PDF/HTML Page 3041 of 4199
single page version
વા બીજી કોઈ ચીજ કરે એ વસ્તુસ્વરૂપ નથી. કોઈ હોશિયાર માણસ હોય ને તે નામું લખે તો મોતીના દાણા જેવા અક્ષરો લખે. અહીં કહે છે-તે અક્ષરો જે લખાયા તે અજીવ- પરમાણુઓની અવસ્થા તે તે પરમાણુઓથી થઈ છે, જીવથી તે અક્ષરોની અવસ્થા થઈ નથી; તથા કલમથીય તે થઈ નથી. આવી વાત છે.
જુઓ, પરમાણુનો સ્કંધ હોય છે તેમાં બે-ગુણ ચીકાશવાળો પરમાણુ, ચારગુણ ચીકાશવાળા પરમાણુ સાથે સ્કંધમાં ભળે ત્યારે તે પરમાણુ ચારગુણ ચીકાશવાળો થઈ જાય છે. તે ચારગુણ ચીકાશવાળી પર્યાય તે પરમાણુમાં તે કાળે પોતાથી થવાની હતી તે થઈ છે, તેનો કર્તા બીજો પરમાણુ નથી. ચારગુણ ચીકાશવાળા પરમાણુ સાથે તે ભળ્યો માટે તેની ચારગુણ ચીકાશવાળી પર્યાય થઈ છે એમ નથી. એક પરમાણુમાં બે ગુણ સ્પર્શની પર્યાય હોય અને બીજા પરમાણુમાં ચારગુણ સ્પર્શની પર્યાય હોય. તે બન્ને ભેગા થાય ત્યાં બે ગુણવાળો પરમાણુ ચારગુણવાળી પર્યાયરૂપે પરિણમી જાય છે; પણ તે પર્યાય પોતાથી થઈ છે. બે ગુણ, ત્રણ ગુણ, અસંખ્ય ગુણ, અનંતગુણરૂપ સ્પર્શ, રસ, ગંધ, વર્ણની પર્યાય જે સમયે જે થવાની હોય તે પોતાથી થાય છે; બીજા પરમાણુને લીધે તે પર્યાય થતી નથી; બીજા પરમાણુની ત્યાં કોઈ અસર કે પ્રભાવ પડે છે એમ નથી. ભાઈ! સમયસમયની પર્યાય જે જે થવાની હોય તે તે કાળે તે જ થાય છે, એમાં બીજાની અપેક્ષા નથી, જરૂર નથી. અહો! આવું પર્યાયનું તત્ત્વ નિરપેક્ષ છે! દ્રવ્ય અને ગુણની તો શું વાત? ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય તો પર્યાય વિનાનું પરમ નિરપેક્ષ તત્ત્વ છે. અહા! આવા પરમ નિરપેક્ષ તત્ત્વ ઉપર આની દ્રષ્ટિ જાય તે આ સમજવાનું તાત્પર્ય અને ફળ છે. ક્રમબદ્ધને સમજવાનું તાત્પર્ય આ છે બાપુ!
ત્યારે કોઈ વળી એમ પણ કહે છે કે-ક્રમબદ્ધ જે થવાનું હશે તે થશે, માટે આપણે હાથ જોડીને બેસી રહીએ.
પણ ભાઈ! હાથ જોડે કોણ અને બેસી રહે કોણ? બાપુ! એ તો બધી શરીરની અવસ્થાઓ પોતપોતાના કારણે પોતાના કાળે થાય છે. તેનો તું કર્તા થવા જા’છ એ તો તારી મિથ્યાબુદ્ધિ છે. અને તે તે વિકલ્પનો કર્તા થાય એ પણ મિથ્યાભાવ, અજ્ઞાનભાવ છે.
અહીં તો આ સિદ્ધાંત છે કે પરમાણુ આદિ અજીવની પર્યાય અજીવથી જ થાય છે, જીવથી નહિ અને બીજી ચીજથીય નહિ. આ ચોખા પાણીમાં ચડે છે ને? તે ઉના-ઉકળતા પાણીથી ચડે છે એમ કોઈ કહેતું હોય તો અહીં કહે છે એ બરાબર નથી. ચોખા, જ્યારે તેનો ચડવાનો કાળ છે ત્યારે સ્વયં તે-રૂપે ક્રમબદ્ધ પરિણમી જાય છે. ચોખા ચડે ત્યારે પાણી હો ભલે; પાણી નથી એમ વાત નથી, પણ પાણી
PDF/HTML Page 3042 of 4199
single page version
તેની પોતાની સત્તામાં રહ્યું છે. ચોખાની પર્યાયની સત્તામાં પાણીની પર્યાયની સત્તા જતી નથી. માટે, પાણીના કર્તાપણા વિના જ, ચોખા પોતાની પર્યાયની યોગ્યતાથી તે કાળે ચડી જાય છે. પોતાની પર્યાયોના ક્રમમાં નિયત સમયે તે ચોખાની ચડવાની પર્યાય ઉત્પન્ન થાય છે, બીજો તેનો કર્તા નથી-પાણીય નહિ અને કોઈ બાઈ પણ નહિ. લ્યો, આવી વાત છે!
આ તો વીતરાગનો મારગ બાપા! આ તો જ્ઞાતા-દ્રષ્ટા થવાની રીત પ્રભુ! કહે છે-જીવ દ્રવ્યનું અજીવ કાંઈ ન કરે, અને અજીવ દ્રવ્યનું જીવ દ્રવ્ય કાંઈ ન કરે. અહાહા...! છએ દ્રવ્ય ક્રમબદ્ધ એવા પોત-પોતાના પરિણામોથી ઉપજે છે. પ્રત્યેક દ્રવ્યમાં જે સમયે જે પર્યાય થવાની હોય તે તે સમયે થાય છે. અને તે એની કાળલબ્ધિ છે. સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષામાં છએ દ્રવ્યની પ્રતિસમય થતી પર્યાયને કાળલબ્ધિ કહેલ છે. જે સમયે જે દ્રવ્યમાં જે પર્યાય થાય તે તેની કાળલબ્ધિ છે.
જુઓ, પાણીમાં લીલો રંગ નાખીએ તો લીલી પર્યાય થાય, પીળો રંગ નાખીએ તો પીળી પર્યાય થાય અને કાળો રંગ નાખીએ તો કાળી પર્યાય થાય ત્યાં પાણીની તે તે પર્યાય જે થવાની હોય તે પાણીથી ક્રમબદ્ધ થાય છે; તે પર્યાય બીજા પદાર્થથી (રંગથી) થાય છે એમ નથી.
આપ કહો છો-પાણી અગ્નિથી ઉનું થતું નથી; પરંતુ વિના અગ્નિ પાણી ઉનું થાય નહિ એમ પ્રત્યક્ષ દેખાય છે ને?
સમાધાનઃ– અરે ભાઈ! તું સંયોગથી જુએ છે; વસ્તુના સહજ પરિણમન- સ્વભાવની દ્રષ્ટિથી જુએ તો જણાય કે પાણી જ પોતે ક્રમબદ્ધ ઉપજતું થકું ઉષ્ણપર્યાયરૂપે થાય છે, તેમાં અગ્નિનું કાંઈ કાર્ય નથી. ભાઈ! પાણીમાં ઉનું થવાની અવસ્થાનો તે કાળ છે તેથી ઉનું થયું છે. તે કાળે અગ્નિ છે ખરી, પણ અગ્નિ પોતાની સત્તા છોડી પાણીમાં ક્ય ાં પ્રવેશે છે? એક સત્તા બીજી સત્તામાં જાય એ વસ્તુસ્વરૂપ જ નથી. ભાઈ! એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અત્યંત અભાવ છે અને એક પરમાણુની પર્યાયનો બીજા પરમાણુની પર્યાયમાં અન્યોન્ય અભાવ છે. આ વસ્તુસ્વરૂપ છે.
ચાર પ્રકારના અભાવ છે ને? ૧. અત્યંત અભાવ ૨. અન્યોન્ય અભાવ ૩. પ્રાગ અભાવ ૪. પ્રધ્વંસાભાવ એમાં અગ્નિ અને પાણી વચ્ચે અન્યોન્ય અભાવ છે. તેઓ પરસ્પર પ્રવેશતાં નથી. ભાઈ! આ વાત સમજવા ખૂબ ધીરજ કેળવવી જોઈએ.
PDF/HTML Page 3043 of 4199
single page version
જુઓ, શાસ્ત્રમાં આવે છે કે- ભગવાનની દિવ્યધ્વનિ ગર્જે છે તે બાર બાર જોજનમાં સંભળાય છે. મનુષ્ય, દેવ અને તિર્યંચ-એમ ત્રણ પ્રકારના જીવો આ ૐધ્વનિ સાંભળવા સમોસરણમાં આવે છે. નારકી જીવો આવી શકતા નથી. તે ભગવાનની વાણી અનક્ષરી હોય છે અને સૌ પોતપોતાની ભાષામાં સમજે છે. અહાહા...! સભામાં બેઠેલાં તિર્યંચ પણ પોતાની ભાષામાં સમજી જાય કે ભગવાન આમ કહે છે. અહા! આ ૐધ્વનિ પણ, અહીં કહે છે, તે કાળે તે-રૂપે થવાયોગ્ય ભાષાવર્ગણાનું ક્રમબદ્ધ પરિણમન છે. ભાષાવર્ગણાનો ૐધ્વનિરૂપે તે કાળે પરિણમવાનો કાળ હતો તો તે ૐધ્વનિરૂપે થાય છે, ભગવાન તેના કર્તા છે વા ભગવાનના કારણે તે વાણી નીકળે છે એમ નથી. જુઓ, અહીં શું કહે છે? કે અજીવ પણ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતું થકું અજીવ જ છે, જીવ નથી. ભાઈ! આ તો સિદ્ધાંત છે કે અજીવ પદાર્થ ક્રમે પોતાની અવસ્થાપણે થાય- ઉપજે તેમાં જીવનું કાંઈ કર્તવ્ય નથી. કોઈ બીજી ચીજની અસરપ્રભાવથી તે પદાર્થના પરિણામ થાય છે એમ ત્રણકાળમાં નથી.
અરે! અજ્ઞાની જીવ તો જ્યાં હોય ત્યાં ‘આ મેં કર્યું, મેં કર્યું’ -એમ પરના કર્તાપણાનું મિથ્યા અભિમાન કરે છે. એક પદમાં કહ્યું છે ને કે-
“હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે.” કુતરું ગાડા નીચે ચાલતું હોય અને ઠાઠું ઉપર અડતું હોય એટલે કુતરું માને કે ગાડું હું ચલાવું છું. તેમ અજ્ઞાની જીવ દુકાનના થડે બેઠો હોય અને માલની લે-વેચ થાય અને પૈસાની લેતી-દેતી થાય ત્યાં એ જડમાં થતી ક્રિયા હું કરું છું, એ બધી જડની અવસ્થાઓનો કારોબાર હું ચલાવું છું એમ તે માને છે. પણ એ બધો એનો દુઃખદાયક ભ્રમ છે, કેમકે જડની ક્રિયામાં ચેતનનો પ્રવેશ જ નથી.
કોઈ ડોકટર દર્દીને ઈન્જેકશન આપે અને એને રોગ મટી જાય. ત્યાં તે એમ માને કે મેં એના રોગને મટાડયો તો એ તેનો ભ્રમ છે; કેમકે રોગની અને નિરોગની અવસ્થાએ તો શરીરના પરમાણુ સ્વયં ક્રમબદ્ધ ઉપજ્યા છે, ડોકટર તો શરીરને અડતોય નથી તે શરીરનું શું કરે? વાસ્તવમાં તો ડોકટર ઇન્જેકશન દેય નહિ અને શરીરનો રોગ મટાડેય નહિ. એ તો બધી જડની અવસ્થાઓ જડથી તે તે કાળે પ્રગટ થાય છે. આવું જ વસ્તુસ્વરૂપ છે.
પ્રવચનસારની ૧૬૦ મી ગાથામાં કહ્યું છે કે-હું શરીર, મન, વાણી નથી; હું શરીર, મન, વાણીનું કારણ નથી. તેમનો કર્તા નથી. કારયિતા નથી તથા કર્તાનો અનુમોદક પણ નથી. અહાહા....! શરીર-મન-વાણીની જે જે ક્રિયાઓ -અવસ્થાઓ થાય તે મારા (-જીવના) કારણે થાય એમ છે નહિ. અહા! તે તે જડની અવસ્થાઓનો
PDF/HTML Page 3044 of 4199
single page version
હું કર્તાય નહિ, કારયિતાય નહિ અને કર્તાનો અનુમોદક પણ નહિ- આવું વસ્તુસ્વરૂપ છે. ભાઈ! આ સમજે એનું તો અભિમાન ઉડી જાય એવી વાતુ છે. શું થાય? અજ્ઞાની જ્યાં હોય ત્યાં એમ માને છે કે-અમે આ કર્યું ને તે કર્યું, છોકરાં પાળી-પોષીને મોટાં કર્યાં, ભણાવ્યાં-ગણાવ્યાં અને ધંધે લગાવ્યાં ઇત્યાદિ. પણ ભાઈ! એ બધી પરદ્રવ્યની અવસ્થાઓને કોણ કરે? એ તો બધી પોતપોતાના દ્રવ્યમાં થવા કાળે એના પોતાનાથી થાય છે. એને હું કરું એમ માને એ તો અજ્ઞાન છે.
આ લોકો ઉપવાસ કરે છે ને? ત્યાં તેઓ એમ માને છે કે-અમે આહાર-પાણી છોડી દીધાં. અરે ભાઈ! આહારાદિની તે અવસ્થા તે સમયે જે થવાની હતી તે એના પોતાનાથી થઈ છે. પરદ્રવ્યનું ગ્રહણ-ત્યાગ ભગવાન! તારામાં ક્યાં છે? આહારાદિની તે કાળે આવવાની યોગ્યતા ન હોય તો આહારાદિ આવતાં નથી. અજીવની અવસ્થા અજીવથી જ ક્રમબદ્ધ થાય છે. જીવ તેમાં કાંઈ કરતો નથી. ભાઈ! આ તો વીતરાગ જૈન પરમેશ્વરે ૐધ્વનિમાં જાહેર કરેલી વાત છે. ભગવાનનો આ ઢંઢેરો છે કે છએ દ્રવ્ય પોતપોતાના ક્રમબદ્ધ પરિણામોથી ઉપજતા થકા સ્વતંત્ર છે. હવે દાખલો આપી સમજાવે છેઃ
‘કારણ કે જેમ (કંકણ આદિ પરિણામોથી ઉપજતા એવા) સુવર્ણને કંકણ આદિ પરિણામો સાથે તાદાત્મ્ય છે તેમ સર્વ દ્રવ્યોને પોતાના પરિણામો સાથે તાદાત્મ્ય છે.’
જુઓ, શું કહે છે? આ કંકણ, કડુ, સાંકળી, વીંટી આદિ ક્રમે થતી સુવર્ણની અવસ્થાઓ છે, તે તે અવસ્થાઓથી ઉપજતા સુવર્ણને તે તે પોતાની અવસ્થાઓ સાથે તાદાત્મ્ય છે. પણ તે તે અવસ્થાઓ સાથે સોનીને તાદાત્મ્ય નથી. શું કીધું? સોની તે તે અવસ્થાઓથી ઉપજતો નથી. માટે સુવર્ણની તે તે અવસ્થાઓનો કર્તા સોની નથી. લ્યો, આવી વાત!
તેમ, કહે છે, સર્વ દ્રવ્યોને પોતપોતાના પરિણામો સાથે તાદાત્મ્ય છે. અર્થાત્ પોતાના પરિણામોથી ઉપજતા દ્રવ્યના તે તે પરિણામોનું કર્તા અન્યદ્રવ્ય નથી, તે દ્રવ્ય પોતે જ છે. એ જ વિશેષ કહે છેઃ
‘આમ જીવ પોતાના પરિણામોથી ઉપજતો હોવા છતાં તેને અજીવની સાથે કાર્યકારણભાવ સિદ્ધ થતો નથી, કારણ કે સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ઉત્પાદ્ય-ઉત્પાદકભાવનો અભાવ છે;...’
લ્યો, સર્વ દ્રવ્યો માટે આ સિદ્ધાંત છે. શું? કે સર્વ દ્રવ્યોને પોતાના પરિણામો સાથે તાદાત્મ્ય છે. માટે સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ઉત્પાદ્ય-ઉત્પાદકભાવનો
PDF/HTML Page 3045 of 4199
single page version
અભાવ છે. કોઈ દ્રવ્યનું ઉત્પાદક એટલે કારણ કોઈ બીજું દ્રવ્ય છે એમ છે નહિ. અર્થાત્ એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે કાર્યકારણભાવ છે એમ સિદ્ધ થતું નથી.
પ્રશ્નઃ– એક ગાયનો ગોવાળ તે પાંચ ગાયોનો ગોવાળ, તેમ જીવ તે તે સમયે પોતાના પરિણામરૂપ પોતાનું કાર્ય કરે પણ સાથે સાથે બીજાનું પણ કરે કે નહિ? પરની દયા પાળે, પરની મદદ કરે, પૈસા-ધન કમાય ઇત્યાદિ કાર્ય તે કરે કે નહિ? કરે તો એમાં શું હરકત છે?
સમાધાનઃ– ભાઈ! કેટલાક અજ્ઞાની જીવો આવું માને છે પણ તે બરાબર નથી; કેમકે જેમ પોતાના પરિણામરૂપ પોતાના કાર્યમાં તેને તાદાત્મ્ય છે તેમ પરદ્રવ્યના પરિણામમાં તેને તાદાત્મ્ય નથી. પરદ્રવ્યના પરિણામ સાથે તાદાત્મ્ય વિના તે પરદ્રવ્યના પરિણામને કેવી રીતે કરે? તેથી તો અહીં કહ્યું કે સર્વદ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ઉત્પાદ્ય- ઉત્પાદકભાવનો અભાવ છે. આવી વાત છે ભાઈ!
અહાહા....! ભગવાન આત્મા અનંતગુણનું ધામ પ્રભુ અનાદિ-અનંત ધ્રુવ ચૈતન્યતત્ત્વ છે. ભગવાન સર્વજ્ઞદેવે જોયો ને કહ્યો એવો આ જીવ પદાર્થ પ્રતિસમય ક્રમે થતા પોતાના પરિણામસ્વરૂપે ઉપજે છે. અહીં કહે છે-પોતાના પરિણામોથી ઉપજતા જીવને અજીવની સાથે કાર્યકારણભાવ સિદ્ધ થતો નથી. આ જડ શરીર, મન, વાણીનું કાર્ય થાય તેને જીવ કરે અને તેનું જીવ કારણ થાય એમ, કહે છે, સિદ્ધ થતું નથી. આ હાથ હલે, હોઠ હલે, વાણી બોલાય, આંખની પાંપણ ઊંચી થાય ઇત્યાદિ જડનું કાર્ય થાય તે જડથી એનાથી થાય, તેને આત્મા કરે એમ સિદ્ધ થતું નથી. કેમ? કારણ કે સર્વદ્રવ્યોને અન્યદ્રવ્ય સાથે ઉત્પાદ્ય-ઉત્પાદકભાવનો અભાવ છે. ભાઈ! આ પ્રત્યેક દ્રવ્યની-રજકણે-રજકણ અને જીવ-જીવની વાત છે. હવે જૈનમાં જન્મ્યા એનેય ખબર ન મળે કે જૈન પરમેશ્વર શું કહે છે? એમ ને એમ આંધળે-બહેરું કૂટે રાખે, પણ એનું ફળ બહુ આકરું આવશે ભાઈ!
જુઓ, નિગોદમાં અનંત જીવ છે. આ લસણ ને ડુંગળીની એક કણી લો એમાં અસંખ્ય ઔદારિક શરીર છે. તે દરેક શરીરમાં અનંત નિગોદના જીવ છે. તે દરેક જીવ પોતાના પરિણામપણે ઉપજતો હોવા છતાં તેને બીજા જીવના કે બીજા દ્રવ્યના પરિણામ સાથે કાર્યકારણભાવ સિદ્ધ થતો નથી. પોતાના પરિણામને ઉપજાવતો તે જીવ બીજા જીવના પરિણામને ઉપજાવે એમ બનતું નથી. કારણ કે સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ઉત્પાદ્ય-ઉત્પાદકભાવનો અભાવ છે.
ઉત્પાદ્ય એટલે કાર્ય, અને ઉત્પાદક એટલે કારણ. બીજું દ્રવ્ય આત્માનું ઉત્પાદ્ય અર્થાત્ કાર્ય ને આત્મા તેનું ઉત્પાદક અર્થાત્
PDF/HTML Page 3046 of 4199
single page version
કારણ એમ બની શકતું નથી. જુઓ માટીમાંથી ઘડો થાય છે. ત્યાં ઘડો છે તે માટીનું ઉત્પાદ્ય એટલે કાર્ય છે તથા માટી તેનું ઉત્પાદક એટલે કારણ છે. પરંતુ કુંભાર ઘડાનો ઉત્પાદક અને ઘડો કુંભારનું ઉત્પાદ્ય- એમ છે નહિ.
જુઓ, બીજા જીવની દયા પાળવાનો આને ભાવ થયો અને ત્યાં બીજા જીવની રક્ષા થઈ. બીજા જીવની રક્ષા અર્થાત્ એના આયુનું અને દેહનું ટકી રહેવું થયું તે કાર્ય થયું. અહીં કહે છે-તે કાર્યનો કર્તા આ જીવ નથી. પર જીવની રક્ષા થઈ તે આ જીવનું કાર્ય અને આ જીવ તે કાર્યનું કારણ એમ છે નહિ. બીજાના દયાના ભાવના કારણે બીજા જીવની દયા પળે એમ ત્રણકાળમાં છે નહિ. ભાઈ! આવું જૈન તત્ત્વ અતિ ગંભીર છે.
ભગવાન જિનેશ્વરદેવે કેવળજ્ઞાનમાં છ દ્રવ્ય જોયાં છે. જાતિ તરીકે છ છેઃ જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. તેમાં જીવ અનંતા, પુદ્ગલ અનંતાનંત, ધર્મ, અધર્મ, ને આકાશ એકેક અને અસંખ્ય કાલાણુઓ છે. તે સર્વ દ્રવ્યોને પોતાના સિવાયના અન્યદ્રવ્ય સાથે ઉત્પાદ્ય-ઉત્પાદકભાવનો અર્થાત્ કાર્ય-કારણભાવનો અભાવ છે. જીવ ગતિ કરે તે એનું ઉત્પાદ્ય-કાર્ય છે અને જીવ તે કાર્યનું ઉત્પાદક કારણ છે; પણ ધર્માસ્તિકાય દ્રવ્ય એનું કારણ થાય એમ છે નહિ. ઉત્પાદ્ય પર અને ઉત્પાદક પર-એમ કદી હોતું નથી.
હા, પણ જીવ ગતિ કરે ત્યાં ધર્માસ્તિકાયને સહાયક કહેલ છે.
ભાઈ! ત્યાં સહાયક એટલે નિમિત્તમાત્ર બસ. સહાયક એટલે સાથે રહેલી બીજી ચીજ. સહાયક એટલે પરના કાર્યનો ઉત્પાદક એમ નહિ. ધર્માસ્તિકાય કાંઈ જીવની ગતિનો વાસ્તવિક ઉત્પાદક છે એમ નહિ. સમજાણું કાંઈ...?
આ વાણી જે બોલાય તે વાણીનું ઉત્પાદ્ય-કાર્ય છે, વાણી (વચનવર્ગણા) તેનો ઉત્પાદક છે, પણ હું બોલું એવો જીવનો જે રાગ ભાવ તે કાળે થયો તે તેનો ઉત્પાદક છે જ નહિ. પરમાં કાર્ય થાય તે ઉત્પાદ્ય અને આત્મા તેનો ઉત્પાદક એવું ત્રણકાળમાં છે નહિ. કાર્ય-કારણ નિયમથી અભિન્ન હોય છે. આ લાકડી આમ ઊંચી થાય તે ઉત્પાદ્ય નામ કાર્ય છે. તે લાકડીનું (લાકડીના પરમાણુઓનું) કાર્ય છે, પણ આંગળી તેનો કર્તા છે, વા આ જીવ તેનો કર્તા છે -એમ છે નહિ. આવો મારગ, અલૌકિક ભાઈ!
આ ભગવાનની પ્રતિમાની અહીં સ્થાપના થઈ તે કાર્ય છે. તે પરમાણુનું ઉત્પાદ્ય છે; જોડે તેવા રાગવાળો જીવ નિમિત્ત છે (નિમિત્ત-પરવસ્તુ છે એનો નિષેધ નથી), પણ તે તેનો ઉત્પાદક છે વા તેનું કારણ થાય છે એમ નથી. આ તો મહાસિદ્ધાંત છે ભાઈ! શરીર અને ઇન્દ્રિયોની ચેષ્ટા જે થાય તે કાર્ય જડનું જડથી થાય છે, તેમાં અજ્ઞાનીનો જે રાગ તે કારણ છે, ઉત્પાદક છે એમ નથી.
PDF/HTML Page 3047 of 4199
single page version
આ શરીર છે તે અનંતા રજકણોનો પિંડ છે. આ કાંઈ એક ચીજ નથી; તેમાં એક રજકણ બીજા રજકણનું કાર્ય કરે એવું વસ્તુસ્વરૂપ નથી; ભગવાને એવું જોયું નથી, અને ભગવાને એવું કહ્યુંય નથી. ભાઈ! વીતરાગ પરમાત્માએ કહેલું સત્નું સ્વરૂપ લોકો માને છે એનાથી જુદી જાતનું છે. આ મારગડા જુદા ભગવાન! પ્રત્યેક દ્રવ્યની જે તે અવસ્થા જે તે કાળે થાય છે તે તે દ્રવ્યનું કાર્ય છે, બીજું દ્રવ્ય તેનું કારણ વા ઉત્પાદક થાય એમ છે જ નહિ.
‘सर्वद्रव्याणां द्रव्यान्तरेण सहोत्पाद्योत्पादकभावाभावात्’ -આ પાઠ છે. છે કે નહિ?
હા છે, પણ નિયમસારમાં તો કાળદ્રવ્ય વિના (કોઈ દ્રવ્યના) પરિણામ ન હોય એમ કહ્યું છે.
સમાધાનઃ– ત્યાં તો કાળદ્રવ્યને સિદ્ધ કરવા એ વાત કરી છે, ત્યાં કાંઈ દ્રવ્યોનું પરિણમન સિદ્ધ કરવું નથી. વાસ્તવમાં તો દ્રવ્યત્વગુણના કારણે પ્રત્યેક દ્રવ્યમાં નિરંતર સહજ જ પરિણમન થતું હોય છે. પરિણમન એ દ્રવ્યનો સહજ સ્વભાવ છે. તેથી પ્રત્યેક દ્રવ્યમાં પ્રતિસમય જે જે પરિણામ થાય તે તે દ્રવ્યનું ઉત્પાદ્ય છે અને તે દ્રવ્ય તે તે પરિણામોનું ઉત્પાદક છે, પણ કાળદ્રવ્ય કે અન્ય દ્રવ્ય તે તે પરિણામોનો ઉત્પાદક છે એમ છે જ નહિ, અન્ય દ્રવ્યોના પરિણમનમાં કાળદ્રવ્ય નિમિત્ત હો, નિયમરૂપ નિમિત્ત છે તેથી ‘કાળદ્રવ્ય વિના પરિણામ ન હોય’ એમ ત્યાં કહ્યું છે, પણ કાળદ્રવ્ય અન્ય દ્રવ્યોના પરિણામોનું ઉત્પાદક છે માટે કહ્યું છે એમ નથી. સમજાણું કાંઈ....?
ભાઈ! આ તો ભગવાને જેવું સ્વરૂપ ભાળ્યું તેવું ભાખ્યું છે. ભાખ્યું છે એ તો નિમિત્તથી કહેવાય, બાકી વાણીનું કાર્ય ક્યાં ભગવાનનું છે? એ તો ભાષાવર્ગણાના પરમાણુઓ, તે કાળે ભાષારૂપે પરિણમવાનો કાળ હતો તો તે-રૂપે પરિણમી ગયા છે. ભગવાન મહાવીરને કેવળજ્ઞાન થયું, ને વાણી ૬૬ દિવસ સુધી ન છૂટી. તે વાણી છૂટવાનો ત્યાં કાળ ન હતો માટે વાણી ન છૂટી. અષાડ વદી ૧ ના દિને વાણી છૂટવાનો કાળ હતો તો ત્યારે વાણી છૂટી. બાપુ! આ તો પરમાણુઓની અવસ્થાઓ જે સમયે જે થવાની હોય તે ત્યાં થાય છે. તે ભાષાની પર્યાયનો કર્તા વા કારણ આત્મા નથી.
બહારથી ઈશ્વર કર્તા નથી એમ માને પણ શરીરની પર્યાયનો કર્તા હું છું એમ માને તો એ તો મૂઢપણું છે. જેમ ઈશ્વર કર્તા નથી તેમ અંદર આ પરમેશ્વર પ્રભુ આત્મા છે તે પણ પરની પર્યાયનો કર્તા નથી. તેવી રીતે કોઈ પણ દ્રવ્ય અન્યદ્રવ્યની પર્યાયનો કર્તા ત્રણકાળમાં નથી. પ્રત્યેક દ્રવ્યની તે તે સમયે થતી તે તે પર્યાય સ્વતંત્ર છે અને તે પર્યાય તે નિયત સમયે જ થાય છે, બીજા સમયે નહિ એમ ક્રમબદ્ધનો
PDF/HTML Page 3048 of 4199
single page version
નિયમ સમજાવીને આચાર્યદેવ અહીં અકર્તાપણું સિદ્ધ કરે છે. શેત્રુંજયના પહાડ ઉપર ચઢતાં એકદમ ઝડપથી પગ ઉપડવાની ક્રિયા થાય ત્યાં આ માને કે તે મારાથી થાય છે તો તે મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે; કેમકે આત્માને પરદ્રવ્યની ક્રિયાનું કર્તાપણું નથી.
અહા! સત્ને અસત્ માને ને અસત્ને સત્ માને તેને આવી વાત ગળે કેમ ઉતરે? અને તેને ધર્મ ક્યાંથી થાય?
હા, પણ એને આ સમજાવીએ તો? સમજાવીએ? કોણ સમજાવે? જે પોતે સમજે તેને બીજો શું સમજાવે? અને જે પોતે ન સમજે તેને પણ બીજો શું સમજાવે? ભાઈ! બીજો બીજાને સમજાવી દે અને સમજાવવાથી બીજો સમજી જાય એવું વસ્તુસ્વરૂપ જ નથી. સમજ એ અંતરની ચીજ છે અને પોતે પોતાથી સમજે તો ગુરુએ સમજાવ્યું એમ નિમિત્તથી કહેવામાં આવે છે. બાપુ! વીતરાગ પરમેશ્વર તત્ત્વને જે રીતે કહે છે તે રીતે તું નહિ માને તો તને સત્ હાથ નહિ આવે. ગમે તેટલા વ્રત, તપ, ભક્તિ, જાત્રા આદિ કરે પણ એ બધા ફોગટ છે કેમકે એ તો બધા એકલા રાગના જ પરિણામ છે. તેમાંય વળી પરને લઈને મને એ ભાવ થયા એમ માને એ તો નરી મૂઢતા ને અજ્ઞાન છે.
અજ્ઞાનીને ભગવાનની પ્રતિમા દેખી શુભભાવ થાય છે. ત્યાં એના શુભભાવઉત્પાદ્ય અને ભગવાનની પ્રતિમા એનો ઉત્પાદક એમ છે નહિ. ભાઈ! તારી થતી દશાના કર્તાપણે પરદ્રવ્ય નથી અને પરદ્રવ્યની થતી દશાના કર્તાપણે તું નથી. તું તો અકર્તા છો પ્રભુ! અર્થાત્ માત્ર જાણનારપણે છો. ખરેખર પરનું કાર્ય અને રાગનું કાર્ય થાય તેનો કર્તા જીવ નથી કેમકે જીવ કાંઈ રાગસ્વરૂપ નથી, જીવ તો એકલા જ્ઞાન અને આનંદસ્વરૂપ છે.
અહાહા...! ભગવાન આત્મા શુદ્ધ એક ચૈતન્યમાત્ર વસ્તુ છે. તે પોતાની નિર્મળ ચૈતન્યની પર્યાયપણે ઊપજે એવો કારણ-કાર્યભાવ અથવા કર્તાકર્મભાવ અભેદ છે. આત્મા કર્તા અને એના શુદ્ધ રત્નત્રયના વીતરાગી પરિણામ એનું કર્મ-એમ કારણકાર્યભાવ અભેદ છે. આમ જીવ પોતાના નિર્મળ વીતરાગી કાર્યપણે ઉપજતો હોવા છતાં તેને અજીવ સાથે કાર્ય-કારણભાવ સિદ્ધ થતો નથી. લ્યો, શું કીધું? કર્મના ક્ષય, ઉપશમ આદિ અજીવ સાથે જીવને કાર્ય-કારણભાવ નથી. પર જીવને મારી શકે, જીવાડી શકે, દાળ, ભાત, રોટલી- શાક, દવા-દારૂ, કપડાં-લતાં ઇત્યાદિ પર પદાર્થનું કાર્ય જીવ કરે એવો કાર્યકારણભાવ સિદ્ધ થતો નથી. ખેડૂત હળ હલાવે, મજુર પાકને લણે, વેપારી સોનું-ચાંદી, ઝવેરાત ઇત્યાદિનો વેપાર કરે ઇત્યાદિ જડદ્રવ્યમાં નીપજતાં જડનાં કાર્યો જીવ કરે એવો પરદ્રવ્ય સાથે જીવને કાર્યકારણભાવ સિદ્ધ થતો નથી. લ્યો, આવી વાત!
PDF/HTML Page 3049 of 4199
single page version
જીવ પોતાના પરિણામનું કાર્ય કરે અને ભેગું પરના પરિણામ કરવાનું કાર્ય પણ કરે એમ કોઈ રીતે સિદ્ધ થતું નથી.
જીવ પોતાના પરિણામને કરે, પણ અજીવના નહિ. આ રાગભાવ જે થાય છે તે ખરેખર તો અજીવ છે. તેથી જીવ પોતાના જ્ઞાતાભાવે પરિણમે-ઉપજે એ તો ઈષ્ટ જ છે. પરંતુ શુભાશુભ પરિણામે ઉપજે તે કાંઈ એનું સ્વરૂપ નથી. કળશટીકામાં કળશ ૧૦૮ માં પં. શ્રી રાજમલજીએ કહ્યું છેઃ- “અહીં કોઈ જાણશે કે શુભ-અશુભ ક્રિયારૂપ જે આચરણરૂપ ચારિત્ર છે તે કરવાયોગ્ય નથી તેમ વર્જવાયોગ્ય પણ નથી. ઉત્તર આમ છે કે- વર્જવાયોગ્ય છે, કારણ કે વ્યવહારચારિત્ર હોતું થકું દુષ્ટ છે, અનિષ્ટ છે, ઘાતક છે; તેથી વિષય-કષાયની માફક ક્રિયારૂપ ચારિત્ર નિષિદ્ધ છે.”
તો શું સમકિતીને કે મુનિરાજને શુભભાવ હોતો જ નથી? હોય છે ને, સમકિતી ને મુનિરાજનેય શુભભાવ હોય છે, પણ એ છે દુષ્ટ, અનિષ્ટ અને ઘાતક; કેમકે તે સ્વભાવની નિરાકુળ શાંતિનો ઘાત કરે છે. ભાઈ! શુભરાગ હોય એ જુદી વાત છે અને એને હિતનું કારણ જાણી કર્તવ્ય માને એ જુદી વાત છે. પ્રથમ અવસ્થામાં કે સાધકની દશામાં પુણ્યભાવનો ક્ષય સર્વથા ભલે ન થાય, પણ એ ભાવ ક્ષય કરવાલાયક છે એવી દ્રષ્ટિ તો ચોથે ગુણસ્થાનેથી જ એને હોય છે. એનો ક્ષય તો શુદ્ધોપયોગ પૂર્ણ થાય ત્યારે થાય છે, પણ એ ક્ષય કરવાલાયક છે એવું શ્રદ્ધાન તો સમકિતી ધર્માત્માને પહેલેથી જ નિરંતર હોય છે.
અજ્ઞાનીને એકાંતે કર્મધારા હોય છે, ભગવાન કેવળીને એકલી જ્ઞાનધારા છે; જ્યારે સાધકને બેઉ ધારા સાથે હોય છે. નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ જ્ઞાનધારા અને શુભાશુભભાવના પરિણામરૂપ કર્મધારા-એમ એ બન્ને જ્ઞાનીને સાથે હોય છે. પણ ત્યાં કર્મધારા છે તે બંધનું જ કારણ છે અને જ્ઞાનધારા જ એક અબંધનું કારણ છે. તેથી તો કહ્યું કે-ક્રિયારૂપ ચારિત્ર વિષય-કષાયની માફક નિષિધ છે. ચારિત્રભાવમાં અંશે અશુદ્ધતા ભલે હો, પણ દ્રષ્ટિમાં-શ્રદ્ધાનમાં તો તેનો નિષેધ જ છે. દ્રષ્ટિમાં શુભભાવને આદરવા લાયક માને તો એ તો મિથ્યાદ્રષ્ટિ જ છે.
અરે! એને કયા પંથે જવું એની ખબર નથી! પુણ્ય ભલું એમ માની તે અનંતકાળથી પુણ્યના પંથે પડયો છે. પણ બાપુ! એ તો સંસારનો-દુઃખનો પંથ છે. ભાઈ! ધર્મીને અશુભથી બચવા શુભના-પુણ્યના ભાવ આવે છે પણ તેને ધર્મી પુરુષ કાંઈ ભલા કે આદરણીય માનતા નથી, પણ અનર્થનું મૂળ જાણી હેયરૂપ જ માને છે. પંચાસ્તિકાયમાં પુણ્યભાવને પણ અનર્થનું જ કારણ કહ્યું છે.
શાસ્ત્રમાં એવાં કથન આવે કે પહેલું પાપ ટળીને પછી પુણ્ય ટળે. પણ એ તો
PDF/HTML Page 3050 of 4199
single page version
ચારિત્રની અપેક્ષાએ એના ક્રમની વાત કરી છે. પરંતુ દ્રષ્ટિમાં તો પુણ્ય-પાપના ભાવ એકસમાનપણે જ હોય છે કેમકે બન્નેય બંધનનાં જ કારણ છે.
-પુણ્ય-પાપના ભાવ બન્ને વિભાવભાવ છે, ચંડાલણીના પુત્ર છે. -તે બન્ને આસ્રવ અને બંધ તત્ત્વ છે. -તે બન્ને ભાવ જડ પુદ્ગલમય છે અને એનું ફળ પણ પુદ્ગલ છે. માટે બન્ને હેય છે, આદરણીય નથી-એવું શ્રદ્ધાન જ વાસ્તવિક શ્રદ્ધાન છે.
અહીં કહે છે-જીવનો એક જ્ઞાનાનંદસ્વભાવ છે. તે પોતાના સ્વભાવની પર્યાયપણે ઉપજે એ તો બરાબર છે, પરંતુ રાગના પરિણામે ઉપજે વા રાગના પરિણામનું તે કારણ થાય એવું એનું સ્વરૂપ નથી. એ તો પછી કળશમાં કહેશે કે આ બંધ થાય છે તે કોઈ અજ્ઞાનનો મહિમા છે. અહા! એને નિજસ્વરૂપની ખબર નથી માટે અજ્ઞાનથી બંધ થાય છે, બાકી કાંઈ જ્ઞાનસ્વભાવ છે તે બંધનું કારણ નથી.
અહાહા...! પોતે અંદર શુદ્ધ એક ચૈતન્યના પ્રકાશસ્વરૂપ પ્રભુ છે; એકલા જ્ઞાન અને આનંદના સ્વભાવથી ભરેલો પોતે ભગવાન છે, તેને ઉપાદેય માનીને તેનાં દ્રષ્ટિ ને અનુભવ જેણે કર્યાં તે જીવ કલ્યાણના પંથે છે. ભલે એને હજુ કાંઈક રાગ હોય, પણ તેને એ (પોતાની) કાંઈ ચીજ નથી. પોતાને ઇષ્ટ એવા શુદ્ધોપયોગપણે ઉપજ્યો તેને શુભાશુભ (પોતાના) કાંઈ નથી. એમાં (શુભાશુભમાં) હેયબુદ્ધિ છે ને! તેથી ધર્મી પુરુષને એનું સ્વામિત્વ હોતું નથી.
અરે ભાઈ! જરા વિચાર કર! ક્ષણમાં આંખો મિંચાઈ જશે; અને તું ક્યાંય ચાલ્યો જઈશ પ્રભુ! આ બધા અહીં તને અભિનંદન આપે છે ને? બાપુ! એ તને કાંઈ કામ નહિ આવે. પુણ્યના યોગથી કદાચિત્ પાંચ-પચાસ લાખનો સંયોગ મળી જાય તો એય કામ નહિ આવે. જે ક્ષણમાં છૂટી જાય તે શું કામ આવે? અંદર શાશ્વત મહાન ચૈતન્યદેવ વિરાજે છે તેનાં દ્રષ્ટિ ને અનુભવ વર્તમાન ન કર્યાં તો બાપુ! તું ક્યાં જઈશ? ત્યાં તને કોણ શરણ? ભાઈ! આ બધું તું પોતે જ તારા હિત માટે વિચાર; અત્યારે આ અવસર છે.
અહાહા..! કહે છે-સર્વ દ્રવ્યોને અન્યદ્રવ્ય સાથે ઉત્પાદ્ય-ઉત્પાદકભાવનો અભાવ છે. ભાઈ! આ તો ત્રણલોક ત્રણકાળના સર્વ અનંતા પદાર્થોના કારણકાર્યનું સ્વરૂપ થોડા શબ્દોમાં બતાવ્યું છે. આ લોકોને અનાજ ઔષધ અને કપડાં અમે આપ્યાં ને અમે ખૂબ દેશ સેવા કરી-એમ લોકો કહે છે ને! ધૂળેય સેવા કરી નથી સાંભળને. એ અન્યદ્રવ્યનાં કામ તું કેમ કરે? વળી આણે જૈનધર્મની ખૂબ સેવા કરી એમ કહે છે ને! પરંતુ જૈનધર્મની સેવા એટલે શું? અહાહા...! શુદ્ધ એક જ્ઞાયક-
PDF/HTML Page 3051 of 4199
single page version
ભાવના આશ્રયે નિર્મળ રત્નત્રયના પરિણામ પ્રગટ કરે, એક શુદ્ધોપયોગરૂપ પરિણમે એ જૈનધર્મની સેવા છે. બાકી દયા, દાન ને બહારની પ્રભાવનાનાં કામોમાં રોકાઈ રહે તે કાંઈ જૈનધર્મની સેવા નથી. અહાહા...! દયા, દાન આદિ વિકલ્પ ઉત્પાદ-કાર્ય અને તેનો તું ઉત્પાદક એવું વાસ્તવિક કાર્ય-કારણનું સ્વરૂપનું નથી. જડ અચેતન વિકલ્પોના કાર્યનો ચેતનદ્રવ્ય કર્તા થાય એવો કાર્યકારણભાવ બની શકતો નથી.
સમયસાર કળશટીકા કળશ ૧૦૬ માં કહ્યું છે કે- “શુદ્ધ વસ્તુમાત્ર, તેની સ્વરૂપનિષ્પત્તિ, તેનાથી જે સ્વરૂપાચરણચારિત્ર તે જ, તે જ મોક્ષમાર્ગ છે; આ વાતમાં સંદેહ નથી.” ત્યાં સ્વરૂપાચરણચારિત્ર સંબંધી વિશેષ વાત કરીને છેલ્લે કહ્યું છે કે-“ત્રણે કાળે આવું છે જે શુદ્ધ ચેતનાપરિણમનરૂપ સ્વરૂપાચરણચારિત્ર તે આત્મદ્રવ્યનું નિજસ્વરૂપ છે. શુભાશુભ ક્રિયાની માફક ઉપાધિરૂપ નથી, તેથી એક જીવદ્રવ્યસ્વરૂપ છે.” જુઓ આ સ્વરૂપાચરણ ચારિત્ર! નિજાનંદરસમાં લીન રહી તેમાં જ રમવું તે સ્વરૂપાચરણ છે. આ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ રાગનું થવું એ કાંઈ સ્વરૂપાચરણ નથી; કેમકે તે જીવ દ્રવ્યસ્વરૂપ નથી, અન્ય દ્રવ્યસ્વરૂપ છે. લ્યો, આ પ્રમાણે જીવદ્રવ્યને અન્યદ્રવ્યસ્વરૂપ જે રાગ તેની સાથે કાર્ય-કારણભાવ સિદ્ધ થતો નથી. આવી વાત છે.
હવે કહે છે- ‘તે (કાર્યકારણભાવ) નહિ સિદ્ધ થતાં, અજીવને જીવનું કર્મપણું સિદ્ધ થતું નથી;..’
શું કીધું? આ શરીરની હાલવા-ચાલવાની ક્રિયા થાય તેને જીવ કરે એ વાત સિદ્ધ થતી નથી.
આ મોટા ડુંગરા તોડીને તેમાં રેલવે કાઢે એ કાર્ય તો જીવે કર્યું કે નહિ? તો કહે- ના; તે કાર્ય જીવે કર્યું એમ સિદ્ધ થતું નથી. ભાઈ! તું ધીરો થા બાપુ! તારું તો જ્ઞાનસ્વરૂપ છે ને પ્રભુ! તે જ્ઞાન પરનું શું કરે? જેમ આંખ પરનું કાંઈ ન કરે તેમ જીવ પરનું કાંઈ ન કરે. આ વાત ગાથા ૩૨૦ માં હવે પછી આવશે. આંખ તો પરને જુએ, પરને દેખે. તેમ જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા પરની-જડની ને રાગની જે ક્રિયા થાય તેને જાણે, પણ તેનું શું કરે? કાંઈ જ ન કરે. અરે! આ જીવ ક્ષણેક્ષણે મરણની સમીપ ધસી રહ્યો છે પણ એને પોતાનું સત્ય સ્વરૂપ સમજવાની દરકાર નથી.
અજીવને જીવનું કર્મપણું સિદ્ધ થતું નથી. એટલે શું? કે અજીવનું કાર્ય જીવનું છે એમ સિદ્ધ થતું નથી. જ્ઞાનાવરણાદિ કર્મ જે બંધાય તે કાર્ય જીવનું છે એમ સિદ્ધ થતું નથી. અરે! આ પુણ્ય ને પાપના ભાવ, દયા, દાન ને વ્રત આદિના વિકલ્પ જે થાય છે તે નિશ્ચયથી જીવનું કર્મ-કાર્ય છે એમ સિદ્ધ થતું નથી; કેમકે
PDF/HTML Page 3052 of 4199
single page version
વિકારી પરિણામમાં ચૈતન્યનો અભાવ છે. નિશ્ચયથી તે વિકારી પરિણામ અરૂપી અચેતન છે. શરીર, મન, વાણી રૂપી અચેતન છે અને વિકારી પરિણામ અરૂપી અચેતન છે, છે બન્ને અચેતન-અજીવ. શું થાય? માર્ગ તો આવો છે ભાઈ!
અહા! કાયા અને કષાય પોતાની ચીજ છે એમ માનીને ભગવાન! તું મહાવ્રતાદિ પાળે પણ એ તો બધો મિથ્યાભાવ છે બાપુ! એ મહાવ્રતાદિના પરિણામ અચેતન છે અને તેને, અહીં કહે છે, જીવનું કર્મપણું (જીવનું કાર્ય હોવાપણું) સિદ્ધ થતું નથી. જેમ બીજા જીવ અને અજીવ પદાર્થો જે છે તેના કાર્યનું કારણ આ જીવ નથી તેમ અચેતન રાગાદિ પરિણામનું આ જીવ કારણ નામ કર્તા નથી. હવે આવી વાત બિચારાને સાંભળવાય મળે નહિ એ શું કરે? માંડ વાત બહાર આવી ને સાંભળવા મળી ત્યાં આ ‘એકાન્ત છે એકાન્ત છે’ - એમ કહીને વાતને ઉડાડી દે છે પણ ભાઈ! એકવાર ફુરસદ લઈને ધીરજથી સાંભળ તો ખરો કે આ શું કહેવાય છે? ભાઈ! એમ ને એમ (સમજ્યા વિના) તું ખોટા તર્ક કરી વાતને ઉડાડી દે છે પણ તેમાં તને ભારે નુકશાન છે. ભાઈ! કદાચ લૌકિકમાં તારી પ્રશંસા થશે (કેમકે લોકો તો અવળે માર્ગે છે જ) પણ તેમાં તને શું લાભ છે? જો ને પ્રભુ! અહીં આ ચોકખું તો કહે છે કે-અજીવને જીવનું કર્મપણું સિદ્ધ થતું નથી.
હવે કહે છે- ‘અને તે (-અજીવને જીવનું કર્મપણું) નહિ સિદ્ધ થતાં, કર્તા-કર્મની અન્યનિરપેક્ષપણે (-અન્યદ્રવ્યથી નિરપેક્ષપણે, સ્વદ્રવ્યમાં જ) સિદ્ધિ હોવાથી, જીવને અજીવનું કર્તાપણું સિદ્ધ થતું નથી, માટે જીવ અકર્તા ઠરે છે.’
શું કીધું? કે આ શરીર અને કર્મ ઇત્યાદિ અજીવની પર્યાયને જીવ કરે એમ સાબીત થતું નથી; કેમકે તે તે પરમાણુઓ પોતે જ શરીરાદિની પર્યાયપણે પરિણમે છે. વાસ્તવમાં કર્તા-કર્મની અન્યદ્રવ્યથી નિરપેક્ષ સ્વદ્રવ્યમાં જ સિદ્ધિ છે. અહાહા.....! પ્રત્યેક દ્રવ્ય અન્યદ્રવ્યની સહાય-અપેક્ષા વિના જ પોતાના પરિણામને કરે છે એવી વસ્તુસ્થિતિ હોવાથી જીવને અજીવનું કર્તાપણું સિદ્ધ થતું નથી. માટે જીવ અકર્તા નામ જ્ઞાતા-દ્રષ્ટા જ ઠરે છે.
પ્રશ્નઃ– ભગવાન શ્રી મહાવીરને કેવળજ્ઞાન થયા પછી છાસઠ દિવસ પછી ૐધ્વનિ છૂટી; તે ગૌતમ ગણધર સભામાં પધાર્યા ત્યારે છૂટી એમ બરાબર છે કે નહિ?
સમાધાનઃ– ભાઈ! વાણી- ૐધ્વનિ છૂટી તે વચનવર્ગણાનું કાર્ય છે. તે કાર્યનો કર્તા વચનવર્ગણાના પરમાણુઓ છે. તેમાં ભગવાન ગૌતમ ગણધરનું શું કામ છે? વચનવર્ગણા પોતાના કાળે વાણીરૂપે પરિણમી તેમાં ગૌતમ ગણધરની કોઈ
PDF/HTML Page 3053 of 4199
single page version
અપેક્ષા નથી. ગૌતમ ગણધરની ઉપસ્થિતિ હોવી અને વાણીનું છૂટવું એ બન્નેને સમકાળ હોવા છતાં વાણી છૂટી તેને ગૌતમ ગણધરની કોઈ અપેક્ષા નથી.
ભાઈ! આ તો સિદ્ધ થયેલી વાત છે કે ચૌદ બ્રહ્માંડના અનંત તત્ત્વોને -પ્રત્યેકને પોતાની ક્રમબદ્ધ પર્યાયના કાર્યકાળમાં બીજી ચીજની અપેક્ષા નથી. શું કીધું? બીજી ચીજ હોતી નથી એમ નહિ, પણ બીજી ચીજની અપેક્ષા નથી; અર્થાત્ બીજી ચીજ છે માટે એમાં કાર્ય થયું છે એમ નથી. ગૌતમ ગણધર પધાર્યા માટે વાણી છૂટી એમ નથી. અહો! ક્રમબદ્ધની આ વાત કરીને આચાર્યદેવે આત્માનો અકર્તાસ્વભાવ સિદ્ધ કર્યો છે. અહા! છએ દ્રવ્યોમાં જે જે કાર્ય થાય તેનો આત્મા અકર્તા અર્થાત્ માત્ર જ્ઞાતા-દ્રષ્ટા છે.
પરમાણુ-પરમાણુની અને પ્રત્યેક જીવની તેનો સ્વકાળે જે પર્યાય થવાની હોય તે જ થાય. તે તે પર્યાયનો કોઈ બીજો કર્તા નથી અને તેમાં કોઈ બીજાની અપેક્ષા નથી. અહા! આવું અન્યદ્રવ્યથી નિરપેક્ષ કર્તાકર્મનું સ્વરૂપ હોવાથી જીવને અજીવનું કર્તાપણું સિદ્ધ થતું નથી.
તત્ત્વાર્થરાજવાર્તિકમાં કાર્યનાં બે કારણની વાત આવે છે; પણ એ તો ત્યાં કાર્ય થાય ત્યારે બીજી ચીજ નિમિત્ત હોય છે એનું જ્ઞાન કરાવવા માટે વાત છે. જુઓ, ભગવાનની વાણી સાંભળીને કોઈ જીવે સ્વ-આશ્રયે સમ્યગ્દર્શન પ્રગટ કર્યું. ત્યાં સ્વદ્રવ્યનો આશ્રય લીધો તે કારણ છે અને સમ્યગ્દર્શન પ્રગટ થયું તે કાર્ય છે. આ પ્રમાણે કર્તા-કર્મ છે અને ભગવાનની વાણી તો તેમાં બાહ્ય નિમિત્તમાત્ર છે. સમ્યગ્દર્શન થયું તે વાણીનું કાર્ય નહિ તથા વાણીના કારણે તે કાર્ય થયું છે એમેય નહિ. અહા! આમાં કેટકેટલા ન્યાય આપ્યા છે!
-અજીવનું કાર્ય થાય તેનો કર્તા જીવ નહિ.
-જીવનું કાર્ય થાય તેનો કર્તા અજીવ નહિ. અને
પ્રત્યેક દ્રવ્યના કાર્યમાં અન્ય દ્રવ્યની અપેક્ષા નહિ. ગજબ વાત છે ભાઈ! આ તો પ્રત્યેક દ્રવ્યની પ્રત્યેક પર્યાય સ્વકાળે પરદ્રવ્યથી નિરપેક્ષ (-સ્વાપેક્ષ) પ્રગટ થાય છે-એમ વાત છે.
શાસ્ત્રમાં આવે છે કે વજ્રવૃષભનારાય સંહનન હોય અને મનુષ્ય ગતિ હોય એને કેવળજ્ઞાન થાય છે. પણ એ તો બહારમાં નિમિત્તનું જ્ઞાન કરાવવા પૂરતી વાત છે. બાકી વજ્રવૃષભનારાચ સંહનન કે મનુષ્ય ગતિ એ કાંઈ કેવળજ્ઞાનનું કારણ નથી. કેવળજ્ઞાન થવાનું કારણ તો તદ્રૂપે પરિણમેલો જીવ પોતે છે અને કેવળજ્ઞાન તેનું કાર્ય છે, અરે! સંહનન આદિ તો દૂર રહો, કેવળજ્ઞાન પ્રગટ થાય તેમાં પૂર્વની
PDF/HTML Page 3054 of 4199
single page version
ચાર જ્ઞાનની પર્યાયનીય અપેક્ષા નથી. વાસ્તવમાં કેવળજ્ઞાન પ્રગટ થવાનો ક્રમબદ્ધમાં જે કાળ છે તે કાળે કેવળજ્ઞાનની પર્યાય સહજ જ સ્વતઃ પ્રગટ થાય છે.
અહા! દરેક જડ અને ચેતન વસ્તુમાં પ્રત્યેક સમયે તેના ક્રમબદ્ધ જે જે પરિણામ થાય તેને કોઈ પર વસ્તુની-નિમિત્તની અપેક્ષા નથી. એની પર્યાયના કાર્યકાળે નિમિત્ત હો ભલે, પણ તેને નિમિત્તની અપેક્ષા નથી; અર્થાત્ નિમિત્તના કારણે તે કાર્ય નિપજ્યું છે એમ નથી. અહા! આત્મા-જીવ પદાર્થ ક્રમબદ્ધ જે પોતાનું કાર્ય થાય તેને નિપજાવવા તે પુરુષાર્થવાળો છે, શક્તિવાન છે પણ તે પરનું કાંઈ કાર્ય કરવા છેક પંગુ છે, અસમર્થ છે. આવું જ વસ્તુસ્વરૂપ છે અને આવો નિર્ણય કરવો એનું નામ સમ્યગ્જ્ઞાન છે.
દ્રવ્યમાં ગુણો સહવર્તી છે. અનંતા ગુણો દ્રવ્યમાં એક સાથે રહેલા છે. પર્યાય પણ આયત એટલે લંબાઈરૂપે-પ્રવાહરૂપે એક સાથે છે. એટલે શું? કે દ્રવ્યની પર્યાયો એક પછી એક દોડતી પ્રવાહમાં પ્રગટ થાય છે. પરંતુ દ્રવ્યની જે સમયે જે પર્યાય થવાની હોય તે સમયે તે જ પ્રગટ થાય છે. દ્રવ્યમાં પર્યાયની આવી પ્રવાહધારા ક્રમનિયમિત ચાલે છે, જેમ જમણા પછી ડાબો ને ડાબા પછી જમણો પગ ચાલે છે તેમ. પંચાધ્યાયીમાં આને ક્રમ-પદ કહેલ છે. ભક્તામરસ્તોત્રમાં પણ આવે છે કે-પ્રભુ! આપના ચરણ ક્રમસર એક પછી એક ચાલે છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષામાં દ્રવ્યની જે સમયે જે પર્યાય પ્રગટ થાય તેને એની કાળલબ્ધિ કહી છે. છએ દ્રવ્યમાં કાળલબ્ધિ છે એમ ત્યાં કહ્યું છે. પ્રવચનસારમાં (ગાથા-૧૦૨ માં) તેને જ તે તે પર્યાયની જન્મક્ષણ-ઉત્પત્તિક્ષણ કહી છે. આવી જ વસ્તુસ્થિતિ છે.
ભગવાન સર્વજ્ઞદેવે કેવળજ્ઞાનમાં ત્રણકાળ ત્રણલોક એકીસાથે જોયા છે. જડ અને ચેતન-એમ છએ દ્રવ્યની જે જે પર્યાયો થઈ ગઈ, વર્તમાન થાય છે અને ભવિષ્યમાં જે જે થવાની છે તે બધી પર્યાયોને કેવળજ્ઞાન વર્તમાન પ્રત્યક્ષ જાણે છે. શું કીધું? જે પર્યાયો પ્રગટ થઈ નથી અને હવે પછી થશે તે પર્યાયોને પણ કેવળજ્ઞાન વર્તમાનમાં પ્રત્યક્ષ જાણે છે. જાણે જ છે બસ; પણ જ્ઞાન તે તે પર્યાયોનું કર્તા નથી. તે તે પર્યાયોનું કર્તા તો તે તે દ્રવ્ય છે. અહાહા...! ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે. જાણવું-જાણવું-જાણવું-એ એનું સ્વરૂપ છે; પણ પરનું કરવું કે તેનું આઘું-પાછું કરવું-એ એના સ્વરૂપમાં જ નથી. જ્યાં પ્રત્યેક દ્રવ્ય પોતાના ક્રમનિયમિત પરિણામોથી પ્રતિસમય ઉપજે છે ત્યાં આત્મા-જીવ તેનું શું કરે? કાંઈ ના કરે. (બસ જાણે જ)
અહીં પરદ્રવ્યથી ભિન્ન પોતે (-આત્મા) પોતાના પરિણામનો કર્તા છે, પણ પરનો અકર્તા છે એમ બતાવવું છે. પર્યાયનો કર્તા પર્યાય છે, પર્યાયનો કર્તા દ્રવ્ય નથી એ વાત અહીં નથી લેવી. પંચાસ્તિકાય, ગાથા-૬૨ માં એ વાત કરી છે. ત્યાં
PDF/HTML Page 3055 of 4199
single page version
પર્યાયનું કર્તા દ્રવ્ય નથી, પણ પર્યાય કર્તા, પર્યાય કર્મ, પર્યાય કરણ, પર્યાય સંપ્રદાન, પર્યાય અપાદાન અને પર્યાય અધિકરણ-આમ પર્યાય પોતે પોતાના ષટ્કારકથી પરિણમે છે એમ કહ્યું છે. ત્યાં એ વાત બીજી છે. અહીં તો પોતાના પરિણામોથી ઉપજતું થકું દ્રવ્ય પોતે જ તેમાં તન્મયપણે છે. અન્યદ્રવ્ય નહિ. માટે દ્રવ્ય પોતે પોતાના પરિણામોનું કર્તા છે, અન્યદ્રવ્ય તેનો કર્તા નથી.
સૂક્ષ્મ વાત છે પ્રભુ! જીવદ્રવ્યની જ્ઞાનગુણની એક સમયની પર્યાય (-કેવળજ્ઞાન) છ દ્રવ્યને જાણે છે, સ્વદ્રવ્યને પણ જાણે છે. અહા! ત્યાં સ્વદ્રવ્યમાં જેમ તદ્રૂપ છે તેમ તે અન્યદ્રવ્યમાં તદ્રૂપ નથી. તે પર્યાય છ દ્રવ્ય સાથે એકમેક નથી. છ દ્રવ્ય તે પર્યાયમાં આવતા નથી. અહા! છ દ્રવ્યના ત્રિકાળી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વરૂપનું જ્ઞાન તેમાં થયું છે પણ છ દ્રવ્ય તેમાં આવતાં નથી, અને તે પર્યાય છ દ્રવ્યમાં તદ્રૂપ નથી. માટે છ દ્રવ્યોની પર્યાયોનો કર્તા જ્ઞાન નથી, આત્મા નથી. આત્મા પોતાના જ્ઞાન-પરિણામનો કર્તા છે, પણ પરદ્રવ્યનો કર્તા નથી, અકર્તા છે. આવી વાત છે.
અહાહા...! પ્રત્યેક દ્રવ્ય-પ્રત્યેક આત્મા અને પ્રત્યેક પરમાણુ પોતાના ક્રમનિયમિત ઉપજતા પરિણામોથી તે કાળે તદ્રૂપ છે, તાદાત્મ્યરૂપ છે; અને પરથી પૃથક્ છે. જીવના પરિણામમાં જીવ તદ્રૂપ છે અને તે અજીવથી પૃથક છે. તેમ અજીવના પરિણામમાં અજીવ તદ્રૂપ છે અને જીવથી તે પૃથક્ છે. આ પ્રમાણે જીવ પોતાના પરિણામોનો કર્તા છે, પણ પરનો-અજીવનો અકર્તા છે. અને તેથી જ જગતનાં અનંત દ્રવ્યો અનંતપણે ત્રણે કાળ રહે છે. ભાઈ! જીવ પોતાના પરિણામનેય કરે અને પરનેય કરે એવું પદાર્થોનું સ્વરૂપ જ નથી. તેથી જીવ પરનો અકર્તા ઠરે છે. આવી વાત છે.
‘સર્વ દ્રવ્યોના પરિણામ જુદા જુદા છે. પોતપોતાના પરિણામોના, સૌ દ્રવ્યો કર્તા છે; તેઓ તે પરિણામોના કર્તા છે. તે પરિણામો તેમનાં કર્મ છે. નિશ્ચયથી કોઈનો કોઈની સાથે કર્તાકર્મસંબંધ નથી.’
શું કહે છે? કે પ્રત્યેક આત્મા અને પ્રત્યેક પરમાણુના સમયસમયે થતા પરિણામ ભિન્નભિન્ન છે અને તે પરિણામના કર્તા તે તે દ્રવ્ય પોતે જ છે અને તે પરિણામ તે તે દ્રવ્યનું કર્મ છે. અન્યદ્રવ્ય કર્તા અને અન્યદ્રવ્યનું પરિણામકર્મ-એમ કર્તાકર્મ-સંબંધ છે નહિ. બાપુ! આ તો વીતરાગ જૈન પરમેશ્વરની વાણીમાં આવેલી વાત છે.
એક બાજુ તું લોકમાં અનંત દ્રવ્ય માને અને વળી એક દ્રવ્યને બીજા દ્રવ્યનો
PDF/HTML Page 3056 of 4199
single page version
કર્તાપણ માને તો એ તો વિરુદ્ધ માન્યતા થઈ ગઈ; કેમકે એક દ્રવ્ય અન્યદ્રવ્યનું કર્તા થાય તો બન્ને મળીને એક થઈ જાય અને તો અનંત દ્રવ્ય સ્વતંત્ર રહેશે નહિ. શું કીધું? એક દ્રવ્ય પરદ્રવ્યનું કરે અને વળી તે અન્યદ્રવ્યનું કરે-જો એમ થાય તો બધાં અનંતદ્રવ્યો ભિન્ન નહિ રહી શકે, એક થઈ જશે. (પણ એમ બનતું નથી). માટે નિશ્ચયથી કોઈ દ્રવ્યને કોઈ અન્યદ્રવ્ય સાથે કર્તાકર્મસંબંધ છે જ નહિ. કુંભારે ઘડો કર્યો એમ વ્યવહારથી કહેવાય એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટેનું કથન છે, બાકી કુંભાર ઘડાનો કર્તા નથી, ઘડો કુંભારનું કર્મ નથી એ નિશ્ચયાર્થ છે તેમ એક દ્રવ્યને નિશ્ચયથી અન્યદ્રવ્ય સાથે કર્તાકર્મસંબંધ નથી. હવે કહે છેઃ-
‘માટે જીવ પોતાના પરિણામનો જ કર્તા છે, પોતાના પરિણામ કર્મ છે. એવી જ રીતે અજીવ પોતાના પરિણામનું જ કર્તા છે, પોતાના પરિણામ કર્મ છે. આ રીતે જીવ બીજાના પરિણામોનો અકર્તા છે.’
અહાહા....! ભગવાન આત્મા શુદ્ધ એક જ્ઞાતા-દ્રષ્ટાસ્વરૂપ છે. અહા! આવા નિજસ્વરૂપને જેણે જાણ્યું-અનુભવ્યું તે જીવને પર્યાયમાં કિંચિત્ રાગ થાય છે તેને તે માત્ર જાણે છે. ત્યાં જે જ્ઞાનની પર્યાય રાગને જાણે છે તે જ્ઞાન જ તેનું (-આત્માનું) કર્મ છે અને આત્મા તે જ્ઞાનનો કર્તા છે, પણ રાગ એનું કર્મ અને આત્મા રાગનો કર્તા એમ છે નહિ. જ્ઞાન રાગને જાણે છે એ પણ વ્યવહારથી વાત છે. વાસ્તવમાં જ્ઞાન કર્તા અને રાગ એનું કર્મ એમ છે નહિ. તથા રાગ કર્તા અને જ્ઞાન એનું કર્મ એમ પણ છે નહિ. લ્યો, આ રાગ (શુભભાવ, પુણ્યભાવ) કરતાં કરતાં જ્ઞાન થઈ જશે એમ લોકો માને છે ને? અહીં કહે છે-એ તદ્ન વિપરીત વાત છે, જૂઠી માન્યતા છે.
૪૭ શક્તિઓમાં એક અકાર્યકારણત્વ શક્તિ કહી છે. જેમ જ્ઞાન, આનંદ આદિ આત્માની શક્તિઓ છે તેમ આત્મામાં એક અકાર્યકારણત્વ શક્તિ છે. આ શક્તિનું કાર્ય શું? તો કહે છે-આત્મા રાગનું કાર્ય પણ નહિ અને આત્મા રાગનું કારણેય નહિ-આવું અકાર્યકારણત્વશક્તિનું કાર્ય છે.
લોકોને લાગે કે આમાં તો સર્વ વ્યવહારનો નિષેધ-લોપ થઈ જાય છે.
અરે ભાઈ! દાન, પૂજા, ભક્તિ ઇત્યાદિના ભાવ તને ગૃહસ્થદશામાં આવે પણ તે જીવના સ્વરૂપભૂત ક્યાં છે? નથી. માટે જીવ એનો કર્તા નથી, અકર્તા છે, જ્ઞાતા છે. બહારનાં કાર્યો આ મંદિરાદિ બને એ તો જડ પુદ્ગલમાં એના થવા કાળે એનાથી થાય છે. તેને કોણ કરે? શું જીવ કરે? જડની ક્રિયાને તે કેમ કરે? અહા! બહારનાં જડનાં કામ તો તે ન કરે, પણ શુભાશુભ રાગનાં કર્મનો પણ એ કર્તા નથી. વીતરાગનો આવો મારગ છે બાપા!
PDF/HTML Page 3057 of 4199
single page version
અહાહા....! ભગવાન આત્મા જ્ઞાતા-દ્રષ્ટાસ્વરૂપ પ્રભુ- એની દ્રષ્ટિ થતાં તે પરનો અને રાગનો કર્તા થતો નથી. અકર્તા રહે છે. જ્ઞાતાપણે રહે છે અને એનું નામ જૈનધર્મ છે. સમજાણું કાંઈ...?
‘આ રીતે જીવ અકર્તા છે તોપણ તેને બંધ થાય છે એ કોઈ અજ્ઞાનનો મહિમા છે’ - એવા અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
‘स्वरसतः विशुद्धः’ જે નિજરસથી વિશુદ્ધ છે, અને ‘स्फूरत्–चित्–ज्योतिर्भिः छुरित–भुवन–आभोग–भवनः’ સ્ફુરાયમાન થતી જેની ચૈતન્યજ્યોતિઓ વડે લોકનો સમસ્ત વિસ્તાર વ્યાપ્ત થઈ જાય છે એવો જેનો સ્વભાવ છે, ‘अयं जीवः’ એવો આ જીવ ‘ईति’ પૂર્વોક્ત રીતે (પરદ્રવ્ય અને પરભાવોનો) ‘अकर्ता स्थितः’ અકર્તા ઠર્યો......
શું કીધું? કે આત્મા પોતે નિજરસથી એટલે સહજ જ્ઞાનાનંદરસથી વિશુદ્ધ નામ પવિત્ર છે, નિર્મળ છે. અહાહા...! પોતાની શક્તિથી-સ્વભાવથી જ આત્મા નિર્મળાનંદ પ્રભુ પવિત્ર છે. એટલે શું? કે જ્ઞાન અને આનંદપણે થાય એવો એનો સ્વભાવ છે પણ રાગના કે પરના કર્તાપણે થાય એવો એનો સ્વભાવ જ નથી. લ્યો, આવી સૂક્ષ્મ વાત છે.
જીવ ચાર ગતિ અને ચોરાસી લાખ યોનિમાં અનંતકાળથી પરિભ્રમણ કરીને દુઃખી દુઃખી થઈ રહ્યો છે. અહા! એના દુઃખનું શું કહેવું? અહીં કહે છે-તે દુઃખ જીવનો સ્વભાવ નથી. દુઃખના ભાવે થવું એ એનો સ્વભાવ નથી.
આ શરીર, કર્મ વગેરે તો જડ માટી-ધૂળ છે; અંદર પુણ્ય-પાપના જે વિકલ્પ ઉત્પન્ન થાય છે તે રાગ છે, તે શુદ્ધ અંતઃતત્ત્વથી ભિન્ન છે. ભાઈ! નવે તત્ત્વ ભિન્ન ભિન્ન છે. અજીવ તત્ત્વ અજીવપણે છે, પુણ્ય તત્ત્વ પુણ્યપણે છે ને પાપ તત્ત્વ પાપપણે છે; તથા ભગવાન આત્મા શુદ્ધ એક જ્ઞાયકભાવપણે છે. અહાહા....! ભગવાન આત્મા આનંદ- અમૃતનું વાસ્તુ પ્રભુ નિજરસથી વિશુદ્ધ છે, પવિત્ર છે. અહાહા..!
વહાૉં હૈ અમીકા વાસા,
સુગુરા હોય સો ભર ભર પીએ
નગુરા જાવૈ પ્યાસા... .... .... સંતો.... .... ....
અહાહા...! લોકાકાશમાં આકાશથી ભિન્ન ભગવાન આત્મા અંદર એકલા અમૃતનો વાસ છે. કોઈ સુગુરા જીવ તો અંતરમાં સ્વસ્વરૂપના ભાવનું ભાસન કરી,
PDF/HTML Page 3058 of 4199
single page version
શેરડીનો રસ પીતો હોય તેમ, નિજ આનંદ-અમૃતને ઘૂંટ ભરી ભરીને પીએ છે. અરે! પણ બીજા (નગુરા) તો પ્યાસા જ રહી જાય છે.
જુઓ, આ આત્મા સ્વભાવથી અકર્તા હોવા છતાં તે કર્તા કેમ થાય છે એની આ વાત ચાલે છે. શું કહે છે? કે આત્મા નિજરસથી એટલે કે સ્વસ્વભાવથી રાગાદિરહિત નિર્મળ છે. કેવો છે સ્વભાવ? તો કહે છે-સ્ફુરાયમાન થતી જેની ચૈતન્યજ્યોતિઓ વડે લોકનો સમસ્ત વિસ્તાર વ્યાપ્ત થઈ જાય છે એવો જેનો સ્વભાવ છે.
અહાહા...! ત્રણકાળ ત્રણલોકમાં જે અનંતા દ્રવ્ય-ગુણ-પર્યાય છે તે તે સમસ્ત ક્ષણમાત્રમાં જાણવાની શક્તિવાળો-સ્વભાવવાળો પ્રભુ આત્મા છે. અહીં અકર્તાસ્વભાવની સિદ્ધિ કરે છે ને! કહે છે-આખો લોકાલોક (સ્વ ને પર) જેમાં જાણવામાં આવે છે એવો ભગવાન આત્માનો જ્ઞાનસ્વભાવ છે; પરંતુ લોકાલોકની કોઈ ચીજને કરે વા રાગને કરે એવો એનો સ્વભાવ નથી. અહાહા...! આવી સ્વપરપ્રકાશક ચૈતન્યપ્રકાશની અતિ ઉજ્જ્વલ વિશુદ્ધ જ્યોતિ ભગવાન આત્મા છે.
ત્યારે કોઈ કહે છે- અમને આત્મા જાણવામાં આવતો નથી. તેને પૂછીએ છીએ કે-ભાઈ! આત્મા જાણવામાં આવતો નથી એવો નિર્ણય તેં ક્યાં ઊભા રહીને કર્યો? સ્વભાવમાં કે વિભાવમાં? આત્માનો ચૈતન્યસ્વભાવ તો પ્રભુ! આવો છે કે સ્ફુરાયમાન થતી જ્ઞાનની જ્યોતિઓ વડે આખા લોકાલોકમાં વ્યાપી જાય. અહાહા...! સ્વ-પર સમસ્તને જાણવાનું ભવન-પરિણમન થાય એવો એનો સ્વભાવ છે. પણ બાપુ! તું પરના કર્તૃત્વમાં અને રાગના કર્તૃત્વમાં ઊભો છે તો તને આત્મા કેમ જણાય? ન જણાય; કેમકે પરનું કાંઈ કરવું કે રાગનું કરવું એ એનો સ્વભાવ જ નથી. સમજાય છે કાંઈ..? ભાઈ! આ તો ન્યાયથી-લોજીકથી વાત છે. જેવી ચીજ છે તેવી તેને જાણવા પ્રતિ જ્ઞાનને દોરી જવું એનું નામ ન્યાય છે.
કોઈને થાય કે આ તો આત્માની એકની એક વાત ફરીફરીને કહે છે. પણ બાપુ! આ તો કદી નહિ સાંભળેલી અધ્યાત્મતત્ત્વની વાત ભાઈ! તેમાં પુનરૂક્તિ કાંઈ દોષ નથી. અહીં કહે છે-આ રીતે શરીર, મન, વાણી, ઈન્દ્રિય અને અન્ય જીવ ઇત્યાદિ પરદ્રવ્ય અને દયા, દાન, ભક્તિ, તથા હિંસા, જૂઠ, ચોરી, કુશીલ ઇત્યાદિ પરભાવો-એ બધાયનો આત્મા અકર્તા સિદ્ધ થયો; કારણ કે ભગવાન આત્મા સર્વને જાણવાથી વ્યાપ્ત થયો છે, પણ સર્વને કરવાથી વ્યાપ્ત થાય એવો એનો સ્વભાવ નથી. ભાઈ જરા ધીરજ કેળવીને શાંતિથી આ વાત સમજવી, કેમકે આ તો અંતઃતત્ત્વ જે સર્વજ્ઞ પરમેશ્વરે જાણ્યું અને કહ્યું તે તને કહેવાય છે.
અહા! પ્રભુ! તું કોણ છો? તો કહે છે-નિજરસથી નિર્મળ જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવી
PDF/HTML Page 3059 of 4199
single page version
પ્રભુ આત્મા છો. પણ અરે! સર્વ લોકાલોકને જાણવાના સ્વભાવવાળો પોતે પોતાના અપરાધથી ઢંકાયેલો માલુમ પડે છે.
સમયસાર ગાથા ૧૬૦ ની ટીકામાં કહ્યું છે કે-“ જે પોતે જ જ્ઞાન હોવાને લીધે વિશ્વને (-સર્વ પદાર્થોને) સામાન્ય-વિશેષપણે જાણવાના સ્વભાવવાળું છે એવું જ્ઞાન અર્થાત્ આત્મદ્રવ્ય, અનાદિ કાળથી પોતાના પુરુષાર્થના અપરાધથી પ્રવર્તતા એવા કર્મમળ વડે લેપાયું-વ્યાપ્ત થયું-હોવાથી જ, બંધ-અવસ્થામાં સર્વ પ્રકારે સંપૂર્ણ એવા પોતાને અર્થાત્ સર્વ પ્રકારે સર્વ જ્ઞેયોને જાણનારા એવા પોતાને નહિ જાણતું થકું, આ પ્રમાણે પ્રત્યક્ષ અજ્ઞાનભાવે (-અજ્ઞાનદશામાં) વર્તે છે; તેથી એ નક્કી થયું કે કર્મ પોતે જ બંધસ્વરૂપ છે. માટે, પોતે બંધસ્વરૂપ હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે.”
અરે ભાઈ! જૈનદર્શનની આવી અલૌકિક વાત તને સાંભળવા મળી તો એક વાર સાંભળ! નાથ! તારી ચીજ અંદર કેવી છે તે એકવાર સાંભળ! કહે છે-ભગવાન આત્મા અંદર નિજરસથી સ્ફુરાયમાન ચૈતન્યજ્યોતિના વિસ્તારથી આખા લોકાલોકને જાણે એવો એનો સ્વભાવ છે. અહાહા...! બસ જાણે એવો એનો સ્વભાવ છે, પણ લોકની કોઈ ચીજનું-રાગ, રજકણ કે શરીરાદિનું કાંઈ કરે એવો એનો સ્વભાવ નથી. આ પ્રમાણે જીવ પરદ્રવ્યનો અને પર ભાવોનો અકર્તા સિદ્ધ થાય છે. હવે કહે છે-
‘तथापि’ તોપણ ‘अस्य’ તેને ‘इह’ આ જગતમાં ‘प्रकृतिभिः’ કર્મપ્રકૃતિઓ સાથે ‘यद् असौ बन्धः किल स्यात्’ જે આ (પ્રગટ) બંધ થાય છે. ‘सः खलु अज्ञानस्य कः अपि गहनः महिमा स्फुरति’ તે ખરેખર અજ્ઞાનનો કોઈ ગહન મહિમા સ્ફુરાયમાન છે.
જુઓ, મહાવિદેહમાં શ્રી સીમંધર ભગવાન અરિહંતપદે વિરાજમાન છે. પાંચસો ધનુષ્યનું દેહમાન છે; એક કરોડ પૂર્વનું આયુષ્ય છે. બે હજાર વર્ષ પહેલાં સંવત ૪૯ માં આચાર્ય શ્રી કુંદકુંદ પ્રભુ ત્યાં સમોસરણમાં પધાર્યા હતા. ત્યાંથી આ સંદેશ લાવ્યા છે કે- ભગવાન આત્માનો તો સર્વને (સ્વ-પરને) જાણવાનો સર્વજ્ઞસ્વભાવ છે; તથાપિ કર્મપ્રકૃતિ અને રાગના સંબંધથી એને જે આ બંધ થાય છે તે ખરેખર કોઈ અજ્ઞાનનો મહિમા છે.
શું કીધું? પોતે સ્વ અને પરને સંપૂર્ણપણે જાણે એવા સર્વજ્ઞ સ્વભાવથી-એક જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવથી ત્રિકાળ ભરેલો ભગવાન છે; પરંતુ આવા નિજ સ્વભાવના ભાન વિના અનંતકાળથી એ દયા, દાન, વ્રતાદિના રાગને પોતાની ચીજ માને, એ લાભદાયી છે એમ માને, એ પોતાનું કર્તવ્ય છે એમ માને એ અજ્ઞાનભાવ છે. આવો જે અજ્ઞાનભાવ એનાથી બંધ થાય છે. જ્ઞાનભાવ અબંધ છે, અને અજ્ઞાનભાવથી બંધ છે-બસ આ વાત અહીં સિદ્ધ કરવી છે.
PDF/HTML Page 3060 of 4199
single page version
ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યનો પુંજ પ્રભુ ત્રિકાળ એક જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવી વસ્તુ છે. તેનો દ્રષ્ટિમાં પોતાપણે સ્વીકાર કરવો તે જ્ઞાનભાવ અબંધ છે. પણ તેનો અનાદર કરીને રાગાદિભાવ તે હું છું, હું તેનો કર્તા છું એમ માનવું તે અજ્ઞાનભાવ છે અને તે વડે એને બંધ થાય છે. અહા! પોતાની ત્રિકાળી વિદ્યમાન-છતી ચીજને ન માનીને, તેને બીજી રીતે માનવી તે તેનો અભાવ કરવારૂપ ભાવહિંસા છે. અને તે વડે તેને બંધ થાય છે, જે ચાર ગતિમાં રખડવાનું કારણ થાય છે શ્રીમદ્માં આવે છે ને કે-
બાપુ! આ બધું અત્યારે નહિ સમજે તો ક્યારે સમજીશ ભાઈ! આ દેહ તો જોતજોતામાં છૂટી જશે; અને સ્વરૂપના ભાન વિના આ (-જીવ) ક્યાંય ચાલ્યો જશે. અહીં મોટો કરોડપતિ શેઠિયો હોય પણ રાગાદિની મમતામાં દેહ છૂટીને પશુમાં અવતાર થાય. અરે! ગરોળી થાય, ગધેડીનું ખોલકું થઈને અવતરે! શું થાય? બાપુ! આવા આવા તો એણે અનંત ભવ કર્યા છે. ભાઈ! શું તને ભવનો ભય નથી? જો છે તો કહીએ છીએ કે-સ્વરૂપનું ભાન કર્યા વિના અર્થાત્ સમ્યગ્દર્શન પામ્યા વિના, રાગની-મહાવ્રતાદિની ક્રિયા મારી છે, એ મને લાભદાયી છે એવું માનનાર અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિને ભવના અંત નહિ આવે; કેમકે એવી માન્યતા અજ્ઞાનભાવ છે અને તે વડે બંધ જ થાય છે.
હા, પણ તત્ત્વાર્થ રાજવાર્તિકમાં આવે છે કે-દ્રવ્યલિંગ ધારણ કર્યું હોય, પંચમહાવ્રતનું પાલન કરતો હોય એવો મિથ્યાદ્રષ્ટિ કોઈ જીવ સમ્યગ્દર્શન પામે છે.
અરે ભાઈ! એને પંચમહાવ્રતાદિનો જે રાગ છે એનાથી તે સમ્યગ્દર્શન પામે છે એમ ત્યાં ક્યાં અર્થ છે? એમ અર્થ છે જ નહિ. પરંતુ દ્રવ્યલિંગની ભૂમિકામાં દ્રષ્ટિ ફેરવીને રાગથી ભિન્ન અંતઃસ્વભાવનો આશ્રય કરે તો કોઈ જીવ સમ્યગ્દર્શન પામે છે એમ વાત છે. દ્રવ્યલિંગના કારણે સમ્યગ્દર્શન પામે છે એમ છે જ નહિ. બાપુ! એવાં દ્રવ્યલિંગ ને મુનિપણાં તો એણે અનંતવાર ધારણ કર્યાં છે. અનંતવાર શુક્લ લેશ્યાના પરિણામ કરીને એ નવમી ગ્રેવેયક ગયો છે, પણ સમ્યગ્દર્શન પામ્યો નથી. બાપુ! એ તો બધી રાગની મંદતાની ક્રિયા છે, પણ એ કાંઈ ધર્મ કે ધર્મનું કારણ નથી. રાગની (સમસ્ત રાગની) ઉપેક્ષા કરીને સ્વદ્રવ્યની અપેક્ષા કરે ત્યારે જીવ સમકિત આદિ ધર્મ પામે છે. આવું વસ્તુસ્વરૂપ છે; પણ વ્યવહારથી નિશ્ચય થાય એવું વસ્તુસ્વરૂપ નથી. સમજાણું કાંઈ...?
જુઓ, મૃગની ડુટીમાં કસ્તુરી ભરી છે. એની એને સુગંધ આવે છે. પણ અરે!