Hoon Parmatma (Gujarati). Pravachan: 45.

< Previous Page  


Combined PDF/HTML Page 13 of 13

 

Page 230 of 238
PDF/HTML Page 241 of 249
single page version

background image
૨૩૦] [હું
પણ તું સર્વજ્ઞસ્વભાવી છો, દશામાં ભલે અલ્પદર્શન હો પણ સર્વદર્શિત્વ સ્વભાવ
અંદરમાં છે, પર્યાયમાં ભલે અલ્પવીર્ય છે પણ આત્મા અનંતવીર્યનું ધામ છે, પર્યાયમાં
રાગ-દ્વેષની વિપરીતતા હોવા છતાં આત્મા વીતરાગ આનંદનો કંદ છો. તું નાનો નથી
ભાઈ! તું મોટો છો. તું પોતે અર્હંતસ્વરૂપે બિરાજમાન છો વિશ્વાસ કર!
આત્મદરબારમાં અનંતા...અનંતા ગુણો સદાય શક્તિરૂપે બિરાજમાન છે. તે એક
એક ગુણની અનંત પર્યાય તો છે પણ તેની શક્તિ પણ અનંત છે. ભાઈ! આવો જ
વસ્તુનો સ્વભાવ છે કાંઈ કલ્પનાથી વાત વધારીને તને કહેતાં નથી. વસ્તુ જેવી છે
તેવી તને કહીએ છીએ.
મુનિરાજ કહે છે સિદ્ધનું ધ્યાન કર! એટલે કે તારા સિદ્ધસ્વરૂપનું ધ્યાન કર-તેમાં
એકાગ્રતા કર! એટલે કે સમ્યક્ શ્રદ્ધા-જ્ઞાન અને ચારિત્ર પ્રગટ કર!
તું આચાર્યનું ધ્યાન કર! અંતરમાં પંચાચારનું પાલન કરવું તે આચાર્યપણું છે.
બહારમાં શિષ્યોને શિક્ષા-દીક્ષા દેવાના ભાવ આવે તે આચાર્યપણું નથી. એ તો રાગ છે.
આચાર્ય તે વીતરાગીપર્યાયે પરિણમેલું પદ છે. એવી પર્યાયો પણ તારા અંતરમાં છે માટે
તું આચાર્યનું ખરું સ્વરૂપ ઓળખી તેમાં લીન થઈ જા, તો તું પોતે આચાર્ય બની
જઈશ. ઉપાધ્યાય સ્વરૂપ પણ તું જ છો ભાઈ! વીતરાગી દ્રવ્ય, વીતરાગી ગુણ અને
ગુણસ્થાન પ્રમાણે પ્રગટેલી વીતરાગી પર્યાય સહિતનું દ્રવ્ય તે ઉપાધ્યાય છે. એવા
ઉપાધ્યાય સ્વરૂપ આત્માનું ધ્યાન કરવું.
જે પૂર્ણ સ્વભાવને સાધે છે તે ‘સાધુ’ છે. સાધુને ૨૮ મૂળગુણનો રાગ છે પણ
તે રાગ સ્વભાવને સાધતો નથી. સ્વભાવને સાધે એવી વીતરાગી પર્યાય તું પ્રગટ કર!
કાલે રાત્રે સરસ પ્રશ્ન થયો હતો કે કેવળી કોનું ધ્યાન કરે છે? કેવળીને તો મોહ
નથી અને પદાર્થોનું જ્ઞાન પૂરું છે તો ધ્યાન કોનું? ભાઈ! એ તો અનંત અતીન્દ્રિય
આનંદને અનુભવે છે ને! એ જ તેનું ધ્યાન કહો કે અનુભવ કહો, એક જ છે.
પ્રવચનસારની જ્ઞેય અધિકારની છેલ્લી ગાથાઓમાં આ વાત આવે છે.
આ બધી સત્ વસ્તુની વાત છે, કલ્પના નથી. ષટ્ખંડાગમમાં પહેલી જ વાત
લખી છે કે’ સત્પદ્ પ્રરૂપણા’ જે છતા-સત્ પદાર્થ છે તેનું વાણીમાં કથન કરીએ છીએ.
ભગવાન આત્મા અકષાય વીતરાગરસથી ભરપૂર છે તેથી તેની પ્રાપ્તિ પણ
વીતરાગદશા દ્વારા જ થાય છે. રાગથી વીતરાગસ્વભાવ પ્રાપ્ત ન થાય. આત્મા
પંચપરમેષ્ઠી સ્વરૂપ છે તેથી આત્માનું ધ્યાન કરતાં તેમાં પાંચેય પરમેષ્ઠીનું ધ્યાન
ગર્ભીત છે.
અર્હંતનું લક્ષ કરતાં સમવસરણ અને વાણી આદિ લક્ષમાં ન લેતાં વીતરાગી
પર્યાયરૂપે પરિણમેલું અર્હંતનું દ્રવ્ય લક્ષમાં લેવું. સિદ્ધ તો પરિપૂર્ણ જેવું દ્રવ્ય છે તેવી જ
પર્યાયે પરિણમેલા છે, તેનું લક્ષ કરવું. આચાર્યનું લક્ષ કરતાં તેમનાં વિકલ્પ, વાણી અને
રાગથી રંજિત પરિણામ લક્ષમાં ન લેવા, પણ તેનો આત્મા જે વીતરાગી પર્યાયરૂપે
પરિણમેલો છે

Page 231 of 238
PDF/HTML Page 242 of 249
single page version

background image
પરમાત્મા] [૨૩૧
તે લક્ષમાં લેવો. એ જ રીતે ઉપાધ્યાય અને સાધુની પણ બહારની ક્રિયા લક્ષમાં ન
લેતાં માત્ર તેમની આત્મ-આરાધનાની ક્રિયા આરાધવાલાયક છે.
સમયસાર કળશનો આધાર આપ્યો છે કે આત્માનું સ્વરૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન -
ચારિત્રમય એકરૂપ છે તે જ એક મોક્ષમાર્ગ છે. નિર્વિકલ્પ મોક્ષમાર્ગ એક જ છે.
મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારે છે પણ નિશ્ચય મોક્ષમાર્ગ એક જ છે. તેથી મોક્ષના
અર્થીને ઉચિત છે કે આ એક સ્વાનુભવરૂપ મોક્ષમાર્ગનું સેવન કરે.
અજ્ઞાનીને જ્યાં સુધી મોટી દ્રષ્ટિએ મોટો ભગવાન આત્મા હાથમાં ન આવે ત્યાં
સુધી રમણતાં ક્યાં કરવી તે ખબર પડતી નથી. મોટી દ્રષ્ટિ એટલે સમ્યક્ દ્રષ્ટિ કે જે
મહાન દ્રષ્ટિ છે તેના વડે મહાન એવા ભગવાન આત્માની શ્રદ્ધા થાય ત્યારે તેમાં રમણ
ક્યાં કરવું તેનું ભાન થાય છે. આવું સમ્યગ્દર્શન થયા પછી પણ અમૃતચંદ્ર આચાર્ય ૮૦
મી ગાથામાં કહે છે કે પ્રમાદરૂપી ચોર મારી સંપદા લૂંટી ન જાય તે માટે હું સાવધાન
રહું છું-પ્રમાદ છોડીને પુરુષાર્થની કેડ બાંધીને બેઠો છું.
વીતરાગદેવ ત્રિલોકીનાથની વાણીમાં આ તત્ત્વ આવ્યું છે ભાઈ! કેવલીપણંતો
ધમ્મો શરણં’ કેવલીપ્રરૂપિત ધર્મ જ મંગલ, ઉત્તમ અને શરણ છે. આ બધું શરણ તારા
આત્મામાં જ પડયું છે ભાઈ! ભગવાનને યાદ કરવા એ તો રાગ છે પણ રાગરહિત
નિજસ્વરૂપનું શરણ લે ત્યારે ખરું અરિહંત અને સિદ્ધનું શરણ લીધું કહેવાય.
હવે ૧૦પ મી ગાથામાં યોગીન્દ્રદેવ કહે છે કે આત્મા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે.
सो सिउ संकरु विण्हु सो सो रुद् वि सो बुद्धु ।
सो जिणु ईसरु बंभु सो सो अणंतु सो सिद्धु ।। १०५।।
તે શિવ, શંકર, વિષ્ણુ ને રુદ્ર, બુદ્ધ પણ તે જ;
બ્રહ્મા, ઈશ્વર, જિન તે, સિદ્ધ, અનંત પણ તે જ. ૧૦પ.
આત્મા...આત્મા...ની વાત તો ઘણાં કહે છે પણ અહીં જે કહેવાય છે- ‘આત્મા
એક અસંખ્ય પ્રદેશી વસ્તુ છે. જેમાં આકાશના અનંતાનંત પ્રદેશ કરતાં પણ અનંતગુણા
ગુણ છે અને એટલી જ તેની પર્યાયો છે-આવો આત્મા વેદાંત આદિ કોઈ મતમાં કહ્યો
નથી. અજ્ઞાનીઓએ તો અસર્વાંશમાં સર્વાંશ માન્યું છે. અહીં તો સર્વાંશે આખી ચીજ
જેવી છે તેવી કહેવાય છે. આવો જે આત્મા છે તે પાંચ પરમેષ્ઠીરૂપે પરિણમે છે તેને જ
અહીં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કહ્યો છે.
આગળની ગાથામાં જે પંચપરમેષ્ઠીના સ્વરૂપે ધ્યાવવા યોગ્ય કહ્યો તે આત્મા જ
બ્રહ્મા, શિવ, શંકર, વિષ્ણુ, રુદ્ર, બુદ્ધ, ઈશ્વર, જિન અને અનંત છે, તેના સિવાય બીજો
કોઈ બ્રહ્મા આદિ નથી. અરે ભાઈ! આ તો વસ્તુની સ્થિતિ છે. ભગવાને જોયું બીજું
અને કહ્યું બીજું એવું નથી. છ પ્રકારના દ્રવ્યો જેવા જોયાં તેવા જ ભગવાને કહ્યાં છે.
આત્મા જ શિવ છે કેમ કે આત્માના શ્રદ્ધા, જ્ઞાન અને ધ્યાન કરવાથી કલ્યાણ થાય છે.

Page 232 of 238
PDF/HTML Page 243 of 249
single page version

background image
૨૩૨] [હું
ભગવાન આત્મા આનંદ દેનારો છે માટે આત્મા જ શંકર છે. આત્મા જ્ઞાન પ્રમાણ છે,
જ્ઞાન જ્ઞેય પ્રમાણ છે, માટે આત્મા લોકાલોક પ્રમાણ છે એટલે કે ક્ષેત્રથી નહિ પણ
કેવળજ્ઞાનની અપેક્ષાએ આત્મા લોકાલોક વ્યાપક છે માટે આત્મા જ વિષ્ણુ છે.
આત્મા જ રુદ્ર છે કેમ કે જેમ રુદ્ર બીજાનો નાશ કરે છે તેમ આત્મા આઠ
કર્મોનો નાશ કરે છે. આત્મા જ બુદ્ધ છે. એક સમયમાં પૂર્ણાનંદનો નાથ આત્મા પૂર્ણ
જ્ઞાનરૂપે પરિણમે છે અને એવી એવી અનંતી શક્તિઓ આત્મામાં રહેલી છે માટે
આત્મા જ બુદ્ધ કહેવાય. આવા આત્માને જે માનતા નથી અને ક્ષણિક પર્યાયને જ
આત્મા માને છે તે માન્યતા તદ્ન ખોટી અજ્ઞાનભાવ છે...સંસારભાવ છે.
ગાંધીજીએ શ્રીમદ્ને પ્રશ્ન કર્યો હતો કે આ બૌદ્ધ થઈ ગયા તે મોક્ષ પામ્યા છે કે
નહિ? તો શ્રીમદે્ કહ્યું કે બૌદ્ધના શાસ્ત્ર અને લખાણ જોતાં તેમને મુક્તિ હોય શકે નહિ
અને આ સિવાય બીજા કોઈ તેના અભિપ્રાય હોય તે આપણને જાણવા ન મળે ત્યાં
સુધી આપણે કેમ નક્કી કરી શકીએ? પણ એમણે જે અભિપ્રાયો કહ્યાં છે તે ઉપરથી
તો તે મુક્તિ પામ્યાં નથી. શ્રીમદ્ને ૨૭ વર્ષ થયા હતા ત્યારે ગાંધીજીએ ૨૭ પ્રશ્નો
પૂછયાં હતાં તેમાં એક આ પ્રશ્ન હતો.
જે પરમ કૃતકૃત્ય સર્વ પ્રકારની ઈચ્છાથી રહિત છે અને અવિનાશી પરમેશ્વર
શક્તિનો ધારક છે તે પરમેશ્વર પરમાત્મા જ સાચા બ્રહ્મા છે, અતીન્દ્રિય આનંદ- સ્વરૂપમાં
લીન છે અને પોતાના સ્વરૂપના કર્તા છે માટે બ્રહ્મા છે. જગતના કર્તા કોઈ બ્રહ્મા નથી.
આમ, બ્રહ્મા, વિષ્ણુ આદિ હજારો નામ લઈને ભાવના કરનારો આત્માની
ભાવના કરી શકે છે પણ સાર એ છે કે આત્માનું જેવું સ્વરૂપ છે તેવું લક્ષમાં લઈને
તેનું ધ્યાન કરવું તેનું નામ ખરેખર ધ્યાન અને સંવર-નિર્જરા છે.
જેમ નિર્મળ ક્ષીરસમુદ્રમાં નિર્મળ તરંગો જ ઊઠે છે તેમ શુદ્ધાત્મામાં સર્વ પ્રવર્તન
શુદ્ધ જ હોય છે. ભગવાન આત્મા શુદ્ધ ગુણ સ્વરૂપે છે તેની દશા થાય તે પણ શુદ્ધરૂપે
જ પરિણમે છે. જેવા ગુણ છે તેવી જ પૂર્ણ પર્યાય પ્રગટ થાય ત્યારે તેને બુદ્ધ, જિન,
ઈશ્વર આદિ નામો અપાય છે.
હવે ૧૦૬ મી ગાથામાં યોગીન્દુ મુનિરાજ કહે છે કે પરમાત્મા જેવો દેવ આ
દેહમાં પણ છે; તે દેહવાસી દેવમાં અને પરમાત્મામાં કાંઈ ફેર નથી.
एव हि लक्खण–लखियउ जो परु णिक्कलु देउ ।
देहहं मज्झहिं सो वसइ तासु ण विज्जइ भेउ ।। १०६।।
એવા લક્ષણયુક્ત જે, પરમ વિદેહી દેવ;
દેહવાસી આ જીવમાં ને તેમાં નથી ફેર.
૧૦૬.
આગળની ગાથામાં જે બ્રહ્મા, વિષ્ણુ, શિવ, શંકર આદિ લક્ષણોથી પરમાત્માનું
સ્વરૂપ કહ્યું તેના જેવો જ દેવ આ દેહમાં વસે છે. પરમાત્મામાં અને દેહવાસી દેહમાં
ખરેખર કાંઈ ફેર નથી.

Page 233 of 238
PDF/HTML Page 244 of 249
single page version

background image
પરમાત્મા] [૨૩૩
પરમાત્માનું જે સ્વરૂપ કહ્યું તેવું સ્વરૂપ પ્રભુ! તારા ગર્ભમાં પણ પડયું છે.
ભગવાન! તારા પેટમાં આવા પરમાત્મા બિરાજે છે. પર્યાયદ્રષ્ટિમાં ભલે પરમાત્મામાં
અને તારામાં ફેર હોય પણ વસ્તુદ્રષ્ટિએ તારા આ દેહવાસી દેવમાં અને નિરંજન
પરમાત્મામાં કાંઈ ફેર નથી.
એક વીતરાગી ભગવાન સિવાય એવું કોણ કહે કે ‘મારા ઉપરથી લક્ષ છોડ
અને તું તારું લક્ષ કર તો પરમાત્મા થઈશ.’ મોઢાં સામેનો કોળિયો એક ભગવાનને
ગોઠતો નથી, બીજા બધાને તો ગોઠે છે. બધાં પહેલાં પોતાના મોઢામાં કોળિયો મૂકે
પછી બીજાના મોઢામાં મૂકે ત્યારે અહીં તો ભગવાનને માન જોઈતું નથી. ભગવાન કહે
છે કે તું અમારું લક્ષ કરીશ તો તને રાગ થશે. તું તારું લક્ષ કર! અમારી ભક્તિથી
તારું કલ્યાણ નહિ થાય. તું તારો આશ્રય કર તો તારું કલ્યાણ થશે. તારા દેહમાં
પરમાત્મા જેવો જ ભગવાન બિરાજમાન છે માટે તું પરમાત્મામાં અને તારામાં ભેદ ન
જાણ!
પૂર્વોપાર્જિત દુર્નિવાર કર્મના ઉદયવશે કોઈ ઇષ્ટ
મનુષ્યનું મરણ થતાં જે અહીં શોક કરવામાં આવે છે તે
અતિશય પાગલ મનુષ્યની ચેષ્ટા સમાન છે. કારણ કે તે
શોક કરવાથી કાંઈ પણ સિદ્ધ થતું નથી પરંતુ તેનાથી
કેવળ એ થાય છે કે તે મૂઢ બુદ્ધિવાળા મનુષ્યના ધર્મ
અર્થ અને કામરૂપથી પુરુષાર્થ આદિ જ નષ્ટ થાય છે.
(શ્રી પદ્મનંદિ-પંચવિંશતિ)

Page 234 of 238
PDF/HTML Page 245 of 249
single page version

background image
૨૩૪] [હું
[પ્રવચન નં. ૪પ]
સિદ્ધપદની પ્રાપ્તિનો એક માત્ર ઉપાયઃ
નિજ–પરમાત્મદર્શન
[શ્રી યોગસાર શાસ્ત્ર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૨૭-૭-૬૬]
આ શ્રી યોગસાર શાસ્ત્ર છે. તેમાં અહીં ૧૦૬ ગાથા ચાલે છે. આગળની
ગાથામાં પાંચ પરમેષ્ઠી અને બ્રહ્મા, વિષ્ણુ, શિવ, શંકર આદિ લક્ષણોથી પરમાત્માનું
સ્વરૂપ વર્ણવ્યું. હવે યોગીન્દ્રદેવ કહે છે કે એવા જે પરમાત્મા છે તેમાં અને આ દેહવાસી
જીવમાં કાંઈ ફેર નથી.
एव हि लक्खण–लखियउ जो परु णिक्कलु देउ ।
देहहं मज्झहिं सो वसइ तासु ण विज्जइ भेउ ।। १०६।।
એવા લક્ષણયુક્ત જે, પરમ વિદેહી દેવ;
દેહવાસી આ જીવમાં ને તેમાં નથી ફેર.
૧૦૬.
આત્મામાં કર્મના નિમિત્તનાં સંબંધમાં વિવિધતા-વિચિત્રતા પર્યાયમાં છે છતાં તે
દ્રષ્ટિને-લક્ષને બંધ રાખી, વસ્તુદ્રષ્ટિએ-દ્રવ્યસ્વભાવે અસલી ચૈતન્યબિંબ આત્મા
પરમાત્મા છે એમ સાધક જીવે વસ્તુની નિશ્ચયદ્રષ્ટિ કરવી.
વ્યવહારનયથી જીવની પર્યાયમાં એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીમાં જે અનેક
પ્રકારના ભેદો છે તેને જ્ઞાનમાં જાણવા. એ ભેદો પર્યાયમાં પણ નથી એમ નથી પણ
દ્રવ્યસ્વભાવમાં એ કોઈ ભેદો નથી. દ્રવ્યસ્વભાવે આત્મા પરમાત્મા જ છે એમ નિશ્ચય
કરવો. જે કાંઈ ભેદ દેખાય છે તે વ્યવહારથી છે પણ પરમાર્થ વસ્તુદ્રષ્ટિએ જોતાં વસ્તુમાં
એ કોઈ ભેદો નથી.
વ્યવહારના બધા ભેદોનો અભાવ કરીને નહિ પણ તેને ગૌણ કરીને જેમ
સાધકજીવ પોતાને સ્વભાવે શુદ્ધ પરિપૂર્ણ જુએ છે તેમ દરેક જીવને શુદ્ધ પરિપૂર્ણ
પરમાત્મા તરીકે જોવા. કારણ કે સમભાવ એ જ મોક્ષનો ઉપાય છે. વસ્તુ એક જ્ઞાનઘન
શુદ્ધ જ છે એમ અંતરમાં જોવું, જાણવું અને અનુભવવું તે મોક્ષનો ઉપાય છે.
જે કોઈ પોતાના શુદ્ધ સ્વરૂપના અનુભવથી છૂટીને પરભાવમાં આત્મપણાની
કલ્પના કરે છે એટલે કે ભગવાન આત્મા જ્ઞાતા-દ્રષ્ટા, શુદ્ધ આનંદકંદની દ્રષ્ટિ છોડીને
વર્તમાન અલ્પજ્ઞ-પરિણામ અને પુણ્ય-પાપના પરિણામમાં આત્મબુદ્ધિ કરે છે તે
સ્વરૂપથી ભ્રષ્ટ થાય છે અને મિથ્યાત્વ, કષાયાદિને ગ્રહણ કરે છે.

Page 235 of 238
PDF/HTML Page 246 of 249
single page version

background image
પરમાત્મા] [૨૩પ
‘હું અસંખ્ય પ્રદેશી છું’ એવું લક્ષ કરવું તે પણ ભેદ છે, વિકલ્પ છે, તેથી જ
પંચાસ્તિકાયમાં તો લીધું છે કે હું એક પ્રદેશી એકરૂપ વસ્તુ છું. અસંખ્યપ્રદેશ હોવાં છતાં
વસ્તુ અભેદ છે પણ તેનો અર્થ એમ નથી કે આત્મા અસંખ્યપ્રદેશી છે તે વ્યવહારથી
છે. અસંખ્ય પ્રદેશ તો નિશ્ચયથી છે પણ તેનો ભેદ-વિચાર કરવો તે વ્યવહાર છે. ૪૭
શક્તિમાં એક ‘નિયતપ્રદેશત્વ’ શક્તિ છે એટલે અસંખ્ય પ્રદેશ નિયત છે. પણ
અભેદદ્રષ્ટિમાં ભેદ દેખાતા નથી. અભેદમાં ભેદ નથી એમ નથી પણ અભેદદ્રષ્ટિમાં
ભેદનું લક્ષ કરે તો વિકલ્પ ઊઠે અને રાગ થાય તો અભેદ્રષ્ટિ જ રહેતી નથી.
એકે એક વાતની ચોખવટ કરીને આચાર્યદેવે સત્ને ઘણું સ્પષ્ટ કર્યું છે. અસંખ્ય
પ્રદેશમાં આત્માના અનંત ગુણો પથરાયેલા છે. એક પ્રદેશનો બીજા પ્રદેશમાં અભાવ છે.
વ્યવહારને ભૂલી જવાનો નથી પણ ગૌણ કરીને સ્વભાવની દ્રષ્ટિ કરવાની છે.
વ્યવહારનો અભાવ કરે તો તે વસ્તુ જ ન રહે. વીતરાગશાસન આવું છે ભાઈ!
હવે ૧૦૭ મી ગાથામાં મુનિરાજ કહે છે કે આત્માનું દર્શન જ સિદ્ધ થવાનો ઉપાય છે.
जे सिद्धा जे सिज्झिहिं जे सिज्झहि जिण–उत्तु ।
अप्पा–दंसणि ते वि फुडु एहउ जाणि णिभंतु ।। १०७।।
જે સિદ્ધયા ને સિદ્ધશે, સિદ્ધ થતાં ભગવાન;
તે આતમદર્શન થકી, એમ જાણ નિર્ભ્રાન્ત.
૧૦૭.
જે કોઈ સિદ્ધ થઈ ગયા, ભવિષ્યમાં થશે અને વર્તમાનમાં મહાવિદેહમાંથી સિદ્ધ
થઈ રહ્યાં છે તે બધા આત્મદર્શનથી જ મુક્તિ પામે છે. મુનિરાજે ત્રણેય કાળની વાત લઈ
લીધી છે. અનંત સિદ્ધ થયા, અનંત સિદ્ધ થશે અને વર્તમાનમાં સિદ્ધ થાય છે તે બધા
આત્મઅનુભવથી જ થાય છે. ત્રણેય કાળમાં એક જ માર્ગ છે એ વાત આમાં આવી ગઈ.
‘એક હોય ત્રણકાળમાં, પરમારથનો પંથ’ આ વાતને સંદેહ રહિતપણે તું માન!
મોક્ષ એ આત્માનો પૂર્ણ સ્વભાવ છે અને મોક્ષમાર્ગ એ તે જ સ્વભાવના
શ્રદ્ધાન, જ્ઞાનનો અનુભવ છે. પૂર્ણ સ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન અને શાંતિ દ્વારા અનુભવ
કરવો તે મોક્ષમાર્ગ છે.
અનુભવ રત્નચિંતામણિ, અનુભવ હૈ રસકૂપ;
અનુભવ મારગ મોક્ષનો, અનુભવ મોક્ષસ્વરૂપ.
વસ્તુ ત્રિકાળ મુક્તસ્વરૂપ જ છે તેને બંધ કેવો અને આવરણ કેવા? એવા મુક્ત
સ્વભાવનું શરણ લેતાં જે અનુભવ થાય તે મોક્ષમાર્ગ છે.
પોતાનો આત્મા જ સાધ્ય છે અને પોતાનો આત્મા જ સાધક છે. ઉપાદાન કારણ
કાર્યરૂપ થઈ જાય છે એટલે શુદ્ધ ઉપાદાન સ્વભાવ પોતે જ પરિણમીને પૂર્ણાનંદની
પ્રાપ્તિરૂપી કાર્યને પામે છે. વજ્રવૃષભનારાચ સંહનન અને મનુષ્યપણું કાંઈ કેવળજ્ઞાનના
કાર્યરૂપે પરિણમતું

Page 236 of 238
PDF/HTML Page 247 of 249
single page version

background image
૨૩૬] [હું
નથી. આત્મા પોતે જ અંતરમાં એકાકાર થઈ પરિણમતો...પરિણમતો પૂર્ણ કાર્યરૂપે
પરિણમી જાય છે.
પંચાસ્તિકાયમાં સુવર્ણનું દ્રષ્ટાંત આપ્યું છે કે સુવર્ણને શુદ્ધ થવામાં અગ્નિ તો
નિમિત્ત છે પણ સુવર્ણ પોતે જ શુદ્ધ થતું થતું સોળવલું સુવર્ણ થઈ જાય છે. તેમ
આત્માના મોક્ષ માટે આત્માની શ્રદ્ધા, જ્ઞાન અને અનુભવ જ મોક્ષમાર્ગ છે. ઉપાદાન
પોતે જ કાર્યરૂપે પરિણમી જાય છે. સાથે નિમિત્ત-વ્યવહાર હોય છે તેની ના નથી પણ
તેનું લક્ષ છોડે-આશ્રય છોડે, ત્યારે જ મોક્ષમાર્ગની શરૂઆત છે.
આત્માનું દર્શન અથવા આત્માનો અનુભવ એ જ મોક્ષની સીધી સડક છે. જેમ
સીમંધર ભગવાન ક્યાં બિરાજે છે?-આ (-પૂર્વ દિશામાં) સીધા ભગવાન બિરાજે છે,
તેમ સિદ્ધપણાની પર્યાયની સીધી સડક આત્માની શ્રદ્ધા-જ્ઞાન અને શાંતિપૂર્વક અનુભવ
કરવો તે છે. મોક્ષમહેલના પૂર્ણકાર્ય સુધી કારણ ચાલ્યું જાય છે.
જેમ અહીંથી સીધી સડક પાલીતાણા શત્રુંજયની તળેટી સુધી જાય છે તેમ
આત્માના શ્રદ્ધા-જ્ઞાન અને અનુભવરૂપ સીધી સડક સિદ્ધદશાના મોક્ષમહેલ સુધી જાય
છે. આ બધાં દ્રષ્ટાંતો સિદ્ધાંતને સિદ્ધ કરવા માટે દેવાય છે.
રાગ અને નિમિત્તનું અનુસરણ છોડીને ભગવાન આત્માને અનુસરતી શ્રદ્ધા-
જ્ઞાન-અનુભવની સીધી સડક સિદ્ધદશાના મહેલ સુધી પહોંચે છે. મોક્ષમહેલમાં જવાની
આ સિવાય બીજી કોઈ સડક જ નથી ગલી પણ નથી.
સાક્ષાત્ પરમાત્માની ભક્તિ પણ જીવને મોક્ષમહેલમાં પહોંચાડતી નથી.
શ્રોતાઃ- તો પછી ભગવાનની ભક્તિ કરે કોણ?
પૂજ્ય ગુરુદેવઃ- જ્યાં સુધી વીતરાગ થાય નહિ ત્યાં સુધી પૂર્ણાનંદના આશ્રયની
પરિણતિ હોવા છતાં એવો શુભભાવ આવ્યા વગર રહેતો નથી. અશુભથી બચવા
શુભભાવ આવ્યા વગર રહેતો નથી એમ કહેવાય પણ ખરેખર તો તે કાળે તે શુભભાવ
આવ્યા વગર રહેતો નથી-એવી જ વસ્તુસ્થિતિ છે.
દ્રવ્ય અનંત ગુણસાગરનો પિંડ છે અને તે ગુણોનું પરિણમન તે પર્યાય છે.
દ્રવ્યદ્રષ્ટિથી જુઓ તો પરમપારિણામિક ત્રિકાળ ધ્રુવ છે, કૂટસ્થ છે અને પર્યાયદ્રષ્ટિથી
જુઓ તો ઉત્પાદ-વ્યય તે ધ્રુવનું પરિણમન છે. દ્રવ્યદ્રષ્ટિથી દ્રવ્ય પરિણમતું નથી. તેથી જ
તેને સદ્રશ કહ્યું છે એટલે જેવું છે તેવું જ ત્રિકાળ રહે છે. પરિણમે છે તે પર્યાય છે. દ્રવ્ય
તો અપરિણામી છે, પર્યાય તેનું લક્ષ કરે છે. અનિત્ય પર્યાય વડે ધ્રુવનું લક્ષ થાય છે.
ખરેખર તો નિશ્ચયનું સ્વરૂપ જ ધ્રુવ છે. ઉત્પાદ્-વ્યય છે તે બધો વ્યવહારનો
વિષય છે અને બીજી રીતે કહીએ તો પારિણામિક છે તેની આ પર્યાય છે પણ તે
વ્યવહારનયની અપેક્ષાએ છે. પારિણામિક સ્વભાવ છે તે તો ત્રિકાળ એકરૂપ છે, તેમાં
કાંઈ ઓછું નથી, વિશેષ નથી, ભેદ નથી અને પરિણમન પણ નથી પણ તેનું લક્ષ
પર્યાયથી થાય છે. લક્ષ કરનાર પર્યાય છે અને લક્ષ દ્રવ્યનું છે. આમ સદ્રશ વસ્તુ તે
નિશ્ચયનયનો વિષય છે. વિસદ્રશ

Page 237 of 238
PDF/HTML Page 248 of 249
single page version

background image
પરમાત્મા] [૨૩૭
એવા ઉત્પાદ-વ્યય તે વ્યવહારનયનો વિષય છે અને તે બન્ને સાથે હોય તે પ્રમાણનો
વિષય છે.
બીજના ચંદ્રમાની માફક ચોથા ગુણસ્થાને અંશે અનુભવ હોય છે તે વધતો
વધતો પૂનમના ચંદ્રની માફક પૂર્ણ અનુભવને પ્રાપ્ત થાય છે. આવો મોક્ષમાર્ગ સાધકને
વર્તમાનમાં આનંદદાયક છે અને ભવિષ્યમાં પણ અનંત સુખનું કારણ છે. સમ્યગ્દર્શન-
જ્ઞાન-ચારિત્ર ત્રણેય આનંદમૂર્તિ છે. તે વર્તમાન આનંદદાયક છે અને ભવિષ્યમાં અનંત
આનંદદાયક છે.
હવે અંતિમ ૧૦૮ માં શ્લોકમાં ગ્રંથકર્તા પોતાની ભાવના વર્ણવે છે.
संसारह भय भीयएण जोगिचन्द–मुणिएण ।
अप्पा–संबोहण कया दोहा इक्क–मणेण ।। १०८।।
સંસારે ભયભીત જે, યોગીન્દુ મુનિરાજ;
એકચિત્ત દોહા રચે, નિજ સંબોધન કાજ. ૧૦૮.
શરૂઆતના શ્લોકમાં કહ્યું હતું કે ભવભીરૂ જીવોના સંબોધન માટે હું આ કાવ્ય
રચું છું અને અહીં કહ્યું છે કે મારા આત્માના સંબોધન માટે મેં આ રચના કરી છે કે હે
આત્મા! તું પરમાનંદમૂર્તિ છો તેમાં સ્થિર થા...તેમાં સ્થિર થા...તેમાં સ્થિર થા. દ્રષ્ટિ
અને જ્ઞાન તો થયા છે પણ હવે તેમાં પૂર્ણપણે સ્થિર થા. એવા સંબોધન માટે મેં આ
શાસ્ત્ર રચ્યું છે એમ આચાર્યદેવે લીધું છે.
જેને ચારગતિરૂપ સંસારનો ભય લાગ્યો છે તેને માટે આ વાત છે ભાઈ!
દુઃખનો ડર લાગ્યો છે તેને માટે ન લખ્યું પણ સંસાર શબ્દે ચારેય ગતિનો જેને થાક
લાગ્યો હોય તેને માટે આ વાત છે. એકલા દુઃખથી કંટાળે છે તેને તો દ્વેષ છે, તેને
દેવગતિના સુખની ઇચ્છા છે, તેને માટે આ વાત નથી.
ભગવાન આત્માના આનંદની બહાર નીકળતાં જે શુભાશુભભાવ થાય તેનું ફળ
સંસાર છે તે બધો સંસાર દુઃખરૂપ છે. સર્વાર્થસિદ્ધિના ભવનો ભાવ પણ દુઃખરૂપ છે.
યોગીન્દ્રદેવે પોતાના આત્માના સંબોધન માટે આ દોહાની રચના કરી છે એમ
નિમિત્તથી કથન છે. દોહાના રજકણના સ્કંધની ક્રિયા તો સ્વતંત્ર તેનાથી થઈ છે, તેના
કર્તા મુનિરાજ નથી. એમ મુનિરાજ પોતે જ પોકારીને કહે છે, પણ તે દોહા રચાયા
ત્યારે મારો વિકલ્પ નિમિત્ત હતો એમ અહીં કહે છે ખરેખર તો એ વિકલ્પમાં પણ હું
નથી; મને તો તેનું માત્ર જ્ઞાન થયું છે. સ્વ-પરની વાર્તા કરવાની તાકાત શબ્દમાં છે,
મારા ભગવાન આત્માના ભાવ તો તેને અડતા પણ નથી.
ત્રણકાળ ત્રણલોકમાં ભગવાન આત્માનો સ્વભાવ એકરૂપ છે. વિકાર કરવાનો
પણ સ્વભાવમાં કોઈ ગુણ નથી. રાગનો અને પરનો આત્મા અકર્તા અને અભોક્તા છે.
એવો જ તેનામાં અકર્તૃત્વ અને અભોકતૃત્વ નામનો ગુણ છે. જો રાગને કરવા-
ભોગવવાનો આત્મામાં ગુણ હોય તો તો ત્રણકાળમાં ક્યારેય આત્માની મુક્તિ ન થાય.
સમ્યગ્દર્શન પણ ન થાય.

Page 238 of 238
PDF/HTML Page 249 of 249
single page version

background image
૨૩૮] [હું
યોગીન્દુ મુનિરાજ કહે છે કે મને ભવભ્રમણનો ભય છે. જુઓ! પહેલાંનાં સંતો
પણ ભવભીરૂ હતા. ત્રણજ્ઞાનના ધણી તીર્થંકર જેવા પણ સંસારને પૂંઠ દઈને ભાગ્યા છે,
જેમ પાછળ વાઘ આવતો હોય ને માણસ કેવો ભાગે? તેમ સંતો ભવભ્રમણના ભાવથી
ભાગ્યા છે.
સંયોગો અનુકૂળ હોય તો મને મજા, પ્રતિકૂળતા હોય તો મને દુઃખ, શુભભાવમાં
લાભ છે, એવા જે ભાવ છે તે મિથ્યાત્વનું ગાંડપણ છે. તેમાં જીવ પોતાના અતીન્દ્રિય
સુખને ઓળખી શક્તો નથી અને ઇન્દ્રિયસુખનો જ લોલુપી રહે છે. તેથી ઇન્દ્રિય
વિષયોની અનુકૂળ સામગ્રીમાંથી પ્રેમ છૂટતો નથી અને તેની પ્રતિકૂળ સામગ્રીમાંથી દ્વેષ
છૂટતો નથી. આમ મિથ્યાદ્રષ્ટિ જ્ઞેયના બે ભાગ પાડીને રાગ-દ્વેષ કરે છે, જાણનાર
રહેતો નથી તેથી દુઃખી થાય છે.
બહારની અનુકૂળતામાં ઉલ્લસિત વીર્ય છે તે આત્માનો રોગ છે. તે રોગ
ટાળવાનો ઉપાય તે આત્માનું શરણ છે. આચાર્ય કહે છે મને સંસારનો ભય છે, મને
રાગ-દ્વેષ વિકારનો ભય છે. હું તેમાં પડવા માંગતો નથી. હું તો રાગ-દ્વેષ રહિત
સ્વભાવમાં રહેવા માંગું છું.
આત્મિક આનંદનો જ ભોગવટો કરવા જેવો છે. નિરાકુળ અતીન્દ્રિય સુખ જ
ભોગવવા લાયક છે એવી શુદ્ધ આત્માની ભાવના કરીને આચાર્યે પોતાના આત્માનું
હિત કર્યું છે અને શબ્દોમાં ભાવોની સ્થાપના કરીને જે દોહાની રચના કરી છે તે
પાઠકોના ઘણા ઉપકારનું નિમિત્ત છે.
આ ગ્રંથની વાત પૂરી થઈ. હવે સમયસારનો ત્રીજો કળશ આપ્યો છે તેમાં
અમૃતચંદ્ર આચાર્ય કહે છે કે પર્યાયમાં નિમિત્તનું લક્ષ હોવાથી મારી પરિણતિ અનાદિથી
કલ્માષિત મેલી છે તે આ ટીકા કરતાં શુદ્ધ થઈ જાઓ એવી મારી ભાવના છે. સ્વરૂપ
તરફના વલણથી મારી પરિણતિ વીતરાગી થઈ જાય, પરમ શાંતરસથી વ્યાપ્ત થઈ જાય,
સમભાવમાં તન્મય થઈ જાય અને સંસારમાર્ગથી છૂટી મોક્ષમાર્ગીર્ થઈ જાય એવી
ભાવના છે. ટીકાના કાળમાં મારો આત્મા આવી ભાવના રાખે છે.
મંગલમય અરહંતકો, મંગલ સિદ્ધ મહાન,
આચારજ, પાઠક, યતિ, નમૂં નમૂં સુખદાન.
પરમ ભાવ પરકાશકા કારણ આત્મવિચાર,
જિંહ નિમિત્તસે હોય સો વંદનિક વારંવાર.
પાંચેય પરમેષ્ઠી મંગલસ્વરૂપ છે. તેમને હું નમસ્કાર કરું છું. આત્માનો અનુભવ
તે પરમભાવનો પ્રકાશ કરવાનું કારણ છે, તેમાં જે નિમિત્ત છે તેમને હું વારંવાર વંદું
છું-એમ કહીને ગ્રંથ પૂરો કર્યો છે. [સમાપ્ત]
શ્રી યોગસાર રહસ્ય પ્રકાશનહાર, અધ્યાત્મ યોગી, અતીન્દ્રિય જ્ઞાન-આનંદ-
ભોગી શ્રી સદ્ગુરુદેવનો જય હો...જય હો.
સમાપ્ત