Atmadharma magazine - Ank 251
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 29
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : ભાદરવો :
વિશુદ્ધ જ્ઞાનમાં વિકારનું અકર્તાપણું..
ભાઈ, તું જ્ઞાનસ્વભાવને એકવાર દ્રષ્ટિમાં તો લે.
જ્ઞાનસ્વભાવમાં દ્રષ્ટિ કરતાં જ વિકારની રુચિ છૂટી જશે. વિકારનું
અકર્તૃત્વ થઈને તારા પુરુષાર્થની ગતિ જ્ઞાયકભાવ તરફ વળશે. –
એમાં સમ્યગ્દર્શન છે, એમાં સમ્યગ્જ્ઞાન છે ને તેમાં જ આનંદનો
અનુભવ છે જ્ઞાયક–તરફની પરિણતિમાં મોક્ષમાર્ગ સમાઈ જાય છે.
(શ્રાવણમાસ દરમિયાન સમયસાર–સર્વવિશુદ્ધજ્ઞાનઅધિકાર ઉપરના પ્રવચનોમાંથી)
* ભગવાન આત્મા પોતાના જ્ઞાયકસ્વભાવ વડે પરનો અકર્તા જ છે.
જ્ઞાયકસ્વભાવમાં જે જીવ સાવધાન થયો તેની પરિણતિ અંતરમાં વળી; તે
પરિણતિમાં વિકારનુંય અકર્તાપણું થયું.
* આ પ્રભુ–આત્મા, જગતના અનંત પદાર્થોથી જુદો છે, પોતે આનંદરસના સ્વાદથી
ભરેલો છે. તે જ્યારે પોતાના જ્ઞાયકસ્વભાવને ભૂલીને પરની કર્તૃત્વબુદ્ધિ કરે છે
ત્યારે દુઃખને અનુભવે છે. ભાઈ, જગતના અનંતા પદાર્થો સૌ પોતપોતાના કાર્યરૂપ
પરિણમી જ રહ્યા છે, શું તે પરિણમન વગરના છે કે તું તેના કાર્યને કરે? તેનું કાર્ય
તો તે કરી રહ્યા જ છે, પછી તેમાં તેં શું કર્યું? તું તારા જ્ઞાનરૂપ પરિણમન કર, એ
તારું કાર્ય છે. તારા જ્ઞાનમાં પરનું કર્તાપણું નથી.
* તું જ્ઞાનસ્વભાવને એકવાર દ્રષ્ટિમાં તો લે! જ્ઞાનસ્વભાવમાં દ્રષ્ટિ કરતાં જ વિકારની
રુચિ છૂટી જશે...વિકારનું અકર્તૃત્વ થઈને તારા પુરુષાર્થની ગતિ જ્ઞાયકભાવ તરફ
વળશે. –એમાં સમ્યગ્દર્શન છે, એમાં સમ્યગ્જ્ઞાન છે, ને એમાં જ આનંદનો અનુભવ
છે. જ્ઞાયકતરફની પરિણતિમાં મોક્ષમાર્ગ સમાઈ જાય છે.
* જ્ઞાની પોતાના જ્ઞાનાદિ નિર્મળભાવોને તો સ્વજ્ઞેયપણે તન્મય થઈને જાણે છે; અને
જ્ઞાનથી ભિન્ન એવા પરભાવોને તથા પરદ્રવ્યોને પરજ્ઞેયપણે તેમાં તન્મય થયા
વગર જાણે છે. આવી ભેદજ્ઞાન પરિણતિમાં કર્મનું અકર્તાપણું જ છે. તે જ્ઞાનમાં કર્મ
બંધાતું નથી.
* જગતમાં કોઈ પદાર્થ પરિણમન વિનાનો નથી. પરિણમનરૂપ નિજકાર્યમાં દરેક
પદાર્થ તન્મયપણે વર્તી રહ્યો છે. જીવના પરિણામમાં તન્મયપણે જીવ વર્તે છે, ને
અજીવના

PDF/HTML Page 22 of 29
single page version

background image
: ભાદરવો : આત્મધર્મ : ૧૯ :
પરિણામમાં અજીવ તન્મયપણે વર્તે છે. કોઈ પદાર્થ બીજાના પરિણામ સાથે કદી
તન્મય થતો નથી, જુદો જ રહે છે. મારા જ્ઞાનપરિણામમાં જ હું તન્મયપણે ઊપજું
છું–એમ નક્કી કરતો જ્ઞાની પરનો અકર્તા જ રહે છે. આનું નામ મોક્ષનો પુરુષાર્થ.
* ભાઈ, પહેલાંં તું એકવાત નક્કી કર કે મારો આત્મા જ્ઞાનસ્વભાવી છે. હવે
જ્ઞાનસ્વભાવ પરિણમીને જ્ઞાનભાવપણે ઊપજે કે અજીવપણે ઊપજે? જ્ઞાનસ્વભાવ
કદી અજીવપણે ન ઊંપજે, એટલે કે જ્ઞાનનું કાર્ય અજીવ ન હોય; જ્ઞાનનું કાર્ય
જ્ઞાનમય જ હોય, આ રીતે જ્ઞાનભાવમાં જ્ઞાનનું જ કર્તાપણું છે, જ્ઞાનભાવમાં
અન્યનું અકર્તાપણું જ છે. આવું જ્ઞાન–ભાવપણે જ પરિણમતું જ્ઞાન બંધનું કારણ
નથી, તે જ્ઞાન અબંધ છે; ને તે ‘સર્વવિશુદ્ધ’ છે. આવું ‘સર્વવિશુદ્ધજ્ઞાન’ પોતાના
નિર્મળ પરિણામને જ કરે છે, તે કોઈ પદાર્થને ફેરવવા જતું નથી. જ્ઞાનમાં સર્વને
જાણવાની તાકાત છે, પણ કોઈને આઘુંપાછું કરવાની તાકાત નથી. જ્ઞાનના આવા
સ્વભાવનો નિર્ણય તે વીતરાગભાવનું કારણ છે.
* ભાઈ, તને તારા જ્ઞાનનો વિશ્વાસ પણ ન આવે તો તું અંતર્મુખ ક્યારે થઈશ?
જ્ઞાન પાસે જે પરનું કામ કરાવવા માંગે કે જ્ઞાન પાસે વિકાર કરાવવા માંગે તે જીવ
પરથી ને વિકારથી ભિન્ન જ્ઞાનસ્વભાવરૂપ ક્યારે પરિણમે? ને એને વીતરાગતા
ક્યારે થાય? જ્ઞાનની જેને પ્રતીતિ નથી–અનુભવ નથી તેને વીતરાગભાવરૂપ
ધર્મનો અંશ પણ હોતો નથી. જ્ઞાનનું જ્ઞાનરૂપ (રાગથી ભિન્ન) પરિણમન થવું તે
ધર્મ છે.
* ધર્મ કહો કે જ્ઞાનચેતના કહો; આત્મા જ્ઞાનસ્વરૂપ છે, તેનું જ્ઞાન અંતર્મુખ થઈને
જ્ઞાનપણે જ પરિણમે ને રાગદ્વેષ કે હર્ષશોકરૂપે ન પરિણમે –તે જ્ઞાનચેતના છે, તેમાં
જ્ઞાનનું જ કર્તૃત્વ છે ને વીતરાગી આનંદનું ભોક્તતૃત્વ છે –આવું શુદ્ધજ્ઞાન તે
મોક્ષનું કારણ છે.
* આત્મામાં જ્યાં શુદ્ધ જ્ઞાનપરિણમન થયું ત્યાં તેના પરિણમનમાં વિકાર સાથે
આકાર્યકારણપણું થયું; એટલે શુદ્ધજ્ઞાનપર્યાયને વિકારનું કાર્યપણું પણ નથી ને
વિકારનું કારણપણું પણ નથી. જ્ઞાન કારણ થઈને વિકારનું કાર્ય કરે–એમ નથી
તેમજ વિકારને કારણ બનાવીને જ્ઞાન તેનું કાર્ય થાય–એમ પણ નથી. આ રીતે
જ્ઞાનભાવને વિકારથી અત્યંત ભિન્નતા છે. જ્ઞાનમાં વિકારનું કર્તૃત્વ જરાપણ ભાસતું
નથી. અહા, આવું ભેદજ્ઞાન તે જૈનદર્શનનું મૂળ છે. એકવાર આવું ભેદજ્ઞાન કરે તો
વિકારથી જુદું પડીને જ્ઞાન પોતાના નિજાનંદનું સંવેદન કરતું કરતું મોક્ષદશાને પામે.
* ચેતનાપરિણતિ ત્રણ પ્રકારની–એક જ્ઞાનચેતના, બીજી કર્મચેતના ને ત્રીજી
કર્મફળચેતના; વ્યવહારના વિકલ્પોમાં વર્તતી ચેતના તે પણ કર્મચેતના છે, ને
કર્મચેતના તે બંધનું કારણ

PDF/HTML Page 23 of 29
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : ભાદરવો :
છે. જ્ઞાન અંતર્મુખ થઈને પોતે પોતાના સ્વભાવને સંચેતે–અનુભવે છે. આવી
જ્ઞાનચેતના છે. આવી જ્ઞાનચેતનાનો કણિયો જાગ્યો તે કેવળજ્ઞાન પમાડે છે.
* જ્ઞાનીનું કર્તાકર્મપણું પોતાના જ્ઞાનમાં જ સમાય છે, તેમાં બીજાની અપેક્ષા નથી.
જ્ઞાનને પોતાના કર્તાકર્મમાં જેમ પરની તો અપેક્ષા નથી તેમ વિકારની પણ અપેક્ષા
નથી. અજ્ઞાની વિકારના કર્તાકર્મમાં અટક્યો છે, તે જ્ઞાનનું ખરૂં કાર્ય નથી. ભાઈ,
તારા જ્ઞાનનું કર્તૃત્વ એવું નથી કે એ બીજા કોઈનું કાર્ય કરવાની અપેક્ષા રાખે.
જ્ઞાનનું કર્તૃત્વ એવું નિરપેક્ષ છે કે તે પોતામાં જ શમાય છે; એ જ રીતે ભોક્તાપણું
પણ પોતામાં જ સમાય છે. અહા, આવું નિરપેક્ષ સ્વતત્ત્વ લક્ષમાં લ્યે તો કેટલી
સ્વાધીનતા! કેટલી નિરાકૂળતા! કેટલી શાંતિ! ને કેટલી વીતરાગતા!! નિરપેક્ષ
સ્વતત્ત્વને જીવે કદી લક્ષમાં લીધું નથી ને બહારની જ અપેક્ષા રાખીને પરાશ્રયમાં
રખડી રહ્યો છે. એકવાર નિરપેક્ષ સ્વતત્ત્વને લક્ષમાં લ્યે તો અપૂર્વ શ્રદ્ધા–જ્ઞાન–
આનંદ પ્રગટે.
* જગતના પદાર્થો પોતપોતાના કર્તા છે; પરની અવસ્થાનો કર્તા પર, ને મારી
અવસ્થાનો કર્તા હું; પરની અવસ્થા મારું કાર્ય નહિ, ને મારી અવસ્થા પરનું કાર્ય
નહિ; પરની સાથે મારે કર્તાકર્મપણાનો સંબંધ જરાપણ નથી હું તો જ્ઞાન છું ને જ્ઞાન
જ મારું કાર્ય છે. આવા નિર્ણયમાં સ્વસન્મુખપરિણતિ થાય–તેનું નામ ધર્મ છે. એ
સ્વસન્મુખપરિણતિમાં અનંત ગુણોના નિર્મળ કાર્ય થાય છે, તેનો જ ધર્મી કર્તા છે.
* અહા, સત્ તત્ત્વના નિર્ણયમાં કેટલું જોર છે–તેની સામાન્ય લોકોને ખબર નથી. એક
સત્ તત્ત્વના નિર્ણયમાં નવે તત્ત્વોનો નિર્ણય સમાયેલો છે; અરિહંતોનો ને સિદ્ધોના
સ્વરૂપનો નિર્ણય પણ સ્વતત્ત્વના નિર્ણયમાં સમાય છે. સ્વતત્ત્વને એટલે કે
જ્ઞાયકતત્ત્વને ભૂલીને એકેય તત્ત્વનો નિર્ણય થઈ શકતો નથી.
* જે પરિણતિ સ્વતત્ત્વનો નિર્ણય કરીને અંતરમાં વળી તે પરિણતિમાં પોતાના આનંદ
વગેરેનું વેદન છે, પણ વિકારનું વેદન તે પરિણતિમાં નથી. જ્યાં વિકારનાય વેદનનું
કર્તૃત્વ નથી ત્યાં પરનું કર્તૃત્વ તો ક્યાં રહ્યું? શુદ્ધઉપાદાન પોતાના શુદ્ધ કાર્યને જ
કરે છે અહા, નિજરસથી શુદ્ધ પરિણમેલું જ્ઞાન રાગાદિનું અકર્તા છે, ને કર્મબંધનું
પણ નિમિત્તકર્તા તે નથી. આવું વિશુદ્ધ જ્ઞાન મોક્ષને સાધે છે.
* ચૈતન્યમાંથી ચૈતન્યની જ સ્ફૂરણા થાય છે; ચૈતન્યમાંથી વિકારની સ્ફૂરણા થતી
નથી. જેમ સૂર્યમાંથી પ્રકાશ જ નીકળે છે, સૂર્યમાંથી અંધારૂં નથી નીકળતું, તેમ
ચૈતન્યસૂર્યમાંથી જ્ઞાનપ્રકાશ જ નીકળે છે, ચૈતન્યસૂર્યમાંથી વિકારરૂપ અંધકાર નથી
નીકળતો. પણ એવા

PDF/HTML Page 24 of 29
single page version

background image
: ભાદરવો : આત્મધર્મ : ૨૧ :
ચૈતન્યની સ્ફૂરણા ક્યારે જાગે? કે જ્યારે અંતરમાં ડૂબકી મારીને ચૈતન્યસ્વભાવી
આત્માનો નિર્ણય કરે ત્યારે તેમાંથી ચૈતન્યકિરણો સ્ફૂરે અને તે ચૈતન્યકિરણમાં
(સમ્યક્ શ્રુતમાં) સમસ્ત તત્ત્વનો નિર્ણય કરવાની તાકાત છે; સમસ્ત આગમોનું
રહસ્ય તે જ્ઞાનમાં આવી જાય છે.
* એક બાજુ આખોય જ્ઞાનસ્વભાવ અનંતગુણથી ભરપૂર, તેની તો અચિંત્ય મહત્તા
ભાસતી નથી, ને કાંઈક શુભવિકલ્પ કરે, કંઈક કષાયની જરા મંદતા કરે, ત્યાં તો
‘ઓહો, ઘણું કરી નાંખ્યું’ –એમ મહત્તા લાગી જાય છે; તેને આચાર્યદેવ સમજાવે છે
કે અરે મૂઢ! આવું અજ્ઞાન તું ક્યાંથી લાવ્યો? ચૈતન્યની મહત્તાને બદલે વિકારની
મહત્તા તને ક્યાંથી ભાસી? સંતોએ તો શાસ્ત્રોમાં જ્ઞાનનો મહિમા ભર્યો છે તે તને
કેમ નથી દેખાતો? ને વિકારના કતૃત્વમાં કેમ રોકાણો છે? એ કર્તૃત્વબુદ્ધિ છોડ, ને
જ્ઞાનમહિમામાં ઉપયોગને જોડ.
* સિદ્ધાન્ત એ તો સન્તોના અનુભવના ઈશારા છે. પૂરો અનુભવ વાણીમાં તો કેમ
આવે? પણ સિદ્ધાન્તમાં તેનું માત્ર દિશાસૂચન આવ્યું છે, સંતોએ અનુભવના
ઈશારા સિદ્ધાન્તમાં ભર્યા છે. બાકી તો અનુભવગમ્ય વસ્તુ તે કાંઈ વાણીગમ્ય થાય
તેવી નથી.
* જ્ઞાન આત્માનું નિજલક્ષણ છે. તે જ્ઞાનલક્ષણમાં વિકારનું કર્તૃત્વ કે ભોકર્તૃત્વ નથી.
અને એ જ્ઞાનલક્ષણમાં જગતની કોઈ વસ્તુ અનુકૂળ કે પ્રતિકૂળ નથી. જ્ઞાનલક્ષણ
સ્વયં આનંદસહિત છે, તેમાં આનંદનો જ ભોગવટો છે.
* જ્ઞાનને જેમ જગતની પ્રતિકૂળતાનો ભય નથી, તેમ જગતની અનુકૂળતાની પ્રીતિ
પણ નથી. જગતના પદાર્થોની સાથે જ્યાં કર્તા કે ભોકતાપણાનો અભાવ છે ત્યાં
તેને ઈષ્ટ–અનિષ્ટ માનવાનું ક્યાં રહ્યું? ને ઈષ્ટ–અનિષ્ટપણું જ્યાં નથી ત્યાં રાગ દ્વેષ
પણ ક્યાં રહ્યા? એટલે જ્ઞાનીને રાગ–દ્વેષનું કર્તૃત્વ પણ જ્ઞાનમાંથી નીકળી ગયું છે.
* કેવળકિરણોથી શોભતો આ ભગવાન ચૈતન્યસૂર્ય તેને પ્રતીતમાં લેવામાં અપૂર્વ
ઉદ્યમ છે.... આખી પરિણતિ ગૂલાંટ ખાઈને અંદરમાં વળે છે. સાતમી નરકથી
માંડીને નવમી ગ્રૈવેયક સુધીમાં પરિભ્રમણ કરવા છતાં ચૈતન્યની પ્રભુતા જરાય
ખંડિત નથી થઈ. –એને પ્રતીતમાં લેતાં પરિભ્રમણ ટળે છે.
વૈરાગ્ય સમાચાર : વીંછીઆના જલુબેન મૂળચંદ શ્રાવણ વદ ૧૨ ના રોજ
જોરાવરનગર મુકામે સ્વર્ગવાસ પામ્યા છે....તેમને સત્સમાગમ માટે ઉત્કંઠા હતી ને
ગુરુદેવ પ્રત્યે ભક્તિભાવ હતો. તેઓ જિનશાસનની છાયામાં આત્મહિત પામો.

PDF/HTML Page 25 of 29
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : ભાદરવો :
પરમ વૈરાગ્યરૂપ માર્ગ
(શ્રી પંચાસ્તિકાય–પ્રવચનમાંથી... ભાદરવા સુદ પૂનમ)
જૈનધર્મ એ વીતરાગધર્મ છે, જૈનમાર્ગ એ વીતરાગમાર્ગ
છે; જૈનમાર્ગ કહો કે મુક્તિનો માર્ગ કહો–તે વીતરાગભાવમાં જ
સમાય છે. એટલે પરમ વૈરાગ્યરૂપ વીતરાગભાવ તે જ
મોક્ષમાર્ગ છે, તે જ મુમુક્ષુનું કર્તવ્ય છે. આવા સમ્યક્માર્ગનો
નિર્ણય કરીને પછી સ્વ–પર આત્મામાં તેનો ઉદ્યોત કરવો એ જ
ખરી માર્ગપ્રભાવના છે. કુંદકુંદસ્વામી આદિ સંતોએ આવી
માર્ગપ્રભાવના કરીને જગત ઉપર ઉપકાર કર્યો છે.
‘માર્ગ’ એટલે પરમ વૈરાગ્ય કરવા પ્રત્યે ઢળતી પારમેશ્વરી આજ્ઞા. જુઓ,
પરાશ્રય તરફ ઢળવાની કે રાગ તરફ ઢળવાની પરમેશ્વરની આજ્ઞા નથી. પરમેશ્વરની
આજ્ઞા તો પરમ વૈરાગ્યની જ છે એટલે સ્વ. તરફ ઢળીને વીતરાગભાવ થાય તે જ
જિનશાસનમાં ભગવાનની આજ્ઞા છે; ને તે જ મોક્ષનો માર્ગ છે.
આવો માર્ગ જાણીને તેની પ્રસિદ્ધિ કરવી અને પોતાની પર્યાયમાં ઉત્કૃષ્ટપણે તે
પ્રગટ કરવો–તેનું નામ ‘માર્ગપ્રભાવના’ છે. કુંદકુંદસ્વામી કહે છે કે આવી
માર્ગપ્રભાવના–અર્થે મેં આ સૂત્ર કહ્યું છે.
જુઓ, ભગવાનના માર્ગનો ઉદ્યોત વીતરાગભાવવડે જ થાય છે, ને તેમાં જ
ભગવાનની આજ્ઞા છે. ઉપદેશમાં પણ વીતરાગી તાત્પર્ય જ હોય, ને અંતરના
અભિપ્રાયમાં પણ વીતરાગ ભાવનું જ તાત્પર્ય હોય; અંશ માત્ર પણ રાગના પોષણનો
અભિપ્રાય ન હોય, –આવો જિનમાર્ગ છે. આથી વિરુદ્ધ માર્ગ માને, રાગને માર્ગ માને,
તો તે જીવ વીતરાગજિનમાર્ગની પ્રભાવના કેમ કરી શકે? તેને માર્ગની ખબર નથી,
તેને ભગવાનની આજ્ઞાની ખબર નથી; પરમવૈરાગ્ય પરિણતિ તેને હોતી નથી. માર્ગના
નિર્ણયમાં જ જ્યાં ભૂલ હોય ત્યાં માર્ગનો ઉદ્યોત ક્યાંથી કરે? પહેલાંં સમ્યક્માર્ગનો
નિર્ણય કરવો જોઈએ.

PDF/HTML Page 26 of 29
single page version

background image
: ભાદરવો : આત્મધર્મ : ૨૩ :
અહો, માર્ગ તો સ્વાશ્રિત છે, માર્ગ પરાશ્રિત નથી. –આવો માર્ગ જગતમાં પણ
પ્રસિદ્ધ થાય–એવા અનુરાગથી કુંદકુંદસ્વામીએ આ શાસ્ત્ર રચ્યું છે. નિયમસારમાં પણ
તેઓશ્રી કહે છે કે શુદ્ધરત્નત્રયરૂપ જે નિયમ છે તે માર્ગ છે, અને તે માર્ગ પરથી અત્યંત
નિરપેક્ષ છે, –પરનો જરાય આશ્રય તેમાં નથી, એકલા સ્વાશ્રયે જ રત્નત્રયમાર્ગ છે, ને
તે જ નિયમથી કર્તવ્ય છે. વચ્ચે રાગ આવી પડે છે, પણ રાગ એ કાંઈ મુમુક્ષુનું કર્તવ્ય
નથી. રાગ એ કાંઈ પરમ વૈરાગ્ય પરિણતિ નથી, એ તો પર તરફ ઢળતી પરિણતિ છે.
અરે, આવો સુંદર ચોખ્ખો માર્ગ! એનો એકવાર નિર્ણય તો કરો.
અહા, ચૈતન્યવસ્તુ જ્ઞાયકભાવ...તેમાં વાણી નથી, વિકલ્પ નથી. આવી
ચૈતન્યવસ્તુ... જે વીતરાગરસથી ભરેલી છે તેના આશ્રયે વીતરાગી ચૈતન્યપૂર વહે છે,
તે જ માર્ગ છે. આવા માર્ગનો ઉદ્યોત થાય એટલે કે પોતાની પર્યાયમાં તે પ્રગટે ને
જગતમાં પણ તેની પ્રસિદ્ધ થાય–તેનું નામ માર્ગપ્રભાવના છે. આવી માર્ગપ્રભાવનાના
વારંવાર ઘોલનથીઆ શાસ્ત્ર રચાયું છે; બહારમાં આ સૂત્રો રચાયાં છે ને અંતરમાં
વીતરાગભાવ રચાયો છે. આવા વીતરાગભાવની રચના તે કાર્ય છે. આચાર્યદેવ વિકલ્પ
તોડી, સ્વરૂપમાં સ્થિર થયા ત્યાં વીતરાગભાવરૂપ પરમ નૈષ્કર્મ્ય દશા થઈ એટલે
કૃતકૃત્યતા થઈ કરવા યોગ્ય એવું જે વીતરાગભાવરૂપ કાર્ય તે તેમણે કરી લીધું. અહા,
આ વીતરાગભાવ તે પરમ શાંતિરૂપ વિશ્રાંતભાવ છે, રાગમાં તો જરા કલેશ હતો, તેમાં
પરિણતિને વિશ્રાંતિ નહોતી. તે રાગ તોડીને સ્વરૂપમાં ઠર્યા ત્યાં પરિણતિ વિશ્રાંતિને
પામી. ટીકાકાર શ્રી અમૃતચંદ્રાચાર્ય કહે છે કે ‘અહો! કુંદકુંદાચાર્યદેવ આવી દશાને
પામ્યા. એમ અમે શ્રદ્ધા કરીએ છીએ’ જુઓ, આ નિર્ણયની શક્તિ. ૧૦૦૦ વર્ષ પહેલાં
થઈ ગયેલા કુંદકુંદાચાર્ય–તેમની દશાની ઓળખાણ કરીને અમે પ્રતીત કરીએ છીએ કે
તેઓ સ્વરૂપમાં વિશ્રાંત થયા હતા, શુદ્ધોપયોગમાં તેઓ ઠર્યા હતા ને કૃતકૃત્ય થયા હતા.
માર્ગપ્રભાવક આવા વીતરાગી સંતોને નમસ્કાર હો.

PDF/HTML Page 27 of 29
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : ભાદરવો :
ચૈતન્યની પ્રભુતાનું પૂર

આ ભગવાન ચૈતન્યસમુદ્રમાંથી અનંતગુણની પ્રભુતાનું પૂર વહે છે. જેમ આકાશ
એ ક્ષેત્રસ્વભાવી વસ્તુ છે, તેના અસ્તિત્વનો વિચાર કરો તો તેના અસ્તિત્વનો ક્યાંય
અંત નથી; આ લોક પછી અનંત અલોક, તેનો ક્યાંય છેડો નથી; આકાશના અપાર
અસ્તિત્વનો ક્યાંય અંત નથી, અનંત અનંત પ્રદેશો.... જ્યાં જુઓ ત્યાં આકાશ છે છે ને
છે. તેમ આત્માનો સ્વભાવ અનંત ગુણના પૂરથી ભરપૂર અસ્તિત્વરૂપ છે. એકેક ગુણમાં
અનંત અનંત પર્યાયોરૂપ પરિણમવાની તાકાત છે; તેનો ક્યાંય અંત નથી; તેની
પ્રભુતાનું સામર્થ્ય અપાર છે. અનંતગુણની પ્રભુતાના પૂરથી આત્મા ભરેલો છે....સમયે
સમયે પ્રભુતાનું પૂર પર્યાયમાં અનંતકાળ સુધી વહ્યા કરે છતાં એની પ્રભુતા ખૂટે નહિ
એવી તાકાત આત્મામાં છે. આવા આત્માને પ્રતીતમાં લ્યે ત્યારે શ્રદ્ધા સાચી થાય. જેમ
ક્ષેત્રથી આકાશનું માપ નથી, તેમ પ્રભુતાથી આત્માનું માપ નથી, અમાપ પ્રભુતા
આત્મામાં ભરી છે. પાણીનું મોટું પૂર દેખે ત્યાં તેની વિશાળતાનો મહિમા આવે છે, પણ
અંદર અનંતગુણનું ચૈતન્યપૂર વહે છે તેનો મહિમા ભાસતો નથી. અનંત ગુણની
પ્રભુતાનો મહિમા ભૂલીને સંયોગનો મહિમા આવી જાય તેને આત્માના ખરા
અસ્તિત્વની ખબર નથી. અનંત અમાપ આકાશનો ક્ષણમાં પત્તો લઈ લ્યે એવી
ચૈતન્યની એક પર્યાયની તાકાત છે, ને એવી અનંત ચૈતન્યપર્યાયોનું પૂર આત્મામાંથી
વહે–એવા સ્વભાવસામર્થ્યથી તે ભરેલો છે; જેની પ્રતીત કરતાં પરમ આનંદ પ્રગટે ને
જેમાં લીન થતાં કેવળજ્ઞાનના પૂર વહે. રાગની તાકાત નથી કે આવા સ્વભાવને
પ્રતીતમાં લ્યે.
અહા, આ તો ભગવાનઆત્માનું ‘ભાગવત’ છે; ચૈતન્યભગવાનના મહિમાની
આ કથા છે. નિયમસાર વગેરેને ‘ભાગવત શાસ્ત્ર’ કહ્યાં છે; તે ભગવાનસન્તોએ કહેલાં
ને ભગવાન આત્માનું સ્વરૂપ પ્રકાશનારાં છે. ભગવાન, આ તારા આત્માનો
અંતરવૈભવ સંતોએ બતાવ્યો છે.
(ભાદરવા સુદ ૧૩ના પ્રવચનમાંથી)

PDF/HTML Page 28 of 29
single page version

background image
વખત થોડો છે ને કામ ઘણું છે
આ મોંઘું મનુષ્યજીવન, અત્યંત અલ્પ આયુ, તેમાં ચેતન્યના અચિંત્ય
નિધાન ખોલવાનું મહાન કાર્ય કરવાનું છે. આવા કિંમતી જીવનનો સમય
નજીવી બાબતોમાં વેડફી નાખવાનું મુમુક્ષુને પાલવે નહિ. માટે હે જીવ! તું
જાગૃત થઈને સ્વકાર્યમાં સાવધાન થા; અવસર ચાલ્યો જશે તો પસ્તાવો રહી
જશે.
રાત્રિચર્ચામાં વૈરાગ્યથી આ વાત કરતાં ગુરુદેવે કહ્યું : એક માણસને
મોતનું તેડું આવ્યું, સાંજે મોત થવાનું છે ત્યાં સુધીમાં તારે કાંઈ સત્કાર્ય કરવું
હોય તે કરી લે....તે મૂર્ખ માણસ મોતથી ખૂબ ડર્યો. પણ વચ્ચે સુંદર વેશ્યાને
નાચતી દેખીને બે ઘડી તે જોવામાં રોકાઈ ગયો; પછી સુંદર મીષ્ટ ભોજન
દેખીને તે ખાવા લલચાયો ને બેઘડી તેમાં વીતાવી; પછી ક્યાંક ગીત–ગાન
ચાલતા હતા તે સાંભળવામાં રોકાઈ ગયો; થોડોક વખત બાકી રહ્યો તે
કુટુંબની –દુકાનની ને રૂપિયાની સંભાળ કરવામાં ગૂમાવ્યો.... ત્યાં તો સાંજ
પડી ને મોતભાઈ તો આવીને ઉભા રહ્યા. આ ભાઈસાહેબ તો કહે કે તું
થોડીવાર થોભ.... મેં કંઈ સારૂ કામ નથી કર્યું માટે કંઈક સત્કાર્ય કરું ત્યાંસુધી
હે મોત! તું ઊભું રહે. –પણ શું મોત ઊભું રહે? મોત તો આવ્યું અને એ
મૂર્ખના પસ્તાવાનો પાર ન રહ્યો. તેમ આ મોંઘા મનુષ્યજીવનનો ટૂંકોકાળ,
તેમાં ચૈતન્યને સાધવાનું મહાન કાર્ય સંભાળવાનું છે. પોતાનું કાર્ય કરવા
આડે મુમુક્ષુને બીજાનું જોવાનો વખત ક્યાં છે? કોઈથી રાજી થવાનો કે
કોઈથી નારાજ થવાનો વખત જ ક્યાં છે? અંતરના અનંતા ચૈતન્યનિધાન
ખોલવાનું કામ કરવાનું છે; તે અર્થે સતત શ્રવણ–સ્વાધ્યાય–મનન ને મંથન
કરવા આડે જગતની નાની નાની બાબતોમાં રોકાવાનો અવકાશ જ ક્યાં છે,
ભાઈ! બીજાનું જોવાનો વખત જ ક્યાં છે? જેમ દ્રષ્ટાંતનો મૂરખો આયુષનો
અલ્પકાળ પાંચ ઈન્દ્રિયના વિષય–કષાયોમાં ગૂમાવીને પસ્તાયો, તેમ આ
મોંઘું જીવન તેમાં સ્વકાર્યને ચૂકીને, પંચેન્દ્રિયના વિષય–કષાયોમાં જ જે
વખત ગૂમાવે છે, જગતથી રાજી થવામાં ને જગતને રાજી કરવામાં જ જે
રોકાઈ રહે છે ને આત્મહિતના કાર્યનો જરાય ઉદ્યમ કરતા નથી તેને આ
અમૂલ્ય અવસર ચાલ્યો જતાં પસ્તાવાનો પાર નહિ રહે. માટે ફરીફરીને સંતો
કહે છે કે હે જીવ! વખત થોડો છે ને કામ ઘણું છે, માટે તારા સ્વકાર્યને
સંભાળ. આ સોનેરી અવસર આવ્યો છે. (રાત્રિ ચર્ચા ઉપરથી)

PDF/HTML Page 29 of 29
single page version

background image
"ATMDHARM" Reg. No. G. 182
* ભાદરવા સુદ બીજના દિવસે સાગરના શેઠ શ્રી ભગવાનદાસજી શોભાલાલજીના નવા
મકાનનું વાસ્તુ સોનગઢમાં હતું. આ નિમિત્તે તેમને ત્યાં પ્રવચન–ભક્તિ વગેરે
કાર્યક્રમ હતો. જિનેન્દ્રભગવાનને મંડપમાં બિરાજમાન કરીને સાંજે ભક્તિ વખતે
શેઠજી વગેરેએ હર્ષ અને ભક્તિ વ્યક્ત કરી હતી.
* ભાદરવા સુદ બીજના દિવસે સોનગઢની બાલિકાઓએ “હરિષેણચક્રવર્તી” નો સંવાદ
કર્યો હતો; તથા ત્રીજના દિવસે વિદ્યાર્થીગૃહના વિદ્યાર્થીઓએ ‘વજ્રબાહુવૈરાગ્ય” નો
સંવાદ કર્યો હતો. બંને સંવાદ સુંદર વૈરાગ્ય અને જિનભક્તિપ્રેરક હતા.
* ભાદરવા સુદ પાંચમના રોજ દસલક્ષણી પર્યુષણપર્વનો પ્રારંભ થયો હતો તથા શ્રી
જિનેન્દ્રભગવાનની રથયાત્રા નીકળી હતી. આ દસલક્ષણી પર્વ દરમિયાન ગુરુદેવે
કાર્તિકેયાનુપ્રેક્ષામાંથી દસ ધર્મ ઉપર વિવેચન કર્યું હતું. દસલક્ષણમંડલ વિધાન થયું
હતું. સુગંધદશમી વગેરે પ્રસંગો પણ દશ પૂજન, દશ સ્તોત્ર વગેરે વિધિથી
ઉત્સાહપૂર્વક ઊજવાયા હતા.
* ભાદરવા સુદ ૧૫ ના રોજ દસલક્ષણીપર્વની પૂર્ણતાના હર્ષોપલક્ષમાં શ્રી જિનવાણી
માતાની રથયાત્રા નીકળી હતી. અંતિમ ત્રણ દિવસોમાં રત્નત્રય પૂજન થયું હતું.
ભાદરવા વદ એકમના રોજ બપોરે ક્ષમાપના તથા જિનેન્દ્રદેવનો અભિષેક થયો હતો.
આ રીતે પર્યુષણપર્વ ઊજવાયા હતા. આ ઉપરાંત મુંબઈ, દિલ્હી, કલકત્તા, ઈન્દોર,
વિદિશા, બડૌત, અમદાવાદ, સૌરાષ્ટ્રમાં ઠેરઠેર પણ હર્ષોલ્લાસથી પર્યુષણ ઊજવાયા
હતા ને દરેક ઠેકાણે પ્રભાવનાપૂર્વક જાગૃતિ આવી હતી. ગુરુદેવના પ્રતાપે જૈનધર્મનો
પ્રભાવ દિનેદિને વધતો જાય છે.
આ.... ત્મ.... ધ.... ર્મ
“આત્મધર્મ” ના ચાલુ વર્ષનું લવાજમ આગામી અંકે પૂરું થશે. તો
દરેક ગ્રાહકબંધુઓને પોતાનું નવા વર્ષનું લવાજમ રૂા. ચાર વહેલાસર
મોકલીને વ્યવસ્થામાં સહકાર આપવા વિનંતિ છે.
લવાજમ મોકલવાનું સરનામું–
શ્રી દિ૦ જેન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ,
સોનગઢ (સૌરાષ્ટ્ર)
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક : અનંતરાય હરિલાલ શેઠ, આનંદ પ્રિન્ટિંગ પ્રેસ–ભાવનગર.