Shastra Swadhyay (Gujarati). 9. sarvishuddhagyAn adhikAr; PravchansAr; 1. gyAntattva pragyApan.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 3 of 12

 

Page 29 of 214
PDF/HTML Page 41 of 226
single page version

background image
બંધન મહીં જે બદ્ધ તે નર બંધછેદનથી છૂટે,
ત્યમ જીવ પણ બંધો તણું છેદન કરી મુક્તિ લહે. ૨૯૨.
બંધો તણો જાણી સ્વભાવ, સ્વભાવ જાણી આત્મનો,
જે બંધ માંહી વિરક્ત થાયે, કર્મમોક્ષ કરે અહો! ૨૯૩.
જીવ બંધ બન્ને, નિયત નિજ નિજ લક્ષણે છેદાય છે,
પ્રજ્ઞાછીણી થકી છેદતાં બન્ને જુદા પડી જાય છે. ૨૯૪.
જીવ બંધ જ્યાં છેદાય એ રીત નિયત નિજ નિજ લક્ષણે,
ત્યાં છોડવો એ બંધને, જીવ ગ્રહણ કરવો શુદ્ધને. ૨૯૫.
એ જીવ કેમ ગ્રહાય? જીવ ગ્રહાય છે પ્રજ્ઞા વડે;
પ્રજ્ઞાથી જ્યમ જુદો કર્યો ત્યમ ગ્રહણ પણ પ્રજ્ઞા વડે. ૨૯૬.
પ્રજ્ઞાથી ગ્રહવોનિશ્ચયે જે ચેતનારો તે જ હું,
બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પરજાણવું. ૨૯૭.
પ્રજ્ઞાથી ગ્રહવોનિશ્ચયે જે દેખનારો તે જ હું,
બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પરજાણવું. ૨૯૮.
પ્રજ્ઞાથી ગ્રહવોનિશ્ચયે જે જાણનારો તે જ હું,
બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પરજાણવું. ૨૯૯.
સૌ ભાવ જે પરકીય જાણે, શુદ્ધ જાણે આત્મને,
તે કોણ જ્ઞાની ‘મારું આ’ એવું વચન બોલે ખરે? ૩૦૦.
અપરાધ ચૌર્યાદિક કરે જે પુરુષ તે શંકિત ફરે,
કે લોકમાં ફરતાં રખે કો ચોર જાણી બાંધશે; ૩૦૧.
અપરાધ જે કરતો નથી, નિઃશંક લોક વિષે ફરે,
‘બંધાઉં હું’ એવી કદી ચિંતા ન થાયે તેહને. ૩૦૨.

Page 30 of 214
PDF/HTML Page 42 of 226
single page version

background image
ત્યમ આતમા અપરાધી ‘હું બંધાઉં’ એમ સશંક છે,
ને નિરપરાધી જીવ ‘નહિ બંધાઉં’ એમ નિઃશંક છે. ૩૦૩.
સંસિદ્ધિ, સિદ્ધિ, રાધ, આરાધિત, સાધિતએક છે,
એ રાધથી જે રહિત છે તે આતમા અપરાધ છે; ૩૦૪.
વળી આતમા જે નિરપરાધી તે નિઃશંકિત હોય છે,
વર્તે સદા આરાધનાથી જાણતો ‘હું’ આત્મને. ૩૦૫.
પ્રતિક્રમણ, ને પ્રતિસરણ, વળી પરિહરણ, નિવૃતિ, ધારણા,
વળી શુદ્ધિ, નિંદા, ગર્હણાએ અષ્ટવિધ વિષકુંભ છે. ૩૦૬.
અણપ્રતિક્રમણ, અણપ્રતિસરણ, અણપરિહરણ, અણધારણા,
અનિવૃત્તિ, અણગર્હા, અનિંદ, અશુદ્ધિઅમૃતકુંભ છે. ૩૦૭.
૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
જે દ્રવ્ય ઊપજે જે ગુણોથી તેથી જાણ અનન્ય તે,
જ્યમ જગતમાં કટકાદિ પર્યાયોથી કનક અનન્ય છે. ૩૦૮.
જીવઅજીવના પરિણામ જે દર્શાવિયા સૂત્રો મહીં,
તે જીવ અગર અજીવ જાણ અનન્ય તે પરિણામથી. ૩૦૯.
ઊપજે ન આત્મા કોઈથી તેથી ન આત્મા કાર્ય છે,
ઉપજાવતો નથી કોઈને તેથી ન કારણ પણ ઠરે. ૩૧૦.
રે! કર્મ-આશ્રિત હોય કર્તા, કર્મ પણ કર્તા તણે
આશ્રિતપણે ઊપજે નિયમથી, સિદ્ધિ નવ બીજી દીસે. ૩૧૧.

Page 31 of 214
PDF/HTML Page 43 of 226
single page version

background image
પણ જીવ પ્રકૃતિના નિમિત્તે ઊપજે વિણસે અરે!
ને પ્રકૃતિ પણ જીવના નિમિત્ત ઊપજે વિણસે; ૩૧૨.
અન્યોન્યના નિમિત્ત એ રીત બંધ બેઉ તણો બને
આત્મા અને પ્રકૃતિ તણો, સંસાર તેથી થાય છે. ૩૧૩.
ઉત્પાદ-વ્યય પ્રકૃતિનિમિત્તે જ્યાં લગી નહિ પરિતજે,
અજ્ઞાની, મિથ્યાત્વી, અસંયત ત્યાં લગી આ જીવ રહે; ૩૧૪.
આ આતમા જ્યારે કરમનું ફળ અનંતું પરિતજે,
જ્ઞાયક તથા દર્શક તથા મુનિ તેહ કર્મવિમુક્ત છે. ૩૧૫.
અજ્ઞાની વેદે કર્મફળ પ્રકૃતિસ્વભાવે સ્થિત રહી,
ને જ્ઞાની તો જાણે ઉદયગત કર્મફળ, વેદે નહીં. ૩૧૬.
સુરીતે ભણીને શાસ્ત્ર પણ પ્રકૃતિ અભવ્ય નહીં તજે,
સાકરસહિત ક્ષીરપાનથી પણ સર્પ નહિ નિર્વિષ બને. ૩૧૭.
નિર્વેદને પામેલ જ્ઞાની કર્મફળને જાણતો,
કડવા મધુર બહુવિધને, તેથી અવેદક છે અહો! ૩૧૮.
કરતો નથી, નથી વેદતો જ્ઞાની કરમ બહુવિધને,
બસ જાણતો એ બંધ તેમ જ કર્મફળ શુભ-અશુભને. ૩૧૯.
જ્યમ નેત્ર, તેમ જ જ્ઞાન નથી કારક, નથી વેદક અરે!
જાણે જ કર્મોદય, નિરજરા, બંધ તેમ જ મોક્ષને. ૩૨૦.
જ્યમ લોક માને ‘દેવ, નારક આદિ જીવ વિષ્ણુ કરે’,
ત્યમ શ્રમણ પણ માને કદી ‘આત્મા કરે ષટ્ કાયને’, ૩૨૧.
તો લોક-મુનિ સિદ્ધાંત એક જ, ભેદ તેમાં નવ દીસે,
વિષ્ણુ કરે જ્યમ લોકમતમાં, શ્રમણમત આત્મા કરે; ૩૨૨.

Page 32 of 214
PDF/HTML Page 44 of 226
single page version

background image
એ રીત લોકમુનિ ઉભયનો મોક્ષ કોઈ નહીં દીસે,
જે દેવ, મનુજ, અસુરના ત્રણ લોકને નિત્યે કરે. ૩૨૩.
વ્યવહારમૂઢ અતત્ત્વવિદ્ પરદ્રવ્યને ‘મારું’ કહે,
‘પરમાણુમાત્ર ન મારું’ જ્ઞાની જાણતા નિશ્ચય વડે. ૩૨૪.
જ્યમ પુરુષ કોઈ કહે ‘અમારું ગામ, પુર ને દેશ છે’,
પણ તે નથી તેનાં, અરે! જીવ મોહથી ‘મારાં’ કહે; ૩૨૫.
એવી જ રીત જે જ્ઞાની પણ ‘મુજ’ જાણતો પરદ્રવ્યને,
નિજરૂપ કરે પરદ્રવ્યને, તે જરૂર મિથ્યાત્વી બને. ૩૨૬.
તેથી ‘ન મારું’ જાણી જીવ, પરદ્રવ્યમાં આ ઉભયની
કર્તૃત્વબુદ્ધિ જાણતો, જાણે સુદ્રષ્ટિરહિતની. ૩૨૭.
જો પ્રકૃતિ મિથ્યાત્વની મિથ્યાત્વી કરતી આત્મને,
તો તો અચેતન પ્રકૃતિ કારક બને તુજ મત વિષે! ૩૨૮.
અથવા કરે જો જીવ પુદ્ગલદ્રવ્યના મિથ્યાત્વને,
તો તો ઠરે મિથ્યાત્વી પુદ્ગલદ્રવ્ય, આત્મા નવ ઠરે! ૩૨૯.
જો જીવ અને પ્રકૃતિ કરે મિથ્યાત્વ પુદ્ગલદ્રવ્યને,
તો ઉભયકૃત જે હોય તેનું ફળ ઉભય પણ ભોગવે! ૩૩૦.
જો નહિ પ્રકૃતિ, નહિ જીવ કરે મિથ્યાત્વ પુદ્ગલદ્રવ્યને,
પુદ્ગલદરવ મિથ્યાત્વ વણકૃત!એ શું નહિ મિથ્યા ખરે? ૩૩૧.
‘‘કર્મો કરે અજ્ઞાની તેમ જ જ્ઞાની પણ કર્મો કરે,
કર્મો સુવાડે તેમ વળી કર્મો જગાડે જીવને; ૩૩૨.
કર્મો કરે સુખી તેમ વળી કર્મો દુખી જીવને કરે,
કર્મો કરે મિથ્યાત્વી તેમ અસંયમી કર્મો કરે; ૩૩૩.

Page 33 of 214
PDF/HTML Page 45 of 226
single page version

background image
કર્મો ભમાવે ઊર્ધ્વ લોકે, અધઃ ને તિર્યક્ વિષે,
જે કાંઈ પણ શુભ કે અશુભ તે સર્વને કર્મ જ કરે. ૩૩૪.
કર્મ જ કરે છે, કર્મ એ આપે, હરે,સઘળું કરે,
તેથી ઠરે છે એમ કે આત્મા અકારક સર્વ છે. ૩૩૫.
વળી ‘પુરુષકર્મ સ્ત્રીને અને સ્ત્રીકર્મ ઇચ્છે પુરુષને’
એવી શ્રુતિ આચાર્ય કેરી પરંપરા ઊતરેલ છે. ૩૩૬.
એ રીત ‘કર્મ જ કર્મને ઇચ્છે’કહ્યું છે શ્રુતમાં,
તેથી ન કો પણ જીવ અબ્રહ્મચારી અમ ઉપદેશમાં. ૩૩૭.
વળી જે હણે પરને, હણાયે પરથી, તેહ પ્રકૃતિ છે,
એ અર્થમાં પરઘાત નામનું નામકર્મ કથાય છે. ૩૩૮.
એ રીત ‘કર્મ જ કર્મને હણતું’કહ્યું છે શ્રુતમાં,
તેથી ન કો પણ જીવ છે હણનાર અમ ઉપદેશમાં.’’ ૩૩૯.
એમ સાંખ્યનો ઉપદેશ આવો, જે શ્રમણ પ્રરૂપણ કરે,
તેના મતે પ્રકૃતિ કરે છે, જીવ અકારક સર્વ છે! ૩૪૦.
અથવા તું માને ‘આતમા મારો કરે નિજ આત્મને’,
તો એવું તુજ મંતવ્ય પણ મિથ્યા સ્વભાવ જ તુજ ખરે. ૩૪૧.
જીવ નિત્ય તેમ વળી અસંખ્યપ્રદેશી દર્શિત સમયમાં,
તેનાથી તેને હીન તેમ અધિક કરવો શક્ય ના. ૩૪૨.
વિસ્તારથીય જીવરૂપ જીવનું લોકમાત્ર જ છે ખરે,
શું તેથી તે હીન-અધિક બનતો? કેમ કરતો દ્રવ્યને? ૩૪૩.
માને તું‘જ્ઞાયક ભાવ તો જ્ઞાનસ્વભાવે સ્થિત રહે’,
તો એમ પણ આત્મા સ્વયં નિજ આતમાને નહિ કરે. ૩૪૪.

Page 34 of 214
PDF/HTML Page 46 of 226
single page version

background image
પર્યાય કંઈકથી વિણસે જીવ, કંઈક નહિ વિણસે,
તેથી કરે છે તે જ કે બીજોનહીં એકાંત છે. ૩૪૫.
પર્યાય કંઈકથી વિણસે જીવ, કંઈકથી નહિ વિણસે,
જીવ તેથી વેદે તે જ કે બીજોનહીં એકાંત છે. ૩૪૬.
જીવ જે કરે તે ભોગવે નહિ જેહનો સિદ્ધાંત એ,
તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે, અર્હંતના મતનો નથી. ૩૪૭.
જીવ અન્ય કરતો, અન્ય વેદેજેહનો સિદ્ધાંત એ,
તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે, અર્હંતના મતનો નથી. ૩૪૮.
જ્યમ શિલ્પી કર્મ કરે પરંતુ તે નહીં તન્મય બને,
ત્યમ જીવ પણ કર્મો કરે પણ તે નહીં તન્મય બને. ૩૪૯.
જ્યમ શિલ્પી કરણ વડે કરે પણ તે નહીં તન્મય બને,
ત્યમ જીવ કરણ વડે કરે પણ તે નહીં તન્મય બને. ૩૫૦.
જ્યમ શિલ્પી કરણ ગ્રહે પરંતુ તે નહીં તન્મય બને,
ત્યમ જીવ પણ કરણો ગ્રહે પણ તે નહીં તન્મય બને. ૩૫૧.
શિલ્પી કરમફળ ભોગવે પણ તે નહીં તન્મય બને,
ત્યમ જીવ કરમફળ ભોગવે પણ તે નહીં તન્મય બને. ૩૫૨.
એ રીત મત વ્યવહારનો સંક્ષેપથી વક્તવ્ય છે;
સાંભળ વચન નિશ્ચય તણું પરિણામવિષયક જેહ છે. ૩૫૩.
શિલ્પી કરે ચેષ્ટા અને તેનાથી તેહ અનન્ય છે,
ત્યમ જીવ કર્મ કરે અને તેનાથી તેહ અનન્ય છે. ૩૫૪.
ચેષ્ટા કરંતો શિલ્પી જેમ દુખિત થાય નિરંતરે,
ને દુખથી તેહ અનન્ય, ત્યમ જીવ ચેષ્ટમાન દુખી બને. ૩૫૫.

Page 35 of 214
PDF/HTML Page 47 of 226
single page version

background image
જ્યમ સેટિકા નથી પર તણી, છે સેટિકા બસ સેટિકા,
જ્ઞાયક નથી ત્યમ પર તણો, જ્ઞાયક ખરે જ્ઞાયક તથા; ૩૫૬.
જ્યમ સેટિકા નથી પર તણી, છે સેટિકા બસ સેટિકા,
દર્શક નથી ત્યમ પર તણો, દર્શક ખરે દર્શક તથા; ૩૫૭.
જ્યમ સેટિકા નથી પર તણી, છે સેટિકા બસ સેટિકા,
સંયત નથી ત્યમ પર તણો, સંયત ખરે સંયત તથા; ૩૫૮.
જ્યમ સેટિકા નથી પર તણી, છે સેટિકા બસ સેટિકા,
દર્શન નથી ત્યમ પર તણું, દર્શન ખરે દર્શન તથા. ૩૫૯.
એમ જ્ઞાન-દર્શન-ચરિતવિષયક કથન નિશ્ચયનય તણું;
સાંભળ કથન સંક્ષેપથી એના વિષે વ્યવહારનું. ૩૬૦.
જ્યમ નિજ સ્વભાવથી સેટિકા પરદ્રવ્યને ધોળું કરે,
જ્ઞાતાય એ રીત જાણતો નિજ ભાવથી પરદ્રવ્યને; ૩૬૧.
જ્યમ નિજ સ્વભાવથી સેટિકા પરદ્રવ્યને ધોળું કરે,
આત્માય એ રીત દેખતો નિજ ભાવથી પરદ્રવ્યને; ૩૬૨.
જ્યમ નિજ સ્વભાવથી સેટિકા પરદ્રવ્યને ધોળું કરે,
જ્ઞાતાય એ રીત ત્યાગતો નિજ ભાવથી પરદ્રવ્યને; ૩૬૩.
જ્યમ નિજ સ્વભાવથી સેટિકા પરદ્રવ્યને ધોળું કરે,
સુદ્રષ્ટિ એ રીત શ્રદ્ધતો નિજ ભાવથી પરદ્રવ્યને. ૩૬૪.
એમ જ્ઞાન-દર્શન-ચરિતમાં નિર્ણય કહ્યો વ્યવહારનો,
ને અન્ય પર્યાયો વિષે પણ એ જ રીતે જાણવો. ૩૬૫.
ચારિત્ર-દર્શન-જ્ઞાન જરીયે નહિ અચેતન વિષયમાં,
તે કારણે આ આતમા શું હણી શકે તે વિષયમાં? ૩૬૬.

Page 36 of 214
PDF/HTML Page 48 of 226
single page version

background image
ચારિત્ર-દર્શન-જ્ઞાન જરીયે નહિ અચેતન કર્મમાં,
તે કારણે આ આતમા શું હણી શકે તે કર્મમાં? ૩૬૭.
ચારિત્ર-દર્શન-જ્ઞાન જરીયે નહિ અચેતન કાયમાં,
તે કારણે આ આતમા શું હણી શકે તે કાયમાં? ૩૬૮.
છે જ્ઞાનનો, દર્શન તણો, ઉપઘાત ભાખ્યો ચરિતનો,
ત્યાં કાંઈ પણ ભાખ્યો નથી ઉપઘાત પુદ્ગલદ્રવ્યનો. ૩૬૯.
જે ગુણ જીવ તણા, ખરે તે કોઈ નહિ પરદ્રવ્યમાં,
તે કારણે વિષયો પ્રતિ સુદ્રષ્ટિ જીવને રાગ ના. ૩૭૦.
વળી રાગ, દ્વેષ, વિમોહ તો જીવના અનન્ય પરિણામ છે,
તે કારણે શબ્દાદિ વિષયોમાં નહીં રાગાદિ છે. ૩૭૧.
કો દ્રવ્ય બીજા દ્રવ્યને ઉત્પાદ નહિ ગુણનો કરે,
તેથી બધાંયે દ્રવ્ય નિજ સ્વભાવથી ઊપજે ખરે. ૩૭૨.
રે! પુદ્ગલો બહુવિધ નિંદા-સ્તુતિવચનરૂપ પરિણમે,
તેને સુણી, ‘મુજને કહ્યું’ ગણી, રોષ તોષ જીવો કરે. ૩૭૩.
પુદ્ગલદરવ શબ્દત્વપરિણત, તેહનો ગુણ અન્ય છે,
તો નવ કહ્યું કંઈ પણ તને, હે અબુધ! રોષ તું ક્યમ કરે? ૩૭૪.
શુભ કે અશુભ જે શબ્દ તે ‘તું સુણ મને’ ન તને કહે,
ને જીવ પણ ગ્રહવા ન જાયે કર્ણગોચર શબ્દને; ૩૭૫.
શુભ કે અશુભ જે રૂપ તે ‘તું જો મને’ ન તને કહે,
ને જીવ પણ ગ્રહવા ન જાયે ચક્ષુગોચર રૂપને; ૩૭૬.
શુભ કે અશુભ જે ગંધ તે ‘તું સૂંઘ મુજને’ નવ કહે,
ને જીવ પણ ગ્રહવા ન જાયે ઘ્રાણગોચર ગંધને; ૩૭૭.

Page 37 of 214
PDF/HTML Page 49 of 226
single page version

background image
શુભ કે અશુભ રસ જેહ તે ‘તું ચાખ મુજને’ નવ કહે,
ને જીવ પણ ગ્રહવા ન જાયે રસનગોચર રસ અરે! ૩૭૮.
શુભ કે અશુભ જે સ્પર્શ તે ‘તું સ્પર્શ મુજને’ નવ કહે,
ને જીવ પણ ગ્રહવા ન જાયે કાયગોચર સ્પર્શને; ૩૭૯.
શુભ કે અશુભ જે ગુણ તે ‘તું જાણ મુજને’ નવ કહે,
ને જીવ પણ ગ્રહવા ન જાયે બુદ્ધિગોચર ગુણને; ૩૮૦.
શુભ કે અશુભ જે દ્રવ્ય તે ‘તું જાણ મુજને’ નવ કહે,
ને જીવ પણ ગ્રહવા ન જાયે બુદ્ધિગોચર દ્રવ્યને. ૩૮૧.
આ જાણીને પણ મૂઢ જીવ પામે નહીં ઉપશમ અરે!
શિવ બુદ્ધિને પામેલ નહિ એ પર ગ્રહણ કરવા ચહે. ૩૮૨.
શુભ ને અશુભ અનેકવિધ પૂર્વે કરેલું કર્મ જે,
તેથી નિવર્તે આત્મને, તે આતમા પ્રતિક્રમણ છે; ૩૮૩.
શુભ ને અશુભ ભાવી કરમ જે ભાવમાં બંધાય છે,
તેથી નિવર્તન જે કરે, તે આતમા પચખાણ છે; ૩૮૪.
શુભ ને અશુભ અનેકવિધ છે વર્તમાને ઉદિત જે,
તે દોષને જે ચેતતો, તે જીવ આલોચન ખરે. ૩૮૫.
પચખાણ નિત્ય કરે અને પ્રતિક્રમણ જે નિત્યે કરે,
નિત્યે કરે આલોચના, તે આતમા ચારિત્ર છે. ૩૮૬.
જે કર્મફળને વેદતો નિજરૂપ કરમફળને કરે,
તે ફરીય બાંધે અષ્ટવિધના કર્મનેદુખબીજને; ૩૮૭.
જે કર્મફળને વેદતો જાણે ‘કરમફળ મેં કર્યું’,
તે ફરીય બાંધે અષ્ટવિધના કર્મનેદુખબીજને; ૩૮૮.

Page 38 of 214
PDF/HTML Page 50 of 226
single page version

background image
જે કર્મફળને વેદતો આત્મા સુખી-દુખી થાય છે,
તે ફરીય બાંધે અષ્ટવિધના કર્મનેદુખબીજને. ૩૮૯.
રે! શાસ્ત્ર તે નથી જ્ઞાન, જેથી શાસ્ત્ર કંઈ જાણે નહીં,
તે કારણે છે જ્ઞાન જુદું, શાસ્ત્ર જુદુંજિન કહે; ૩૯૦.
રે! શબ્દ તે નથી જ્ઞાન, જેથી શબ્દ કંઈ જાણે નહીં,
તે કારણે છે જ્ઞાન જુદું, શબ્દ જુદોજિન કહે; ૩૯૧.
રે! રૂપ તે નથી જ્ઞાન, જેથી રૂપ કંઈ જાણે નહીં,
તે કારણે છે જ્ઞાન જુદું, રૂપ જુદુંજિન કહે; ૩૯૨.
રે! વર્ણ તે નથી જ્ઞાન, જેથી વર્ણ કંઈ જાણે નહીં,
તે કારણે છે જ્ઞાન જુદું, વર્ણ જુદોજિન કહે; ૩૯૩.
રે! ગંધ તે નથી જ્ઞાન, જેથી ગંધ કંઈ જાણે નહીં,
તે કારણે છે જ્ઞાન જુદું, ગંધ જુદીજિન કહે; ૩૯૪.
રે! રસ નથી કંઈ જ્ઞાન, જેથી રસ કંઈ જાણે નહીં,
તે કારણે છે જ્ઞાન જુદું, રસ જુદોજિનવર કહે; ૩૯૫.
રે! સ્પર્શ તે નથી જ્ઞાન, જેથી સ્પર્શ કંઈ જાણે નહીં,
તે કારણે છે જ્ઞાન જુદું, સ્પર્શ જુદોજિન કહે; ૩૯૬.
રે! કર્મ તે નથી જ્ઞાન, જેથી કર્મ કંઈ જાણે નહીં,
તે કારણે છે જ્ઞાન જુદું, કર્મ જુદુંજિન કહે; ૩૯૭.
રે! ધર્મ તે નથી જ્ઞાન, જેથી ધર્મ કંઈ જાણે નહીં,
તે કારણે છે જ્ઞાન જુદું, ધર્મ જુદોજિન કહે; ૩૯૮.
અધર્મ તે નથી જ્ઞાન, જેથી અધર્મ કંઈ જાણે નહીં,
તે કારણે છે જ્ઞાન જુદું, અધર્મ જુદોજિન કહે; ૩૯૯.

Page 39 of 214
PDF/HTML Page 51 of 226
single page version

background image
રે! કાળ તે નથી જ્ઞાન, જેથી કાળ કંઈ જાણે નહીં,
તે કારણે છે જ્ઞાન જુદું, કાળ જુદોજિન કહે; ૪૦૦.
આકાશ તે નથી જ્ઞાન, એ આકાશ કંઈ જાણે નહીં,
તે કારણે આકાશ જુદું, જ્ઞાન જુદુંજિન કહે; ૪૦૧.
નહિ જ્ઞાન અધ્યવસાન છે, જેથી અચેતન તેહ છે,
તે કારણે છે જ્ઞાન જુદું, જુદું અધ્યવસાન છે. ૪૦૨.
રે! સર્વદા જાણે જ તેથી જીવ જ્ઞાયક જ્ઞાની છે,
ને જ્ઞાન છે જ્ઞાયકથી અવ્યતિરિક્ત ઈમ જ્ઞાતવ્ય છે. ૪૦૩.
સમ્યક્ત્વ, ને સંયમ, તથા પૂર્વાંગગત સૂત્રો, અને
ધર્માધરમ, દીક્ષા વળી, બુધ પુરુષ માને જ્ઞાનને. ૪૦૪.
એમ આતમા જેનો અમૂર્તિક તે નથી આ’રક ખરે,
પુદ્ગલમયી છે આ’ર તેથી આ’ર તો મૂર્તિક ખરે. ૪૦૫.
જે દ્રવ્ય છે પર તેહને ન ગ્રહી, ન છોડી શકાય છે,
એવો જ તેનો ગુણ કો પ્રાયોગી ને વૈસ્રસિક છે. ૪૦૬.
તેથી ખરે જે શુદ્ધ આત્મા તે નહીં કંઈ પણ ગ્રહે,
છોડે નહીં વળી કાંઈ પણ જીવ ને અજીવ દ્રવ્યો વિષે. ૪૦૭.
બહુવિધનાં મુનિલિંગને અથવા ગૃહસ્થીલિંગને
ગ્રહીને કહે છે મૂઢજન ‘આ લિંગ મુક્તિમાર્ગ છે’. ૪૦૮.
પણ લિંગ મુક્તિમાર્ગ નહિ, અર્હંત નિર્મમ દેહમાં
બસ લિંગ છોડી જ્ઞાન ને ચારિત્ર, દર્શન સેવતા. ૪૦૯.
મુનિલિંગ ને ગૃહીલિંગએ લિંગો ન મુક્તિમાર્ગ છે;
ચારિત્ર-દર્શન-જ્ઞાનને બસ મોક્ષમાર્ગ જિનો કહે. ૪૧૦.

Page 40 of 214
PDF/HTML Page 52 of 226
single page version

background image
તેથી તજી સાગાર કે અણગાર-ધારિત લિંગને,
ચારિત્ર-દર્શન-જ્ઞાનમાં તું જોડ રે! નિજ આત્મને. ૪૧૧.
તું સ્થાપ નિજને મોક્ષપંથે, ધ્યા, અનુભવ તેહને,
તેમાં જ નિત્ય વિહાર કર, નહિ વિહર પરદ્રવ્યો વિષે. ૪૧૨.
બહુવિધનાં મુનિલિંગમાં અથવા ગૃહીલિંગો વિષે
મમતા કરે, તેણે નથી જાણ્યો ‘સમયના સાર’ને. ૪૧૩.
વ્યવહારનય એ ઉભય લિંગો મોક્ષપંથ વિષે કહે,
નિશ્ચય નહીં માને કદી કો લિંગ મુક્તિપથ વિષે. ૪૧૪.
આ સમયપ્રાભૃત પઠન કરીને, અર્થ-તત્ત્વથી જાણીને,
ઠરશે અરથમાં આતમા જે, સૌખ્ય ઉત્તમ તે થશે. ૪૧૫.

Page 41 of 214
PDF/HTML Page 53 of 226
single page version

background image
શ્રી
પ્રવચનસાર
(પદ્યાનુવાદ)
૧. જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
(હરિગીત)
સુર-અસુર-નરપતિવંદ્યને, પ્રવિનષ્ટઘાતિકર્મને,
પ્રણમન કરું હું ધર્મકર્તા તીર્થ શ્રી મહાવીરને; ૧.
વળી શેષ તીર્થંકર અને સૌ સિદ્ધ શુદ્ધાસ્તિત્વને,
મુનિ જ્ઞાન-દ્રગ-ચારિત્ર-તપ-વીર્યાચરણસંયુક્તને. ૨.
તે સર્વને સાથે તથા પ્રત્યેકને પ્રત્યેકને,
વંદું વળી હું મનુષ્યક્ષેત્રે વર્તતા અર્હંતને. ૩.
અર્હંતને, શ્રી સિદ્ધનેય નમસ્કરણ કરી એ રીતે,
ગણધર અને અધ્યાપકોને, સર્વસાધુસમૂહને; ૪.
તસુ શુદ્ધદર્શનજ્ઞાનમુખ્ય પવિત્ર આશ્રમ પામીને,
પ્રાપ્તિ કરું હું સામ્યની, જેનાથી શિવપ્રાપ્તિ બને. ૫.
સુર-અસુર-મનુજેન્દ્રો તણા વિભવો સહિત નિર્વાણની
પ્રાપ્તિ કરે ચારિત્રથી જીવ જ્ઞાનદર્શનમુખ્યથી. ૬.
ચારિત્ર છે તે ધર્મ છે, જે ધર્મ છે તે સામ્ય છે;
ને સામ્ય જીવનો મોહક્ષોભવિહીન નિજ પરિણામ છે. ૭.

Page 42 of 214
PDF/HTML Page 54 of 226
single page version

background image
જે ભાવમાં પ્રણમે દરવ, તે કાળ તન્મય તે કહ્યું;
જીવદ્રવ્ય તેથી ધર્મમાં પ્રણમેલ ધર્મ જ જાણવું. ૮.
શુભ કે અશુભમાં પ્રણમતાં શુભ કે અશુભ આત્મા બને,
શુદ્ધે પ્રણમતાં શુદ્ધ, પરિણામસ્વભાવી હોઈને. ૯.
પરિણામ વિણ ન પદાર્થ, ને ન પદાર્થ વિણ પરિણામ છે;
ગુણ-દ્રવ્ય-પર્યયસ્થિત ને અસ્તિત્વસિદ્ધ પદાર્થ છે. ૧૦.
જો ધર્મપરિણતસ્વરૂપ જીવ શુદ્ધોપયોગી હોય તો
તે પામતો નિર્વાણસુખ, ને સ્વર્ગસુખ શુભયુક્ત જો. ૧૧.
અશુભોદયે આત્મા કુનર, તિર્યંચ ને નારકપણે
નિત્યે સહસ્ર દુઃખે પીડિત, સંસારમાં અતિ અતિ ભમે. ૧૨.
અત્યંત, આત્મોત્પન્ન, વિષયાતીત, અનુપ, અનંત ને
વિચ્છેદહીન છે સુખ અહો! શુદ્ધોપયોગપ્રસિદ્ધને. ૧૩.
સુવિદિતસૂત્રપદાર્થ, સંયમતપ સહિત, વીતરાગ ને
સુખદુઃખમાં સમ શ્રમણને શુદ્ધોપયોગ જિનો કહે. ૧૪.
જે ઉપયોગવિશુદ્ધ તે મોહાદિઘાતિરજ થકી
સ્વયમેવ રહિત થયો થકો જ્ઞેયાન્તને પામે સહી. ૧૫.
સર્વજ્ઞ, લબ્ધસ્વભાવ ને ત્રિજગેન્દ્રપૂજિત એ રીતે
સ્વયમેવ જીવ થયો થકો તેને સ્વયંભૂ જિનો કહે. ૧૬.
વ્યયહીન છે ઉત્પાદ ને ઉત્પાદહીન વિનાશ છે,
તેને જ વળી ઉત્પાદધ્રૌવ્યવિનાશનો સમવાય છે. ૧૭.
ઉત્પાદ તેમ વિનાશ છે સૌ કોઈ વસ્તુમાત્રને,
વળી કોઈ પર્યયથી દરેક પદાર્થ છે સદ્ભૂત ખરે. ૧૮.

Page 43 of 214
PDF/HTML Page 55 of 226
single page version

background image
પ્રક્ષીણઘાતિકર્મ, અનહદવીર્ય, અધિકપ્રકાશ ને
ઇન્દ્રિય-અતીત થયેલ આત્મા જ્ઞાનસૌખ્યે પરિણમે. ૧૯.
કંઈ દેહગત નથી સુખ કે નથી દુઃખ કેવળજ્ઞાનીને,
જેથી અતીન્દ્રિયતા થઈ તે કારણે એ જાણજે. ૨૦.
પ્રત્યક્ષ છે સૌ દ્રવ્યપર્યય જ્ઞાન-પરિણમનારને;
જાણે નહીં તે તેમને અવગ્રહ-ઈહાદિ ક્રિયા વડે. ૨૧.
ન પરોક્ષ કંઈ પણ સર્વતઃ સર્વાક્ષગુણસમૃદ્ધને,
ઇન્દ્રિય-અતીત સદૈવ ને સ્વયમેવ જ્ઞાન થયેલને. ૨૨.
જીવદ્રવ્ય જ્ઞાનપ્રમાણ ભાખ્યું, જ્ઞાન જ્ઞેયપ્રમાણ છે;
ને જ્ઞેય લોકાલોક તેથી સર્વગત એ જ્ઞાન છે. ૨૩.
જીવદ્રવ્ય જ્ઞાનપ્રમાણ નહિએ માન્યતા છે જેહને,
તેના મતે જીવ જ્ઞાનથી હીન કે અધિક અવશ્ય છે. ૨૪.
જો હીન આત્મા હોય, નવ જાણે અચેતન જ્ઞાન એ,
ને અધિક જ્ઞાનથી હોય તો વણ જ્ઞાન ક્યમ જાણે અરે? ૨૫.
છે સર્વગત જિનવર અને સૌ અર્થ જિનવરપ્રાપ્ત છે,
જિન જ્ઞાનમય ને સર્વ અર્થો વિષય જિનના હોઈને. ૨૬.
છે જ્ઞાન આત્મા જિનમતે; આત્મા વિના નહિ જ્ઞાન છે,
તે કારણે છે જ્ઞાન જીવ, જીવ જ્ઞાન છે વા અન્ય છે. ૨૭.
છે ‘જ્ઞાની’ જ્ઞાનસ્વભાવ, અર્થો જ્ઞેયરૂપ છે ‘જ્ઞાની’ના,
જ્યમ રૂપ છે નેત્રો તણાં, નહિ વર્તતા અન્યોન્યમાં. ૨૮.
જ્ઞેયે પ્રવિષ્ટ ન, અણપ્રવિષ્ટ ન, જાણતો જગ સર્વને
નિત્યે અતીન્દ્રિય આતમા, જ્યમ નેત્ર જાણે રૂપને. ૨૯.

Page 44 of 214
PDF/HTML Page 56 of 226
single page version

background image
જ્યમ દૂધમાં સ્થિત ઇન્દ્રનીલમણિ સ્વકીય પ્રભા વડે
દૂધને વિષે વ્યાપી રહે, ત્યમ જ્ઞાન પણ અર્થો વિષે. ૩૦.
નવ હોય અર્થો જ્ઞાનમાં, તો જ્ઞાન સૌ-ગત પણ નહીં,
ને સર્વગત છે જ્ઞાન તો ક્યમ જ્ઞાનસ્થિત અર્થો નહીં? ૩૧.
પ્રભુકેવળી ન ગ્રહે, ન છોડે, પરરૂપે નવ પરિણમે;
દેખે અને જાણે નિઃશેષે સર્વતઃ તે સર્વને. ૩૨.
શ્રુતજ્ઞાનથી જાણે ખરે જ્ઞાયકસ્વભાવી આત્મને,
ૠષિઓ પ્રકાશક લોકના શ્રુતકેવળી તેને કહે. ૩૩.
પુદ્ગલસ્વરૂપ વચનોથી જિન-ઉપદિષ્ટ જે તે સૂત્ર છે,
છે જ્ઞપ્તિ તેની જ્ઞાન, તેને સૂત્રની જ્ઞપ્તિ કહે. ૩૪.
જે જાણતો તે જ્ઞાન, નહિ જીવ જ્ઞાનથી જ્ઞાયક બને;
પોતે પ્રણમતો જ્ઞાનરૂપ, ને જ્ઞાનસ્થિત સૌ અર્થ છે. ૩૫.
છે જ્ઞાન તેથી જીવ, જ્ઞેય ત્રિધા કહેલું દ્રવ્ય છે;
એ દ્રવ્ય પર ને આતમા, પરિણામસંયુત જેહ છે. ૩૬.
તે દ્રવ્યના સદ્ભૂતઅસદ્ભૂત પર્યયો સૌ વર્તતા,
તત્કાળના પર્યાય જેમ, વિશેષપૂર્વક જ્ઞાનમાં. ૩૭.
જે પર્યયો અણજાત છે, વળી જન્મીને પ્રવિનષ્ટ જે,
તે સૌ અસદ્ભૂત પર્યયો પણ જ્ઞાનમાં પ્રત્યક્ષ છે. ૩૮.
જ્ઞાને અજાત-વિનષ્ટ પર્યાયો તણી પ્રત્યક્ષતા
નવ હોય જો, તો જ્ઞાનને એ ‘દિવ્ય’ કોણ કહે ભલા? ૩૯.
ઈહાદિપૂર્વક જાણતા જે અક્ષપતિત પદાર્થને,
તેને પરોક્ષ પદાર્થ જાણવું શક્ય નાજિનજી કહે. ૪૦.

Page 45 of 214
PDF/HTML Page 57 of 226
single page version

background image
જે જાણતું અપ્રદેશને, સપ્રદેશ, મૂર્ત, અમૂર્તને,
પર્યાય નષ્ટ-અજાતને, ભાખ્યું અતીન્દ્રિય જ્ઞાન તે. ૪૧.
જો જ્ઞેય અર્થે પરિણમે જ્ઞાતા, ન ક્ષાયિક જ્ઞાન છે;
તે કર્મને જ અનુભવે છે એમ જિનદેવો કહે. ૪૨.
ભાખ્યાં જિને કર્મો ઉદયગત નિયમથી સંસારીને,
તે કર્મ હોતાં મોહી-રાગી-દ્વેષી બંધ અનુભવે. ૪૩.
ધર્મોપદેશ, વિહાર, આસન, સ્થાન શ્રી અર્હંતને
વર્તે સહજ તે કાળમાં, માયાચરણ જ્યમ નારીને. ૪૪.
છે પુણ્યફળ અર્હંત, ને અર્હંતકિરિયા ઉદયિકી;
મોહાદિથી વિરહિત તેથી તે ક્રિયા ક્ષાયિક ગણી. ૪૫.
આત્મા સ્વયં નિજ ભાવથી જો શુભ-અશુભ બને નહીં,
તો સર્વ જીવનિકાયને સંસાર પણ વર્તે નહીં! ૪૬.
સૌ વર્તમાન-અવર્તમાન, વિચિત્ર, વિષમ પદાર્થને
યુગપદ્ સરવતઃ જાણતું, તે જ્ઞાન ક્ષાયિક જિન કહે. ૪૭.
જાણે નહીં યુગપદ્ ત્રિકાળિક ત્રિભુવનસ્થ પદાર્થને,
તેને સપર્યય એક પણ નહિ દ્રવ્ય જાણવું શક્ય છે. ૪૮.
જો એક દ્રવ્ય અનંતપર્યય તેમ દ્રવ્ય અનંતને
યુગપદ્ ન જાણે જીવ, તો તે કેમ જાણે સર્વને? ૪૯.
જો જ્ઞાન ‘જ્ઞાની’નું ઊપજે ક્રમશઃ અરથ અવલંબીને,
તો નિત્ય નહિ, ક્ષાયિક નહીં ને સર્વગત નહિ જ્ઞાન એ. ૫૦.
નિત્યે વિષમ, વિધવિધ, સકળ પદાર્થગણ સર્વત્રનો
જિનજ્ઞાન જાણે યુગપદે, મહિમા અહો એ જ્ઞાનનો! ૫૧.

Page 46 of 214
PDF/HTML Page 58 of 226
single page version

background image
તે અર્થરૂપ ન પરિણમે જીવ, નવ ગ્રહે, નવ ઊપજે,
સૌ અર્થને જાણે છતાં, તેથી અબંધક જિન કહે. ૫૨.
અર્થોનું જ્ઞાન અમૂર્ત, મૂર્ત, અતીન્દ્રિ ને ઐન્દ્રિય છે,
છે સુખ પણ એવું જ, ત્યાં પરધાન જે તે ગ્રાહ્ય છે. ૫૩.
દેખે અમૂર્તિક, મૂર્તમાંય અતીન્દ્રિને, પ્રચ્છન્નને,
તે સર્વનેપર કે સ્વકીયને, જ્ઞાન તે પ્રત્યક્ષ છે. ૫૪.
પોતે અમૂર્તિક જીવ મૂર્તશરીરગત એ મૂર્તથી
કદી યોગ્ય મૂર્ત અવગ્રહી જાણે, કદીક જાણે નહીં. ૫૫.
રસ, ગંધ, સ્પર્શ વળી વરણ ને શબ્દ જે પૌદ્ગલિક તે
છે ઇન્દ્રિવિષયો, તેમનેય ન ઇન્દ્રિયો યુગપદ ગ્રહે. ૫૬.
તે ઇન્દ્રિયો પરદ્રવ્ય, જીવસ્વભાવ ભાખી ન તેમને;
તેનાથી જે ઉપલબ્ધ તે પ્રત્યક્ષ કઈ રીત જીવને? ૫૭.
અર્થો તણું જે જ્ઞાન પરતઃ થાય તેહ પરોક્ષ છે;
જીવમાત્રથી જ જણાય જો, તો જ્ઞાન તે પ્રત્યક્ષ છે. ૫૮.
સ્વયમેવ જાત, સમંત, અર્થ અનંતમાં વિસ્તૃત ને
અવગ્રહ-ઈહાદિ રહિત, નિર્મળ જ્ઞાન સુખ એકાંત છે. ૫૯.
જે જ્ઞાન ‘કેવળ’ તે જ સુખ, પરિણામ પણ વળી તે જ છે;
ભાખ્યો ન તેમાં ખેદ જેથી ઘાતિકર્મ વિનષ્ટ છે. ૬૦.
અર્થાન્તગત છે જ્ઞાન, લોકાલોકવિસ્તૃત દ્રષ્ટિ છે;
છે નષ્ટ સર્વ અનિષ્ટ ને જે ઇષ્ટ તે સૌ પ્રાપ્ત છે. ૬૧.
સુણી ‘ઘાતિકર્મવિહીનનું સુખ સૌ સુખે ઉત્કૃષ્ટ છે’,
શ્રદ્ધે ન તેહ અભવ્ય છે, ને ભવ્ય તે સંમત કરે. ૬૨.

Page 47 of 214
PDF/HTML Page 59 of 226
single page version

background image
સુર-અસુર-નરપતિ પીડિત વર્તે સહજ ઇન્દ્રિયો વડે,
નવ સહી શકે તે દુઃખ તેથી રમ્ય વિષયોમાં રમે. ૬૩.
વિષયો વિષે રતિ જેમને, દુખ છે સ્વભાવિક તેમને;
જો તે ન હોય સ્વભાવ તો વ્યાપાર નહિ વિષયો વિષે. ૬૪.
ઇન્દ્રિયસમાશ્રિત ઇષ્ટ વિષયો પામીને, નિજ ભાવથી
જીવ પ્રણમતો સ્વયમેવ સુખરૂપ થાય, દેહ થતો નથી. ૬૫.
એકાંતથી સ્વર્ગેય દેહ કરે નહિ સુખ દેહીને,
પણ વિષયવશ સ્વયમેવ આત્મા સુખ વા દુખ થાય છે. ૬૬.
જો દ્રષ્ટિ પ્રાણીની તિમિરહર, તો કાર્ય છે નહિ દીપથી;
જ્યાં જીવ સ્વયં સુખ પરિણમે, વિષયો કરે છે શું તહીં? ૬૭.
જ્યમ આભમાં સ્વયમેવ ભાસ્કર ઉષ્ણ, દેવ, પ્રકાશ છે,
સ્વયમેવ લોકે સિદ્ધ પણ ત્યમ જ્ઞાન, સુખ ને દેવ છે. ૬૮.
ગુરુ-દેવ-યતિપૂજા વિષે, વળી દાન ને સુશીલો વિષે,
જીવ રક્ત ઉપવાસાદિકે, શુભ-ઉપયોગસ્વરૂપ છે. ૬૯.
શુભયુક્ત આત્મા દેવ વા તિર્યંચ વા માનવ બને;
તે પર્યયે તાવત્સમય ઇન્દ્રિયસુખ વિધવિધ લહે. ૭૦.
સુરનેય સૌખ્ય સ્વભાવસિદ્ધ નસિદ્ધ છે આગમ વિષે;
તે દેહવેદનથી પીડિત રમણીય વિષયોમાં રમે. ૭૧.
તિર્યંચ-નારક-સુર-નરો જો દેહગત દુખ અનુભવે,
તો જીવનો ઉપયોગ એ શુભ ને અશુભ કઈ રીત છે? ૭૨.
ચક્રી અને દેવેન્દ્ર શુભ-ઉપયોગમૂલક ભોગથી
પુષ્ટિ કરે દેહાદિની, સુખી સમ દીસે અભિરત રહી. ૭૩.

Page 48 of 214
PDF/HTML Page 60 of 226
single page version

background image
પરિણામજન્ય અનેકવિધ જો પુણ્યનું અસ્તિત્વ છે,
તો પુણ્ય એ દેવાન્ત જીવને વિષયતૃષ્ણોદ્ભવ કરે. ૭૪.
તે ઉદિતતૃષ્ણ જીવો, દુખિત તૃષ્ણાથી, વિષયિક સુખને
ઇચ્છે અને આમરણ દુખસંતપ્ત તેને ભોગવે. ૭૫.
પરયુક્ત, બાધાસહિત, ખંડિત, બંધકારણ, વિષમ છે;
જે ઇન્દ્રિયોથી લબ્ધ તે સુખ એ રીતે દુઃખ જ ખરે. ૭૬.
નહિ માનતોએ રીત પુણ્યે પાપમાં ન વિશેષ છે
તે મોહથી આચ્છન્ન ઘોર અપાર સંસારે ભમે. ૭૭.
વિદિતાર્થ એ રીત, રાગદ્વેષ લહે ન જે દ્રવ્યો વિષે,
શુદ્ધોપયોગી જીવ તે ક્ષય દેહગત દુઃખનો કરે. ૭૮.
જીવ છોડી પાપારંભને શુભ ચરિતમાં ઉદ્યત ભલે,
જો નવ તજે મોહાદિને તો નવ લહે શુદ્ધાત્મને. ૭૯.
જે જાણતો અર્હંતને ગુણ, દ્રવ્ય ને પર્યયપણે,
તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે. ૮૦.
જીવ મોહને કરી દૂર, આત્મસ્વરૂપ સમ્યક્ પામીને,
જો રાગદ્વેષ પરિહરે તો પામતો શુદ્ધાત્મને. ૮૧.
અર્હંત સૌ કર્મો તણો કરી નાશ એ જ વિધિ વડે,
ઉપદેશ પણ એમ જ કરી, નિર્વૃત થયા; નમું તેમને. ૮૨.
દ્રવ્યાદિકે મૂઢ ભાવ વર્તે જીવને, તે મોહ છે;
તે મોહથી આચ્છન્ન રાગી-દ્વેષી થઈ ક્ષોભિત બને. ૮૩.
રે! મોહરૂપ વા રાગરૂપ વા દ્વેષપરિણત જીવને
વિધવિધ થાયે બંધ, તેથી સર્વ તે ક્ષયયોગ્ય છે. ૮૪.