Atmadharma magazine - Ank 242-243
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 37
single page version

background image
ઃ ૧૮ઃ આત્મધર્મઃ ૨૪૨–૨૪૩
ધર્મોપદેશ દેનારા હે ધર્માત્મા!
આપે શ્રી કુન્દકુન્દાચાર્યના સમયસાર તત્ત્વગ્રંથવડે નવો વિકાસ, નવી
પ્રતિભા, નવી સ્થિતિ વગેરે પ્રાપ્ત કર્યા છે. આપે ભગવાન ઋષભદેવના સદ્ધર્મની
સાચી વસ્તુ જે સમયસાર છે–તેના ઊંડાણમાં (હાર્દમાં) પહોંચીને તેનાથી
સમ્યક્દર્શન પ્રાપ્ત કર્યું છે અને આપે પોતે પ્રાપ્ત કરેલા સમ્યગ્જ્ઞાનનો આખા દેશમાં
પ્રચાર પણ કરી રહ્યા છો. આપની પ્રતિભા તથા પ્રવચનશૈલીથી હજારો લોકો સાચા
માર્ગ પર આરૂઢ થઇને સમ્યગ્જ્ઞાની બની રહ્યા છે. આપના આ ચમત્કારયુક્ત કાર્યને
દેખીને દુનિયા ચકિત બની રહી છે.
તામિલનાડુ પર પધારેલા હે અદ્વિતીય નેતા!
દક્ષિણ પ્રાન્તની મહત્તાના ઉદાહરણભૂત કુન્દકુન્દ નામના ગામમાં જન્મેલા શ્રી
પદ્મનંદી આચાર્ય તે ગામના નામથી જેમ પ્રચલિત થયા, તેમ તે મહાન આચાર્યના
તપશ્ચરણ કરીને દિવંગત થવાને લીધે આ પહાડ પણ કુંદકુંદપહાડ એવા નામથી પ્રસિદ્ધ
થયો; તેથી પૌરાણિકતાને પામેલી તેની ગરિમા સર્વોપરિ પ્રતિષ્ઠિત છે. તેની આપને યાદ
દેવડાવતાં અમે સંતોષ અનુભવીએ છીએ.
પ્રસંશા અને નિંદાને હસતાં હસતાં સહન કરીને
ધાર્મિક કૃત્ય કરનારા હે સ્વામિન્
પ્રાકૃતભાષામાં સમયસારાદિ મહાન ગ્રંથરાજોની રચના કરીને ખ્યાતિ
પામેલા શ્રી કુન્દકુન્દાચાર્યદેવે તામિલભાષામાં પણ ‘तिरूक्कुरल’ નામના એક
અદ્વિતીય ગ્રંથની રચના કરી છે; તેની મહત્તા જાણીને બધા ધર્મોવાળા તેને
પોતપોતાનું વેદ કહે છે, એવા આ ગ્રંથરાજમાં કહ્યું છે કે ‘પોતે ખોદી નાખનારને
પણ સહનશીલતાપૂર્વક ઉપાડનારી જમીનની માફક કોઇ પણ અનુચિત વાતોથી
ગાલીપ્રદાન કરનાર પ્રત્યે પણ ક્ષમા કરવી તે મહાન પુરુષોનું કર્તવ્ય છે.”
–તે ઉત્તમ નીતિના તો આપ ઉદાહરણ સ્વરૂપ છો. હે સ્વામી! આપ જેમ
સમયસારનું પઠન–પાઠન કરો છો તેમ શ્રી કુન્દકુન્દાચાર્યના ‘તિરુક્કુરલ મહા
કાવ્ય’નું પણ અધ્યનન કરીને આપના શિષ્ય સમુદાયને ઉપદેશ દેવા માટે અમે
પ્રાર્થના કરીએ છીએ.

PDF/HTML Page 22 of 37
single page version

background image
માગશર–પોષઃ ૨૪૯૦ઃ ૧૯ઃ
હે શ્રી દિગંબર મુમુક્ષુસંઘના નાયક!
આ કુંદકુંદાચાર્ય પહાડ પર હરસાલ હજારો લોકો આવીને દર્શન કરી જાય
છે. અને વળી આપનું આગમન થતાં ઇતિહાસાંકિત આ પુનિત પહાડ વધારે
પ્રશંસાપ્રાત્ર બની ગયો છે. આપ અને આપના સંઘના પધારવાની યાદીસ્વરૂપે આ
પહાડની પાસે એક જૈન ગુરુકુળની સ્થાપના કરીને, તેના દ્વારા વર્તમાન
પુરાતત્ત્વને પ્રાપ્ત કરવા તથા સત્યજ્ઞાન અને સત્યધર્મનો માર્ગ દેખાડવા અમે
પ્રાર્થના કરીએ છીએ.
પોન્નૂર આપના પ્રેમાનુરાગી
૧૪–૩–૧૯પ૯ શ્રી કુંદકુંદ પહાડ સંબંધી પોન્નૂર જૈન સમુદાય
*
ધર્માત્માનું ઉત્કૃષ્ટ પરાક્રમ આનંદ–આશ્ચર્ય ઉપજાવે છે
“જેને કાંઇ પ્રિય નથી, જેને કાંઇ અપ્રિય નથી, જેને કોઇ શત્રુ નથી, જેને
કોઇ મિત્ર નથી, જેને માન, અપમાન, લાભ, અલાભ, હર્ષ, શોક, જન્મ, મૃત્યુ
આદિ દ્વંદ્વનો અભાવ થઇ જે શુદ્ધ ચૈતન્યસ્વરૂપને વિષે સ્થિતિ પામ્યા છે, પામે છે
અને પામશે તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદાશ્ચર્ય ઉપજાવે છે.”
શ્રીમદ્ રાજચંદ્રઃ (૮૩૩)
જિજ્ઞાસુને જ્ઞાનની શિખામણ
હું ધર્મ પામ્યો નથી, હું ધર્મ કેમ પામીશ?–એ આદિ ખેદ નહીં કરતાં
વીતરાગ પુરુષોનો ધર્મ જે દેહાદિ સંબંધી હર્ષ વિષાદવૃત્તિ દૂર કરી, આત્મા અસંગ
શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે–એવી વૃત્તિનો નિશ્ચય, અને આશ્રય ગ્રહણ કરી, તે જ
વૃત્તિનું બળ રાખવું; અને મંદવૃત્તિ થાય ત્યાં વીતરાગ પુરુષોની દશાનું સ્મરણ
કરવું. તે અદ્ભુત ચરિત્ર પર દ્રષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી. એ સુગમ અને
સર્વોત્કૃષ્ટ ઉપકારક તથા કલ્યાણસ્વરૂપ છે.
શ્રીમદ્ રાજચન્દ્રઃ (૮૩૪)

PDF/HTML Page 23 of 37
single page version

background image
ઃ ૨૦ઃ આત્મધર્મઃ ૨૪૨–૨૪૩
‘ભેદવિજ્ઞાનં અતીવભાવ્યં’
ભેદજ્ઞાનનું સ્વરૂપ બતાવીને, અને ભેદજ્ઞાનીની પરિણતિનો
અચિંત્ય મહિમા સમજાવીને આચાર્યદેવ પ્રમોદથી કહે છે કે અહો,
મોક્ષાર્થીજીવોએ અચ્છિન્નધારાથી આ ભેદવિજ્ઞાન અત્યંત ભાવવા
યોગ્ય છે....સતત નિરંતર અંતરમાં તેનો પ્રયોગ કરવા જેવો છે.
ભેદજ્ઞાનના અભ્યાસવડે જ સિદ્ધપદ પમાય છે.
[સંવર અધિકારના પ્રવચનોમાંથી]
મારો આત્મા તો શુદ્ધ દર્શનજ્ઞાનસ્વરૂપ છે; એવા આત્માના અવલંબનવડે પુણ્ય–
પાપથી જ્યારે આત્મા પાછો વળે છે ત્યારે પરદ્રવ્યના સંસર્ગથી અત્યંત દૂર થયેલો તે
આત્મા ચેતયિતાપણે પોતાના શુદ્ધસ્વરૂપને જ ચેતે છે, એટલે શુદ્ધઆત્માને જ તે
અનુભવે છે.–આવા શુદ્ધાત્મઅનુભવવડે આત્મા કર્મથી રહિત થાય છે. ભેદજ્ઞાનનો
પ્રબળ અભ્યાસ તે જ કર્મથી છૂટકારાનો ઉપાય છે. જેને હજી ભેદજ્ઞાન જ નથી, રાગથી
ભિન્ન જ્ઞાનનો અનુભવ જ નથી તે કોનું અવલંબન કરશે? ભેદજ્ઞાન વગરનો અજ્ઞાની
જીવ તો રાગાદિને જાણતાં તે રાગમય થઇને જાણે છે, પણ રાગથી ભિન્ન ચેતયિતાપણે
રહીને જાણતો નથી. જ્ઞાની તો ભેદજ્ઞાનના બળવડે રાગથી ભિન્નપણું રાખીને–ચેતકપણે
જ રહે છે, રાગપણે અંશમાત્ર થતો નથી.–એટલે ભેદજ્ઞાનના બળે શુદ્ધાત્માના ઉગ્ર
અવલંબનવડે તેને રાગાદિનો નિરોધ થાય છે. આચાર્યદેવ કળશમાં કહે છે કે–
निजमहिमरतानां भेदविज्ञानशक्तया
भवति नियतमेषां शुद्धतत्त्वोपलंभः।
अचलितमखिलान्यद्रव्यदूरेस्थितानां
भवति सति च तस्मिन्नक्षयः कर्ममोक्षः।। १२८।।
અહો, આચાર્યદેવે અલૌકિક અધ્યાત્મરસ વહેવડાવ્યા છે. ભેદજ્ઞાનની
શક્તિવડે જેઓ નિજસ્વરૂપના મહિમામાં લીન રહે છે તેમને નિયમથી
શુદ્ધાત્માની ઉપલબ્ધિ થાય છે. સમ્યગ્દર્શન પણ નિજમહિમામાં લીનતાવડે જ
થાય છે; ને પછી મુનિદશા કે કેવળજ્ઞાન પણ નિજમહિમામાં લીનતાવડે થાય છે.
પહેલાં નિજસ્વરૂપે શું

PDF/HTML Page 24 of 37
single page version

background image
માગશર–પોષઃ ૨૪૯૦ઃ ૨૧ઃ
ને પરભાવ શું–એનો ભેદ લક્ષમાં આવ્યા વગર નિજસ્વરૂપનો ખરો મહિમા આવે નહિ,
અને યથાર્થ મહિમા આવ્યા વગર તેમાં એકાગ્રતા થાય નહિ. જ્યાં જડ–ચેતનનું
ભેદજ્ઞાન થયું, રાગ અને જ્ઞાનને ભિન્ન જાણ્યા ત્યાં ધર્માત્મા પોતાના ચિદાનંદસ્વરૂપનો
પરમ અચિંત્ય મહિમા જાણે છે ને રાગાદિનો મહિમા તેને છૂટી જાય છે; એટલે
ભેદજ્ઞાનના બળે તે પોતાના ઉપયોગને નિજસ્વરૂપના મહિમામાં લીન કરે છે ને
શુદ્ધઆત્માને અનુભવે છે. શુદ્ધાત્માના અનુભવમાં સમસ્ત અન્ય દ્રવ્યોથી દૂર વર્તતા તેને
રાગાદિના અભાવને લીધે કર્મથી અત્યંત છૂટકારો થાય છે. આ રીતે ભેદજ્ઞાનવડે
શુદ્ધાત્માના ઉગ્ર અવલંબનવડે સંવરનિર્જરા ને મોક્ષ થાય છે.
મોક્ષનું મૂળ કારણ ભેદજ્ઞાન છે માટે મોક્ષાર્થીએ તે ભેદજ્ઞાન નિરંતર અતિ
દ્રઢપણે ભાવવાયોગ્ય છે; શુદ્ધાત્માને અને રાગને જુદા જાણીને અતિશયપણે–ધારાવાહી
અંતરંગ પ્રયત્નથી શુદ્ધાત્માની ભાવના કરવા જેવી છે.
सम्पद्यते संवर एष साक्षात्
शुद्धात्मतत्त्वस्य किलोपलंभात्।
स भेदविज्ञानत एव तस्मात्
तद्भेदविज्ञानमतीव भाव्यम्।। १२९।।
અહા, આચાર્યદેવે ભેદજ્ઞાનની ભાવનાને કેવી મલાવી છે! જીવોને પ્રેરણા કરે છે કે
હે જીવો! શુદ્ધાત્માની ઉપલબ્ધિને માટે આ ભેદજ્ઞાનને અતિશયપણે નિરંતર ભાવો.
ભેદજ્ઞાનની ભાવના એટલે શુદ્ધઆત્મા અને રાગ એ બન્નેને ભિન્ન જાણીને શુદ્ધઆત્માની
સન્મુખ થવાનો વારંવાર પ્રયત્ન કરવો. શુદ્ધઆત્માના અવલંબને ભેદજ્ઞાનની ભાવના છે.
ભેદજ્ઞાનની ભાવનામાં કાંઇ વિકલ્પનું અવલંબન નથી. રાગથી અત્યંત ભિન્ન
ચૈતન્યસ્વભાવની ભાવનાવડે કર્મનો સંવર થાય છે. જુઓ, શુભરાગવડે સંવર નથી થતો,
શુભરાગની ભાવનામાં તો આસ્રવની ભાવના છે. અંતરમાં ચૈતન્યસ્વભાવ તરફ જ્ઞાનનું
પરિણમન થતાં તે જ્ઞાન આસ્રવોથી છૂટી જાય છે.
પહેલાં ભેદજ્ઞાન કરવું તે જ ધર્મનો એકડો છે. ભેદજ્ઞાન વગર ધર્મની વિદ્યા શરૂ
થાય નહિ. ભેદજ્ઞાન થયા પછી પણ જ્ઞાની નિરંતર અચ્છિન્નધારાથી તેની ભાવના કરે છે.
भावयेत्भेदविज्ञानम् इदमच्छिन्नधारया।
तावत्यावत्परात्च्युत्वा ज्ञानं ज्ञाने प्रतिष्ठते।। १३०।।
ભગવાન આચાર્યદેવ કહે છે કે અહો! આ ભેદવિજ્ઞાન (ચૈતન્ય અને રાગનું
ભિન્નત્વ) અચ્છિન્નધારાથી વિચ્છેદ પડયા વગર અખંડપણે ત્યાં સુધી ભાવવું કે જ્યાં સુધી
પરભાવોથી છુટું પડીને જ્ઞાન જ્ઞાનમાં જ ઠરી જાય. ચૈતન્યનો ઉપયોગ ચૈતન્યમાં જ થંભી
જાય ત્યાંસુધી ભેદજ્ઞાનનો અભ્યાસ કર્યા જ કરવો. આ ભેદજ્ઞાનના અભ્યાસમાં એકલા
વીતરાગીચૈતન્યભાવનું ઘોલન છે. જ્ઞાનમાં જ્ઞાન જ છે ને જ્ઞાનમાં રાગ જરાપણ નથી;

PDF/HTML Page 25 of 37
single page version

background image
ઃ ૨૨ઃ આત્મધર્મઃ ૨૪૨–૨૪૩
રાગ રાગમાં જ છે. રાગમાં જ્ઞાન જરાપણ નથી–આમ જ્ઞાન અને રાગની અત્યંત
ભિન્નતા વડે જ્ઞાનસ્વભાવનું સ્વસંવેદન કરીને પછી પણ ભેદજ્ઞાનવડે અચ્છિન્નપણે તે
ભાવ્યા જ કરવું. જુઓ, આ જ્ઞાનીની નિરંતર ભાવના! વચ્ચે બીજા ભાવની ભાવના
ધર્મીને સ્વપ્ને પણ આવતી નથી.
ભેદજ્ઞાનનો મહિમા કરતાં ફરીને આચાર્યદેવ કહે છે કે–
भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन।
अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन।। १३१।।
ચૈતન્યચમત્કાર માત્ર વસ્તુ અંતરમાં છે તેમાં રાગનો પ્રવેશ નથી,–આવા
ભેદજ્ઞાનપૂર્વક ચૈતન્યસ્વભાવમાં સ્વસન્મુખતાવડે જ મુક્તિ સધાય છે. અને આવા
ભેદજ્ઞાન વગર રાગમાં એકતાવડે જીવ સંસારમાં રખડે છે. જે કોઇ જીવો સિદ્ધ થયા છે–
થાય છે કે થશે તે આવા ભેદજ્ઞાનવડે જ સિદ્ધ થાય છે; અને જે કોઇ જીવો બંધાયા છે
તેઓ આ ભેદવિજ્ઞાનના અભાવથી જ બંધાયા છે.
એક તરફ શુદ્ધજ્ઞાનસ્વભાવ, અને બીજી તરફ રાગાદિ પરભાવો; તે બન્નેની
ભિન્નતા જાણીને જેઓ જ્ઞાનસ્વભાવ તરફ વળ્‌યા તેઓ મુક્ત થયા છે. અને જ્ઞાન તથા
રાગની એકતા માનીને જેઓ રાગમાં રોકાણા તેઓ અજ્ઞાન વડે બંધાય છે. નિગોદનો
જીવ સંસારમાં કેમ રખડે છે? કે ભેદજ્ઞાન નથી કરતો માટે; ભેદજ્ઞાન વગર ભલે બીજું
બધું કરે, પણ તેનાવડે મોક્ષનું સાધન કિંચિત્ થતું નથી. પરભાવોની ભિન્નતા જાણ્યા
વગર પરભાવ છૂટે કયાંથી? જે જીવ ભેદજ્ઞાનરૂપી કરવતવડે જ્ઞાન અને રાગ વચ્ચેની
સંધીને છેદી નાંખે છે તે જીવ રાગથી ભિન્ન શુદ્ધાત્માને અનુભવતો થકો મુક્તિને સાધે છે.
મોક્ષનું મૂળ ભેદજ્ઞાન છે, ને સંસારનું મૂળ અજ્ઞાન છે. માટે આચાર્યદેવે કહ્યું કે હે જીવો!
જ્ઞાન અને રાગની ભિન્નતા જાણીને નિરંતર ભેદજ્ઞાનને ભાવો.–આમાં ભેદજ્ઞાનના
વિકલ્પની કે ગોખવાની વાત નથી પણ અંતરમાં જ્ઞાનસ્વભાવની સન્મુખતા કરીને
જ્ઞાનભાવરૂપે જ પરિણમ્યા કરવું–તેનું નામ ભેદજ્ઞાનની ભાવના છે. જ્ઞાનીને
ભેદજ્ઞાનની ધારા સતત વર્ત્યા જ કરે છે, ને તે મોક્ષનું કારણ છે.
ભેદજ્ઞાન થતાં જ્ઞાન પોતાના નિજભાવપણે પરિણમ્યું, તે જ્ઞાન પરમસંતોષરૂપ–
શાંત–આનંદમય છે, રાગાદિ પરભાવનો કલેશ તેમાં નથી. ભેદજ્ઞાનરૂપ કળા પ્રગટયા
પછી જ્ઞાની શુદ્ધસ્વભાવને જ સ્વપણે ગ્રહે છે, પરભાવના અંશને પણ પોતાના
સ્વભાવમાં ગ્રહતા નથી. આવા અત્યંત ભેદજ્ઞાનવડે તેને રાગ–દ્વેષ–મોહ ભાવો છૂટી
જાય છે ને કર્મનું બંધન અટકી જાય છે. અને આવી ભેદજ્ઞાનધારાવડે તેને ઉજ્જવળ
જ્ઞાનપ્રકાશ તથા પરમાત્મપદ પ્રગટે છે. આ રીતે ભેદજ્ઞાનવડે પૂર્ણ આનંદરૂપ
પરમાત્મપદ સધાય છે. માટે–
तत् भेदविज्ञानं अतीव भाव्यं

PDF/HTML Page 26 of 37
single page version

background image
માગશર–પોષઃ ૨૪૯૦ઃ ૨૩ઃ
સમ્યગ્દ્રષ્ટિને જ સાચો વૈરાગ્ય હોય છે
મિથ્યાદ્રષ્ટિને સાચો વૈરાગ્ય હોતો નથી
સમ્યગ્દ્રષ્ટિ ન હોવા છતાં રાગના સેવનવડે ભ્રમથી પોતાને સમ્યગ્દ્રષ્ટિ
માનીને જે પ્રવર્તે છે તે જીવ સ્વછંદી છે, તેને “પાપી” કહ્યો છે.
(નિર્જરાઅધિકાર ઉપરના પ્રવચનોમાંથી)
આ આત્મા જ્ઞાયકભાવરૂપ સુખમય છે; તેના સમ્યગ્જ્ઞાન અને વૈરાગ્યપૂર્વક જ
કર્મોની નિર્જરા થાય છે. નિર્જરા એ કોઇ બહારની ક્રિયાવડે થતી નથી, પણ તે
અંતરંગશુદ્ધિની અપેક્ષા રાખે છે. શુદ્ધચિદાનંદસ્વભાવનું ભાન કરીને તેમાં એકાગ્રતાવડે
જેણે પરભાવોનો ત્યાગ કર્યો છે,–એવા ધર્માત્મા કર્મના ઉદયમાં જોડાતા નથી, તેને કર્મો
નિર્જરી જાય છે. જ્ઞાનરૂપ રહેવું ને પરભાવોથી વિરક્ત રહેવું–આવી જ્ઞાનવૈરાગ્યશક્તિ તે
સમ્યગ્દ્રષ્ટિનું ચિહ્ન છે. આવા યથાર્થ જ્ઞાન–વૈરાગ્ય સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે. મિથ્યાદ્રષ્ટિ
ભલે ગમે તેટલા વ્રત–તપ કરે તોપણ તેને સાચો વૈરાગ્ય હોતો નથી. શુભરાગવડે તે
પોતાને સમ્યગ્દ્રષ્ટિ માને છે તે માત્ર અભિમાનથી જ માને છે, પણ જે રાગમાં આસક્ત
છે, ઊંડે ઊંડે રાગને લાભકારી માને છે–તેને સમ્યક્ત્વ કેવું?
જેને હજી રાગ પ્રત્યે વિરક્તિ તો થઇ નથી, રાગ અને જ્ઞાનની ભિન્નતાનું
ભાન તો છે નહિ, અને અભિમાનથી એમ માને છે કે અમે મોટા ધર્માત્મા છીએ,
અમે સમ્યગ્દ્રષ્ટિ છીએ, ને અમને બંધન થતું નથી–કેમકે શાસ્ત્રમાં એમ કહ્યું છે.–એ
રીતે ભ્રમથી પોતાને સમ્યગ્દ્રષ્ટિ માનીને રાગનું સેવન કરનારા તે જીવો ભલે
મહાવ્રત પાળે કે સમિતિ પાળે તોપણ આચાર્યભગવાન કહે છે કે તેઓ પાપી જ છે;
કેમ કે આત્મા શું ને અનાત્મા શું–તેના જ્ઞાનથી રહિત છે, એટલે સમ્યગ્દર્શનથી રહિત
છે; મિથ્યાત્વ તે જ મોટું પાપ છે. મિથ્યાત્વ ટાળ્‌યા વગર પંચમહાવ્રત પાળે કે સમિતિ
પાળે પણ તેને કિંચિત્ધર્મ ન થાય. અજ્ઞાનભાવમાં ઊભો રહીને તે રાગના આચરણ
કરે છે, અને માને છે એમ કે હું ધર્મ કરું છું. સેવે રાગ અને માને ધર્મ–એમાં તો
વિપરીતમાન્યતાનું મોટું પાપ છે.

PDF/HTML Page 27 of 37
single page version

background image
ઃ ૨૪ઃ આત્મધર્મઃ ૨૪૨–૨૪૩
મિથ્યાદ્રષ્ટિ શુભરાગમાં તત્પર હોય તોપણ તેને પાપી કહ્યો. અહા, સમ્યગ્દ્રષ્ટિધર્માત્માની
શું દશા છે તેની તેને ખબર પણ નથી. જ્ઞાનીએ રાગ અને જ્ઞાનની એકતા તોડી નાંખી
છે, રાગથી ભિન્ન જ્ઞાનપરિણતિવડે તેને નિર્જરા જ થયા કરે છે. જ્ઞાનીને ભેદજ્ઞાનના બળે
અશુભ વખતેય (અશુભને લીધે નહિ. પણ અશુભના કાળે) નિર્જરા થઇ રહી છે, ને
અજ્ઞાનીને મિથ્યાત્વને લીધે શુભ વખતેય બંધન જ થયા કરે છે. જ્ઞાનીને અશુભ
વખતેય વૈરાગ્યપરિણતિ ચાલુ છે, ને અજ્ઞાનીને શુભ વખતેય પાપી કહ્યો. અહો, આ
અંતરના અભિપ્રાયની વાત બહારથી કઇ રીતે ઓળખશે? કેવી દશા હોય તો જ્ઞાની
કહેવાય એની જેને ખબર નથી ને વ્રત–સમિતિના રાગમાં ધર્મ માનીને તેમાં જ તત્પર
રહે છે, તેને ચૈતન્યનો ઉત્સાહ નથી આવતો પણ રાગનો ઉત્સાહ આવે છે–એવા જીવને
સમ્યગ્દર્શન તો નથી પણ સમ્યગ્દર્શન શું છે તેની તેને ખબર પણ નથી.
કોઇ અજ્ઞાની મોટો રાજા હોય ને રાજપાટ રાણીઓ બધું છોડીને નગ્ન
દિગંબર મુનિ થઇને પંચમહાવ્રત પાળે, સમિતિ પાળે, ત્યાં બહારથી જોનારને તો
એમ લાગે કે ઓહોહો! કેટલો વૈરાગ્ય છે! પણ રાગમાં જે રત છે તેને વૈરાગ્ય
કેવો? જ્ઞાન અને રાગની ભિન્નતાના અનુભવ વગર વૈરાગ્યનો અંશ પણ સાચો
હોય નહિ. આ વ્રત–સમિતિનો રાગ મને મદદ કરશે, વ્રત–સમિતિનો રાગ કરતાં
જાણે કે મેં ઘણું કરી નાખ્યું–એવી મિથ્યાબુદ્ધિમાં અનંતા રાગનું સેવન તેને પડયું છે
તેથી અધ્યાત્મદ્રષ્ટિમાં તે હજી પાપી જ છે. અને સમ્યગ્દ્રષ્ટિ અવિરત હોય–
ગૃહવાસમાં હોય તોપણ તેને ભેદજ્ઞાનના બળે સમસ્ત પરભાવો પ્રત્યે વૈરાગ્ય જ છે,
અને એેવા જ્ઞાનવૈરાગ્યને લીધે નિર્જરા થયા કરે છે. જ્ઞાનીના વૈરાગ્યનું અચિંત્ય
સામર્થ્ય અજ્ઞાની જાણતો નથી.
રાગભાવ તો ચૈતન્યનો વિરોધી છે, ભલે વ્રતાદિનો શુભભાવ હો–તે પણ
ચૈતન્યથી વિરુદ્ધજાતિનો ભાવ છે, તે વિરુદ્ધભાવને જે હિતરૂપ માને, તેનાવડે પોતાને
‘સમ્યગ્દ્રષ્ટિ’ માને, એવા જીવને સમ્યક્ત્વ કેવું? ને તેને વૈરાગ્ય કેવો? સમ્યગ્દ્રષ્ટિએ
તો રાગ અને જ્ઞાનને ભેદજ્ઞાનવડે ભિન્નભિન્ન જાણ્યા છે, રાગના એક અંશને પણ તે
ચૈતન્યમાં ભેળવતો નથી એટલે રાગ હોવા છતાં તેને મિથ્યાત્વ નથી. પહેલાં યથાર્થ
ભેદજ્ઞાન કરવું જોઇએ; આત્માનું વાસ્તવિક સ્વરૂપ શું છે? ને રાગાદિ પરભાવો કેવા
છે? તેને ઓળખ્યા વગર પરભાવથી સાચી વિરક્તિ ક્યાંથી થાય? અબંધપણું તો
જ્ઞાનપરિણતિથી છે, કાંઇ રાગપરિણતિથી અબંધપણું નથી. જ્ઞાનપરિણતિ પ્રગટ કર્યા
વગર એમ માને કે હું તો અબંધ છું–તો તે સ્વચ્છંદી છે,–ભલે શુભરાગ હોય તોપણ
તે સ્વચ્છંદી છે; પોતાના સ્વછંદથી જ તે પોતાને સમ્યગ્દ્રષ્ટિ માને છે; ખરેખર તે
મિથ્યાદ્રષ્ટિ જ છે, ને એવા

PDF/HTML Page 28 of 37
single page version

background image
માગશર–પોષઃ ૨૪૯૦ઃ ૨પઃ
મિથ્યાદ્રષ્ટિને પાપી કહ્યો છે. (સમ્યક્ત્વસન્મુખમિથ્યાદ્રષ્ટિને ભદ્ર કહેવાય છે.)
અરે, વ્રત–સમિતિરૂપ શુભભાવ હોવા છતાં પાપી કહ્યો? એ વાત
સાંભળતાં ઘણાને રાડ બોલી જાય છે. પણ ભાઈ! સિદ્ધાંતમાં મિથ્યાત્વને જ સૌથી
મોટું પાપ કહ્યું છે. જ્યાં સુધી મિથ્યાત્વ રહે ત્યાંસુધી શુભ–અશુભ સર્વ ક્રિયાને
અધ્યાત્મમાં પરમાર્થે પાપ જ કહેવાય છે. વ્યવહારીજીવોને પાપથી છોડાવવા તે
શુભને પુણ્ય કહેવામાં આવે છે. પણ તે પુણ્યમાં એવી તાકાત નથી કે જીવને
સમ્યગ્દર્શનાદિ પમાડે. પુણ્યવડે એકપણ ભવ ઘટે નહિ. સમ્યગ્દર્શનમાં અનંત
ભવનો નાશ કરવાની તાકાત છે.
* * *
સ....ત્પુ....રુ....ષ
“સત્પુરુષનું ખરેખરું સ્વરૂપ જાણવું જરૂરનું છે. મધ્યમ સત્પુરુષ
હોય તો વખતે થોડા કાળે તેમનું ઓળખાણ થવું સંભવે, કારણ કે
જીવની મરજી અનુકૂળ તે વર્તે, સહજ વાતચીત કરે અને આવકારભાવ
રાખે તેથી જીવને પ્રીતિ થવાનું કારણ બને. પણ ઉત્કૃષ્ટ સત્પુરુષને તો
તેવી ભાવના હોય નહીં; તેથી કાં તો જીવ અટકી જાય, અથવા મુંઝાય,
અથવા તેનું થવું હોય તે થાય.”
(શ્રી. રા. ઉપદેશછાયાઃ ૩)
***
સત્સંગનું ફળ
“સત્સંગ થયો છે તેનો શો પરમાર્થ? સત્સંગ થયો હોય તે
જીવની કેવી દશા થવી જોઇએ?–તે ધ્યાનમાં લેવું. પાંચ વરસનો
સત્સંગ થયો છે તો તે સત્સંગનું ફળ જાહેર થવું જોઈએ, અને તે જીવે
તે પ્રમાણે વર્તવું જોઈએ. એ વર્તન જીવે પોતાના કલ્યાણના અર્થે જ
કરવું પણ લોકોને દેખાડવા અર્થે નહીં. જીવના વર્તનથી લોકોમાં એમ
પ્રતીત થાય કે જરૂર આને મળ્‌યા છે તે કોઇ સત્પુરુષ છે અને તે
સત્પુરુષના સમાગમનું, સત્સંગનું આ ફળ છે, તેથી જરૂર તે સત્સંગ છે,
એમાં સંદેહ નથી.”
(શ્રી. રા. ઉપદેશછાયાઃ ૩)

PDF/HTML Page 29 of 37
single page version

background image
ઃ ૨૬ઃ આત્મધર્મઃ ૨૪૨–૨૪૩
વિધવિધ–સંગ્રહ
[અહીં કેટલાક વિધવિધ ચર્ચા વગેરેનો સંગ્રહ આપ્યો છે તે જિજ્ઞાસુઓને ગમશે]
વીરહાક
વીરહાકથી મોક્ષને સાધવા નીકળ્‌યો તેના ભાવ ઢીલા હોય નહીં.
આત્માના શોધકને......
હે આત્માના શોધક! અંતરમાં આ જ્ઞાનસ્વરૂપ આત્માને અનુભવવા માટે, બીજો
બધો કોલાહલ (ચિંતા) છોડીને એકધારો છ મહિના પ્રયત્ન કર. નિશ્ચળપણે લગનીથી
અંતરમાં તીવ્ર અભ્યાસ કર....તને જરૂર આત્મપ્રાપ્તિ થશે. આત્માની પાછળ લાગે તેને
સમ્યગ્દર્શન જરૂર થાય જ.
સમન્તભદ્ર–ભારતી
માત્ર ન અને ત અક્ષરોવડે રચાયેલા નીચેના શ્લોકની પહેલી લાઇનમાં જે અક્ષરો છે
તે જ અક્ષરો બીજી લાઇનમાં છે; આવી રચનાવાળા શ્લોકને ‘ચક્રશ્લોક’ કહેવાય છે. આ
શ્લોકદ્વારા શ્રી સમન્તભદ્રસ્વામીએ વિમલનાથ ભગવાનની સ્તુતિ કરી છેઃ–
नेतानतनुते नेनोनितान्तं नाततो नुतात्।
नेता न तनुते नेनो नितान्तं ना ततो नुतात्।।
ઉપરોક્ત શ્લોકનો અર્થ આ પ્રમાણે છેઃ હે પાપરહિત, વિમલનાથ જિનેન્દ્ર!
આપ શરણમાં આવેલા સંસારી પ્રાણીઓને કોઇ જાતના કલેશ વગર શરીરરહિત
અવસ્થા (સિદ્ધપદ) પ્રાપ્ત કરાવી દો છો, તથા આપને નમસ્કાર કરવાથી પ્રાણી બધાનો
સ્વામી અને નેતા થઇ જાય છે. માટે હે ભવ્યજનો! આવા આ વિમલનાથ ભગવાનને
તમે પણ નમસ્કાર કરો.
[સમન્તભદ્રસ્વામીરચિત સ્તુતિવિદ્યા]
कति न कति न वारान्”....
ધીર, વીર, દ્રઢ બ્રહ્મચારી શ્રી જંબુકુમાર જ્યારે વૈરાગ્યથી દીક્ષા લેવા તૈયાર
થયા છે અને તેની માતા શોકથી વિલાપ કરે છે ત્યારે જંબુકુમાર કહે છે કે હે માતા! તું
જલદી શોકને છોડ....કાયરતા છોડ. આ સંસારની બધી અવસ્થા ક્ષણભંગુર છે એમ તું
ચિંતન કર. હે માતા! આ સંસારમાં મેં ઇન્દ્રિયસુખો ઘણીવાર ભોગવ્યા પણ તેનાથી
તૃપ્તિ ન મળી, એવા અતૃપ્તિકારી વિષયોથી હવે બસ થાઓ. હવે તો અમે અવિનાશી
ચૈતન્યપદને જ સાધશું.
વળી હે માતા! સાંભળઃ–
कति न कति न वारान् भूपतिर्भूरिभूतिः।
कति न कति न वारानत्र जातोस्मि कीटः।।

PDF/HTML Page 30 of 37
single page version

background image
માગશર–પોષઃ ૨૪૯૦ઃ ૨૭ઃ
नियतमिति न कस्याप्यस्ति सौख्यं न दुखं।
जगति तरलरुपे किं मुदा किं शुचा वा।।
આ સંસારમાં ભમતાં વારંવાર હું મોટી વિભૂતિ સહિત રાજા થયો ને વારંવાર કીટ
પણ થયો; આ તરંગ જેવા ચંચળ સંસારમાં કોઇ પ્રાણીને ઇન્દ્રિયસુખ કે દુઃખ કાયમ એકસરખા
રહેતા નથી, માટે સુખમાં હર્ષ શો? ને દુઃખમાં શોક શો? માટે હે માતા! તું શોકને છોડ!
એ પ્રમાણે વૈરાગ્યમય અમૃતવચનો વડે માતાને સંબોધીને જંબુકુમાર વન તરફ
ચાલ્યા....ને સૌધર્મસ્વામી પાસે જઇને દીક્ષા લીધી....થોડા જ વર્ષોમાં કેવળજ્ઞાનને સાધ્યું.
ધન્ય એમનો વૈરાગ્ય! ધન્ય એમનું જીવન.
શાસ્ત્રાભ્યાસનું ફળ
(મોક્ષમાર્ગ પ્રકાશક અઃ ૭ ના પ્રવચનમાંથી)
શાસ્ત્રમાં જે અનેકવિધ ઉપદેેશ છે તેમાં મને કાર્યકારી શું છે?–મારું હિત કઇ રીતે
છે?–એમ વિવેકપૂર્વક પોતાના હિતનો ઉદ્યમ કરવો. પણ પહેલેથી જેની એવી બુદ્ધિ છે કે હું
શાસ્ત્ર ભણીને બીજાને ઉપદેશ આપું,–તો તે પોતાના હિતને માટે નથી ભણતો પણ ઉપદેશક
થવા માટે શાસ્ત્ર ભણે છે, તેની પ્રવૃત્તિ અયથાર્થ છે. પરંતુ શાસ્ત્રનો અભ્યાસ તો પોતાના
ભલા માટે કરવાનો છે. શાસ્ત્રનો અભ્યાસ જે રીતે આત્માનું હિત થાય તે રીતે કરવો, પણ
આત્માનું હિત ચૂકીને એકલા શાસ્ત્રાભ્યાસમાં લાગ્યો રહે તો તેમાં ઊંડે ઊંડે માનાદિના
પોષણનો અભિપ્રાય રહ્યા કરે છે. જ્ઞાની તો શક્તિ મુજબ શાસ્ત્રાભ્યાસ કરીને તત્ત્વનો
નિર્ણય કરે છે તથા જ્ઞાનની નિર્મળતા અર્થે શાસ્ત્રાભ્યાસ કરે છે, એ રીતે તત્ત્વનિર્ણય વડે તે
પોતાનું હિત સાધે છે. આત્માનું હિત થાય તેવા ઉદ્યમની મુખ્યતા રાખીને પછી વિશેષ શક્તિ
હોય તો ન્યાયશાસ્ત્રો વગેરેનો પણ અભ્યાસ કરવો. જો વિશેષ અભ્યાસની શક્તિ ન હોય તો
સુગમ શાસ્ત્રોના અભ્યાસ વડે પોતાનું હિત થાય તેમ કરવું. એકલી પરસન્મુખતાથી શાસ્ત્રનો
અભ્યાસ કરે, પણ સ્વસન્મુખ થઇને ‘હું જ જ્ઞાનસ્વભાવી છું’ એમ ન અનુભવે ત્યાંસુધી
સમ્યગ્જ્ઞાન થાય નહિ. ‘આત્મા જ્ઞાનસ્વરૂપ છે–એમ શાસ્ત્રમાં કહ્યું છે’–એમ જાણે છે. પણ
‘હું જ્ઞાનસ્વરૂપ છું.’–એમ અજ્ઞાની જાણતો નથી, એટલે સાચું તત્ત્વશ્રદ્ધાન તેને હોતું નથી,
શાસ્ત્રાભ્યાસનું સાચું ફળ તેને નથી. યથાર્થ તત્ત્વશ્રદ્ધા થઇને આત્માનો અનુભવ થાય તે
શાસ્ત્રાભ્યાસનું સાચું ફળ છે.
ધન્ય એ સંતો
મેરા મારગ ન્યારા સબસેં, પણ શિવમારગસે નહિ ન્યારા;
વીતરાગકા વચન પ્રમાણે સમજે તો જગકું પ્યારા.....
સચ્ચા કહે જિનવાણી ખુલ્લા, સમજે જ્ઞાની મસ્તાના,
મસ્તાના કા મારગ મુક્તિ શું જાણે તે દીવાના.....
ધન ધન જગમાં એવા સન્તો સંગત તેની બહુ સારી,
સન્તજનો સહુ ચઢતે ભાવે, હું જાઉં તસ બલિહારી.... ભક્તિમાંથી

PDF/HTML Page 31 of 37
single page version

background image
ઃ ૨૮ઃ આત્મધર્મઃ ૨૪૨–૨૪૩
આ....નં....દ....નું વે....દ....ન
‘દર્શન–જ્ઞાન–ચારિત્રને હંમેશા પ્રાપ્ત છે તે આત્મા છે’ એમ શ્રી ગુરુએ ‘આત્મા’
સમજાવ્યો કે તુરત જ અંતર્મુખ લક્ષ કરીને શિષ્ય સમજી ગયો,–તે સમજતાં શિષ્યના
આત્મામાં શું થયું? કે તુરત જ અતીન્દ્રિય આનંદના વેદન સહિત સુંદર બોધતરંગ તેના
અંતરમાં પ્રગટયા. ખરો જિજ્ઞાસુ શિષ્ય તુરત જ સમજી જાય છે....“પ્રભો! ‘આત્મા’ કહીને
આપ શું બતાવવા માંગો છો!” એમ શિષ્યને અંતરમાંથી જિજ્ઞાસા જાગી, અને જિજ્ઞાસુ
થઇને ટગટગપણે આત્મા સમજવા તરફ ઉપયોગને એકાગ્ર કર્યો. આવા તૈયાર શિષ્યને જ્યાં
આચાર્યદેવે કહ્યું કે “આવા દર્શન–જ્ઞાન–ચારિત્ર સ્વરૂપ આત્મા છે”–ત્યાં તુરત જ અંતરમાં
ઊતરીને આનંદસહિત જ્ઞાન તરંગવડે તે શિષ્ય આત્માને સમજી ગયો;–તેને આનંદમય
જ્ઞાનતરંગ સહિત આત્માની અનુભૂતિ પ્રગટ થઇ.....જુઓ, આવી અનુભૂતિ થાય ત્યારે
આત્મા સમજ્યો કહેવાય. આનું નામ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન! સૂક્ષ્મભેદના લક્ષમાં
અટકયો હોય ત્યાંસુધી પણ આત્માને સમજ્યો કહેવાય નહિ. “આત્મા” સમજતાં જ અંદર
અપૂર્વ આનંદ સહિત સુંદર–મનોહર જ્ઞાનતરંગ ઊછળ્‌યા. આત્મા સમજે ને અંદર આવા
આનંદનું વેદન ન થાય–એમ બને નહિ.
(સ. ગા. ૮ ના પ્રવચનમાંથી)
મુ....નિ....વ....રો....ની જે....મ
અરે, ચૈતન્યઅનુભૂતિનો કેટલો મહિમા છે ને એનો અનુભવ કરનાર ધર્માત્માની
શી સ્થિતિ છે તેની લોકોને ખબર નથી. (અનુભવીના અનુભવમાં બારે અંગનો સાર
સમાઇ ગયો છે.) અવિરત સમ્યગ્દ્રષ્ટિના અંતરમાં પણ ભેદજ્ઞાનના બળે ક્ષણેક્ષણે
સિદ્ધપદની આરાધના ચાલી રહી છે; જેમ મુનિવરો મોક્ષના સાધક છે તેમ આ ધર્માત્મા
પણ મોક્ષના સાધક છે.
જીવનમાં સારા સંસ્કાર
સંસારનું સ્વરૂપ તો અસાર જ છે. આવા મનુષ્યભવમાં જે કોઈ દેવ–ગુરુ પ્રત્યેની
ભક્તિનો ભાવ કે આત્માને સમજવાના સારા સંસ્કાર આત્મામાં નાખ્યા હોય તે જ
આત્માને લાભરૂપ થાય છે. આવા પ્રસંગથી આત્મામાં દ્રઢ નિશ્ચય કરવો કે આપણે
જીવનમાં આત્મામાં સારા સંસ્કાર જરૂર પાડવા છે.
***
આ મનુષ્યભવમાં દેવ–ગુરુ પ્રત્યે અપૂર્વ રુચિ પ્રગટાવવી કે જેથી આત્માને
ભવનો નાશ થઇને આત્માનું સાચું સુખ પ્રગટ થાય. એવી ભાવના જરૂર કરવી, તે જ
શરણરૂપ છે. (એક પત્રમાંથી)

PDF/HTML Page 32 of 37
single page version

background image
માગશર–પોષઃ ૨૪૯૦ઃ ૨૯ઃ
જ્ઞાનીને પરભાવની રમત ગમતી નથી
[કા. સુદ પાંચમના રોજ નંદરબારના ભાઈશ્રી કપુરચંદ સુખલાલના મકાનના
વાસ્તુ પ્રસંગે સમયસાર–નિર્જરા અધિકાર ગા. ૧૯૪ના પ્રવચનમાંથી]
આ આત્મા સર્વજ્ઞતા વગેરે અનંતશક્તિનો પિંડ છે, તે આખા આત્માને દ્રષ્ટિના
ધ્યેયમાં લેવો તે સમ્યગ્દર્શન છે. મારા સ્વભાવની અસ્તિમાં બેહદ જ્ઞાન, બેહદ આનંદ
વગેરે છે, પણ વિકાર કે કર્મનું મારા સ્વભાવમાં અસ્તિત્વ નથી.–આ રીતે મહાન
આત્મસત્તાને લક્ષમાં લઇને તેમાં એકાગ્રતાવડે શુદ્ધિની વૃદ્ધિ થાય, વિકાર ટળતો જાય ને
કર્મો નિર્જરતા જાય–તેનું નામ નિર્જરા છે.
ભગવાન આત્મામાં અતીન્દ્રિય આનંદનું મોટું ઝરણું છે. એનું જેને માહાત્મ્ય થયું
તેની દ્રષ્ટિમાંથી પરનું, વિકારનું કે અલ્પતાનું માહાત્મ્ય ટળ્‌યું ને તેણે અનંત સુખના ધામ
એવા આત્મામાં વાસ કર્યો; તેણે ખરૂં વાસ્તું કર્યું. ભગવાન આત્મા એવો છે કે સ્વસંવેદન
પ્રત્યક્ષથી આખો લક્ષમાં આવે છે. એના લક્ષ વગર પરનો–રાગનો મહિમા મટે નહિ.
જ્ઞાની ધર્માત્માને સ્વભાવનો જ આદર છે, રાગનો આદર નથી એટલે તે નિર્જરા ખાતે જ
છે; સ્વભાવના આનંદસ્વાદ આગળ પરભાવો ગળી જાય છે–ઝરી જાય છે. અહા, જ્ઞાનીએ
અંતરમાં ચૈતન્ય સાથે રમત માંડી, તે રમતમાં તેને બીજી પરભાવની રમતું રુચતી નથી.
પૂર્ણાનંદી આત્મા તેને રુચે છે ને પરભાવની વૃત્તિ તે તેને ખૂંચે છે. અહા, સમ્યગ્દર્શનના
ધ્યેયમાં આખો ભગવાન ભેટયો!! મિથ્યાદર્શનમાં વિકારને ને સંયોગને ભેટતો, ને
સમ્યક્ત્વ થતાં પૂર્ણ આનંદના સાગરનો ભેટો થયો. જુઓ તો ખરા સમકિતનો મહિમા!!
જ્યાં ભગવાનના ભેટા થયા ત્યાં હવે મલિનભાવો કેમ ગોઠે? અનંતકાળે જે હાથમાં
નહોતો આવ્યો એવો ચૈતન્ય જ્યાં નજરમાં આવ્યો ત્યાં આખી દ્રષ્ટિ ફરી ગઇ. હું શરીરના
સંયોગમાં ન આવું, વિકારમાં હું ન આવું, હું તો મારા અનંત જ્ઞાનાદિ સ્વભાવમાં જ છું,–
આવી શુદ્ધ સંપદા ઉપરની દ્રષ્ટિને લઇને જ્ઞાનીને તે સંપદા ખીલતી જાય છે. સમવસરણમાં
ચકલાં ને વાઘ સમ્યગ્દ્રષ્ટિ હોય તેને પણ આવી દ્રષ્ટિથી શુદ્ધતા વધતી જાય છે ને
ચૈતન્યસંપદા ખીલતી જાય છે. અલ્પ રાગાદિ છે તેના ભોગવટાની મુખ્યતા નથી,
શુદ્ધતાની જ મુખ્યતા છે. બહારમાં અગ્નિની ભઠ્ઠીના ઢગલા વચ્ચે પડેલો નરકનો
સમ્યગ્દ્રષ્ટિ જીવ અંતરમાં ચૈતન્ય શાંત શીતળ રસને વેદી રહ્યો છે. તેને અશુદ્ધતા ને કર્મો
નિર્જરતા જ જાય છે. ચૈતન્ય ઉપર દ્રષ્ટિ પડી છે તેને પ્રતાપે આ નિર્જરા થાય છે.–આવી
દ્રષ્ટિ પ્રગટ કરીને ચૈતન્યમાં વાસ કરવો તે ખરું વાસ્તુ છે.

PDF/HTML Page 33 of 37
single page version

background image
ઃ ૩૦ઃ આત્મધર્મઃ ૨૪૨–૨૪૩
એક વૈરાગ્ય–પત્ર
સંસારમાં સંયોગ–વિયોગના અનેકવિધ પ્રસંગો સદાય બન્યા કરતા હોય છે; એવા એક વૈરાગ્યપ્રસંગે
લખાયેલા પત્રનો થોડોક ભાગ જિજ્ઞાસુઓને ઉપયોગી સમજીને અહીં પ્રગટ કર્યો છે.
નિર્મોહી આરાધક સન્તોને નમસ્કાર
સંસારમાં આઘાત–પ્રત્યાઘાતના પ્રસંગો સદાય બન્યા જ કરતા હોય છે. મોટા
મોટા માનવી પણ ક્ષણભરમાં ફૂ થઇ જતા દેખીએ છીએ; નાનકડી ઉમરમાં પણ ઘણા
ચાલ્યા જાય છે....આ જીવની પોતાની પણ એ જ સ્થિતિ થવાની છે. છતાં જીવની ટેવ
પડી ગઇ છે એટલે આવા પ્રસંગે તે બહુ દુઃખી થાય છે. સંસાર સાથેનો સંબંધ જેઓ છોડે
છે તેઓ જ દુઃખી નથી થતા.
જીવ અને શરીર જુદા પડી જાય છે, એ વાત નજરોનજર બને છે. પણ જીવ
તેની જુદાઇનો વિચાર નથી કરતો. આ શરીરથી હું જુદો પડીશ ત્યારે મારું શું થશે? હું
ક્યાં જઇશ?–એટલો વિચાર જાગે તોય જીવને ઘણી શાંતિ મળે, ને આવા આઘાતના
દુઃખને બદલે વૈરાગ્યભાવ જાગે.
જગતમાં નાના–મોટા મૃત્યુના પ્રસંગો બન્યા જ કરે છે, એક પ્રસંગ બને ને
થોડા વર્ષે ભૂલાઇ જાય, વળી બીજો પ્રસંગ બને, એવું સદાય બન્યા જ કરે છે. સારા
પ્રસંગો ને ખરાબ પ્રસંગો જગતમાં સદાય બન્યા જ કરે છે. પણ કોઇ પ્રસંગ કાયમ
નથી રહેતો. વીસ વર્ષનો યુવાન ભાઈ ગૂજરી જાય ત્યારે કેવો વૈરાગ્યપ્રસંગ હોય!
છતાં તે પણ કાળક્રમે ભૂલાઇ જાય છે કે નહિ? લગ્ન વગેરે સારા પ્રસંગે જે હર્ષ થયો
હોય તે પણ થોડા ટાઇમે ભૂલાય જાય છે, તેમ મરણ વગેરે પ્રસંગે આઘાત થયો હોય
તે પણ થોડા ટાઇમે ભૂલાઇ જાય છે.–એ બન્ને પ્રકારના પ્રસંગથી જુદો રહીને આત્મા
સદાય એવો ને એવો રહ્યા કરે છે.–એને લક્ષમાં લેવાથી જગતના બધાય દુઃખ હળવા
પડી જાય છે.
અનેક બાઇઓને નાની ઉમરમાં જ જે દુઃખ થાય છે તે લોકો ક્યાં નથી જાણતાં?–
છતાં એ બધાયના દુઃખ ભૂલાઇ જાય છે કે નહીં? સ્નેહીજનના વિયોગનું કાંઇ ઝાઝું દુઃખ
નથી હોતું, પણ આપણે પોતે મોહથી તેને મોટું રૂપ આપીને દુઃખી થઇએ છીએ. કોઇ
સ્નેહીજનનો વિયોગ થાય તેથી કાંઇ આ આત્માને દુર્ગતિમાં નથી જવું પડતું, પણ તેના
વિયોગ પાછળ બહુ ઝાઝો શોક ને આર્તધ્યાન કરે તો જીવને દુર્ગતિમાં જવું પડે છે.
શાસ્ત્રકારો કહે છે કે અરે જીવ! જેનું આયુષ્ય પૂરું થયું તે તો કોઇ કાળે પાછું આવવાનું
નથી, તું મફતનો હાયવોય કરીને શા માટે કરમ બાંધે છે?

PDF/HTML Page 34 of 37
single page version

background image
માગશર–પોષઃ ૨૪૯૦ઃ ૩૧ઃ
માટે ગમે તેવા પ્રસંગે જીવે ખૂબ જ શાંતિ ને ધીરજ રાખવી. હિંમત રાખવી એ
આપણું કામ છે. બીજું વિશેષ ન સમજાય તો જીવ અને શરીરની જુદાઇનો વિચાર
કરવો તથા પંચપરમેષ્ઠી ભગવાનને યાદ કરવા. શું અરિહંત ભગવાનને કે
સાધુમુનિરાજને કોઇના મરણથી દુઃખ થાય છે? ના; તો આપણે શા માટે દુઃખી થવું?
અરિહંતપ્રભુને દુઃખ નથી થતું તો પછી આપણે બધાય પણ અરિહંત પ્રભુના વંશના જ
છીએ.
આપણે જૈન....આપણે જિનેશ્વરદેવના ભક્ત....આપણને રોવાકૂટવાનું ન શોભે,
આપણે તો ધર્મના ઉત્તમ વિચારોમાં જ મન પરોવવું.
શ્રીકૃષ્ણ જ્યારે જંગલમાં ઝાડ નીચે સૂતા હતા ને તરસ લાગી હતી, ત્યારે તેમના
ભાઈ તેમને માટે પાણી ભરવા ગયા હતા; ત્યાં તો શ્રીકૃષ્ણના બીજા એક ભાઈએ
અજાણપણે છોડેલું બાણ શ્રીકૃષ્ણને લાગ્યું ને તેઓનું મૃત્યુ થયું. અહીં તો હજી બળભદ્ર
પાણી ભરીને દોડતા આવે છે કે મારો ભાઈ તરસ્યો છે, તેને ઝટ પાણી પાઉં,–પણ
આવીને જુએ તો તે મરી ગયા છે!–અરે, આવા મહાપુરુષોને પણ ક્ષણભરમાં અણધાર્યું
મરણ આવી પડે છે,–તો બીજાની શી વાત? જગતની એ જ સ્થિતિ છે. માટે જીવે શાંતિ
રાખવી એ કર્તવ્ય છે. (જ્યાં દુઃખ કદી ન પ્રવેશી શકતું ત્યાં નિવાસ જ રાખીએ...)
જ્ઞા....ની....નો....મા....ર્ગ
જ્ઞાનીનો માર્ગ સુલભ છે પણ તે પાળવો દુર્લભ છે. એ માર્ગ વિકટ
નથી, સીધો છે, પણ તે પામવો વિકટ છે. પ્રથમ સાચા જ્ઞાની
જોઇએ; તે ઓળખવા જોઇએ, તેની પ્રતીત આવવી જોઇએ. પછી
તેનાં વચન પર શ્રદ્ધા રાખી નિઃશંકપણે ચાલતાં માર્ગ સુલભ છે.
પણ જ્ઞાની મળવા અને ઓળખવા એ વિકટ છે, દુર્લભ છે, શંકા
કર્યા વિના જ્ઞાનીઓનો માર્ગ આરાધે તો તે પામવો સુલભ છે.
શ્રીમદ્રાજચંદ્રઃ ઉપદેશનોંધઃ ૧૪

PDF/HTML Page 35 of 37
single page version

background image
ઃ ૩૨ઃ આત્મધર્મઃ ૨૪૨–૨૪૩
પૂ. શ્રી કાનજીસ્વામી દિ. જૈન તીર્થ યાત્રા સંઘ (સુધારેલો કાર્યક્રમ)
[પૂ. ગુરુદેવ વગેરે સોનગઢથી તા. પ–૧–૬૪ ના રોજ પ્રસ્થાન કરશે. અને બીજા
યાત્રિકો મુંબઇથી તા ૧૦–૧–૬૪ના રોજ પ્રસ્થાન કરીને તે જ દિવસે પૂનામાં
ગુરુદેવની સાથે થઇ જશે. ત્યાંથી પોન્નૂર સુધી આખો સંઘ સાથે રહેશે.
]
ક્રમાંકગામમાઈલતિથિતારીખવારકેટલા
દિવસ
સોનગઢથી મંગલ પ્રસ્થાનપોષ વદ ૬પ–૧–૬૪રવિ
અમદાવાદ૧૨૧પોષ વદ ૬પ–૧–૬૪રવિ
પાલેજ૧૦૧પોષ વદ ૭૬–૧–૬૪સોમ
પોષ વદ ૮૭–૧–૬૪મંગળ
વલસાડ૧૦૪પોષ વદ ૯૮–૧–૬૪બુધ
ભીવંડી૧૧૦પોષ વદ ૧૦૯–૧–૬૪ગુરુ
પૂના૯૯પોષ વદ ૧૧૧૦–૧–૬૪ શુક્ર
સતારા૬૯પોષ વદ ૧૨૧૧–૧–૬૪શનિ
કુંભોજ૮૦પોષ વદ ૧૩૧૨–૧–૬૪રવિ
બેલગામ૯૩પોષ વદ ૧૪૧૩–૧–૬૪સોમ
હુબલીપ૯પોષ વદ ૦)) ૧૪–૧–૬૪ મંગળ
૧૦ દાવનગિરિ૮૯માહ શુદ ૧૧પ–૧–૬૪ બુધ
૧૧હુમચા(હરિહર થઇને ) ૮૩માહ શુદ ૨૧૬–૧–૬૪ગુરુ
૧૨ કુંદાદ્રિ૩૩માહ શુદ ૩૧૭–૧–૬૪ શુક્ર
૧૩ મૂડબિદ્રિપ૩માહ શુદ ૪૧૮–૧–૬૪શનિ
માહ શુદ પ૧૯–૧–૬૪ રવિ
૧૪ હાસન૧૦૬માહ શુદ ૬૨૦–૧–૬૪ સોમ
૧પ શ્રવણ૩૨માહ શુદ ૭૨૧–૧–૬૪મંગળ
બેલ્ગોલામાહ શુદ ૮૨૨–૧–૬૪બુધ
૧૬ મૈસુર૬૨માહ શુદ ૯૨૩–૧–૬૪ગુરુ
૧૭ બેંગલોર૮૭માહ શુદ ૧૦૨૪–૧–૬૪ શુક્ર
૧૮ રાણીપેઠ૧૩૭માહ શુદ ૧૧૨પ–૧–૬૪ શનિ
૧૯ વાંદેવાશ૪૦માહ શુદ ૧૨૨૬–૧–૬૪રવિ
(પોન્નુર)માહ શુદ ૧૪૨૭–૧–૬૪ સોમ
૧પ૧૦૨૩

PDF/HTML Page 36 of 37
single page version

background image
માગશર–પોષઃ ૨૪૯૦ઃ ૩૩ઃ
પોન્નૂર તીર્થધામની યાત્રા પછી ગુરુદેવનો પ્રવાસ કાર્યક્રમ
લગભગ નીચે મુજબ રહેશેઃ–
* પોન્નૂરથી તા. ૨૮–૧–૬૪ (માહ સુદ ૧પ) પાલમનેર; પછી ટૂમ્કુર,
ચિત્તલદ્રુગ, ત્રિમલકોપ, ગોંટૂર, કરાર, પૂના, નાશિક અને ચાંદૂર થઇને–
* જલગાંવ (તા. ૬–૨–૬૪ તથા ૭–૨–૬૪) ત્યાંથી પલાસનેર, સુસારી,
પીપળોદ, અમદાવાદ, સુરેન્દ્રનગર થઇને–
* રાજકોટ (૧૩–૨–૬૪ માહ વદ ૦)) થી તા. ૨૪–૨–૬૪ ફા. સુ. ૧૨) ત્યાં
ફાગણ સુદ ત્રીજે સમવસરણ મંદિર તથા માનસ્તંભનું શિલાન્યાસ.) ત્યાંથી
જોરાવરનગર થઇને–
* રખિયાલ (તા. ૨૬–૨ થી ૧–૩–૬૪ ફા. સુ. ૧૪ થી ફા. વ ૩) ત્યાં નવા
જિનમંદિરમાં વેદીપ્રતિષ્ઠાનું મુહૂર્ત ફા. વદ ત્રીજ. ત્યાંથી દેહગામ (તા. ૨ તથા
૩), સોનાસણ (તા.૪), ફત્તેપુર (તા. પ થી ૮), તલોદ (તા. ૯–૧૦),
વઢવાણશહેર (તા. ૧૧–૧૨), જેતપુર (તા. ૧૩).
* પોરબંદર (તા. ૧૪ થી ૨૧ પ્રથમ ચૈત્ર સુદ ૧ થી ૮), લાઠી (ચૈ. સુ. ૯),
સાવરકુંડલા (ચૈ. સુ. ૧૦ થી વદ ૨), આંકડિઆ (ચૈ. વદ ૩–૪), ઉમરાળા
(ચૈ. વદ પ–૬). ગઢડા (ચૈ. વદ ૭–૮), પાટી (ચૈ. વ. ૯) રાણપુર (ચૈ.
વ. ૧૦ થી ૧૪.)
* બોટાદ (ચૈ. વદ ૦) થી બીજા ચૈ. સુદ ૮ ત્યાં જિનમંદિરમાં વેદીપ્રતિષ્ઠાનું
મુહૂર્ત ચૈ. સુદ ૮).
* અમદાવાદ (ચૈ. સુ. ૯ થી ચૈ. સુ. ૧૩) [ચૈ. સુ. ૧૪ થી ચૈ. વ. પાંચમ સુધી
અમદાવાદથી મુંબઇ જતાં રસ્તામાં સુરત પાલેજ વગેરે–]
* ચૈત્ર વદ છઠ્ઠ મુંબઇનગરીમાં પ્રવેશઃ (મુંબઈમાં વૈશાખ સુદ બીજનો
હીરકજયંતીમહોત્સવ; તથા દાદર જિનમંદિરની પંચકલ્યાણક પ્રતિષ્ઠાનું મુહૂર્ત
વૈશાખ સુદ ૧૧ નું છે.)
_________________________________________________________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રકઃ અનંતરાય હરિલાલ શેઠ. આનંદ પ્રીન્ટીંગ પ્રેસ–ભાવનગર

PDF/HTML Page 37 of 37
single page version

background image
૩૪ઃ આત્મધર્મઃ ૨૪૨–૨૪૩
ATMDHARM Reg. no. G. 82
આપે આ ચિત્ર જોયું? મધદરિયા વચ્ચે વહાણ ચાલ્યું જાય છે ને વહાણ ઉપર પંખી બેઠું છે....આ
ચિત્ર શું સૂચવે છે? પ્રવચનસાર શાસ્ત્રમાં એક ગાથાની ટીકામાં આચાર્યદેવે જે દ્રષ્ટાંત આપેલ છે તેના
ઉપરથી આ ચિત્ર બનાવ્યું છે.....તમનેય આ વહાણમાં બેસવાનું મન થઇ જાય છે ને!–તો વિશેષ જાણકારી
માટે ‘આત્મધર્મ’ના આવતા અંકમાં જુઓ.
વૈરાગ્ય સમાચાર
ભાઈશ્રી બાબુભાઈ નાનજી (માસ્તર) મુંબઈમાં સ્વર્ગવાસ પામી ગયા. તેમને
ગુરુદેવ પ્રત્યે ઘણો ભક્તિભાવ હતો, અનેક વર્ષો સુધી તેઓ મુશ્કેલી ભોગવીને પણ
સોનગઢમાં રહ્યા હતા, ને સોનગઢ રહેવાની જ ભાવના હોવા છતાં ધંધાદારી કારણોસર
મુંબઈ જવું પડયું હતું. છેલ્લે માત્ર ચાર દિવસ તેમને તાવ આવ્યો, ને શરીર નબળું થઇ
જતાં વાત કરતાં કરતાં તેમનું હૃદય બેસી ગયું. તેમના પુત્ર અનિલભાઈ તેમને
સમવસરણસ્તુતિ સંભળાવતા; સ્વર્ગવાસની થોડી જ ક્ષણ પહેલાં તેમને (૧૦–૪૦
મિનિટે) ઘડિયાળનો ટાઇમ પૂછયો, ને પછી ભગવાનના તથા ગુરુદેવના ફોટાની સામે
હાથ જોડતાં બે મિનિટમાં તેેઓ દેહ છોડીને ચાલ્યા ગયા. તેઓ અખંડ સત્સમાગમ પામે
ને આત્મહિત સાધે....એ જ ભાવના.
વઢવાણ શહેરના ભાઈશ્રી મણિલાલ હરખચંદ શાહ તા. ૧૨–૧૨–૬૩ના રોજ
મુંબઈમાં કેન્સરની બિમારીથી સ્વર્ગવાસ પામ્યા છે. ગુરુદેવ પ્રત્યે તેમને ભક્તિભાવ હતો
અને અવારનવાર સોનગઢ આવીને તેઓ લાભ લેતા હતા. માંદગી દરમિયાન પણ
તેઓ સ્વાધ્યાય–વાંચન સાંભળતા, ટેપ–રેકોર્ડિગ મશીનદ્વારા ગુરુદેવના પ્રવચનો
સાંભળતા; અંતિમ દિવસ સુધી સ્વાધ્યાય સાંભળી હતી, ને છેલ્લે ગુરુદેવના તથા
શ્રીમદ્રાજચંદ્રના ફોટાના દર્શન કર્યા હતા. તત્ત્વજ્ઞાનની જિજ્ઞાસામાં આગળ વધીને તેેઓ
આત્મહિત સાધે એ જ ભાવના.