Atmadharma magazine - Ank 010-011
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 29
single page version

background image
: ૧૮૦ : પર્યુષણ અંક : ભાદ્રપદ : ૨૦૦૦ :
મોટાભાઈ–મિથ્યાત્વનું પ્રતિક્રમણ થયા વિના અર્થાત્ સમ્યગ્દર્શન પ્રગટ કર્યા વિના કોઈ જીવને સાચા વ્રત ન હોય.
બાલવ્રત–બાલતપ હોય પણ બાલવ્રત કે બાલતપ કાંઈ ધર્મ નથી એ તો અધર્મ છે. એટલે કે મિથ્યાત્વનું પ્રતિક્રમણ
થયા વિના બીજું કોઈ પ્રતિક્રમણ હોઈ શકે જ નહીં. આ કારણે આત્માનું સ્વરૂપ સમજવાની ઘણી જરૂર છે.
નાનાભાઈ––તમે કહ્યું તે બરાબર છે. અમારા જેવા યુવકોએ પોતાનું કાર્યક્ષેત્ર બદલવાની જરૂર છે. સાચી
સમજણ કરી લેવાની જરૂર છે. સમ્યગ્જ્ઞાનની પરબો દરેક ઠેકાણે બેસાડવાનું કામ ખાસ કરીને કરવું જોઈએ.
મોટાભાઈ–યુવક અને વૃદ્ધ એ શરીરાશ્રિત અવસ્થાઓ છે. જીવથી શરીર પરવસ્તુ છે માટે તે પરવસ્તુ
તરફનું લક્ષ છોડી દરેક જીવે પોતાનું સ્વરૂપ સમજવા પ્રયાસ–સત્ય પુરુષાર્થ કરવો જોઈએ અને પોતાના સ્વરૂપમાં
સ્થિર રહેવું જોઈએ. સ્થિર ન રહી શકે ત્યારે પોતામાં અશુભ ભાવ ન થાય તે માટે જ્ઞાનની રુચિ વધારવા
પ્રયાસ કરવો જોઈએ. તેવા ભાવ જગતના જીવો પ્રાપ્ત કરી શકે તે માટે સમ્યગ્જ્ઞાનની પરબો સ્થળે સ્થળે મંડાય,
પોષાય અને વૃદ્ધિ પામે તેવી ભાવના ભાવવી જોઈએ.
નાનાભાઈ–યુવક અને વૃદ્ધ એ શરીરાશ્રિત અવસ્થા છે એ વાત બરાબર છે. બધા જીવ અનાદિના છે
તેથી કોઈ નાનું મોટું નથી. માટે સર્વ જીવે પોતાનું સ્વરૂપ સમજી પોતાનું અજ્ઞાન ટાળવા મથવું જોઈએ,
મિથ્યાદર્શન ટાળવું જોઈએ. એ પ્રમાણે જે કરે તેને જ સાચું પ્રતિક્રમણ હોઈ શકે એ વાત બરાબર છે. આહારના
ત્યાગની અમુક વખત માટે પ્રતિજ્ઞા લેવી તે સમ્યક તપ નથી કેમકે જેને પોતાના સ્વરૂપની ખબર નથી તેને તો
બાળતપ હોય છે, એમ ભગવાને ડાંડી પીટીને કહ્યું છે માટે મારે મિથ્યાત્વનું પ્રતિક્રમણ પ્રથમ જ કરવું જોઈએ. એ
હું સમજ્યો. મારા મિત્રોને પણ સાચું પ્રતિક્રમણ કરવા માટે સમજાવવા પ્રયત્નો કરીશ.
મોટાભાઈ–સારું! આ વખતે તમે અને બધાઓ પ્રતિક્રમણનું સાચું સ્વરૂપ સમજો અને ભગવાનના
સાચા અનુયાયી થાઓ, નામના અનુયાયી મટી જાઓ; એવી મારી પણ ભાવના છે.
દરેક પદાર્થની અવસ્થા થાય છે તે આત્માના જ્ઞાનની પર્યાયથી જુદી જ છે, તે વાત ચાલે છે.
રસ:– રસ તે જડની અવસ્થા છે. રસ જીભને અડે છે માટે રસનું જ્ઞાન થાય છે એવું નથી; પણ તે ટાણે
આત્માના જ્ઞાનની તે જાતની અવસ્થા છે. રસ તો જડ છે તે કાંઈ જાણતું નથી. અને જ્ઞાન બધું જાણે છે માટે
જ્ઞાનને અને રસને જુદાપણું છે એમ શ્રી જિનદેવે કહ્યું છે.
જ્ઞાનમાં જેવી જાણવાની અવસ્થા થઈ, તેવા જ રસની સામગ્રી તે વખતે જીભને અડે, પણ આત્માનું જ્ઞાન
તેનાથી થયું નથી. આત્માનું જ્ઞાન આત્માથી થયું છે. જ્ઞાનની તે ટાણાંની અવસ્થા થઈ છે, જ્ઞાન અને રસ બન્ને
સ્વતંત્ર છે. જીભ અને રસ એ બન્ને જડની અવસ્થા છે, તે વડે જ્ઞાન જાણતું નથી. જ્ઞાનનો જ પોતાથી જાણવાનો
સ્વભાવ છે. જ્ઞાનગુણ પોતાના કારણે પરિણમે ત્યારે સામે તે જ જાતની વસ્તુ હોય, છતાં રસને કારણે જ્ઞાન
નથી કે જ્ઞાનને કારણે રસ નથી.
અહા! કેટલી સ્વતંત્રતા! રસની અવસ્થા જુદી છે, આત્માના જ્ઞાનની અવસ્થા જુદી છે, એમ શ્રી જિનદેવે
જોયું છે. પરને કારણે મારા જ્ઞાનની અવસ્થા નથી, ‘સ્વ’ થી અવસ્થા થઈ છે, એમ જાણીને ‘પર’ થી ઉદાસ રહેવું
(જ્ઞાન જ કરવું) તેમાં સારા નરસાપણું કરવાનું સ્વરૂપ જ્ઞાનનું નથી. આત્મા તો જાણે, કાંઈ કરે નહીં.
સર્વત્ર જ્ઞાનું જ ચમકવું છે.
કોઈ જીવ પરને ભોગવી શકતો તો નથી, પણ કોઈ પરનું વર્ણન પણ કરી શકતો
નથી; માત્ર પોતે પરનું જે જ્ઞાન કર્યું છે તેનું (પોતાના જ્ઞાનનું) વર્ણન કરી શકે છે.
જ્ઞાનગુણ સિવાય એકે ગુણનું વર્ણન થઈ શકતું નથી; સુખ ગુણનું વર્ણન કરી શકાતું
નથી પણ જે જ્ઞાને સુખગુણને નક્કી કર્યો છે તે “સુખગુણના જ્ઞાનનું” વર્ણન કરી શકે છે.
આ રીતે જ્ઞાન ખરેખર પર–પ્રકાશક નથી પણ સ્વ–પર્યાય (જ્ઞાનની અવસ્થા) ને પ્રકાશે
છે. આ રીતે જ્ઞાનનો જ બધે ચમત્કાર છે અને જ્ઞાન એ જ આત્માની વિશિષ્ટતા છે.

PDF/HTML Page 22 of 29
single page version

background image
: ભાદ્રપદ : ૨૦૦૦ : પર્યુષણ અંક : ૧૮૧ :
પર વસ્તુમાં સારું નરસું સમયસાર પાન ૪૭૦ ઉપર
માનવું એજ સંસાર છે તથા પરમપૂજ્ય સદ્ગુરુદેવનું વ્યા–
પરને કારણે મને જ્ઞાન થયું ખ્યાન તા. ૨૧–૬–૪૪ અષાડ
એમ માનવું તે જ श्री असिआ उसाय नमः સુદ ૧ બુધવાર




સારું નરસું કહેવું કોને? પર વસ્તુમાં કાંઈ ‘આ સારું’ કે ‘આ ખરાબ’ એમ લખ્યું નથી; તેમજ જ્ઞાનનો
સ્વભાવ સારું નરસું કરવાનો નથી. પર વસ્તુમાં સારું નરસું માનવું એ જ સંસાર છે, તથા પરને કારણે મને
જ્ઞાન થયું એટલે કે મારી અવસ્થા પરાધીન થઈ એમ માનવું તે જ પરિભ્રમણનું કારણ છે.
રસ પર છે, તારો સ્વભાવ તારામાં છે, રસમાં ગૃદ્ધિ કરવી તે મૂઢતા છે, રસ જડની અવસ્થા છે તે કાંઈ
જાણતું નથી અને જ્ઞાન બધું જાણે છે તેથી જ્ઞાન અને રસ જુદા છે, એમ જિનદેવે કહ્યું છે.
પ્રશ્ન:– જ્ઞાનીઓ રસ ખાતાં–પીતાં નહીં હોય?
ઉત્તર:– જ્ઞાની ચક્રવર્તી હોય, પણ હજી રાગ છે ત્યાં સુધી ખાય–પીએ ખરા, છતાં અંતરમાં ભાન છે કે
‘આ રાગ મારું સ્વરૂપ નથી, મારો આત્મા પવિત્ર આનંદમૂર્તિ છે, આ બધા સંયોગ પૂર્વના કારણે છે. અવસ્થામાં
રાગ છે તે મારા પુરુષાર્થની વર્તમાન નબળાઈ છે, તે રાગ કે વર્તમાન પુરુષાર્થની નબળાઈ મારું સ્વરૂપ નથી, પર
વસ્તુ મારી નથી, પર વસ્તુથી મને રાગ નથી કે પર વસ્તુથી મારું જ્ઞાન નથી. તેમ જ મારા સ્વભાવમાં આનંદની
કચાશ નથી, આવું અંતર સ્વરૂપમાં જ્ઞાનીને ભાન છે; જ્યારે અજ્ઞાની બહારમાં ત્યાગી થઈને બેઠો હોય, પણ
અંદરમાં ‘પરવસ્તુને કારણે રાગ થતો’ એમ માનતો હોય કે પરને કારણે જ્ઞાન માનતો હોય તે અજ્ઞાની છે, તેનો
ત્યાગ સાચો નથી.
સ્પર્શ:– સુંવાળો કે કર્કશ વગેરે બધા સ્પર્શ તે જડ–પરમાણુની અવસ્થા છે, તે સ્પર્શને કારણે આત્માનું
જ્ઞાન નથી. જ્ઞાન તો સ્વતંત્ર સ્વભાવ છે, તે ટાણે જ્ઞાન વિશેષરૂપે પરિણમે છે, સ્પર્શ તે જડની અવસ્થા છે, મારા
જ્ઞાનની અવસ્થા મારા અંતરથી પરિણમે છે. સ્પર્શના કારણે મારા જ્ઞાનની અવસ્થા થતી નથી, એમ જ્ઞાનીને
જ્ઞાનનું અને સ્પર્શના જુદાપણાનું ભાન છે.
કબીરની એક વાત આવે છે કે, એકવાર તે ફરવા નીકળ્‌યા, અને લોકો સૂતેલા, ત્યારે તેમણે કહ્યું છે કે:–
“સુખીઓ સબ સંસાર, ખાય પીય કે સૂએ;
દુઃખીઓ દાસ કબીર, જબ જાગે તબ રૂએ.”
આ બધો સંસાર સુખી લાગે છે, કે ખાઈ પીને સૂતા છે, અને હું જ દુઃખી છું–એટલે કે જાગીને જોઉં છું ત્યાં
મારો એકેક સમય જાય છે તે અનંત જન્મમરણ ટાળવાનાં ટાણાં ચાલ્યા જાય છે. મને જન્મમરણ ટાળવાની
ચિંતા લાગી છે, અને આ લોકોને જન્મમરણ ટાળવાની ચિંતા લાગતી નથી તેથી સૂતા છે, એમ કબીરે વૈરાગ્યથી
કહેલ છે.
ઉનાળાની ઋતુમાં બે રૂપિયાની શેર વાળી કેરી ખાઈને બે મણની રેશમી તળાઈમાં સૂંવાળા સ્પર્શના
ભોગવટામાં પડ્યો હોય અને તેમાં શાંતિ માને; પણ સ્પર્શથી આત્માને શાંતિ અને જ્ઞાન થતાં નથી, આત્માને
શાંતિ અને જ્ઞાન તો અંદરની એકાગ્રતાથી થાય છે.
રેશમી ગાડલાંને તો બિચારાંને ખબર પણ નથી કે પોતે કોણ છે અને કેવી અવસ્થામાં છે, તેનો
જાણનારો આત્મા છે, પણ આત્માનું જ્ઞાન તેનાથી થતું નથી. સ્પર્શ તે જડ છે, તે કાંઈ જાણતું નથી અને જ્ઞાન તે
ચેતનસ્વરૂપ છે તે બધું જાણે છે, માટે સ્પર્શ અને જ્ઞાન બન્ને ચીજ જુદી છે, એમ શ્રી જિનદેવ કહે છે.

PDF/HTML Page 23 of 29
single page version

background image
: ૧૮૨ : પર્યુષણ અંક : ભાદ્રપદ : ૨૦૦૦ :
કર્મ:– યાદ રાખ! કે કર્મો તો જડ છે, તેના કારણે જ્ઞાનની અવસ્થા નથી; પણ તે ટાણાંની જ્ઞાનની સ્વ–
પર પ્રકાશકપણાની શક્તિમાં કર્મની અવસ્થા જાણનાર જ્ઞાનની જ પર્યાય ખીલી છે. કર્મને જાણવાનો જ્ઞાનનો
સ્વભાવ છે, કર્મને લઈને જ્ઞાન જાણતું નથી, જ્ઞાન તો જ્ઞાનને લઈને થાય છે.
જ્ઞાનાવરણીય કર્મ:– કર્મ તે જ્ઞાન નથી, કેમકે કર્મ તો અચેતન છે, તે કિંચિત્ માત્ર જાણતા નથી, અને
જ્ઞાન બધું જાણે છે. તે જ્યારે જ્ઞાનમાં કર્મનું લક્ષ કર્યું કે ‘જ્ઞાનાવરણીય કર્મ આડું આવતું હશે, માટે જ્ઞાન નહીં
ખીલતું હોય?’ તેને કહે છે કે, સાંભળ! તારા જ્ઞાનની તે ટાણાંની અવસ્થા જ સ્વ–પરને જાણનારી છે, તેથી તે
કર્મને જાણે છે, ત્યાં તારા જ્ઞાનનું સામર્થ્ય છે; તેં તારા જ્ઞાનની અવસ્થા તરફ ન જોતાં કર્મ ઉપર લક્ષ કર્યું અને
તારા જ્ઞાનની અવસ્થાની પ્રતીત ન કરી તે દ્રષ્ટિની જ ભૂલ છે.
કોઈ કહે કે:– દાટ્યાં કર્મ કેવાં આવશે–તે કોણ જાણે? તો તેને કહે છે કે:– જે વખતે ઉપરનો વિચાર
આવ્યો તે વખતે તારા જ્ઞાનમાં દ્વિરૂપતા થઈ, એક તો તારા જ્ઞાનનું જ્ઞાન, અને બીજું કર્મનું જ્ઞાન, એ બન્નેનું તેં
જ્ઞાન કર્યું. કર્મ તારા જ્ઞાનને રોકતું નથી, કર્મ તો તારા જ્ઞાનનું જ્ઞેય છે. જ્ઞેય વસ્તુ જ્ઞાનને રોકે નહીં.
જ્ઞાનાવરણીય કર્મ જડ છે. તે જ્ઞાનને રોકતું નથી, પણ જ્ઞેય છે. જો જ્ઞેયવસ્તુ જ્ઞાનમાં નડે તો કેવળીને લોકાલોક
જ્ઞેય છે તે તેને નડવાં જાઈએ, પણ તેમ બનતું નથી કેમકે જ્ઞાનને–જ્ઞેય વસ્તુ નડતી નથી.
શરીરમાં રોગ આવે ત્યારે ‘આ અસાતા કેમ?’ એમ જેને થાય છે તે પોતાના જ્ઞાનની તે ટાણાંની વિશેષ
અવસ્થાનો નકાર કરે છે. તું તો જ્ઞાન જ કરનાર છો; શરીરમાં અસાતા આવી એ તારા જ્ઞાને જાણ્યું, ત્યાં
જાણવામાં અસાતા ક્યાં નડી? સાતા સારી અને અસાતા ખરાબ એ વાત પણ સાચી નથી.
આત્માનો સ્વભાવ જ્ઞાન તેમાં જે સાતા–અસાતા જણાય તે જ્ઞાનની તે ટાણાંની સામર્થ્યશક્તિ છે, અને તે
જ્ઞાનની શક્તિ તરફ લક્ષ ન કરતાં ‘પર વસ્તુ જ્ઞાનમાં આવી માટે મારા વિચાર ફર્યા’ એમ જે માને છે તે જ્ઞેયને
કારણે જ્ઞાનની અવસ્થા માને છે, એટલે જ્ઞાન અને જ્ઞેયની એકતા માને છે તે જ અધર્મ છે; અને તે માન્યતા ફરી
કે હું તો જાણનાર જ છું. (તો એ ધર્મનું કારણ છે.) આમાં માન્યતા જ ફેરવવાની છે, બહારમાં કાંઈ કરવાનું
નથી. વારંવાર આ જ શ્રવણ, આ જ મનન અને આ જ શ્રદ્ધાના ઘા પડવા જોઈએ; વારંવાર વસ્તુનું સ્વાધ્યાય
ધ્યાન કરવું જોઈએ, આનું જ શ્રવણ મનન જોઈએ.
કોઈ કહે કે પૂર્વે મેં ઘણાં ક્રોધ, કષાય કર્યાં હશે, માટે વર્તમાનમાં ક્ષમા રહેતી નથી, તો તે વાત ખોટી છે.
વર્તમાનમાં તેણે શું કર્યું? કર્મનું માત્ર જ્ઞાન જ કર્યું છે. જ્ઞાનનો સ્વ–પર પ્રકાશક સ્વભાવ છે. જ્ઞાનની તે ટાણાંની
અવસ્થા તે જ યાદ આવે એવી હતી. તારી તે અવસ્થાનું જ્ઞાન જ કરને! કર્મ તો જ્ઞેય છે, જડ છે, તે કાંઈ પણ
જાણતાં નથી અને આત્માનું જ્ઞાન તો બધું જાણે છે. ભગવાન જિનદેવ કહે છે કે, કર્મ અને આત્મા તદ્ન જુદાં છે.
જ્ઞાન અને કર્મ જુદાં છે તે જ્ઞાન કરને!
અવસ્થાદ્રષ્ટિએ ભૂમિકા અનુસારે રહેતો
નિમિત્ત નૈમિત્તિક સંબંધ
દ્રષ્ટિ નિમિત્તને સ્વીકારતી નથી, પોતામાં થતાં રાગદ્વેષને સ્વીકારતી નથી, અરે!
પોતામાં થતી નિર્મળ પર્યાયને પણ સ્વીકારતી નથી. દ્રષ્ટિનો વિષય અભેદ, અખંડ, એક
આત્મા છે; તેમાં ભેદ પડે તે ભેદ જે દ્રષ્ટિનો વિષય થતો નથી, પણ અવસ્થાનો વિષય થાય
છે. એટલે દ્રષ્ટિમાં રાગદ્વેષ છે જ નહિ, જ્ઞાનમાં તે જ્ઞેય છે, ચારિત્રની અપેક્ષાએ તે ઝેર છે.
દ્રષ્ટિની અપેક્ષાએ રાગદ્વેષ જે જ્ઞાનીને થાય છે તે નિર્જરા અર્થે છે. જેટલી જેટલી નિર્મળ
પર્યાય જ્ઞાનીને વધે તેટલા તેટલા પ્રમાણમાં નૈમિત્તિક ભાવ અને પર નિમિત્ત છૂટતાં જાય
છે, એવો નિમિત્ત નૈમિત્તિક ભાવનો સંબંધ છે.

PDF/HTML Page 24 of 29
single page version

background image
: ભાદ્રપદ : ૨૦૦૦ : પર્યુષણ અંક : ૧૮૩ :
સાતે નરકના બધા જીવોનાં શરીર નપુંસક છે. પૂર્વે એટલા જોરથી ઉંધુ વીર્ય નાંખ્યું છે કે વીર્યહીન–નપુંસક થઈ
ગયા છે; તથા દેવમાં નપુંસકવેદ કોઈને હોતાં જ નથી, કેમકે તેમણે અશુભમાં ઓછું વીર્ય જોડયું છે; તેથી નપુંસક
થતાં નથી. જગતની વ્યવસ્થા જ આવા નિયમવાળી છે. આત્મસિદ્ધિમાં કહ્યું છે:–
તે તે ભોગ્ય વિશેષનાં, સ્વર્ગાદિ ગતિમાંય.
કર્મ અને આત્મા ત્રણે કાળ જુદાં છે. કર્મ આત્માને કાંઈ નુકસાન કરે નહીં, અને આત્માની સત્તા કર્મ
ઉપર ચાલે નહીં, માત્ર આત્મા તો જાણે છે. કર્મ જ્ઞેય છે.
શાસ્ત્રમાં જ્યારે કર્મ સિદ્ધ કરવાં હોય ત્યારે એમ આવે કે ‘જ્ઞાનાવરણીય કર્મ આત્માના જ્ઞાનને રોકે છે,’
તે વાત નિમિત્તથી છે. શ્રીમદે એકવાર કહ્યું છે કે:– કર્મને સિદ્ધ કરવું હોય ત્યારે આપણે એકવાર નક્કી કર્યું કે હવે
રાગ નથી કરવો; છતાં બીજી રાગ આવે તો સમજવું કે આત્મા પાસે તે વખતે બીજી ચીજ છે અને તે ચીજ કર્મ
છે. ત્યાં કર્મે રાગ કરાવ્યો એમ નથી કહ્યું, પણ ‘કર્મ ચીજ છે’ એમ સાબિત કરવા કહ્યું છે.
‘રાગ નથી કરવો’ એવો નિર્ણય કરનારો તું છો, છતાં રાગ થાય છે. ત્યાં તારી અસ્થિરતાથી બીજી ચીજ
ઉપર લક્ષ કરવાથી તને રાગ થાય છે. જો ચીજ ન હોય તો તારું લક્ષ ચૂકીને બીજી ચીજ ઉપર લક્ષ કર્યા વગર
રાગ થાય નહીં, પણ બીજી ચીજ રાગ કરાવતી નથી.
પાંચ ઈન્દ્રિય અને મનથી થતું પરનું જ્ઞાન તેનો ઉઘાડ કદાચ ઓછો હોય, તોપણ અંતર સ્વરૂપની શ્રદ્ધા
કર! અંતર સ્વરૂપની શ્રદ્ધા અને એકાગ્રતા કરીને કેવળજ્ઞાન પ્રગટી શકે છે. કેવળજ્ઞાન થયા પહેલાંં તેમને
(કેવળી થનારને) પણ પરનો બોધ– (બહારનું જ્ઞાન) ઓછો હોય છતાં અંદરની શ્રદ્ધા, જ્ઞાન અને એકાગ્રતાથી
કેવળજ્ઞાન થાય છે.
જ્યારે જ્યારે કર્મ યાદ આવે ત્યારે ત્યારે કર્મ ઉપર વજન ન આપતાં આ તો મારાં જ્ઞાનની અવસ્થાનું
સામર્થ્ય છે એમ તારા જ્ઞાન તરફ લક્ષ કર!
કોઈ કહે:– શાસ્ત્રમાં કર્મની સ્થિતિની વાત આવે છે ને? તો ત્યાં તો કર્મની સ્થિતિ ‘આવો ને આવો
ભાવ રાખ્યા કરે તો આટલો વખત ટકશે’ એમ બતાવવા કહ્યું છે. ઉંધો ભાવ તો એક જ સમયનો છે, સંસાર
એક જ સમય પૂરતો છે.
‘મારે અનંત સંસાર હશે તો? મારે કર્મની લાંબી સ્થિતિ હશે તો?’ એવો જે વિકલ્પ આવ્યો તો તેમાં
તારા જ્ઞાનમાં તે વિકલ્પનું જ્ઞાન જ થયું, ત્યાં જ્ઞાનમાં અનંત સંસાર આવ્યો નથી, પણ અનંતનું જ્ઞાન કર્યું છે.
અનંતનું જ્ઞાન કરતાં જ્ઞાનને અનંતભવ લાગતાં નથી. તથા ‘કર્મની સ્થિતિ લાંબી હશે તો?’ એમ કર્મ તરફ
જોવા કરતાં તારી સ્થિતિ અનાદિ અનંત છે તે તરફ જોને! કર્મ તો તારા જ્ઞેય છે. તે તારાથી જુદી ચીજ છે.
‘જુદાપણાની શ્રદ્ધા તે જુદા થવાનો (મોક્ષનો) ઉપાય છે અને પર સાથે સંયોગ બુદ્ધિ તે સંયોગનું
(સંસારનું) કારણ છે.’
ધર્મ:– ચૌદબ્રહ્માંડમાં વ્યાપેલું સર્વજ્ઞ ભગવાને જોયેલું અરૂપી અચેતન દ્રવ્ય છે, તેનામાં જ્ઞાન નથી, તે કાંઈ
જાણતું નથી, અને જ્ઞાન બધું જાણે છે. ધર્મદ્રવ્ય લક્ષમાં આવ્યું માટે જ્ઞાન થયું એમ નથી, પણ તારા જ્ઞાનની
પર્યાય જ એવી છે કે જે લક્ષમાં લે તેનું જ્ઞાન તે સમયે તારા જ્ઞાનથી થાય છે. તારા જ્ઞાનની પર્યાય ચેતન છે
અને ધર્માસ્તિ અચેતન છે. બન્ને જુદાં છે એમ શ્રી જિનદેવે કહ્યું છે.
સર્વજ્ઞ ભગવાન સિવાય ધર્મ–અધર્મ દ્રવ્ય કોઈ જોઈ શકે નહીં, અને જૈન સિવાય બીજા વાતો પણ કરી
શકે નહીં (એટલે કે બીજા ચાર દ્રવ્યોમાં તો વાતો કરીને અનુમાનથી પણ માને, પણ આ ધર્માસ્તિ અને
અધર્માસ્તિ બે દ્રવ્યોની તો વાત પણ ન કરી શકે.)
તારા જ્ઞાનની અવસ્થાની તાકાત જ એવી છે કે તે સમયે તને ધર્માસ્તિ દ્રવ્ય લક્ષમાં આવ્યું. પણ તારું
જ્ઞાન ધર્માસ્તિ દ્રવ્યને કારણે થયું નથી. તે ધર્મદ્રવ્યમાં જ્ઞાન નથી, તે કાંઈ જાણતું નથી, અને આત્માજ્ઞાનસ્વરૂપ છે
તે બધું જાણે છે, માટે જ્ઞાન જુદું છે અને ધર્મદ્રવ્ય જુદું છે, એમ શ્રી જિનદેવે કહ્યું છે.
ઉપસર્ગ––બાહ્ય સંયોગ તે ઉપસર્ગ નથી, પણ બાહ્ય સંયોગમાં રાગદ્વેષ કરે તે ઉપસર્ગ છે; અને તે
વખતનો બાહ્ય સંયોગ તે ‘ઉપસર્ગ–નિમિત્ત’ છે.

PDF/HTML Page 25 of 29
single page version

background image
: ૧૮૪ : પર્યુષણ અંક : ભાદ્રપદ : ૨૦૦૦ :
અધર્મ દ્રવ્ય:– એ પણ ધર્માસ્તિ દ્રવ્યની માફક ચૌદ બ્રહ્માંડમાં વ્યાપેલું અરૂપી, અજીવ સર્વજ્ઞ ભગવાને
જોયેલું દ્રવ્ય છે, તે અચેતન છે કાંઈ જાણતું નથી, તથા જ્ઞાન બધું જાણે છે, માટે જિનદેવ કહે છે કે:– જ્ઞાન અને
અધર્મ દ્રવ્ય ત્રિકાળ જુદાં છે.
ધર્મ અને અધર્મ બન્ને વસ્તુ સર્વજ્ઞના જ્ઞાનમાં ત્રિકાળી સિદ્ધ થઈ ગયેલ છે. તે તારા જ્ઞાનમાં આવે ત્યારે
તે તારા જ્ઞાનની જ અવસ્થા છે, ધર્મ કે અધર્મ દ્રવ્યને કારણે તારું જ્ઞાન નથી.
કાળ દ્રવ્ય:– આ અજીવ અરૂપી અનંતગુણનો પિંડ વસ્તુ છે; કાળાણુ લોકાકાશના એકેક પ્રદેશે એકેક
રહેલાં છે, તે અસંખ્યાતા કાળાણુઓ છે, અચેતન છે, તે તદ્ન જાણતાં નથી અને જ્ઞાન બધું જાણે છે, માટે જ્ઞાન
જુદું છે અને કાળ દ્રવ્ય જુદું છે.
કેટલાક કાળ સ્થિતિ પાકે ત્યારે મોક્ષ થાય એમ માનનારા છે. કાળ સ્થિતિ તારા પુરુષાર્થથી પાકે છે. તું
પુરુષાર્થ કર તો કાળસ્થિતિ પાકેલી જ પડી છે. જેમ ચોખાની ગુણ ભરી હોય ત્યારે ‘આ ચોખા ક્યારે પાકશે?’
એમ કોઈ પૂછે નહીં, પણ તપેલામાં નાખીને ચૂલા ઉપર મૂકયા હોય ત્યારપછી ‘હવે કેટલી વાર લાગશે?’ એ
જોવાનું રહે; તેમ આત્માના સ્વભાવની શ્રદ્ધા કરે, જ્ઞાન કરે તો ત્યારપછી સ્થિરતા કરતાં કેટલો વખત લાગશે તે
જોવાનું રહે. પણ જ્ઞાનના સ્વ સામર્થ્યની પ્રતીત ન કરતાં કાળ નડે એ લાવ્યો ક્યાંથી? કાળ આત્માના
સ્વભાવમાં છે જ નહીં. કાળને યાદ કરવાનું સામર્થ્ય તારા જ્ઞાનનું છે, કાળદ્રવ્ય જગતની ત્રિકાળી અચેતન વસ્તુ
છે, અને આત્મા જ્ઞાનસ્વભાવી વસ્તુ છે, કાળદ્રવ્યથી જ્ઞાન થયું નથી. કાળ અને જ્ઞાન બન્ને જુદાં છે એમ શ્રી
જિનદેવે કહ્યું છે.
દરેક વસ્તુ પોતાના કારણે પલટે છે, ત્યારે કાળ તો નિમિત્ત છે–માત્ર હાજર છે. કાળ મને નુકસાન કરે
એમ માનનાર આત્માના સ્વ–પર પ્રકાશક જ્ઞાનગુણની પ્રતીત કરતો નથી. સ્વભાવનું ભાન તે જ મોક્ષ છે, અને
સ્વભાવને પરાધીન માન્યો તે જ સંસાર છે.
‘મારે કેટલો કાળ બાકી હશે!’ એવી કલ્પના વખતે પણ જ્ઞાનનું જ સામર્થ્ય આવ્યું છે. ‘સર્વજ્ઞ ભગવાને
મારો કેટલો કાળ જોયો હશે?’ એમ કલ્પ્યું ત્યાં શું કર્યું? તે સાંભળ! :–
એક તો સર્વજ્ઞના જ્ઞાનની સ્વ–પર પ્રકાશક શક્તિ તારા જ્ઞાનમાં યાદ કરી છે, તે તારા જ્ઞાનની તને
પ્રતીતિ નથી તેથી તને એમ થાય છે કે ‘ભગવાને મારો કાળ ઘણો જોયો હશે તો?’ એમ પર ઉપર લક્ષ જાય છે,
ત્યાં તારા જ્ઞાનમાં તેં કાળને, સર્વજ્ઞને અને તારી પર્યાયના સામર્થ્યને યાદ કર્યાં છે.
પ્રભુ! તારી પ્રભુતા સમયે સમયે તારી પર્યાયમાં જ ભરી છે. તારી પર્યાયનું સ્વ–પર પ્રકાશકપણાનું
સામર્થ્ય છે તે સામર્થ્ય ન માનતાં જ્ઞેય સાથે એકત્વ બુદ્ધિ માને છે તે બંધમાર્ગ છે. જ્ઞેયને કારણે નુકસાન માન્યું
તો તેં તારા જ્ઞાનનું સામર્થ્ય માન્યું નથી. જ્ઞેયને કારણે રાગદ્વેષ માન્યાં તેને રાગ–દ્વેષ થયા વિના રહેશે નહીં. જેવી
જેની માન્યતા તેને અનુસરીને જ વર્તન થાય છે.
મારા જ્ઞાનની સ્વાધીન પર્યાયને કોઈ રોકવા સમર્થ નથી. ‘ભગવાન સર્વજ્ઞ છે, તેમને ભવ નથી, રાગ–વિકાર
નથી’. એમ સર્વજ્ઞના સ્વરૂપનો જે જ્ઞાને નિર્ણય કર્યો, તેને મારામાં ભવ છે કે રાગદ્વેષ છે, એમ આવ્યું ક્યાંથી?
‘સર્વજ્ઞને ભવનો અભાવ છે, રાગદ્વેષનો અભાવ છે. ત્રણકાળ, ત્રણલોકને એક સમયમાં જાણે છે’ અને
મારું સ્વરૂપ પણ સર્વજ્ઞ સમાન જ છે. એમ મારા જ્ઞાનની પર્યાયમાં નિર્ણય કર્યો તો તેમાં પણ ભવ નથી,
રાગદ્વેષ નથી એવો મારો સ્વભાવ છે, એમ પોતાના જ્ઞાનની પ્રતીતિ ન આવતાં જે જ્ઞેય ઉપર ઢોળી દે છે, તેને
પોતાના સ્વ–પર પ્રકાશક સ્વભાવની પ્રતીતિ નથી.
આકાશ:– ઉપર દેખાય છે તે આકાશ દ્રવ્ય નથી, પણ જડની અવસ્થા છે. આકાશ અનંત છે, અરૂપી,
અજીવ દ્રવ્ય છે. આવું આકાશનું જ્ઞાન તે તારા જ્ઞાનની સ્વત: પર્યાય તેટલી, તેવડી અને તેવી જ છે. જે જ્ઞાન
એક પર્યાયમાં અનંતુ જાણે, તો તે જ્ઞાનનું સામર્થ્ય કેટલું? એમ પોતાના જ્ઞાનનું માહાત્મ્ય આવવું જોઈએ.
આકાશ દ્રવ્યને કારણે તારું જ્ઞાન નથી, તારો જ્ઞાન સ્વભાવ જુદો છે; અને આકાશ દ્રવ્ય જુદું છે. એમ શ્રી
જિનદેવે કહ્યું છે.
પરિષહ–બાહ્ય સંયોગમાં સમભાવ રાખીને શુદ્ધ ભાવમાં વધતા જવું તે જ પરિષહ છે, અને તે વખતનો
બાહ્ય સંયોગ ‘પરિષહ નિમિત્ત’ છે; આ રીતે ઉપસર્ગ કે પરિષહ બહારમાં નથી પણ પોતાના ભાવમાં છે.

PDF/HTML Page 26 of 29
single page version

background image
: ભાદ્રપદ : ૨૦૦૦ : પર્યુષણ અંક : ૧૮૫ :
સુવર્ણપૂરીના સ્વાધ્યાય મંદિરમાં શ્રી સદ્ગુરુ મુખેથી પ્રગટ થયેલ
• • કવળન અતર પટન રહસ્ય • •
શુદ્ધ કારણ પર્યાય
અથવા ધ્રુવ પર્યાય
(૧) ‘દ્રવ્યનું વર્તમાન તે પર્યાય’ જેમ દ્રવ્ય અનાદિ અનંત છે તેમ દ્રવ્યનું વર્તમાન પણ અનાદિ અનંત
એકરૂપ વર્તે જ છે. કોઈ વસ્તુ ‘વર્તમાન’ વગર હોય નહીં, અને વસ્તુનું વર્તમાન અધુરું હોય નહીં, તેથી જેમ
દ્રવ્ય પુરું છે તેમ વર્તમાન પર્યાય પણ પૂરી છે; દ્રવ્ય ધ્રુવ છે તો દ્રવ્યનું વર્તમાન પણ ધ્રુવ છે, તેમાં ઉત્પાદ વ્યય
નથી, પરિણમન નથી, પરિણમન ન હોવા છતાં પણ તે ‘દ્રવ્યની પર્યાય’ છે, તેને કોઈની અપેક્ષા નથી.
આ સિવાય જે અપેક્ષાવાળી પર્યાય તે પરિણમન (ઉત્પાદ–વ્યય) સહિત છે, સિદ્ધ પર્યાય પણ ઉત્પાદ–
વ્યય સહિત છે, તેમાં પણ કર્મના અભાવની અપેક્ષા આવે છે તેથી તે ‘અપેક્ષિત પર્યાય’ છે, અને પહેલાંં કહેવાઈ
તે દ્રવ્યની પર્યાય તો નિરપેક્ષ છે અને અનાદિ અનંત એકરૂપ છે. સિદ્ધ પર્યાય અનાદિ અનંત નથી. દ્રવ્ય તો
સદાય પૂરી અવસ્થાથી જ ભરેલું છે, અધૂરી કે ઉણી પર્યાય કહેવાય તેમાં પરની અપેક્ષા આવે છે.
આ વાત ખૂબ ગહન છે. અંતરથી ખૂબ ખૂબ મનન જોઈએ, અંતર અનુભવનો વિષય છે.
(૨) જેમ આકાશ, ધર્માસ્તિ આદિ દ્રવ્યોમાં નિત્ય શુદ્ધ અને પરની અપેક્ષા રહિત જેવું શુદ્ધ દ્રવ્ય એવી જ
શુદ્ધ નિરપેક્ષ પર્યાય વર્તે છે, તેમ જીવ દ્રવ્યમાં પણ નિરપેક્ષ અને કાયમી શુદ્ધ એવી પર્યાય વર્તે જ છે તેને
પરિણમન કહેવાય પણ (ઉત્પાદ વ્યયરૂપ) પરિણમન ખરેખર નથી. જેવું ધ્રુવ દ્રવ્ય એવી જ ધ્રુવ પર્યાય છે. જો
ધ્રુવ પર્યાયમાં પરિણમન હોય તો તેનો અનુભવ પ્રગટ હોવો જોઈએ.
વળી ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તે સામાન્ય છે તો સામાન્યનું વિશેષ પણ હોવું જ જોઈએ. ત્રિકાળી દ્રવ્યનું વિશેષ
તે દ્રવ્યનું વર્તમાન છે, દ્રવ્યનું વર્તમાન એ જ ધ્રુવ પર્યાય એ સામાન્ય વિશેષ થઈને આખું દ્રવ્ય છે.
દ્રવ્ય દ્રષ્ટિમાં પર્યાય ગૌણ કરવાની વાત આવે છે તે પર્યાય ઉત્પાદ–વ્યયવાળી, પરની અપેક્ષાવાળી
પર્યાયની વાત છે. ધ્રુવ પર્યાય તો દ્રવ્ય સાથે ત્રિકાળ છે. દ્રવ્યનું વર્તમાન જુદું હોય નહીં, તેથી ધ્રુવ પર્યાય ગૌણ
કરવાની વાત નથી.
(૩) પારિણામિક ભાવ દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણે થઈને પૂરો છે. એટલે પર્યાયનું પરિણમન કહેવાય ખરું
પણ તે ધ્રુવરૂપ છે, પ્રગટરૂપ નથી.
દ્રવ્યાર્થિક નયનો વિષય પારિણામિક એકલો છે. નિરપેક્ષ પર્યાય ન હોય તો તે વસ્તુ શેની? જેમ
સામાન્ય છે તેમ તેનું ‘વર્તમાન–વર્તમાન’ તે વિશેષ છે. દ્રવ્યનું વર્તમાન ધ્રુવ છે.
પારિણામિક ભાવ અનિત્ય (પર્યાય) થી પકડાય પણ પારિણામિક પોતે નિત્ય છે. પારિણામિકનો પ્રગટ
અનુભવ ન હોય તે ઉપર લક્ષ ન થાય. સમયસારની ૩૨૦ મી ગાથામાં પારિણામિકને ‘અક્રિય’ કહ્યો છે, એટલે
બંધ મોક્ષ સક્રિય છે તેનાથી રહિત અક્રિય છે.
પારિણામિક તે દ્રવ્યાર્થિકનયનો વિષય અને અપેક્ષિત પર્યાય તે પર્યાયાર્થિકનયનો વિષય એ બન્ને થઈને
પ્રમાણ છે.
(૪) વસ્તુ અને વસ્તુના અનંત ગુણો ત્રિકાળ એકરૂપ, અને ગુણના આધારે જે પર્યાય છે તે પણ
ત્રિકાળ એકરૂપ છે. જેવા દ્રવ્ય અને ગુણ ધ્રુવરૂપે છે તેવી જ ધ્રુવરૂપ પર્યાય ન હોય તો દ્રવ્ય
સ્વરૂપ
‘ધર્મ’ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે, તે બાહ્યસંશોધનથી મળવાની નથી. અપૂર્વ
અંતર–સંશોધનથી તે પ્રાપ્ત થાય છે.
સ્વરૂપનો તો કોઈ કાળે ત્યાગ કરવાને મૂર્ખ પણ ઈચ્છે નહીં, અને જ્યાં કેવળ
સ્વરૂપસ્થિતિ છે ત્યાં તો પછી બીજું કંઈ રહ્યું નહીં. –શ્રીમદ્રાજચંદ્ર–

PDF/HTML Page 27 of 29
single page version

background image
: ૧૮૬ : પર્યુષણ અંક : ભાદ્રપદ : ૨૦૦૦ :
ગુણ પૂરાં અને પર્યાય અધૂરી રહી જાય છે. તેમાં વસ્તુની જ પૂર્ણતા થતી નથી; માટે તે ધ્રુવરૂપ પર્યાય છે ખરી––
હવે–જો તે ધ્રુવરૂપ પર્યાય ઉત્પાદરૂપ (પ્રગટરૂપ) હોય તો તે પર્યાય ત્રિકાળ છે તેથી મોક્ષ પણ ત્રિકાળ હોવો જોઈએ,
અને તેમ થતાં સંસારનો અભાવ થઈ જાય તેથી તે ધ્રુવરૂપ પર્યાય છે; પણ તે ઉત્પાદરૂપ અર્થાત્ પ્રગટરૂપ નથી.
અહા! વસ્તુ! વસ્તુ તો એક સમયમાં અનંત ગુણે પરિપૂર્ણ છે; જ્ઞાન ઉપયોગે પરિપૂર્ણ, દર્શન ઉપયોગે
પરિપૂર્ણ, સ્વરૂપ ચારિત્રે પરિપૂર્ણ, સહજ સ્વભાવિક આનંદે પરિપૂર્ણ જ છે.
વસ્તુ અને ગુણ સામાન્ય છે, તો તેનું વિશેષ પણ હોવું જ જોઈએ. તે વિશેષ ધ્રુવપર્યાય છે વિશેષ તે
સામાન્યમાંથી છે, નિમિત્તની અપેક્ષાથી નથી. નિરપેક્ષ પર્યાય સિદ્ધ ન કરો તો વસ્તુ પરિપૂર્ણ સિદ્ધ થતી નથી,
અને જો અપેક્ષિત પર્યાય ન માનો તો સંસાર મોક્ષ સિદ્ધ થતાં નથી.
(પ) ચૈતન્ય સમુદ્રમાં આનંદની પર્યાય ‘ડુબેલી પ્રગટ જ’ પડી છે. તેથી જ્યારે તે પર્યાયનું લક્ષ કરે ત્યારે
થઈ શકે છે; અર્થાત્ કારણપર્યાય તો ત્રિકાળ પડી જ છે, કાર્ય જ્યારે પ્રગટાવે ત્યારે પ્રગટી શકે છે. (કારણ
પર્યાય, ધ્રુવ પર્યાય, નિરપેક્ષ પર્યાય, દ્રવ્યનું વર્તમાન એ બધા શબ્દો એકાર્થ વાચક છે.)
(૬) વસ્તુ સ્વરૂપપરમાત્મા છે સ્વરૂપ કરવાનું ન હોય. કેવળજ્ઞાન વગેરે પર્યાય તે કાર્ય છે, તે
કારણમાંથી પ્રગટે છે. કેવળ કે મોક્ષ કરવાં તે સ્વરૂપ નથી, સ્વરૂપ તો ત્રિકાળ છે. સમ્યગ્દર્શનનો વિષય કેવળ કે
મોક્ષ નથી પણ સ્વરૂપ છે.
કારણ–કાર્ય તે પણ વ્યવહારનો વિષય છે, સમ્યગ્દર્શનનો વિષય નથી. એકલું સ્વરૂપ એ જ સમ્યગ્દર્શનનો
વિષય છે. ભૂતાર્થદ્રષ્ટિમાં (સમ્યગ્દ્રષ્ટિમાં) એક જ પ્રકાર છે. વસ્તુસ્વરૂપ જ આવું છે.
અનેકાન્ત શું બતાવે છે?
પરમપૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના તા. ૩ – ૭ – ૪ ના વ્યાખ્યાન ઉપરથી
૧––અનેકાન્ત વસ્તુને પરથી અસંગ બતાવે છે. ‘અસંગપણાની સ્વતંત્ર શ્રદ્ધા તે અસંગપણાની
ખીલવટનો ઉપાય છે, પરથી જુદાપણું તે વસ્તુનો ધર્મ છે.’
૨––અનેકાન્ત વસ્તુને ‘સ્વપણે છે અને પરપણે નથી’ એમ બતાવે છે. ‘પરપણે આત્મા નથી તેથી
પરવસ્તુનું કાંઈપણ કરવા આત્મા સમર્થ નથી; અને પરવસ્તુ ન હોય તેથી આત્મા દુઃખી પણ નથી.’
‘તું છો’ છો તો પરપણે નથી અને પરવસ્તુ અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય તેને ફેરવવા તું સમર્થ નથી.
બસ! આટલું નક્કી કર તો શ્રદ્ધા, જ્ઞાન અને શાંતિ તારી પાસે જ છે.
૩––અનેકાંત વસ્તુને પોતાપણે સત્ બતાવે છે. સત્ને સામગ્રીની જરૂર નથી, સંયોગની જરૂર નથી. પણ
સત્ને સત્ના નિર્ણયની જરૂર છે કે ‘સત્પણે છું–પરપણે નથી.’
૪––અનેકાન્ત વસ્તુને એક–અનેક બતાવે છે. એક કહેતા જ અનેકની અપેક્ષા આવી જાય છે. તું તારામાં
જ એક છો અને તારામાં જ અનેક છો તારા ગુણપર્યાયથી અનેક છો, વસ્તુથી એક છો.
પ––અનેકાન્ત વસ્તુને નિત્ય–અનિત્ય બતાવે છે. પોતે નિત્ય છે અને પોતે જ (પર્યાયે) અનિત્ય છે.
તેમાં જે તરફની રુચિ તે તરફનો પલટો (પરિણામ) થાય. નિત્ય વસ્તુની રુચિ થાય તો નિત્ય ટકનારી એવી
વીતરાગતા થાય અને અનિત્ય એવી પર્યાયની રુચિ થાય તો ક્ષણિક એવા રાગ–દ્વેષ થાય.
૬––અનેકાન્ત એ વસ્તુની સ્વતંત્રતા જાહેર કરે છે. વસ્તુ પરથી નથી, અને સ્વથી છે એમ કહ્યું તેમાં ‘સ્વ
અપેક્ષાએ દરેક વસ્તુ પરિપૂર્ણ જ છે’ એ આવી જાય છે. વસ્તુને પરની જરૂર નથી પોતાથી જ પોતે સ્વાધીન–
પરિપૂર્ણ છે.
૭––અનેકાન્ત એકેક વસ્તુમાં બે વિરુદ્ધ શક્તિઓ બતાવે છે. એક વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી બે
વિરુદ્ધ શક્તિઓ થઈને જ તત્ત્વની પૂર્ણતા છે. બે વિરુદ્ધ શક્તિનું હોવું તે વસ્તુનો સ્વભાવ છે.

PDF/HTML Page 28 of 29
single page version

background image
• જ્ઞાન ક્રિયાભ્યામ્ મોક્ષ: •
લેખક: – રામજીભાઈ માણેકચંદ દોશી
‘જ્ઞાન ક્રિયાભ્યામ્ મોક્ષ:’ ઘણું ટૂંકું સૂત્ર છે. પણ આ નાના સૂત્રમાં ગંભીર મર્મ રહેલ છે, તે મર્મની જેને
ખબર નથી તે અર્થ કરવામાં ભૂલ કરે એ સ્વાભાવિક છે.
આ સૂત્ર સંસ્કૃત ભાષામાં છે. એટલે જેઓ માગધી ભાષાના મૂળ સૂત્રને જ માત્ર માને અને તે સિવાય
બીજા કોઈને તીર્થંકર પ્રણિત ન માને તેને તો આ સૂત્ર સાથે કાંઈ સંબંધ હોવો જોઈએ નહીં, છતાં કેટલાકો તથા
બીજાઓ આ સૂત્ર પોતાની માન્યતાને પોષે છે–ટેકો આપે છે એમ માની લઈ પોતાને અનુકૂળ અર્થ કરે છે. તે
અર્થ શું કહે છે અને તે બરાબર છે કે કેમ તે અહીં વિચારીએ.
કેટલાકો કહે છે કે–આત્માનું જ્ઞાન અને જડ (શરીર) ની ક્રિયાથી મોક્ષ થાય, તેના ટેકામાં એવી દલીલ
કરે છે કે–આ સૂત્ર દ્વિવચનમાં છે માટે આત્માનું જ્ઞાન અને શરીરની ક્રિયા એમ બે ન લઈએ તો દ્વિવચન આવે
નહીં; માટે વ્યાકરણ દ્રષ્ટિએ એવો જ અર્થ થાય.
આ સૂત્ર દ્વિવચનમાં છે એ ખરૂં છે, પણ તેથી શરીરની ક્રિયા એવો અર્થ થાય નહીં. તેનાં કારણો નીચે
પ્રમાણે છે.
વ્યાકરણ દ્રષ્ટિએ અર્થ ખોટો
૧––શરીર એક દ્રવ્ય નથી, પણ અનંત પુદ્ગલ દ્રવ્યોનું બનેલું છે; તેથી એક આત્મા અને અનંત પુદ્ગલ
દ્રવ્યો (શરીર) ની ક્રિયા હોવાથી અનંત દ્રવ્યોની ક્રિયા અનંતી થાય. એટલે મોક્ષ તે એક આત્માના જ્ઞાન અને
અનંત પુદ્ગલોની જે અનંતી ક્રિયા એક સમયે થાય છે તેનાથી થાય એવો અર્થ થાય. એ સૂત્રમાં તો દ્વિવચન છે
અને બહુવચન નથી. માટે તે અર્થ વ્યાકરણ દ્રષ્ટિએ ખોટો ઠરે છે.
૨––શરીરનું કાર્ય જ્યારે થાય છે ત્યારે જડકર્મોનું પણ કાર્ય થાય છે. જડકર્મના ઉદયને અને શરીરને ક્રિયાનો
સંબંધ છે. તેથી જો જીવના આત્મજ્ઞાનથી અને શરીરની ક્રિયાથી મોક્ષ થતો હોય તો ખરી રીતે એમ કહેવું જોઈએ કે
જીવના આત્મજ્ઞાન, અનંત કર્મની ક્રિયા અને શરીરની ક્રિયા એમ ત્રણથી મોક્ષ થાય. શરીર અનંત દ્રવ્યોરૂપ છે, અને
જડ કર્મ પણ અનંત દ્રવ્યો છે, છતાં દરેકને એક એક દ્રવ્ય લઈએ તો પણ ત્રણ થયા, એટલે પણ ઉપરનો અર્થ
વ્યાકરણ દ્રષ્ટિએ ખોટો ઠરે છે. ત્રણ થાય ત્યાં સંસ્કૃતમાં દ્વિવચન આવતું નથી, પણ બહુવચન આવે છે.
(૩) દરેક જીવ એક છે. શરીર અનંત દ્રવ્યોનો પિંડ છે. શરીરના એક પિંડની સ્થૂળદ્રષ્ટિએ પણ એક ક્રિયા
હોતી નથી, જેમ જીવ ધ્યાનમાં હોય ત્યારે શરીરની અવસ્થાની ક્રિયા વિચારીએ તો પગ વગેરે બેસવાના આકારે
છે, કેડ ઉપરના ભાગની ક્રિયા તેનાથી જુદી એટલે ટટ્ટાર ઊભી છે અને હાથની સ્થિતિ વળી તેથી પણ જુદી હોય
છે. મુખની સ્થિતિ ટટ્ટાર કે નમેલી પણ હોય છે. એ રીતે જુદા જુદા અવયવોની ક્રિયા જુદી જુદી છે, પણ સૂત્રમાં
તો દ્વિવચન છે; અને આ તો બે કરતાં વધારે ક્રિયા થઈ એ રીતે પણ વ્યાકરણ દ્રષ્ટિએ તે અર્થ ખોટો ઠરે છે.
(૪) કેટલાક જીવોને ઘાણીમાં ઘાલીને દુષ્ટો પીલે છે, અને જ્ઞાની સામ્યભાવ રાખી મોક્ષ પ્રાપ્ત કરે છે; હવે
અહીં ઘાણીમાં પીલાવાના કાર્યમાં શરીરના અવયવોની ક્રિયાઓ જુદી જુદી થાય એટલે પણ ત્યાં ‘ભ્યામ્’
દ્વિવચન બતાવનારો શબ્દ ન જોઈએ, પણ બહુવચન બતાવનારો શબ્દ જોઈએ. એ રીતે પણ અર્થ ખોટો ઠરે છે.
સિદ્ધાંતિક દ્રષ્ટિએ તે અર્થ ખોટો છે.
(૧) દરેક જીવ એક ચૈતન્ય દ્રવ્ય છે. મોક્ષ જીવની પૂર્ણ પવિત્ર અવસ્થા છે. મોક્ષ એટલે વિકારી
અવસ્થાથી મુક્ત થવું, જીવ પોતે પોતા વડે પોતામાં વિકાર કરે છે, એટલે પોતે પોતાવડે પોતામાંથી વિકાર ટાળે
તો ટળી શકે, જીવ જો જડનું કાંઈ કાર્ય કરે તો જીવ જડ થઈ જાય. જો શરીર જીવનું કાર્ય કરે તો શરીર પુદ્ગલ
અનંત દ્રવ્યો મટી એક ચૈતન્ય દ્રવ્ય થઈ જાય. એમ દ્રવ્યોનો લોપ થવા લાગે તો જીવનો પણ લોપ થઈ જાય.
એટલે જીવનું આત્મજ્ઞાન અને શરીરની ક્રિયાવડે મોક્ષ થાય એમ માનવું તે એકલી ભ્રમણા છે.
(૨) જીવમાં પુદ્ગલ વ્યાપતું નથી. પુદ્ગલમાં જીવ વ્યાપતો નથી. ત્યારે પુદ્ગલ જે પોતામાં વ્યાપે છે
અને જીવમાં વ્યાપતું નથી એવા અનંતા પુદ્ગલો પોતાની ક્રિયાથી આત્માને શી રીતે મોક્ષમાં લઈ જાય? લઈ
જઈ શકે નહીં એ સ્પષ્ટ છે.

PDF/HTML Page 29 of 29
single page version

background image
ATMADHARMA श्र सदगरुदवय नम Regd. No. B. 4787
(૩) જીવ અને શરીર બન્ને ભેગા થઈને મોક્ષનું કાર્ય કરે તો જીવ અને શરીર બન્નેએ મોક્ષક્ષેત્રમાં જવું
જોઈએ, પણ તેમ તો બનતું નથી. જીવ એકલો મોક્ષક્ષેત્રમાં જાય છે. શ્રીમદ્ રાજચંદ્ર આત્મસિદ્ધિશાસ્ત્રમાં કહે છે કે:–
એજ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ;
અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. ૧૧૬.
અહીં તો જીવને એકલાને મોક્ષસ્વરૂપ કહ્યો છે. જીવ અને શરીરને મોક્ષસ્વરૂપ કહ્યાં નથી.
(૪) એક દ્રવ્યની પર્યાય તે દ્રવ્ય પોતે જ કરે, એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરી શકે નહીં. દરેક દ્રવ્ય
સ્વદ્રવ્યે–ક્ષેત્રે–કાળે–ભાવે અસ્તિરૂપે છે, અને પરદ્રવ્યે–ક્ષેત્રે–કાળે ભાવે નાસ્તિરૂપે છે. શરીર અનંત દ્રવ્યો છે. તેનું
દરેક પરમાણુ પણ પોતપોતાને સ્વદ્રવ્યે–ક્ષેત્રે–કાળે–અને ભાવે અસ્તિરૂપે છે, અને શરીરના બીજા પરમાણુના
દ્રવ્યે–ક્ષેત્રે–કાળે અને ભાવે નાસ્તિરૂપે છે. એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં, એટલે જીવના જ્ઞાન
અને શરીરની ક્રિયાથી મોક્ષ થાય એ માનવું તદ્ન ખોટું છે.
સાચો અર્થ અને વ્યાકરણ સાથેનો તેનો મેળ.
જીવમાં સમ્યક્જ્ઞાન થાય ત્યારે તુરત જ સંપૂર્ણ વીતરાગતા પ્રગટતી નથી. સમ્યક્જ્ઞાન કોઈ વખતે
લબ્ધરૂપ અને કોઈ વખતે ઉપયોગરૂપ હોય છે. એટલે જ્ઞાન સમ્યક્ હોય પણ પૂર્ણ વીતરાગતા પ્રગટી ન હોય ત્યાં
સુધી મોક્ષ થતો નથી. વીતરાગતા એ જીવની શુદ્ધ ક્રિયા છે. તેને ચારિત્રની પૂર્ણતા કહેવામાં આવે છે. તેને
જ્ઞાનની સ્થિરતા પણ કહેવામાં આવે છે. એટલે એ સુત્રનો અર્થ નીચે પ્રમાણે થાય છે.
(૧) જીવનું સમ્યગ્જ્ઞાન–અને સમ્યગ્ચારિત્રની પૂર્ણતાથી મોક્ષ થાય છે.
(૨) જીવનું સમ્યગ્જ્ઞાન અને તે સમ્મગ્જ્ઞાનની જ્ઞાનમાં પૂર્ણ ઠરવારૂપ–સ્થિરતારૂપ ક્રિયાથી મોક્ષ થાય છે.
(૩) જીવનું સમ્યગ્જ્ઞાન અને પૂર્ણ વીતરાગરૂપ પોતાની પર્યાય (ક્રિયાપરિણમન) થી મોક્ષ થાય છે.
(૪) જીવના બે ગુણોની પૂર્ણતા ત્યાં આવતી હોવાથી વ્યાકરણકૃતિએ તેમાં દ્વિવચન સૂચક ‘ભ્યામ્’ શબ્દ
યથાર્થ વપરાયો છે.
(પ) સમ્યગ્જ્ઞાન હોય ત્યાં સમ્યગ્દર્શન હોય તેથી ‘સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રાણી મોક્ષમાર્ગ’ ––એમ પણ
ઉપરના સૂત્રનો અર્થ થાય છે.
જય સમયસર!
(સુવર્ણપુરીના સમાચાર)
શ્રાવણ સુદ ૧૨ મંગળવાર તા. ૧–૮–૪૪ ના રોજ વ્યાખ્યાનમાં છઠ્ઠી વખત શ્રી સમયસાર વાંચનની
પૂર્ણાહુતિ થઈ છે અને શ્રાવણ સુદ ૧૩ બુધવાર તા. ૨–૮–૪૪ ના માંગળિક દિવસે સાતમી વખત વ્યાખ્યાનમાં
સમયસારજીનું વાંચન અદ્ભૂત શૈલીથી શરૂ થયું છે. સમયસાર ખરેખર એક અપૂર્વ શાસ્ત્ર છે એ અપૂર્વ
શાસ્ત્રમાં રહેલા કેવળીભગવાનના સંદેશાના એક એક શબ્દ છણી છણીને પરમ પૂજ્ય સદ્ગુરુ દેવ સાતમી વખત
સભા વચ્ચે સંભળાવી રહ્યા છે, અને એ રીતે શાસનની મહાન પ્રભાવના તેઓશ્રી કરી રહ્યા છે કે જે ભવ્ય
જીવોના મહાન લાભનું કારણ છે.
સમયસાર–પૂર્ણાહુતિના દિવસે દેરાસરજીમાં ભક્તિ વખતે ભક્તોનો ઉત્સાહ અજબ હતો! ભક્તિમાં પ્રથમ
‘દર્શનસ્તુતિ’ નું સ્તવન (સ્તવનમંજરી પાનું ૩૦૦) ગવડાવ્યા પછી ‘જય સમયસાર જય સમયસાર તથા જય
ગુરુરાજ જય ગુરુરાજ’ એવી ધૂન બેહદ ઉલ્લાસથી લેવડાવવામાં આવી હતી. આમ અત્યંત અત્યંત ઉલ્લાસપૂર્વક
ભક્તિ પૂરી થતા દેવ–ગુરુ–શાસ્ત્રના જયનાદના ગગન ભેદી અવાજો કરતાં ભક્તો ધરાતાં ન હતાં.
સાંજે શ્રી સમયસારજીની આરતી ઉતારવામાં આવી હતી. બીજે દિવસે જે દિવસે સમયસારજીનું સાતમી
વખતનું વાંચન શરૂ થયું તે દિવસે સવારે સમયસારજી શાસ્ત્રની પૂજા કરવામાં આવી હતી, અને બપોરે સાતમી
વખતના વાંચનની માંગળિક શરૂઆત થઈ હતી. આ રીતે પરમ પૂજ્ય શ્રી સદ્ગુરુદેવ સમયસારશાસ્ત્રદ્વારા અનેક
ભવ્ય જીવો ઉપર મહાન ઉપકાર કરી રહ્યા છે. ભક્તો અંતરથી પોકાર કરે છે કે––
જયવંત વર્તો શ્રી સમયસાર અને તેના સમજાવનાર શ્રીસદ્ગુરુદેવ!
મુદ્રક: – જમનાદાસ માણેકચંદ રવાણી શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય દાસકુંજ, મોટા આંકડિયા, કાઠિયાવાડ. તા. ૧૦ – ૮ – ૪
પ્રકાશક: – જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, દાસકુંજ મોટા આંકડિયા