Atmadharma magazine - Ank 308
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page  


Combined PDF/HTML Page 4 of 4

PDF/HTML Page 61 of 80
single page version

background image
: જેઠ : ૨૪૯પ આત્મધર્મ : ૫૭ :
બપોરના પ્રવચનમાં ૭૩મી ગાથાનો વિસ્તાર કરતાં કહ્યું કે–આત્મા ચેતન
સ્વભાવે પ્રત્યક્ષ છે. રાગ કે પરોક્ષપણું એનો સ્વભાવ નથી. રાગમાં ને પરોક્ષમાં જે
અટકે તેને ‘આત્મા’ કહેતા નથી. આત્મા પોતે અંદરમાં આવા સ્વભાવથી ભરેલો છે,
તેનો પરિચય કરવા જેવો છે. અનાદિથી જીવને રાગનો ને કામભોગનો પરિચય છે, પણ
તેનાથી ભિન્ન પોતાના શુદ્ધ–એક સ્વભાવનો પરિચય કદી કર્યો નથી; ને અંતરમાં તેનો
પ્રેમ કરીને સત્સમાગમે તેની વાત પણ કદી સાંભળી નથી. ભાઈ, અત્યારે આ વાત
સમજવાનો અવસર આવ્યો છે, અત્યારે સમજે, કે કાલે સમજે, કે લાખો કરોડો વર્ષે
સમજે કે અનંતકાળે સમજે, –પણ આત્માનો આ સત્સ્વભાવ કે જે સર્વજ્ઞભગવાને
કહેલો છે તે સમજ્યા વગર બીજા કોઈ ઉપાયે કલ્યાણ થાય તેમ નથી. અહો,
સર્વજ્ઞભગવાનની આ શિખામણ છે, આ જૈનશાસન છે. આત્માના શુદ્ધસ્વભાવને
દેખવો–જાણવો–અનુભવવો તે જૈનશાસન છે–એ વાત સમયસારની ૧પ મી ગાથામાં
આચાર્યભગવાને બતાવી છે. આત્મસ્વભાવની સન્મુખના જે જ્ઞાનપરિણામ છે તેમાં
નિશ્ચયમોક્ષમાર્ગ સમાય છે, રાગ તેમાં સમાતો નથી, ને રાગમાં મોક્ષમાર્ગ સમાતો નથી.
ભગવાન! તું જડથી જુદો જ્ઞાનસ્વરૂપ આત્મા છો. શરીરનો–મનનો વાણીનો તું
કર્તા નથી, તેના કાર્યનું કારણ તું નથી. અને તે તરફનો જે રાગ થાય તે રાગ સાથે પણ
તારા ચૈતન્યસ્વભાવને કર્તાકર્મપણું નથી. રાગવગરના આવા સ્વાનુભવપ્રત્યક્ષ આત્માનો
તું પહેલાં નિર્ણય કર. નિર્ણય કરનારને પહેલાં વિચારદશામાં વિકલ્પ હોય, પણ તે વિકલ્પ
કાંઈ અનુભવનું સાધન નથી. વિકલ્પથી ભિન્ન જ્ઞાનને અંતમુર્ખ કરતાં સ્વાનુભવ–પ્રત્યક્ષ
સહિત આત્માનો સાચો નિર્ણય થાય છે. શુભરાગ મારું સાધન નહિ–એમ રાગથી
ભિન્નતાનો નિર્ણય કરવો. પણ ‘રાગ મારું સાધન’ એમ પહેલેથી નિર્ણયમાં જ જેની ભૂલ
છે તેને રાગથી ભિન્ન આત્માનો અનુભવ થઈ શકશે નહિ. ચિદાનંદ ધુ્રવસ્વભાવમાં નિર્મળ
પર્યાયના છ કારકના ભેદ પણ નથી ત્યાં રાગના કે જડના કારકો તેમાં કેવા? સ્વાનુભવ–
પ્રત્યક્ષમાં એક અખંડ આત્મસ્વભાવનો અનુભવ છે, તેમાં ભેદ નથી, વિકલ્પ નથી, રાગ
નથી. આવા સ્વભાવનો નિર્ણય કરવો તે જ તેના અનુભવનું સાધન છે. આ નિર્ણય તે
અપૂર્વ છે. આવા આત્માને અનુભવમાં લેવો તે ધર્મ છે.
મક્ષી ગામડું છે, એનું વાતાવરણ જંગલ જેવું છે; ઝાડપાન ને ખેતરો વચ્ચે
જિનમંદિરો મંગલરૂપ શોભી રહ્યા છે. દૂરદૂરથી બે જિનાલયોના ઉજ્વલ શિખર એવા
દેખાઈ રહ્યા છે કે જાણે બે ભાઈઓ નજીકની એકબીજા સાથે વાત કરી રહ્યા હોય.–જાણે

PDF/HTML Page 62 of 80
single page version

background image
: ૫૮ : આત્મધર્મ : જેઠ : ૨૪૯પ
બંને એકબીજાને પ્રેમથી એમ કહેતા હોય કે આપણે વીતરાગનાં સન્તાન, આપણને
પરસ્પર કલેશ ન શોભે, આપણે તો સંપથી હળીમળીને વીતરાગતાની જ ઉપાસના
કરવાની છે. આપણા ભગવાન પારસનાથે પણ આપણને વીતરાગતા જ શીખવી છે.
પ્રભુના એ માર્ગે જઈએ ને આત્માને ઓળખીએ તો જ આપણે પારસનાથના સાચા
ઉપાસક –આ બે ભાઈની માફક બે જિનાલયો શિખરબંધ શોભી રહ્યા છે. તેમાંથી એક
જિનાલયમાં બિરાજમાન પાર્શ્વનાથ ભગવાનને સવારના ૬ થી ૯ સુધીના ત્રણ કલાક
નિરાભરણ દશામાં દિગંબર ભાઈઓ પૂજે છે, ને બાકીના સમયમાં સાભરણદશામાં
શ્વેતાંબર ભાઈઓ પૂજે છે. પાસેની દેરીઓમાં ક્યાંક દિગંબર જિનબિંબો ખડ્ગાસન
દશામાં દેખાય છે. બીજું જિનમંદિર દિગંબર સમાજનું છે, તેનો જીર્ણોદ્ધાર કરવામાં
આવ્યો છે, ને નવીન કમલ વેદી પર રણાસણમાં પ્રતિષ્ઠિત ભગવાન પારસનાથની
સવાપાંચ ફૂટ ઊંચી અતિ મનોજ્ઞ પ્રતિમા બિરાજે છે. રણાસણમાં ફાગણ વદ ત્રીજે
પ્રતિષ્ઠા થયા બાદ તરત મક્ષીજીમાં બિરાજમાન કરવામાં આવ્યા અને હજારો
ભક્તજનો–દર્શન–પૂજનનો લાભ લેવા લાગ્યા. ભગવાનની પ્રતિષ્ઠાનો વિશેષ મહોત્સવ
વેદી પ્રતિષ્ઠાની વિધિપૂર્વક વૈશાખ વદ ૬–૭ ના રોજ મક્ષીજીમાં કહાનગુરુ સાન્નિધ્યમાં
ઉજવાયો. દશહજાર ઉપરાંત દિગંબર જૈનોએ તેમાં ભાગ લીધો. ઘણા લોકો કહેતા કે
મક્ષીજીમાં આવો ભવ્ય ઉત્સવ કદી થયો નથી. બે દિવસ પૂ. શ્રી કાનજીસ્વામીનાં
પ્રવચનો પણ અલૌકિક થયા.
પ્રવચનમાં વીતરાગમાર્ગના પડકારપૂર્વક ગુરુદેવ કહે છે કે રાગની રુચિવાળા
પ્રાણીઓ વીતરાગમાર્ગને ઓળખી શકશે નહિ. જે માર્ગે સિંહ સંચર્યા તે માર્ગે હરણીયાં
નહિ જઈ શકે, તેમ મોક્ષના જે માર્ગે વીતરાગી સન્તો સંચર્યા તે માર્ગે રાગની રુચિવાળી
અજ્ઞાનીઓ નહિ જઈ શકે. પહેલાં તો રાગથી ભિન્ન ચિદાનંદસ્વભાવ શુંં છે તેનો નિર્ણય
કરવો જોઈએ. શુદ્ધજ્ઞાનાનંદસ્વરૂપ આત્માને અનુભવનાર જીવ રાગાદિ પરભાવરૂપે
પરિણમતો નથી; એવા પરિણમન વડે ધર્મી જાણે છે કે હું શુદ્ધ છું. જ્ઞાન ને આનંદ જ
મારો સ્વભાવ છે.
શુભાશુભભાવોની પ્રવૃત્તિ દુઃખરૂપ છે; તેનાથી પાર જ્ઞાનાનંદ સ્વરૂપનો નિર્ણય
અને અનુભવ કરતાં સમ્યગ્દર્શન થાય છે. ચૈતન્યના શાંત અવિકારી આનંદરસનું તેમાં
વેદન થાય છે. આત્માનો સ્વભાવ રાગરૂપ કદી થયો નથી, એટલે ધર્મી રાગને જાણવા
છતાં તેના સ્વામીપણે પરિણમતા નથી, જ્ઞાનના જ સ્વામીપણે પરિણમે છે. ‘ધર્મીને રાગ
થયો’ એમ કહેવું તે ઉપચાર છે, ખરેખર ધર્મી પોતે રાગરૂપ થયો નથી, ધર્મી તે ધર્મી

PDF/HTML Page 63 of 80
single page version

background image
: જેઠ : ૨૪૯પ આત્મધર્મ : ૫૯ :
જ છે, ને રાગ તે રાગ છે; એમ બંનેની પૃથક્તા છે. માટે ધર્મી જીવ રાગનો સ્વામી નથી.
તે તો સ્વસંવેદનપ્રત્યક્ષ એવા પોતાના સ્વભાવનો જ સ્વામી છે.
તા. ૮–૫–૬૯ વૈશાખ વદ ૭ ના રોજ સવારે દસ વાગે જિનમંદિરમાં અત્યંત
આનંદોલ્લાસપૂર્વક પ્રતિષ્ઠા થઈ. ગુરુદેવના સુહસ્તે સ્વસ્તિક કરાવીને મંદિર ઉપર સુવર્ણ
કળશ તથા ધર્મધ્વજ શોભી ઉઠ્યા. આમ મક્ષીજી તીર્થમાં ભવ્ય પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવાયો.
બે દિવસના પ્રવચનો દ્વારા મિથ્યાત્વનો નાશ કરીને સમ્યક્ત્વની ઉત્પત્તિનું સુંદર
વિવેચન સાંભળીને મધ્યપ્રદેશના કેટલાય જિજ્ઞાસુઓ પ્રભાવિત થયા. ઉછામણીમાં તેમજ
ધુ્રવ– ફંડમાં રૂા. સવાલાખ ઉપરાંત થયા. મંગલ ઉત્સવ પૂર્ણ થતાં પારસપ્રભુના
જયકારપૂર્વક ગુરુદેવ મક્ષીજીથી ઈંદોર પધાર્યા.–जय पारसनाथ
શ્રુત પંચમી
णमो लोए सव्व अरिहन्ताणं એવા મંગલપૂર્વક
શ્રુતપંચમીના મંગલ પ્રવચનના પ્રારંભમાં ગીરનારવાસી
ધરસેનાચાર્યદેવને યાદ કરીને ગુરુદેવે શ્રુતનો ઈતિહાસ કહ્યો.
શ્રુતનો પ્રવાહ ટકાવનારા એ ધરસેન અને પુષ્પદંત–ભૂતબલી
મુનિવરો વીતરાગ હતા. તેમણે રચેલા ષટ્ખંડાગમના
મંગલમાં णम्मो लोए सव्व अरिहंताणं એમ કહીને
સર્વલોકમાં વર્તતા ત્રિકાળવર્તી સર્વે અરિહંતોને નમસ્કાર કર્યા
છે. એ જ રીતે લોકમાં રહેલા ત્રિકાળવર્તી સર્વ સિદ્ધોને તેમ જ
આચાર્ય વગેરેને નમસ્કાર કર્યા છે. અહો! જ્ઞાનની કેટલી
વિશાળતા! અનંત અરિહંત–સિદ્ધોને લક્ષમાં લેનારું જ્ઞાન
કેટલી તાકાતવાળું છે! આવા મંગલપૂર્વક ષટ્ખંડાગમ–
જિનવાણીની રચના થઈ ને અંકલેશ્વરમાં બે હજાર વર્ષ પહેલાં
તેનો મહોત્સવ થયો, તે દિવસ આજે (જેઠ સુદ પાંચમે) છે.
એ શ્રુત એમ બતાવે છે કે આત્મા ચિદાનંદ સ્વરૂપ છે,
તેમાં પર ભાવોનું કર્તાકર્મપણું નથી. આવો આત્મા જાણવો તે
શ્રુતનું રહસ્ય છે.

PDF/HTML Page 64 of 80
single page version

background image
: ૬૦ : આત્મધર્મ : જેઠ : ૨૪૯પ
कानजी स्वामी
અદ્ભુત વ્યક્તિત્વ
(નવી દિલ્હીના ‘નવભારત ટાઈમ્સ’ તા. ૧૪–પ–૬૯
માંથી સાભાર ઉદ્ધૃત)
कानजी स्वामी एक जीती–जागती जीवन
जोत, आत्म–अभ्युदय की साकार मूर्ति, सारे
सौराष्ट्र में जिनकी आत्मक्रांति की धूम है, पर
शेष भारत भी जिनके प्रकाश से वंचित नहीं।
सुन्दर सलोना शरीर, देदीप्यमान आभा,
सुखद भावमंडल, वाणी में ओज, जो भी सरल
हदय से सन्मुख हुआ उस ही की ग्रंथि खुली,
ऐसा शायद ही कोई हो कि जिसने सरलता से
सुना तो हो, पर उसे शांति न मिली हो।
ऐसा भी आज तक नहीं हुआ कि किसी की बातों को सभी ने सरलता से
मान लिया हो, कुछ विरोधी सभी के होते हैं, इन के भी हैं, पर उनके लिए
स्वामीजी के हृदय में बडे सुंदर विचार हैं, ये श्रद्धालु श्रावकों से कहा करते हैं,
‘तुम्हे विरोधियों से घृणा या क्रोध न करना चाहिये, इन में भी तुम्हारी ही तरह
भगवान बसते हैं, इन में थोडी नासमझी है, जब समझ जायेंगे तो स्वयं ही सही
रास्ते पर आ जायेंगे, साथ ही तुम्हें भी अपनी समझ के लिए अहंकार न करना
चाहिये, बस सहज रूप में अपनी द्रष्टि अप्राप्त की ओर रख, बढते जाना चाहिए ।’
एक बार एक त्यागी बह्मचारी इन का पक्ष ले कर किसी विरोधी भाई से
सवाल–जवाब और मुकदमेबाजी की उहापोह में पड गये, इनके सामने बात
आयी तो वे बोले, ‘भाई, समय का समागम तो बहुत थोडा है, न जाने कब
आयु समाप्त हो जाय, इस मूल्य–

PDF/HTML Page 65 of 80
single page version

background image
: જેઠ : ૨૪૯પ આત્મધર્મ : ૬૧ :
वान समय को यों हल्की बातों में उलझ कर नष्ट न करो, बन सके तो प्राप्त
समय को अपने आत्मकल्याण में प्रयोजित कर लो।’
ये सर्वसाधारण को बहुत ही सरल भाषा में समझाया करते हैं, इनका
कहना है सब से पहले तुम यह मानो कि ‘तुम हो’ तुम्हारा स्वतंत्र अस्तित्व है।
ये कैसे हो सकता है कि जो वस्तुएँ दिखती हैं, वे तो हैं, और जो उन्हें देखने
वाले है ‘वह नहीं’ ? इसलिये आकाश, समय और पुद्गल [दिखनेवाली जड
वस्तुएँ] की तरह ही तुम्हारे में स्वतंत्र सता है।’
अब जिन्होंने अपनी सत्ता स्वीकार कर ली, उन से यह कहते हैं, ‘तुम में
जो विकार चलते दिखते हैं, उनके दोषी तुम स्वयं ही हो, क्योंकि अगर तुम
दोष का कारण औरों को मानोंगे तो तुम उन्ही में फेर–फार करने का प्रयत्न
करते रहोगे और जब सब दोषों के जिम्मेदार अपने को ही मान लोगे तो अपने
को ही ठीक करने के प्रयत्न में लग जाओगे, इसलिये दोष दूसरे निमित्तों को न
दो, दोष तुम्हारा और केवल तुम्हारा ही है, इस के माने बिना आगे गति नहीं।
अब जिन्होंने माना दोष हमारे ही हैं, शतप्रतिशत हम ही उनके जिम्मेदार
हैं उनसे आप कहते हैं–देखो तुम्हारे वास्तविक स्वभाव में दोष नहीं, यदि दोष
स्वभाव का हिस्सा होते तो उसमें से वह निकल नहीं सकते थे, यदि तुम अपने
निज के वास्तविक स्वभाव की ओर द्रष्टि दोगे तो यह शनै; शनेः स्वतः निकलते
जायेंगे, और तब शुद्ध सोने के समान निखर आयेगी तुम्हारी निर्मल आत्मा।
जिस तरह सोने को तपाने से उसका मैल निकल जाता है, उस ही
तरह दर्शन–ज्ञान और चारित्र रूप धर्म अंगीकार करने से आत्मा निखरती है।
इन महापुरुष का जन्म आज से ७९ साल पहले वैशाख सुदी दूज के
दिन सौराष्ट्र के उमराला गाँव में, शाह मोतीचंद के घर माता उजमबा की कोख
से हुआ था।
इन के उपदेश सभी जातियों और प्रदेशों के लोगों के लिए समान हैं,
यही कारण है, इन के आश्रय में आये लोगों में सभी जातियों और प्रदेशों के
लोग होते है, उनमें भाषा भेद का कोई झगडा नहीं, सभी प्रेम की डोर में बंघे
समानता से धर्म साधन करते हैं। –सैलानी

PDF/HTML Page 66 of 80
single page version

background image
: ૬૨ : આત્મધર્મ : જેઠ : ૨૪૯પ
તારા પગલે પગલે નાથ!
ઝરે છે આતમરસની ધાર
(પ)
પંચકલ્યાણક–પ્રતિષ્ઠા મહોત્સવો નિમિત્તે
ગુરુદેવે માહવદ છઠ્ઠે સોનગઢથી મંગલવિહાર કર્યો......
અમદાવાદ ને રણાસણમાં ભવ્ય મહોત્સવો થયા, વચ્ચે
સોનગઢમાં વિસામો લઈને રાજકોટ પધાર્યા; અને
પછી ચૈત્ર વદ ૧૧ મુંબઈ શહેરમાં પધાર્યા.
મુંબઈનગરીમાં વૈશાખ સુદ બીજે ૮૦ મી
જન્મજયંતિનો રત્ન– ચિંતામણિ ઉત્સવ, તેમજ
ઘાટકોપર અને મલાડના ભવ્ય જિનમંદિરોમાં પ્રતિષ્ઠા
માટેનો પંચકલ્યાણક મહોત્સવ આનંદોલ્લાસપૂર્વક
ઉજવાયો. –એનું વર્ણન ગતાંકમાં આપે વાંચ્યું. ત્યાર
પછીના આ છેલ્લો હપ્તામાં મુંબઈથી સોનગઢ સુધીનું
વર્ણન આપ વાંચશો.
વૈશાખ સુદ આઠમે જિનેન્દ્ર ભગવંતોની પ્રતિષ્ઠા થઈ, ત્યાર પછી પણ
જિજ્ઞાસુઓની ભાવના દેખીને ત્રણ દિવસ ગુરુદેવે પ્રવચનો ચાલુ રાખ્યા. વૈશાખ સુદ
૧૧ ના રોજ દાદરના જિનમંદિરની પ્રતિષ્ઠાને પાંચ વર્ષની પૂર્ણતાનો દિવસ હોવાથી
ગુરુદેવ ત્યાં પધાર્યા હતા, ને ત્યાં પૂ. બેનશ્રી–બેને સમૂહપૂજન કરાવ્યું હતું. ભગવાનની
રથયાત્રા પણ નીકળી હતી. મંદિર પાસેના ચોકમાં ગુરુદેવે પંદર મિનિટ મંગલપ્રવચન
કર્યું હતું. એક દિવસ ઝવેરી બજારના મંદિરે પણ ગુરુદેવે દસેક મિનિટ પ્રવચન કર્યું હતું.
એ જ રીતે મલાડના તથા ઘાટકોપરના જિનમંદિરોમાં પણ ગુરુદેવે મંગલપ્રવચનો કર્યા
હતા. એક દિવસ બોરીવલી ખડ્ગાસન સ્થિત ત્રણ વિશાળ પ્રતિમાઓ (આદિનાથ તથા
ભરત–બાહુબલી) નું અવલોકન કરવા પણ ગયા હતા. શહેરથી દૂર એકાંત
વાતાવરણમાં (નેશનલ પાર્ક સામે) પિતા–પુત્રોની ત્રિપુટી ધ્યાનમાં ઊભી છે–તે દ્રશ્ય
સુંદર છે. (હજી આ પ્રતિમાઓની પ્રતિષ્ઠિાવિધિ થયેલ નથી.)

PDF/HTML Page 67 of 80
single page version

background image
: જેઠ : ૨૪૯પ આત્મધર્મ : ૬૩ :
એ પ્રમાણે મુંબઈમાં કુલ ૨૪ દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો પૂર્ણ થયા; તા.
પ–પ–૬૯ ના રોજ મક્ષીજીમાં પ્રતિષ્ઠા નિમિત્તે ગુરુદેવ મુંબઈથી વિમાન દ્વારા ઈન્દોર
પધાર્યા. મુંબઈના વિમાન સ્ટેશન પર દોઢેક હજાર મુમુક્ષુઓએ હાજર રહીને અનેરું
વાતાવરણ ખડું કરી દીધું. વિમાનમાં ચાલીસેક જેટલા યાત્રિકો હતા–તે બધાય પણ
આપણા મુમુક્ષુ ભાઈ–બેનો જ હતા. ગુરુદેવ સાથે ૧૨૦૦૦ ફૂટ ઊંચે, ને પોણાબસો
માઈલની ઝડપે, ભક્તિ કરતાં કરતાં ઈન્દોર જઈ રહ્યા હતા. એ વખતે વિમાનમાં
કુંદકુંદપ્રભુના વિદેહગમન વગેરે પ્રસંગોનું, અને ચારણઋદ્ધિધારક વીતરાગી સંતોનું
સ્મરણ થતું હતું. ગુરુદેવ સાથે ગગનવિહાર કરતાં કરતાં રસ્તામાં લાંબા દોરડા જેવી
દેખાતી તાપી અને નર્મદા નદીઓને ઓળંગી, રમકડાં જેવા દેખાતા અનેક ગામોને
ઓળંગી, દરિયાને અને પહાડને ઓળંગી, પૃથ્વીનું રમણીય દ્રશ્ય જોતાં ને સંતોને યાદ
કરતાં કરતાં સાંજે સવાપાંચ વાગે ઈંદોર પહોંચ્યા....શેઠશ્રી રાજકુમારસિંહજીની
આગેવાનીમાં સેંકડો મુમુક્ષુઓએ સ્વાગત કર્યું. ઈન્દ્રભવનના શાંત વાતાવરણમાં
ગુરુદેવનો ઉતારો હતો.
બીજે દિવસે (વૈશાખ વદ પાંચમે) સવારે કાચના મંદિરમાં બિરાજમાન ભવ્ય
જિનબિંબોના ભક્તિથી દર્શન કર્યા; અને પાંચેક હજાર શ્રોતાજનોની સભામાં ગુરુદેવે
પ્રવચન કર્યું, ત્યાર બાદ તરત તિલકનગર–વિસ્તારમાં દિ. જૈન સમાજના સહયોગથી
બંધાયેલા જિનમંદિરમાં ભગવંતોની પ્રતિષ્ઠા કરવા માટે ગયા. આ જિનમંદિરનું
શિલાન્યાસ સં. ૨૦૨૦ માં જ્યારે ગુરુદેવ ઈંદોર પધાર્યા ત્યારે થયું હતું. આ રળિયામણા
જિનાલયમાં મહાવીર ભગવાનના ૭ ફૂટ ઊંચા અતિ મનોજ્ઞ પ્રતિમા બિરાજે છે. તેની
બંને બાજુ કાચની સુંદર કારીગરીવાળી વેદીમાં બે જિનબિંબોને બિરાજમાન કરવાની
વિધિ ગુરુદેવની ઉપસ્થિતિમાં થઈ. ત્યારબાદ બપોરના પ્રવચન પછી તરત ગુરુદેવ
ઈંદોરથી મક્ષીજી પધાર્યા, ને મક્ષીજીમાં પારસનાથપ્રભુની પ્રતિષ્ઠાનો મહોત્સવ થયો,
તથા દસ હજારની જનતાએ મહોત્સવમાં ભાગ લઈને ગુરુદેવનાં પ્રવચનો સાંભળ્‌યા.
મક્ષીજીના મહોત્સવની તથા ત્યાંના પ્રવચનોની યાદી આ અંકમાં (પપ મા પાને)
આપવામાં આવી છે.
મક્ષીજીની વૈશાખ વદ ૭ ની સાંજે ગુરુદેવ ઈંદોર પધાર્યા. બીજે દિવસે વૈશાખ વદ
આઠમે કાચની કારીગરીવાળા જિનમંદિરનું વિશેષ અવલોકન કર્યું. જેમાં એક શ્લોક હતો કે–

PDF/HTML Page 68 of 80
single page version

background image
: ૬૪ : આત્મધર્મ : જેઠ : ૨૪૯પ
चक्रवर्तीकी संपदा इन्द्रलोकके भोग।
काकवीट सम गिनत है वीतरागके लोग।।
ઈંદોરના મંદિરોમાં બિરાજમાન જિનભગવંતોના ફરી ફરી દર્શન કરતાં આનંદ
થાય છે. ભગવંતોના દર્શન કરીને ૯ વાગતાં વિમાનઘર પર પહોંચ્યા. ત્યાં લગભગ
અડધો કલાક ઈંદોરના સેંકડો મુમુક્ષુઓ વચ્ચે તત્ત્વચર્ચા ચાલી; ગુરુદેવે અલિંગગ્રહણ
આત્માનું સ્વરૂપ સમજાવતાં ‘ઉપયોગ’ નું અપ્રતિહતપણું બતાવ્યું, તેમજ કેટલીક
ઐતિહાસિક વાત પણ કરી. તે સાંભળીને મુમુક્ષુઓએ અત્યંત પ્રસન્નતા વ્યક્ત કરી.
સવાદશ વાગતાં ફરી ગુરુદેવ સાથે ગગનવિહાર કરીને મુંબઈ પહોંચ્યા. આજે વૈશાખ
વદ આઠમ એટલે સમયસારની સ્થાપનાનો ઉત્તમ દિવસ હતો. ‘સમયસાર’ ના પક્ષી
જ્ઞાનગગનમાં ઊડે છે’ એ વાત ગગનવિહારમાં યાદ આવતી હતી. મુંબઈના મુમુક્ષુઓએ
ગુરુદેવ પ્રત્યે આનંદોલ્લાસ ને ભક્તિ વ્યક્ત કર્યા. બીજા દિવસે (વૈશાખ વદ ૯ ની
સવારે) વિમાનદ્વારા મુંબઈથી (પ૦ મિનિટમાં) ભાવનગર પહોંચ્યા; ને ત્યાંથી ૯ વાગે
ગુરુદેવ સોનગઢ પધાર્યા. ભક્તોએ ઉમંગથી સ્વાગત કર્યું. ગુરુદેવે ભાવથી
સીમંધરનાથના દર્શન કરીને અર્ઘપૂજન કર્યું. સુવર્ણધામ નવપલ્લવિત બન્યું. સમયસાર
અને પ્રવચનસાર ઉપર પ્રવચનો શરૂ થયા.....અધ્યાત્મની મેઘવર્ષા શરૂ થઈ ને બીજા જ
દિવસથી શિક્ષણવર્ગનો પ્રારંભ થયો. ગુરુદેવના શ્રીમુખથી વરસતી અધ્યાત્મની વર્ષા વડે
આત્મામાં શીઘ્ર રત્નત્રયના અંકુરા ફૂટે એ જ ભાવના.
ઈનામ
“અમે જશું મોક્ષમાં, કેમ તને છોડશું?
આવજે મોક્ષમાં તુંય અમ સાથમાં.
ભવ્ય નિજ પદને સાધજે ભાવથી,
શિખ આ સંતની શીઘ્ર તું માનજે....”
ઉપરનું લખાણ બીજે ક્્યાં છપાયેલું છે તે શોધી
કાઢનારાઓ વચ્ચે દસ રૂા. ની કિંમતના ફોટા અગર
પુસ્તકો ભેટ મોકલાશો. (જુન તા. ૧પ સુધીમાં)

PDF/HTML Page 69 of 80
single page version

background image
(ફોટો : પુનમ શેઠ મુંબઈ)
મુંબઈ આઝાદમેદાનના મહાવીરનગરનું ૭પ ફૂટ ઊંચું પ્રવેશદ્વાર, અને
સભામાં પ્રવચન કરી રહેલા ગુરુદેવ.

PDF/HTML Page 70 of 80
single page version

background image
(ફોટો : પુનમ શેઠ મુંબઈ)
અહો, અનંતગુણથી ભરેલો આત્માનો સ્વભાવ છે. તે સ્વભાવમાં
સર્વજ્ઞપદની તાકાત ભરી છે. તેમાં એકાગ્રતા વડે સર્વજ્ઞપદ પ્રગટે છે.

PDF/HTML Page 71 of 80
single page version

background image
: જેઠ : ૨૪૯પ આત્મધર્મ : ૬૫ :
જીવનું સાચું સ્વરૂપ
મુંબઈ અને મક્ષીજીમાં મંગલ પ્રતિષ્ઠા મહોત્સવ પછી
પૂ. ગુરુદેવ સોનગઢ–શાંતિધામમાં પધાર્યા અને વૈશાખ વદ
૧૦ થી બપોરના વ્યાખ્યાનમાં પ્રવચનસાર ગા. ૧૭૨ થી
વાંચન શરૂ થયું. તેમાં ગુરુદેવે કહ્યું કે–તારા સ્વભાવની આ
વાત ભગવાન તને સંભળાવે છે. આત્મા તો ઈંદ્રિયાતીત
ચૈતન્ય હીરો છે; સાચા જીવનું આવું સ્વરૂપ ભણ એટલે કે
ઓળખ; એના વગર બીજા બધા ભણતર નકામા છે.
શરીરાદિ તો પુદ્ગલમય અચેતન છે, તે જીવનું સ્વરૂપ નથી. તો જીવનું સ્વરૂપ શું
છે? જીવનું એવું ખાસ સ્વલક્ષણ શું છે કે જેના વડે તેને અન્ય સમસ્ત દ્રવ્યોથી ભિન્ન
અનુભવી શકાય? –આવી જેને જિજ્ઞાસા જાગી છે તે શિષ્યને જીવનું અસાધારણ સ્વરૂપ
આચાર્યદેવ આ ૧૭૨ મી ગાથામાં ઓળખાવે છે.
દેહ પુદ્ગલમય છે; તે દેહનાં કામ આત્મા કરે એ માન્યતામાં તો સર્વથા વિરોધ
છે. દેહથી તો આત્મા સર્વથા ભિન્ન છે. તો હવે દેહથી ભિન્ન એવું કયું સાધન છે કે જે
સાધન વડે આત્માને સાચા સ્વરૂપે ઓળખી શકાય? તે અહીં બતાવે છે.
અતીન્દ્રિય જ્ઞાન વડે જાણવાનું કામ કરે તેને જ ખરો આત્મા કહીએ છીએ.
ઈન્દ્રિયો તે તો પરદ્રવ્ય છે, તે ઈંદ્રિયો તરફ ઝૂકેલા ભાવને આત્મા કહેતા નથી.
ઈંદ્રિયોથી જુદો એવો ચેતનસ્વરૂપ આત્મા, તે ઈંદ્રિયો વડે કેમ જાણે? સ્વતત્ત્વ જે
જ્ઞાનના લક્ષમાં ન આવ્યું ને એકલા પર તરફ જે ઝૂક્યું તેને ખરેખર જ્ઞાન કહેતા
નથી. એકલો અતીન્દ્રિય જ્ઞાનરસ જેમાં ભર્યો છે તેના જ્ઞાનમાં ઈંદ્રિયોનું કે વાણી
વગેરેનું અવલંબન નથી. જ્ઞાનરસમાં અનંતગુણનો સ્વાદ ભર્યો છે. ઈંદ્રિયો તે આત્મા
નહિ, ને ઈંદ્રિયોના અવલંબનમાં રોકાય તે પણ ખરેખર આત્મા નહીં. જ્ઞાન તો
આત્માનું છે, ઈંદ્રિયોનું

PDF/HTML Page 72 of 80
single page version

background image
: ૬૬ : આત્મધર્મ : જેઠ : ૨૪૯પ
નથી, એટલે આત્માને જ અવલંબીને જ્ઞાન થાય છે, ને તે જ્ઞાન જ આત્માનું ખરૂં સ્વરૂપ
છે. ઈંદ્રિયોના અવલંબનવાળું કે વિકલ્પોના ઘોલનવાળું જ્ઞાન તે ખરૂં જ્ઞાન નથી.
પરલક્ષી જ્ઞાનના કાંઈક ઉઘાડથી એમ માની લ્યે કે અમને ઘણું જ્ઞાન છે. –તો આચાર્યદેવ
ના પાડે છે કે ભાઈ, તારું એ જાણપણું તે જ્ઞાન જ નથી; સ્વસત્તાનું અવલંબન જેમાં ન
આવે તેને આત્માનું સ્વરૂપ કોણ કહે? રાગથી ભિન્ન પડીને સ્વભાવ તરફ વળેલું
વીતરાગી જ્ઞાન તે જ ખરૂં જ્ઞાન છે, તે જ આત્માનું ખરૂં લક્ષણ છે. એવા જ્ઞાનલક્ષણ વડે
આત્મા સમસ્ત પર દ્રવ્યોથી ભિન્નપણે અનુભવમાં આવે છે.
સ્વદ્રવ્ય તરફ વળ્‌યા વગર, એકલી ભગવાનની વાણી તરફના લક્ષે જે
ક્ષાયોપશમિકજ્ઞાન થાય તે જ્ઞાનને પણ ખરું જ્ઞાન કહેતા નથી; સ્વભાવ તરફના લક્ષે
ઊઘડેલું જે ક્ષાયોપશમિકજ્ઞાન તે તો ક્ષાયિકજ્ઞાનનું કારણ થાય છે. એકલા પર તરફનું
અગિયાર અંગ સુધીનું જ્ઞાન કરીને પણ જીવ સંસારમાં જ રખડ્યો, પરલક્ષી ૧૧ અંગનું
જાણપણું પણ તેને મોક્ષનું જરાય સાધન ન થયું. –અરે, તારું જ્ઞાન તારી સત્તાના
આશ્રયે હોય કે પરના આશ્રયે હોય? ઈંદ્રિયો તો જડ, તારા ચેતનસ્વભાવથી તદ્ન
વિરુદ્ધ, તેના આશ્રયે તારું જ્ઞાન કેમ હોય? ઈંદ્રિયોના અવલંબનવાળા જ્ઞાનમાં તો
દુઃખનું વેદન છે; સ્વસત્તાના અવલંબનવાળા જ્ઞાનમાં તો અતીન્દ્રિય આનંદ આવે છે.
સ્વસત્તાના અવલંબનમાં શુદ્ધ આત્માની જ મુખ્યતા છે. ઈંદ્રિયો કે રાગનો તેમાં અભાવ
છે. સમ્યગ્દર્શન તે મોક્ષનો સ્તંભ છે, ને તે આવા શુદ્ધઆત્માના અવલંબને જ પ્રગટે છે.
તેની સાથે અતીન્દ્રિયજ્ઞાન હોય છે. બહારના જાણપણા વડે આત્માની અધિકતા માનવી
તે મિથ્યાત્વ છે. અતીન્દ્રિય સ્વભાવમાંથી પ્રગટેલું જ્ઞાન તો અતીન્દ્રિય હોય. આવા
અતીન્દ્રિય જ્ઞાનની જગતને કિંમત નથી, ને બહારના હીરા–મોતી–રત્નોની કિંમત ભાસે
છે. અરે, એ તો જડ છે, ને તે એકલા જડ તરફ ઝુકેલું ઈંદ્રિયજ્ઞાન તે પણ ખરેખર
આત્માનું સ્વરૂપ નથી. આત્મા તો ઈંદ્રિયાતીત ચૈતન્યહીરો છે. –આવું સાચા જીવનું સ્વરૂપ
છે, ને ભગવાને તે ભણવાનું કહ્યું છે. એના વગર બીજા બધા ભણતર નકામા છે.
આત્માનું વસ્તુત્વ જ્ઞાન તે આનંદરૂપ છે, તે ઈંદ્રિયોરૂપ કે રાગરૂપ નથી. ‘ઈંદ્રિયો
વડે જાણું છું. –તે જ હું છું’ એમ અજ્ઞાનીને ઈંદ્રિયો સાથેની એકત્વબુદ્ધિથી લાગે છે. પણ
ઈંદ્રિયોથી જુદું સ્વસત્તા–અવલંબીજ્ઞાન તેને દેખાતું નથી; અતીન્દ્રિય ચૈતન્યસત્તા તેને
નથી દેખાતી, તેને તો જડ–ઈંદ્રિયો જ દેખાય છે; તે જડને કે તેને અવલંબનારા
ઈંદ્રિયજ્ઞાનને ખરો આત્મા કહેતા નથી. આત્મા તો ઈંદ્રિયોથી પાર અતીન્દ્રિયજ્ઞાનમય

PDF/HTML Page 73 of 80
single page version

background image
: જેઠ : ૨૪૯પ આત્મધર્મ : ૬૭ :
છે. તેને ‘અલિંગગ્રહણ’ કહેવાય છે. આ રીતે અલિંગગ્રહણના અર્થમાં અતીન્દ્રિય
જ્ઞાનસ્વરૂપ આત્મા પ્રાપ્ત થાય છે.
જેમ આત્મા ઈંદ્રિયો વડે જાણનાર નથી તેમ તે ઈંદ્રિયજ્ઞાન વડે જણાતો પણ નથી.
ઈંદ્રિયોથી ને મનથી પાર, શાસ્ત્રતરફના ઝુકાવથી પણ પાર. એવા અતીન્દ્રિય સ્વસંવેદનવડે
આત્મા જણાય છે. આવા જ્ઞાનમાં રાગની અપેક્ષા નથી. પરની ઓશીયાળવાળું જ્ઞાન
આત્માને જાણી ન શકે. સ્વાધીન જ્ઞાનસ્વભાવવાળો આત્મા છે, તેને જાણવામાં પરનું
અવલંબન નથી. આવા અતીન્દ્રિય આત્માને લક્ષમાં લેતાં બહારના જાણપણાનો ગર્વ ઊડી
જાય. ભાઈ, બહારના જાણપણાનો મહિમા છૂટશે ત્યારે આ અતીન્દ્રિયવસ્તુ હાથમાં
આવશે. આત્મારૂપ થઈને આત્માને જો. ઈંદ્રિયરૂપ થઈને આત્મા નથી જોવાતો. એકવાર
ઈંદ્રિયાતીત થઈને સ્વસન્મુખ થા, એટલે અતીન્દ્રિય જ્ઞાનરૂપ થા. ‘હું ઈન્દ્રિયવડે જાણનાર
છું’ એમ માનનાર આત્માના પરમાર્થ સ્વરૂપને ઓળખી શકતો નથી.
ઈંદ્રિયોથી ને શરીરથી આત્માનું ભિન્નપણું ખરેખર ક્્યારે જાણ્યું કહેવાય? –કે
ઉપયોગને ઈંદ્રિયો તરફથી પાછો વાળીને અંદર અતીન્દ્રિયસ્વભાવમાં લઈ જાય ત્યારે.
‘ઈંદ્રિયો મારા જ્ઞાનનું સાધન’ એમ માનનારે આત્માને ઈંદ્રિયોથી ભિન્ન જાણ્યો જ
નથી. આત્મા સ્વયં અતીન્દ્રિય જ્ઞાનસ્વરૂપ છે. તેને ઈંદ્રિયોનું સાધન કેવું? આત્મા એવો
સ્થૂળ પદાર્થ નથી કે ઈંદ્રિયજ્ઞાનવડે ગ્રાહ્ય થઈ જાય. ભાઈ, તારે સમ્યગ્દર્શન કરવું હોય
એટલે કે સાચો આત્મા અનુભવમાં લેવો હોય તો અતીન્દ્રિય ઉપયોગપણે અંદરમાં તારા
આત્માને દેખ. બહારની ઈંદ્રિયો તો જડ–અચેતન–પુદ્ગલની રચના, ને તે ઈન્દ્રિય
તરફના જ્ઞાનને પણ એકવાર ભૂલી જા! ને જ્ઞાનને અંતર્મુખ કરીને તારા આત્માને
સ્વજ્ઞેય બનાવ! આત્માને સ્વજ્ઞેય બનાવતાં જ અતીન્દ્રિય આનંદ અનુભવાય છે.
આત્માને સ્વજ્ઞેય બનાવવાની તાકાત ઈંદ્રિયજ્ઞાનમાં નથી, એટલે કે રાગથી કે
વ્યવહારના અવલંબનથી આત્મા જણાતો નથી. જે બુદ્ધિ આત્મામાં ન જોડાય, ને એકલા
બહારમાં –ઈંદ્રિયજ્ઞાનમાં જ ભમે તેને તો શાસ્ત્રો દુર્બુદ્ધિ કહે છે. ઉપયોગ તારો ને ભમે
પરમાં–એને તો સાચો જીવ કોણ કહે? આત્મા તરફ વળીને જે પોતે પોતાને જાણે તે જ
આત્માનો ખરો ઉપયોગ છે, ને તેને જ આત્મા કહીએ છીએ.
આત્મા કઈ રીતે જણાય? તો કહે છે કે આત્મારૂપ થઈને આત્મા જણાય.
ઈન્દ્રિયરૂપ થઈને આત્મા ન જણાય, વ્યવહારરૂપ–રાગરૂપ થઈને આત્મા ન જણાય. એટલે

PDF/HTML Page 74 of 80
single page version

background image
: ૬૮ : આત્મધર્મ : જેઠ : ૨૪૯પ
બહારના કે શાસ્ત્રના ભણતરથી કોઈ એમ માની લ્યે કે અમે ધર્મમાં બીજા કરતાં
આગળ વધી ગયા, તો આચાર્યદેવ કહે છે કે ભાઈ, ધીરો થા. આત્મારૂપ થઈને
આત્માને ન જાણે તેને અમે જ્ઞાન જ કહેતા નથી. તારા ભણતરમાં આત્મા તો ન
આવ્યો. ધર્મના રાહ તો અંદર ચૈતન્યમાં છે. અંર્તમુખ થઈને જેણે ચિદાનંદ તત્ત્વને
જાણ્યું–અનુભવ્યું તે ધર્માત્મા જ ધર્મમાં આગળ વધેલા છે.
ધર્માત્માને ખરા સ્વરૂપે ઓળખવા માટે પણ અંદરની કોઈ અલૌકિક દ્રષ્ટિ
જોઈએ. કોઈ ઈંદ્રિયગમ્ય ચિહ્નો વડે એટલે કે આંખની કે મોઢાની ચેષ્ટા વડે કે વાણી વડે
ઓળખાઈ જાય એવો આત્મા નથી. ‘આ જ્ઞાની છે, આ મુનિ છે’ એમ ઓળખાણ થાય
ખરી–પણ તે ઈંદ્રિયગમ્ય ચિહ્નો વડે ન થાય, સ્વસંવેદન લક્ષણ વડે જ સાચી ઓળખાણ
થાય. એટલે અનુભવી હોય તે જ ખરેખર અનુભવીને ઓળખે. આ આત્મા સર્વજ્ઞ છે,
આ સાધક ધર્મી છે–એવો ખરો નિર્ણય, પોતામાં તે જાતનો અંશ પ્રગટે ત્યારે જ થાય છે.
અંતર્મુખ થઈને આત્માને સ્વસંવેદનમાં લેનાર જ્ઞાનદશા ભલે અધૂરી હોય તોપણ તેને
‘પ્રત્યક્ષ’ કહેવાય છે. એવા પ્રત્યક્ષ વગરના એકલા અનુમાનથી આત્માનો સાચો નિર્ણય
થઈ શકતો નથી. અંશે પ્રત્યક્ષ પૂર્વકનું અનુમાન તે સાચું હોય છે. પહેલાં સ્વસંવેદન
વગર સાધારણ ઓળખાણ હતી, પણ જ્યાં સ્વસંવેદન થયું ત્યાં ઓળખાણની જાત જ
ફરી ગઈ. –અહા! હવે ખરી અપૂર્વ ઓળખાણ થઈ, હવે મેં ભગવાનની જાતમાં ભળીને
ભગવાનને ઓળખ્યા.
જુઓ, આ સાચા આત્માને ઓળખવાની રીત! આચાર્યદેવે આ ચોથા બોલમાં
ધર્મની અને ધર્માત્માની ઓળખાણની રીત જગત પાસે ખુલ્લી મુકી છે. આ રીતે
જ્ઞાનીને ઓળખનારો જીવ પોતે જ્ઞાનીના માર્ગમાં ભળી જાય છે. ભગવાનના માર્ગમાં
ભળેલો જ ભગવાનને ખરેખર ઓળખી શકે. રાગ અને ઈન્દ્રિયોના સંગથી જરાક દૂર
થઈને જ આત્માની કે દેવ–ગુરુની સાચી ઓળખાણ થઈ શકે છે. સ્વસંવેદનસહિત
અનુમાન સાચું હોય, પણ સ્વસંવેદન વગર એકલા અનુમાનથી આત્મા જાણવામાં
આવી જાય એમ બનતું નથી. હે જીવ! તું આ રીતે આત્માને અલિંગગ્રાહ્ય જાણ, એટલે
કે સ્વસંવેદનથી જાણ. આત્માનો વાસ્તવિક અંશ તારામાં પ્રગટ્યા વગર બીજા આત્માનું
અનુમાન તું ક્્યાંથી કરીશ?
આચાર્યદેવે અહીં એ સિદ્ધાંત સમજાવ્યો કે સ્વને જાણ્યા વગર પરને જાણી

PDF/HTML Page 75 of 80
single page version

background image
: જેઠ : ૨૪૯પ આત્મધર્મ : ૬૯ :
શકાય નહીં. અરિહંતાદિ પંચપરમેષ્ઠીના કે સમ્યગ્દ્રષ્ટિના આત્માનો એવો સ્વભાવ નથી
કે એકલા અનુમાનથી કે રાગથી તે જણાય.
અરિહંતાદિને સાચા ભાવનમસ્કાર ક્્યારે થાય?
–કે તેમને ઓળખે ત્યારે,
તેમની સાચી ઓળખાણ ક્્યારે થાય?
–કે પોતે સ્વસંવેદન કરીને આત્માને ઓળખે ત્યારે.
આત્માને, કે આત્મા જેણે ઓળખ્યો છે એવા જ્ઞાનીને ઈન્દ્રિયોદ્વારા દેખીને
અનુમાનથી કોઈ ઓળખી શકે–એમ બનતું નથી. આત્માનો સ્વભાવ એવો નથી કે
ઈન્દ્રિયદ્વારા તે અનુમાનમાં આવે.
પોતાના અંતરમાં સ્વભાવના સ્વસંવેદન વગર, માત્ર અનુમાનથી જ્ઞાનીને,
સર્વજ્ઞને, કે આત્માના સ્વભાવને ઓળખી શકાય નહીં. ઈન્દ્રિયજ્ઞાનવડે કે અનુમાનવડે
પર વસ્તુ જણાય, પણ આત્માનો સ્વભાવ ન જણાય. આત્માનો સ્વભાવ પ્રત્યક્ષજ્ઞાનનો
વિષય છે. એના પ્રત્યક્ષપૂર્વક સાચું અનુમાન હોઈ શકે. પ્રત્યક્ષ વગરનું એકલું અનુમાન
સાચું હોય નહિ. અતીન્દ્રિયભાવવડે અતીન્દ્રિય આત્મા જણાય છે. ને એ રીતે આત્માને
જાણ્યા પછી જ પરનું જ્ઞાન સાચું થાય છે. સ્વને જાણ્યા વગર તો પરનું પણ સાચું જ્ઞાન
થતું નથી.
ઈન્દ્રિગમ્ય જે શરીરાદિની બાહ્યક્રિયાઓ તેના વડે અંદરના ચૈતન્યસ્વભાવનું
અનુમાન થઈ શકતું નથી. શરીરની ચેષ્ટાઓથી તદ્ન જુદો અતીન્દ્રિય આત્મા છે.
પ્રત્યક્ષપૂર્વકનું અનુમાન તે વ્યવહાર છે. પણ, જેમ નિશ્ચય વગર વ્યવહાર હોતો નથી
તેમ પ્રત્યક્ષ વગર અનુમાન હોતું નથી. પોતાનો આત્મા પોતાને સ્વસંવેદનમાં પ્રત્યક્ષ
થયો ત્યારે અનુમાનથી બીજા જ્ઞાનીને પણ ઓળખ્યા કે અહો! જેવું સ્વસંવેદન મને છે
તેવું જ સ્વસંવેદન જ્ઞાની–ધર્માત્માને છે. પોતાના સ્વાનુભવ વગર જ્ઞાનીની સાચી
ઓળખાણ થાય નહીં.
સાધકદશામાં અંશે પ્રત્યક્ષપણું ને પરોક્ષપણું બંને હોય છે. પણ સાધકને ભાન છે
કે પ્રત્યક્ષપણું તે જ મારો સ્વભાવ છે, એટલે એવા સ્વભાવના આશ્રયે પ્રત્યક્ષપણું

PDF/HTML Page 76 of 80
single page version

background image
: ૭૦ : આત્મધર્મ : જેઠ : ૨૪૯પ
વધતું જાય છે ને પરોક્ષપણું તૂટતું જાય છે, –રાગનું ને ઈદ્રિયોનું અવલંબન છૂટતું જાય
છે. આવો મોક્ષમાર્ગ છે, ને આવી ધર્મીની દશા છે.
અહા, જંગલમાં વસતા ને આત્માના આનંદમાં ઝુલતા સંતોએ અંદર
સ્વાનુભવમાં ભગવાન સાથે વાતું કરતાં કરતાં આ વાત લખી છે. જગતનાં ભાગ્ય
કે આ પંચમકાળમાં આવા મુનિઓ પાક્યા. વાહ, એ સંત–મહંતની અંર્તદશા!
પંચપરમેષ્ઠીમાં જેનું સ્થાન છે, જેનાં દર્શનથી મોક્ષની પ્રતીત થઈ જાય! એવા એ
કુંદકુંદાચાર્ય જેવા મુનિઓ જ્યારે સાક્ષાત્ વિચરતા હશે–ત્યારે તો જાણે કે ચાલતા
સિદ્ધ! તેમણે અંતરમાં અનુભવેલો આત્મા આ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ કર્યો છે.
અલિંગગ્રહણ શબ્દના ૨૦ અર્થો કરીને આત્માનું સ્વરૂપ સમજાવ્યું છે. એ સંતોના
ચરણોમાં નમસ્કાર હો.
વૈરાગ્ય સમાચાર
ભાવનગરના ભાઈશ્રી હિંમતલાલ હરગોવિંદદાસ (–કે જેઓ સોનગઢ સંસ્થાના
ટ્રસ્ટી પણ છે–) તેમના પુત્રી કુસુમબેન તા. ૧–પ–૬૯ ના રોજ હાર્ટફેઈલથી સ્વર્ગવાસ
પામ્યા છે. દેવ–ગુરુ–ધર્મની ઉપાસના વડે તેમનો આત્મા આત્મહિત પામે–એ જ
ભાવના.
નરોડા (અમદાવાદ) ના ભાઈશ્રી અમૃતલાલ લહેરચંદના ધર્મપત્ની શાન્તાબેન
વૈશાખ સુદ પાંચમના રોજ હૃદય રોગના હુમલાથી સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ અનેક
વર્ષોથી સોનગઢ આવીને લાભ લેતા. ગત ફાગણ માસમાં અમદાવાદથી હિંમતનગર
જતાં ગુરુદેવ તેમને ત્યાં દર્શન દેવા પધાર્યા હતા. દેવ–ગુરુ–ધર્મની ઉપાસના વડે તેઓ
આત્મહિત પામે–એ જ ભાવના.
વાસણા ચૌધરીના ભાઈશ્રી સોમચંદભાઈ (તે બ્ર. કેશવલાલજીના નાના ભાઈ)
વૈશાખ વદી ૧૨ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. તેમણે ગુરુદેવ સાથે યાત્રા કરેલી,
અવારનવાર સોનગઢ પણ આવતા, અને છેલ્લે રણાસણ–પ્રતિષ્ઠા વખતે પણ આવેલા.
ધર્મસંસ્કારમાં આગળ વધીને તેઓ આત્મહિત સાધે એ જ ભાવના.

PDF/HTML Page 77 of 80
single page version

background image
: જેઠ : ૨૪૯પ આત્મધર્મ : ૭૧ :
ભેદજ્ઞાન–પુષ્પમાળા
ગુરુદેવને અત્યંત પ્રિય એવું જે સમયસાર,
અને તેમાં પણ વિશેષ પ્રિય એવો કર્તાકર્મ–
અધિકાર, તેના પ્રવચનોમાંથી ૮૦ પ્રશ્ન–ઉત્તરની
ભેદજ્ઞાન–પુષ્પમાળા ગૂંથીને આત્મધર્મમાં રજુ
કરીશું. તેનો પ્રથમ ભાગ અહીં આપીએ છીએ.
ગુરુદેવના જ પ્રવચનબાગમાંથી ચૂંટેલા પુષ્પોવડે
ગુંથેલી આ ભેદજ્ઞાનમાળાને જે જિજ્ઞાસુ પોતાનું
આભૂષણ બનાવશે તેને ભેદજ્ઞાનરૂપી
‘રત્નચિંતામણિ’ પ્રાપ્ત થશે. (સં.)
* * * * *
(૫) જીવે શેમાં વર્તવું જોઈએ?
(૧) કઈ ક્રિયા બંધનું કારણ છે? ને કઈ ક્રિયા મોક્ષનું કારણ છે?
રાગના કર્તૃત્વરૂપ ક્રિયા બંધનું કારણ છે; ને જ્ઞાનમય એવી જ્ઞપ્તિક્રિયા મોક્ષનું
કારણ છે.
(૨) કઈ ક્રિયા બંધનું કે મોક્ષનું કારણ નથી?
જડની ક્રિયા બંધનું કે મોક્ષનું કારણ નથી.
(૩) ધર્મી જીવ જ્ઞાનની ક્રિયા ક્્યારે કરે છે?
સદાય કરે છે.
ક્રિયા અને જૈનધર્મ
(૪) અજ્ઞાની શું નથી દેખતો?
તે જ્ઞાન અને ક્રોધના ભેદને નથી દેખતો; તેમાં જે લક્ષણભેદ છે તેને તે
ઓળખતો નથી.

PDF/HTML Page 78 of 80
single page version

background image
: ૭૨ : આત્મધર્મ : જેઠ : ૨૪૯પ
(૫) જીવે શેમાં વર્તવું જોઈએ?
જીવે પોતાના જ્ઞાનભાવમાં વર્તવું જોઈએ.
(૬) જીવે શેમાં ન વર્તવું જોઈએ?
જીવે ક્રોધાદિ પરભાવમાં વર્તવું ન જોઈએ.
(૭) કઈ ક્રિયા મોક્ષનું કારણ છે?
જ્ઞાનભાવમાં વર્તવારૂપ જ્ઞાનક્રિયા તે મોક્ષની ક્રિયા છે; તે ક્રિયા મોક્ષનું કારણ છે.
(૮) જૈનધર્મમાં ક્રિયા હોય?
હા; મોક્ષની સાચી ક્રિયા જૈનધર્મમાં જ હોય.
(૯) જૈન ધર્મની ક્રિયા કઈ?
જ્ઞાનમાં તન્મય વર્તવારૂપ ક્રિયા તે જૈનધર્મની ક્રિયા છે. પણ રાગાદિમાં વર્તવારૂપ
ક્રિયા તે જૈનધર્મની ક્રિયા નથી, તે તો અધર્મની ક્રિયા છે; અને દેહાદિની ક્રિયાઓ
તો જડની ક્રિયા છે.
(૧૦) ક્રિયાના કેટલા પ્રકાર થયા?
ત્રણ (૧) જ્ઞાનની ક્રિયા (૨) રાગની ક્રિયા (૩) જડની ક્રિયા.
(૧૧) તે ત્રણ ક્રિયાના કર્તા કોણ છે?
જ્ઞાન ક્રિયાના કર્તા જ્ઞાની છે; રાગાદિ ક્રિયાનો કર્તા અજ્ઞાની છે; જડની ક્રિયાનો
કર્તા જડ છે.
(૧૨) આત્મા જડની ક્રિયાનો કર્તા કેમ નથી?
કેમકે આત્મા જડ નથી. (જડ હોય તે જ જડની ક્રિયા કરી શકે.)
(૧૩) જ્ઞાન રાગનું કર્તા છે?
ના; કેમકે જ્ઞાન પોતે રાગ નથી. જ્ઞાન અને રાગ જુદા છે.
(વિશેષ આવતા અંકે)

PDF/HTML Page 79 of 80
single page version

background image
જૈનધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ અને અંતિમ તીર્થંકર ભગવાન
મહાવીર, એ બંને ભગવંતોની ખડ્ગાસન વીતરાગી મુદ્રા કેવી શોભી રહી છે? કયાં
બીરાજે છે આ મૂર્તિ? ખબર છે? લંડન શહેરના બ્રિટીશ મ્યુઝીયમને આ બંને ભગવંતો
શોભાવી રહ્યા છે; દર વર્ષે લાખો માણસો એમનાં દર્શન કરીને રાજી થતા હશે. બ્રિટીશ
રાજ્યના અમલદારોને અવ્યક્તપણે પણ, ભારતના આ અણમૂલ વૈભવનો વીતરાગી
દેદાર દેખીને તેના પ્રત્યે આદર બહુમાન જાગ્યા હશે એટલે તેઓ એ વીતરાગીનિધાનને
પોતાના દેશમાં લઈ ગયા હશે.–ખરું જ છે, વીતરાગતા કોને ન ગમે? આ ભગવંતોની
મુદ્રા બોલ્યા વગર પણ વીતરાગી મોક્ષમાર્ગનો સન્દેશ જગતને આપી રહી છે.
* * * * *

PDF/HTML Page 80 of 80
single page version

background image
ફોન નં : ૩૪ “ આત્મધર્મ ” Regd. No. G. 182
દિગંબર જિનમંદિર : ઘાટકોપર
જેમાં ઉપરના ભાગમાં ૨૪ તીર્થંકરભગવંતોની અને
નીચેના ભાગમાં સીમંધર ભગવાન તથા નેમિનાથ ભગવાનની
પ્રતિષ્ઠા વૈશાખ માસમાં થઈ. મલાડનું જિનમંદિર પણ આવું જ
ભવ્ય છે, તેમાં ઉપરના ભાગમાં સીમંધરાદિ ૨૦ ભગવંતો અને
નીચેના ભાગમાં આદિનાથ ભગવાન બિરાજે છે.
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક : મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય : સોનગઢ (પ્રત : ૨૬૦૦)