Padmapuran (Gujarati). Parva 111 - Bhamandalnu Vidhyutpatthi maran; Parva 112 - Hanumannu sansaardeh aney bhogothi virakt thavu; Parva 113 - Hanumannu diksha grahan aney ugra tapthi nirvan prapti; Parva 114 - Indrano potani sabhama dharmaopdesh aney Shree Ramchandrana bhatru snehni charcha; Parva 115 - Laxmannu maran aney Lavan-Ankushni diksa; Parva 116 - Laxmanna mrutyuthi dukhi thainey Shree Ramno vilap; Parva 117 - Shok santap Ramney Vibishannu sambodhan; Parva 118 - Devo dvara sambodhan Ramnu shokrahit thavu aney Laxmanna dehno dahsanskar karvo.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 33 of 35

 

Page 620 of 660
PDF/HTML Page 641 of 681
single page version

background image
૬૨૦ એકસો દસમું પર્વ પદ્મપુરાણ
આ પ્રાણી માછલીની જેમ ગૃહરૂપ તળાવમાં રહી વિષયરૂપ માંસના અભિલાષી રોગરૂપ
લોઢાના આંકડાના યોગથી કાળરૂપ માછીમારની જાળમાં પડે છે. ભગવાન શ્રી તીર્થંકરદેવ
ત્રણ લોકના ઈશ્વર, સુરનર, વિદ્યાધરોથી વંદિત એ જ ઉપદેશ આપે છે કે આ જગતના
જીવો પોતપોતાના ઉપાર્જેલાં કર્મોના વશમાં છે અને જે આ જગતને તજે તે કર્મોને હણે.
માટે હે તાત! અમને ઇષ્ટ સંયોગના લોભથી પૂર્ણતા નહિ થાય. આ સંયોગસંબંધ
વીજળીના ચમકારા જેવો ચંચળ છે, વિચક્ષણજનો એમના પ્રત્યે અનુરાગ કરતા નથી. આ
શરીરનો અને શરીરના સંબંધીઓનો વિયોગ તો નિશ્ચયથી થશે, એમાં પ્રીતિ કેવી? અને
મહાકલેશરૂપ આ સંસારવનમાં નિવાસ કેવો? આ મારું પ્રિય છે, એવી બુદ્ધિ જીવોને
અજ્ઞાનથી છે. આ જીવ સદા એકલો જ ભવમાં ભટકે છે, એક ગતિમાંથી બીજી ગતિમાં
ફરતો અત્યંત દુઃખી છે. હે પિતા! અમે સંસારસાગરમાં ડૂબકીઓ ખાતાં અત્યંત ખેદ
પામ્યા છીએ. આ સંસારમાં મિથ્યાશાસ્ત્રરૂપ દુઃખદાયક દ્વીપ છે, તેમાં મોહરૂપ મગર છે,
શોકસંતાપરૂપ પગથિયાંવાળી દુર્જય નદીઓથી પૂર્ણ છે અનેક ભ્રમણરૂપ વમળોથી ભયંકર
છે, અનેક આધિ-વ્યાધિરૂપ કલ્લોલો સહિત છે, કુભાવરૂપ પાતાળકુંડથી અગમ છે, ક્રોધાદિ
ભાવોરૂપ જળચરોથી ભરેલો છે, ત્યાં વૃથા બકવાદરૂપ અવાજ થાય છે, મમત્વરૂપ પવનથી
વિકલ્પરૂપ તરંગો ઊછળે છે, દુર્ગતિરૂપ ખારા જળથી ભરેલો છે, અત્યંત દુસ્સહ
ઇષ્ટવિયોગ અને અનિષ્ટસંયોગરૂપ આતાપ વડવાનળ સમાન છે, આવા ભવસાગરમાં
અમે અનાદિકાળથી ખેદખિન્ન થઈ પડયા છીએ. જુદી જુદી યોનિમાં ભટકતાં અતિકષ્ટથી
મનુષ્યદેહ અને ઉત્તમ કુળ પામ્યા છીએ. તેથી હવે એવું કરીશું કે ફરીથી ભવભ્રમણ થાય
નહિ તેથી બધા પ્રત્યેથી મોહ છોડાવી આઠેય કુમાર ઘરરૂપ બંદીખાનામાંથી નીકળ્‌યા. તે
ભાગ્યવાનોને એવી વૈરાગ્યબુદ્ધિ ઉપજી કે ત્રણ ખંડનું ઇશ્વરપણું જીર્ણ તરણાની જેમ તજ્યું.
તે વિવેકી મહેન્દ્રોદય નામના ઉદ્યાનમાં જઈ મહાબળ નામના મુનિ પાસે દિગંબર થયા.
સર્વ આરંભરહિત અંતર્બાહ્ય પરિગ્રહના ત્યાગી વિધિપૂર્વક ઇર્યાસમિતિ પાળતાં વિહાર કરી
ગયા. ક્ષમાશીલ, ઇન્દ્રિયોને વશ કરનાર વિકલ્પરહિત નિસ્પૃહી, પરમયોગી, બાર પ્રકારનાં
તપથી કર્મોને ભસ્મ કરી અધ્યાત્મયોગથી શુભાશુભ ભાવોનો અભાવ કરી ક્ષીણકષાય થઈ
કેવળજ્ઞાન લઈને અનંતસુખરૂપ સિદ્ધપદને પામ્યા, જગતના પ્રપંચથી છૂટયા. ગૌતમ
સ્વામી શ્રેણિકને કહે છે કે હે નૃપ! આ આઠ કુમારોનું મંગળરૂપ ચરિત્ર જે વિનયવાન
ભક્તિથી વાંચે-સાંભળે તેના સમસ્ત પાપનો ક્ષય થઈ જાય, જેમ સૂર્યની પ્રભાથી
તિમિરનો નાશ થાય છે.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં લક્ષ્મણના આઠ કુમારોના વૈરાગ્યનું
વર્ણન કરનાર એકસો દસમું પર્વ પૂર્ણ થયું.
* * *

Page 621 of 660
PDF/HTML Page 642 of 681
single page version

background image
પદ્મપુરાણ એકસો અગિયારમું પર્વ ૬૨૧
એકસો અગિયારમું પર્વ
(ભામંડળનું વિદ્યુત્પાતથી મરણ)
ત્યારપછી ગૌતમ સ્વામીએ શ્રેણિકને ભામંડળનું ચરિત્ર કહ્યું હે શ્રેણિક!
વિદ્યાધરોનું ઐશ્વર્ય એ જ કુટિલ સ્ત્રી અને તેનું વિષયવાસનારૂપ મિથ્યા સુખ તે પુષ્પ,
તેના અનુરાગરૂપ મકરંદમાં ભામંડળરૂપ ભ્રમર આસક્ત થઈ ગયો હતો. તે મનમાં
વિચારતો કે હું જિનેશ્વરી દીક્ષા ધારણ કરીશ તો મારી સ્ત્રીઓના સૌભાગ્યરૂપ કમળોનું
વન સુકાઈ જશે, એમનું ચિત્ત મારામાં આસક્ત છે અને એમના વિરહથી મારા પ્રાણોનો
વિયોગ થશે. મેં આ પ્રાણ સુખથી પાળ્‌યા છે તેથી થોડોક વખત રાજ્યનું સુખ ભોગવી
કલ્યાણનું કારણ એવું તપ કરીશ. આ કામભોગ દુર્નિવાર છે અને એનાથી પાપ થશે તે હું
ધ્યાનરૂપ અગ્નિથી ક્ષણમાત્રમાં ભસ્મ કરી નાખીશ. થોડા દિવસ હું રાજ્ય કરીશ, મોટી
સેના રાખીને મારા શત્રુઓને હું રાજ્યરહિત કરીશ, તે ખડ્ગના ધારક સામંતોના
અભિમાનનો હું ભંગ કરીશ. દક્ષિણ શ્રેણી અને ઉત્તર શ્રેણીમાં હું મારી આજ્ઞા મનાવીશ,
સુમેરુ પર્વત આદિ પર્વતોમાં મરકત મણિ વગેરે જુદી જુદી જાતિનાં રત્નોની નિર્મળ શિલા
ઉપર સ્ત્રી સાથે ક્રીડા કરીશ ઇત્યાદિ મનના મનોરથ કરતો ભામંડળ સેંકડો વર્ષ એક
મુહૂર્તની જેમ વ્યતીત કરી ચૂક્યો હતો. આ કર્યું, આ કરીશ, એમ ચિંતવન કરતાં
આયુષ્યનો અંત જાણ્યો નહિ. એક દિવસ સાત માળના મહેલની ઉપર સુંદર શય્યામાં
પોઢયો હતો અને વીજળી પડી, તે તત્કાળ મૃત્યુ પામ્યો.
દીર્ઘસૂત્રી મનુષ્ય અનેક વિકલ્પ કરે છે, પરંતુ આત્માના ઉદ્ધારનો ઉપાય કરતો
નથી. તૃષ્ણાથી હણાયેલો ક્ષણમાત્ર પણ શાતા પામતો નથી, મૃત્યુ માથા ઉપર ચકરાવો લે
છે તેની ખબર પડતી નથી, ક્ષણભંગુર સુખના નિમિત્તે દુર્બુદ્ધિ આત્મહિત કરતો નથી,
વિષયવાસનામાં લુબ્ધ થઈ અનેક પ્રકારના વિકલ્પો કર્યા કરે છે, જે કર્મબંધનું કારણ થાય
છે. ધન, યૌવન, જીવન બધું અસ્થિર છે, એને અસ્થિર જાણી સર્વ પરિગ્રહનો ત્યાગ કરી
આત્મકલ્યાણ કરે તે ભવસાગરમાં ડૂબે નહિ. વિષયાભિલાષી જીવો ભવમાં કષ્ટ સહે,
હજારો શાસ્ત્રો ભણે અને શાંતિ ન ઉપજી તો શું કર્યું? અને એક જ પદ ભણીને જો શાંતિ
થઈ તો પ્રશંસાયોગ્ય છે. ધર્મ કરવાની ઇચ્છા તો સદા કર્યા કરે પણ ધર્મ કરે નહિ તો
કલ્યાણ ન પામે. જેમ કપાયેલી પાંખવાળો કાગડો ઊડીને આકાશમાં પહોંચવા ઇચ્છે પણ
જઈ શકે નહિ તેમ જે નિર્વાણના ઉદ્યમરહિત છે તે નિર્વાણ પામે નહિ. જો નિરુદ્યમી
સિદ્ધપદ પામતા હોય તો કોઈ મુનિવ્રત શા માટે લે? જે ગુરુનાં ઉત્તમ વચનો હૃદયમાં
ધારણ કરી ધર્મનો ઉદ્યમ કરે તે કદી ખેદખિન્ન થાય નહિ. જે ગૃહસ્થ આંગણે આવેલા
સાધુની ભક્તિ ન કરે. આહાર ન આપે તે અવિવેકી છે અને ગુરુનાં વચન સાંભળી ધર્મ
ન કરે તે ભવભ્રમણથી છૂટે નહિ. જે ઘણા પ્રમાદી છે અને જાતજાતના અશુભ ભાવ
કરીને વ્યાકુળ થાય છે તેમનું આયુષ્ય નિરર્થક વીતે છે જેમ હથેળીમાં આવેલું રત્ન ચાલ્યું
જાય છે. આમ જાણી સમસ્ત લૌકિક કાર્ય નિરર્થક માની દુઃખરૂપ ઇન્દ્રિયોનાં સુખને

Page 622 of 660
PDF/HTML Page 643 of 681
single page version

background image
૬૨૨ એકસો બારમું પર્વ પદ્મપુરાણ
છોડી પરલોક સુધારવા માટે જિનશાસનમાં શ્રદ્ધા કરો. ભામંડળ મરીને પાત્રદાનના
પ્રભાવથી ઉત્તમ ભોગભૂમિમાં ગયો.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં ભામંડળના મરણનું વર્ણન કરનાર
એકસો અગિયારમું પર્વ પૂર્ણ થયું.
* * *
એકસો બારમું પર્વ
(હનુમાનનું સંસારદેહ અને ભોગોથી વિરક્ત થવું.)
રામ-લક્ષ્મણ પરસ્પર ખૂબ સ્નેહથી પ્રજાના પિતા સમાન, પરમ હિતકારી,
રાજ્યમાં સુખથી સમય વ્યતીત કરતા હતા. પરમ ઐશ્વર્યરૂપ સુંદર રાજ્યમાં કમળવનમાં
ક્રીડા કરતા હોય તેમ તે પુરુષોત્તમ પૃથ્વીને પ્રમોદ ઉપજાવતા. તેમનાં સુખનું વર્ણન ક્યાં
સુધી કરીએ? ઋતુરાજ વસંતમાં સુગંધી વાયુ વહે, કોયલ બોલે, ભમરા ગુંજારવ કરે,
સમસ્ત વનસ્પતિ ખીલી ઊઠે, મદોન્મત્ત થઈ સર્વ જનો હર્ષથી ભરેલા શૃંગારક્રીડા કરે,
મુનિરાજ વિષમ વનમાં બિરાજે, આત્મસ્વરૂપનું ધ્યાન કરે, તે ઋતુમાં રામ-લક્ષ્મણ
રણવાસ સહિત અને સમસ્ત લોકો સહિત રમણીય વનમાં તથા ઉપવનમાં નાના પ્રકારની
રંગક્રીડા, રાગક્રીડા, જળક્રીડા, વનક્રીડા કરતા હતા. ગ્રીષ્મઋતુમાં નદી સુકાઈ જાય,
દાવાનળ સમાન જ્વાળા વરસે, મહામુનિ ગિરિશિખર પર સૂર્યની સન્મુખ કાયોત્સર્ગ
ધારણ કરીને બેસે તે ઋતુમાં રામ-લક્ષ્મણ ધારામંડપ મહેલમાં અથવા રમણીક વનમાં,
જ્યાં અનેક ફુવારા, ચંદન, કપૂર, આદિ શીતલ સુગંધી સામગ્રી હોય ત્યાં સુખમાં બિરાજે
છે, ચમર ઢોળાય છે, તાડના પંખા ચાલે છે, નિર્મળ સ્ફટિકની શિલા પર બેઠા છે, અગર-
ચંદનથી ચર્ચિત જળ વડે ભીંજાયેલ કમળનાં દળ તથા પુષ્પોની શય્યા પર બેસે છે.
મહામનોહર નિર્મળ જળમાં લવિંગ, એલચી, કપૂરાદિ સુગંધી દ્રવ્યો મેળવી તેનું પાન કરે
છે, લતાઓના મંડપમાં બિરાજે છે, જાતજાતની સુંદર કથા કરે છે, સારંગ આદિ રાગ
સાંભળે છે, સુંદર સ્ત્રીઓ સહિત ઉષ્ણ ઋતુને પરાણે શીતકાળ જેવી કરીને સુખેથી કાળ
નિર્ગમન કરે છે. વર્ષાઋતુમાં યોગીશ્વરો વૃક્ષ નીચે બેસી તપ વડે અશુભ કર્મનો ક્ષય કરે
છે, વીજળી ચમકે છે, મેઘથી અંધકાર થઈ રહ્યો છે, મોર બોલે છે, વૃક્ષો ઉખાડી નાખતી
ભયંકર અવાજ કરતી નદી વહે છે. તે ઋતુમાં બન્ને ભાઈ સુમેરુના શિખર સમાન ઊંચા
મણિમય મહેલોમાં રંગીન વસ્ત્રો પહેરી, શરીરે કેસરનો લેપ કરી, કૃષ્ણાગુરુનો ધૂપ
અગ્નિમાં નાખે છે, સુંદર સ્ત્રીઓનાં નેત્રરૂપ ભ્રમરોના કમળ સમાન ઇન્દ્ર સમાન ક્રીડા
કરતા સુખમાં રહે છે, શરદઋતુમાં જળ નિર્મળ થઈ જાય, ચંદ્રમાનાં કિરણો ઉજ્જવળ હોય,
કમળ ખીલે, હંસ મનોહર શબ્દો બોલે, મુનિરાજ વન, પર્વત, સરોવર, નદીના તીરે બેસી
ચિદ્રૂપનું ધ્યાન કરે તે ઋતુમાં રામ-લક્ષ્મણ રાજ્યપરિવાર સાથે ચાંદની જેવાં

Page 623 of 660
PDF/HTML Page 644 of 681
single page version

background image
પદ્મપુરાણ એકસો બારમું પર્વ ૬૨૩
વસ્ત્રાભરણ પહેરી નદી કે સરોવરના તીરે નાના પ્રકારની ક્રીડા કરતા હતા. શીતઋતુમાં
યોગીશ્વર ધર્મધ્યાન કરતાં રાત્રે નદી-તળાવોના તટ પર જ્યાં અતિશીત હોય, બરફ વરસે,
ઠંડો પવન વાય ત્યાં નિશ્ચળ થઈ બેસે છે. પ્રચંડ શીત પવનથી વૃક્ષો બળી જાય છે, સૂર્યનું
તેજ મંદ થાય છે એવી ઋતુમાં રામ-લક્ષ્મણ મહેલોની અંદરના ખંડોમાં રહીને મનવાંછિત
વિલાસ કરતાં, સુંદર સ્ત્રીઓ સાથે વીણા, મૃદંગ, બંસરી વગેરે વાજિંત્રોના શબ્દોનું અમૃત
કાનમાં રેડતાં અને આહ્લાદ ઉપજાવતાં બન્ને વીરો પુણ્યના પ્રભાવથી પોતાની દેવાંગના
સમાન પ્રતિવ્રતા સ્ત્રીઓનો આદર પામતાં સુખપૂર્વક શીતકાળ વીતાવતા હતા. બન્ને ભાઈ
અદ્ભુત ભોગોની સંપદાથી મંડિત, પ્રજાને આનંદકારી, સુખપૂર્વક રહેતા હતા.
ગૌતમ સ્વામી કહે છે હે શ્રેણિક! હવે તું હનુમાનનું વૃત્તાંત સાંભળ. પવનપુત્ર
હનુમાન કર્ણકુંડળ નગરમાં પુણ્યના પ્રભાવથી દેવોનાં સુખ ભોગવે છે. હજારો વિદ્યાધરો
તેમની સેવા કરે છે, ઉત્તમ ક્રિયા કરનાર પોતાના પરિવાર સહિત તે પોતાની ઇચ્છા
પ્રમાણે પૃથ્વી પર વિહાર કરે છે, શ્રેષ્ઠ વિમાનમાં બેસી સુંદર વનોમાં દેવ સમાન ક્રીડા કરે
છે. વસંતનો સમય આવ્યો, કામી જીવોને ઉન્માદનું કારણ અને સમસ્ત વૃક્ષોને પ્રફુલ્લિત
કરનાર, પ્રિયા અને પ્રીતમનો પ્રેમ વધારનાર, જેમાં સુગંધી વાયુ વાય છે, વૃક્ષો
જાતજાતનાં ફૂલો અને ફળોથી શોભે છે એવા સમયે અંજનાપુત્ર, જેનું ચિત્ત
જિનેન્દ્રભક્તિમાં લાગેલું છે, તે હજારો સ્ત્રીઓ સાથે સુમેરુ પર્વત તરફ ચાલ્યો, તેની સાથે
હજારો વિદ્યાધરો છે, શ્રેષ્ઠ વિમાનમાં બેસી માર્ગમાં વનમાં ક્રીડા કરતા જતા હતા. વનમાં
સુગંધી પવન વાય છે, દેવાંગનાઓ રમે છે, કુલાચલોમાં, સુંદર સરોવરોમાં, મનોહર વનમાં
ભમરા ગુંજારવ કરે છે, કોયલ ટહુકા કરે છે, પશુપક્ષીઓનાં યુગલો વિચરે છે, સર્વ
જાતિનાં પત્ર, પુષ્પ, ફળો શોભે છે, રત્નોની જ્યોતિથી પર્વતો ઉદ્યોતરૂપ લાગે છે, સુંદર
તટવાળી, નિર્મળ જળભરેલી નદી વહી રહી છે. તેમાં તરંગ ઊછળે છે, ફીણના ગોટા
ફેલાય છે, કલરવ કરતી વહે છે, મગર, મત્સ્ય આદિ જળચરો ક્રીડા કરે છે, બન્ને તટ
પરનાં વૃક્ષોનાં પત્રોનો સરસરાટનો ધ્વનિ ફેલાય છે, પાસેનાં વન-ઉપવનોમાં
રત્નનિર્માયિત જિનમંદિરો છે. પવનપુત્ર પરમ ઉદયથી યુક્ત અનેક પર્વતો પર અકૃત્રિમ
ચૈત્યાલયોનાં દર્શન કરી વિમાનમાં બેસી સ્ત્રીઓને પૃથ્વીની શોભા દેખાડતો
અતિપ્રસન્નતાથી કહે છે-હે પ્રિયે! સુમેરુ પર સ્વર્ણમયી જિનમંદિરો દેખાય છે, એનાં
શિખર સૂર્ય સમાન દેદીપ્યમાન છે, ગિરિની ગુફામાં મનોહર દ્વારની રત્નજડિત શોભા
પ્રકાશ ફેલાવે છે, ત્યાં અરતિ ઉપજતી જ નથી. સુમેરુના ભૂમિતળ પર અતિ રમણીક
ભદ્રશાલ વન છે, સુમેરુની કટિમેખલા પર વિસ્તીર્ણ નંદનવન છે, સુમેરુના વૃક્ષસ્થળ પર
સૌમનસ વન છે, ત્યાં કલ્પવૃક્ષ કલ્પલતાઓથી વીંટળાયેલાં શોભે છે, જાતજાતનાં રત્નોની
શિલા શોભે છે. સુમેરુના શિખર પર પાંડુક વન છે, ત્યાં જિનેશ્વરોનો જન્મોત્સવ થાય છે.
આ ચારેય વનમાં ચાર ચાર ચૈત્યાલયો છે, ત્યાં દેવદેવીઓનું નિરંતર આગમન થાય છે,
યક્ષ, કિન્નર, ગંધર્વોના સંગીતથી નાદ ફેલાય છે, અપ્સરા નૃત્ય કરે છે, કલ્પવૃક્ષોનાં પુષ્પ
મનોહર છે, નાના

Page 624 of 660
PDF/HTML Page 645 of 681
single page version

background image
૬૨૪ એકસો બારમું પર્વ પદ્મપુરાણ
પ્રકારનાં મંગળ દ્રવ્યોથી પૂર્ણ આ ભગવાનનાં અકૃત્રિમ ચૈત્યાલયો અનાદિનિધન છે. હે
પ્રિયે! પાંડુક વનમાં પરમ અદ્ભુત જિનમંદિરો શોભે છે, જેને જોતાં મન પ્રફુલ્લિત થઈ
જાય, અત્યંત પ્રજ્વલિત નિર્ધૂમ અગ્નિ સમાન, સંધ્યાનાં વાદળોના રંગ સમાન, ઊગતા
સૂર્ય સમાન સ્વર્ણમય શોભે છે. સમસ્ત ઉત્તમ રત્નોથી શોભતા, હજારો મોતીઓની
માળાથી મંડિત અતિ મનોહર છે. માળાઓના મોતી પાણીના પરપોટા જેવા શોભે છે.
ચારે તરફ ઊંચા કોટ અને દરવાજા વગેરે વિભૂતિથી વિરાજમાન છે. રંગબેરંગી લહેરાતી
ધજાઓ સુવર્ણના સ્તંભથી દેદીપ્યમાન આ અકૃત્રિમ ચૈત્યાલયોની શોભા ક્યાં સુધી
કહીએ? તેનું સંપૂર્ણ વર્ણન ઇન્દ્રાદિક દેવો પણ કરી શકે નહિ. કે કાંતે! પાંડુકવનનાં
ચૈત્યાલયો જાણે સુમેરુના મુગટો જ છે, અતિરમણીક છે.
આ પ્રમાણે હનુમાન પટરાણીઓ સમક્ષ જિનમંદિરોની પ્રશંસા કરતા મંદિરની
સમીપ આવ્યા. વિમાનમાંથી ઊતરી આનંદથી પ્રદક્ષિણા કરી. ત્યાં શ્રી ભગવાનના
અકૃત્રિમ પ્રતિબિંબ સર્વ અતિશયથી બિરાજે છે, શરદનાં ઉજ્જવળ વાદળાઓ વચ્ચે
ચંદ્રમાની જેમ શોભે છે. સર્વ ઉત્તમ લક્ષણોથી મંડિત હનુમાને હાથ જોડી રાણીઓ સહિત
નમસ્કાર કર્યા. જેમ તારાઓ વચ્ચે ચંદ્રમા શોભે તેમ રાજ્યલોકો વચ્ચે હનુમાન શોભે છે,
જિનેન્દ્રનાં દર્શનથી તેમને અતિ હર્ષ ઊપજ્યો છે. બધી સ્ત્રીઓ પણ અત્યંત આનંદ પામી
છે, બધાને રોમાંચ થઈ ગયો, નેત્રો ખીલી ઊઠયાં. વિદ્યાધરીઓ ભક્તિયુક્ત સર્વ ઉપકરણો
સહિત ઉત્તમ ચેષ્ટાવાળી, પવિત્ર કુળમાં ઊપજેલી દેવાંગનાઓની જેમ અનુરાગપૂર્વક
દેવાધિદેવની વિધિપૂર્વક પૂજા કરવા લાગી. પવિત્ર પદ્મહૃદનું જળ અને સુગંધ, ચંદન,
મુક્તાફળના અક્ષત્ સ્વર્ણમય કમળ, કલ્પવૃક્ષનાં પુષ્પ અને અમૃતરૂપ નૈવેદ્ય, રત્નોના
દીપથી પૂજા કરતી હતી. મલયાગિરિ ચંદનાદિથી દશે દિશા સુગંધમય થઈ રહી છે, પરમ
ઉજ્જવળ અત્યંત શીતળ જળ, અગુરુ આદિ પવિત્ર દ્રવ્યોથી ઊપજેલ ધૂપનું ક્ષેપણ કરતી
હતી, અમૃતફળ ચડાવતી હતી, રત્નોના ચૂર્ણથી માંડલું તૈયાર કરતી હતી. મનોહર અષ્ટ
દ્રવ્યોથી પતિની સાથે પૂજા કરતી હતી. રાણીઓ સાથે પૂજા કરતા હનુમાન સૌધર્મ ઇન્દ્ર
પૂજા કરતાં શોભે તેવા શોભે છે. હનુમાને જનોઈ પહેરી છે, સર્વ આભૂષણ અને ઝીણાં
વસ્ત્ર પહેર્યાં છે, તેના મુગટ પર પાપરહિત વાનરનું ચિહ્ન છે, મુગટ રત્નોથી દેદીપ્યમાન
છે. તે પ્રમોદથી જેનાં નેત્ર પ્રફુલ્લિત બન્યાં છે, તે રીતે પૂજા કરે છે. પૂજા કર્યા પછી તેણે
સુર-અસુરોના ગુરુ જિનેશ્વરના પ્રતિબિંબની સ્તુતિ કરી. ઇન્દ્રની અપ્સરાઓએ તેને પૂજા
અને સ્તુતિ કરતાં જોયા અને તેની ખૂબ પ્રશંસા કરી. એ પોતે વીણાવાદનમાં પ્રવીણ હતા
તેથી વીણા લઈને જિનેન્દ્રચંદ્રનાં ગુણગાન કરવા લાગ્યા. જે શુદ્ધ ચિત્તવાળા જિનેન્દ્રની
પૂજામાં અનુરાગી છે, તેની સમીપે સર્વ કલ્યાણ છે. તેમને કાંઈ દુર્લભ નથી, તેમનું દર્શન
મંગળરૂપ છે. જેમણે ઉત્તમ મનુષ્યદેહ પામીને શ્રાવકનાં વ્રત લઈ દ્રઢ ભક્તિથી જિનવરને
પૂજ્યા તે જીવોએ પોતાનો જન્મ સફળ કર્યો છે; તે પોતાના હાથમાં કલ્યાણને ધારણ કરે
છે, જન્મનું ફળ તેમણે જ મેળવ્યું છે. હનુમાને પૂજા, સ્તુતિ, વંદના કરી, વીણા બજાવી
અનેક રાગ ગાઈ અદ્ભુત સ્તુતિ કરી. જોકે ભગવાનનાં દર્શનથી

Page 625 of 660
PDF/HTML Page 646 of 681
single page version

background image
પદ્મપુરાણ એકસો બારમું પર્વ ૬રપ
જુદા પડવાનું તેનું મન નથી તો પણ ચૈત્યાલયમાં અધિક સમય ન રહેવું તેમ કરવાથી
અશાતના લાગે તેથી જિનરાજના ચરણ હૃદયમાં ધારણ કરીને મંદિરમાંથી બહાર નીકળ્‌યા,
વિમાનોમાં બેઠા અને હજારો સ્ત્રીઓની સાથે સુમેરુની પ્રદક્ષિણા કરી. જેમ સૂર્ય સુમેરુની
પ્રદક્ષિણા કરે તેમ શ્રી શૈલ એટલે કે હનુમાને શૈલરાજ એટલે સુમેરુની પ્રદક્ષિણા કરી
સમસ્ત ચૈત્યાલયોમાં દર્શન કરી, ભરતક્ષેત્ર તરફ આવ્યા, માર્ગમાં સૂર્યાસ્ત થઈ ગયો અને
સૂર્યની પાછળ સંધ્યા પણ વિલય પામી, કૃષ્ણ પક્ષની રાત્રિ તારારૂપ બંધુઓથી ચંદ્રરૂપ
પતિ વિના શોભતી નહોતી. હનુમાને નીચે ઊતરી એક સુરદુંદુભિ નામના પર્વત પર સેના
સહિત રાત્રિ વિતાવી. કમળાદિ અનેક સુગંધી પુષ્પોને સ્પર્શીને પવન આવ્યો તેથી સેનાના
માણસોને ખૂબ મજા આવી, જિનેશ્વરદેવની વાતો કરતા હતા ત્યાં રાત્રે આકાશમાંથી એક
દેદીપ્યમાન તારો ખરી પડયો તે હનુમાને જોયો અને મનમાં વિચાર્યું કે અરેરે! આ અસાર
સંસારવનમાં દેવ પણ કાળને વશ છે, એવું કોઈ નથી જે કાળથી બચે. વીજળીના ચમકારા
અને જળના તરંગ જેવા ક્ષણભંગુર છે તેવું શરીર વિનશ્વર છે. આ સંસારમાં આ જીવે
અનંત ભવમાં દુઃખ જ ભોગવ્યાં છે. જીવ વિષયનાં સુખને સુખ માને છે તે સુખ નથી,
દુઃખ જ છે, પરાધીન છે, વિષમ ક્ષણભંગુર સંસારમાં દુઃખ જ છે, સુખ હોતું નથી. એ
મોહનું માહાત્મ્ય છે કે અનંતકાળથી જીવ દુઃખ ભોગવતો ભટકે છે, અનંત અવસર્પિણી
ઉત્સર્પિણી કાળભ્રમણ કરીને મનુષ્યદેહ કોઈ વાર કોઈક જ પામે છે તે પામીને ધર્મનું
સાધન વૃથા ખોઈ નાખે છે, આ વિનાશિક સુખમાં આસક્ત થઈ અનેક સંકટ પામે છે.
આ જીવ રાગાદિને વશ થયો છે અને વીતરાગભાવને જાણતો નથી. આ ઇન્દ્રિયો
જૈનમાર્ગના આશ્રય વિના જીતી શકાય તેમ નથી. આ ઇન્દ્રિયો ચંચળ છે તે જીવને
કુમાર્ગમાં લગાડી આ જીવને આ ભવ અને પરભવમાં દુઃખ આપે છે. જેમ મૃગ, મત્સ્ય
અને પક્ષી લોભના વશે પારધિની જાળમાં પડે છે તેમ આ કામી, ક્રોધી, લોભી જીવ
જિનમાર્ગ પામ્યા વિના અજ્ઞાન વશે પ્રપંચરૂપ પારધીની બિછાવેલી વિષયરૂપ જાળમાં પડે
છે. જે જીવ આશીવિષ સર્પ સમાન આ મન-ઇન્દ્રિયોના વિષયોમાં રમે છે તે મૂઢ દુઃખરૂપ
અગ્નિમાં બળે છે. જેમ કોઈ એક દિવસ રાજ્ય કરી ઘણા દિવસો સુધી ત્રાસ ભોગવે તેમ
આ મૂઢ જીવ થોડા દિવસો વિષયનું સુખ ભોગવી અનંતકાળપર્યંત નિગોદનાં દુઃખ ભોગવે
છે. જે વિષયસુખના અભિલાષી છે તે દુઃખોના અધિકારી છે, નરક નિગોદનું મૂળ એવા
આ વિષયોને જ્ઞાની ઈચ્છતા નથી, મોહરૂપ ઠગથી ઠગાયેલા જે આત્મકલ્યાણ કરતા નથી
તે મહાકષ્ટ પામે છે. જે પૂર્વભવમાં ધર્મ ઉપાર્જીને મનુષ્યભવ પામી ધર્મનો આદર કરતા
નથી તે જેમ ધન ઠગાવીને કોઈ દુઃખી થાય તેમ દુઃખી થાય છે. દેવોના ભોગ ભોગવીને
પણ આ જીવ મરીને દેવમાંથી એકેન્દ્રિય થાય છે. પાપ આ જીવનો શત્રુ છે, બીજો કોઈ
શત્રુ મિત્ર નથી. આ ભોગ જ પાપનું મૂળ છે, એનાથી તૃપ્તિ ન થાય, એ મહાભયંકર છે
અને એમનો વિયોગ તો નિશ્ચયથી થવાનો. એ કાયમ રહેવાના નથી. જો હું રાજ્યને અને
પ્રિયજનોને તજીને તપ ન કરું તો અતૃપ્ત થઈ સુભૂમ ચક્રવર્તીની જેમ

Page 626 of 660
PDF/HTML Page 647 of 681
single page version

background image
૬ર૬ એકસો તેરમું પર્વ પદ્મપુરાણ
મરીને દુર્ગતિમાં જઈશ. આ મારી સ્ત્રીઓ શોભાયમાન, મૃગનયની, પતિવ્રતા, સર્વ
મનોરથ પૂરનારી, સ્ત્રીઓનાં ગુણોથી મંડિત નવયુવાન છે તેમને હું અજ્ઞાનથી તજી શક્યો
નથી. હું મારી ભૂલને ક્યાં સુધી નિંદુ? જુઓ, હું સાગરો સુધી સ્વર્ગમાં અનેક દેવાંગના
સહિત રમ્યો અને દેવમાંથી મનુષ્ય થઈ આ ક્ષેત્રમાંય સુંદર સ્ત્રીઓ સાથે રમ્યો, પરંતુ
તૃપ્ત થતો નથી. જેમ ઇંધનથી અગ્નિ તૃપ્ત થતો નથી અને નદીઓથી સમુદ્ર તૃપ્ત થતો
નથી તેમ આ પ્રાણી નાના પ્રકારના વિષય સુખોથી તૃપ્ત થતો નથી. હું જુદા જુદા
જન્મોમાં ભટકીને ખેદખિન્ન થયો. રે મન! હવે તું શાંત થા, શા માટે વ્યાકુળ બની રહ્યો
છે? શું તેં ભયંકર નરકોનાં દુઃખ સાંભળ્‌યાં નથી? જ્યાં રૌદ્રધ્યાની હિંસક જીવ જાય છે તે
નરકોમાં તીવ્ર વેદના, અસિપત્ર વન, વૈતરણી નદી, અરે, આખી ભૂમિ જ જ્યાં સંકટરૂપ
છે, તે નરકથી હે મન, તું ડરતું નથી. રાગદ્વેષથી ઊપજેલા કર્મકલંકનો તપથી ક્ષય કરતો
નથી. તારા આટલા દિવસ એમ જ નકામા ગયા. વિષયસુખરૂપ કૂવામાં પડેલો તું તારા
આત્માને ભવ પિંજરામાંથી બહાર કાઢ. તેં જિનમાર્ગમાં બુદ્ધિનો પ્રકાશ મેળવ્યો છે. તું
અનાદિકાળના સંસારભ્રમણથી ખેદખિન્ન થયો છે, હવે અનાદિના બંધાયેલા આત્માને
છોડાવ. આમ નિશ્ચય કરી હનુમાન સંસાર, શરીર-ભોગોથી ઉદાસ થયા. તેમણે યથાર્થ
જિનશાસનનું રહસ્ય જાણી લીધું છે. જેમ સૂર્ય મેઘધરૂપ પટલથી રહિત થતાં મહાતેજરૂપ
ભાસે તેમ તે મોહપટલથી રહિત ભાસવા લાગ્યા. જે માર્ગે જઈને જિનવર સિદ્ધપદ પામ્યા
તે માર્ગ પર ચાલવા તૈયાર થયા.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં હનુમાનના વૈરાગ્યચિંતનનું વર્ણન
કરનાર એકસો બારમું પર્વ પૂર્ણ થયું.
* * *
એકસો તેરમું પર્વ
(હનુમાનનું દીક્ષાગ્રહણ અને ઉગ્ર તપથી નિર્વાણપ્રાપ્તિ)
રાત્રિ પૂરી થઈ. સોળવલા સ્વર્ણ સમાન સૂર્ય પોતાની દીપ્તિથી જગતમાં ઉદ્યોત
કરવા લાગ્યો, જેમ સાધુ મોક્ષમાર્ગનો ઉદ્યોત કરે છે. નક્ષત્રો અસ્ત પામ્યાં. સૂર્યના ઉદયથી
કમળો ખીલ્યાં, જેમ જિનરાજના ઉદ્યોતથી ભવ્ય જીવરૂપ કમળો ખીલે છે. વૈરાગ્યથી પૂર્ણ
જગતના ભોગોથી વિરક્ત હનુમાને મંત્રીઓને કહ્યું કે જેમ ભરત ચક્રવર્તી પૂર્વે તપોવનમાં
ગયા હતા તેમ અમે જશું. મંત્રીઓ પ્રેમથી ભરેલા પરમ ઉદ્વેગ પામી રાજાને વિનંતી કરવા
લાગ્યા કે હે દેવ! અમને અનાથ ન કરો, પ્રસન્ન થાવ, અમે તમારા ભક્ત છીએ, અમારું
પ્રતિપાલન કરો. ત્યારે હનુમાને કહ્યું-તમે નિશ્ચયથી મારા આજ્ઞાંકિત છો તો પણ અનર્થનું
કારણ છો, હિતનું કારણ નથી, જે સંસાર સમુદ્રથી ઉતરે અને તેને પાછા સાગરમાં નાખે
તે હિતુ કેમ કહેવાય? નિશ્ચયથી

Page 627 of 660
PDF/HTML Page 648 of 681
single page version

background image
પદ્મપુરાણ એકસો તેરમું પર્વ ૬ર૭
તેમને શત્રુ જ કહીએ. જ્યારે આ જીવે નરકના નિવાસમાં મહાદુઃખ ભોગવ્યાં ત્યારે
માતાપિતા, મિત્ર, ભાઈ, કોઈ જ સહાયક ન થયાં. આ દુર્લભ મનુષ્યદેહ અને
જિનશાસનનું જ્ઞાન પામીને બુદ્ધિમાનોએ પ્રમાદ કરવો યોગ્ય નથી. જેમ રાજ્યના ભોગથી
મને અપ્રીતિ થઈ તેમ તમારા પ્રત્યે પણ થઈ છે. આ કર્મજનિત ઠાઠ વિનાશિક છે,
નિઃસંદેહ અમારો અને તમારો વિયોગ થશે. જ્યાં સંયોગ છે ત્યાં વિયોગ છે. સુર, નર
અને એમના અધિપતિ ઇન્દ્ર, નરેન્દ્ર એ બધા જ પોતપોતાનાં કર્મોને આધીન છે. કાળરૂપ
દાવાનળથી કોણ કોણ ભસ્મ થયા નથી? મેં સાગરો સુધી અનેક ભવ દેવોનાં સુખ
ભોગવ્યાં, પરંતુ તુપ્ત થયો નહિ, જેમ સૂકાં ઈંધનથી અગ્નિ તુપ્ત થતો નથી. ગતિ, જાતિ,
શરીરનું કારણ નામકર્મ છે. તેનાથી જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં ભ્રમણ કરે છે.
મોહનું બળ ઘણું છે, જેના ઉદયથી આ શરીર ઉપજ્યું છે, તે રહેશે નહિ. આ સંસારવન
અતિવિષમ છે, જેમાં પ્રાણીઓ મોહ પામીને ભવસંકટ ભોગવે છે, તેનું ઉલ્લંઘન કરીને હું
જન્મ, જરા, મૃત્યુથી પર પરમપદ પ્રાપ્ત કરવા ચાહું છું. હનુમાને મંત્રીઓને જે કહ્યું તે
રણવાસની સ્ત્રીઓએ પણ સાંભળ્‌યું અને તે ખેદખિન્ન થઈને રુદન કરવા લાગી. જે
સમજાવવામાં સમર્થ હતા તેમણે તેમનાં ચિત્ત શાંત કર્યાં. સમજાવનારા જાતજાતનાં
વૃત્તાંતોમાં પ્રવીણ હતા. નિશ્ચળ ચિત્તવાળા હનુમાન પોતાના મોટા પુત્રને રાજ્ય આપી
અને બધાને યથાયોગ્ય વિભૂતિ આપીને રત્નોના સમૂહયુક્ત દેવવિમાન સમાન પોતાના
મહેલને છોડીને નીકળી ગયા. સુવર્ણ-રત્નમયી પાલખીમાં બેસી ચૈત્યવાન નામના વનમાં
ગયા. નગરના લોકો હનુમાનની પાલખી જોઈ સજળનેત્ર થયા. પાલખી પર ધજા ફરકે
છે, ચામરોથી શોભિત છે, મોતીઓની ઝાલરોથી મનોહર છે. હનુમાન વનમાં આવ્યા. વન
નાના પ્રકારનાં વૃક્ષો, પુષ્પો, પક્ષીઓથી મંડિત છે ત્યાં સ્વામી ધર્મરત્ન નામના ઉત્તમ
યોગીશ્વર, જેમના દર્શનથી પાપ વિલય પામે એવા ચારણાદિ અનેક ઋદ્ધિઓથી મંડિત
બિરાજતા હતા. આકાશમાં ગમન કરતા તેમને દૂરથી હનુમાને જોયા અને પોતે
પાલખીમાંથી નીચે ઉતર્યા. ત્યાં ભક્તિયુક્ત નમસ્કાર કરી કહ્યું હે નાથ! હું શરીરાદિક
પરદ્રવ્યોથી મમત્વહીન થયો છું. આપ મને કૃપા કરીને પારમેશ્વરી દીક્ષા આપો. ત્યારે મુનિ
બોલ્યા, હે ભવ્ય! તેં સારો વિચાર કર્યો છે. તું ઉત્તમ પુરુષ છે, જિનદીક્ષા તું લે. આ
જગત અસાર છે, શરીર વિનશ્વર છે માટે શીઘ્ર આત્મકલ્યાણ કર. અવિનશ્વરપદ લેવાની
પરમ કલ્યાણકારી બુદ્ધિ તને ઉપજી છે, એ વિવેકબુદ્ધિવાળા જીવને જ ઉપજે છે. મુનિની
આવી આજ્ઞા પામી, મુનિને પ્રણામ કરી પદ્માસન ધરીને બેઠા. મુકુટ, કુંડળ, હાર આદિ
સર્વ આભૂષણ ઉતારી નાખ્યાં, જગત પ્રત્યેનો મનનો રાગ ટાળ્‌યો, સ્ત્રીરૂપ બંધન તોડી,
મોહમમતા મટાડી, પોતાને સ્નેહરૂપ પાશથી છોડાવી, વિષ સમાન વિષયસુખ છોડી
વૈરાગ્યરૂપ દીપશિખાથી રાગરૂપ અંધકાર મટાડી શરીર અને સંસારને અસાર જાણી
કમળને જીતે એવા સુકુમાર હસ્તથી શિરનો કેશલોચ કર્યો. સમસ્ત પરિગ્રહથી રહિત થઈ
મોક્ષલક્ષ્મી માટે ઉદ્યમી થયા, મહાવ્રત ધારણ કરી અસંયમનો ત્યાગ કર્યો. હનુમાન સાથે
સાડાસાતસો મોટા વિદ્યાધર શુદ્ધચિત્ત

Page 628 of 660
PDF/HTML Page 649 of 681
single page version

background image
૬ર૮ એકસો ચૌદમું પર્વ પદ્મપુરાણ
વિદ્યુતગતિ આદિ રાજાઓ જે હનુમાનના પરમ મિત્ર હતા તે પોતાના પુત્રોને રાજ્ય
આપી અઠ્ઠાવીસ મૂળગુણ ધારણ કરી યોગીન્દ્ર થયા અને હનુમાનની રાણીઓ તેમ જ આ
રાજાઓની રાણીઓ પ્રથમ તો વિયોગરૂપ અગ્નિથી તપ્તાયમાન વિલાપ કરવા લાગી, પછી
વૈરાગ્ય પામી બંધુમતી નામની આર્યિકા પાસે જઈ ભક્તિથી નમસ્કાર કરી આર્યિકાનાં
વ્રત ધારણ કરવા લાગી. તે બુદ્ધિવંતી શીલવંતીઓએ ભવભ્રમણના ભયથી આભૂષણ
ત્યાગી એક સફેદ વસ્ત્ર રાખ્યું. શીલ જ જેમનાં આભરણ છે તેમને રાજ્યવિભૂતિ સડેલા
તણખલા જેવી લાગી. હનુમાન મહાબુદ્ધિમાન, મહાતપોધન સંસારથી અત્યંત વિરક્ત પાંચ
મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ ધારણ કરી શૈલ એટલે પર્વતથી પણ અધિક, શ્રીશૈલ
એટલે હનુમાન-રાજા પવનના પુત્ર ચારિત્રમાં અચળ થયા. તેમનો નિર્મળ યશ ઇન્દ્રાદિદેવ
ગાય છે, વારંવાર વંદના કરે છે અને મોટા મોટા માણસો યશ ફેલાવે છે. જેમનું આચરણ
નિર્મળ છે એવા સર્વજ્ઞ વીતરાગદેવનો ભાખેલો નિર્મળ ધર્મ આચરીને તે ભવસાગર તરી
ગયા. તે મહામુનિ હનુમાન પુરુષોમાં સૂર્ય સમાન તેજસ્વી જિનેન્દ્રદેવનો ધર્મ આરાધી
ધ્યાનાગ્નિથી આઠ કર્મની સમસ્ત પ્રકૃતિરૂપ ઇંધનને ભસ્મ કરી તુંગીગિરિના શિખર ઉપરથી
સિદ્ધ થયા. કેવળજ્ઞાન, કેવળદર્શન આદિ અનંતગુણમય સદા સિદ્ધલોકમાં રહેશે.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં હનુમાનના નિર્વાણગમનનું વર્ણન
કરનાર એકસો તેરમું પર્વ પૂર્ણ થયું.
* * *
એકસો ચૌદમું પર્વ
(ઇન્દ્રનો પોતાની સભામાં ધર્મોપદેશ અને શ્રીરામચંદ્રના ભાતૃસ્નેહની ચર્ચા)
રામ સિંહાસન પર વિરાજતા હતા, લક્ષ્મણના આઠે પુત્રો અને હનુમાનના મુનિ
થવાના સમાચાર મનુષ્યોના મુખથી સાંભળીને તે હસ્યા અને બોલ્યા. એમણે
મનુષ્યભવનાં કયાં સુખ ભોગવ્યાં? એ નાની ઉંમરમાં આવા ભોગ તજી યોગ ધારણ કરે
છે તે મોટું આશ્ચર્ય છે, એ હઠરૂપી ગ્રાહથી ગ્રહાયા છે જુઓ, આવા મનોહર કામભોગ
તજી વિરક્ત થઈ બેઠા છે. જોકે શ્રી રામ સમ્યગ્દ્રષ્ટિ જ્ઞાની છે તો પણ ચારિત્રમોહને વશ
કેટલાક દિવસ લોકોની જેમ જગતમાં રહ્યા હતા. સંસારના અલ્પ સુખમાં રમતા રામ-
લક્ષ્મણ ન્યાયસહિત રાજ્ય કરતા હતા. એક દિવસ મહાન જ્યોતિના ધારક ઇન્દ્ર
પરમઋદ્ધિથી યુક્ત ધીર અને ગંભીર, નાના અલંકાર ધારણ કરેલા, સામાજિક જાતિના
દેવ જે ગુરુજનતુલ્ય છે, લોકપાલ જાતિના દેવ જે દેશપાલતુલ્ય છે, ત્રાયસ્ત્રિંશત્ જાતિના
દેવ મંત્રી સમાન છે તેમનાથી મંડિત અને અન્ય સકળ દેવસહિત બીજા પર્વતોની મધ્યમાં
સુમેરુ પર્વત શોભે તેવા ઇન્દ્રાસન પર બેઠેલા શોભતા હતા. તેજઃપુંજ અદ્ભુત રત્નોના
સિંહાસન પર સુખે બિરાજતા તે સુમેરુ પર જિનરાજ જેવા ભાસતા હતા. ચંદ્રમા અને

Page 629 of 660
PDF/HTML Page 650 of 681
single page version

background image
પદ્મપુરાણ એકસો ચૌદમું પર્વ ૬ર૯
સૂર્યની જ્યોતિને જીતે એવાં રત્નોનાં આભૂષણ પહેરી, જળના નિર્મળ તરંગ જેવી
પ્રભાવાળા હાર પહેરી સીતોદા નદીના પ્રવાહયુક્ત નિષધાચળ પર્વત જેવા જ શોભતા
હતા. મુગટ, કંઠાભરણ, કુંડળ, કેયૂરાદિ ઉત્તમ આભૂષણ પહેરીને દેવોથી મંડિત નક્ષત્રો
વચ્ચે ચંદ્ર જેવા શોભતા હતા. આપણા મનુષ્યલોકમાં ચંદ્રમા નક્ષત્ર જ દેખાય છે તેથી
ચંદ્રમા-નક્ષત્રોનું દ્રષ્ટાંત આપ્યું છે. ચંદ્રમા નક્ષત્ર તો જ્યોતિષી દેવ છે. તેમના કરતાં
સ્વર્ગવાસી દેવોની જ્યોતિ અધિક અને બધા દેવો કરતાં ઇન્દ્રની જ્યોતિ અધિક હોય છે.
પોતાના તેજથી દશે દિશામાં ઉદ્યોત કરતા સિંહાસન પર બેઠેલા જિનેશ્વર જેવા ભાસે છે.
ઇન્દ્રની સભા અને ઇન્દ્રાસનનું વર્ણન સમસ્ત મનુષ્યો સેંકડો વર્ષ સુધી કરે તો પણ કરી
ન શકે. સભામાં ઇન્દ્રની પાસે લોકપાલ બધા દેવોમાં મુખ્ય છે, જેમનાં ચિત્ત સુંદર છે, તે
સ્વર્ગમાંથી ચ્યવીને મનુષ્ય થઈ મુક્તિ પામે છે. સોળ સ્વર્ગના બાર ઇન્દ્ર છે, એક એક
ઇન્દ્રના ચાર ચાર લોકપાલ છે તે એકભવધારી છે અને ઇન્દ્રોમાં સૌધર્મ, સનત્કુમાર,
મહેન્દ્ર, લાંતવેન્દ્ર, આરણેન્દ્ર આ છ એકભવધારી છે અને શચિ ઇન્દ્રાણી, પાંચમા સ્વર્ગના
લૌકાંતિક દેવો તથા સર્વાર્થસિદ્ધિના અહમિન્દ્ર મનુષ્ય થઈને મોક્ષ જાય છે. તે સૌધર્મ ઇન્દ્ર
પોતાની સભામાં પોતાના સમસ્ત દેવો સહિત બેઠા છે. લોકપાલાદિક પોતપોતાના સ્થાન
પર બેઠા છે. ઇન્દ્ર શાસ્ત્રનું વ્યાખ્યાન કરતા હતા ત્યાં પ્રસંગ પ્રાપ્ત થતાં એવું કથન કર્યું-
હે દેવો! તમે પોતાના ભાવરૂપ પુષ્પ અત્યંત ભક્તિથી નિરંતર અર્હંતદેવને ચડાવો,
અર્હંતદેવ જગતના નાથ છે. સમસ્ત દોષરૂપ વનને બાળવા દાવાનળ સમાન છે, જેમણે
સંસારના કારણરૂપ મહાઅસુરને અત્યંત દુર્જય જ્ઞાનથી માર્યો. તે અસુર જીવોનો મહાન
વેરી નિર્વિકલ્પ સુખનો નાશક છે અને ભગવાન વીતરાગ ભવ્યજીવોને સંસારસમુદ્રથી
તારવાને સમર્થ છે. સંસારસમુદ્ર કષાયરૂપ ઉગ્ર તરંગથી વ્યાકુળ છે, કામરૂપ ગ્રાહથી
ચંચળતારૂપ, મોહરૂપ મગરથી મૃત્યુરૂપ છે. આવા ભવસાગરથી ભગવાન સિવાય બીજું
કોઈ તારવાને સમર્થ નથી. જેમના જન્મકલ્યાણકમાં ઇન્દ્રાદિક દેવ સુમેરુગિરિ ઉપર
ક્ષીરસાગરના જળથી અભિષેક કરાવે છે, મહાભક્તિથી એકાગ્રચિત્તે પરિવાર સહિત પૂજા
કરે છે, જેમનું ચિત્ત ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થમાં લાગેલું છે, જિનેન્દ્રદેવ
પૃથ્વીરૂપ સ્ત્રીને તજી સિદ્ધરૂપ વનિતાને વર્યા છે. જે પૃથ્વીને વિંધ્યાચળ અને કૈલાસ બે
સ્તન છે અને સમુદ્રના તરંગો જેની કટિમેખલા છે. આ જીવ અનાથ મોહરૂપ અંધકારથી
આચ્છાદિત છે તેમને તે પ્રભુ સ્વર્ગલોકમાંથી મનુષ્યલોકમાં જન્મ ધરી ભવસાગરથી પાર
કરે છે. પોતાના અદ્ભુત અનંતવીર્યથી આઠે કર્મરૂપ વેરીને ક્ષણમાત્રમાં ખપાવ્યા, જેમ
સિંહ મદોન્મત્ત હાથીઓને નસાડે તેમ. ભગવાન સર્વજ્ઞદેવને ભવ્યજીવ અનેક નામથી ગાય
છે-જિનેન્દ્ર ભગવાન, અર્હંત, સ્વયંભૂ, શંભુ, સ્વયંપ્રભુ, સુગત, શિવસ્થાન, મહાદેવ,
કાલંજર, હિરણ્યગર્ભ, દેવાધિદેવ ઇશ્વર, મહેશ્વર, બ્રહ્મા-વિષ્ણુ, બુદ્ધ, વીતરાગ, વિમલ,
વિપુલ, પ્રબલ, ધર્મચક્રી, પ્રભુ, વિભુ, પરમેશ્વર, પરમજ્યોતિ, પરમાત્મા, તીર્થંકરકૃત કૃત્ય કૃપાલુ,
સંસારસૂદન, સુર જ્ઞાનચક્ષુ, ભવાંતક ઇત્યાદિ અપાર નામ યોગીશ્વર ગાય છે. ઇન્દ્ર, ધરણેન્દ્ર,

Page 630 of 660
PDF/HTML Page 651 of 681
single page version

background image
૬૩૦ એકસો ચૌદમું પર્વ પદ્મપુરાણ
ચક્રવર્તી ભક્તિથી સ્તુતિ કરે છે, જે ગોપ્ય છે અને પ્રકટ પણ છે. જેમનાં નામ સકળ
અર્થસંયુક્ત છે. જેના પ્રસાદથી આ જીવ કર્મથી છૂટી પરમધામ પામે છે. જેવો જીવનો
સ્વભાવ છે તેવો ત્યાં રહે છે, જે સ્મરણ કરે તેનાં પાપ વિલય પામે છે. તે ભગવાન
પુરાણ પુરુષોત્તમ, પરમ ઉત્કૃષ્ટ આનંદની ઉત્પત્તિનું કારણ કલ્યાણનું મૂળ છે, દેવોના દેવ
છે, તમે તેમના ભક્ત થાવ. જો તમારું કલ્યાણ ચાહતા હો તો પોતાના હૃદયમાં
જિનરાજને પધરાવો. આ જીવ અનાદિનિધન છે, કર્મોથી પ્રેરાઈને ભવવનમાં ભટકે છે,
સર્વ જન્મમાં મનુષ્યભવ દુર્લભ છે. મનુષ્યભવ પામીને જે ભૂલે છે તેમને ધિક્કાર છે!
ચતુરર્ગતિરૂપ ભ્રમણવાળા સંસારસમુદ્રમાં ફરીથી ક્યારે બોધ પામશો? જે અર્હંતનું ધ્યાન
કરતો નથી, અહો, ધિક્કાર છે તેમને, જે મનુષ્યદેહ પામીને જિનેન્દ્રને જપતો નથી.
જિનેન્દ્ર કર્મરૂપ વેરીનો નાશ કરનાર છે. તેને ભૂલીને પાપી નાના પ્રકારની યોનિમાં
ભ્રમણ કરે છે. કોઈ વાર મિથ્યાતપ કરીને ક્ષુદ્રદેવ થાય છે, કોઈ વાર મરીને સ્થાવર
યોનિમાં જઈ અતિકષ્ટ ભોગવે છે. આ જીવ કુમાર્ગના આશ્રયથી મોહને વશ થઈ
ઇન્દ્રોનાય ઇન્દ્ર એવા જિનેન્દ્રને ધ્યાતો નથી. જુઓ, મનુષ્ય થઈને મૂર્ખ વિષરૂપ માંસનો
લોભી મોહનીય કર્મના યોગથી અહંકાર મમકાર પામે છે, જિનદીક્ષા ધારતો નથી,
મંદભાગીઓને જિનદીક્ષા દુર્લભ છે, કોઈવાર કુતપ કરી મિથ્યાદ્રષ્ટિ સ્વર્ગમાં આવી ઉપજે
છે તે હીનદેવ થઈ પશ્ચાત્તાપ કરે છે કે અમે મધ્યલોક રત્નદ્વીપમાં મનુષ્ય થયા હતા ત્યાં
અર્હંતનો માર્ગ જાણ્યો નહિ, પોતાનું કલ્યાણ કર્યું નહિ, મિથ્યાતપથી કુદેવ થયા. અરેરે!
ધિક્કાર તે પાપીઓને, જે કુશાસ્ત્રની પ્રરૂપણાથી મિથ્યા ઉપદેશ આપી મહામાનથી ભરેલા
જીવોને કુમાર્ગે ધકેલે છે! મૂઢોને જિનધર્મ દુર્લભ છે તેથી ભવેભવ દુઃખી થાય છે. નારકી
અને તિર્યંચ તો દુઃખી છે જ અને હીનદેવ પણ દુઃખી જ છે. મોટી ઋદ્ધિના ધારક દેવ પણ
સ્વર્ગમાંથી ચ્યવે છે તે મરણનું ઘણું દુઃખ છે અને ઇષ્ટવિયોગનું પણ મોટું દુઃખ છે. મોટા
દેવોની પણ આ દશા છે તો બીજા ક્ષુદ્રદેવોની શી વાત? જે મનુષ્યદેહમાં જ્ઞાન પામી
આત્મકલ્યાણ કરે છે તે ધન્ય છે. ઇન્દ્રે આ પ્રમાણે કહીને ફરી કહ્યું-એવો દિવસ ક્યારે
આવે, જ્યારે મારી સ્વર્ગની સ્થિતિ પૂરી થઈને હું મનુષ્યભવ પામી વિષયરૂપ વેરીઓને
જીતી કર્મોનો નાશ કરી તપના પ્રભાવથી મુક્તિ પામું? ત્યાં એક દેવે કહ્યું-અહીં સ્વર્ગમાં
તો આપણી એવી જ બુદ્ધિ હોય છે, પરંતુ મનુષ્યદેહ પામીને ભૂલી જઈએ છીએ. જો
કદાચ મારી વાતની પ્રતીતિ ન આવતી હોય તો પાંચમા સ્વર્ગના બ્રહ્મેન્દ્રી નામના ઇન્દ્ર
અત્યારે રામચંદ્ર થયા છે તે અહીં તો એમ જ કહેતા હતા અને હવે વૈરાગ્યનો વિચાર જ
કરતા નથી. ત્યારે સૌધર્મેન્દ્રે કહ્યું બધાં બંધનોમાં સ્નેહનું બંધન મોટું છે. હાથ, પગ, કંઠ
આદિ અંગ બંધાયાં હોય તે તો છૂટે, પરંતુ સ્નેહરૂપ બંધનથી બંધાયેલ કેવી રીતે છૂટે?
સ્નેહથી બંધાયેલો એક તસુમાત્ર ખસી શકે નહિ. રામચંદ્રને લક્ષ્મણ પ્રત્યે અતિ અનુરાગ
છે, લક્ષ્મણને જોયા વિના તેમને તૃપ્તિ થતી નથી, તેમને પોતાના જીવથી પણ અધિક જાણે
છે, એક નિમિષમાત્ર પણ લક્ષ્મણને ન જુએ તો રામનું મન વિકલ થઈ જાય છે તેથી
તજી કેવી રીતે વૈરાગ્ય પામે? કર્મોની

Page 631 of 660
PDF/HTML Page 652 of 681
single page version

background image
પદ્મપુરાણ એકસો પંદરમું પર્વ ૬૩૧
એવી જ ચેષ્ટા છે કે બુદ્ધિમાન પણ મૂર્ખ થઈ જાય છે. જુઓ, જેણે પોતાના બધા ભવ
સાંભળ્‌યા છે એવા વિવેકી રામ પણ આત્મહિત કરતા નથી. હે દેવો! જીવોને સ્નેહનું મોટું
બંધન છે, તેના જેવું બીજું નથી, તેથી સુબુદ્ધિઓએ સ્નેહ તજી સંસારસાગર તરવાનો પ્રયત્ન
કરવો જોઈએ. આ પ્રમાણે ઇન્દ્રના મુખે તત્ત્વજ્ઞાનરૂપ ઉપદેશ અને જિનવરનાં ગુણોના
અનુરાગથી અત્યંત પવિત્ર ભક્તિનો ઉપદેશ સાંભળીને દેવો ચિત્તની વિશુદ્ધતા પામી
જન્મજરામરણના ભયથી કંપ્યા, મનુષ્ય થઈ મુક્તિ પ્રાપ્ત કરવાની અભિલાષા કરવા લાગ્યા.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં ઇન્દ્રના દેવોને આપવામાં આવેલા
ઉપદેશનું વર્ણન કરનાર એકસો ચૌદમું પર્વ પૂર્ણ થયું.
* * *
એકસો પંદરમું પર્વ
(લક્ષ્મણનું મરણ અને લવણ–અંકુશની દીક્ષા)
પછી ઇન્દ્ર સભામાંથી ઊઠયા ત્યારે કલ્પવાસી, ભવનવાસી, જ્યોતિષી અને વ્યંતર
બધા દેવ ઇન્દ્રને નમસ્કાર કરી ઉત્તમ ભાવ ધરી પોતપોતાના સ્થાનકે ગયા. પહેલા-બીજા
સ્વર્ગ સુધી ભવનવાસી, વ્યંતર અને જ્યોતિષી દેવોને કલ્પવાસી દેવ લઈ જઈ શકે છે તે
સભામાંના બે સ્વર્ગવાસી દેવ રત્નચૂલ અને મૃગચૂલ બળભદ્ર-નારાયણના સ્નેહની પરીક્ષા
કરવા તૈયાર થયા. તેમણે મનમાં વિચાર્યું કે તે બન્ને ભાઈ પરસ્પર પ્રેમપૂર્ણ કહેવાય છે
તો તે બન્નેની પ્રીતિ જોઈએ. રામને લક્ષ્મણ પ્રત્યે એનો સ્નેહ છે કે જેને જોયા વિના ન
રહે. તો રામના મરણના સમાચાર સાંભળી લક્ષ્મણ કેવી ચેષ્ટા કરે? શોકથી વિહ્વળ
થયેલ લક્ષ્મણ કઈ ચેષ્ટા કરે છે તે એક ક્ષણ જોઈ આવીએ. શોકથી લક્ષ્મણનું મુખ કેવું
થઈ જાય, કોના ઉપર કોપ કરે, શું બોલે, એવી ધારણાથી બન્ને દુરાચારી દેવ અયોધ્યા
આવ્યા. તેમણે રામના મહેલમાં વિક્રિયા કરીને અંતઃપુરની બધી સ્ત્રીઓના રુદનના અવાજ
કરાવ્યા તેમ જ એવી વિક્રિયા કરી કે દ્વારપાળ, ઉમરાવ, મંત્રી, પુરોહિત આદિ નીચું મુખ
કરી લક્ષ્મણ પાસે આવ્યા અને બોલ્યા કે હે નાથ! રામ પરલોક પધાર્યા. આ વચન
સાંભળીને લક્ષ્મણે મંદ પવનથી ચાલતા નીલકમળ જેવા સુંદર નેત્રો છે તેમણે ‘અરેરે’
એટલો શબ્દપણ અડધો ઉચ્ચારીને તત્કાળ જ પ્રાણ તજી દીધા. આંખની પલક જેવી હતી
તેવી જ રહી ગઈ, જીવ જતો રહ્યો, શરીર અચેતન પડી રહ્યું. લક્ષ્મણને ભાઈના મિથ્યા
મૃત્યુના વચનરૂપ અગ્નિથી બળી ગયેલ જોઈને બન્ને દેવ આકુળવ્યાકુળ થઈ ગયા. તે
લક્ષ્મણને જિવાડવાને અસમર્થ હતા. ત્યારે વિચાર્યું કે આનું મૃત્યુ આ જ પ્રમાણે થવાનું
હતું, મનમાં અત્યંત પસ્તાયા, વિષાદ અને આશ્ચર્યથી ભરેલા પોતાના સ્થાનકે ગયા,
તેમનું ચિત્ત શોકરૂપ અગ્નિથી તપતું હતું. લક્ષ્મણની તે મનોહર મૂર્તિ મરણ પામી, દેવો
જોઈ ન શક્યા,

Page 632 of 660
PDF/HTML Page 653 of 681
single page version

background image
૬૩ર એકસો પંદરમું પર્વ પદ્મપુરાણ
ત્યાં ઊભા ન રહ્યા, તેમનો પ્રયોગ નિંદ્ય હતો. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે-હે
રાજન્! જે પાપી વિના વિચાર્યે કોઈ કામ કરે છે તેને પશ્ચાત્તાપ જ થાય છે. દેવો ચાલ્યા
ગયા અને લક્ષ્મણની સ્ત્રી પતિને અચેતનરૂપ દેખી પ્રસન્ન કરવા તૈયાર થઈ. કહે છે-હે
નાથ! કઈ અવિવેકિનીએ સૌભાગ્યના ગર્વથી અભિમાનીએ આપનું માન ન સાચવ્યું?
તેણે ઉચિત નથી કર્યું. હે દેવ! આપ પ્રસન્ન થાવ. તમારી અપ્રસન્નતા અમને દુઃખનું કારણ
છે. આમ કહીને તે અત્યંત પ્રેમભરી લક્ષ્મણના અંગ સાથે આલિંગન કરી તેના પગમાં
પડી. તે રાણીઓ ચતુરાઈનાં વચન કહેવામાં તત્પર કોઈ વીણા લઈ લગાડવા લાગી, કોઈ
મૃદંગ વગાડવા લાગી, કોઈ મધુર સ્વરે પતિના ગુણ ગાવા લાગી. તે સૌનું ચિત્ત પતિને
પ્રસન્ન કરવામાં ઉદ્યમી હતું. કોઈ પતિનું મુખ દેખે છે અને પતિનાં વચન સાંભળવાની
અભિલાષા રાખે છે. કોઈ નિર્મળ સ્નેહવાળી પતિના શરીરને વળગીને કુંડળમંડિત
અતિસુંદર કાંતિવાળા કપોલોને સ્પર્શ કરવા લાગી, કોઈ મધુરભાષિણી પતિનાં ચરણો
પોતાના શિર પર મૂકવા લાગી, કોઈ મૃતનયની ઉન્માદથી ભરેલી કટાક્ષરૂપ કમળપુષ્પનો
ઘૂમટો કરવા લાગી, આળસ મરડતી પતિનું વદન નિરખી અનેક ચેષ્ટા કરવા લાગી.
આ પ્રમાણે આ ઉત્તમ સ્ત્રીઓ પતિને પ્રસન્ન કરવા અનેક યત્ન કરે છે, પરંતુ
તેમના પ્રયત્ન અચેતન શરીરમાં નિરર્થક ગયા. લક્ષ્મણની તે બધી રાણીઓ પવનથી
કમળોનાં વનની પેઠે ધ્રુજવા લાગી. પતિની આ દશા જોઈને સ્ત્રીઓનું મન અત્યંત
વ્યાકુળ બન્યું, સંશય પામી ગઈ કે ક્ષણમાત્રમાં આ શું થયું, ચિંતવી કે કહી શકાતું નથી,
આવા ખેદના કારણરૂપ શોકને મનમાં ધરીને તે મુગ્ધા મોહની મારી ફસાઈ પડી, ઇન્દ્રાણી
સમાન ચેષ્ટાવાળી તે રાણીઓ તાપથી સુકાઈ ગઈ. કોણ જાણે તેમની સુંદરતા ક્યાં ચાલી
ગઈ? આ વૃત્તાંત અંદરના લોકોના મુખે સાંભળીને શ્રી રામચંદ્ર મંત્રીઓ સહિત સંભ્રમથી
ભરેલા ભાઈ પાસે આવ્યા, અંદર રાજના માણસો પાસે ગયા. લક્ષ્મણનું મુખ પ્રભાતના
ચંદ્રમા સમાન મદકાંતિવાળું જોયું, કોઈ વૃક્ષ તત્કાળ મૂળમાંથી ઊખડી ગયું હોય તેવી
સ્થિતિમાં ભાઈને જોયા. મનમાં વિચારવા લાગ્યા આજે ભાઈ મારી સાથે વિના કારણે
રૂઠયા છે. એ સદા આનંદરૂપ હોય છે તે આજે કેમ વિષાદરૂપ થઈ ગયા છે? સ્નેહથી
ભરેલા તે તરત જ ભાઈની પાસે જઈ તેને ઊંચકી છાતી સાથે લગાવી મસ્તક ચૂમવા
લાગ્યા. દાહના મારવાળા વૃક્ષ સમાન હરિને જોઈને હળધર તેમના અંગને વળગી પડયા.
જોકે લક્ષ્મણને જીવનનાં ચિહ્નરહિત જોયા તો પણ સ્નેહથી પૂર્ણ રામે તેમને મરેલા માન્યા
નહિ. જેમની ડોક વાંકી થઈ ગઈ છે, જેમનું શરીર ઠંડું પડી ગયું છે, જગતની ભોગળ
જેવી ભુજાઓ શિથિલ થઈ ગઈ છે, શ્વાસોચ્છવાસ ચાલતા નથી, આંખની પલક ઉઘાડ
બંધ થતી નથી. લક્ષ્મણની આ અવસ્થા જોઈ રામ ખેદખિન્ન થઈ પરસેવાથી રેબઝેબ થઈ
ગયા. આ દીનોના નાથ રામ દીન થઈ ગયા, વારંવાર મૂર્ચ્છા ખાઈને પડયા, જેમનાં નેત્ર
આંસુથી ભરેલાં છે તે ભાઈના અંગને નીરખે છે, એના એક નખની પણ રેખા આવી
નહિ, આવા આ

Page 633 of 660
PDF/HTML Page 654 of 681
single page version

background image
પદ્મપુરાણ એકસો પંદરમું પર્વ ૬૩૩
મહાબળવાન કયા કારણે આવી અવસ્થા પામ્યા, એ વિચાર કરતાં તેમનું શરીર ધ્રૂજવા
લાગ્યું. જોકે પોતે સર્વવિદ્યાના નિધાન છે તો પણ ભાઈના મોહથી વિદ્યા ભુલાઈ ગઈ.
મૂર્ચ્છાનો ઉપાય જાણનારા વૈદ્યોને બોલાવ્યા, મંત્ર-ઔષધમાં પ્રવીણ કળાના પારગામી વૈદ્યો
આવ્યા. તે જીવતા હોય તો કાંઈક પ્રયત્ન કરે, તે માથું ધુણાવી નીચું મુખ કરી ગયા.
ત્યારે રામ નિરાશ થઈ મૂર્ચ્છા ખાઈને પડી ગયા. જેમ વૃક્ષનું મૂળિયું ઉખડી જાય અને
વૃક્ષ તૂટી પડે તેમ પોતે પડયા, મોતીના હાર, ચંદનમિશ્રિત જળ અને તાડના વીંઝણાથી
પવન નાખી રામને સચેત કર્યા. તે વિહ્વળ બનીને વિલાપ કરવા લાગ્યા. શોક અને
વિષાદથી પીડિત રામે આંસુઓના પ્રવાહથી પોતાનું મુખ આચ્છાદિત કર્યું. આંસુથી
આચ્છાદિત રામનું મુખ જળધારાથી આચ્છાદિત ચંદ્ર જેવું દેખાય છે. રામને અતિવિહ્વળ
જોઈને સર્વ રાજલોક રુદન કરવા લાગ્યા. દુઃખરૂપ સાગરમાં મગ્ન બધી સ્ત્રીઓ ખૂબ રોવા
લાગી. તેમના અવાજથી દશે દિશા ભરાઈ ગઈ. તેમના વિલાપના શબ્દો સાંભળો-અરેરે
નાથ! પૃથ્વીને આનંદના કારણ, અમને વચનરૂપ દાન આપો. તમે વિના કારણે કેમ મૌન
ધારણ કર્યું છે? અમારો શો અપરાધ છે? વિના અપરાધે અમને કેમ તજો છો? તમે તો
એવા દયાળુ છો કે અનેક ભૂલ થાય તો પણ ક્ષમા કરો.
ત્યારપછી આ ઘટનામાં લવ અને અંકુશ પરમ વિષાદ પામી વિચારવા લાગ્યા કે
ધિક્કાર છે આ અસાર સંસારને. આ શરીર સમાન બીજું ક્ષણભંગુર કોણ છે જે એક
આંખના પલકારામાં મરણ પામે છે. જે વિદ્યાધરોથી પણ ન જિતાય એવા વાસુદેવ પણ
કાળની દાઢમાં આવી ગયા. માટે આ વિનશ્વર શરીર, આ વિનશ્વર રાજ્યસંપદાથી આપણી
કઈ સિદ્ધિ છે? આમ વિચારીને ફરીથી માતાના ગર્ભમાં આવવાનો જેમને ભય લાગ્યો છે
એવા આ સીતાના પુત્રો પિતાનાં ચરણારવિંદને નમસ્કાર કરી મહેન્દ્રોદય નામના ઉદ્યાનમાં
જઈ અમૃતેશ્વર મુનિનું શરણ લઈ બન્ને ભાગ્યવાન ભાઈ મુનિ થયા. જ્યારે આ બન્ને
ભાઈઓએ દીક્ષા લીધી ત્યારે પ્રજાજનો અતિવ્યાકુળ થયા કે હવે અમારા રક્ષક કોણ?
રામને ભાઈના મૃત્યુનું મોટું દુઃખ તેથી તે શોકના વમળમાં પડયા છે, જેમને પુત્રો
ઘરમાંથી નીકળી ગયાની પણ કાંઈ સુધબુધ નથી. રામને રાજ્ય કરતાં, પુત્રો કરતાં,
પ્રિયાઓ કરતાં, પોતાના પ્રાણ કરતાં લક્ષ્મણ અતિપ્યારા છે. જુઓ, આ કર્મોની
વિચિત્રતા, જેનાથી આવા જીવોની આવી અવસ્થા થાય છે. સંસારનું આવું ચરિત્ર જોઈને
જ્ઞાની જીવ વૈરાગ્ય પામે છે. ઉત્તમજનોને કાંઈ એક નિમિત્તમાત્ર બાહ્ય કારણ મળતાં
અંતરંગના વિકારભાવ દૂર થઈ જ્ઞાનરૂપ સૂર્યનો ઉદય થાય છે, પૂર્વોપાર્જિત કર્મોનો
ક્ષયોપશમ હોય ત્યારે વૈરાગ્ય ઉપજે છે.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં લક્ષ્મણનું મરણ અને લવણાંકુશના
વૈરાગ્યનું વર્ણન કરનાર એકસો પંદરમું પર્વ પૂર્ણ થયું.
* * *

Page 634 of 660
PDF/HTML Page 655 of 681
single page version

background image
૬૩૪ એકસો સોળમું પર્વ પદ્મપુરાણ
એકસો સોળમું પર્વ
(લક્ષ્મણના મૃત્યુથી દુઃખી થઈને શ્રીરામનો વિલાપ)
પછી ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે-હે ભવ્યોત્તમ! લક્ષ્મણ કાળપ્રાપ્ત થતાં
સમસ્ત પ્રજા વ્યાકુળ થઈ. યુગપ્રધાન રામ અતિવ્યાકુળ થઈ બધાં કાર્યોથી મુક્ત થયા,
કાંઈ સુધ રહી નહિ. લક્ષ્મણનું શરીર સ્વભાવથી જ સુરૂપ, કોમળ, સુગંધમય, મૃત હોવા
છતાં જેવું ને તેવું રહ્યું તેથી શ્રી રામ લક્ષ્મણને એક ક્ષણ પણ છોડતા નહિ. કોઈ વાર
હૃદય સાથે ચાંપી લે, કોઈવાર પંપાળે, કોઈ વાર ચૂમે, કોઈ વાર એને લઈને પોતે બેસી
જાય, કોઈ વાર લઈને ઊઠીને ચાલવા લાગે, એક ક્ષણ પણ કોઈનો વિશ્વાસ ન કરતા,
એક ક્ષણ પણ છોડે નહિ. જેમ બાળકના હાથમાં અમૃત આવે અને તે મજબૂત પકડી રાખે
તેમ રામ અતિપ્રિય લક્ષ્મણને મજબૂત રીતે પકડી રાખતા અને દીનોની જેમ વિલાપ
કરતા-અરે ભાઈ! આ તને શું યોગ્ય લાગે છે કે મને છોડીને તેં એકલા ભાગી જવાની
બુદ્ધિ કરી? હું તારો વિરહ એક ક્ષણ પણ સહન કરી શકું તેમ નથી, એ વાત તું શું નથી
જાણતો? તું તો બધી વાતોમાં પ્રવીણ છો. હવે મને દુઃખના સાગરમાં ફેંકીને આવી ચેષ્ટા
કરે છે. અરે ભાઈ! આ કેવું ક્રૂર કાર્ય કર્યું કે મને જાણ કર્યા વિના મને પૂછયા વિના
કૂચનું નગારું વગાડયું. હે વત્સ! હે બાળક! એક વખત મને વચનરૂપ અમૃત પા, તું તો
અત્યંત વિનયી હતો, વિના અપરાધે મારા પર કેમ કોપ કર્યો? હે મનોહર! અત્યાર સુધી
મારા પ્રત્યે આટલું માન નથી કર્યું, હવે કાંઈક બીજો જ બની ગયો. કહે, મેં શું કર્યું છે કે
તું રિસાયો છે? તું હમેશાં એવો વિનય કરતો કે મને દૂરથી આવતો જોઈ ઊભો થઈ
જઈને સામે આવતો, મને સિંહાસન પર બેસાડતો, પોતે જમીન પર બેસતો. હવે કેવી
દશા થઈ છે. હું મારું મસ્તક તારા પગમાં મૂકું છું તો પણ બોલતો નથી. તારાં ચરણો
ચંદ્રકાંતમણિ કરતાં અધિક જ્યોતિવાળા નખોથી શોભિત દેવ વિદ્યાધર સેવે છે. હે દેવ!
હવે શીઘ્ર ઊઠો, મારા પુત્ર વનમાં ગયા તે દૂર ગયા નથી, તેમને અમે તરત પાછા
લાવીશું અને તમારા વિના આ તમારી રાણીઓ આર્તધ્યાનથી ભરેલી વિરહી ચકવીની
જેમ કલકલાટ કરે છે. તમારા ગુણરૂપ પ્રાશથી બંધાયેલી તે પૃથ્વી પર આળોટતી રહે છે.
તેના હાર વિખરાઈ ગયા છે, શીશફૂલ, ચૂડામણિ, કટિમેખલા, કર્ણાભરણ બધું વિખરાઈને
પડયું છે, એ મહાવિલાપથી રુદન કરે છે, એનું રુદન કેમ ન મટાડો. હવે હું તમારા વિના
શું કરું! ક્યાં જાઉં! એવું કોઈ સ્થાન નથી જ્યાં મને વિશ્રામ મળે અને તમારું ચક્ર
તમારા પ્રત્યે અનુરક્ત છે તેનો ત્યાગ શું તમારા માટે ઉચિત છે? તમારા વિયોગમાં મને
એકલો જાણી આ શોકરૂપ શત્રુ દબાવે છે, હવે હું હીનપુણ્યવાન શું કરું? મને અગ્નિ
એટલો બાળતો નથી અને વિષ કંઠને એટલું શોષતું નથી, જેટલો તમારો વિરહ મને શોષે
છે. હે લક્ષ્મીધર! ક્રોધ ત્યજ. ઘણી વાર થઈ અને તમારા જેવા ધર્માત્મા ત્રિકાળ સામાયિક
કરનારા, જિનરાજની પૂજામાં નિપુણ તે સામાયિકનો સમય વીતી ગયો, પૂજાનો સમય
વીતી ગયો, હવે મુનિઓને આહાર આપવાની વેળા છે માટે ઊઠો. તમે

Page 635 of 660
PDF/HTML Page 656 of 681
single page version

background image
પદ્મપુરાણ એકસો સોળમું પર્વ ૬૩પ
સાધુઓના સદાય સેવક આવો પ્રમાદ કેમ કરો છો? હવે આ સૂર્ય પણ પશ્ચિમ દિશા તરફ
આવ્યો, સરોવરનાં કમળો બિડાઈ ગયાં તેમ તમારા દર્શન વિના લોકોનાં મન મુદ્તિ થઈ
ગયાં છે. આ પ્રમાણે વિલાપ કરતાં કરતાં દિવસ પૂરો થયો, રાત્રિ પડી ત્યારે રાત્રે સુંદર
શય્યા બિછાવી ભાઈને ભુજાઓમાં લઈ સૂઈ ગયા. કોઈનો તેમને વિશ્વાસ નહોતો. રામે
બધા ઉદ્યમ છોડયા, એક લક્ષ્મણમાં મન છે, રાત્રે કાનમાં કહે છે-હે દેવ! હવે તો હું
એકલો છું, તમારા મનની વાત મને કહો, તમે કયા કારણે આવી અવસ્થા પામ્યા છો,
તમારું વદન ચંદ્રથી પણ અતિમનોહર હતું તે હવે કાંતિરહિત કેમ ભાસે છે? અને તમારાં
નેત્ર મંદ પવનથી ચંચળ નીલકમળ સમાન હતાં તે હવે બીજા રૂપે કેમ ભાસે છે? અહો,
તમારે જે જોઈએ તે લાવું. હે લક્ષ્મણ! આવી ચેષ્ટા કરવી તમને શોભતી નથી. મનમાં જે
હોય તેની મુખથી આજ્ઞા કરો અથવા સીતા તમને યાદ આવી હોય તો તે પતિવ્રતા
આપણા દુઃખમાં સહાયક હતી, પણ તે તો હવે પરલોકમાં ગઈ, તમારે ખેદ કરવો નહિ. હે
ધીર! વિષાદ ત્યજો, વિદ્યાધરો આપણા શત્રુ છે તે આપણી નબળાઈ જોઈને આવશે અને
હવે અયોધ્યા લૂંટાશે, તેથી યત્ન કરવો હોય તે કરો. હે મનોહર! તમે કોઈના તરફ ક્રોધ
કરતા ત્યારે પણ આવા અપ્રસન્ન તમને જોયા નથી, હવે આવા અપ્રસન્ન કેમ લાગો છો?
હે વત્સ! હવે આ ચેષ્ટા છોડો, પ્રસન્ન થાવ, હું તમારા પગે પડું છું, નમસ્કાર કરું છું, તમે
તો મહાવિનયવાન છો, આખી પૃથ્વીમાં આ વાત પ્રસિદ્ધ છે કે લક્ષ્મણ રામના આજ્ઞાકારી
છે, સદા સન્મુખ છે, કદી પરાઽમુખ નથી. તમે અતુલ પ્રકાશવાળા જગતના દીપક છો,
એવું કદી ન થાય કે કાળરૂપ વાયુથી ઓલવાઈ જાઓ. હે રાજાઓના રાજા! તમે આ
લોકને અતિઆનંદરૂપ કર્યો છે, તમારા રાજ્યમાં કોઈને અચેન નથી. ભરત ક્ષેત્રના તમે
નાથ છો, હવે લોકોને અનાથ કરીને ચાલ્યા જવું યોગ્ય નથી, તમે ચક્રથી શત્રુઓનાં સકળ
ચક્ર જીત્યાં, હવે કાળચક્રનો પરાભવ કેવી રીતે સહી શકો છો? તમારું આ સુંદર શરીર
રાજ્યલક્ષ્મીથી જેવું શોભતું હતું તેવું જ મૂર્ચ્છિત થયેલું શોભે છે. હે રાજેન્દ્ર! હવે રાત્રિ
પૂર્ણ થઈ, સંધ્યા ખીલી, સૂર્યોદય થઈ ગયો. હવે તમે નિદ્રા તજો, તમારા જેવા જ્ઞાતા, શ્રી
મુનિસુવ્રતનાથના ભક્ત, પ્રભાતનો સમય કેમ ચૂકી જાવ છો? જે ભગવાન વિતરાગદેવે
મોહરૂપ રાત્રિને હરી લોકાલોકને પ્રગટ કરનારા કેવળજ્ઞાનરૂપ પ્રતાપ પ્રગટ કર્યો, તે
ત્રણલોકના સૂર્ય ભવ્યજીવરૂપ કમળોને વિકસાવનારનું શરણ કેમ સેવતા નથી? જોકે
પ્રભાતનો સમય થયો છે, પરંતુ મને અંધકાર જ ભાસે છે, કેમ કે હું તમારું વદનકમળ
ખીલેલું, હસતું જોતો નથી. તેથી હે વિચક્ષણ! હવે નિદ્રા છોડો. જિનપૂજા કરી સભામાં
બેસો, બધા સામંતો તમારા દર્શન માટે ઊભા છે. મહાન આશ્ચર્ય છે કે સરોવરમાં તો
કમળ ખીલ્યાં, પણ તમારું વદનકમળ ખીલેલું હું જોતો નથી, આવી વિપરીત ચેષ્ટા તમે
હજી સુધી કદી પણ કરી નથી, ઊઠો, રાજ્યકાર્યમાં મન જોડો. હે ભ્રાત! તમારી દીર્ઘનિદ્રાથી
જિનમંદિરની સેવામાં ખામી આવી છે, આખા નગરમાં મંગળ શબ્દો અટકી ગયા છે, ગીત,
નૃત્ય, વાજિંત્રાદિ બંધ થઈ ગયાં છે. બીજાઓની શી વાત? જે મહાવિરક્ત મુનિરાજ

Page 636 of 660
PDF/HTML Page 657 of 681
single page version

background image
૬૩૬ એકસો સત્તરમું પર્વ પદ્મપુરાણ
છે તેમને પણ તમારી આ દશા સાંભળીને ઉદ્વેગ ઉપજે છે. તમે જિનધર્મના ધારક છો,
બધા સાધર્મીજનો તમારી શુભ દશા ઇચ્છે છે, વીણા, બંસરી, મૃદંગાદિના શબ્દ વિનાની
આ નગરી તમારા વિયોગથી વ્યાકુળ થયેલી શોભતી નથી. કોઈ આગલા ભવમાં
અશુભકર્મ મેં ઉપાર્જ્યાં તેના ઉદયથી તમારા જેવા ભાઈની અપ્રસન્નતાથી હું અતિકષ્ટ
પામ્યો છું. હે મનુષ્યોના સૂર્ય! જેમ યુદ્ધમાં શક્તિના ઘાથી અચેત થઈ ગયા હતા અને
આનંદથી ઊભા થઈ મારું દુઃખ દૂર કર્યું હતું તેવી જ રીતે ઊભા થઈને મારો ખેદ મટાડો.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં શ્રી રામદેવના વિલાપનું વર્ણન
કરનાર એકસો સોળમું પર્વ પૂર્ણ થયું.
* * *
એકસો સત્તરમું પર્વ
(શોક સંતપ્ત રામને વિભીષણનું સંબોધન)
ત્યારપછી આ વૃત્તાંત સાંભળી વિભીષણ પોતાના પુત્રો સહિત, વિરાધિત સકળ
પરિવાર સહિત, સુગ્રીવાદિ વિદ્યાધરોના અધિપતિ પોતાની સ્ત્રીઓ સહિત શીઘ્ર
અયોધ્યાપુરી આવ્યા. જેનાં નેત્ર આંસુથી ભરેલાં છે તે હાથ જોડી, મસ્તક નમાવી રામની
પાસે આવ્યા, સૌનાં ચિત્ત શોકથી ભરેલાં છે, તેઓ રામને પ્રણામ કરીને જમીન પર બેઠા,
ક્ષણવાર થોભી મંદ મંદ વાણીથી વિનંતી કરવા લાગ્યા-હે દેવ! જોકે આ શોક દુર્નિવાર છે
તો પણ આપ જિનવાણીના જ્ઞાતા છો, સકળ સંસારનું સ્વરૂપ જાણો છો, માટે આપ શોક
તજવા યોગ્ય છો, આમ કહી બધા ચૂપ થઈ ગયા. પછી બધી જ બાબતોમાં અતિવિલક્ષણ
વિભીષણ કહેવા લાગ્યા-હે મહારાજ! આ અનાદિકાળની રીત છે કે જે જન્મ્યો તે મર્યો.
આખી દુનિયામાં આ જ રીત છે, આમના જ માટે આ બન્યું નથી, જન્મનો સાથી મરણ
છે, મૃત્યુ અવશ્ય છે, કોઈથી એ ટાળી શકાયું નથી અને કોઈથી એ ટળતું નથી. આ
સંસારરૂપ પિંજરામાં પડેલા આ જીવરૂપ પક્ષી બધાં જ દુઃખી છે, કાળવશ છે, મૃત્યુનો
ઉપાય નથી, બીજા બધાનો ઉપાય છે. આ દેહ નિઃસંદેહપણે વિનાશિક છે માટે શોક કરવો
વૃથા છે. જે પ્રવીણ પુરુષ છે તે આત્મકલ્યાણનો ઉપાય કરે છે, રુદન કરવાથી મરેલા
જીવતા નથી કે બોલતા નથી તેથી હે નાથ! શોક ન કરો. આ મનુષ્યોનાં શરીર તો સ્ત્રી-
પુરુષોના સંયોગથી ઉત્પન્ન થયાં છે તે પાણીના પરપોટાની જેમ ફૂટી જાય છે, એનું
આશ્ચર્ય શું? અહમિંન્દ્ર, ઇન્દ્ર, લોકપાલાદિ દેવ આયુષ્યનો ક્ષય થતાં સ્વર્ગમાંથી ચ્યવે છે,
જેમનું સાગરોનું આયુષ્ય હોય છે અને કોઈના મારવાથી મરતા નથી તે પણ કાળ પૂરો
થતાં મરે છે, મનુષ્યોની તો શી વાત? એ તો ગર્ભના ખેદથી પીડિત અને રોગથી પૂર્ણ
દર્ભની અણી ઉપર જ ઝાકળનું બિંદુ આવી પડે તેના જેવું પતનની સન્મુખ છે, અત્યંત
મલિન હાડપિંજર જેવા શરીર કાયમ રહેવાની કેવી

Page 637 of 660
PDF/HTML Page 658 of 681
single page version

background image
પદ્મપુરાણ એકસો સત્તરમું પર્વ ૬૩૭
આશા? આ પ્રાણી પોતાનાં સ્વજનોનો શોક કરે છે તો પોતે શું અજરઅમર છે? પોતે
પણ કાળની દાઢમાં ફસાયેલો છે, તેનો શોક કેમ કરતો નથી? જો એમનું જ મૃત્યુ થયું
હોય અને બીજા અમર હોય તો રુદન કરવું ઠીક છે, પણ જો બધાની જ એ દશા થવાની
હોય તો રુદન શેનું? જેટલા દેહધારી છે તે બધા કાળને આધીન છે, સિદ્ધ ભગવાનને દેહ
નથી તેથી મરણ નથી. આ દેહ જે દિવસે ઉપજ્યો છે તે જ દિવસથી કાળ એને ઉપાડી
જવાની તૈયારીમાં છે. આ બધા સંસારી જીવોની રીત છે તેથી સંતોષ અંગીકાર કરો,
ઈષ્ટના વિયોગથી શોક કરે તે વૃથા છે, શોકથી મરે તો પણ તે વસ્તુ પાછી આવતી નથી,
માટે શોક શા માટે કરીએ? જુઓ, કાળ તો વજ્રદંડ લઈને શિર પર ખડો છે અને સંસારી
જીવ નિર્ભય થઈને રહે છે જેમ માથા પર સિંહ ઊભો હોય અને હરણ લીલું ઘાસ ચરતું
હોય. ત્રિલોકનાથ પરમેષ્ઠી અને સિદ્ધ પરમેષ્ઠી સિવાય ત્રણ લોકમાં કોઈ મૃત્યથી બચ્યા
હોય એવું સાંભળ્‌યું નથી. તે જ અમર છે, બીજા બધા જન્મમરણ કરે છે. આ સંસાર
વિંધ્યાચળના વન સમાન, કાળરૂપ દાવાનળ સમાન બળે છે તે શું તમે જોતા નથી? આ
જીવ સંસારવનમાં ભટકીને અતિકષ્ટથી મનુષ્યદેહ પામે છે તે વૃથા ખોવે છે. કામભોગના
અભિલાષી થઈ મદમાતા હાથીની જેમ બંધનમાં પડે છે, નરક નિગોદનાં દુઃખ ભોગવે છે.
કોઈ વાર વ્યવહારધર્મથી સ્વર્ગમાં દેવ પણ થાય છે, આયુષ્યના અંતે ત્યાંથી પડે છે. જેમ
નદીના કાંઠા પરના ઝાડ કોઈ વાર ઉખડે જ તેમ ચારે ગતિનાં શરીર મૃત્યુરૂપ નદીના
તીર પરનાં વૃક્ષો છે, એમનાં ઊખડવાનું આશ્ચર્ય શું? ઇન્દ્ર, ધરણેન્દ્ર, ચક્રવર્તી આદિ
અનંત જીવો નાશ પામ્યા છે. જેમ મેઘથી દાવાનળ બુઝાય તેમ શાંતિરૂપ મેઘથી કાળરૂપ
દાવાનળ બુઝાય છે, બીજો ઉપાય નથી. પાતાળમાં, ભૂતળ પર અને સ્વર્ગમાં એવું કોઈ
સ્થાન નથી જ્યાં કાળથી બચી શકાય, અને છઠ્ઠા કાળનો છેડો આવતાં આ ભરતક્ષેત્રમાં
પ્રલય થશે, પહાડો પણ વિલય પામશે, તો મનુષ્યોની તો શી વાત? જે ભગવાન
તીર્થંકરદેવ વજ્રાર્ષભનારાચસંહનના ધારક જેમને સમચતુરસ્રસંસ્થાન હોય છે, જે સુર,
અસુર, નરોથી પૂજ્ય છે, જે કોઈથી જિતાતા નથી તેમનું શરીર પણ અનિત્ય છે. તે પણ
દેહ તજી સિદ્ધલોકમાં નિજભાવરૂપ રહે છે તો બીજાઓના દેહ કેવી રીતે નિત્ય હોય? સુર,
નર, નારક અને તિર્યંચોના શરીર કેળાના ગર્ભ સમાન અસાર છે. જીવ તો દેહનો યત્ન
કરે છે અને કાળ પ્રાણ હરે છે; જેમ દરમાંથી સર્પને ગરુડ ઊઠાવી જાય તેમ દેહની
અંદરથી કાળ લઈને જાય છે. આ પ્રાણી અનેક મૃત્યુ પામેલાઓને રોવે છે-અરે ભાઈ!
અરે પુત્ર! અરે મિત્ર! આ પ્રમાણે શોક કરે છે અને કાળરૂપ સર્પ બધાને ગળી જાય છે-
જેમ સર્પ દેડકાને ગળી જાય છે. આ મૂઢ બુદ્ધિવાળો જૂઠા વિકલ્પો કરે છે કે મેં આ કર્યું, હું
આ કરું છું, આ હું કરીશ-એવા વિકલ્પો કરતો કરતો કાળના મુખમાં જઈ પડે છે, જેમ
તૂટેલું જહાજ સમુદ્રના તળિયે પહોંચી જાય છે. પરલોકમાં ગયેલા સજ્જનની સાથે જો કોઈ
જઈ શકતું હોય તો ઇષ્ટનો વિયોગ કદી ન થાય. જે શરીરાદિક પરવસ્તુ સાથે સ્નેહ કરે છે
તે કલેશરૂપ અગ્નિમાં પ્રવેશ કરે છે. આ જીવોને

Page 638 of 660
PDF/HTML Page 659 of 681
single page version

background image
૬૩૮ એકસો અઢારમું પર્વ પદ્મપુરાણ
આ સંસારમાં એટલાં સ્વજનો થયાં છે કે જેની સંખ્યા નથી. તે સમુદ્રની રેતીના કણોથી
પણ અપાર છે અને નિશ્ચયથી જોઈએ તો આ જીવનો ન કોઈ શત્રુ છે, ન કોઈ મિત્ર છે.
શત્રુ તો રાગાદિ છે અને મિત્ર જ્ઞાનાદિ છે. જેમને અનેક પ્રકારે લાડ લડાવીએ છીએ અને
પોતાના માનીએ છીએ તે પણ વેર પામી અત્યંત રોષથી તેને જ હણે છે. જેણે પોતાનાં
સ્તનોનું દૂધ પાયું હોય જેનાથી શરીર વૃદ્ધિ પામ્યું હોય એવી માતાને પણ જીવ હણે છે.
ધિક્કાર છે આ સંસારની ચેષ્ટાને. જે પહેલાં સ્વામી હતો અને વારંવાર નમસ્કાર કરાવતો
તે તેનો જ દાસ થઈ જાય છે ત્યારે તેને પગની લાતોથી મારીએ છીએ. હે પ્રભો! મોહની
શક્તિ જુઓ-એને વશ થયેલો આ જીવ પોતાને જાણતો નથી, પરને પોતારૂપ જાણે છે,
જેમ કોઈ હાથથી કાળો નાગ પકડે તેમ કનક અને કામિનીને ગ્રહે છે. આ લોકાકાશમાં
એવું તલમાત્ર ક્ષેત્ર નથી, જ્યાં જીવે જન્મમરણ ન કર્યાં હોય, અને નરકમાં એને ત્રાંબાનો
ઉકાળેલો રસ પાયો અને એ એટલી વાર નરકમાં ગયો છે કે એને પાયેલા તાંબાના
પ્રજ્વલિત રસનો સરવાળો કરીએ તો સમુદ્રના જળથી તે અધિક થાય, અને ભૂંડ, કૂતરા,
ગધેડાના અવતાર ધરીને આ જીવે એટલા મળનો આહાર કર્યો છે કે અનંત જન્મનો
સરવાળો કરતાં તે હજારો વિંધ્યાચળના રાશિથી અધિક થાય અને આ અજ્ઞાની જીવે
ક્રોધના વશે બીજાનાં એટલાં શિર કાપ્યાં છે કે તેણે છેદેલાં શિરને એકત્ર કરતાં તે
જ્યોતિષચક્રને ઓળંગી જાય. આ જીવ નરકમાં ગયો ત્યાં અધિક દુઃખ મળ્‌યું અને
નિગોદમાં ગયો ત્યાં અનંતકાળ જન્મમરણ કર્યાં. આ વાત સાંભળ્‌યા પછી કોણ મિત્ર પ્રત્યે
મોહ કરે? એક નિમિષમાત્ર વિષયના સુખને અર્થે કોણ અપાર દુઃખ સહન કરે? આ જીવ
મોહરૂપ પિશાચને વશ પડી સંસારવનમાં ભટકે છે. હે શ્રેણિક! વિભીષણ રામને કહે છે-હે
પ્રભો! લક્ષ્મણનું આ મૃતક શરીર છોડો એ યોગ્ય છે અને શોક કરવો યોગ્ય નથી. આ
કલેવરને છાતીએ વળગાડી રાખવું યોગ્ય નથી. આ પ્રમાણે વિદ્યાધરોના સૂર્ય વિભીષણે
શ્રી રામને વિનંતી કરી. રામ મહાવિવેકી છે, તેમના દ્વારા બીજા પ્રતિબોધ પામે એમ છે,
તોપણ મોહના યોગથી તેમણે લક્ષ્મણની મૂર્તિને તજી નહિ, જેમ વિનયવાન શિષ્ય ગુરુની
આજ્ઞા તજે નહિ.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં લક્ષ્મણનો વિયોગ, રામનો વિલાપ
અને વિભીષણનું સંસાર સ્વરૂપનું વર્ણન કહેનાર એકસો સત્તરમું પર્વ પૂર્ણ થયું.
* * *
એકસો અઢારમું પર્વ
(દેવો દ્વારા સંબોધન રામનું શોકરહિત થવું અને લક્ષ્મણના દેહનો દાહસંસ્કાર કરવો)
પછી સુગ્રીવાદિક બધા રાજા શ્રી રામચંદ્રને વિનંતી કરવા લાગ્યા કે હવે વાસુદેવની
દાહક્રિયા કરો. શ્રી રામને આ વચન અતિઅનિષ્ટ લાગ્યું અને ક્રોધથી કહ્યું કે તમે તમારાં માતા,

Page 639 of 660
PDF/HTML Page 660 of 681
single page version

background image
પદ્મપુરાણ એકસો અઢારમું પર્વ ૬૩૯
પિતા, પુત્ર, પૌત્ર બધાંની દગ્ધક્રિયા કરો, મારા ભાઈની દગ્ધક્રિયા શા માટે થાય? તમારા
પાપીઓના મિત્ર, બંધુ, કુટુંબ તે સૌ નાશ પામે, મારો ભાઈ શા માટે મરે? ઊઠો લક્ષ્મણ,
આ દુષ્ટોના સંયોગથી બીજી જગ્યાએ જઈએ, જ્યાં આ પાપીઓનાં કડવાં વચન સાંભળવાં
ન મળે. આમ કહી ભાઈને છાતીએ વળગાડી, ખભા ઉપર લઈ ઊઠીને ચાલ્યા ગયા.
વિભીષણ, સુગ્રીવાદિક અનેક રાજાઓ એમની સાથે પાછળ પાછળ ચાલ્યા. રામ કોઈનો
વિશ્વાસ કરતા નથી, ભાઈને ખભે ઉપાડીને ફરે છે. જેમ બાળકના હાથમાં વિષફળ આવ્યું
હોય અને તેના હિતકર્તા તે છોડાવવા ચાહે અને તે બાળક ન છોડે તેમ રામ લક્ષ્મણના
શરીરને છોડતા નથી. આંસુથી જેમનાં નેત્રો ભીંજાઈ ગયાં છે તે ભાઈને કહેવા લાગ્યા, હે
ભ્રાતા! હવે ઊઠો, ઘણી વાર થઈ, આવી રીતે કેમ સૂઓ છો, હવે સ્નાનની વેળા થઈ
ગઈ છે, સ્નાનના સિંહાસન પર બિરાજો. આમ કહી મૃતક શરીરને સ્નાનના સિંહાસન
પર બેસાડયું અને મોહથી ભરેલા રામ મણિ સ્વર્ણના કળશોથી સ્નાન કરાવવા લાગ્યા
અને મુગટાદિ સર્વ આભૂષણ પહેરાવ્યાં અને ભોજનની તૈયારી કરાવી. સેવકોને કહ્યું,
નાના પ્રકારનાં રત્નસુવર્ણના પાત્રોમાં નાના પ્રકારનાં ભોજન લાવો, જેથી ભાઈનું શરીર
પુષ્ટ થાય. સુંદર ભાત, દાળ, રોટલી, જુદા જુદા પ્રકારનાં શાક, જાતજાતના રસ જલદી
લાવો. આ આજ્ઞા થતાં સેવકો બધી સામગ્રી લઈ આવ્યા, તેઓ તો નાથના આજ્ઞાકારી
હતા. ત્યારે રઘુનાથ પોતે લક્ષ્મણના મુખમાં કોળિયા મૂકતા, પણ તે ખાતા નહિ, જેમ
અભવ્યને જિનરાજનો ઉપદેશ ગ્રહતો નથી. ત્યારે તેઓ બોલ્યા કે તેં મારા ઉપર ગુસ્સો
કર્યો છે, પણ આહાર ઉપર શા માટે ગુસ્સો કરે છે? આહાર તો કરો, મારી સાથે ભલે ન
બોલતા. જેમ જિનવાણી અમૃતરૂપ છે, પરંતુ દીર્ઘ સંસારીને રુચતી નથી તેમ તે અમૃતમય
આહાર લક્ષ્મણના મૃત શરીરને ન રુચ્યો. પછી રામચંદ્ર કહે છે-હે લક્ષ્મીધર! આ
જાતજાતની દૂધ વગેરે પીવાયોગ્ય વસ્તુ તો પીઓ, એમ કહી ભાઈને દૂધાદિ પિવડાવવા
ઈચ્છે છે તે કેવી રીતે પીએ? ગૌતમ સ્વામી શ્રેણિકને કહે છે; આ વિવેકી રામ સ્નેહથી
જેમ જીવતાની સેવા કરીએ તેમ મૃતક ભાઈની કરતા હતા. જુદા જુદાં મનોહર ગીત,
વીણા, બંસરી આદિના મધુર નાદ કરતા હતા, પણ તે બધું મૃતકને શું રુચે? જાણે મરેલા
લક્ષ્મણ રામનો સંગ તજતા નહોતા. ભાઈને ચંદનનો લેપ કર્યો, હાથોથી ઉપાડી, હૃદય
સાથે ચાંપી, શિર ચૂમતા હતા, મુખ ચૂમતા હતા, હાથ ચૂમતા હતા અને કહે છે-હે
લક્ષ્મણ! આ શું થયું? તું તો આટલું કદી ન સૂતો, હવે તો વિશેષ સૂવા લાગ્યો, હવે નિદ્રા
તજો. આ પ્રમાણે સ્નેહરૂપ ગ્રહથી ગ્રહાયેલા બળદેવ નાના પ્રકારની ચેષ્ટા કરે છે. આ
વૃત્તાંત આખી પૃથ્વી પર પ્રગટ થયા કે લક્ષ્મણનું મૃત્યુ થયું છે, લવ-અંકુશ મુનિ થયા છે
અને રામ મોહના માર્યા મૂઢ થઈ ગયા છે ત્યારે વેરી ખળભળાટ કરવા લાગ્યા, જેમ
વર્ષઋતુનો સમય પામીને મેઘ ગર્જના કરવા લાગે છે. શંબૂકના ભાઈ સુંદરનો પુત્ર, જેનું
ચિત્ત વિરોધવાળું છે, તે ઇન્દ્રજિતના પુત્ર વજ્રમાલી પાસે આવ્યો અને કહ્યું કે મારા
પિતાના મોટા ભાઈ અને દાદા એ બન્નેને લક્ષ્મણે માર્યા છે તેથી મારે રઘુવંશીઓ સાથે વેર