૈન સંપ્રદાયમાં જન્મીને કેટલાક જીવો આજ્ઞાનુંસારી હોય છે પણ પરીક્ષા વિના તથા અંતર્મુખ ઢળ્‌યા
વિના સમ્યગ્દ્રષ્ટિ થવાતું નથી.
જૈન શાસ્ત્રમાં જેવું ગુરુનું સ્વરૂપ કહ્યું છે તેવું સમજીને માનતો નથી. પણ આ અમારા ગુરુ છે, માટે
અમારે તેમની ભક્તિ કરવી એમ માને છે તેને સાધુના સ્વરૂપની ખબર નથી. આત્મભાન થયા પછી મુનિદશામાં
પણ તેને યોગ્ય વ્યવહાર આવે છે. વ્યવહાર આવતો જ નથી–એમ માને તો મિથ્યાદ્રષ્ટિ છે. કોઈ પરીક્ષા કરે છે તો
બાહ્યમાં નગ્ન છે ‘આ મુનિ મહાવ્રતાદિ પાળે છે દયા પાળે છે’ એમ માની તેની ભક્તિ કરે છે.
મુનિ ૪૬ દોષ રહિત આહાર લે છે, ૨૮ મૂળગુણમાં જે સમિતિ છે તે પણ આસ્રવ છે. નિર્વિકલ્પ
આનંદ દશામાં લીન થવું તે નિશ્ચય સમિતિ છે. સાચા ભાવલિંગી મુનિના મહાવ્રત તથા સમિતિ તે પણ
આસ્રવ છે પોતા માટે બનાવેલ આહાર પાણી મુનિ લે નહિ. એવો નહિ લેવાનો ભાવ તે શુભભાવ છે પણ
તેના આધારે ધર્મ નથી. મુનિને નિશ્ચય ને વ્યવહાર બન્ને હોય છે. પણ શ્રાવકને વ્યવહાર હોય છે ને મુનિને
નિશ્ચય હોય છે–એમ નથી. દેહ, મન, વાણીથી રહિત અને રાગથી પણ રહિત આત્મામાં નિર્વિકલ્પ અનુભવ
સહિત પ્રતીતિ થવી તે સમ્યગ્દર્શન છે, તે નિશ્ચય છે આત્મામાં જેટલા અંશે લીનતા રહેવી તે પણ નિશ્ચય ને
જે જે રાગ આવે છે તે વ્યવહાર છે. બન્નેનું જ્ઞાન હોવું જોઈએ. અજ્ઞાની જીવ દયા પાળવાના પરિણામથી ને
નિર્દોષ આહારથી મુનિપણાની પરીક્ષા કરે છે, પણ તે બરાબર નથી. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની એકતા તે
મુનિપણું છે. માત્ર બહારથી પરીક્ષા કરવી તે યથાર્થ નથી. પરીક્ષા વિના માનવું તે અજ્ઞાન છે. નિશ્ચય તે
વ્યવહારના ભાવ વિના સમ્યગ્દર્શન નથી, સમ્યગ્દર્શન વિના સમ્યગ્જ્ઞાન નથી, સમ્યગ્દર્શન–જ્ઞાન વિના
ચારિત્ર ને ધ્યાન નથી, ધ્યાન વિના કેવળજ્ઞાન નથી.
તીર્થંકરદેવ કહે છે કે પરીક્ષા કર્યા વિના માનવું તે મિથ્યાપણું છે. અહીં સાચા મુનિની વાત છે.
ભાવલિંગી મુનિને નિર્દોષ આહાર લેવાનો વિકલ્પ ઊઠે છે તે ચારિત્રનો દોષ છે, આસ્રવ છે. શુદ્ધ આહાર નહીં
હોવા છતાં શુદ્ધ

PDF/HTML Page 26 of 29
single page version

background image
અશાડ : ૨૪૮૮ : ૨પ :
આહાર છે એમ બોલવું તે જૂઠું છે. મુનિને ખ્યાલ આવે કે આ દોષવાળો આહાર છે, તો લે નહિ. અશુભથી
નિવૃત્તિ તે વ્યવહાર ગુપ્તિ છે. વ્યવહાર ગુપ્તિ આસ્રવ છે ને નિશ્ચય ગુપ્તિ સંવર છે; એમ બરાબર સમજવું
જોઈએ. કોઈ કહે છે કે નિશ્ચય સમ્યગ્દર્શન સાતમા ગુણસ્થાને હોય છે તો તે ભૂલ છે. નિશ્ચય સમ્યગ્દર્શન
ચોથા ગુણસ્થાનથી હોય છે. ત્યાર પછી મુનિપણું આવે છે. મુનિ પાંચ સમિતિનું પાલન કરે છે.
વ્રતના બે ભેદ છે–એક નિશ્ચયવ્રત છે ને બીજું વ્યવહારવ્રત છે. પોતાના સ્વભાવને ચુકી પાંચ
મહાવ્રતના પરિણામ આવે તે નિશ્ચયથી હિંસા છે; પણ આત્માનું ભાન હોય તેના અહિંસાના શુભભાવને
વ્યવહારથી અહિંસા કહે છે. અમારા મુનિ ધન આદિ રાખતા નથી, વસ્ત્ર રાખતા નથી, પોતાના માટે વેચાતું
પુસ્તક લે નહિ, એવા પરિણામ પણ આસ્રવ છે. તેના વડે મુનિની પરીક્ષા કરે તો તે સાચી પરીક્ષા નથી.
વળી ઉપવાસ, અભિગ્રહ કે નિયમથી મુનિની પરીક્ષા કરે તો તે પણ યથાર્થ નથી. ઘણીવાર જીવે એવા
ઉપવાસાદિ કરેલ છે. ટાઢ તડકા સહન કરવા તે મુનિપણું નથી. અંતરનો નિર્વિકલ્પ અનુભવ તે મુનિપણું છે.
તેની પરીક્ષા અજ્ઞાની કરતો નથી. મુનિ થઈને તીવ્ર ક્રોધાદિ કરે તે તો વ્યવહારાભાસમાં પણ આવતો નથી;
પણ કોઈ મુનિ બાહ્ય ક્ષમાભાવ રાખે ને તેના વડે પરીક્ષા કરે તો તે પણ સાચી પરીક્ષા નથી. બીજાને ઉપદેશ
આપે તે મુનિનું લક્ષણ નથી. ઉપદેશ તો જડની ક્રિયા છે, આત્મા તે કરી શકતો નથી. આવાં બાહ્ય લક્ષણોથી
મુનિની પરીક્ષા કરે છે તે યથાર્થ નથી. કેમકે અન્ય મતમાં પરમહંસાદિમાં પણ આવો ગુણ હોય છે. દયા પાળે,
ઉપવાસાદિ કરે છે–એ લક્ષણો તો જૈનમાં રહેલ મિથ્યાદ્રષ્ટિ મુનિઓમાં તથા અન્યમતિઓમાં પણ માલુમ પડે
છે. માટે તેમાં અતિવ્યાપ્તિ દોષ આવે છે. અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ ને અસંભવ દોષરહિત પરીક્ષા ન કરે તે
જીવ મિથ્યાદ્રષ્ટિ છે. શુભભાવ વડે સાચી પરીક્ષા થાય નહિ.
ક્રોધાદિ પરિણામ ટાળવા તે આત્માશ્રિત છે, શુદ્ધ અશુભ અને શુભભાવ તે જીવના પરિણામ છે,
દેહની ક્રિયા તે જડના પરિણામ છે એની ભિન્નતા સ્વતંત્રતાની ખબર અજ્ઞાનીને નથી. ક્ષુધા જડની પર્યાય છે.
અંતર સહનશીલતાના પરિણામ થાય છે તે જીવાશ્રિત છે. ક્ષુધાની ઉષ્ણતા જીવને નથી. અજ્ઞાની માને છે કે
મને ક્ષુધા લાગી. વિભાવ પરિણામ જીવના છે. સમ્યક્ત્વીને પણ વિભાવ પરિણામ આવે છે. તે સમજે છે કે
મારી નબળાઈને કારણે તે આવે છે, પરને લીધે આવતા નથી. પરની દયાનો ભાવ થયો તેમાં શરીરની ક્રિયા
જડને આશ્રિત છે ને પોતામાં અનુકંપાના ભાવ થયા તે જીવાશ્રિત છે. પરિગ્રહ ન આવવો તે જડને આશ્રિત
છે ને રાગ મંદતા થવી તે જીવાશ્રિત છે–આમ જીવ–આશ્રિત ભાવ અને પુદ્ગલઆશ્રિત ભાવની જેને ખબર
નથી તે મિથ્યાદ્રષ્ટિ છે.
ઉપવાસમાં રાગની મંદતા થવી તે જીવને આશ્રિત છે, ખાવાના પદાર્થો ન આવવા તે જડને આશ્રિત
છે; ક્રોધના પરિણામ થવા તે જીવને આશ્રિત છે, લાલ આંખ થવી તે જડને આશ્રિત છે, ઉપદેશ–વાક્્યો જડને
આશ્રિત છે ઉપદેશ દેવોનો ભાવ જીવને આશ્રિત છે–આમ બંનેનાં ભેદજ્ઞાનની ખબર નથી, તે સાચી પરીક્ષા
કરી શકતો નથી. ચૈતન્ય ને જડ અસમાનજાતિપર્યાય છે. જડની પર્યાય મારાથી થાય છે–એમ અજ્ઞાની માને
છે, તે અસમાનજાતિ મુનિપર્યાયમાં એકત્વબુદ્ધિની મિથ્યાદ્રષ્ટિ જ રહે છે.
મુનિનું સાચું લક્ષણ
જૈન મુનિ હોય તેને નિશ્ચયમાં ત્રણ કષાય ચોકડીના અભાવરૂપ વીતરાગતા તથા વ્યવહારમાં ૨૮
મૂળગુણોનું પાલન હોય છે. મુનિને વ્યવહાર હોય છે ખરો, પણ વ્યવહારથી મુનિની સાચી પરીક્ષા થતી નથી.
નિશ્ચય સમ્યક્દર્શન જ્ઞાન–ચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગ એ જ મુનિનું સાચું લક્ષણ છે. અહીં એકતાની
વાત છે. પૂર્ણતાની વાત નથી. ચોથે, પાંચમે સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન છે. ત્યાર પછી શુદ્ધાત્માના ઉગ્ર
આલંબન વડે આગળ વધે તો પ્રથમ સાતમું ગુણસ્થાન આવે છે. પછી છઠ્ઠું આવે છે. સ્વરૂપમાં અકષાય
પરિણતિ થાય છે તે નિશ્ચયવ્રત છે ને જે શુભ પરિણામ આવે છે તે વ્યવહારવ્રત છે. ચોથા ગુણસ્થાને અંશે
સ્વરૂપાચરણ ચારિત્ર છે. દેવાદિની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન

PDF/HTML Page 27 of 29
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : ૨૨પ
નથી, શાસ્ત્રનું ભણતર સમ્યગ્જ્ઞાન નથી, ૨૮ મૂળગુણનું પાલન તે આત્માનું સમ્યક્ચારિત્ર નથી, તે બધો
વ્યવહાર છે.
અષ્ટસહસ્રીમાં કહ્યું છે કે પરીક્ષા કરી દેવાદિની આજ્ઞા ને માને તે સમ્યક્ત્વી છે જેમ ચતુર
વ્યાપારી બજારમાં ચીજ લેવા જતાં પરીક્ષા કરે છે તેમ અહીં હિત અહિતરૂપ પોતાના પરિણામ તેનું
કારણ, તેનું ફળ, ઉપાદાન–નિમિત્ત, સ્વભાવ–વિભાવ, દ્રવ્ય–ગુણ–પર્યાય–આદિનું સ્વરૂપ સમજીને પરીક્ષા
કરવી જોઈએ. પરીક્ષા અને આત્માના ભાનવિના મુનિપણું લઈને શુક્લલેશ્યા કરીને જીવ નવમી ગ્રૈવેયકે
ગયેલ છે, છતાં ધર્મ થયો નથી; ને આત્માનું ભાન કરે તો દેડકું પણ સમ્યગ્દર્શન પામી શકે છે. જ્ઞાનીને
પોતાની શક્તિ અનુસાર ત્યાગ તપ હોય છે; હઠ કરે તો મિથ્યાદ્રષ્ટિ થઈ જાય છે. જો સાચા લક્ષણવડે
મોક્ષમાર્ગની ઓળખાણ કરે તો તે મિથ્યાદ્રષ્ટિ રહે જ નહિ. પરંતુ મુનિનું સાચું સ્વરૂપ ન જાણે તો સાચી
ભક્તિ ક્્યાંથી હોય? ન જ હોય.
સોનું કસોટી કરીને લે છે;–તેમ કસોટી કરવી જોઈએ. ધર્મમાં કસોટી ન કરે તો ન ચાલે. અજ્ઞાની
સાચા મુનિના અંતરની પરિક્ષા કરતો નથી. માત્ર બાહ્ય વ્યવહારથી તથા શુભ ક્રિયાથી કરી તેની સેવાથી ભલું
થશે એમ માને છે. પરની સેવાનો ભાવ પુણ્ય છે, ધર્મ નથી. દયાદાન આદિના શુભભાવ આવે તેનો નિષેધ
નથી પણ તેમાં મિથ્યા માન્યતાનો નિષેધ છે.
સમાચાર
પરમ ઉપકારી પૂ. ગુરુદેવ સુખશાન્તિમાં બિરાજે છે, પ્રવચનમાં
સવારે સમયસાર સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર, બપોરે મોક્ષમાર્ગ પ્રકાશક
અં. ૩ ચાલે છે. સમયસારના દરેક પ્રવચનો ટેપરિલ રેકોર્ડિંગમાં લેવાય
છે. ગા. ૩૦૮ થી ૩૧૧ માં બહુ સરસ નવા નવા ન્યાયો આવ્યા હતા
તત્ત્વજ્ઞાનની નિર્મળતા, સ્પષ્ટતા વધતી જાય છે.
દસ લક્ષણી પર્યુષણ પર્વ–
સોનગઢમાં દર વર્ષની જેમ ભાદરવા સુદ પાંચમને મંગળવાર
તા. ૪–૧૦–૬૨ થી શરૂ કરીને ભાદરવા સુદી ૧૪ ને ગુરુવાર તા. ૧૩–
૧૦–૬૨ સુધીના ૧૦ દિ. દસ લક્ષણ ધર્મ અર્થાત્ પર્યુષણ પર્વ તરીકે
ઊજવાશે. આ દિવસો દરમિયાન દસલક્ષણ મંડળ વિધાન પૂજન, તથા
ઉત્તમ ક્ષમાદિ દસલક્ષણધર્મો ઊપર ગુરુદેવના ખાસ પ્રવચનો થશે.
ધાર્મિક પ્રવચનના ખાસ દિવસો–
શ્રાવણ વદ ૧૩ સોમ, તા. ૨૬–૯–૬૨ થી ભાદરવા સુદ–૪ ને
સોમવાર તા ૩–૧૦–૬૨ સુધીના આઠ દિવસ દરમિયાન પૂ. ગુરુદેવના
ખાસ પ્રવચનો થશે.
વાર્ષિક બેઠક–
શ્રી જૈન અતિથિ સેવા સમિતિની વાર્ષિક બેઠક ભાદરવા સુદ
બીજના રોજ મળશે. સૌ સભ્યોએ હાજર રહેવા વિનંતી છે, ગયે વર્ષે
ચૂંટાયેલા કાર્યવાહકોને પણ હાજર રહેવા વિનંતી છે.

PDF/HTML Page 28 of 29
single page version

background image
–: ગ્રાહકોને સૂચના : –
આત્મધર્મ દર માસની સાતમી તારીખે પ્રસિદ્ધ થાય છે અને ગ્રાહકને પોસ્ટ થાય છે.
હવેથી ત્રીજીએ થશે.
આત્મધર્મ પોસ્ટ થયા પછી દિવસ ૧૦ ની અંદર ન મળે તો પોતાના ગામની પોસ્ટ
ઓફિસે તપાસ કરવી અને પછી વિગત સાથે આત્મધર્મ કાર્યાલયને લખવું.
આત્મધર્મ અંગેના કોઈ પણ પત્રવ્યવહારમાં–ગ્રાહક નંબર અને જેના નામે લવાજમ
ભર્યું હોય, તેનું પૂરું નામ તથા સરનામું લખવું આવશ્યક છે.
સરનામું એક, કે બે માસ માટે બદલવું હોય તો પોતાના ગામની પોસ્ટ ઓફિસને
ખબર આપવા અને કાયમી બદલવું હોય તો અંક પોસ્ટ થવાથી તારીખ તિથિથી પંદર દિવસ
પહેલાં ખબર આપવા. સરનામું બદલ્યાની જાણ થતાં પહેલાં અંક રવાના થઈ ગયો હશે તો તે
માસનો બીજો અંક મોકલાશે નહિ.
લવાજમ મનીઓર્ડરથી મોકલી દેવું સલાહ ભર્યું છે. વી. પી. માં ૬૨ નયા પૈસા વધુ
લાગે છે અને અંકો મોડા મળે છે. અને પરદેશમાં વી. પી. થતાં નથી.
કેટલાક ભાઈઓના લવાજમો, દીકરાનાં, દીકરીના, પત્નીનાં, કે તેવા નામે ભરાયેલા
હોય છે અને પત્ર વ્યવહારમાં પોતાના નામથી પત્ર વ્યવહાર કરે છે. આવા ભાઈ–બહેનોએ
જેના નામથી લવાજમ ભરેલું હોય, તે નામથી જ પત્ર વ્યવહાર કરવો અને નવું લવાજમ
ભરતી વખતે જુના ગ્રાહકનું નામ લખવું, કે જેથી અવ્યવસ્થા ન થાય.
ગુજરાતી આત્મધર્મનું નવું વર્ષ કારતક માસથી શરૂ થાય છે. અને આસો માસે પૂરૂં
થાય છે. વચ્ચેથી ગ્રાહક થનારને પાછલા અંકો સિલકમાં હશે તેટલા મોકલી આપવામાં
આવશે. અને જેઓ પોતાનું નવું લવાજમ–પર્યુંષણમાં સોનગઢમાં ભરે છે, તેમણે સમજવું કે
આ લવાજમ કારતક માસથી શરૂ થશે.
હિન્દી આત્મધર્મનું વર્ષ વૈશાખ માસથી શરૂ થાય છે.
આત્મધર્મની સાથે પુસ્તકો મોકલાતાં નથી.
નુમનાની નકલ ૦–૩૧ નયા પૈસાના સ્ટેમ્પ મોકલવાથી મળશે.
વ્યવસ્થા અંગેનો પત્ર વ્યવહાર આત્મધર્મ વિભાગ શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર
ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર) એ સરનામે કરવો.
ચેક કે ડ્રાફટ શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ એ નામનો મોકલવો.
લવાજમ મોકલતી વખતે જૂના ગ્રાહકોએ પોતાનો ગ્રાહક નંબર જરૂર લખવો. નવા
ગ્રાહક થનારે “નવા ગ્રાહક એમ લખવું આવશ્યક છે. મનીઓર્ડરની કૂપન પર સ્પષ્ટ અક્ષરોમાં
પૂરેપુરું નામ ગામ, જિલ્લો અને રકમ લખવાં. રકમ મોકલ્યાનો ઉદ્દેેશ પણ લખવો.
વ્યવસ્થાપક “આત્મધર્મ”
શ્રી દિ. જૈન સ્વા. મંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 29 of 29
single page version

background image
ATMADHARMA Regd. No. B 5669
---------------------------------------------------------------------------------------
છ એ દ્રવ્યોની સ્વતંત્રતા દર્શક
છ સામાન્ય ગુણો
(૧) અસ્તિત્વ ગુણ–
કર્તા જગતનો માનતા જે કર્મ વા ભગવાનને,
ભૂલી રહ્યા તે દ્રવ્યના અસ્તિત્વ ગુણના જ્ઞાનને
જન્મે–મરે નહી કોઈ વસ્તુ ધુ્રવ સ્વાધીનતા લહે,
અસ્તિત્વની શ્રદ્ધા વડે નિર્ભય સુખી સૌ થઈ શકે.
(૨) વસ્તુત્વ ગુણ–
વસ્તુત્વ ગુણના કારણે કરતા સહુ નિજ કાર્ય ને,
સ્વાધીન ગુણ–પર્યાયનું નિજ ધામમાં વસવું બને;
સામાન્ય ધુ્રવ વિશેષ ક્રમ દ્વારા કરે નિજ કામને,
વસ્તુત્વગુણ એમ જાણીને પામો વિમળ શિવ ધામને.
(૩) દ્રવ્યત્વગુણ–
દ્રવ્યત્વગુણના કારણે હાલત સદા પલટાય છે.
કર્તા ન હર્તા કોઈ છે સહુ ટકીને બદલાય છે;
સ્વ દ્રવ્યમાં મોક્ષાર્થી થઈ સ્વાધીન સુખ લ્યો સર્વદા.
સ્વાશ્રયપણું જાણી કરો દ્રવ્યત્વની શ્રદ્ધા મહા.
(૪) પ્રમેયત્વ–
પ્રમેયત્વગુણના કારણે સહુ જ્ઞાનના વિષયો બને,
પરથી ન અટકે જ્ઞાન એ જાણો સહુ બુદ્ધિ વડે;
આત્મા અરૂપી જ્ઞેય નિજ આ જ્ઞાન તેને જાણતું,
છે સ્વ–પર સત્તા વિશ્વમાં નિઃશંકતાથી માનવું,
(પ) અગુરુલઘુત્વગુણ–
અગુરુલઘુત્વગુણના કારણે, સદા નિજરૂપ રહે,
કો દ્રવ્ય બીજા ગુણમાં ન ભળે, ન વિખરી જાય છો;
નિજ ગુણ–પર્યાયો બધા રહેતાં સતત નિજ ભાવમાં
કર્તા ન હર્તા અન્યકો એ નિયમ નિત્યે છે. મહા
(૬) પ્રદેશત્વગુણ–
પ્રદેશત્વગુણના કારણે આકાર વસ્તુ માત્રને,
નિજ ક્ષેત્રમાં વ્યાપકપણે, સ્વાધીનતા રાખી રહે;
આકારની મહત્તા નથી, બસ સ્વાનુભવમાં સાર છે,
સામાન્ય ને વિશેષગુણથી તત્ત્વ શ્રદ્ધા થાય છે.
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
દિ. જૈન સ્વા. મં ટ્ર. વતી મુ–પ્ર. હરિલાલ દેવચંદ આનંદ પ્રેસ–ભાવનગર