Moksha Shastra (Gujarati). Sutra: 2-9 (Chapter 10); Upsanhar (Chapter 10); Parishist-1.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 34 of 36

 

Page 606 of 655
PDF/HTML Page 661 of 710
single page version

અ. ૧૦. સૂ. ૧ ] [ ૬૦૭ તે સિદ્ધદશા છે. કેવળજ્ઞાનપૂર્વક જ મોક્ષ થાય છે માટે મોક્ષનું વર્ણન કરતાં તેમાં પહેલાં કેવળજ્ઞાનની ઉત્પત્તિનું સૂત્ર જણાવ્યું છે.

પ. પ્રશ્નઃ– જીવને તેરમા ગુણસ્થાને અનંત વીર્ય પ્રગટયું હોવા છતાં યોગ વગેરે ગુણનો વિકાર રહે છે અને સંસારીપણું રહે છે તેનું કારણ અઘાતિકર્મનો ઉદય છે-માન્યતા ખરી છે?

ઉત્તરઃ– એ માન્યતા ખરી નથી. તેરમા ગુણસ્થાને સંસારીપણું રહેવાનું ખરું કારણ એ છે કે ત્યાં જીવના યોગ ગુણનો વિકાર છે તેમજ જીવના પ્રદેશોની વર્તમાન લાયકાત તે ક્ષેત્રે (- શરીર સાથે) રહેવાની છે, તથા જીવના અવ્યાબાધ, નિર્નામી, નિર્ગોત્રી અને અનાયુષ્યી ધર્મો હજી પૂર્ણ પ્રગટ થતા નથી. આ પ્રમાણે જીવ પોતાના જ કારણે સંસારમાં રહે છે. જડ, અઘાતિકર્મના ઉદયના કારણ કે કોઈ પરના કારણે જીવ સંસારમાં ખરેખર રહે છે એ માન્યતા તદ્દન ખોટી છે. ‘તેરમા ગુણસ્થાને ચાર અઘાતિ કર્મોનો ઉદય છે તેથી જીવ સિદ્ધપણું પામતો નથી’ એ તો માત્ર વ્યવહારકથન છે; જ્યારે જીવને પોતાના વિકારીભાવને કારણે સંસાર હોય ત્યારે તેરમા અને ચૌદમા ગુણસ્થાને-જડકર્મની સાથેનો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ કેવો હોય છે તે બતાવવા માટે કર્મશાસ્ત્રોમાં ઉપર જણાવ્યા મુજબનું વ્યવહારકથન કર્યું હોય છે. ખરેખર કર્મના ઉદય-સત્તા વગેરેને કારણે કોઈ જીવ સંસારમાં રહે છે એમ માનવું તે, જીવ અને જડકર્મોને એકમેક માનવારૂપ મિથ્યા માન્યતા છે. શાસ્ત્રોના અર્થ કરવામાં અજ્ઞાનીઓની મૂળભૂત ભૂલ એ છે કે વ્યવહારનયના કથનોને તે નિશ્ચયનયના કથનો માનીને વ્યવહારને જ પરમાર્થ માની લે છે. તે ભૂલ ટાળવા માટે આ શાસ્ત્રના પહેલા અધ્યાયના છઠ્ઠા સૂત્રમાં પ્રમાણ તથા નયનું યથાર્થ જ્ઞાન કરવાની આચાર્યભગવાને આજ્ઞા કરી છે. (प्रमाणनयैरधिगमः). જેઓ વ્યવહારના કથનોને જ નિશ્ચયના કથનો માનીને શાસ્ત્રોના તેવા અર્થો કરે છે તેમનું તે અજ્ઞાન ટાળવા માટે શ્રી કુંદકુંદાચાર્યદેવે સમયસારજીમાં × ૩૨૪ થી ૩૨૬ ગાથા કહી છે..... માટે જિજ્ઞાસુઓએ શાસ્ત્રોનાં કથનો કયા નયથી છે અને _________________________________________________________________

× તે ગાથાઓ આ પ્રમાણે છે-

વ્યવહારમૂઢ અતત્ત્વવિદ્ પરદ્રવ્યને ‘મારું’ કહે,
‘પરમાણુમાત્ર ન મારું જ્ઞાની જાણતા નિશ્ચય વડે. ૩૨૪
જ્યમ પુરુષ કોઈ કહે ‘અમારું’ ગામ, પુર ને દેશ છે,’
પણ તે નથી તેનાં, અરે! જીવ મોહથી ‘મારાં’ કહે; ૩૨પ.
એવી જ રીતે જે જ્ઞાની પણ ‘મુજ’ જાણતો પરદ્રવ્યને,
નિજરૂપ કરે પરદ્રવ્યને, તે જરૂર મિથ્યાત્વી બને. ૩૨૬.

Page 607 of 655
PDF/HTML Page 662 of 710
single page version

૬૦૮ ] [ મોક્ષશાસ્ત્ર તેનો પરમાર્થ (-ભૂતાર્થ, સાચો) અર્થ શું થાય છે તે બરાબર સમજીને શાસ્ત્રકારના કથનના મર્મને જાણી લેવો જોઈએ, પરંતુ ભાષાના શબ્દોને વળગવું ન જોઈએ.

૬. કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં જ મોક્ષ કેમ થતો નથી?

(૧) પ્રશ્નઃ– કેવળજ્ઞાનની ઉત્પત્તિ વખતે મોક્ષના કારણભૂત રત્નત્રયની પૂર્ણતા જઈ જાય છે તો પછી તે જ સમયે મોક્ષ થવો જોઈએ; આ રીતે, જે સંયોગી તથા અયોગી કેવળીનાં બે ગુણસ્થાનો કહ્યાં છે તે રહેવાનો કોઈ સમય જ રહેતો નથી?

ઉત્તરઃ– કેવળજ્ઞાનની ઉત્પત્તિ વખતે જો કે યથાખ્યાતચારિત્ર થઈ ગયું છે તોપણ હજી પરમયથાખ્યાતચારિત્ર થયું નથી. કષાય અને યોગ અનાદિથી અનુસંગી હોવા છતાં પ્રથમ કષાયનો નાશ થાય છે; તેથી કેવળી ભગવાનને વીતરાગતારૂપ યથાખ્યાતચારિત્ર પ્રગટયું હોવા છતાં પણ યોગના વ્યાપારનો નાશ થયો નથી. યોગનો વ્યાપાર તે ચારિત્રને દૂષણ ઉત્પન્ન કરનારો છે. તે યોગના વિકારની ક્રમેક્રમે ભાવનિર્જરા થાય છે તે યોગના વ્યાપારની સંપૂર્ણ ભાવનિર્જરા થઈ જતાં સુધી તેરમું ગુણસ્થાન રહે છે. યોગનો વ્યાપાર બંધ પડયા પછી પણ કેટલાક વખત સુધી અવ્યાબાધ, નિર્નામ (નામરહિતપણું), અનાયુષ્ય (આયુષ્યરહિતપણું) અને નિર્ગોત્ર- એ ધર્મો પ્રગટ થતાં નથી; તેથી ચારિત્રમાં દૂષણ રહે છે. ચૌદમા ગુણસ્થાનના છેલ્લા સમયનો વ્યય થતાં તે દોષનો અભાવ થઈ જાય છે અને તે જ સમયે પરમ યથાખ્યાતચારિત્ર પ્રગટ થતાં અયોગીજિન મોક્ષરૂપ અવસ્થા ધારણ કરે છે; એ રીતે, મોક્ષ, અવસ્થા પ્રગટયા પહેલાં સયોગીકેવળી અને અયોગીકેવળી એવા બે ગુણસ્થાનો દરેક કેવળીભગવાનને હોય છે.

(૨) પ્રશ્નઃ– જ્યારે કેવળજ્ઞાન પ્રગટ થાય તે જ વખતે મોક્ષ અવસ્થા પ્રગટ થઈ જાય એમ માનીએ તો શું દોષ આવે?

ઉત્તરઃ– તેમ થતાં નીચેના દોષો આવે- ૧- જીવમાં યોગગુણનો વિકાર હોવા છતાં, તેમજ બીજુ (અવ્યાબાધ આદિ) ગુણોમાં વિકાર હોવા છતાં, અને પરમયથાખ્યાતચારિત્ર પ્રગટ થયા સિવાય જીવની સિદ્ધદશા પ્રગટ થઈ જાય, કે જે અશક્ય છે.

૨-જો કેવળજ્ઞાન પ્રગટ થાય તે જ સમયે સિદ્ધદશા પ્રગટ થઈ જાય તો ધર્મતીર્થ જ રહે નહિ; જો અરિહંતદશા જ ન રહે તો કોઈ સર્વજ્ઞ ઉપદેશક - આપ્તપુરુષ થાય જ નહિ. તેનું પરિણામ એ આવે કે ભવ્ય જીવો પોતાના પુરુષાર્થથી ધર્મ પામવા લાયક પર્યાય પ્રગટ કરવા તૈયાર હોય છતાં તેને નિમિત્તરૂપ સત્યધર્મના ઉપદેશનો (-દિવ્યધ્વનિનો) સંયોગ ન થાય એટલે કે ઉપાદાન નિમિત્તનો મેળ તૂટી જાય. આ પ્રમાણે બની શકે


Page 608 of 655
PDF/HTML Page 663 of 710
single page version

અ. ૧૦. સૂ. ૨ ] [ ૬૦૯ જ નહિ. કેમકે એવો નિયમ છે કે જે સમયે જે જીવ પોતાના ઉપાદાનની જાગૃતિથી ધર્મ પામવાની યોગ્યતા મેળવે તે સમયે તે જીવને એટલા પુણ્યનો તો સંયોગ હોય જ કે જેથી તેને ઉપદેશાદિક યોગ્ય નિમિત્તો (-સામગ્રી) સ્વયં આવી મળે જ. ઉપાદાનની પર્યાયનો અને નિમિત્તની પર્યાયનો એવો જ સહજ સ્વાભાવિક નિમિત્તનૈમિત્તિકસંબંધ છે. જો આમ ન થતું હોય તો જગતમાં કોઈ જીવ ધર્મ પામી શકે જ નહિ. અર્થાત્ બધા જીવો દ્રવ્યદ્રષ્ટિએ પૂર્ણ હોવા છતાં પોતાનો શુદ્ધપર્યાય પ્રગટ કરી શકે જ નહિ, તેમ થતાં જીવોનું દુઃખ કદી ટળે નહિ અને સુખસ્વરૂપે તેઓ કદી થઈ શકે નહિ.

૩. જગતમાં જો કોઈ જીવ ધર્મ ન પામી શકે તો તીર્થંકર, સિદ્ધ, અરહિંત, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, શ્રાવક, સમ્યગ્દ્રષ્ટિ અને સમ્યગ્દ્રષ્ટિની ભૂમિકામાં રહેતા ઉપદેશક એ વગેરે પદો પણ જગતમાં રહે નહિ; જીવની સાધક અને સિદ્ધ દશા પણ રહે નહિ, સમ્યગ્દ્રષ્ટિની ભૂમિકા જ પ્રગટ થાય નહિ, તેમ જ તે ભૂમિકામાં થતો ધર્મ પ્રભાવનાદિનો રાગ-પુણ્યાનુબંધી પુણ્ય, સમ્યગ્દ્રષ્ટિને લાયક દેવગતિ-દેવક્ષેત્રો એ વગેરે વ્યવસ્થાનો પણ નાશ થાય.

(૩) આ ઉપરથી એમ સમજવું કે જીવના ઉપાદાનના દરેક સમયના પર્યાયની જે પ્રકારની યોગ્યતા હોય તે મુજબ તે જીવને તે સમયે યોગ્ય નિમિત્તનો સંયોગ સ્વયં મળે છે- એવા નિમિત્તનૈમિત્તિકસંબંધ તેરમા ગુણસ્થાનની હૈયાતિ સિદ્ધ કરે છે; એક બીજાનાં કર્તારૂપે કોઈ છે જ નહિ, તેમ જ ઉપાદાનની પર્યાયમાં જે સમયે લાયકાત હોય તે સમયે તેને નિમિત્તની રાહ જોવી પડે એમ પણ નથી; બન્નેનો સહજપણે એવો જ મેળ હોય જ છે. તે જ નિમિત્તનૈમિત્તિકભાવ છે, છતાં બન્ને દ્રવ્યો સ્વતંત્ર છે. નિમિત્ત પરદ્રવ્ય છે તેને જીવ મેળવી શકે નહિ, તેમ જ તે નિમિત્ત જીવમાં કાંઈ કરી શકે નહિ, કેમ કે કોઈ દ્રવ્ય પરદ્રવ્યની પર્યાયનું કર્તાહર્તા નથી. ।। ।।

મોક્ષનું કારણ અને લક્ષણ
बंधहेत्वभावनिर्जराभ्यां कृत्स्नकर्मावप्रमोक्षो मोक्षः।। २।।

અર્થઃ– [बंधहेतु अभाव] બંધનાં કારણો (-મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ) નો અભાવ તથા [निर्जराभ्यां कृत्स्नकर्मविप्रमोक्षो] નિર્જરા વડે સમસ્ત કર્મોનો અત્યંત નાશ [मोक्षः] તે મોક્ષ છે.

ટીકા

૧. કર્મ ત્રણ પ્રકારનાં છે. - (૧) ભાવકર્મ (ર) દ્રવ્યકર્મ અને (૩) નોકર્મ.


Page 609 of 655
PDF/HTML Page 664 of 710
single page version

૬૧૦ ] [ મોક્ષશાસ્ત્ર ભાવકર્મ જીવનો વિકાર છે અને દ્રવ્યકર્મ તથા નોકર્મ જડ છે. ભાવકર્મનો અભાવ થતાં દ્રવ્યકર્મનો અભાવ થાય છે અને દ્રવ્યકર્મનો અભાવ થતાં નોકર્મ (શરીર) નો અભાવ થાય છે. અસ્તિથી કહીએ તો જીવની સંપૂર્ણ શુદ્ધતા તે મોક્ષ છે અને નાસ્તિથી કહીએ તો જીવની સંપૂર્ણ વિકારથી મુક્તદશા તે મોક્ષ છે. આ દશામાં જીવ કર્મ તથા શરીર રહિત હોય છે અને તેનો આકાર છેલ્લા શરીરથી સહેજ ન્યૂન હોય છે.

ર. મોક્ષ યત્નથી સાધ્ય છે

(૩) પ્રશ્નઃ– મોક્ષ યત્નસાધ્ય છે કે અયત્નસાધ્ય છે? ઉત્તરઃ– મોક્ષ યત્ન સાધ્ય છે. જીવ પોતાના યત્નથી (-પુરુષાર્થથી) પ્રથમ મિથ્યાત્વ ટાળીને સમ્યગ્દર્શન પ્રગટ કરે છે અને પછી વિશેષ પુરુષાર્થથી ક્રમેક્રમે વિકાર ટાળીને મુક્ત થાય છે. પુરુષાર્થ ના વિકલ્પથી મોક્ષ સાધ્ય નથી.

(ર) મોક્ષનું પ્રથમ કારણ સમ્યગ્દર્શન છે અને તે પુરુષાર્થથી જ પ્રગટે છે. શ્રી સમયસાર કલશ ૩૪ માં અમૃતચંદ્રસૂરિ કહે છે કે-

હે ભવ્ય! તને નકામો કોલાહલ કરવાથી શું લાભ છે? એ કોલાહલથી તું વિરક્ત થા અને એક ચૈતન્યમાત્ર વસ્તુને પોતે નિશ્ચળ થઈ દેખઃ એવો છ મહિના અભ્યાસ કર અને જો (તપાસ) કે એમ કરવાથી આત્માની પ્રાપ્તિ નથી થતી કે થાય છે? અર્થાત્ એવો પ્રયત્ન કરવાથી આત્માની પ્રાપ્તિ અવશ્ય થાય છે.

વળી કલશ ર૩ માં પણ કહે છે કે- હે ભાઈ! તું કોઈ પણ રીતે મહા કષ્ટે અથવા મરીને પણ (એટલે કે ઘણા પ્રયત્ન વડે) તત્ત્વોનો કૌતૂહલી થઈ આ શરીરાદિ મૂર્તદ્રવ્યોનો એક મુહૂર્ત (કે ઘડી) પાડોશી થઈ આત્માનો અનુભવ કર કે જેથી પોતાના આત્માને વિલાસરૂપ, સર્વ પરદ્રવ્યોથી જુદો દેખી આ શરીરાદિ મૂર્તિક પુદ્ગલદ્રવ્ય સાથે એકપણાના મોહને તું તરત જ છોડશે.

ભાવાર્થઃ– જો આ આત્મા બે ઘડી પુદ્ગલદ્રવ્યથી ભિન્ન પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે (તેમાં લીન થાય), પરિષહ આવ્યે પણ ડગે નહિ, તો ઘાતિકર્મનો નાશ કરી, કેવળજ્ઞાન ઉત્પન્ન કરી, મોક્ષને પ્રાપ્ત થાય. આત્માનુભવનું એવું માહાત્મ્ય છે.

આમાં આત્માનુભવ માટેનો પુરુષાર્થ કરવાનું જણાવ્યું છે. અને મોક્ષ કાર્ય છે. કારણ વિના કાર્ય સિદ્ધ થતું નથી. પુરુષાર્થથી મોક્ષ થાય છે


Page 610 of 655
PDF/HTML Page 665 of 710
single page version

અ. ૧૦ સૂ. ૨ ] [ ૬૧૧ એમ સૂત્રકારે પોતે, આ અધ્યાયના છઠ્ઠા સૂત્રમાં ‘पूर्व प्रयोगात्’ શબ્દ વાપરીને જણાવ્યું છે.

(૪) સમાધિશતકમાં શ્રી પૂજ્યાપાદઆચાર્ય જણાવે છે કે-

अयत्नसाध्यं निर्वाणं चितत्त्व भूतजं यदि।
अन्यथा योगतस्तस्मान्न दुख योगिना क्वचित्।। १००।।

અર્થઃ– જો પૃથ્વી આદિ ભૂતથી જીવતત્ત્વની ઉત્પત્તિ હોય તો નિર્વાણ અયત્નસાધ્ય છે, પણ જો તેમ ન હોય તો યોગથી એટલે કે સ્વરૂપસંવેદનનો અભ્યાસ કરવાથી નિર્વાણની પ્રાપ્તિ થાય; તે કારણે નિર્વાણ માટે પુરુષાર્થ કરનારા યોગીઓને ગમે તેવા ઉપસર્ગ ઉપસ્થિત થવા છતાં દુઃખ થતું નથી.

(પ) શ્રી અષ્ટપ્રાભૃતમાં દર્શનપ્રાભૃત ગા. ૬, સૂત્રપ્રાભૃત ગા. ૧૬ અને સંવરપ્રાભૃત ગા. ૮૭ થી ૯૦ માં સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે ધર્મ-સંવર-નિર્જરા-મોક્ષ એ આત્માના વીર્ય-બળ-પ્રયત્ન વડે જ થાય છે; તે શાસ્ત્રની વચનિકા પા. ૧પ-૧૬ તથા ૨૪૨ માં પણ તેમ જ કહ્યું છે.

(૬) પ્રશ્નઃ– આમાં અનેકાંતસ્વરૂપ ક્યાં આવ્યું? ઉત્તરઃ– આત્માના સત્ય પુરુષાર્થથી જ ધર્મ-મોક્ષ થાય છે, અને બીજા કોઈ પ્રકારે થતો નથી, તે જ સમ્યક્ અનેકાંત થયો.

(૭) પ્રશ્નઃ– આપ્તમીમાંસાની ૮૮ મી ગાથામાં કહ્યું છે કે પુરુષાર્થ અને દૈવ બન્નેની જરૂરીયાત છે તેનો શું ખુલાસો છે?

ઉત્તરઃ– જ્યારે જીવ મોક્ષનો પુરુષાર્થ કરે છે ત્યારે પરમ પુણ્યનો ઉદય હોય છે એટલું બતાવવા માટે કથન છે. પુણ્યોદયથી ધર્મ કે મોક્ષ નથી, પરંતુ નિમિત્તનૈમિત્તિકસંબંધ એવો છે કે મોક્ષનો પુરુષાર્થ કરનારા જીવને તે વખતે ઉત્તમસંહનન વગેરે બાહ્યસંયોગ હોય છે. ખરેખર પુરુષાર્થ અને પુણ્ય એ બન્નેથી મોક્ષ થાય છે- એમ પ્રતિપાદન કરવા માટે તે કથન નથી. પણ તે વખતે પુણ્યનો ઉદય હોતો નથી એમ કહેનારની ભૂલ છે-એમ બતાવવા માટે તે ગાથાનું કથન છે.

આ ઉપરથી સિદ્ધ થાય છે કે મોક્ષની સિદ્ધિ પુરુષાર્થ વડે જ થાય છે; તે સિવાય થઈ શકતી નથી. ।। ।।

મોક્ષમાં સર્વ કર્મોનો અત્યંત અભાવ થાય છે તે ઉપરના સૂત્રમાં જણાવ્યું; કર્મો સિવાય બીજા શેનો અભાવ થાય છે તે હવે જણાવે છે-


Page 611 of 655
PDF/HTML Page 666 of 710
single page version

૬૧૨ ] [ મોક્ષશાસ્ત્ર

औपशमिकादि भव्यत्वानां च।। ३।।

અર્થઃ– [च] વળી [औपशमिकादि भव्यत्वानां] ઔપશમિકાદિ ભાવોનો તથા પારિણામિક ભાવોમાંથી ભવ્યત્વભાવનો મુક્ત જીવને અભાવ થાય છે.

ટીકા

‘ઔપશમિકાદિ’ કહેતાં ઔપશમિક, ઔદયિક અને ક્ષાયોપશમિક એ ત્રણ ભાવો સમજવા, ક્ષાયિકભાવ તેમાં ગણવો નહિ.

જે જીવોને સમ્યગ્દર્શનાદિ પ્રાપ્ત કરવાની યોગ્યતા હોય તે ભવ્યજીવ કહેવાય છે. જ્યારે જીવને સમ્યગ્દર્શનાદિ ગુણો પૂર્ણરૂપે પ્રગટ થઈ જાય છે ત્યારે તે આત્મામાં ‘ભવ્યત્વ’ નો વ્યવહાર મટી જાય છે. આ સંબંધમાં વિશેષ એ લક્ષ માં રાખવા યોગ્ય છે કે ‘ભવ્યત્વ’ જો કે પારિણામિકભાવ છે તોપણ, જેમ પર્યાયાર્થિકનયે જીવના સમ્યગ્દર્શનાદિ ગુણોને નિમિત્તપણે ઘાતક દેશઘાતિ તથા સર્વઘાતિ નામના મોહાદિક કર્મસામાન્ય છે તેમ, જીવના ભવ્યત્વગુણને પણ કર્મસામાન્ય નિમિત્તપણે પ્રચ્છાદક કહી શકાય છે. (જુઓ, હિંદી સમયસાર, શ્રી જયસેનાચાર્યની સંસ્કૃત ટીકા પા.-૪૨૩) સિદ્ધપણું પ્રગટ થતાં ભવ્યત્વગુણની વિકારી પર્યાયનો નાશ થાય છે એ અપેક્ષા લક્ષમાં રાખીને ભવ્યત્વ ભાવનો નાશ થાય છે-એમ અહીં કહ્યું છે. અધ્યાય ર, સૂત્ર-૭, પાનું-૨૨૪ માં ભવ્યત્વભાવની પર્યાયની અશુદ્ધતાનો નાશ થાય છે એમ કહ્યું છે-માટે તે ટીકા પણ અહીં વાંચવી. ।। ।।

अन्यत्र केवलसम्यक्त्वज्ञानदर्शनसिद्धत्वेभ्यः।। ४।।

અર્થઃ– [केवलसम्यक्त्व ज्ञान दर्शन] કેવળસમ્યક્ત્વ, કેવળજ્ઞાન, કેવળદર્શન

અને [सिद्धत्वेभ्यः अन्यत्र] સિદ્ધત્વ-એ ભાવો સિવાયના બીજા ભાવોના અભાવથી મોક્ષ થાય છે.

ટીકા

મુક્ત અવસ્થામાં કેવળજ્ઞાનાદિ ગુણો સાથે જે ગુણોનો સહભાવીસંબંધ છે એવાં અનંત વીર્ય, અનંત સુખ, અનંત દાન, અનંતલાભ, અનંતભોગ, અનંતઉપભોગ વગેરે ગુણો પણ હોય છે. ।। ।।

મુક્ત જીવોનું સ્થાન
तदनंतरमूर्ध्वं गच्छत्यालोकांतात्।। ५।।

અર્થઃ– [तदनंतरम्] તુરત જ [ऊर्ध्व गच्छति आलोक अंतात्] ઊર્ધ્વગમન કરીને આ લોકના છેડા સુધી જાય છે.


Page 612 of 655
PDF/HTML Page 667 of 710
single page version

અ. ૧૦ સૂ. ૬-૭ ] [ ૬૧૩

ટીકા

ચોથા સૂત્રમાં કહેલ સિદ્ધત્વગુણ જ્યારે પ્રગટે છે ત્યારે ત્રીજા સૂત્રમાં કહેલા ભાવો હોતા નથી, તેમ જ કર્મોનો પણ અભાવ થાય છે; તે જ સમયે જીવ ઊર્ધ્વગમન કરીને સીધો લોકને છેડે જાય છે અને ત્યાં કાયમ સ્થિત રહે છે. ઊર્ધ્વગમન થવાનું કારણ છઠ્ઠા- સાતમા સૂત્રમાં જણાવ્યું છે અને લોકના છેડાથી આગળ નહિ જવાનું કારણ આઠમા સૂત્રમાં જણાવ્યું છે. ।। ।।

મુક્તજીવના ઊર્ધ્વગમનનું કારણ

पूर्वप्रयोगादसंगत्वाद्वन्धच्छेदात्तथागतिपरिणामाच्च।। ६।।

અર્થઃ– [पूर्वप्रयोगात्] ૧. પૂર્વપ્રયોગથી, [असगत्वात्] ર. સંગરહિત થવાથી, [बंधछेदात्] ૩. બંધનો નાશ થવાથી [तथागतिपरिणामात् च] અને ૪. તથાગતિપરિણામ અર્થાત્ ઊર્ધ્વગમનસ્વભાવ હોવાથી -મુક્તજીવને ઊર્ધ્વગમન થાય છે.

નોંધઃ– પૂર્વપ્રયોગ એટલે પૂર્વે કરેલો પુરુષાર્થ, પ્રયત્ન, ઉદ્યમ; આ સંબંધમાં આ અધ્યાયના બીજા સૂત્રની ટીકા તથા સાતમા સૂત્રના પહેલા દ્રષ્ટાંત ઉપરની ટીકા વાંચીને સમજવી. ।। ।।

ઉપરના સૂત્રમાં કહેલાં ચારે કારણોના દ્રષ્ટાંત
आविद्धकुलालचक्रवद्वयपगतलेपालाबुवदेरण्डबीज–
वरदग्निशिखावच्च।। ७।।

અર્થઃ– મુક્તજીવ [आविद्धकुलालचक्रवत्] ૧. કુંભારદ્વારા ધુમાવેલા ચાકની માફક પૂર્વપ્રયોગથી, [व्यपगतलेपआलाबुवत्] ર. લેપ દૂર થયેલા તૂંબડાની માફક અસંગપણાથી, [एरंडबीजवत्] ૩. એરંડના બીજની માફક બંધનરહિત થવાથી [च] અને [अग्निशिखावत्] ૪. અગ્નિશિખાની માફક ઊર્ધ્વગમન સ્વભાવથી ઊર્ધ્વગમન કરે છે.

ટીકા

૧. પૂર્વપ્રયોગનું દ્રષ્ટાંત– જેમ કુંભાર ચાકને ફેરવીને હાથ લઈ લે છતાં તે ચાક પૂર્વના વેગથી ફરે છે, તેમ જીવ પણ સંસાર અવસ્થામાં મોક્ષપ્રાપ્તિ માટે વારંવાર અભ્યાસ (ઉદ્યમ, પ્રયત્ન, પુરુષાર્થ) કરતો હતો તે અભ્યાસ છૂટી જાય છે તોપણ પહેલાના અભ્યાસના સંસ્કારથી મુક્તજીવને ઊર્ધ્વગમન થાય છે.

૨. અસંગનું દષ્ટાંત –તૂંબડાને જ્યાંસુધી લેપનો સંયોગ રહે છે ત્યાંસુધી તે


Page 613 of 655
PDF/HTML Page 668 of 710
single page version

૬૧૪ ] [ મોક્ષશાસ્ત્ર પોતાના ઉપાદાનની લાયકાતના કારણે પાણીમાં ડુબેલું રહે છે, પણ જ્યારે લેપ (- માટી) ગળીને દૂર થાય છે ત્યારે તે પાણીની ઉપર સ્વયં પોતાની લાયકાતથી આવી જાય છે; તેમ જીવ જ્યાંસુધી સંગવાળો હોય ત્યાંસુધી પોતાની યોગ્યતાથી સંસારસમુદ્રમાં ડુબેલો રહે છે અને અસંગી થતાં ઊર્ધ્વગમન કરીને લોકના છેડે ચાલ્યો જાય છે.

૩. બંધ છેદનું દ્રષ્ટાંત – જેમ એરંડાના ઝાડનું સૂકું બી જ્યારે છટકે છે ત્યારે ઉપરનું પડ (-બંધન) છૂટી જવાથી તેનું મિંજ ઉપર જાય છે, તેમ જ્યારે જીવની પકવદશા (મુક્તદશા) થતાં કર્મબંધનો છેદ થાય છે ત્યારે તે મુક્તજીવ ઊર્ધ્વગમન કરે છે.

૪. ઊર્ધ્વગમનસ્વભાવનું દ્રષ્ટાંત– જેમ અગ્નિની શિખાનો સ્વભાવ ઊર્ધ્વગમન કરવાનો છે અર્થાત્ હવાના અભાવમાં જેમ અગ્નિ (-દીપકાદિ) ની શિખા ઊર્ધ્વ જાય છે તેમ જીવનો સ્વભાવ ઊર્ધ્વગમન કરવાનો છે; તેથી મુક્ત દશાં થતાં જીવ પણ ઊર્ધ્વગમન કરે છે. ।। ।।

લોકાગ્રથી આગળ નહિ જવાનું કારણ
धर्मास्तिकायाभावात्।। ८।।

અર્થઃ– [धर्मास्तिकाय अभावात्] આગળ (-અલોકમાં) ધર્માસ્તિકાયનો અભાવ હોવાથી મુક્ત જીવ લોકના અંત સુધી જ જાય છે.

ટીકા

૧. આ સૂત્રનું કથન નિમિત્તની મુખ્યતાથી છે. ગતિ કરતાં દ્રવ્યોને નિમિત્તરૂપ ધર્માસ્તિકાય દ્રવ્ય છે; તે દ્રવ્ય લોકાકાશ જેવડું છે. તે એમ સૂચવે છે કે જીવ અને પુદ્ગલની ગતિ જ સ્વભાવથી એટલી છે કે તે લોકના છેડા સુધી જ ગમન કરે. જો એમ ન હોય તો એકલા આકાશમાં ‘લોકાકાશ’ અને અલોકાકાશ’ એવા બે ભેદ પડે જ નહિ. છ દ્રવ્યનો બનેલો લોક છે અને અલોકાકાશમાં એકલું આકાશ જ છે. જીવ અને પુદ્ગલ એ બે જ દ્રવ્યોમાં ગમનશક્તિ છે; તેમની ગતિશક્તિ જ સહજપણે એવી છે કે તે લોકમાં જ રહે. ગતિનું નિમિત્ત જે ધર્માસ્તિકાય, તેનો અલોકાકાશમાં અભાવ છે તે એમ સૂચવે છે કે ગતિ કરનાર દ્રવ્યોની ઉપાદાનશક્તિ જ લોકના છેડા સુધી ગમન કરવાની છે. એટલે ખરેખર તો જીવની પોતાની યોગ્યતા જ અલોકમાં જવાની નથી, તેથી જ તે અલોકમાં જતો નથી, ધર્માસ્તિકાયનો અભાવ તો તેમાં નિમિત્તમાત્ર છે.


Page 614 of 655
PDF/HTML Page 669 of 710
single page version

અ. ૧૦ સૂ. ૮-૯ ] [ ૬૧પ

૨. બૃહદ્દ્રવ્યસંગ્રહમાં સિદ્ધના અગુરુલઘુગુણનું વર્ણન કરતાં જણાવે છે કે-જો સિદ્ધસ્વરૂપ સર્વથા ગુરુ (-ભારે) હોય તો લોઢાના ગોળાની જેમ તેનું સદા અધઃપતન થયા કરે અર્થાત્ તે નીચે જ પડયા કરે, અને જો તે સર્વથા લઘુ (હલકું) હોય તો જેમ પવનના ઝપાટાથી આકોલીયા વૃક્ષનું રૂ ઊડયા કરે છે તેમ તે સિદ્ધસ્વરૂપનું પણ નિરંતર ભ્રમણ જ થયા કરે; પરંતુ સિદ્ધસ્વરૂપ એવું નથી, તેથી તેમાં અગુરુલઘુગુણ કહેવામાં આવ્યો છે. (બહદ્દ્રવ્યસંગ્રહ પા. ૩૮). આ અગુરુલધુ ગુણના કારણે સિદ્ધ જીવ સદા લોકાગ્રે સ્થિર રહે છે, ત્યાંથી આગળ જતા નથી અને નીચે આવતા નથી. ।। ।।

મુક્તજીવોમાં વ્યવહારનયે ભેદ

क्षेत्रकालगतिलिंगतीर्थचारित्रप्रत्येकबुद्धबोधित ज्ञानावगाहनान्तरसंख्याल्पबहुत्वतः साध्या।। ९।।

અર્થઃ– [क्षेत्र काल गति लिंग तीर्थ चारित्र] ક્ષેત્ર, કાળ, ગતિ, લિંગ, તીર્થ,

ચારિત્ર, [प्रत्येकबुद्धबोधित ज्ञान अवगाहना अन्तर संख्या अल्पबहुत्वतः] પ્રત્યેકબુદ્ધબોધિત, જ્ઞાન, અવગાહના, અંતર, સંખ્યા, અને અલ્પબહુત્વ-આ બાર અનુયોગોથી [साध्याः] મુક્ત જીવો (-સિદ્ધો) માં પણ ભેદ સાધી શકાય છે.

ટીકા
૧. ક્ષેત્ર–ઋજુસૂત્રનય અપેક્ષાએ (-વર્તમાન અપેક્ષાએ) આત્મપ્રદેશોમાં સિદ્ધ

થાય છે, આકાશપ્રદેશોમાં સિદ્ધ થાય છે, સિદ્ધક્ષેત્રમાં સિદ્ધ થાય છે. ભૂતનૈગમનયની અપેક્ષાએ પંદર કર્મભૂમિમાં જન્મેલા પુરુષો જ સિદ્ધ થાય છે. પંદર કર્મભૂમિમાં જન્મેલા પુરુષનું કોઈ દેવાદિ અન્યક્ષેત્રમાં સંહરણ કરે તો અઢી દ્વીપપ્રમાણ સમસ્ત મનુષ્યક્ષેત્રથી સિદ્ધ થાય છે.

૨. કાળ- ઋજુસૂત્રનય અપેક્ષાએ એક સમયમાં સિદ્ધ થાય છે. ભૂતનૈગમનયે

ઉત્સર્પિણી તથા અવસર્પિણી બન્ને કાળમાં સિદ્ધ થાય છે; તેમાં અવસર્પિણીકાળના ત્રીજા આરાના અંત ભાગમાં ચોથા આરામાં અને પાંચમા આરાની શરૂઆતમાં (-ચોથા આરામાં જન્મ્યા હોય તેવા જીવો) સિદ્ધ થાય છે. ઉત્સર્પિણી કાળના ‘દુષમસુષમ’ કાળમાં ચોવીશ તીર્થંકરો થાય છે અને તે કાળમાં જીવો સિદ્ધ થાય છે (ત્રિલોકપ્રજ્ઞપ્તિ પા. ૩પ૦); વિદેહક્ષેત્રમાં અવસર્પિણી કે ઉત્સર્પિણી એવા કાળના ભેદ નથી. પંચમકાળમાં જન્મેલા જીવો સમ્યગ્દર્શનાદિ ધર્મ પામે પણ તે ભવે મોક્ષ


Page 615 of 655
PDF/HTML Page 670 of 710
single page version

૬૧૬ ] [ મોક્ષશાસ્ત્ર

પામે નહિ. વિદેહક્ષેત્રમાં જન્મેલા જીવો અઢીદ્વીપના કોઈ પણ ભાગમાં સર્વકાળે મોક્ષ પામે છે.

૩. ગતિ– ઋજુસૂત્રનયે સિદ્ધગતિ વિષે જ મોક્ષ પામે છે; ભૂતનૈગમનયે

મુનુષ્યગતિમાં જ મોક્ષ પામે છે.

૪. લિંગ – ઋજુસૂત્રનયે લિંગ (-વેદ) રહિત જ મોક્ષ પામે છે;

ભૂતનૈગમનયે ત્રણે પ્રકારના ભાવવેદમાં ક્ષપકશ્રેણી ચડીને મોક્ષ પામે છે; અને દ્રવ્યવેદમાં તો પુરુષલિંગ અને યથાજાતરૂપ લિંગે જ મોક્ષ પામે છે.

પ. તીર્થ– કોઈ જીવો તીર્થંકર થઈને મોક્ષ પામે અને કોઈ જીવો સામાન્ય

કેવળી થઈને મોક્ષ પામે છે. સામાન્ય કેવળીમાં પણ કોઈ તો તીર્થંકર વિદ્યમાન હોય ત્યારે મોક્ષ પામે અને કોઈ તીર્થંકરોની પછી તેમના તીર્થમાં મોક્ષ પામે છે.

૬. ચારિત્ર – ઋજુસૂત્રનયે ચારિત્રના ભેદનો અભાવ કરીને મોક્ષ પામે;

ભૂતનૈગમનયે -નજીકની અપેક્ષાએ યથાખ્યાતચારિત્રથી જ મોક્ષ પામે, દૂરની અપેક્ષાએ સામાયિક, છેદોપસ્થાપન, સૂક્ષ્મસાંપરાય તથા યથાખ્યાતથી અને કોઈને પરિહારવિશુદ્ધ હોય તો તેનાથી-એ પાંચ પ્રકારના ચારિત્રથી મોક્ષ પામે છે.

૭. પ્રત્યેકબુદ્ધબોધિત– પ્રત્યેકબુદ્ધ જીવો વર્તમાન નિમિત્તની હાજરી વગર

પોતાની શક્તિથી બોધ પામે, પણ ભૂતકાળમાં સમ્યગ્દર્શન થયું ત્યારે કે ત્યાર પહેલાં સમ્યગ્જ્ઞાનીના ઉપદેશનું નિમિત્ત હોય; અને બોધિત જીવો વર્તમાનમાં સમ્યગ્જ્ઞાનીના ઉપદેશના નિમિત્તથી ધર્મ પામે. આ બન્ને પ્રકારના જીવો મોક્ષ પામે છે.

૮. જ્ઞાન– ઋજુસૂત્રનયે કેવળજ્ઞાનથી જ સિદ્ધ થાય છે; ભૂત નૈગમનયે કોઈ

મતિ, શ્રુત એ બે જ્ઞાનથી, કોઈ મતિ, શ્રુત, અવધિ એ ત્રણથી અથવા તો મતિ, શ્રુત, મનઃપર્યય એ ત્રણથી અને કોઈ મતિ, શ્રુત અવધિ, મનઃપર્યય એ ચાર જ્ઞાનથી (-કેવળજ્ઞાનપૂર્વક) સિદ્ધ થાય છે.

૯. અવગાહના– કોઈ ને ઉત્કૃષ્ટ-પાંચસો પચીસ ધનુષની, કોઈને જઘન્ય-

સાડાત્રણ હાથમાં કંઈક ઓછી અને કોઈને મધ્યમ અવગાહના હોય છે. મધ્યમ અવગાહનાના ઘણા ભેદ છે.

૧૦. અંતર– એક સિદ્ધ પછી બીજા સિદ્ધ થવાનું જઘન્ય અંતર એક સમયનું

અને ઉત્કૃષ્ટ અંતર છ માસનું છે.


Page 616 of 655
PDF/HTML Page 671 of 710
single page version

અ. ૧૦ સૂ. ૯ ] [ ૬૧૭

૧૧. સંખ્યા– જઘન્યપણે એક સમયમાં એક જીવ સિદ્ધ થાય છે, ઉત્કૃષ્ટપણે

એક સમયમાં એકસો આઠ જીવો સિદ્ધ થાય છે.

૧૨. અલ્પબહુત્વ– સંખ્યામાં હીન-અધિકતા. ઉપરના અગીઆરે પ્રકારમાં

અલ્પબહુત્વ લાગુ પડે છે તે નીચે મુજબ-

(૧) ક્ષેત્ર– સંહરણ સિદ્ધો કરતાં જન્મસિદ્ધ સંખ્યાત ગુણા છે. સમુદ્ર વગેરે

જળક્ષેત્રોથી થોડા સિદ્ધ થાય છે અને મહાવિદેહાદિ ક્ષેત્રોથી અધિક સિદ્ધ થાય છે. (ર) કાળ– ઉત્સર્પિણીકાળમાં થયેલા સિદ્ધો કરતાં અવસર્પિણીકાળમાં

થયેલા સિદ્ધોની સંખ્યા અધિક છે, અને તે બન્ને કાળ વિના સિદ્ધ થયેલા જીવોની સંખ્યા તેનાથી સંખ્યાત ગુણી છે, કેમકે વિદેહક્ષેત્રોમાં અવસર્પિણી કે ઉત્સર્પિણી એવા ભેદ નથી. (૩) ગતિ– બધા જીવો મનુષ્ય ગતિથી જ સિદ્ધ થાય છે માટે તે અપેક્ષાએ

ગતિમાં અલ્પબહુત્વ નથી; પરંતુ એક ગતિના અંતર અપેક્ષાએ (અર્થાત્ મનુષ્યભવ પહેલાની ગતિ અપેક્ષાએ) તિર્યંચગતિથી આવીને મનુષ્ય થઈ સિદ્ધ થયા તેવા જીવ થોડા છે, તેના કરતાં સંખ્યાતગુણા જીવો મનુષ્યગતિથી આવીને મનુષ્ય થઈ સિદ્ધ થાય છે, તેનાથી સંખ્યાતગુણા જીવો નરકગતિથી આવીને મનુષ્ય થઈ સિદ્ધ થાય છે, અને તેનાથી સંખ્યાતગુણા જીવો દેવગતિથી આવીને મનુષ્ય થઈ સિદ્ધ થાય છે. (૪) લિંગ– ભાવનપુસંકવેદવાળા પુરુષો ક્ષપકશ્રેણી માંડીને સિદ્ધ થાય

એવા જીવો થોડા છે. તેનાથી સંખ્યાતગુણા ભાવસ્ત્રીવેદવાળા પુરુષો ક્ષપકશ્રેણી માંડીને સિદ્ધ થાય છે અને તેનાથી સંખ્યાતગુણા ભાવપુરુષભેદવાળા પુરુષો ક્ષપકશ્રેણી માંડીને સિદ્ધ થાય છે. (પ) તીર્થ– તીર્થંકર થઈને સિદ્ધ થનારા જીવો થોડા છે અને તેનાથી

સંખ્યાતગુણા સામાન્ય કેવળી થઈને સિદ્ધ થાય છે. (૬) ચારિત્ર– પાંચે ચારિત્રથી સિદ્ધ થનારા જીવો થોડા છે અને તેનાથી

સંખ્યાતગુણા જીવો પરિહારવિશુદ્ધ સિવાયના ચાર ચારિત્રથી સિદ્ધ થનાર છે. (૭) પ્રત્યેકબુદ્ધબોધિત–પ્રત્યેકબુદ્ધ સિદ્ધ થનારા જીવો અલ્પ છે અને

તેનાથી સંખ્યાતગુણા બોધિતબુદ્ધ જીવો સિદ્ધ થાય છે. (૮) જ્ઞાન – મતિ, શ્રુત એ બે જ્ઞાનથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી સિદ્ધ થનારા

જીવો


Page 617 of 655
PDF/HTML Page 672 of 710
single page version

૬૧૮ ] [ મોક્ષશાસ્ત્ર

અલ્પ છે, તેનાથી સંખ્યાતગુણા ચાર જ્ઞાનથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી સિદ્ધ થાય છે અને તેનાથી સંખ્યાતગુણા ત્રણ જ્ઞાનથી કેવળજ્ઞાન પ્રગટાવી સિદ્ધ થાય છે. (૯) અવગાહના– જઘન્ય અવગાહનાથી સિદ્ધ થનારા જીવો અલ્પ છે,

તેનાથી સંખ્યાતગુણા ઉત્કૃષ્ટ અવગાહનાથી અને તેનાથી સંખ્યાતગુણા મધ્યમ અવગાહનાથી સિદ્ધ થાય છે. (૧૦) અંતર– છ માસના અંતરવાળા સિદ્ધ સર્વથી થોડા છે અને તેનાથી

સંખ્યાતગુણા એક સમયના અંતરવાળા સિદ્ધ થાય છે. (૧૧) સંખ્યા – ઉત્કૃષ્ટપણે એક સમયમાં એકસો આઠ જીવો સિદ્ધ થાય

છે, તેનાથી અનંતગુણા એક સમયમાં ૧૦૭ થી લઈને પ૦ સુધી સિદ્ધ થાય છે, તેનાથી અસંખ્યાત ગુણા જીવો એક સમયમાં ૪૯ થી ૨પ સુધી સિદ્ધ થનારા છે, અને તેનાથી સંખ્યાતગુણા એક સમયમાં ૨૪ થી માંડીને ૧ સુધી સિદ્ધ થનારા જીવો છે.

એ રીતે બાહ્ય નિમિત્તોની અપેક્ષાએ સિદ્ધોમાં ભેદની કલ્પના કરવામાં આવી છે; વાસ્તવમાં અવગાહનાગુણ સિવાયના બીજા આત્મીય ગુણોની અપેક્ષાએ તેમનામાં કાંઈ ભેદ નથી. અહીં એમ ન સમજવું કે ‘એક સિદ્ધમાં બીજા સિદ્ધ ભળી જાય છે- માટે ભેદ નથી.’ સિદ્ધદશામાં પણ દરેક જીવો જુદે જુદા જ રહે છે, કોઈ જીવો એકબીજામાં ભળી જતા નથી. ।। ।।

ઉપસંહાર

૧. મોક્ષતત્ત્વની માન્યતા સંબંધી થતી ભૂલ અને તેનું નિરાકરણ કેટલાક જીવો એમ માને છે કે, સ્વર્ગના સુખ કરતાં અનંતગણું સુખ મોક્ષમાં છે. પણ તે માન્યતા મિથ્યા છે, કેમકે એ ગુણાકારમાં તે સ્વર્ગ અને મોક્ષના સુખની જાતિ એક ગણે છે; સ્વર્ગમાં તો વિષયાદિ સામગ્રીજનિત ઇન્દ્રિય-સુખ હોય છેઃ તેની જાતિ તેને ભાસે છે, પણ મોક્ષમાં વિષયાદિ સામગ્રી નથી એટલે ત્યાંના અતીન્દ્રિય સુખની જાતિ તેને ભાસતી નથી. પરંતુ મહાપુરુષો મોક્ષને સ્વર્ગ થી ઉત્તમ કહે છે તેથી તે અજ્ઞાની પણ સમજ્યા વગર બોલે છે. જેમ કોઈ ગાયનના સ્વરૂપને તો ઓળખતો


Page 618 of 655
PDF/HTML Page 673 of 710
single page version

અ. ૧૦ ઉપસંહાર ] [ ૬૧૯ નથી પણ બધી સભા ગાયનને વખાણે તેથી તે પણ વખાણે છેઃ તેમ જ્ઞાની જીવો તો મોક્ષનું સ્વરૂપ જાણીને તેને ઉત્તમ કહે છે, તેથી અજ્ઞાની જીવ પણ સમજ્યા વગર ઉપર પ્રમાણે કહે છે.

પ્રશ્નઃ– અજ્ઞાની જીવ સિદ્ધના સુખની અને સ્વર્ગના સુખની જાતિ એક જાણે છે-એમ શા ઉપરથી કહી શકાય?

ઉત્તરઃ– જે સાધનનું ફળ તે સ્વર્ગ માને છે તે જ જાતના સાધનનું ફળ તે મોક્ષ માને છે. તે એમ માને છે કે તે જાતનું થોડું સાધન હોય તો તેનાથી ઇંદ્રાદિ પદ મળે અને જેને તે સાધન સંપૂર્ણ હોય તે મોક્ષ પામે છે. એ પ્રમાણે બન્નેના સાધનની એક જાતિ માને છે, તેથી તેનાં કાર્યની (સ્વર્ગ તથા મોક્ષની) પણ એક જાતિ હોવાનું તેને શ્રદ્ધાન છે-એમ નક્કી થાય છે. ઇંદ્ર વગેરેને જે સુખ છે તે તો કષાયભાવોથી આકુળતારૂપ છે, તેથી પરમાર્થે તે દુઃખી છે, અને સિદ્ધને તો કષાયરહિત અનાકુળ સુખ છે. માટે એમ સમજવું કે તે બન્નેની જાતિ એક નથી. સ્વર્ગનું કારણ તો પ્રશસ્ત રાગ છે અને મોક્ષનું કારણ વીતરાગભાવ છે. એ રીતે તે બન્નેના કારણમાં ફેર છે. જે જીવોને આ ભાવ ભાસતો નથી તેને મોક્ષતત્ત્વનું સાચું શ્રદ્ધાન નથી.

ર. અનાદિ કર્મબંધન નષ્ટ થવાની સિદ્ધિ

શ્રી તત્ત્વાર્થસારના આઠમા અધ્યાયમાં કહ્યું છે કે-

आधभावान्नभावस्य कर्मबंधनसंततेः।
श्रन्ताभाव प्रसज्येत द्रष्टत्वादन्तबीजवत्।। ६।।

ભાવાર્થઃ– જે વસ્તુની ઉત્પત્તિનો આદ્યસમય ન હોય તે અનાદિ કહેવાય છે, તેનો કદી અંત થતો નથી. જો અનાદિ પદાર્થનો અંત થઈ જાય તો સત્નો વિનાશ થાય છે એમ માનવું પડે. પરંતુ સત્નો નાશ થવો તે સિદ્ધાંતથી અને યુક્તિથી વિરુદ્ધ છે.

આ ન્યાયને કારણે, આ પ્રકરણમાં એવી શંકા ઉપસ્થિત થઈ શકે કે-અનાદિ કર્મબંધનની સંતતિનો નાશ કેમ થઈ શકે? અર્થાત્ કર્મબંધનનો કોઈ આદ્યસમય નથી તેથી તે અનાદિ છે, અને જે અનાદિ હોય તેનો અંત પણ થવો ન જોઈએ, માટે જેમ કર્મબંધન અનાદિથી ચાલ્યું આવે છે તેમ અનંતકાળ સુધી સદા જીવની સાથે રહેવું જોઈએ. એટલે તેનું ફળ એ થશે કે કર્મબંધનથી જીવ કદી મુક્ત થઈ શકશે નહિ.

આ શંકામાં બે પ્રકાર રહેલા છે- (૧) આ જીવને કર્મબંધ કદી છૂટવો ન જોઈએ, અને (ર) કર્મત્વરૂપ જે પુદ્ગલો છે તેમાં કર્મત્વ સદા ચાલુ રહેવું જોઈએ; કેમ કે


Page 619 of 655
PDF/HTML Page 674 of 710
single page version

૬૨૦ ] [ મોક્ષશાસ્ત્ર કર્મત્વ એક જાતિ છે, તે સામાન્ય હોવાથી ધ્રુવ છે. તેથી તેની ગમે તેટલી પર્યાયો બદલે તોપણ તે સર્વે કર્મરૂપ જ રહેશે. જે સ્વભાવનું જે હોય તે તે જ સ્વભાવનું હંમેશાં રહે છે. જીવ પોતાના ચૈતન્યસ્વભાવને છોડતો નથી અને પુદ્ગલો પોતાના રસ, રૂપાદિ સ્વભાવને છોડતાં નથીઃ આ રીતે જ્યારે બીજાં દ્રવ્યો પોતપોતાના સ્વભાવને છોડતાં નથી તો પછી કર્મદ્રવ્ય પણ પોતાના કર્મત્વસ્વભાવને કેમ છોડે?

ઉપરની શંકાનું સમાધાન આ પ્રમાણે છે-કર્મનો સંબંધ જો કે અનાદિથી છે પરંતુ તે અનાદિ સંબંધ તેને તે જ (Identical) રજકણોનો નથી, પણ એકેક કર્મનો સંબંધ કેટલીક મુદત સુધી જ રહે છે. એકેક કર્મની ઉત્પત્તિનો પણ કોઈને કોઈ સમય હોય છે અને તેના છૂટવાનો પણ નિયત સમય હોય છે. એટલું ખરું છે કે, જીવને વિકારી અવસ્થામાં કોઈને કોઈ કર્મનો સંયોગ ચાલુ રહે છે. સંસારી જીવોને વિકારી અવસ્થા અનાદિથી થઈ રહી છે, તેથી કર્મનો સંબંધ કોઈ નિયતકાળથી થયો નથી તે કારણે તે અનાદિ છે. આ તો સમુચ્ચય કર્મની અપેક્ષાએ વાત છે; પણ કોઈ એક કર્મ અનાદિકાળથી જીવની સાથે લાગેલું ચાલુ છે- એવો તેનો અર્થ નથી. આ રીતે, એકેક કર્મના સંબંધની અવધિ-મર્યાદા છે, તેમ જ જે રીતે ઉત્પત્તિનો વખત હોય છે તેમ તેના નાશનો પણ વખત હોય છે; કેમ કે જેનો સંયોગ થાય તેનો વિયોગ થાય જ. જ્યારે કર્મોનો વિયોગ થાય ત્યારે જો જીવ નવીન કર્મોનું બંધન ન થવા દે તો કર્મનો સંબંધ નિર્મૂળ નષ્ટ થઈ શકે છે. આથી એ તાત્પર્ય સિદ્ધ થયું કે જુદી જુદી ચીજોનો સંબંધ અનાદિ કાળથી હોય તોપણ તે નષ્ટ થઈ શકે છે. તેનું ઉદાહરણ પણ મળે છે-બીજ-વૃક્ષનો સંબંધ સંતતિ પ્રવાહપણે અનાદિથી છે. કોઈ પણ બીજ પોતાથી પૂર્વના વૃક્ષ વગર પેદા થઈ શકતું નથી અને વૃક્ષ પોતાથી પૂર્વના બીજ વગર હોતું નથી. બીજનું ઉપાદાનકારણ પૂર્વ વૃક્ષ કહી શકાય અને પૂર્વ બીજ પણ કહી શકાય. પ્રત્યેક બીજના પૂર્વમાં કોઈને કોઈ ઉપાદાન હોય છે; એ રીતે બીજ-વૃક્ષની અથવા તો બીજ-બીજની સંતતિ અનાદિ થઈ જાય છે. એ સંતતિ અનાદિ હોવા છતાં પણ તે સંતતિના અંતિમ બીજને જો પીસી નાંખે અગર બાળી નાંખે તો તેનો સંતતિપ્રવાહ નષ્ટ થઈ જાય છે. એવી રીતે કર્મોની સંતતિ અનાદિ હોવા છતાં પણ કર્મનાશના પ્રયોગોદ્વારા પૂર્વોપાર્જિત કર્મોમાંથી અંતિમ રહેલાં કર્મોનો નાશ કરી દેવામાં આવે તો પછી તેની સંતતિ નિઃશેષ નષ્ટ થઈ જાય છે. પૂર્વોપાર્જિત કર્મોના નાશનો અને નવાં કર્મોની ઉત્પત્તિ ન થવા દેવાનો ઉપાય સંવર-નિર્જરા- પ્રકરણમાં (નવમા અધ્યાયમાં) જણાવ્યો છે. આ ઉત્તરથી ‘કર્મોનો સંબંધ જીવથી કદી છૂટી ન શકે’ એવો શંકાનો પહેલો પ્રકાર દૂર થાય છે.


Page 620 of 655
PDF/HTML Page 675 of 710
single page version

અ. ૧૦ ઉપસંહાર ] [ ૬૨૧

શંકાનો બીજો પ્રકાર એ છે કે-જો કોઈ દ્રવ્ય પોતાના સ્વભાવને છોડતું નથી તો પછી કર્મરૂપ પદાર્થ પણ અકર્મરૂપ કેમ થાય? તેનું સમાધાન એ છે કે, કર્મ એ કોઈ દ્રવ્ય નથી, પણ સંયોગી પર્યાય છે. જે દ્રવ્યમાં કર્મપણાની પર્યાય થાય છે તે પુદ્ગલદ્રવ્ય છે, અને તે તો સદા ટકી રહે છે તથા પોતાના વર્ણાદિ સ્વભાવને છોડતું નથી. પુદ્ગલદ્રવ્યમાં તેની લાયકાત અનુસાર શરીરાદિ તથા માટી, પત્થર વગેરે કાર્યરૂપ અવસ્થા થાય છે અને તેની અવધિ પૂરી થતાં તે વિનાશ પામી જાય છે; તેવી જ રીતે કોઈ પુદ્ગલોમાં જીવ સાથે એકક્ષેત્રે બંધન થવારૂપ સામર્થ્ય અને જીવને પરાધીન થવામાં નિમિત્તપણું પ્રગટ થાય છે; જ્યાં સુધી પુદ્ગલોની એ દશા રહે છે ત્યાં સુધી તેને ‘કર્મ’ કહેવાય છે. કર્મ એ મૂળ દ્રવ્ય નહિ હોવાથી, પણ પર્યાય હોવાથી તે પર્યાય ટળીને અન્ય પર્યાય થઈ શકે છે. પુદ્ગલ દ્રવ્યોની એક કર્મપર્યાય નષ્ટ થઈને બીજી જે પર્યાય થાય તે કર્મરૂપ પણ થઈ શકે છે અને અકર્મરૂપ પણ થઈ શકે છે. કોઈ એક દ્રવ્યને ઉત્તરોત્તર કાળમાં જો એક સરખી લાયકાત રહ્યા કરે તો તેની પર્યાય એક સરખી થતી રહે, અને જો તેની લાયકાત બદલે તો તેની પર્યાય જુદી જુદી જાતની થાય. જેમ કોઈ માટીમાં ઘડારૂપે થવાની લાયકાત હોય ત્યારે કુંભાર નિમિત્ત મળે અને તે માટી સ્વયં ઘડારૂપે થઈ જાય છે. ફરી પહેલી અવસ્થા બદલીને બીજી વાર ઘડો બની શકે છે, અગર કોઈ બીજી પર્યાય પણ થઈ શકે છે. એવી રીતે કર્મરૂપ પર્યાયમાં પણ સમજવું. જો ‘કર્મ’ એ કોઈ નિરાળું દ્રવ્ય જ હોય તો તેનું અકર્મરૂપ થવું બની શકે નહિ, પરંતુ કર્મ એ કોઈ ખાસ દ્રવ્ય નહિ હોવાથી તે જીવથી છૂટી શકે છે અને કર્મપણું છોડીને અકર્મરૂપે થઈ શકે છે.

૩. એ પ્રકારે, જીવમાંથી કર્મરૂપ અવસ્થાને છોડીને પુદ્ગલો અકર્મરૂપ ઘટ- પટાદિપણે થઈ શકે છે-એ સિદ્ધ કર્યું. પરંતુ જીવમાંથી અમુક કર્મો જ અકર્મરૂપે થવાથી જીવ કર્મરહિત થઈ જતો નથી, કેમ કે જેમ એક કર્મરૂપ પુદ્ગલો કર્મત્વને છોડીને અકર્મરૂપે બની જાય છે તેમ, જીવના વિકારનું નિમિત્ત પામીને, અકર્મરૂપ રહેલાં પુદ્ગલો કર્મરૂપ પણ પરિણમ્યા કરે છે. જ્યાં સુધી જીવ વિકાર કરે ત્યાં સુધી તેની પરતંત્રતા ચાલુ રહે છે અને બીજાં પુદ્ગલો કર્મરૂપ થઈને તેની સાથે બંધાયા કરે છે; એ રીતે સંસારમાં કર્મશૃંખલા ચાલુ રહે છે. અમુક કર્મોનું છૂટવું અને તેનું જ અથવા તો અન્ય અકર્મરૂપ પરમાણુઓનું નવા કર્મરૂપે થવું એવી પ્રક્રિયા સંસારી જીવોને ચાલ્યા કરે છે. પરંતુ કર્મ સદા કર્મ જ રહે છે, અથવા તો જીવો સદાય કોઈ અમુક જ કર્મોથી બંધાયેલા રહે છે, અથવા બધાં જ કર્મો સર્વ જીવોને છૂટી જાય છે અને સર્વ જીવો સર્વથા મુક્ત થઈ જાય છે-એમ નથી.


Page 621 of 655
PDF/HTML Page 676 of 710
single page version

૬૨૨ ] [ મોક્ષશાસ્ત્ર

૪. એ રીતે અનાદિકાળની કર્મશૃંખલા અનેક કાળ સુધી ચાલતી જ રહે છે એમ દેખવામાં આવે છે; પરંતુ શૃંખલાઓનો નિયમ એવો નથી કે જે અનાદિકાલીન હોય તે અનંતકાળ પર્યંત રહેવી જ જોઈએ, કેમ કે શૃંખલા સંયોગથી થાય છે અને સંયોગનો કોઈને કોઈ વખતે વિયોગ થઈ શકે છે. જો તે વિયોગ અંશતઃ હોય તો તો શૃંખલા ચાલુ રહે છે, પણ જ્યારે તેનો અત્યંતિક વિયોગ થઈ જાય છે ત્યારે શૃંખલાનો પ્રવાહ તૂટી જાય છે. જેમ શૃંખલા બળવાન કારણદ્વારા તૂટે છે તેમ કર્મશૃંખલા અર્થાત્ સંસારશૃંખલા પણ જીવના સમ્યગ્દર્શનાદિ સત્ય પુરુષાર્થ દ્વારા નિર્મૂળ નષ્ટ થઈ જાય છે. વિકારી શૃંખલામાં અર્થાત્ વિકારી પર્યાયમાં પણ અનંતતાનો નિયમ નથી, તેથી જીવ વિકારી પર્યાયનો અભાવ કરી શકે છે અને વિકારનો અભાવ કરતાં કર્મનો સંબંધ પણ છૂટી જાય છે અને તેનું કર્મત્વ નષ્ટ થઈને અન્યરૂપે પરિણમી જાય છે.

પ. આત્માને બંધન છે તેની સિદ્ધિ

કોઈ જીવો કહે છે કે આત્માને બંધન હોતું જ નથી. તેઓની એ માન્યતા ખોટી છે, કેમ કે બંધન વગર પરતંત્રતા હોય નહિ. જેમ ગાય ભેંસ વગેરે પશુઓ જ્યારે બંધનમાં નથી હોતાં ત્યારે પરતંત્ર હોતાં નથી; પરતંત્રતા તે બંધનની હયાતી સૂચવે છે. માટે આત્માને બંધન માનવું યોગ્ય છે. આત્માને ખરું બંધન પોતાના વિકારીભાવનું જ છે; તેનું નિમિત્ત પામીને જડકર્મનું બંધન થાય છે અને તેના ફળ તરીકે શરીરનો સંયોગ થાય છે. શરીરના સંયોગમાં આત્મા રહે છે તે પરતંત્રતા સૂચવે છે. એ ધ્યાન રાખવું કે કર્મ, શરીર ઇત્યાદિ પરદ્રવ્યો કાંઈ આત્માને પરતંત્ર કરતાં નથી પણ જીવ પોતે અજ્ઞાનતાથી પોતાને પરતંત્ર માને છે અને પરવસ્તુથી પોતાને લાભ-નુકશાન થાય એવી ઊંધી પક્કડ કરીને પરમાં ઇષ્ટ-અનિષ્ટપણું કલ્પે છે. દુઃખનું કારણ પરાધીનતા છે. શરીરના નિમિત્તે જીવને દુઃખ થાય છે. તેથી જે જીવ શરીરથી પોતાને લાભ-નુકશાન માને તે પરતંત્ર રહે જ છે. કર્મ કે પરવસ્તુ જીવને પરતંત્ર કરતી નથી. પણ જીવ સ્વયં પરતંત્ર થાય છે. એ રીતે સંસારી આત્માને ત્રણ પ્રકારનું બંધન સિદ્ધ થાય છે-એક તો પોતાનો વિકારી ભાવ, બીજું તેનું નિમિત્ત પામીને સૂક્ષ્મકર્મ સાથે થતો સંબંધ અને ત્રીજું તેના નિમિત્તે સ્થૂળ શરીર સાથે થતો સંબંધ. (જુઓ, તત્ત્વાર્થસાર, પાનું ૩૯૪).

૬. મુક્ત થયા પછી ફરી બંધ કે જન્મ ન થાય

જીવના મિથ્યાદર્શનાદિ વિકારી ભાવોનો અભાવ થવાથી કર્મનો કારણ- કાર્યસંબંધ પણ છૂટી જાય છે. જાણવું-દેખવું તે કાંઈ કર્મબંધનું કારણ નથી પણ પર વસ્તુઓમાં-રાગ-દ્વેષમાં આત્મીયપણાની ભાવના તે બંધનું કારણ થાય છે. મિથ્યાભાવનાના


Page 622 of 655
PDF/HTML Page 677 of 710
single page version

અ. ૧૦ ઉપસંહાર ] [ ૬૨૩ કારણે જીવના જ્ઞાન તથા દર્શનને (-શ્રદ્ધાને) મિથ્યાજ્ઞાન તથા મિથ્યાદર્શન કહેવાય છે. એ મિથ્યાભાવના છૂટી જવાથી જગતની ચરાચર વસ્તુઓનું જાણવું-દેખવું થાય છે; કેમ કે જ્ઞાન-દર્શન તો જીવના સ્વાભાવિક અસાધારણ ધર્મો છે. વસ્તુના સ્વાભાવિક અસાધારણ ધર્મોનો કદી નાશ થતો નથી; જો તેનો નાશ થાય તો વસ્તુનો પણ નાશ થઈ જાય. તેથી મિથ્યાવાસનાના અભાવમાં પણ જાણવું-દેખવું તો હોય છે; પણ બંધના કારણ-કાર્યનો અભાવ મિથ્યાવાસનાના અભાવની સાથે જ થઈ જાય છે. કર્મને આવવાના કારણોનો અભાવ થયા પછી, જાણવા-દેખવા છતાં પણ જીવને કર્મોનો બંધ થતો નથી. અને કર્મોનો બંધ નહિ થવાથી તેના ફળરૂપે સ્થૂળ શરીરનો સંયોગ પણ મળતો નથી, તેથી તેને ફરીને જન્મ હોતો નથી.

(જુઓ, તત્ત્વાર્થસાર પા. ૩૯૪).
૭. બંધ તે જીવનો સ્વાભાવિક ધર્મ નથી

જો બંધ તે જીવનો સ્વાભાવિક ધર્મ હોય તો તે બંધ જીવને સદા રહેવો જોઈએ; પણ તે તો સંયોગ-વિયોગરૂપ છે; તેથી જૂનો ટળે છે અને જીવ વિકાર કરે તો નવો બંધાય છે. જો બંધ સ્વાભાવિક હોય તો બંધથી જુદો કોઈ મુક્તાત્મા હોઈ શકે નહિ. વળી બંધ જો સ્વાભાવિક હોય તો જીવોમાં પરસ્પર અંતર ન દેખાય. ભિન્ન કારણ વિના એક જાતિના પદાર્થોમાં અંતર હોય નહિ, પણ જીવોમાં અંતર જોવામાં આવે છે. તેનું કારણ એ છે કે, જીવોનું લક્ષ ભિન્ન ભિન્ન પર વસ્તુ ઉપર છે. પર વસ્તુઓ અનેક પ્રકારની હોવાથી તેના લક્ષે જીવની અવસ્થા એક સરખી રહે નહિ. જીવ પોતે પરાધીન થતો રહે છે; તે પરાધીનતા જ બંધનનું કારણ છે. જેમ બંધન સ્વાભાવિક નથી તેમ તે આકસ્મિક પણ નથી અર્થાત્ કારણ વગર તેની ઉત્પત્તિ નથી. દરેક કાર્ય પોતપોતાના કારણ અનુસાર થાય છે. સ્થૂળ બુદ્ધિવાળા લોકો તેનું કારણ ન જાણતા હોવાથી તેને અકસ્માત્ કહે છે. બંધનું કારણ જીવના વિકાર ભાવ છે. જીવના વિકારી ભાવોમાં તારતમ્યતા દેખાય છે, તેથી તે ક્ષણિક છે અને વિકારભાવ ક્ષણિક હોવાથી, તેના કારણે થતો કર્મબંધ પણ ક્ષણિક છે; કેમકે જેનું કારણ શાશ્વત હોય તેનું કાર્ય પણ શાશ્વત હોય. તારતમ્યતા સહિત હોવાથી કર્મબંધ શાશ્વત નથી. શાશ્વતપણું અને તારતમ્યતા એ બન્નેને શીત અને ઉષ્ણતાની માફક પરસ્પર વિરોધ છે. તારતમ્યતાનું કારણ ક્ષણભંગુર છે; જેનું કારણ ક્ષણિક હોય તે કાર્ય શાશ્વત કેમ હોઈ શકે? કર્મનો બંધ અને ઉદય તારતમ્યતા સહિત જ થાય છે માટે બંધ શાશ્વતિક કે સ્વાભાવિક ચીજ નથી; તેથી બંધના હેતુઓનો અભાવ થતાં મોક્ષ થાય છે-એમ સ્વીકારવું જ જોઈએ. (જુઓ, તત્ત્વાર્થસાર પાનું ૩૯૬).


Page 623 of 655
PDF/HTML Page 678 of 710
single page version

૬૨૪ ] [ મોક્ષશાસ્ત્ર

૮. સિદ્ધોનું લોકાગ્રથી સ્થાનાંતર થતું નથી

પ્રશ્નઃ– આત્મા મુક્ત થતાં પણ સ્થાનવાળો હોય છે. જેને સ્થાન હોય તે એક સ્થાનમાં જ સ્થિર ન રહે પણ નીચે જાય અથવા તો વિચલિત થતો રહે છે, તેથી મુક્ત આત્મા પણ ઊર્ધ્વલોકમાં જ સ્થિર ન રહેતાં, નીચે જાય અથવા તો એક સ્થાનથી બીજે સ્થાને જાય-એમ શા માટે નથી બનતું?

ઉત્તરઃ– પદાર્થમાં સ્થાનાંતર થવાનું કારણ સ્થાન નથી, પરંતુ સ્થાનાંતરનું કારણ તો તેની ક્રિયાવતીશક્તિ છે. જેમ નાવમાં જ્યારે પાણી આવીને ભરાય છે ત્યારે તે ડગમગ થાય છે અને નીચે ડુબી જાય છે; તેમ આત્મામાં પણ જ્યારે કર્માસ્રવ થતો રહે છે ત્યારે તે સંસારમાં ડુબે છે અને સ્થાનો બદલતો રહે છે. પણ મુક્ત અવસ્થામાં તો જીવ કર્માસ્રવથી રહિત થઈ જાય છે, તેથી ઊર્ધ્વગમન સ્વભાવને કારણે લોકગ્રે સ્થિત થયા પછી સ્થાનાંતર થવાનું કાંઈ કારણ રહેતું નથી.

જો સ્થાનાંતરનું કારણ સ્થાનને માનીએ તો, એવો કોઈ પદાર્થ નથી કે જે સ્થાનવાળો ન હોય; કેમકે જેટલા પદાર્થો છે તે બધાય કોઈક ને કોઈક સ્થાનમાં રહેલા છે અને તેથી તે બધાય પદાર્થોનું સ્થાનાંતર થવું જોઈએ. પરંતુ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળ આદિ સ્થાનાંતર રહિત દ્રવ્યો દેખાવાથી તે હેતુ મિથ્યા ઠરે છે. માટે સિદ્ધ થયું કે -સંસારી જીવોને પોતાની ક્રિયાવતીશક્તિના પરિણમનની તે વખતની લાયકાત તે ક્ષેત્રાંતરનું મૂળકારણ છે અને કર્મનો ઉદય તે માત્ર નિમિત્તકારણ છે. મુક્તાત્મા કર્માસ્રવથી સર્વથા રહિત હોવાથી તેઓ પોતાના સ્થાનથી વિચલિત થતા નથી (જુઓ, તત્ત્વાર્થસાર પા. ૩૯૭). વળી તત્ત્વાર્થસાર અ. ૮ ની ગાથા ૧ર માં જણાવ્યું છે કે-ગુરુત્વના અભાવને લીધે મુક્તાત્માનું નીચે પતન થતું નથી.

૯. જીવની મુક્તદશા મનુષ્યપર્યાયથી જ થાય છે અને મનુષ્યો અઢી દ્વીપમાં જ હોય છે; તથા સિદ્ધશિલા પણ બરાબર અઢી દ્વીપસમાન વિસ્તારની (૪પ લાખ યોજનની) અઢી દ્વીપની ઉપર છે. તેથી મુક્ત થનાર જીવ મોડા (વળાંક) વગર સીધા ઊર્ધ્વગતિથી લોકાંતે જાય છે. તેમાં તેને એક જ સમય લાગે છે.

૧૦ અધિક જીવો થોડા ક્ષેત્રમાં રહે છે

પ્રશ્નઃ– સિદ્ધ ક્ષેત્રના પ્રદેશો તો અસંખ્યાત છે અને મુક્ત જીવો તો અનંત છે; તો અસંખ્યાત પ્રદેશમાં અનંત જીવો કઈ રીતે રહી શકે?

ઉત્તરઃ– સિદ્ધ જીવોને શરીર નથી અને જીવ સૂક્ષ્મ (-અરૂપી) છે, તેથી એક જગ્યાએ અનંત જીવો સાથે રહી શકે છે. જેમ એક જ જગ્યાએ અનેક દીપકોનો પ્રકાશ


Page 624 of 655
PDF/HTML Page 679 of 710
single page version

અ. ૧૦ ઉપસંહાર ] [ ૬૨પ રહી શકે છે તેમ. તે પ્રકાશ તો પુદ્ગલ છે; પુદ્ગલ વસ્તુઓ પણ આ રીતે રહી શકે, તો પછી અનંત શુદ્ધ જીવોને એક ક્ષેત્રે સાથે રહેવામાં કાંઈ બાધ નથી.

૧૧. સિદ્ધ જીવોને આકાર છે

કેટલાક જીવો એમ માને છે કે જીવ અરૂપી છે માટે તેને આકાર હોય નહીં. એ માન્યતા ખોટી છે. દરેક વસ્તુમાં પ્રદેશત્વ નામનો ગુણ છેઃ તેથી વસ્તુનો કોઈને કોઈ આકાર અવશ્ય હોય છે. જેનો આકાર ન હોય એવી કોઈ ચીજ હોઈ શકે નહિ. જે વસ્તુ હોય તેને પોતાનો આકાર હોય છે. જીવ અરૂપી-અમૂર્તિક છે, અમૂર્તિક વસ્તુને પણ અમૂર્તિક-આકાર હોય છે. જે શરીરને છોડીને જીવ મુક્ત થાય તે શરીરના આકાર કરતાં સહેજ ન્યૂન આકાર મુક્ત દશામાં પણ જીવને હોય છે.

પ્રશ્નઃ– આત્માને જો આકાર હોય તો પછી તેને નિરાકાર કઈ રીતે કહેવામાં આવે છે?

ઉત્તરઃ– આકારના બે અર્થ થાય છે-એક તો લંબાઈ-પહોળાઈ-મોટાઈરૂપ આકાર અને બીજો મૂર્તિકપણારૂપ આકાર. મૂર્તિકપણારૂપ આકાર એક પુદ્ગલદ્રવ્યમાં જ હોય છે, અન્ય કોઈ દ્રવ્યોમાં હોતો નથી, તેથી જ્યારે આકારનો અર્થ મૂર્તિકપણું કરવામાં આવે ત્યારે પુદ્ગલ સિવાયના સર્વે દ્રવ્યોને નિરાકાર કહેવાય છે. એ રીતે પુદ્ગલનો મૂર્તિક આકાર નહિ હોવાની અપેક્ષાએ જીવને નિરાકાર કહેવાય છે. પરંતુ પોતાના સ્વક્ષેત્રની લંબાઈ-પહોળાઈ-મોટાઈ અપેક્ષાએ બધાં દ્રવ્યો આકારવાન છે. આમ જ્યારે સદ્ભાવથી આકારનો સંબંધ માનવામાં આવે ત્યારે આકારનો અર્થ લંબાઈ-પહોળાઈ-મોટાઈ જ થાય છે. આત્માને પોતાનો આકાર છે, તેથી તે સાકાર છે.

સંસારદશામાં જીવની લાયકાતના કારણે તેના આકારનો પર્યાય સંકોચ- વિસ્તારરૂપ થતો હતો. હવે પૂર્ણ શુદ્ધતા થતાં સંકોચ-વિસ્તાર થતો નથી. સિદ્ધદશા થતાં જીવને સ્વભાવવ્યંજનપર્યાય પ્રગટે છે અને તે જ પ્રમાણે અનંતકાળ સુધી રહ્યા કરે છે. (જુઓ, તત્ત્વાર્થસાર પાનું ૩૯૮ થી ૪૦૬).

એ પ્રમાણે શ્રી ઉમાસ્વામી વિરચિત મોક્ષશાસ્ત્રની
ગુજરાતી ટીકામાં દસમો અધ્યાય પૂરો થયો.

Page 625 of 655
PDF/HTML Page 680 of 710
single page version

મોક્ષશાસ્ત્ર–ગુજરાતી ટીકા
પરિશિષ્ટ–૧

આ મોક્ષશાસ્ત્રના આધાર ઉપરથી શ્રી અમૃતચંદ્રસૂરિએ ‘શ્રી તત્ત્વાર્થસાર શાસ્ત્ર બનાવ્યું છે; તેના ઉપસંહારમાં તે ગ્રંથનો સારાંશ ૨૩ ગાથા દ્વારા આપ્યો છે. તે આ શાસ્ત્રને લાગુ પડતો હોવાથી અહીં આપવામાં આવે છે.

ગ્રંથનો સારાંશ
प्रमाणनयनिक्षेपनिर्देशादिसदादिभिः।
सप्ततत्त्वमिति ज्ञात्वा मोक्षमार्ग समाश्रयेत्।। १।।

અર્થઃ– જે સાત તત્ત્વોનું સ્વરૂપ ક્રમથી કહેવામાં આવ્યું છે તેને પ્રમાણ, નય, નિક્ષેપ, નિર્દેશાદિ તથા સત્ આદિ અનુયોગો દ્વારા જાણીને મોક્ષમાર્ગનો યથાર્થપણે આશ્રય કરવો જોઈએ.

પ્રશ્નઃ– આ શાસ્ત્રના પહેલા સૂત્રનો અર્થ નિશ્ચયનય, વ્યવહારનય અને પ્રમાણ દ્વારા શું થાય?

ઉત્તરઃ– સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા તે મોક્ષમાર્ગ છે-એ કથનમાં અભેદસ્વરૂપ નિશ્ચયનયની વિવક્ષા હોવાથી તે નિશ્ચયનયનું કથન જાણવું, મોક્ષમાર્ગને સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર એવા ભેદથી કહેવો તેમાં ભેદસ્વરૂપ વ્યવહારનયની વિવક્ષા હોવાથી તે વ્યવહારનયનું કથન જાણવું; અને તે બન્નેનું યથાર્થજ્ઞાન કરવું તે પ્રમાણ છે. મોક્ષમાર્ગ એ પર્યાય છે તેથી આત્માના ત્રિકાળી ચૈતન્યસ્વભાવની અપેક્ષાએ તે સદ્ભૂતવ્યવહાર છે.

પ્રશ્નઃ– નિશ્ચયનય એટલે શું? ઉત્તરઃ– ‘સત્યાર્થ એમ જ છે’ એમ જાણવું તે. પ્રશ્નઃ– વ્યવહારનય એટલે શું? ઉત્તરઃ– ‘સત્યાર્થ એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચાર કર્યો છે’

એમ જાણવું તે. અથવા પર્યાયભેદનું કથન પણ વ્યવહારનયે કથન છે.