Padmapuran (Gujarati). Parva 101 - Lavan aney Ankushno digvijay; Parva 102 - Lavan-Ankushnu Ram-Laxman sathey yudh; Parva 103 - Ram-Laxmanno Lavan-Ankush sathey parichay; Parva 104 - Sitana shilni pariksha matey teney agnikundma praveshni Ramni agna.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 30 of 35

 

Page 560 of 660
PDF/HTML Page 581 of 681
single page version

background image
પ૬૦ સોમું પર્વ પદ્મપુરાણ
કરતી. એ બન્ને માતાનું દૂધ પીને પુષ્ટ થયાં. તેમનાં મુખ સફેદ દાંતોથી અતિ શોભતાં
જાણે એ દાંત દૂધ સમાન ઉજ્જવળ હાસ્યરસ સમાન શોભાયમાન લાગતા ધાવની આંગળી
પકડીને આંગણમાં પગલાં માંડતાં કોનું મન ન હરે? જાનકી આવી સુંદર ક્રીડા કરનાર
કુમારોને જોઈ બધું દુઃખ ભૂલી ગઈ. બાળક મોટા થયાં, વિદ્યા ભણવાયોગ્ય થયાં. ત્યારે
એના પુણ્યના યોગથી એક સિદ્ધાર્થ નામના ક્ષુલ્લક, પૃથ્વી પર પ્રસિદ્ધ વજ્રજંઘના મહેલમાં
આવ્યા. તે વિદ્યાના પ્રભાવથી ત્રિકાળ સંધ્યામાં સુમેરુગિરિનાં ચૈત્યાલય વંદીને આવ્યાં. સાધુ
સમાન જેમની ભાવના છે, એક ખંડવસ્ત્રનો જ જેમને પરિગ્રહ છે, ઉત્તમ અણુવ્રતના જે
ધારક છે, જિનશાસનના રહસ્યના જાણનાર, સમસ્ત કળારૂપ સમુદ્રના પારગામી, તપથી જે
શોભે છે એ આહાર નિમિત્તે ફરતાં જ્યાં જાનકી બેઠી હતી ત્યાં આવ્યા. મહાસતી સીતા
જાણે કે જિનશાસનની દેવી પદ્માવતી જ છે તે ક્ષુલ્લકને જોઈ અતિઆદરથી ઊભી થઈને
સામે જઈ ઈચ્છાકાર કરવા લાગી અને તેમને ઉત્તમ અન્નપાનથી તૃપ્ત કર્યા. સીતા
જિનધર્મીઓને પોતાના ભાઈ સમાન જાણે છે. અષ્ટાંગ નિમિત્તજ્ઞાનના જાણકાર તે ક્ષુલ્લકે
બન્ને કુમારોને જોઈને અત્યંત સંતોષ પામી સીતાને કહ્યું - હે દેવી! તું શોક ન કર, જેને
આવા દેવકુમાર જેવા પ્રશસ્ત પુત્રો હોય, તેને ચિંતા શેની?
જોકે ક્ષુલ્લકનું ચિત્ત અતિવિરક્ત છે તો પણ બન્ને કુમારોના અનુરાગથી કેટલાક
દિવસ સુધી તેમની પાસે રહ્યા. થોડા દિવસોમાં કુમારોને શસ્ત્રવિદ્યામાં નિપુણ બનાવ્યા.
કુમારો જ્ઞાનવિજ્ઞાનમાં પૂર્ણ, સર્વ કળાના ધારક, દિવ્યાસ્ત્ર ચલાવવાની અને શત્રુઓનાં
દિવ્યાસ્ત્ર આવે તેને નિષ્ફળ કરવાની વિદ્યામાં પ્રવીણ થયા. મહાપુણ્યના પ્રભાવથી પરમ
શોભાધારી, મતિશ્રુતનું આવરણ જેમને ટળી ગયું છે એવા એ જાણે કે ઊઘડેલા નિધિના
કળશ જ છે. શિષ્ય બુદ્ધિમાન હોય તો તેમને ભણાવવામાં ગુરુને ખેદ થતો નથી. જેમ
મંત્રી બુદ્ધિમાન હોય તો રાજાને રાજ્યકાર્યનો કાંઈ ખેદ થતો નથી. જેમ નેત્રવાન પુરુષને
સૂર્યના પ્રભાવથી ઘટપટાદિક પદાર્થો સરળતાથી ભાસે છે તેમ ગુરુના પ્રભાવથી
બુદ્ધિમાનને શબ્દ અર્થ સહેલાઈથી ભાસે છે. હંસને જેમ માનસરોવરમાં આવતાં કાંઈ ખેદ
થતો નથી તેમ વિવેકી, વિનયી બુદ્ધિમાનને ગુરુભક્તિના પ્રભાવથી જ્ઞાન આપતાં પરિશ્રમ
પડતો નથી. સુખપૂર્વક અનેક ગુણોની વૃદ્ધિ થાય છે. બુદ્ધિમાન શિષ્યોને ઉપદેશ આપી
ગુરુ કૃતાર્થ થાય છે. કુબુદ્ધિને ઉપદેશ આપવો નકામો છે જેમ સૂર્યનો ઉદ્યોત ઘુવડને
નકામો છે - આ બન્ને ભાઈ દેદીપ્યમાન યશવાળા છે, સૂર્ય જેવા તેજસ્વી હોવાથી કોઈ
તેમની સામે નજર માંડી શકતા નથી. બન્ને સૂર્ય-ચંદ્ર સમાન, અગ્નિ અને પવન સમાન
એકબીજા પ્રત્યે પ્રીતિવાળા હિમાચલ-વિંદ્યાચળ સમાન છે, તેમને વજ્રાવૃષભનારાચ
સંહનન છે, સર્વ તેજસ્વી પુરુષોને જીતવાને સમર્થ, સર્વ રાજાઓના ઉદય-અસ્ત તેમને
આધીન છે, બધા તેમની આજ્ઞામાં છે, રાજા જ આજ્ઞાકારી છે ત્યાં બીજાની તો શી વાત?
કોઈને આજ્ઞારહિત દેખી શકતા નથી. પોતાના પગના નખમાં પોતાનું જ પ્રતિબિંબ જોઈ
શકતા નથી તો બીજા કોની આગળ નમે? જેમનો પોતાના નખ અને કેશનો ભંગ પણ
રુચતો નથી તો પોતાની આજ્ઞાનો

Page 561 of 660
PDF/HTML Page 582 of 681
single page version

background image
પદ્મપુરાણ સોમું પર્વ પ૬૧
ભંગ કેવી રીતે રુચે? અને પોતાના શિર પર ચૂડામણિ મૂકે અને માથા પર છત્ર ફરતું
હોય અને સૂર્ય ઉપર થઈને નીકળે તો પણ સહી શકતા નથી તો બીજાની ઊચ્ચતા કેવી
રીતે સહે? મેઘધનુષ્ય જોઈને કોપ કરે છે તો શત્રુના ધનુષ્યની પ્રબળતા કેવી રીતે જોઈ
શકે? ચિત્રમાનાં રાજા પણ પોતાને ન નમે તોય સહન કરી શકતા નથી તો સાક્ષાત્
નૃપોનો ગર્વ કેમ દેખી શકે? સૂર્યનો નિત્ય ઉદય-અસ્ત થાય છે તેને અલ્પ તેજસ્વી ગણે
છે, પવન મહાબળવાન છે, પરંતુ ચંચળ છે તો તેને બળવાન ગણતા નથી, જે ચલાયમાન
હોય તે બળવાન શાના? જે સ્થિર, અચળ તે જ બળવાન, હિમવાન પર્વત ઊંચો છે,
સ્થિરભૂત છે, પરંતુ જડ, કઠોર, કંટક સહિત છે તેથી તેને પ્રશંસાયોગ્ય ગણતા નથી. સમુદ્ર
ગંભીર છે, રત્નોની ખાણ છે, પરંતુ ખારાશ અને જળચર જીવો સહિત છે, તથા શંખયુક્ત
છે તેથી સમુદ્રને તુચ્છ ગણે છે. મહાન ગુણોના સ્થાનરૂપ જેટલા પ્રબળ રાજા હતા તે
તેજરહિત થઈ તેમની સેવા કરે છે. આ મહારાજાઓના રાજા સદા પ્રસન્નવદન, મુખમાંથી
અમૃત જેવાં વચનો બોલે છે. જે દૂરવર્તી દુષ્ટ રાજાઓ હતા તે બધાને પોતાના તેજથી
ઝાંખા પાડયા. એમનું તેજ એ જન્મ્યા ત્યારથી એમની સાથે જ ઉપજ્યું છે. શસ્ત્રો ધારણ
કરીને જેમના હાથ અને ઉદર શ્યામ બન્યા હતા તે જાણે કે અનેક રાજાઓના પ્રતાપરૂપ
અગ્નિને બુઝાવવાથી શ્યામ થયા છે. બધી દિશાઓરૂપી સ્ત્રીને વશ કરી દીધી. બધા
તેમના આજ્ઞાકારી થયા. જેવો લવણ તેવો જ અંકુશ, બન્ને ભાઈઓમાં કોઈ જ કમ નથી
આવી વાત પૃથ્વી પર બધાને મોઢે થતી. તે બન્ને નવયુવાન અદ્ભુત ચેષ્ટાના ધારક,
પૃથ્વી પર પ્રસિદ્ધ, સમસ્ત લોકો દ્વારા સ્તુતિ કરવા યોગ્ય, જેને જોવા બધા તલસતા,
જેમનાં શરીર પુણ્યના પરમાણુઓથી બંધાયા છે, જેમનું દર્શન સુખનું કારણ છે, સ્ત્રીઓનાં
મુખરૂપ કુમુદોને પ્રફુલ્લિત કરવા જે શરદની પૂર્ણિમાના ચંદ્રમા સમાન શોભતા હતા.
માતાના હૃદયને આનંદનું જંગમ મંદિર આ કુમારો દેવકુમાર જેવા શ્રીવત્સ લક્ષણથી મંડિત
છે, અનંત પરાક્રમી છે, સંસારસમુદ્રમાં કિનારે આવેલા ચરમશરીરી છે, સદા ધર્મના
માર્ગમાં રહે છે, દેવો તથા મનુષ્યોનું મન હરે છે.
ભાવાર્થ – જે ધર્માત્મા હોય તે કોઈનું કાંઈ અહિત ન કરે. આ ધર્માત્મા પરધન,
પરસ્ત્રી તો ન હરે, પરંતુ બીજાનું મન હરે. એમને જોઈ બધાનું મન પ્રસન્ન થાય. એ
ગુણોની હદ પામ્યા છે. ગુણનો એક અર્થ દોરો પણ થાય છે, દોરાને છેડે ગાંઠ હોય છે
અને આમના દિલમાં ગાંઠ નથી, અત્યંત નિષ્કપટ છે. પોતાના તેજથી સૂર્યને અને કાંતિથી
ચંદ્રને જીતે છે. પરાક્રમથી ઇન્દ્રને, ગંભીરતાથી સમુદ્રને, સ્થિરતાથી સુમેરુને, ક્ષમાથી,
પૃથ્વીને, શૂરવીરતાથી સિંહને અને ચાલથી હંસને જીતે છે. મહાજળમાં મગર, મત્સ્ય,
નક્રાદિ જળચરો સાથે તેમ જ મત્ત હાથી, સિંહ અને અષ્ટાપદો સાથે ક્રીડા કરતાં ખેદ
પામતા નથી. સમ્યગ્દ્રષ્ટિ, ઉત્તમ, સ્વભાવ, ઉદાર, ઉજ્જવળ ભાવ, જેમની સાથે કોઈ યુધ્ધ
ન કરી શકે, મહાયુદ્ધમાં ઉદ્યમી કુમાર જેવા મધુ-કૈટભ જેવા, ઇન્દ્રજિત - મેઘનાદ જેવા
યોદ્ધા છે, જિનમાર્ગી ગુરુસેવામાં તત્પર છે, જેમને જિનેશ્વરની કથામાં રસ છે, જેમનું નામ
સાંભળતાં શત્રુઓને ત્રાસ ઊપજે છે. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને

Page 562 of 660
PDF/HTML Page 583 of 681
single page version

background image
પ૬ર એકસોએકમું પર્વ પદ્મપુરાણ
કહે છે કે હે રાજન્! તે બન્ને વીર ગુણરૂપ રત્નના પર્વત, જ્ઞાનવાન, લક્ષ્મીવાન, શોભા,
કાંતિ, કીર્તિના નિવાસ, ચિત્તરૂપ મત્ત હાથીને વશ કરવા માટે અંકુશ, મહારાજરૂપ મંદિરના
દ્રઢ સ્તંભ, પૃથ્વીના સૂર્ય, ઉત્તમ, આચરણના ધારક લવણ-અંકુશ પુંડરિકનગરમાં યથેષ્ટ
દેવોની જેમ રમે છે, જેમનું તેજ જોઈને સૂર્ય પણ લજ્જિત થાય છે. જેમ બળભદ્ર-
નારાયણ અયોધ્યામાં રમે છે તેમ આ બન્ને પુંડરિકપુરમાં રમે છે.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં લવણાંકુશના પરાક્રમનું વર્ણન
કરનાર સોમું પર્વ પૂર્ણ થયું.
* * *
એકસોએકમું પર્વ
(લવણ અને અંકુશનો દિગ્વિજય)
પછી તેમને અતિ ઉદાર ક્રિયામાં યોગ્ય જોઈને વજ્રજંઘ તેમને પરણાવવા તૈયાર
થયો. પોતાની લક્ષ્મી રાણીની કૂખે જન્મેલી શશિચૂલા નામની પુત્રી અને બીજી બત્રીસ
કન્યાઓ લવણકુમારને આપવાનું વિચાર્યું અને અંકુશકુમારનાં લગ્ન પણ સાથે જ કરવાનું
વિચાર્યું. તેણે મનમાં વિચાર્યું કે પૃથ્વીનગરના રાજા પૃથુની રાણી અમૃતવતીની પુત્રી
કનકમાળા ચંદ્રમાના કિરણ જેવી નિર્મળ મારી પુત્રી શશિચૂલા સમાન છે. આમ વિચારી
તેની પાસે દૂત મોકલ્યો. દૂત વિચક્ષણ હતો. દૂતે રાજા પૃથુ સાથે પ્રથમ સામાન્ય વાતો કરી
ને રાજાએ તેનું ખૂબ સન્માન કર્યું, પણ જેવી તેણે કન્યાની માગણીની વાત કરી કે તે
ગુસ્સે થયો અને કહ્યું કે તું પરાધીન છે, બીજાનું કહેલું કહે છે, દૂત જળની ધારા જેવા
હોય છે, જે દિશામાં ચલાવે તે દિશામાં ચાલે. તમારામાં તેજ કે બુદ્ધિ હોતા નથી. તેં આવાં
પાપનાં વચન કહ્યાં તેને શિક્ષા કરું? પણ તું પરનો પ્રેર્યો યંત્રસમાન છે તેથી તને હણવો
યોગ્ય નથી. હે દૂત! કુળ, શીલ, ધન, રૂપ, સમાનતા, બળ, વય, દેશ અને વિદ્યા નવ ગુણ
વરનાં કહ્યાં છે. તેમાં કુળ મુખ્ય છે તો જેનું કુળ જ ન જાણતા હોઈએ તેને કન્યા કેવી
રીતે અપાય? માટે આવી નિર્લજ્જ વાત કહે છે તે રાજા નીતિથી પ્રતિકૂળ છે તેથી કુમારી
તો ન આપું, પણ કુ એટલે ખરાબ અને મારી એટલે કે મૃત્યુ તે આપીશ. આ પ્રમાણે
કહી દૂતને વિદાય કર્યો. દૂતે આવીને વજ્રજંઘને વિગતવાર હકીકત કહી. તેથી વજ્રજંઘ
પોતે જ ચડીને અડધે રસ્તે આવી મુકામ કર્યો અને મોટા માણસોને મોકલી ફરીથી
કન્યાની માગણી કરી. તેણે ન આપી તેથી રાજા વજ્રજંઘ પૃથુના દેશને રંજાડવા લાગ્યો.
દેશનો રક્ષક રાજા વ્યાઘ્રરથ હતો તેને યુદ્ધમાં જીતી બાંધી લીધો. જ્યારે રાજા પૃથુએ
સાંભળ્‌યું કે રાજા વજ્રજંઘે વ્યાઘ્રરથને બંધનમાં મૂક્યો છે અને મારો દેશ રંજાડે છે ત્યારે
રાજા પૃથુએ પોતાના પરમમિત્ર પોદનાપુરના ધણી પરમસેનાને બોલાવ્યો, ત્યારે વજ્રજંઘે
પુંડરિકપુરથી પોતાના પુત્રોને બોલાવ્યા.

Page 563 of 660
PDF/HTML Page 584 of 681
single page version

background image
પદ્મપુરાણ એકસોએકમું પર્વ પ૬૩
પિતાની આજ્ઞા થતાં પુત્ર શીઘ્ર જવા નીકળ્‌યા. નગરમાં રાજપુત્રોની કૂચનાં નગારાં વાગ્યાં.
સામંતો બખ્તર પહેરી આયુધ સજી યુદ્ધ માટે ચાલવા તૈયાર થયા. નગરનો કોલાહલ અને
સામંતોનો અવાજ સાંભળી લવણ અને અંકુશે પાસેના માણસને પૂછયું કે આ કોલાહલ
શેનો છે? કોઈએ કહ્યું કે અંકુશકુમારને પરણાવવા માટે રાજા વજ્રજંઘે પૃથુની પુત્રીની
માગણી કરી હતી, તે તેણે ન આપી. તેથી રાજા યુદ્ધ માટે ચડયા અને હવે પોતાના
પુત્રોને પોતાની મદદમાં બોલાવ્યા છે તેથી આ સેનાના નીકળવાનો કોલાહલ છે. આ
સમાચાર સાંભળી બન્ને ભાઈ યુદ્ધ માટે જવા શીઘ્ર તૈયાર થયા. કુમાર આજ્ઞાભંગ સહી
શકતા નથી. રાજ વજ્રજંઘના પુત્રોએ તેમને મના કરી અને આખા રાજ્યપરિવારે મના
કરી પણ તેમણે માન્યું નહિ. સીતાનું મન પુત્રોના સ્નેહથી દ્રવ્યું અને પુત્રોને કહ્યું કે તમે
બાળક છો, તમારે હજી યુદ્ધ કરવાનો સમય નથી. ત્યારે કુમારે કહ્યું કે હે માતા! તેં આ શું
કહ્યું? મોટો થયો હોય અને કાયર હોય તો શું? આ પૃથ્વી યોદ્ધાઓએ ભોગવવા યોગ્ય
છે. અગ્નિનો કણ નાનો જ હોય છે છતાં મોટા વનને ભસ્મ કરી નાખે છે. કુમારોની વાત
સાંભળી માતા તેમને સુભટ જાણી આંખોમાંથી હર્ષ અને શોકના અશ્રુપાત કરવા લાગી.
બન્ને વીરોએ સ્નાન - ભોજન કરી આભૂષણ પહેર્યાં, મનવચનકાયાથી સિદ્ધોને નમસ્કાર
કર્યા, પછી માતાને પ્રણામ કરી સમસ્ત વિધિમાં પ્રવીણ ઘરમાંથી બહાર આવ્યા ત્યારે શુભ
શુકન થયાં. બન્ને રથમાં બેસી સર્વ શસ્ત્રો સહિત શીઘ્રગામી તુરંગ જોડી પૃથુપુર ચાલ્યા.
મોટી સેના સાથે પાંચ દિવસમાં વજ્રજંઘ પાસે પહોંચી ગયા. રાજા પૃથુ શત્રુની મોટી
સેનાને આવેલી જોઈ પોતે પણ નગરમાંથી બહાર નીકળ્‌યો. તેના ભાઈ, મિત્ર, પુત્ર તેમ
જ અંગ, બંગ, મગધાદિ અનેક દેશોના મોટા મોટા રાજાઓ સહિત વજ્રજંઘ પર ચડયો.
બન્ને સેના પાસે આવી. એટલે બન્ને ભાઈ લવણાંકુશે અતિ ઉત્સાહથી શત્રુની સેનામાં
પ્રવેશ કર્યો. બન્ને યોદ્ધા અત્યંત કૂપિત થઈ પરસેનારૂપ સમુદ્રમાં ક્રીડા કરતા બધી તરફ
શત્રુસેનાનો સંહાર કરવા લાગ્યા. જેમ વીજળીનો ચમકારો જે તરફ થાય તે દિશા ચમકી
ઊઠે તેમ ચારે દિશામાં માર માર કરતા ઘૂમવા લાગ્યા. શત્રુઓ તેમનું પરાક્રમ સહી શક્યા
નહિ. તે ધનુષ્ય પકડતા, બાણ ચલાવતાં નજરે પડતા નહિ અને બાણોથી હણાયેલા અનેક
નજરે પડતા. નાના પ્રકારનાં ક્રૂર બાણોથી વાહન સહિત, પરસેનાના ઘોડા પડયા. પૃથ્વી
દુર્ગમ્ય થઈ ગઈ, એક નિમિષમાં પૃથુની જેમ સિંહનાં ત્રાસથી મદોન્મત્ત હાથી ભાગે તેમ
ભાગી. એક ક્ષણમાં પૃથુની સેનારૂપ નદી લવણાંકુશરૂપ સૂર્યનાં બાણરૂપ કિરણોથી શોષાઈ
ગઈ. કેટલાક મર્યા, કેટલાક ભયથી ભાગ્યા, આંકડાનાં ફૂલ જેમ ઉડતા ફરે તેમ. રાજા પૃથુ
સહાય રહિત ખિન્ન થઈ ભાગવાની તૈયારી
કરવા લાગ્યો. ત્યારે બેય ભાઈઓએ કહ્યું, હે
પૃથુ! અમે તો અજ્ઞાત કુળશીલ છીએ, અમારું કુળ કોઈ જાણતું નથી, તેમનાથી ભાગતાં
તને લજ્જા નથી આવતી? તું ઊભો રહે. તને અમે અમારાં કુળશીલ બાણોથી બતાવીએ.
ભાગતો પૃથુ પાછો ફરી હાથ જોડી, નમસ્કાર કરી સ્તુતિ કરવા લાગ્યો કે તમે
મહાધીરવીર છો, મારો અજ્ઞાનજનિત દોષ માફ કરો. મેં મૂર્ખાએ અત્યાર સુધી

Page 564 of 660
PDF/HTML Page 585 of 681
single page version

background image
પ૬૪ એકસો એકમું પર્વ પદ્મપુરાણ
તમારું માહાત્મ્ય જાણ્યું નહોતું. ધીરવીરનું કુળ આ સુભટપણાથી જ જાણી શકાય છે. કાંઈ
શબ્દો કહેવાથી જણાતું નથી. હવે મારો સંદેહ મટી ગયો છે. વનને બાળનારો અગ્નિ તેના
તેજથી જ જણાય છે. આપ પરમવીર મહાન કુળમાં ઉપજેલા સ્વામી છો, ભાગ્યના યોગે
તમારું દર્શન થયું, તમે સૌને મનવાંછિત સુખ આપો છો.
પછી બન્ને ભાઈ નમ્ર બન્યા, ક્રોધ ઉતરી ગયો, મન અને મુખ શાંત થઈ ગયાં.
વજ્રજંઘ કુમારોની પાસે આવ્યો, બીજા રાજાઓ પણ આવ્યા, કુમારો અને પૃથુ વચ્ચે પ્રીતિ
થઈ. ઉત્તમ પુરુષો પ્રણામ માત્રથી જ પ્રસન્ન થાય છે, જેમ નદીનો પ્રવાહ નમેલી વેલીને
ઉખાડતો નથી તથા મોટાં વૃક્ષો નમતાં નથી તેને ઉખાડી નાખે છે. પછી પૃથુ રાજા વજ્રજંઘ
અને બન્ને કુમારોને નગરમાં લઈ ગયો. તેણે પોતાની કન્યા કનકમાળા મદનાંકુશ સાથે
પરણાવી. એક રાત્રિ ત્યાં સૌ રહ્યાં. પછી એ બન્ને ભાઈ દિગ્વિજય કરવા નીકળ્‌યા.
સુહ્મદેશ, મગધ, અંગ, બંગ જીતી પોદનાપુરના રાજાથી માંડી અનેક રાજાઓને સાથે લઈ
લોકાક્ષનગર ગયા. તે બાજુના ઘણા દેશો જીત્યા. કુબેરકાંત નામનો એક અભિમાની રાજા
હતો તેને જેમ ગરુડ નાગને જીતે તેમ વશ કર્યો. સાચું કહીએ તો દિનપ્રતિદિન તેમની સેના
વધતી ગઈ. હજારો રાજા વશ થયા અને તેમની સેવા કરવા લાગ્યા. પછી લંપાક દેશ ગયા.
ત્યાંના કરણ નામના અતિપ્રબળ રાજાને જીતી વિજયસ્થળ ગયા. ત્યાંના રાજા તથા તેના
સૌ ભાઈઓને જોતજોતામાં જીતીને ગંગા ઊતરી કૈલાસની ઉત્તર દિશા તરફ ગયા. ત્યાંના
રાજા જાતજાતની ભેટ લઈને આવ્યા. પછી ઝસકુંતલ નામનો દેશ તથા કાલાંબુ, નંદી,
નંદન, સિંહલ, શલભ, અનલ, ચલ, ભીમ, ભૃતરથ ઈત્યાદિ અનેક દેશાધિપતિઓને વશ
કરીને સિંધુ નદીને પાર ગયા. સમુદ્રતટના અનેક રાજાઓને નમાવ્યા, અનેક નગર, અનેક
ખેટ, અનેક દેશ વશ કર્યા. ભીરુદેશ, યવન, કચ્છ, ચારવ, ત્રિજટ, નટ, શક, કરેલ, નેપાળ,
માલવ, અરલ, શર્વર, ત્રિશિર, કૃપાણ, વૈદ્ય, કાશ્મીર, હિડિબ, અવષ્ટ, ખર્બર, પારશૈલ,
ગોશાલ, કુસ્તનર, સૂર્યારક, સનર્ત, ખશ, વિંધ્ય, શિખાપદ, મેખલ, શૂરસેન, વાહ્મિક, નૂક,
કૌશલ, ગાંધાર, સાવીર, કૌવીર, કૌહર, અંધ્ર, કાળ, કલિંગ ઈત્યાદિ અનેક દેશ વશ કર્યા.
આ બધા દેશોમાં નાના પ્રકારની ભાષા, વસ્ત્રોનો પહેરવેશ ભિન્ન ભિન્ન પ્રકારનો જુદા
જુદા ગુણ નાના પ્રકારનાં રત્ન અને અનેક જાતનાં વૃક્ષો હતાં.
કેટલાંક દેશોના રાજા પ્રતાપથી જ આવીને મળ્‌યા, કેટલાકને યુદ્ધમાં જીતીને વશ
કર્યા, કેટલાક ભાગી ગયા, મોટા મોટા રાજા અનુરાગી થઈ લવણાંકુશના આજ્ઞાકારી થયા.
એમની આજ્ઞા પ્રમાણે પૃથ્વી પર વિચરતા. તે બન્ને પૃથ્વીને જીતી હજારો રાજાઓના
શિરોમણિ થયા. બધાને વશ કરીને સાથે લીધા. જાતજાતની કથા કરતા, બધાનાં મન
હરતા પુંડરિકપુર આવવા તૈયાર થયા. વજ્રજંઘ સાથે જ છે. અતિ હર્ષભર્યા, અનેક
રાજાઓની અનેક ભેટ આવી હતી તે મહાવૈભવ સાથે સેનાસહિત પુંડરિકપુર સમીપે
આવ્યા. સીતા સાત માળના મહેલ ઉપર બેસીને જુએ છે, રાજપરિવારની અનેક રાણીઓ
પાસે છે, ઉત્તમ સિંહાસન પર બેઠી છે, દૂરથી આવતી

Page 565 of 660
PDF/HTML Page 586 of 681
single page version

background image
પદ્મપુરાણ એકસો બીજું પર્વ પ૬પ
સેનાની રજથી ધૂળના પટલ છવાયા રાખીને પૂછયું, આ દિશામાં કેટલી ધૂળ ઊડે છે?
તેણે કહ્યું કે દેવી! સેનાની રજ છે. જેમ જળમાં મગર આનંદ કરે તેમ સેનામાં અશ્વ
ઊછળતાં આવે છે. હે સ્વામિની! આ બન્ને કુમારો પૃથ્વીને વશ કરીને આવ્યા છે. ત્યાં
વધાઈ આપનારા આવ્યા. નગરને શણગારવામાં આવ્યું. લોકોને ખૂબ પ્રસન્નતા થઈ.
નિર્મળ ધજા ફરકાવવામાં આવી, નગરના રસ્તા પર સુગંધી જળ છંટાયું, નગરને ઠેકઠેકાણે
તોરણમાળા બાંધીને શોભાયમાન કર્યું. દરવાજા પર કળશ સ્થપાયા. રામ-લક્ષ્મણ
અયોધ્યામાં આવ્યા ત્યારે જેવી શોભા અયોધ્યાની થઈ હતી તેવી જ પુંડરિકપુરની શોભા
કુમારો આવતાં થઈ. જે દિવસે અત્યંત વૈભવથી નગરમાં પ્રવેશ કર્યો. તે દિવસે નગરનાં
લોકોને જે હર્ષ થયો તેનું કથન થઈ શકે નહિ. બન્ને કૃતકૃત્ય પુત્રોને જોઈ સીતા
આનંદસાગરમાં મગ્ન થઈ. બન્ને વીરોએ આવી માતાને નમસ્કાર કર્યા, રજથી મલિન
શરીરવાળા પુત્રોને સીતાએ હૃદય સાથે ચાંપીને માથે હાથ મૂક્યો. માતાને અત્યંત આનંદ
આપી બન્ને કુમારો ચંદ્ર-સૂર્યની જેમ લોકમાં પ્રકાશતા હતા.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગં્રથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં લવણાંકુશના દિગ્વિજયનું વર્ણન
કરનાર એકસો એકમું પર્વ પૂર્ણ થયું.
* * *
એકસો બીજું પર્વ
(લવણાંકુશનું રામ–લક્ષ્મણ સાથે યુદ્ધ)
પછી આ ઉત્તમ માનવ પરમ ઐશ્વર્યધારક પ્રબળ રાજાઓ પર આજ્ઞા ચલાવતા
સુખપૂર્વક રહેતા હતા. એક દિવસ નારદે કૃતાંતવક્રને પૂછયું કે તું સીતાને ક્યાં મૂકી
આવ્યો હતો? કૃતાંતવક્રે કહ્યું કે સિંહનાદ અટવીમાં છોડી દીધી હતી. આ સાંભળીને તે
અતિ વ્યાકુળ બનીને તેને શોધતા ફરતા હતા. તેમણે બન્ને કુમારોને વનક્રીડા કરતા જોયા
તેથી નારદ તેમની પાસે આવ્યા કુમારોએ ઊભા થઈને સન્માન કર્યું. નારદે તેમને
વિનયવાન જોઈ આનંદ પામીને આશીર્વાદ આપ્યા. નરનાથ રામ-લક્ષ્મણને જેવી લક્ષ્મી છે
તેવી તમને મળો. કુમારોએ તેમને પૂછયું કે હે દેવ! રામ-લક્ષ્મણ કોણ છે અને કયા
કુળમાં જન્મ્યા છે, તેમનામાં કેવા ગુણો છે અને તેમનું આચરણ કેવું છે? નારદે એકાદ
ક્ષણ મૌન રહી કહ્યુંઃ હે બન્ને કુમારો! કોઈ મનુષ્ય ભુજા વડે પર્વતને ઉખાડે અથવા
સમુદ્રને તરે તો પણ રામ-લક્ષ્મણના ગુણ કહી શકે નહિ. અનેક મુખે દીર્ઘકાળ સુધી
તેમના ગુણોનું વર્ણન કરવામાં આવે તો પણ રામ-લક્ષ્મણનાં ગુણ વર્ણવી ન શકાય. તો
પણ હું તમારા પૂછવાથી કિંચિતમાત્ર
વર્ણન કરું છું, તેમનાં ગુણ પુણ્ય વધારે છે.
અયોધ્યાપુરીમાં રાજા દશરથ થયા હતા. તે દુરાચાર ઈંધનને ભસ્મ કરવા માટે અગ્નિ
સમાન અને ઈક્ષ્વાકુ વંશરૂપ આકાશમાં ચંદ્રમા, સકળ પૃથ્વી પર પ્રકાશ કરતા અયોધ્યામાં રહેતા

Page 566 of 660
PDF/HTML Page 587 of 681
single page version

background image
પ૬૬ એકસો બીજું પર્વ પદ્મપુરાણ
હતા. તે પુરુષરૂપ પર્વતમાંથી કીર્તિરૂપ નદી નીકળી તે આખા જગતને આનંદ ઉપજાવતી
સમુદ્રપર્યંત ફેલાણી. તે દશરથ રાજાના રાજ્યભારનું વહન કરનાર ચાર મહાગુણવાન પુત્રો
થયા. એક રામ, બીજા લક્ષ્મણ, ત્રીજા ભરત, ચોથા શત્રુધ્ન. તેમાં રામ અતિમનોહર
સર્વશાસ્ત્રના જ્ઞાતા હતા. તે નાના ભાઈ લક્ષ્મણ સાથે અને જનકની પુત્રી સીતા સાથે
પિતાની આજ્ઞાનું પાલન કરવા અયોધ્યા તજીને પૃથ્વી પર વિહાર કરતા દંડકવનમાં
આવ્યા. તે સ્થળ અતિવિષમ હતું, ત્યાં વિદ્યાધરો પણ જઈ શકતા નહીં. ત્યાં તેમને
ખરદૂષણ સાથે સંગ્રામ થયો. રાવણે સિંહનાદ કર્યો. તે સાંભળી લક્ષ્મણને મદદ કરવા રામ
ગયા, પાછળથી રાવણ સીતાને હરીને લઈ ગયો. પછી રામને સુગ્રીવ, હનુમાન, વિરાધિત
આદિ અનેક વિદ્યાધરો મળ્‌યા. રામના ગુણોના અનુરાગથી તેમનાં હૃદય વશ થયાં હતાં
તેથી તે વિદ્યાધરોને લઈ રામ લંકામાં ગયા. રાવણને જીતી સીતાને લઈ અયોધ્યા આવ્યા.
સ્વર્ગપુર સમાન અયોધ્યા વિદ્યાધરોએ બનાવી ત્યાં પુરુષોત્તમ રામ-લક્ષ્મણ સુખેથી રાજ્ય
કરતા હતા. રામને તમે હજી સુધી કેમ ન ઓળખ્યા? જેને લક્ષ્મણ જેવો ભાઈ, જેના
હાથમાં સુદર્શનચક્ર નામનું આયુધરત્ન છે, જેની એક હજાર દેવ સેવા કરે એવા સાત રત્ન
લક્ષ્મણ પાસે અને ચાર રત્ન રામ પાસે છે. રામે પ્રજાના હિત નિમિત્તે જાનકીનો ત્યાગ
કર્યો તે રામને બધા જ જાણે છે. પૃથ્વી પર એવો કોઈ નથી જે રામને જાણતો ન હોય.
આ પૃથ્વીની જ શી વાત છે? સ્વર્ગમાં દેવો પણ રામના ગુણોનું વર્ણન કરે છે.
ત્યારે અંકુશે પૂછયું, પ્રભો! રામે જાનકીનો ત્યાગ શા માટે કર્યો? ત્યારે સીતાના
ગુણોથી ધર્માનુરાગી ચિત્તવાળા નારદે આંસુ સારતાં કહ્યું, હે કુમારો! તે સીતા સતી ઊંચા
કુળમાં જન્મેલી છે. શીલવતી, ગુણવતી, પતિવ્રતા, શ્રાવકના આચારમાં પ્રવીણ, રામની
આઠ હજાર રાણીઓમાં શિરોમણિ, લક્ષ્મી, કીર્તિ, ધૃતિ, લજ્જાને પોતાની પવિત્રતાથી
જીતી સાક્ષાત્ જિનવાણી તુલ્ય છે. તે કોઈ પૂર્વોપાર્જિત પાપના પ્રભાવથી મૂઢ લોકો તેનો
અપવાદ કરવા લાગ્યા તેથી રામે દુઃખી થઈ નિર્જન વનમાં તેને તજી દીધી. જૂઠા લોકોની
વાણીરૂપ સૂર્યનાં કિરણોથી તપ્ત તે સતી કષ્ટ પામી. તે અતિસુકુમાર અલ્પ ખેદ પણ સહી
ન શકે, માલતીની માળા દીપકના આતાપથી કરમાય તે દાવાનળનો દાહ કેવી રીતે સહી
શકે? અતિભયંકર વનમાં અનેક દુષ્ટ જીવો વચ્ચે સીતા કેવી રીતે પ્રાણ ધારી શકે, દુષ્ટ
જીવોની જિહ્વા ભુજંગ સમાન નિરપરાધ પ્રાણીઓને કેમ ડસતી હશે? જીવોની નિંદા
કરતા દુષ્ટોની જીભના સો ટુકડા કેમ નહિ થતા હોય? તે પતિવ્રતામાં શિરોમણિ, પટુતા
આદિ અનેક ગુણોથી પ્રશંસવા યોગ્ય તેની જે નિંદા કરે છે તે આ ભવ અને પરભવમાં
દુઃખ પામે છે. એમ કહીને શોકના ભારથી મૌન ધારણ કરી લીધું, વિશેષ કાંઈ ન કહી
શક્યા. આ સાંભળી અંકુશે પૂછયું, હે સ્વામી! રામે સીતાને ભયંકર વનમાં તજી તે સારું
ન કર્યું. એ કુળવાનોની રીત નથી. લોકાપવાદ નિવારવાના બીજા અનેક ઉપાય છે, આવું
અવિવેકનું કાર્ય જ્ઞાની કેમ કરે? અંકુશે તો એટલું જ કહ્યું અને અનંગલવણે પૂછયું કે
અહીંથી અયોધ્યા કેટલું દૂર છે? ત્યારે નારદે ઉત્તર આપ્યો કે અયોધ્યા અહીંથી એકસો
સાઠ યોજન છે, જ્યાં

Page 567 of 660
PDF/HTML Page 588 of 681
single page version

background image
પદ્મપુરાણ એકસો બીજું પર્વ પ૬૭
રામ બિરાજે છે. ત્યારે બેય કુમાર બોલ્યા કે અમે રામ-લક્ષ્મણ પર ચડાઈ કરશું. આ
પૃથ્વી પર એવું કોણ છે કે જેની અમારાથી પ્રબળતા હોય? પછી તેમણે વજ્રજંઘને કહ્યું કે
હે મામા! સુહ્મદેશ, સિંધદેશ, કલિંગદેશ ઈત્યાદિ દેશના રાજાઓને આજ્ઞાપત્ર મોકલો કે તે
સંગ્રામનો બધો સરંજામ લઈ શીઘ્ર આવે, અમે અયોધ્યા તરફ કૂચ કરીએ છીએ. હાથીને
તૈયાર કરો. તેમાંથી મદોન્મત્ત અને નિર્મદ હાથીઓને જુદા પાડો, વાયુ સમાન વેગવાળા
ઘોડા સાથે લ્યો. જે યોદ્ધા રણસંગ્રામમાં વિખ્યાત હોય, જે કદી પીઠ ન બતાવે તેમને સાથે
લ્યો, શસ્ત્રો બધા સંભાળો, બખ્તરોને સરખાં કરાવો, યુદ્ધનાં નગારાં વગડાવો, ઢાલ તૈયાર
કરાવો, શંખનો ધ્વનિ કરો, બધા સામંતોને યુદ્ધના ખબર આપો. આ પ્રમાણે આજ્ઞા આપી
બન્ને વીર મનમાં યુદ્ધનો નિશ્ચય કરીને બેઠા જાણે બે ઇન્દ્ર જ છે. દેવ સમાન દેશપતિ
રાજાઓને એકઠા કરવા તૈયાર થયા. કુમારો રામ-લક્ષ્મણ પર ચડાઈ કરવા જાય છે તે
સાંભળી સીતા રોવા લાગી. સીતાની સમીપમાં નારદને સિદ્ધાર્થે કહ્યું, તમે આવું
અશોભનીય કાર્ય કેમ આરંભ્યું? તમે પિતા અને પુત્રો વચ્ચે વિરોધનો ઉદ્યમ કેમ કર્યો?
હવે કોઈ પણ રીતે આ વિરોધ મટાડો. કુટુંબમાં ફાટફૂટ પડે તે સારું નથી. ત્યારે નારદે
કહ્યું કે મને તો કાંઈ ખબર નથી. તેમણે મારો વિનય કર્યો તેથી મેં તેમને આશિષ આપી
કે તમે રામ-લક્ષ્મણ જેવા થાવ. એ સાંભળી એમણે પૂછયું કે રામ-લક્ષ્મણ કોણ છે? મે
બધી હકીકત કહી. હજી પણ તમે ડર ન રાખો, બધું સારું જ થશે. તમારું મન સ્થિર
કરો. કુમારોએ સાંભળ્‌યું કે માતા રુદન કરે છે ત્યારે બન્ને પુત્રોએ માતા પાસે આવીને
કહ્યું કે હે માત! તમે રુદન શા માટે કરો છો? કારણ કહો. તમારી આજ્ઞા કોણે લોપી?
કોણે તમને અસુંદર વચન કહ્યું? તે દુષ્ટના પ્રાણ હરીએ. એવો કોણ છે જે સાપની જીભ
સાથે ક્રીડા કરે છે? એવો ક્યો મનુષ્ય કે દેવ છે, જે તમને અશાતા ઉપજાવે છે? હે
માતા! તમે કોના પર કોપ કર્યો છે? જેના પર તમારો કોપ થયો હોય તેના આયુષ્યનો
અંત આવ્યો છે એમ જાણો. અમારા ઉપર કૃપા કરીને ગુસ્સાનું કારણ કહો. પુત્રોએ આમ
વાત કરી ત્યારે માતા આંસુ આરતી બોલી હે પુત્ર! મેં કોઈના પર કોપ નથી કર્યો તેમ
કોઈએ મને અશાતા ઉપજાવી નથી. તમારા પિતા સાથે યુદ્ધની તૈયારી જોઈ હું દુઃખી થઈ
રુદન કરું છું. ગૌતમ સ્વામી કહે છે, - હે શ્રેણિક! તે વખતે પુત્રોએ માતાને પૂછયું કે હે
માતા! અમારા પિતા કોણ? ત્યારે સીતાએ પહેલેથી છેલ્લે સુધી બધી હકીકત કહી.
રામનો વંશ અને પોતાનો વંશ, વિવાહનો વૃત્તાંત, વનગમન, રાવણ દ્વારા પોતાનું હરણ
અને આગમન, જે નારદે વૃત્તાંત કહ્યો હતો તે બધો વિસ્તારથી કહ્યો, કાંઈ છુપાવ્યું નહિ.
વળી કહ્યું કે તમે ગર્ભમાં આવ્યા ત્યારે જ તમારા પિતાએ લોકાપવાદના ભયથી મને
સિંહનાદ અટવીમાં તજી હતી. ત્યાં હું રુદન કરતી હતી ત્યારે રાજા વજ્રજંઘ હાથી પકડવા
ત્યાં આવ્યો હતો. તે હાથી પકડીને પાછો ફરતો હતો, મને તેણે રુદન કરતાં સાંભળી, તે
ધર્માત્મા શીલવંત શ્રાવક મને આદર આપી મોટી બહેન ગણીને લાવ્યો અને અતિ
સન્માનથી અહીં રાખી. મેં આના ઘરને ભાઈ ભામંડળનું ઘર જ માન્યું. તમારું અહીં
સન્માન થયું. તમે શ્રી રામના

Page 568 of 660
PDF/HTML Page 589 of 681
single page version

background image
પ૬૮ એકસો બીજું પર્વ પદ્મપુરાણ
પુત્ર છો. મહારાજાધિરાજ રામ હિમાચળ પર્વતથી માંડી સમુદ્રાંત પૃથ્વીનું રાજ્ય કરે છે. તેમને
મહાબળવાન સંગ્રામમાં નિપુણ લક્ષ્મણ જેવો ભાઈ છે. ખબર નથી પડતી કે સ્વામીની
અશુભ વાત સાંભળું કે દિયરની કે તમારી, તેથી દુઃખી થઈને રુદન કરું છું. બીજું કાંઈ કારણ
નથી. આ સાંભળીને પુત્રનાં વદન પ્રસન્ન બની ગયાં અને માતાને કહેવા લાગ્યા કે હે
માતા! અમારા પિતા મહાન ધુનર્ધર, લોકમાં શ્રેષ્ઠ, લક્ષ્મીવાન, વિશાળ કીર્તિના ધારક છે.
તેમણે અનેક અદ્ભુત કાર્ય કર્યાં છે, પરંતુ તમને તેમણે વનમાં છોડી દીધાં તે સારું કર્યું નથી.
તેથી અમે શીઘ્ર જ રામ-લક્ષ્મણનો માનભંગ કરીશું. તમે વિષાદ ન કરો. ત્યારે સીતાએ કહ્યું
કે હે પુત્રો! એ તમારા વડીલ છે, તેમની સાથે વિરોધ કરવો યોગ્ય નથી, તમે મનને શાંત
કરો. વિનયપૂર્વક જઈને પિતાને પ્રણામ કરો, એ જ નીતિનો માર્ગ છે.
ત્યારે પુત્રોએ કહ્યું કે હે માતા! અમારા પિતા શત્રુભાવરૂપ થયા છે, અમે કેવી
રીતે જઈને પ્રણામ કરીએ અને દીનતાનાં વચન કેમ કહીએ? હે માતા! અમે તો તમારા
પુત્ર છીએ, તેથી રણસંગ્રામમાં અમારું મરણ થાય તો ભલે થાય, પણ યોદ્ધાઓને માટે
નિંદ્ય કાયર વચન તો અમે નહિ કહીએ. પુત્રોની વાત સાંભળી સીતા મૌન રહી ગઈ,
પરંતુ તેના ચિત્તમાં ચિંતા છે. બન્ને કુમાર સ્નાન કરી, ભગવાનની પૂજા કરી, મંગળ પાઠ
પઢી, સિદ્ધોને નમસ્કાર કરી, સીતાને ધૈર્ય આપી, પ્રણામ કરી બેય મહામંગળરૂપ હાથી પર
બેઠા-જાણે કે સૂર્યચંદ્ર પર્વતનાં શિખર પર ચડયા છે. જેમ રામ-લક્ષ્મણ લંકા ઉપર ચડવા
તૈયાર થયા હતા તેમ બન્ને ભાઈ અયોધ્યા ઉપર ચડાઈ કરવા તૈયાર થયા. એમની
કૂચના ખબર સાંભળી હજારો યોદ્ધા પુંડરિકપુરમાંથી નીકળ્‌યા. બધા જ યોદ્ધા પોતપોતાના
પડકારા કરતા હતા. આ જાણે કે મારી સેના સારી દેખાય છે અને તે જાણે કે મારી. મોટા
દળ સહિત રોજ એક યોજન કૂચ કરે છે, ધરતીનું રક્ષણ કરતાં ચાલે છે, કોઈનું કાંઈ
બગાડતા નથી. ધરતી જાતજાતનાં ધાન્યથી શોભે છે. કુમારોનો પ્રતાપ આગળ આગળ
વધતો જાય છે. માર્ગમાં આવતા રાજા ભેટ આપીને તેમની સાથે ભળતા જાય છે. દસ
હજાર પરિચારકો કોદાળી લઈ આગળ આગળ ચાલતા જાય છે અને ઊંચીનીચી ધરતીને
સમતળ કરે છે. કેટલાક હાથમાં કુહાડા લઈને આગળ ચાલે છે. હાથી, ઊંટ, પાડા, બળદ,
ખચ્ચર માલસામાન તથા ખજાનો લાદીને આગળ ચાલે છે. મંત્રીઓ આગળ ચાલે છે.
પ્યાદા સૈનિકો હરણની જેમ ઊછળતા જાય છે. તુરંગસવારો તેજીથી ચાલ્યા જાય છે,
ઘોડાની હણહણાટી સંભળાય છે, ગજરાજની સુવર્ણની સાંકળ અને ઘંટડીઓનો અવાજ
થાય છે, તેમના કાન પર ચમર શોભે છે, શંખોનો ધ્વનિ થઈ રહ્યો છે, મોતીઓની ઝાલર
પાણીના પરપોટા સમાન અત્યંત શોભે છે. તેના ઉજ્જવળ દાંતોના સ્વર્ણાદિ બંધ બાંધ્યા
છે, રત્નસુવર્ણાદિની માળાથી શોભે છે, કાળી ઘટા સમાન ચાલતા પર્વત જેવા પ્રચંડ
વેગથી ચાલે છે, તેન પર અંબાડી મૂકી છે, નાના પ્રકારનાં શસ્ત્રોથી શોભે છે અને ગર્જના
કરે છે, તેના પર તેજસ્વી સામંતો બેઠા છે, મહાવતો દ્વારા શિક્ષણ પામ્યા છે, પોતાની
અને દુશ્મનની સેનાના

Page 569 of 660
PDF/HTML Page 590 of 681
single page version

background image
પદ્મપુરાણ એકસો બીજું પર્વ પ૬૯
અવાજ ઓળખે છે. ઘોડેસવારો બખ્તર પહેરી, ખેટ નામનું આયુધ ધારણ કરી આગળ
ચાલી રહ્યા છે. ઘોડાની ખરીના ઘાતથી ઊઠેલી રજથી આકાશ વ્યાપ્ત થઈ ગયું છે, એવા
શોભે છે જાણે સફેદ વાદળોથી મંડિત છે. પ્યાદા અનેક ચેષ્ટા કરતા ગર્વથી ચાલ્યા જાય
છે. શયન, આસન, તાંબુલ, સુગંધ, માળા, વસ્ત્ર, આહાર, વિલેપન વગેરે જાતજાતની
સામગ્રી વધતી જાય છે, જેનાથી બધી સેના સુખરૂપ છે, કોઈને કોઈ પ્રકારનો ખેદ નથી.
દરેક મુકામે કુમારોની આજ્ઞાથી સારા સારા માણસોને લોકો જાતજાતની વસ્તુઓ આપે છે,
તેમને એ જ કામ સોંપ્યું છે, તે બહુ સાવધાન છે. નાના પ્રકારનાં અન્ન, જળ, મિષ્ટાન્ન,
લવણ, દૂધ, દહીં, ઘી, અનેક રસની જાતજાતની ખાવાની વસ્તુઓ આદરપૂર્વક આપે છે તો
આખી સેનામાં કોઈ દીન, ભૂખ્યો, તુષાતુર, મલિન, ચિંતાતુર દેખાતો નથી. સેનારૂપ
સમુદ્રમાં નર-નારી નાના પ્રકારનાં આભરણ પહેરી, સુંદર વસ્ત્રો ધારણ કરી
અતિઆનંદિત દેખાય છે. આ પ્રમાણે મહાન વિભૂતિથી મંડિત સીતાના પુત્રો ચાલતા
ચાલતા અયોધ્યા આવ્યા, જાણે કે સ્વર્ગમાં ઇન્દ્ર આવ્યા. જે દેશમાં જવ, ઘઉં, ચાવલ
આદિ અનેક ધાન્ય ઉગે છે, શેરડીનાં ખેતર ચારેકોર શોભે છે, પૃથ્વી અન્ન, જળ, તૃણથી
પૂર્ણ છે, જ્યાં નદીઓના તીરે મુનિઓ સ્થિતિ કરે છે, કમળોનાં સરોવર શોભે છે, પર્વત
નાના પ્રકારનાં પુષ્પોથી સુગંધિત થઈ રહ્યા છે, ચારેકોર ગીતના ધ્વનિ સંભળાય છે,
ગાય, ભેંસ, બળદો ફરી રહ્યા છે, ગોવાળણી વલોણાં વલોવે છે, ગામ પાસે પાસે છે,
નગરો સુરપુર જેવાં શોભે છે. મહાતેજસ્વી વલણાંકુશ દેશની શોભા જોતાં અતિ નીતિથી
આવ્યા. કોઈને કોઈ પ્રકારનો ખેદ થયો નહિ. ચાલતા ચાલતા અયોધ્યાની સમીપે આવ્યા.
દૂરથી સંધ્યાના વાદળના રંગ સમાન અતિસુંદર અયોધ્યાને જોઈ વજ્રજંઘને પૂછયું હે
મામા! આ અત્યંત તેજસ્વી કઈ નગરી છે? વજ્રજંઘે જવાબ આપ્યો-હે દેવ, આ
અયોધ્યાનગરી છે, જેના સુવર્ણ કોટ છે તેનું આ તેજ ભાસે છે. આ નગરીમાં તમારા
પિતા બળદેવ રામ બિરાજે છે, જેના લક્ષ્મણ અને શત્રુધ્ન ભાઈ છે. બન્ને ભાઈ
શૂરવીરતાની વાતો કરતા આવી પહોંચ્યા. સૈન્ય અને અયોધ્યાની વચ્ચે સરયૂ નદી છે.
બન્ને ભાઈની એવી ઈચ્છા છે કે તરત જ નદી ઉતરીને નગરી લઈ લેવી. જેમ કોઈ મુનિ
શીઘ્ર મુક્ત થવા ચાહે તેને મોક્ષની આશારૂપ નદી યથાખ્યાત ચારિત્ર થવા ન દે. આશારૂપ
નદીને તરે ત્યારે મુનિ મુક્ત થાય તેમ સરયૂ નદીના યોગથી શીઘ્ર નદીને પાર કરી
નગરીમાં પહોંચી ન શકે. પછી જેમ નંદનવનમાં દેવોની સેના ઊતરે તેમ નદીના
ઉપવનાદિમાં સૈન્યના તંબુ ખોડયા.
પછી શત્રુની સેના નજીક આવી છે તે સાંભળીને રામ-લક્ષ્મણ આશ્ચર્ય પામ્યા,
બન્ને ભાઈ પરસ્પર બતાવે છે કે આ કોઈ યુદ્ધ કરવા આપણી નજીક આવ્યા છે તે
મરવા ઈચ્છે છે. વાસુદેવે વિરાધિતને આજ્ઞા કરી, યુદ્ધના નિમિત્તે શીઘ્ર સેના એકઠી કરો,
વિલંબ ન થાય, કપિની ધજાવાળા, હાથીની, બળદની, સિંહની ધજાવાળા વિદ્યાધરોને
વેગથી બોલાવો. તે જ સમયે સુગ્રીવ, આદિ અનેક રાજાઓ પર દૂત મોકલ્યા. દૂત
પહોંચતાં જ બધા વિદ્યાધરો મોટી સેના

Page 570 of 660
PDF/HTML Page 591 of 681
single page version

background image
પ૭૦ એકસો બીજું પર્વ પદ્મપુરાણ
સાથે અયોધ્યા આવ્યા. ભામંડળ પણ આવ્યો. ભામંડળને અત્યંત વ્યાકુળ જોઈ તરત જ
સિદ્ધાર્થ અને નારદે જઈને કહ્યું કે આ સીતાના પુત્ર છે, સીતા પુંડરિકપુરમાં છે. ત્યારે આ
વાત સાંભળીને તે બહુ દુઃખી થયો, કુમારો અયોધ્યા પર ચડયા તેથી આશ્ચર્ય પામ્યો અને
એમનો પ્રતાપ સાંભળી હર્ષ પામ્યો. મનના વેગ સમાન વિમાનમાં બેસી પરિવાર સહિત
તે પુંડરિકપુર ગયો અને બહેનને મળ્‌યો. સીતા ભામંડળને જોઈ અત્યંત મોહ પામી, આંસુ
સારતી વિલાપ કરતી રહી અને પોતાને ઘરમાંથી કાઢવાનો તથા પુંડરિકપુર આવવાનો
બધો વૃત્તાંત કહ્યો. ભામંડળે બહેનને ધૈર્ય બંધાવી કહ્યું, હે બહેન! તારા પુણ્યના પ્રભાવથી
બધું સારું થશે. કુમાર અયોધ્યા ગયા તે સારું નથી કર્યું, કારણ કે જઈને તેમણે બળભદ્ર
નારાયણને ક્રોધ ઉપજાવ્યો છે. રામ-લક્ષ્મણ બન્ને ભાઈ પુરુષોત્તમ દેવોથી પણ ન જિતાય
એવા મહાન યોદ્ધા છે અને કુમારો તથા તેમની વચ્ચે યુદ્ધ ન થાય એવા ઉપાય કરીએ,
માટે તમે પણ ચાલો.
પછી સીતા પુત્રોની પત્નીઓ સાથે ભામંડળના વિમાનમાં બેસીને નીકળી. રામ-
લક્ષ્મણ ક્રોધથી રથ, ઘોડા, હાથી, પાયદળ, દેવ, વિદ્યાધરોથી મંડિત, સમુદ્ર સમાન સેના
લઈને બહાર નીકળ્‌યા અને અશ્વ જોડેલા રથમાં બેઠા. મહાપ્રતાપી શત્રુધ્ન મોતીના હારથી
જેની છાતી શોભે છે તે રામની સાથે આવ્યા. કૃતાંતવક્ર આખી સેનાનો નાયક થયો. -
જેમ ઇન્દ્રની સેનાનો અગ્રણી હૃદયકેશી નામનો દેવ હોય છે. તેનો રથ ખૂબ શોભતો હતો.
દેવોના વિમાન જેવા રથમાં બેસી સેનાપતિ ચતુરંગ સેના લઈ ચાલ્યો જાય છે, જેની
શ્યામ ધજા શત્રુઓથી જોઈ શકાતી નથી. તેની પાછળ ત્રિમૂર્ધ્ન, વહ્મિશીખ, સિંહવિક્રમ,
દીર્ઘભુજ, સિંહોદર, સુમેરુ, બાલખિલ્ય, રૌદ્રભૂત, વજ્રકર્ણ, પૃથુ, મારદમન, મૃગેન્દ્રદેવ
ઈત્યાદિ પાંચ હજાર નૃપતિ કૃતાંતવક્રની સાથે અગ્રેસર થયા. બંદીજનો તેનાં બિરૂદ ગાય
છે. એ ઉપરાંત અનેક રઘુવંશી કુમારો, જેમણે અનેક યુદ્ધ જોયાં છે, જેમની દ્રષ્ટિ શસ્ત્રો
પર છે, જેમને યુદ્ધનો ઉત્સાહ છે, જે સ્વામીભક્તિમાં તત્પર છે તે ધરતીને કંપાવતા શીઘ્ર
નીકળ્‌યા. કેટલાક નાના પ્રકારના રથોમા બેઠા, કેટલાક પર્વત સમાન ઊંચા કાળી ઘટા
સમાન હાથી પર બેઠા, કેટલાક સમુદ્રના તરંગ જેવા ચંચળ અશ્વો પર બેઠા ઈત્યાદિ અનેક
વાહનો પર બેસી યુદ્ધ માટે નીકળ્‌યા. વાજિંત્રોના અવાજથી દશે દિશા વ્યાપ્ત થઈ છે.
બખ્તર પહેરી, ટોપ ધારણ કરી, ક્રોધથી ભરેલાં તેમનાં ચિત્ત છે. લવ-અંકુશ પરસેનાનો
અવાજ સાંભળી યુદ્ધ માટે તૈયાર થયા. વજ્રજંઘને આજ્ઞા કરી. કુમારની સેનાના માણસો
યુદ્ધ માટે તૈયાર હતા જ. પ્રલયકાળના અગ્નિ સમાન મહાપ્રચંડ અંગ, બંગ, નેપાળ,
બર્બર, પૌંડ્ર, માગધ, પારસેલ, સિંહલ કલિંગ ઈત્યાદિ અનેક દેશોના રાજા રત્નાંકને મુખ્ય
કરી અગિયાર હજાર ઉત્તમ તેજના ધારક યુદ્ધ માટે તૈયાર થયા. બન્ને સેનાઓનો સંઘર્ષ
થયો. બન્ને સેનાઓના સંગ્રામમાં દેવો તથા અસુરોને આશ્ચર્ય ઉપજે એવો ભયંકર
પ્રલયકાળનો સમુદ્ર ગાજે તેવો ધ્વનિ થયો. પરસ્પર અવાજ આવતા હતા- શું જોઈ રહ્યો
છે? પ્રથમ પ્રહાર કેમ નથી કરતો? મારી ઈચ્છા તારા ઉપર પ્રથમ પ્રહાર કરવાની નથી
તેથી તું જ પ્રથમ પ્રહાર કર. કોઈ કહે છે-એક ડગલું આગળ આવ

Page 571 of 660
PDF/HTML Page 592 of 681
single page version

background image
પદ્મપુરાણ એકસો બીજું પર્વ પ૭૧
જેથી શસ્ત્ર ચલાવું. કોઈ સાવ પાસે આવી જાય છે ત્યારે કહે છે-ખંજર અને કટારી
હાથમાં લ્યો, અત્યંત નજીક આવતાં બાણનો સમય નથી. કોઈ કાયરને જોઈ કહે છે, તું
કેમ ધ્રુજે છે, હું કાયરને નહિ મારું, તો આઘો જા, આગળ મહાયોદ્ધા ઊભા છે તેની સાથે
લડવા દે. કોઈ નિરર્થક બરાડા પાડે છે તેને સામંતો કહે છે-હે ક્ષુદ્ર! શા માટે વૃથા ગાજે
છે. ગાજવામાં સામંતપણું નથી, જો તારામાં સામર્થ્ય હોય તો આગળ આવ, તારી યુદ્ધની
ભૂખ મટાડું. આ પ્રમાણે યોદ્ધાઓમાં પરસ્પર વચનાલાપ થઈ રહ્યો છે. તલવાર ઘૂમે છે.
ભૂમિગોચરી અને વિદ્યાધર બધા જ આવ્યા છે. ભામંડળ, વીર, પવનવેગ, મૃગાંક,
વિદ્યુદ્ધ્વજ ઈત્યાદિ મોટા મોટા વિદ્યાધરો મોટી સેના સહિત આવ્યા છે. તે બધા રણમાં
પ્રવીણ છે, પણ લવણ-અંકુશના સમાચાર સાંભળી યુદ્ધથી પરાઙમુખ શિથિલ થઈ ગયા
અને બધી બાબતોમાં પ્રવીણ હનુમાન પણ સીતા-પુત્રને જાણીને યુદ્ધથી શિથિલ થઈ
ગયો. વિમાનના શિખર પર બેઠેલી જાનકીને જોઈ બધા જ વિદ્યાધરો હાથ જોડી, મસ્તક
નમાવી, પ્રણામ કરી મધ્યસ્થ થઈ ગયા. સીતા બન્ને સેનાને જોઈને રોમાંચિત થઈ ગઈ,
તેનું શરીર ધ્રુજવા લાગ્યું. જેની ધ્વજા પવનથી ફરફરતી લહલહાટ કરે છે એવા લવણ-
અંકુશ રામ-લક્ષ્મણ સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. રામને સિંહની ધ્વજા છે, લક્ષ્મણને
ગરુડની ધ્વજા છે, બન્ને કુમાર યોદ્ધા રામ-લક્ષ્મણ સાથે લડે છે. આવતાં જ લવણે શ્રી
રામની ધ્વજા છેદી અને ધનુષ્ય તોડી નાખ્યું. પછી પ્રચંડ પરાક્રમી રામ બીજા રથ પર
ચડી ક્રોધથી ભૃકુટિ ચડાવી ગ્રીષ્મના સૂર્ય સમાન તેજસ્વી જેમ ચમરેન્દ્ર પર ઇન્દ્ર જાય તેમ
ગયા. જાનકીનંદન લવણ યુદ્ધની મહેમાનગતિ કરવા રામની સન્મુખ આવ્યો. રામ અને
લવણ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. આણે એના શસ્ત્રો છેદ્યા, તેણે આનાં. જેવું રામ-લવણ
વચ્ચે યુદ્ધ થયું તેવું જ અંકુશ અને લક્ષ્મણનું થયું. આમ પરસ્પર બન્ને જોડી લડયા ત્યારે
પરસ્પર યોદ્ધાઓ પણ લડયા. ઘોડાઓ રણરૂપ સમુદ્રના તરંગ સમાન ઊછળતા હતા. કોઈ
યોદ્ધો પ્રતિપક્ષીનું તૂટેલું બખ્તર જોઈ દયાથી મૌન રહી ગયો, કેટલાક યોદ્ધાઓ ના પાડવા
છતાં પરસેનામાં પેઠા અને સ્વામીનું નામ ઉચ્ચારતાં પરચક્ર સાથે લડવા લાગ્યા, કેટલાક
સુભટો મત્ત હાથીઓ સાથે ભિડાયા, કેટલાક હાથીઓના દાંતરૂપ શય્યા પર સુખપૂર્વક
રણ-નિદ્રા લેવા લાગ્યા, કેટલાક મહાભટના અશ્વ મરી ગયા એટલે પગપાળા જ લડવા
લાગ્યા, કોઈનાં શસ્ત્ર તુટી ગયાં તો પણ પાછા ન ફર્યા, હાથ વડે મુષ્ટિપ્રહાર કરવા
લાગ્યા. કોઈ સામંત બાણ ચલાવવાનું ચૂકી ગયા, તેને પ્રતિપક્ષી કહેવા લાગ્યા કે ચલાવ
ફરીથી, તે લજ્જાથી ચલાવી ન શક્યા. કોઈ નિર્ભયચિત્ત પ્રતિપક્ષીને શસ્ત્રરહિત દેખી પોતે
પણ શસ્ત્ર તજી ભુજાઓથી યુદ્ધ કરવા લાગ્યા. તે યૌદ્ધાઓએ રણસંગ્રામમાં પ્રાણ આપ્યા.
પણ પીઠ ન દીધી. જ્યાં રુધીરનો કાદવ થઈ ગયો છે, રથનાં પૈડા ડૂબી ગયાં છે, સારથી
શીઘ્ર ચલાવી શકતા નથી, પરસ્પર શસ્ત્રોના પડવાથી અગ્નિ ખરી રહ્યો છે અને
હાથીઓની સૂંઢના છાંટા ઊછળે છે. સામંતોએ હાથીના કુંભસ્થળ વિદાર્યા છે, સામંતોના
ઉરસ્થળ વિદાર્યા છે, હાથી કામમાં આવી ગયા છે તેનાથી માર્ગ અટકી ગયો છે,
હાથીઓનાં મોતી વિખેરાઈ રહ્યા છે.

Page 572 of 660
PDF/HTML Page 593 of 681
single page version

background image
પ૭ર એકસો ત્રીજું પર્વ પદ્મપુરાણ
તે યુદ્ધ એવું ભયંકર થયું જ્યાં સામંત પોતાનું શિર આપીને યશરૂપ રત્ન ખરીદવા લાગ્યા.
જ્યાં મૂર્ચ્છિત બનેલ પર કોઈ ઘા નથી કરતા, નિર્બળ પર ઘાત નથી કરતા, જ્યાં
સુભટોનું યુદ્ધ થાય છે, મહાયુદ્ધ કરનાર યોદ્ધાઓને જીવવાની આશા નથી. ક્ષોભ પામેલો
સમુદ્ર ગર્જે તેવો અવાજ જ્યાં થઈ રહ્યો છે તે સંગ્રામ સમાન રસવાળો થઈ ગયો.
ભાવાર્થ – ન આ સેના હટી, ન પેલી સેના ખસી. યોદ્ધાઓમાં પરસ્પર
ન્યૂનાધિકતા દેખાઈ નહિ, કેવા છે યોદ્ધા? જેમની પરમભક્તિ પોતાના સ્વામી પ્રત્યે છે.
સ્વામીએ આજીવિકા આપી હતી તેના બદલામાં એ પોતાનું જીવન દેવા ચાહે છે, જેને
પ્રચંડ રણની ચળ ઊપડી છે, સૂર્ય સમાન તેજ ધારણ કરી તે સંગ્રામના ધુરંધરો થયા.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગં્રથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં લવણાંકુશનું રામ-લક્ષ્મણ સાથે યુદ્ધ
વર્ણવતું એકસો બીજું પર્વ પૂર્ણ થયું.
* * *
એકસો ત્રીજું પર્વ
(રામ–લક્ષ્મણનો લવણ–અંકુશ સાથે પરિચય)
પછી ગૌતમ સ્વામી કહે છે કે હે શ્રેણિક! હવે જે હકીકત બની તે સાંભળો.
અનંગલવણના સારથિ રાજા વજ્રજંઘ અને મદનાંકુશના રજા પૃથુ છે. રામના સારથિ
કૃતાંતવક્ર અને લક્ષ્મણના વિરાધિત. શ્રી રામે વજ્રાવર્ત ધનુષ્ય ચડાવી કૃતાંતવક્રને કહ્યું હવે
તમે શીઘ્ર જ શત્રુ પર રથ ચલાવો, ઢીલ ન કરો ત્યારે તેણે કહ્યું કે હે દેવ! આ ઘોડા
નરવીરનાં બાણોથી જર્જરિત થઈ ગયા છે, એનામાં તેજ નથી, જાણે કે ઊંઘી ગયા છે, તે
તુરંગ લોહીની ધારાથી ધરતીને રંગે છે, જાણે કે પોતાનો અનુરાગ પ્રભુને દેખાડે છે અને
મારી ભુજા એનાં બાણોથી ભેદાઈ ગઈ છે, બખ્તર તૂટી ગયું છે. ત્યારે શ્રી રામે કહ્યું કે
મારું ધનુષ્ય પણ યુદ્ધકાર્ય કરવા અશક્ત એવું થઈ ગયું છે કે જાણે ચિત્રનું ધનુષ્ય હોય
અને આ મૂશળ પણ કાર્યરહિત થઈ ગયું છે. દુર્નિવાર જે શત્રુરૂપ ગજરાજ તેને માટે
અંકુશ સમાન આ હળ પણ શિથિલ બન્યું છે. શત્રુના પક્ષને માટે ભયંકર મારાં અમોદ્ય
શસ્ત્રો જેમની હજાર હજાર યક્ષો રક્ષા કરે છે તે શિથિલ થઈ ગયાં છે, શત્રુ પર ચાલે
એવું શસ્ત્રોનું સામર્થ્ય રહ્યું નથી. ગૌતમ સ્વામી કહે છે-હે શ્રેણિક! જેવાં અનંગલવણની
આગળ રામનાં શસ્ત્રો નિરર્થક થઈ ગયાં છે તેવાં જ મદનાંકુશની આગળ લક્ષ્મણનાં
શસ્ત્રો કાર્યરહિત થઈ ગયાં છે. તે બન્ને ભાઈ તો જાણે છે કે આ રામ-લક્ષ્મણ તો
અમારા પિતા અને કાકા છે તેથી તેઓ તો એમનું શરીર બચાવીને બાણ ચલાવે છે અને
આ તેમને ઓળખતા નથી તેથી શત્રુ સમજીને બાણ ચલાવે છે. લક્ષ્મણ દિવ્યાસ્ત્રનું
સામર્થ્ય તેમના પર ચાલતું નથી એમ જાણીને શર, ચક્ર, ખડ્ગ, અંકુશ ચલાવતા હતા તેથી

Page 573 of 660
PDF/HTML Page 594 of 681
single page version

background image
પદ્મપુરાણ એકસો ત્રીજું પર્વ પ૭૩
અંકુશે વજ્રદંડથી લક્ષ્મણનાં આયુધો નિષ્ફળ કર્યાં અને રામે ચલાવેલાં આયુધોને લવણે
નિષ્ફળ કર્યાં. પછી લવણે રામ તરફ શેલ ફેંકી અને અંકુશે લક્ષ્મણ પર. તે એવી
નિપુણતાથી પ્રહાર કર્યો હતો કે બન્નેને મર્મસ્થાન પર ન વાગે, સામાન્ય ચોટ લાગી.
લક્ષ્મણના નેત્ર ફરવા લાગ્યાં તેથી વિરાધિતે રથ અયોધ્યા તરફ ફેરવ્યો. પછી લક્ષ્મણે
સચેત થઈને ક્રોધથી વિરાધિતને કહ્યું કે હે વિરાધિત! તેં શું કર્યું? મારો રથ પાછો
વાળ્‌યો? હવે ફરીથી રથને શત્રુની સામે લ્યો, રણમાં પીઠ ન બતાવાય. શૂરવીરોને શત્રુની
સામે મરણ સારું, પણ પીઠ બતાવવી એ મહાનિંદ્ય છે. એવું કર્મ શૂરવીરોને યોગ્ય નથી.
જે દેવ અને મનુષ્યોથી પ્રશંસાયોગ્ય હોય તે કાયરતાને કેમ ભજે? હું દશરથનો પુત્ર
રામનો ભાઈ, વાસુદેવ, પૃથ્વી પર પ્રસિદ્ધ, સંગ્રામમાં પીઠ કેમ બતાવું? આથી વિરાધિતે
રથને યુદ્ધ સન્મુખ કર્યો. લક્ષ્મણ અને મદનાંકુશ વચ્ચે તુમુલ યુદ્ધ થયું. લક્ષ્મણે ક્રોધથી
મહાભયંકર ચક્ર હાથમાં લીધું, તે જ્વાળારૂપ દેખી ન શકાય તેવું ગ્રીષ્મના સૂર્ય જેવું અંકુશ
પર ચલાવ્યું. તે અંકુશ સમીપે પહોંચતાં પ્રભાવરહિત થઈ ગયું અને પાછું ફરીને લક્ષ્મણના
હાથમાં આવ્યું. લક્ષ્મણે ફરીવાર ચક્ર ચલાવ્યું તે પણ પાછું આવ્યું. આ પ્રમાણે વારંવાર
પાછું આવ્યું. પછી અંકુશે હાથમાં ધનુષ લીધું. તે વખતે અંકુશને અત્યંત તેજસ્વી જોઈને
લક્ષ્મણના પક્ષના બધા સામંતો આશ્ચર્ય પામ્યા. આ મહાપરાક્રમી અર્ધચક્રવર્તી જન્મ્યો;
લક્ષ્મણે કોટિશિલા ઉપાડી હતી; તેમને એવો વિચાર આવ્યો કે મુનિનાં વચન,
જિનશાસનનું કથન, બીજી રીતે કેમ થાય? લક્ષ્મણે પણ મનમાં માની લીધું કે આ
બળભદ્ર નારાયણ જન્મ્યા છે, આથી પોતે લજ્જિત થઈ યુદ્ધની ક્રિયાથી શિથિલ થયા.
પછી લક્ષ્મણને શિથિલ જોઈ નારદના કહેવાથી સિદ્ધાર્થે લક્ષ્મણની પાસે જઈને કહ્યું
કે વાસુદેવ તમે જ છો, જિનશાસનનાં વચન સુમેરુથી પણ અતિ નિશ્ચળ હોય છે. આ
કુમાર જાનકીના પુત્ર છે. એ ગર્ભમાં હતા ત્યારે જાનકીને વનમાં તજી હતી. તે તમારાં
અંગ છે, તેથી એમના ઉપર ચક્રાદિક શસ્ત્ર ચાલે નહિ. પછી લક્ષ્મણે બન્ને કુમારોના
વૃત્તાંત સાંભળી, હર્ષિત થઈ હાથમાંથી હથિયાર હેઠા મૂકી દીધાં., બખ્તર દૂર કર્યું, સીતાના
દુઃખથી આંસુ પાડવા લાગ્યાં અને તેમનાં નેત્ર ફરવા લાગ્યા. રામ શસ્ત્ર ફેંકી બખ્તર
ઉતારી મોહથી મૂર્ચ્છિત થયા, તેમને ચંદન છાંટી સચેત કર્યા. પછી સ્નેહથી ભર્યા પુત્રો
પાસે ચાલ્યા. પુત્ર રથમાંથી ઉતરી હાથ જોડી, શિર નમાવી પિતાના પગમાં પડયા. શ્રી
રામ સ્નેહથી દ્રવીભૂત થયા, પુત્રોને હૃદય સાથે ચાંપી વિલાપ કરવા લાગ્યા. રામ કહે છે-
અરેરે, પુત્રો! મંદબુદ્ધિવાળા મેં ગર્ભમાં રહેલા તમને સીતા સહિત ભયંકર વનમાં તજ્યા,
તમારી માતા નિર્દોષ છે. અરેરે પુત્રો! કોઈ મહાન પુણ્યથી મને તમારા જેવા પુત્રો મળ્‌યા,
તે ઉદરમાં હતા ત્યારે ભયંકર વનમાં કષ્ટ પામ્યા. હે વત્સ! આ વજ્રજંઘ વનમાં ન આવત
તો હું તમારા મુખરૂપ ચંદ્રમાને કેમ જોઈ શકત? હે બાળકો! આ દિવ્ય અમોધ શસ્ત્રોથી
તમે ન હણાયા તે પુણ્યના ઉદયથી દેવોએ સહાય કરી. અરેરે, મારા અંગમાંથી ઉત્પન્ન
થનાર! મારાં બાણથી વીંધાઈને તમે રણક્ષેત્રમાં પડયા હોત તો જાનકી શું

Page 574 of 660
PDF/HTML Page 595 of 681
single page version

background image
પ૭૪ એકસો ત્રીજું પર્વ પદ્મપુરાણ
કરત? બધાં દુઃખોમાં ઘરમાંથી બહાર કાઢવાનું દુઃખ સૌથી મોટું છે. તમારી માતા
ગુણવાન, વ્રતી, પતિવ્રતા છતાં મેં તેને વનમાં તજી અને તમારા જેવા પુત્ર ગર્ભમાં હતા.
આ કામ મેં સાવ સમજ્યા વિના કર્યું. કદાચ યુદ્ધમાં તમારું અવસાન થયું હોત તો મને
ચોક્કસ ખાતરી છે કે શોકથી વિહ્વળ જાનકી જીવત નહિ. રામે આ પ્રમાણે વિલાપ કર્યો.
પછી કુમારોએ વિનયથી લક્ષ્મણને પ્રણામ કર્યા. લક્ષ્મણે સીતાના શોકથી વિહ્વળ થઈ,
આંસુ વહાવતાં સ્નેહથી બન્ને કુમારોને છાતીએ લગાડયા. શત્રુધ્ન આદિ આ સમાચાર
સાંભળી ત્યાં આવ્યા, કુમારોએ તેમનો યથાયોગ્ય વિનય કર્યો. તે હૃદય સાથે ભેટીને
મળ્‌યા, પરસ્પર અત્યંત પ્રેમ ઉત્પન્ન થયો. બન્ને સેનાના માણસો પરસ્પર હેતથી મળ્‌યા,
કેમ કે જો સ્વામીને સ્નેહ થાય તો સેવકોને પણ થાય. સીતા પુત્રોનું માહાત્મ્ય જોઈ અતિ
હર્ષ પામી વિમાનમાર્ગે પાછી પુંડરિકપુર ગઈ. ભામંડળ વિમાનમાંથી ઊતરી સ્નેહભર્યો,
આંસુ સારતો ભાણેજોને મળ્‌યો, ખૂબ હર્ષ પામ્યો. હનુમાન પણ પ્રેમપૂર્વક હૃદય સાથે
ભેટીને મળ્‌યા અને વારંવાર કહ્યું, સારું થયું, સારું થયું. વિભીષણ, સુગ્રીવ, વિરાધિત બધા
જ કુમારોને મળ્‌યા, પરસ્પર હિતની વાતો થઈ, ભૂમિગોચરી અને વિદ્યાધર બધા જ
મળ્‌યા. દેવો પણ આવ્યા, બધાને આનંદ થયો. રામ પુત્રોને મેળવીને અતિઆનંદ પામ્યા.
આખી પૃથ્વી મળવા કરતાંય પુત્રલાભને અધિક માન્યો. રામનો હર્ષ કહી શકાય તેમ
નથી. વિદ્યાધરીઓ આકાશમાં નૃત્ય કરવા લાગી. ભૂમિગોચરી સ્ત્રીઓ પૃથ્વી પર નૃત્ય
કરતી હતી. લક્ષ્મણે પોતાને કૃતાર્થ માન્યા, જાણે કે આખો લોક જીતી લીધો. હર્ષથી
તેમની આંખો ખીલી ઊઠી હતી. રામે મનમાં વિચાર્યું કે હું સગર ચક્રવર્તી સમાન છું અને
બન્ને પુત્રો ભીમ અને ભગીરથ સમાન છે. રામને વજ્રજંઘ પર ખૂબ પ્રેમ થયો. તેમણે
કહ્યું કે તમે મારા માટે ભામંડળ સમાન છો. અયોધ્યાપુરી તો પહેલેથી જ સ્વર્ગપુરી જેવી
હતી અને કુમારોના આવવાથી અતિ શોભાયમાન બની-જેમ સુંદર સ્ત્રી સહેજે જ શોભે
છે અને શ્રૃંગારાદિ કરે ત્યારે અત્યંત શોભે છે. શ્રી રામ-લક્ષ્મણ અને બન્ને પુત્રો સાથે
પુષ્પક વિમાનમાં બિરાજ્યા. સૂર્ય જેવી જ્યોતિવાળા રામ-લક્ષ્મણ અને બન્ને કુમારો
અદ્ભુત આભૂષણ પહેરી જાણે સુમેરુના શિખર પર મહામેઘ વીજળીના ચમકારા સહિત
રહ્યા હોય તેવા શોભે છે.
ભાવાર્થ–વિમાન તે સુમેરુનું શિખર અને લક્ષ્મણ મહામેઘનું સ્વરૂપ અને રામ તથા
બન્ને પુત્રો તે વીજળી સમાન ભાસતા હતા. એ વિમાનમાં બેસી નગરની બહાર ઉદ્યાનમાં
જિનમંદિરનાં દર્શન કરવા ગયા. નગરના કોટ પર ઠેકઠેકાણે ધજા ચડાવી છે, જે જોતાં
જોતાં અનેક રાજાઓ સાથે જાય છે, સ્ત્રીઓ ઝરુખામાં બેસી તેમને જોઈ રહી છે. લવણ-
અંકુશને જોવાનું બધાને કુતૂહલ છે, નેત્રરૂપ અંજલિથી લવણ-અંકુશની સુંદરતારૂપ
અમૃતનું પાન કરે છે, પણ તૃપ્ત થતા નથી. નગરમાં સ્ત્રી-પુરુષોની એવી ભીડ છે કે
કોઈના હાર-કુંડળ દેખાતાં નથી. સ્ત્રીઓ પરસ્પર વાતો કરે છે. કોઈ કહે છે-હે માતા,
જરાક મુખ આ તરફ કરો, મને કુમારોને જોવાનું કૌતૂક છે, હે અખંડ કૌતૂક! તે તો ઘણી
વાર સુધી જોયા, હવે અમને જોવા દો, તારું શિર

Page 575 of 660
PDF/HTML Page 596 of 681
single page version

background image
પદ્મપુરાણ એકસો ચોથું પર્વ પ૭પ
નીચું કર, જેથી અમને દેખાય, ઊંચું માથું શા માટે કરી રહી છો? કોઈ કહે છે-તારા
શિરના કેશ વિખરાઈ ગયા છે તેને સરખા કર. કોઈ કહે છે-હે ચંચળ ચિત્તવાળી! તું શા
માટે અમારા પ્રાણોને પીડા ઉપજાવે છે? તું જોતી નથી કે આ ગર્ભવતી સ્ત્રી ઊભી છે,
પીડિત છે. કોઈ કહે છે-જરા આઘી જા, શું અચેતન થઈ ગઈ છે, કુમારોને જોવા દેતી
નથી. આ બન્ને રામચંદ્રના પુત્રો રામદેવની પાસે બેઠા છે, તેમના લલાટ અષ્ટમીના ચંદ્ર
સમાન છે. કોઈ પૂછે છે-આમાં લવણ કોણ અને અંકુશ કોણ? આ તો બન્ને સરખા લાગે
છે. ત્યારે કોઈ કહે છે-આ લાલ વસ્ત્ર પહેર્યું છે તે લવણ છે અને આ લીલું વસ્ત્ર પહેર્યું
છે તે અંકુશ છે. જેમણે આ પુત્રોને જન્મ આપ્યો તે મહાપુણ્યવતી સીતાને ધન્ય છે. કોઈ
કહે છે-ધન્ય છે તે સ્ત્રી, જેણે આવા પતિ મેળવ્યા છે. સ્ત્રીઓ એકાગ્રચિત્તથી આ પ્રમાણે
વાતો કરે છે. સૌનું ચિત્ત કુમારોને જોવામાં છે. ખૂબ ભીડ થઈ ગઈ. તે ભીડમાં કોઈના
ગાલ પર કોઈના કર્ણાભરણની અણી વાગી, પણ તેને ખબર ન પડી. કોઈની કાંચીદામ
જતી રહી તેની ખબર ન પડી, કોઈના મોતીના હાર તૂટયા અને મોતી વિખરાઈ ગયાં,
જાણે કુમાર આવ્યા તેથી આ પુષ્પ વરસે છે. કોઈની નેત્રોની પલક બિડાતી નથી, સવારી
દૂર ચાલી ગઈ તો પણ તે તરફ જુએ છે. નગરની ઉત્તમ સ્ત્રીઓરૂપી વેલ પરથી
પુષ્પવૃષ્ટિ થઈ અને પુષ્પોની મકરંદથી માર્ગ સુવાસિત બની ગયો છે. શ્રી રામ ખૂબ
શોભા પામ્યા, પુત્રો સહિત વનનાં ચૈત્યાલયોનાં દર્શન કરી પોતાના મહેલમાં આવ્યા.
પોતાના પ્યારા પુત્રોના આગમનના ઉત્સાહથી મહેલ સુખરૂપ બની ગયો છે તેનું વર્ણન
ક્યાં સુધી કરીએ? પુણ્યરૂપી સૂર્યના પ્રકાશથી જેમનાં મનકમળ ખીલ્યાં છે એવા મનુષ્ય
અદ્ભુત સુખ પામે છે.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગં્રથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં લવણાંકુશના મેળાપનું વર્ણન
કરનાર એકસો ત્રીજું પર્વ પૂર્ણ થયું.
* * *
એકસો ચોથું પર્વ
(સીતાના શીલની પરીક્ષા માટે તેને અગ્નિકુંડમાં પ્રવેશવાની રામની આજ્ઞા)
પછી વિભીષણ, સુગ્રીવ અને હનુમાને મળીને રામને વિનંતી કરી કે હે નાથ!
અમારા ઉપર કૃપા કરો, અમારી વિનંતી માનો, જાનકી દુઃખી રહે છે તેથી તેને અહીં
લાવવાની આજ્ઞા કરો ત્યારે રામ દીર્ઘ ઉષ્ણ નિસાસો નાખીને ક્ષણમાત્ર વિચારીને બોલ્યા
કે હું સીતાને દોષરહિત માનું છું, તેનું ચિત્ત ઉત્તમ છે. પરંતુ લોકાપવાદથી તેને ઘરમાંથી
કાઢી છે, હવે તેને કેવી રીતે બોલાવું? તેથી લોકોને પ્રતીતિ ઉપજાવીને જાનકી આવે તો
અમારો અને તેનો સહવાસ થઈ શકે, અન્યથા કેવી રીતે થાય? તેથી બધા દેશના
રાજાઓને બોલાવો, બધા ભૂમિગોચરી અને

Page 576 of 660
PDF/HTML Page 597 of 681
single page version

background image
પ૭૬ એકસો ચોથું પર્વ પદ્મપુરાણ
વિદ્યાધરો આવે, બધાના દેખતા સીતા શપથ લઈને શુદ્ધ થઈ મારા ઘરમાં પ્રવેશ કરે. જેમ
શચિ ઇન્દ્રના ઘરમાં પ્રવેશ કરે. ત્યારે બધાએ કહ્યું કે આપ જેમ આજ્ઞા કરશો તે પ્રમાણે
જ થશે. પછી બધા દેશના રાજાઓને બોલાવવામાં આવ્યા. તે બાળ, વૃદ્ધ, સ્ત્રી, પરિવાર
સહિત અયોધ્યા નગરમાં આવ્યા. જેણે સૂર્યને પણ જોયો નહોતો, ઘરમાં જ રહેતી એવી
સ્ત્રીઓ પણ આવી. બીજા લોકોની તો શી વાત? અનેક પ્રસંગોના જાણનાર વૃદ્ધો દેશમાં
જે અગ્રણી હતા તે બધા દેશમાંથી આવ્યા. કોઈ ઘોડા પર બેસીને, કોઈ રથમાં બેસીને,
કોઈ પાલખી કે અનેક પ્રકારનાં વાહનો દ્વારા આવ્યા. વિદ્યાધરો આકાશમાર્ગે વિમાનમાં
બેસીને આવ્યા અને ભૂમિગોચરી જમીનમાર્ગે આવ્યા જાણે કે જગત જંગમ થઈ ગયું.
રામની આજ્ઞાથી જે અધિકારી હતા તેમણે નગરની બહાર લોકોને રહેવા માટે તંબુ ઊભા
કરાવ્યા અને અનેક વિશાળ મહેલો બનાવ્યા. તેના મજબૂત થાંભલા ઉપર ઊંચા મંડપો,
વિશાળ ઝરુખા, સુંદર જાળીઓ ગોઠવી, જેમાં સ્ત્રીઓ અને પુરુષો ભેગા થયા. પુરુષો
યોગ્ય સ્થાને બેઠા, સૌને સીતાના શપથ લેતી વખતનું દ્રશ્ય જોવાની અભિલાષા હતી.
જેટલા માણસો આવ્યા તે બધાની સર્વ પ્રકારની મહેમાનગતિ રાજ્યના અધિકારીઓએ
કરી. બધાને શય્યા, આસન, ભોજન, તાંબુલ, વસ્ત્ર, સુગંધ, માળાદિક બધી સામગ્રી
રાજદ્વારેથી પહોંચી, બધાની સ્થિરતા કરવામાં આવી. રામની આજ્ઞાથી ભામંડળ,
વિભીષણ, સુગ્રીવ, હનુમાન, વિરાધિત, રત્નજટી એ મોટા મોટા રાજાઓ આકાશમાર્ગે
ક્ષણમાત્રમાં પુંડરિકપુર ગયા. તે બધી સેનાને નગરની બહાર રાખી પોતે જ્યાં જાનકીને
રાખી હતી ત્યાં આવ્યા, જય જય શબ્દ બોલીને પુષ્પાંજલિ ચડાવીને ચરણોમાં પ્રણામ કરી
અતિવિનયપૂર્વક આંગણામાં બેઠા. ત્યારે સીતા આંસુ સારતી પોતાની નિંદા કરવા લાગી-
દુર્જનોનાં વચનરૂપ દાવાનળથી મારાં અંગ ભસ્મ થઈ ગયાં છે તે ક્ષીરસાગરના
જળસીંચનથી પણ શીતળ થાય તેમ નથી. ત્યારે તેમણે કહ્યું કે હે દેવી! ભગવતી! હવે
આપ શોક તજો. આપના મનમાં સમાધાન કરો. આ પૃથ્વી પર એવો કોણ મનુષ્ય છે જે
આપનો અપવાદ કરે એવું કોણ છે જે પૃથ્વીને પણ ચલિત કરે? અને અગ્નિની શિખાને
પીવે તથા સુમેરુને ઊંચકવાનો ઉદ્યમ કરે, જીભથી સૂર્યચંદ્રને ચાટે? એવો કોઈ નથી.
આપના ગુણરૂપ રત્નોના પર્વતને કોઈ ચલાવી શકે નહિ. જે તમારા જેવી મહાસતીઓની
નિંદા કરે તેની જીભના હજાર ટુકડા કેમ ન થઈ જાય? જે કોઈ ભરતક્ષેત્રમાં અપવાદ
કરશે તે દુષ્ટોનો અમે સેવકો મોકલી નાશ કરીશું. જે વિનયી તમારા ગુણ ગાવામાં
અનુરાગી છે તેમનાં ઘરોમાં રત્નવૃષ્ટિ કરીશું. આ પુષ્પક વિમાન શ્રી રામચંદ્રે મોકલ્યું છે.
તેમાં આનંદપૂર્વક બેસી અયોધ્યા તરફ ગમન કરો. જેમ ચંદ્રકળા વિના આકાશ ન શોભે,
દીપક વિના ઘર ન શોભે, શાખા વિના વૃક્ષ ન શોભે તેમ આખો દેશ, નગર અને શ્રી
રામનું ઘર તમારા વિના શોભતું નથી. હે રાજા જનકની પુત્રી! આજે રામનું મુખચંદ્ર
જુઓ. હે પતિવ્રતે! તમારે પતિનું વચન અવશ્ય માનવું. જ્યારે તેમણે આમ કહ્યું ત્યારે
સીતા મુખ્ય સહેલીઓને લઈ પુષ્પક વિમાનમાં આરૂઢ થઈ. શીઘ્ર સંધ્યાના સમયે આવી.
સૂર્યાસ્ત થઈ ગયો

Page 577 of 660
PDF/HTML Page 598 of 681
single page version

background image
પદ્મપુરાણ એકસો ચોથું પર્વ પ૭૭
તેથી મહેન્દ્રોદય નામના ઉદ્યાનમાં રાત્રિ વિતાવી. પહેલાં રામ સહિત અયોધ્યા આવતી
વખતે જે વન મનોહર લાગ્યું હતું તે હવે રામ વિના રમણીય ન લાગ્યું.
પછી સૂર્યોદય થયો, કમળો ખીલ્યાં. જેમ રાજાના કિંકરો પૃથ્વી પર ફરે તેમ સૂર્યનાં
કિરણો પૃથ્વી પર ફેલાઈ ગયાં. જેમ શપથથી અપવાદ દૂર થાય તેમ સૂર્યના પ્રતાપથી
અંધકાર દૂર થયો. ત્યારે સીતા ઉત્તમ સ્ત્રીઓ સાથે હાથણી પર બેસી રામ પાસે ચાલી,
જેની પ્રભા મનની ઉદાસીનતાથી હણાઈ ગઈ છે તો પણ ભદ્ર પરિણામ રાખનારી અત્યંત
શોભતી હતી. જેમ ચંદ્રમાની કળા તારાઓથી મંડિત શોભે છે તેમ સખીઓથી વીંટળાયેલી
સીતા શોભે છે. આખી સભાએ વિનય સહિત સીતાને જોઈ વંદન કર્યા. એ પાપરહિત,
ધૈર્ય રાખનારી રામની પતિવ્રતા સભામાં આવી. રામ સમુદ્ર સમાન ક્ષોભ પામ્યા. સીતાના
જવાથી લોકો વિષાદથી ઘેરાયેલા હતા અને કુમારોના પ્રતાપ જોઈ આશ્ચર્યથી ભરાઈ ગયા.
સીતાના આવવાથી હર્ષભર્યા આવા શબ્દો બોલ્યા-હે માતા! સદા જયવંત હો, આનંદ
પામો, વૃદ્ધિ પામો, ફૂલોફળો. ધન્ય છે આ રૂપને, ધન્ય આ ધૈર્યને, ધન્ય આ સત્યને,
ધન્ય આ પ્રકાશ, ધન્ય આ ભાવુકતા, ધન્ય આ ગંભીરતા, ધન્ય આ નિર્મળતા. આવાં
વચન સમસ્ત સ્ત્રીપુરુષના સમુદાયમાંથી આવ્યાં. આકાશમાં વિદ્યાધરો, ભૂમિગોચરીઓ
અત્યંત કૌતુકપૂર્ણ, પલકરહિત સીતાનાં દર્શન કરવા લાગ્યા. પરસ્પર બોલતા હતા કે
પૃથ્વીના પુણ્યના ઉદયથી જનકસુતા પાછી આવી. કેટલાક ત્યાં શ્રી રામ તરફ જુએ છે
જેમ દેવો ઇન્દ્ર તરફ જુએ, રામની પાસે બેઠેલા લવણ અને અંકુશને જોઈ પરસ્પર કહે
છે-આ કુમાર રામ જેવા જ છે. કોઈ લક્ષ્મણ તરફ જુએ છે, જે શત્રુઓના પક્ષનો ક્ષય
કરવાને સમર્થ છે. કોઈ ભામંડળ તરફ, કોઈ શત્રુધ્ન તરફ, કોઈ હનુમાન તરફ, કોઈ
વિભીષણ તરફ, કોઈ વિરાધિત તરફ, કોઈ સુગ્રીવ તરફ નીરખે છે અને કોઈ આશ્ચર્ય
પામી સીતા તરફ જુએ છે.
પછી જાનકી રામને જોઈ પોતાને વિયોગસાગરના અંતને પામેલી માનવા લાગી.
જ્યારે સીતા સભામાં આવી ત્યારે લક્ષ્મણે અર્ધ્ય આપી નમસ્કાર કર્યા. અને બધા
રાજાઓએ પ્રણામ કર્યા. સીતા ઉતાવળથી પાસે આવવા લાગી ત્યારે રામ જોકે ક્ષોભ
પામ્યા છે તો પણ ક્રોધથી મનમાં વિચારવા લાગ્યા કે આને વનમાં મૂકી હતી તે મારા
મનને હરનારી ફરી આવી. જુઓ, આ મહાધીઠ છે, મેં તજી તો પણ મારા પ્રત્યે અનુરાગ
છોડતી નથી? રામની આવી ચેષ્ટા જોઈને મહાસતી ચિત્તમાં ઉદાસ થઈ વિચારવા લાગી-
મારા વિયોગનો અંત આવ્યો નથી, મારું મનરૂપ જહાજ વિરહરૂપ સમુદ્રના તીરે આવી
તૂટી જવાનું હોય તેમ લાગે છે. આવી ચિંતાથી વ્યાકુળ થઈ પગના અંગૂઠાથી જમીન
ખોતરવા લાગી. બળદેવની પાસે ભામંડળની બહેન ઇન્દ્ર આગળ સંપદા જેવી શોભે છે.
ત્યારે રામે કહ્યું-હે સીતે! મારી પાસે કેમ ઊભી છે? તું દૂર જા, હું તને જોવાનો અનુરાગ
રાખતો નથી, મારી આંખ મધ્યાહ્નના સૂર્યને અને આશીવિષ સર્પને જોઈ શકે, પરંતુ
તારા શરીરને જોઈ શકતી નથી. તું ઘણા મહિના રાવણના ઘરમાં રહી,

Page 578 of 660
PDF/HTML Page 599 of 681
single page version

background image
પ૭૮ એકસો ચોથું પર્વ પદ્મપુરાણ
હવે તને ઘરમાં રાખવી એ મારા માટે શું ઉચિત છે? ત્યારે જાનકી બોલી તમારું ચિત્ત
અતિનિર્દય છે, મહાપંડિત હોવા છતાં પણ તમે મૂઢ લોકોની જેમ મારો તિરસ્કાર કર્યો તે
શું ઉચિત છે? ગર્ભવતી મને જિનદર્શનની અભિલાષા થઈ હતી અને તમે કુટિલતાથી
યાત્રાનું નામ લઈને મને વિષમ વનમાં ફેંકી દીધી, એ શું ઉચિત હતું? મારું કુમરણ થયું
હોત, હું કુગતિમાં ગઈ હોત, તો તેથી તમને કઈ સિદ્ધિ મળત? જો તમારા મનમાં તજી
દેવાનો ભાવ હોત તો તમારે મને આર્યિકાઓની સમીપ મૂકી દેવી હતી. અનાથ, દીન,
દરિદ્રી, કુટુંબરહિત, મહાદુઃખીનાં દુઃખ દૂર કરવાનો ઉપાય જિનશાસનનું શરણ છે, એના
જેવું બીજું કાંઈ ઉત્તમ નથી. હે પદ્મનાભ! તમે કરવામાં તો કાંઈ કચાશ રાખી નથી, હવે
પ્રસન્ન થાવ, આજ્ઞા કરો તે પ્રમાણે કરું. આમ કહીને દુઃખથી ભરેલી તે રોવા લાગી.
ત્યારે રામ બોલ્યા-હું જાણું છું કે તમારું શીલ નિર્દોષ છે અને તમે નિષ્પાપ અણુવ્રતની
ધારક, મારી આજ્ઞાકારિણી છો, તમારા ભાવોની શુદ્ધતા હું સારી રીતે જાણું છું, પરંતુ આ
જગતના લોકો કુટિલ સ્વભાવવાળા હોય છે. તેમણે નિરર્થક તારો અપવાદ કર્યો છે તેથી
એમનો સંદેહ મટે અને એમને યથાવત્ પ્રતીતિ આવે તેમ કર. ત્યારે સીતાએ કહ્યું-આપ
આજ્ઞા કરો તે મને માન્ય છે. જગતમાં જેટલા પ્રકારના દિવ્ય શપથ છે તે બધા લઈને
પૃથ્વીનો સંદેહ દૂર કરું. હે નાથ! વિષમાં મહાવિષ કાળકૂટ છે જેને, સૂંઘતાં આવિષ સર્પ
પણ ભસ્મ થઈ જાય છે તે હું પીઉં, અગ્નિની વિષમ જ્વાળામાં હું પ્રવેશ કરું, આપ જે
આજ્ઞા કરો તે પ્રમાણે હું કરું, એકાદ ક્ષણ વિચારીને રામ બોલ્યા-અગ્નિકુંડમાં પ્રવેશ કરો.
સીતાએ અત્યંત હર્ષથી કહ્યું કે એ મને પ્રમાણ (માન્ય) છે. ત્યારે નારદ મનમાં વિચારવા
લાગ્યા કે આ તો મહાસતી છે, પરંતુ અગ્નિનો શો ભરોસો? એણે મૃત્યું જ સ્વીકાર્યું છે.
ભામંડળ, હનુમાનાદિક અત્યંત કોપથી પીડિત થયા અને લવણ-અંકુશ માતાનો અગ્નિમાં
પ્રવેશ કરવાનો નિશ્ચય જાણી અતિવ્યાકુળ થયા. સિધ્ધાર્થે બન્ને હાથ ઊંચા કરીને કહ્યું, હે
રામ! દેવોથી પણ સીતાના શીલનો મહિમા કહી ન શકાય તો મનુષ્ય તો શું કહે? કદાચ
સુમેરુ પાતાળમાં પ્રવેશ કરે અને બધા જ સમુદ્રો સુકાઈ જાય તો પણ સીતાનું શીલવ્રત
ચલાયમાન ન થાય. કદાચ ચંદ્રકિરણ ઉષ્ણ થાય અને સૂર્યકિરણ શીતળ થાય તો પણ
સીતાને દોષ ન લાગે. મેં વિદ્યાના બળે પાંચ સુમેરુ પર તથા જે શાશ્વત-અશાશ્વત કૃત્રિમ
અને અકૃત્રિમ ચૈત્યાલયો છે ત્યાં બધે જિનવંદના કરી છે. હે પદ્મનાભ! સીતાના વ્રતનો
મહિમા મેં ઠેકઠેકાણે મુનિઓના મુખે સાંભળ્‌યો છે. તેથી તમે મહાવિચક્ષણ છો. આ
મહાસતીને અગ્નિપ્રવેશની આજ્ઞા ન કરો. આકાશમાં વિદ્યાધરો, પૃથ્વી પર ભૂમિગોચરી,
બધા એક જ વાત કહેતા હતા હે દેવ! પ્રસન્ન થઈ સૌમ્યતા ધારણ કરો. હે નાથ! અગ્નિ
સમાન કઠોર ચિત્ત ન કરો. સીતા સતી છે, સીતા અન્યથા નથી, જે મહાપુરુષોની રાણી
હોય તે કદી પણ વિકારરૂપ ન થાય. પ્રજાના બધા જ માણસો પણ એ જ વાત કહેવા
લાગ્યા અને વ્યાકુળ થયા. આંખમાંથી આંસુના મોટાં મોટાં ટીપાં પડવા લાગ્યા.

Page 579 of 660
PDF/HTML Page 600 of 681
single page version

background image
પદ્મપુરાણ એકસો ચોથું પર્વ પ૭૯
ત્યારે રામે કહ્યું કે તમે આટલા દયાળુ છો તો પહેલાં અપવાદ કેમ કર્યો? રામે
સેવકોને આજ્ઞા કરી-એક ત્રણસો હાથ ચોરસ વાવ ખોદો અને સૂકાં લાકડાં, ચંદન અને
કૃષ્ણાગુરુથી તે ભરો, તેમાં અગ્નિ સળગાવો, સાક્ષાત્ મૃત્યુનું સ્વરૂપ કરો. કિંકરોએ
આજ્ઞાપ્રમાણ કોદાળીથી ખોદી અગ્નિવાપિકા બનાવી અને તે જ રાત્રે મહેન્દ્રોદય નામના
ઉદ્યાનમાં સકળભૂષણ મુનિને પૂર્વ વેરના યોગથી અતિરૌદ્ર વિદ્યુત્વક્ર નામની રાક્ષસીએ
ઉપસર્ગ કર્યો તે મુનિ અત્યંત ઉપસર્ગ જીતી કેવળજ્ઞાન પામ્યા.
(સકળભૂષણ કેવળીના પૂર્વભવ અને વેરનું કારણ)
આ કથા સાંભળી શ્રેણિકે ગૌતમ સ્વામીને પૂછયું-હે પ્રભો! રાક્ષસી અને મુનિ વચ્ચે
પૂર્વનું વેર કેવી રીતે થયું? ગૌતમ સ્વામીએ જવાબ આપ્યો-હે શ્રેણિક! સાંભળ,
વિજ્યાર્ધગિરિની ઉત્તર શ્રેણીમાં ગુંજ નામનું નગર હતું. ત્યાં સિંહવિક્રમ રાણીના પુત્ર
સકળભૂષણને આઠસો સ્ત્રીઓ હતી, તેમાં મુખ્ય કિરણમંડલા હતી. એક દિવસ તેણે પોતાની
શોકયના કહેવાથી પોતાના મામાના પુત્ર હેમશિખનું રૂપ ચિત્રપટમાં દોર્યું તે જોઈને
સકળભૂષણે કોપ કર્યો. ત્યારે બધી સ્ત્રીઓએ કહ્યું એ અમે દોરાવ્યું છે, એનો કોઈ દોષ
નથી. આથી સકળભૂષણ કોપ ત્યજી પ્રસન્ન થયા. એક દિવસ આ પતિવ્રતા કિરણમંડલા
પતિ સાથે સૂતી હતી કે પ્રમાદથી બબડી અને હેમશિખ નામનો ઉચ્ચાર કર્યો. હવે આ તો
નિર્દોષ, અને હેમશિખ પ્રત્યે ભાઈ જેવી બુદ્ધિ હતી, અને સકળભૂષણે બીજો ભાવ વિચાર્યો,
રાણી પ્રત્યે ગુસ્સો કરી વૈરાગ્ય પામ્યા. રાણી કિરણમંડલા પણ આર્યિકા થઈ. પરંતુ તેના
મનમાં પતિ પ્રત્યે દ્વેષભાવ રહ્યો કે આણે મને જૂઠો દોષ લગાડીને કલંકિત કરી. તે મરીને
વિદ્યદ્વક નામની રાક્ષસી થઈ તે પૂર્વના વેરથી સકળભૂષણ મુનિ આહાર માટે જતાં ત્યારે તે
અંતરાય કરતી, કોઈ વાર મત્ત હાથીઓનાં બંધન તોડાવી નાખતી તેથી હાથી ગામમાં
ઉપદ્રવ કરતા અને આમને અંતરાય થતો. કોઈ વાર એ આહાર માટે જતાં ત્યાં આગ
લગાડી દેતી. કોઈ વાર ધૂળની વૃષ્ટિ કરતી, ઈત્યાદિ જાતજાતના અંતરાય કરતી. કોઈ વાર
અશ્વનું કોઈ વાર વૃષભનું રૂપ લઈ તેમની સામે આવતી. કોઈ વાર માર્ગમાં કાંટા પાથરતી
એમ આ પાપિણી કુચેષ્ટા કરતી. એક દિવસ સ્વામી કાયોત્સર્ગ ધારણ કરીને ઊભા હતા
અને એણે અવાજ કર્યો કે આ ચોર છે તેથી એનો અવાજ સાંભળી, દુષ્ટોએ પકડીને તેમનું
અપમાન કર્યું. પછી ઉત્તમ પુરુષોએ તેમને છોડાવ્યા. એક દિવસ એ આહાર લઈને જતા
હતા ત્યારે તે પાપિણી રાક્ષસીએ કોઈ સ્ત્રીનો હાર લઈને તેમના ગળામાં નાખી દીધો અને
બૂમો પાડી કે આ ચોર છે, હાર લઈ જાય છે. લોકો બૂમો સાંભળી આવી પહોંચ્યા, એમને
પીડા આપીને પકડી લીધા. ભલા માણસોએ તેમને છોડાવ્યા. આ પ્રમાણે ક્રૂર ચિત્તવાળી,
દયારહિત સ્ત્રી પૂર્વના વેરથી મુનિને ઉપદ્રવ કરતી. ગઈ રાત્રિએ તે પ્રતિમાયોગ ધારણ
કરીને મહેન્દ્રોદય નામના ઉદ્યાનમાં બિરાજતા હતા ત્યારે રાક્ષસીએ રૌદ્ર ઉપસર્ગ કર્યો, વ્યંતર
દેખાડયા; હાથી, સિંહ, વાઘ, સર્પ દેખાડયા, રૂપગુણમંડિત નાના પ્રકારની સ્ત્રીઓ દેખાડી,
જાતજાતના ઉપદ્રવ કર્યા, પરંતુ