Padmapuran (Gujarati). Parva 107 - Krutantvaktra senapatinu Jindikshagrahan; Parva 108 - Lavan-Ankushna purvabhav; Parva 109 - Sitanu ugra tapascharan aney samadhimaranthi svarggaman; Parva 110 - Laxmanna aath kumaronu virakt thai dikshagrahan aney nirvan prapti.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 32 of 35

 

Page 600 of 660
PDF/HTML Page 621 of 681
single page version

background image
૬૦૦ એકસો છમું પર્વ પદ્મપુરાણ
શ્રીચંદ્ર રાજા, આઠમા ભવમાં પાંચમા સ્વર્ગનો દેવ અને નવમા ભવમાં રામચંદ્ર
અને પછી મોક્ષ. આ તો રામના ભવ કહ્યા. હવે હે લંકેશ્વર! વસુદત્તાદિનો વૃત્તાંત સાંભળ.
કર્મોની વિચિત્ર ગતિના યોગથી મૃણાલકુંડ નામના નગરના રાજા વિજયસેનની રાણી
રત્નચૂલાનો વ્રજકંબુ નામનો પુત્ર, તેની હેમવતી રાણીનો શંબુ નામનો પુત્ર પૃથ્વી પર
પ્રસિદ્ધ તે આ શ્રીકાંતનો જીવ અને હોનહાર રાવણ તે પણ પૃથ્વી પર પ્રસિદ્ધ અને
વસુદત્તનો જીવ રાજાનો પુરોહિત, તેનું નામ શ્રીભૂતિ તે હોનહાર લક્ષ્મણ, મહાન જિનધર્મી
સમ્યગ્દ્રષ્ટિ તેની સ્ત્રી સરસ્વતીને વેદવતી નામની પુત્રી થઈ તે ગુણવતીનો જીવ હોનહાર
સીતા. ગુણવતીના ભવ પહેલાં સમ્યક્ત્વ વિના અનેક તિર્યંચ યોનિમાં ભ્રમણ કરી
સાધુઓની નિંદાના દોષથી ગંગાના તટ પર મરીને હાથણી થઈ. એક દિવસ કીચડમાં
ફસાઈ ગઈ, તેનું શરીર પરાધીન થઈ ગયું, નેત્ર ચકળવકળ થવા લાગ્યા, શ્વાસ ધીમો
પડી ગયો તે વખતે તરંગવેગ નામના એક વિદ્યાધરે દયા લાવીને હાથણીના કાનમાં
ણમોકાર મંત્ર આપ્યો તે ણમોકાર મંત્રના પ્રભાવથી તેનો કષાય મંદ થયો, વિદ્યાધરે તેને
વ્રત પણ આપ્યાં. તે જિનધર્મના પ્રસાદથી શ્રીભૂતિ પુરોહિતની વેદવતી નામની પુત્રી થઈ.
એક દિવસ મુનિ આહાર લેવા આવ્યા ત્યારે તે હસવા લાગી. તેના પિતાએ તેને રોકી
તેથી એ શાંતચિત થઈને શ્રાવિકા થઈ. કન્યા પરમ રૂપવતી હતી તેથી અનેક રાજાના
પુત્ર તેને પરણવા ઈચ્છા કરવા લાગ્યા. આ વિજયસેનનો પૌત્ર શંબુ જે હોનહાર રાવણ છે
તે વિશેષ અનુરાગી થયો. આ જિનધર્મી પુરોહિત શ્રીભૂતિએ એવી પ્રતિજ્ઞા કરી કે
મિથ્યાદ્રષ્ટિ કુબેર સમાન ધનવાન હશે તો પણ હું તેને પુત્રી નહિ દઉં. તેથી શંબુકુમારે
રાત્રે પુરોહિતને મારી નાખ્યો. તે પુરોહિત જૈન ધર્મના પ્રસાદથી સ્વર્ગમાં દેવ થયો અને
પાપી શંબુકુમાર સાક્ષાત દેવી સમાન વેદવતી જે તેને ઈચ્છતી નહોતી તેને બળાત્કારે
પરણવા તૈયાર થયો. વેદવતીને બિલકુલ અભિલાષા નહોતી એટલે કામથી પ્રજ્વલિતએ
પાપીએ બળજોરીથી એ કન્યાને આલિંગન કરી, મુખે ચુંબન કરી તેની સાથે મૈથુનક્રિડા
કરી. વિરક્ત હૃદયવાળી, જેનું શરીર કંપી રહ્યું છે, જે અગ્નિની શિખા સમાન પ્રજ્વલિત
છે, પોતાના શીલભંગથી અને પિતાના ઘાતથી અત્યંત દુઃખ પામેલી, લાલ નેત્રથી ગુસ્સે
થઈને બોલી, અરે પાપી! તેં મારા પિતાને માર્યા અને કુંવારી મારી સાથે બળાત્કારે
વિષયસેવન કર્યું તેથી હે નીચ! હું તારા નાશનું કારણ થઈશ. તેં મારા પિતાને માર્યા તે
મોટો અનર્થ કર્યો છે. હું મારા પિતાના મનોરથનું કદી ઉલ્લંઘન નહિ કરું. મિથ્યાદ્રષ્ટિ સાથે
સંગ કરવા કરતાં મરણ ભલું. આમ કહી શ્રીભૂતિ પુરોહિતની પુત્રી વેદવતી હરિકાંતા
આર્યિકાની પાસે જઈ આર્યિકાનાં વ્રત લઈ પરમ દુર્દ્ધર તપ કરવા લાગી. કેશલોચ કર્યો.
તપથી રુધિર, માંસ સુકવી નાખ્યું. જેના અસ્થિ અને નસો પ્રગટ દેખાય છે, જેણે તપથી
દેહને સૂકવી નાખ્યો છે તે સમાધિમરણ કરી પાંચમા સ્વર્ગમાં ગઈ. પુણ્યના ઉદયથી
સ્વર્ગનાં સુખ ભોગવ્યાં. શંબુ સંસારમાં અનીતિના યોગથી અતિનિંદા પામ્યો. કુટુંબ, સેવક
અને ધનરહિત થયો, ઉન્મત્ત થઈ ગયો, જિનધર્મથી પરાઙમુખ થયો. સાધુઓને દેખી
હસતો, નિંદ કરતો, મદ્ય-માંસનું ભોજન કરનાર, પાપક્રિયામાં ઉદ્યમી,

Page 601 of 660
PDF/HTML Page 622 of 681
single page version

background image
પદ્મપુરાણ એકસો છમું પર્વ ૬૦૧
અશુભના ઉદયથી નરક તિર્યંચમાં ખૂબ દુઃખ ભોગવ્યાં.
પછી કાંઈક પાપકર્મના ઉપશમથી કુશધ્વજ નામના બ્રાહ્મણની સ્ત્રી સાવિત્રીનો
પ્રભાસકુંદ નામનો પુત્ર થયો. તે દુર્લભ જૈનધર્મનો ઉપદેશ પામી વિચિત્રમુનિ પાસે મુનિ
થયો. કામ, ક્રોધ, મદ, મત્સર હર્યા. આરંભરહિત થયો, નિર્વિકાર તપથી દયાવાન નિસ્પૃહી
જિતેન્દ્રિય પક્ષ, માસોપવાસ કરતો, જ્યાં શૂન્ય વન હોય ત્યાં સૂર્યાસ્ત થતાં બેસી રહતો,
મૂળગુણ, ઉત્તર ગુણોનો ધારક બાવીસ પરીષહ સહનાર, ગ્રીષ્મમાં ગિરિશિખર પર રહે,
વર્ષામાં વૃક્ષો નીચે વસે અને શીતકાળમાં નદી-સરોવરના તટ પર નિવાસ કરે. આ
પ્રમાણે ઉત્તમ ક્રિયા કરી શ્રી સમ્મેદશિખરની વંદના માટે ગયો. જે કલ્યાણનું મંદિર એવા
નિર્વાણક્ષેત્રમાં જઈને જેનું ચિંતવન કરતાં પાપનો નાશ થાય ત્યાં કનકપ્રભ નામના
વિદ્યાધરની વિભૂતિ આકાશમાં જોઈને મૂર્ખે નિદાન કર્યું કે જિનધર્મના તપનું માહાત્મ્ય
સત્ય હોય તો આવી વિભૂતિ હું પામું. કેવળીએ વિભીષણને કહ્યું જુઓ, જીવની મૂઢતા,
ત્રણલોકમાં જેનું મૂલ્ય નથી એવું અમૂલ્ય તપરૂપ રત્ન ભોગરૂપી મૂઠી શાક માટે વેચી
દીધું. કર્મના પ્રભાવથી જીવોની વિપર્યયબુદ્ધિ થાય છે. નિદાનથી દુઃખિત વિષમ તપથી તે
ત્રીજા સ્વર્ગમાં દેવ થયો. ત્યાંથી ચ્યવીને ભોગોમાં જેનું ચિત્ત છે તે રાજા રત્નશ્રવાની
રાણી કેકસીનો રાવણ નામનો પુત્ર થયો. તેણે લંકામાં મહાન વિભૂતિ મેળવી. તેની અનેક
વાતો આશ્ચર્યકારી છે, તે પ્રતાપી પૃથ્વી પર પ્રસિદ્ધ થયો. ધનદત્તનો જીવ રાત્રિભોજનના
ત્યાગથી સુર નર ગતિનાં સુખ ભોગવી શ્રીચંદ્ર રાજા થઈ, પંચમ સ્વર્ગમાં દસ સાગરસુખ
ભોગવી બળદેવ થયો. રૂપ, બળ અને વિભૂતિમાં તેના જેવો જગતમાં દુર્લભ છે.
મહામનોહર ચંદ્રમાં સમાન ઉજ્જવળ યશનો ધારક થયો. વસુદત્તનો જીવ અનુક્રમે લક્ષ્મીરૂપ
લતાને વીંટળાવાનું વૃક્ષ વાસુદેવ થયો. તેના ભવ સાંભળ-વસુદત્ત, મૃગ, સુવ્વર, હાથી,
પાડો, બળદ, વાનર, ચિત્તો, શિયાળ, ઘેટું, જળચર-સ્થળચરના અનેક ભવ, શ્રીભૂતિ
પુરોહિત, દેવરાજા, પુનર્વસુ વિદ્યાધર, ત્રીજા સ્વર્ગમાં દેવ, વાસુદેવ, મેઘા, કુટુંબીનો પુત્ર,
દેવ, વણિક, ભોગભૂમિ, દેવ, ચક્રવર્તીનો પુત્ર, પછી કેટલાક ઉત્તમ ભવ ધરી પુષ્કરાર્ધના
વિદેહમાં તીર્થંકર અને ચક્રવર્તી બેય પદનો ધારક થઈ મોક્ષ પામશે. દશાનનના ભવ-
શ્રીકાંત, મૃગ, સુવ્વર, હાથી, પાડો, બળદ, વાનર, ચિત્તો, શિયાળ, ઘેટો, જળચર-
સ્થળચરના અનેક ભવ, શંબુ, પ્રભાસકુંદ, ત્રીજા સ્વર્ગનો દેવ, દશમુખ, વાલુકા, કુટુંબીપુત્ર,
દેવ, વણિક, ભોગભૂમિ, દેવ, ચક્રીપુત્ર પછી કેટલાક ઉત્તમ ભવ ધરી, ભરત ક્ષેત્રમાં
જિનરાજ થઈ મોક્ષ પામશે. પછી જગતજાળમાં નહિ રહે. જાનકીના ભવ-ગુણવતી, મૃગી,
શૂકરી, હાથણી, ભેંસ ગાય, વાનરી, ચીતી, શિયાળણી, ઘેટી, જળચર-સ્થળચરના અનેક
ભવ, ચિત્તોત્સવા, પુરોહિતની પુત્રી વેદવતી, પાંચમા સ્વર્ગની દેવી, અમૃતવતી, બળદેવની
પટરાણી, સૌળમા સ્વર્ગમાં પતીન્દ્ર, ચક્રવર્તી, અહમિન્દ્ર રાવણનો જીવ તીર્થંકર થશે તેના
પ્રથમ ગણધરદેવ થઈ મોક્ષ પામશે. ભગવાન સકળભૂષણ વિભીષણને કહે છે-શ્રીકાંતનો
જીવ કેટલાક ભવમાં શંબુ પ્રભાસકુંદ થઈ અનુક્રમે રાવણ થયો જેણે અડધા ભરતક્ષેત્રમાં
બધી પૃથ્વી વશ કરી. એક અંગૂલમાત્ર તેની આજ્ઞા વિનાની

Page 602 of 660
PDF/HTML Page 623 of 681
single page version

background image
૬૦૨ એકસો છમું પર્વ પદ્મપુરાણ
ન રહી અને ગુણવતીનો જીવ શ્રીભૂતિની પુત્રી થઈ અનુક્રમે સીતા થઈ. રાજા જનકની
પુત્રી, શ્રી રામચંદ્રની પટરાણી વિનયવતી, શીલવતી, પતિવ્રતાઓમાં અગ્રેસર થઈ. જેમ
ઇન્દ્રને શચિ, ચંદ્રને રોહિણી, રવિને રેણા, ભરત ચક્રવર્તીને સુભદ્રા તેમ રામને સીતા સુંદર
ચેષ્ટાવાળી છે. જે ગુણવતીનો ભાઈ ગુણવાન તે ભામંડળ થયો. શ્રી રામનો મિત્ર,
જનકરાજાની રાણી વિદેહાના ગર્ભમાં યુગલ બાળક થયા. ભામંડળ ભાઈ, સીતા બહેન,
બન્ને અતિમનોહર અને યજ્ઞબલી બ્રાહ્મણનો જીવ તું વિભીષણ થયો. જે બળદનો જીવ
નમોકાર મંત્રના પ્રભાવથી સ્વર્ગગતિ મનુષ્યગતિનાં સુખ ભોગવી આ સુગ્રીવ કપિધ્વજ
થયો. તું, ભામંડળ અને સુગ્રીવ પૂર્વભવની પ્રીતિથી તથા પુણ્યના પ્રભાવથી મહાન પુણ્યના
અધિકારી શ્રી રામના અનુરાગી થયા. આ કથા સાંભળી વિભીષણે વાલીના ભવ પૂછયા.
કેવળીએ કહ્યું-હે વિભીષણ! સાંભળ, રાગદ્વેષાદિ દુઃખોના સમૂહથી ભરેલો આ સંસાર
સાગર ચતુર્ગતિમય છે તેમાં વૃંદાવનમાં કાળિયાર મૃગે સ્વાધ્યાય કરતા સાધુના શબ્દો
સાંભળી અંતકાળે ઐરાવત ક્ષેત્રમાં દિત નામના નગરમાં વહિત નામના સુંદર ચેષ્ટાના
ધારક સમ્યગ્દ્રષ્ટિ પુરુષની સ્ત્રી શિવમતિની કૂખે મેઘદત્ત નામનો પુત્ર થયો. તે જિનપૂજામાં
ઉદ્યમી હતો, ભગવાનનો ભક્ત, અણુવ્રતનો ધારક, સમાધિમરણ કરીને બીજા સ્વર્ગમાં દેવ
થયો. ત્યાંથી ચ્યવીને જંબૂદ્વીપમાં પૂર્વ વિદેહની વિજયાવતીપુરીની સમીપે અતિ ઉત્સાહભર્યા
મત્તકોકિલા નામના ગ્રામના સ્વામી કાંતિશોકની પત્ની રત્નાંગિનીના પેટે સ્વપ્રભ નામનો
અતિસુંદર પુત્ર થયો, જેને શુભ આચાર ગમતા. તે જિનધર્મમાં નિપુણ સંયત નામના
મુનિ થઈ હજારો વર્ષ વિધિપૂર્વક અનેક પ્રકારનાં તપ કરતાં તેમનું મન નિર્મળ હતું. તે
તપના પ્રભાવથી અનેક ઋદ્ધિ ઉપજી તો પણ અત્યંત ગર્વરહિત સંયોગ સંબંધમાં મમતા
તજી ઉપશમશ્રેણી ધારી શુક્લધ્યાનના પહેલા પાયાના પ્રભાવથી સર્વાર્થસિદ્ધિ ગયા. ત્યાં
તેત્રીસ સાગર અહમિન્દ્રપદના સુખ ભોગવી રાજા સૂર્યરજનો વાલિ નામે પુત્ર થયો. તે
વિદ્યાધરોનો અધિપતિ, કિહકંધપુરનો ધણી, જેનો ભાઈ સુગ્રીવ ગુણવાન હતો તે જ્યારે
તેના પર રાવણ ચડી આવ્યો ત્યારે જીવદયાને અર્થે વાલીએ યુદ્ધ ન કર્યું, સુગ્રીવને રાજ્ય
આપી દિગંબર મુનિ થયા. તે જ્યારે કૈલાસ પર્વત પર બિરાજતા હતા અને રાવણ ત્યાંથી
નીકળ્‌યો, ક્રોધથી કૈલાસને ઊંચકવા તૈયાર થયો ત્યારે વાલી મુનિએ ચૈત્યાલયની ભક્તિથી
પગના અંગૂઠાથી ઢીલું દબાણ કર્યું અને રાવણ દબાવા લાગ્યો ત્યારે રાણીઓએ સાધુની
સ્તુતિ કરી અભયદાન અપાવ્યું. રાવણ પોતાના સ્થાનકે ગયો અને વાલી મહામુનિ ગુરુની
પાસે પ્રાયશ્ચિત્ત નામનું તપ લઈ, દોષનું નિરાકરણ કરી ક્ષપકશ્રેણી ચડી કર્મ બાળી
નાખ્યાં, લોકના શિખર પર સિદ્ધ ક્ષેત્ર છે ત્યાં ગયા, જીવનો નિજ સ્વભાવ પ્રાપ્ત થયો.
વસુદત્તને અને શ્રીકાંતને ગુણવતીના કારણે મહાન વેર થયું હતું તે અનેક ભવમાં બન્ને
પરસ્પર લડી લડીને મર્યા. રાવણના જીવને ગુણવતી અને વેદવતી પ્રત્યે અભિલાષા
ઉત્પન્ન થઈ હતી તે કારણે રાવણે સીતાને હરી અને વેદવતીના પિતા શ્રીભૂતિ સમ્યગ્દ્રષ્ટિ
ઉત્તમ બ્રાહ્મણને વેદવતીના અર્થે શત્રુએ હણ્યો તે સ્વર્ગમાં જઈ ત્યાંથી ચ્યવી પ્રતિષ્ઠિત
નામના નગરમાં પુનર્વસુ

Page 603 of 660
PDF/HTML Page 624 of 681
single page version

background image
પદ્મપુરાણ એકસો છમું પર્વ ૬૦૩
નામનો વિદ્યાધર થયો તે નિદાન સહિત તપ કરી ત્રીજા સ્વર્ગમાં જઈ રામનો નાનો ભાઈ
અત્યંત સ્નેહવાળો લક્ષ્મણ થયો અને પૂર્વના વેરના યોગથી રાવણને માર્યો. શંબુએ
વેદવતી પ્રત્યે વિપરીત આચરણ કર્યું હતું. તેથી સીતા રાવણના નાશનું કારણ થઈ. જે
જેને હણે તે તેનાથી હણાય. ત્રણ ખંડની લક્ષ્મીરૂપ રાત્રિના ચંદ્રમા રાવણને હણી લક્ષ્મણ
સાગરાંત પૃથ્વીનો અધિપતિ થયો. રાવણ જેવો શૂરવીર આ પ્રમાણે મરાય એ કર્મોનો દોષ
છે. દુર્બળમાંથી સબળ થાય, સબળ દુર્બળ બની જાય અને ઘાતક હોય તે હણાય અને
હણાયો હોય તે ઘાતક બની જાય સંસારના જીવોની આ જ ગતિ છે. કર્મની ચેષ્ટાથી કોઈ
વાર સ્વર્ગનાં સુખ મેળવે, કોઈ વાર નરકનાં દુઃખ મેળવે. જેમ કોઈ સ્વાદિષ્ટ ઉત્તમ
અન્નમાં વિષ મેળવી દૂષિત કરે, તેમ મૂઢ જીવ ઉગ્ર તપને ભોગવિલાસથી દૂષિત કરે છે.
જેમ કોઈ કલ્પવૃક્ષને કાપી કોદરીના ખેતરની વાડ કરે અને વિષના વૃક્ષને અમૃતરસથી
સીંચે અને રાખ મેળવવા માટે રત્નોની રાશિ બાળી નાખે અને કોલસા મેળવવા
મલયાગિરિ ચંદનને બાળી નાખે, તેમ નિદાનબંધ કરી તપને આ અજ્ઞાની દૂષિત કરે છે.
આ સંસારમાં બધા દોષની ખાણ સ્ત્રી છે, તેના અર્થે અજ્ઞાની કયા કુકર્મ નથી કરતો?
આ જીવે જે કર્મ ઉપાર્જ્યાં હોય તે અવશ્ય ફળ આપે છે. કોઈ અન્યથા કરવાને સમર્થ
નથી. જે ધર્મમાં પ્રીતિ કરે અને પાછળથી અધર્મ ઉપાર્જે તે કુગતિ પામે છે, તેની ભૂલ શું
કહીએ? જે સાધુ થઈને મદ મત્સર કરે છે તેને ઉગ્ર તપથી મુક્તિ નથી. જેને શાંત ભાવ
નથી, સંયમ નથી, તપ નથી તે દુર્જન મિથ્યાદ્રષ્ટિને સંસારસાગર તરવાનો ઉપાય ક્યો
હોય? જેમ પ્રલયના પવનથી મદોન્મત્ત ગજેન્દ્ર ઊડી જાય તો સસલું ઊડી જાય તેમાં
આશ્ચર્ય શાનું? તેમ સંસારની જૂઠી માયામાં ચક્રવર્તી આદિ મોટા પુરુષો ભૂલ ખાઈ જાય
તો નાના મનુષ્યોની શી વાત છે? આ જગતમાં પરમદુઃખનું કારણ વેરભાવ છે તે વિવેકી
ન કરે, જેને આત્મકલ્યાણની ભાવના હોય તે પાપની કરનારી વાણી કદી ન બોલે.
ગુણવતીના ભવમાં મુનિનો અપવાદ કર્યો હતો અને વેદવતીના ભવમાં એક મંડલિકા
નામના ગ્રામમાં સુદર્શન નામના મુનિવનમાં આવ્યા. લોકો વંદના કરી પાછા ગયા અને
મુનિની બહેન સુદર્શના નામની આર્યિકા મુનિ પાસે બેસી ધર્મશ્રવણ કરતી હતી તે
વેદવતીએ જોયું અને ગામના લોકો સમક્ષ મુનિની નિંદા કરી કે મેં મુનિને એકલી સ્ત્રીની
પાસે બેઠેલા જોયા. ત્યારે કેટલાકે વાત માની અને કેટલાક બુદ્ધિમાનોએ ન માની, પરંતુ
ગામમાં મુનિનો અપવાદ થયો. ત્યારે મુનિએ નિયમ લીધો કે આ જૂઠો અપવાદ દૂર થાય
તો આહાર માટે નીકળવું, નહિતર નહિ. તે વખતે નગરની દેવીએ વેદવતીના મુખે સમસ્ત
ગામના લોકોને કહેવરાવ્યું કે મેં જૂઠો અપવાદ કર્યો હતો. એ ભાઈ બહેન છે અને મુનિની
પાસે જઈને વેદવતીએ ક્ષમા માગી કે હે પ્રભો! મેં પાપિણીએ મિથ્યા વચન કહ્યાં તો ક્ષમા
કરો. આ પ્રમાણે મુનિની નિંદાકરી તેથી સીતા ઉપર જૂઠું આળ આવ્યું અને મુનિની ક્ષમા
માગી તેથી તેનો અપવાદ દૂર થયો. માટે જે જિનમાર્ગી છે તે કદી પણ પરનિંદા ન કરે,
કોઈમાં સાચો દોષ હોય તો પણ જ્ઞાની ન કહે. કોઈ કહેતો હોય તેને રોકે, બીજાનો દોષ
સર્વથા ઢાંકે. જે કોઈ પરનિંદા

Page 604 of 660
PDF/HTML Page 625 of 681
single page version

background image
૬૦૪ એકસો છમું પર્વ પદ્મપુરાણ
કરે છે તે અનંતકાળ સંસારવનમાં દુઃખ ભોગવે છે. સમ્યગ્દર્શનરૂપ રત્નનો મોટો ગુણ એ
જ છે કે બીજાનો અવગુણ સર્વથા ઢાંકે, જે બીજાનો સાચો દોષ પણ કહે તે અપરાધી છે.
અને અજ્ઞાનથી, મત્સરભાવથી બીજાનો જૂઠો દોષ પ્રગટ કરે તેના જેવો બીજો પાપી નથી.
પોતાના દોષ ગુરુની પાસે પ્રકાશવા અને બીજાના દોષ સર્વથા ઢાંકવા. જે પારકી નિંદા
કરે, તે જિનમાર્ગથી પરાઙમુખ છે.
કેવળીનાં આ પરમ અદ્ભુત વચનો સાંભળી સુર-અસુર મનુષ્ય બધા જ આનંદ
પામ્યા. વેરભાવના દોષ સાંભળી સભાના બધા લોકો મહાદુઃખના ભયથી અત્યંત
કંપાયમાન થયા. મુનિ તો સર્વ જીવો પ્રત્યે નિર્વેર છે. તેમણે તો અધિક શુદ્ધભાવ ધારણ
કર્યા અને ચતુર્નિકાયના બધા જ દેવોએ ક્ષમા પામી વેરભાવ ત્યજ્યા. અનેક રાજા
પ્રતિબોધ પામીને શાંતભાવ ધારણ કરી ગર્વનો ભાર તજી મુનિ અને શ્રાવક થયા અને જે
મિથ્યાવાદી હતા તે પણ સમ્યક્ત્વ પામ્યા. બધાય કર્મની વિચિત્રતા જાણીને નિશ્વાસ
નાખવા લાગ્યા. બધા આમ કહેવા લાગ્યા કે ધિક્કાર છે આ જગતની કાયાને! સુર-અસુર
મનુષ્ય હાથ જોડી, મસ્તક નમાવી કેવળીને પ્રણામ કરી વિભીષણની પ્રશંસા કરવા લાગ્યા
કે તમારા કારણે અમે કેવલીના મુખથી ઉત્તમ પુરુષોનાં ચરિત્ર સાંભળ્‌યાં. તમે ધન્ય છો.
પછી દેવેન્દ્ર, નરેન્દ્ર, નાગેન્દ્ર બધા જ આનંદભર્યા પોતાના પરિવારવર્ગ સહિત સર્વજ્ઞદેવની
સ્તુતિ કરવા લાગ્યા. હે ભગવાન પુરુષોત્તમ! આ સકળ ત્રિલોક આપનાથી શોભે છે તેથી
આપનું સકળભૂષણ નામ સાર્થક છે-સત્યાર્થ છે. આપની કેવળદર્શન, કેવળજ્ઞાનમય નિજ
વિભૂતિ આખા જગતની વિભૂતિને જીતીને શોભે છે. આ અનંત ચતુષ્ટય લક્ષ્મી સર્વ
લોકનું તિલક છે. આ જગતમાં જીવ અનાદિકાળથી કર્મવશ થઈ રહ્યા છે. મહાદુઃખના
સાગરમાં પડયા છે. તમે દીનાનાથ, દીનબંધુ, કરુણાનિધાન જીવોને જિનરાજપદ આપો. હે
કેવળી! અમે ભવવનના મૃગ જન્મ, જરા, મરણ, રોગ, શોક, વિયોગ, વ્યાધિ અનેક
પ્રકારનાં દુઃખના ભોક્તા અશુભ કર્મરૂપ જાળમાં પડયા છીએ તેનાથી છૂટવું અત્યંત મુશ્કેલ
છે. ત્યારે આપ જ છોડાવવાને સમર્થ છો. અમને નિજબોધ આપો જેથી કર્મનો ક્ષય થાય.
હે નાથ! આ વિષયવાસનારૂપ ગહન વનમાં અમે નિજપુરીનો માર્ગ ભૂલી ગયા છીએ
અને આપ જગતના દીપક છો તેથી અમને શિવપુરીનો પંથ બતાવો. આત્મબોધરૂપ
શાંતરસના તરસ્યાને માટે આપ તૃષા દૂર કરનાર મહાન સરોવર છો, કર્મભર્મરૂપ વનને
બાળવા માટે સાક્ષાત્ દાવાનળરૂપ છો અને વિકલ્પ જાળરૂપ બરફથી કંપાયમાન જગતનાં
જીવોને શીતની વ્યથા દૂર કરવા આપ સાક્ષાત્ સૂર્ય છો. હે સર્વેશ્વર! સર્વભૂતેશ્વર!
જિનેશ્વર! આપની સ્તુતિ કરવા ચાર જ્ઞાનના ધારક ગણધરદેવ પણ સમર્થ નથી તો બીજો
કોણ હોય? હે પ્રભો! આપને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રામ, લક્ષ્મણ, વિભીષણ, સુગ્રીવ,
સીતા અને ભામંડળના પૂર્વભવોનું વર્ણન કરનાર એકસો છમું પર્વ પૂર્ણ થયું.

Page 605 of 660
PDF/HTML Page 626 of 681
single page version

background image
પદ્મપુરાણ એકસો સાતમું પર્વ ૬૦પ
એકસો સાતમું પર્વ
(કૃતાંતવકત્ર સેનાપતિનું જિનદીક્ષાગ્રહણ)
પછી કેવળીનાં વચન સાંભળી સંસારભ્રમણનાં દુઃખથી ખેદખિન્ન થઈ, જેને
જિનદીક્ષાની અભિલાષા છે એવા રામના સેનાપતિ કૃતાંતવકત્રે રામને કહ્યું, હે દેવ! હું આ
અસાર સંસારમાં અનાદિકાળથી મિથ્યા માર્ગથી ભ્રમણ કરીને ખૂબ દુઃખી થયો. હવે મને
મુનિવ્રત લેવાની ઇચ્છા છે. ત્યારે શ્રી રામે કહ્યું, જિનદીક્ષા અતિદુર્દ્ધર છે. તું જગતનો સ્નેહ
તજીને કેવી રીતે ધરી શકીશ? તીવ્ર, શીત, ઉષ્ણ આદિ બાવીસ પરીષહ કેવી રીતે સહન
કરીશ? દુર્જનજનોનાં દુષ્ટ વચનો કંટકતુલ્ય કેવી રીતે સહીશ? અત્યાર સુધી તેં કદી દુઃખ
સહન કર્યાં નથી, કમળની કણિકા સમાન તારું શરીર વિષમભૂમિનાં દુઃખ કેવી રીતે સહશે?
ગહન વનમાં રાત્રિ કેવી રીતે પૂરી કરીશ? શરીરનાં હાડ અને નસોની જાળ પ્રગટ દેખાય
એવાં ઉગ્ર તપ કેવી રીતે કરીશ અને પક્ષ માસોપવાસ પછી દોષ ટાળી પારકા ઘરે નીરસ
ભોજન કેવી રીતે કરીશ? તું અત્યંત તેજસ્વી, શત્રુઓની સેનાના શબ્દો સહી શકતો નથી
તો નીચ લોકોએ કરેલા ઉપસર્ગ કેવી રીતે સહીશ? ત્યારે કૃતાંતવક્રત્રે કહ્યું, હું તમારા
સ્નેહરૂપ અમૃતને તજવાને સમર્થ થયો તો મને બીજું શું વિષમ છે? જ્યાં સુધી મૃત્યુરૂપ
વ્રજથી આ દેહરૂપ સ્તંભ ખસે નહિ તે પહેલાં હું મહાદુઃખરૂપ અંધકારમય ભવવાસમાંથી
નીકળવા ઇચ્છું છું. જે બળથી ઘરમાંથી નીકળે તેને દયાવાન રોકે નહિ, આ સંસાર અસાર
અતિનીંદ્ય છે. તેને છોડીને આત્મહિત કરું. અવશ્ય ઇષ્ટનો વિયોગ થશે. આ શરીરના
યોગથી સર્વ દુઃખ છે તેથી અમને શરીરનો ફરી સંયોગ ન થાય એવા ઉપાયમાં બુદ્ધિ ઉદ્યમી
થઈ છે. કૃતાંતવક્રત્રનાં વચન સાંભળી શ્રી રામને આંસુ આવ્યા અને ધીમે ધીમે મોહને
દાબી કહ્યું-મારા જેવી વિભૂતિ છોડીને તું તપની સન્મુખ થયો છે તેથી ધન્ય છે તને! જો
કદાચ આ જન્મમાં તારો મોક્ષ ન થાય અને તું દેવ થાય તો તું સંકટમાં આવી મને
સંબોધજે. હે મિત્ર! તું મારો ઉપકાર જાણે છે તો દેવગતિમાં વિસ્મરણ ન કરતો.
પછી કૃતાંતવક્રત્રે નમસ્કાર કરી કહ્યું-હે દેવ! આપની આજ્ઞા પ્રમાણે જ થશે. આમ
કહી સર્વ આભૂષણ ઉતાર્યાં. સકળભૂષણ કેવળીને પ્રણામ કરી અંતરબાહ્ય પરિગ્રહનો
ત્યાગ કર્યો. કૃતાંતવક્રત્ર હતો તે સોમ્યવક્રત્ર થઈ ગયો. તેની સાથે અનેક મહારાજા વૈરાગી
થયા. જેમને જિનધર્મની રુચિ જાગી છે તેમણે નિર્ગ્રંથ વ્રત ધાર્યાં. કેટલાકે શ્રાવકનાં વ્રત
લીધાં અને કેટલાકે સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી. તે સભા હર્ષિત થઈ રત્નત્રય આભૂષણથી
શોભવા લાગી. સમસ્ત સુર, અસુર, નર સકળભૂષણ સ્વામીને નમસ્કાર કરી પોતપોતાના
સ્થાનકે ગયા. કમળનયન શ્રી રામ સકળભૂષણ સ્વામીને અને સમસ્ત સાધુઓને પ્રણામ
કરી વિનયરૂપી સીતાની સમીપે આવ્યા. સીતા નિર્મળ તપથી તેજસ્વી લાગતી ઘીની
આહુતિથી અગ્નિશિખા પ્રજ્વલિત થાય તેવી પાપોને ભસ્મ કરવા માટે સાક્ષાત્ અગ્નિરૂપ
બેઠી છે. આર્યિકાઓની વચ્ચે રહેલી જાણે કે દેદીપ્યમાન કિરણોવાળી અર્પૂવ ચંદ્રકાંતિ
તારાઓની વચ્ચે બેઠી છે! આર્યિકાઓના વ્રત ધરી અત્યંત નિશ્ચળ

Page 606 of 660
PDF/HTML Page 627 of 681
single page version

background image
૬૦૬ એકસો સાતમું પર્વ પદ્મપુરાણ
છે. જેણે આભૂષણો તજ્યાં છે તો પણ શ્રી, હ્રી ધૃતિ, કીર્તિ, બુદ્ધિ, લક્ષ્મી, લજ્જાની
શિરોમણિ જેવી શોભે છે. શ્વેત વસ્ત્ર પહેરેલી તે મંદ પવનથી ચલાયમાન ફીણવાણી
પવિત્ર નદી જ છે. જાણે નિર્મળ શરદ પૂનમની ચાંદની સમાન શોભા ધરતી સમસ્ત
આર્યિકારૂપ કુમુદિનીઓને પ્રફુલ્લિત કરનારી લાગે છે. વૈરાગ્યવતી મૂર્તિમાન જિનશાસનની
દેવી જ છે. આવી સીતાને જોઈ જેમનું મન આશ્ચર્ય પામ્યું છે એવા શ્રી રામ કલ્પવૃક્ષ
સમાન ક્ષણભર નિશ્ચળ થઈ ગયા, નેત્રભૃકુટિ સ્થિર થઈ, જાણે શરદની મેઘમાળા સમીપે
કંચનગિરિ શોભે તેમ શ્રી રામ આર્યિકાઓની સમીપમાં શોભતા હતા. શ્રી રામ મનમાં
ચિંતવવા લાગ્યા-આ સાક્ષાત્ ચંદ્રકિરણ ભવ્યોરૂપી કુમુદિનીને ખીલવનાર શોભે છે.
નવાઈની વાત એ છે કે કાયર સ્વભાવવાળી આ વાદળાના અવાજથી ડરતી તે હવે
મહાન તપસ્વીની ભયંકર વનમાં ભય કેમ નહિ પામે? નિતંબના ભારથી આળસથી
ગમન કરનારી અત્યંત કોમલાંગી તપથી કરમાઈ જશે. ક્યાં આ કોમળ શરીર અને ક્યાં
આ દુર્દ્ધર જિનરાજનું તપ? તે અતિ કઠણ છે. જે અગ્નિ મોટાં મોટાં વૃક્ષોને બાળી નાખે
તેનાથી કમલિનીની શી હાલત થાય? આ સદાય મનવાંછિત આહાર કરનારી હવે કેવી
રીતે જે મળે તે ભિક્ષાથી કાળક્ષેપ કરશે? આ પુણ્યાધિકારિણી રાત્રે સ્વર્ગના વિમાન
સમાન સુંદર મહેલમાં મનોહર શય્યા પર સૂતી અને વીણા, બંસરી, મૃદંગાદિ મંગળ શબ્દો
સાંભળતાં સૂતી તે હવે ભયંકર વનમાં કેવી રીતે રાત્રિ પૂર્ણ કરશે? વન તો દર્ભની તીક્ષ્ણ
અણીઓથી વિષમ અને સિંહ વાઘાદિના અવાજથી ભયંકર હોય છે, જુઓ, મારી ભૂલ કે
મેં મૂઢ લોકોના અપવાદથી પતિવ્રતા સતી શીલવતી, મધુર ભાષિણીને ઘરમાંથી કાઢી મૂકી.
આ પ્રમાણે ચિંતાના ભારથી પીડિત શ્રી રામ પવનથી કંપાયમાન કમળની જેમ ધ્રૂજતા
હતા. પછી કેવળીનાં વચનને યાદ કરી, ધૈર્યથી આંસુ લુછી શોકરહિત થઈ અત્યંત
વિનયથી સીતાને નમસ્કાર કર્યા. સૌમ્ય ચિત્તવાળા લક્ષ્મણે પણ હાથ જોડી નમસ્કાર કરી
રામ સહિત સ્તુતિ કરી-હે ભગવતી, તું સતી વંદનીય છે, ધન્ય છે, સુંદર ચેષ્ટાવાળી છે.
જેમ ધરા સુમેરુને ધારે તેમ તું જિનરાજનો ધર્મ ધારે છે. તેં જિનવચનરૂપ અમૃત પીધું છે.
તેનાથી ભવરોગ મટાડીશ, સમ્યક્ત્વ જ્ઞાનરૂપ જહાજથી સંસાર સમુદ્રને તરીશ. જે
પતિવ્રતા નિર્મળ ચિત્ત ધારે છે તેમની એ જ ગતિ છે કે પોતાના આત્માને સુધારે અને
બેય લોક તેમ જ બેય કુળ સુધારે, તેં પવિત્ર ચિત્તથી આવી ક્રિયા ગ્રહણ કરી છે. હે ઉત્તમ
નિયમ ધરનારી! અમે જે કાંઈ અપરાધ કર્યો હોય તેને માફ કરો. સંસારી જીવોના ભાવ
અવિવેકરૂપ હોય છે તેથી તું જિનમાર્ગમાં પ્રવર્તી, સંસારની માયાને અનિત્ય જાણી અને
પરમ આનંદરૂપ આ દશા જીવોને દુર્લભ છે; આ પ્રમાણે બન્ને ભાઈ જાનકીની સ્તુતિ કરી
લવણ અંકુશને આગળ રાખી અનેક વિદ્યાધરો, મહિપાલો સાથે અયોધ્યામાં પ્રવેશ્યા. જેમ
દેવો સહિત ઇન્દ્ર અમરાવતીમાં પ્રવેશ કરે અને બધી રાણીઓએ પરિવાર સહિત નગરમાં
પ્રવેશ કર્યો. રામને નગરમાં પ્રવેશતાં જોઈ મકાનો ઉપર બેઠેલી સ્ત્રીઓ પરસ્પર વાતો કરે
છે-આ શ્રી રામચંદ્રે, જેમનું અંતઃકરણ શુદ્ધ છે, શુરવીર છે, મહાવિવેકી છે તેમણે મૂઢ
લોકોના અપવાદથી આવી

Page 607 of 660
PDF/HTML Page 628 of 681
single page version

background image
પદ્મપુરાણ એકસો આઠમું પર્વ ૬૦૭
પતિવ્રતા સ્ત્રી ખોઈ. કેટલીક બોલતી હતી કે નિર્મળ કુળમાં જન્મેલા ક્ષત્રિય છે તેમની એ
જ રીત હોય છે, કોઈ પણ પ્રકારે કુળને કલંક ન લગાડે. લોકોનો સંદેહ દૂર કરવા માટે
રામે તેને દિવ્ય શપથ લેવા કહ્યું અને દિવ્ય શપથની કસોટીમાં તે નિર્મળ આત્મા સાચો
સાબિત થયો, તેણે લોકોનો સંદેહ મટાડી જિનદીક્ષા ધારણ કરી. કોઈ કહે છે, હે સખી!
જાનકી વિના રામ કેવા દેખાય છે જાણે કે ચાંદની વિનાના ચંદ્ર અને દીપ્તિ વિનાના સૂર્ય.
ત્યારે કોઈએ કહ્યું-એ પોતે જ મહાન કાંતિધારક છે, એમની કાંતિ પરાધીન નથી. કોઈ
કહે છે - સીતાનું ચિત્ત વજ્ર જેવું છે કે આવા પુરુષોત્તમ પતિને છોડીને જિનદીક્ષા લીધી.
કોઈ કહે છે-ધન્ય છે સીતાને! જે અનર્થરૂપ ગૃહવાસ ત્યાગીને તેણે આત્મકલ્યાણ કર્યું.
વળી કોઈ બોલતી કે આવા સુકુમાર બેય કુમારો લવણ અને અંકુશને કેમ તજી શકી?
સ્ત્રીનો પ્રેમ પતિથી છૂટે, પોતાની કૂખે જન્મેલા પુત્રોથી ન છૂટે. ત્યારે કોઈ બોલી-આ
બન્ને પુત્રો પરમ પ્રતાપી છે, એમને માતા શું કરે? એમની સહાય એમનાં પુણ્ય જ કરશે
અને બધા જ જીવો પોતપોતાના કર્મને આધીન છે. આ પ્રમાણે નગરની નારીઓ
વાર્તાલાપ કરે છે. જાનકીની વાત કોને આનંદ ન આપે? અને એ બધી જ રામને
જોવાની અભિલાષિણી રામને જોતાં તૃપ્ત થતી નહિ, જેમ ભમરો કમળના મકરંદથી તૃપ્ત
થતો નથી. કેટલીક લક્ષ્મણ તરફ જોઈને બોલી-આ નરોત્તમ નારાયણ લક્ષ્મીવાન, પોતાના
પ્રતાપથી જેમણે પૃથ્વીને વશ કરી છે, ચક્રધારી, ઉત્તમ રાજ્યલક્ષ્મીના સ્વામી, વેરીની
સ્ત્રીઓને વિધવા કરનાર, રામના આજ્ઞાકારી છે. આ પ્રમાણે બન્ને ભાઈઓએ લોકોની
પ્રશંસા મેળવતાં પોતાના મહેલમાં પ્રવેશ કર્યો. જે આ શ્રી રામનું ચરિત્ર નિરંતર ધારણ
કરે તે અવિનાશી લક્ષ્મી પામે.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં કૃતાંતવક્રત્રના વૈરાગ્યનું વર્ણન
કરનાર એકસો સાતમું પર્વ પૂર્ણ થયું.
* * *
એકસો આઠમું પર્વ
(લવણ–અંકુશના પૂર્વભવ)
રાજા શ્રેણિક ગૌતમ સ્વામીના મુખે શ્રી રામનું ચરિત્ર સાંભળીને મનમાં વિચારવા
લાગ્યો કે સીતાએ પોતાના પુત્રો લવણ-અંકુશનો મોહ તજી દીધો પણ તે સુકુમાર મૃગ
જેવા નેત્રોવાળા નિરંતર સુખના ભોક્તા કેવી રીતે માતાનો વિયોગ સહી શકે? આવા
પરાક્રમી અને ઉદાર ચિત્તવાળાને પણ ઇષ્ટ-વિયોગ અને અનિષ્ટ-સંયોગ થાય છે તો
બીજાની તો શી વાત કરવી? આમ વિચારીને તેમણે ગણધરદેવને પૂછયું, હે પ્રભો! મેં
તમારા પ્રસાદથી રામ-લક્ષ્મણનું ચરિત્ર સાંભળ્‌યું, હવે લવ-અંકુશનું ચરિત્ર પણ સાંભળવા
ઇચ્છું છું. ત્યારે ગૌતમ સ્વામીએ કહ્યું-હે

Page 608 of 660
PDF/HTML Page 629 of 681
single page version

background image
૬૦૮ એકસો આઠમું પર્વ પદ્મપુરાણ
રાજન્! કાકંદી નામની નગરીમાં રાજા રતિવર્દ્ધનને રાણી સુદર્શનાથી બે પુત્રો થયા. એક
પ્રિયંકર અને બીજો હિતંકર. ત્યાંની રાજ્યલક્ષ્મીનો ધુરંધર સર્વગુપ્ત સ્વામીદ્રોહી હતો અને
રાજાને મારવાનો ઉપાય ગોતતો. સર્વગુપ્તની સ્ત્રી વિજયાવતી પાપિણી હતી, રાજા સાથે
ભોગ કરવા ચાહતી. રાજા શીલવાન, પરદારા પરાઙમુખ, તેની માયાજાળમાં ન ફસાયો.
ત્યારે તેણીએ કહ્યું કે મંત્રી તમને મારી નાખવા ઇચ્છે છે. રાજાએ તેની વાત માની નહિ.
તેથી તેણે પતિને ભરમાવ્યો કે રાજા તને મારી મને લઈ જવા ઇચ્છે છે. આથી દુષ્ટ
મંત્રીએ રાજાના બધા સામંતોને ફોડયા અને રાજાના સૂવાના મહેલમાં રાત્રે આગ લગાડી
રાજા તો સદા સાવધાન હતો અને મહેલમાં ગુપ્ત સુરંગ રખાવી હતી તે સુરંગના માર્ગે
થઈ બન્ને પુત્રો અને સ્ત્રીને લઈ બહાર નીકળી ગયો અને કાશીનો સ્વામી રાજા કશ્યપ
જે ન્યાયી, ઉગ્રવંશી, રાજા રતિવર્દ્ધનનો સેવક હતો તેના નગરમાં ગુપ્ત રીતે પહોંચ્યો.
અહીં સર્વગુપ્ત રતિવર્ધનના સિંહાસન પર બેઠો, બધા ઉપર આજ્ઞા પ્રવર્તાવી. રાજા
કશ્યપને પણ પત્ર લખી દૂત મોકલ્યો કે તમે આવીને મને પ્રણામ કરીને મારા સેવક થાવ.
કશ્યપે દૂતને જવાબ આપ્યો કે સર્વગુપ્ત સ્વામીદ્રોહી છે તે દુર્ગતિનું દુઃખ ભોગવશે,
સ્વામીદ્રોહીનું નામ પણ ન લેવાયું, મોઢું ન જોવાય તો સેવા તો કેવી રીતે કરાય? તેણે
રાજાને બન્ને પુત્ર અને સ્ત્રી સાથે બાળી નાખ્યા તે સ્વામીઘાત, સ્ત્રીઘાત અને
બાળહત્યાના મહાન દોષ તેણે કર્યા છે તેથી એવા પાપીનું સેવન કેવી રીતે કરીએ? તેનું
મુખ પણ ન જોવું અને બધા લોકોની સમક્ષ હું તેનું મસ્તક કાપી ધણીનું વેર લઈશ.
આમ કહીને દૂતને પાછો મોકલ્યો. દૂતે જઈ સર્વગુપ્તને બધો વૃત્તાંત કહ્યો તેથી તે અનેક
રાજાઓ અને મોટી સેના સાથે કશ્યપ ઉપર આવ્યો. તેણે આવીને કશ્યપના દેશને ઘેરી
લીધો, કાશીની ચારે તરફ સેના ફેલાઈ ગઈ, પણ કશ્યપને સંધિ કરવાની ઇચ્છા નથી.
યુદ્ધનો જ નિશ્ચય છે. રાજા રતિવર્ધન રાત્રે કાશીના વનમાં આવ્યો અને એક તરુણ
દ્વારપાળને કશ્યપ પાસે મોકલ્યો તેણે જઈ કશ્યપને રાજાના આવવાના સમાચાર કહ્યા.
કશ્યપ તો અતિ પ્રસન્ન થયો અને મહારાજ ક્યાં છે? મહારાજ ક્યા છે? એવા વચન
વારંવાર બોલવા લાગ્યો. ત્યારે દ્વારપાળે કહ્યું કે મહારાજ વનમાં રહ્યા છે ત્યારે એ ધર્મી
સ્વામીભક્ત ખૂબ આનંદ પામી પરિવાર સહિત રાજા પાસે ગયો, તેની આરતી ઉતારી
અને પગમાં પડી જયજયકાર કરતો નગરમાં લાવ્યો અને નગરને આનંદથી ઉછાળ્‌યું અને
નગરમાં આવા અવાજ ફેલાઈ ગયા કે કોઈથી જીતી ન શકાય એવા રતિવર્ધન રાજા
જયવંત હો. રાજા કશ્યપે પોતાના સ્વામીના આગમનથી મોટો ઉત્સવ કર્યો અને સેનાના
બધા સામંતોને કહેવરાવી દીધું કે આપણા સ્વામી તો વિદ્યમાન છે અને તમે સ્વામીદ્રોહીને
સાથે આપી સ્વામી સાથે લડશો એ તમારા માટે શું ઉચિત છે?
આથી તે બધા સામંતો સર્વગુપ્તને છોડી સ્વામી પાસે આવ્યા અને યુદ્ધમાં
સર્વગુપ્તને જીવતો પકડી લીધો, કાકંદી નગરીનું રાજ્ય રતિવર્ધનના હાથમાં આવ્યું. રાજા
જીવતો રહ્યો તેથી ફરી વાર જન્મોત્સવ કર્યો, ખૂબ દાન આપ્યું, સામંતોનું સન્માન કર્યું,
ભગવાનની વિશેષ પૂજા

Page 609 of 660
PDF/HTML Page 630 of 681
single page version

background image
પદ્મપુરાણ એકસો નવમું પર્વ ૬૦૯
કરી કશ્યપનું ખૂબ સન્માન કર્યું, ખૂબ વૈભવથી તેને વધાવ્યો અને ઘેર વિદાય કર્યો. કશ્યપ
કાશીમાં લોકપાળની જેમ આનંદ કરે છે, સર્વગુપ્ત બધા લોકોથી નિંદાતો મૃતક તુલ્ય થયો,
કોઈ તેને મળતું નહિ, તેનું મોઢું જોતા નહિ. તેથી સર્વગુપ્તે પોતાની સ્ત્રી વિજયાવતીનો
દોષ બધે ફેલાવ્યો કે એણે રાજા અને મારી વચ્ચે ભેદ કરાવ્યો. આ પ્રચારથી વિજયાવતી
અત્યંત દ્વેષ પામી કે હું ન તો રાજાની થઈ શકી કે ન ધણીની રહી શકી. તેણે મિથ્યા તપ
કર્યું અને મરીને રાક્ષસી થઈ. રાજા રતિવર્ધને ભોગોથી ઉદાસ થઈ સુભાનુ સ્વામીની નિકટ
મુનિવ્રત લીધા. તે રાક્ષસીએ રતિવર્ધન મુનિને ઘણા ઉપસર્ગ કર્યા. મુનિ શુદ્ધોપયોગના
પ્રસાદથી કેવળી થયા. પ્રિયંકર અને હિતંકર બન્ને કુમારો પહેલાં આ જ નગરમાં દામદેવ
નામના બ્રાહ્મણની પત્ની શ્યામલીના પેટે સુદેવ અને વસુદેવ નામના પુત્ર થયા હતા.
વસુદેવની સ્ત્રી વિશ્વા અને સુદેવની સ્ત્રી પ્રિયંગુનો ગૃહસ્થ વ્યવહાર પ્રશંસનીય હતો. એમણે
શ્રીતિલક નામના મુનિને આહારદાન આપ્યું હતું તેથી દાનના પ્રભાવથી બન્ને ભાઈ સ્ત્રી
સહિત ઉત્તરકુરુ ભોગભૂમિમાં ઉપજ્યા, તેમનું ત્રણ પલ્યનું આયુષ્ય હતું. સાધુના
આહારદાનરૂપી કલ્પવૃક્ષના મહાફળ ભોગભૂમિમાં ભોગવી બીજા સ્વર્ગમાં દેવ થયા. ત્યાં
સુખ ભોગવી ચ્યવીને સમ્યગ્જ્ઞાનરૂપ લક્ષ્મીથી મંડિત પાપકર્મનો ક્ષય કરનારા પ્રિયંકર-
હિતંકર થયા, તે મુનિ થઈ ગ્રૈવેયક ગયા, ત્યાંથી ચ્યવીને લવણાંકુશ
થયા. મહાભવ્ય અને
તદ્ભવ મોક્ષગામી છે. રાજા રતિવર્ધનની રાણી સુદર્શના પ્રિયંકર- હિતંકરની માતા, પુત્રોમાં
જેનો અત્યંત અનુરાગ હતો તે, પતિ અને પુત્રોના વિયોગથી અત્યંત આર્તધ્યાન કરી જુદી
જુદી યોનિઓમાં ભ્રમણ કરી કોઈ એક જન્મમાં પણ પુણ્ય ઉપાર્જન કરી આ સિધ્ધાર્થ થયો.
ધર્મ અનુરાગી, સર્વ વિદ્યામાં નિપુણ તેણે પૂર્વજન્મના સ્નેહથી લવણ-અંકુશને ભણાવ્યા
અને એવા નિપુણ બનાવ્યા કે દેવોથી પણ જીતી ન શકાય. છેવટે ગૌતમ સ્વામીએ
શ્રેણિકને કહ્યું કે હે નૃપ! આ સંસાર અસાર છે અને આ જીવનાં કોણ કોણ માતાપિતા
નથી થયાં? જગતના બધા જ સંબંધો જૂઠા છે, એક ધર્મનો જ સંબંધ સત્ય છે તેથી
વિવેકીઓએ ધર્મનો જ પ્રયત્ન કરવો જોઈએ, કે જેથી તે સંસારનાં દુઃખોથી છૂટે. બધા કર્મ
નિંદ્ય, દુઃખની વૃદ્ધિનાં કારણ છે તેમને તજીને જિનવરોએ ભાખેલાં તપથી અનેક સૂર્યની
કાંતિને જીતી સાધુ શિવપુર એટલે મુક્તિમાં જાય છે.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં લવણ-અંકુશના પૂર્વભવોનું વર્ણન
કરનાર એકસો આઠમું પર્વ પૂર્ણ થયું.
* * *
એકસો નવમું પર્વ
(સીતાનું ઉગ્ર તપશ્ચરણ અને સમાધિમરણથી સ્વર્ગગમન)
સીતા પતિ અને પુત્રોને તજીને કયાં કયાં તપ કરતી રહી તે સાંભળ. સીતાનો યશ

Page 610 of 660
PDF/HTML Page 631 of 681
single page version

background image
૬૧૦ એકસો નવમું પર્વ પદ્મપુરાણ
લોકપ્રસિદ્ધ છે. સીતાનો સમય શ્રી મુનિસુવ્રતનાથજીનો સમય હતો.. મહાશોભાયમાન,
ભવભ્રમના નિવારક તે વીસમા ભગવાનનો સમય અરનાથ અને મલ્લિનાથ ભગવાનના
સમય જેવો જ હતો. તે સમયમાં શ્રી સકળભૂષણ કેવળી કેવળજ્ઞાનથી લોકાલોકને જાણતાં
વિહાર કરે છે. તેમણે અનેક મહાવ્રતી અણુવ્રતી કર્યા. અયોધ્યાના સર્વજનો જિનધર્મમાં
નિપુણ વિધિપૂર્વક ગૃહસ્થનો ધર્મ આરાધે છે. સકળ પૂજા ભગવાન શ્રી સકળભૂષણના
વચનોમાં શ્રધ્ધાવાન છે. જેમ ચક્રવર્તીની આજ્ઞા પાળે તેમ ભગવાન ધર્મચક્રી તેમની આજ્ઞા
ભવ્ય જીવ પાળે છે. રામનું રાજ્ય ધર્મના ઉદ્યોતરૂપ, જે સમયે ઘણા માણસો વિવેકી અને
સાધુસેવામાં તત્પર હતા. જુઓ, જે સીતા પોતાની મનોજ્ઞતાથી દેવાંગનાઓની શોભાને
જીતતી તે તપથી દગ્ધ થયેલી માધુરી લતા જ હોય એવી થઈ ગઈ છે. વૈરાગ્યમંડિત
અશુભભાવ રહિત સ્ત્રીપર્યાયને ખુબ નીંદતી, મહાન તપ કરતી હતી. જેના વાળ ધૂળથી
મલિન થઈ ગયા છે, શરીર સ્નાન અને સંસ્કારરહિત છે, પરસેવાવાળા શરીરમાં રજ ચોટે
છે તેથી શરીર મલિન થઈ રહ્યું છે, બેલા, તેલા, પક્ષ ઉપવાસથી તન ક્ષીણ કર્યું છે, દોષ
ટાળી શાસ્ત્રોક્ત પારણું કરે છે, શીલ, વ્રત, ગુણો પ્રત્યે અનુરાગ છે, અધ્યાત્મના વિચારથી
તેનું ચિત્ત અત્યંત શાંત થઈ ગયું છે, તેણે ઇન્દ્રિયોને વશ કરી છે, બીજાઓથી ન થાય
એવું તપ કરવા લાગી. જેનાં અંગ ઉપરથી માંસ, લોહી સુકાઈ ગયાં છે, જેનાં અસ્થિ
અને નસો પ્રગટપણે દેખાય છે, જાણે કે કાષ્ટની પૂતળી જ છે, સૂકી નદી સમાન ભાસે છે.
જેના ગાલ બેસી ગયા છે, ચાર હાથ જમીન જોઈને ચાલે છે, દયાથી ભરેલી સૌમ્ય દ્રષ્ટિ
છે, તપનાં કારણ એવા દેહના સમાધાન માટે વિધિપૂર્વક ભિક્ષાવૃત્તિથી આહાર કરે છે. તેણે
એવું તપ કર્યું કે શરીર જુદું જ થઈ ગયું. પોતાના કે પારકા કોઈ ઓળખી શકે તેમ નથી.
સીતાને આવું તપ કરતી જોઈને બધી આર્યિકાઓ એની જ વાત કરે છે, એની રીત જોઈ
બીજી પણ તેને આદર આપે છે, બધામાં તે મુખ્ય બની ગઈ. આ પ્રમાણે બાંસઠ વર્ષ
સુધી ઉગ્ર તપ કર્યું. આયુષ્યના તેત્રીસ દિવસ, બાકી રહ્યા ત્યારે અનશનવ્રત ધારણ કરી
પરમ આરાધના આરાધી જેમાં પુષ્પાદિક ઉચ્છિષ્ટ સાથરાનો ત્યાગ કરવામાં આવે છે તે
પ્રમાણે શરીરને તજી અચ્યૂત સ્વર્ગમાં પ્રતીન્દ્ર થઈ.
(શંબુ અને પ્રદ્યુમ્નકુમારના પૂર્વભવ)
ગૌતમ સ્વામી કહે છે, હે શ્રેણિક! જિનધર્મનું માહાત્મ્ય જુઓ, જે સ્ત્રીપર્યાયમાં
જન્મી હતી તે તપના પ્રભાવથી દેવોનો ઇન્દ્ર થઈ. સીતા અચ્યૂત સ્વર્ગમાં પ્રતીન્દ્ર થઈ.
ત્યાં મણિની કાંતિથી ઉદ્યોતમાન વિમાનમાં ઉપજી, મણિકાંચનાદિ અમૂલ્ય દ્રવ્યોથી મંડિત
વિચિત્રતાવાળા સુમેરુના શિખર સમાન ઊંચા વિમાનમાં પરમ ઐશ્વર્યથી સંપન્ન પ્રતીન્દ્ર
થઈ. હજારો દેવાંગનાના નેત્રોનો આશ્રય, તારાઓથી મંડિત ચંદ્રમા શોભે તેમ શોભતો
હતો. તે ભગવાનની પૂજા કરતો, મધ્યલોકમાં આવી તીર્થયાત્રા અને સાધુઓની સેવા
કરતો, તીર્થંકરોના સમવસરણમાં ગણધરોના મુખે ધર્મશ્રવણ કરતો. આ કથા સાંભળી
રાજા શ્રેણિકે ગૌતમ સ્વામીને પૂછયું કે પ્રભો! સીતાનો

Page 611 of 660
PDF/HTML Page 632 of 681
single page version

background image
પદ્મપુરાણ એકસો નવમું પર્વ ૬૧૧
જીવ સોળમાં સ્વર્ગમાં પ્રતીન્દ્ર થયો તે વખતે ત્યાં ઇન્દ્ર કોણ હતો? ગૌતમ સ્વામીએ કહ્યું
કે તે વખતે ત્યાં રાજા મધુનો જીવ ઇન્દ્ર હતો તેની પાસે આ આવ્યો. તે મધુનો જીવ
ભગવાન નેમિનાથ સ્વામીના સમયમાં અચ્યૂતેન્દ્રપદથી ચ્યવીને વાસુદેવની રૂકમણી
રાણીનો પુત્ર પ્રદ્યુમ્ન થયો અને તેનો ભાઈ કૈટભ જાંબુવતીનો શંબુ નામનો પુત્ર થયો.
શ્રેણિકે ફરીથી ગૌતમ સ્વામીને વિનંતી કરી-હે પ્રભો! હું તમારા વચનામૃત પીતાં ધરાતો
નથી. જેમ લોભી માણસ ધનથી તૃપ્ત થતો નથી. તેથી મને મધુનું અને તેના ભાઈ
કૈટભનું ચરિત્ર કહો. ગણધરે કહ્યું, સર્વ ધનધાન્યથી પૂર્ણ એક મગધ નામનો દેશ છે, ત્યાં
ચારે વર્ણ આનંદપૂર્વક રહે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષના સાધક અનેક જીવો ત્યાં છે,
ભગવાનનાં સુંદર ચૈત્યાલયો, અનેક નગર-ગ્રામથી તે દેશ શોભે છે. ત્યાં નદીઓના તટ
પર, ગિરિઓનાં શિખર પર અને વનમાં ઠેકઠેકાણે સાધુઓના સંઘ બિરાજે છે. રાજા
નિત્યોદિત રાજ્ય કરે છે. તે દેશમાં એક શાલિ નામનું ગ્રામ છે તે નગર જેવું શોભતું. ત્યાં
સોમદેવ નામનો બ્રાહ્મણ તેની પત્ની અગ્નિલા અને પુત્રો અગ્નિભૂતિ, વાયુભૂતિ સાથે
રહે. આ બન્ને ભાઈ લૌકિક શાસ્ત્રમાં પ્રવીણ અને પઠનપાઠન, દાન, પ્રતિગ્રહમાં નિપુણ
હતા. પણ કુળના તથા વિદ્યાના ગર્વથી મનમાં એમ માનતા કે અમારાથી ચડિયાતું કોઈ
નથી. તે જિનધર્મથી વિપરીત, રોગ સમાન ઇન્દ્રિયોના ભોગને ભલા જાણતા. એક દિવસ
સ્વામી નંદીવર્ધન અનેક મુનિઓ સહિત વનમાં આવીને બિરાજ્યા. તે મોટા આચાર્ય હતા
અને અવધિજ્ઞાનથી સમસ્ત મૂર્તિક પદાર્થોને જાણતા. મુનિઓનું આગમન સાંભળી ગામના
બધા માણસો દર્શન કરવા જતા હતા. અગ્નિભૂતિ-વાયુભૂતિએ કોઈને પૂછયું કે આ લોકો
ક્યાં જાય છે? ત્યારે તેમણે કહ્યું કે નંદીવર્ધન મુનિ આવ્યા છે તેમનાં દર્શન કરવા જાય
છે. આ સાંભળી બન્ને ભાઈ ગુસ્સે થયા. તેમણે કહ્યું કે અમે વાદ કરીને સાધુઓને
જીતીશું. એમનાં માતાપિતાએ એમને વાર્યા કે તમે સાધુઓ સાથે વાદ ન કરો તો પણ
એમણે માન્યું નહિ અને વાદ કરવા ગયા. તેમને આચાર્યની પાસે જતાં જોઈ એક
સાત્ત્વિક નામના અવધિજ્ઞાની મુનિએ એમને પૂછયું તમે ક્યાં જાવ છો? તેમણે કહ્યું,
તમારામાં ઉત્તમ જે તમારા ગુરુ છે તેમને વાદમાં જીતવા જઈએ છીએ. સાત્ત્વિક મુનિએ
કહ્યું કે અમારી સાથે ચર્ચા કરો. ત્યારે એ ક્રોધથી મુનિની સમીપે બેઠા અને કહ્યું કે તું
ક્યાંથી આવ્યો છે? ઉત્તરમાં તેણે પણ ગુસ્સાથી કહ્યું, એ તેં શું પુછયું? અમે ગામમાંથી
આવ્યા છીએ, તમે કોઈ શાસ્ત્રની ચર્ચા કરો. ત્યારે મુનિએ કહ્યું, એ અમે જાણીએ છીએ.
તમે શાલિગ્રામથી આવ્યા છો. તમારા પિતાનું નામ સોમદેવ, માતાનું નામ અગ્નિલા અને
તમારાં નામ અગ્નિભૂતિ, વાયુભૂતિ છે. તમે વિપ્રકુળના છો એ તો પ્રગટ છે, પરંતુ અમે
તમને એ પૂછીએ છીએ કે અનાદિકાળના ભવવનમાં ભટકો છો તો આ જન્મમાં કયા
જન્મમાંથી આવ્યા છો? ત્યારે એમણે કહ્યું તમે અમને જન્માંતરની વાત પૂછી તે બીજું
કોઈ જાણે છે? મુનિએ કહ્યું કે હું જાણું છું. તમે સાંભળો. પૂર્વભવમાં તમે બન્ને ભાઈ આ
ગામના વનમાં પરસ્પર સ્નેહ રાખનાર વિરૂપ મુખવાળા શિયાળ હતા અને આ જ
ગામમાં એક ઘણા દિવસોનો

Page 612 of 660
PDF/HTML Page 633 of 681
single page version

background image
૬૧૨ એકસો નવમું પર્વ પદ્મપુરાણ
ભૂખ્યો, પામર નામનો બ્રાહ્મણ હતો. તે ખેતરમાંથી સૂર્યાસ્ત સમયે ક્ષુધાથી પીડાઈને
આવ્યો. તે વખતે અંજનગિરિ સમાન કાળાં ડિબાંગ વાદળાં ચડયાં અને સાત દિવસ અને
રાત હેલી થઈ. તેથી પામર ઘરમાંથી બહાર નીકળી ન શક્યો. પેલા બન્ને શિયાળ ભૂખથી
પીડાઈને અંધારી રાતે આહાર શોધવા નીકળ્‌યા. તે પામરના ખેતરમાં ભીંજાયેલી ભાજી
કાદવથી ખરડાયેલી પડી હતી તે તેમણે ખાદ્યી, તેનાથી તેમને પેટમાં ભયંકર પીડા થઈ, તે
મરણ પામ્યા અને તમે સોમદેવના પુત્ર થયા. પેલો પામર સાત દિવસ પછી ખેતરમાં
આવ્યો. તે બન્ને શિયાળને મરેલા જોઈને અને ઘાસના ભારાનું દોરડું કપાયેલું જોઈને
શિયાળનું ચામડું લઈ જઈ તેની દોરી કરી તે હજી પામરના ઘરમાં ટીંગાય છે. પામર
મરીને પુત્રના ઘેર પુત્ર થયો. તેને જાતિસ્મરણ થયું હોવાથી તેણે મૌન લીધું કે હું શું કહું?
પિતા તો મારો પૂર્વભવનો પુત્ર અને માતા પૂર્વભવની પુત્રવધૂ છે, તેથી ન બોલવું જ
સારું છે. આ પામરનો જીવ મૌન બનીને અહીં જ બેઠો છે. આમ કહી મુનિએ પામરના
જીવને કહ્યું-અરે, તું પુત્રનો પુત્ર થયો એમાં આશ્ચર્ય નથી, સંસારનું એવું જ ચરિત્ર છે.
જેમ નૃત્યના અખાડામાં બહુરૂપી અનેક રૂપ બનાવીને નાચે તેમ આ જીવ નાના પર્યાયરૂપ
વેશ બનાવીને નાચે છે, રાજામાંથી રંક થઈ જાય, રંકમાંથી રાજા થાય, સ્વામીમાંથી સેવક
અને સેવકમાંથી સ્વામી, પિતાથી પુત્ર અને પુત્રમાંથી પિતા, માતા હોય તે પત્ની અને
પત્નીની માતા થઈ જાય છે. આ સંસાર રેંટના ઘડા જેવો છે, ઉપરનો ઘડો નીચે આવે
અને નીચેનો ઘડો ઉપર જાય. સંસારનું આવું સ્વરૂપ જાણી હે વત્સ! હવે તું મૌન છોડી
વાર્તાલાપ કર. આ જન્મના જે પિતા છે તેને પિતા કહે, માતાને માતા કહે, પૂર્વભવનો
વ્યવહાર ક્યાં રહ્યો છે? આ વચન સાંભળી તે વિપ્ર આનંદથી રોમાંચિત થઈ, ખીલેલી
આંખોથી જોતો મુનિને ત્રણ પ્રદક્ષિણા કરી નમસ્કાર કરી જેમ વૃક્ષનું મૂળિયું ઊખડી જાય
ને જમીન પર પડે તેમ તેમના પગમાં પડયો અને મુનિને કહ્યું-હે પ્રભો! તમે સર્વજ્ઞ છો,
સકળ લોકની વ્યવસ્થા જાણો છો, આ ભયાનક સંસારસાગરમાં હું ડૂબતો હતો.. તમે દયા
કરીને મને બહાર કાઢયો, આત્મબોધ આપ્યો, મારા મનની બધી વાત જાણી લીધી, હવે
મને દીક્ષા આપો. આમ કહીને સમસ્ત કુટુંબનો ત્યાગ કરી મુનિ થયો.
આ પામરનું ચરિત્ર સાંભળી અનેક મુનિ થયા, અનેક શ્રાવક થયા અને આ
બન્ને ભાઈઓની પૂર્વભવની ખાલ લોકો લઈ આવ્યા તે તેમણે જોઈ, લોકોએ મશ્કરી કરી
કે આ માંસભક્ષક શિયાળ હતા અને આ બન્ને બ્રાહ્મણ ભાઈઓ મૂર્ખા છે કે મુનિઓ
સાથે વાદ કરવા આવ્યા. આ મુનિ તપોધન શુદ્ધભાવવાળા બધાના ગુરુ, અહિંસાના
મહાવ્રતધારી, એમના જેવા બીજા નથી. આ મહામુનિ દીક્ષાના ધારક ક્ષમારૂપ
યજ્ઞોપવિતના ધારી, ધ્યાનરૂપ અગ્નિહોત્રના કર્તા, અતિ શાંત મુક્તિના સાધનમાં તત્પર
છે. અને જે સર્વ આરંભમાં પ્રવર્તે છે, બ્રહ્મચર્ય રહિત છે તે મુખથી કહે છે કે અમે દ્વિજ
છીએ, પરંતુ ક્રિયા કરતા નથી. જેમ કોઈ મનુષ્ય આ લોકમાં સિંહ કહેવરાવે, દેવ
કહેવરાવે, પરંતુ તે સિંહ નથી, તેમ આ નામમાત્ર બ્રાહ્મણ કહેવાય, પરંતુ

Page 613 of 660
PDF/HTML Page 634 of 681
single page version

background image
પદ્મપુરાણ એકસો નવમું પર્વ ૬૧૩
એમનામાં બ્રહ્મત્વ નથી. મુનિરાજને ધન્ય છે જે પરમ સંયમી, ક્ષમાવાન, તપસ્વી
જિતેન્દ્રિય, નિશ્ચયથી આ જ બ્રાહ્મ્ણ છે. આ સાધુ અતિભદ્ર પરિણામવાળા, ભગવાનના
ભક્ત, તપસ્વી, યતિ, ધીરવીર, મૂળગુણ ઉત્તરગુણના ધારક એમના જેવા બીજા કોઈ
નથી. એમનામાં અલૌકિક ગુણ છે. એમને જ પરિવ્રાજક કહીએ, કારણ કે જે સંસારને
છોડીને મુક્તિ પામે છે. આ નિર્ગ્રંથ અજ્ઞાનતિમિરના હર્તા, તપથી કર્મોની નિર્જરા કરે છે,
જેમણે રાગાદિનો ક્ષય કર્યો છે. પાપના નાશક છે તેથી તેમને ક્ષપણક પણ કહીએ છીએ.
આ સંયમી કષાયરહિત શરીરથી નિર્મોહ દિગંબર યોગીશ્વર, ધ્યાની, જ્ઞાની પંડિત નિસ્પૃહ
છે તે જ સદા વંદવા યોગ્ય છે. એ નિર્વાણને સાધે છે તેથી એમને સાધુ કહીએ અને
પંચાચારનું પોતે આચરણ કરે છે અને બીજા પાસે આચરણ કરાવે છે તેથી આચાર્ય
કહીએ અને આગાર એટલે કે ઘરના ત્યાગી છે તેથી તેમને
અણગાર કહીએ છીએ. શુદ્ધ
ભિક્ષાના ગ્રાહક છે તેથી ભિક્ષુક કહીએ, અતિ કાયકલેશથી અશુભકર્મના ત્યાગી, ઉજ્જવળ
ક્રિયાના કર્તા, તપ કરવામાં ખેદ માનતા નથી તેથી શ્રમણ કહીએ, આત્મસ્વરૂપને પ્રત્યક્ષ
અનુભવે છે તેથી મુનિ કહીએ, રાગાદિ રોગોને દૂર કરવાનો પ્રયત્ન કરે છે તેથી તેમને
યતિ કહીએ. આ પ્રમાણે લોકોએ સાધુની સ્તુતિ કરી અને આ બન્ને ભાઈઓની નિંદા
કરી. તેથી તે પ્રભાહીન, માનરહિત, ઉદાસ થઈ ઘેર ગયા અને રાત્રે તે પાપી મુનિને
મારવા માટે આવ્યા. તે સાત્ત્વિક મુનિ સંઘ તજીને એકલા સ્મશાનભૂમિમાં એકાંતમાં
વિરાજતા હતા. ત્યાં રીંછ, વ્યાધ્રાદિક દુષ્ટ જીવોનો અવાજ સંભળાતો હતો. રાક્ષસ, ભૂત,
પિશાચોથી તે સ્થાન ભરેલું છે, સર્પોનો ત્યાં નિવાસ છે, ભયંકર અંધકાર ફેલાયો છે. ત્યાં
જંતુરહિત શુદ્ધ શિલા પર કાયોત્સર્ગ ધરી ઊભા હતા. બન્ને પાપીઓએ તેમને જોયા.
બન્ને ભાઈ ખડ્ગ કાઢી ક્રોધાયમાન થઈ બોલ્યા કે ત્યારે તો તને લોકોએ બચાવ્યો, હવે
કોણ બચાવશે? અમે પંડિત પૃથ્વી પર પ્રત્યક્ષ દેવ તેને તું નિર્લજ્જ શિયાળ કહે. આમ
બોલી બન્ને અત્યંત પ્રચંડ હોઠ કરડતા, લાલ આંખ કરી મુનિને મારવા તૈયાર થયા.
ત્યારે વનના રક્ષક યક્ષે તેમને જોયા, મનમાં વિચારવા લાગ્યો કે જુઓ, આવા નિર્દોષ,
ધ્યાની, કાયા પ્રત્યે નિર્મમ સાધુને મારવા આ તૈયાર થયા છે. તેથી યક્ષે એ બન્ને ભાઈને,
ચોંટાડી દીધા, તે હલીચલી શકતા નહિ, બન્ને પાછળ ઊભા. સવાર થયું, બધા લોકોએ
આવીને જોયું કે તે બન્ને મુનિની પાછળ જમીન સાથે ચોંટીને ઊભા છે અને એમના
હાથમાં ખુલ્લી તલવાર છે. આથી બધા એમને ધિક્કારવા લાગ્યા કે આ દુરાચારી પાપી,
અન્યાયી આવું કાર્ય કરવા તૈયાર થયા. આના જેવા બીજા પાપી નથી. એ બન્ને ચિત્તમાં
વિચારવા લાગ્યા કે આ ધર્મનો પ્રભાવ છે, અમે પાપી હતા તેથી બળજોરીથી ચોંટી ગયા,
સ્થાવર જેવા અમને કરી નાખ્યા. હવે આ અવસ્થામાંથી જીવતા બચીએ તો શ્રાવકનાં વ્રત
આદરીએ. તે જ વખતે તેમનાં માતાપિતા આવ્યા, વારંવાર મુનિને પ્રણામ કરી વિનંતી
કરી-હે દેવ! આ અમારા કપૂતો છે, એમણે ઘણું ખરાબ કર્યું છે, આપ દયાળું છો, એમને
જીવનદાન આપો. ત્યારે સાધુએ કહ્યું-અમારે કોઈના ઉપર કોપ નથી, અમારા તો બધા
મિત્ર બાંધવ છે.

Page 614 of 660
PDF/HTML Page 635 of 681
single page version

background image
૬૧૪ એકસો નવમું પર્વ પદ્મપુરાણ
ત્યાં યક્ષ લાલ નેત્રથી જોરથી ગર્જના કરી બોલ્યો અને બધાની પાસે બધી હકીકત કહી કે
જે પ્રાણી સાધુઓની નિંદા કરે તે અનર્થ પામે; જેમ નિર્મળ કાચમાં વાંકુ મુખ કરીને જુએ
તો વાંકુ જ દેખાય, તેમ જે સાધુઓને જેવા ભાવથી દેખે તેવું જ ફળ મેળવે. યક્ષ કહે છે
હે વિપ્ર! જે મુનિઓની મશ્કરી કરે તે ઘણા દિવસ રુદન કરે અને કઠોર વચન કહે તો
કલેશ ભોગવે. મુનિનો વધ કરે તો અનેક કુમરણ પામે, દ્વેષ કરે તો પાપ ઉપાર્જે, ભવભવ
દુઃખ ભોગવે અને જેવું કરે તેવું ફળ પામે. તારા પુત્રોના દોષથી મેં તેમને સ્તંભિત કર્યા
છે, વિદ્યાના અભિમાનથી ગર્વિષ્ઠ, માયાચારી, દુરાચારી, સંયમીઓના ઘાતક છે. આવાં
વચન કહ્યાં ત્યારે સોમદેવ વિપ્રે હાથ જોડી સાધુની સ્તુતિ કરી અને રુદન કરવા લાગ્યો,
પોતાની નિંદા કરતો, છાતી કૂટતો, હાથ ઊંચા કરી સ્ત્રીસહિત વિલાપ કરવા લાગ્યો. પછી
પરમદયાળુ મુનિએ યક્ષને કહ્યું, હે કમળનેત્ર! આ બાળકબુદ્ધિ છે, એમનો અપરાધ તમે
માફ કરો, તમે જિનશાસનના સેવક છો, સદા જિનશાસન પ્રભાવના કરો છો, તેથી મારા
કહેવાથી એમને ક્ષમા કરો. ત્યારે યક્ષે કહ્યું કે આપે કહ્યું તે પ્રમાણ છે એમ કહી તે બન્ને
ભાઈઓને છોડી મૂક્યા. ત્યારે એ બન્ને ભાઈઓએ મુનિને પ્રદક્ષિણા દઈને નમસ્કાર કરી
સાધુના વ્રત લેવાને અસમર્થ હોવાથી સમ્યક્ત્વ સહિત શ્રાવકનાં વ્રત લીધાં. તે જિનધર્મના
શ્રદ્ધાની થયા. અને તેમનાં માતાપિતાએ વ્રત લઈ છોડી દીધાં તેથી તે અવ્રતના યોગથી
પહેલી નરકમાં ગયા અને આ બન્ને વિપ્ર પુત્રે નિઃશંકપણે જિનશાસનરૂપ અમૃતનું પાન
કરી હિંસાનો માર્ગ વિષવત્ તજ્યો, સમાધિમરણથી પહેલાં સ્વર્ગમાં ઉત્કૃષ્ટ દેવ થયા.
ત્યાંથી અયોધ્યામાં ચ્યવીને સમુદ્ર શેઠની સ્ત્રી ધારિણીની કૂખે જન્મ્યા. નેત્રોને આનંદ
આપનાર એકનું નામ પૂર્ણભદ્ર અને બીજાનું નામ કાંચનભદ્ર હતું. તે શ્રાવકનાં વ્રત ધારી
પહેલા સ્વર્ગમાં ગયા અને બ્રાહ્મણના ભવના એનાં માતાપિતા પાપના યોગથી નરકમાં
ગયા હતા તે નરકમાંથી નીકળી ચાંડાળ અને કૂતરી થયાં. તે પૂર્ણભદ્ર અને કાંચનભદ્રના
ઉપદેશથી જિનધર્મનું આરાધન કરવા લાગ્યા. તે સમાધિમરણ કરીને સોમદેવ દ્વિજનો જીવ
ચાંડાળમાંથી નંદીશ્વરદ્વીપનો અધિપતિ દેવ થયો અને અગ્નિલા બ્રાહ્મણીનો જીવ કૂતરીમાંથી
અયોધ્યાના રાજાની પુત્રી થઈ. તે દેવના ઉપદેશથી વિવાહનો ત્યાગ કરી આર્યિકા થઈ
ઉત્તમ ગતિ પામી; તે બન્ને પરંપરાએ મોક્ષ પામશે. પૂર્ણભદ્ર અને કાંચનભદ્ર જીવ પ્રથમ
સ્વર્ગમાંથી ચ્યવીને અયોધ્યાના રાજા હેમ અને રાણી અમરાવતીના મધુ અને કૈટભ
નામના જગતવિખ્યાત પુત્ર થયા, જેમને કોઈ જીતી શકે નહિ. અતિપ્રબળ અને રૂપવાન
તેમણે આ સમસ્ત પૃથ્વી વશ કરી, બધા રાજા તેમને આધીન થયા. ભીમ નામનો રાજા
ગઢના બળથી તેમની આજ્ઞા માનતો નહિ, જેમ ચમરેન્દ્ર અસુરકુમારોના ઇન્દ્ર નંદનવન
પામીને પ્રફુલ્લિત થાય છે તેમ તે પોતાના સ્થાનના બળથી પ્રફુલ્લિત રહેતા. એક વીરસેન
નામના વટપુરના રાજાએ મધુ-કૈટભને વિનંતીપત્ર લખ્યો કે પ્રભો! ભીમસેનરૂપ અગ્નિએ
મારા દેશરૂપ વનને ભસ્મ કર્યું છે. તેથી મધુ ક્રોધથી મોટી સેના લઈ ભીમ ઉપર ચડયો.
તેણે માર્ગમાં વટપુર જઈને મુકામ કર્યો. વીરસેને સામે

Page 615 of 660
PDF/HTML Page 636 of 681
single page version

background image
પદ્મપુરાણ એકસો નવમું પર્વ ૬૧પ
જઈ અત્યંત ભક્તિથી મહેમાનગતિ કરી. તેની સ્ત્રી ચંદ્રાભા ચંદ્ર સમાન મુખવાળી હતી.
મૂર્ખ વીરસેને તેના હાથે મધુની આરતી ઉતરાવી અને તેના હાથે જ જમાડયો. ચંદ્રાભાએ
પતિને ઘણું કહ્યું કે પોતાના ઘરમાં સુંદર વસ્તુ હોય તે રાજાને બતાવવી નહિ પણ પતિએ
માન્યું નહિ. રાજા મધુ ચંદ્રાભાને જોઈ મોહિત થયો અને મનમાં વિચાર્યું કે આની સાથે
વિંધ્યાચળના વનમાં રહેવું સારું અને આના વિના આખી પૃથ્વીનું રાજ્ય પણ સારું નથી.
તેથી રાજા અન્યાયી થયો. મંત્રીએ તેને સમજાવ્યો કે અત્યારે આ વાત કરશો તો કાર્ય
સિદ્ધ નહિ થાય અને રાજ્યભ્રષ્ટ થશો. તેથી મંત્રીઓના કહેવાથી રાજા વીરસેનને સાથે
લઈ ભીમ ઉપર ચડયો. યુદ્ધમાં તેને જીતીને વશ કર્યો અને બીજા બધા રાજાને પણ વશ
કર્યા, પછી અયોધ્યા જઈ ચંદ્રાભાને મેળવવાનો ઉપાય વિચારવા લાગ્યો. સર્વ રાજાને
વસંતની ક્રીડા અર્થે પોતાની પત્નીઓ સાથે બોલાવ્યા અને વીરસેનને ચંદ્રાભા સહિત
બોલાવ્યો ત્યારે પણ ચંદ્રાભાએ કહ્યું કે મને ન લઈ જાવ, તેણે માન્યું નહિ. રાજાએ એક
મહિનો વનમાં ક્રીડા કરી અને જે રાજાઓ આવ્યા હતા તેમને દાન-સન્માનથી તેમની
સ્ત્રી સહિત વિદાય કર્યા. વીરસેનને થોડા વધારે દિવસ રાખ્યો અને વીરસેનને પણ ખૂબ
દાન-સન્માન આપી વિદાય કર્યો. ચંદ્રાભા વિશે કહ્યું કે એના નિમિત્તે અદ્ભુત આભૂષણો
બનાવ્યાં છે તે હજી પૂરાં થયાં નથી તેથી એને તારી પાછળ વિદાય કરીશું. તે ભોળો કાંઈ
સમજ્યો નહિ અને ઘેર આવ્યો. તેના ગયા પછી મધુએ ચંદ્રાભાને મહેલમાં બોલાવી,
અભિષેક કરી પટરાણીપદ આપ્યું અને સર્વ રાણીઓમાં મુખ્ય બનાવી. ભોગથી જેનું મન
અંધ થયું છે એવો તે એને રાખી પોતાને ઇન્દ્ર સમાન માનવા લાગ્યો. વીરસેને સાંભળ્‌યું
કે મધુએ ચંદ્રાભાને રાખી છે તેથી પાગલ થઈ જઈ કેટલાક દિવસો પછી મંડપ નામના
તાપસનો શિષ્ય થઈ પંચાગ્નિ તપ કરવા લાગ્યો. એ દિવસ રાજા મધુ ન્યાયના આસને
બેઠો હતો ત્યાં એક પરદારારતનો ન્યાય કરવાનો આવ્યો. રાજા ન્યાય કરવામાં ઘણો
વખત સુખી બેસી રહ્યો. પછી મહેલમાં ગયો ત્યારે ચંદ્રાભાએ હસીને કહ્યું-મહારાજ, આજે
બહુ વખત કેમ થયો? હું તો ભૂખથી ખેદખિન્ન થઈ ગઈ આપ ભોજન કરો પછી ભોજન
કરુંને! ત્યારે રાજા મધુએ કહ્યું કે આજે એક પરસ્ત્રીમાં આસક્ત પુરુષનો ન્યાય કરવાનો
આવી ગયો તેથી વાર લાગી. ત્યારે ચંદ્રાભાએ હસીને કહ્યું કે જે પરસ્ત્રીરત હોય તેને
ખૂબ માન આપવું. રાજાએ ક્રોધથી કહ્યું કે તું આ શું બોલે છે? જે દુષ્ટ વ્યભિચારી હોય
તેને તો દંડ આપવાનો. જે પરસ્ત્રીનો સ્પર્શ કરે, તેની સાથે વાત કરે, તે પાપી છે, તો
પરસ્ત્રીનું સેવન કરે તેની તો શી વાત કરવી? આવાં કાર્ય કરે તેને તો આકરો દંડ આપી
નગરમાંથી કાઢી મૂકવાના હોય. જે અન્યાયમાર્ગી છે તે મહાપાપી નરકમાં પડે છે અને
રાજાઓ દ્વારા દંડને પાત્ર છે. તેમનું માન કરવાનું હોય? ત્યારે રાણી ચંદ્રાભાએ રાજાને
કહ્યું-હે નૃપ! પરદારાસેવન મોટો દોષ હોય તો તમે તમને દંડ કેમ ન આપો. તમે જ
પરદારારત છો તો બીજાનો શો દોષ? જેવો રાજા તેવી પ્રજા. જ્યાં રાજા હિંસક હોય અને
વ્યભિચારી હોય ત્યાં ન્યાય કેવો? માટે ચૂપ રહો. જે જળથી બીજ ઉગે અને જગતના
જીવોને જળ જ જો બાળી

Page 616 of 660
PDF/HTML Page 637 of 681
single page version

background image
૬૧૬ એકસો દસમું પર્વ પદ્મપુરાણ
નાખે તો બીજું શીતળ કરનાર કોણ હોય? આવા ચંદ્રાભાના ઠપકાનાં વચન સાંભળી
રાજાએ કહ્યું-હે દેવી! તું કહે છે તે જ સત્ય છે. તેણે તેની ખૂબ પ્રશંસા કરી અને કહ્યું કે
હું પાપી, લક્ષ્મીરૂપી પાશથી બંધાયેલો, વિષયરૂપ કીચડમાં ફસાયેલો હવે આ દોષથી કેવી
રીતે છૂટું? રાજા એમ વિચારે છે તે વખતે અયોધ્યાના સહ્સ્ત્રામ્રવનમાં મહાસંઘ સહિત
સિંહપાદ નામના મુનિ આવ્યા. એ સાંભળીને રાજા રણવાસ સહિત અને પ્રજાજનો સહિત
મુનિનાં દર્શન માટે ગયો, વિધિપૂર્વક ત્રણ-પ્રદક્ષિણા કરી, પ્રણામ કરી જમીન પર બેઠો,
જિનેન્દ્રનો ધર્મ સાંભળી, ભોગોથી વિરક્ત થઈ મુનિ થયો. મહાન રાજાની પુત્રી રાણી
ચંદ્રાભા જે અતુલ્ય રૂપવતી હતી તે રાજવિભૂતિ તજી આર્યિકા થઈ. તેને દુર્ગતિની
વેદનાનો અધિક ભય છે. મધુનો ભાઈ કૈટભ રાજ્યને વિનશ્વર જાણી મહાવ્રતધારી મુનિ
થયો. બન્ને ભાઈ મહા તપસ્વી પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. સકળ સ્વજનને પરમ
આનંદ આપનાર મધુનો પુત્ર કુળવર્ધન અયોધ્યાનું રાજ્ય કરવા લાગ્યો. મધુ સેંકડો વરસ
વ્રત પાળી દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ એ ચાર આરાધના આરાધી સમાધિમરણકરી
સોળમા અચ્યૂત સ્વર્ગમાં અચ્યૂતેન્દ્ર થયો અને કૈટભ પંદરમા આરણ નામના સ્વર્ગમાં
આરણેન્દ્ર થયો. ગૌતમ સ્વામી કહે છે હે શ્રેણિક! આ જિનશાસનનો પ્રભાવ જાણો કે
આવા અનાચારી પણ અનાચારનો ત્યાગ કરી અચ્યૂતેન્દ્રપદ પામે તો ઇન્દ્રપદનું શું
આશ્ચર્ય? જિનધર્મના પ્રસાદથી મોક્ષ પણ પામે. મધુનો જીવ અચ્યૂતેન્દ્ર હતો, તેની સમીપે
સીતાનો જીવ પ્રતીન્દ્ર થયો. મધુનો જીવ સ્વર્ગમાંથી ચ્યવી શ્રી કૃષ્ણની રુકમણી રાણીનો
પ્રદ્યુમ્ન નામનો કામદેવ પુત્ર થયો અને મોક્ષ પામ્યો. કૈટભનો જીવ કૃષ્ણની જામવંતી
રાણીનો શંબુકુમાર નામનો પુત્ર થઈ પરમધામ પામ્યો. આ તને મધુનું ચરિત્ર કહ્યું. હવે હે
શ્રેણિક! બુદ્ધિમાનોના મનને પ્રિય એવા લક્ષ્મણના મહાધીર વીર આઠ પુત્રોનું પાપનો
નાશ કરવાનું
ચરિત્ર ધ્યાનથી સાંભળ.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રાજા મધુના વૈરાગ્યનું વર્ણન
કરનાર એકસો નવમું પર્વ પૂર્ણ થયું.
* * *
એકસો દસમું પર્વ
(લક્ષ્મણના આઠ કુમારોનું વિરક્ત થઈ દીક્ષાગ્રહણ અને નિર્વાણપ્રાપ્તિ)
પછી કાંચનસ્થાન નગરના રાજા કાંચનરથ અને રાણી શતહૃદો તેમની પુત્રીઓ
અતિરૂપવતી અને રૂપના ગર્વથી ગર્વિષ્ઠ હતી તેના સ્વયંવરને અર્થે અનેક રાજાઓને
ભૂચર-ખેચરોને, તેમના પુત્રોને કન્યાના પિતાએ પત્ર લખી અને દૂત મોકલી શીઘ્ર
બોલાવ્યા. સૌથી પ્રથમ દૂતને અયોધ્યા મોકલ્યો અને પત્રમાં લખ્યું કે મારી પુત્રીઓનો
સ્વયંવર છે તો આપ કૃપા કરી કુમારોને શીઘ્ર મોકલો. તેથી રામ-લક્ષ્મણે પ્રસન્ન થઇ
પરમઋદ્ધિયુક્ત બધા પુત્રોને

Page 617 of 660
PDF/HTML Page 638 of 681
single page version

background image
પદ્મપુરાણ એકસો દસમું પર્વ ૬૧૭
મોકલ્યા. બન્ને ભાઈઓના સકળ કુમારો લવ-અંકુશને આગળ કરી પરસ્પર પ્રેમભર્યા
કાંચનસ્થાનપુર ચાલ્યા. સેંકડો વિમાનમાં બેઠા, અનેક વિદ્યાધરો સાથે આકાશમાર્ગે
નીકળ્‌યા. તે મોટી સેના સહિત આકાશમાંથી પૃથ્વીને જોતાં ચાલ્યા. કાંચનસ્થાનપુર
પહોંચ્યા. ત્યાં બન્ને શ્રેણીઓના વિદ્યાધરો આવ્યા હતા તે યોગ્ય સ્થાને બેઠા, જેમ ઇન્દ્રની
સભામાં જાતજાતનાં આભૂષણ પહેરી દેવો બેસે અને નંદનવનમાં દેવ નાના પ્રકારની ચેષ્ટા
કરે તેવી ચેષ્ટા કરવા લાગ્યા. બન્ને કન્યા મંદાકિની અને ચંદ્રવકત્રા મંગળસ્નાન કરી સર્વ
આભૂષણ પહેરી પોતાના નિવાસેથી રથમાં બેસીને નીકળી, જાણે કે લક્ષ્મી અને લજ્જા જ
છે. અનેક વ્યવહાર જાણનાર તેમનો કંચુકી સાથે હતો. તે રાજકુમારોના દેશ, કુળ, સંપત્તિ,
ગુણ, નામ, ચેષ્ટા વગેરેનું વર્ણન કરતો હતો. તે કહેતો કે આ રાજકુમારોમાં કોઈ
વાનરધ્વજ, કોઈ સિંહધ્વજ, કોઈ વૃષભધ્વજ, કોઈ ગજધ્વજ ઇત્યાદિ અનેક પ્રકારના
ધ્વજધારી મહાપરાક્રમી છે. આમાંથી જેની તને ઇચ્છા હોય તેને તું પસંદ કર. તે બધાને
જોવા લાગી અને આ બધા રાજકુમારો તેમને જોઈ સંદેહની તુલામાં આરૂઢ થયા કે
રૂપગર્વિત છે, કોણ જાણે કોને વરે? આવી રૂપવતીને આપણે જોઈ નથી, જાણે આ બન્ને
સમસ્ત દેવીઓનું રૂપ એકત્ર કરાવી બનાવી છે. આ કામની પતાકા લોકોને ઉન્માદનું
કારણ છે. આમ બધા રાજકુમારો પોતપોતાના મનમાં અભિલાષા કરવા લાગ્યા. બન્ને
ઉત્તમ કન્યા લવ-અંકુશને જોઈ કામબાણથી વીંધાઈ ગઈ. તેમાં મંદાકિની નામની કન્યાએ
લવના કંઠમાં વરમાળા નાખી અને બીજી કન્યા ચંદ્રવકત્રાએ અંકુશને વરમાળા પહેરાવી.
આથી સમસ્ત રાજકુમારોના મનરૂપ પક્ષી શરીરરૂપી પિંજરામાંથી ઊડી ગયા. જે
ઉત્તમજનો હતા તેમણે પ્રશંસા કરી કે આ બન્ને કન્યાઓએ રામના બન્ને પુત્રોને પસંદ
કર્યા તે સારું કર્યું. આ કન્યા એમને યોગ્ય જ છે. આ પ્રમાણે સજ્જનોના મુખમાંથી વાણી
નીકળી. જે ભલા માણસો હતા તેમનાં ચિત્ત યોગ્ય સંબંધથી આનંદ પામે જ.
હવે લક્ષ્મણની વિશલ્યાદિ આઠ પટરાણીના મહાસુંદર, ઉદારચિત્ત પૃથ્વી પર પ્રસિદ્ધ
ઇન્દ્ર સમાન આઠ પુત્રો પોતાના અઢીસો ભાઈ સહિત અત્યંત પ્રેમથી બેઠા હતા, જેમ
તારાઓમાં ગ્રહ શોભે. તે આઠ કુમારો સિવાયના બીજા બધા જ ભાઈઓ રામના પુત્રો
પર ગુસ્સે ભરાયા. તે બોલતા કે અમે નારાયણના પુત્ર કીર્તિ અને કળાવાન, લક્ષ્મીવાન,
બળવાન, નવયુવાન અમે કયા ગુણથી હીન છીએ કે આ કન્યાઓ અમને ન વરી અને
સીતાના પુત્રોને વરી? ત્યારે આઠેય મોટા ભાઈઓએ તેમનાં ચિત્ત શાંત કર્યાં, જેમ
મંત્રથી સર્પને વશ કરવામાં આવે. તેમના સમજાવવાથી બધા જ ભાઈઓ લવ-અંકુશ
તરફ શાંતચિત્ત થયા અને મનમાં વિચારવા લાગ્યા કે આ કન્યાઓ અમારા પિતાજીના
મોટા ભાઈના પુત્રોને વરી છે તેથી અમારી ભાભી થઈ જે માતા સમાન છે અને
સ્ત્રીપર્યાય નિંદ્ય છે, સ્ત્રીઓની અભિલાષા અવિવેકી કરે, સ્ત્રીઓ સ્વભાવથી જ કુટિલ
હોય છે, એમના માટે વિવેકીજનો વિકારી ન થાય. જેમને આત્મકલ્યાણ કરવું હોય તે
સ્ત્રીઓ તરફથી પોતાનું મન પાછું વાળી લે આમ વિચારીને બધા ભાઈઓનાં

Page 618 of 660
PDF/HTML Page 639 of 681
single page version

background image
૬૧૮ એકસો દસમું પર્વ પદ્મપુરાણ
ચિત્ત શાંત થયા. પહેલાં બધા જ યુદ્ધ કરવા તૈયાર થયા હતા, રણનાં વાજિંત્રોનો
કોલાહલ, શંખ, ભેરી, ઝંઝાર ઇત્યાદિનો અવાજ ફેલાયો હતો અને જેમ ઇન્દ્રની વિભૂતિ
જોઈ નાના દેવ અભિલાષી થાય તેમ આ બધા સ્વયંવરમાં કન્યાના અભિલાષી થયા હતા
તે મોટાભાઈઓના ઉપદેશથી વિવેકી થયા અને તે આઠેય મોટાભાઈઓને વૈરાગ્ય ઉપજ્યો.
તે વિચારે છે કે આ સ્થાવર જંગમરૂપ જગતના જીવો કર્મોની વિચિત્રતાના યોગથી
નાનારૂપ છે, વિનશ્વર છે, જેવું જીવોનું હોનહાર છે તે પ્રમાણે જ થાય છે, જેને જેની પ્રાપ્તિ
થવાની છે તે અવશ્ય થાય જ. બીજો પ્રકાર બને નહિ. લક્ષ્મણની રાણીનો પુત્ર હસીને
બોલ્યો-હે ભાઈઓ! સ્ત્રી ક્યો પદાર્થ છે? સ્ત્રીઓમાં પ્રેમ કરવો અત્યંત મૂઢતા છે,
વિવેકીઓને હાંસી થાય છે કે આ કામી શું જાણીને અનુરાગ કરે છે. આ બન્ને
ભાઈઓએ આ બન્ને રાણી મેળવી તો કઈ મોટી વસ્તુ મેળવી? જે જિનેશ્વરી દીક્ષા લે છે
તે ધન્ય છે. કેળના સ્તંભ સમાન અસાર કામભોગ આત્માનો શત્રુ છે. તેને વશ થઈ
રતિ-અરતિ માનવી એ મહામૂઢતા છે. વિવેકીઓએ શોક પણ ન કરવો અને હાસ્ય પણ
ન કરવું. આ બધા જ સંસારી જીવો કર્મના વશે ભ્રમજાળમાં પડયા છે, પણ એવું કરતા
નથી કે જેનાથી કર્મોનો નાશ થાય. કોઈ વિવેકી એવું કરે તે જ સિદ્ધપદને પામે છે. આ
ગહન સંસારવનમાં આ પ્રાણી નિજપુરનો માર્ગ ભૂલી ગયા છે, માટે એવું કરો કે જેથી
ભવદુઃખ છૂટે. હે ભાઈઓ! આ કર્મભૂમિ આર્યક્ષેત્ર, મનુષ્યદેહ, ઉત્તમ કુળ આપણે પામ્યા
અને આટલા દિવસ આમ જ ખોઈ નાખ્યા. હવે વીતરાગનો ધર્મ આરાધી મનુષ્યદેહને
સફળ કરો. એક દિવસ હું બાલ્યાવસ્થામાં પિતાના ખોળામાં બેઠો હતો ત્યારે તે પુરુષોત્તમ
બધા રાજાઓને ઉપદેશ દેતા હતા. તે વસ્તુનું સ્વરૂપ સુંદર સ્વરથી કહેતા હતા અને મેં તે
રુચિથી સાંભળ્‌યું કે ચારે ગતિમાં મનુષ્યગતિ દુર્લભ છે. જે મનુષ્યભવ પામીને આત્મહિત
ન કરે તે છેતરાઈ ગયા છે એમ જાણો. દાનથી તો મિથ્યાદ્રષ્ટિ ભોગભૂમિમાં જાય અને
સમ્યગ્દ્રષ્ટિ દાનથી, તપથી સ્વર્ગે જાય, પરંપરાએ મોક્ષ પામે અને શુદ્ધોપયોગરૂપ
આત્મજ્ઞાનથી આ જીવ આ જ ભવમાં મોક્ષ પામે અને હિંસાદિક પાપોથી દુર્ગતિ લે. જે
તપ કરતો નથી તે ભવવનમાં ભટકે છે, વારંવાર દુર્ગતિનાં દુઃખો પામે છે. આ પ્રમાણે
વિચારી તે શૂરવીર આઠ કુમારો પ્રતિબોધ પામ્યા. સંસારસાગરનાં દુઃખરૂપ ભવોથી ડર્યા,
શીઘ્ર પિતા પાસે આવ્યા, પ્રણામ કરીને ઊભા રહ્યા અને વિનયથી હાથ જોડીને મધુર
વચન બોલ્યા-હે તાત! અમારી વિનંતી સાંભળો. એ જૈનેશ્વરી દીક્ષા અંગીકાર કરવા
ઈચ્છીએ છીએ. આ આજ્ઞા આપો. આ સંસાર વીજળીના ચમકારા જેવો અસ્થિર છે,
કેળના સ્તંભ સમાન અસાર છે, અમને અવિનાશીપુરના પંથે ચાલતાં વિઘ્ન ન કરશો.
તમે દયાળુ છો, કોઈ મહાભાગ્યના ઉદયથી અમને જિનમાર્ગનું જ્ઞાન થયું છે, હવે એવું
કરીએ કે જેથી ભવસાગરનો પાર પામીએ. આ કામભોગ આશીવિષ સર્પની ફેણ સમાન
ભયંકર છે, પરમદુઃખનું કારણ છે તેને અમે દૂરથી જ છોડવા ચાહીએ છીએ. આ જીવને
કોઈ માતા, પિતા, પુત્ર, બાંધવ નથી. કોઈ એનો સહાયક નથી, એ સદા કર્મને આધીન
થઈ, ભવવનમાં

Page 619 of 660
PDF/HTML Page 640 of 681
single page version

background image
પદ્મપુરાણ એકસો દસમું પર્વ ૬૧૯
ભ્રમણ કરે છે. એને કયા કયા જીવ કયા કયા સંબંધી નથી થયા? હે તાત! અમારા પ્રત્યે
તમારું અને માતાઓનું ખૂબ વાત્સલ્ય છે અને એ જ બંધન છે. અમે તમારી કૃપાથી ઘણા
દિવસો સુધી અનેક પ્રકારનાં સુખ ભોગવ્યાં, અવશ્ય એક દિવસ તો અમારો અને તમારો
વિયોગ થશે જ એમાં સંદેહ નથી. આ જીવે અનેક ભોગ ભોગવ્યા, પરંતુ તૃપ્ત થયો નથી.
આ ભોગ રોગ
સમાન છે, એમાં અજ્ઞાન રાચે છે અને આ દેહ કુમિત્ર સમાન છે. જેમ
કુમિત્રને જાતજાતના ઉપાયોથી પોષીઓ, પરંતુ તે આપણો નથી હોતો તેમ આ દેહ
આપણો નથી. એના અર્થે આત્માનું કાર્ય ન કરવું એ વિવેકીઓને માટે યોગ્ય નથી. આ
શરીર તો આપણને તજશે તો આપણે જ તેના તરફ પ્રીતિ કેમ ન છોડીએ? પુત્રોનાં આ
વચન સાંભળી લક્ષ્મણ પરમ સ્નેહથી વિહ્વળ થઈ ગયા. એમને હૃદય સાથે ચાંપી, મસ્તક
ચૂમીને વારંવાર તેમની તરફ જોવા લાગ્યા અને ગદગદ વાણીથી કહ્યું-હે પુત્રો! આ
કૈલાસના શિખર સમાન હજારો સોનાના સ્તંભોવાળા મહેલમાં નિવાસ કરો, નાના
પ્રકારનાં રત્નોથી બનાવેલ આંગણામાં, મહાસુંદર મંજનશાળામાં સ્નાનાદિકની વિધિ થાય
છે. સર્વ સંપત્તિથી ભરેલી ભૂમિવાળા આ મહેલોમાં દેવો સમાન ક્રીડા કરો, તમારી
દેવાંગના સમાન દિવ્યરૂપધારી સ્ત્રીઓ અને શરદની પૂર્ણિમા જેવી જેમની પ્રજા છે, અનેક
ગુણોથી મંડિત છે, અનેક વાજિંત્રો વગાડવામાં, ગીત ગાવામાં, નૃત્ય કરવામાં નિપુણ છે,
જિનેન્દ્રની કથાની અનુરાગિણી અને પતિવ્રતા છે, તેમની સાથે વન, ઉપવન ગિરિ કે
નદીતટ પર નાનાવિધ ક્રીડા કરતાં દેવોની જેમ રમો. હે વત્સ! આવાં મનોહર સુખ તજી
જિનદીક્ષા લઈ વિષમ વન અને ગિરિશિખર પર કેવી રીતે રહેશો? હું તમારા પ્રત્યે
સ્નેહથી ભરેલો છું. આ તમારી માતા શોકથી તપ્તાયમાન થશે તેમને તજીને જવું તમારે
માટે યોગ્ય નથી. થોડાક દિવસ પૃથ્વીનું રાજ્ય કરો. પછી સ્નેહથી વાસનાથી જેમનું ચિત્ત
રહિત થયું છે તે કુમારો સંસારથી ભયભીત, ઇન્દ્રિયસુખોની પરાઙમુખ, આત્મતત્ત્વમાં
જેમનું ચિત્ત લાગ્યું છે તે ક્ષણભર વિચારીને બોલ્યા-હે પિતા! આ સંસારમાં અમારાં
માતાપિતા અનંત થયાં, આ સ્નેહનું બંધન નરકનું કારણ છે, આ ઘરરૂપ પિંજરું પાપારંભ
અને દુઃખ વધારનાર છે, મૂર્ખાઓ તેમાં રતિ માને છે, જ્ઞાની માનતા નથી. હવે અમને
કદી પણ દેહ સંબંધી અને મન સંબંધી દુઃખ ન થાય, નિશ્ચયથી એવા જ ઉપાય કરશું. જે
આત્મકલ્યાણ ન કરે તે આત્મઘાતી છે, કદાચ ઘર ન તજે અને મનમાં એમ માને કે હું
નિર્દોષ છું, મને પાપ નથી તો તે મલિન છે, પાપી છે. જેમ સફેદ વસ્ત્ર અંગના સંયોગથી
મલિન થાય છે તેમ ઘરના સંયોગથી ગૃહસ્થી મલિન થાય છે. જે ગૃહસ્થાશ્રમમાં રહે છે
તેમને નિરંતર હિંસા આરંભથી પાપ ઉપજે છે તેથી સત્પુરુષોએ ગૃહસ્થાશ્રમનો ત્યાગ કર્યો
છે. તમે અમને કહો છો કે થોડાક દિવસ રાજ્ય ભોગવો તો તમે જ્ઞાની થઈને અમને
અંધારિયા કુવામાં નાખો છો, જેમ તૃષાતુર મૃગ પીવે અને તેને શિકારી મારે તેમ
ભોગોથી અતૃપ્ત પુરુષને મૃત્યુ મારે છે. જગતના જીવ વિષયની અભિલાષાથી સદા
આર્તધ્યાનરૂપ પરાધીન છે. જે કામ સેવે છે તે અજ્ઞાની, વિષ હરનારી જડીબુટ્ટી વિના
આશીવિષ સર્પ સાથે ક્રીડા કરે તે કેવી રીતે જીવે?