Atmadharma magazine - Ank 204
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 29
single page version

background image
: ૧૬ : આત્મધર્મ: ૨૦૪
પ્રયોજન સાધવું હોય તે મનુષ્ય રાજાને રાજી કરવા માટે વચ્ચે બીજા પાસે અટકતો નથી. સીધો રાજાની
સમીપતા કરે છે, ને તેને સર્વ પ્રકારે રીઝવીને સમુદ્ધિ પામે છે...આમ રાજાની સમીપતા તે મનુષ્યને
સુખસમૃદ્ધિનું કારણ છે, પણ તે માટે રાજાને રાજી કરતાં આવડવું જોઈએ.–તેમ ચૈતન્યરાજા પાસેથી
જેને પોતાના હિતરૂપ પ્રયોજન સાધવું છે તે મોક્ષાર્થી જીવ, જગતની અનુકૂળતા કે પ્રતિકૂળતા સામે ન
જોતાં સીધો ચૈતન્યરાજાની સમીપતા કરે છે ને સર્વ પ્રકારે તેની સેવા–આરાધના કરે છે...બીજે ક્્યાંય
અટક્યા વગર સર્વ પ્રકારના પ્રયત્નથી ચૈતન્યરાજાને રીઝવીને તે જીવ મોક્ષમાર્ગને પ્રાપ્ત કરે છે. આ
રીતે ચૈતન્યરાજાની સમીપતા તે જીવને મોક્ષ સુખનું કારણ છે. પણ તે માટે ચૈતન્યરાજાને રીઝવતાં
આવડવું જોઈએ.
જેને ચૈતન્યને સાધવાનો ઉત્સાહ છે તેને ચૈતન્યના સાધક ધર્માત્માને દેખતાં પણ ઉત્સાહ અને
ઉમળકો આવે છે; અહા! આ ધર્માત્મા ચૈતન્યને સાધી રહ્યા છે–! એમ તેને પ્રમોદ આવે છે, અને હું
પણ આ રીતે ચૈતન્યને સાધું–એમ તેને ઉત્સાહ જાગે છે. ચૈતન્યને સાધવામાં હેતુભૂત એવા સંત–
ગુરુઓને પણ તે આત્માર્થી જીવ સર્વ પ્રકારની સેવાથી રાજાની જેમ રીઝવે છે ને સંતગુરુઓ તેના ઉપર
પ્રસન્ન થઈને તેને આત્મપ્રાપ્તિ કરાવે છે. મોક્ષાર્થી જીવના અંતરમાં એક જ પુરુષાર્થ માટે ઘોલન છે કે
કઈ રીતે હું મારા આત્માને સાધું?–કઈ રીતે મારા આત્માના–શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રને પ્રગટ કરું?
આત્મામાં સતત આવી ધૂન વર્તતી હોવાથી જ્યાં સંતગુરુએ તેના શ્રદ્ધા–જ્ઞાનાદિનો ઉપાય બતાવ્યો કે
તરત જ તેના આત્મામાં તે પ્રણમી જાય છે. જેમ ધનનો અર્થી મનુષ્ય રાજાને દેખતાં જ પ્રસન્ન થાય છે
અને તેને વિશ્વાસ આવે છે કે હવે મને ધન મળશે ને મારી દરિદ્રતા ટળશે; તેમ આત્માનો અર્થી મુમુક્ષુ
જીવ આત્મપ્રાપ્તિનો ઉપાય દર્શાવનારા સંતોને દેખતાં જ પરમપ્રસન્ન થાય છે.....તેનો આત્મા ઉલ્લસી
જાય છે કે અહા, મને મારા આત્માની પ્રાપ્તિ કરાવનાર સંત મળ્‌યા...હવે મારા સંસારદુઃખ ટળશે.....ને
મને મોક્ષસુખ મળશે. આવો ઉલ્લાસ અને વિશ્વાસ લાવીને, પછી સંતધર્માત્મા જે રીતે ચૈતન્યને
સાધવાનું કહે છે તે રીતે સમજીને પોતે સર્વ ઉદ્યમથી ચૈતન્યને જરૂર સાધે છે.
જુઓ, આ કોની વાત છે?–આત્માર્થી હોય તેની વાત છે. દેવપદનો અર્થી નહિ, રાજપદનો અર્થી
નહિ, ઝવેરાતનો અર્થી નહિ, માનનો અર્થી નહિ, રાગનો અર્થી નહિ, પણ આત્માનો જ અર્થી,
આત્માની મુક્તિ કેમ થાય તેનો જ અર્થી–એવા જીવને માટે આ વાત છે. ભાઈ, પહેલાં તું સાચો
આત્માર્થી થા! દેહનું–રાગનું–માનનું કે જગતની બીજી કોઈ વસ્તુનું મારે પ્રયોજન નથી, મારે તો એક
મારા આત્માનું જ પ્રયોજન છે, કઈ રીતે હું મારા આત્માનો આનંદ અનુભવું–એ જ એક મારે જોઈએ
છે,–એમ ખરેખરી જિજ્ઞાસા પ્રગટ કરીને જે જીવ આત્માર્થી થયો તેને આત્માનો અનુભવ થાય જ....
તેનો ઉદ્યમ આત્મા તરફ વળે જ.–પરંતુ જેના હૃદયમાં આત્મા સિવાય બીજું કોઈ પણ શલ્ય હોય તે
જીવ ક્્યાંકને ક્્યાંક (–દેહમાં, રાગમાં, પુણ્યમાં, માનમાં કે છેવટ શાસ્ત્રના જાણપણામાં) અટકી જાય
છે, એટલે આત્માને સાધવા માટેનો ઉદ્યમ તે કરી શકતો નથી.. જે જીવ આત્માનો અર્થી થાય તે
આત્મજ્ઞપુરુષોનો સત્સમાગમ કરીને વારંવાર પરિચયપૂર્વક તેમની પાસેથી આત્માનું સ્વરૂપ જાણીને
તેનો નિર્ણય કરે,–અંર્તઅનુભવપૂર્વક તેની શ્રદ્ધા કરે.....આ જ આત્માર્થ સાધવાની એટલે કે
સમ્યગ્દર્શન પ્રગટ કરવાની રીત છે.
આત્માના આવા જ્ઞાન–શ્રદ્ધાન કોણ કરી શકે? આચાર્યભગવાન કહે છે કે બધાય કરી શકે;
આબાલગોપાળ સૌ કરી શકે; જે કોઈ આત્માર્થી થઈને કરવા માંગે તે સૌ કરી શકે. એક શર્ત કે
આત્માનો જ અર્થી હોવો જોઈએ, બીજા શેનોય નહીં. આત્માનો અર્થી થઈને તેને સાધવા માંગે તે જરૂર
સાધી શકે. પોતાના જ ઘરની વસ્તુને (અરે, પોતે જ) પોતે કેમ ન સાધી શકે? અંતરમાં રુચિ કરીને
પોતાના તરફ વળે તે જરૂર સાધી શકે. આત્માનું જ્ઞાન–શ્રધ્ધાન કરીને તેમાં

PDF/HTML Page 22 of 29
single page version

background image
આસો: ૨૪૮૬ : ૧૭ :
ઠરવું –તે એક જ તેને સાધવાની રીત છે, બીજું કોઈ સાધન કે બીજી કોઈ રીત નથી.
આત્માને જાણીને તેનો નિર્ણય કરવો જોઈએ; આત્માના સ્વરૂપનો નિર્ણય ન કરે ને તેમાં શંકા
રહ્યા કરે તો આત્માને સાધવાનો પુરુષાર્થ ઉપડે જ નહી, ને નિઃશંકપણે સ્વરૂપમાં ઠરી શકે નહિ. જે જીવ
આત્મસ્વરૂપને બરાબર જાણે છે, ‘આ ચૈતન્યસ્વરૂપે અનુભવમાં આવે છે તે જ હું છું’–એમ જાણીને
બરાબર નિર્ણય (શ્રદ્ધા) કરે તે જીવ નિઃશંકપણે તેમાં ઠરીને આત્માને સાધે છે આ જ આત્માને
સાધવાની રીત છે, બીજી કોઈ રીતે આત્માને સધાતો નથી.
જેમ રાજાનું શરણ લ્યે અને દરિદ્રતા ન ટળે એમ બને નહિ, તેમ ચિદાનંદ રાજાને ઓળખીને
તેનું જેણે શરણ લીધું તે જીવ સંસારસમુદ્રને જરૂર તરી જાય છે, તેના દુઃખ દરિદ્રતા ટળી જાય છે ને તે
પરમ ચૈતન્યસુખને પામે છે. માટે આત્માર્થી જીવોએ સર્વ પ્રયત્નથી આ ચૈતન્યરાજાને ઓળખીને તેની
જ સેવા–આરાધના કરવા યોગ્ય છે.
અંતરમાં સ્વાદના ભેદથી ભેદજ્ઞાન કરવાનુ્રં છે; ‘આ જે ચૈતન્ય–સ્વાદ આવે છે તે તો મારા
આત્માનો છે, અને જે આકુળતારૂપ સ્વાદ હતો તે મારા આત્માનો સ્વાદ ન હતો પણ રાગનો સ્વાદ
હતો; જેટલો ચૈતન્યસ્વાદ આવે તેટલો હું છું’–આ પ્રમાણે અંતરના વેદનથી રાગને અને આત્માને જુદા
જાણવા. જ્યાં આ પ્રમાણે ભેદજ્ઞાન કર્યું ત્યાં જ જીવને એમ શ્રદ્ધાન્ પણ થાય છે કે આ જે ચૈતન્યપણે
અનુભવમાં આવ્યો તે હું છું, આ ચૈતન્યસ્વરૂપ જ મારે સેવવા યોગ્ય છે, તે જ મારે ઠરવાનું સ્થાન છે–
આમ જાણવું–શ્રદ્ધવું ને ઠરવું તે મોક્ષનો ઉપાય છે.
*
આ સૂચના જરા લક્ષમાં લીજિએ
આ અંકની સાથે “આત્મધર્મ” માસિકનું ૧૭મું વર્ષ
સમાપ્ત થાય છે.....આવતા અંકથી નવું વર્ષ શરૂ થશે.
આપનું નવા વર્ષનું લવાજમ રૂા. ૪–૦૦ વહેલાસર ભરી
આપવા વિનંતિ છે....જેથી આપનો અંક ટાઈમસર રવાના
થઈ શકે. વી. પી. કરવામાં ઘણી મુશ્કેલી પડે છે તેમજ
ખર્ચ પણ વધારે થાય છે. આ મુશ્કેલી અને ખર્ચ બંનેથી
બચવા આપનું લવાજમ જેમ બને તેમ વેલાસર મોકલીને
વ્યવસ્થામાં સહકાર આપશો.
આ ઉપરાંત દરેક ગામના મુમુક્ષુમંડળને પણ ખાસ
સૂચના આપવાની કે, આપના ગામના સર્વે ગ્રાહકોનું
લવાજમ ભેગું કરીને તેની સૂચના સોનગઢ જેમ બને તેમ
વેલાસર મોકલી આપશો.
લવાજમ મોકલવાનું સરનામું–
શ્રી દિ
જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ: સૌરાષ્ટ્ર

PDF/HTML Page 23 of 29
single page version

background image
: ૧૮ : આત્મધર્મ: ૨૦૪
તું સ્થાપ નિજને મોક્ષ પંથે.....
જે જીવ મોક્ષાર્થી છે, મોક્ષનો ઈચ્છુક છે એવા સુપાત્ર ભવ્ય જીવને
સંબોધીને આચાર્યદેવ આદેશ કરે છે કે હે ભવ્ય! તું તારા
આત્માને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર સ્વરૂપ મોક્ષમાર્ગમાં સ્થાપ!
આસો સુદ પાંચમના રોજ આફ્રીકાવાળા શેઠશ્રી ભગવાનજીભાઈના
મકાનના વાસ્તુપ્રસંગે પૂ. ગુરુદેવના ભાવભીનાં પ્રવચનમાંથી.
(સમયસાર ગાથા: ૪૧૨)
તું સ્થાપ નિજને મોક્ષપંથે,
ધ્યા, અનુભવ તેહને,
તેમાં જ નિત્ય વિહાર કર,
નહિ વિહર પરદ્રવ્યો વિષે.
હે ભવ્ય! તું મોક્ષમાર્ગમાં તારા આત્માને સ્થાપ, તેનું જ ધ્યાન કર, તેને જ ચેત–અનુભવ અને
તેમાં જ નિરંતર વિહાર કર; અન્ય દ્રવ્યોમાં ન વિહર,
જુઓ, આચાર્યદેવ સુપાત્ર મોક્ષાર્થી જીવને આજ્ઞા કરીને મોક્ષમાર્ગમાં પ્રેરે છે. મોક્ષાર્થીજીવે શું
કરવું? કે દેહાદિનું અને રાગાદિનું મમત્વ છોડીને મોક્ષમાર્ગમાં પોતાના આત્માને સ્થાપવો. હે જીવ!
અનાદિથી બંધમાર્ગમાં આત્માને સ્થાપ્યો છે. ત્યાંથી પાછો વાળીને તારા આત્માને હવે મોક્ષમાર્ગમાં
સ્થાપ.
આચાર્ય ભગવાને પોતાના આત્માને તો મોક્ષમાર્ગમાં સ્થાપ્યો છે, પોતે સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રરૂપે પરિણમીને તે મોક્ષમાર્ગમાં આત્માને સ્થાપ્યો છે, ને બીજા મોક્ષાર્થીને સંબોધીને કહે છે કે
ભવ્ય! તું તારા આત્માને મોક્ષમાર્ગમાં સ્થાપ. ‘અનાદિકાળથી પોતાના અજ્ઞાન–દોષને વિકારમાં જ
સ્થિત રહ્યો છે તો હવે મોક્ષમાર્ગમાં સ્થિત કેમ થાય?–એમ કોઈને સંદેહ થાય તો આચાર્યદેવ કહે છે કે
હે ભવ્ય! તું મુંઝા મા! પોતાની પ્રજ્ઞાના દોષને કારણે અનાદિથી વિકારમાં સ્થિર હોવા છતાં હવે
ભેદજ્ઞાનવડે તેનાથી આત્માને પાછો વાળીને મોક્ષમાર્ગમાં સ્થિર કરી શકાય છે. માટે અમે કહીએ છીએ
કે હે ભવ્ય! તારી પ્રજ્ઞાના ગુણવડે એટલે કે ભેદજ્ઞાનના બળવડે તારા આત્માને તું વિકારથી પાછો વાળ
ને મોક્ષમાર્ગમાં સ્થાપ.
આચાર્યદેવ ઘણા ઘણા પ્રકારે જીવ–અજીવનું ભેદજ્ઞાન સમજાવીને ૨૮મા કળશમાં કહે છે કે
અહા, આવું સ્પષ્ટ જીવ–અજીવનું ભિન્નપણું અમે બતાવ્યું, તો હવે ક્્યાં જીવને તત્ક્ષણ જ ભેદજ્ઞાન ન
થાય? હવે તો જરૂર ભેદજ્ઞાન થાય જ! માટે હે ભવ્ય! હવે

PDF/HTML Page 24 of 29
single page version

background image
આવા ભેદજ્ઞાનના બળવડે તારા આત્માને
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષપંથમાં તું
પરિણમાવ.
જુઓ, અહીં “દર્શન–જ્ઞાન–ચારિત્રના
પરિણામને તું આત્મા તરફ વાળ”–એમ કહેવાને
બદલે, “તારા આત્માને દર્શન–જ્ઞાન–ચારિત્રમાં
સ્થાપ”–એમ કહ્યું, એટલે રત્નત્રયરૂપ
મોક્ષમાર્ગરૂપ તારા આત્માને પરિણમાવીને તેમાં
જ આત્માને સ્થાપ. પહેલાં બીજી ગાથામાં,
‘દર્શન–જ્ઞાન–ચારિત્રમાં જે સ્થિત છે તે સ્વસમય
છે’ એમ કહ્યું હતું કે તેનો જ આ ઉપદેશ છે.
હે ભાઈ! તું અત્યારસુધી પરમાં વળ્‌યો–હવે તું
સ્વમાં વળ! પરમાં પણ તું તારા અપરાધથી જ
વળ્‌યો હતો, ને હવે સ્વમાં પણ તું તારા ગુણથી જ
(–ભેદ જ્ઞાનના બળથી જ) વળ.
“જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ
અનંત”
–જુઓ, આ સ્વરૂપની અણસમજણને તે
બંધપંથ છે. અને–
“સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવંત”
ગુરુઉપદેશ અનુસાર પોતે પોતાનું સ્વરૂપ
સમજ્યો તે મોક્ષપંથ છે. સંસારમાં રખડયો તે
પોતાના દોષથી; દોષ કેટલો?–કે પરદ્રવ્યને પોતાનું
માન્યું તેટલો સ્વપરના ભેદજ્ઞાનરૂપ પ્રજ્ઞાગુણવડે
જીવ પોતે જ પોતાને બંધમાર્ગથી પાછો વાળીને
મોક્ષપંથમાં સ્થાપે છે. અનાદિથી બંધમાર્ગમાં રહ્યો
હોવા છતાં તેનાથી જીવ પાછો વળી શકે છે, ને
કદી નહિ અનુભવેલા એવા મોક્ષમાર્ગમાં પોતાને
સ્થાપી શકે છે. માટે હે ભાઈ! એક વાર તો
જગતથી જુદો થઈને આત્મામાં આવ! એકવાર
તો જગતનો પાડોશી થઈને અંતરમાં આત્માને
દેખ! તને કોઈ અપૂર્વ આનંદનો અનુભવ થશે.
હવે ભવ્ય! એકવાર અંતરમાં વળી જા....ને
દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ! સ્વઘરમાં જ તારા
આત્માને વસાવ! તારા આત્માને નિરંતર
રત્નત્રયરૂપ મોક્ષમાર્ગમાં જ સ્થાપ. બીજી બધી
ચિંતાને દૂર કરીને તારા ચિદાનંદસ્વરૂપને એકને જ
ધ્યેય– બનાવીને તેને જ ધ્યાવ. જગત આખાથી
ઉદાસ થઈ જા ને એક આત્માના મોક્ષમાર્ગમાં જ
ઉત્સાહિત થઈને તેમાં જ આત્માને સ્થાપ, તેનું જ
ધ્યાન કર......
તારા આત્માને સ્વતંત્રપણે જ તું મોક્ષમાર્ગમાં
સ્થાપ...બીજા કોઈનો તેમાં સહારો નથી. રાગને
એકમેક કરીને તારા આત્માને ન ધ્યાવ, પણ
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ નિર્મળપર્યાયોમાં
એકમેક કરીને તારા આત્માને ધ્યાવ. આ રીતે
નિર્મળપર્યાયની સાથે આત્માને અભેદ કરીને કહ્યું છે.
અહા! આચાર્યદેવ કહે છે કે હે ભવ્ય! મેં મારા
આત્માને મોક્ષમાર્ગમાં પરિણમાવ્યો છે ને તું પણ
તારા આત્માને મોક્ષમાર્ગમાં પરિણમાવ! પાંચમી
ગાથામાં પણ કહ્યું હતું કે, હું મારા સમસ્ત
નિજવૈભવથી–આત્મવૈભવથી શુદ્ધઆત્માનું સ્વરૂપ
દર્શાવું છું અને તેમ તમારા સ્વાનુભવપ્રમાણથી
જાણીને તે પ્રણામ કરજો.–સામા શિષ્યની એટલી
લાયકાત જોઈને આચાર્યદેવે આ વાત કરી છે.
અહીં તો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રને જ સ્વદ્રવ્ય
કહ્યું છે, ને તેમાં જે સ્થિર છે તેને ‘સ્વસમય’ કહ્યો
છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે જ્ઞાનચેતના છે, તે
જ્ઞાન ચેતનારૂપ થઈને તું મોક્ષમાર્ગને ચેત, તેનો
અનુભવ કર...ને રાગનો અનુભવ ન કર. આત્માના
સ્વભાવનો આશ્રય કરતાં જે નિર્મળપરિણામ થાય
છે તે નિર્મળપરિણામમાં જ તું વિહર, પરદ્રવ્યાશ્રિત
થતા એવા રાગાદિ પરિણામમાં તું જરાપણ ન
વિહર...આ જ મોક્ષનો પંથ છે.
આ રીતે આચાર્યભગવાને ભવ્ય જીવોને માટે
આ મોક્ષમાર્ગ બતાવીને તેની પ્રેરણા કરી.
જ્ઞાનીનો નિશ્ચય
છેદાવ, વા ભેદાવ, કો લઈ જાવ, નષ્ટ બનો ભલે,
વા અન્ય કો રીત જાવ,પણ પરિગ્રહ નથી મારો ખરે.
(સમયસાર ગા. ૨૦૯)
પરદ્રવ્ય છેદાવો, અથવા ભેદાવો, અથવા કોઈ
તેને લઈ જાઓ, અથવા નષ્ટ થઈ જાઓ, અથવા
ગમે તે રીતે જાઓ, તોપણ હું પરદ્રવ્યને નહિ ગ્રહું,
કારણ કે ‘પરદ્રવ્ય મારું સ્વ નથી, હું પરદ્રવ્યનો
સ્વામી નથી, પરદ્રવ્ય જ પરદ્રવ્યનું સ્વ છે,–પરદ્રવ્ય
જ પરદ્રવ્યનો સ્વામી છે, હું જ મારું સ્વ છું,–હું જ
મારો સ્વામી છું’–એમ હું જાણું છું
–આ પ્રમાણે જ્ઞાનીનો નિશ્ચય છે.

PDF/HTML Page 25 of 29
single page version

background image
: ૨૦ : આત્મધર્મ: ૨૦૪
* ઉત્તમ બ્રહ્મચર્યધર્મ *
* ભાદરવા સુદ ૧૪ અનંતચતુર્દશીના રોજ અપાયેલું પ્રવચન (વીર સં. ૨૪૮૬) *
દસલક્ષણ ધર્મમાં આજે છેલ્લો દિવસ ઉત્તમ બ્રહ્મચર્ય ધર્મનો છે. આ ધર્મો સમ્યગ્દર્શન વગર
હોતા નથી. ધર્મનું મૂળીયું જ સમ્યગ્દર્શન છે. અહીં ઉત્તમ બ્રહ્મચર્ય ધર્મ કોને હોય છે તે આચાર્યદેવ કહે
છે–સુકૃતિ એટલે સમ્યગ્દ્રષ્ટિ–ધર્માત્મા, તેને બ્રહ્માનંદસ્વરૂપ આત્માનું ભાન થયું છે અને તેની સન્મુખ
પરિણતિની લીનતા થઈ છે ત્યાં સ્ત્રી વગેરેને જોતાં તેને દુર્ભાવોની ઉત્પત્તિ થતી નથી,–આવી નિર્મળ
પરિણતિનું નામ બ્રહ્મચર્યધર્મ છે. જે પવિત્ર આત્મા એટલે સમ્યગ્દ્રષ્ટિ આત્મા, ચૈતન્યના અતીન્દ્રિય
આનંદના સ્વાદ પાસે જેણે જગતના વિષયોને તૂચ્છ જાણ્યા છે એવો ધર્માત્મા, સ્ત્રી વગેરેના અંગો
જોતાં પણ વિકૃતિ પામતો નથી તેને દુર્દ્ધર એવો બ્રહ્મચર્યધર્મ હોય છે. જેને ચૈતન્યનું ભાન ન હોય ને
પરવિષયોમાં સુખ માનતો હોય તે કદાચ શુભરાગવડે બ્રહ્મચર્ય પાળતો હોય–તોપણ તેના બ્રહ્મચર્યને
ધર્મ કહેતા નથી. તેની તો દ્રષ્ટિ જ મેલી છે, તે રાગથી ધર્મ માને છે તેથી તેનામાં પવિત્રતા નથી, અને
જે આત્માને પવિત્રતા નથી તેને બ્રહ્મચર્યાદિ કોઈ ધર્મ હોતો નથી. તેથી અહીં ‘પવિત્ર આત્મા’ એમ
કહ્યું છે. જેનામાં પવિત્રતા છે, જેના શ્રદ્ધા–જ્ઞાન ચોકખા થયા છે એવા ધર્માત્માને જ બ્રહ્મચર્યાદિ
વીતરાગીધર્મોની આરાધના હોય છે. સમ્યગ્દર્શન વગર આરાધના કોની કરશે? જેની આરાધના કરવી
છે તેને પ્રથમ શ્રદ્ધા–જ્ઞાનમાં લ્યે, પછી તેમાં સ્થિરતા કરીને તેની આરાધના કરે. આવી આરાધનામાં જ
ઉત્તમ ક્ષમા બ્રહ્મચર્ય વગેરે ધર્મો હોય છે.
સાહિત્યની પ્રભાવના માટે યોજના
શ્રી દિગંબર જિનમંદિરો તથા સ્વાધ્યાય મંદિરોને, શ્રી દિગંબર જૈન
સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ, તરફથી પ્રસિદ્ધ થયેલ સત્સાહિત્ય એક ઉદાર
સદ્ગૃહસ્થ તરફથી યોગ્ય લાગે તે મુજબ ભેટ અગર અર્ધ મુલ્યથી આપવામાં
આવશે.
જેમને આવશ્યકતા હોય તેઓ તે તે શહેરના દિગંબર જૈન સમાજના બે
અગ્રગણ્ય સભ્યોની સહી સાથે નીચેના સરનામે પત્રવ્યવહાર કરે. સાહિત્ય
વિના મૂલ્યે જોઈએ છે કે અર્ધા મૂલ્યે–તે પણ જણાવે.
ઉપરોક્ત યોજના સં. ૨૦૧૭ના કારતક સુદ પુનમ સુધી અમલમાં રહેશે
તો તે દરમ્યાન જે જે સાહિત્યની આવશ્યકતા હોય તે મંગાવી લેવું. અહીંથી
પ્રસિદ્ધ થયેલ સત્સાહિત્યની નામાવલિની જરૂર હોય તેમણે અહીંથી પોસ્ટ દ્વારા
મંગાવી લેવી.
શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ,
સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 26 of 29
single page version

background image
श्री वीतरागाय नमः
પરમ આદરણીય, સદ્ધર્મ પ્રચારક, ભારતના સુપ્રસિદ્ધ આધ્યાત્મિક સંત.
શ્રીમત્ માનનીય પૂજ્ય શ્રી કાનજી સ્વામી
ના પુનિત કરકમલોમાં સાદરસમર્પિત
અભિનંદન પત્ર
પૂજ્યવર,
આજ મહાસૌભાગ્ય અને ગૌરવની વાત છે કે અમો આજની
ધન્યપળે આપને સંઘસહિત અમારા ગામમાં બિરાજીત નીરખીએ
છીએ, પણ ક્્યાં આપનું સોનગઢ, અને ક્્યાં નાનકડું રખીયાલ
સ્ટેશન! છતાં આનંદનું કારણ છે કે આપ બાહુબલીજી તીર્થધામોની
યાત્રા કરીને પાછા ફરતાં અમારા ગામે પધાર્યા છો અને અમોને
દિવ્યામૃતપાન કરાવ્યું છે. તે બદલે અમો આપના અત્યંત ઋણી છીએ.
અધ્યાત્મયોગી,
લોકોને અનાદિથી વ્યવહારનો પક્ષ છે, શાસ્ત્રોમાં પણ ઠામઠામ
વ્યવહારનો ઉપદેશ વિશેષ છે, અધ્યાત્મનો ઉપદેશ તો ક્્યાંય ક્્યાંય
અને કવચિત વિરલજ છે; તેથી અમારા જેવા મંદ બુદ્ધિ જીવો ઉપર
અસીમ કરુણા કરી અધ્યાત્મજ્ઞાન સુધા વહેવડાવી અમોને
અધ્યાત્મમાર્ગે લગાવ્યા છે.
આત્માર્થી,
આપે આપના આત્માને જગાડયો એટલું જ નહિ પણ
અનાદિની અવિદ્યામાં સૂતેલી દુનિયાને ભેદજ્ઞાનની ભેરીથી જગાડી
આત્માર્થ ભણી લગાવ્યા છે, અને ઘણા જીવોને નવજીવન અર્પ્યું છે.
વીરશાસન પ્રભાવક,
અંતમાં અમો અંતઃકરણપૂર્વક આપનું તથા આપના સંઘનું
સ્વાગત કરીએ છીએ; આપશ્રી પ્રતિ અમારાથી કાંઈ પણ અજાણે
ક્ષતિ થઈ હોઈ તો ક્ષમા યાચીએ છીએ; અને અંતરના ઊમળકાપૂર્વક
આ પુષ્પમાળ આપને અભિનંદનપત્રરૂપે સમર્પિત કરીએ છીએ, એટલું
જ નહિ પરંતુ શ્રીવીરપ્રભુ પ્રતિ પ્રાર્થના કરીએ છીએ કે આપ દીર્ધાયું
થઈ વીરશાસનનો ધર્મધ્વજ અણનમ ફરકાવો......જયવીર!
તા. ૧૨–પ–૧૯પ૯ લી. વિનયવંત
રખીયાલ સ્ટેશન, (જિલ્લો–અમદાવાદ) શ્રી રખીયાલ સ્ટેશન મુમુક્ષુ મંડળ

PDF/HTML Page 27 of 29
single page version

background image
: ૨૨ : આત્મધર્મ: ૨૦૪
વૈ રા ગ્ય સ મા ચા ર
(૧) અમરેલીવાળા પ્રેમચંદભાઈ ખારા વગેરેનાં બહેન મણિબેન ખારા ભાદરવા સુદ ૧૧ ના રોજ
આકસ્મિક સર્પદંશથી સોનગઢમાં સ્વર્ગવાસ પામી ગયા. તેમની ઉમર લગભગ ૭૩ વર્ષની હતી. લગભગ ૩૦
વર્ષથી તેઓ પૂ. ગુરુદેવના સત્સમાગમમાં આવેલા. ગુરુદેવ પ્રત્યે તેમને ઘણો ભક્તિભાવ હતો. લગભગ ૨પ
વર્ષ પહેલાં જ્યારે કેટલાક બહેનોને એક ખાસ ફાળો કર્યો ત્યારે તેમણે ઉદારતાથી રૂા. ૧પ૦૦) લખાવ્યા હતા.
ભાદરવા સુદ દસમની બપોરે તો ગુરુદેવના પ્રવચનમાં આવેલા....ને રાત્રે પથારીમાં જ તેમને સર્પદંશ થયો......
પૂ. ગુરુદેવનું અને બેનશ્રીબેનનું તેઓ રટણ કરતા હતા....પૂ. શ્રી શાંતાબેને રાત્રે ત્રણચાર કલાક તેમની પાસે
બેસીને ધાર્મિકવચનો સંભળાવ્યા હતા, ગુરુદેવનું નામ સાંભળીને તેઓ પ્રમોદ બતાવતા હતા, અને પોતાની
બધી મુડી શુભખાતામાં વપરાય એવી ઈચ્છા તેમણે કરી હતી.....આથી તેમના ભાઈઓએ તેમના લગભગ
રૂા. ૭૦૦) જિનમંદિરમાં તેમજ બીજા શુભખાતાઓમાં આપેલ છે. સંસારના ક્ષણ ભંગુરતાના આવા દાખલા
રોજ રોજ બન્યાં જ કરે છે...આવા અસાર અને ક્ષણભંગુર સંસારમાં દેવ–ગુરુ–ધર્મ જ શરણરૂપ છે. સ્વ.
મણિબેનનો આત્મા શ્રી દેવ–ગુરુ–ધર્મના શરણે સમ્યક્ત્વાદિની આરાધના વડે, અનાદિના મિથ્યાત્વાદિનું ઝેર
ઉતારીને અમૃતમયસિદ્ધપદને પામે.....એમ ભાવના ભાવીએ છીએ.
(૨) ધાંગ્રધાંના ભાઈશ્રી છોટાલાલ ડામરદાસના સૌથી નાના સુપુત્ર ધીરેન્દ્રકુમાર
(–બ્ર.કંચનબેન વગેરેના ભાઈ) ભાદરવા વદ બીજના રોજ જામનગર મુકામે આકસ્મિક સ્વર્ગવાસ
પામી ગયા છે. તેમની ઉમર માત્ર ૧૯ વર્ષની હતી અને ભાવનગર કોલેજમાં ઈન્ટર–કોમર્સનો અભ્યાસ
કરતા હતા ભાવનગરની વોલીબોલ ટીમમાં તેઓ જામનગર રમવા ગયેલા, ત્યાં રણજીતસાગર તળાવ
જોવા ગયેલ, તે વખતે અકસ્માતે પગ લપસી જતાં તેઓ તળાવમાં પડી ગયા ને તેમનો સ્વર્ગવાસ થઈ
ગયો. સોનગઢમાં આ સમાચાર આવતાં વૈરાગ્યનું ઘેરું વાતાવરણ છવાય ગયું......અને એમના
કુટુંબીજનો ઉપર તો જાણે કપરી પરીક્ષા આવી પડી. પરંતુ સંતજ્ઞાનીઓની સમીપતાના પ્રતાપે તેમના
બધા કુટુંબીઓએ ધૈર્ય રાખીને વૈરાગ્યના માર્ગે પોતાના પરિણામ વાળ્‌યા છે. ખરેખર, જ્ઞાનીઓની
અમૃત છાંયડી જગતના ગમે તેવા પ્રતિકૂળ–અનુકૂળ પ્રસંગમાં પણ આત્માર્થી જીવને કેવી શરણભૂત
થાય છે–તે આવા પ્રસંગે વિશેષ દેખાઈ આવે છે. જ્ઞાનીઓ ખરું જ કહે છે કે ભાઈ! આ તો તારી
પરીક્ષાના પ્રસંગો છે; આવા પ્રસંગ ઉપરથી તો આત્માર્થી જીવે આત્માને ચાનક ચડાવીને ઝટઝટ
આત્માર્થ સાધવા માટે તત્પર થવા જેવું છે. અરે આત્મા! સંસારની આવી ક્ષણભંગુર સ્થિતિ જાણીને તું
તેનાથી પાછો વળ....ને તારા પરિણામને આત્મહિતમાં જોડ.
ભાઈ ધીરેન્દ્રનો સ્વભાવ ઘણો સરલ, શાંત અને ભદ્રિક હતો. પૂ. ગુરુદેવ પ્રત્યે તેને ઘણો ભક્તિભાવ
હતો અને ગુરુદેવની ચરણસેવા માટે તેને એટલો પ્રેમ હતો કે તે માટે દર શનિ–રવિની રજામાં તે સોનગઢ
આવતો, ને ગુરુદેવની સેવાનો લાભ લેતો. કોલેજના અભ્યાસમાં તેમજ રમતગમતમાં પણ તે પ્રથમ કક્ષાનો
વિદ્યાર્થી હતો, એટલું જ નહિ, કોલેજના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓમાં તે ખૂબ પ્રિય હતો....તેના સ્વર્ગવાસની
વાત સાંભળતાં અનેક કોલેજો તરફથી શોક પ્રસ્તાવ થયા હતા. બે વર્ષ પહેલા સોનગઢમાં “બલીદાન અને
પ્રભાવના” નામનું અકલંક–નિકલંકનું એક સુંદર નાટક થયેલ તેમાં અકલંકનું મુખ્ય પાત્ર ધીરેન્દ્રકુમારે ઘણું
જ સુંદર ભજવ્યું હતું. તેમનું આખું કુટુંબ ધર્મપ્રેમી છે, તેમની ચારેય બહેનો બાલબ્રહ્મચારી છે અને
સોનગઢમાં જ રહીને સંતોની સેવામાં આત્મહિતની ભાવના પૂર્વક પોતાનું જીવન વીતાવે છે; ભાઈ ધીરેન્દ્રની
પણ પોતાની બહેનોને અનુસરવાની ભાવના હતી. જામનગર જતાં પહેલાંના પત્રમાં તો તે લખે છે કે મારી
જામનગર જવાની ઈચ્છા ન હતી મારી તો સોનગઢ ગુરુદેવ પાસે આવવાની ઈચ્છા હતી, પરંતુ ટીમની સાથે
જવું પડે છે: પાછા ફરતાં વદ ત્રીજે સોનગઢમાં ઉતરીશ–પરંતુ કુદરતમાં તેની આ ભાવના પૂરી થવાનું
લખાયું ન હતું....ત્રીજને દિવસે સોનગઢમાં હજી તો તેની આવવાની રાહ જોવાતી હતી–તેને બદલે બીજા જ–
ન સાંભળી શકાય એવા સમાચાર આવ્યા, ને માત્ર મંડળમાં જ નહિ પરંતુ આખા સોનગઢમાં શોકની
લાગણી પ્રસરી ગઈ...ગુરુદેવ તો ઘણા દિવસ સુધી વૈરાગ્યની ધૂનમાં રહ્યા; તેઓ ધીરેન્દ્રનો કરુણ વૈરાગ્ય
પ્રસંગ યાદ કરીને વારંવાર વૈરાગ્ય ભરેલા ઉદ્ગારો, સજ્ઝાયો, શ્રીકૃષ્ણ વગેરેનાં દ્રષ્ટાંતો કહેતા; ધીરેન્દ્રના
કુટુંબીજનોને ગુરુદેવે ઘણી વૈરાગ્ય ભરેલી શિખામણદ્વારા આશ્વાસન આપ્યું હતું અને કહ્યું હતું કે

PDF/HTML Page 28 of 29
single page version

background image
સંસાર તો આવો છે....માટે તેનાથી ઉદાસ થા ને આત્મામાં આવ! જ્ઞાતાપણે રહેવું એ જ
સમાધાનનો ઉપાય છે...જ્યાં આયુષ્ય પૂરું થયું ત્યાં શો ઉપાય?–અને જ્યાં નિરૂપાયતા છે ત્યાં
સમાધાન (–સહનશીલતા) એ જ ઉપાય છે.
આ ઉપરાંત શ્રી કૃષ્ણના મૃત્યુ પ્રસંગનું દ્રષ્ટાંત આપીને સંસારની અશરણતા સમજાવી હતી.
વૈરાગ્યરસથી નીતરતા ગુરુદેવનાં વચનો સંતપ્ત હૃદયોને ઘણી શાંતિ આપતા હતા.
પૂ. બેનશ્રી બેન પણ આખો દિવસ અવારનવાર આશ્રમમાં જઈને, માતાની જેમ પરમ વાત્સલ્ય
પૂર્વક ધીરેન્દ્રના કુટુંબીજનોની સંભાળ લઈને વૈરાગ્યોપદેશનુંં સીંચન કરી જતા.....જેમ સુકાતા મોલને
જલવૃષ્ટિ નવપલ્લવિત કરે તેમ શોકના આઘાતથી ઘેરાયેલા જીવોને તેઓશ્રીની અમીભરીવૃષ્ટિ
શાંતરસનું સીંચન કરીને નવપલ્લવિત કરતી હતી ખરેખર, આ જગતમાં જ્ઞાની–સંતોની બલિહારી છે કે
જેમના સાન્નિધ્યમાત્રથી સંસારના ભયંકર દુઃખો ભૂલાઈને જીવના પરિણામ વૈરાગ્ય તરફ વળી જાય છે.
ગુરુદેવે જે પરમ માર્ગ બતાવ્યો છે તે માર્ગ મહા કલ્યાણકારી છે, સર્વ પ્રસંગે તે જ એક
શરણભૂત છે, અને સર્વ ઉદ્યમથી જીવે એક જ માર્ગ આરાધવા જેવો છે. તેમાંય જીવનની આવી
ક્ષણભંગુરતા દેખીને તો, ક્ષણનાય વિલંબ વિના વેગપૂર્વક એ હિતમાર્ગે વળવા જેવું છે.
ભાઈ ધીરેન્દ્રના સ્મરણાર્થે પુસ્તીકા છપાવવા માટે તેમજ જિનમંદિર વગેરે શુભખાતામાં તેમના
પિતાજી તરફથી લગભગ એક હજાર રૂા. જાહેર કરવામાં આવ્યા હતા. ભાઈ ધીરેન્દ્રનો આત્મા દેવ–
ગુરુ–ધર્મની ઉપાસનામાં આગળ વધીને આત્મહિત સાધે, અને ‘અકલંક’ તરીકેનું જે પાત્ર તેણે ભજવ્યું
હતું તેવો સાક્ષાત્ ભાવ પ્રગટ કરીને તે સાક્ષાત્ ‘અ–કલંક’ એવા સિદ્ધપદને પામે–એવી ભાવના
ભાવીએ છીએ. ધીરેન્દ્રનો આ પ્રસંગ જોઈને આપણો આત્મા પણ વેગપૂર્વક વૈરાગ્ય તરફ વળે ને
સંતોની ચરણ છાયામાં હવે જલદી આત્મહિતને સાધીએ.....એ જ ભાવના.
(૩) ઉપરોક્ત પ્રસંગના બીજે જ દિવસે, એટલે કે ભાદરવા વદ ત્રીજની રાત્રે અજમેરના
સુપ્રસિદ્ધ શેઠ અને ભારતના દિ. જૈન સમાજના એક અગ્રગણ્ય નેતા સર ભાગચંદજી સોનીના સૌથી
મોટા સુપુત્ર કુંવર પ્રભાચંદ્રજી (કેપ્ટન,
B. A.) માત્ર ૩૧ વર્ષની યુવાન વયે કલકત્તામાં અકસ્માત
હૃદય બંધ પડી જવાથી સ્વર્ગવાસ પામી ગયા. આ સમાચારથી ભારતના અનેક શહેરોના જૈન સમાજને
ઘણો આઘાત લાગ્યો ને ઠેર ઠેર શોક સભાઓ ભરાણી. તેઓ શાંત, ધર્મપ્રેમી, ઉત્સાહી, અને
વેપારક્ષેત્રમાં પણ બાહોશ સજ્જન હતા, અધ્યાત્મિક શાસ્ત્રોના અભ્યાસનો તેમને પ્રેમ હતો. સોનગઢનું
આધ્યાત્મ સાહિત્ય પણ તેઓ પ્રેમપૂર્વક વાંચતા અને તત્ત્વચર્ચામાં રસ લેતા. ઈંદોરના સર હુકમીચંદજી
શેઠના તેઓ દોહિત્ર (પુત્રીના પુત્ર) થાય. આવા નવયુવાન પુત્રના સ્વર્ગવાસથી સર ભાગચંદજી શેઠને
અને તેમના કુંટુંબ પરિવારને ઘણો જ આઘાત થાય–એ સહજ છે....પરંતુ જન્મ–મરણથી ભરેલા આ
સંસારની સ્થિતિ જ એવી છે...એમાં એક વૈરાગ્ય જ શરણ છે એમ સમજીને તેઓ પોતાના આત્માને
જૈનધર્મના તત્ત્વોના વિચારમાં જોડે.....અને વીતરાગી દેવ–ગુરુ–ધર્મના શરણે આત્મહિતના પંથે
પોતાના આત્માને વાળે.....એમ ભાવના ભાવીએ છીએ. કુંવર પ્રભાચન્દ્રજીનો આત્મા પણ પોતાના
અધ્યાત્મપ્રેમમાં આગળ વધીને, જિનેન્દ્રધર્મના પ્રતાપે આ અસાર–સંસારના જન્મ–મરણોથી છૂટીને
સિદ્ધપદને પામે–એમ જિનેન્દ્રદેવને પ્રાર્થના કરીએ છીએ.
(૪) રાજકોટના ડો. બોઘાણીના માતુશ્રી દયાબેન પ૪ વર્ષની વયે તા. ૬–૯–૬૦ ના રોજ
સ્વર્ગવાસ પામ્યા છે. તા ૪–૯–૬૦ ના રોજ રાજકોટમાં જિનેન્દ્રભગવાનની રથયાત્રામાં ત્રણ કલાક
સુધી ભક્તિપૂર્વક તેમણે ભાગ લીધો હતો. ત્યારબાદ એકાએક બિમારી આવતાં પૂ. ગુરુદેવના
સ્મરણપૂર્વક તેઓ સ્વર્ગવાસ પામી ગયા. તેઓ અવારનવાર સોનગઢ આવીને લાભ લેતા તેમનો
આત્મા ધર્મપ્રેમમાં આગળ વધીને જન્મમરણ રહિત થાય......એ જ ભાવના

PDF/HTML Page 29 of 29
single page version

background image
ATMADHARMA Reg. No. B. 4787
____________________________________________________________________________
તાકો વંદના હમારી હૈ.....
(કવિત)
દશા હૈ હમારી એક ચેતના બિરાજમાન, આન પર ભાવનસોં તિહું કાલ ન્યારી હૈ.
અપનો સ્વરૂપ શુદ્ધ અનુભવે આઠોં જામ, આનંદકો ધામ ગુણગ્રામ વિસતારી હૈ;
પરમ પ્રભાવ પરિપૂરન અખંડ જ્ઞાન, સુખકો નિધાન લખિ આન રીતિ ડારી હૈ,
ઐસી અવગાઢ ગાઢ આઈ પરતીતિ જાકે, કહે દીપચંદ તાકો વંદના હમારી હૈ.
।। ।।
ભાવાર્થ:– અમારી દશા એક ચૈતન્યસ્વરૂપે બિરાજમાન છે અને અન્ય પરભાવોથી ત્રણેકાળ
જુદી છે” એમ જે પોતાના સ્વરૂપને આઠે પહોર (દિનરાત) શુદ્ધ અનુભવે છે. આનંદના ધામ
ગુણસમૂહનો જેણે વિસ્તાર કર્યો છે, પરમ પ્રભાવરૂપ પરિપૂર્ણ અખંડ જ્ઞાન અને સુખના નિધાનને
દેખીને જેણે બીજી રીત છોડી દીધી છે–આવી અવગાઢ દ્રઢ પ્રતીતિ થઈ છે તેને અમારી વંદના છે.
આત્મિકરુચિ હૈ અનંતસુખસાધિની
પરમ અખંડ બ્રહમંડ વિધિ લખૈ ન્યારી, કરમ વિહંડ ઠરે મહા ભવબાધિની,
અમલ અરૂપી અજ ચેતન ચમત્કાર, સમૈસાર સાધે અતિ અલખ અરધિની;
ગુણકો નિધાન અમલાન ભગવાન જાકો પ્રત્યક્ષ દિખાવે જાકી મહિમા અબાધિની,
એક ચિદરૂપકો અરૂપ અનુસરે ઐસી આતમિક રુચિ હૈ અનંત સુખ સાધિની.ા ૬ા
ભાવાર્થ:–
આત્મિક રુચિ અનંત સુખને સાધનારી છે: કેવી છે તે રુચિ? પરમ અખંડ
ચૈતન્યબ્રહ્મને તે કર્મથી ભિન્ન દેખે છે. કર્મને ખંડખંડ કરી નાખે છે. ભવભ્રમણની અત્યંત બાધક છે
અર્થાત્ ભવભ્રમણને રોકનારી છે. નિર્મળ અરૂપી ચૈતન્યચમત્કારને દેખનારી છે, શુદ્ધ આત્મરૂપ
સમયસારને અત્યંતપણે સાધનારી છે. ને અલખ–અતીન્દ્રિય ચૈતન્યને આરાધનારી છે, ગુણનો નિધાન
અને સંકોચરહિત એવો જે ભગવાન આત્મા તેને તે પ્રત્યક્ષ દેખાડનારી છે. તે આત્મરુચિનો મહિમા
અબાધ્ય છે, કોઈથી તે બાધિત થતો નથી, અને તે રુચિ એક ચૈતન્યસ્વરૂપને જ અનુસરનારી છે.–
આવી આત્મરુચિ અનંત સુખને સાધનારી છે.
સંતનકી મતિ મહામોક્ષ અનુસારિણી
અચલ અખંડ પદ રુચિકી ધરૈયા ભ્રમ–ભાવકી હરૈયા એક જ્ઞાનગુનધારિની,
સકિત અનંત કો વિચાર કરે, બારબાર, પરમ અનુપ નિજ રૂપકો ઉધારિની;
સુખકો સમુદ્ર ચિદાનંદ દેખે ઘટમાંહિ, મિટે ભવ બાધા મોક્ષપંથકી વિહારિની,
દીપ જિનરાજ સો સરૂપ અવલોકે ઐસી, સંતનકી મતિ મહામોક્ષ અનુસારિની.ા ૭ા
ભાવાર્થ:– સંતોની મતિ મહામોક્ષને અનુસરનારી છે; કેવી છે સંતોની મતિ? પોતાના અચલ
અખંડપદની રુચિને ધરનારી છે. ભ્રમભાવને હરનારી છે, એક જ્ઞાનગુણને ધરનારી છે. પોતાની
અનંતશક્તિનું વારંવાર ચિંતન કરનારી છે. પરમ અનુરૂપ એવા નિજરૂપને પ્રગટ કરનારી છે. સુખના
સમુદ્ર એવા ચિદાનંદસ્વરૂપને પોતાના અંતરમાં જ દેખનારી છે. ભવબાધા મટાડનારી છે ને મોક્ષપંથમાં
વિહાર કરનારી છે, તથા જિનરાજ જેવા નિજસ્વરૂપને અવલોકનારી છે.–આવી સંતોની મતિ
મહામોક્ષને અનુસરનારી છે. “જ્ઞાનદર્પણ માંથી
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટવતી મુદ્રક અને પ્રકાશક: હરિલાલ દેવચંદ શેઠ: આનંદ પ્રિ. પ્રેસ. ભાવનગર