PDF/HTML Page 1861 of 4199
single page version
તે પોતાના ચૈતન્યચમત્કારમાત્ર આત્મસ્વરૂપને જાણતો નથી. અહાહા...! પોતે તો જાણવા- દેખવાના સ્વભાવે શુદ્ધ ચૈતન્યચમત્કારમાત્ર વસ્તુ છે. એક સમયની નિર્મળ જ્ઞાનની પર્યાયમાં આખા લોકાલોકને જાણે એવા સ્વભાવના સામર્થ્યથી ભરેલો છે. અરે! પણ અજ્ઞાની રાગને જ આત્મા માને છે; તેથી તે શુદ્ધ આત્માને બીલકુલ અનુભવતો નથી, પણ રાગને જ અનુભવતો થકો રાગી, દ્વેષી અને મોહી થાય છે.
‘માટે એમ સિદ્ધ થયું કે ભેદવિજ્ઞાનથી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ (અનુભવ) થાય છે.’ રાગથી ભિન્ન પડી અંતઃઅનુભવ કર્યા વિના, ભેદજ્ઞાન વિના તે રાગી થાય છે અને ભેદજ્ઞાન થતાં જ્ઞાની થાય છે. આત્મોપલબ્ધિનો આ જ માર્ગ છે.
ભાઈ! વ્યવહારથી નિશ્ચય થાય એમ જે માને છે તે રાગનો બંધાણી મિથ્યાદ્રષ્ટિ મોહી છે. તે રાગને જ આત્મા માને છે અને રાગને જ અનુભવે છે. અહીં કહે છે જેમને ભેદવિજ્ઞાન નથી થયું તેવા અજ્ઞાની જીવો પ્રતિકૂળતા આવતાં રાગ-દ્વેષમાં જ રોકાઈ જશે અને તેથી મોહને જ પ્રાપ્ત થશે પણ શુદ્ધાત્માને પ્રાપ્ત નહિ થાય. રાગથી લાભ થાય એમ માનનાર અજ્ઞાની જીવ દયા, દાન આદિ શુભરાગમાં અને ક્રોધાદિ દ્વેષમાં રોકાઈ જશે પણ શુદ્ધ આત્માને બીલકુલ અનુભવશે નહિ. જુઓને શબ્દ કેવા છે? કે અજ્ઞાની શુદ્ધ આત્માને બીલકુલ અનુભવતો નથી જ્યારે જ્ઞાની શુદ્ધ આત્માને જ અનુભવે છે.
વ્યવહાર હોય છે ખરો, પણ વ્યવહારથી ભેદજ્ઞાન પ્રગટતું નથી પણ વ્યવહારથી ભેદ પાડીને અંતઃસન્મુખ થતાં ભેદજ્ઞાન પ્રગટ થાય છે. તેવી રીતે કાર્ય થવામાં નિમિત્ત હોય છે ખરું, પણ નિમિત્તથી કાર્ય થાય છે એમ નથી; કાર્ય તો ઉપાદાનથી જ થાય છે.
ત્યારે કોઈ કહે છે-મોક્ષમાર્ગપ્રકાશકમાં તો એમ આવે છે કે -જીવમાં વિકાર કર્મના નિમિત્ત વિના થાય તો વિકાર જીવનો સ્વભાવ થઈ જાય. (માટે કાર્ય નિમિત્તથી થાય છે એમ ત્યાં કહેવા માગે છે).
સમાધાનઃ– ત્યાં આશય એમ છે કે-વિકારના પરિણામ નિમિત્તના લક્ષે થાય છે, નિમિત્ત વિકાર કરાવે છે એમ આશય નથી. વળી વિકાર છે તો એક સમયની પર્યાયનો સ્વભાવ જ. વિકાર એક સમય માટે ધારી રાખેલો જીવનો વિભાવ-સ્વભાવ છે. વિભાવ પણ પર્યાયનો સ્વભાવ જ છે. સ્વભાવ એટલે અહીં ત્રિકાળી સ્વભાવની વાત નથી. (નિમિત્ત વિના થાય તો વિકાર સ્વભાવ થઈ જાય એમ જે મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહ્યું તે ત્રિકાળી સ્વભાવની વાત છે).
ક્રમબદ્ધથી લઈએ તો વિકાર જે કાળે થયો છે તે એનો સ્વકાળ છે, અને તે પોતાથી થયો છે. નિમિત્તના લક્ષે થયો છે એમ કહેવું એ વ્યવહાર છે. વિકારનું સમય-સમયનું પરિણમન પોતાના ષટ્કારકોથી સ્વતંત્ર થાય છે; તેમ નિર્મળ પર્યાયનું પરિણમન
PDF/HTML Page 1862 of 4199
single page version
પણ સ્વતંત્ર પોતાના ષટ્કારકથી થાય છે. મિથ્યાત્વ, રાગ-દ્વેષ આદિ જે જે વિકારી પર્યાય થાય છે તે સ્વતંત્રપણે પોતાના ષટ્કારકથી થાય છે; કર્મને લઈને કે પોતાના દ્રવ્ય-ગુણને લઈને નહિ. આ વાત પંચાસ્તિકાયમાં ગાથા ૬૨ માં લીધી છે. વળી પ્રવચનસાર ગાથા ૧૬ માં પોતે ‘સ્વયંભૂ’ થાય છે એનું વ્યાખ્યાન કરતાં કહ્યું છે કે કેવલજ્ઞાન પણ પોતાના અભિન્ન કર્તા, કર્મ, કરણ આદિથી ઉત્પન્ન થયું છે, જ્ઞાનાવરણાદિ કર્મોનો ક્ષય થયો માટે ઉત્પન્ન થયું છે એમ નથી. નિર્મળ પરિણતિ પોતાના ષટ્કારકો વડે થઈ છે, એને પરકારકોના અભાવની કોઈ અપેક્ષા નથી. તેવી જ રીતે વિકારને પણ પરકારકોના સદ્ભાવની કોઈ અપેક્ષા નથી.
મોક્ષમાર્ગ પ્રકાશકમાં જ આવે છે કે કર્મ અને આત્મા બન્ને એક સાથે છે (એકક્ષેત્રાવગાહે અને સમકાળે છે) છતાં કર્મ આત્માની પર્યાયને કરતાં નથી અને આત્મા કર્મની પર્યાયને કરતો નથી. કોઈ કોઈનું કર્તા છે જ નહિ આ સિદ્ધાંત છે.
તો પરસ્પર કાર્યકારણ સંબંધ છે એમ શાસ્ત્રોમાં આવે છે ને?
હા, આવે છે; પણ એનો અર્થ શું? એનો અર્થ એ છે કાર્ય તો ઉપાદાનથી જ થાય છે અને ત્યારે જે અનુકૂળ નિમિત્ત હોય છે તેને કારણનો ઉપચાર આપીને વ્યવહારથી બીજું કારણ કહેવામાં આવે છે. નિમિત્ત કારણ એટલે નિમિત્ત છે બસ એટલું જ; પણ નિમિત્ત કાર્યનું કર્તા છે એમ નહિ કોઈ પરનું કર્તા કદીય હોઈ શકતું નથી એ મૂળ સિદ્ધાંત છે. નિમિત્તથી કાર્ય થાય તો નિમિત્ત-ઉપાદાન એક થઈ જાય. નિમિત્ત ઉપાદાન થઈ જાય અર્થાત્ નિમિત્ત રહે જ નહિ. (બે ભિન્ન વસ્તુમાં કાર્યકારણસંબંધ કહેવો એ તો ઉપચારમાત્ર છે). સમજાણું કાંઈ...?
ત્યારે વળી કોઈ એમ કહે છે કે-નિશ્ચયથી સ્વના આશ્રયે ધર્મ થાય અને વ્યવહારથી પરના આશ્રયે થાય-જો એમ કહો તો અનેકાન્ત કહેવાય.
અરે ભાઈ! એ અનેકાન્ત નથી, એ તો મિથ્યા અનેકાન્ત (ઉભયાભાસ) છે. સત્ય તો આ છે કે-રાગથી ભિન્ન પડે તેને ભેદજ્ઞાન-સમ્યગ્જ્ઞાન થાય અને રાગથી ન થાય. આનું નામ સાચું અનેકાન્ત છે.
અહીં કહે છે-જેને ભેદજ્ઞાન નથી તે અજ્ઞાની જીવ રાગને પોતાનો માનતો થકો રાગી થાય છે અને દ્વેષને પોતાનો માનતો થકો દ્વેષી થાય છે. પંચાધ્યાયીમાં આવે છે કે જેટલે દરજ્જે જીવને અનુકૂળતામાં રાગ છે તેટલે દરજ્જે તેને પ્રતિકૂળતા ઉપર દ્વેષ છે. જેમ શરીર પ્રત્યે જેટલો રાગ છે તેટલો જ શરીરમાં રોગ આવતાં તેને દ્વેષ થાય છે. પ્રશંસામાં જેટલે દરજ્જે રાગ છે તેટલો જ નિંદાના વચનોમાં દ્વેષ થાય છે. અનુકૂળતામાં હરખ અને પ્રતિકૂળતામાં અણગમાનું દુઃખ અજ્ઞાનીને ભેદજ્ઞાનના અભાવે થયા વિના રહેતું
PDF/HTML Page 1863 of 4199
single page version
નથી. જ્ઞાનીને એવાં અજ્ઞાનમય સુખ-દુઃખ હોતાં નથી કેમકે ભેદજ્ઞાનના બળે તે રાગી-દ્વેષી થતો નથી.
અહાહા...! ભગવાન આત્મા અકષાયસ્વભાવનો-શાંતરસનો પિંડ છે. ભક્તામર સ્તોત્રમાં આવે છે કે-ભગવાન! જેમ આપ પરમ શાંતરસે પરિણમ્યા છો તેમ આપનો દેહ પણ જાણે અકષાય શાંતિનું બિંબ હોય તેમ ઠરી ગયેલું જણાય છે. ભગવાન! જાણે જગતમાં જેટલા શાંત-શાંત ભાવે પરિણમનારા પરમાણુઓ છે તે તમામ આપના ઔદારિક શરીરરૂપે પરિણમી ગયા છે. આપનું બિંબ આપની પરમ શાંત વીતરાગરસે પરિણમેલી પરિણતિને જાહેર કરે છે. ભક્તિમાં આવે છે ને કે-‘ઉપશમરસ વરસે રે પ્રભુ તારા નયનમાં;’ અહાહા...! ભગવાનની પરિણતિ જાણે એકલી અકષાય શાંતરસનું -આનંદરસનું ઢીમ. જેમ બરફની પાટ શીતળ- શીતળ-શીતળ હોય છે તેમ ભગવાનની પરિણતિ એકલી શાંત-શાંત-શાંત હોય છે. આવી શાન્તિ ભેદજ્ઞાનકલા વડે પ્રગટ થાય છે. વસ્તુ તો પરમ શાન્તસ્વભાવી છે અને તે ભેદવિજ્ઞાન થતાં પ્રગટ થાય છે. આવી વાત છે.
પરના લક્ષે જે રાગ થાય છે તેનો સ્વામી ભેદજ્ઞાની આત્મા થતો નથી. ધર્મજિનેશ્વરના સ્તવનમાં આવે છે કે-
ભગવાન! એક વીતરાગ! (પોતાનો જ્ઞાયકદેવ) સિવાય મનમંદિરમાં બીજાને (- રાગને) આવવા નહિ દઉં. આ અમારી-અનંત કેવળીઓ અને તીર્થંકરોના કુળની રીત-કુળવટ છે.
શ્રીમદ્ રાજચંદ્રજી જ્ઞાની થઈ ગયા. તેઓ એક ભવે મોક્ષ જશે. તેમણે કહ્યું છે કે-‘દેહ એક ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ રે.’ શ્રીમદ્ને મોટો ઝવેરાતનો ધંધો હતો. પરંતુ એ તો બધી એમને મન જડની ક્રિયા હતી. અંદરથી (અભિપ્રાયમાં) તો તેઓ રાગથી ભિન્ન પડી ગયેલા હતા. અહો! ભેદજ્ઞાની જીવોનું અંતરંગ કોઈ પારલૌકિક હોય છે.
ભાઈ! બધાનો સરવાળો આ છે કે-ભેદજ્ઞાનથી જ શુદ્ધ આત્માનો અનુભવ થાય છે, રાગ અને વ્યવહાર કરતાં કરતાં નહિ. ભાઈ! આ સમજવામાં તારું હિત છે હોં; શરીર અત્યારે જુવાન સશક્ત હોય, કંઈક ભણી-ગણીને પંડિત થયો હોય, બોલતાં સારું આવડતું હોય અને બહારમાં કાંઈક આબરૂ હોય એટલે રોફમાં (મિથ્યાગર્વમાં) આવી જાય પણ જુવાની પીંખાઈ જશે બાપુ! અને બહારની પંડિતાઈ આત્માના અનુભવના કામમાં ખપ નહિ લાગે. રાગથી ભિન્ન પડીને ભેદવિજ્ઞાન પ્રગટ કરવાથી જ આત્માનુભવનું કાર્ય થશે, રાગને સાથે રાખીને (- સ્વામિત્વ રાખીને) એ કામ નહિ થાય. આવું જ વસ્તુસ્વરૂપ છે.
PDF/HTML Page 1864 of 4199
single page version
‘જેને ભેદવિજ્ઞાન થયું છે તે આત્મા જાણે છે કે-‘‘આત્મા કદી જ્ઞાનસ્વભાવથી છૂટતો નથી.’’ જ્યારે જ્ઞાનસ્વરૂપી આત્માનો અનુભવ થયો ત્યારે જાણ્યું કે આત્મા રાગસ્વરૂપ થયો જ નથી; એ તો સદાય જ્ઞાનસ્વભાવે જ રહેલો છે. અરે ભાઈ! જો આત્મા શુભાશુભ રાગના સ્વભાવે થઈ જાય તો ભિન્ન આત્માનું જ્ઞાન કયાંથી થાય? એક સમય પણ જો આત્મા જ્ઞાનસ્વભાવને છોડી રાગસ્વભાવે-જડસ્વભાવે થઈ જાય તો આત્મજ્ઞાન થાય જ નહિ. આત્મા તો અનાદિથી રાગરહિત શુદ્ધ જ છે. અજ્ઞાની, હું રાગરૂપ છું એમ માને છે તેથી પર્યાયમાં રાગાદિ અશુદ્ધતા છે. પર્યાયમાં અશુદ્ધતા છે પણ વસ્તુ આખી કયાં તે-રૂપ થઈ ગઈ છે? પર્યાયદ્રષ્ટિ છૂટી વસ્તુદ્રષ્ટિ થતાં જ વસ્તુમાં અશુદ્ધતા છે નહિ એવું યથાર્થ ભાન થાય છે. સમયસાર ગાથા ૬ માં કહ્યું છે કે-જ્ઞાયક જ્ઞાયક જ છે, પ્રમત્ત પણ નથી, અપ્રમત્ત પણ નથી. વળી ત્યાં (સમયસારમાં) ગાથા ૩૪ માં પણ આવે છે કે-જ્ઞાનસ્વભાવથી પોતે (આત્મા) છૂટયો નથી, માટે પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે એમ અનુભવ કરવો.
હવે કહે છે-‘આવું જાણતો હોવાથી તે, કર્મના ઉદય વડે તપ્ત થયો થકો પણ, રાગી, દ્વેષી, મોહી થતો નથી પરંતુ નિરંતર શુદ્ધ આત્માને અનુભવે છે.’
જુઓ, રાવણ સાથેના યુદ્ધમાં રાવણની વિદ્યાથી લક્ષ્મણ વાસુદેવ મૂર્છિત થઈ પડયા. રામચંદ્રજીને તે કાળે એમ થયું કે આ શું થઈ ગયું? સીતાજીને રાવણ લઈ ગયો, ભાઈ પણ ગયો; આવ્યા ત્યારે ત્રણ સાથે હતા અને જતાં હું એકલો જઈશ અને માતાજી પૂછશે તો હું શું કહીશ? વાસુદેવ મૂર્છામાં છે. રામચંદ્રજી કહે છે-ભાઈ! એક વાર બોલ; માતાજીને હું શું જવાબ દઈશ? અહા! રામચંદ્રજીને તે સમયે પણ શ્રદ્ધાન તો છે કે વાસુદેવને રાજ્ય મળે પછી જ મૃત્યુ થાય છતાં રાગે એવું કામ કર્યું.
પછી કોઈના કહેવાથી ભરતના રાજ્યમાંથી ત્રિશલ્યા નામે એક કુમારિકા હતી તેને બોલાવી. ત્રિશલ્યાને સમ્યગ્દર્શન ન હતું પણ પૂર્વે એવું પુણ્ય બાંધેલું કે તે છાવણીમાં દાખલ થઈ કે કેટલા ઘાયલ સૈનિકોને રૂઝ આવી અને તેણીએ સ્નાન કરીને પાણી છાંટયું કે તરત જ લક્ષ્મણ મૂર્છામાંથી જાગ્રત થયા. રામચંદ્રજી આવા પ્રસંગે પણ ધૈર્ય ધારી રહ્યા; તેમણે પોતાનું જ્ઞાનપણું છોડયું નહિ. કર્મના ઉદયના આકરા ઘેરાવામાં પણ તેઓ અજ્ઞાનભાવને પ્રાપ્ત ન થયા, રાગી-દ્વેષી-મોહી ન થયા, અંતરંગમાં આત્માના આશ્રયે જ્ઞાનમયપણે જ પરિણમતા રહ્યા.
કર્મના ઉદય વડે તપ્ત થયો થકો પણ જ્ઞાની રાગી, દ્વેષી, મોહી થતો નથી, પરંતુ શુદ્ધ આત્માને જ અનુભવે છે. ભલે વિકલ્પ હો, પણ લબ્ધજ્ઞાનમાં તે આત્માને
PDF/HTML Page 1865 of 4199
single page version
જ અનુભવે છે. તે કાળે પણ તેને જેટલો આત્માનો આશ્રય છે તેટલી આત્માની શાંતિ પ્રગટ છે. તેને આત્માના આશ્રયે શુદ્ધ પરિણતિ નિરંતર ચાલુ જ છે.
વળી, ‘જેને ભેદવિજ્ઞાન નથી તે આત્મા, આત્માના જ્ઞાનસ્વભાવને નહિ જાણતો થકો, રાગને જ આત્મા માને છે તેથી તે રાગી, દ્વેષી, મોહી થાય છે પરંતુ કદી શુદ્ધ આત્માને અનુભવતો નથી. માટે એ નક્કી થયું કે ભેદવિજ્ઞાનથી જ આત્માની ઉપલબ્ધિ થાય છે.’ લ્યો, આ સિદ્ધાંત સિદ્ધ કર્યો કે ભેદવિજ્ઞાનથી જ આત્માની પ્રાપ્તિ થાય છે; શુભક્રિયાથી થાય છે એમ નહિ.
બીજે શુભક્રિયાથી થાય છે એમ કહ્યું છે ને?
કહ્યું છે તો શું આનાથી કાંઈ વિરુદ્ધ હોય? ભાઈ! ભગવાનની વાણી પૂર્વાપર અવિરુદ્ધ હોય છે. બીજે ઠેકાણે કહ્યું છે એ તો ત્યાં બાહ્ય સહચર અને નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે કે જ્ઞાનીને આવો રાગ સહચરપણે હોય છે. નિમિત્તનું જ્ઞાન કરાવવા નિમિત્તની મુખ્યતા કરીને કથન કર્યું હોય ત્યાં નિમિત્તથી કાર્ય થાય છે એમ ન સમજવું.
PDF/HTML Page 1866 of 4199
single page version
कथं शुद्धात्मोपलम्भादेव संवर इति चेत्–
जाणंतो दु असुद्धं असुद्धमेवप्पयं लहदि।। १८६।।
जानंस्त्वशुद्धमशुद्धमेवात्मानं लभते।। १८६।।
હવે પૂછે છે કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી જ સંવર કઈ રીતે થાય છે? તેનો ઉત્તર કહે છેઃ-
અણશુદ્ધ જાણે આત્મને અણશુદ્ધ આત્મ જ તે લહે. ૧૮૬.
ગાથાર્થઃ– [शुद्धं तु] શુદ્ધ આત્માને [विजानन्] જાણતો-અનુભવતો [जीवः] જીવ [शुद्धं च एव आत्मानं] શુદ્ધ આત્માને જ [लभते] પામે છે [तु] અને [अशुद्धम्] અશુદ્ધ [आत्मानं] આત્માને [जानन्] જાણતો-અનુભવતો જીવ [अशुद्धम् एव] અશુદ્ધ આત્માને જ [लभते] પામે છે.
ટીકાઃ– જે સદાય અચ્છિન્નધારાવાહી જ્ઞાનથી શુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે તે, ‘જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ જ થાય છે’ એ ન્યાયે નવાં કર્મના આસ્રવણનું નિમિત્ત જે રાગદ્વેષમોહની સંતતિ (પરંપરા) તેનો નિરોધ થવાથી, શુદ્ધ આત્માને જ પામે છે; અને જે સદાય અજ્ઞાનથી અશુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે તે, ‘અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવ જ થાય છે’ એ ન્યાયે નવાં કર્મના આસ્રવણનું નિમિત્ત જે રાગદ્વેષમોહની સંતતિ તેનો નિરોધ નહિ થવાથી, અશુદ્ધ આત્માને જ પામે છે. માટે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી (અનુભવથી) જ સંવર થાય છે.
ભાવાર્થઃ– જે જીવ અખંડધારાવાહી જ્ઞાનથી આત્માને નિરંતર શુદ્ધ અનુભવ્યા કરે છે તેને રાગદ્વેષમોહરૂપી ભાવાસ્રવો રોકાય છે તેથી તે શુદ્ધ આત્માને પામેછે; અને જે જીવ અજ્ઞાનથી આત્માને અશુદ્ધ અનુભવે છે તેને રાગદ્વેષમોહરૂપી ભાવાસ્રવો રોકાતા નથી તેથી તે અશુદ્ધ આત્માને જ પામે છે. આ રીતે સિદ્ધ થયું કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી (અનુભવથી) જ સંવર થાય છે.
PDF/HTML Page 1867 of 4199
single page version
ध्रुवमुपलभमानः शुद्धमात्मानमास्ते।
तदयमुदयदात्माराममात्मानमात्मा
परपरिणतिरोधाच्छुद्धमेवाभ्युपैति।। १२७।।
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [यदि] જો [कथम् अपि] કોઈ પણ રીતે (તીવ્ર પુરુષાર્થ કરીને) [धारावाहिना बोधनेन] ધારાવાહી જ્ઞાનથી [शुद्धम् आत्मानम्] શુદ્ધ આત્માને [ध्रुवम् उपलभमानः आस्ते] નિશ્ચળપણે અનુભવ્યા કરે [तत्] તો [अयम् आत्मा] આ આત્મા, [उदयत्–आत्म–आरामम् आत्मानम्] જેનો આત્માનંદ પ્રગટ થતો જાય છે (અર્થાત્ જેની આત્મસ્થિરતા વધતી જાય છે) એવા આત્માને [पर–परिणति–रोधात्] પરપરિણતિના નિરોધથી [शुद्धम् एव अभ्युपैति] શુદ્ધ જ પ્રાપ્ત કરે છે.
ભાવાર્થઃ– ધારાવાહી જ્ઞાન વડે શુદ્ધ આત્માને અનુભવવાથી રાગદ્વેષમોહરૂપ પરપરિણતિનો (ભાવાસ્રવોનો) નિરોધ થાય છે અને તેથી શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે.
ધારાવાહી જ્ઞાન એટલે પ્રવાહરૂપ જ્ઞાન-અતૂટક જ્ઞાન. તે બે રીતે કહેવાય છેઃ-એક તો, જેમાં વચ્ચે મિથ્યાજ્ઞાન ન આવે એવું સમ્યગ્જ્ઞાન ધારાવાહી જ્ઞાન છે. બીજું, એક જ જ્ઞેયમાં ઉપયોગના ઉપયુક્ત રહેવાની અપેક્ષાએ જ્ઞાનનું ધારાવાહીપણું કહેવામાં આવે છે, અર્થાત્ જ્યાં સુધી ઉપયોગ એક જ્ઞેયમાં જ્ઞેયયુક્ત રહે છે ત્યાં સુધી ધારાવાહી જ્ઞાન કહેવાય છે; આની સ્થિતિ (છદ્મસ્થને) અંતર્મુહૂર્ત જ છે, પછી તે ખંડીત થાય છે. આ બે અર્થમાંથી જ્યાં જેવી વિવક્ષા હોય તેવો અર્થ સમજવો. અવિરતસમ્યગ્દ્રષ્ટિ વગેરે નીચેનાં ગુણસ્થાનવાળા જીવોને મુખ્યત્વે પહેલી અપેક્ષા લાગુ પડે. શ્રેણી ચડનાર જીવને મુખ્યત્વે બીજી અપેક્ષા લાગુ પડે કારણ કે તેનો ઉપયોગ શુદ્ધ આત્મામાં જ ઉપયુક્ત છે. ૧૨૭.
હવે પૂછે છે કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી જ સંવર કઈ રીતે થાય છે? તેનો ઉત્તર કહે છેઃ-
શુદ્ધ આત્માને એટલે પોતાની ત્રિકાળી શુદ્ધ અખંડ એકરૂપ જે વસ્તુ તેને જાણતો- विजानन्–મૂળમાં वियाणंतो–એમ છે ને?-એટલે કે જે પર્યાયમાં રાગથી ભિન્ન
PDF/HTML Page 1868 of 4199
single page version
શુદ્ધ આત્માને જાણે છે-અનુભવે છે તે શુદ્ધ આત્માને જ પામે છે અર્થાત્ તેને શુદ્ધ આત્માની ઉપલબ્ધિ વડે સંવર જ થાય છે. અને અશુદ્ધ આત્માને જાણતો-અનુભવતો-એટલે કે પર્યાયમાં જે રાગ છે તે અશુદ્ધ આત્મા છે, તેમાં-અશુદ્ધ આત્મામાં એકત્વ કરીને પોતાપણે પરિણમતો તે અશુદ્ધ આત્માને જ પામે છે, અર્થાત્ રાગને જ પામે છે; તેને શુદ્ધ આત્માનો અનુભવ થતો નથી. જુઓ, જેઓ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, સમ્મેદશિખરની જાત્રા ઇત્યાદિ રાગને જ અનુભવે છે વા તેને ભલો-હિતકારી જાણે છે તેઓ અશુદ્ધ આત્માને જ પામે છે એમ કહે છે. રાગ તે હું અને રાગ મારું કર્તવ્ય એમ જાણે છે તેઓ અશુદ્ધતાને રાગને જ પામે છે.
‘જે સદાય અચ્છિન્નધારાવાહી જ્ઞાનથી શુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે તે, ‘‘જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ જ થાય છે’’ એ ન્યાયે નવાં કર્મના આસ્રવણનું નિમિત્ત જે રાગદ્વેષમોહની સંતતિ તેનો નિરોધ થવાથી, શુદ્ધ આત્માને જ પામે છે.’
જુઓ, ગાથામાં ‘सुद्धं वियाणंतो’ શબ્દ પડયો છે તેનો આ અર્થ કર્યો-કે હું સદાય જ્ઞાનાનંદસ્વભાવમય છું એવું જેને અચ્છિન્નધારાએ-અતૂટધારાવાહી પ્રવાહે જ્ઞાનમય પરિણમન છે અને તે વડે જે સતત શુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે તેને અશુદ્ધતા જે રાગદ્વેષમોહ તેની સંતતિનો નિરોધ થવાથી શુદ્ધ આત્માની જ પ્રાપ્તિ થાય છે. ‘જ્ઞાનમયભાવમાંથી જ્ઞાનમય ભાવ જ થાય છે’ -એ ન્યાયે એવા જીવને જ્ઞાનમયભાવમાંથી જ્ઞાન, આનંદ અને શાંતિમય ભાવ જ ઉત્પન્ન થાય છે, એને અશુદ્ધતા થતી નથી, રાગાદિ વિકાર થતો નથી.
પ્રશ્નઃ– તો ચરણાનુયોગમાં વ્રતાદિ (રાગ) ના આચરણનું વિધાન છે ને?
ઉત્તરઃ– ભાઈ! ચરણાનુયોગમાં સમ્યગ્દ્રષ્ટિને (આત્માના અનુભવી જીવને) વ્યવહારરત્નત્રયના જે વિકલ્પો આવે છે તેનું ભૂમિકાનુસાર કથન કર્યું છે. જ્ઞાનીને (જ્ઞાનદશાની સાથે) વ્રતાદિના વિકલ્પની દશા હોય છે પરંતુ તેને સ્વભાવના આશ્રયે તેનો નિષેધ વર્તતો હોય છે. સમજાણું કાંઈ...?
રાગીને રાગની એકતામાં અચ્છિન્નધારાએ રાગમય ધારા વહે છે, જ્યારે સમકિતી- જ્ઞાનીને રાગથી ભિન્નતા થવાથી (ભેદવિજ્ઞાન થવાથી) અચ્છિન્ન જ્ઞાનધારા વહે છે. જ્ઞાની સદાય અચ્છિન્નધારાવાહી આત્માની શુદ્ધદ્રષ્ટિપણે પરિણમતો હોવાથી તે અચ્છિન્નપણે શુદ્ધ જ્ઞાનમય પરિણમનને પ્રાપ્ત થાય છે. તેના જ્ઞાન અને આનંદના વેદનરૂપ પરિણમનમાં તૂટ-ભંગ પડતો નથી.
જ્ઞાનમયભાવમાંથી જ્ઞાનમય જ ભાવ થાય છે એ ન્યાયે જ્ઞાનીને નવાં કર્મ આવવાનું જે નિમિત્ત એવા રાગ-દ્વેષ-મોહની સંતતિ-પરંપરાનો નિરોધ થાય છે. લ્યો આ સંવર
PDF/HTML Page 1869 of 4199
single page version
થયો. જ્ઞાનની ધારાવાહી એકાગ્રતાની પ્રગટતા અને રાગમય ભાવનો નિરોધ થવો એનું નામ સંવર છે. જ્યાં અચ્છિન્નધારાએ જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્માના અનુભવની પ્રગટતા થઈ ત્યાં રાગદ્વેષમોહની સંતતિ અટકી જાય છે; આનું નામ સંવર છે, ધર્મ છે. સંવર થતાં શુદ્ધ આત્માનો ભેટો થાય છે, ભગવાન નિર્મળાનંદના આનંદનો અનુભવ થાય છે. હવે કહે છે-
‘અને જે સદાય અજ્ઞાનથી અશુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે તે, ‘‘અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવ જ થાય છે’’-એ ન્યાયે નવાં કર્મના આસ્રવણનું નિમિત્ત જે રાગદ્વેષમોહની સંતતિ તેનો નિરોધ નહિ થવાથી, અશુદ્ધ આત્માને જ પામે છે.’
શું કહ્યું? કે જે સદાય અજ્ઞાનથી એટલે કે રાગથી મને લાભ થશે એવી મિથ્યાદ્રષ્ટિ વડે અશુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે તે અશુદ્ધ આત્માને અર્થાત્ મલિન ભાવને જ પામે છે. મા- બાપ આપણાં છે, તેમણે આપણને પાળી-પોષી મોટાં કર્યાં છે; માટે તેમની સેવા કરવી આપણી ફરજ છે એવું માનનારા સદાય અજ્ઞાનથી પરને અને રાગને જ આત્મા માની અશુદ્ધતાને અનુભવ્યા કરે છે. અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવ જ નીપજે એ ન્યાયે નવા કર્મના આસ્રવણનું નિમિત જે રાગદ્વેષમોહની સંતતિ તેનો નિરોધ નહિ થવાથી તેઓ અશુદ્ધપણાને- મલિનતાને જ અનુભવે છે.
કર્તાકર્મ અધિકારમાં દાખલો આવે છે કે-લોઢામાંથી લોઢાનાં જ હથિયાર થાય, લોઢામાંથી સોનાનાં હથિયાર ન થાય; વળી સોનામાંથી લોઢાનાં હથિયાર ન થાય, તેમ અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનભાવ જ થાય છે. અજ્ઞાની જીવ રાગદ્વેષને પોતાના માનીને અનુભવે છે તેથી એમાંથી રાગમય-અજ્ઞાનમય ભાવ જ ઉત્પન્ન થાય છે, તે અશુદ્ધપણાને જ પામે છે.
રત્નત્રયના રાગને એકત્વપણે અનુભવે તે અજ્ઞાન છે. દેવ-ગુરુ-શાસ્ત્રના શ્રદ્ધાન, ભક્તિ આદિના રાગને પોતાના માનીને અનુભવે તે મિથ્યાદર્શન મિથ્યાભાવ અને અજ્ઞાન છે. અરે ભાઈ! જેને શુદ્ધ આત્માનું જ્ઞાન નથી તેને વ્યવહારરત્નત્રય કેવાં? તેને વ્યવહારરત્નત્રય હોતાં નથી. વિકલ્પને પોતાનો માનીને અનુભવે ત્યાં તો મિથ્યાત્વ અને અસામાયિકનો ભાવ છે.
બાપુ! ધર્મ તો ધીરાનાં કામ છે. જે કોઈ રાગથી ભિન્ન પડીને આત્માને જ્ઞાનમય અનુભવે છે તેને શુદ્ધ આત્મા પ્રાપ્ત થાય છે અને જે કોઈ અજ્ઞાન વડે રાગને પોતાનો માની અનુભવે છે એને અશુદ્ધતા-મલિનતા પ્રાપ્ત થાય છે.
જુઓ, અહીં એમ ન કહ્યું કે કર્મના ઉદયથી આત્મા અશુદ્ધ થયો માટે તે અશુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે. અજ્ઞાનથી અશુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે એમ કહ્યું છે. કર્મ નિમિત્ત હો, પણ કર્મને લઈને અશુદ્ધતા અનુભવે છે એમ નથી.
PDF/HTML Page 1870 of 4199
single page version
પોતે કર્તા થઈને રાગને કરે છે, રાગરૂપ પરિણમે છે તો અશુદ્ધતાને પામે છે એમ વાત છે.
અજ્ઞાની જીવ રાગ મારું કર્તવ્ય છે અને રાગથી મને લાભ છે એમ માને છે. અને તેથી તેને રાગદ્વેષમોહના ભાવની સંતતિનો નિરોધ થતો નથી અર્થાત્ નવા નવા રાગદ્વેષમોહના ભાવો નિરંતર થયા જ કરે છે અને તે જ આસ્રવ-બંધ છે. જ્યારે જ્ઞાની-ધર્મી જીવ રાગરહિત જ્ઞાનમય આત્માને અનુભવતો હોવાથી તેને રાગદ્વેષમોહની સંતતિનો નિરોધ થાય છે અને તેથી તે શુદ્ધ આત્માને (પવિત્રતાને) ઉપલબ્ધ કરે છે અને એ જ સંવર છે. એ જ કહે છે-
‘માટે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી (અનુભવથી) જ સંવર થાય છે.’
અહાહા...! જેને સ્વભાવસન્મુખ દ્રષ્ટિ છે અને રાગથી ભિન્નતા થઈ છે તેને ધારાવાહી નિર્મળતા-પવિત્રતા પ્રગટ થાય છે. એને વર્તમાન કર્મનો સંવર થાય છે અને સંવરપૂર્વક પૂર્વ કર્મની નિર્જરા થાય છે.
ત્યારે કોઈ કહે કે-ભગવાને તપથી નિર્જરા કહી છે; અનશન, ઉણોદર ઇત્યાદિ કરવાથી તપ થાય છે અને એના વડે નિર્જરા થાય છે.
સમાધાનઃ– ભાઈ! જેને તું તપ કહે છે તે વાસ્તવિક તપ કયાં છે? એને તો ઉપચારથી તપ સંજ્ઞા કહી છે. એવું (બાહ્ય) તપ કાંઈ નિર્જરાનું કારણ નથી. ભાઈ! તપ કોને કહેવાય તેની તને ખબર નથી. ભગવાન આત્મામાં અંદર ઉગ્ર રમણતા થવી એનું નામ તપ છે અને તે સંવરપૂર્વક જ હોય છે. અહીં એ જ કહ્યું કે-રાગથી ભિન્ન શુદ્ધ આત્માના અનુભવથી રાગનું અટકવું થાય છે અને એ રાગનો નિરોધ થઈ સંવર થાય છે.
ત્યારે કેટલાક કહે છે-એ તો નિશ્ચયની વાત છે; વ્યવહાર પણ છે ને?
પણ ભાઈ! નિશ્ચય એટલે જ સત્ય. સમયસાર બંધ અધિકારમાં આવે છે કે જિનવરે કહેલો વ્રતાદિ બધો વ્યવહાર રાગ છે. જ્યાં સુધી પૂર્ણ વીતરાગતા ન થાય ત્યાં સુધી નિશ્ચયવંતને સાધકદશામાં એવો વ્યવહાર હોય છે પણ એ વ્રતાદિનો બાહ્ય વ્યવહાર છે આસ્રવ, બંધનું જ કારણ. ભાઈ! રાગ છે તે બંધનું જ કારણ છે.
અરે! આવું સત્ય બહાર આવ્યું તો વિરોધ ઊઠયા! ભગવાન ઋષભદેવની દિવ્યધ્વનિ છૂટી તે પહેલાં અસંખ્ય અબજ વર્ષથી એક સ્વર્ગની જ ગતિ ચાલી આવતી હતી. તે કાળે જુગલિયા મરીને સ્વર્ગમાં જ જતા. પણ જ્યાં દિવ્યધ્વનિ છૂટી ત્યાં પાંચેય ગતિ શરૂ થઈ ગઈ. જે પાત્ર જીવો હતા તેઓ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર
PDF/HTML Page 1871 of 4199
single page version
પ્રગટ કરીને મોક્ષ ગયા, બીજા સાધારણ જીવો હતા તેઓ પુણ્ય ઉપજાવીને સ્વર્ગ કે મનુષ્યમાં ચાલ્યા ગયા અને વાણીનો અને તત્ત્વનો વિરોધ કરનારા નરક અને તિર્યંચ થઈને નિગોદમાં ચાલ્યા ગયા. દિવ્યધ્વનિ છૂટવાના કાળમાં આમ થયું એટલે વ્યવહારે એમ કહેવાય પણ વાણીના કારણે આ થયું છે એમ નથી. એવી જ જીવોની યોગ્યતા હતી; વાણી તો નિમિત્તમાત્ર છે, વાણીથી લાભ કે નુકશાન થતું નથી. ભાઈ! માર્ગ તો આ છે, કોઈને બેસે, ન બેસે-એમાં સૌ સ્વતંત્ર છે.
વળી કોઈ કહે છે-કાર્ય કોઈ વાર ઉપાદાનથી થાય અને કોઈ વાર નિમિત્તથી થાય એમ અનેકાન્ત રાખો. કોઈ વાર વ્યવહારથી નિશ્ચય થાય અને કોઈ વાર ન થાય એમ અનેકાન્ત છે. તેને કહીએ છીએ કે ભાઈ! એવો અનેકાન્ત નથી, પણ એ તો ફુદડીવાદ છે. અહીં તો આ સ્પષ્ટ વાત છે કે શુદ્ધ આત્માના અનુભવથી જ સંવર થાય છે અને દયા, દાન આદિ શુભપરિણામથી કદી સંવર થતો નથી કેમકે તે શુભપરિણામ આસ્રવ છે. કાર્ય હંમેશાં ઉપાદાનથી જ થાય અને નિમિત્તથી ન થાય એ સમ્યક્ અનેકાન્ત છે.
‘જે જીવ અખંડધારાવાહી જ્ઞાનથી આત્માને નિરંતર શુદ્ધ અનુભવ્યા કરે છે તેને રાગદ્વેષમોહરૂપી ભાવાસ્રવો રોકાય છે તેથી તે શુદ્ધ આત્માને પામે છે.’
જોયું? ભાષા કેવી લીધી? અહા! અખંડ દ્રષ્ટિનો વિષય જે ત્રિકાળી શુદ્ધ આત્મા તેને દ્રષ્ટિમાં લઈ જે પરિણમ્યો તે અખંડ ધારાવાહી પોતાને શુદ્ધ જ અનુભવ્યા કરે છે. તેને રાગદ્વેષમોહરૂપી ભાવાસ્રવો રોકાય છે અર્થાત્ પ્રગટતા નથી. તેથી તે શુદ્ધ આત્માને-શુદ્ધતાને પામે છે અને એનું નામ સંવર છે.
‘અને જે જીવ અજ્ઞાનથી આત્માને અશુદ્ધ અનુભવે છે તેને રાગદ્વેષમોહરૂપી ભાવાસ્રવો રોકાતા નથી તેથી તે અશુદ્ધ આત્માને જ પામે છે.’
અજ્ઞાનીને ભાન નથી કે પોતાનો શુદ્ધ ચિદાનંદ ભગવાન રાગરૂપે કદીય થયો જ નથી. અહાહા...! પોતાનું પરમ ચૈતન્યનિધાન સંસારના ઉદયભાવરૂપ થયું જ નથી. આવું ભાન નહિ હોવાથી અજ્ઞાનીને રાગદ્વેષમોહરૂપ ભાવાસ્રવો રોકાતા નથી અર્થાત્ તે રાગાદિભાવે જ પરિણમે છે. તેથી તે અશુદ્ધ આત્માને અશુદ્ધતાને જ પામે છે. વ્યવહારના રાગને પણ જે પોતાના માની અનુભવે છે તે અશુદ્ધતાને એટલે કે મલિનતાને જ પામે છે, સંસારને જ પામે છે.
આ રીતે સિદ્ધ થયું કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી (અનુભવથી) જ સંવર થાય છે. લ્યો, આ કોઈ વાર શુભભાવથી પણ સંવર થાય છે એમ માનનારાઓની માન્યતા મિથ્યા છે એમ અહીં સ્પષ્ટ કર્યું.
PDF/HTML Page 1872 of 4199
single page version
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
‘यदि’ જો ‘कथमपि’ કોઈ પણ રીતે-તીવ્ર પુરુષાર્થ કરીને એટલે કે રાગથી ભિન્ન પડીને અંતર્દ્રષ્ટિ વડે ‘धारावाहिना बोधनेन’ ધારાવાહી જ્ઞાનથી-જેમ પાણીની ધાર ધારાવાહી છે તેમ રાગથી ભિન્ન પડેલું જ્ઞાન અખંડ ધારાવાહી જ્ઞાન છે તે વડે ‘शुद्धम् आत्मानम्’ શુદ્ધ આત્માને ‘ध्रुवम् उपलभमानः आस्ते’ નિશ્ચળપણે અનુભવ્યા કરે-એટલે કે હું પરમ શુદ્ધ પવિત્ર વીતરાગસ્વરૂપ ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા છું એમ જે નિરંતર ધારાવાહી અનુભવ્યા કરે ‘तत्’ તો ‘अयम् आत्मा’ આ આત્મા ‘उदयत्–आत्म–आरामम् आत्मानम्’ જેનો આત્માનંદ પ્રગટ થતો જાય છે અર્થાત્ જેની આત્મસ્થિરતા વધતી જાય છે એવા આત્માને ‘परपरिणतिरोधात्’ પર પરિણતિના નિરોધથી-રાગની દશાને રોકીને ‘शुद्धम् एव अभ्युपैति’ શુદ્ધ જ પ્રાપ્ત કરે છે. લ્યો, આ બહુ ટૂંકામાં કહ્યું કે જ્ઞાની અખંડધારાવાહી જ્ઞાનમય પરિણમનથી નિરંતર શુદ્ધ આત્માને અનુભવતો થકો રાગનો-વિકલ્પનો નિરોધ કરીને શુદ્ધ આત્માને જ પ્રાપ્ત કરે છે. આનું નામ સંવર છે.
‘ધારાવાહી જ્ઞાન વડે શુદ્ધ આત્માને અનુભવવાથી રાગદ્વેષમોહરૂપ પરપરિણતિનો (ભાવાસ્રવોનો) નિરોધ થાય છે અને તેથી શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે.’ રાગની એકતાબુદ્ધિમાં ધારાવાહી અશુદ્ધતાનો-પુણ્ય-પાપરૂપ વિકારનો અનુભવ હતો અને જ્યાં જ્ઞાન રાગથી ભિન્ન પડી શુદ્ધ આત્માને અનુભવવા લાગ્યું ત્યાં ધારાવાહી જ્ઞાનમય પરિણમન થયું, અને ત્યારે પુણ્યપાપરૂપ ભાવાસ્રવો અટકી જવાથી શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે. અહો! આવું ભેદજ્ઞાન અલૌકિક વસ્તુ છે.
અહા! આવા જ્ઞાનના સ્વરૂપને સમજ્યા વિના કોઈ માને કે અમે ધર્મ કરીએ છીએ તો તે બાહ્ય વ્રત, તપ, ત્યાગ આદિ ક્રિયાકાંડને જ જૈનધર્મ માને છે. તે માને છે કે વીતરાગનો ધર્મ નિવૃત્તિમય છે માટે જેટલી બાહ્ય પ્રવૃત્તિ મટીને નિવૃત્તિ થાય તેટલો ધર્મ. પણ ભાઈ! આ બધો ભ્રમ છે. સમકિત વિના કોઈ વ્રત કે તપ સાચાં હોતાં નથી. (રાગની રુચિથી નિવર્તવું તે સૌ પ્રથમ ધર્મ છે અને તેના વિના વ્રતાદિ સાચાં હોતાં નથી).
અહીં કહે છે-જ્યાં અંતરમાં રાગથી જ્ઞાન ભિન્ન પડયું ત્યાં શુદ્ધતાના પરિણમનની - જ્ઞાનમય પરિણમનની ધારા અખંડધારાવાહી ચાલે છે. ભલે સાથે કાંઈક અશુદ્ધતાનું પરિણમન હોય, પરંતુ શુદ્ધતાની ધારા તો નિરંતર ચાલે છે. અહાહા...! જ્ઞાનાનંદ-
PDF/HTML Page 1873 of 4199
single page version
સ્વભાવની નિર્મળ પરિણતિ જે પ્રગટ થઈ તેની ધારા તો અખંડ-અતૂટ રહે છે. એ જ કહે છે-
‘ધારાવાહી જ્ઞાન એટલે પ્રવાહરૂપ જ્ઞાન-અતૂટક જ્ઞાન. તે બે રીતે કહેવાય છેઃ- એક તો, જેમાં વચ્ચે મિથ્યાજ્ઞાન ન આવે એવું સમ્યગ્જ્ઞાન ધારાવાહી જ્ઞાન છે.’
શું કહ્યું આ? ઉપયોગ ભલે પરમાં હોય, પણ જેમાં મિથ્યાદ્રષ્ટિપણું ન આવે અને સમ્યગ્દર્શન રહે એવું જે સમ્યગ્જ્ઞાન તે ધારાવાહી જ્ઞાન છે, રાગથી ભિન્ન પડેલું જ્ઞાન ધારાવાહી અખંડ રહે છે. આત્મા રાગથી ભિન્ન છે એવું જેને અંતર્દ્રષ્ટિ વડે ભાન થયું તેને ભલે કિંચિત્ રાગ આવે પણ તેને જે શુદ્ધતા પ્રગટી છે તે અખંડ ધારાવાહી છે. મિથ્યાજ્ઞાન ન આવે ત્યાં સુધી ધારાવાહી જ્ઞાન છે. મિથ્યાત્વ ન આવે ત્યાં સુધી સમ્યગ્દર્શન-જ્ઞાનની ધારા ચાલે છે. આ એક પ્રકાર છે.
હવે બીજો પ્રકાર-‘બીજું એક જ જ્ઞેયમાં ઉપયોગના ઉપયુક્ત રહેવાની અપેક્ષાએ જ્ઞાનનું ધારાવાહીપણું કહેવામાં આવે છે, અર્થાત્ જ્યાં સુધી ઉપયોગ એક જ્ઞેયમાં ઉપયુક્ત રહે છે ત્યાં સુધી ધારાવાહી જ્ઞાન કહેવાય છે.’ પોતાનો એકરૂપ જે જ્ઞાયકભાવ તેને જ્ઞેય કહીએ; તેમાં જ ઉપયોગ સ્થિર થવાની અપેક્ષાએ જ્ઞાનનું ધારાવાહીપણું કહેવાય છે.
પહેલા પ્રકારમાં ઉપયોગની (ઉપયોગમાં સ્થિર રહેવાની) વાત નથી. ત્યાં સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન હોવાથી ભેદજ્ઞાનની-જ્ઞાનમય પરિણમનની ધારા અખંડ રહે છે.
બીજા પ્રકારમાં આત્મા પોતાના ધ્યાનમાં જ્ઞાતા, જ્ઞાન, જ્ઞેયના ભેદથી રહિત એક ઉપયોગમાં પડયો હોય-એમ આત્મામાં જ લીન હોય તેને ધારાવાહી જ્ઞાન કહે છે. આ બીજા પ્રકારમાં ઉપયોગની સ્થિરતાની વાત છે.
‘આની સ્થિતિ (છદ્મસ્થને) અંતર્મુહૂર્ત જ છે.’ છદ્મસ્થને તે ઉપયોગ અંતર્મુહૂર્ત જ રહે છે, વધારે નહિ; માટે એટલા કાળ માટે ધારાવાહી કહેવાય છે. ઉપયોગ અંદર ન રહી શકે ત્યારે ત્યાંથી બહાર આવી જાય છે એટલે ઉપયોગ ખંડિત થાય છે. માટે જ્યાંસુધી ઉપયોગ અંતરમાં લવલીન રહે ત્યાંસુધી ધારાવાહી જ્ઞાન કહેવાય છે.
આ બે અર્થમાંથી જ્યાં જેવી વિવક્ષા હોય તેવો અર્થ સમજવો.
અવિરત સમ્યગ્દ્રષ્ટિ વગેરે નીચેનાં ગુણસ્થાનવાળા અર્થાત્ ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનવાળા જીવોને ધારાવાહી સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન જેમાં કહ્યું તે પહેલી અપેક્ષા લાગુ પડે. ઉપયોગ કોઈક વાર જ અંતરમાં જાય છે એટલે ત્યાં ઉપયોગની અપેક્ષા લાગુ ન પડે.
શ્રેણી ચઢનાર જીવને મુખ્યત્વે બીજી અપેક્ષા લાગુ પડે. આમ તો તેને અબુદ્ધિપૂર્વકનો રાગ હોય છે પણ તેને ન ગણતાં મુખ્યપણે તેને ઉપયોગની અંતર-
PDF/HTML Page 1874 of 4199
single page version
એકાગ્રતા હોય છે એમ કહ્યું છે. આઠમા ગુણસ્થાનથી ઉપયોગની ધારા સ્થિર થાય; જ્યાં ઉપયોગ ગયો ત્યાં રહે, ત્યાંથી નીકળે નહિ એ અપેક્ષાએ ત્યાં ધારાવાહી જ્ઞાન છે.
ધર્મની ધારાના બે પ્રકારઃ-૧. ચોથા, પાંચમા, છઠ્ઠા ગુણસ્થાનવાળાને જે નિર્મળ સમ્યગ્જ્ઞાન પ્રગટયું તે ધારાવાહી છે. ભલે ઉપયોગ રાગમાં-પરમાં જાય પણ અંદર સમ્યગ્દર્શન- જ્ઞાન થયું છે તે ખસતું નથી.
૨. ઉપયોગરૂપ ધારા-નીચેના ગુણસ્થાનવાળાને (ચોથે, પાંચમે આદિ) ઉપયોગ અંદરમાં આવે, અંતર્મુહૂર્ત રહે અને પછી ખસી જાય છે.
આઠમે ગુણસ્થાનેથી ઉપયોગ અંદરમાં આવ્યો તે મુખ્યત્વે ખસી ન જાય પણ શ્રેણી ચઢીને કેવલજ્ઞાનને પામે. આઠમેથી ઉપયોગ ધારાવાહી રહે છે અને તે કેવલજ્ઞાનને પામે છે.
ભાઈ! તારું ખરેખર સ્વરૂપ નિત્યાનંદ ચિદાનંદમય છે. તેમાં એક જ વખત ઉપયોગ લાગે એટલે બસ. પછી ભલે થોડો વખત ઉપયોગ ખસી જાય તોપણ જે સમ્યગ્જ્ઞાન થયું તે તો અખંડ ધારાવાહી રહે છે. (પુરુષાર્થની ઉગ્રતા કરીને તે કેવળજ્ઞાનપણે પરિણમશે જ). આવી વાત છે.
PDF/HTML Page 1875 of 4199
single page version
केन प्रकारेण संवरो भवतीति चेत्–
दंसणणाणम्हि ठिदो इच्छाविरदो य अण्णम्हि।। १८७।।
ण वि कम्मं णोकम्मं चेदा चिंतेदि एयत्तं।। १८८।।
लहदि अचिरेण अप्पाणमेव सो कम्मपविमुक्कं।। १८९।।
दर्शनज्ञाने स्थितः इच्छाविरतश्चान्यस्मिन्।। १८७।।
नापि कर्म नोकर्म चेतयिता चिन्तयत्येकत्वम्।। १८८।।
लभतेऽचिरेणात्मानमेव स कर्मप्रविमुक्तम्।। १८९।।
હવે પૂછે છે કે સંવર કયા પ્રકારે થાય છે? તેનો ઉત્તર કહે છેઃ-
દર્શન અને જ્ઞાને ઠરી, પરદ્રવ્યઇચ્છા પરિહરી, ૧૮૭.
–નહિ કર્મ કે નોકર્મ, ચેતક ચેતતો એકત્વને, ૧૮૮.
બસ અલ્પ કાળે કર્મથી પ્રવિમુક્ત આત્માને વરે. ૧૮૯.
ગાથાર્થઃ– [आत्मानम्] આત્માને [आत्मना] આત્મા વડે [द्विपुण्यपापयोगयोः] બે પુણ્ય-પાપરૂપ શુભાશુભયોગોથી [रुन्ध्वा] રોકીને [दर्शनज्ञाने] દર્શનજ્ઞાનમાં
PDF/HTML Page 1876 of 4199
single page version
[स्थितः] સ્થિત થયો થકો [च] અને [अन्यस्मिन्] અન્ય (વસ્તુ) ની [इच्छाविरतः] ઇચ્છાથી વિરમ્યો થકો, [यः आत्मा] જે આત્મા, [सर्वसङ्गमुक्तः] (ઈચ્છારહિત થવાથી) સર્વ સંગથી રહિત થયો થકો, [आत्मानम्] (પોતાના) આત્માને [आत्मना] આત્મા વડે [ध्यायति] ધ્યાવે છે- [कर्म नोकर्म] કર્મ અને નોકર્મને [न अपि] ધ્યાતો નથી, [चेतयिता] (પોતે) ૧ચેતયિતા (હોવાથી) [एकत्वम्] એકત્વને જ [चिन्तयति] ચિંતવે છે-ચેતે છે- અનુભવે છે, [सः] તે (આત્મા), [आत्मानं ध्यायन्] આત્માને ધ્યાતો, [दर्शनज्ञानमयः] દર્શનજ્ઞાનમય અને [अनन्यमयः] ૨અનન્યમય થયો થકો [अचिरेण एव] અલ્પ કાળમાં જ [कर्मप्रविमुक्तम्] કર્મથી રહિત [आत्मानम्] આત્માને [लभते] પામે છે.
ટીકાઃ– જે જીવ રાગદ્વેષમોહ જેનું મૂળ છે એવા શુભાશુભ યોગમાં વર્તતા આત્માને દ્રઢતર (અતિ દ્રઢ) ભેદવિજ્ઞાનના અવલંબનથી આત્મા વડે જ અત્યંત રોકીને, શુદ્ધદર્શનજ્ઞાનરૂપ આત્મદ્રવ્યમાં સારી રીતે પ્રતિષ્ઠિત (સ્થિર) કરીને, સમસ્ત પરદ્રવ્યની ઇચ્છાના ત્યાગ વડે સર્વ સંગથી રહિત થઈને, નિરંતર અતિ નિષ્કંપ વર્તતો થકો, કર્મ-નોકર્મનો જરા પણ સ્પર્શ કર્યા વિના પોતાના આત્માને જ આત્મા વડે ધ્યાતો થકો, પોતાને સહજ ચેતયિતાપણું હોવાથી એકત્વનેજ ૩ચેતે છે (-જ્ઞાનચેતનારૂપ રહે છે), તે જીવ ખરેખર, એકત્વ-ચેતન વડે અર્થાત્ એકત્વના અનુભવન વડે (પરદ્રવ્યથી) અત્યંત ભિન્ન ચૈતન્યચમત્કારમાત્ર આત્માને ધ્યાતો, શુદ્ધદર્શનજ્ઞાનમય આત્મદ્રવ્યને પ્રાપ્ત થયો થકો, શુદ્ધ આત્માની ઉપલબ્ધિ (પ્રાપ્તિ) થતાં સમસ્ત પરદ્રવ્યમયપણાથી અતિક્રાંત થયો થકો, અલ્પ કાળમાં જ સર્વ કર્મથી રહિત આત્માને પામેછે. આ સંવરનો પ્રકાર (રીત) છે.
ભાવાર્થઃ– જે જીવ પ્રથમ તો રાગદ્વેષમોહ સાથે મળેલા મનવચનકાયાના શુભાશુભ યોગોથી પોતાના આત્માને ભેદજ્ઞાનના બળ વડે ચળવા ન દે, પછી તેને શુદ્ધદર્શનજ્ઞાનમય આત્મસ્વરૂપમાં નિશ્ચળ કરે અને સમસ્ત બાહ્ય-અભ્યંતર પરિગ્રહથી રહિત થઇને કર્મ-નોકર્મથી ભિન્ન પોતાના સ્વરૂપમાં એકાગ્ર થઇ તેને જ અનુભવ્યા કરે અર્થાત્ તેના જ ધ્યાનમાં રહે, તે જીવ આત્માને ધ્યાવાથી દર્શનજ્ઞાનમય થયો થકો અને પરદ્રવ્યમયપણાને ઓળંગી ગયો થકો અલ્પ કાળમાં સમસ્ત કર્મથી મુક્ત થાય છે. આ સંવર થવાની રીત છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ- _________________________________________________________________ ૧. ચેતયિતા = ચેતનાર; દેખનાર-જાણનાર. ર. અનન્યમય = અન્યમય નહિ એવો ૩. ચેતવું = અનુભવવું; દેખવું-જાણવું.
PDF/HTML Page 1877 of 4199
single page version
भवति नियतमेषां शुद्धतत्त्वोपलम्भः।
अचलितमखिलान्यद्रव्यदूरेस्थितानां
भवति सति च तस्मिन्नक्षयः कर्ममोक्षः।। १२८।।
શ્લોકાર્થઃ– [मेदविज्ञानशक्तया निजमहिमरतानां एषां] જેઓ ભેદવિજ્ઞાનની શક્તિ વડે નિજ (સ્વરૂપના) મહિમામાં લીન રહે છે તેમને [नियतम्] નિયમથી (ચોક્કસ) [शुद्धतत्त्वोपलम्भः] શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિ [भवीत] થાય છે; [तस्मिन् सति च] શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિ થતાં, [अचलितम् अखिल–अन्यद्रव्य–दूरे–स्थितानां] અચલિતપણે સમસ્ત અન્યદ્રવ્યોથી દૂર વર્તતા એવા તેમને, [अक्षयः कर्ममोक्षः भवति] અક્ષય કર્મમોક્ષ થાય છે (અર્થાત્ ફરીને કદી કર્મબંધ ન થાય એવો કર્મથી છુટકારો થાય છે). ૧ર૮.
હવે પૂછે છે કે સંવર કયા પ્રકારે થાય છે? સંવર એટલે ધર્મની પહેલી સીડી. અનાદિથી એને રાગની અશુદ્ધિ છે, તે અશુદ્ધિનો નિરોધ થઈ શુદ્ધિ કયા પ્રકારે થાય તેના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ-
‘જે જીવ રાગદ્વેષમોહ જેનું મૂળ છે એવા શુભાશુભ યોગમાં વર્તતા આત્માને દ્રઢતર (અતિ દ્રઢ) ભેદવિજ્ઞાનના અવલંબનથી આત્મા વડે જ અત્યંત રોકીને,.. .’
શું કહ્યું આ? કે શુભાશુભભાવનું મૂળ રાગદ્વેષમોહ એટલે મિથ્યાત્વ અને રાગદ્વેષ છે. મિથ્યાત્વ અને રાગદ્વેષ (પરદ્રવ્યો બધાં એક સરખાં જ્ઞેય છે તોપણ આ જ્ઞેય ઠીક અને આ અઠીક છે એવો ભ્રમ). તે શુભાશુભભાવની ઉત્પત્તિનું મૂળ છે. એવા શુભાશુભભાવમાં વર્તતા આત્માને અતિ દ્રઢ ભેદજ્ઞાનના અવલંબનથી આત્મા વડે જ અત્યંત રોકાય છે. શુભાશુભભાવ કેમ રોકાય? તો કહે છે કે રાગથી ભિન્ન પડેલા જ્ઞાને કરીને ભગવાન આત્માના આશ્રય વડે જ શુભાશુભભાવ રોકાય છે. શુભાશુભભાવમાં વર્તતા આત્માને રોકવો એ તો ઉપદેશની કથનશૈલી છે. ખરેખર તો ઉપયોગને આત્મામાં રોકવાથી-એકાગ્ર કરવાથી સંવર પ્રગટ થાય છે. અર્થાત્ આત્મા વડે આત્મામાં એકાગ્ર થતાં સંવર થાય છે.
આત્મા કેવો છે? શુદ્ધ દર્શનજ્ઞાનરૂપ ભગવાન આત્મા છે. આ દયા, દાન આદિના વિકલ્પ તે આત્મા નહિ, એ તો અનાત્મા છે. આત્મા કોને કહીએ? જે શુદ્ધજ્ઞાનદર્શન-
PDF/HTML Page 1878 of 4199
single page version
સ્વરૂપ-જ્ઞાતાદ્રષ્ટાસ્વરૂપ છે તે આત્મા છે. આવા પરમ પવિત્ર જ્ઞાનદર્શનરૂપ આત્મદ્રવ્યમાં સારી રીતે પ્રતિષ્ઠિત કરીને એટલે કે સ્થિત કરીને સંવર-નિજસ્વરૂપ પ્રગટ થાય છે. અહાહા...! આચાર્ય અંતરની કેવી વાત કરે છે! કે શુભાશુભભાવ જે અશુદ્ધ છે તેને ભેદજ્ઞાનના અભ્યાસથી રોકીને પોતાને જ્ઞાનસ્વરૂપ આત્મદ્રવ્યમાં સુપ્રતિષ્ઠિત-સુસ્થિત કરવાથી ધર્મ-સંવર પ્રગટ થાય છે. વળી કહે છે-
‘સમસ્ત પરદ્રવ્યની ઇચ્છાના ત્યાગ વડે સર્વ સંગથી રહિત થઈને,’...
જુઓ, પોતાના શુદ્ધ આત્મા સિવાય જે કોઈ પર આત્માઓ અને પરદ્રવ્યો છે તે સર્વની ઇચ્છાનો ત્યાગ જે કરે છે તેને ધર્મ પ્રગટ થાય છે.
ત્યારે માણસો કહે છે-આવું તો બાવો થાય ત્યારે થઈ શકે.
તેને કહીએ છીએ-ભગવાન! તું જ્યાં હોય ત્યાં પરથી રહિત જ તમારું સ્વરૂપ છે અર્થાત્ ખરેખર તું સ્વરૂપથી બાવો (પરદ્રવ્યથી રહિત) જ છો. પોતાના દ્રવ્યમાં નજર કરતાં જણાશે કે ઇચ્છા તારામાં છે જ નહિ, તો પછી તેને રોકવી-ત્યાગવી એ વાત કયાં રહી? અહાહા...! ભગવાન ચિદાનંદસ્વરૂપમાં સ્થિર થતાં ઇચ્છા ઉત્પન્ન થતી નથી એટલે ઇચ્છાને રોકી-ત્યાગી એમ કહેવાય છે. આ પ્રમાણે ઇચ્છાના-આસ્રવના નિરોધપૂર્વક સંવર પ્રગટ થાય છે.
જુઓ, દેવ-ગુરુ-શાસ્ત્ર-એ પણ પરદ્રવ્ય છે. એ સમસ્ત પરદ્રવ્ય પ્રત્યેની ઇચ્છાનો ત્યાગ કરતાં સર્વસંગરહિત થાય છે. અંતરમાં (અભિપ્રાયમાં) સર્વ રાગથી રહિત થવાનું નામ સર્વસંગરહિતપણું છે. દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યેનો શુભરાગ પણ કર્તવ્ય કે ભલો છે એમ નથી એમ અભિપ્રાય થતાં સર્વસંગરહિત થાય છે. વળી કહે છે-
જે ‘નિરંતર અતિ નિષ્કંપ વર્તતો થકો, કર્મ-નોકર્મનો જરા પણ સ્પર્શ કર્યા વિના પોતાના આત્માને જ આત્મા વડે ધ્યાતો થકો, પોતાને સહજ ચેતયિતાપણું હોવાથી એકત્વને જ ચેતે છે તે જીવ...’
અહાહા...! ભાષા તો જુઓ! અતિ નિષ્કંપ-નિશ્ચલ થયો થકો, વળી શરીર, મન, વાણી, કર્મ ઇત્યાદિનો જરા પણ સંગ કર્યા વિના, જરા પણ સ્પર્શ કર્યા વિના પોતાના શુદ્ધ જ્ઞાનદર્શનમય આત્માને જ શુદ્ધ પર્યાય વડે ધ્યાવે છે.
પોતે સહજ ચેતયિતા છે. પહેલાં દર્શનજ્ઞાનરૂપ કહ્યો હતો, અહીં બન્નેને ભેગા કરી ચેતયિતા કહ્યો. અહાહા...! ભગવાન આત્મા ચેતયિતા માત્ર ચેતનાર એટલે જાણનાર-દેખનાર છે; જગતનો બનાવનાર કે જગતમાં ભળનાર નથી. ગંભીર વાત છે પ્રભુ! પોતે જગતથી નિરાળો ભગવાન ચેતયિતા માત્ર ચેતનારો છે. સહજ ચેતયિતાપણું
PDF/HTML Page 1879 of 4199
single page version
હોવાથી એકત્વને જ ચેતે છે. જ્ઞાનસ્વરૂપી આત્મા એકલા જ્ઞાનને જ ચેતે છે-અનુભવે છે, પણ રાગને ચેતે છે-અનુભવે છે એમ નહિ.
ત્યારે કોઈ કહે છે-આ બધી મોટી મોટી વાતોમાં સૌ પહેલાં શું કરવું તે કહો.
ભાઈ! સૌ પહેલાં આ જ કરવાનું છે. સમયસાર ગાથા ૧૭-૧૮ માં એ જ કહ્યું છે કે- પ્રથમ આત્માને જાણવો. પહેલાં નય-નિક્ષેપથી જાણવું એમેય કહ્યું નથી; આત્માને જાણવો (અનુભવવો) એ પ્રથમ કર્તવ્ય છે. ભાઈ! તું ભગવાન આત્માને અનાદિથી ભૂલ્યો છું તેને પ્રથમ જાણ. ભગવાન! તેં તને ન જાણવાની ભૂલ કરી છે તે ભૂલ સુધારીને તું તને (-પોતાને) જાણ અને તેમાં એકાકાર થા.
જગતની બધી ચીજો પરજ્ઞેય છે. એમાં કોઈ ઠીક નથી, અઠીક પણ નથી. અહીં કહે છે- આત્માને સહજ ચેતયિતાપણું હોવાથી એકત્વને જ ચેતે છે. અહાહા...! તે બધા જ્ઞેયોને એકપણે- સમાનપણે પરજ્ઞેય તરીકે જાણે છે. ભગવાન પંચપરમેષ્ઠી ઠીક એવો ભેદ જ્ઞેયમાં નથી અને જાણનારના જ્ઞાનમાં પણ નથી. એકરૂપે બધી ચીજો જ્ઞેયપણે ભાસે છે, અર્થાત્ પોતે પોતાને ચેતતો-અનુભવતો થકો જ્ઞાન ચેતનાપણે રહે છે, જ્ઞેય પ્રતિ રાગને પ્રાપ્ત થતો નથી.
અહા! કર્મચેતના-રાગને કરવું અને કર્મફળચેતના-રાગને ભોગવવું-એ-રૂપે અનાદિથી પરિણમતો આવ્યો છે; પરંતુ એ તો સંસાર છે, દુઃખ છે. મોટો અબજોપતિ હોય, મોટો રાજા હોય કે મોટો સ્વર્ગનો દેવ હોય તોપણ તે કષાયને-દુઃખને જ વેદે છે. અહીં કહે છે કે-પોતાનો સહજ જાણવા-દેખવાનો સ્વભાવ છે તેમાં એકાગ્ર થઈ શુદ્ધ એકત્વના નિર્વિકલ્પ અનુભવ વડે તેને છોડી દે કેમકે ભગવાન આત્મામાં વિકલ્પ કે બીજી કોઈ ચીજ નથી.
અરે! આખો દિ’ બૈરાં-છોકરાં સાચવવામાં અને દુકાનના વેપાર-ધંધામાં -પાપની મજુરીમાં ગુંથાએલો અને ગુંચાએલો રહે અને એકાદ કલાક માંડ સાંભળવા જાય પણ તેથી શું વળે? ભાઈ! એ તો એરણની ચોરી અને સોયના દાન બરાબર છે. એમાં ધર્મ થવો તો એક બાજુએ રહ્યો, પુણ્ય પણ સારાં બંધાતાં નથી. અરેરે! મોહે જગતને મારી નાખ્યું છે! માટે અહીં કહે છે-મોહરહિત થઈને પરદ્રવ્યથી ભિન્ન નિજ ચૈતન્યચમત્કારને ધ્યાવો. જેની જ્ઞાનની દશામાં અનંતુ જાણવું થાય, જેના દર્શનમાં અનંતુ દેખવું થાય એવો ચૈતન્યચમત્કાર ભગવાન આત્મા છે. જગતના બીજા ચમત્કાર તો થોથેથોથાં છે. સમજાણું કાંઈ...?
અહાહા...! કહે છે-જે જીવ ભેદજ્ઞાનના અભ્યાસ વડે શુભાશુભભાવને રોકીને, સર્વસંગરહિત થઈને પોતે સહજ ચેતયિતા હોવાથી એકત્વને જ ચેતે છે તે જીવ,
PDF/HTML Page 1880 of 4199
single page version
‘ખરેખર એકત્વ-ચેતન વડે અર્થાત્ એકત્વના અનુભવન વડે અત્યંત ભિન્ન ચૈતન્યચમત્કારમાત્ર આત્માને ધ્યાતો, શુદ્ધદર્શનજ્ઞાનમય આત્માને પ્રાપ્ત થયો થકો, શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થતાં સમસ્ત પરદ્રવ્યમયપણાથી અતિક્રાન્ત થયો થકો, અલ્પકાળમાં જ સર્વ કર્મથી રહિત આત્માને પામે છે.’
અહાહા...! પરદ્રવ્યની ઇચ્છાથી જ્યાં ખસ્યો ત્યાં તે શુદ્ધજ્ઞાનદર્શનમય સ્વદ્રવ્યમાં વસ્યો અને ત્યારે તેને શુદ્ધ આત્મદ્રવ્યની ઉપલબ્ધિ થઈ. પરદ્રવ્યની દ્રષ્ટિ છોડીને અંતઃએકાગ્ર થતાં શુદ્ધ આત્માની પ્રાપ્તિ થઈ ત્યારે તે પરદ્રવ્યથી અતિક્રાન્ત થયો થકો-વેગળો પડયો થકો શુદ્ધસ્વરૂપમાં એવો મગ્ન થયો કે દ્રષ્ટિ અને જ્ઞાન ત્યાં જ (આત્મામાં જ) જામી ગયાં. એટલે ‘अचिरेण एव’ અલ્પકાળમાં જ તે પરમાત્મા થાય છે. આવી વાત છે. अचिरेण કહ્યું છે ને?
તો કોઈને પ્રશ્ન થાય કે આમાં ક્રમબદ્ધ કયાં રહ્યું?
અરે ભાઈ! આવી સ્થિતિ અંદરમાં થાય તેને કેવળજ્ઞાન પામવાને લાંબો કાળ હોય નહિ એમ અહીં કહે છે. આત્માનો અનુભવ કરે તેના ક્રમમાં કેવળજ્ઞાન લેવાને અલ્પકાળ જ હોય છે. તે અલ્પકાળમાં સર્વ કર્મથી રહિત આત્માને પામે છે. (આમાં ક્રમબદ્ધ વિરુદ્ધ તો કાંઈ નથી).
‘આ સંવરનો પ્રકાર છે.’ લ્યો, આ સંવર અને તેને પ્રગટ કરવાની રીત કહી.
‘જે જીવ પ્રથમ તો રાગદ્વેષમોહ સાથે મળેલા મનવચનકાયાના શુભાશુભ યોગોથી પોતાના આત્માને ભેદજ્ઞાનના બળ વડે ચળવા ન દે, પછી તેને શુદ્ધ દર્શનજ્ઞાનમય આત્મસ્વરૂપમાં નિશ્ચળ કરે અને સમસ્ત બાહ્ય-અભ્યંતર પરિગ્રહથી રહિત થઈને કર્મ-નોકર્મથી ભિન્ન પોતાના સ્વરૂપમાં એકાગ્ર થઈ તેને જ અનુભવ્યા કરે અર્થાત્ તેના જ ધ્યાનમાં રહે, તે જીવ આત્માને ધ્યાવવાથી દર્શનજ્ઞાનમય થયો થકો અને પર દ્રવ્યમયપણાને ઓળંગી ગયો થકો અલ્પકાળમાં સમસ્ત કર્મથી મુક્ત થાય છે.’
જુઓ, સ્ત્રી-કુટુંબ પરિવાર, ધનસંપત્તિ, રાજપાટ, દેવગુરુશાસ્ત્ર ઇત્યાદિ બધાં પરદ્રવ્યો છે. ખરેખર તો આત્મા સર્વ પરદ્રવ્યોથી સદા જુદો જ છે. પરંતુ અનાદિથી પરદ્રવ્યો પ્રતિ ઇચ્છા વડે તે મૂર્છિત છે. ભેદજ્ઞાનના બળ વડે જ્યારે તે તરફની ઇચ્છા છૂટી ગઈ ત્યારે તે બધા પરદ્રવ્યોથી છૂટી ગયો એમ અહીં કહ્યું છે. અહો! જુઓ આ મુનિદશા! સ્વરૂપમાં સ્થિત નિર્ગ્રંથ મુનિવરો આવા હોય છે. તેઓ સ્વરૂપમાં એકાગ્રચિત્ત થઈ, તેમાં જ ધ્યાન મગ્ન રહીને પરદ્રવ્યમયપણાને ઓળંગી જાય છે અને અલ્પકાળમાં સમસ્ત કર્મથી મુક્ત થાય છે.