Atmadharma magazine - Ank 285
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 45
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૩
મુનિદશામાં શરીરની દિગંબરદશા જ હોય–એ તો નિયમ છે,–એમ જાણવું તે કાંઈ
લિંગકૃત આગ્રહ નથી; પણ અંતરમાં ચૈતન્યતત્ત્વની આરાધના તો જે કરતો નથી
અને શરીરની દિગંબરદશા થઈ તેને જ મોક્ષનું કારણ માને છે તે જીવને લિંગકૃત
આગ્રહ છે; શરીર સંબંધી વિકલ્પ છોડીને જ્યારે સ્વરૂપમાં ઠરશે ત્યારે જ મુક્તિ
થશે. તે વખતે દેહ ભલે દિગંબર જ હોય, પણ તે કાંઈ મોક્ષનું કારણ નહિ થાય,
મોક્ષનું કારણ તો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર જ થશે. માટે અરિહંત ભગવંતોએ દેહનું
મમત્વ છોડીને રત્નત્રયની જ મોક્ષમાર્ગપણે ઉપાસના કરી છે; ને તેનો જ ઉપદેશ
દીધો છે.
દેહ તો સંસાર છે; અશરીરી સિદ્ધદશા તેની સામે સંસારનો આધાર (નિમિત્ત
તરીકે) શરીર છે; જેને શરીરનું મમત્વ છે,–શરીર મને ધર્મનું સાધન થશે–એમ માને છે
તે જીવ શરીરથી છૂટી શકતો નથી, એટલે કે સંસારથી છૂટી શકતો નથી, ને અશરીરી
સિદ્ધપદ પામતો નથી.
વસ્ત્ર–પાત્ર વગેરે પરિગ્રહ સહિત મુનિદશા મનાવે તેને તો મોક્ષમાર્ગના
નિમિત્તમાંય ભૂલ છે; અહીં તો કહે છે કે શરીરની નગ્નદશા કે પંચમહાવ્રતસંબંધી શુભ
વિકલ્પ (કે જે મોક્ષમાર્ગનાં બાહ્ય લિંગ છે) તેને જે મોક્ષમાર્ગ માને, તેને પણ લિંગનો
આગ્રહ છે, શરીરનું મમત્વ છે. જેને શરીરનું મમત્વ છે તે શરીરથી છૂટીને અશરીરીદશા
ક્્યાંથી પામશે? ભાઈ, આ શરીર જ તારું નથી પછી એમાં તારો મોક્ષમાર્ગ કેવો? દેહને
જે મોક્ષનું સાધન માને તેને દેહનું મમત્વ હોય જ.–જેને મોક્ષનું સાધન માને તેનું મમત્વ
કેમ છોડે? મુનિદશામાં શરીર નગ્ન જ હોય એ ખરૂં છે,–પણ મુનિદશા કાંઈ એ નગ્ન
શરીરના આશ્રયે નથી, મુનિદશા તો શુદ્ધઆત્માના જ આશ્રયે છે. શુદ્ધ આત્માને જે નથી
જાણતો તેને મુનિદશા હોતી નથી.
કોઈ કુતર્ક કરે કે દેહના આશ્રયે તો મોક્ષમાર્ગ નથી, પછી મુનિદશામાં શરીર
નગ્ન હોય કે વસ્ત્રસહિત હોય તેમાં શું?–તો કહે છે કે ભાઈ, નિમિત્તનો મેળ હોય છે,
જે દશામાં જેવો રાગ ન હોય તેવા નિમિત્ત પણ હોતાં નથી. જેમ સર્વજ્ઞને આહારની
ઈચ્છા નથી તો બહારમાં પણ આહારની ક્રિયા નથી, તેમ મુનિને પરિગ્રહનો ભાવ
નથી તો બહારમાં પણ વસ્ત્રાદિ પરિગ્રહ હોતો નથી. એવો મેળ સહજપણે હોય છે.
રાગ છૂટતાં તેનાં નિમિત્તો પણ સહેજે છૂટી જાય છે. છતાં ધર્મીને તે બાહ્ય
નિમિત્તમાં કર્તૃત્વ નથી.
સ્વભાવ–આશ્રિત શુદ્ધ રત્નત્રયને જેઓ સેવતા નથી ને દેહાશ્રિત કે રાગાશ્રિત
મોક્ષમાર્ગ માને છે તેઓએ શુદ્ધ આત્માને

PDF/HTML Page 22 of 45
single page version

background image
: અષાડ : ૨૪૯૩ આત્મધર્મ : ૧૯ :
જાણ્યો જ નથી. શુદ્ધ જ્ઞાનનો અનુભવ તે જ એક પરમાર્થ મોક્ષમાર્ગ છે, બીજો કોઈ
સાચો મોક્ષમાર્ગ નથી.
*
[૨૪૮૨ શ્રાવણ સુદ ચોથ]
આત્માનો અનુભવ જ મોક્ષનું કારણ છે, એ સિવાય વ્રતના કે લિંગના વિકલ્પો
તે મોક્ષનું કારણ નથી–એ વાત ચાલે છે.
દિગંબરલિંગ તે તો શરીરની દશા છે, ને શરીર તે તો ભવ છે–સંસાર છે; દેહ
ધારણ કરવો પડે તે સંસાર છે; તો તે દેહાશ્રિતલિંગ મોક્ષનું કારણ કેમ થાય? અજ્ઞાની
તો કહે છે કે આ શરીર તે મોક્ષનું કારણ છે–દિગંબરદશારૂપ લિંગ તે મોક્ષનું કારણ છે.
અહીં તો પૂજ્યપાદસ્વામી કહે છે કે દેહ તે તો સંસારનું નિમિત્ત છે, મોક્ષનું કારણ તો
આત્મા છે, દેહ કાંઈ મોક્ષનું કારણ નથી. શરીર તો ભવની મૂર્તિ છે, દેહનું લક્ષ તો મોક્ષ
જતાં રોકે છે.
અજ્ઞાની કહે છે કે દેહ નિમિત્ત તો છે ને?–તો અહીં કહે છે કે હા, દેહ નિમિત્ત છે
–પણ કોનું? કે સંસારનું. શરીરની દશા મને મોક્ષનું કારણ થશે એમ જે માને છે તે જીવ
સંસારથી છૂટતો નથી. અહીં તો ‘દેહ તે તો ભવ છે,–શરીર જ આત્માનો સંસાર છે’ એમ
કહીને આચાર્યદેવ દેહને મોક્ષના નિમિત્તપણામાંથી પણ કાઢી નાંખે છે, દેહ તો સંસારનું
જ નિમિત્ત છે. કેમકે જે અજ્ઞાની જીવ દેહની ક્રિયાને પોતાની માને છે તેને તો દેહ
ઉપરની દ્રષ્ટિથી સંસાર જ થાય છે, તેથી તેને તો શરીર તે સંસારનું જ નિમિત્ત થયું,
મોક્ષનું નિમિત્ત તેને ન થયું. દેહથી ભિન્ન આત્માના ચિદાનંદ સ્વભાવને જાણીને, તેમાં
એકાગ્રતાવડે જેઓ રત્નત્રયને આરાધે છે તેઓ જ મુક્તિ પામે છે. અને તેમને માટે
શરીરને મોક્ષનું નિમિત્ત કહેવાય. જુઓ ખુબી! દેહનું લક્ષ છોડીને આત્માને મોક્ષનું
સાધન બનાવે તેને દેહ મોક્ષનું નિમિત્ત કહેવાય, અને દેહને જ જે મોક્ષનું સાધન માનીને
અટકે છે તેને તો દેહ સંસારનું નિમિત્ત છે.
મુનિદશામાં દિગંબરદશારૂપ લિંગ જ નિમિત્તપણે હોય ને વસ્ત્રાદિ ન હોય–એવો
નિયમ છે, છતાં તે નિમિત્ત જ મોક્ષનું કારણ થશે–એમ માનનાર મિથ્યાદ્રષ્ટિને તો તે
શરીરના આશ્રયે સંસાર જ થાય છે. અજ્ઞાની કહે છે કે શરીરથી મોક્ષ થાય! અહીં કહે છે
કે શરીર તે જ ભવ છે–સંસાર છે. જેને જ્ઞાનાનંદ ચૈતન્યતત્ત્વનું ભાન નથી ને દેહના લક્ષે
રોકાયા છે તેઓ સંસારમાં જ રખડે છે. વ્રતના વિકલ્પો મોક્ષનું કારણ નથી, ને શરીરનો
દિગંબરભેખ તે પણ મોક્ષનું કારણ નથી.
પ્રશ્ન:– તો પછી મુનિદશામાં વસ્ત્ર હોય તો વાંધોં નહિ ને?

PDF/HTML Page 23 of 45
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૩
ઉત્તર:– મુનિદશામાં વસ્ત્રાદિ માને તેને તો નિમિત્તની પણ ખબર નથી, તેને તો મોટી
ભૂલ છે. મુનિદશામાં દિગંબર શરીર જ નિમિત્તપણે હોય છે.–પરંતુ જેઓ તે દિગંબરલિંગને
મોક્ષનું કારણ માને છે તેઓ પણ નિમિત્તાધીન દ્રષ્ટિને લીધે સંસારમાં જ રખડે છે.
દેહદ્રષ્ટિથી તો સંસાર જ છે; દેહદ્રષ્ટિવાળાને મુક્તિ થતી નથી અને જેઓ દેહની
દશાને મોક્ષનું કારણ માને છે તેઓ દેહદ્રષ્ટિવાળા જ છે. દેહને મોક્ષનું કારણ માનનારા
સંસારના જ આગ્રહી છે; નિમિત્તના આશ્રયે મુક્તિ માનનારા નિમિત્તના આગ્રહી છે, ને
નિમિત્તના આગ્રહી તે સંસારના જ આગ્રહી છે. દેહ તે મોક્ષનું કારણ છે–એવો મિથ્યા
આગ્રહ છોડીને, ચૈતન્યસ્વરૂપને શ્રદ્ધા–જ્ઞાન–એકાગ્રતા વડે જેઓ આરાધે છે તેઓ જ
મુક્તિ પામે છે. અર્હંત ભગવંતો પણ દેહાશ્રિત લિંગનો વિકલ્પ છોડીને, રત્નત્રયની
આરાધના વડે જ મુક્તિ પામ્યા છે; માટે તે જ મુક્તિનો માર્ગ છે, લિંગ તે મુક્તિનો માર્ગ
નથી–એમ નિઃશંક જાણવું.
।। ૮૭।।
હવે લિંગની જેમ ઉત્તમ જાતિ કે કૂળ તે પણ દેહાશ્રિત છે, તે મોક્ષનું કારણ નથી;
તેથી, ‘અમે બ્રાહ્મણ, અમે ક્ષત્રિય, અમે વૈશ્ય,–અમારું ઉત્તમકુળ ને ઉત્તમ જાતિ છે તે જ
મોક્ષનું કારણ છે’–એમ જેઓ માને છે તેઓ પણ મુક્તિ પામતા નથી એમ આચાર્યદેવ
કહે છે–
जातिर्देहाश्रिता द्रष्टा देह एवात्मनो भव।
न मुच्यते भवात्तस्मात्ते ये जातिकृताग्रहा।।८८।।
જાતિ તો શરીરાશ્રિત છે, તે જાતિને જ આત્માનું સ્વરૂપ જે માને છે તે દેહને જ
આત્મા માને છે, એટલે ‘હું વાણિયો છું, હું ક્ષત્રિય છું’–એમ તેને જાતિકૃત આગ્રહ છે, તે
જીવ પણ ભવથી છૂટતો નથી. દેહ સાથે એકત્વબુદ્ધિ રાખે તે જીવ દેહના સંયોગથી કેમ
છૂટે? ભાઈ! વાણિયો કે બ્રાહ્મણ વગેરે જાતિ તે તારી ખરી જાત નથી, તારી ખરી જાત
તો ચૈતન્યજાત છે, ચેતના જ તારું ખરું સ્વરૂપ છે; તારી ચૈતન્ય જાતને ઓળખ તો
તારી મુક્તિ થાય.
ધર્મી જાણે છે કે અમે તો દેહથી ભિન્ન આત્મા છીએ, ચૈતન્ય જ અમારી જાતિ
છે; ક્ષત્રિય વગેરે જાતિ તો દેહાશ્રિત છે. દેહની જાતિ તે અમે નથી. ચૈતન્ય જ અમારી
ઉત્તમ જાતિ છે, ને તેની આરાધના કરવી તે જ અમારી ઉત્તમ કુળપરંપરા છે.–આવા
ભાનપૂર્વક જાતિ અને કુળના વિકલ્પો છોડીને ધર્માત્મા પોતાના ચૈતન્યસ્વરૂપની
આરાધનાથી મુક્તિ પામે છે.
જુઓ, શરીરની ઉત્તમ જાતિ કે કુળ તે મોક્ષનું કારણ નથી–એમ અહીં કહ્યું, તેથી
‘ગમે તે જાતિ હોય–ચાંડાળ કુળમાં જન્મ્યો

PDF/HTML Page 24 of 45
single page version

background image
: અષાડ : ૨૪૯૩ આત્મધર્મ : ૨૧ :
હોય તોપણ મુક્તિ થઈ શકે’–એમ જો કોઈ માને તો તેને પણ તત્ત્વની ખબર નથી; મોક્ષ
પામનારને નિમિત્તની યોગ્યતા કેવી હોય તેની તેને ખબર નથી. જેમ–શરીરની
દિગંબરદશા તે મોક્ષનું કારણ ન હોવા છતાં, મોક્ષ પામનારને નિમિત્ત તરીકે તો
દિગંબરદશા જ હોય છે, બીજી દશા હોતી નથી, એ નિયમ છે; તેમ શરીરની જાતિ તે
મુક્તિનું કારણ ન હોવા છતાં, મોક્ષ પામનારને નિમિત્ત તરીકે તો ક્ષત્રિયાદિ ત્રણ જાતિ
જ હોય, ચાંડાળજાતિ તે ભવમાં ન જ હોય–એ નિયમ છે.
સ્ત્રી લિંગમાં મોક્ષ ન થાય, પુરુષલિંગ અને ઉત્તમ જાતિમાં જ મોક્ષ થાય–એમ
શાસ્ત્રમાં કથન આવે, ત્યાં તે લિંગ અને જાતિને જ આત્માનું સ્વરૂપ માની લ્યે કે તેને જ
મોક્ષનું ખરૂં સાધન માની લ્યે, ને તેનાથી ભિન્ન આત્માને તથા શુદ્ધરત્નત્રયરૂપ
મોક્ષસાધનને ન ઓળખે–તો તે જીવ દેહબુદ્ધિવાળો છે, તે મોક્ષ પામતો નથી–ભલે તે
ઉત્તમ કૂળમાં જન્મ્યો હોય ને પુરુષ હોય. ઉત્તમ એવા ચૈતન્યકૂળને ન જાણ્યું તો શરીરનું
કૂળ શું કરે? માટે દેહથી ને રાગથી ભિન્ન એવી તારી ચૈતન્યજાતીને જાણ.
।। ૮૮।।
સ્વાનુભૂતિને માટે ––
જીવને શુદ્ધાત્માના ચિન્તનનો રસ
હોવો જોઈએ. જેને ચૈતન્યના સ્વાનુભવનો
રસ ચડે તેને સંસારનો રસ ઊતરી જાય.
ભાઈ, અશુભ ને શુભ બંનેથી તું દૂર થા
ત્યારે શુદ્ધાત્માનું ચિંતન થશે. હજી તો જેને
પાપના તીવ્ર કષાયોથી પણ નિવૃત્તિ ન હોય,
દેવ–ગુરુની ભક્તિ, ધર્માત્માનો આદર,
સાધર્મી પ્રત્યે પ્રેમ–એવા શુભ પરિણામની
ભૂમિકામાં પણ જે ન આવ્યો હોય, તે
અકષાય ચૈતન્યનું નિર્વિકલ્પ ધ્યાન ક્્યાંથી
કરશે? પરિણામને અત્યંત શાન્ત કર્યા વગર
અનુભવ કરવા માંગે તે થઈ શકે નહિ.
– * –

PDF/HTML Page 25 of 45
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૩
નાનકડા બાળકોની કલમે––
(‘પત્રયોજના’ ના પત્રો)
‘ધાર્મિક દ્રષ્ટિએ તમે ઉનાળાની રજાઓનો શું સદુપયોગ
કર્યો’ તે સંબંધી બાલવિભાગના સભ્ય–મિત્ર ઉપર પત્ર લખવાની
જે યોજના રજુ કરેલ તેમાં પચાસ જેટલા સભ્યોએ ઉત્સાહથી
ભાગ લીધો છે. તેમાંના કેટલાક પત્રો ગતાંકમાં રજુ થયેલા,
બાકીના આ અંકમાં આપીએ છીએ. બાળકોના જીવનમાં ધાર્મિક
ઉત્સાહની પ્રેરણા આપવામાં આવે તો તે કેવું સુંદર કામ કરે છે તે
આમાં દેખાઈ આવે છે. બંધુઓ, તમારા ભાઈ–બહેનોએ તમારા જ
ઉપર આ પત્ર લખ્યો છે એમ સમજીને ઉત્સાહથી વાંચજો ને
તેમાંથી ઉત્તમ પ્રેરણા મેળવજો. બાલવિભાગના સભ્યો એકબીજાને
મળો ત્યારે સગા ભાઈ–બહેન જેવા હેતથી મળજો. (–સં.)
* રાજકોટથી સભ્ય નં. ૧ નૈનાબેન બાલવિભાગની સખી ઉપર લખે છે કે –
રજાઓમાં ગુરુદેવે રાજકોટ ૨૦ દિવસ રહીને મહાન ઉપકાર કર્યો છે. ગુરુદેવના સત્સંગનો
જોગ મળ્‌યો તેથી આ ભવ હવે ભવના અભાવ માટે છે. ગુરુદેવે આપણને જે માર્ગ બતાવ્યો
તે માર્ગે આગળ ચાલતાં ભવનો અભાવ થાય છે. વેકેશનમાં રોજ સવારે ભગવાનની પૂજા
કરતા, પછી પ્રવચન સાંભળતા, ને મનમાં ધારીને મનન કરતા. ઘરે શાસ્ત્રવાંચન કરું છું;
વાંચતાં પહેલાં ગુરુદેવના ફોટા સમક્ષ મંગલાચરણ કરું છું. ગુરુગમ વિના આગમજ્ઞાન થતું
નથી; પણ હવે તો સત્ સમજાવનાર ગુરુ મળ્‌યા. એમની વાણી સત્ છે; શુદ્ધાત્મસ્વરૂપને
સ્વાનુભવગમ્ય કરાવનારી છે; સર્વજ્ઞસ્વભાવને સ્પર્શીને આવે છે. જે વાણી વડે આત્મા અને
મોક્ષમાર્ગ સમજાય છે તે વાણીને સાચા મોતીએ વધાવજો...ને સમજવાનો પ્રયત્ન કરજો.
બીજું મારી બેનના જન્મદિવસે અમને પૂ. બેનશ્રી–બેનનો ફોટો ભેટ મળ્‌યો, તે જોઈને
અમે ઘણા ખુશી થયા. અમારા ઘરમાં જે ફોટાની ખામી હતી તે પ્રાપ્ત થતાં અમારા અંતરના
આનંદ ઉલ્લાસની શું વાત કરું! અમે દરરોજ સવારે વંદન કરીએ છીએ.
–जयजिनेन्द्र
* સભ્ય No. 215 ખેરાગઢથી લખે છે કે––મેં ગુરુદેવ સાથે તથા ભગવતી
માતાઓ સાથે શાશ્વત તીર્થધામની ને બીજા અનેક તીર્થોની ભાવપૂર્વક યાત્રા કરી ને ઘણો
આનંદ થયો. તથા આત્માનુશાસનની સ્વાધ્યાય કરી.
No. 318 લખે છે– રજાઓમાં જૈન
બાળપોથી અને સિદ્ધાંત પ્રવેશીકા તથા બીજા ધાર્મિક શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. રોજ
જિનમંદિરમાં જઈએ છીએ...ગુરુદેવના અપૂર્વ પ્રવચનને યાદ કરીએ છીએ.
–जय जनेन्द्र

PDF/HTML Page 26 of 45
single page version

background image
: અષાડ : ૨૪૯૩ આત્મધર્મ : ૨૩ :
* રાજકોટથી ચંદ્રાબેન જૈન (No. 2) બાલવિભાગની બેનપણી ઉપર લખે
છે કે––આ વેકેશનમાં ગુરુદેવે ૨૨ દિવસ રાજકોટ રહીને અમારા ઉપર ઉપકાર કર્યો છે;
અમૃતવાણીનો વરસાદ વરસાવીને સત્ય સ્વરૂપ સમજાવ્યું.
૧ પહેલાં શરીરને આત્મા માનતા,
૨ પુણ્યને ધર્મ માનતા,
૩ શરીરની ક્રિયા આત્મા કરે એમ માનતા,
૪ પદાર્થોના પરિણમનને સ્વતંત્ર નહોતા માનતા; તેને બદલે ગુરુદેવે–
૧ શરીર અને આત્મા ભિન્ન સમજાવ્યા.
૨ પુણ્ય કરતાં ધર્મ જુદો છે એમ સમજાવ્યું.
૩ શરીરની ક્રિયા આત્મા ન કરે એમ બતાવ્યું. અને
૪ પદાર્થોના પરિણમનની સ્વતંત્રતા સમજાવી.
આથી અમારા વિચારો બદલાઈ ગયા ને હૃદયમાં ફેરફાર થયો.–
તું નહીં કોઈનો કોઈ નહીં તારું,
પલ–ઘડી આતમ વિસરીશ મા.
આવા ગુરુનો ઉપદેશ સૂણીને સ્વસન્મુખ થઈને સમ્યગ્દર્શન પ્રગટ કરીએ–એ જ
અભિલાષા છે. દેવ–ગુરુના પ્રતાપે સુખનો સૂરજ ઉગ્યો છે તેનો હર્ષ વ્યક્ત કરતાં ચંદ્રાબેને
એક જોડકણું–કાવ્ય પણ લખી મોકલ્યું છે.–“સુખનો સૂરજ ઉગીયો” તે પણ આ અંકમાં ૧૬મા
પાને આપ્યું છે.
* અમદાવાદથી નિખીલેશ જૈન (No. 80) બાલમિત્રોને લખે છે કે–– રજાઓમાં
ગોવા–રત્નાગિરિ–પૂના થઈને મુંબઈ આવ્યા; ત્યાં કાલબાદેવી રોડ પર જિનેશ્વરભગવંતોના
દર્શન કરવાનો મને લાભ મળ્‌યો. તથા ઝવેરીબજારમાં ગુરુદેવના હાથથી સીમંધર ભગવાનની
જે પ્રતિષ્ઠા થઈ હતી તેનાં પણ દર્શન કર્યા; ભાવવાહી મૂર્તિઓનું મુખારવિંદ જોઈ મને ઘણો
આનંદ થયો. દેરાસર ખૂબ સુંદર છે. દાદરમાં પણ જિનમંદિરમાં સમવસરણ બનાવ્યું છે ને તે
સોનગઢના જેવું જ છે–એમ સાંભળ્‌યું છે. તેનાં દર્શન કરવા જવું હતું પણ દૂર હોવાથી જઈ ન
શક્્યો. પણ હવે મુંબઈ જઈશ ત્યારે તેનાં દર્શન કર્યા વગર નહીં રહું. –जयजिनेन्द्र
* અંકલેશ્વરથી નિરૂપાબેન જૈન લખે છે કે––વેકેશનમાં ધાર્મિક પુસ્તકો વાંચ્યા.
મેટ્રીક ભણું છું. આદિપુરાણ બહુ ગમ્યું. મહાવીરચારિત્ર અને જૈન બાળપોથી પણ વાંચ્યા.
અમારા ઘરની પાસે પાર્શ્વનાથ પ્રભુનું મંદિર છે ત્યાં રોજ વાંચન થાય છે, હું
ક્્યારેક વાંચનમાં જાઉં છું. ષટ્ખંડાગમ અમારા ગામમાં થયા હતા ને તેનો મોટો ઉત્સવ
(શ્રુતપંચમીનો ઉત્સાહ) અમારા અંકલેશ્વરમાં જ થયો હતો. અમારા ગામની બાજુમાં
‘સજોદ’ ગામ છે, ત્યાં શીતલનાથ પ્રભુના

PDF/HTML Page 27 of 45
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૩
ઘણા પ્રાચીન અને ધ્યાનપ્રેરક અદ્ભુત પ્રતિમા છે. ગુરુદેવને તે બહુ ગમ્યા છે. બંધુઓ, તમે
આ બાજુ આવો ત્યારે જરૂર એનાં દર્શન કરજો ને મારા ગામ પણ આવજો.
* જેતપુરથી મુકેશકુમાર જૈન (No. 185) બાલવિભાગના મિત્રોને લખે છે કે
––પ્રિય બંધુઓ, તમે વેકેશન સુંદર રીતે વીતાવ્યું તે સંબંધી તમારા પત્રો આત્મધર્મના ગતાંકમાં
વાંચીને ઘણો આનંદ થાય છે. તે બદલ સૌને અભિનંદન! મેં પણ વેકેશનમાં આત્મસિદ્ધિ,
‘શ્રીમદરાજચંદ્ર’ , તથા ઋષભદેવના દસ અવતાર વગેરે પુસ્તકો વાંચીને તેમાંથી જ્ઞાન મેળવ્યું.
‘આત્મધર્મ’ તો વાંચવાનું હોય જ બંધુઓ, “તમારા પત્રમાં તમે વેકેશનમાં જે જુદા જુદા ગામો
ને જોવાલાયક સ્થળો જોયા તેનું વર્ણન લખ્યું નથી–તો તે બરાબર છે?” (જી હા! ભાઈશ્રી,
આપણે ધાર્મિક દ્રષ્ટિએ શું કર્યું–તેને જ લગતા પત્રો લખવાનું સૂચવ્યું છે. શહેરો અને
જોવાલાયક સ્થળોના વર્ણનની આપણે શી જરૂર છે? એટલે કદાચ કોઈએ તે લખ્યું હોય તો
પણ તે ભાગ કાઢી નાંખેલ છે. હા, તીર્થસ્થળોનું વર્ણન હોય તો ઉપયોગી ગણાય.–સં.) આગળ
જતાં પત્રલેખક ભાઈ લખે છે કે– બાળકોના જીવનમાં અત્યારથી જ જે પ્રેમ અને લાગણી
જાગ્યા છે તે દેખીને અત્યંત આનંદ ઉપજે છે. રજાઓમાં બાલમિત્રોએ રાજકોટ જઈને ધાર્મિક
અભ્યાસ કર્યો તેનું વર્ણન વાંચીને ઘણો આનંદ થયો. આ બધો પ્રતાપ ગુરુદેવનો જ છે. ગુરુદેવ
આપણને મોક્ષપ્રાપ્તિનો માર્ગ બતાવે છે. તેમજ આપણા આત્મધર્મનો બાલવિભાગ આપણા
જેવા હજારો બાળકોમાં બચપણથી જ ધર્મના સંસ્કારો રેડવા જે અથાગ પ્રયત્નો કરે છે તેનો
પણ આપણે સૌ આભાર માનીએ. ગુરુદેવનો ફોટો તથા ધાર્મિક પુસ્તકો વગેરે મળતાં આપણો
ઉત્સાહ વધે છે ને આનંદ થાય છે. આ ‘પત્રલેખન–યોજના’ પણ આનંદકારી છે ને ધર્મનો
ઉત્સાહ આપે છે.–બંધુઓ, ફરીને પણ આવા પત્રદ્વારા કોઈવાર મળીશું. –जयजिनेन्द्र
* પ્રાંતિજથી વસંતકુમાર જૈન (No. 1003) લખે છે કે––અમે ઉનાળાની
રજાઓનો સદુપયોગ કર્યો છે. અમારા અલુવા ગામમાં ભગવાનની પ્રતિષ્ઠાનો પંચકલ્યાણક
મહોત્સવ હતો, તેમાં અમે ઘણા આનંદથી ભાગ લીધો. બે હાથી આવેલા, ને રોજ સાબરમતી
નદી સુધી વરઘોડો જતો. પૂજા વગેરે દરેક કાર્યોમાં અમે ભાગ લેતા. ઋષભદેવ પ્રભુના
જન્મકલ્યાણક વગેરેનાં દ્રશ્યો જોઈ આનંદ થતો. અમે પણ મેરૂ ઉપર જઈ ભગવાનનો
અભિષેક કર્યો હતો. પ્રભુજીને પધરાવ્યા પછી ઝગઝગાટ કરતું મંદિર બહુ શોભતું હતું. આ
રીતે ઉત્સવમાં ભાગ લઈને અમે અમારી ધાર્મિક ભાવનામાં વધારો કર્યો. –जयजिनेन्द्र
સાંગલી (મહારાષ્ટ્ર) થી આશાકુમારી જૈન (No. 138) લખે છે કે––
મહારાષ્ટ્રમાં આવ્યા ને અમને ૧૮ વર્ષ થયા. પહેલેથી જ ભગવાનની પૂજા–ભક્તિ કરવાની
ટેવ છે. અહીં મુમુક્ષુમાં અમારું એક જ ઘર છે, તેથી ‘આત્મધર્મ’ અને બીજા ધર્મપુસ્તકો
વાંચીને શક્તિ અનુસાર ગ્રહણ કરું છું. ઘણા વખતથી ગુરુદેવની જન્મજયંતિ જોવાની ઈચ્છા
હતી; તે આ વખતે રજાઓમાં પૂરી થઈ ગુરુદેવની જન્મજયંતી મારી જન્મભૂમિ (બોટાદ) માં
જ ઉજવવાનું આત્મધર્મમાં વાંચીને ઘણો ઉલ્લાસ થયેલો ને રજામાં અમે બોટાદ આવીને ખૂબ
જ લાભ લીધો. આવો આનંદ

PDF/HTML Page 28 of 45
single page version

background image
: અષાડ : ૨૪૯૩ આત્મધર્મ : ૨પ :
અમે ક્્યારેય નહોતો અનુભવ્યો. ગુરુદેવના આત્મભાવના–ભરપૂર પ્રવચનો સાથે આત્માને
ઓળખવાની વાતો અમને બહુ ગમી. આ રીતે રજાનો ઉપયોગ કર્યો.
–जय जिनेन्द्र
* રાજેશ જૈન (No. 206) અમદાવાદથી લખે છે કે––રજામાં મારો મિત્ર મહાબળેશ્વર
ગયો હતો પણ હું તો બોટાદ ગુરુદેવના જન્મોત્સવમાં ગયો હતો. મહાબળેશ્વરમાં ફરવા કરતાં
જન્મદિવસની રથયાત્રામાં મને અનેરો આનંદ પ્રાપ્ત થયો. ગુરુદેવશ્રીના તેમજ ભગવતી
માતાઓના દર્શનનો ને મુમુક્ષુઓના સત્સમાગમનો લાભ મળ્‌યો. પછી અમદાવાદ આવીને મેં
આત્મસિદ્ધિની ગાથાઓ, બહુ પુણ્ય કેરા પુંજથી વગેરે કાવ્યો મોઢે કર્યા. હંમેશ દર્શન કરવા તથા
શાસ્ત્રવાંચનમાં જતો. મેં રોજ દર્શન કરવાની અને ધાર્મિક વાંચન કરવાની પ્રતિજ્ઞા લીધી. હવે
પર્યુષણમાં જરૂર સોનગઢ જઈશું.
–जय जिनेन्द्र
દિલ્હીથી દીપક જૈન (No. 117) લખે છે કે––રજાઓમાં રાજકોટ જઈને ગુરુદેવની
અમૃત વાણી સાંભળી; શિક્ષણવર્ગમાં પણ ભણ્યો; કલાસમાં બહુ મજા પડી. દ્રવ્ય સંગ્રહમાંથી
નવઅધિકાર સરસ રીતે સમજાવતા હતા. બપોરે ગરમી ખૂબ પડતી, છતાં પ્રવચનમાં માણસો
ખૂબ આવતા. અમે સવાર–બપોર–રાતે ત્રણે વખત લાભ લેતા. ત્યાર પછી ૮ દિવસ સોનગઢ
પણ જઈ આવ્યા. ગુરુદેવ અનુભવનું સ્વરૂપ સમજાવતા હતા; તથા પુરુષાર્થ સિદ્ધિઉપાયમાંથી
હિંસા–અહિંસાનું સાચું સ્વરૂપ સમજાવતા હતા;–રાગદ્વેષની ઉત્પત્તિ થવી તે હિંસા; અને રાગ–
દ્વેષની ઉત્પત્તિ ન થવી તે અહિંસા. સમયસારના પુણ્ય–પાપ અધિકારમાં વારંવાર સમજાવતા
હતા કે પુણ્યથી મુક્તિ છે જ નહિ; શુભભાવ વચ્ચે આવે પણ તે હેય છે; શુદ્ધાત્મા જ ગ્રહણ
કરવા જેવો છે. પુણ્ય અને પાપ બંને ખરેખર એક જાતિના (વિભાવ) છે. સોનગઢનું તો
વાતાવરણ જોઈને મન શાન્ત થઈ જાય છે; ગુરુદેવની સરસ વાતો સાંભળતાં એમ જ થતું કે
અહીં જ રહી જઈએ. ગુરુદેવના સત્સંગમાં આટલા દિવસ રહેવાનો આવો સરસ કાર્યક્રમ તો
કોઈ ફેરે નહોતો બન્યો.–આ રીતે વેકેશનમાં આનંદથી લાભ લીધો.
– जयजिनेन्द्र
અમદાવાદથી નવનીત જૈન (No. 883) લખે છે કે––પરીક્ષા પછીની રજામાં
“બહુ પુણ્ય કેરા પુંજથી શુભદેહ માનવનો મળ્‌યો,
તોયે અરે! ભવચક્રનો આંટો નહીં એક્કે ટળ્‌યો.”

PDF/HTML Page 29 of 45
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૩
–એ કડી જ્યારે ગુરુદેવ બોલતા ત્યારે આ મોંઘા માનવજીવનનાં સાચા મૂલ્યો સમજાતા.
આમ મારા જન્મસ્થાન (બોટાદ) માં મારા રજાના દિવસો આનંદથી પસાર થઈ ગયા.–जयजिनेन्द्र
* વિનયચંદ્ર જૈન (No. 885) પણ અમદાવાદથી લખે છે કે––રજાઓમાં
બોટાદમાં ગુરુદેવની જન્મજયંતી ઉજવી. મારું જન્મસ્થાન બોટાદ હોવાથી હું ત્યાં આઠ દિવસ
અગાઉ ગયો હતો ને ઉત્સવની તૈયારીમાં ઉત્સાહથી ભાગ લીધો હતો. બોટાદમાં ચારેકોર
આનંદ ને ઉત્સાહનું સામ્રાજ્ય હતું, ને ગુરુદેવના પ્રતાપે તેમાં નવી ચેતના પ્રગટી હતી. આઠ
દિવસ માટે તો બોટાદ જાણે ધર્મનગરી બની ગયું હતું. ગુરુદેવના પ્રવચનો કાયરને પણ નવી
ચેતના આપી શૂરવીરતા પ્રગટાવતા. ભારતભરમાંથી ગામેગામના મુમુક્ષુઓ આવ્યા હતા. આ
“એવા એ કળિકાળમાં જગતનાં કંઈ પુણ્ય બાકી હતાં,
જિજ્ઞાસુ હૃદયો હતાં તલસતાં સદ્વસ્તુને ભેટવા.”
–એવા કાળમાં ગુરુદેવનો અવતાર થયો ને આપણને સત્ય ધર્મ દેખાડયો. એવા
ગુરુદેવની જન્મજયંતિ આનંદથી ઉજવી. –जयजिनेन्द्र
* રાજકોટથી મુકેશભાઈ (સ. નં. ૧૭૬પ) બાલવિભાગના સભ્યને લખે
છે–– પ્રિય ધર્મબંધુ! આ વર્ષે રજાના દિવસો ઘણા આનંદથી પસાર થઈ રહ્યા છે...કેમકે પૂ.
ગુરુદેવ અત્રે રાજકોટમાં બિરાજી રહ્યા છે તેથી હર્ષનો પાર નથી. તેમની અમૃતવાણીનો
સવાર–બપોર ને રાત્રે આનંદથી લાભ લઈએ છીએ. બે વખત શિક્ષણવર્ગ પણ ચાલે છે.
સવારમાં ભગવાનના દર્શન–પૂજા કરીને ગુરુદેવની વાણીનો લાભ લઈએ છીએ. આખો
દિવસ આનંદથી પસાર થઈ જાય છે. શિક્ષણવર્ગમાં આપણા બાલવિભાગના ઘણાય મિત્રો
આવ્યા છે, તેમને મળીને પણ આનંદ થાય છે. ભાઈ, તું પણ અનુકૂળતા મેળવીને જરૂર અહીં
આવજે. સાથે તારા કુટુંબીજનોને પણ તેડી લાવજે. તને મળીને મને પણ આનંદ થશે. અહીંનું
જિનમંદિર ઘણું ભવ્ય અને જોવાલાયક છે. મૂળનાયક સીમંધરભગવાનના દર્શન કરતાં અનેરો
આનંદ થાય છે. માનસ્તંભ તેમજ જિનેન્દ્રભગવાનની ધર્મસભા (સમવસરણ) ની પણ ભવ્ય
રચના છે,–જેનાં દર્શનથી આનંદ થાય છે. તો જરૂર આવજે. –जयजिनेन्द्र
* જસદણના કિશોર જૈન (નં. ૮૯૦) લખે છે––પ્રિય મિત્રો, અમારે ત્યાં
વર્દ્ધમાન ભગવાનનું મંદિર બંધાયું ને ગુરુદેવના પ્રભાવથી પ્રતિષ્ઠા ઉત્સવ થયો. રોજ
આનંદથી દર્શન કરીએ છીએ. ને આત્મસિદ્ધિ–પ્રવચનો વંચાય છે, તેમાં પણ આનંદ થાય છે.
તમારે ત્યાં પણ જિનમંદિર હશે ને શાસ્ત્રનું વાંચન કરતા હશો. –जयजिनेन्द्र
(બાકીના પત્રો આવતા અંકે)
જિનવરના સન્તાનો, રાત્રિભોજનનો સદંતર ત્યાગ કરો.

PDF/HTML Page 30 of 45
single page version

background image
: અષાડ : ૨૪૯૩ આત્મધર્મ : ૨૭ :
(લેખાંક : પ૨)
ભગવાનશ્રી પૂજ્યપાદસ્વામી રચિત સમાધિશતક ઉપર પૂજ્યશ્રી
કાનજીસ્વામીનાં અધ્યાત્મભાવનાભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
–– * ––
શાસ્ત્રોમાં મુનિને દિગંબરદશા જ હોવાનું તથા ઊંચી જાતિ અને પુરુષલિંગ જ
હોવાનું કહ્યું છે–તે કથન ઉપરથી કોઈ જીવ તે બાહ્યચિહ્નોને જ મોક્ષના કારણ તરીકે
માની લ્યે ને અંતરંગના ખરા સાધનને ભૂલી જાય–તો તે પણ પરમ પદને પામતા નથી
–એમ હવે ૮૯ મી ગાથામાં કહે છે–
जातिलिंगविकल्पेन येषां च समयाग्रहः।
तेऽपि न प्राप्नुवन्त्येव परमं पदमात्मनः।।८९।।
આ ગાથાનો કોઈ એવો ઊલટો અર્થ સમજે કે જાતિ–લિંગના ભેદનો આગ્રહ ન
કરવો એટલે કે ગમે તે જાતિમાં ને ગમે તે લિંગમાં મોક્ષ માની લેવો,–તો એ અર્થ
બરાબર નથી. શાસ્ત્રમાં નિમિત્ત તરીકે જે જાતિ ને લિંગ વગેરે કહ્યાં છે તે જ નિમિત્ત
હોય ને વિપરીત ન જ હોય; પણ તે નિમિત્તનો એટલે કે બાહ્ય સાધનનો આગ્રહ ન
કરવો પણ અંતરના ખરા સાધનરૂપ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રને ઓળખીને તેની
ઉપાસનામાં તત્પર થવું.
કઈ જાતિમાં ને કયા વેષમાં મોક્ષ હશે એનો નિર્ણય પણ ઘણાને થતો નથી, ને
ગમે તેવા કુલિંગમાં પણ મોક્ષ થઈ જવાનું માને છે–તેમને તો સાચા માર્ગની ખબર
નથી. મોક્ષનું સાચું સાધન તો રત્નત્રય છે; ને જ્યાં એવા રત્નત્રયરૂપ મોક્ષસાધન હોય
ત્યાં બાહ્યસાધન તરીકે ઉત્તમ જાતિ અને દિગંબર પુરુષવેષ એ જ હોય; એ સિવાય
બીજું માને તેને તો મોક્ષના બહારના સાધનનીયે ખબર નથી, તો અંતરંગ સાચું સાધન
તો એને હોય જ ક્્યાંથી?
‘જાતિ વેષનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય’–એમ શ્રીમદ્–રાજચંદ્રજીએ કહ્યું છે
ને?
એમ કહ્યું છે પણ તેનો અર્થ એમ ન સમજવો કે ગમે તે જાતિમાં ને ગમે તે
વેષમાં મુક્તિ થઈ જાય. તેનો ખરો અર્થ તો આમ સમજવો કે જ્યાં યથાર્થ મોક્ષમાર્ગ
હોય ત્યાં જાતિ–વેષના ભેદો ન હોય એટલે કે ત્યાં જે હોય તે જ હોય–બીજા ભેદ ન
હોય,

PDF/HTML Page 31 of 45
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૩
અર્થાત્ દિગંબરવેષ અને ત્રણ ઉત્તમ જાતિ એ સિવાય બીજો વેષ કે બીજી જાતિ હોય
નહિ. આમ હોવા છતાં જેને એવી માન્યતા છે કે આ લિંગ ને આ જાતિને લીધે જ હવે
મારી મુક્તિ થઈ જશે–તેને લિંગ અને જાતિનો આગ્રહ છે. લિંગ અને જાતિ તો
શરીરાશ્રિત છે તેનો જેને આગ્રહ ને મમત્વ છે તેને દેહથી ભિન્ન ચૈતન્યજાતિની ખબર
નથી, એટલે તે પરમ પદને પામતો નથી.
મુનિદશામાં દિગંબર લિંગ જ હોય, બીજું લિંગ ન જ હોય; તથા ક્ષત્રિય, બ્રાહ્મણ કે
વૈશ્ય જાતિ જ હોય, શુદ્ર જાતિ ન હોય–એમ આગમમાં કહ્યું છે, તે તો યથાર્થ જ છે, યથાર્થ
નિમિત્ત કેવું હોય તે ત્યાં બતાવ્યું છે.–પરંતુ આગમના તે કથનથી કોઈ અજ્ઞાની એમ માને
કે ‘આ લિંગ અને આ જાતિથી જ હવે મુક્તિ થઈ જશે’ તો તેને આગમની ઓથે જાતિ
અને લિંગનો જ આગ્રહ છે, તે પણ મુક્તિ પામતા નથી. આ જાતિ અને આ લિંગમાં જ
મોક્ષ થાય એમ કહીને શાસ્ત્રોએ તો યથાર્થ નિમિત્ત બતાવ્યું છે, પણ કાંઈ તે જાતિ કે
લિંગને જ મોક્ષનું કારણ કહેવાનો શાસ્ત્રનો આશય નથી; છતાં તેને જ જેઓ મોક્ષનું કારણ
માને છે તેઓ સંસારમાં જ રખડે છે. મોક્ષનું કારણ તો આત્માના શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર જ
છે; જેઓ એવા રત્નત્રયને આરાધે છે તેઓ જ મુક્તિ પામે છે.
।। ૮૯।।
[વીર સં. ૨૪૮૨ શ્રાવણ સુદ છઠ્ઠ: સમાધિશતક ગા. ૯૦]
શરીરની જાતિ કે લિંગ તે મોક્ષનું કારણ નથી–એમ સમજીને શરીરનું મમત્વ
છોડીને પરમપદમાં પ્રીતિ જોડવાની છે. જે દેહનું મમત્વ છોડવા માટે, અને જે
પરમાત્મસ્વરૂપને પ્રાપ્ત કરવા માટે ભોગોથી નિવૃત્તિનો ઉપદેશ છે, તેને જાણ્યા વગર
એટલે કે દેહથી ભિન્ન ચિદાનંદસ્વરૂપ આત્માને જાણ્યા વગર, ભોગાદિને છોડીને પણ
અજ્ઞાની જીવ મોહને લીધે તે શરીરમાં જ અનુરાગ કરવા લાગે છે ને બીજા ઉપર એટલે
કે પરમાત્મસ્વરૂપ ઉપર દ્વેષ કરે છે.–જેનો ત્યાગ કરવાનો છે તેની તો પ્રીતિ કરે છે ને
જેની પ્રાપ્તિ કરવાની છે તેના પર દ્વેષ કરે છે.–એમ હવેની ગાથામાં કહે છે:–
यत्त्यागाय निवर्तन्ते भोगेभ्यो यदवाप्तये।
प्रीतिं तत्रैव कुर्वन्ति द्वेषमन्यत्र मोहिनः।।९०।।
અજ્ઞાની જીવ શરીર ઉપરનું મમત્વ છોડવા માટે જે ભોગોને છોડે છે તેમાં જ
પાછો અજ્ઞાનથી તે પ્રીતિ કરે છે ને પરમપદ પ્રત્યે અપ્રીતિરૂપ દ્વેષ કરે છે.
ઈન્દ્રિયવિષયોને છોડીને અતીન્દ્રિય આત્મસ્વભાવમાં આવવાની તો તેને ખબર નથી
એટલે એક પ્રકારના ઈન્દ્રિયવિષયને છોડીને પાછો બીજા પ્રકારના ઈન્દ્રિયવિષયમાં જ તે
વર્તે છે, ને અતીન્દ્રિયસ્વભાવ પ્રત્યે અરુચિરૂપ દ્વેષ કરે

PDF/HTML Page 32 of 45
single page version

background image
: અષાડ : ૨૪૯૩ આત્મધર્મ : ૨૯ :
છે. એ રીતે મોહી જીવનો ત્યાગ તે ખરો ત્યાગ નથી પણ તે તો રાગદ્વેષગર્ભિત છે.
નિર્મમત્વ ચૈતન્યસ્વભાવની દ્રષ્ટિ વગર દેહાદિનું મમત્વ છૂટે જ નહિ. ચૈતન્યના
ભાન વગર દેહનું મમત્વ છોડવા માટે ત્યાગી થાય તોપણ તેને ઈન્દ્રિયોના વિષયોમાં
ત્યાગ–ગ્રહણની બુદ્ધિ તો પડી જ છે, અતીન્દ્રિય ચૈતન્યસ્વભાવ તો તેણે લક્ષમાં લીધો
નથી. આ બાહ્ય ત્યાગ મને મોક્ષનું કારણ થશે–એમ તેને શરીરની દિગંબરદશા વગેરે
ઉપર રાગ છે. એ રીતે જેને આત્માનું ભાન નથી તેને દેહાદિની મમતાનો ખરો ત્યાગ
થતો જ નથી. બાહ્ય ભોગોથી નિવૃત્તિ કરીને પરમાત્મપદમાં પ્રીતિ જોડવાની હતી, તેને
બદલે શરીરને મોક્ષનું સાધન માન્યું, એટલે શરીરમાં જ તેણે પોતાનું અસ્તિત્વ માનીને
તેમાં પ્રીતિ જોડી,. પણ શરીરથી ભિન્ન ચૈતન્યનું અસ્તિત્વ ન જાણ્યું, ને તેમાં પ્રીતિને ન
જોડી; એટલે તે મોહી જીવને ત્યાગનો હેતુ સર્યો નહીં. બાહ્યમાં ત્યાગી થઈને પણ જેનો
ત્યાગ કરવાનો હતો તેની તો તેણે પ્રીતિ કરી, અને જેની પ્રાપ્તિ કરવાની હતી તેને જાણ્યું
નહીં, તેમાં અરુચિરૂપ દ્વેષ કર્યો.
બાહ્ય વિષયભોગો છોડીને વ્રતી થયો, તે વ્રતના પાલનમાં જેને કષ્ટ અને દુઃખ
લાગે છે તેના અભિપ્રાયમાં વિષયોમાં સુખબુદ્ધિ પડી છે. ‘હું તો જ્ઞાન જ છું, જ્ઞાનમાં જ
મારું અસ્તિત્વ છે, મારા જ્ઞાનસ્વભાવમાં જ મારું સુખ છે ને બાહ્યવિષયોમાં ક્્યાંય
મારું સુખ નથી’–એવું ભાન કરતાં શરીરાદિમાંથી સુખબુદ્ધિ છૂટી જાય છે. શરીરના
સાધન વડે ચારિત્રનું પાલન થશે–એવી જેની બુદ્ધિ છે તેને શરીર ઉપરનું મમત્વ છૂટયું
નથી. તેણે વિષયો છોડીને પણ શરીરમાં જ મમત્વબુદ્ધિ કરી છે. જ્યાં અંતરના
ચૈતન્યતત્ત્વનું વેદન નથી–આનંદનો અનુભવ નથી ત્યાં કોઈ ને કોઈ પ્રકારે
બાહ્યવિષયોમાં મમતા અને સુખબુદ્ધિ જીવને વેદાયા જ કરે છે, એટલે ભોગોથી સાચી
નિવૃત્તિ તેને હોતી નથી.
માટે દેહાદિથી ભિન્ન આત્મતત્ત્વને જાણીને તેમાં પ્રીતિ જોડવી. ચૈતન્યમાં પ્રીતિ
કરીને તેમાં લીનતા કરતાં બાહ્ય ભોગોથી સહેજે નિવૃત્તિ થઈ જાય છે ને દેહાદિનું ય
મમત્વ છૂટી જાય છે.
।। ૯૦।।
જૈનબંધુઓ, હંમેશા
જિનભગવાનનાં દર્શન કરો.

PDF/HTML Page 33 of 45
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૩
પ્રકાશશક્તિને લીધે આત્મા સ્વસંવેદનવડે સ્વયં પ્રકાશે છે, પોતે પોતાની
સ્વાનુભૂતિવડે સ્પષ્ટ પ્રકાશે–એવો આત્માનો પ્રકાશસ્વભાવ છે. આવા સ્વભાવને
પ્રકાશિત કરનારા જે પ્રવચનો ૪૭ આત્મશક્તિ ઉપર પૂ. ગુરુદેવે કર્યા તે છપાઈ
રહ્યા છે; તેમાંથી પ્રકાશશક્તિનો થોડોક નમૂનો આત્મધર્મ અંક ૨૭૯ માં આપ્યો
હતો. ત્યાર પછીનો ભાગ અહીં આપીએ છીએ. જે ‘સ્વાનુભવ’ માટે મુમુક્ષુને ઉત્તમ
પ્રેરણા આપે છે.
*
જેમ બિલ્લી લોટનજડી નામની વનસ્પતિની આસપાસ ઘૂમ્યા કરે છે, તેમ મોહથી
આત્મા નિજવૈભવને ભૂલીને પરદ્રવ્યમાં ઉપયોગને ભમાવ્યા કરે છે,–જાણે કે આમાંથી મને
સુખ મળશે! પણ અંદર પોતે પોતાના આત્મવૈભવને જોતો નથી–કે જેમાં પરમ સુખ ભર્યું
છે. ભાઈ! અંદર નજર તો કર, તું તો શાશ્વત આનંદનો નિધાન છો; કેવળી પ્રભુની વાણી
પણ જેનો મહિમા ગાય, સુધાનો જે અમૃતસાગર, એવો તું; અરે! તારા સુખના દરિયાને
ભૂલીને પુણ્ય–પાપના કીચડમાં તું અટકી ગયો? રાગને જ પોતાનું સ્વરૂપ માનીને એનાથી
તેં લાભ માન્યો, પણ અનંત ગુણસ્વરૂપ તારા નિજવૈભવને તેં ન જાણ્યો. તારું નિજસ્વરૂપ
અનંતગુણનો રસકંદ, જે મનના શુભ વિકલ્પથીયે પાર, તેના ઉપર લક્ષ કર તો તેનો કોઈ
અપૂર્વ આનંદ તને તારાથી અનુભવાશે.
પોતે પોતાને જાણવામાં આત્મા સ્વતંત્ર છે, તેમાં કોઈ બીજાનું જરાય અવલંબન
નથી. સ્વયં પ્રકાશે ને સ્પષ્ટ પ્રકાશે, એટલે બીજાનું અવલંબન લ્યે નહિ ને અસ્પષ્ટતા
રહે નહિ–એવા સ્વસંવેદનસ્વરૂપ આત્મા છે.
સ્પષ્ટ જ્ઞાનવડે આત્મા જણાય છે, એટલે કોઈ એકલા પરોક્ષ જ્ઞાનવડે આત્માને
જાણવા માંગે તો તે જાણવામાં આવે નહિ, બીજી રીતે કહીએ તો વ્યવહારના અવલંબને
આત્મા જણાય નહિ. સ્વપ્રકાશથી આત્મા પ્રકાશમાન થાય છે એટલે કે અનુભવમાં આવે છે.
આત્મા પોતે પોતાને પ્રત્યક્ષ ન થઈ શકે–એમ કોઈ માને તો તે વાત સાચી નથી.
જ્ઞાનમાં એવી તાકાત છે કે સ્વસંવેદનથી આત્માને પ્રત્યક્ષ કરે.

PDF/HTML Page 34 of 45
single page version

background image
: અષાડ : ૨૪૯૩ આત્મધર્મ : ૩૧ :
પ્રશ્ન:– શું મતિ–શ્રુતજ્ઞાનમાં આત્માને પ્રત્યક્ષ કરવાની તાકાત છે?
ઉત્તર:– હા, સ્વસંવેદનવડે આત્માને પ્રત્યક્ષ કરવાની મતિ–શ્રુતજ્ઞાનમાં પણ
તાકાત છે.
આત્માને પ્રત્યક્ષ કરે એવી તાકાત રાગમાં નથી પણ જ્ઞાનમાં એવી તાકાત છે.
પોતાના જ્ઞાનમાં પોતાની વસ્તુ ગુપ્ત કેમ રહી શકે? આત્માનો અનુભવ કરવા માટે
પહેલાં તે તરફ ઢળીને તેનો નિર્ણય કરવો જોઈએ કે સ્વસંવેદન–પ્રત્યક્ષ થવાનો મારો
સ્વભાવ છે; રાગવડે અનુભવમાં આવી શકે–એવો મારો સ્વભાવ નથી. આમ દ્રઢ નિર્ણય
કરતાં રાગ તરફનો ઝુકાવ છૂટી જાય ને જ્ઞાનસ્વભાવ તરફ ઝુકાવ થાય; આ રીતે
વચ્ચેથી રાગના પડદાને તોડીને આત્મા સ્વાનુભવ કરે છે. સ્વાનુભવમાં જે આત્મા
આવ્યો તેની શક્તિઓનું એટલે કે તેના વૈભવનું આ વર્ણન છે.
નિજસ્વરૂપના વૈભવને અનાદિકાળથી જીવે નીહાળ્‌યો ન હતો; અશુભ ને શુભ
વચ્ચે જ ગુલાંટ ખાધા કરી પણ તેનાથી પાર ત્રીજી વસ્તુને કદી વેદી નહિ. તે વસ્તુ અહીં
સન્તો બતાવે છે. આત્માનો આનંદ પુણ્ય–પાપ વગરનો છે, તેમાં રાગ–દ્વેષ નથી; આવા
આનંદસ્વરૂપ આત્માને સ્વસંવેદનથી જ અનુભવી શકાય છે.
આત્મામાં પોતામાં જે મહા કિંમતી ગુણ છે તેની અજ્ઞાનીને ખબર નથી ને પરની
કિંમત કરે છે. બાપુ! તારા અનંતગુણના મહિમાની શી વાત? જેને પોતાના આનંદના
અનુભવ માટે ખોરાકની જરૂર નહિ, શરીરની જરૂર નહિ, હવાની કે પાણીની જરૂર નહિ,
ને વિકલ્પનીયે જરૂર નહિ, પોતે પોતાથી જ પોતાને પ્રત્યક્ષ અનુભવે ને આનંદને પામે–
એવી તાકાતવાળો આત્મા છે. અન્ન કે પાણી, મન કે વાણી એ કોઈની જેમાં જરૂર નહીં
એવું સ્વાધીનસુખ આત્મામાં છે.
આત્માની પ્રકાશ શક્તિ સ્વસંવેદનમયી છે, તેના બે વિશેષણ આપ્યા–એક તો
સ્વયં પ્રકાશમાન, અને બીજું વિશદ એટલે કે સ્પષ્ટ;–આવા સ્વસંવેદનવાળી પ્રકાશશક્તિ
છે. જ્યાં સમ્યગ્દર્શન થયું ત્યાં આવી પ્રકાશશક્તિ નિર્મળપણે ખીલવા માંડી, એટલે કે
પ્રત્યક્ષ અને રાગ વગરનું એવું સ્વસંવેદન થયું. આવા સ્વસંવેદન વગર સમ્યગ્દર્શન થયું
કહેવાય નહીં.
અરે, સંસારમાં લક્ષ્મી માટે જીવો કેટલા દગા–પ્રપંચ ને રાગ–દ્વેષ કરે છે! તેમાં
જીવન ગુમાવે છે ને પાપ બાંધે છે. ભાઈ! તારા સ્વઘરની ચૈતન્યલક્ષ્મી મહાન છે, તેની

PDF/HTML Page 35 of 45
single page version

background image
: ૩૨ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૩
સંભાળ કર ને! તેમાં ક્્યાંય દગા–પ્રપંચ નથી, રાગ–દ્વેષ નથી, કોઈની જરૂર નથી, છતાં
તે મહા આનંદરૂપ છે બહારની લક્ષ્મી મળે તોપણ તેમાંથી સુખ મળતું નથી; આ
ચૈતન્યલક્ષ્મી પોતે મહા આનંદરૂપ છે, ને સ્વયં પ્રકાશમાન છે. આવો અપાર વૈભવ
તારામાં ભર્યો છે તેને તો લક્ષમાં લે. તેમાં ક્્યાંય એક વિકલ્પનોય બોજો નથી.
દુનિયાના વૈભવ કરતાં આ વૈભવ જુદી જાતનો છે. આત્મા સ્વશક્તિના
વૈભવથી પૂરો છે, એને કોઈ બહારના સાધનની જરૂર નથી. રંક હો કે રાજા, સ્વર્ગમાં કે
નરકમાં, ક્્યાંય આત્માને પોતાની શાંતિ માટે બહારના આધારની કે બહારના સાધનની
જરૂર નથી; અન્ય પદાર્થની અપેક્ષા વગર જ પોતે પોતાનું પ્રત્યક્ષ સંવેદન કરીને પોતાની
શાંતિને અનુભવે છે. તે અનુભવને માટે જેમ બહારનું સાધન નથી તેમ બહારની
પ્રતિકૂળતા તેમાં નડતી પણ નથી. આવા અનુભવમાં પોતે પોતાને પ્રત્યક્ષ કરે છે–એવો
આત્માનો સ્વભાવ છે. સ્વાનુભવમાં પરોક્ષપણું રહે એવો સ્વભાવ નથી. સમ્યગ્દર્શન
થાય ત્યાં (ચોથા અવિરત ગુણસ્થાને પણ) આત્મા સ્વસંવેદનમાં પ્રત્યક્ષ થઈ જાય છે.
વાહ! પ્રત્યક્ષપણાનો સ્વભાવ છે, પરોક્ષપણું રહે એવો આત્માનો સ્વભાવ નથી.
પરોક્ષપણાને પણ જે પોતાનો સ્વભાવ ન માને તે રાગને પોતાનો સ્વભાવ કેમ માને?
ને જડને પોતાનું કેમ માને?–ન જ માને; એટલે આ શક્તિના નિર્ણયમાં નિશ્ચયનો
આદર ને વ્યવહારનો નિષેધ આવી જ ગયો.
ભાઈ, આવા આત્માના અનુભવનો કાળ તે તારો સુકાળ છે–સ્વકાળ છે,
સ્વસમય છે, ને તે જ તારો સ્વભાવ છે. અરે, આવા અનુભવ માટેના પ્રયત્નમાં ને તેની
ચર્ચામાં જે સમય વીતે તે પણ સફળ છે. આવો ઉત્તમ અવસર પામીને આ જ કરવા
જેવું છે. ભવ તો એમ એમ ચાલ્યો જ જાય છે, તેમાં આ કરી લેવા જેવું છે.
પરોક્ષપણામાં સમાઈ જાય એવો આત્મા નથી, પ્રત્યક્ષપણામાં જ તે આવે તેવો છે.
પ્રત્યક્ષપણું કહ્યું એટલે તેમાં કોઈ આવરણ ન રહ્યું; આવરણવાળો ભાવ તે આત્માનો
સ્વભાવ નથી. પ્રકાશશક્તિને લીધે આત્મા એવા સ્પષ્ટ સ્વસંવેદનવાળો છે કે તે
સ્વસંવેદનમાં ગુપ્ત ન રહી શકે. ધર્મીના સ્વસંવેદનમાં તે સ્પષ્ટપણે પ્રકાશમાન થાય છે.
એકલા પરોક્ષપણાથી કોઈ તેને જાણી લ્યે એવો આત્મા નથી.
અનંત શક્તિસમ્પન્ન ભગવાન આત્મા કર્મના આવરણથી અવરાયો નથી; તેના
સ્વભાવને કોઈ આવરણ નથી તેમજ તેનું જે સ્વસંવેદન પ્રગટ્યું તેમાં પણ કોઈ
આવરણ નથી. આવા આત્માને સ્વસંવેદનથી પ્રતીતમાં લેવો–તે સુખનો માર્ગ છે. ગગન
જેવા

PDF/HTML Page 36 of 45
single page version

background image
: અષાડ : ૨૪૯૩ આત્મધર્મ : ૩૩ :
નિરાલંબી આત્મામાં સ્વસંવેદનવડે આનંદનાં ઝરણાં ઝરે છે. ચૈતન્યના આ
આનંદપ્રવાહમાં વચ્ચે રાગાદિ મલિનતા નથી. ચૈતન્ય–અમૃતમાં વિકારરૂપી ઝેરનો સ્વાદ
કેમ હોય? આવું શુદ્ધસ્વરૂપ ઉપદેશનારા વીતરાગી દેવ–ગુરુ–શાસ્ત્ર તે પૂજ્ય છે, વિનય
યોગ્ય છે; પણ તેથી કરીને તેમના તરફના શુભરાગવડે ભગવાન આત્મા પ્રસિદ્ધ થઈ
જાય કે સ્વસંવેદનમાં આવી જાય–એવું વસ્તુસ્વરૂપ નથી. રાગની મર્યાદા રાગ જેટલી છે,
તેના વડે શુદ્ધ આત્માનું સ્વસંવેદન થઈ જાય–એવી એની મર્યાદા નથી. શુદ્ધ આત્માનું
સ્વસંવેદન તો રાગના ને મનના આધાર વગરનું છે. પ્રકાશશક્તિના આધારે તે કાર્ય
થાય છે, બીજું કોઈ સાધન તેમાં નથી.
ચૈતન્યમૂર્તિ આત્મા નિરાલંબી છે; તે સ્વશક્તિને જ અવલંબનારો છે ને પરને
અવલંબનારો નથી. પ્રકાશશક્તિરૂપ નિજગુણનું કાર્ય તો એ છે કે રાગ વગર સીધું જ્ઞાન
પોતે આત્માને વેદે; તે વેદનમાં અનંત ગુણોના સ્વાદનું પ્રત્યક્ષ વેદન સમાય છે, ને
અનંત આનંદ પ્રગટે છે. હજી તો આવા ભગવાન આત્માને શ્રદ્ધામાં પણ ન લ્યે; અરે!
પ્રેમથી તેનું શ્રવણ પણ ન કરે તેને તેનું પ્રત્યક્ષ સંવેદન તો ક્્યાંથી પ્રગટે? સ્વભાવ જેવો
છે તેવો પ્રતીતમાં લ્યે તો તેનું સંવેદન પ્રગટે.
અહા, ભરતચક્રવર્તી જેવા મહાપુરુષો ભગવાન પાસે જઈને નમ્રતાપૂર્વક
આત્માના સ્વસંવેદનની રીત પૂછતા, ને તે ઝીલીને પોતાના અંતરમાં તેવું સ્વસંવેદન
કરતા હતા. તેની આ વાત છે. આ કાળે પણ આત્માનું સ્વસંવેદન થઈ શકે છે. આવું
સંવેદન કેમ થાય એટલે કે સમ્યગ્દર્શન કેમ થાય તેની આ વાત છે. જ્ઞાનને અંતર્મુખ
કરીને આત્માનું પ્રત્યક્ષ વેદન કરતાં સમ્યગ્દર્શન પ્રગટે છે, એના સિવાય બીજા ઉપાયથી
સમ્યગ્દર્શન થતું નથી. આવા સત્ આત્માનો મહિમા આવે, તેની પ્રતીત થાય ને તેનું
વેદન થાય–તે અપૂર્વ છે, તે મંગળ છે, તે ધર્મ છે ને તે મોક્ષનો માર્ગ છે. ચોથા
ગુણસ્થાનથી જ અંશે પ્રત્યક્ષ સ્વાનુભવ થઈ જાય છે, ને નિઃશંક પ્રતીત થાય છે કે મારો
આત્મા સંપૂર્ણ પ્રત્યક્ષ સ્વસંવેદન સ્વભાવવાળો જ છે, જરાપણ પરોક્ષપણું રહે તે મારો
સ્વભાવ નહીં. આવી પ્રતીતવડે ધર્મીજીવે અનંતધર્મવાળા પોતાના શુદ્ધઆત્મામાં
અવિચલદ્રષ્ટિ સ્થાપી છે.
આ આત્મા ચૈતન્યહીરો વજ્ર જેવો છે, પરભાવનો એક કણ પણ તેમાં પ્રવેશી

PDF/HTML Page 37 of 45
single page version

background image
: ૩૪ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૩
શકે નહિ. અહા, આવો ચૈતન્યહીરો મહા દુર્લભ છે, ક્્યારેક કોઈક વિરલાને તે પ્રાપ્ત થાય
છે. આવા ચૈતન્યહીરાની કિંમત સમજે તો જગતના પદાર્થોનો મહિમા છૂટી જાય, ને તે
નિજતત્ત્વના મહિમાપૂર્વક અંતર્મુખ થઈને સ્વાનુભવ કરે, એટલે સમ્યગ્દર્શનાદિ થાય.
સમ્યગ્દર્શનની સાથે બધા ગુણોમાં અંશે શુદ્ધતા થાય છે, તેથી ‘સર્વગુણાંશ તે સમ્યક્ત્વ’
એમ શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે.
આત્માના બધા ગુણો એકસાથે પરિણમી રહ્યા છે, એટલે એક ગુણમાં શુદ્ધતા
થતાં બધા ગુણોમાં શુદ્ધતાનો અંશ શરૂ થઈ જાય છે. આત્માના અનંત ગુણોનું
પરિણમન એકસાથે છે પણ કથનમાં તે એકસાથે આવી શકતા નથી; કથન ક્રમેક્રમે થાય
છે, અને તે કથનમાં પણ અમુક જ ગુણો આવી શકે છે, બધા ગુણો આવી શકતા નથી.
કેમકે શબ્દો મર્યાદિત છે, ને ગુણો અમર્યાદિત અનંત છે. ૩૩ સાગરોપમના અસંખ્યાતા
વર્ષો સુધી સર્વાર્થસિદ્ધિના બધા દેવો આત્મગુણોનું કથન કરે તોપણ અનંતમા ભાગના
ગુણોનું જ કથન થઈ શકે છે; અનંતગુણોનું વર્ણન શબ્દોથી પૂરું થઈ શકે નહીં,
અનુભવમાં પૂરું આવે. અનંતશક્તિસંપન્ન આત્મા વચનનો કે વિકલ્પનો વિષય નથી, એ
તો અંતર્મુખ જ્ઞાનનો વિષય છે.
શક્તિ એટલે વસ્તુનો સ્વભાવ, અથવા ગુણ, અથવા ધર્મ; એકેક આત્મામાં
જ્ઞાનાદિ અનંતગુણો છે; ગુણોનો પૂંજ એટલે કે સર્વગુણોનો એકરસ પીંડલો તે
આત્મા છે; સંખ્યાથી ને સામર્થ્યથી બંને રીતે અમાપ શક્તિનો સમુદ્ર આત્મા છે.
વિકલ્પમાં ભિન્ન ભિન્ન અનંતશક્તિઓ ન આવી શકે, અભેદ અનુભવમાં બધી
શક્તિઓ એકસાથે આવી જાય. આ જ્ઞાન, આ સુખ, આ પ્રભુતા, આ પ્રકાશશક્તિ–
એમ ભેદ પાડીને અનંત શક્તિને જાણવા માંગે તો છદ્મસ્થ જાણી ન શકે; કેમકે એક
શક્તિને વિચારમાં લેતાં અસંખ્ય સમય લાગે ને અનંત શક્તિને વિચારમાં લઈને
જાણતાં અનંતકાળ લાગે! પણ સાધકદશાનો કાળ અનંત હોતો નથી, સાધકદશા
અસંખ્યસમયની જ હોય છે. માટે ભેદસન્મુખ રહીને અનંતશક્તિનું જ્ઞાન થઈ શકતું
નથી પણ અભેદસ્વભાવની સન્મુખ થઈને જ અનંતશક્તિવાળા આત્માનું જ્ઞાન થઈ
શકે છે. કેવળી–ભગવાન અનંત આત્મશક્તિને એકસાથે ભિન્ન ભિન્ન સ્વરૂપે પણ
જાણી રહ્યા છે. છદ્મસ્થનું જ્ઞાન ભિન્ન પાડીને અનંત શક્તિઓને ન જાણી શકે પણ
અભેદ–અનુભવમાં જે અખંડ આત્મા આવ્યો તેમાં તેની બધી શક્તિઓ ભેગી જ છે;
સ્વાનુભવમાં બધો આત્મવૈભવ

PDF/HTML Page 38 of 45
single page version

background image
: અષાડ : ૨૪૯૩ આત્મધર્મ : ૩પ :
સમાય છે. આ રીતે અનંતશક્તિસંપન્ન આત્મા સ્વાનુભવનો વિષય છે, વિકલ્પનો
વિષય નથી.
આવો સ્વાનુભવગમ્ય ભગવાન આત્મા સ્વસંવેદનમાં જ્ઞાનીને અત્યંત સ્પષ્ટપણે
સ્વયં પ્રકાશે છે, એવી તેની પ્રકાશ–શક્તિ છે. પ્રકાશ–શક્તિનું સાચું કાર્ય ક્્યારે પ્રગટે?
કે અંતર્મુખ થઈને સ્વસંવેદન કરે ત્યારે તે સ્વાનુભવમાં આત્મા સ્વયં પ્રત્યક્ષ પ્રકાશમાન
થાય,–તે પ્રકાશશક્તિનું સાચું કાર્ય છે.
(‘આત્મપ્રકાશ’ નો બાકીનો ભાગ આવતા અંકે પૂર્ણ થશે.)
– * –
સંસાર અને દુઃખ * સ્વભાવ અને સુખ
* * *
ગમે તેવી મુશ્કેલી વખતે ધૈર્ય તે જ સૌથી મોટો
ઈલાજ છે. મુશ્કેલી વખતે જીવ ધૈર્ય ગુમાવી બેસે છે તેથી
જ તે ઘેરાઈ જાય છે ને દુઃખી થાય છે. મુશ્કેલીનું એટલું
દુઃખ નથી હોતું–કે જેટલું અધૈર્યથી પોતે ઊભું કરે છે.
બાકી તો, સંસારની પરિસ્થિતિ મુમુક્ષુ
વિચારવાનને ડગલે ને પગલે વૈરાગ્ય ઉપજાવે છે.
‘સંસાર’ અને ‘દુઃખ’ બંને એકબીજાના પાકા મિત્ર છે,
તેમાંથી એકને અપનાવવો ને બીજાને ન અપનાવવું એમ
બની ન શકે. એ જ રીતે બીજી તરફ ‘સ્વભાવ’ અને
‘સુખ’ બંને એકબીજાના મિત્ર છે–જે સદાય સાથે જ
રહેનાર છે.
સ્વભાવના મહિમાસહિતનું વૈરાગ્યચિંતન જીવને
સંસારનો રસ ઊડાડી દે છે; ને જેમાંથી રસ ઊડી જાય તે
વસ્તુની ગમે તે સ્થિતિ હો–તોપણ શોક કે હર્ષ થતો નથી.
અધ્યાત્મભાવના માટે શૂરવીરતા કરવી.
(એક પત્રમાંથી)

PDF/HTML Page 39 of 45
single page version

background image
: ૩૬ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૩
ગતાંકના પ્રશ્નોના જવાબ
(૧) ‘અહો અહો! શ્રી સદ્ગુરુ’...એ ગાથા આત્મસિદ્ધિમાં ૧૨૪ મી છે. શ્રીમદ્
રાજચંદ્રજીએ આ ‘આત્મસિદ્ધિ’ ની ૧૪૨ ગાથા નડીયાદમાં ૧૯પ૨ના આસો વદ એકમે માત્ર
અઢી કલાકમાં બનાવી છે. શ્રીગુરુના ઉપદેશથી શિષ્યને જ્યારે અપૂર્વ આત્મભાન થાય છે ત્યારે
ઘણા ભાવથી ગુરુનો ઉપકાર માનતાં તે ઉપરની ગાથા કહે છે. (અત્યારે શ્રીમદ્ રાજચંદ્રની
‘જન્મશતાબ્દિ’ એટલે કે ૧૦૦ મું વર્ષ ચાલે છે. આવતી કારતક સુદ પૂનમે તેમના જન્મને ૧૦૦
વર્ષ પૂર્ણ થઈને ૧૦૧ મું વર્ષ બેસશે. તેમનું જન્મસ્થાન વવાણીયા (મોરબી પાસે) છે.
(૨) ગુરુદેવ હમણાં જે ‘પુરુષાર્થ સિદ્ધિઉપાય’ ઉપર પ્રવચન કરે છે તે શાસ્ત્ર શ્રી
અમૃતચંદ્રાચાર્યદેવે રચ્યું છે. તેમાં ૨૨૬ ગાથાઓ દ્વારા સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન ને સમ્યક્
ચારિત્રનું વર્ણન છે, ને વિશેષપણે દેશવ્રતી શ્રાવકનાં ધર્મોનું વર્ણન છે. અમૃતચંદ્રાચાર્યદેવે
સમયસાર, પ્રવચનસાર ને પંચાસ્તિકાય શાસ્ત્રોની ઘણી સરસ સંસ્કૃત ટીકા લખી છે. આ
ઉપરાંત તેમણે ‘તત્ત્વાર્થસાર’ રચ્યું છે તે પણ ઘણું સરસ છે. તમે મોટા થાવ ત્યારે એ બધા
શાસ્ત્રો જરૂર વાંચજો.
(૩) “મહાવીર ભગવાનને કેવળજ્ઞાન થયા પછી સૌથી પહેલું ચંદનાસતીએ
આહારદાન દીધું”–આ વાત ખોટી છે. કેમકે એક તો કેવળજ્ઞાન થયા પછી કોઈ પણ જીવને
ખોરાક હોતો નથી કારણ કે અરિહંત ભગવાનને ક્ષુધા જ હોતી નથી; એટલે કેવળજ્ઞાન થયા
પછી તો ભગવાને કદી આહાર લીધો નથી. અને મહાવીરભગવાન જ્યારે મુનિદશામાં હતા
ત્યારે દીક્ષા પછી સૌથી પહેલું આહારદાન કુલપુરીનગરીના રાજાએ કર્યું હતું, ચંદના સતીએ
નહીં. ચંદનાસતીએ ભગવાનને આહારદાન કર્યું તે પ્રસંગ તો ત્યારપછી ઘણા વખત બાદ
બન્યો હતો.
(૪) તમે રોજ ભગવાનનાં દર્શન કરો છો? ... (સાચો જવાબ........હા.)
તમે રાત્રે ખાવ છો? ... (સાચો જવાબ........ના)
કેમકે બાલવિભાગનો સભ્ય એટલે જિનવરનો સન્તાન, તે હંમેશા ભગવાનના દર્શન
કરે, ને રાત્રે કદી ખાય નહીં. (આ ચોથા પ્રશ્નમાં દર્શન કરવાના જવાબમાં લગભગ ૯પ ટકા
બાળકોએ ‘હા’ લખી છે. અને રાત્રિભોજનના જવાબમાં ૯૦ ટકા જેટલા બાળકોએ ‘ના’
લખી છે. આ ઉપરથી જોકે બાલવિભાગના સભ્યોની પ્રગતિનો ખ્યાલ આવી શકશે. છતાં હજી
આશા રાખીએ કે હવે પછી ફરીને

PDF/HTML Page 40 of 45
single page version

background image
: અષાડ : ૨૪૯૩ આત્મધર્મ : ૩૭ :
જ્યારે આ બે પ્રશ્નો પૂછાય ત્યારે પહેલા પ્રશ્નનો જવાબ સોએ સો ટકા ‘હા’ આવશે ને બીજા
પ્રશ્નનો જવાબ સોએ સો ટકા ‘ના’ આવશે. (કોઈ કોઈ સભ્યોએ એમ લખ્યું છે કે
અત્યારસુધી રાત્રે ખાતા, પણ હવેથી નહીં ખાઈએ.)
કોયડામાં પૂછેલું સરસ મજાનું તીર્થધામ–એ છે “ગીરનાર” ગીરનાર એ સૌરાષ્ટ્રનું
ગૌરવ છે. શ્રીકૃષ્ણને એ વહાલું હતું; શ્રી નેમિનાથ ભગવાનના દર્શન કરવા તેમ જ બીજા
અનેક પ્રસંગે તેઓ ગીરનાર ગયા હતા. ભગવાન શ્રી નેમિનાથ તીર્થંકરે આ ગીરનારના
હજાર આંબાના વનમાં (સહસ્રામ્રવનમાં) દીક્ષા લીધી હતી, તેઓ કેવળજ્ઞાન પણ ત્યાં જ
પામ્યા હતા, ને મોક્ષ પણ એની પાંચમી ટૂંકેથી પામ્યા હતા; બૌંતેર કરોડ અને સાતસો
મુનિવરો આ ગીરનાર ઉપરથી મોક્ષ પામ્યા છે. શ્રીકૃષ્ણના પુત્રો–પ્રદ્યુમ્નકુમાર, શમ્બુકુમાર,
અનિરુદ્ધકુમાર, પણ અહીંથી સિદ્ધપદ પામ્યા છે. આ તીર્થની ચંદ્રગુફામાં શ્રી ધરસેનાચાર્ય,
પુષ્પદંત–ભૂતબલી વગેરે મુનિવરો રહેતા હતા. કુંદકુંદ સ્વામી પણ આ તીર્થની યાત્રા કરવા
મોટા સંઘસહિત પધાર્યા હતા. સૌરાષ્ટ્રમાં સૌથી ઊંચું અને અત્યંત પ્રસિદ્ધ એવું આ પાવન
તીર્થ, તેને શોધતાં સૌરાષ્ટ્રવાસીને વાર કેમ લાગે? વાદળથી ઊંચા એવા આ ગગનચૂંબી
તીર્થરાજ ચારે બાજુ પચીસ પચીસ માઈલ દૂરથી દર્શન આપે છે ને ભક્તોને આકર્ષે છે. તમેય
આ તીર્થ ન જોયું હોય તો એકવાર જરૂર એની યાત્રા કરજો. એકવાર કરશો તો બીજીવાર
કરવાનું મન થશે! जय गिरनार
* * *
એક ફૂલ
પહાડની ઊંડી કંદરામાં એક સુગંધી ફૂલ ખીલ્યું હતું.
કોઈએ પૂછયું–રે ફૂલ! તું આ એકાકી જંગલમાં કેમ મહેકી
રહ્યું છે? અહીં નથી તો કોઈ તને જોઈને પ્રસન્ન થનાર, કે નથી
કોઈ તારી સુગંધ લેનાર!
ત્યારે ફૂલ કહે છે–હું એટલા માટે નથી ખીલતું કે કોઈ મને
જુએ, કે કોઈ મારી સુગંધ લઈને વાહ! વાહ! કરે, ખીલવું ને
સુગંધથી મહેકવું એ તો મારો સ્વભાવ જ છે! કેવી નિસ્પૃહતા!
આપણું જીવનપુષ્પ પણ એવું જ ખીલે ને સુગંધિત બને તો!
(‘અમરભારતી’ ના આધારે)
– * –