Atmadharma magazine - Ank 180
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 34
single page version

background image
ઃ ૨૦ઃ આત્મધર્મઃ ૧૮૦
કાર્તિકી પુનમ નજીક આવતાં, મહા સમ્યગ્દ્રષ્ટિ અર્હદત્ત શેઠ સર્વકુટુંબ સહિત સપ્તર્ષિ મુનિવરોની વંદના પૂજા
કરવા માટે અયોધ્યાથી મથુરા તરફ ચાલ્યા. મુનિવરોનો અપાર મહિમા જેણે જાણ્યો છે અને રાજા સમાન જેનો વૈભવ
છે એવા તે શેઠ વારંવાર પોતાની નિંદા કરતાં અને મુનિવરોની પ્રશંસા કરતાં, રથ–હાથી–પાયદળ તથા ઘોડેસવાર
વગેરેની મોટી સેના સહિત યોગીશ્વરોના પૂજન માટે શીઘ્રતાથી મથુરા તરફ ચાલ્યા. મહાવિભૂતિ સહિત અને
શુભધ્યાનમાં તત્પર એવા અર્હદત્ત શેઠ કારતક સુદ સાતમે મુનિવરોના ચરણોમાં આવી પહોંચ્યા. તે ધર્માત્માએ
વિધિપૂર્વક તે મુનિવરોને વંદના કરીને અતિ ભક્તિપૂર્વક પૂજન કર્યું, અને મથુરાનગરીમાં અનેક પ્રકારની મહાન શોભા
કરાવી. આખી મથુરાનગરી સ્વર્ગસમાન શોભવા લાગી.
આ બધો વૃત્તાંત સાંભળીને શત્રુઘ્નકુમાર પણ તરત જ સપ્તર્ષિ મુનિવરોની સમીપ આવ્યો, અને તેની માતા
સુપ્રભા પણ મુનિભક્તિથી પ્રેરાઈને તેની પાછળ આવી. શત્રુઘ્ને અતિશય ભક્તિપૂર્વક મુનિવરો પાસેથી ધર્મનું શ્રવણ
કર્યું. મુનિવરોએ કહ્યુંઃ “આ સંસાર અસાર છે, એક વીતરાગતા જ સાર છે. જિનદેવનો કહેલો વીતરાગમાર્ગ જ
જગતના જીવોને શરણરૂપ છે. જિનધર્મઅનુસાર તેની આરાધના કરો.”
ઉપદેશ સાંભળીને શત્રુઘ્નકુમાર વિનયથી કહેવા લાગ્યો–હે દેવ! આપના પધારવાથી આ મથુરાનગરીમાંથી
મરકીનો મોટો ઉપસર્ગ દૂર થયો, રોગ ગયા, દુર્ભિક્ષ ગયો, બધા વિઘ્નો ટળ્‌યા, પ્રજાનાં દુઃખ ટળ્‌યા, સુભિક્ષ થયો, સર્વ
જીવોને સાતા થઈ, અનેક પ્રકારની સમૃદ્ધિ થઈ અને ધર્મની વૃદ્ધિ થઈ, માટે હે પ્રભો! કૃપા કરીને થોડા દિવસ આપ
અહીં જ બિરાજો.
ત્યારે શ્રી મુનિરાજે કહ્યુંઃ હે શત્રુઘ્ન! જિન આજ્ઞાથી વધારે રહેવું ઉચિત નથી. હવે અમારા ચાતુર્માસનો કાળ
પૂરો થયો...મુનિઓ તો અપ્રતિબદ્ધ–વિહારી હોય છે. આ ચોથો કાળ ધર્મના ઉદ્યોતનો છે, તેમાં અનેક જીવો મુનિધર્મ
ધારોે છે, જિનઆજ્ઞા પાળે છે, ને મહામુનિઓ કેવળજ્ઞાન પામીને મોક્ષ જાય છે. વીસમા તીર્થંકર મુનિસુવ્રતનાથ તો મોક્ષ
પધાર્યા, હવે આ ભરતક્ષેત્રમાં નમિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને વર્દ્ધમાન એ ચાર તીર્થંકરો થશે. હે ભવ્ય!
જિનશાસનના પ્રતાપે મથુરાનો ઉપદ્રવ હવે દૂર થયો છે. હવે મથુરાના સમસ્ત લોકો ધર્મમાં તત્પર થજો, દયા પાળજો,
સાધર્મીઓનું વાત્સલ્ય કરજો, જિનશાસનની પ્રભાવના કરજો...ઘરેઘરે જિનબિંબ સ્થાપજો, જિનપૂજન તથા અભિષેકની
પ્રવૃત્તિ કરજો, તેથી સર્વત્ર શાંતિ થશે. જે જિનધર્મનું આરાધન નહિ કરે તેને જ આપદા આવશે, પરંતુ જેઓ જૈનધર્મનું
આરાધન કરશે તેનાથી તો આપદા એવી ભાગશે કે જેવી ગરૂડને દેખીને નાગણી ભાગે. માટે જિનધર્મની આરાધનામાં
સર્વ પ્રકારે તત્પર રહેજો..
શત્રુઘ્ને કહ્યુંઃ– પ્રભો! આપની આજ્ઞા પ્રમાણે સર્વ લોકો ધર્મની આરાધનામાં પ્રવર્તશે.
ત્યારબાદ મુનિવરો તો આકાશમાર્ગે વિહાર કરી ગયા, અને અનેક નિર્વાણભૂમિઓને વંદીને અયોધ્યાનગરીમાં
પધાર્યા, ત્યાં સીતાજીને ત્યાં આહાર કર્યો. સીતાજીએ મહા હર્ષપૂર્વક શ્રદ્ધા વગેરે ગુણો સહિત પ્રાસુક ભોજનવડે
મુનિઓને પારણું કરાવ્યું.
આ તરફ શત્રુઘ્ને મથુરાનગરીમાં બહાર તેમજ અંદર અનેક જિનમંદિર કરાવ્યા, ઘરેઘરે
જિનપ્રતિમા પધરાવ્યા, અને ધર્મનો મોટો ઉત્સવ કર્યો. આખી નગરી ઉપદ્રવરહિત થઈ ગઈ. વન–
ઉપવન ફળ–ફૂલવડે શોભી ઉઠયાં, સરોવરમાં કમળો ખીલ્યાંઃ અને ભવ્યજીવોનાં હૃદયકમળ પ્રફુલ્લિત
થઈને ધર્મની આરાધનામાં તત્પર બન્યા. આ રીતે સપ્તર્ષિ મુનિ ભગવંતોના પ્રતાપે મથુરાનગરીનો
ઉપદ્રવ દૂર થઈ ગયો, અને મહાન ધર્મપ્રભાવના થઈ.
–કથાના અંતમાં શાસ્ત્રકાર કહે છે કે જે જીવો આ અધ્યાય વાંચશે–સાંભળશે ને સાધુઓની ભક્તિમાં અનુરાગી
થઈને સાધુઓનો સમાગમ ચાહશે તે જીવો મનવાંછિત ફળ પામશે, અર્થાત્ સાધુઓની સંગતિ પામી ધર્મની આરાધના
કરીને પરમપદને પામશે.
* * * *

PDF/HTML Page 22 of 34
single page version

background image
આસોઃ ૨૪૮૪ઃ ૨૧ઃ
અધ્યાત્મ ભાવના
(પૃષ્ઠ ૬થી આગળ)
બાહ્યવિષયો (એટલે કે તેમાં સુખબુદ્ધિ) ત્યાં તને પ્રેમ આવ્યો–ઉત્સાહ આવ્યો,–એ કેવી વિચિત્રતા છે!! અરે
જીવ! હવે તારા જ્ઞાનચક્ષુને ઊઘાડ રે ઊઘાડ!! ભાઈ, તારો સ્વભાવ દુઃખરૂપ નથી, તે સ્વભાવના સાધનમાં જરાય કષ્ટ
નથી, ને બાહ્ય વિષયો તરફનું વલણ એકાંત દુઃખરૂપ છે, તેમાં સ્વપ્ને ય સુખ નથી.–આમ વિવેકથી વિચારીને તારા
અંર્તસ્વભાવ તરફ વળ, ને બાહ્ય વિષયોમાં સુખબુદ્ધિ છોડીને તેમનાથી નિવૃત્ત થા...નિવૃત્ત થા. નિત્ય નિર્ભય સ્થાન
અને સુખનું ધામ તો તારો આત્મા જ છેઃ
“સુખધામ અનંત સુસંત ચહી,
દિનરાત રહે તદ્ ધ્યાનમંહી”
અનંત સુખનું ધામ એવું જે ચૈતન્યપદ તેને ચાહતા થકા સંતો દિનરાત તેના ધ્યાનમાં રહે છે, માટે હે જીવ! તું
તારા ચૈતન્યપદનો વિશ્વાસ કરીને, જગતમાં સુખનું ધામ કોઈ હોય તો મારું ચૈતન્યપદ જ છે–એમ વિશ્વાસ કરીને,
નિર્ભયપણે સ્વભાવમાં ઝૂક...સ્વભાવની સમીપ જતાં તને પોતાને ખબર પડશે કે અહા! આ તો મહાઆનંદનું ધામ છે,
આની સાધનામાં કષ્ટ નથી પણ ઊલટું તે તો કષ્ટના નાશનો ઉપાય છે...આ જ મારું નિર્ભયપદ છે.
ચૈતન્ય સ્વભાવમાં અંદર તો પ્રવેશ કરે નહિ. અરે! તેની નજીક પણ આવે નહિ, ને એમ ને
એમ દૂરથી જ કષ્ટરૂપ માનીને તેનાથી દૂર ભાગે, ને વિષયો તરફ વેગથી દોડે, એવા મૂઢ જીવોને
ચૈતન્યધ્યાનમાં પ્રવૃત્તિ ક્યાંથી થાય? તેથી આચાર્યદેવ કરુણાથી સમજાવે છે કે અરે જીવ! જેમાં તું
સુખ માની રહ્યો છે એવા ઇન્દ્રિયવિષયો સમાન બીજું કોઈ ભયસ્થાન નથી; અને જેમાં તું કષ્ટ માની
રહ્યો છે એવી પરમાત્મભાવના સિવાય બીજું કોઈ અભયસ્થાન નથી. ભવદુઃખોથી તારી રક્ષા કરે
એવું કોઈ અભયસ્થાન આ જગતમાં હોય તો તે તારું પરમાત્મતત્ત્વ જ છે, માટે તેની ભાવનામાં
ઉદ્યત થા.
જેમ, જેને મોટો સર્પ ડસ્યો હોય ને ઝેર ચડયું હોય તે, કડવો લીમડો પણ પ્રેમથી ચાવે છે, તેમ જેને
મિથ્યારુચિરૂપી ઝેર ચડયુંછે એવો જીવ, દુઃખદાયી એવા વિષયકષાયોને સુખદાયી સમજીને તેમાં સંલગ્ન રહે છે; વળી
જેમ પીત્તજ્વરવાળા રોગીને મીઠું દૂધ પણ કડવું લાગે છે તેમ જેને ઊંધી રુચિનો રોગ લાગુ પડયો છે એવા બહિરાત્માને
પરમ સુખદાયક એવી આત્મસ્વરૂપની ભાવના પણ કષ્ટરૂપ લાગે છે.–આવી વિપરીત બુદ્ધિને લીધે જ અજ્ઞાની જીવ
આત્મસ્વરૂપની ભાવના ભાવતો નથી ને વિષયકષાયની જ ભાવના ભાવે છે. સંતો આત્મસ્વરૂપની ભાવના કરવાની
વાતો કરે ત્યાં પણ, ‘અરે! તે આપણથી કેમ બને? આત્માની સમજણ આપણને ક્યાંથી થાય?’–એમ ભડકીને
ભયભીત થાય છે, પોતાથી તે થઈ જ ન શકે એમ માનીને તેમાં નિરુત્સાહી રહે છે, ને બાહ્ય વિષયોમાં જ ઉત્સાહરૂપ
વર્તે છે; તેથી જ અનાદિકાળથી જીવ દુઃખી થઈ રહ્યો છે. ખરેખર તો આ જીવને પોતાના પરમાત્મતત્ત્વની ભાવના
સમાન બીજો કોઈ પદાર્થ જગતમાં સુખદાયી નથી, માટે તે ભાવના જ કર્તવ્ય છે.
જેમ રાજદરબારમાં પહેલવહેલા રાજા પાસે જનારને અજાણપણાને કારણે કંઈક ક્ષોભ કે ભય જેવું લાગે છે, પણ
વારંવાર જેને રાજાનો પરિચય થઈ ગયો તેને રાજા પાસે જતાં કાંઈ ક્ષોભ કે ભય થતો નથી, પણ ઊલટો હર્ષ થાય છે,
તેમ ચૈતન્યરાજાના દરબારમાં, પહેલ વહેલો આત્માનો અનુભવ કરવા માટે પ્રયત્ન કરનારને, અનાદિના અજાણપણાને
કારણે કંઈક કષ્ટ જેવું લાગે, પણ રુચિપૂર્વક વારંવાર ચૈતન્યરાજાનો પરિચય કરતાં તે સુગમ–સહજ અને આનંદરૂપ
લાગે છે...અને વારંવાર ચૈતન્યતત્ત્વની ભાવના કરીને તેમાં જ લયલીન રહેવા માંગે છે, માટે ચૈતન્યતત્ત્વની ભાવના
ખરેખર કષ્ટરૂપ નથી પણ આનંદરૂપ છે. આવો વિશ્વાસ લાવીને હે જીવ! તું વારંવાર તેની ભાવના કર.
અરે! અત્યાર સુધી તારા સુખને ભૂલીને તેં પરમાં સુખ માન્યું...તું ભ્રમણાથી ભૂલ્યો..ને દુઃખી થયો. અરે!
સ્વપદ દુર્ગમ અને પરપદ સુગમ–એમ માનીને તેં સ્વપદની અરુચિ કરી...ને પરપદને તારું કરવાની વ્યર્થ મહેનત કરીને
તું દુઃખી થયો. પરચીજ કદી આત્માની થઈ જ નથી ને

PDF/HTML Page 23 of 34
single page version

background image
ઃ ૨૨ઃ આત્મધર્મઃ ૧૮૦
થતી જ નથી. આ ચૈતન્ય જ સ્વપદ છે તે જ તારું શરણ છે; પણ તેં કદી તારા ચૈતન્યનું શરણ લીધું નથી, માટે
અરે જીવ! તારા નિર્ભય ચૈતન્યપદને જાણીને તેમાં નિઃશંકપણે એકાગ્ર થા. પરચીજો ને રાગાદિ તો અપદ છે–
અપદ છે, આ શુદ્ધ ચૈતન્ય જ તારું સ્વપદ છે–સ્વપદ છે. ધર્મી જાણે છે કે જગતની ગમે તેવી પ્રતિકૂળતા તે કાંઈ
મને ભયસ્થાન નથી. મારું ચૈતન્યસ્વરૂપ અભય છે. નિશંકપણે ચૈતન્યમાં હું પ્રવર્તું છું–તેમાં મને કોઈ સંયોગો
ભય ઉપજાવવા સમર્થ નથી, મારા ચૈતન્યદુર્ગમાં પરસંયોગોનો પ્રવેશ જ નથી, પછી ભય કોનો? અજ્ઞાની બાહ્ય
સંયોગમાં શરણ માનીને– નિર્ભયસ્થાન માનીને તેમાં પ્રવર્તે છે, પણ તે તો ખરેખર ભયનું સ્થાન છે, જેને
શરણભૂત માન્યા તે સંયોગો એક ક્ષણમાં ખસી જશે...જે માતાપિતાને કે પુત્રને શરણ માન્યા તે એક ક્ષણમાં ફૂ
થઈને ક્યાંય ઊડી જશે...લક્ષ્મી અને શરીર ક્યાંય ચાલ્યા જશે...માટે તેમાં ક્યાંય અભયસ્થાન નથી. જગતના
કોઈ પદાર્થનો સંયોગ એવો ધ્રુવ નથી કે જે શરણભૂત થાય! અરે, સંયોગ તરફ વર્તતું તારું જ્ઞાન પણ ક્ષણમાં
પલટી જશે, તેમાં પણ તારું શરણ નથી. આત્મરામ જ તને શરણ છે, તેની શ્રદ્ધા–જ્ઞાન કરીને તેમાં રમણતા
કર! તે જ અભયસ્થાન છે.
।। ૨૯।।
હે નાથ! આવા અભયસ્વરૂપ આત્માની પ્રાપ્તિનો ઉપાય શું છે–એમ હવે શિષ્ય પૂછશે.
* * *
આતમરામ અવિનાશી આવ્યો એકલો..
જ્ઞાન અને દરશન છે તારું રૂપ જો..
બહિરભાવો તે સ્પર્શે નહીં આત્મને,
ખરેખરો એ જ્ઞાયક વીર ગણાય જો..
“આત્મધર્મ” ના ગ્રાહકોને
* આપના હાથમાં રહેલું આ માસિક આ અંકની સાથે પંદર વર્ષ પૂરા કરે
છે...ને આવતા અંકે તેનું સોળમું વર્ષ શરૂ થશે.
* આ માસિકમાં પરમપૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના આત્મહિતકારી
અધ્યાત્મ ઉપદેશનો મુખ્યસાર પ્રસિદ્ધ કરવામાં આવે છે. અને તે ઉપરાંત પૂ. ગુરુદેવના
પ્રતાપે થતી જૈનધર્મ–પ્રભાવનાની વિગતો આપવામાં આવે છે...સાંસારિક ઝંઝટોમાં
આ માસિક કદી પડતું નથી...હજારો જિજ્ઞાસુઓ હોંસે હોંસે આ માસિકનું વાંચન કરે
છે...ને તેમાં આવેલા પૂ. ગુરુદેવના ઉપદેશદ્વારા શાંતિ અને ધર્મની પ્રેરણા મેળવે છે..
* આગામી ૧૬મા વર્ષમાં પરમપૂજ્ય ગુરુદેવ સંઘસહિત શ્રી
બાહુબલીભગવાન, રત્નમય જિનબિંબો, કુંદકુંદપ્રભુની તપોભૂમિ વગેરે તીર્થોની યાત્રા
કરવાના છે; તેની તથા મુંબઈ શહેરના પંચકલ્યાણક વગેરેની ભક્તિભરપૂર માહિતી
માટે આપ ‘આત્મધર્મ’ ના નવા વર્ષના ગ્રાહક બનો અને આપના સંબંધી જનોને
પણ ગ્રાહક બનાવો.
* “આત્મધર્મ” નું વાર્ષિક લવાજમ રૂા. ૪–૦૦ (ચાર) છે.
* દીપાવલી પહેલાં આપનું લવાજમ મોકલી આપો.
લવાજમ મોકલવાનું સરનામુંઃ–
શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ,
સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 24 of 34
single page version

background image
મુંબઈ શહેરમાં
દશલક્ષણી
પર્વનો ઉત્સવ
મુંબઈમાં દિ. જૈન મુમુક્ષુમંડળ તરફથી ભવ્ય દિ. જિનમંદિર મુમ્માદેવી
રોડ (નં. ૧૭૩–૭પ) ઉપર લગભગ ચાર લાખ રૂા. ના ખર્ચે તૈયાર થઈ
ગયું છે અને શ્રી સીમંધરાદિ જિનેન્દ્ર ભગવંતો પણ તેમાં બિરાજે છે. આ વર્ષે
આ ભવ્ય જિનમંદિરમાં અને જિનેન્દ્ર ભગવંતોની મંગલ છાયામાં પહેલી જ
વાર દસલક્ષણી પર્વ ઊજવાતા હોવાથી મુંબઈના ભક્તજનોને ઘણો ઉત્સાહ
હતો. ભાદરવા સુદ પાંચમથી શરૂ કરીને વદ એકમ સુધી ઉલ્લાસ અને
ધામધૂમપૂર્વક આ ઉત્સવ ઊજવાયો હતો. વાંચન માટે રાજકોટના ભાઈશ્રી
લાલચંદભાઈને તેડાવવામાં આવ્યા હતા.
દસલક્ષણ, સોલહકારણ, પંચમેરુ વગેરેના મંડલ કરીને, હંમેશા
જિનમંદિરમાં સમૂહપૂજન થતું હતું, તેમજ અભિષેક તથા ભક્તિ થતા હતા.
ત્યાર બાદ શાસ્ત્રસભા થતી; આ ઉપરાંત નવ તત્ત્વ સંબંધી બાળકોની
નિબંધ હરિફાઈ યોજવામાં આવી હતી. ભાદરવા વદ એકમના રોજ શ્રી
જિનેન્દ્ર ભગવાનની ભવ્ય રથયાત્રા નીકળી હતી; ભજન–ગાન વગેરે અનેક
વિવિધતા સહિત અતિ ઉલ્લાસભરી આ રથયાત્રા જોઈને લોકો પ્રભાવિત
થયા હતા; મુંબઈના ભૂલેશ્વર તથા ગુલાલવાડીના દિ. જિનમંદિરોએ પણ આ
રથયાત્રામાં સારો સહકાર આપ્યો હતો. આ ઉપરાંત મુમુક્ષુઓમાં
શાસ્ત્રસ્વાધ્યાયનો પ્રચાર વધે તે માટે, જિનમંદિરમાં શાસ્ત્રો વસાવવા
નિમિત્તે રૂા. પ૦૦૦) નું ફંડ થયું હતું. છેલ્લે વાત્સલ્યભોજન પણ થયું હતું.
સુગંધદસમીનો દિવસ વિશેષ હર્ષથી ઊજવાયો હતો; આ દિવસે
મંડળના ભાઈ–બહેનો એકત્રિત થઈને, વાજતેગાજતે ધામધૂમથી શહેરના
પાંચે દિ. જિનમંદિરોના દર્શનાર્થે ગયા હતા અને દરેક મંદિરમાં ભક્તિપૂર્વક
ધૂપક્ષેપણ કર્યું હતું. ચોપાટી ઉપર શેઠ શ્રી માણેકચંદ પાનાચંદના કાચના
જિનમંદિરમાં એક દિવસ ખાસ આમંત્રણથી ભક્તિનો પ્રોગ્રામ રાખવામાં
આવ્યો હતો.
આમ અનેક પ્રકારે ઉત્સાહપૂર્વક દસલક્ષણી પર્વનો ઉત્સવ ઊજવાયો
હતો, અને બધા કાર્યક્રમો ખૂબ વ્યવસ્થિત રીતે થયા હતા.
આ જિનમંદિરમાં બિરાજમાન સીમંધરાદિ ભગવંતોની પાવન મુદ્રા
અતિશય ઉપશાંત અને ભાવવાહી છે, એ ભવ્ય મુદ્રા દર્શકને પોતાના તરફ
આકર્ષી લ્યે છે; તેથી, મંડળના ભાઈ–બહેનો ઉપરાંત શહેરની જૈન તેમજ
જૈનેતર જનતા પણ હજારોની સંખ્યામાં ભગવાનના દર્શનનો લાભ લ્યે છે.
આ રીતે પૂ. ગુરુદેવના પ્રતાપે થયેલું મુંબઈ શહેરનું આ જિનમંદિર મહાન
પ્રભાવનાનું અને ઉત્સાહનું કારણ બન્યું છે; તથા મુંબઈનગરીના મુમુક્ષુઓ
અને મુમુક્ષુમંડળના પ્રમુખશ્રી ધન્યવાદને પાત્ર છે.

PDF/HTML Page 25 of 34
single page version

background image
ATMADHARMA Regd. No. B. 4787
___________________________________________________________________________________
છે અને નથી
*મોક્ષમાર્ગમાં વ્યવહારનું અસ્તિત્વ છે પણ મોક્ષમાર્ગમાં વ્યવહારનો
આશ્રય નથી.
* સાધકની પર્યાયમાં રાગ હોય છે; પણ સાધકપણું રાગના આશ્રયે નથી.
* ધર્મીને ભૂમિકાનુસાર રાગ હોય છે; પણ રાગ પોતે ધર્મ નથી.
* જગતમાં જડ કર્મ છે; પણ આત્મામાં જડ કર્મ નથી.
* નિમિત્તમાં નિમિત્ત છે; પણ ઉપાદાનમાં નિમિત્ત નથી.
* ધર્મીને શુભ રાગરૂપ વ્યવહાર હોય છે, પણ ધર્મી તે વ્યવહારના આશ્રયે લાભ
માનતા નથી.
* જેને સાચો વ્યવહાર છે તેને વ્યવહારની રુચિ નથી.
* જેને વ્યવહારની રુચિ છે તેને સાચો વ્યવહાર હોતો નથી.
* જેને દુઃખનું યથાર્થ જ્ઞાન હોય છે તેને એકલું દુઃખ હોતું નથી.
* જેને એકલું દુઃખ છે તેને દુઃખનું યથાર્થ જ્ઞાન હોતું નથી.
* જે સાચો પુરુષાર્થી છે તેને અનંતભવની શંકા હોતી નથી.
* જેને અનંતભવ હોવાની શંકા છે તેને સાચો પુરુષાર્થ નથી.
* જેને મિથ્યાત્વની ખરી ઓળખાણ છે તેને પોતામાં મિથ્યાત્વ હોતું નથી.
* જેને પોતામાં મિથ્યાત્વ છે તેને મિથ્યાત્વના સ્વરૂપની ખરી ઓળખાણ નથી.
* સર્વજ્ઞને જે ઓળખે છે તેના અનંતભવ સર્વજ્ઞે દેખ્યા નથી.
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટવતી મુદ્રક અને પ્રકાશકઃ હરિલાલ દેવચંદ શેઠઃ આનંદ પ્રી. પ્રેસ–ભાવનગર.

PDF/HTML Page 26 of 34
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧પ–૧૬
દીપાવલી અભિનંદન અંક
Version History
Version
NumberDateChanges
001Oct 2003First electronic version.

PDF/HTML Page 27 of 34
single page version

background image
દીપાવલી–અભિનંદન અંક (આત્મધર્મ ખાસ વધારો)
રત્નત્રયના દીવડાથી દિપાવલી ઉત્સવ ઊજવીએ
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની પૂર્ણ
આરાધનાવડે મહાવીર પરમાત્મા આજે મોક્ષ
પામ્યા. પરમ આનંદમય એ સિદ્ધપદ સર્વ
જીવોને પરમ ઇષ્ટ છે, સાધક સંતોના
હૃદયમાં એની સ્તુતિ કોતરાયેલી છે, અને
આત્માર્થી જીવોવડે તે પરમ અભિનંદનીય
છે. આવું સિદ્ધપદ ભગવાન આજે જ
પાવાપુરી–ધામથી પામ્યા; તેનું સ્મરણ કરી
કરીને ભક્તજનો હર્ષપૂર્વક એ સિદ્ધપદનો
મહોત્સવ ઊજવે છે.
જેણે મોક્ષની આરાધનાનો ભાવ પ્રગટ
કર્યો તેણે પોતાના આત્મામાં રત્નત્રયરૂપી
દીવડાથી દીપાવલી મહોત્સવ ઊજવ્યો.
ભગવાન મહાવીરના માર્ગને પામીને, જ્ઞાની
ગુરુઓનાં આશીર્વાદથી આપણે પણ
પોતાના આત્મામાં રત્નત્રયની આરાધના
કરીએ, અને એ રીતે રત્નત્રયરૂપી દીપકની
જ્યોતથી દીપાવલી મહોત્સવ ઊજવીએ..
વર્ષઃ ૧પ–૧૬ (દીપાવલી–અભિનંદન અંક) વીર સં. ૨૪૮૪–૮પ)

PDF/HTML Page 28 of 34
single page version

background image
દરેક શહેર–ગામના મુમુક્ષુ મંડળે નીચેનું નિવેદન સ્વાધ્યાય સમયે વાંચી સંભળાવવું.
યાત્રિકોને પુનઃ સવિનય વિનતિ
દક્ષિણ આદિ પ્રદેશોની તીર્થયાત્રામાં જે યાત્રિકોને આવવાની ઇચ્છા હોય તેમણે કાર્તિક સુદ પ સુધીમાં
અરજીપત્રો અહીં પહોંચી જાય તેવી રીતે મોકલી દેવા ફરીથી વિનતિ છે.
કેમકે બસના કોન્ટ્રેકટરને બસની સંખ્યાનો જવાબ હવે થોડા જ દિવસોમાં આપી દેવાનો છે. કોન્ટ્રેકટરે દક્ષિણ,
મધ્યપ્રદેશ, ગુજરાત–આ બધા પ્રદેશોમાં બસ ફેરવવાની ભારત સરકાર પાસે પરમીટ સાથે લાઈસન્સ મેળવવાનું છે.
અરજીઓની સંખ્યા જાણ્યા પછી ભોજનની સગવડ સંબંધી વિચાર થઈ શકશે.
માટે નમ્રતાપૂર્વક આગ્રહથી લખવામાં આવે છે કે અરજીપત્રો ભરીને જલદી મોકલી આપવા તસ્દી લેવી.
યાત્રા–પ્રવાસની પૂર્વ તૈયારી અંગે પ્રાથમિક ખર્ચ સારી રીતે થાય તે સ્વાભાવિક છે. તેને પહોંચી વળવા માટે
યાત્રિક દીઠ રૂા. ૧૦) દશ લેવાનો વ્યવસ્થાપક કમિટીએ ઠરાવ કર્યો છે.
યાત્રાની ટીકીટના દરમાં સુધારો
() સુધારેલા દર મુજબ હવે નીચે પ્રમાણે યાત્રિક દીઠ બસ ભાડું લેવાનું ઠરાવવામાં આવ્યું છે.
(૧) મુંબઈથી મદ્રાસ અને મદ્રાસથી મુંબઈ પાછા પહોંચવાનું બસ ભાડું રૂા. ૧૩૦) એકસો ત્રીસ, (અગાઉ
ફોર્મમાં જે રૂા. ૧પ૦) લખ્યા હતા તેને બદલે) નક્કી કરવામાં આવે છે.
(૨) મુંબઈથી મદ્રાસ અને ત્યારબાદ આગળ ફરતાં ઈડર થઈને ફતેહપુર (ગુજરાત) પહોંચવા સુધીના રૂા.
૧૭પ) એકસો પંચોતેર (અગાઉ ફોર્મમાં જે રૂા. ૨પ૦) લખ્યા હતા તેને બદલે) નક્કી કરવામાં આવે છે.
(૩) ઉપર મુજબના બસ ભાડામાં પૂર્વ તૈયારીના ખર્ચની ફાળવણી આવી જાય છે.
(
) જે યાત્રિકો પોતાની મોટરમાં યાત્રા કરવા ઇચ્છે છે તેમણે અને અત્યાર સુધીમાં જેમણે ફોર્મ મોકલેલ છે
તેમણે પણ વ્યક્તિ દીઠ રૂા. ૧૦) દશ મોકલી આપવા વિનતિ છે.
વ્યવસ્થાપક કમીટી
પૂજ્યશ્રી કાનજીસ્વામી દિગંબર જૈન તીર્થયાત્રા સંઘ
સોનગઢ તા. ૨–૧૧–પ૮
શ્રી પાવાગઢ–સિદ્ધક્ષેત્રની યાત્રાર્થે આવનારને
આ યાત્રા સંબંધમાં એક નિવેદન આસો માસના આત્મધર્મના અંકમાં બહાર પાડેલ છે. વિશેષ એટલી વિનંતી
કેઃ જેઓ પોતાની અનુકૂળતા મુજબ મોટર, અન્ય બસ, ટ્રેઈનમાં આવવા ઇચ્છતા હોય તેમણે, તેમજ જેઓને સંઘે કરેલી
ભોજનની સગવડમાં ન જમવું હોય તેમણે પણ,–મતલબમાં દરેક યાત્રિકે પોતાના આગમનની ખબર પ્રથમ અહીં
(સોનગઢ) આપવા તસ્દી લેવી. આથી ધર્મશાળા વગેરે બાબતની સગવડ કરવામાં સુગમતા થાય.
કદાચ કોઈને પોષ શુદ ૪ થી પોષ શુદ ૭ સુધીમાં ખબર આપવાની અનુકૂળતા હોય તો તેમણે તે સમયે નીચે
લખેલ સ્થળે ખબર આપવા જરૂર તસ્દી લેવી.
વ્યવસ્થાપક કમીટી
પૂજ્ય શ્રી કાનજીસ્વામી દિગંબર જૈન યાત્રા સંઘ
પાવાગઢ (વડોદરા થઈને)
તા. ૪–૧૧–પ૮ સોનગઢ–સૌરાષ્ટ્ર
આત્મધર્મના ગ્રાહકોને
આત્મધર્મના ગ્રાહકોને આ “દીપાવલી–અભિનંદન અંક’ મોકલતાં અમને હર્ષ થાય છે; આ અંક દ્વારા સૌ
સાધર્મીઓને વાત્સલ્યભર્યા અભિનંદન પાઠવીએ છીએ.
વિશેષમાં ગઈ સાલના ગ્રાહકોને ખાસ સૂચના કરવાની કે, આપનું ગયા વર્ષનું લવાજમ પૂરું થઈ ગયું હોવા છતાં
આપને પણ આ અભિનંદન–અંક મોકલીએ છીએ, અને આશા રાખીએ છીએ કે આપનું નવા વર્ષનું લવાજમ આપ સત્ત્વરે
મોકલી આપશો, જેથી વી. પી. કરવું ન પડે. લવાજમ મોકલતી વખતે આ અંકમાં આપેલ રેપર ઉપરનો નંબર લખશો.
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર
સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 29 of 34
single page version

background image
આત્મધર્મ વર્ષ ૧પ–૧૬ દીપાવલી–અભિનંદન અંક વીર સં. ૨૪૮૪–૮પ
સિદ્ધવરકૂટ ધામમાં
ઉલ્લસેલી સિદ્ધભક્તિ
સિદ્ધવરકૂટ સિદ્ધધામની અતિ ઉલ્લાસભરી યાત્રા
બાદ પૂ. ગુરુદેવનું પ્રવચન થયું હતું. એ સિદ્ધધામના
ઉપશાંત વાતાવરણમાં સિદ્ધભગવંતો પ્રત્યે હૃદયની
ઉદાર ઉર્મિઓ ગુરુદેવે વ્યક્ત કરી હતી. મહાવીર
ભગવાનના સિદ્ધગમન પ્રસંગે એ સિદ્ધધામનું
પ્રવચન વાંચતાં જિજ્ઞાસુઓને આનંદ થશે.
જુઓ, આ ‘સિદ્ધવરકૂટ’ તીર્થ છે. ‘સિદ્ધ–વર–કૂટ!’ અહા! સિદ્ધભગવંતો જગતના ઉત્કૃષ્ટ શિખર સમાન છે.
એવા ઉત્કૃષ્ટ શિખર સમાન સિદ્ધપદને કરોડો જીવો અહીંથી પામ્યા તેથી આ ક્ષેત્ર ‘સિદ્ધવરકૂટ’ છે. અહીંનો દેખાવ પણ
એવો છે કે જાણે ચારે કોર મુનિઓ ધ્યાનમાં બેઠા હોય! બે ચક્રવર્તી, દસ કામદેવ અને સાડાત્રણ કરોડ મુનિવરો અહીંથી
મોક્ષ પધાર્યા છે, તેઓ અહીંથી ઉપર લોકાગ્રે સિદ્ધાલયમાં બિરાજે છે. (–આમ કહીને ગુરુદેવે ઉપર નજર કરીને, હાથ
વડે સિદ્ધાલય બતાવ્યું; પછી ઉપરના સિદ્ધભગવંતોને જાણે કે પોતાના તેમજ શ્રોતાઓના હૃદયમાં ઉતારતા હોય તેમ
કહ્યુંઃ–)
અહો, સિદ્ધભગવંતો! આપને નમસ્કાર હો. ‘वंदित्तु सव्वसिद्धे’ એમ કહીને સમયસારના માંગળિકમાં જ
આચાર્યદેવ સર્વ સિદ્ધભગવંતોને પોતાના તેમ જ શ્રોતાઓના આંગણે બોલાવીને તેમને નમસ્કાર કરે છે. અહા,
સિદ્ધભગવંતો અક્રિય–ચૈતન્યબિંબ છે, તેમને શાંતપરિણતિ થઈ ગઈ છે, આપણા મસ્તક ઉપર સમશ્રેણીએ લોકના
ઉત્કૃષ્ટસ્થાને તેઓ બિરાજે છે. સિદ્ધભગવંતો લોકના અગ્રેસર છે તેથી લોકના શિરે બિરાજે છે. જો તેઓ અગ્રેસર ન
હોય તો લોકની ઉપર કેમ બિરાજે? જેમ પાઘડી કે મુગટને લોકો પોતાના ઉપર શિર ઉપર ધારણ કરે છે તેમ
સિદ્ધભગવાનનું સ્થાન પણ લોકના શિર ઉપર છે, તેઓ જગતમાં સૌથી શ્રેષ્ઠ છે. સાધકોએ અનંત સિદ્ધભગવંતોને
પોતાના શિર ઉપર રાખ્યા છે...ધ્યેયરૂપે હૃદયમાં સ્થાપ્યા છે. આ રીતે ‘સિદ્ધ’ ભગવંતો ‘વર’ એટલે કે ઉત્કૃષ્ટ ‘કૂટ’
એટલે કે શિખર છે.–આમ સિદ્ધભગવાનમાં ‘સિદ્ધવરકૂટ’ નો ભાવાર્થ ઊતાર્યો. અવા સિદ્ધભગવંતોને ઓળખીને
ધ્યેયરૂપે પોતાના આત્મામાં સ્થાપવા–એટલે કે પોતાના આત્માને તે સિદ્ધિના પંથે પરિણમાવવો તે સિદ્ધિધામની
પરમાર્થ જાત્રા છે.
જુઓને, અહીંનો આસપાસનો દેખાવ પણ કેવો છે! મોક્ષના સાધક મુનિઓ આવા ધામમાં રહે, ને ચૈતન્યના
ધ્યાનમાં મશગુલ હોય. વાહ, એ મુનિદશા!! પહેલાંના કાળમાં આવા વનજંગલમાં રહીને અનેક મુનિઓ
કારણપરમાત્માને ધ્યાવતા હતા..ને કેવળજ્ઞાન પામીને મોક્ષ પામતા હતા. દરેક આત્મા પોતે આવો કારણપરમાત્મા છે.
જ્યારે અંતર્મુખ થઈને પોતે પોતાનું ધ્યાન કરે ત્યારે સમ્યગ્દર્શન થાય છે. અંતરમાં કારણપરમાત્માને ધ્યાવી–ધ્યાવીને જ
અનંતા જીવો સિદ્ધ થયા છે ને થશે.

PDF/HTML Page 30 of 34
single page version

background image
આત્મધર્મ વર્ષ ૧પ–૧૬ દીપાવલી–અભિનંદન અંક વીર સં. ૨૪૮૪–૮પ
જેમ બડવાનીજી તીર્થમાં આદિનાથ ભગવાનની મોટી મૂર્તિ મૂળ ચૂલગિરિ પર્વતમાંથી જ કોતરી કાઢી
છે, બહારથી નથી આવી; તેમ ચૈતન્યસ્વરૂપ આત્મ ચૂલગિરિ જેવો કારણપરમાત્મા છે, તેના સ્વભાવમાંથી
કોતરીને સિદ્ધપદ પ્રગટે છે, સિદ્ધપદ બહારથી નથી આવતું. સનતકુમાર અને મઘવા એ બે ચક્રવર્તીઓ છ–છ
ખંડના રાજને ક્ષણમાત્રમાં છોડીને મુનિ થયા ને આત્માને ધ્યાવીને અહીંથી સિદ્ધપદ પામ્યા; એ જ રીતે દસ
કામદેવ અને કરોડો મુનિવરો પણ અહીંથી સિદ્ધપદ પામ્યા; તે બધાય અંદરમાં કારણ હતું તેને ધ્યાવીને જ
કાર્યપરમાત્મા (સિદ્ધ) થયા છે. પોતાના સ્વભાવનું સેવન કરીને આ જીવ પણ એવું સિદ્ધપદ પામી શકે છે.
સ્વભાવમાં અંતર્મુખ થવાથી સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટે છે, તે સિદ્ધિનો માર્ગ છે. આવા માર્ગથી અનંતા
જીવો સિદ્ધપુરીમાં પહોંચ્યા છે.
(યાત્રામહોત્સવ દરમિયાન, સિદ્ધવરકૂટ ધામમાં ઘણા સુંદર વાતાવરણ વચ્ચે ચાલતા પ્રવચનમાં ગુરુદેવ સિદ્ધપદ
પ્રત્યેની ભાવભીની ધૂન વ્યક્ત કરી રહ્યા છે, ને શ્રોતાઓ એકતાન થઈને આનંદપૂર્વક ઝીલી રહ્યા છેઃ અહા! જાણે
સિદ્ધભક્તિનો શાંતરસ વહી રહ્યો છે..)
સિદ્ધપદના સાધક સંતો કહે છે કે, સર્વે સિદ્ધભગવંતોને મારા આત્મામાં સ્થાપીને, તેમની પંક્તિમાં બેસીને, હું
તેમને વંદન કરું છું, તેમનો આદર કરું છું. આ રીતે જેણે સિદ્ધપદનો આદર કર્યો તેણે સંયોગની અને વિકારની બુદ્ધિ
છોડીને ઉત્કૃષ્ટ ચૈતન્યસ્વભાવમાં આરોહણ કર્યું. પરિપૂર્ણ–જ્ઞાન–દર્શન–આનંદ ને વીર્યસ્વરૂપ પરમસિદ્ધપદ જ મારે
સત્કારવા જેવું છે એમ નિર્ણય કરીને પોતાના આત્મામાં અનંત સિદ્ધભગવંતોને જેણે પધરાવ્યા તે સાધક જીવ અલ્પ
કાળમાં સિદ્ધોની વસ્તીમાં ભળી જશે.
અંતરમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ સાધકભાવ પ્રગટ કરીને સિદ્ધપદનો યાત્રિક કહે છે કે અહો
સિદ્ધભગવંતો! હું મારા અંતરના આંગણે આપને પધરાવું છું. ‘તારું આંગણું કેવડું?’ તો કહે છે કે કે સિદ્ધભગવાન
સમાય તેવડું. પૂર્ણાનંદને પામેલા સિદ્ધપરમાત્માને પોતાના આંગણે પધરાવતાં ધર્મી જીવ પોતાની જવાબદારી સહિત કહે
છે કે હે સિદ્ધભગવંતો! મારા આંગણે પધારો..
આવો આવો શ્રી સિદ્ધભગવાન અમ ઘેર આવો રે..
રૂડા ભક્તિવત્સલ ભગવંત નાથ! પધારો ને..
હું કઈ વિધ પૂજું નાથ! કઈ વિધ વંદું રે..
મારે આંગણે સિદ્ધભગવાન જોઈ જોઈ હરખું રે..
મારા આત્મામાંથી હું વિકારને કાઢી નાંખીને આપને જ સ્થાપું છું,–હે નાથ! પધારો મારા અંતરે! નિર્મળ શ્રદ્ધા–
જ્ઞાનરૂપ મારા અંતરના આંગણે હું આપને બિરાજમાન કરું છું. આ રીતે સાધક ધર્માત્મા પોતાના આંગણે
સિદ્ધભગવાનને પધરાવીને પોતે પણ સિદ્ધપદને સાધે છે.
સિદ્ધભગવંતોને અને સિદ્ધપદ સાધક સંતોને નમસ્કાર હો.

PDF/HTML Page 31 of 34
single page version

background image
મહાવીર પ્રભુના મોક્ષધામમાં
ગુરુદેવનું પ્રવચન
પાવાપુરી–જલમંદિર તીર્થધામની યાત્રા બાદ પાવાપુરીમાં ગુરુદેવનું ભક્તિભર્યું પ્રવચનઃ ફાગણ સુદ ૨ રવિવાર
જુઓ, આ પાવાપુરી ધામમાં મહાવીર ભગવાન નિર્વાણ પદને પામ્યા છે. દેહથી પાર જ્ઞાનાનંદ તત્ત્વનું ભાન તો
પહેલેથી હતું, ને એવા ભાન સહિત અહીં અવતર્યા હતા. ત્યારબાદ ચારિત્રદશા પ્રગટ કરી, ને વૈશાખ સુદ દસમીએ
પ્રભુને કેવળજ્ઞાન થયું. કેવળજ્ઞાન પછી ત્રીસ વર્ષ સુધી સહજપણે ઇચ્છા વિના વિહાર થયો ને દિવ્ય ઉપદેશ નીકળ્‌યો..
ત્યારબાદ આ પાવાનગરીમાં પધાર્યા, ને અંતિમદેશના બાદ યોગનિરોધ કરીને અહીંથી ભગવાન મોક્ષ પામ્યા; તે
મોક્ષસ્થાનની બરાબર ઉપર સિદ્ધ ભગવાનપણે અત્યારે તેઓ બિરાજે છે.
ભગવાન સર્વજ્ઞ હતા, વીતરાગ હતા ને હિતોપદેશી હતા; ભગવાને હિતોપદેશમાં શું કહ્યું? જેનાથી આત્માનું
પરમહિત થાય–તેવો ઉપદેશ ભગવાને કર્યો. ભગવાન પોતે તો સર્વજ્ઞ–વીતરાગ થયા ને પોતાના આત્માનું પરમ હિત
સાધી લીધું. પછી જે વાણી નીકળી તેમાં પણ એવા હિતનો જ ઉપદેશ નીકળ્‌યો કે અહો આત્મા! તારો આત્મા પણ એક
ક્ષણમાં પરિપૂર્ણ જ્ઞાન–આનંદથી ભરેલો છે; અમે જે અનંત જ્ઞાન–દર્શન–સુખ ને વીર્ય પામ્યા તે આત્માની અનંત
શક્તિમાંથી જ પામ્યા છીએ. અમારા ને તારા આત્માના અંર્તસ્વભાવમાં ફેર નથી. આત્માની ક્ષણિક અવસ્થામાં જે
શુભ–અશુભ લાગણી છે તે વિકૃત છે, તે હિતનું કારણ નથી; તે શુભ–અશુભનો અભાવ કરીને અમે અમારું પૂર્ણ હિત
સાધ્યું છે, માટે પહેલાં એમ નક્કી કર કે હું જે હિત પ્રાપ્ત કરવા માંગું છું તે મારા આત્માની શક્તિમાંથી જ આવશે,
ક્યાંય બહારથી નહિ આવે. આમ સ્વભાવ–સન્મુખ થવાનો જે પરમહિતોપદેશ સર્વજ્ઞ ભગવાને આપ્યો, તેનાથી જ
ભગવાનની મહત્તા છે.
આદ્ય સ્તુતિકાર સ્વામી સમન્તભદ્ર કહે છે કે હે ભગવાન! આપ મોક્ષમાર્ગના નેતા છો–હિતમાર્ગના પ્રણેતા છો;
કર્મરૂપી પર્વતને ભેદી નાંખનાર છો, ને વિશ્વના સમસ્ત તત્ત્વોના પ્રત્યક્ષજ્ઞાતા છો. આવા ગુણોની પ્રાપ્તિ માટે આપને
વંદન કરું છું–આવા ગુણો વડે આપની સ્તુતિ કરું છું.
–ત્યારે જાણે કે ભગવાન તેને પૂછે છેઃ હે ભદ્ર સ્તુતિમાં આ સમવસરણ, આ દેવોનું આગમન, આકાશમાં
ગમન, આ ચામર–છત્ર વગેરે દિવ્યવૈભવ તેનું તો તેં સ્તવન ન કર્યું!!
ત્યારે સમન્તભદ્રસ્વામી, ભગવાનને જવાબ આપતાં કહે છે કે હે નાથ! શું આ દેવોનું આવવું, આકાશમાં
ચાલવું ને ચામરાદિ વૈભવ,–તેને લીધે આપ અમારા મનને પૂજ્ય છો? શું તેને લીધે આપની મહાનતા છે? ?–ના, ના;
પ્રભો! એવું તો માયાવી–ઇદ્રજાળીઆ પણ દેખાડી શકે. હે નાથ! અમે તો આપના ગુણોને ઓળખીને તેના વડે જ
આપની સ્તુતિ કરીએ છીએ.
देवागम–नभोयान–चामरादिविभूतयः।
मायाविष्वपि द्दश्यन्ते, नातस्त्वमसि नो महान्।।
હે નાથ! આ સમવસરણનો વૈભવ, આ દેવોનું આગમન, આ આકાશમાં વિહાર એના વડે! અમે આપની
મહત્તા નથી માનતા;–એવું તો માયાવી પણ બતાવી શકે છે. હે નાથ! અમે તો આપના પરમ હિતોપદેશ વડે આપની
સર્વજ્ઞતા અને વીતરાગતાનો પરીક્ષા વડે નિર્ણય કરીને તેનાથી જ આપની મહત્તા માનીએ છીએ. –
मोक्षमार्गस्य नेतारं, भेत्तारं कर्मभूभृताम्।
ज्ञातारं विश्वतत्त्वानां, वन्दे तद्गुणलब्धये।।
જુઓ, આ ભગવાનની સ્તુતિ! જેમ નદીના પ્રવાહમાં તરંગ ઊઠે તેમ જ્ઞાનીના હૃદયમાં સમ્યગ્જ્ઞાનનો પ્રવાહ
વહે છે. તેમાં આ ભક્તિરૂપી તરંગો ઊઠયા છે. જ્ઞાનીની સ્તુતિ પણ જુદી જાતની હોય છે. ભગવાનને ઓળખીને અને
ભગવાનને શું કહ્યું તેની પરીક્ષા કરીને ભગવાનની સ્તુતિ કરે છે, એકલા પુણ્યનો ઠાઠ હોય તેની જ્ઞાનીને મહત્તા નથી.
અરે! જ્ઞાની ધર્માત્મા તો એમ વિચારે છે કે ઇન્દ્રપદ કે ચક્રવર્ત્તી પદ મળે તે પણ પુણ્યનું ફળ છે,–રાગનું ફળ છે, ને તે
વૈભવના ભોગવટામાં તો પાપવૃત્તિ છે; તેમાં ક્યાંય ચૈતન્યનું સુખ નથી. ઇન્દ્રનો વૈભવ કે ચક્રવર્તીનો વૈભવ પૂર્વના
પુણ્યથી મળ્‌યો ત્યાં ધર્મીને તેનો આદર નથી– તેની રુચિ નથી. ચૈતન્યના અતીન્દ્રિય આનંદનો જ આદર છે, તેની જ
મીઠાસ છે. આત્માના આવા આનંદસ્વભાવની સન્મુખ થવાનો ઉપદેશ ભગવાને કર્યો. અત્યારે તો ભગવાન

PDF/HTML Page 32 of 34
single page version

background image
આત્મધર્મ વર્ષ ૧પ–૧૬ દીપાવલી–અભિનંદન અંક વીર સં. ૨૪૮૪–૮પ
એક વાર હરખ તો લાવ!
હે જીવ! એક વાર હરખ તો લાવ..કે ‘અહો! મારો આત્મા આવો!’ ..
.. કેવો?–કે સિદ્ધભગવાન જેવો. સિદ્ધભગવાન જેવી પરિપૂર્ણ
જ્ઞાન–આનંદની તાકાત મારા આત્મામાં ભરી જ છે, મારા આત્માની
તાકાત હણાઈ ગઈ નથી. “અરેરે! હું દબાઈ ગયો, વિકારી થઈ
ગયો, હવે મારું શું થશે!’–એમ ડર નહિ, મુંઝા નહિ, હતાશ ન થા.
એક વાર સ્વભાવનો હરખ લાવ..સ્વભાવનો ઉત્સાહ કર..તેનો
મહિમા લાવીને તારા પુરુષાર્થને ઊછાળ.. તો તને તારા અપૂર્વ આહ્લાદનો
અનુભવ થશે. અને તું સિદ્ધપદને પામીશ.
વાણી રહિત થઈ ગયા છે ને સિદ્ધપદમાં બિરાજે છે, ત્યાં ક્ષણેક્ષણે આનંદની નવી નવી પર્યાયનો અનુભવ કરે છે.
ચૈતન્યના અતીન્દ્રિય આનંદને અનુભવનારા જ્ઞાની સંતોને, ઇન્દ્રિય વિષયોમાં વળેલા જીવો પ્રત્યે દયા આવે છે.
ચૈતન્ય સ્વભાવના અનુભવ વિના બીજું કોઈ મોક્ષનું સાધન થતું નથી. વચ્ચે પૂજા–ભક્તિની શુભ વૃત્તિ હો ભલે, પણ તે
કાંઈ મોક્ષનું સાધન થતી નથી. શુભાશુભવૃત્તિ તે સ્વભાવના ખજાનામાંથી નથી આવતી; સ્વભાવમાં તો જ્ઞાન–આનંદનો
ખજાનો ભર્યો છે. આવા આનંદસ્વભાવનું જેને ભાન થયું છે તેને ચક્રવર્તી ઉપર કે ઇન્દ્ર ઉપર પણ દયા આવે છે. પોતે એવા
પદને ઇચ્છતા તો નથી પણ એવા પદમાં રહેલા રાગી જીવો ઉપર તેને દયા આવે છે. ચક્રવર્તીપદ, ઇન્દ્રપદ વગેરે મોટી પદવી તો
સમ્યગ્દર્શનની ભૂમિકામાં જ બંધાય છે, પણ ધર્માત્માને તે પદની પ્રીતિ નથી, ચૈતન્યની પ્રીતિ આડે જગતના કોઈ વૈભવની
તેને પ્રીતિ નથી. આવા સમ્યગ્જ્ઞાન વગર જીવે રાગની રુચિથી અનંતવાર મુનિવ્રત પાળ્‌યાં પણ તેનું જરાય હિત ન થયું.
“મુનિવ્રતધાર અનંતવાર ગ્રીવક ઉપજાયો,
પૈ નિજ આતમજ્ઞાન બિન સુખ લેશ ન પાયો.”
ભગવાન જ્યારે અહીંથી મોક્ષ પધાર્યા ત્યારે ઉપરથી ઇદ્રો અહીં મોક્ષ કલ્યાણક ઉજવવા આવ્યા હતા. તે જ ઇન્દ્ર
અત્યારે બિરાજે છે, ને તે જ આ ભૂમિ છે. ભગવાન અહીંથી મોક્ષ પધાર્યા, ગૌતમસ્વામી અહીં કેવળજ્ઞાન પામ્યા; ને
અહીંથી ૧૩ માઈલ દૂર ગુણાવામાં મોક્ષ પામ્યા. આવા કેવળજ્ઞાન અને મોક્ષપદની જેને પ્રીતિ છે તે વારંવાર તેને યાદ કરે
છે. ને એ રીતે પોતાના અંતરની ચૈતન્ય ઋદ્ધિને યાદ કરીને તેની ભાવના ભાવે છે, સમ્યગ્દ્રષ્ટિ કેવા હોય છે? તો કહે છે કે–
રિદ્ધિ સિદ્ધિ વૃદ્ધિ દીસે ઘટમેં પ્રગટ સદા,
અંતરકી લક્ષ્મીસોં અજાચી લક્ષપતિ હૈ;
દાસ ભગવંત કે ઉદાસ રહે જગતસોં,
સુખીયા સદૈવ ઐસે જીવ સમકિતી હૈ.
સમકિતી ધર્માત્મા જગતથી ઉદાસ છે, અંતરની ચૈતન્ય રિદ્ધિનું તેને ભાન થયું છે, ને ક્ષણે ક્ષણે પર્યાયમાં જ્ઞાન–
આનંદની ઋદ્ધિ વૃદ્ધિ થતી જાય છે, જગત પાસેથી સુખની તેને આશા નથી, એટલે તે જગતથી ઉદાસ છે અને ભગવાનના
દાસ છે; તેને ભાન છે કે અમારું સુખ અમારા સ્વભાવમાં છે. આ રીતે અંતરની લક્ષ્મીથી સમકિતી જીવો સદા સુખીયા છે.
સીતાજીની પરીક્ષા બાદ રામચંદ્રજી જ્યારે તેને રાજમાં પાછા આવવાનું કહે છે, ત્યારે સીતાજી વૈરાગ્યથી કહે છે કે
અરે! આ સંસારનું સ્વરૂપ અમે દેખી લીધું, આ પટરાણી પદ પણ અમારે ન જોઈએ. અમે તો હવે અર્જિકા થઈને ચૈતન્યના
આનંદનું સાધન કરશું. જુઓ, સમકિતીને પહેલેથી આત્માના આનંદનું ભાન છે ને રાજપદને તૂચ્છ જાણ્યું છે. સીતાજી કહે
છે કે અમે તો હવે અમારા ચૈતન્યની નિર્મળ પરિણતિને પટરાણી પદે સ્થાપશું, આ બહારનાં પટરાણીપદ હવે અમારે નથી
જોતાં. તેમાં ક્યાંય સ્વપ્નેય સુખ નથી. જ્ઞાનીઓને જગતના કોઈ પદાર્થમાં સુખ ભાસતું નથી; ઇન્દ્રપદમાં કે ચક્રવર્તીપદમાં કે
પદ્મિની સ્ત્રીમાં ક્યાંય ઇન્દ્રપદમાં કે ચક્રવર્તીપદમાં જ સુખ છે. અહા, ચૈતન્યના અનંત સુખમય એવું મોક્ષધામ ભગવાન
અહીંથી પામ્યા, એની જ સૌએ ભાવના કરવા જેવી છે.
પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી,
ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો..
સાદિ–અનંત અનંત સમાધિસુખમાં,
અનંત દર્શન, જ્ઞાનઅનંત સહિત જો.
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?

PDF/HTML Page 33 of 34
single page version

background image
જિનનાથના માર્ગે.. શાશ્વતપુરીમાં
હે જિનનાથ! સદ્જ્ઞાનરૂપી નાવમાં આરોહણ કરી ભવસાગરને ઓળંગી જઈને,
તું ઝડપથી શાશ્વતપુરીએ પહોંચ્યો. હવે હું જિનનાથના તે માર્ગે (– જે માર્ગે જિનનાથ
ગયા તે જ માર્ગે) તે જ શાશ્વતપુરીનાં જાઉં છું; (કારણકે) આ લોકમાં ઉત્તમપુરુષોને
(તે માર્ગ સિવાય) બીજું શું શરણ છે?
(નિયમસાર કળશઃ૨૭૪)
પાવાપુરી મુક્તિધામની યાત્રા
(સંક્ષિપ્ત સંસ્મરણો)
પૂ. ગુરુદેવ સંઘસહિત ફાગણ સુદ એકમે સાંજે પાવાપુરી પધાર્યા, અને તરત ધર્મશાળામાં બિરાજમાન ખડ્ગાસન
મહાવીર ભગવાનની અદ્ભુત મુદ્રાના દર્શનથી પ્રસન્ન થયા..બીજે દિવસે ફાગણ સુદ બીજે સવારમાં પદ્મસરોવરની વચ્ચે
પ્રભુના નિર્વાણધામની યાત્રાએ પધાર્યા...ગુરુદેવ સાથે બેનશ્રી–બેન તેમજ સંઘના હજાર જેટલા યાત્રિકો ભક્તિ ગાતાંગાતાં
જલમંદિરે પહોંચ્યા..વીરનંદન વીરપ્રભુના ચરણને ભાવથી ભેટયા...ને ભક્તિથી અર્ઘ ચડાવ્યો.
પૂ. ગુરુદેવ અને ચારે તરફ ભક્તજનોથી જલમંદિર ખીચોખીચ ભરાઈ ગયું.. નિર્વાણધામ નીરખીને ગુરુદેવે કહ્યુંઃ
મહાવીર ભગવાન અહીંથી મોક્ષ પધાર્યા..અહીંથી ઉપર ભગવાન બિરાજે છે. એમ કહીને પછી ગુરુદેવે નીચેની ભક્તિ
ગવડાવી–
આજે વીર પ્રભુજી નિર્વાણપદને પામીયા રે..
શ્રી ગૌતમ ગણધરજી પામ્યા કેવળજ્ઞાન..
સુ નર આવે નિર્વાણકલ્યાણકને ઊજવવા રે..
અહા, જલમંદિરમાં ભક્તિ વખતે ભક્તજનો ભગવાનને નીહાળવા ઉત્કંઠિત થઈ રહ્યા છે...ને ટગરટગર નીહાળતા
જાણે કે ગુરુદેવને પૂછી રહ્યા છે કે હે ગુરુદેવ! મહાવીર પ્રભુ અહીંથી કઈ રીતે–કયા માર્ગે– મુક્તિ પધાર્યા? તે અમને બતાવો.
વીર ભગવાનના પગલે પગલે મુક્તિમાર્ગે ચાલતાં ચાલતાં ગુરુદેવ ભક્તોને બતાવી રહ્યા છે કેઃ
ત્રીસ વર્ષે તપ આદર્યાં, લીધાં કેવળજ્ઞાન;
અગણીત ભવ્ય ઉગારીને, પામ્યા પદ નિર્વાણ.
ભગવાને તો ત્રીસ વર્ષે તપ આદર્યાં ને કેવળજ્ઞાન પામ્યા, પછી અનેક ભવ્ય જીવોને ઊગારીને અહીંથી મોક્ષધામ
સિધાવ્યા.. ચાલો, આપણે પણ શીઘ્ર એ માર્ગે જઈએ..
ભાવભીનાં ચિત્તે ગુરુદેવ કહે છેઃ હે ભગવાન! આ બાળકોને કેવળજ્ઞાનના વિરહમાં મૂકીને આપ મોક્ષ પધાર્યા.. પરંતુ
અમે આપનાં બાળક.. આપના શાસનને શોભાવતા શોભાવતા આપના પગલે પગલે અમે પણ આપની પાસે ચાલ્યા
આવીએ છીએ.
જલમંદિરમાં ગુરુદેવની ભક્તિ પૂરી થતાં પૂ. બેનશ્રી બેનને પણ નિર્વાણ મહોત્સવ સંબંધી ઉલ્લાસભરી ભક્તિ કરાવી હતી.
ભગવાનના મુક્તિધામમાં ગુરુદેવનું ચિત્ત ભક્તિથી રંગાઈ જતું હતું..તેથી તેઓ ફરી ફરીને ભક્તિ ગવડાવતા તા;–
જાણે કે ભક્તિરૂપી દોરી વડે ભગવાનના શાસનને ઝુલાવી રહ્યા હોય એમ ગુરુદેવ નીચેની સ્તુતિ ગવડાવતા હતા–
વીર પ્રભુજી મોક્ષ પધાર્યા...ગૌતમ કેવળજ્ઞાન રે..
વીરજીનું શાસન ઝુલે રે..
મોંઘો મારગ જ્યાં મુક્તિ તણો.. ત્યાં જીવોના જુથ ઊભરાય રે..
વીરજીનું શાસન ઝુલે રે..
ભક્તિ પછી ગુરુદેવે અંદર જઈને વીરપ્રભુના પુનિત ચરણોનો અભિષેક કર્યો. બહાર આવીને અતિ પ્રસન્ન ભાવથી
ભક્તોને કહ્યુંઃ ‘આજે તો મેં ભગવાનના ચરણનો અભિષેક કર્યો.’ એ વાત સાંભળીને સૌ ભક્તોએ હર્ષથી જયજયકાર
કર્યો...ને પછી પ્રભુચરણોનું પૂજન થયું.. ગુરુદેવ પણ જલ–ચંદનાદિથી પૂજન કરતાં હતા..ફળપૂજામાં ‘
मोक्षफलप्राप्तये फलं
स्वाहा’ આવતાં ગુરુદેવે પણ શ્રીફળ સ્વાહા કર્યું.
આમ ઘણા જ ભાવપૂર્વક પાવાપુરીના જલમંદિરમાં ગુરુદેવ સહિત યાત્રાસંઘે ભક્તિ–પૂજન કર્યાં...ત્યારબાદ “હે વીર
તુમ્હારે દ્વારે પર..” ઇત્યાદિ ધૂન ગાતાં ગાતાં સૌ ધર્મશાળાએ પાછા આવ્યા..ને વીરપ્રભુના મુક્તિધામમાં ગુરુદેવે પ્રવચનદ્વારા
મુક્તિમાર્ગ દેખાડયો.. (પાવાપુરીનું એ પ્રવચન આ અંકમાં આપ્યું છે.

PDF/HTML Page 34 of 34
single page version

background image
ATMADHARMA Regd. No. B. 4787
___________________________________________________________________________________
દીપાવલી–અભિનંદન અંક ‘આત્મધર્મ’ નો ખાસ વધારો
સાધકનું વહાણ સિદ્ધપુરીમાં ચાલ્યું જાય છે
ધ્રુવ ચૈતન્યસ્વભાવને ધ્યેયરૂપ બનાવીને તેને સાધતા
સાધતા મહાવીર પરમાત્મા આજે સિદ્ધપુરીમાં પહોંચ્યા.
સિદ્ધભગવાન જેવા પોતાના આત્માને ઓળખીને સાધકનું
વહાણ મોક્ષપુરીમાં ચાલ્યું જાય છે. જેમ દરિયામાં ધ્રુવ
તારાના લક્ષે વહાણ ચાલ્યા જાય છે તેમ સંસારસમુદ્રમાં
ધ્રુવચૈતન્યના વિશ્વાસે સાધકનાં વહાણ તરી જાય છે; ધ્રુવ
ચૈતન્ય સ્વભાવને જ દ્રષ્ટિના ધ્યેયરૂપ રાખીને સાધક
આત્માનાં વહાણ નિઃશંકપણે સિદ્ધપુરીમાં ચાલ્યા જાય છે.
“તું પણ ચાલને, મારી સાથે મોક્ષમાં!’
સાધક સંતો સિદ્ધપુરીમાં જતાં જતાં બીજા ભવ્ય
જીવોને સંબોધીને કહે છે કે હે સખા! તું પણ ચાલને..મારી
સાથે મોક્ષમાં! હે મિત્ર! અમારો ઉપદેશ સાંભળીને તું પણ
અમારી જેમ ધ્રુવ સ્વભાવ ઉપર તારી મીટ માંડ, ને ઉગ્રપણે
તેનું અવલંબન કર. ધ્રુવ ચૈતન્યસ્વભાવનું અવલંબન કરતાં
કરતાં તારું વ્હાણ પણ સંસારસમુદ્રથી તરીને મોક્ષપુરીમાં
પહોંચી જશે.
___________________________________________________________________________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી મુદ્રક અને પ્રકાશકઃ હરિલાલ દેવચંદ શેઠઃ આનંદ પ્રી. પ્રેસ– ભાવનગર.