Atmadharma magazine - Ank 045a
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 29
single page version

background image
ઃ ૨૦૪ઃ આત્મધર્મઃ ખાસ અંક
આ જગતમાં છ પ્રકારના દ્રવ્યો છે, દરેક દ્રવ્યો ભિન્ન ભિન્ન છે, ભિન્નપણું કહેતાં જ સ્વતંત્રતા સાબિત થાય છે.
કોઈ એમ માને કે કોઈ વસ્તુનું કાર્ય પર દ્રવ્યની ઉપસ્થિતિને લીધે થાય છે, તો એમ માનનાર વસ્તુસ્વભાવની સાચી
શ્રદ્ધાથી ભ્રષ્ટ છે–એટલે કે જૈનદર્શનથી ભ્રષ્ટ છે. સ્વતંત્ર દ્રવ્યનું કાર્ય પણ સ્વતંત્ર પણે જ થાય છે. હાથ હાલ્યો તે કારણે
લાકડી ઊંચી થાય છે–એમ માનનારે લાકડીના પરમાણુ દ્રવ્યોની સ્વતંત્રતા માની નથી. લાકડી ઊંચી થઈ તે પોતાની
સ્વતંત્રતાથી જ થઈ છે અને હાથ ઊંચો થયો તે પોતાની સ્વતંત્રતાથી જ થયો છે. બન્નેની સ્વતંત્રતા પોતપોતામાં છે. કોઈ
પણ દ્રવ્યને જે પરાધીન માને છે તે પોતાને પણ પરાધીન માને છે. આત્મામાં સાચી શ્રદ્ધા પ્રગટ કરવાની લાયકાત હોય તો
પ્રથમ સત્દેવ, ગુરુ, શાસ્ત્ર તરફ તેનું લક્ષ ગયા વગર રહે નહિ. અજ્ઞાનીઓ એમ જ કહે છે કે નિમિત્ત હોય તો લાભ થાય,
નિમિત્ત ન હોય તો લાભ કે કાર્ય ન થાય. એ વાત પણ ખોટી છે. જ્યારે જે વસ્તુમાં જે કાર્ય થવાની લાયકાત હોય તે જ
સમયે તે વસ્તુમાં તે કાર્ય થાય જ. અને તે વખતે યોગ્ય ઉપસ્થિત પદાર્થને નિમિત્ત કહેવાય. આવું વસ્તુ સ્વરૂપ નહિ
સમજનાર, સાચા જૈન સંપ્રદાયની બાહ્ય માન્યતા ધરાવતા હોય તોપણ તે દર્શનભ્રષ્ટ છે. નવ તત્ત્વને બરાબર જાણે, પુણ્યને
પુણ્ય તરીકે જાણે પણ તેને ધર્મ ન જાણે, શરીરની ક્રિયાનો કર્તા આત્માને ન માને–તે પણ વ્યવહાર શ્રદ્ધા છે, અને એ બધા
ભેદ–ભંગનું લક્ષ છોડીને અભેદ આત્માની નિર્વિકલ્પ શ્રદ્ધા તે જ પરમાર્થ સમ્યગ્દર્શન છે. જો વ્યવહાર શ્રદ્ધાને
પરમાર્થશ્રદ્ધાનું કારણ માનીને તે વ્યવહારમાં જ અટકી જાય તો તેને પણ ધર્મ થતો નથી કેમ કે તેને શ્રદ્ધારૂપી મૂળ સડેલું છે.
(૧૪પ) જૈનદર્શન
જેઓ પરદ્રવ્યોથી આત્માનું ભેદવિજ્ઞાન કરતા નથી તથા રાગ, નિમિત્ત વગેરે હું નહિ, હું અવિકાર ચૈતન્ય છું એવી
પ્રતીતિપૂર્વક અસંગસ્વભાવનો અનુભવ કરતા નથી અને માત્ર વિકારનો જ અનુભવ કરે છે તે પણ જૈનદર્શનથી બાહ્ય છે.
લોકો માત્ર સંપ્રદાયથી જ જૈનદર્શનને માને છે, પણ આત્મસ્વભાવની શ્રદ્ધા એ જ સાચું જૈનદર્શન છે–એ વાત ભૂલી જાય
છે. સમયસારજીની ૧પ મી ગાથામાં કહ્યું છે કે જે શુદ્ધ આત્માને દેખે છે તે સમસ્ત જૈનશાસનને દેખે છે.
(૧૪૬) मूलं नास्ति कुतः शाखा?
સનાતન દિગંબર જૈન સંપ્રદાયમાં જન્મે અને સાચા દેવ–ગુરુ–શાસ્ત્રને માને એટલે તેમાં કેટલાકો સમ્યગ્દર્શન
માની બેસે છે અને ઝટ પડિમાગ્રહણ અને ત્યાગ કરવા મંડી પડે છે; પણ ભાઈ રે, તારા આત્માનો સ્વભાવ પરવસ્તુના
ગ્રહણ ત્યાગ રહિત છે એની ઓળખાણ વગર સમ્યગ્દર્શન હોય નહિ. સમ્યગ્દર્શન વગર શેની પડિમા અને કોનો ત્યાગ?
હજી સાચી સમજણરૂપી મૂળ તો છે નહિ તો વ્રત, પડિમા અને ત્યાગરૂપી ડાળી ક્યાંથી ફૂટવા માંડી? ‘
मूलं नास्ति कुतः
शाखा’ તેમ હજી ભેદજ્ઞાનવડે સ્વભાવ શું અને પરભાવ શું એ જાણ્યા વગર કોનો ત્યાગ કરીશ?
(૧૪૭) માત્ર સંપ્રદાયની બાહ્ય શ્રદ્ધા વડે મિથ્યાત્વ ટળે નહિ.
વસ્ત્ર સહિત મુનિપણું ન હોય, સ્ત્રીને મોક્ષ ન હોય એવી એવી બહારની વાત સાંભળીને હરખ આવે, પણ આત્મા
પોતે પોતાના સ્વભાવને ન સમજે ત્યાં સુધી તો તે પણ અન્યમતિની માફક મિથ્યાદ્રષ્ટિ છે.
(૧૪૮) જૈનધર્મ
ભાવ પાહુડની ૮૩મી ગાથામાં કહ્યું છે કે અન્યમતિઓ તથા લૌકિકજનો વ્રત, પૂજા અને પુણ્યાદિને જૈનધર્મ માને
છે. પરંતુ એ તો બધો રાગ છે, રાગ તે જૈનધર્મ નથી. જૈનશાસનમાં વ્રત–પૂજાદિના રાગને પુણ્ય કહેવામાં આવ્યું છે પણ
ધર્મ કહેવામાં આવ્યો નથી. રાગરહિત પરિપૂર્ણ સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન અને વીતરાગતા તે જ જૈનધર્મ છે.
(૧૪૯) આત્મકલ્યાણની ખાતર જગતની દરકાર છોડી દેવી જોઈએ.
આ માર્ગ તો આગમ, યુક્તિ, પ્રમાણ અને સ્વાનુભવથી સિદ્ધ થાય છે; જગતમાં માટીના ઠામ લેવા જાય ત્યાં તેની
પરીક્ષા કરે અને આત્માના કલ્યાણને માટે સાચા દેવગુરુશાસ્ત્રની પરીક્ષા કરીને ઓળખે નહિ. ત્યાં જે કૂળમાં જન્મ્યો તે
કૂળના રિવાજ મુજબ દેવ–ગુરુ–શાસ્ત્રને માની લ્યે તેને ધર્મની દરકાર નથી. ઘણા કહે છે કે લૌકિકમાં આબરૂ રાખવા ખાતર
પણ કૂળધર્મના દેવ–ગુરુ–ધર્મને છોડાય નહિ, પણ ભાઈ રે અસત્ના પોષણ કરી કરીને તું તારા આત્માનું જ અહિત કરી
રહ્યો છો અને નિગોદની તૈયારી કરી રહ્યો છો, તે વખતે તારી આબરૂ ક્યાં રહેશે? જગતને ખાતર પોતાના
આત્મકલ્યાણનો માર્ગ છોડાય નહિ, પણ આત્મકલ્યાણ માટે જગતની દરકાર છોડી દેવી જોઈએ.

PDF/HTML Page 22 of 29
single page version

background image
પ્રથમશ્રાવણઃ૨૪૭૩ઃ ૨૦પઃ
(૧પ૦) શ્રી સમયસારની પ્રતિષ્ઠા અને કુંદકુંદ આચાર્યદેવ
આજે વૈશાખ વદ ૮ છે. આજના મંગળ દિવસે આ સ્વાધ્યાય મંદિરમાં શ્રી સમયસારજીની મહાપૂજનિક
પ્રતિષ્ઠા થઈ છે. બે હજાર વર્ષ પહેલાં મહા ઉપકારી શ્રી કુંદકુંદાચાર્યદેવ આ ભરતક્ષેત્રે વિચરતા હતા, તેઓ
નિર્ગ્રંથમુનિ હતા. પોતાની ઋદ્ધિથી તેઓ મહાવિદેહક્ષેત્રમાં શ્રી સીમંધરભગવાન પાસે ગયા હતા અને ત્યાં આઠ
દિવસ રહ્યા હતા. અને ભગવાનનો દિવ્યધ્વનિ સાંભળી પાછા ભરતમાં પધાર્યા હતા. અને શ્રી સમયસાર,
પ્રવચનસાર, પંચાસ્તિકાય વગેરે મહાન શાસ્ત્રોની રચના કરી હતી. તેમાં સર્વશ્રેષ્ઠ શ્રી સમયસાર છે, તેની પ્રતિષ્ઠાનો
મંગળિક દિવસ આજે છે. આ કાળે ભરતક્ષેત્રમાં કુંદકુંદાચાર્યદેવે તીર્થંકરસમાન કામ કર્યું છે, અપૂર્વ શ્રુતની પ્રતિષ્ઠા
કરી છે. અને અમૃતચંદ્રાચાર્યે ટીકામાં રહસ્ય ખોલીને ગણધર જેવું કામ કર્યું છે. કુંદકુંદાચાર્ય અપૂર્વ આત્મરમણતામાં
ઝૂલતા હતા, તેઓને નિર્ગ્રંથ સંતમુનિદશા હતી. તેઓશ્રીએ આ અષ્ટપાહુડમાં કહ્યું છે કે નિર્ગ્રંથ–સ્વભાવ માર્ગનો
વિરોધ કરીને જેઓ વસ્ત્રસહિત મુનિપણું મનાવે છે તેમની ત્રસસ્થિતિ પૂરી થવા આવી છે. પોતાને સ્વભાવના
આરાધકભાવનું એકદમ જોર છે અને અલ્પકાળમાં સિદ્ધદશા લેવાનો પુરુષાર્થ છે તેથી તે આરાધકભાવના જે વિરાધક
છે તેઓ નિગોદ જાય છે એમ કહ્યું છે. વચલી ગતિઓનો અલ્પકાળ લક્ષમાં ગૌણ કરી દીધો છે.
(૧પ૧) જૈનધર્મનો પાયો
વ્યવહાર શ્રદ્ધા સાચી કરે અને ૨૮ મૂળગુણ પાળે, પણ અંતરમાં રાગરહિત, સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન–
સ્થિરતા–રૂપ જે ધર્મ છે તે પ્રગટ કરે નહિ તો તે ભેદવિજ્ઞાનથી ભ્રષ્ટ છે અને બાહ્યક્રિયામાં ધર્મ માને છે, તેને જૈનનું
નગ્ન બાહ્ય લિંગ હોવા છતાં તે શ્રદ્ધા ભ્રષ્ટ છે. જૈનધર્મનો પાયો સમ્યગ્દર્શન જ છે. આત્મા પર જીવોનું રક્ષણ તો કરી
શકતો નથી, માત્ર દયાના ભાવ કરે તે પુણ્ય છે, પણ તે ધર્મ નથી. ધર્મ તો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર જ છે. –૧૦–
–(ગાથા–૧૧)– (૧પ૨) મૂળ અને વૃક્ષ
દસમી ગાથામાં એમ કહ્યું છે કે–જેનું મૂળ નાશ થઈ ગયું છે એવા વૃક્ષને પરિવારની વૃદ્ધિ થતી નથી
તેમ સમ્યગ્દર્શનરૂપી મૂળ વગર મોક્ષમાર્ગ હોતો નથી. હવે અગીયારમી ગાથામાં તેથી ઊલટું કહે છે કે–જેવી
રીતે મૂળમાંથી ઘણા પરિવારવાળું વૃક્ષ થાય છે તેવી રીતે સમ્યગ્દર્શનરૂપી મૂળિયામાંથી મોક્ષમાર્ગરૂપી ઝાડ
પાંગરે છે.
(૧પ૩) જે સત્ સમજવાનો નકાર કરે છે તે આત્માનો જ નકાર કરે છે.
‘અત્યારે મત–મતાંતર વધી ગયા છે તેથી સાચું નક્કી કરવાનો વખત નથી.’ એમ અજ્ઞાનીઓ કહે છે,
એટલે તેનો અર્થ એ થયો કે અત્યારે મિથ્યાત્વ છોડીને સાચું સમજવાનો વખત નથી. અત્યારે સાચી સમજણનો
નકાર કરે છે એટલે આત્માનો જ નકાર કરે છે, પણ સત્ સમજવાની દરકાર કરતા નથી.
સત્ ગમે ત્યારે સમજી શકાય છે. આત્મા અત્યારે છે કે નહિ? છે; તો જે વસ્તુ છે તેનો જેવો સ્વભાવ છે
તેવો કેમ ન જાણી શકાય? અવશ્ય જાણી શકાય માટે વસ્તુ ત્રિકાળ સત્ છે અને સત્ની સમજણ ત્રિકાળ થઈ
શકે છે. –૧૧–
ભગવાન શ્રી કુંદકુંદ–કહાન જૈનશાસ્ત્રમાળા
.समयसार– प्रवचनो भाग–१गुजराती३–०–०११.आत्मसिद्धिशास्त्र (शब्दार्थ साथे)गुजराती०–४–०
.समयसार– प्रवचनो भाग–३गुजराती३–०–०१२.आत्मसिद्धिशास्त्र (स्वाध्याय माटे)गुजराती०–२–०
.पूजा–संग्रहगुजराती०–६–०१३.मुक्तिका मार्गहिन्दी०–१०–०
.छह–ढालागुजराती०–१२–०१४.धर्मनी क्रियागुजराती१–८–०
.समवसरण–स्तुतिगुजराती०–३–०१५.अनुभवप्रकाश अने सत्तास्वरूपगुजराती१–०–०
.अमृतझरणांगुजराती०–६–०१६.सम्यग्ज्ञान–दीपिकागुजराती१–०–०
.जिनेन्द्रस्तवनावलीगुजराती०–६–०१७.मोक्षशास्त्र–गुजराती टीकागुजराती३–८–०
.नियमसार–प्रवचनो भाग–१गुजराती१–८–०१८.समयसार–प्रवचनो भाग ४गुजराती३–०–०
.समयसार–प्रवचनो भाग–२गुजराती२–०–०१९.मूल में भूलहिन्दी०–१२–०
१०.जैनसिद्धांत प्रवेशिकागुजराती०–८–०
જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ– સોનગઢ.

PDF/HTML Page 23 of 29
single page version

background image
ઃ ૨૦૬ઃ આત્મધર્મઃ ખાસ અંક
શ્રી સનાતન જૈન શિક્ષણવર્ગ, સોનગઢ
ઉનાળાની રજાઓ દરમિયાન તા. ૪–પ–૪૭ વૈશાખ વદ ૧૪ થી તા. ૨૭–પ–૪૭ સુધી સોનગઢમાં શ્રી જૈન
સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી જૈન દર્શન શિક્ષણ વર્ગ ખોલવામાં આવ્યો હતો. આ વખતે શિક્ષણ વર્ગમાં ત્રણ
વિભાગ કરવામાં આવ્યા હતા; તેમાં ‘
’ વર્ગના વિદ્યાર્થીઓને મોક્ષમાર્ગ પ્રકાશકનો પહેલો અધ્યાય તથા જૈન
સિદ્ધાંત પ્રવેશિકામાંથી અધ્યાય ચોથો શીખવવામાં આવ્યો હતો. ‘’ વર્ગના વિદ્યાર્થીઓને જૈન સિદ્ધાંત
પ્રવેશિકામાંથી અધ્યાય બીજો–તથા આત્મસિદ્ધિની ગાથા ૪૦ થી ૯૦ સુધી શીખવવામાં આવેલ હતું. અને ‘
વર્ગના વિદ્યાર્થીઓને જૈન સિદ્ધાંત પ્રવેશિકામાંથી બીજા અધ્યાયના ૧૭૩ પ્રશ્ન સુધી તથા આત્મસિદ્ધિની ગાથા ૧ થી
૨૩ સુધી શીખવવામાં આવેલ હતું. તા. ૨૮–પ–૪૭ ના રોજ ત્રણે વર્ગની લેખિત પરીક્ષા લેવામાં આવી હતી અને
પરીક્ષા બાદ વિદ્યાર્થીઓને લગભગ ૨૦૦) રૂ. નાં પુસ્તકો ઇનામ તરીકે વહેંચવામાં આવ્યા હતા. પરીક્ષા બાદ બીજે
દિવસે “શ્રીમદ્ રાજચંદ્ર” એ મથાળાવાળો એક નિબંધ અમદાવાદના શેઠ માણેકલાલ પ્રેમચંદની સૂચનાથી
લખાવવામાં આવ્યો હતો, તેમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને લગભગ ૧૦૦) રૂ. નાં પુસ્તકો ઇનામ તરીકે વહેંચવામાં
આવ્યા હતા. વિદ્યાર્થીઓને પૂછાયેલા પ્રશ્નપત્ર તથા તેના સાચા જવાબો નીચે આપવામાં આવે છે.
શ્રી જૈન દર્શન શિક્ષણ વર્ગ– પરીક્ષા
વર્ગ
સમય સવારના ૯–૧પ થી ૧૧. તા. ૨૮–પ–૪૭
(મોક્ષમાર્ગ પ્રકાશક)
(૧) પંચપરમેષ્ઠિનું સ્વરૂપ લખો. ૧૦
(૨)
. મંગળ કરવાવાળાને સહાયતા નહિ કરવામાં તથા મંગળ ન કરનારને દંડ ન આપવામાં
જિનશાસનના ભક્ત દેવાદિક કેમ નિમિત્ત બનતા નથી, તેના કારણો આપો. ૧૨
. કેવાં શાસ્ત્ર વાંચવા–સાંભળવા યોગ્ય છે.
ક. “सिद्धो वर्णसमाम्नायઃ” નું રહસ્ય સમજાવો.
(જૈન સિદ્ધાંત પ્રવેશિકા)
(૩)
. સંસારી જીવને એકી સાથે ઓછામાં ઓછા ને વધુમાં વધુ કેટલા ભાવો હોય છે? ને તે કઈ
અપેક્ષાએ? ૧૦
. ઉદય, ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ કયા કયા કર્મોનો થઈ શકે?
. મુક્ત જીવોને કયા ભાવો હોય છે અને તેના પેટા ભેદો કયા કયા છે?
. દ્રવ્યેન્દ્રિય તથા ભાવેન્દ્રિયનું સ્વરૂપ સમજાવો.
(૪) ક્ષાયિક સમ્યક્ત્વ, લેશ્યા, અચક્ષુદર્શન, સંજ્ઞા, મનઃપર્યયજ્ઞાન, દેશસંયમ, લબ્ધિ, ઉપયોગ. ૮
ઉપરના બોલો દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે?
. દ્રવ્ય હોય તો કયું દ્રવ્ય?
. ગુણ હોય તો કયા દ્રવ્યનો?
. પર્યાય હોય તો કયા દ્રવ્યનો, કયા ગુણનો? તથા વિકારી કે અવિકારી?
. પાંચ ભાવોમાંથી તે દરેકને કયો ભાવ લાગુ પડી શકે?
(પ) . દર્શન ઉપયોગના પ્રકાર લખો. દરેક જ્ઞાનોપયોગ પહેલાં દર્શન ઉપયોગ હોય? હોય તો કેની પહેલાં
કયો? ન હોય તો કારણ શું? તે સમજાવો. ૬
. જગતનાં બધા દ્રવ્યોમાં કયા ગુણો અને ભાવો સામાન્ય હોય?
. ઉત્કૃષ્ટ શુક્લ લેશ્યા ધર્મનું કારણ કહેવાય કે નહિ તે કારણ આપી સમજાવો.
(૬) લેશ્યા, યોગ, વિગ્રહગતિ, સંપ્રતિષ્ઠિત પ્રત્યેક, સંકલેશ પરિણામ, નિર્વૃત્યપર્યાપ્તક સમજાવો. ૪
’ વર્ગના પ્રશ્નોના જવાબ
પહેલા પ્રશ્નનો જવાબ
પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ
શ્રી અરિહંતનું સ્વરૂપ–ગૃહસ્થપણું છોડી સમ્યગ્દર્શન–જ્ઞાન પૂર્વક સ્વરૂપ સ્થિરતા સાધતાં નિશ્ચયરત્નત્રયરૂપ
મુનિધર્મ અંગીકાર કરી, નિજસ્વભાવ સાધનવડે અનંતચતુષ્ટરૂપે જે બિરાજમાન થયા છે તે અરિહંત ભગવાન છે.
તેઓ અનંતજ્ઞાન વડે પોતપોતાના અનંત ગુણ–પર્યાય સહિત સમસ્ત જીવાદિ દ્રવ્યોને યુગપત્ વિશેષપણાએ કરી
પ્રત્યક્ષ જાણે છે, અનંત દર્શનવડે તેને સામાન્યપણે અવલોકે છે, અનંત વીર્યવડે એવા ઉપર્યુક્ત

PDF/HTML Page 24 of 29
single page version

background image
પ્રથમશ્રાવણઃ૨૪૭૩ઃ ૨૦૭ઃ
સામર્થ્યને ધારે છે તથા અનંત સુખવડે નિરાકુલ પરમાનંદને અનુભવે છે, અને સર્વથા સર્વ રાગ–દ્વેષાદિ
વિકારભાવોથી રહિત થઈ શાંત રસરૂપ પરિણમ્યા છે. આત્માની એવી નિર્મળદશા થતાં ચાર ઘાતિકર્મોનો સ્વયં ક્ષય
થયો છે. વળી ક્ષુધા–તૃષાદિ સમસ્ત દોષોથી મુક્ત થઈ તેઓ દેવાધિદેવપણાને પ્રાપ્ત થાય છે, આયુધ–અંબરાદિ વા
અંગ વિકારાદિક જે કામ–ક્રોધાદિ નિંદ્યભાવોનાં ચિહ્ન છે તેથી રહિત તેમનું પરમૌદારિક શરીર થયું છે. તેમનાં
વચનનાં નિમિત્તે લોકમાં ધર્મતીર્થ પ્રવર્તે છે અને તેથી પાત્ર જીવોનું કલ્યાણ થાય છે. લૌકિક જીવોને પ્રભુત્વ
માનવાના કારણરૂપ અનેક અતિશય તથા અનેક પ્રકારના વૈભવનું તેમને સંયુક્તપણું હોય છે. પોતાના હિતને અર્થે
શ્રીગણધર–ઇન્દ્રાદિક ઉત્તમ જીવો તેમનું સેવન કરે છે. એ કારણોએ સર્વ પ્રકારે પૂજવા યોગ્ય શ્રી અરિહંત પરમેષ્ઠી છે.
શ્રી સિદ્ધ પરમેષ્ઠીનું સ્વરૂપ–ઉપર કહ્યા મુજબ જે ગૃહસ્થ અવસ્થા તજી નિશ્ચયરત્નત્રયરૂપ મુનિધર્મ–
સાધનવડે અનંત ચતુષ્ટય ભાવ પ્રગટ કરી, કેટલોક કાળ વીત્યે પૂર્ણ શુદ્ધતાં પ્રગટતાં પરમૌદારિક શરીરને પણ છોડી
ઊર્ધ્વગમન સ્વભાવથી લોકના અગ્રભાગમાં જઈ જે બિરાજમાન થયા છે તે સિદ્ધ ભગવાન છે. સંપૂર્ણ વિકારનો નાશ
થવાથી પૂર્ણ નિજ શુદ્ધતાની તેમને સિદ્ધિ થઈ છે. ચરમ એટલે કે અંતિમ શરીરથી કિંચિત્ ન્યૂન પુરુષાકારવત્ જેના
આત્મપ્રદેશોનો આકાર અવસ્થિત થયો છે. સમસ્ત જ્ઞાન–દર્શનાદિક આત્મીક ગુણો સંપૂર્ણ પણે સ્વભાવને પ્રાપ્ત થયા
છે, એક ક્ષેત્રાવગાહરૂપ જે કર્મો હતા તેનો પણ ત્યાં (સિદ્ધ દશામાં) સ્વયં અભાવ થયો છે, કેમ કે આત્માની પૂર્ણ
શુદ્ધિને અને કર્મોના અભાવને એવો નિમિત્ત–નૈમિત્તિક સંબંધ છે, તેમને સમસ્ત અમૂર્તત્ત્વાદિક આત્મીક ધર્મો પ્રગટ
થયા છે; ભાવ કર્મોનો અભાવ થવાથી નિરાકુલ આનંદમય શુદ્ધ સ્વભાવરૂપ પરિણમન તેમને થઈ રહ્યું છે. તેમના
ધ્યાન વડે ભવ્ય જીવોને સ્વદ્રવ્ય–પરદ્રવ્યનું તથા ઔપાધિક–સ્વાભાવિક ભાવોનું વિજ્ઞાન થાય છે, અને તે વડે પોતાને
સિદ્ધસમાન થવાનું સાધન થાય છે. સાધવાયોગ્ય પોતાનું શુદ્ધસ્વરૂપ દર્શાવવા માટે તેઓ પ્રતિબિંબ સમાન છે, તથા
તેઓ કૃતકૃત્ય થયા છે, તેથી એ જ પ્રમાણે અનંતકાળ પર્યંત રહે છે. એવી દશાને પામેલા શ્રી સિદ્ધ પરમેષ્ઠી છે.
આચાર્ય, ઉપાધ્યાય અને સાધુનું સ્વરૂપ–જે સમ્યગ્દર્શન–જ્ઞાનપૂર્વક વીરાગી બની, સમસ્ત પરિગ્રહ છોડી,
શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ અંગીકાર કરી, અંતરંગમાં તો એ શુદ્ધોપયોગ વડે પોતે પોતાને અનુભવે છે, પરદ્રવ્યોમાં
અહંબુદ્ધિ ધારતા નથી; પોતાના જ્ઞાનાદિક સ્વભાવોને જ પોતાના માને છે, પરભાવોમાં મમત્વ કરતા નથી, પર દ્રવ્યો
વા તેના સ્વભાવો જ્ઞાનમાં પ્રતિભાસે છે તેને જાણે છે તો ખરા, પરંતુ તેને ઇષ્ટ–અનિષ્ટ માની તેઓ રાગદ્વેષ કરતા
નથી. શરીરની અનેક અવસ્થા થાય છે–બાહ્ય અનેક પ્રકારનાં નિમિત્તો બને છે પરંતુ ત્યાં કંઈ પણ સુખ–દુઃખ તેઓ
માનતા નથી. વળી પોતાને યોગ્ય બાહ્યક્રિયા જેમ બને છે તેમ બને છે પરંતુ તેને ખેંચી તાણી કરવાનો ભાવ તેઓ
કરતા નથી. પોતાના ઉપયોગને તેઓ બહુ ભમાવતા નથી, પણ ઉદાસીન થઈ નિશ્ચલવૃત્તિને ધારણ કરે છે. કદાચિત્
મંદ રાગના કારણે શુભોપયોગ પણ થાય છે, પરંતુ એ રાગભાવને પણ હેય જાણી દૂર કરવાનો ઉદ્યમ કરે છે, તીવ્ર
કષાયના અભાવથી હિંસાદિરૂપ અશુભોપયોગપરિણતિનું તો તેમને અસ્તિત્વ જ રહ્યું નથી; એવી અંતરંગ અવસ્થા
થતાં તેના અવિનાભાવપણે થતી બાહ્ય દિગંબર સૌમ્યમૂદ્રાધારી થયા છે. શરીરસંસ્કારાદિ વિક્રિયાથી તેઓ રહિત થયા
છે. વનખંડાદિ વિષે તેઓ વસે છે, અઠ્ઠાવીસ મૂળગુણોનું તેઓ અખંડિત પાલન કરે છે, બાવીસ પ્રકારના પરિષહજય
પ્રાપ્ત કરે છે, શુભાશુભ ઇચ્છાના નિરોધરૂપ તપને તેઓ આદરે છે. કદાચિત્ અધ્યયનાદિક બાહ્ય ધર્મક્રિયામાં તેઓ
પ્રવર્તે છે. કોઈ વેળા મુનિધર્મને યોગ્ય આહાર–વિહારાદિ ક્રિયામાં સાવધાન થાય છે. એ પ્રમાણે જે જૈનમુનિ છે તે
સર્વનું એવું જ સ્વરૂપ હોય છે.
તેઓમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની અધિકતા વડે પ્રધાનપદને પામી જેઓ સંઘમાં નાયક થયા છે,
મુખ્યપણે તો નિર્વિકલ્પ સ્વરૂપાચરણ વિષે જ જેઓ નિમગ્ન છે પરંતુ કદાચિત્ ધર્મ લોભી અન્ય જીવાદિકોને દેખી
રાગ અંશના કારણે કરુણાબુદ્ધિ થાય તો તેમને ધર્મોપદેશ આપે છે, દીક્ષાગ્રાહકને દીક્ષા આપે છે તથા જે પોતાના દોષ
પ્રગટ કરે તેને પ્રાયશ્ચિતવિધિવડે શુદ્ધ કરે છે એવા આચરણ કરવા–કરાવવાવાળા શ્રી આચાર્ય પરમેષ્ઠી છે.
વળી તે મુનિઓમાં જે ઘણાં જૈનશાસ્ત્રના જ્ઞાતા હોઈ સંઘમાં પઠન–પાઠનના અધિકારી બન્યા હોય, સમસ્ત
શાસ્ત્રના પ્રયોજનભૂત અર્થને જાણી એકાગ્ર થઈ જે પોતાના સ્વરૂપને ધ્યાવે છે, પરંતુ કદાચિત્ કષાય અંશના

PDF/HTML Page 25 of 29
single page version

background image
ઃ ૨૦૮ઃ આત્મધર્મઃ ખાસ અંક
કારણે ત્યાં ઉપયોગ ન થંભે તો આગમને પોતે ભણે છે તથા અન્ય ધર્મબુદ્ધિવાળાને ભણાવે છે. એ પ્રમાણે સમીપવર્તી
ભવ્યજીવોને અધ્યયન કરાવવાવાળા શ્રી ઉપાધ્યાય પરમેષ્ઠી છે.
એ બે (–આચાર્ય તથા ઉપાધ્યાય) પદવી ધારક વિના અન્ય સમસ્ત જે મુનિપદના ધારક છે,
આત્મસ્વભાવને સાધે છે, પોતાનો ઉપયોગ પરદ્રવ્યમાં ઇષ્ટ–અનિષ્ટપણું માની ફસાય નહિ વા ભાગે નહિ તેમ
ઉપયોગને સાધે છે. સ્વરૂપમાં સ્થિર ન રહી શકે ત્યારે ભક્તિવંદનાદિક કાર્યમાં પણ પ્રવર્તે છે, એવા આત્મસ્વભાવના
સાધક સાધુ પરમેષ્ઠી છે.
એ પ્રમાણે એ અર્હંતાદિકનું સ્વરૂપ વીતરાગ વિજ્ઞાનમય છે, એ વડે જ અર્હંતાદિક સ્તુતિ યોગ્ય મહાન થયા
છે. જીવતત્ત્વથી તો સર્વ જીવો સમાન છે, પરંતુ રાગાદિ વિકારવડે તથા જ્ઞાનની હીનતા વડે જીવ નિંદાયોગ્ય થાય છે.
અર્હંત–સિદ્ધ ભગવાનને તો સંપૂર્ણ રાગાદિકનો નાશ તથા જ્ઞાનની સંપૂર્ણતા થવાથી સંપૂર્ણ વીતરાગવિજ્ઞાન પ્રગટરૂપ
હોય છે; તથા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને એક દેશ રાગાદિકની હીનતા તથા જ્ઞાનની વિશેષતા થવાથી એકદેશ
વીતરાગવિજ્ઞાનભાવ સંભવે છે માટે એ પંચપરમેષ્ઠી સ્તુતિ યોગ્ય મહાન જાણવા. આ પંચપરમેષ્ઠીમાં શ્રી અરિહંત
અને સિદ્ધ ભગવાન એ બે દેવ છે અને આચાર્ય–ઉપાધ્યાય તથા સાધુ એ ત્રણે ગુરુ છે.
બીજા પ્રશ્નનો જવાબ
. મંગળ કરવાવાળાને સહાયતા નહિ કરવામાં તથા મંગળ ન કરનારને દંડ ન આપવામાં જિનશાસનના
ભક્ત દેવાદિક નિમિત્ત બનતાં નથી તેનું કારણ એ છે કે–જીવોને સુખ–દુઃખ થવાનું ખરું કારણ પોતાની વર્તમાન
લાયકાત છે, નિમિત્તકારણ પોતાનાં કર્મોનો ઉદય છે અને તે અનુસાર બાહ્ય સંયોગ–વિયોગ સ્વયં બની આવે છે,
માટે જેને પાપનો ઉદય હોય તેને દેવો કે કોઈ અન્ય સહાયતાનું નિમિત્ત બનતું નથી તથા જેને પુણ્યનો ઉદય હોય તેને
દંડનું કોઈ નિમિત્ત બનતું નથી.
દેવાદિક છે તેઓ ક્ષાયોપશમિક જ્ઞાનથી સર્વને યુગપત્ જાણી શકતા નથી તેથી મંગળ કરનારને જાણવાનું
કોઈ દેવાદિકને કોઈ કાળમાં બને છે માટે જો તેના જાણવામાં જ ન આવે તો સહાય કે દંડ આપવાનો ભાવ જ તેને
કેમ થાય? કોઈ વેળા જાણપણું હોય તે વેળા પોતાનામાં જો અતિમંદ કષાય હોય તો સહાય વા દંડ દેવાના પરિણામ
જ થતા નથી અને જો તીવ્ર કષાય હોય તો ધર્માનુરાગ થતો નથી. વળી મધ્યમ કષાયરૂપ કોઈ દેવને એ કાર્ય કરવાના
પરિણામ થાય છતાં પોતે મદદ આપી શકશે નહિ એવો વિચાર આવે તો તે સહાય કે દંડ આપવાનું નિમિત્ત થાય
નહિ. પોતાની શક્તિ છે એમ લાગે, ધર્માનુરાગરૂપ મંદકષાયના કારણે તેવા જ પરિણામ થાય અને તે સમયમાં અન્ય
જીવના ધર્મ–અધર્મરૂપ કર્તવ્યને જાણે તો કોઈ દેવાદિક કોઈ ધર્માત્માને સહાય કરે વા કોઈ અધર્મીને દંડ દે. પણ એ
પ્રમાણે કાર્ય થવાનો કોઈ નિયમ નથી.
બાહ્ય અનુકૂળ સંયોગરૂપ મદદ કે બાહ્ય પ્રતિકૂળતારૂપ દંડ કોઈ આપવા સમર્થ નથી. કોઈ ધર્માત્માને પુણ્યનો
યોગ હોય તો બાહ્ય અનુકૂળ સંયોગો તે વખતે જે મળવા યોગ્ય હોય તે મળે, પણ ધર્માત્મા કોઈ બાહ્ય સંયોગથી
પોતાને લાભ–નુકશાન થાય એમ માનતા નથી. ધર્મશાસ્ત્રોની રચના થવી તે પુદ્ગલ દ્રવ્યનું કાર્ય છે, પુદ્ગલદ્રવ્યોનું
ધર્મશાસ્ત્રની રચનારૂપે પરિણમન થવા યોગ્ય હોય તો સ્વયં થાય છે, તે વખતે ધર્માત્મા પુરુષોનો વિકલ્પ સ્વયં ત્યાં
નિમિત્તપણે હોય છે. કોઈ તે કાર્યમાં વિઘ્નરૂપ થવા માગે, પરંતુ જો તે કાર્ય પૂરું થવા યોગ્ય હોય તો કોઈ વખતે
જૈનધર્મના અનુરાગી દેવોને તે વિઘ્ન ટાળવાનો ભાવ થઈ આવે છે અને તે વિઘ્ન ટળવા લાયક સંયોગો બની જતાં
વિઘ્ન દૂર થાય છે. એવી ઘટના બને ત્યારે તે દેવોએ સહાયતા કરી એમ ઉપચારથી કહેવાય છે.
. જે આગમ મોક્ષમાર્ગનો પ્રકાશ કરે તે જ આગમ વાંચવા–સાંભળવા યોગ્ય છે, કારણ કે સંસારમાં જીવ
નાના પ્રકારનાં દુઃખોથી પીડિત છે. જો શાસ્ત્રરૂપી દીપક વડે તે મોક્ષમાર્ગને પામે તો તે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપી
મોક્ષમાર્ગમાં ગમન કરી એ દુઃખોથી મુક્ત થાય. હવે મોક્ષમાર્ગ તો એક વીતરાગભાવ છે માટે જે શાસ્ત્રોમાં કોઈ
પ્રકારે રાગદ્વેષમોહભાવોનો નિષેધ કરી વીતરાગભાવનું પ્રયોજન પ્રગટ કર્યું હોય તે જ શાસ્ત્રો– વાંચવા–સાંભળવા
યોગ્ય છે, પણ જે શાસ્ત્રોમાં શૃંગાર–ભોગ કુતૂહલાદિ પોષી રાગભાવનું તથા હિંસાયુદ્ધાદિક પોષી દ્વેષભાવનું વા
અતત્ત્વશ્રદ્ધાન પોષી મોહભાવનું પ્રયોજન પ્રગટ કર્યું હોય તે શાસ્ત્ર નથી પણ શસ્ત્ર છે. કારણ જે રાગદ્વેષ–મોહભાવ
વડે જીવ અનાદિથી દુઃખી થયો તેની વાસના તો જીવને વગર શીખવાડે પણ હતી જ અને વળી આ

PDF/HTML Page 26 of 29
single page version

background image
પ્રથમશ્રાવણઃ૨૪૭૩ઃ ૨૦૯ઃ
શાસ્ત્રો વડે તેનું જ પોષણ કર્યું ત્યાં ભલું થવાની તેમણે શું શિક્ષા આપી? માત્ર જીવના સ્વભાવનો ઘાત જ કર્યો.
એટલા માટે એવાં શાસ્ત્રો વાંચવા–સાંભળવા યોગ્ય નથી, તેમજ લખવા લખાવવા, પ્રસિદ્ધ કરવા કે પ્રશંસવા યોગ્ય
નથી.
. ‘सिद्धो वर्ण समाम्नायः’ અર્થાત્ વર્ણ ઉચ્ચારનો સંપ્રદાય સ્વયંસિદ્ધ છે. અકારાદિ ઉચ્ચાર તો અનાદિ
નિધન છે, કોઈએ નવા કર્યા નથી. આ સૂત્ર એમ સૂચવે છે કે ભાષાનું પરિણમન સ્વયં થાય છે તેમાં જીવનો કિંચિત્
માત્ર હાથ નથી. આમ જે યથાર્થપણે સમજે તે પરનું–જડનું કર્તૃત્વ છોડે. ‘હું સારું બોલી શકું–લખી શકું,’ એવું
અભિમાન તેને રહે નહિ. ભાષાવર્ગણા તો જડ છે, જડનું પરિણમન ચૈતન્ય કરે નહિ ને ચૈતન્યનું પરિણમન જડ કરે
નહિ, સૌ સ્વતંત્ર રીતે પરિણમે છે. આમ દરેક દ્રવ્યનું સ્વતંત્રપણું તે કબૂલ રાખે છે. સ્વતંત્રતા ત્યાં યથાર્થતા છે. ને
યથાર્થતા છે ત્યાં વીતરાગતા છે, એવું આ સૂત્રનું રહસ્ય છે.
ત્રીજો પ્રશ્નનો ઉત્તર
. છદ્મસ્થ જીવને એકી સાથે ઓછામાં ઓછા ત્રણ ભાવો હોય છે.
ક્ષાયોપશમિક, ઔદયિક અને પારિણામિક. અને કેવળીને ક્ષાયિક, ઔદયિક અને પારિણામિક હોય છે.
મતિજ્ઞાન આદિ ક્ષાયોપશમિક ભાવ છે, ક્રોધાદિ ઔદયિક ભાવ છે અને જીવત્વ આદિ પારિણામિક ભાવ છે.
વધુમાં વધુ પાંચ ભાવો હોય છે.
જે ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિ જીવ ઉપશમ શ્રેણિ ઉપર ચઢીને ઉપશાંત મોહી છે તેને પાંચે ભાવો હોય છે. ચારિત્ર
મોહનીયનો ઉપશમ હોવાથી ઉપશાંત કષાય તે ઔપશમિક ભાવ છે.
દર્શન મોહનીયનો ક્ષય હોવાથી ક્ષાયિક સમ્યગ્દર્શન તે ક્ષાયિક ભાવ છે. બાકીના ત્રણ ભાવો ઉપર મુજબ.
એમ વધુમાં વધુ પાંચ ભાવો હોય.
. ઉદય, ક્ષય આઠે કર્મોનો થઈ શકે. ઉપશમ, મોહનીયનો; ક્ષયોપશમ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય,
મોહનીય તથા અંતરાયનો.
. મુક્ત જીવોને ક્ષાયિક ભાવ તથા પારિણામિક ભાવ હોય છે.
(૧) ક્ષાયિક ભાવના પેટા ભેદઃ–ક્ષાયિક સમ્યક્ત્વ ક્ષાયિક ચારિત્ર, ક્ષાયિક દર્શન, ક્ષાયિકજ્ઞાન, ક્ષાયિકદાન–
લાભ–ભોગ–ઉપભોગ–વીર્ય.
(૨) પારિણામિક ભાવ શુદ્ધ હોય છે.
. નિર્વૃત્તિ અને ઉપકરણને દ્રવ્યેન્દ્રિય કહે છે. પ્રદેશોની રચના વિશેષને નિર્વૃત્તિ કહે છે. તેના બે ભેદ છેઃ–
(૧) બાહ્ય નિર્વૃત્તિ, અને (૨) આભ્યંતર નિર્વૃત્તિ.
(૧) ઇન્દ્રિયોના આકારરૂપ પુદ્ગલની રચના વિશેષને બાહ્ય નિર્વૃત્તિ કહે છે.
(૨) આત્માના વિશુદ્ધ પ્રદેશોના ઇન્દ્રિયાકાર રચનાવિશેષને આભ્યંતર નિર્વૃત્તિ કહે છે. જે નિર્વૃત્તિનો ઉપકાર
(રક્ષા) કરે તેને ઉપકરણ કહે છે. તેના બે ભેદ છેઃ–
(૧) આભ્યંતર. (૨) બાહ્ય.
(૧) નેત્ર ઇન્દ્રિયમાં કૃષ્ણ, શુક્લ મંડલની માફક સર્વે ઇન્દ્રિયોમાં જે નિર્વૃત્તિનો ઉપકાર કરે તેને આભ્યંતર
ઉપકરણ કહે છે.
(૨) નેત્ર ઇન્દ્રિયમાં પલક વગેરેની માફક જે નિર્વૃત્તિનો ઉપકાર કરે તેને બાહ્ય ઉપકરણ કહે છે. (ઉપકારનો
અર્થ નિમિત્ત થાય છે.)
ભાવેન્દ્રિય
લબ્ધિ અને ઉપયોગને ભાવેન્દ્રિય કહે છે.
(૧) જ્ઞાનના ઉઘાડને લબ્ધિ કહે છે, તેમાં જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ નિમિત્ત હોય છે.
(૨) ક્ષયોપશમ હેતુવાળા ચેતનાના વ્યાપારરૂપ પરિણામવિશેષને ઉપયોગ કહે છે.
ચોથા પ્રશ્નનો ઉત્તર
(૧) ક્ષાયિક સમ્યક્ત્વઃ– જીવદ્રવ્યના શ્રદ્ધાગુણનો અવિકારીપર્યાય, ક્ષાયિક ભાવ,
(૨) લેશ્યાઃ– ભાવલેશ્યા=જીવદ્રવ્યના ચારિત્રગુણ તથા યોગગુણનો વિકારી પર્યાય, ઉદયભાવ.
દ્રવ્યલેશ્યા=પુદ્ગલ દ્રવ્યના વર્ણ ગુણનો પર્યાય.
(૩) અચક્ષુદર્શનઃ– જીવદ્રવ્યના દર્શન ગુણનો વિકારી અને અવિકારી પર્યાય, ક્ષાયોપશમિકભાવ.
(૪) સંજ્ઞાઃ– જીવદ્રવ્યના ચારિત્રગુણનો વિકારી પર્યાય–ઉદયભાવ.
(પ) મનઃપર્યયજ્ઞાનઃ– જીવદ્રવ્યના જ્ઞાનગુણનો અવિકારી પર્યાય–ક્ષાયોપશમિકભાવ.

PDF/HTML Page 27 of 29
single page version

background image
ઃ ૨૧૦ઃ આત્મધર્મઃ ખાસ અંક
(૬) દેશસંયમઃ– જીવદ્રવ્યના ચારિત્રગુણનો અવિકારી પર્યાય–ક્ષાયોપશમિકભાવ.
(૭) લબ્ધિઃ– જીવદ્રવ્યના જ્ઞાનગુણનો પર્યાય છે. મિથ્યાજ્ઞાનની અપેક્ષાએ તે વિકારી છે અને સમ્યગ્જ્ઞાનની
અપેક્ષાએ તે અવિકારી છે. ક્ષાયોપશમિકભાવ.
(૮) ઉપયોગઃ– જીવદ્રવ્યના જ્ઞાન–દર્શનગુણનો પર્યાય છે. મિથ્યાજ્ઞાનની અપેક્ષાએ વિકારી અને
સમ્યગ્જ્ઞાનની અપેક્ષાએ અવિકારી છે. ક્ષાયોપશમિકભાવ; અને કેવળજ્ઞાનીની અપેક્ષાએ ક્ષાયિકભાવ.
પાંચમા પ્રશ્નનો ઉત્તર
. દર્શન ઉપયોગના ચાર પ્રકારઃ–ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવળદર્શન. મતિજ્ઞાન પહેલાં ચક્ષુ
અને અચક્ષુદર્શન.
શ્રુતજ્ઞાન મતિજ્ઞાન પૂર્વક જ હોય છે. તેથી શ્રુતજ્ઞાન પહેલાં દર્શનોપયોગ ન હોય. અવધિજ્ઞાન પહેલાં
અવધિદર્શન હોય છે.
મનઃપર્યયજ્ઞાન ઇહાપૂર્વક હોય છે તેથી તેની પહેલાં દર્શનોપયોગ ન હોય. કેવળજ્ઞાન સાથે જ કેવળદર્શન હોય
છે.
. જગતનાં બધાં દ્રવ્યોમાં સામાન્ય ગુણો અનેક હોય છે તેમાં મુખ્ય છ છે–અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ,
પ્રમેયત્વ, અગુરુલઘુત્વ, પ્રદેશત્વ. જગતનાં બધાં દ્રવ્યોમાં પારિણામિક ભાવ હોય છે.
. ઉત્કૃષ્ટ શુક્લ લેશ્યા ધર્મનું કારણ કહેવાય નહિ. કારણ કે તે શુભ ભાવ છે, વિકાર છે તેથી ધર્મ કહેવાય
નહિ. અભવી, મિથ્યાદ્રષ્ટિને પણ શુક્લ લેશ્યા હોય છે છતાં તેને ધર્મનો એક અંશ પણ પ્રગટ થતો નથી. વળી લેશ્યા
છે તે ઉદય ભાવ છે ને ઉદયભાવ ધર્મનું કારણ હોઈ શકે નહિ. કેવળી ભગવાનને શુક્લ લેશ્યા ઉપચારથી કહી છે. પૂર્વે
યોગ સાથે લેશ્યાનું સહકારીપણું હતું તે યોગ તેરમા ગુણસ્થાને વિદ્યમાન હોવાથી ઉપચારથી લેશ્યા કહી છે. લેશ્યાનું
કાર્ય કર્મબંધ છે. ભગવાનને કષાય નથી તો પણ યોગ હોવાથી એક સમયનો કર્મનો આસ્રવ છે તે અપેક્ષા લક્ષમાં
રાખી ઉપચારથી શુક્લ લેશ્યા કહી છે.
છઠ્ઠા પ્રશ્નનો ઉત્તર
લેશ્યા=કષાયના ઉદયથી અનુરંજિત યોગોની પ્રવૃત્તિને ભાવલેશ્યા કહે છે અને શરીરના પીત, પદ્માદિ વર્ણોને
દ્રવ્યલેશ્યા કહે છે.
યોગ=પુદ્ગલ વિપાકી શરીર અને અંગોપાંગનામા નામ કર્મના ઉદયથી મનોવર્ગણા, વચનવર્ગણા તથા
કાયવર્ગણાના અવલંબનથી, કર્મ–નોકર્મને ગ્રહણ કરવાની જીવની શક્તિ વિશેષને ભાવયોગ કહે છે. તે જ
ભાવયોગના નિમિત્તથી આત્મપ્રદેશના પરિસ્પંદનને (ચંચલ હોવાને) દ્રવ્યયોગ કહે છે.
વિગ્રહગતિ=એક શરીરને છોડી બીજા શરીર પ્રતિ ગમન કરવાને વિગ્રહગતિ કહે છે.
સપ્રતિષ્ઠિત પ્રતયેક=જે પ્રત્યેક વનસ્પતિના આશ્રયે અનેક સાધારણ વનસ્પતિ શરીર હોય તેને સપ્રતિષ્ઠિત
પ્રત્યેક વનસ્પતિ કહે છે.
સંકલેશ પરિણામ=જીવના હિંસા, અસત્યાદિ તીવ્ર કષાયરૂપ અશુભભાવ.
નિર્વૃત્ય પર્યાપ્તક=પોતપોતાને યોગ્ય પર્યાપ્તિઓનો પ્રારંભ તો એકદમ થાય છે, પરંતુ પૂર્ણતા ક્રમથી થાય છે.
જ્યાં સુધી કોઈપણ જીવની શરીરપર્યાપ્તિ પૂર્ણ તો ન હોય, પણ નિયમથી પૂર્ણ હોવાવાળી હોય, ત્યાં સુધી તે જીવને
નિર્વૃત્ય પર્યાપ્તક કહે છે.
શ્રી જૈન દર્શન શિક્ષણ વર્ગ– પરીક્ષા
સમયઃ ૯–૧પ થી ૧૦–૩૦ વર્ગ તા. ૨૮–પ–૪૭
(આત્મસિદ્ધિ)
૧. નીચેના વિષય ઉપર લગભગ ૧પ લીટીનો નિબંધ લખોઃ ૧૨
“શું કારણે આ જીવ અનંત દુઃખ પામ્યો છે? તે અનંત દુઃખથી મુક્ત થવા જીવે શું કરવું જોઈએ?”
૨. પાંચમાંથી કોઈ પણ ત્રણ પ્રશ્નના જવાબ લખો. ૧૨
(૧) મતાર્થી જીવ દેવ–શાસ્ત્ર તથા ગુરુનું કેવું સ્વરૂપ સમજે છે તે ટૂંકાણમાં જણાવો.
(૨) શાં ચિહ્નો વડે સદ્ગુરુ ઓળખાય? તેમનો તમને વિયોગ હોય ત્યારે તમે શું કરશો?
(૩) (ક) આત્મા નિત્ય છે તે સિદ્ધ કરનારું એક દ્રષ્ટાંત આપો.
(ખ) આત્માનાં સદાનાં એંધાણ દર્શાવનારી ગાથા લખો.
(૪) શું કરતાં મોક્ષસ્વભાવ ઊપજે? મોક્ષમાં જીવને શું હોય અને શું ન હોય?

PDF/HTML Page 28 of 29
single page version

background image
પ્રથમશ્રાવણઃ૨૪૭૩ઃ ૨૧૧ઃ
(પ) ખાલી જગ્યા પૂરોઃ (ક) આત્મા...નિત્ય છે,....પલટાય
(ખ) વૈરાગ્યાદિ...તો, જો સહ......
(ગ) ગમે તે ત્રણના શબ્દાર્થ આપોઃ
ક્રિયાજડ, પ્રેરણા, છદ્મસ્થ, અવગાહન.
(જૈન સિદ્ધાંત પ્રવેશિકા)
૩. પાંચમાંથી કોઈ પણ ચાર પ્રશ્નોના જવાબ લખોઃ ૧૨
(૧) જીવને કયા કયા લક્ષણવાળો માનીએ તો લક્ષણના ત્રણ દોષમાંથી એક એક દોષ આવી પડે?
(૨) સામાન્ય અગુરુલઘુત્વગુણ તથા વિશેષ અગુરુલઘુત્વગુણની વ્યાખ્યા આપી તે કોને કોને હોય તે લખો.
(૩) કોઈ પણ ત્રણની વ્યાખ્યા આપોઃ– (ક) સમુદ્ઘાત, (ખ) ચારિત્ર, (ગ) મનઃપર્યયજ્ઞાન, (ઘ)
લક્ષણ, (ડ) પ્રત્યભિજ્ઞાન.
(૪) ગુરુદેવની સ્તુતિવાળો શ્લોક અર્થ સહિત લખો.
(પ) (ક) જે દ્રવ્યોને અનાદિઅનંત સ્વભાવવ્યંજનપર્યાય હોય તેમનાં નામ લખો.
(ખ) જીવના સ્વભાવઅર્થ પર્યાયનું દ્રષ્ટાંત લખી તે કોને હોય છે તે જણાવો.
૪. નીચેના પદાર્થોમાંથી દ્રવ્ય, ગુણ અને પર્યાય ઓળખી કાઢો. ૧૨
(૧) ધારણા, (૨) આત્મપ્રદેશોનું ચંચળ થવું, (૩) સૂક્ષ્મત્વ, (૪) ભાવેંદ્રિય, (પ) ખરબચડાપણું, (૬)
કષાય, (૭) જીવ, (૮) પરિણમનહેતુત્વ.
(ક) ઉપરના પદાર્થોમાંથી જે દ્રવ્ય હોય તેનું મુખ્ય લક્ષણ આપો.
(ખ) ઉપરના પદાર્થોમાંથી જે ગુણ હોય તે કયા દ્રવ્યનો છે તે જણાવો.
(ગ) ઉપરના પદાર્થોમાંથી જે પર્યાય હોય તે કયા દ્રવ્યના કયા ગુણનો, કેવો (વિકારી કે અવિકારી) પર્યાય
છે તે લખો.
વર્ગના પ્રશ્નોના જવાબ
પહેલા પ્રશ્નનો ઉત્તર
આ જીવ એક માત્ર પોતાના આત્માના સ્વરૂપના સાચા જ્ઞાન વિના જ અનંતકાળથી અનંત દુઃખ ભોગવી
રહ્યો છે. તેનો અનંતકાળ તો એકેન્દ્રિય નિગોદ અવસ્થામાં જ ગયો છે. ત્યાં અત્યંત મૂઢ અવસ્થાએ કરી અપાર
દુઃખને પામ્યો. વળી કોઈ મંદ કષાયરૂપ પરિણામના કારણે મનુષ્યાદિ ભવને પામ્યો તો ત્યાં પણ અનાદિ મિથ્યા
વાસનાના કારણે દેહને જ પોતાનું સ્વરૂપ માનવા લાગ્યો, અને દેહની સંબંધી એવી અન્ય વ્યક્તિઓમાં મા–બાપ–
સ્ત્રી–પુત્રાદિની કલ્પના કરી મમત્વ કરવા લાગ્યો. દેહમાં જ, અહંપણું હોવાથી તે દેહના રક્ષક તથા પોષક તરફ રાગ
કરવા લાગ્યો અને તેમાં વિઘ્ન કરનાર તરફ તે દ્વેષ કરવા લાગ્યો.
વળી ધર્મના બહાને કુળ પરંપરાના દેવ–ગુરુમાં જ મમત્વ કરવા લાગ્યો, નિજ પંથના ક્રિયા અને વેશને જ
મુક્તિનું કારણ માનવા લાગ્યો. “દેહનું હું કરી શકું, પર મને લાભ નુકશાન કરે, પરને હું લાભ નુકશાન કરી શકું,
પુણ્યથી ધર્મ થાય, વ્યવહાર કરતાં કરતાં નિશ્ચયમોક્ષમાર્ગ પ્રાપ્ત થાય, સારા દેવ–ગુરુ–શાસ્ત્રનો સંયોગ હોય તો
જીવનો મોક્ષ થઈ જાય, નહિ તો રખડવું પડે, જીવને અનાદિથી કર્મ હેરાન કરે છે, તે કંઈ નરમ પડે તો ધર્મમાં બુદ્ધિ
લાગે.” આવી આવી મિથ્યા વાસનાના કારણે આ જીવ કદી સાચા આત્મસ્વરૂપના માર્ગે ચડયો નહિ પરંતુ સાચા
માર્ગથી નિરંતર દૂર રહ્યો. ફક્ત શુભ–અશુભ ભાવોના કારણે ચાર ગતિમાં ભ્રમણ કરીને અનંત દુઃખ પામતો રહ્યો.
હવે અનંત દુઃખથી મુક્ત થવા માટે જીવે સત્–સમાગમે આત્માના સાચા સ્વરૂપને ઓળખવું જોઈએ, જાણવું
જોઈએ. આ આત્મા દેહથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ છે, અવિનાશી અને સ્વતંત્ર છે. આ જડ દેહ સાથે તેને કંઈ સંબંધ
નથી, તેથી જીવ તેનું કાંઈ કરી શકે નહિ. વળી અંદરમાં પરદ્રવ્યાનુસારે દયા–દાન–પૂજા–ભક્તિરૂપ શુભ કે હિંસા–
કામ–ક્રોધરૂપ અશુભ લાગણી થાય છે તે પણ જીવનું સ્વરૂપ નથી કેમકે તે ક્ષણિક વિકારી ઉપાધિ ભાવો છે. આ
પ્રમાણે દેહાદિ સંયોગોથી અને શુભાશુભ વિકારોથી ભિન્ન પોતાના ત્રિકાળી જ્ઞાન–દર્શનરૂપ સ્વભાવની જો જીવ શ્રદ્ધા
કરે તો તેને સર્વ પ્રથમ સમ્યગ્દર્શનરૂપ ધર્મ પ્રગટ થાય અને ત્યાર પછી સ્વરૂપમાં સ્થિરતા કરી અનુક્રમે સમસ્ત
રાગનો નાશ કરી વીતરાગ સર્વજ્ઞ થાય ત્યારે પોતાના સ્વાભાવિક નિર્મળ અનંત સુખને પામે. આજ અનંત દુઃખથી
મુક્ત થવાનો માર્ગ છે.
બીજા પ્રશ્નનો ઉત્તર
(૧) મતાર્થી જીવ તેને કહેવાય કે જે વસ્તુસ્વરૂપથી ઊલટી એવી પોતાની મિથ્યા માન્યતાને પકડી રાખે. તે
મતાર્થી જીવ ધર્મનું આરાધન મિથ્યા કલ્પનાએ કરે છે પરંતુ જ્ઞાની પુરુષોએ કહેલા સત્ય માર્ગને ધારતો નથી. આ
મતાર્થી જીવ દેવ–શાસ્ત્ર–ગુરુનું પણ કેવું વિપરીત સ્વરૂપ સમજે છે, તે કહીએ છીએ.

PDF/HTML Page 29 of 29
single page version

background image
ATMADHARMA With the permisson of the Baroda Govt. Regd. No. B. 4787
order No. 30-24 date 31-10-44
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
તે મૂઢ જીવ, શરીરનું પ્રમાણ, સમવસરણ આદિની મહિમાયુક્ત શોભા તથા પુણ્યના આડંબરને જિનેશ્વર
ભગવાનનું સ્વરૂપ સમજે છે અને તેમાં જ પોતાના જ્ઞાનને રોકી રાખે છે. પરંતુ વીતરાગતા, સર્વજ્ઞતા ઇત્યાદિ ગુણો
વડે જિનેન્દ્રદેવને તે મતાર્થી જીવ ઓળખતો નથી.
વળી તે મતાર્થી જીવ દેવાદિ ગતિના ભેદોને તથા સ્વર્ગાદિ સ્થાન ભેદોને અને પોતાના વાડાના વેશ તથા
ક્રિયાનું જેમાં વર્ણન હોય તેને જ પ્રયોજનભૂત જ્ઞાન માને છે અને પૂર્વોક્ત વર્ણન જે પુસ્તકમાં હોય તેને માને છે.
પરંતુ આત્માનો સ્વભાવ શું અને તેને બંધન તથા મુક્તિ શું કારણે થાય તેનું વાસ્તવિક સ્વરૂપ જેમાં બતાવ્યું હોય
એવાં શાસ્ત્રને તે ઓળખતો નથી.
વળી તે મતાર્થી જીવ, જેમને માત્ર બાહ્ય ત્યાગ છે પરંતુ આત્માના સાચા જ્ઞાનનો એક અંશ પણ નથી તેને
સાચા ગુરુ માને છે અથવા કૂળ પરંપરાથી મનાતી આવતી કોઈ વ્યક્તિને પોતાના ગુરુ માને છે અને તેમાં અર્પણ
થઈ જાય છે, પરંતુ સાચા આત્મજ્ઞાની નિર્ગ્રંથ વીતરાગી ગુરુને તે ઓળખતો નથી.
(૨) આત્માર્થી જીવ પોતાના સાચા હિતને માટે ઉત્કૃષ્ટ નિમિત્ત એવા સદ્ગુરુ શોધે છે. તે જાણે છે કે જેમને
આત્માનું સત્ય જ્ઞાન હોય, પરથી લાભ–નુકશાન ન માનવાની સમતા હોય, શરીરની વિચરવા આદિની ક્રિયા ઉદય
પ્રમાણે થાય છે અર્થાત્ જીવ તે ક્રિયા કરી શકતો નથી–એમ જે માનતા હોય, જેમની વાણી પૂર્વે કદી નહિ સાંભળેલા
એવા સાચા ન્યાયોથી ભરેલી હોય અને ઉત્કૃષ્ટ પ્રયોજનભૂત શ્રુતજ્ઞાન હોય તે સદ્ગુરુ છે.
આવા જ્ઞાની ગુરુરાજનો જ્યારે અમને વિયોગ વર્તતો હશે ત્યારે અમે જેમાં આત્મા આદિ પદાર્થોની સિદ્ધિ
હોય, જેમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રનું સાચું નિરૂપણ હોય એવાં સત્ શાસ્ત્રોનો બરાબર અભ્યાસ કરશું તથા
સદ્ગુરુદેવે જે તત્ત્વોને ઊંડાં વિચારવાના કહ્યાં છે તેનો અમે બરાબર વિચાર કરશું.
(૩) (ક) સર્પ આદિ જીવોમાં જન્મથી જ ક્રોધાદિ કષાયોનું ઓછાવત્તાપણું જોવામાં આવે છે તેથી એમ
જણાય છે કે તે જીવ તે પ્રકારના સંસ્કાર પૂર્વ ભવથી સાથે લઈને અહીં આવ્યા છે. આવા પૂર્વના સંસ્કારોથી સિદ્ધ
થાય છે કે જીવ નિત્ય છે.
(ખ) સર્વ અવસ્થાને વિષે ન્યારો સદા જણાય. પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય. પ૪.
(૪) દયા–દાન–પૂજા–ભક્તિરૂપ શુભભાવ અને હિંસા–જૂઠું–ચોરી–કામ–ક્રોધ આદિ અશુભ ભાવનો નાશ
કરતાં જીવનો મોક્ષસ્વભાવ ઊપજે છે. તે મોક્ષઅવસ્થામાં વિકારનો અને દેહાદિ પદાર્થોના સંયોગનો સંપૂર્ણ અભાવ
હોય છે. પરંતુ તે મોક્ષઅવસ્થામાં જીવને અનંત જ્ઞાન–દર્શન–સુખ–વીર્ય આદિ ગુણોની પ્રગટતા હોય છે.
(પ) ક–આત્મા દ્રવ્યે નિત્ય છે, પર્યાયે પલટાય.
ખ–વૈરાગ્યાદિ સફળ તો જો સહ આતમજ્ઞાન
ગ–ક્રિયાજડ=શરીરની અને પુણ્યની ક્રિયાથી જ મોક્ષ થશે એવી અજ્ઞાન માન્યતાવાળા.
પ્રેરણા=પરાશ્રિત ચિંતવન, પરાશ્રિત મનન. છદ્મસ્થ=અપૂર્ણ જ્ઞાની
અવગાહન=ઊંડો વિચાર કરવો. (સ્થળ સંકોચને કારણે વિશેષ આવતા અંકે)
ધાર્મિક ઉત્સવના દિવસો
– સોનગઢમાં આ વર્ષે પર્યુષણ પર્વ પહેલા શ્રાવણ વદ ૧૩ બુધવાર તા. ૧૩–૮–૪૭ થી શરૂ કરીને બીજા
શ્રાવણ સુદ પ બુધવાર તા. ૨૦–૮–૪૭ સુધી પાળવામાં આવશે.
– શ્રી જૈન અતિથિ સેવા સમિતિની બેઠક તા. ૧૭–૮–૪૭ રવિવારના દિવસે સાંજે પ વાગે ભરવામાં આવશે.
રા. મા. દોશી
બે દાતાર
પ્રશ્નઃ–સુખના દાતાર કોણ?
ઉત્તરઃ–સમ્યક્ અભિપ્રાય અને રાગ–દ્વેષની અનુત્પત્તિ એ જ સુખના દાતાર છે.
પ્રશ્નઃ–દુઃખના દાતાર કોણ?
ઉત્તરઃ–મિથ્યા અભિપ્રાય અને પર વસ્તુમાં ઇષ્ટ–અનિષ્ટપણું કલ્પીને રાગ–દ્વેષની ઉત્પત્તિ તે જ દુઃખના દાતાર છે.
_____________________________________________________________________________
મુદ્રકઃ ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, દાસકુંજ, મોટા આંકડિયા, કાઠિયાવાડ
પ્રકાશકઃ શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા તા. ૪–૬–૪૭