PDF/HTML Page 1841 of 4199
single page version
ભાઈ! તારો મહિમા તેં બીજામાં-રાગમાં અને પુણ્યમાં નાખી દીધો. વળી કાંઈક શરીર સારું મળ્યું તો એમાં તને અધિકતા ભાસે છે. આમ પોતાના સ્વભાવ સિવાય પરવસ્તુ તને ઠીક રુચિકર લાગે છે તે પરનો તને મહિમા થયો છે. પરનો મહિમા કરીને સ્વરૂપભ્રાંતિને લીધે ભાઈ! તું અનંતકાળમાં દુઃખી થયો છું. અહીં કહે છે-પર-રાગાદિને, કર્મ-નોકર્મને અને આત્માને પરસ્પર સ્વરૂપવિપરીતતા છે, સ્વરૂપથી જ વિરોધ છે.
આત્માનું જ્ઞાન અને આનંદસ્વરૂપ છે અને રાગાદિ આસ્રવો જડ અને દુઃખ સ્વરૂપે છે. આમ આત્મા અને આસ્રવોને અત્યંત સ્વરૂપવિપરીતતા છે; તેથી બન્નેને પરમાર્થભૂત આધારઆધેય સંબંધ નથી. ત્યારે એમાંથી કોઈ કાઢે કે પરમાર્થભૂત આધારઆધેય સંબંધ નથી પણ વ્યવહારથી તો એવો સંબંધ છે ને? તેને કહીએ છીએ કે ભાઈ! અસદ્ભૂત વ્યવહારનયથી એનું જ્ઞાન કરાવવા એવો સંબંધ કહેવામાં આવે છે.
પ્રશ્નઃ– કર્મકાંડથી જ્ઞાનકાંડ થાય એવું પ્રવચનસારમાં આવે છે ને?
ઉત્તરઃ– હા, આવે છે; પણ એ કઈ અપેક્ષાએ કથન છે એ જાણવું જોઈએ ને? શાસ્ત્રમાં એક બાજુ ‘હા’ પાડે અને બીજી બાજુ ‘ના’ પાડે તો એનો અર્થ શું તે સમજવું જોઈએ ને? શાસ્ત્રમાં કયા નયનું એ વચન છે તે યથાર્થ જાણી તેનો ભાવ યથાર્થ સમજવો જોઈએ. કર્મકાંડથી જ્ઞાનકાંડ થાય એ વ્યવહારનયનું-અસદ્ભૂત વ્યવહારનયનું કથન છે અને તે ઉપચાર છે જ્યારે અહીં કહે છે-ક્રિયાકાંડ અને જ્ઞાનકાંડ વચ્ચે પરસ્પર અત્યંત સ્વરૂપવિપરીતતા છે; આ નિશ્ચયનય છે અને તે યથાર્થ છે, સત્યાર્થ છે.
વ્યવહારથી નિશ્ચય થાય એમ જયસેનાચાર્યની ટીકામાં બહુ આવે છે. એથી લોકો એને વળગી પડે છે. પણ ભાઈ! એ અસદ્ભૂત વ્યવહારનયનું કથન છે. અહીં કહે છે-વ્યવહારને અને આત્માને સ્વરૂપવિપરીતતા છે માટે આત્માને અને વ્યવહારને (-રાગને) આધારઆધેય સંબંધ નથી. જ્યાં આધારઆધેય સંબંધ કહ્યો હોય ત્યાં એ વ્યવહારનયનું ઉપચારકથન છે એમ સમજવું. રાગ છે તે આત્માનું સ્વરૂપ નથી તેથી તે અસદ્ભૂત વ્યવહારનયનો વિષય છે. નિશ્ચયની સાથે તે તે ભૂમિકામાં જે રાગ હોય છે તેનું જ્ઞાન કરાવવા માટે તેને વ્યવહારનયથી કહેવામાં આવે છે. સમયસાર ગાથા ૧૨ માં એ જ કહ્યું છે કે-વ્યવહાર તે તે કાળે જાણેલો પ્રયોજનવાન છે.
સ્વના આશ્રયે પ્રગટ થતાં જ્ઞાન અને આનંદ સુખનું કારણ છે અને સ્ત્રી, કુટુંબ, પરિવાર, ધંધા-વેપાર આદિ પરના આશ્રયે થતો રાગ તથા પર પદાર્થોના આશ્રયે થતું જ્ઞાન એ દુઃખનું કારણ છે. પં. હુકમચંદજીએ લખ્યું છે ને કે ભગવાન પરણ્યા નહોતા
PDF/HTML Page 1842 of 4199
single page version
કેમકે સ્ત્રી પરણતાં અનેક દુર્ઘટના ઊભી થાય છે. સ્ત્રીને સાચવવી, અનેક ભોગ ભોગવવા, સંતાન દીકરા-દીકરી થાય એમને ઉછેરવાં અને રળવું-કમાવું ઇત્યાદિ બધી દુર્ઘટના જ છે. એ દુર્ઘટના તો એકલું પાપ છે. એની અહીં વાત નથી. અહીં તો એમ વાત છે કે-દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, એનું જ્ઞાન અને એ રાગનું આચરણ એ બધી પરાધીનતા છે કારણ કે દેવ-ગુરુ- શાસ્ત્ર પરદ્રવ્ય છે. આવી પરના લક્ષે થતી પરાધીન દશા અને સ્વભાવના લક્ષે થતી સ્વાધીન દશાને પરસ્પર વિરોધ છે, સ્વરૂપવિપરીતતા છે.
હવે કહે છે-‘વળી જ્ઞાનનું સ્વરૂપ જેમ જાણનક્રિયા છે તેમ (જ્ઞાનનું સ્વરૂપ) ક્રોધાદિક્રિયા પણ છે એમ, અને ક્રોધાદિનું સ્વરૂપ જેમ ક્રોધાદિક્રિયા છે તેમ (ક્રોધાદિકનું સ્વરૂપ) જાણનક્રિયા પણ છે એમ કોઈ રીતે સ્થાપી શકાતું નથી; કારણ કે જાણનક્રિયા અને ક્રોધાદિક્રિયા ભિન્ન ભિન્ન સ્વભાવે પ્રકાશે છે અને એ રીતે સ્વભાવો ભિન્ન હોવાથી વસ્તુઓ ભિન્ન જ છે.’
શું કહ્યું આ? કે આત્મા શુદ્ધ પવિત્ર ચિદાનંદઘનસ્વરૂપ છે. સર્વજ્ઞ પરમેશ્વરે આવો આત્મા જોયો છે. એનું જે રાગથી ભિન્ન થઈને શ્રદ્ધાનની ક્રિયારૂપ, શાન્તિની ક્રિયારૂપ, આનંદની ક્રિયારૂપ શુદ્ધપણે પરિણમવું એને જાણનક્રિયા કહે છે; અને દયા, દાન, વ્રતાદિ રાગની રુચિરૂપે પરિણમવું તેને ક્રોધાદિક્રિયા કહે છે. એ બન્નેના સ્વભાવ ભિન્ન ભિન્ન છે. જાણનક્રિયાથી ક્રોધાદિક્રિયા વિરુદ્ધ છે. જાણનક્રિયારૂપે પરિણમવું તે મોક્ષમાર્ગ છે અને એનું ફળ મોક્ષ એટલે અનંત સુખ છે. જ્યારે ક્રોધાદિક્રિયારૂપે પરિણમવું એ બંધમાર્ગ છે અને એનું ફળ સંસાર અને અનંત દુઃખ છે.
જાણનક્રિયા ધર્મની ક્રિયા છે અને રાગની રુચિરૂપ જે ક્રોધાદિક્રિયા થાય તે સ્વભાવથી વિરૂદ્ધ હોવાથી અધર્મની ક્રિયા છે. એક ક્ષમાદિના પરિણમનરૂપ છે અને બીજી ક્રોધાદિના પરિણમનરૂપ છે. અનાદિથી રાગ સાથે એકત્વની ક્રિયા છે તે ક્રોધાદિક્રિયા છે અને સ્વભાવ સાથે જે એકત્વ થયું એ જાણનક્રિયા સમ્યગ્દર્શનની ક્રિયા, આનંદની ક્રિયા, શુદ્ધતાની ક્રિયા, સ્વરૂપની રચનારૂપ વીર્યની ક્રિયા છે અને તે ધર્મ છે. બાપુ! આ નિર્ણય તો કર. આ અંતરની વાતો છે, બહારના ક્રિયાકાંડથી મળે એવી આ ચીજ નથી. ભાઈ! આ નિર્ણય કરવાનાં ટાણાં છે હોં.
અહીં સત્યનો પોકાર કરીને સત્યને જાહેર કર્યું છે. રાગ હોય છે છતાં રાગ સાધન નથી. અંદરમાં સાધન નામ કરણ નામનો ગુણ છે. એ સાધન થઈને નિર્મળ જાણનક્રિયાના ભાવે પરિણમન થાય ત્યારે નિમિત્તને આરોપથી સાધન કહેવામાં આવે છે.
શાસ્ત્રમાં ‘परस्परोपग्रहो जीवानाम्’ એમ સૂત્ર કહ્યું છે ને?
હા, તત્ત્વાર્થસૂત્રનું આ સૂત્ર છે તે ખ્યાલમાં છે. ઉપરાંત ધવલમાં અને પંડિત સદાસુખદાસજીએ લખેલા ‘અર્થપ્રકાશિકા’ ગ્રંથમાં આ આવે છે. એમાં પરસ્પર ઉપગ્રહ
PDF/HTML Page 1843 of 4199
single page version
એટલે એકબીજાનું ભલું કરે એવો અર્થ ન લેવો. તત્ત્વાર્થસૂત્રમાં આવે છે કે- શરીર, મન, વાણી, શ્વાસોચ્છ્વાસ એ પુદ્ગલનો (જીવને) ઉપકાર છે. એનો અર્થ એ કે એ નિમિત્ત છે. કાર્યમાં નિમિત્ત હોય તેને ઉપકારી કહેવાય પણ નિમિત્ત કર્તા છે એમ નથી. નિમિત્તને કારણ કહેવું એ અસદ્ભૂત વ્યવહારનયનું કથન છે. શાસ્ત્રમાં આવે છે કે આત્માને જે સુખ, દુઃખ, જીવન, મરણ થાય છે એમાં પુદ્ગલનો ઉપકાર છે. આત્માને શાતાવેદનીયના ઉદયકાળે શાતા થાય એમાં શરીર, મન, વાણી નિમિત્ત છે એથી પુદ્ગલનો ઉપકાર છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે. પંડિત સદાસુખદાસજીએ ‘અર્થપ્રકાશિકા’માં ઉપકારનો આ જ અર્થ કર્યો છે. ઉપગ્રહનો અર્થ કોઈનું ભલું કે ભૂડું કરે એમ નહિ; કોઈ કોઈનું ભલું કે ભૂડું શું કરે? ભલા-ભૂંડાના જે ભાવ થાય છે એમાં પુદ્ગલ નિમિત્ત છે એટલે એનો ઉપગ્રહ કહેવામાં આવે છે. સુખદુઃખ આદિમાં પુદ્ગલ નિમિત્ત છે બસ એટલું. સુખદુઃખની કલ્પના તો જીવ ઉપાદાનપણે થઈને પોતે કરે છે ત્યાં પુદ્ગલને નિમિત્ત જોઈ ઉપકાર કરે છે એમ કહેવામાં આવે છે. નિમિત્ત પરના કાર્યનો કર્તા છે એમ નથી.
જુઓ, પહેલાં એમ કહ્યું હતું કે ક્રોધાદિ ક્રિયા અને જાણનક્રિયા એ બે વસ્તુ ભિન્ન છે કારણ કે બન્નેના પ્રદેશ ભિન્ન છે, માટે તેમની સત્તા ભિન્ન છે. તેથી એક બીજામાં આધારઆધેય સંબંધ નથી. હવે કહે છે-બન્નેને અત્યંત સ્વરૂપ-વિપરીતતા છે, અને તે કારણે બન્ને ભિન્ન ભિન્ન સ્વભાવે પ્રકાશે છે. અને એ રીતે બન્નેના સ્વભાવો ભિન્નભિન્ન હોવાથી વસ્તુઓ ભિન્ન જ છે. આસ્રવની રુચિવાળા ક્રોધાદિના પરિણામ અને આત્માના સમ્યગ્દર્શન- જ્ઞાન-ચારિત્રના પરિણામ બન્ને તદ્ન ભિન્ન વસ્તુઓ છે. હવે છેલ્લે સરવાળો કહે છે.
‘આ રીતે જ્ઞાનને અને અજ્ઞાનને (ક્રોધાદિકને) આધારઆધેયપણું નથી.’
રાગની રુચિનું પરિણમન એ અજ્ઞાન છે; એમાં જ્ઞાન નથી. રાગમાં જ્ઞાનનું કિરણ નથી. જેમ સૂર્યનું કિરણ શ્વેત-સફેદ હોય તેમ ભગવાન આત્માનું કિરણ (પરિણમન) જ્ઞાન અને આનંદમય હોય, રાગમય ન હોય. રાગ તો અજ્ઞાન છે, અંધકાર છે.
અરેરે! આવું મનુષ્યપણું મળ્યું અને આટલું ન સમજે તો ઢોરના અવતારમાં અને મનુષ્યના અવતારમાં કાંઈ ફેર નથી. અનંતી ચૈતન્યલક્ષ્મીનો-સ્વરૂપલક્ષ્મીનો પોતે ભંડાર છે, એની રુચિમાં કદી આવ્યો નહિ. અનાદિથી એ પૈસાના તથા બૈરીના રાગમાં સલવાઈ ગયો- મૂર્છાઈ ગયો છે; એકલા પાપમાં ગરી ગયો છે. એને પુણ્યનાંય કયાં ઠેકાણાં છે? ભાઈ! પુણ્યની રુચિને છોડી અંતરસ્વભાવની રુચિ જો ન કરી તો ભગવાન! તું ભવસમુદ્રમાં કયાંય ખોવાઈ જઈશ કે પત્તો નહિ લાગે. માટે પોતાની ચૈતન્યનિધિની રુચિ કરીને અંદર જા; વાદમાં મા પડ.
PDF/HTML Page 1844 of 4199
single page version
નિયમસારમાં આવે છે કે-પ્રભુ! જ્ઞાનની નિધિ પામીને વાદવિવાદમાં પડીશ નહિ, અને કોઈ આવા સુંદર માર્ગની નિંદા કરે તો માર્ગ પ્રતિ અભક્તિ કરીશ નહિ. આ સત્ય વાત છે અને લોકો તો આમ (વિરુદ્ધ) કહે છે એમ જોવાનું છોડી દેજે.
અહીં કહે છે-જ્ઞાન અને અજ્ઞાનને-ક્રોધાદિને આધારઆધેયપણું નથી. અહા! મધ્યસ્થ થઈને એકવાર રુચિ-વિશ્વાસ લાવીને સાંભળે તો બેડો પાર થઈ જાય એવી આ વાત છે. પણ પક્ષ રાખીને સાંભળે તો એને એકાન્ત છે એમ લાગ્યા કરે; એને એમ થાય કે બીજે ઠેકાણે વ્યવહારરત્નત્રયના રાગને સાધન કહ્યું છે ને? પરંતુ ભાઈ! વીતરાગ સર્વજ્ઞની વાણીમાં પૂર્વાપર વિરોધ ન હોય. જ્યાં સાધન કહ્યું હોય ત્યાં તો નિમિત્ત ઉપર આરોપ દઈને સાધન કહ્યું છે. બાહ્ય નિમિત્ત છે એમ નિમિત્તનું જ્ઞાન કરાવી એનું લક્ષ છોડાવવાનું ત્યાં પ્રયોજન છે-એમ જાણવું; પણ નિમિત્ત કાર્યનું કર્તા છે એમ ન જાણવું.
પ્રવચનસાર ગાથા ૧૭૨ ના અલિંગગ્રહણના છઠ્ઠા બોલમાં આવે છે કે-આત્મા પોતાના સ્વભાવથી જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે કેમકે જેમ આત્મામાં શ્રદ્ધા આદિ ગુણ છે તેમ એનામાં જે વડે પ્રત્યક્ષ જણાય એવો એક પ્રકાશ નામનો ગુણ છે. ‘‘સ્વયં પ્રકાશમાન વિશદ એવા સ્વસંવેદનમયી પ્રકાશશક્તિ’’ નામની આત્મામાં શક્તિ છે જેના કારણે આત્મા સ્વસંવેદનમાં- સ્વાનુભવમાં પ્રત્યક્ષ જણાય છે. એને પોતાને પ્રકાશવામાં કોઈ અન્ય સાધનની (-રાગની) જરૂર છે એમ નથી. ત્યાં આગળ (૧૭ મા બોલમાં) લીધું છે કે આત્માને બહિરંગ યતિલિંગોનો અભાવ છે; મતલબ કે યતિની બાહ્યક્રિયાનો (શુભાચરણરૂપ ક્રિયાનો) આત્મસ્વરૂપમાં અભાવ છે. હવે જ્યાં રાગાદિનો આત્મસ્વરૂપમાં અભાવ છે ત્યાં એના વડે આત્મલાભ-સ્વરૂપલાભ કેમ થાય? (ન થાય). અરે! ભગવાનના વિરહ પડયા! પૂર્વધર પણ રહ્યા નહિ! અવધિજ્ઞાની પણ રહ્યા નહિ! અને શુભથી થાય અને વ્યવહારથી થાય એવા વિવાદ થઈ ગયા!
અહીં કહે છે-આત્મપરિણતિને અને રાગની દશાને આધારઆધેયપણું નથી. અહો! આચાર્યદેવે ભેદવિજ્ઞાનની પરમ અદ્ભુત વાત કરી છે. બાપુ! એને જ્ઞાનમાં-ધારણામાં તો લે કે વસ્તુ આવી છે. ભાઈ! તું ધાર તો ખરો કે રાગની ક્રિયાને અને આત્માની ક્રિયાને પરસ્પર ભિન્નતા છે.
વળી વિશેષ સમજાવવામાં આવે છે-
‘જ્યારે એક જ આકાશને પોતાની બુદ્ધિમાં સ્થાપીને (આકાશનો) આધાર-આધેયભાવ વિચારવામાં આવે ત્યારે આકાશને બાકીનાં અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી (અર્થાત્ અન્ય દ્રવ્યોમાં સ્થાપવાનું અશકય હોવાથી) બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રભવતી નથી; અને તે નહિ પ્રભવતાં, એક આકાશ જ એક આકાશમાં જ પ્રતિષ્ઠિત છે એમ બરાબર સમજી જવાય છે અને તેથી એવું સમજી જનારને પર-આધારઆધેયપણું ભાસતું નથી.’
PDF/HTML Page 1845 of 4199
single page version
જુઓ, જ્ઞાનમાં એક આકાશને જ લક્ષમાં લઈ વિચાર કરવામાં આવે તો આકાશનો આધાર કોઈ બીજી ચીજ ભાસતી નથી; અર્થાત્ બીજા આધારની અપેક્ષા બુદ્ધિમાં બેસતી નથી, બીજા આધારની અપેક્ષા ઠરી જાય છે, ઉદ્ભવતી નથી. સર્વવ્યાપક આકાશને કોનો આધાર? આકાશ પોતે જ આધાર અને પોતે જ આધેય એમ સ્પષ્ટ સમજી જવાય છે. ખરેખર દ્રવ્યોને આધાર કોણ? દરેક દ્રવ્ય નિશ્ચયથી પોતે પોતાના જ આધારે છે. આકાશમાં જે દ્રવ્યો રહેલાં છે તેમને આકાશનો આધાર કહેવો એ તો નિમિત્તની અપેક્ષાથી કથન છે; વાસ્તવિક આધાર તો કોઈ દ્રવ્યને કોઈ અન્ય દ્રવ્ય છે જ નહિ.
જેમ કોઈ જગતનો કર્તા ઈશ્વર છે એમ કહે તો પછી ઈશ્વરને કોણે કર્યો? જો એને બીજાએ કર્યો તો પછી એ બીજાને કોણે કર્યો? એમ વિચારતાં કોઈ થંભાવ રહેતો નથી. એનો અર્થ જ એ થયો કે વસ્તુ સ્વયંસિદ્ધ છે; એને કોણ કરે? (કોઈ નહિ). અનાદિથી છે છે ને છે. તેમ છયે દ્રવ્યો પ્રત્યેક પોતપોતાના જ આધારે છે. જેમ આકાશને કોઈ આધાર નથી તેમ છયે દ્રવ્યોને નિશ્ચયથી કોઈ અન્ય આધાર નથી.
અહીં કહે છે કે સર્વવ્યાપી આકાશને કોઈ અન્ય આધાર ભાસતો નહિ હોવાથી આકાશ જ આકાશમાં પ્રતિષ્ઠિત છે એમ બરાબર સમજી જવાય છે. આકાશનો આધાર આકાશ જ છે, અન્ય નહિ. આવું સમજી જનારને કોઈ પર આધાર અને આકાશ આધેય એમ પર- આધારઆધેયપણું ભાસતું નથી. જુઓ, આ આચાર્યદેવે દ્રષ્ટાંત કહ્યું. હવે સિદ્ધાંત કહે છે-
‘એવી રીતે જ્યારે એક જ જ્ઞાનને પોતાની બુદ્ધિમાં સ્થાપીને (જ્ઞાનનો) આધારઆધેયભાવ વિચારવામાં આવે ત્યારે જ્ઞાનને બાકીનાં અન્યદ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રભવતી નથી; અને તે નહિ પ્રભવતાં, એક જ્ઞાન જ એક જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત છે-એમ બરાબર સમજી જવાય છે અને તેથી એવું સમજી જનારને પર-આધારઆધેયપણું ભાસતું નથી. માટે જ્ઞાન જ જ્ઞાનમાં જ છે, ક્રોધાદિક જ ક્રોધાદિકમાં જ છે.’
જેમ જ્ઞાનમાં આકાશને લક્ષમાં લેતાં આકાશનો બીજો કોઈ આધાર દેખાતો નથી એમ બુદ્ધિમાં જ્ઞાનને વિચારતાં જ્ઞાનને કોઈ બીજી ચીજનો આધાર છે એમ દેખાતું નથી. જ્ઞાન જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત છે અર્થાત્ આત્મા આત્મામાં જ છે કોઈ અન્યદ્રવ્યમાં નહિ. બીજા દ્રવ્યનો જ્ઞાનને-આત્માને આધાર નથી; આત્મા શરીરમાં કે રાગમાં નથી. આત્મા એકલા જ્ઞાનના પરિણમનમાં કે જે આત્માનું સ્વરૂપ છે એમાં છે. રાગ આધાર અને આત્મા આધેય એમ છે નહિ. ભાઈ! એક વાર તું આવું યથાર્થ શ્રદ્ધાન તો કર કે જ્ઞાન જ્ઞાનમાં જ છે, રાગમાં- ક્રોધાદિમાં નહિ અને ક્રોધાદિક ક્રોધાદિકમાં જ છે, આત્મામાં નહિ. ભાઈ! આવું શ્રદ્ધાન કરે એ તો અંદર (સ્વરૂપમાં) ચાલ્યો જાય
PDF/HTML Page 1846 of 4199
single page version
એવી આ વાત છે. આ સમજ્યા વિના પાંચ-પચાસ લાખના મંદિર બંધાવે તોય શું? શુભરાગ હોય તો પુણ્ય બંધાય, બસ; બાકી મંદિર તો એ (જીવ) કયાં કરી શકે છે? અહીં કહે છે- રાગાદિ આધાર અને આત્મા આધેય એમ પર-આધારઆધેયપણું ભાસતું નથી. તેથી શુદ્ધ નિર્મળ જ્ઞાનની પરિણતિ તે આધાર અને જ્ઞાન-આત્મા આધેય એમ જ નક્કી થાય છે.- સમજાણું કાંઈ...?
વાસણના આધારે ઘી છે કે ઘીના આધારે ઘી છે? કોઈ કહે કે વાસણના આધારે ઘી છે; નહિતર ઘી ઢોળાઈ જાય. અહીં કહે છે-એ વાત તદ્ન ખોટી છે. ઘીના એક એક રજકણમાં આધાર (અધિકરણ) નામનો ગુણ રહેલો છે અને એને લઈને ઘી (ઘીમાં) રહેલું છે, વાસણને લઈને નહિ. તેમ જ્ઞાન જ્ઞાનમાં જ છે.
આ પ્રમાણે (જ્ઞાનનું અને ક્રોધાદિક તેમ જ કર્મ-નોકર્મનું) ભેદવિજ્ઞાન ભલી રીતે સિદ્ધ થયું. રાગની-ક્રોધાદિની ક્રિયા આત્માથી અન્ય વસ્તુ છે, જ્ઞાનની ક્રિયાથી ભિન્ન છે એમ સિદ્ધ થયું.
‘ઉપયોગ તો ચૈતન્યનું પરિણમન હોવાથી જ્ઞાનસ્વરૂપ છે અને ક્રોધાદિ ભાવકર્મ, જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, શરીરાદિ નોકર્મ-એ બધાંય પુદ્ગલદ્રવ્યના પરિણામ હોવાથી જડ છે; તેમને અને જ્ઞાનને પ્રદેશભેદ હોવાથી અત્યંત ભેદ છે.’
ઉપયોગ એ રાગથી ભિન્ન પડીને અંદરમાં જે પરિણમન થયું તે ચૈતન્યનું પરિણમન છે અને તે આત્મસ્વરૂપ-જ્ઞાનસ્વરૂપ છે. તથા રાગની રુચિરૂપ ક્રોધાદિ ભાવકર્મ, જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ અને શરીરાદિ નોકર્મ-એ બધાં પુદ્ગલદ્રવ્યનાં પરિણામ હોવાથી અચેતન જડ છે. કર્મ અને શરીરાદિ તો પ્રત્યક્ષ અચેતન છે જ. અહીં તો રાગની રુચિરૂપ ક્રોધાદિને જડ કહ્યાં છે કેમકે તેમનામાં ચૈતન્યનો અંશ નથી. વળી તેમને અને જ્ઞાનને પ્રદેશભેદ હોવાથી, બન્નેનાં ક્ષેત્ર ભિન્ન ભિન્ન હોવાથી અત્યંત ભેદ છે.
‘માટે ઉપયોગમાં ક્રોધાદિક, કર્મ તથા નોકર્મ નથી અને ક્રોધાદિકમાં, કર્મમાં તથા નોકર્મમાં ઉપયોગ નથી. આ રીતે તેમને પારમાર્થિક આધારઆધેયસંબંધ નથી.’ મતલબ કે વિકારના આધારે આત્મા પ્રગટે કે આત્માના આધારે વિકાર થાય એમ છે નહિ.
‘દરેક વસ્તુને આધારઆધેયપણું પોતપોતામાં જ છે. માટે ઉપયોગ ઉપયોગમાં જ છે, ક્રોધ ક્રોધમાં જ છે.’ ચૈતન્યના પરિણમનના આધારે આત્મા જણાયો એ પરિણમન આત્મા જ છે, ચૈતન્યમય જ છે અને રાગની રુચિનું-મિથ્યાત્વનું પરિણમન જડ જ છે; દરેકને આધાર- આધેયપણું પોતામાં જ છે.
PDF/HTML Page 1847 of 4199
single page version
મોક્ષમાર્ગ પ્રકાશકમાં શુદ્ધોપયોગને ગ્રહણ કરે તે મુનિ એમ મુનિપણાનું લક્ષણ કહ્યું છે. વસ્તુ તો ત્રિકાળ શુદ્ધદ્રવ્ય છે. હવે પરિણમનમાં શુદ્ધોપયોગને ગ્રહણ કરે એનું નામ મુનિદશા છે. વળી એ શુદ્ધોપયોગના સાધન વડે મુનિવરો ઘાતીકર્મનો નાશ કરી કેવળજ્ઞાન પામે છે એમ ત્યાં કહ્યું છે. વિભાવના-રાગના સાધન વડે કેવળજ્ઞાન પામે છે એમ છે નહિ. ભાઈ! જેનો જે સ્વભાવ છે તે સ્વભાવથી સ્વભાવની પ્રાપ્તિ થાય ને? યથાખ્યાતચારિત્ર પોતાના સ્વભાવની વીતરાગ પરિણતિથી પ્રાપ્ત થાય અને કેવળજ્ઞાન જ્ઞાનની નિર્મળ પરિણતિથી પ્રાપ્ત થાય પણ રાગથી ન થાય.
માટે ઉપયોગ એટલે આત્મા-જ્ઞાયકભાવ ઉપયોગમાં એટલે ચૈતન્યના નિર્મળ પરિણમનમાં જ છે અને ક્રોધાદિ વિકાર ક્રોધાદિમાં જ છે.
અગાઉ ગાથા પ૦ થી પપ માં (૨૯ બોલમાં) આવી ગયું કે મિથ્યાત્વાદિ છે તે અનુભૂતિથી ભિન્ન છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચાર પ્રત્યયોના ભેદ તેર ગુણસ્થાનો છે. આસ્રવ હોવાથી એ બધાં અચેતન જડ છે. અને શુદ્ધ ઉપયોગ-વીતરાગી પરિણતિમાં આત્મા છે. આ ભેદજ્ઞાન છે. ભાવકર્મ, દ્રવ્યકર્મ અને નોકર્મથી ઉપયોગનો ભેદ જાણવો તે ભેદજ્ઞાન છે અને આવું ભેદજ્ઞાન ચોથા ગુણસ્થાનથી હોય છે. આ રીતે ભેદવિજ્ઞાન બરાબર સિદ્ધ થયું.
પ્રવચનસારમાં (૧ થી પ ગાથામાં) આવે છે કે શુદ્ધ આત્માના લક્ષે થયેલો પરમ નિરપેક્ષ (રાગની અપેક્ષા રહિત) શુદ્ધોપયોગ તેને પ્રાપ્ત થયેલા છે તે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
‘चैद्रूप्यं जडरूपतां च द्धतोः ज्ञानस्य रागस्य च’ ચિદ્રૂપતા ધરતું જ્ઞાન અને જડરૂપતા ધરતો રાગ-‘द्वयोः’ એ બન્નેનો, ‘अन्तः’ અંતરંગમાં ‘दारुण–दारणेन’ દારુણ વિદારણ વડે ‘परितः विभागं कृत्वा’ ચોતરફથી વિભાગ કરીને ‘इदं निर्मलम् भेदज्ञानम् उदेति’ આ નિર્મળ ભેદજ્ઞાન ઉદય પામ્યું છે.
ચિદ્રૂપતા ધરતું જ્ઞાન એટલે જ્ઞાનપણે, શ્રદ્ધાપણે, વીતરાગતાપણે, આનંદપણે પરિણમતો આત્મા છે. અને જડરૂપતા ધરતો રાગ છે. રાગ જડ છે. આગળ ક્રોધાદિ, કર્મ અને નોકર્મ એમ ત્રણ લીધાં હતાં. અહીં રાગ જ લીધો છે. દયા, દાન, પૂજા, ભક્તિ ઇત્યાદિનો રાગ છે તે જડ છે એમ કહે છે. એ બન્નેના (જ્ઞાન અને રાગના) અંતરંગમાં દારુણ વિદારણ વડે અર્થાત્ ભેદ પાડવાના ઉગ્ર અભ્યાસ વડે ચોતરફથી વિભાગ કરીને નિર્મળ ભેદવિજ્ઞાન ઉદય પામ્યું છે. જુઓ, આ ભેદવિજ્ઞાન કેવી રીતે
PDF/HTML Page 1848 of 4199
single page version
પ્રગટે એની વાત કરે છે. કહે છે-પરલક્ષે થતો જે રાગ એનાથી ભિન્ન પડીને સ્વલક્ષે થતા શુદ્ધ ઉપયોગને પ્રગટ કરી સમસ્ત પ્રકારે રાગ અને જ્ઞાનને જુદા કરીને ભેદજ્ઞાન પ્રગટ થયું છે. ચોતરફથી એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ-એમ સમસ્ત પ્રકારથી ભગવાન આત્માને રાગથી ભિન્ન કરીને ભેદવિજ્ઞાન પ્રગટ થયું છે. અહાહા...! ભેદવિજ્ઞાન થતાં વિભાવનો કોઈ અંશ સ્વપણે ભાસતો નથી. ભેદવિજ્ઞાન આત્માને અને રાગને ચોતરફથી ભિન્ન કરતું પ્રગટ થયું છે. મતલબ કે દ્રવ્યથી ભિન્ન, ક્ષેત્ર-પ્રદેશથી ભિન્ન, કાળથી ભિન્ન અને ભાવથી ભિન્ન-એમ રાગથી આત્માને સર્વ પ્રકારે ભિન્ન કરતું ભેદજ્ઞાન પ્રગટ થયું છે.
અહાહા! આ વસ્તુ આત્મા જે ત્રિકાળ જ્ઞાન અને આનંદસ્વરૂપ છે તેને પરથી-રાગથી ભેદ પાડતાં આ પ્રત્યક્ષ નિર્મળ ભેદજ્ઞાન પ્રગટ થયું છે. ભાઈ! ચૈતન્યની મૂળ પુંજી ગ્રહણ કરવામાં ચૈતન્યનું પરિણમન કાર્ય કરે, તેમાં રાગ કાર્ય ન કરે, વ્યવહારરત્નત્રયનો રાગ પણ એમાં કામ ન આવે; કેમકે જ્ઞાનનું પરિણમન ધરતો આત્મા છે અને જડરૂપતા ધરતો રાગ છે. બન્નેના ભિન્ન સ્વભાવ છે.
પ્રશ્નઃ– તો ‘‘મુખ્યોપચાર દુ ભેદ યોં બડભાગિ રત્નત્રય ધરૈં’’ એમ શાસ્ત્રમાં આવે છે ને?
ઉત્તરઃ– શાસ્ત્રમાં કોઈ ઠેકાણે નિરુપચાર રત્નત્રયની સાથે રહેલા વ્યવહારરત્નત્રયનું જ્ઞાન કરાવવા તેને આરાધતો-ધરતો એમ પણ કહેવામાં આવ્યું છે. નિશ્ચયની સાથે તે વ્યવહાર હોય છે તેથી નિશ્ચયનો રાગ ઉપર આરોપ આપી તેને આરાધે છે એમ શાસ્ત્રમાં કહેલું છે. જ્ઞાની આરાધે છે તો એક સ્વને જ, પણ રાગમાં આરાધનાનો આરોપ કરી રાગને આરાધે છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે. હવે આગળ કહે છે-
‘अधुना’ માટે હવે ‘एकम् शुद्ध–ज्ञानघन–ओघम् अध्यासिताः’ એક શુદ્ધ વિજ્ઞાનઘનના પુંજમાં સ્થિત અને द्वितीय–च्युताः’ બીજાથી એટલે રાગથી રહિત એવા ‘सन्तः’ હે સત્પુરુષો! ‘मोदध्वम्’ તમે મુદિત થાઓ.
અનાદિથી જે રાગમાં સ્થિત હતો તે પર્યાયબુદ્ધિ હતી, અજ્ઞાનભાવ હતો. હવે રાગથી ભિન્ન પડીને ભગવાન જ્ઞાનપુંજમાં સ્થિત થયો તે વીતરાગ-વિજ્ઞાનરૂપ ભેદવિજ્ઞાન છે, મોક્ષમાર્ગ છે. આવું ભેદવિજ્ઞાન જ્ઞાનના લક્ષે થાય છે. રાગના લક્ષે અંદર ભેદવિજ્ઞાન ન થાય. સ્વનું-જ્ઞાનપુંજ એવા આત્માનું લક્ષ થતાં ભેદવિજ્ઞાનનું પરિણમન થાય છે.
જેમ ખેતરમાં સો સો મણના ઘાસના ગંજ-પુંજ હોય છે એમ આત્મા જ્ઞાનઘનનો પુંજ એટલે ગંજ-ઢગલો છે. એમાં સ્થિત અને બીજાથી રહિત-તે બીજું કોણ? જ્ઞાનસ્વભાવથી રાગ બીજો છે. માટે જ્ઞાનમાં સ્થિત અને રાગથી રહિત એવા હે
PDF/HTML Page 1849 of 4199
single page version
સત્પુરુષો! તમે મુદિત થાઓ અર્થાત્ આનંદિત થાઓ, સુખી થાઓ, રાગની એકતામાં દુઃખ હતું તે હવે રાગની ભિન્નતા કરી આત્મસ્થિત થતાં સુખી થાઓ-એમ કહે છે.
ભગવાન! તારું તત્ત્વ-આનંદનો નાથ અંદર પરમાત્મસ્વરૂપે એમને એમ પડયું છે. તેં પહેલાં માન્યું ન હતું ત્યારે તને એ ન હતું પણ હવે માન્યું ત્યારે તે છે. માટે એમાં સ્થિત થઈ હવે પ્રસન્ન થાઓ, સુખી થાઓ એમ આશીર્વાદ આપે છે.
જ્ઞાનના ઓઘમાં ઠરેલા સત્પુરુષો સુખી થાઓ એમ કહ્યું ને? મતલબ કે જ્ઞાનપુંજ ભગવાન આત્મા જે સત્ છે એમાં ઠરે તે સત્પુરુષ છે અને અસત્ એવા રાગમાં ઠરે તે અસત્પુરુષ છે. રાગમાં ઠરે તે અસત્પુરુષ દુઃખી છે. તેને કહે છે-જ્ઞાનપુંજ ભગવાન આત્મામાં સ્થિત થઈને અર્થાત્ જ્ઞાનના પરિણમનમાં ભગવાન આત્મા સમીપ કરીને હે સત્પુરુષો! મુદિત થાઓ, આનંદિત થાઓ. જે જ્ઞાનના પરિણમનમાં આત્મા સમીપ છે તે જ્ઞાનને ધર્મ કહે છે, મોક્ષમાર્ગ કહે છે અને જે જ્ઞાનની પર્યાયમાં રાગ સમીપ છે તે અધર્મ છે, સંસારમાર્ગ છે.
‘द्वितीयच्युताः’ એમ લીધું છે ને? રાગથી ભિન્ન થઈને એનો અર્થ જ એ થયો કે સ્વઅસ્તિત્વમાં ઠર્યો એટલે પરથી-રાગથી નાસ્તિ થઈ. અહા! જેને સાચી પદ્ધતિ-રીતની ખબર જ ન હોય તેને ધર્મ કેવી રીતે થાય? કોઈ કહે કે અમારા બાપદાદા કરતા હતા માટે અમે કરીએ છીએ. આ તો અમારો કુળનો ધર્મ છે એમ જાણી અમે પાળીએ છીએ. પરંતુ ભાઈ! દેખાદેખી કે કુળક્રમને અનુસરનારને તો ધર્મબુદ્ધિ જ નથી એમ મોક્ષમાર્ગ-પ્રકાશકમાં પં. શ્રી ટોડરમલજીએ કહ્યું છે. કુળક્રમથી જૈનધર્મ નથી પણ રાગને જીતી વીતરાગતા પ્રગટ કરે તે જૈનધર્મ છે અને તે નિર્મળ ભેદવિજ્ઞાન વડે પ્રગટ થાય છે.
અહાહા...! કળશ તો કળશ છે કાંઈ! કહે છે-રાગને જુદા પાડવાના અભ્યાસ વડે આનંદિત થાઓ. જુઓ આ આનંદિત થવાની રીત. બીજાને સમજાવતાં આવડે ન આવડે એની સાથે કાંઈ સંબંધ નથી. લોકમાં આ વક્તા બહુ પ્રસિદ્ધ છે એમ પ્રશંસા થાય પણ એ કાંઈ ચીજ નથી. જેને આત્મજ્ઞાન થયું હોય, જે જૈનધર્મમાં દ્રઢ શ્રદ્ધાવાન હોય અને જે આત્મરસી હોય તે સાચો વક્તા છે. જેણે અધ્યાત્મરસ પીધો નથી તે નિશ્ચય વસ્તુની શું વાત કરે? મોક્ષમાર્ગપ્રકાશકમાં કહ્યું છે કે શ્રોતાથી વક્તાનું પદ ઊંચું છે. શ્રોતાઓને ખુશ રાખવા વક્તા કાંઈ ન કહે, જો એમ કરે તો એનું પદ નીચું જઈ જાય.
અહીં કહે છે-શુદ્ધજ્ઞાનઘન પ્રભુ આત્માની દ્રષ્ટિ અને એકાગ્રતા થતાં રાગની-પર્યાયની દ્રષ્ટિ ઉડી ગઈ અને અતીન્દ્રિય આનંદની લહર ઊઠી. માટે કહે છે કે ભેદજ્ઞાનના અભ્યાસ વડે આનંદિત થાઓ.
PDF/HTML Page 1850 of 4199
single page version
આ બધા દૂઘપાક આદિના સ્વાદની હોંશુ કરે છે ને? અરે ભગવાન! દૂધપાક આદિનો સ્વાદ તને કયાં આવે છે? એ તો જડ માટી છે. એના પ્રતિ રાગને કરીને જે રાગ કરે છે તે રાગનો તને સ્વાદ આવે છે અને એ રાગનો સ્વાદ તો ઝેરનો-દુઃખનો સ્વાદ છે બાપા! જ્ઞાની સંતો કહે છે-ભાઈ! લાડુ વગેરે જડનો સ્વાદ તો જીવને આવતો નથી પણ એના પ્રત્યેના રાગનો કષાયલો-કડવો સ્વાદ અજ્ઞાની જીવો લે છે. અહીં કહે છે કે ભાઈ! રાગથી ભિન્ન પડી અંદર નિજ ચૈતન્યઘરમાં આવતાં તને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવશે. રાગનો સ્વાદ તો પરનો ઝેરનો સ્વાદ છે; માટે રાગથી હઠી ભગવાન આત્માને આસ્વાદો. આનું નામ ભેદવિજ્ઞાન છે, ધર્મ છે.
‘જ્ઞાન તો ચેતનાસ્વરૂપ છે અને રાગાદિક પુદ્ગલવિકાર હોવાથી જડ છે; પરંતુ અજ્ઞાનથી, જાણે કે જ્ઞાન પણ રાગાદિરૂપ થઈ ગયું હોય એમ ભાસે છે અર્થાત્ જ્ઞાન અને રાગાદિક બન્ને એકરૂપ-જડરૂપ ભાસે છે.’
જુઓ, શું કહે છે? કે ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે અને રાગાદિ જડ અજ્ઞાનસ્વરૂપ છે. આત્મા ચૈતન્યસ્વભાવમય છે અને રાગાદિ વિભાવસ્વરૂપ છે. આત્મા આનંદસ્વરૂપ છે અને રાગ દુઃખસ્વરૂપ છે. છહઢાલામાં કહ્યું છે ને કે-
જુઓ, આમાં એમ નથી કહ્યું કે માત્ર અશુભ રાગ જ આગ છે. શુભાશુભ બન્ને પ્રકારના રાગ આગ છે; કષાયમાત્ર અગ્નિ છે. ભાઈ! રાગના પરિણામ ચેતનની જાતના પરિણામ નથી. અતીન્દ્રિય જ્ઞાન અને આનંદના પરિણામ ચૈતન્યની જાતિના પરિણામ છે. રાગ તો કજાત છે. છતાં અજ્ઞાનથી એમ ભાસે છે કે જાણે રાગ આત્માની જાતિનો કેમ ન હોય. અજ્ઞાનીને અનાદિથી આત્મા અને રાગના ભાવ બન્ને એક જાતિના જડરૂપ ભાસે છે. તેને એમ ભાસે છે કે રાગ જીવના સ્વરૂપમય છે. પણ અહીં કહે છે કે-જ્ઞાયક ભગવાન સદા રાગથી ભિન્ન છે અને કદી રાગરૂપ થાય એમ નથી.
‘જ્યારે અંતરંગમાં જ્ઞાન અને રાગાદિનો ભેદ પાડવાનો તીવ્ર અભ્યાસ કરવાથી ભેદજ્ઞાન પ્રગટ થાય છે ત્યારે એમ જણાય છે કે જ્ઞાનનો સ્વભાવ તો માત્ર જાણવાનો જ છે, જ્ઞાનમાં જે રાગાદિકની કલુષતા-આકુળતારૂપ સંકલ્પ-વિકલ્પ ભાસે છે તે સર્વ પુદ્ગલવિકાર છે, જડ છે.’
અહીં રાગને પુદ્ગલવિકાર કહ્યો માટે તે (રાગ) પુદ્ગલથી થયા છે એમ નથી. વિકાર- રાગ છે તો એની (જીવની) પરિણતિમાં, પણ તે ચૈતન્યની જાતનો નથી તેથી તે જડ અચેતન છે એમ સિદ્ધ કર્યું છે કેમકે રાગમાં ચેતનના કિરણનો એક અંશ
PDF/HTML Page 1851 of 4199
single page version
પણ નથી. આ પ્રમાણે જ્ઞાન અને રાગાદિના ભેદનું ભાન થાય છે ત્યારે-ભેદનો ઉગ્ર અભ્યાસ કરવાથી આનંદના સ્વાદ સહિત આત્માનો અનુભવ થાય છે. આનું નામ ભેદજ્ઞાન છે.
‘જ્યારે આવું ભેદજ્ઞાન થાય ત્યારે આત્મા આનંદિત થાય છે કારણ કે તેને જણાય છે કે ‘‘પોતે સદા જ્ઞાનસ્વરૂપ જ રહ્યો છે, રાગાદિરૂપ કદી થયો નથી.’’
જુઓ, આમાં કેટલી ધીરજ જોઈએ. આ કાંઈ ક્રિયાકાંડ છે કે ઝટ દઈને કરી નાખે! પહેલાં રાગનો સ્વાદ હતો ત્યારે આનંદનો સ્વાદ ન હતો. રાગના વિકલ્પથી ભેદનો અભ્યાસ કરી જ્યારે ભેદજ્ઞાન કર્યું ત્યારે આત્માના આનંદનો સ્વાદ આવ્યો અને ત્યારે એને જણાયું કે- અહો! હું તો સદા જ્ઞાયક જ રહ્યો છું, રાગરૂપ કદી થયો જ નથી.’’ માન્યો હતો પણ ભગવાન આત્મા રાગરૂપે શી રીતે થાય?
જુઓ, પોતે સદા જ્ઞાનસ્વરૂપે જ રહ્યો છે. કથંચિત્ જ્ઞાનસ્વરૂપે અને કથંચિત્ રાગસ્વરૂપે-વિકારસ્વરૂપે છે એમ નહિ. અહાહા...! ભગવાન જ્ઞાયકમૂર્તિ પ્રભુ કદીય દયા, દાન આદિના સ્વભાવે થયો જ નથી. પ્રવચનસાર ગાથા ૨૦૦ માં કહ્યું છે કે-ભગવાન આત્મા અનાદિનો જ્ઞાયકભાવે જ રહ્યો છે, પરંતુ એને બીજી રીતે અધ્યવસિત કર્યો છે-માન્યો છે. રાગ તે હું, પુણ્ય તે હું એમ બીજી રીતે મિથ્યાપણે માન્યું છે.
કેટલાક કહે છે કે-પુણ્યથી પણ ધર્મ થાય એમ માનો તો અનેકાન્ત થાય.
ભાઈ! ખરેખર એમ નથી. સ્વભાવના આશ્રયે ધર્મ થાય અને પુણ્યથી ન થાય એનું નામ સમ્યક્ અનેકાન્ત છે. નિશ્ચયથી લાભ થાય અને વ્યવહારથી પણ લાભ થાય એવું અનેકાન્ત છે જ નહિ.
તેથી તો આચાર્ય કહે છે-હે સત્પુરુષો! જે કાળ ગયો તે ગયો, પણ હવે રાગથી ભેદના ઉગ્ર અભ્યાસ વડે ભેદજ્ઞાન પ્રગટ કરીને આનંદને પામો, મુદિત થાઓ.
અનાદિકાળથી શુભાશુભ રાગ મારો છે એમ માનીને તેમાં રમી રહ્યો છે તે મિથ્યાત્વભાવ છે અને એમાં જ અનંત ભવનું બીજ પડયું છે. શુભાશુભ રાગના વિભાવથી ભિન્ન પડી અંતરમુખવલણ વડે જેણે આત્માનુભવ કર્યો તે બંધનથી છૂટે છે કેમકે તેને નિર્મળ ભેદવિજ્ઞાન પ્રગટ થાય છે. એ જ કહે છે-
‘આ રીતે આ ભેદવિજ્ઞાન જ્યારે જ્ઞાનને અણુમાત્ર પણ વિપરીતતા નહિ પમાડતું થકું અવિચળપણે રહે છે, ત્યારે શુદ્ધ ઉપયોગમયાત્મકપણા વડે જ્ઞાન કેવળ જ્ઞાનરૂપ જ રહેતું થકું જરા પણ રાગદ્વેષમોહરૂપ ભાવને કરતું નથી,.. .’
PDF/HTML Page 1852 of 4199
single page version
જુઓ, રાગની રુચિરૂપ વિપરીતતાથી ભિન્ન પડીને ભેદજ્ઞાનના બળ વડે જ્ઞાનમાં અવિચલપણે રહે છે તે આત્મા સુખને પ્રાપ્ત કરે છે. તે જીવ સમકિતી છે અને તેને શુદ્ધોપયોગાત્મકપણું છે. સમ્યક્દર્શન શુદ્ધોપયોગના કાળમાં થાય છે. ભેદજ્ઞાન થતાં દયા, દાન, ભક્તિ આદિના રાગથી રંજિત મલિન ઉપયોગથી ખસીને જ્ઞાન કેવળ જ્ઞાનરૂપ જ રહેતું થકું શુદ્ધોપયોગપણે પરિણમે છે. અંતરમાં જ્ઞાનની વર્તમાન પર્યાયને દ્રવ્ય ઉપર સ્થાપતાં આત્મા શુદ્ધભાવરૂપે પરિણમે છે. રાગથી ભિન્ન પડેલું જ્ઞાન અહિંસકપણે રહી વિપરીતપણે-રાગપણે નહિ થતું થકું જરા પણ રાગદ્વેષમોહને કરતું નથી. લ્યો? આવી વાત!
હવે અત્યારે તો આખા માર્ગનો લોપ થઈ ગયો છે. લોકો ઉપવાસ કરવો, ને રસત્યાગ કરવો ઇત્યાદિ બાહ્ય ક્રિયાઓને ધર્મ માનવા લાગ્યા છે. પણ ભાઈ! વ્રત, તપ આદિ ક્રિયાકાંડ કાંઈ ધર્મ નથી, એ તો રાગ છે, દુઃખ છે. એના વડે ધર્મ માનતાં તો આત્મા વિપરીતપણાને પામે છે. અહીં કહે છે-ભેદજ્ઞાન આત્માને જરા પણ વિપરીતતાને પમાડતું નથી અને તેથી જ્ઞાન જ્ઞાનમાં-જ્ઞાનમય ભાવમાં રહે છે.
ભાઈ! રાગની રુચિની મૂર્ખાઈમાં તું ચોરાસીના અવતારમાં રઝળી-રખડી રહ્યો છે. એ રઝળપટ્ટીને મટાડવાનો આ ભેદજ્ઞાન એક જ ઉપાય છે. પુણ્યના ભાવની રુચિ ભગવાન! પરિભ્રમણનું કારણ છે.
કેટલાક પંડિતો ‘પુણ્યફલા અરહંતા’ ઇત્યાદિ પ્રવચનસારની ગાથા ૪પ નો અર્થ એમ કરે છે કે-‘અરિહંતપણું એ પુણ્યનું ફળ છે.’ એની ટીકામાં ભાવ પ્રગટ કર્યો છે તે જોતા નથી. ટીકામાં તો એમ છે કે-‘પુણ્યનો વિપાક-ઉદય આત્માને અકિંચિત્કર છે;’ અર્થાત્ આત્માને તે લાભ કે હાનિ કરતું નથી. પૂર્વે જે પુણ્ય બાંધ્યું હતું તે ઉદયમાં આવતાં એનું જે ફળ દિવ્યધ્વનિ, સમોસરણ ઇત્યાદિ અતિશયો આત્માને (અરિહંતને) અકિંચિત્કર છે. ઉદય છે તે ખરી જાય છે. ત્યાં (પ્રવચનસારમાં) ગાથા ૭૭ માં તો અતિ સ્પષ્ટ કહ્યું કે-દયા, દાન આદિ પુણ્યભાવ અને હિંસાદિ પાપભાવ-એ બેમાં ફેર નથી એમ જે માનતો નથી તે મોહાચ્છાદિત વર્તતો થકો ઘોર અપાર સંસારમાં પરિભ્રમણ કરે છે.
અહીં કહે છે-દુઃખરૂપ રાગ અને આનંદસ્વરૂપ ભગવાન આત્મા એ બે વચ્ચેનું ભેદજ્ઞાન કરતાં જ્ઞાન પોતાપણે-શુદ્ધોપયોગપણે રહેતું રાગને જરીય કરતું નથી. જુઓ, પરની દયા પાળવાનો ભાવ રાગ હોવાથી હિંસા છે. એનાથી ભિન્ન ભગવાન આત્મા અહિંસક- વીતરાગસ્વભાવમય છે. એ બે વચ્ચે ભેદજ્ઞાન કરીને વીતરાગપણે રહેનાર શુદ્ધોપયોગમય આત્મા રાગને જરીય કરતો નથી. જ્ઞાન રાગને ભળવા દેતું જ નથી. અહા! રાગ આવે પણ ભેદજ્ઞાની કર્તાબુદ્ધિથી રાગને કરતો નથી. જેનાથી ભેદ થયો
PDF/HTML Page 1853 of 4199
single page version
તેને તે કેમ કરે? જ્ઞાન તો માત્ર જાણે, રાગને કરવો એવો એનો સ્વભાવ જ કયાં છે? સ્વભાવને ગ્રહણ કર્યો પછી રાગનું કરવાપણું રહે જ કયાંથી?
‘તેથી એમ સિદ્ધ થયું કે ભેદવિજ્ઞાનથી શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થાય છે અને શુદ્ધઆત્માની ઉપલબ્ધિથી રાગદ્વેષમોહનો અભાવ જેનું લક્ષણ છે એવો સંવર થાય છે.’
શું કહ્યું આ? કે દયા, દાન આદિના રાગથી ભેદ કરીને ભેદજ્ઞાન વડે આત્માની ઉપલબ્ધિ કહેતાં અનુભવ થાય છે. લ્યો, આ વિધિ કહી. ભાઈ! આ વિધિ વિના આત્માનો અનુભવ થતો નથી. રાગ એ તો પરઘર છે અને પરઘરમાં જવું એ તો વ્યભિચાર છે. રાગથી ભિન્ન પડેલું જ્ઞાન, શુદ્ધ જ્ઞાનમયપણે પરિણમતું, જરીય રાગયુક્તપણે નહિ થતું થકું, જ્ઞાનપણે જ રહે છે અને અતીન્દ્રિય આનંદને અનુભવે છે. આ વિધિએ આત્માની ઉપલબ્ધિ થાય છે.
જેમ કોઈને શીરો બનાવવો હોય તો પહેલાં લોટને ઘીમાં શેકે, પછી ગોળનું પાણી એમાં નાખે. પણ કોઈ ઘીની બચત કરવા ખાતર પહેલાં લોટને ગોળના પાણીમાં નાખે અને પછી ઘીમાં શેકે તો શીરો તો શું લોપરી-પોટીસ પણ નહિ થાય. એનાં ઘી, લોટ, ગોળ બધુંય નકામું જશે. એમ કોઈ પહેલાં દયા, દાન, વ્રતાદિના ક્રિયાકાંડ કરે, કેમકે એ સહેલું પડે છે અને પછી સ્વરૂપનાં શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર આદિ થશે એમ માને તેને કહે છે-ભાઈ! તારા વ્રતાદિના બધા ક્રિયાકાંડ ફોગટ જશે. ભાઈ! ભેદજ્ઞાનથી નિર્મળ રત્નત્રય થાય પણ ભેદરત્નત્રયથી આત્માનુભવ કદીય ન થાય. ભેદરત્નત્રય પાળતાં પાળતાં નિશ્ચય નિરુપચાર રત્નત્રય પ્રગટે એમ કોઈ માને તો એને મોટું મિથ્યાત્વનું શલ્ય છે.
પ્રશ્નઃ– તો પ્રવચનસારમાં આવે છે કે જ્ઞાની સમકિતી જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, વીર્યાચાર, તપાચાર આદિ વ્યવહારને કરે છે?
ઉત્તરઃ– ભાઈ! જ્યાં સુધી પૂર્ણતા ન પમાય ત્યાં સુધી સમકિતી જ્ઞાનીને આવો વ્યવહાર હોય છે એમ ત્યાં કહેવું છે. જ્ઞાની તેને પોતાનું કર્તવ્ય જાણી કરે છે એમ નથી; જ્ઞાની તો એ સર્વ વ્યવહારને સ્વરૂપથી ભિન્ન હેયપણે જાણે જ છે, કરતો નથી. ભાઈ! ચરણાનુયોગમાં કથનની આવી વ્યવહારની શૈલી છે તેને યથાર્થ સમજવી.
અરે! એ સમજે કયારે? બિચારો આખો દિ’ બૈરાને, છોકરાંને, કુટુંબને પાળવા- પોષવાનો અને રળવાનો એકલો પાપનો ઉદ્યમ કરવાથી નવરો પડે તો ને? એને પાપની મજુરીમાંથી નવરાશ કયાં છે?
ત્યારે તે કહે છે-અમે તો અમારી કુટુંબ પ્રત્યેની ફરજ બજાવીએ છીએ. કુટુંબ પ્રત્યેની ફરજ તો બજાવવી જોઈએ ને? તેને કહીએ છીએ-
PDF/HTML Page 1854 of 4199
single page version
ભગવાન! કુટુંબ પ્રત્યે તારી ફરજ કેવી? કુટુંબ તો પ્રત્યક્ષ ભિન્ન પર વસ્તુ છે. તારી ફરજ તો તારામાં હોય કે પરમાં-કુટુંબમાં? આત્માને પર પ્રત્યે ફરજ નથી. પર પ્રત્યે ફરજ માનનાર મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે અને તે અનંત સંસારમાં રખડનારા છે. ભગવાન! તારે પોતાનું હિત કરવું છે કે નહિ? જો તારે પોતાનું હિત કરવું હોય તો ધર્મ પ્રગટ કર. એ ધર્મ કેમ થાય? તો કહે છે કે પુણ્ય-પાપના ભાવને અને ભગવાન આત્માને ભિન્ન જાણે ત્યારે થાય. ભાઈ! તું અનાદિ કાળથી જન્મ-મરણના ભાવમાં ઝોલા ખાતો દુઃખી થઈ રહ્યો છે. ભગવાન! તેં કહ્યાં ન જાય અને સહ્યાં પણ ન જાય એવાં મહા કષ્ટ-દુઃખ ઉઠાવ્યાં છે.
જુઓ, લાઠીમાં એક અઢાર વર્ષની છોડી હતી. નવી નવી પરણેલી. તેને શીતળા નીકળ્યા. શરીરના રોમ રોમ પર શીતળાના દાણા અને દાણેદાણે ઈયળો પડેલી. બિચારીને પારાવાર વેદના; તળાઈમાં પાસું પલટે ત્યાં ચીસ પાડી ઉઠે; બિચારી રૂવે-રૂવે, ભારે આક્રન્દ કરે, તેની માને તે કહે-બા, આ તે શું થયું? આવાં પાપ મેં આ ભવમાં તો કર્યાં નથી, આવું દુઃખ તે કેમ સહન થાય? રડતી, ભારે કકળાટ કરતી વિલાપની દશામાં બિચારીનો દેહ છૂટી ગયો. ભાઈ! આવાં તો શું આનાથી અનેકગણાં દુઃખ તેં ભૂતકાળમાં ઉઠાવ્યાં છે. તું જાણે કે આ બીજાની વાત છે પણ એમ નથી ભાઈ! આવા તો અનંત અનંતવાર પોતાને પણ ભવ થયા છે. મિથ્યાત્વના ફળમાં ચાર ગતિના, અને નિગોદના ભવ તને અનંતવાર થયા છે. ભગવાન! આ તારા જ દુઃખની કથા છે.
અહીં કહે છે-રાગથી-ક્રિયાકાંડથી ધર્મ માનનારને સંસારનું-દુઃખનું પરિભ્રમણ નહિ મટે; ભવનો અભાવ નહિ થાય. તો કેવી રીતે થાય? તો કહે છે-ભાઈ! ક્રિયાકાંડના રાગથી ભગવાન આત્મા ભિન્ન છે એમ ભેદનો અભ્યાસ કરી, રાગથી લક્ષ છોડી ભેદજ્ઞાન વડે અવિચલપણે જ્ઞાનને જ્ઞાનમાં રાખીને શુદ્ધોપયોગપણે પરિણમતાં ધર્મ થાય છે અને ભવનો અભાવ કરવાની આ જ રીતે છે. આવી ભેદજ્ઞાનની ભૂમિકામાં સમકિતી જ્ઞાની રાગનો જરાય કર્તા થતો નથી, જ્ઞાતા રહે છે અને એકલા જ્ઞાનમયભાવે પરિણમતો થકો તે સર્વથા રાગરહિત થઈ ભવમુક્ત થઈ જાય છે. અહો! ભેદવિજ્ઞાન કોઈ અલૌકિક ચીજ છે. બનારસીદાસે કહ્યું છે ને કે-
ભેદજ્ઞાનથી આત્માનો અનુભવ થાય છે. આત્માના અનુભવથી રાગદ્વેષમોહનો નાશ થાય છે અર્થાત્ રાગદ્વેષમોહાદિ આસ્રવનો અભાવ જેનું લક્ષણ છે એવો સંવર થાય છે. રાગદ્વેષમોહ આસ્રવ છે. તેના અભાવસ્વરૂપ સંવર છે. તે સંવર આત્માની શુદ્ધ ચૈતન્યમય પરિણતિરૂપ ધર્મ છે. લ્યો, આમ ભેદવિજ્ઞાન જ ધર્મનું મૂળ છે. સમજાણું કાંઈ...?
PDF/HTML Page 1855 of 4199
single page version
कथं भेदविज्ञानादेव शुद्धात्मोपलम्भ इति चेत्–
तह कम्मोदयतविदो ण जहदि णाणी दु णाणित्तं।। १८४।।
अण्णाणतमोच्छण्णो आदसहावं अयाणंतो।। १८५।।
तथा कर्मोदयतप्तो न जहाति ज्ञानी तु ज्ञानित्वम्।। १८४।।
एवं जानाति ज्ञानी अज्ञानी मनुते रागमेवात्मानम्।
अज्ञानतमोऽवच्छन्नः आत्मस्वभावमजानन्।। १८५।।
હવે પૂછે છે કે ભેદવિજ્ઞાનથી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ (અનુભવ) કઈ રીતે થાય છે? તેના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ-
ત્યમ કર્મઉદયે તપ્ત પણ જ્ઞાની ન જ્ઞાનીપણું તજે. ૧૮૪.
આત્મસ્વભાવ–અજાણ જે અજ્ઞાનતમ–આચ્છાદને. ૧૮પ.
ગાથાર્થઃ– [यथा] જેમ [कनकम्] સુવર્ણ [अग्नितप्तम् अपि] અગ્નિથી તપ્ત થયું થકું પણ [तं] તેના [कनकभावं] સુવર્ણપણાને [न परित्यजति] છોડતું નથી [तथा] તેમ [ज्ञानी] જ્ઞાની [कर्मोदयतप्तः तु] કર્મના ઉદયથી તપ્ત થયો થકો પણ [ज्ञानित्वम्] જ્ઞાનીપણાને [न जहाति] છોડતો નથી.- [एवं] આવું [ज्ञानी] જ્ઞાની [जानाति] જાણે છે, અને [अज्ञानी] અજ્ઞાની [अज्ञानतमोऽवच्छन्नः] અજ્ઞાન-અંધકારથી આચ્છાદિત હોવાથી [आत्मस्वभावम्] આત્માના સ્વભાવને [अजानन्] નહિ જાણતો થકો [रागम् एव] રાગને જ [आत्मानम्] આત્મા [मनुते] માને છે.
ટીકાઃ– જેને ઉપર કહ્યું તેવું ભેદવિજ્ઞાન છે તે જ તેના (ભેદવિજ્ઞાનના) સદ્ભાવથી જ્ઞાની થયો થકો આ પ્રમાણે જાણે છેઃ-જેમ પ્રચંડ અગ્નિ વડે તપ્ત થયું
PDF/HTML Page 1856 of 4199
single page version
થકું પણ સુવર્ણ સુવર્ણત્વ છોડતું નથી તેમ પ્રચંડ કર્મોદય વડે ઘેરાયું થકું પણ (અર્થાત્ વિધ્ન કરવામાં આવતાં છતાં પણ) જ્ઞાન જ્ઞાનત્વ છોડતું નથી, કેમ કે હજાર કારણો ભેગાં થવા છતાં સ્વભાવને છોડવો અશકય છે; કારણ કે તેને છોડતાં સ્વભાવમાત્ર વસ્તુનો જ ઉચ્છેદ થાય, અને વસ્તુનો ઉચ્છેદ તો થતો નથી કારણ કે સત્ના નાશનો અસંભવ છે. આવું જાણતો થકો જ્ઞાની કર્મથી આક્રાંત (ઘેરાયેલો, આક્રમણ પામેલો) હોવા છતાં પણ રાગી થતો નથી, દ્વેષી થતો નથી, મોહી થતો નથી, પરંતુ શુદ્ધ આત્માને જ અનુભવે છે. અને જેને ઉપર કહ્યું તેવું ભેદવિજ્ઞાન નથી તે તેના અભાવથી અજ્ઞાની થયો થકો, અજ્ઞાન-અંધકાર વડે આચ્છાદિત હોવાથી ચૈતન્ય- ચમત્કારમાત્ર આત્મસ્વભાવને નહિ જાણતો થકો, રાગને જ આત્મા માનતો થકો, રાગી થાય છે, દ્વેષી થાય છે, મોહી થાય છે, પરંતુ શુદ્ધ આત્માને બિલકુલ અનુભવતો નથી. માટે એમ સિદ્ધ થયું કે ભેદવિજ્ઞાનથી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ (અનુભવ) થાય છે.
ભાવાર્થઃ– જેને ભેદવિજ્ઞાન થયું છે તે આત્મા જાણે છે કે ‘આત્મા કદી જ્ઞાનસ્વભાવથી છૂટતો નથી.’ આવું જાણતો હોવાથી તે, કર્મના ઉદય વડે તપ્ત થયો થકો પણ, રાગી, દ્વેષી, મોહી થતો નથી પરંતુ નિરંતર શુદ્ધ આત્માને અનુભવે છે. જેને ભેદવિજ્ઞાન નથી તે આત્મા, આત્માના જ્ઞાનસ્વભાવને નહિ જાણતો થકો, રાગને જ આત્મા માને છે તેથી તે રાગી, દ્વેષી, મોહી થાય છે પરંતુ કદી શુદ્ધ આત્માને અનુભવતો નથી. માટે એ નક્કી થયું કે ભેદવિજ્ઞાનથી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થાય છે.
હવે પૂછે છે કે ભેદવિજ્ઞાનથી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ (અનુભવ) કઈ રીતે થાય છે? તેના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ-
શિષ્ય પૂછે છે કે-ભગવાન્! શું ભેદવિજ્ઞાનથી જ શુદ્ધ આત્માનો લાભ થાય એમ એકાન્ત જ છે? ગુરુ ઉત્તર આપે છે કે-હા; ભેદવિજ્ઞાનથી જ આત્મલાભ થાય છે. ભેદવિજ્ઞાનથીય થાય અને રાગથીય આત્મલાભ થાય એમ જો કોઈ માને તો તે યથાર્થ નથી એમ હવે ઉત્તરરૂપ ગાથા કહે છેઃ-
‘જેને ઉપર કહ્યું તેવું ભેદવિજ્ઞાન છે તે જ તેના (ભેદવિજ્ઞાનના) સદ્ભાવથી જ્ઞાની થયો થકો આ પ્રમાણે જાણે છે...’
PDF/HTML Page 1857 of 4199
single page version
જોયું? જેને ભેદવિજ્ઞાન થયું છે અર્થાત્ રાગથી ભિન્ન પડીને શુદ્ધ આત્માનો જેને અનુભવ થયો છે તે જ એ ભેદવિજ્ઞાનના સદ્ભાવથી જ્ઞાની થયો છે; રાગ કે વ્યવહારરત્નત્રયને લઈને જ્ઞાની થયો છે એમ નથી.
પ્રવચનસાર ગાથા ૨૩૬ માં આવે છે કે જે કાયા ને કષાયને પોતાના માનનારો છે તે છકાયના જીવનો ઘાતી-હિંસક અને પાંચ ઇન્દ્રિયોના વિષયોનો અભિલાષી છે. અહાહા...! નગ્ન દિગંબર મુનિ થયો હોય તોપણ જેની માન્યતા છે કે શરીરની ક્રિયા મારી છે અને વ્રતાદિનો રાગ મારું કર્તવ્ય છે તે એકેન્દ્રિય જીવોને ન હણતો હોવા છતાં છકાયનો હિંસક છે અને ઇન્દ્રિયના વિષયોનો અભિલાષી છે. ગંભીર વાત છે પ્રભો! કાય એટલે અજીવ અને કષાય એટલે આસ્રવ-એ બન્નેને જે પોતાના માને છે તે મિથ્યાદ્રષ્ટિ છે.
ત્યારે કોઈ કહે છે-નિરર્ગલ પાપમાં રચ્યાપચ્યા છે એમને બિચારાઓને કાંઈક પુણ્ય તો કરવા દો; ધર્મ તો પછી (એ વડે) થશે.
અરે ભાઈ! પુણ્ય હું કરું, પુણ્ય મારું કર્તવ્ય એવી જે માન્યતા તે મહા મિથ્યાત્વ છે. અને મિથ્યાત્વ એ શું પાપ નથી? મિથ્યાત્વ એ જ મહાપાપ છે અને મિથ્યાત્વને વશ થઈને જ જીવ પાપ કરે છે.
અષ્ટપાહુડમાં દર્શનપાહુડની ત્રીજી ગાથામાં સ્પષ્ટ કહ્યું છે કે-જે જીવ દર્શનથી ભ્રષ્ટ છે તે મુક્તિને પામતો નથી; જે જીવ દર્શનથી ભ્રષ્ટ છે તે જ્ઞાનથી અને ચારિત્રથી પણ ભ્રષ્ટ છે; તે ભ્રષ્ટમાં ભ્રષ્ટ છે. તથા જેને દર્શનશુદ્ધિ છે પણ ચારિત્ર નથી તે મુક્તિને પામશે; હમણાં ચારિત્રરહિત છે પણ દર્શનશુદ્ધિના બળે તે ચારિત્રને પ્રાપ્ત થઈને સીઝશે-મુક્તિને પામશે. આવી વાત છે. ભાઈ! વ્રત, તપ, ભક્તિ આદિના રાગથી મને લાભ (આત્મલાભ) થશે એમ માની જે પ્રવર્તે છે તે મૂઢ મહાભ્રષ્ટ-સર્વભ્રષ્ટ મિથ્યાદ્રષ્ટિ છે. સમજાણું કાંઈ...?
અહીં કહે છે-જીવ ભેદજ્ઞાનના સદ્ભાવથી જ્ઞાની થયો થકો આ પ્રમાણે જાણે છેઃ-‘જેમ પ્રચંડ અગ્નિ વડે તપ્ત થયું થકું પણ સુવર્ણ સુવર્ણત્વ છોડતું નથી તેમ પ્રચંડ કર્મોદય વડે ઘેરાયું થકું પણ જ્ઞાન જ્ઞાનત્વ છોડતું નથી.’
જયસેનાચાર્યદેવની ટીકામાં આ સમજવા પાંડવ આદિનું દ્રષ્ટાંત આપેલું છે.
પાંચ પાંડવો પૂર્વે રાજકુમાર હતા અને પાછળથી જેઓ મહામુનિ થયા તેઓનું નાજુક સુંદર શરીર હતું. એક વાર શત્રુંજય પર્વત પર ધર્માત્માઓ બધા આત્માના અતિ પ્રચુર આનંદના વેદનમાં સુખ નિમગ્ન હતા ત્યારે દુર્યોધનનો ભાણેજ ત્યાં આવ્યો અને પૂર્વનું વેર યાદ કરીને લોખંડનાં ધગધગતાં કડાં વગેરે તેમના શરીર પર પહેરાવ્યાં.
PDF/HTML Page 1858 of 4199
single page version
અહા! આવા પ્રચંડ કર્મોદય વડે ઘેરાયેલા હોવા છતાં તે મહામુનિઓ-ભાવલિંગી સંતો આનંદમાં મગ્ન રહ્યા. તે કાળે પણ જ્ઞાને જ્ઞાનત્વ છોડયું નહિ. ત્રણ પાંડવો તો (એવા પ્રસંગે પણ શ્રેણી માંડીને) કેવળજ્ઞાન પામી મોક્ષે પધાર્યા. નકુળ અને સહદેવને, અરે! સાધર્મી મોટાભાઈઓને કેમ હશે-એવો શુભ વિકલ્પ આવ્યો તો એના ફળમાં એમને સર્વાર્થસિદ્ધિનું આયુષ્ય બંધાઈ ગયું અને દેવગતિને પામ્યા. અહા! કેવળજ્ઞાન તેત્રીસ સાગરોપમથી કાંઈક અધિક દૂર થઈ ગયું કેમકે ફરીને મનુષ્યપણે જન્મ્યા પછી પણ આઠ વર્ષ પહેલાં કેવળજ્ઞાન નહિ થાય.
કોઈને થાય કે -અરે! પાંડવો -ધર્માત્માઓને પણ આવા પ્રસંગો!
ભાઈ! કર્મના ઉદયની સામગ્રી એના કાળે સ્વયં ઉદયમાં આવે તેને કોણ રોકે?
ત્યારે પ્રશ્ન થાય કે કોઈ દેવ કેમ વહારે ન આવ્યા? શું દેવને પણ ખબર ન પડી?
દેવને ખબર પડે તોય આ જીવનો પુણ્યનો ઉદય હોય ત્યારે આવે ને? દેવને પણ જ્યારે તીવ્ર કષાય હોય ત્યારે ખબર પડતી નથી (ઉપયોગ એમાં જતો નથી) અને મંદ કષાય હોય અને ખ્યાલમાં આવે તોપણ તે પ્રકારની શક્તિ ન હોય તો શું કરે? મોક્ષમાર્ગ પ્રકાશકમાં આ વાત લીધી છે. દેવ પણ કાંઈ ન કરે. (ભવિતવ્ય કોઈ ન નિવારી શકે).
શાસ્ત્રમાં બીજું દ્રષ્ટાંત બંધક આદિ પાંચસો મુનિઓનું આવે છે. બંધક આદિ પાંચસો મુનિઓ હતા. એક વખત મુનિ રાજાની રાણી સાથે વાત કરતા હશે તો કોઈએ રાજાને ભરમાવ્યું કે મુનિઓ આવા જ (વ્યભિચારી) છે. તેથી રાજાને શંકા પડી-વહેમ પડયો. રાજાએ હુકમ કર્યો કે બધા મુનિઓને ઘાણીમાં પીલો. આવા ભારે ઉપસર્ગના પ્રસંગમાં પણ મુનિવરો અતીન્દ્રિય આનંદના પ્રચુર સ્વસંવેદનમાં ઝૂલતા હતા; તે કાળે પણ જ્ઞાન ધીર થઈને જ્ઞાનપણે કાયમ અવિચલ રહ્યું.
વળી સીતાજીની પણ વાત આવે છે ને? ભગવાન રામચંદ્ર તદ્ભવ મોક્ષગામી ચરમ શરીરી ધર્માત્મા હતા. સીતાજી રાવણને ત્યાં રહેલા અને રામચંદ્રે સ્વીકાર્યાં એવો લોકાપવાદ થતાં ધર્માત્મા અને સાધર્મી સીતાજીને પોતાના શીલની પરીક્ષા આપવા ધગધગતા અગ્નિકુંડમાં પ્રવેશ કરવા રામચંદ્રે આજ્ઞા કરી. સીતાજી અગ્નિપરીક્ષામાં ઉતરતાં પહેલાં અગ્નિને કહે છે-હે અગ્નિ! જો મેં રામ સિવાય પતિ તરીકે કોઈ બીજાનો વિકલ્પ કર્યો હોય તો મને ભસ્મ કરી દે; હા, પણ જો બીજાનો વિકલ્પ ન આવ્યો હોય તો ધ્યાન રાખજે, અન્યથા જગતમાં હાંસી થશે. તે વેળા સીતાજીનો પુણ્યનો ઉદય હતો એટલે સિંહાસન રચાઈ ગયું અને કસોટીમાં પાર ઉતર્યાં જુઓ, આ ધર્માત્મા! આવા વિષય પ્રસંગે પણ સીતાજીએ જ્ઞાનત્વ ન છોડયું. અહો જ્ઞાન! અહો ભેદજ્ઞાન!
PDF/HTML Page 1859 of 4199
single page version
દ્રૌપદીની પણ વાત આવે છે ને? દુર્યોધનના માણસોએ સભામાં દ્રૌપદીની સાડી ખેંચી; એક ખેંચી ત્યાં બીજી થઈ ગઈ, બીજી ખેંચી ત્યાં ત્રીજી થઈ ગઈ-આવું. પુણ્યકર્મનો ઉદય છે ને? તો દ્રૌપદીના શીલની રક્ષા થઈ. પણ કદાચ (પાપનો ઉદય હોય તો એવું ન પણ થાય, તોપણ જ્ઞાનીને જ્ઞાનત્વ છૂટતું નથી. પાંડવો વચનથી બંધાયેલા હતા એટલે આવી ચેષ્ટાને જોઈ રહ્યા; બીજું કરે પણ શું? અહીં કહે છે-
જેમ સુવર્ણ અગ્નિમાં તપાવવા છતાં સુવર્ણપણાને છોડતું નથી તેમ ભેદજ્ઞાનથી યુક્ત આત્માનું જ્ઞાનમય પરિણમન પ્રચંડ કર્મોદયના ઘેરાવામાં છૂટતું નથી; જ્ઞાન જ્ઞાનત્વ છોડતું નથી, નિર્મળ પરિણતિ છોડતું નથી. ભાઈ! આ વર્તમાન પરિણતિની વાત છે, ત્રિકાળી સ્વભાવની વાત નથી. ત્રિકાળી સ્વભાવ તો અજ્ઞાનીને પણ સદા એવો ને એવો જ છે. અહીં તો જેણે ત્રિકાળીના આશ્રયે રાગથી ભિન્ન જ્ઞાનનો અનુભવ કર્યો એવા ભેદજ્ઞાની જીવનું જ્ઞાન (પરિણમન) પ્રચંડ કર્મોદયથી ઘેરાઈ જાય તોપણ જ્ઞાનત્વને છોડતું નથી એમ વાત છે. એનું કારણ આપતાં કહે છે-
‘કેમકે હજાર કારણો ભેગાં થવા છતાં સ્વભાવને છોડવો અશકય છે; કારણ કે તેને છોડતાં સ્વભાવમાત્ર વસ્તુનો જ ઉચ્છેદ થાય, અને વસ્તુનો ઉચ્છેદ તો થતો નથી કારણ કે સત્ના નાશનો અસંભવ છે.’
અહીં ‘હજાર કારણો’ કહીને સંખ્યાની અપરિમિતતા બતાવવી છે. મતલબ કે લાખો, કરોડો, અનંતા કારણો ભેગાં થઈ આવે છતાં સ્વભાવને છોડવો અશકય છે. અહાહા...! રાગથી ભિન્ન પડીને જે જ્ઞાનમય પરિણમન થયું તેને બીજી ચીજ (કર્મોદય) શું કરી શકે? (કાંઈ નહિ). બાપુ! બહારમાં (કર્મોદયમાં) તો જે થવાનું હોય તે થાય, તેમાં બીજો (-આત્મા) શું કરી શકે? અહાહા...! જુઓ આ વસ્તુના પરિણમનની સ્વતંત્રતા! પ્રતિકૂળતાના ગંજના ગંજ પણ આત્માના-જ્ઞાનના જ્ઞાનત્વને છોડાવી શકતી નથી.
ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ પૂર્ણ જ્ઞાન અને આનંદના સ્વભાવે ભરેલો છે. સમકિતીને એની દશામાં, આત્મામાં જે આનંદસ્વભાવ છે તેનો અંશ જ પ્રગટ છે; છે એ સિદ્ધની જાતનો હોં. અને મુનિને? અહાહા...! જે મુનિ છે એને તો આનંદના પ્રચંડ ફુવારા ફૂટે છે. જેમ ફુવારામાંથી પાણી ફૂટે તેમ અંદર આનંદના નાથમાં જે અંતર-એકાગ્ર થયા છે એવા મુનિરાજને અતીન્દ્રિય આનંદની પ્રચંડ ધારા ફૂટે છે. એને કર્મનો ઘેરાવો શું કરે? (કાંઈ નહિ). એનું જ્ઞાન જ્ઞાનત્ત્વ છોડતું નથી અર્થાત્ આત્મા વીતરાગી શાંતિની પરિણતિને છોડતો નથી. અશાતાના ઉદયમાં ઘેરાયેલો હોય છતાં વીતરાગપણું-આનંદપણું છૂટતું નથી; કેમકે અનંતા કારણો મળવા છતાં સ્વભાવને છોડવો અશકય છે, કેમકે સ્વભાવને છોડતાં સ્વભાવમાત્ર વસ્તુનો જ નાશ થાય. વીતરાગ પરિણતિ છૂટે તો વસ્તુનો જ નાશ થઈ જાય.
PDF/HTML Page 1860 of 4199
single page version
અહાહા...! વીતરાગભાવનો રંગ ચઢયો છે ને? રાગના રંગે ચઢેલાને વીતરાગતા દુર્લભ છે અને વીતરાગતાના રંગે ચઢેલાને રાગ દુર્લભ છે. નિયમસારમાં આવે છે કે જ્ઞાનીઓને વિકલ્પ દુર્લભ છે, ધર્માત્માઓને રાગ દુર્લભ છે અને અજ્ઞાનીને વીતરાગપણું દુર્લભ છે. રાગથી ભિન્ન પડી જ્યાં અતીન્દ્રિય આનંદમય આત્માનો અનુભવ થયો, આત્માને જાણ્યો અને ઓળખ્યો અને ત્યારે જે વીતરાગતામય-આનંદમય પરિણમન થયું તે કર્મના ઘેરાવમાં પણ છૂટતું નથી; જો એ છૂટે તો કહે છે સ્વભાવ જ છૂટી જાય અને તો વસ્તુનો જ નાશ થઈ જાય. પણ સ્વભાવ કોઈ દિવસ છૂટે નહિ કારણ કે સત્નો નાશ અસંભવ છે. જુઓ, આ ન્યાય છે. વીતરાગસ્વભાવી પ્રભુ આત્માનાં દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણે સત્ છે. વીતરાગસ્વભાવી સત્તાનું પરિણમન પણ સત્ છે ભાઈ! અને તે અહેતુક છે; દ્રવ્ય-ગુણ પણ એનું કારણ નથી. હવે આમ જ્યાં એની ઉત્પત્તિમાં દ્રવ્ય-ગુણ પણ કારણ નથી ત્યાં જગતના પ્રતિકૂળ સંજોગો એનો નાશ કેવી રીતે કરે? (ન કરી શકે). હવે કહે છે-
‘આવું જાણતો થકો જ્ઞાની કર્મથી આક્રાંત હોવા છતાં પણ રાગી થતો નથી, દ્વેષી થતો નથી, મોહી થતો નથી, પરંતુ શુદ્ધ આત્માને જ અનુભવે છે.’
જ્ઞાની તો જાણે છે કે હું તો સદા જ્ઞાતા-દ્રષ્ટા જાણવા-દેખવાના સ્વભાવે રહેલો છું. પ્રતિકૂળ સંયોગોનો પણ હું તો જાણનાર-દેખનાર માત્ર છું. આ પ્રમાણે જાણતો થકો જ્ઞાની કર્મથી ઘેરાઈ જાય છતાં પરિષહની ભીંસ વચ્ચે પણ ધીરજ ખોઈને રાગ-દ્વેષ-મોહભાવને પ્રાપ્ત થતો નથી, અજ્ઞાનપણે પરિણમતો નથી; શુદ્ધ આત્માને જ અનુભવે છે. ધર્મી રાગી-દ્વેષી થતો નથી એ મિથ્યાત્વપૂર્વકના રાગદ્વેષની વાત છે.
સમાધિશતકમાં આવે છે કે પ્રતિકૂળ સંયોગો આત્માને દુઃખનું કારણ નથી; માટે હે આત્મન્! સહન કરવાની (ભેદજ્ઞાનના અભ્યાસથી ધૈર્ય કેળવવાની) ટેવ પાડ. સુખ-સગવડથી (વિષયોથી) જો તું ટેવાઈ ગયો હોઈશ તો પરિષહની ભીંસમાં અગવડતા આવશે ત્યારે થીજાઈ જઈશ; માટે પ્રતિકૂળતા વખતે પણ સહન-શીલતા કાયમ રહે એવો અભ્યાસ કર. અહો! આચાર્યોએ તો ગજબનાં કામ કર્યા છે! શાતાશીળિયા ન રહેતાં અંતરપુરુષાર્થને પુષ્ટ કરવાની પ્રેરણા કરી છે જેથી સહનશીલતા અને ધૈર્ય કાયમ બની રહે.
હવે કહે છે-‘જેને ઉપર કહ્યું તેવું ભેદવિજ્ઞાન નથી તે તેના અભાવથી અજ્ઞાની થયો થકો, અજ્ઞાન-અંધકાર વડે આચ્છાદિત હોવાથી ચૈતન્યચમત્કારમાત્ર આત્મસ્વભાવને નહિ જાણતો થકો, રાગને જ આત્મા માનતો થકો, રાગી થાય છે, દ્વેષી થાય છે, મોહી થાય છે, પરંતુ શુદ્ધ આત્માને બીલકુલ અનુભવતો નથી.’
જુઓ, જેને ભેદવિજ્ઞાન નથી તે અજ્ઞાની છે. શુભરાગ મારો છે અને એનાથી મને લાભ થશે એવી રાગ સાથેની એકત્વબુદ્ધિના અંધકારથી ઢંકાઈ ગયેલો હોવાથી