Pravachan Ratnakar (Gujarati). Gatha: 312-315 ; Kalash: 196.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 154 of 210

 

PDF/HTML Page 3061 of 4199
single page version

એને ભાન નથી કે આ સુગંધ ક્યાંથી આવે છે; તેથી તે બહાર દોટ મૂકે છે. તેમ ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ એકલા જ્ઞાન અને આનંદના સ્વભાવથી ભર્યો પડયો છે. સ્વ-પરને જાણવાનો એનો સ્વભાવ છે. આવા પોતાના સ્વરૂપનું ભાન કર્યા વિના, અજ્ઞાનમય ભાવના કારણે એને રાગ અને જડકર્મના બંધની પરંપરા ચાલી આવે છે. અરે! આવું (દુર્લભ) મનુષ્યપણું મળવા છતાં પોતાના સ્વરૂપની ખબર ન કરે તો ‘મનુષ્યરુપેણ મૃગાશ્ચરન્તિ’ -એ ઉક્તિ અનુસાર તે મનુષ્યના દેહમાં મૃગ જ (પશુ જ) છે; અજ્ઞાનભાવના કારણે તેને રાગ અને કર્મના સંબંધરૂપ બંધ થાય છે. આ પ્રમાણે ભાવબંધ અને દ્રવ્યબંધ બન્ને તેને થાય છે, અને તે ચારગતિમાં રઝળી મરે છે. આવી વાત છે ભાઈ!

કહે છે-આવો અજ્ઞાનનો કોઈ ગહન મહિમા સ્ફુરાયમાન છે. અહા! પોતે જાણવા- દેખવાના સ્વભાવવાળી ત્રિકાળ વિદ્યમાન વસ્તુ છે તોપણ તેને જાણતો નથી અને રાગને, પર્યાયને, એક અંશને પોતાપણે જાણે છે તે અજ્ઞાન છે. તે અજ્ઞાન વડે એને નવો બંધ થયા કરે છે. આવો અજ્ઞાનનો મહિમા ગહન છે.

* કળશ ૧૯પઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘જેનું જ્ઞાન સર્વ જ્ઞેયોમાં વ્યાપનારું છે એવો આ જીવ શુદ્ધનયથી પરદ્રવ્યનો કર્તા નથી, તોપણ તેને કર્મનો બંધ થાય છે તે કોઈ અજ્ઞાનનો ગહન મહિમા છે-જેનો પાર પમાતો નથી.’

આત્મા જ્ઞાનસ્વરૂપ છે. જાણવું એ એનો સ્વભાવ છે. જ્ઞાન એટલે આ દાકતરી ને વકીલાતનું જ્ઞાન તે જ્ઞાન એમ નહિ; એ તો બધું અજ્ઞાન છે. રોજના દસ હજાર કમાય એવી બુદ્ધિ હોય તોય એ જ્ઞાન નથી, અજ્ઞાન છે. વળી શાસ્ત્રોનું ભણતર હોય એય જ્ઞાન નથી, કેમકે એ બધું પરલક્ષી જ્ઞાન છે અને એકલું પરલક્ષી જ્ઞાન છે એ બધું અજ્ઞાન છે. પણ પોતાના જ્ઞાનસ્વરૂપી આનંદના નાથને અંતરમાં ઢળેલી જ્ઞાનની પર્યાયમાં જાણે કે- ‘આ હું છું’ -એનું નામ જ્ઞાન છે. ત્યાં જ્ઞાનની દશામાં પૂરી દશાવાન ચીજ પોતાની આવી જાય એમ નહિ, પણ પૂર્ણ જ્ઞાયકસ્વભાવી વસ્તુ હું આ છું એમ એના પૂરણ સામર્થ્યના જ્ઞાન અને પ્રતીતિ આવી જાય છે. જેમાં સ્વજ્ઞેયનું ભાન થાય તે જ્ઞાન છે.

જ્ઞાન લોકાલોકમાં વ્યાપનારું છે એટલે શું? એટલે લોકાલોકમાં જ્ઞાન (જ્ઞાનના પ્રદેશો) જાય છે એમ નહિ, પણ લોકાલોકને ભગવાન આત્મા પોતાના જ્ઞાનમાં જાણી લે છે એવું એનું સ્વપર પ્રકાશક સ્વરૂપ છે.

આત્મા વસ્તુ છે. એટલે શું? કે જેમાં જ્ઞાન, દર્શન, આનંદ ઇત્યાદિ અનંત ગુણ તદ્રૂપપણે-એકરૂપપણે વસેલા છે એવું અનંત ગુણનું વાસ્તુ-ઘર ભગવાન આત્મા


PDF/HTML Page 3062 of 4199
single page version

છે. આવા નિજઘરના મહિમાની પ્રતીતિ કરવી તે સમ્યગ્દર્શન છે, તેનું જ્ઞાન તે જ્ઞાન છે અને તેમાં નિવાસ કરવો તે ચારિત્ર નામ ધર્મ છે. બાકી જે શુભાશુભ વિકારના પરિણામ છે તે બધો અંધકાર છે કેમકે ચૈતન્યના પ્રકાશનો તેમાં અભાવ છે. દયા, દાન, વ્રત આદિનો રાગ છે તે અંધકાર છે ભાઈ! કેમકે તેમાં ચૈતન્યનો પ્રકાશ નથી.

શુદ્ધનયથી એટલે કે સ્વભાવની દ્રષ્ટિથી જુઓ તો દયા, દાન આદિના વિકલ્પ જે ઉઠે તેનો ભગવાન આત્મા કર્તા નથી. પરદ્રવ્યને તો ન કરે પણ પરદ્રવ્યના લક્ષે જે શુભાશુભ વિકલ્પ થાય તેનોય એ વાસ્તવમાં કર્તા નથી, કેમકે આત્મા તો શુદ્ધ જ્ઞાતા- દ્રષ્ટાસ્વભાવી છે. અહાહા...! આત્મા એકલા ચૈતન્યના પ્રકાશના નૂરનું પૂર છે. તેનાં જ્ઞાન અને પ્રતીતિ જે કરતો નથી તે જીવને અજ્ઞાનના કારણે રાગ અને જડકર્મનો સંબંધ થાય છે, અને એ રીતે તેને ચારગતિમાં પરિભ્રમણ થાય છે.

અરે! એને પોતાની જ્ઞાનાનંદસ્વભાવી ચીજનો કદી મહિમા આવ્યો નહિ! અહીં કહે છે-પોતે શુદ્ધ જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવી હોવા છતાં તેને જે કર્મનો બંધ થાય છે તે અજ્ઞાનનો કોઈ ગહન મહિમા છે-જેનો પાર પામી શકાતો નથી. એટલે શું? કે સ્વસ્વરૂપનું ભાન કર્યા વિના બીજી કોઈ રીતે અજ્ઞાનનો અંત લાવી શકાતો નથી. અજ્ઞાનમાં રહીને અજ્ઞાનનો પાર પામી શકાતો નથી. જ્યારે ચિદાનંદઘન પ્રભુ આત્માનું જ્ઞાન અને અનુભવ થાય છે ત્યારે જ્ઞાનભાવ થતાં બંધ થતો નથી, અને ત્યારે તેને પરિભ્રમણ પણ રહેતું નથી અર્થાત્ સંસારનો અંત-પાર આવી જાય છે. આવો વીતરાગનો મારગ છે પ્રભુ!

(પ્રવચન નં. ૩૭૧ થી ૩૭૭ * દિનાંક ૧૯-૬-૭૭ થી ૨પ-૬-૭૭)

PDF/HTML Page 3063 of 4199
single page version

ગાથા ૩૧૨–૩૧૩
चेदा दु पयडीअट्ठं उप्पज्जइ विणस्सइ।
पयडी वि चेययट्ठं उप्पज्जइ विणस्सइ।। ३१२।।
एवं बंधो उ दोण्हं पि अण्णोण्णप्पच्चया हवे।
अप्पणो पयडीए य संसारो तेण जायदे।। ३१३।।
चेतयिता तु प्रकृत्यर्थमुत्पद्यते विनश्यति।
प्रकृतिरपि चेतकार्थमुत्पद्यते विनश्यति।।
३१२।।
एवं बन्धस्तु द्वयोरपि अन्योन्यप्रत्ययाद्भवेत्।
आत्मनः प्रकृतेश्च संसारस्तेन जायते।। ३१३।।

હવે આ અજ્ઞાનના મહિમાને પ્રગટ કરે છેઃ-

પણ જીવ પ્રકૃતિના નિમિત્તે ઊપજે વિણસે અરે!
ને પ્રકૃતિ પણ જીવના નિમિત્ત ઊપજે વિણસે; ૩૧૨.
અન્યોન્યના નિમિત્ત એ રીત બંધ બેઉ તણો બને
–આત્મા અને પ્રકૃતિ તણો, સંસાર તેથી થાય છે. ૩૧૩.

ગાથાર્થઃ– [चेतयिता तु] ચેતક અર્થાત્ આત્મા [प्रकृत्यर्थम्] પ્રકૃતિના નિમિત્તે [उत्पद्यते] ઊપજે છે [विनश्यति] તથા વિણસે છે, [प्रकृतिः अपि] અને પ્રકૃતિ પણ [चेतकार्थम्] ચેતકના અર્થાત્ આત્માના નિમિત્તે [उत्पद्यते] ઊપજે છે [विनश्यति] તથા વિણસે છે. [एवं] એ રીતે [अन्योन्यप्रत्ययात्] પરસ્પર નિમિત્તથી [द्वयोः अपि] બન્નેનો- [आत्मनः प्रकृतेः च] આત્માનો ને પ્રકૃતિનો- [बन्धः तु भवेत्] બંધ થાય છે, [तेन] અને તેથી [संसारः] સંસાર [जायते] ઉત્પન્ન થાય છે.

ટીકાઃ– આ આત્મા, (તેને) અનાદિ સંસારથી જ (પરનાં અને પોતાનાં જુદાં જુદાં) નિશ્ચિત સ્વલક્ષણોનું જ્ઞાન (ભેદજ્ઞાન) નહિ હોવાને લીધે પરના અને પોતાના એકત્વનો અધ્યાસ કરવાથી કર્તા થયો થકો, પ્રકૃતિના નિમિત્તે ઉત્પત્તિ-વિનાશ પામે છે; પ્રકૃતિ પણ આત્માના નિમિત્તે ઉત્પત્તિ વિનાશ પામે છે (અર્થાત્ આત્માના પરિણામ અનુસાર પરિણમે છે). એ રીતે-જોકે તે આત્મા અને પ્રકૃતિને કર્તાકર્મભાવનો અભાવ છે તોપણ-પરસ્પર નિમિત્તનૈમિત્તિકભાવથી બન્નેને બંધ જોવામાં


PDF/HTML Page 3064 of 4199
single page version

આવે છે, તેથી સંસાર છે અને તેથી જ તેમને (આત્માને ને પ્રકૃતિને) કર્તાકર્મનો વ્યવહાર છે.

ભાવાર્થઃ– આત્માને અને જ્ઞાનાવરણાદિ કર્મની પ્રકૃતિઓને પરમાર્થે કર્તાકર્મપણાનો અભાવ છે તોપણ પરસ્પર નિમિત્તનૈમિત્તિકભાવને લીધે બંધ થાય છે, તેથી સંસાર છે અને તેથી જ કર્તાકર્મપણાનો વ્યવહાર છે.

*
સમયસાર ગાથા ૩૧૨–૩૧૩ઃ મથાળું

હવે આ અજ્ઞાનના મહિમાને પ્રગટ કરે છેઃ-

* ગાથા ૩૧૨–૩૧૩ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘આ આત્મા (તેને) અનાદિ સંસારથી જ (પરનાં અને પોતાનાં જુદાં જુદાં) નિશ્ચિત સ્વલક્ષણોનું જ્ઞાન (ભેદજ્ઞાન) નહિ હોવાને લીધે પરના અને પોતાના એકત્વનો અધ્યાસ કરવાથી કર્તા થયો થકો, પ્રકૃતિના નિમિત્તે ઉત્પત્તિ-વિનાશ પામે છે;......’

અહાહા....! આ આત્મા અંદરમાં અનંતગુણથી ભરેલો ભગવાન છે. પણ અરે! એને અનાદિ સંસારથી જ સ્વ અને પરનાં ભિન્ન ભિન્ન સુનિશ્ચિત સ્વલક્ષણોનું જ્ઞાન નથી. પોતાનો તો એક ચૈતન્ય.. ચૈતન્ય.. ચૈતન્ય સ્વભાવ છે, અને રાગાદિ વિભાવ છે એ તો જડ પ્રકૃતિના લક્ષે થયેલો જડ અચેતન ભાવ છે. આમ સ્વ-પરની-સ્વભાવ-વિભાવની પ્રગટ ભિન્નતા છે. પણ એ બન્નેની ભિન્નતાનું આને અનાદિથી જ ભેદજ્ઞાન નથી. આવું ભેદજ્ઞાન નહિ હોવાને લીધે એ સ્વ-પરના એકપણાનો અધ્યાસ કરીને વિભાવભાવનો કર્તા થઈ પ્રકૃતિના નિમિત્તે ઉત્પત્તિ-વિનાશ પામે છે.

ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ ત્રિકાળ જ્ઞાનાનંદસ્વભાવી છે. અહા! તેમ છતાં તે વિકૃત રાગાદિભાવોનો કર્તા કેમ થાય છે? તો કહે છે કે ત્રિકાળી શુદ્ધચૈતન્ય-સ્વભાવ અને વર્તમાન મલિન વિભાવ-આ બે વચ્ચેનું અનાદિથી જ ભેદજ્ઞાન નહિ હોવાથી અજ્ઞાની જીવ રાગાદિ ભાવોનો કર્તા થાય છે. કર્મના કારણે કર્તા થાય છે એમ નહિ, પણ સ્વ અને પર-એમ બેઉના એકપણાના અધ્યાસના કારણે અજ્ઞાની જીવ ક્ષણિક વિભાવ પરિણામોનો કર્તા થાય છે.

‘चेदा दु पयडीअठ्ठं उप्पज्जइ विणस्सइ’ ચેતયિતા અર્થાત્ આત્મા પોતે કર્મ- પ્રકૃતિને આધીન થઈને ઉપજે છે તથા વિણસે છે. અહા! નિર્વિકાર ચૈતન્યલક્ષણ પ્રભુ પોતે હોવા છતાં સ્વભાવ-વિભાવના ભેદજ્ઞાનનો અનાદિથી જ અભાવ હોવાથી કર્મ- પ્રકૃતિને આધીન થઈને વિકારરૂપે ઉપજે છે અને વિકારરૂપે નાશ પામે છે. બીજી રીતે કહીએ તો નિર્વિકાર શુદ્ધ ચૈતન્યસ્વભાવ ઉપર દ્રષ્ટિ નહિ હોવાથી, કર્મના નિમિત્તને આધીન થઈને વિકારનો કર્તા થઈને પોતે પરિણમે છે.


PDF/HTML Page 3065 of 4199
single page version

પોતાના શુદ્ધ એક જ્ઞાતાસ્વભાવને આધીન થઈને સ્વ-અવલંબને પરિણમે તો જીવ નિર્વિકારી થાય, એની નિર્મળ વીતરાગી દશા પ્રગટ થાય. પણ અરે! એને સ્વભાવ- વિભાવના એકપણાનો અધ્યાસ થઈ ગયેલો છે. વિકાર મારો છે, હું વિકારરૂપ છું-એમ માનવાની તેને અનાદિથી જ આદત પડી ગયેલી છે. તેથી સ્વ-સ્વભાવની દ્રષ્ટિ રહિત તે પ્રકૃતિ-કર્મના નિમિત્તને આધીન થઈને રાગાદિ વિકારના કર્તાપણે ઉપજે છે ને વિણસે છે.

જુઓ, પ્રથમ ચાર ગાથામાં જીવનું અકર્તાપણું સિદ્ધ કર્યું. અહીં તે રાગાદિનો કર્તા કેમ થાય છે એની વાત કરે છે. અહાહા...! આનંદનો નાથ નિર્મળાનંદ ચૈતન્યમહાપ્રભુ પોતે શુદ્ધ એક જ્ઞાયકસ્વભાવના આશ્રયે પરિણમે એ તો મોક્ષનું કારણ છે. પરંતુ સ્વભાવને છોડીને, પ્રકૃતિને આધીન થઈને પરિણમે તે વિકારીભાવનો કર્તા થઈ ઉપજે- વિણસે છે. અહા! શુદ્ધ ઉપાદાનની દ્રષ્ટિ વિના નિમિત્તને-પરવસ્તુને આધીન થઈને જે અશુદ્ધ ઉપાદાનરૂપ પરિણમે છે તે અશુદ્ધતાનો-રાગાદિ અજ્ઞાનમય પરિણામોનો કર્તા થાય છે. આવી વાત છે.

લોકો દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા જાત્રા આદિ શુભરાગના પરિણામથી ધર્મ થવાનું માને છે પણ એ માન્યતા મિથ્યા છે કેમકે એવી માન્યતા તો રાગ સાથે એકપણાના અધ્યાસવાળી છે. અહા! સ્વભાવની રુચિ અને સ્વભાવ તરફનો ઝુકાવ નહિ હોવાથી અજ્ઞાની જીવ પ્રકૃતિ-ઉદય પ્રતિ ઝુકાવ કરીને વિકારપણે (વિકારના એકત્વપણે) પરિણમે છે અને તે વિકારનો કર્તા થાય છે. જો કે રાગનો કર્તા થાય એવો જીવનો સ્વભાવ નથી, તોપણ રાગ સાથે એકત્વબુદ્ધિના કારણે પોતે રાગનો કર્તા થાય છે. જે દીર્ઘ સંસારનું કારણ છે.

જીવમાં એક વૈભાવિક શક્તિ છે. આ શક્તિ ત્રિકાળ છે. સિદ્ધ ભગવાનમાં પણ વૈભાવિક શક્તિ છે. સિદ્ધ ભગવાન વિભાવરૂપે પરિણમતા નથી. વૈભાવિક શક્તિ જીવ- પુદ્ગલ બેમાં છે, બાકીના ચાર દ્રવ્યોમાં નથી. જીવ-પુદ્ગલ બેમાં છે માટે તેને વૈભાવિક શક્તિ કહેલ છે. વૈભાવિક શક્તિ વિકાર કરે એવો એનો અર્થ નથી. વિભાવ એટલે વિશેષ ભાવ એમ અર્થ છે. વૈભાવિક શક્તિ એ આત્માનો સ્વભાવ છે. અહા! આવા નિજસ્વભાવને નહિ જાણતાં પરાધીન-નિમિત્તાધીન થઈ અજ્ઞાની જીવ વિકારનો કર્તા થાય છે.

જુઓ, અહીં શું કહ્યું? કે અજ્ઞાની વિકારભાવનો કર્તા થયો થકો, પ્રકૃતિના નિમિત્તે ઉત્પત્તિ-વિનાશ પામે છે. મતલબ કે અજ્ઞાની જીવ પોતે કર્તા થઈને વિકારભાવે ઉપજે છે અને તેમાં પ્રકૃતિ નિમિત્ત છે. પણ નિમિત્ત એટલે કર્તા એમ અર્થ નથી. વિકાર પ્રકૃતિના નિમિત્તે થાય છે એ તો છે, પણ પ્રકૃતિ જીવમાં વિકાર કરે-કરાવે


PDF/HTML Page 3066 of 4199
single page version

છે એમ નથી. સૂક્ષ્મ વાત છે ભાઈ! પ્રકૃતિના નિમિત્તને પોતે આધીન થઈને વિકાર-પણે ઉપજે-વિણસે છે, પણ ત્યાં પ્રકૃતિ વિકારભાવને ઉત્પન્ન કે નાશ કરે છે એમ નથી. વિકારપણે ઉપજવું-વિણશવું તે અજ્ઞાનીનું કાર્ય છે અને તેનો અજ્ઞાની કર્તા છે, એમાં પ્રકૃતિનું કાંઈ કર્તવ્ય નથી; એ તો નિમિત્તમાત્ર છે બસ. હવે કહે છે-

‘પ્રકૃતિ પણ આત્માના નિમિત્તે ઉત્પત્તિ-વિનાશ પામે છે (અર્થાત્ આત્માના પરિણામ અનુસાર પરિણમે છે). એ રીતે-જો કે તે આત્મા અને પ્રકૃતિને કર્તાકર્મભાવનો અભાવ છે તોપણ-પરસ્પર નિમિત્ત-નૈમિત્તિક ભાવથી બન્નેને બંધ જોવામાં આવે છે, તેથી સંસાર છે અને તેથી જ તેમને (આત્માને ને પ્રકૃતિને) કર્તાકર્મનો વ્યવહાર છે.’

જુઓ, જીવ અને કર્મપ્રકૃતિને-એકબીજાને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે, પણ કર્તાકર્મ સંબંધ નથી. ધીમેધીમે સમજવું ભાઈ! આ તો વીતરાગ જૈન પરમેશ્વરનો માર્ગ છે બાપુ!

પહેલાં કહ્યું કે અજ્ઞાની જીવ રાગનો કર્તા થયો થકો પ્રકૃતિના નિમિત્તે ઉત્પતિ- વિનાશ પામે છે; હવે કહે છે- જડ કર્મની પ્રકૃતિ પણ આત્માના નિમિત્તે ઉત્પતિ-વિનાશ પામે છે. એટલે શું? કે પ્રકૃતિનો જે નવો બંધ થાય છે તેમાં આત્માના વિકારના પરિણામ નિમિત્ત છે. આત્માના વિકારના પરિણામ કર્મપ્રકૃતિનો બંધ કરે છે એમ નથી. જીવના વિકારી પરિણામ કર્તા અને જડકર્મનો જે બંધ થાય તે એનું કર્મ એમ ત્રણ કાળમાં નથી. જડકર્મની પ્રકૃતિ બંધાય છે એ તો પોતાની પર્યાયની યોગ્યતાથી બંધભાવે થાય છે; તેમાં આત્માના વિકારી પરિણામ નિમિત્ત છે બસ. જેમ જીવને વિકારી પરિણામ થાય તેમાં જુનાં કર્મનો ઉદય નિમિત્ત છે તેમ નવી નવી કર્મપ્રકૃતિ બંધાય છે તેમાં જીવના વિકારી પરિણામ માત્ર નિમિત્ત છે-બસ આટલી વાત છે. એક બીજાને કર્તાકર્મભાવ નથી, ફકત નિમિત્ત-નૈમિત્તિકભાવ છે. અહો! દિગંબર સંતો-કેવળીના કેડાયતીઓએ કેવળીની દિવ્યધ્વનિમાં આવેલાં ગંભીર રહસ્યો જગત સમક્ષ કેવી ખૂબીથી જાહેર કર્યાં છે! બનારસી-વિલાસમાં આવે છે ને કે-

‘મુખ ઓંકાર ધુનિ સુનિ અર્થ ગણધર વિચારૈ,
રચિ આગમ ઉપદેશ, ભવિક જીવ સંશય નિવારૈ.
સો સત્યારથ શારદા તાસુ ભક્તિ ઉર આન,
છન્દ ભુજંગ પ્રયાતમેં અષ્ટક કહો બખાન.’ - શારદાષ્ટક.

અહો! સંતોએ પરમામૃત રેલાવ્યાં છે! ‘અમૃત વરસ્યાં રે પંચમકાળમાં.’ પ્રવચનસારમાં ૪૭ નયનો અધિકાર છે. તેમાં ઈશ્વરનય અને અનીશ્વરનયની વાત આવે છે. ત્યાં કહ્યું છે કે-


PDF/HTML Page 3067 of 4199
single page version

“આત્મદ્રવ્ય ઈશ્વરનયે પરતંત્રતા ભોગવનાર છે, ધાવની દુકાને ધવડાવવામાં આવતા મુસાફરના બાળકની માફક.”

“આત્મદ્રવ્ય અનીશ્વરનયે સ્વતંત્રતા ભોગવનાર છે, હરણને સ્વચ્છંદે (સ્વતંત્રપણે, પોતાની મરજી અનુસાર) ફાડી ખાતા સિંહની માફક.”

મુસાફરનું બાળક ધાવમાતાને આધીન થઈને દૂધ પીએ છે તેમ આત્મા કર્મને આધીન થઈને વિકાર કરે છે. કોઈ (કર્મ, નિમિત્ત) વિકાર કરાવે છે એમ નથી. (આ તો સ્વાશ્રયે, સ્વ-આધીનપણે નિરાકુળ આનંદને યથેષ્ટ ભોગવતો ધર્મી પુરુષ, તેને જે કિંચિત્ રાગ છે તે કર્મોદયને આધીન થવાથી પરાધીનપણે થયેલ છે એમ તે જાણે છે એમ વાત છે).

અહીં કહે છે-પ્રકૃતિ પણ આત્માના વિકારી પરિણામના નિમિત્તે ઉત્પત્તિ-વિનાશને પામે છે. કર્મપ્રકૃતિ બંધભાવે તો પોતાથી પરિણમે છે, ત્યાં તે કાળે આત્માના મિથ્યાત્વાદિ પરિણામ તેમાં નિમિત્ત છે બસ. નિમિત્ત છે માટે કર્મપ્રકૃતિ બંધરૂપે પરિણમે છે એમ નથી. આત્માના પરિણામ તો નિમિત્તમાત્ર છે.

આ પ્રમાણે આત્મા અને પ્રકૃતિને-પરસ્પર નિમિત્ત-નૈમિત્તિકભાવથી બન્નેને બંધ જોવામાં આવે છે, પણ ત્યાં બન્નેને કર્તાકર્મભાવનો અભાવ છે. શું કીધું? પ્રકૃતિ (કર્મોદય) કર્તા ને આત્માના વિકારીભાવ તેનું કર્મ તથા આત્માના વિકારીભાવ કર્તા ને પ્રકૃતિબંધ થાય તે એનું કર્મ-એમ પરસ્પર કર્તાકર્મભાવનો અભાવ છે. આત્મા ક્રમબદ્ધ ઉપજતાં વિકારીભાવપણે ઉપજે છે ત્યારે કર્મોદય એને નિમિત્ત છે, અને પ્રકૃતિ ક્રમબદ્ધ ઉપજતાં બંધભાવે ઉપજે છે ત્યારે આત્માના વિકારીભાવ એને નિમિત્ત થાય છે. બસ આવા પરસ્પર નિમિત્ત-નૈમિત્તિકભાવથી બન્નેને બંધ છે. ભાઈ! જે કોઈ કર્મ-કાર્ય નીપજે તેમાં બીજી ચીજ નિમિત્ત હો, પણ નિમિત્તથી નૈમિત્તિક કાર્ય થયું છે એમ ત્રણકાળમાં સત્ય નથી.

જીવમાં જે વિકાર થાય છે તે નિમિત્તને આધીન થઈને પરિણમવાથી થાય છે, પણ નિમિત્તથી નહિ; બીજી ચીજ નિમિત્ત હોં, પણ બીજી ચીજ કર્તા નથી. જીવ જ્યારે વિકારીભાવે પરિણમે છે ત્યારે નવાં કર્મનો બંધ થાય છે; તે બંધમાં જીવના વિકારી પરિણામ નિમિત્ત છે, પણ વિકારી પરિણામ કર્મબંધના કર્તા નથી. આ પ્રમાણે પરસ્પર કર્તાકર્મનો અભાવ છે છતાં પરસ્પર નિમિત્ત-નૈમિત્તિકભાવથી આત્મા ને પ્રકૃતિને-બન્નેને બંધ જોવામાં આવે છે. તે આ પ્રમાણેઃ-

૧. આત્માના વિકારી પરિણામ તે ભાવબંધ, તેમાં પ્રકૃતિ નિમિત્ત; અને ૨. જડકર્મપ્રકૃતિ બંધાય તે દ્રવ્યબંધ, તેમાં જીવના વિકારી પરિણામ નિમિત્ત.


PDF/HTML Page 3068 of 4199
single page version

બસ આટલી વાત છે. પુસ્તક છે સામે? જુઓ, એમાં દેખો! હવે આવું યથાર્થ ભાવભાસન ન થાય તો બાપુ! ભેદજ્ઞાન કેમ થાય? અને વિના ભેદજ્ઞાન ધર્મ કેવો?

ભાઈ! રાગાદિ વિકારી પરિણામ છે તે ભાવબંધ છે અને તે નવો દ્રવ્યબંધ થવામાં નિમિત્ત છે. બાપુ! એ કાંઈ ધર્મના કારણરૂપ અબંધ પરિણામ નથી. અબંધ પરિણામ તો અબંધસ્વરૂપી ભગવાન આત્માના-સ્વના આશ્રયે થાય છે અને તે મોક્ષનો મારગ છે.

(પૂર્વ) કર્મપ્રકૃતિના ઉદયના નિમિત્તે વિકારી ભાવ ઉત્પન્ન થાય છે, તે ભાવબંધ છે. અને ભાવબંધ છે તે નવી કર્મપ્રકૃતિના બંધમાં નિમિત્ત છે. આ પ્રમાણે આત્મા અને પ્રકૃતિનું પરસ્પર નિમિત્ત- નૈમિત્તિકભાવથી પરિણમવું છે અને તેથી સંસાર છે. એનાથી જીવ ચારગતિ અને ચોરાસી લાખ યોનિમા રૂલે છે, અને તેથી જ તેમને કર્તા-કર્મનો વ્યવહાર છે.

નિશ્ચયથી તો તેમને કર્તાકર્મ સંબંધ નથી. પ્રત્યેક પદાર્થની તે તે કાળે જે જે પર્યાય ક્રમબદ્ધ થવાની હોય તે જ થાય છે; તેને પરદ્રવ્ય (નિમિત્ત) તો શું સ્વયં (સ્વદ્રવ્ય) આત્મા પણ આગળ-પાછળ કરી શકતો નથી. પરંતુ ક્રમબદ્ધ વિકાર જીવને થાય છે તેમાં જુનાં કર્મ નિમિત્ત છે, અને વિકારના નિમિત્તે નવાં કર્મનો બંધ થાય છે. આવા નિમિત્ત- નૈમિત્તિક સંબંધના કારણે તેમને કર્તાકર્મનો વ્યવહાર છે, પણ તે પરમાર્થ નથી એમ યથાર્થ સમજવું. સમજાણું કાંઈ...?

* ગાથા ૩૧૨–૩૧૩ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘આત્માને અને જ્ઞાનાવરણાદિ કર્મની પ્રકૃતિઓને પરમાર્થે કર્તાકર્મપણાનો અભાવ છે. તોપણ પરસ્પર નિમિત્ત-નૈમિત્તિકભાવને લીધે બંધ થાય છે, તેથી સંસાર છે અને તેથી જ કર્તાકર્મપણાનો વ્યવહાર છે.’

જુઓ, આત્મા અને કર્મપ્રકૃતિઓને પરમાર્થે પરસ્પર કોઈ કર્તાકર્મસંબંધ નથી. જીવમાં વિકાર થાય તેનો કર્તા જડકર્મ અને વિકાર થયો તે જડકર્મનું કાર્ય એમ નથી. તથા વિકારી પરિણામ કર્તા અને નવા કર્મનો બંધ થાય તે એનું કાર્ય એમ પણ નથી. ભાઈ! આ તો પં. શ્રી જયચંદ્રજીએ બહુ સંક્ષેપમાં સાર ભરી દીધો છે.

આત્મા અને પ્રકૃતિને પરમાર્થે કર્તાકર્મસંબંધ નથી છતાં પરસ્પર નિમિત્ત- નૈમિત્તિકભાવના કારણે બંધ થાય છે, અને તેથી સંસાર છે, ચારગતિનું પરિભ્રમણ છે. અહા! વિકારી પરિણામથી સંસાર છે, મિથ્યાત્વ તે સંસાર છે. કર્મની પુરાણી પ્રકૃતિ જે ઉદયમાં આવી તેને નિમિત્ત કરીને જીવ વિકાર કરે છે તે સંસાર છે; તે જ ચોરાસીના અવતારનું બીજ છે; અને તેથી જ કર્તાકર્મપણાનો વ્યવહાર છે.


PDF/HTML Page 3069 of 4199
single page version

સમયસાર ગાથા ૩૨૦ ના ભાવાર્થમાં કહ્યું છે કે-“ મિથ્યાત્વ છે તે જ સંસાર છે. મિથ્યાત્વ ગયા પછી સંસારનો અભાવ જ થાય છે. સમુદ્રમાં બિંદુની શી ગણતરી?”

કર્મના નિમિત્તે જે વિકાર થાય છે તેનું કર્તાપણું છે તે મિથ્યાત્વ છે અને તે જ સંસાર છે. ભાઈ! દયા, દાન વ્રત, ભક્તિ ઇત્યાદિના જે ભાવ છે તે શુભરાગના પરિણામ છે; કર્મપ્રકૃતિના નિમિત્તને આધીન થવાથી તે ભાવ ઉત્પન્ન થાય છે. તે ભાવ મારા છે, મારા કર્તવ્યપણે છે અને મને લાભકારી છે એવી માન્યતા મિથ્યાત્વ છે, અને તે જ સંસાર છે. સ્વ-આશ્રયે મિથ્યાત્વનો નાશ થતાં સંસારનો અભાવ જ થાય છે.

સમુદ્રમાં બિંદુની શી ગણતરી? એમ કે મિથ્યાત્વ ગયા પછી અવિરતિ, પ્રમાદ આદિ થોડો દોષ રહે પણ તે સમુદ્રમાં બિંદુ સમાન છે અને તે પણ ક્રમે નાશ થવાયોગ્ય જ છે. મિથ્યાત્વ છે એ જ મહાદોષ છે અને એ જ સંસાર છે.

જુઓ, કર્મથી વિકાર થાય છે એમ કોઈ કહે તો તે મૂળમાં ભૂલ છે. વિકાર પોતાના ષટ્કારકથી પોતાના કારણે થાય છે, નિમિત્તથી નહિ અને પોતાના દ્રવ્ય-ગુણથી પણ નહિ. પ્રભુ! તારાં દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણે સ્વતંત્ર છે.

-દ્રવ્ય તો ત્રિકાળ અકૃત્રિમ છે. તેનો કર્તા કોણ? કોઈ નહિ. માટે દ્રવ્ય સ્વતંત્ર છે. -દ્રવ્યમાં ગુણ છે તે ત્રિકાળ અકૃત્રિમ છે માટે સ્વતંત્ર છે. -તેમ તેની પર્યાય પણ એક સમયનું સહજ સત્ છે, પોતાથી થાય છે. માટે એય સ્વતંત્ર છે.

એક અંશ નવો થયો માટે પરના કારણે તે થયો છે એમ છે નહિ. ત્રિકાળી સ્વભાવનો આશ્રય લઈને સમ્યગ્દર્શન પ્રગટ થયું ત્યાં દર્શનમોહનો (પ્રકૃતિનો) અવશ્ય અભાવ થાય, પણ દર્શનમોહનો અભાવ થયો માટે સમ્યગ્દર્શન થયું છે એમ વસ્તુવ્યવસ્થા નથી. એક દ્રવ્યમાં કાર્ય થાય ત્યાં અન્યદ્રવ્યની અપેક્ષા કે સહાય નથી. અરે! લોકોને પર સાથે કર્તાકર્મનો અધ્યાસ થઈ ગયો છે! એ જ સંસાર-પરિભ્રમણનું મૂળ છે.

(પ્રવચન નં. ૩૭૮*દિનાંક ૨૬-૬-૭૭)

PDF/HTML Page 3070 of 4199
single page version

ગાથા ૩૧૪–૩૧પ
जा एस पयडीअट्ठं चेदा णेव विमुंचए।
अयाणओ हवे ताव मिच्छादिट्ठी असंजओ।। ३१४।।
जदा विमुंचए चेदा कम्मफलमणंतयं।
तदा विमुत्तो हवदि जाणओ पासओ मुणी।। ३१५।।
यावदेष प्रकृत्यर्थ चेतयिता नैव विमुञ्चति।
अज्ञायको भवेत्तावन्मिथ्याद्रष्टिरसंयतः।। ३१४।।
यदा विमुञ्चति चेतयिता कर्मफलमनन्तकम्।
तदा विमुक्तो भवति ज्ञायको दर्शको मुनिः।। ३१५।।

(‘જ્યાં સુધી આત્મા પ્રકૃતિના નિમિત્તે ઊપજવું-વિણસવું ન છોડે ત્યાં સુધી તે અજ્ઞાની, મિથ્યાદ્રષ્ટિ, અસંયત છે’ એમ હવે કહે છેઃ-)

ઉત્પાદ–વ્યય પ્રકૃતિનિમિત્તે જ્યાં લગી નહિ પરિતજે,
અજ્ઞાની, મિથ્યાત્વી, અસંયત ત્યાં લગી આ જીવ રહે; ૩૧૪.
આ આતમા જ્યારે કરમનું ફળ અનંતું પરિતજે,
જ્ઞાયક તથા દર્શક તથા મુનિ તેહ કર્મવિમુક્ત છે. ૩૧પ.

ગાથાર્થઃ– [यावत्] જ્યાં સુધી [एषः चेतयिता] આ આત્મા [प्रकृत्यर्थ] પ્રકૃતિના નિમિત્તે ઊપજવું-વિણસવું [न एव विमुञ्चति] છોડતો નથી, [तावत्] ત્યાં સુધી તે [अज्ञायकः] અજ્ઞાયક છે, [मिथ्याद्रष्टिः] મિથ્યાદ્રષ્ટિ છે, [असंयतः भवेत्] અસંયત છે.

[यदा] જ્યારે [चेतयिता] આત્મા [अनन्तकम् कर्मफलम्] અનંત કર્મફળને [विमुञ्चति] છોડે છે, [तदा] ત્યારે તે [ज्ञायकः] જ્ઞાયક છે, [दर्शकः] દર્શક છે, [मुनिः] મુનિ છે, [विमुक्तः भवति] વિમુક્ત (અર્થાત્ બંધથી રહિત) છે.

ટીકાઃ– જ્યાં સુધી આ આત્મા, (પોતાનાં અને પરનાં જુદાં જુદાં) નિશ્ચિત સ્વલક્ષણોનું જ્ઞાન (ભેદજ્ઞાન) નહિ હોવાને લીધે, પ્રકૃતિના સ્વભાવને-કે જે પોતાને બંધનું નિમિત્ત છે તેને-છોડતો નથી, ત્યાં સુધી સ્વ-પરના એકત્વજ્ઞાનથી અજ્ઞાયક છે, સ્વપરના એકત્વદર્શનથી (એકત્વરૂપ શ્રદ્ધાનથી) મિથ્યાદ્રષ્ટિ છે અને સ્વપરની એકત્વપરિણતિથી અસંયત છે; અને ત્યાં સુધી જ પરના અને પોતાના એકત્વનો


PDF/HTML Page 3071 of 4199
single page version

(अनुष्टुभ्)
भोक्तृत्वं न स्वभावोऽस्य स्मृतः कर्तृत्ववच्चितः।
अज्ञानादेव भोक्तायं तदभावादवेदकः।। १९६।।

અધ્યાસ કરવાથી કર્તા છે. અને જ્યારે આ જ આત્મા, (પોતાનાં અને પરનાં જુદાં જુદાં) નિશ્ચિત સ્વલક્ષણોના જ્ઞાનને (ભેદજ્ઞાનને) લીધે, પ્રકૃતિના સ્વભાવને-કે જે પોતાને બંધનું નિમિત્ત છે તેને-છોડે છે, ત્યારે સ્વપરના વિભાગજ્ઞાનથી (ભેદજ્ઞાનથી) જ્ઞાયક છે, સ્વપરના વિભાગદર્શનથી (ભેદદર્શનથી) દર્શક છે અને સ્વપરની વિભાગપરિણતિથી (ભેદપરિણતિથી) સંયત છે; અને ત્યારે જ પરના અને પોતાના એકત્વનો અધ્યાસ નહિ કરવાથી અકર્તા છે.

ભાવાર્થઃ– જ્યાં સુધી આ આત્મા પોતાના અને પરના સ્વલક્ષણને જાણતો નથી ત્યાં સુધી તે ભેદજ્ઞાનના અભાવને લીધે કર્મપ્રકૃતિના ઉદયને પોતાનો સમજી પરિણમે છે; એ રીતે મિથ્યાદ્રષ્ટિ, અજ્ઞાની, અસંયમી થઈને, કર્તા થઈને, કર્મનો બંધ કરે છે. અને જ્યારે આત્માને ભેદજ્ઞાન થાય છે ત્યારે તે કર્તા થતો નથી, તેથી કર્મનો બંધ કરતો નથી, જ્ઞાતાદ્રષ્ટાપણે પરિણમે છે.

‘એવી જ રીતે ભોક્તાપણું પણ આત્માનો સ્વભાવ નથી’ એવા અર્થનો, આગળની ગાથાની સૂચનારૂપ શ્લોક હવે કહે છેઃ-

શ્લોકાર્થઃ– [कर्तृत्ववत्] કર્તાપણાની જેમ [भोक्तृत्वं अस्य चितः स्वभावः स्मृतः न] ભોક્તાપણું પણ આ ચૈતન્યનો (ચિત્સ્વરૂપ આત્માનો) સ્વભાવ કહ્યો નથી. [अज्ञानात् एव अयं भोक्ता] અજ્ઞાનથી જ તે ભોક્તા છે, [तद्–अभावात् अवेदकः] અજ્ઞાનનો અભાવ થતાં અભોક્તા છે. ૧૯૬.

*
સમયસાર ગાથા ૩૧૪–૩૧પઃ મથાળું

જ્યાં સુધી આત્મા પ્રકૃતિના નિમિત્તે ઉપજવું-વિણસવું ન છોડે ત્યાં સુધી તે અજ્ઞાની, મિથ્યાદ્રષ્ટિ, અસંયત છે-એમ હવે કહે છેઃ-

* ગાથા ૩૧૪–૩૧પઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘જ્યાં સુધી આ આત્મા, (પોતાનાં અને પરનાં જુદાં જુદાં) નિશ્ચિત સ્વ-લક્ષણોનું જ્ઞાન (ભેદજ્ઞાન) નહિ હોવાને લીધે, પ્રકૃતિના સ્વભાવને-કે જે પોતાને બંધનું નિમિત્ત છે તેને-છોડતો નથી, ત્યાં સુધી સ્વ-પરના એકત્વજ્ઞાનથી અજ્ઞાયક છે, સ્વપરના એકત્વદર્શનથી (એકત્વરૂપ શ્રદ્ધાનથી) મિથ્યાદ્રષ્ટિ છે અને સ્વપરની એકત્વપરિણતિથી અસંયત છે; અને ત્યાં સુધી જ પરના અને પોતાના એકત્વનો અધ્યાસ કરવાથી કર્તા છે.’


PDF/HTML Page 3072 of 4199
single page version

અનાદિથી જ જીવને સ્વપરના નિશ્ચિત સ્વલક્ષણોનું જ્ઞાન નથી, ભેદજ્ઞાન નથી. તેથી અનાદિથી જ નિમિત્તને આધીન થઈને એણે સ્વ-આધીનપણું છોડી દીધું છે. ત્યાં પ્રકૃતિના ઉદયના નિમિત્તને આધીન થઈને તેને જે ભાવ થાય છે તે નવા કર્મબંધનું નિમિત્ત છે. અહા! તેને (પ્રકૃતિના સ્વભાવને) જ્યાં સુધી જીવ છોડતો નથી ત્યાં સુધી સ્વપરના એકત્વજ્ઞાનથી તે અજ્ઞાની છે.

નિમિત્તને આધીન થઈ પરિણમતાં વિકાર જ થાય છે. ચાહે તે દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિનો શુભરાગ હો, તોપણ તે વિકાર જ છે, ચૈતન્યમૂર્તિ પ્રભુ વિકારથી ભિન્ન જ છે. પરંતુ જ્યાં સુધી તે બન્નેની ભિન્નતા ન જાણે અર્થાત્ બન્નેમાં એકપણું જાણે ત્યાં સુધી જીવ અજ્ઞાની છે. લ્યો, આ વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય એમ જાણે એ અજ્ઞાની છે એમ અહીં કહે છે. હવે આવું ઓલા વ્યવહાર-રસિયાઓને કઠણ પડે પણ શું થાય?

સ્વ નામ જ્ઞાનદર્શનસ્વભાવી ભગવાન આત્મા અને પર નામ પ્રકૃતિને આધીન થવાથી ઉપજતા-વિણસતા વિકારના પરિણામ. અહા! આ બન્ને ભિન્ન છે છતાં બન્નેમાં જ્યાં સુધી એકપણું જાણતો થકો પરિણમે ત્યાં સુધી જીવ અજ્ઞાની છે.

અહીં પહેલાં જ્ઞાનથી વાત કરી છે, દ્રષ્ટિથી નહિ. ગાથા ૧૭-૧૮ માં પણ એમ લીધું છે કે પ્રથમ જાણવું, જાણેલાનું શ્રદ્ધાન કરવું અને પછી તેમાં ઠરવું; કેમકે પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને જ્ઞાનમાં જાણ્યા વિના શ્રદ્ધા કોની? મોક્ષમાર્ગપ્રકાશકમાં પણ કહ્યું છે કે નિજ શુદ્ધ ચૈતન્યસ્વરૂપને જાણ્યા વિના શ્રદ્ધા કોની કરવી? જાણ્યા વિનાનું શ્રદ્ધાન તો ગધેડાનાં શીંગડાં સમાન છે. અર્થાત્ ગધેડાને શીંગ નથી તેમ જાણ્યા વિનાની શ્રદ્ધા તે શ્રદ્ધા નથી. અહીં કહે છે-પોતાને બંધનું નિમિત્ત એવા પ્રકૃતિના સ્વભાવને જ્યાં સુધી છોડતો નથી ત્યાં સુધી સ્વપરના એકપણાના જ્ઞાનથી જીવ અજ્ઞાયક છે, અજ્ઞાની છે.

વળી સ્વપરનું ભેદજ્ઞાન નહિ હોવાને લીધે જ્યાં સુધી પ્રકૃતિના સ્વભાવને છોડતો નથી ત્યાંસુધી સ્વપરના એકત્વદર્શનથી એટલે કે એકપણાના શ્રદ્ધાનથી જીવ મિથ્યાદ્રષ્ટિ છે. શું કીધું?

-કે ભગવાન આત્મા શુદ્ધ એક જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ નિત્ય છે. અને -શુભાશુભ વિકલ્પની જે વિકૃત વૃત્તિ ઉઠે છે તે પ્રકૃતિનો સ્વભાવ છે. હવે પ્રકૃતિનો સ્વભાવ કે જે પોતાને બંધનું નિમિત્ત છે તેને જ્યાં સુધી છોડે નહિ ત્યાં સુધી સ્વપરના એકત્વરૂપ શ્રદ્ધાનથી જીવ મિથ્યાદ્રષ્ટિ છે. ભાઈ! દયા, દાન, વ્રત આદિ શુભરાગથી લાભ માનનાર જીવ શુભરાગને પોતાનું સ્વ માને છે અને તેથી સ્વપરના એકત્વશ્રદ્ધાનથી તે મિથ્યાદ્રષ્ટિ છે.


PDF/HTML Page 3073 of 4199
single page version

ભાઈ! પંચમહાવ્રતાદિ પાળવાના વિકલ્પ છે તે રાગ છે અને તે પ્રકૃતિનો સ્વભાવ છે, જીવનો સ્વભાવ નથી. કોઈ નગ્ન દિગંબર સાધુ થયો હોય, મહાવ્રતાદિ પાળતો હોય અને તે વડે પોતાને ધર્મ થવાનું માનતો હોય તો તે સ્વપરના એકત્વ-શ્રદ્ધાનના કારણે મિથ્યાદ્રષ્ટિ છે. બહુ આકરી વાત ભાઈ! પણ આ સત્ય વાત છે.

ભાઈ! સર્વજ્ઞ પરમેશ્વરનો મારગ અલૌકિક છે, જગતથી નિરાળો છે. જગત રાગથી ધર્મ થવાનું માને છે, જ્યારે ભગવાન કેવળીનો મારગ એક વીતરાગસ્વભાવ- સ્વરૂપ છે. અહીં કહે છે-વીતરાગસ્વભાવી આત્મા અને પ્રકૃતિનો સ્વભાવ જે રાગ-તે બન્નેને જ્યાં સુધી જીવ એક માને છે ત્યાં સુધી તે મિથ્યાદ્રષ્ટિ છે. અહા! દેવાદિ સંબંધી શુભ વિકલ્પ કરતાં કરતાં નિશ્ચય સમ્યગ્દર્શન પ્રગટ થશે એમ માનનાર મિથ્યાદ્રષ્ટિ છે. અરે બાપુ! આવા શુભ વિકલ્પ તો તેં અનંતવાર કર્યા છે; પણ વિકલ્પથી ભિન્ન નિર્વિકલ્પ ચૈતન્યચમત્કાર પ્રભુ આત્માનું દર્શન-શ્રદ્ધાન કર્યા વિના સમ્યગ્દર્શન થયું નહિ. જરા વિચાર કર ભાઈ!

અરે! જૈન સંપ્રદાયમાં જન્મ થયો, પણ જૈન પરમેશ્વરે કહેલું જૈનતત્ત્વ શું છે એની એને ખબર નથી! ભગવાન આત્મા પોતે જિનસ્વરૂપ છે, જિનસ્વભાવ છે.

જિન સોહી હૈ આત્મા, અન્ય સોહી હૈ કર્મ;
યહી વચનસે સમજ લે, જિનપ્રવચનકા મર્મ.

અહાહા....! ભગવાન આત્મા જિનસ્વરૂપ પરમ વીતરાગસ્વરૂપ છે. જો એમ ન હોય તો વીતરાગતા પ્રગટે ક્યાંથી? શું વીતરાગતા બહારથી આવે છે? ના, બીલકુલ નહિ. અહાહા.....! આત્મા સ્વભાવથી જ જિનસ્વરૂપ, વીતરાગસ્વરૂપ, આનંદસ્વરૂપ, ઈશ્વરસ્વરૂપ છે. તેને જ્યાં સુધી રાગસ્વરૂપ માને, રાગ સાથે એકમેકપણે માને ત્યાં સુધી જીવ મિથ્યાદ્રષ્ટિ છે.

જેમ નિર્મળતા સ્ફટિક તણી તેમ નિર્મળ જીવસ્વભાવ રે,
જિન વીરે ધર્મ પ્રકાશીયો પ્રબળ કષાય અભાવ રે.

ઓહો! જીવનો સ્ફટિકમણિ સમાન નિર્મળ સ્વભાવ છે. આ પુણ્ય-પાપના મલિન ભાવ તે પ્રકૃતિનો સ્વભાવ છે, જીવનો નહિ. ભાઈ! નિશ્ચયથી રાગ પુદ્ગલનો સ્વભાવ છે. કેમ? કેમકે રાગ નીકળી જાય છે. રાગ છે તે પ્રકૃતિના સંગમાં ઉત્પન્ન થયેલો ઔપાધિકભાવ છે અને તે પ્રકૃતિનું નિમિત્ત મટતાં નીકળી જાય છે. ભગવાન સિદ્ધને સર્વથા રાગ હોતો નથી. નીકળી ગયો હોય છે. માટે રાગ જીવનો સ્વભાવ નથી પણ પુદ્ગલપ્રકૃતિનો સ્વભાવ છે. આમ હોવા છતાં રાગ અને પોતાના સ્વભાવને જ્યાં સુધી એકમેકપણે માને ત્યાં સુધી જીવ મિથ્યાદ્રષ્ટિ છે. ભાઈ! ભગવાને પણ પુણ્ય-પાપરૂપ કષાયના અભાવરૂપ એક વીતરાગભાવને ધર્મ કહ્યો છે. બાપુ! તું


PDF/HTML Page 3074 of 4199
single page version

બહારના ક્રિયાકાંડમાં ધર્મ માનીને પ્રવર્તે પણ એ તો જીંદગી વેડફી દેવા સમાન છે.

હવે આ વાણિયા આખો દિ’ વેપાર-ધંધામાં ગરી ગયા હોય તેમને આવું સમજવાની ફુરસદ ક્યાંથી મળે? એને તો બહારમાં પાંચ-પચાસ લાખ મળી જાય એટલે માને કે ફાવી ગયા; ધૂળમાંય ફાવી ગયા નથી સાંભળને, તને ખબર નથી ભાઈ! પણ પૂર્વનાં પુણ્ય બળી જાય છે ત્યારે લક્ષ્મી આદિ બહારની ધૂળ મળે છે. તે પણ તારી પાસે (તારામાં) ક્યાં આવે છે? તારી પાસે તો મમતા આવે છે. આ જડ મારાં છે એવી મમતા તને મળે છે. બાકી ચૈતન્યઘન પ્રભુ આત્મામાં રાગનો કણ સમાય નહિ તો લક્ષ્મી આદિ ધૂળ તારી ક્યાંથી થઈ જાય? લક્ષ્મી, સ્ત્રી, પુત્ર-પરિવાર ઇત્યાદિ મારાં છે એમ માને એ તો નરી મૂઢતા છે. આ પ્રમાણે જ્યાં સુધી પરવસ્તુને પોતારૂપ માને ત્યાં સુધી સ્વપરના એકત્વદર્શનથી જીવ મિથ્યાદ્રષ્ટિ છે. સમજાણું કાંઈ....?

વળી તે જીવ સ્વપરની એકત્વપરિણતિથી અસંયત છે. શું કીધું? રાગ સાથે એકમેક થઈ પ્રવર્તે તે સ્વપરની એકત્વપરિણતિ છે અને તે વડે જીવ અસંયત છે. એટલે શું? કે તે વ્રતી નથી, સંયમી નથી અને સમકિતી પણ નથી. વિના સમ્યગ્દર્શન જ્યાં સુધી એકલી રાગમય પરિણતિ છે ત્યાં સુધી જીવ અસંયત છે.

આ પ્રમાણે ત્રણ બોલ આવ્યાઃ ૧. સ્વપરનું જ્ઞાન નથી ત્યાં સુધી અજ્ઞાની છે. ૨. સ્વપરના એકત્વશ્રદ્ધાનથી જીવ મિથ્યાદ્રષ્ટિ છે. ૩. સ્વપરિણતિને છોડી રાગ અને પુણ્યની પરિણતિરૂપે પરિણમે તે અસંયત છે. ઓહો! ભગવાન આત્મા નિર્મળાનંદનો નાથ પ્રભુ શુદ્ધ એક જ્ઞાનસ્વભાવમય છે. તેના આશ્રયે પ્રવર્તે તે જ્ઞાનમય પરિણતિ છે. એનાથી ભિન્ન ‘રાગ તે હું છું’ -એમ પ્રવર્તે તે રાગમયપરિણતિ છે. રાગમય પરિણતિ છે તે સ્વપરની એકત્વપરિણતિ છે. ભલા જાણી દયા, દાન, વ્રતાદિ શુભરાગના આચરણરૂપ પ્રવર્તે તે રાગમય પરિણતિ છે. તેને સ્વપરની એકત્વપરિણતિરૂપ કહે છે. જ્યાં સુધી સ્વપરની એકત્વપરિણતિરૂપ જીવ પરિણમે છે ત્યાં સુધી તે અસંયત છે. આવી વાત છે.

પ્રવચનસારની ગાથા ૨૩૬ માં કહ્યું છે કે-“જે જીવોને સ્વપરનું ભેદજ્ઞાન નથી તેમને ભલે કદાચિત્ પાંચ ઈન્દ્રિયોના વિષયોનો સંયોગ ન દેખાતો હોય, છ જીવનિકાયની દ્રવ્યહિંસા ન દેખાતી હોય અને એ રીતે સંયોગથી નિવૃત્તિ દેખાતી હોય, તોપણ કાયા અને કષાયો સાથે એકતા માનનારા તે જીવોને ખરેખર પાંચ ઈન્દ્રિયોના વિષયોની અભિલાષાનો નિરોધ નથી, હિંસાનો જરાય અભાવ નથી અને એ રીતે પરભાવથી બીલકુલ નિવૃત્તિ નથી.” અર્થાત્ સ્વપરની એકત્વપરિણતિથી અસંયત જ છે.

પોતાને તો એક જ્ઞાનસ્વભાવ છે. તેને છોડીને રાગ સાથે એકત્વ કરીને પ્રવર્તે


PDF/HTML Page 3075 of 4199
single page version

તેને અહીં સ્વપરની એકત્વપરિણતિ કહેલ છે; પણ જ્ઞાનની પરિણતિ છે અને રાગની પરિણતિ પણ છે એમ મળીને સ્વપરની એકત્વપરિણતિ છે એમ અર્થ નથી. (જ્ઞાનની પરિણતિ તો જ્ઞાનસ્વભાવના આશ્રયે છે અને તેમાં રાગની પરિણતિ નથી, અને રાગની પરિણતિ પ્રકૃતિના સ્વભાવને આધીન છે અને તેમાં જ્ઞાનપરિણતિ નથી).

તો સમ્યગ્દ્રષ્ટિને રાગ તો આવે છે? હા, સમ્યગ્દ્રષ્ટિને રાગ આવે છે, પણ તેને સ્વપરના એકત્વરૂપ રાગપરિણતિ નથી, જ્ઞાનપરિણતિ છે. તે રાગનો માત્ર જ્ઞાતા-દ્રષ્ટા રહે છે, રાગનું સ્વામિત્વ કરતો નથી. અહી તો મિથ્યાદ્રષ્ટિનાં અસંયમની વાત કરી છે-કે ‘રાગ તે હું’ -એમ માની જ્યાં સુધી તે પ્રવર્તે છે ત્યાં સુધી સ્વપરની એકત્વપરિણતિથી તે અસંયત છે. હવે કહે છે-

‘અને ત્યાં સુધી જ પરના અને પોતાના એકત્વનો અધ્યાસ કરવાથી કર્તા છે.’ અહા! સ્વપરના એકત્વનો એને અધ્યાસ થઈ ગયો છે. ભગવાન આત્માનો તો એક જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવ છે. પરંતુ પ્રકૃતિનો સ્વભાવ જે રાગ તે મારો સ્વભાવ છે એમ માનવાની એને આદત પડી ગઈ છે. વિકાર-વિભાવ તે હું એમ માનવાની એને અનાદિથી ટેવ પડી ગઈ છે. જ્યાં સુધી તેને આ (સ્વપરના એકત્વનો) અધ્યાસ છે ત્યાં સુધી તે વિકારનો કર્તા છે.

વીતરાગનો ધર્મ કોઈ અપૂર્વ ચીજ છે ભાઈ! પૂર્વે તેં કદીય ધર્મ કર્યો નથી. આ પંચમહાવ્રત અને દયા, દાન આદિના ભાવ કાંઈ અપૂર્વ નથી; એ ભાવ તો પૂર્વે અનંતવાર આ જીવે કર્યા છે. અહા! અનંતકાળે માંડ મનુષ્યભવ મળે એવા એને અનંત મનુષ્યભવ થયા, અને એનાથી અસંખ્યાતગુણા અનંતવાર નરકના ભવ થયા, વળી એનાથી અસંખ્યાતગુણા અનંતવાર એ દેવ થયો. અધધધ! આટ આટલી વાર પ્રભુ! તું દેવ થયો તે શું પુણ્યભાવ કર્યા વિના થયો? બાપુ! પુણ્યભાવની તને અપૂર્વતા નથી; પરંતુ એક જ્ઞાનસ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન તું પ્રગટ કરે એ અપૂર્વ છે. સમજાણું કાંઈ...? ભાઈ! અત્યારે આ નહિ સમજે તો ક્યારે સમજીશ? (એમ કે આ દેહ તો છૂટી જશે અને તું ક્યાંય નિગોદાદિ તિર્યંચમાં અનંતકાળ ખોવાઈ જઈશ, પછી કેમ સમજીશ?)

ભગવાન કેવળીની વાણીમાં આવેલી આ વાત છે કે-ચારગતિમાં પ્રભુ! તું રખડતો થકો ભારે દુઃખી થઈ રહ્યો છે. તેમાં અનંતકાળ તો તારો નિગોદમાં ગયો છે. છહઢાલામાં આવે છે ને કે -

કાલ અનંત નિગોદ મઝાર, વીત્યો એકેન્દ્રી તન ધાર.

આ લસણ અને ડુંગળી આવે છે ને? તેની એક કણીમાં અસંખ્ય ઔદારિક શરીર છે અને એક એક શરીરમાં અનંતા નિગોદના જીવ છે. કેટલા? જે અનંતા


PDF/HTML Page 3076 of 4199
single page version

સિદ્ધ છે એનાથી અનંતગણા જીવ એક શરીરમાં છે. આવા આવા અનંત ભવ પ્રભુ! તેં કર્યા છે. તારા દુઃખની શી વાત કહીએ? સ્વપરના એકત્વરૂપ અધ્યાસને કારણે તને અકથ્ય-અકથ્ય દુઃખ થયાં છે. અહીં કહે છે-જ્યાં સુધી સ્વપરના એકત્વરૂપ અધ્યાસ છે ત્યાં સુધી જીવ કર્તા છે. જીવ રાગને પોતાનો માનીને તેનો કર્તા થાય છે.

હવે કહે છે- ‘અને જ્યારે આ જ આત્મા, (પોતાનાં અને પરનાં જુદાં જુદાં) નિશ્ચિત સ્વલક્ષણોના જ્ઞાનને (ભેદજ્ઞાનને) લીધે, પ્રકૃતિના સ્વભાવને-કે જે પોતાને બંધનું નિમિત્ત છે તેને-છોડે છે, ત્યારે સ્વપરના વિભાગજ્ઞાનથી (ભેદજ્ઞાનથી) જ્ઞાયક છે, સ્વપરના વિભાગદર્શનથી (ભેદદર્શનથી) દર્શક છે અને સ્વપરની વિભાગ-પરિણતિથી (ભેદપરિણતિથી) સંયત છે; અને ત્યારે જ પરના અને પોતાના એકત્વનો અધ્યાસ નહિ કરવાથી અકર્તા છે.’

જુઓ, ધર્મી પુરુષ રાગનો અકર્તા છે એમ ત્રણ બોલથી અહીં સિદ્ધ કરે છે. અહા! આ પ્રકૃતિનો સ્વભાવ જે રાગ છે તે દુઃખ છે, એક સમયની કૃત્રિમ ઉપાધિ છે અને હું તો પરમાનંદમય શુદ્ધચૈતન્યસ્વરૂપ ત્રિકાળ નિરુપાધિ તત્ત્વ છું. આમ બેના ભિન્ન ભિન્ન લક્ષણોનું જ્ઞાન થતાં ભેદજ્ઞાન થાય છે. આવું ભેદજ્ઞાન થતાં જીવ પ્રકૃતિના સ્વભાવને છોડે છે અને ત્યારે તે સ્વપરના વિભાગજ્ઞાનથી જ્ઞાયક છે, સમ્યગ્જ્ઞાની છે.

આ પુણ્ય-પાપના ભાવ છે તે કર્મના નિમિત્તે ઉત્પન્ન થયા છે તેથી તે પ્રકૃતિનો સ્વભાવ છે, આત્માનો નહિ. અહા! પુણ્ય-પાપના સઘળા ભાવ મારી ચીજ નથી એમ જેને અંતરમાં ભેદજ્ઞાન થયું તે પ્રકૃતિના સ્વભાવને છોડી દે છે અને ત્યારે તે સ્વપરના વિભાગજ્ઞાનથી જ્ઞાની છે. સમજાય છે કાંઈ...? ભાઈ! આ સમજ્યા વિના તારી જીંદગી ઢોરની માફક જાય છે હોં. ભલે તું અહીં મોટો ક્રોડપતિ કે અબજોપતિ હોય, પરંતુ રાગથી ભિન્ન પોતાની શુદ્ધ ચૈતન્યમય ચીજ કેવી અને કેવડી છે તેનું અંતરમાં ભાન નથી તો તું પાગલ-ઉન્મત્ત જ છે. તત્ત્વાર્થસૂત્રમાં મિથ્યાદ્રષ્ટિનું જ્ઞાન મિથ્યાજ્ઞાન કેમ છે એ સમજાવતાં પહેલા અધ્યાયના સૂત્ર ૩૨ માં આવે છે કે-“વિદ્યમાન અને અવિદ્યમાન પદાર્થોનું ભેદરૂપ જ્ઞાન (યથાર્થ વિવેક) ન હોવાને કારણે પાગલ પુરુષોના જ્ઞાનની માફક મિથ્યાદ્રષ્ટિનું જ્ઞાન વિપરીત અર્થાત્ મિથ્યાજ્ઞાન હોય છે.” ત્યાં સૂત્રમાં उन्मत्तवत्– એમ શબ્દ છે.

જેમ કોઈએ દારૂ પીધો હોય તો તે ઉન્મત્ત થઈને સ્ત્રીને સ્ત્રી પણ કહે છે અને બા પણ કહે છે; તેને કાંઈ વિવેક જ નથી. તેમ મોહમદિરા પીને ઉન્મત્ત થયેલા આને સ્વપરનો વિવેક જ નથી. ભેદજ્ઞાનના અભાવે તે પાગલ જ છે.

અહીં કહે છે-જ્ઞાનીને રાગ હોય છે ખરો, પણ દ્રષ્ટિમાં તેણે રાગને પ્રકૃતિનો સ્વભાવ જાણી છોડી દીધો છે. મારી ચીજ અંદર એક જ્ઞાનાનંદસ્વરૂપ છે તે આદરણીય


PDF/HTML Page 3077 of 4199
single page version

-ઉપાદેય છે અને આ જે રાગ છે તે હેય છે, ત્યાગ કરવા યોગ્ય છે એમ જ્ઞાની યથાર્થ જાણે છે. બાપુ! આમ રાગને જે છોડી દે છે તે સ્વપરના વિભાગજ્ઞાનથી જ્ઞાયક થાય છે, જ્ઞાની થાય છે. શાસ્ત્ર ભણ્યો હોય કે ન ભણ્યો હોય, શાસ્ત્ર ભણવાની એને કાંઈ અટક નથી. (સ્વપરનું ભેદજ્ઞાન થાય એ મુખ્ય ચીજ છે).

જુઓ, શાસ્ત્રમાં લેખ છે કે નવતત્ત્વના નામ પણ જાણતા નથી એવા અઢીદ્વીપ બહાર અસંખ્ય પશુ છે કે જેઓ સમકિતી શ્રાવકના પંચમગુણસ્થાનની ભૂમિકામાં આરૂઢ છે. અહા! જેણે જાણનારને જાણ્યો તેણે બધું જાણ્યું. આ ચૈતન્યસ્વરૂપ જાણવાવાળો તે હું, આ રાગ તે હું નહિ-એમ જેણે જ્ઞાનમાં અનુભવ્યું તે જ્ઞાયક છે, જ્ઞાની છે. ભાઈ! વીતરાગ પરમેશ્વરે કહેલું સ્વરૂપ તે આ છે. ભાગ્ય હોય તો એ સાંભળવાય મળે.

વળી, ‘સ્વપરના વિભાગદર્શનથી (ભેદદર્શનથી) દર્શક છે.’ શું કીધું? સ્વ નામ એક શુદ્ધ ચિદ્ઘન પ્રભુ આત્મા અને પર નામ પુણ્ય-પાપ આદિ વિભાવ-એ બેના ભેદદર્શનથી જીવ દર્શક છે, સમ્યગ્દ્રષ્ટિ છે. આ દેવગુરુશાસ્ત્રને અને નવતત્ત્વને બહારથી (વિકલ્પરૂપ) માને માટે જીવ સમ્યગ્દ્રષ્ટિ છે એમ નહિ, પણ રાગથી ભિન્ન હું ચિદાનંદઘનસ્વભાવી આત્મા છું એમ રાગ ને આત્માના વિભાગદર્શનથી જીવ દર્શક નામ સમ્યગ્દ્રષ્ટિ છે. આવો મારગ છે ભાઈ! વીતરાગનો. આ તો શૂરાનો મારગ છે બાપુ!

પ્રભુનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જો ને.

અહા! આ તો વીરનો મારગ પ્રભુ! કાયર અર્થાત્ રાગના રસિયાનું આમાં કામ નથી. રાગની જેને રુચિ છે, રાગનો કર્તા થઈ જે પરિણમે છે એવા રાગી જીવોને શાસ્ત્રમાં નપુંસક કહ્યા છે; કેમકે નપુંસકને જેમ પુત્ર ન થાય તેમ રાગને (શુભ-રાગનેય) પોતાનો માનનારને ધર્મની પર્યાય પાકતી નથી.

વળી, ‘સ્વપરની વિભાગપરિણતિથી સંયત છે.’ રાગપરિણતિ અને જ્ઞાનપરિણતિ બન્ને ભિન્ન છે. રાગપરિણતિ પ્રકૃતિનો સ્વભાવ છે અને જ્ઞાનપરિણતિ જ્ઞાનસ્વભાવરૂપ છે. બન્ને ભિન્ન છે. ત્યાં રાગરહિત નિર્મળ જ્ઞાનપરિણતિ તે મારી ચીજ છે, અને રાગપરિણતિ તે મારી ચીજ નથી-આવી સ્વપરની વિભાગપરિણતિથી જીવ સંયત છે. લ્યો, આને સંયત નામ મુનિ કહેવામાં આવે છે. માત્ર નગ્ન દિગંબર હોય ને બહારમાં મહાવ્રતાદિ પાળે માટે મુનિ છે એમ નહિ. પણ રાગ અને જ્ઞાનની વિભાગપરિણતિથી જીવ સંયત નામ મુનિ છે. આમ ત્રણ બોલ કીધા. હવે કહે છે-

‘અને ત્યારે જ પરના અને પોતાના એકત્વનો અધ્યાસ નહિ કરવાથી અકર્તા છે.’ જુઓ, જ્યાં સુધી સ્વપરના એકત્વનો અધ્યાસ હતો ત્યાં સુધી જીવ અજ્ઞાની અને કર્તા હતો. પણ સ્વપરના એકત્વનો અધ્યાસ દૂર થતાં તે જ્ઞાની થયો થકો


PDF/HTML Page 3078 of 4199
single page version

અકર્તા છે. ચોથા ગુણસ્થાને આત્માનું ભાન થઈને જ્યાં સમ્યગ્દર્શન થયું ત્યાં તે રાગનો અકર્તા થઈ જાય છે. રાગ ભલે હો, પણ તેનો તે અકર્તા નામ જ્ઞાતા જ છે. લ્યો, આનું નામ ધર્મ ને મોક્ષનો માર્ગ છે.

* ગાથા ૩૧૪–૩૧પઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘જ્યાં સુધી આ આત્મા પોતાના અને પરના સ્વલક્ષણોને જાણતો નથી ત્યાં સુધી તે ભેદજ્ઞાનના અભાવને લીધે કર્મ પ્રકૃતિના ઉદયને પોતાનો સમજી પરિણમે છે; એ રીતે મિથ્યાદ્રષ્ટિ, અજ્ઞાની, અસંયમી થઈને, કર્તા થઈને, કર્મનો બંધ કરે છે.’

જુઓ, આત્માનું લક્ષણ જ્ઞાન છે અને કર્મપ્રકૃતિનું લક્ષણ રાગ અને બંધ છે. રાગ શુભ હો કે અશુભ-તે પ્રકૃતિનો સ્વભાવ છે, જીવનો નહિં. જીવનો તો એક જ્ઞાનસ્વભાવ છે. આમ બન્નેના સ્વલક્ષણોને ભિન્ન ભિન્ન જાણતો નથી ત્યાં સુધી જીવને ભેદજ્ઞાનનો અભાવ છે; અને ત્યાં સુધી તે કર્મપ્રકૃતિના ઉદયને પોતાનો સમજી પરિણમે છે. અહા! કર્મપ્રકૃતિના ઉદયમાં તે ઝટ જોડાઈ જાય છે. આ પ્રમાણે ભેદજ્ઞાનના અભાવે જીવ પ્રકૃતિના સ્વભાવે રાગાદિપણે, પુણ્ય-પાપપણે પરિણમે છે અને એ રીતે મિથ્યાદ્રષ્ટિ, અજ્ઞાની અને અસંયમી થયો થકો કર્તા થઈને કર્મનો બંધ કરે છે.

તો પછી જ્ઞાનીને પણ રાગ થતો જોઈએ છીએ ને?

હા, જ્ઞાનીને રાગ થતો હોય છે, પણ એની જ્ઞાનપરિણતિથી એ ભિન્ન પડી ગયો હોય છે, જ્ઞાની એને પોતાથી ભિન્નપણે જાણે છે, જેમ ઘઉં ને કાંકરા ભિન્ન છે એમ. અજ્ઞાની બેને એકમેક કરે છે. પ્રકૃતિના સ્વભાવને પોતાનું સ્વ સમજીને પરિણમે છે. તેથી તે મિથ્યાદ્રષ્ટિ, અજ્ઞાની, અસંયમી થઈને, કર્તા થઈને કર્મબંધ કરે છે, હવે કહે છે-

‘અને જ્યારે આત્માને ભેદજ્ઞાન થાય છે ત્યારે તે કર્તા થતો નથી, તેથી કર્મનો બંધ કરતો નથી, જ્ઞાતાદ્રષ્ટાપણે પરિણમે છે.’

અહા! હું તો જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ આત્મા છું, અને આ રાગ છે એ તો પ્રકૃતિનો સ્વભાવ છે અને તે મારાથી તદ્ન ભિન્ન છે. જ્યારે આવું જીવને ભેદજ્ઞાન થાય છે ત્યારે તે જ્ઞાની થયો થકો રાગનો કર્તા થતો નથી. જ્ઞાનીને રાગ થતો હોય છે, પણ રાગનું પરિણમન મારું સ્વ છે એમ જ્ઞાની સ્વીકારતા નથી. જ્ઞાનીની દ્રષ્ટિ રાગને પોતાના સ્વપણે સ્વીકારતી નથી. જ્ઞાનીને રાગનું સ્વામિત્વ નથી. રાગનું પરિણમન છે એ અપેક્ષાએ તેને શાસ્ત્રમાં કર્તા કહ્યો છે, પણ જ્ઞાની રાગ પોતાનું કરવાલાયક કર્તવ્ય છે એમ માનતા નથી એ અપેક્ષાએ તેને અહીં અકર્તા કહ્યો છે. સમજાણું કાંઈ...?

રાગને પોતાનો માનીને પરિણમે તે મિથ્યાત્વ છે અને મિથ્યાત્વ છે તે જ


PDF/HTML Page 3079 of 4199
single page version

સંસાર છે. જ્યારે ભેદજ્ઞાન થાય છે ત્યારે જ્ઞાની થયો થકો રાગનો કર્તા થતો નથી; તેથી જીવ કર્મબંધ કરતો નથી, જ્ઞાતાદ્રષ્ટાપણે પરિણમે છે. સમ્યગ્દર્શનથી માંડીને મુનિદશા પર્યંત તે જાણવા-દેખવારૂપે પરિણમે છે. વ્યવહારરત્નત્રયનો રાગ આવે પણ તેનો તે કર્તા થતો નથી. ભાઈ! વીતરાગી ધર્મ વીતરાગભાવથી જ પ્રગટ થાય છે, રાગથી નહિ. રાગપણે પરિણમવું એ કાંઈ ધર્મ નથી. જ્ઞાનીને રાગ આવે પણ તે રાગનો કર્તા થતો નથી, જ્ઞાતા- દ્રષ્ટા જ રહે છે. આવી સૂક્ષ્મ વાત છે.

*

‘એવી જ રીતે ભોક્તાપણું પણ આત્માનો સ્વભાવ નથી’ -એવાં અર્થનો આગળની ગાથાની સૂચનારૂપ શ્લોક હવે કહે છેઃ-

* કળશ ૧૯૬ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘कर्तृत्ववत्’ કર્તાપણાની જેમ ‘भोक्तृत्वं अस्य चितःस्वभावः स्मृतः न’ ભોક્તાપણું પણ આ ચૈતન્યનો (ચિત્સ્વરૂપ આત્માનો) સ્વભાવ કહ્યો નથી.

અહા! શુભાશુભ રાગનું કર્તાપણું જેમ ચિત્સ્વરૂપ ભગવાન આત્માનો સ્વભાવ નથી તેમ શુભાશુભ રાગનું ભોક્તાપણું પણ જીવનો સ્વભાવ ભગવાન ગણધરદેવે કહ્યો નથી. આ વિષયભોગમાં કે ભગવાનનાં દર્શન આદિ કરતાં જે હરખનો ભાવ થાય તેનો ભોક્તા જ્ઞાની થતો નથી. કેમ? કેમકે ઈન્દ્રિયના વિષય કે હરખના રાગનું, કલ્પનાના સુખનું ભોગવવું તે આત્માનો સ્વભાવ નથી. રાગને કરે કે ભોગવે એવો આત્માનો કોઈ સ્વભાવ વા ગુણ-શક્તિ નથી.

જુઓ, સમકિતી ચક્રવર્તીને ૯૬૦૦૦ રાણીઓ હોય છે. રોજ તે નવી નવી રાણીઓ પરણે છે. તેને તત્વિષયક રાગ પણ તે કાળે થતો હોય છે. તોપણ તે રાગના ભોક્તાપણાનું જે વેદન છે તે હું નહિ એમ તે માને છે. શું કીધું? અહા આ જેટલું નિરાકુલ આનંદનું વેદન છે તે મારી ચીજ છે, પણ રાગનું ભોગવવું તે મારું સ્વરૂપ નથી એમ ધર્મી માને છે. હવે અજ્ઞાનીને આ કેમ બેસે? પરંતુ ભાઈ! આત્મા જેમ રાગનો કર્તા ન થાય તેમ રાગનો ભોક્તાય ન થાય એવો જ એનો સ્વભાવ છે. અને સ્વભાવમાં રત એવા જ્ઞાનીને વિષયોમાં-રાગાદિમાં સુખબુદ્ધિ હોતી જ નથી તેથી તે ભોક્તા થતો નથી. લ્યો, આવી ઝીણી વાત! હવે કહે છે-

अज्ञानात् एव अयं भोक्ता’ અજ્ઞાનથી જ તે ભોક્તા છે, ‘तद्–अभावात् अवेदकः’ અજ્ઞાનનો અભાવ થતાં અભોક્તા છે.

રાગ અને જ્ઞાનનું જ્યાં સુધી ભેદજ્ઞાન નથી ત્યાં સુધી અજ્ઞાનથી જ જીવ ભોક્તા છે. જ્યારે રાગ અને આત્માનું ભેદજ્ઞાન થાય છે ત્યારે તે રાગ અને હરખ-


PDF/HTML Page 3080 of 4199
single page version

શોકના ભાવનો ભોક્તા થતો નથી. લોકોને બહારથી લાગે કે તે ભોગવે છે, પણ વાસ્તવમાં જ્ઞાની રાગ કે હરખશોકના ભાવને ભોગવતો નથી; કેમકે હું ભોગવું એવો અભિપ્રાય એને ક્યાં છે? એને તો એ વિષયો અને તત્સંબંધી હરખશોકના ભાવ-એ બધું ઝેર સમાન ભાસે છે. અહા! જડ ઈન્દ્રિયો, ભાવેન્દ્રિયો, અને વિષયો -એ બધાથી અધિક પોતાનો જ્ઞાનસ્વભાવ જેને સ્વપણે અંદર પ્રતિભાસ્યો છે તે રાગ અને હરખશોકના ભાવને કેમ ભોગવે? આનંદનો ભંડાર એવા જ્ઞાનાનંદસ્વભાવી નિજ પરમાત્મદ્રવ્યથી જેણે પ્રેમ બાંધ્યો તે હવે બીજે વિષયાદિમાં રતિ કેમ કરે? ન જ કરે. આ પ્રમાણે અજ્ઞાનનો અભાવ થતાં જીવ અભોક્તા છે. અભોક્તાપણું આત્માનો સ્વભાવ છે અને તેને (- સ્વભાવને) અનુસરનાર જ્ઞાની અભોક્તા છે. આવી વાત છે.

[પ્રવચન નં. ૩૭૮ (શેષ) થી ૩૮૦ ચાલુ*દિનાંક ૨૭-૬-૭૭]
ॐ ॐ ॐ
ॐ ॐ